Monday, February 01, 2010
ગાંધીવાદી નહીં એવા ગાંધીજનઃ ‘નાથજી’
ગાંધીજી મહાન હતા કે નહીં, એ હવે આટલા વર્ષે ચર્ચાનો વિષય ન હોવો જોઇએ. ગાંધીજીના મૃત્યુનાં ૬૨ વર્ષ પછી સૌથી વધારે જરૂર, તેમનાં વિવિધ પાસાંને ભક્તિ કે દ્વેષ વિના સમજવાની છે.
‘ગાંધીજીને જાણવા-સમજવાની શી જરૂર છે? અમને ઇતિહાસમાં રસ નથી.’ એવું ઘણાને લાગી શકે. પણ ગાંધીજીનું જીવન અને તેમનું વ્યક્તિત્વ કેવળ ભૂતકાળ નથી કે રાજકીય પક્ષોના દુરૂપયોગ માટે અનામત નથી. ભારતના નાગરિક, નેતા કે કાર્યકર- કોઇ પણ જણ માટે ગાંધીજીનું જીવન, તેમની મહત્તા અને તેમની મર્યાદાઓ માર્ગદર્શક બની રહે એવાં છે.
ગાંધીજીને સમજવાનો એક રસ્તો છેઃ સાથીદારો સાથેનો તેમનો વ્યવહાર. ‘સાથીદારોની બાબતમાં ગાંધીજી બહુ નસીબદાર હતા’ એવું કહીને, નસીબને જશ આપી શકાય તેમ નથી. વિશિષ્ટતાઓ અને વિચિત્રતાઓ ધરાવતી જાતજાતની ખોપરીઓને ગાંધીજી આકર્ષી શક્યા અને તેમની પાસેથી દેશ માટે ખપજોગું કામ કરાવી શક્યા, એ ગાંધીજીના દ્વેષીઓએ પણ સ્વીકારવી પડે એવી તેમની આવડત હતી. તેમાં વાક્ચાતુરી કે પોશાકનો નહીં, આચરણનો અને નિષ્ઠાનો પ્રભાવ હતો.
ગાંધીજીના ભક્તો-અનુયાયીઓ-સાથીદારોની યાદી લાંબી છે, પરંતુ ગાંધીજી સાથે પાયાના મતભેદ હોવા છતાં, તેમના સાથીદાર રહી શક્યા અથવા સાથીદાર બન્યા પછી પણ મતભેદો જાળવી શક્યા હોય એવાં નામ જૂજ છે. તેમાં કેદારનાથ (‘નાથજી’)નું નામ પહેલી હરોળમાં આવે.
ગાંધીજીથી ૧૪ વર્ષ નાના, મહારાષ્ટ્રમાં ઉછરેલા, વ્યાયામવીર અને અઘ્યાત્મ માર્ગના પ્રવાસી કેદારનાથ ૧૯૧૫ના કુંભમેળામાં સ્વયંસેવક તરીકે ગયા, ત્યારે દક્ષિણ આફ્રિકાથી તાજા ભારત આવેલા ગાંધી સાથે તેમની મુલાકાત થઇ. કેદારનાથે ગાંધીજીનું પુસ્તક ‘હિંદ સ્વરાજ’ વાંચ્યું હતું. તેમાં સૂચવાયેલી વિચારસરણી પણ તેમને માફક આવી હતી. કુંભમેળામાં નિવાસ વખતે કાઠિયાવાડી પોશાકમાં સજ્જ ગાંધીજીનું એકાદ પ્રસંગે પ્રવચન કેદારનાથે સાંભળ્યું, પણ આ માણસ ભવિષ્યમાં ભારતનો એકચક્રી નેતા બને એવું કોઇ લક્ષણ એ વખતે તેમને ન દેખાયું. ગાંધીજી અને તેમના સાથીદારોને ફળાહાર કરતા જોઇને કેદારનાથને એવું પણ લાગ્યું કે ‘હજુ તેમને હિંદુસ્તાનની ગરીબાઇની કલ્પના નહીં હોય.’
કેદારનાથજી અઘ્યાત્મના પરંપરાગત રસ્તે ફરી આવેલા. તેમાં કશો સાર નહીં જણાતાં માનવતા અને સદગુણ એ બે જ બાબતો પર તેમણે ઘ્યાન કેન્દ્રિત કર્યું. સંસાર છોડવાને બદલે, કર્તવ્ય કરતાં કરતાં જ અલિપ્તતા કેળવવી એ તેમનું ઘ્યેય બન્યું. એ જ ઘ્યેયને કારણે, ૧૯૧૬માં ગાંધીજીના કોચરબ આશ્રમ વિશે સાંભળ્યું, ત્યારે તે ગાંધીજી પાસે પહોંચ્યા. સાદું જીવન, નૈતિક શિક્ષણ અને દેશસેવા- આશ્રમની આ ત્રણ બાબતોથી તે આકર્ષાયા હતા.
કાકાસાહેબ કાલેલકર કેદારનાથના જૂના મિત્ર થાય. તેમણે ગાંધીજી સાથે નાથજીનો પરિચય કરાવ્યો. આશ્રમમાં રહીને નાથજી જુદા જુદા મુદ્દે તેમની સાથે ચર્ચા કરવા લાગ્યા અને તેમનું આચરણ નજીકથી જોવા લાગ્યા. પોતાનાં સંસ્મરણોમાં તેમણે નોંઘ્યું છે કે ‘હું તે સમયના અનેક દેશભક્તોના સંપર્કમાં આવ્યો હતો, પણ પંચમહાવ્રતોના આગ્રહ અને ખુદ પોતાના દીકરાઓને પણ પ્રચલિત શિક્ષણ ન આપતાં, તે ચારિત્ર્યવાન થાય એવો આગ્રહ સેવનાર બીજો કોઇ દેશભક્ત મારા જોવા-જાણવામાં આવ્યો ન હતો...તેમનું સાઘુત્વ જોઇને (હું) તેમના ભણી આકર્ષાવા લાગ્યો.’ (કેદારનાથઃ જીવનનાં કેટલાંક સંસ્મરણોઃ મૂળ મરાઠીના સંપાદકઃ ભાઉ ધર્માધિકારી, અનુવાદકઃ ગોકુળભાઇ દૌ. ભટ્ટ)
આકર્ષાવાનો અર્થ પોતાની બુદ્ધિને તાળું મારવાનો બિલકુલ ન હતો. આશ્રમમાં રોજ સવારે પ્રાર્થના થતી હતી, પણ ‘વિવેક અને સાધના’ના લેખક નાથજીએ વિવેક સાથે આશ્રમની ‘સાધના’માં ભાગ લેવાની ના પાડી દીધી. તેમણે ગાંધીજીને કહ્યું કે ‘મારી સાધના, અનુભવ અને મારી માનસિક અવસ્થાનો વિચાર કરતાં મને લાગે છે કે આવી રીતે પ્રાર્થના કરવી એ ખોટું બોલવા જેવું થાય.’ ગાંધીજીએ તેમની વિનંતી માન્ય રાખીને આશ્રમની પ્રાર્થનામાંથી તેમને મુક્તિ આપી.
મતભેદ આટલેથી અટકતા ન હતા. દૂધ અને દૂધની વાનગીઓ ન લેવી, દવા ન લેવી, કેવળ નિસર્ગોપચાર, બળીયા ન ટંકાવવા- આવા અનેક મુદ્દે નાથજી ગાંધીજી સાથે અસંમત હતા. તેમની સાથેની ચર્ચામાં મતભેદો વ્યક્ત પણ કરતા. રાજકારણમાં પણ અહિંસક રીતે સ્વરાજ લેવા વિશે નાથજીને શંકા હતી. નાથજી લખે છે કે ‘આ બધી બાબતોમાં બાપુજીનો મત અડગ હતો...તે મત તેમણે બદલ્યો નહીં અને તેમનો મત મને પણ માન્ય થયો નહીં. આગળ જતાં આશ્રમના રહેવાસીઓની તબિયત બગડવા લાગી, ત્યારે (જેમને જરૂર હોય તેમને) દૂધ અને દૂધના પદાર્થ લેવાની છૂટછાટ મૂકવામાં આવી. બળીયાના ઉપદ્રવ વખતે બે-ત્રણ બાળકોનાં મૃત્યુ પછી ગાંધીજીએ રસીની પરવાનગી પણ આપી.’
ગાંધીજી વિશે તેમના કોઇ સાથીદાર ભાગ્યે જ દાખવી શકે એટલી તટસ્થતા દર્શાવીને નાથજીએ લખ્યું છે,‘વૈરાગ્યયુક્ત દેશભક્તિમાં (મને) કંઇ નવું લાગ્યું નહીં. ઠીક ઠીક વર્ષોની આઘ્યાત્મિક સાધનાથી મારા મનમાં એક પ્રકારની સ્થિરતા અને શાંતિ તો હતાં જ. તે કારણે મને મહાત્માજીના આઘ્યાત્મિક વિચારોમાં પણ ખાસ આકર્ષણ દેખાયું નહીં. પરંતુ તેમનું ચારિત્ર્ય, આઘ્યાત્મિક ઘ્યેય માટેની ઉત્કંઠા, દેશ માટે જ નહીં, સમગ્ર માનવસમાજ પરનો તેમનો પ્રેમ, સત્યનિષ્ઠા, સત્યપ્રાપ્તિ માટે અને સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટેનો તેમનો કર્મયોગ, સહિષ્ણુતા, હિંમત, ધીરજથી-વિચારપૂર્વક સમજીને આનંદ સાથે જેલમાં જવાની તૈયારી વગેરે ગુણો જોઇને તેમના વિશે મારા મનમાં પરમ આદર પેદા થયો. છતાં જીવનસર્વસ્વ તેમને અર્પણ કરવું એવો ભાવ મારા મનમાં ઉદભવી શક્યો નહીં...બાપુજી વિશે મારા મનમાં અત્યંત આદર હતો. છતાં હું તેમનો ભક્ત થઇ શક્યો નહીં.’
નાથજી વરસમાં છ મહિના આશ્રમમાં રહેવા આવતા. એ વખતે ગાંધીજી સાથે અનેક મુદ્દે ચર્ચા થતી. રાજકીય ક્ષેત્રે ગાંધીજી વઘુ સક્રિય થયા, ત્યારે નાથજીએ કદી સત્યાગ્રહમાં ભાગ ન લીધો, પણ રચનાત્મક કાર્યોમાં સાથે રહ્યા. ગાંધીજીએ કદી નાથજી પર પોતાની અપેક્ષાઓનો ભાર નાખ્યો નહીં. તેમણે કહ્યું હતું,‘નાથજી આશ્રમમાં ફક્ત હાજર હોય એ જ તેમનું કામ. એ બીજું કંઇ નહીં કરે તો પણ ચાલશે.’
માંદાંની સેવા કરવાની નાથજીની પ્રવૃત્તિના ગાંધીજી પ્રશંસક હતા, તો નાથજીને પ્રિય વ્યાયામ વિશે ગાંધીજી સાવ બીજા છેડાનો મત ધરાવતા હતા. એ કહેતા કે ‘વ્યાયામ કરવાથી માણસ ગુંડો થાય છે.’ નાથજી સામી દલીલ કરતા,‘શું હું ગુંડો છું?’ આગળ જતાં ગાંધીજીએ વ્યાયામ વિશે પોતાનો વિરોધ પડતો મૂકીને રચનાત્મક કાર્યોમાં વ્યાયામને સ્થાન આપવાનું કબૂલ્યું હતું, પણ નાથજીની નોંધ પ્રમાણે ‘આ વિચારો સ્પષ્ટ રીતે લોકો સુધી આવે તે પહેલાં ૧૯૪૨નું હિંદ છોડો આંદોલન શરૂ થયું અને એ વાત થઇ શકી નહીં.’
નાથજી સાથેના અભિપ્રાયભેદ છતાં, તેમના વિશે ગાંધીજીને કેવો ઊંચો અભિપ્રાય હતો તેનું એક ઉદાહરણઃ ૧૯૪૨ના જેલવાસમાંથી બહાર આવ્યા પછી પૂણેમાં ગાંધીજીએ ઘણા દિવસ મૌન પાળ્યું. એ વખતે દિવસમાં ફક્ત બે કલાક તે મૌન છોડતા અને તેમાંથી એક કલાક નાથજી સાથે વાતો કરતા. નાથજી લખે છે,‘પોતાના કરતાં ઉતરતા દરજ્જાની વ્યક્તિના પણ ગુણને મહત્ત્વ આપીને, તેને આગળ કરીને, સાર્વજનિક હિતના કામ માટે તેનો ઉપયોગ કરવાની કળા કે સદગુણ ગાંધીજી પાસે હતાં. મારી સાથેના તથા બીજા અનેક સાથેના તેમના વર્તન પરથી મને આ બાબતની ખાતરી થઇ છે.’
ગાંધીજીના બીજા સાથીદારો કરતાં જુદી માટીના બનેલા નાથજીને ગાંધીજીના મહાત્માપદનો સાક્ષાત્કાર કયા પ્રસંગે થયો? તેમણે નોંઘ્યું છે કે દાંડીકૂચના આરંભ વખતે અફાટ જનસમુદાય ભેગો થયો હતો. ગાંધીજી ભારતના એકમાત્ર નેતા ગણાતા હતા. જો એ ખરેખરા મહાત્મા ન હોત તો અહંકારથી ફુલાઇ ગયા હોત. પણ દાંડીકૂચ જેવા મહત્ત્વના અને કટોકટીના પ્રસંગે પણ, કૂચ શરૂ થતાં પહેલાંની છેલ્લી ઘડીએ આશ્રમમાં રહેતા એક ગરીબ કુટુંબની માંદી દીકરીની મુલાકાતે ગયા... આવા અનેક પ્રસંગો મેં તેમના જીવનમાં જોયા છે અને તે પરથી મને લાગ્યું છે કે બાપુજીની યોગ્તયા પૂરેપૂરી ઓળખવી કે પારખવી એ અત્યંત અઘરૂં કામ છે.’
કિશોરલાલ મશરૂવાળા જેવા સાધકના આઘ્યાત્મિક માર્ગદર્શક અને ગાંધીજીના સાથીદાર ઉપરાંત એ યુગના એક સ્વતંત્ર વ્યક્તિત્વ તરીકે કેદારનાથજીનું સ્થાન મહત્ત્વનું છે. પોતાને અઘ્યાત્મમાં રસ છે એવું માનનારા લોકોએ ગાંધીજી માટે નહીં તો અઘ્યાત્મ માટે પણ ‘વિવેક અને સાધના’ તથા ‘વિચારદર્શન’ જેવાં પુસ્તકો દ્વારા કેદારનાથજીનો પરિચય કેળવવા જેવો છે. તેમના વિચારના પરિચયમાં આવ્યા પછી, નાથજીને યાદ કરવા માટે ગાંધીજીની જરૂર પણ નહીં પડે.

Labels:
Gandhi/ગાંધી,
history/ઇતિહાસ,
religion
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment