Wednesday, October 30, 2013

જવાહરલાલ નેહરુનો કાલ્પનિક ઇન્ટરવ્યુ

એક જ સંતાન, એ દીકરી અને તે પણ એ જમાનામાં જ્યારે એક પુત્ર માટે ઘરમાં સંખ્યાબંધ પુત્રીઓની લાઇન લાગી જતી હતી- આવા પિતા અને રાષ્ટ્રના ‘ચાચા’ જવાહરલાલ નેહરુનો પખવાડિયા પછી જન્મદિવસ આવશે, ત્યારે ‘કૃતજ્ઞ રાષ્ટ્ર તેમને શ્રદ્ધાંજલિસુમન અર્પણ’ કરશે- એટલે કે કોંગ્રેસની આગેવાની હેઠળની સરકાર લાખો રૂપિયાના ખર્ચે છાપાંમાં પાનાં ભરીને જાહેરખબરો આપશે અને ‘કૃતજ્ઞ રાષ્ટ્ર’ની તિજોરીમાંથી થોડાં કાવડિયાં ઓછાં કરશે. બાકીના લોકોમાંથી ઘણા ગાળો દેવા માટે નેહરુની જન્મતિથી-મૃત્યુતિથીની રાહ જોતા નથી. તે નેહરુની બેફામ ટીકાને રાષ્ટ્રભક્ત હોવા માટેની પહેલી અને એકમાત્ર શરત ગણે છે.

કોંગ્રેસ કુટુંબભક્તિની પરંપરાને કારણે જવાહરલાલને ફૂલ ચડાવે છે અને ભાજપ એકંદરે બૌદ્ધિકતાવિરોધી પરંપરાને કારણે તેમને સાવ ઘુત્કારી કાઢે છે. પણ ખુદ નેહરુ આ બાબતે શું અનુભવતા હશે? અને વર્તમાન ભારત વિશે તેમને શું કહેવાનું હશે? અત્યારના કોઇ પત્રકારને તે ઇન્ટરવ્યુ આપે તો એ કેવો હોય?

એમ વિચારીને બે મિનીટ આંખ બંધ કર્યા પછી જોયું તો સામે નેહરુ ઊભા હતા. હકીકતમાં ઊભા ન હતા, પણ તેમની વિખ્યાત તસવીર પ્રમાણે શીર્ષાસનની મુદ્રામાં હતા. જમીન પર બે હાથની હથેળીઓ વચ્ચે ટેકવેલું માથું, જવાહર જાકીટ, ચુડીદાર અને હવામાં લહેરાતા ખુલ્લા બે પગ. તેમની સામે એક પત્રકાર ઊભો હતો. નેહરુએ  પગના પંજા હલાવીને પત્રકારનું અભિવાદન કર્યું અને સવાલ પૂછવા ઇશારો કર્યો.

પ્ર : અરે..અરે... પંડિતજી, આ શું?

નેહરુ : (શીર્ષાસન છોડ્યા વિના)  આ સરદારે મને શીખવાડ્યું છે. એ એ કહેતા હતા કે દુનિયાને સીધી રીતે સમજવી હોય તો તેને આ રીતે જોવી

પ્ર : યુ મીન, સરદાર જોડે તમારે એટલા સારા સંબંધ છે? અમને તો એમ કે તમારે બોલવાનો વ્યવહાર નહીં હોય ને જ્યારે ગાંધીજી પાસે ભેગા થઇ જાવ ત્યારે એકબીજા સામે જોઇને કાતરિયાં ખાતા હશો.

નેહરુ : કેવી મૂર્ખામીભરી વાત છે. આવી વાહિયાત વાતો ફેલાવવાનું હજુ એ લોકોએ ચાલુ રાખ્યું છે? સરદાર તો મારા મોટા ભાઇ જેવા છે. હું મોટાંને બહુ ગાંઠું નહીં એ જુદી વાત છે. ખાતરી ન થતી હોય તો બાપુને પૂછી જોજે.

પ્ર : એ તો બરાબર, પણ તમે શીર્ષાસન છોડીને સરખા બેસો તો વાત કરવાની કંઇ મઝા આવે. મને શીર્ષાસન આવડતું નથી. નહીંતર હું એ સ્થિતિમાં તમારો ઇન્ટરવ્યુ કરત.

નેહરુ : હળાહળ જૂઠાણું. માછલીને તરતાં શીખવવું પડે તો મીડિયાવાળાને શીર્ષાસન શીખવવું પડે. તમારો સ્વાર્થ હોય ત્યારે તો તમે કાચી સેકન્ડમાં શીર્ષાસન કરી નાખો છો કે નહીં? મને બધી ખબર છે.

પ્ર : તમારી સેન્સ ઓફ હ્યુમર સારી છે.

નેહરુ : પ્રમાણપત્ર આપવા બદલ ધન્યવાદ, પણ તું બહુ મોડો છું. તારો જન્મ પણ નહીં થયો હોય ત્યારે એડવિનાએ  મને આ કહી દીઘું હતું. પદ્મજાએ તો વળી એડવિનાથી પણ પહેલાં અને મૃદુલા...

પ્ર : બસ, બસ, મારા ભારતીય સંસ્કૃતિપ્રેમી જીવથી એક નેતાનું આવું નૈતિક અધઃપતન સહન નહીં થાય.

નેહરુ : અલ્યા ડફોળ, તું ‘ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ના લેખકને ભારતીય સંસ્કૃતિ અને તેના અધઃપતનનાં ભાષણ આપે છે? તારે ઇન્ટરવ્યુમાં જે પૂછવું હોય તે પૂછવા માંડ - અને આવ્યો છું તો એ પણ જાણી લે કે સ્ત્રી-મિત્રો એક જ પ્રકારની હોતી નથી- અને સ્ત્રીઓ આપણી મિત્ર ન હોય, તો એની દાઝ સ્ત્રી-મિત્રો ધરાવતા લોકો પર ન કાઢીએ.

પ્ર : પંડિતજી, તમે તો ગરમ થઇ ગયા. આપણે બીજી વાત કરીએ. ભારતના વડાપ્રધાન તરીકે તમારી લોકપ્રિયતા કેવી હતી?

નેહરુ : (ગૌરવપૂર્ણ સ્મિત સાથે) તારી પેઢીના લોકોને કદાચ ખબર નહીં હોય. ચૂંટણીમાં મારા નામે થાંભલો પણ ચૂંટાઇ આવે એવું કહેવાતું હતું.

પ્ર : માત્ર કહેવાતું નહીં હોય. દેશની ત્યાર પછી જે દશા થઇ એ જોતાં લાગે છે કે ઘણા થાંભલા ચૂંટાઇ પણ આવ્યા હશે.

નેહરુ : તું સામ્યવાદી છે?

પ્ર : ના, મારી વાત છોડો. હું તો નોકરીવાદી છું. પણ તમારી ઓળખાણ મારે કેવી રીતે આપવી જોઇએ? સામ્યવાદી? સમાજવાદી? ગાંધીવાદી? સૌંદર્યવાદી? વિવેકબુદ્ધિવાદી? મૂડીવાદી? મૂડવાદી?..

નેહરુ : આટલા બધા વાદનો ખડકલો કરવાને બદલે સીધેસીઘું કહી દીઘું હોત કે હું ‘નેહરુવાદી’ છું, તો હું એ સ્વીકારી લેત, વાત ટૂંકમાં પૂરી થાત અને તને સાચો જવાબ પણ મળી જાત- જો તારે જોઇતો હોત તો.

પ્ર : તમારી નિખાલસતા માન થાય એવી છે- અને મને ખાતરી છે કે આ વાત પણ મારા પહેલાં એડવિના, પદ્મજા અને મૃદુલા કહી ચૂક્યાં હશે- પણ એટલે એક સવાલ પૂછવાની હિંમત થાય છે. તમે દેશમાં વંશપરંપરાગત શાસન કેમ સ્થાપ્યું? તમે તો મહાન લોકશાહીવાદી કહેવાતા હતા.

નેહરુ : તું લાગે છે એવો નથી. સ્માર્ટ છે, પણ સ્માર્ટ હોવું અને સાચા હોવું એ બે જુદી વાતો છે, એવું તને હજુ સુધી તારી કે તારા કોઇ મિત્રે નથી કહ્યું?

પ્ર : માફ કરજો પંડિતજી, પણ આવી બધી ગોળગોળ વાતો ન કરો. મારે જવાબ જોઇએ છીએ.

નેહરુ : હું જવાબ જ આપી રહ્યો છું. તને કોણે કહ્યું કે વંશપરંપરાગત શાસન મેં શરૂ કર્યું? હું કંઇ ઇન્દુને ગાદીએ બેસાડીને ગયો ન હતો. મારા અવસાન પછી લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા હતા...એટલે જ કહું છું કે સ્માર્ટનેસ અને સચ્ચાઇ બે જુદી ચીજો હોઇ શકે છે.

પ્ર : તો એ કહો કે તમે કાશ્મીરનો મુદ્દો કેમ આંતરરાષ્ટ્રિય બનાવ્યો?

નેહરુ : કહું છું. એ પણ કહું છું. પહેલાં પેલી વંશપરંપરાવાળી વાત પૂરી કરી લઇએ? કે પછી એનો અનુકૂળ જવાબ ન મળ્યો એટલે તેને ગુપચાવી દેવી છે?

પ્ર : પત્રકારો સાથે તમે બહુ કડકાઇથી પેશ આવો છો. મેં તો સાંભળ્યું હતું કે તમે મઝાના માણસ છો. બટનહોલમાં લાલ ગુલાબ ખોસો છો..તમારા જમાનામાં તમે ફિલ્મી હીરોને ટક્કર મારો એવા હતા. દેવ આનંદ, દિલીપકુમાર ને રાજ કપુર તમારી જોડે ફોટો પડાવીને ધન્યતા અનુભવતા હતા..

નેહરુ : નોકરીમાં તું સાહેબની બહુ નજીક રહેતો લાગે છે.

પ્ર : કેમ?

નેહરુ : તને મસકા મારતાં અને ફેરવી તોળતાં સરસ આવડે છે.

પ્ર : (પરાણે હસીને) તમે મારા કાશ્મીરવાળા સવાલનો જવાબ ન આપ્યો. હું નહીં, આખો દેશ એ જાણવા માગે છે.

નેહરુ : પણ દેશનો મત વ્યક્ત કરવાના કોન્ટ્રાક્ટમાં ફક્ત પેલા અર્નબ ગોસ્વામીનું ટેન્ડર જ પાસ થયું છે, એવું સરદાર કહેતા હતા.

પ્ર  ઃ ઓહો, તમે અર્નબને ઓળખો? વાઉ.

નેહરુ : સારી રીતે. એટલે તો એના શો પર તે મને જોયો કદી? વાઉ, વાઉ.

પ્ર : હા, પણ આપણે કાશ્મીરની વાત કરતા હતા.

નેહરુ : આપણે નહીં, તું. છતાં અત્યારે વિચારતાં લાગે છે કે કાશ્મીરમાં કાચું કપાયું. સરદાર તો ત્યારે જ કહેતા હતા.

પ્ર : એટલે જ અમે કહીએ છીએ કે સરદારને વડાપ્રધાન બનાવવા જેવા હતા.

નેહરુ : પણ એ ન થયું. બાપુની એવી ઇચ્છા હતી.

પ્ર : બાપુની બીજી ઘણી ઇચ્છાઓ હતી. એ તમે કેમ આટલી જ ગંભીરતાથી ન સ્વીકારી?

નેહરુ : કારણ કે હું બાપુ નથી.

પ્ર : હા, તમે તો ચાચા છો.

નેહરુ : મને સખત ત્રાસ થાય છે ‘ચાચા’ તરીકે ઓળખાવાથી. મારાં મિત્રોને કેવું લાગશે એનો વિચાર કોઇ કરતું નથી... ‘ચાચા’ સાંભળીને એવું લાગે છે, જાણે હું બાળકોનો નેતા હોઉં.

પ્ર : બાળકો પરથી યાદ આવ્યું. રાહુલ ગાંધી વિશે તમારું શું માનવું છે? નેહરુ ઃ ઇન્દુનો પૌત્ર ને? દેખાદેખીમાં ડાયલોગબાજી પર ન ઉતરી આવે ત્યારે એ સજ્જન છોકરો લાગે છે.

પ્ર : એમ નહીં. તમારે અત્યારે મત આપવાનો હોય તો તમે કોને મત આપો?

નેહરુ : હું હોઉં તો... (ઉત્સાહથી) હું પોતે જ ઊભો ન હોઉં? પછી બીજા કોઇને મત આપવાનો સવાલ જ ક્યાં રહ્યો?

(એ જવાબ સાંભળીને આંચકાથી આંખ ખુલી જાય છે અને ઇન્ટરવ્યૂ પૂરો.)

નોંધ - આ લેખ ગયા શનિવારે એટલે કે સરદારની અંતિમ યાત્રાનો વિવાદ થયો તે પહેલાં લખાયો હતો. 

Thursday, October 24, 2013

રાણા પ્રતાપ અને ચેતક : આઘુનિક ઇન્ટરવ્યુ

પાઠ્યપુસ્તકોમાં આવતાં ઐતિહાસિક પાત્રો વિશે વિચારતાં હંમેશાં માન કે ત્રાસની લાગણી થાય એવું નથી. ઘણી વાર તેમના વિશે સહાનુભૂતિ થાય છે. દા.ત. બિચારા શિવાજી. અડધી જિંદગી તેમણે પહાડોમાં ભટકવામાં વીતાવી, પહાડોમાં જ સૈન્ય તૈયાર કર્યું, તેને તાલીમ આપી, કિલ્લા જીત્યા, પણ ‘ટાઇમ’ના કવર પર તો ઠીક, જ્ઞાતિના મેગેઝીનમાં પણ તેમનો ફોટો છપાયો નહીં કે તેમના વિશે બે સારા શબ્દો છપાયા નહીં.

તેમની સામેની છાવણીમાં રહેલા ઔરંગઝેબે પણ શું ધાડ મારી લીધી? દખ્ખણમાંથી શિવાજીને હંફાવી ન શક્યા ને એકેય  મેગેઝીનમાં ‘ઔરંગઝેબ સાથે એક દિવસ’ જેવું ફોટોફીચર પણ છપાવી ન શક્યા. એવા રાજપાટને શું કરવાનું? ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ તો શિવાજી-ઔરંગઝેબના પ્રમાણમાં નવાં કહેવાય, પણ તેમનું એકેય ફોટોશૂટ તો ઠીક, ઠેકાણાસરનો ફોટો પણ જોવા મળતો નથી. ફેસબુક પર તેમના નામે ભળતાસળતા ફોટા ફરતા હોય છે. ઝાંસીનાં રાણીને એકેય મહિલા મેગેઝીન કે મહિલા પૂર્તિના કવર પર ચમકવા ન મળ્યું, એ ભારતનું જેવુંતેવું દુર્ભાગ્ય છે?

આ પ્રકારના અફસોસાત્મક સિલસિલાનો અંત નથી. જેટલું વઘુ વિચારીએ, એટલી ઐતિહાસિક પાત્રો માટે દયા આવે અને થાય કે બિચારાં આટલાં મહાન હોવા છતાં, તેમને કેવળ શુષ્ક ઇતિહાસકારોથી કે રૂપિયા ખાતર પ્રશંસા કરતા કવિઓથી જ ચલાવી લેવું પડ્યું. હવે ઇતિહાસ કોઇ વાંચતું નથી અને કવિતા હવે બધા જ લખે છે. એ સંજોગોમાં આ પાત્રો વધારે સારા કવરેજનાં હકદાર હતાં એવું નથી લાગતું? તેમના પ્રત્યેની વિશુદ્ધ અનુકંપાથી પ્રેરાઇને અહીં એક કાલ્પનિક ફીચર અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. તેના કેન્દ્રસ્થાને છે : મહારાણા પ્રતાપ અને તેમનો પ્રતાપી અશ્વ ચેતક.

મુખ્ય ધારાનો કોઇ પત્રકાર આ એસાઇનમેન્ટ માટે ગયો હશે ત્યારે કેવી સ્થિતિ સર્જાઇ હશે? તેનો કલ્પનાની આંખે દેખ્યો અહેવાલ.

***

મેવાડ દુર્ગમ પહાડી અને ગીચ જંગલોની ભૂમિ છે. રાણા પ્રતાપના કિલ્લા સુધી પહોંચતી વખતે ટ્રાફિક નડતો નથી. રસ્તો એકંદરે સરસ છે, પણ હમણાં જ વરસાદ પડી ગયો હોવાથી એક ઢોળાવ પાસે બે ઘોડા અથડાઇને લપસી પડ્યા હતા. ત્યાં મોટું ટોળું ભેગું થયું હતું.   અથડાયેલા ઘોડામાંથી એક રાણા પ્રતાપના એક સરદારના જમાઇનો હતો. તેનો સવાર નુકસાની લીધા વિના હટવાની ના પાડતો હતો. થોડી વાર પછી તેને કહેવામાં આવ્યું કે સામેનો ઘોડો રાણા પ્રતાપના ખાસ અશ્વ ચેતકનો દૂરનો સગો છે. એટલે વાત ત્યાં જ આટોપાઇ ગઇ. પણ આ બબાલમાં હું રાણા પાસે એપોઇન્ટમેન્ટના ટાઇમ કરતાં મોડો પહોંચ્યો.

રાણા તેમના પરંપરાગત પોશાકમાં સજ્જ હતા. મને જોઇને તેમણે ‘જય મેવાડ’ કહીને હાથ મિલાવ્યા અને મારું આવવાનું પ્રયોજન પૂછ્‌યું.

મેં ગોળગોળ જવાબ આપ્યો. એટલે રાણાએ કહ્યું,‘જુઓ, અકબર વિશે તમે મને કશું ન પૂછો એ જ સારું છે. અગાઉ બે વાર તમે મારો ઇન્ટરવ્યુ લઇ ગયા છો, પણ એકેય વાર એ છપાયા નથી. તમારે ‘અકબર બહુ મહાન છે’ એવી સ્ટોરી કરવી હોય તો મહેરબાની કરીને કોઇ બીજો માણસ શોધી લો. માનસિંહનું સરનામું આપું?’

મેં ચોખવટ કરતાં કહ્યું,‘ના, આ વખતે તમારી સ્ટોરીમાંથી એકેય લાઇન નહીં કપાય, કારણ કે તેના કેન્દ્રમાં ચેતક છે.’

હકીકતમાં મને મૂંઝવણ એ જ થતી હતી કે ‘તમારા વિશે રાજકીય અહેવાલ નહીં, પણ ચેતક વિશે નિર્દોષ ફીચર લખવા આવ્યો છું’ એવું રાણાને કેવી રીતે કહેવું? પણ રાણાના સવાલથી એ મૂંઝવણ ટળી ગઇ. ઉલટું, પોતાના પ્રિય અશ્વ ચેતકનું નામ સાંભળીને - કે પછી આ સ્ટોરી ખરેખર છપાશે એ વિચારે- રાણાના મુખ પર પ્રસન્નતાની લહેરખી દોડી ગઇ. ગૌરવથી તેમણે બેઠક પાછળ લટકતા ચેતકના પૂરા કદના પોસ્ટર ભણી જોયું.

તેમનો મૂડ જોઇને મેં ઇન્ટરવ્યુ ચાલુ કર્યો,‘રાણાજી, તમે ક્યારથી ચેતક સાથે છો?’

રાણા : હું ચેતક સાથે નથી. ચેતક મારી અને મેવાડની સાથે છે. વર્ષો થઇ ગયાં. એવું કહેવાય છે કે ચેતકના વડવાઓ બાપ્પા રાવળની સેવામાં હતા. બાપ્પા રાવળનું નામ સાંભળ્યું છે? રાણા સંગનું? નથી સાંભળ્યું ને? સારું, જવા દો. એમ લખજો કે ચેતકના પૂર્વજો મારા પૂર્વજોની સેવામાં હતા. વાચકો તો તમારા કરતાં વધારે ઇન્ટેલિજન્ટ હશે. સમજી જશે.

સવાલ : પણ ચેતક તમારી જોડે એક્ઝેક્ટલી કઇ સાલમાં આવ્યો, એ..

રાણા : એવું બધું તો ક્યાંથી યાદ હોય? આ તમારો અકબર જંપીને બેસવા દે ત્યારે ને?

સવાલ : વાંધો નહીં. એ કહો કે અત્યાર સુધી ચેતકે કેટલી લડાઇઓમાં મહત્ત્વની ભૂમિકાઓ ભજવી? કઇ કઇ?

રાણા (હસતાં હસતાં) : તમે પત્રકાર છો કે માઘ્યમિક શિક્ષણ બોર્ડના પેપર સેટર? આવા સવાલો પૂછાતા હતા એટલે તો અમે ભણવાનું છોડી દીધું...(થોડું વિચારીને) લખોને, અત્યાર સુધીની બધી લડાઇઓમાં ચેતકે મહત્ત્વની ભૂમિકા ભજવી. તમારા વાચકો તો..

સવાલ :  હા, હા, ખબર છે. તો પણ બધી એટલે કેટલી?

રાણા : તમે બીજા સવાલ પૂછી લો. ત્યાર પછી ચેતકના બાયો-ડેટાની એક કોપી તમને મળી જશે. એમાં આવા બધા જવાબ લખેલા છે.

સવાલ : ઓ.કે. - અને ચુસ્તી-સ્ફૂર્તિ અને શારીરિક ક્ષમતાનું રહસ્ય શું?

રાણા : મારી?

સવાલ : ના, ચેતકની.

રાણા : તમને શું લાગે છે? ચ્યવનપ્રાશ?

સવાલ : ના. તમે એમ વાત ઉડાડી ન દો. ઓ.કે., એ કહો કે ચેતક રોજ સવાર-સાંજ શું ખાય છે? તે સવારે કેટલા વાગે ઊઠે છે અને સાંજે ક્યારે સૂઇ જાય છે? તેનું કુટુંબજીવન કેવું છે? મિસિસ ચેતક તેના પતિની પોઝિશનથી ખુશ છે? ચેતકનું પ્રમોશન કેવી રીતે થાય છે? એ બાબતે ચેતકના મનમાં કોઇ અધૂરી મહત્ત્વાકાંક્ષા? અત્યારે મેવાડમાં ચેતકના નામનાં કેટલી સ્કૂલો, હોસ્પિટલો, ચોક અને સર્કલ છે?

રાણા (એકદમ ઊભા થઇ જાય છે) : મારે માનસિંઘ સાથે ઇમ્પોર્ટન્ટ લંચ મિટિંગ છે, એટલે જવું પડશે, પણ હું તમને ‘ચેતક કમિશનર’ સાથે ભેગા કરી આપું છું. એ તમે પૂછશો એ બધાના જવાબ આપશે અને યોગ્ય જવાબ ન આપે તો મને ચોક્કસ જાણ કરશો. એ પોસ્ટ માટે બીજા કેટલાય લાઇન લગાડીને ઊભા છે.

*** 

આમ, અમારી ટૂંકી છતાં અંતરગ મુલાકાત પૂરી થઇ. ચેતક કમિશનર ચેતકને ઇવનિંગ વોક માટે લઇ ગયો હોવાથી, મારે ચેતક વિશેના છાપેલા બાયો-ડેટા અને બે તૈયાર ‘લાક્ષણિક’ તસવીરોથી જ સંતોષ માનવો પડ્યો. જેવાં વાચકોનાં નસીબ. 

Wednesday, October 23, 2013

મહેન્દ્ર મેઘાણી સામે મુક્ત-મિલાપ

Mahendra Meghani (Pic : Neesha Parikh)
પાછલાં વર્ષોમાં ‘અરધી સદીની વાચનયાત્રા’ સહિતનાં સંપાદનો માટે સુખ્યાત, નેવું વર્ષના મહેન્દ્ર મેઘાણી/ Mahendra Meghaniને રૂબરૂ મળવાનું ઓછું થાય. આમ તો એ ભાવનગર રહે છે. વચ્ચે વચ્ચે અમેરિકા પણ હોય. એ થોડા સમય માટે મંજરીબહેનના ઘરે અમદાવાદ આવે ત્યારે મુલાકાત થાય.

મુક્ત હાસ્યમાં પ્રકાશભાઇ (શાહ) પછી કોઇનું નામ સાંભરે તો એ મહેન્દ્રભાઇનું. એમને મળવા જઇએ ત્યારે લેંઘો પહેરીને ઉઘાડા ડીલે બેઠા હોય. તેમના ચહેરાની ઓળખ જેવી, એમનું કેરિકેચર બનાવવું હોય તો બહુ કામ લાગે એવી છૂટીછવાયી સફેદ દાઢી, કાળી ફ્રેમના ચશ્મા અને મોકળા મને થતી વાતો.

થોડા વખત પહેલાં મહેન્દ્રભાઇ અમેરિકા હતા ત્યારે હર્નિયાનું નિદાન થયું. ડોક્ટરે કહ્યું કે ભારત જઇને ઓપરેશન કરાવશો તો ચાલશે. (‘અને ત્યાં ઓપરેશન કરાવીએ તો અંજુબહેનનું દેવાળું નીકળી જાય’ :(મુક્ત હાસ્ય સાથે મહેન્દ્રભાઇ) અમદાવાદમાં તેમણે ઓપરેશન કરાવ્યું. હવે સારું છે. દવાઓ ચાલે છે. ‘તમે એલોપથીના વિરોધી તો નથી ને?’ એવું પૂછ્‌યું એટલે કહે, ‘આમાં તો વિરોધી હોઇએ તો પણ ચાલે એમ નથી. કારણ કે તેનો બીજો ઇલાજ નથી.’ પછી કહે,‘એમ તો હું સ્વેચ્છામૃત્યુનો પણ તરફદાર છું.’ (‘તરફદાર’ શબ્દ મારો હોઇ શકે છે. એમણે કયો શબ્દ વાપર્યો હતો એ ચોક્કસ યાદ નથી, પણ ભાવ આ જ હતો.)

મહેન્દ્રભાઇએ વડોદરા વિનોબા આશ્રમમાં ફોન કર્યો હતો. ત્યાંથી પણ એ જ જવાબ મળ્યો કે નેચરોપથી પાસે હર્નિયાનો કોઇ ઇલાજ નથી. મહેન્દ્રભાઇએ આપેલી સાદી સમજૂતી પ્રમાણે, હર્નિયા એટલે આંતરડાનો થોડો ભાગ તેની જગ્યામાંથી થોડો બહાર નીકળી જતો હોય. તેને અંદર લઇને ઉપરથી સીવી દેવાનું. સર્જરી થઇ ગયા પછી નેવું વર્ષમાં પહેલી વાર મહેન્દ્રભાઇને ચાલવા માટે લાકડી લેવી પડી. હવે ધીમે ધીમે પોતાનું કામ થાય છે, પણ આંટા મારવા માટે ઘરની નીચે ઉતરતા હતા એ ક્રમ હજુ શરૂ થઇ શક્યો નથી.

ગઇ કાલે સવારે તેમની સાથે ફોન પર વાત થઇ. ‘પાંચ મિનિટનો સમય છે?’ એમ પૂછીને, તેમણે આસારામ પ્રકરણ વિશે લખેલી થોડી લીટીઓ ફોન પર વાંચી સંભળાવી હતી. એ વખતે જ બપોરે ચાર પછી મળવાનું નક્કી થયું. સાથે નિશા પણ હતી. (નિશાનો પરિચય પોસ્ટના અંતે આપ્યો છે)

ઢળતી બપોરે પહોંચ્યા એટલે મહેન્દ્રભાઇએ રાબેતા મુજબ ઉષ્માપૂર્વક આવકાર આપ્યો. તબિયતની અછડતી વાત થયા પછી તેમણે ‘મિલાપ’ના સંચયોની વાત કરી. ૧૯૫૦થી શરૂ થયેલા ‘મિલાપ’માંથી વર્ષવાર ઉત્તમ લેખોનો સંચય પ્રગટ કરવાનું તેમણે શરૂ કર્યું છે.

૧૯૫૦-૫૧-૫૨-૫૩ની ચાર પુસ્તિકાઓ આવી ગઇ. ‘૧૯૫૪-૫૫-૫૬-૫૭ની બીજી ચાર પુસ્તિકાઓ ડિસેમ્બર સુધીમાં આવશે. એવી રીતે ચાર-ચાર કરીને આયુષ્ય ટકે ત્યાં સુધી પુસ્તિકાઓ કરીશું...ઘણા લોકો સામયિકના જૂના બધા અંકોની સીડી કરે છે. મને લાગે છે કે ‘મિલાપ’ના બધા અંકોની બધી સામગ્રી અત્યારે આપવા જેવી નથી. એટલે તેમાંથી અત્યારે જેટલી આપવા જેવી લાગે એટલી સામગ્રી, શક્ય હોય તો સંક્ષેપ કરીને, આપવી એવું છે. એટલે બધી પુસ્તિકાઓનું કદ અણસરખું થશે.’

સંક્ષેપ કરવાની વાત નીકળી એટલે તેમને પૂછ્‌યું, ‘તમારા સંક્ષેપ સામે ઘણા લોકોને વાંધો છે. ખાસ કરીને તમે કવિતાઓના સંક્ષપ કરો છો એમાં. તમને એ વિશે શું લાગે છે?’

એટલે મહેન્દ્રભાઇ ઠંડકતી કહે, ‘રામાયણ-મહાભારતના સંક્ષેપ થઇ શકતા હોય તો અત્યારના કવિઓની કવિતાઓના શા માટે નહીં? ઘણી ગઝલોમાંથી આપણને અમુક શેર જ બહુ ગમે એવું નથી બનતું? અને મને તો કોઇએ આવી ફરિયાદ કરી નથી. એ લોકો જાણે છે કે મને એમની કવિતાઓ બહુ ગમે છે અને એ વઘુમાં વઘુ લોકો સુધી પહોંચે તેમ હું ઇચ્છું છું. એટલે જ સંક્ષેપ કરું છું. એ કંઇ મારું ડહાપણ બતાવવા નથી કરતો.’

‘સંક્ષેપનો ખ્યાલ તમારા મનમાં ક્યારથી હતો?’

‘૧૯૪૯માં હું અમેરિકાથી ભણીને આવ્યો અને ૧૯૫૦માં મેં ‘મિલાપ’ ડાયજેસ્ટ શરૂ કર્યું. એ વખતે મારા મનમાં રીડર્સ ડાયજેસ્ટનું મોડેલ હતું. રીડર્સ ડાયજેસ્ટ એ વખતે બહુ સરસ આવતું હતું. હવે તો એનું ધોરણ સાવ ઉતરી ગયું છે... એટલે સંક્ષેપ તો પહેલેથી જ હું કરતો હતો.’

અમેરિકામાં મહેન્દ્રભાઇ કોલંબિયા યુનિવર્સિટીમાં એક વર્ષ પત્રકારત્વ ભણ્યા. એ વખતે બીજા બે ગુજરાતીઓ પણ તેમની સાથે હતા. ‘હું યુનિવર્સિટીમાં શીખ્યો એના કરતાં યુનિવર્સિટીની બહાર વધારે શીખ્યો.’ એમ કહીને મહેન્દ્રભાઇએ ‘બહાર’નું નામ પાડતાં કહ્યું : ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ અને ‘ક્રિશ્ચિયન સાયન્સ મોનિટર’ હું નિયમિત વાંચતો હતો. છાપું કેવું હોવું જોઇએ એ તેની પરથી મને સમજાયું. છાપું વાચકોને સમાચાર, અભિપ્રાય બઘું આપે, પણ વાચક પર એકદમ છાઇ ન જાય. તેનાથી એક હાથ દૂર રહે.’ (‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ પ્રત્યેનો તેમનો પ્રેમ એવો અડીખમ છે કે હજુ પણ એ અમેરિકા જાય ત્યારે તેમાંથી કતરણો કરીને અહીંના રસ ધરાવતા મિત્રોને પોસ્ટથી મોકલી આપે.)  

અમેરિકા જતાં પહેલાં મહેન્દ્રભાઇ મુંબઇ ઘાટકોપરમાં રહેતા અને મુંબઇ ન્યૂ એરા સ્કૂલમાં ભણતા હતા. તે કોલંબિયામાં ભણવા ગયા ત્યારે ‘જન્મભૂમિ’ના અમૃતલાલ શેઠે તેમને ‘જન્મભૂમિ’નું કાર્ડ આપ્યું હતું. એટલે તેના આધારે પત્રકાર તરીકે મહેન્દ્રભાઇ નવા શરૂ થયેલા ‘સંયુક્ત રાષ્ટ્રસંઘ’ (યુનો)ની ઓફિસમાં જતા અને ત્યાંથી અનેક દસ્તાવેજો જોવા-વાંચવા માટે લઇ આવતા હતા. ‘યુનો’નું પોતાનું મકાન નહોતું બન્યું, ત્યારે તેની ઓફિસ એક જૂના સ્લોટર હાઉસ (કતલખાના)માં ચાલતી હતી. (હાસ્ય સાથે મહેન્દ્રભાઇ કહે, ‘મોસ્ટ એપ્રોપ્રિએટ પ્લેસ)

અમેરિકામાં તે ન્યૂયોર્કમાં ઇન્ટરનેશનલ હાઉસમાં રહેતા હતા. ત્યાં ૫૦૦ વિદ્યાર્થીઓના રહેવાની સુવિધા હતી. અમેરિકન અબજોપતિ રોકફેલરે એ સંસ્થામાં ઘણું દાન આપ્યું હતું, પણ તેમની એક શરત હતી ઃ આ સંસ્થામાં રહેનારા અડધાઅડધ વિદ્યાર્થીઓ પરદેશી હોવા જોઇએ, જેથી અમેરિકન વિદ્યાર્થીઓને તેમની સાથે આદાનપ્રદાનનો લાભ મળે. ન્યૂયોર્કમાં એ વખતે ભારતીય જમવાનું મળે નહીં. એટલે મહેન્દ્રભાઇ અને તેમના બે મિત્રોએ બંદરના વિસ્તારમાં એક હોટેલ શોધી કાઢી હતી. ત્યાં ભારતથી આવતા જહાજના ખલાસીઓની અવરજવર હોવાથી પરોઠા-શાક મળતાં હતાં.

Mahendra Meghani (Pic : Neesha Parikh)
ઘરમાં સહજ રીતે મોટે ભાગે ઉઘાડા ડીલે જોવા મળતા મહેન્દ્રભાઇએ કહ્યું, ‘અમેરિકાની એક ખૂબી એ હતી કે હું અત્યારે બેઠો છું એવી રીતે (કેવળ કેપ્રી જેવો, એક લાંબાં પાયચાંનો ચડ્ડો પહેરીને) રસ્તા પર નીકળું તો અમેરિકામાં કોઇને વાંધો ન પડે કે કોઇ ટીકીને જુએ પણ નહીં. એવી જ રીતે, અમેરિકાનાં બાળકોને પહેલેથી એવું શીખવવામાં આવે કે બીજાને ખલેલ પહોંચે એવું કશું આપણાથી ન થાય. મોટેથી રેડિયો ન વગાડાય. રસ્તા પર પેડેસ્ટ્રિયન ઝીબ્રા ક્રોસિંગથી રસ્તો ક્રોસ કરતો હોય તો ગાડીવાળા ઊભા રહી જાય.’ અમેરિકામાં મોટા પાયે શોષણ થાય છે એ પણ ખરું.

અમેરિકાથી તે સંજય ભાવે માટે અને મારા માટે 'Voices of Protest' પુસ્તકની એક-એક નકલ લાવ્યા હતા. એ આપ્યું.  સંજય લીલા ભણસાળીની ફિલ્મમાં ઝવેરચંદ મેઘાણીના ગીતનો વિવાદ ચાલતો હતો. એ વિશે અછડતી વાત નીકળી. એટલે મહેન્દ્રભાઇ કહે, ‘આનાથી અનેક ગણા વધારે મોટા એટલા અન્યાય ચાલે છે અને આપણને કોઠે પડી ગયા છે કે આ તો બહુ સામાન્ય લાગે. આજે એ લોકોએ (સંજય ભણસાળીએ) સ્વીકારી લીઘું છે અને ફિલ્મના ટાઇટલમાં મેઘાણીનું નામ મૂકવાના છે. પણ આવું નામ મૂકાય કે ન મૂકાય, એનાથી મેઘાણીને શો ફેર પડે છે?’

‘સાર્થક જલસો’ વિશે વાત નીકળી, એટલે તેમણે રસથી પૂછપરછ કરી. તેમાં જાહેરખબરો મળી છે કે નહીં, એ પણ પૂછ્‌યું. ‘આવતા અઠવાડિયે તમને અંક સાથે ફરી મળવા આવીશ. પછી અંક વાંચીને તમારે અમને જે કહેવા જેવું લાગે તે કહેજો’ એમ કહીને અમે મહેન્દ્રભાઇની રજા લીધી.

***

નિશા પરીખ  સગપણમાં મારાં પિતરાઇ બહેનની દીકરી છે, પરંતુ દોસ્તી સગપણથી સ્વતંત્ર રીતે ખીલનારી ચીજ છે. નિશા સાથે દોસ્તી જામવાનું એક મોટું કારણ : ખુલ્લાશથી વિચારવાની ક્ષમતા અને સમજણનો ચોવીસ વર્ષની ઉંમરે ઓછો જોવા મળે એવો સરવાળો તેનામાં થયેલો છે. અમેરિકામાં સી.પી.એ.નું ભણીને અમદાવાદમાં આવ્યા પછી, નિશા પોતાના વર્તુળની બહાર નીકળીને સન્નિષ્ઠ જિજ્ઞાસાથી વિશાળ દુનિયા જુએ છે અને આંકડા સિવાયના, ગમતા એવા લખવા-વાંચવાના ક્ષેત્રમાં કારકિર્દી બની શકે કે કેમ એ વિશે વિચારે છે. અંગ્રેજીમાં તોલ્સ્તોયથી અમીષ ત્રિપાઠી સુધીના લેખકોને સમજીને વાંચતી નિશાએ હમણાં જ તેનું પહેલું ગુજરાતી પુસ્તક ‘સિદ્ધાર્થ’ હોંશથી પૂરું કર્યું. તે અમેરિકા હતી ત્યારે આ બ્લોગ માટે તેણે લખેલા, સુપરસ્ટ્રોર્મ સેન્ડી વિશેના એક વિશિષ્ટ લેખની લિન્ક : "If I don't survive...Love You"

Tuesday, October 22, 2013

ડો. વિનાયક સેન : નાગરિક અધિકારોનાં અંધારાં-અજવાળાં

Dr.Binayak Sen in Ahmedabad
તસવીરોમાં દેખાતા ચહેરા પરથી વ્યક્તિત્વનો અંદાજ બાંધવાનું જોખમી છે : નક્કર લાગતા માણસો તકલાદી નીકળી શકે અને નમ્ર લાગતો માણસ દંભનું પૂતળું પણ નીકળે. છત્તીસગઢમાં માનવ અધિકારનું કામ કરનારા અને એ ‘ગુના’ બદલ સરકારની આંખે ચડી ગયેલા-  ‘માઓવાદીઓના સાથી’ હોવાના અદ્ધરતાલ આરોપ બદલ લાંબો જેલવાસ ભોગવી ચૂકેલા વિનાયક સેન/ Dr. Binayak Senની ઘણી તસવીરો જોઇ છે. તેમાંથી યાદ રહી ગયેલી તસવીરોમાં પોલીસવાનની જાળીની પાછળ દેખાતો એક સૌમ્ય ચહેરો યાદ રહી ગયો હતો. પરંતુ ગુરૂવારે (૧૭-૧૦-૨૦૧૩) સાંજે સાડા ચાર વાગ્યાથી એકાદ કલાક સુધી વિનાયક સેનને સાવ નજીકથી જોયા-સાંભળ્યા પછી લાગ્યું કે તેમની પૂરેપૂરી શાલીનતા તો તસવીરમાં પણ સમાઇ શકી ન હતી. એ તેમના વક્તવ્ય અને સવાલોના જવાબમાં વ્યક્ત થઇ.  નરેન્દ્ર મોદીને ભાજપની ચૂંટણીસમિતિના અઘ્યક્ષ બનાવાયા એ વિજયી ક્ષણોમાં પણ મોદીએ હર્ષ મંદરનો નામજોગ અને ડો.સેનનો નામ લીધા વગર - નક્સલવાદીઓનો આયોજન પંચમાં લીધા હતા- એવી રીતે કર્યો હતો. છતાં  ડૉ.સેનની વાતમાં ક્યાંય તેનો ડંખ કે કડક અહેસાસ સુદ્ધાં જોવા મળ્યાં નહીં.

ગુજરાત વિદ્યાપીઠના પદવીઅર્પણ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે આવેલા ડૉ.સેન પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (પીયુસીએલ/PUCL)ના રાષ્ટ્રિય સ્તરના હોદ્દેદાર છે. વ્યવસાયે એ તબીબ અને પ્રકૃતિથી સેવાભાવી હતા. પણ એ જીવનમાં નાગરિક સ્વાતંત્ર્ય જેવો ‘તકરારી’ મુદ્દો ક્યારે અને કેવી રીતે ઘૂસી ગયો?

Prakash N. Shah, Dr.Binayak Sen
અમદાવાદના મહેંદીનવાઝ જંગ હોલની બાજુમાં આવેલા નાના ખંડમાં, ડૉ.સેન અને તેમનાં પત્ની ઇલિના/ Elina Senની  સાથે બેઠેલા પ્રકાશ ન.શાહે તેમની લાક્ષણિક રમતિયાળ શૈલીમાં એવો જ ગંભીર સવાલ પૂછ્‌યો, ‘પહેલે તો આપ સેવાવૃત્તિવાલે- રચનાત્મક કાર્ય કરનેવાલે અચ્છે આદમી થી. ફિર કૈસે બિગડ ગયે?’ આ સવાલનો જવાબ આપતાં ડૉ. સેનનાં પત્ની અને સ્વયં પીયુસીએલ સાથે સંકળાયેલાં ઇલિના સેને મુક્ત હાસ્ય સાથે કહ્યું, ‘એના માટે પીયુસીએલ જવાબદાર છે.’ પછી ડોક્ટરે પણ અછડતી વાત કરી.

રૂમ નાનો હતો, પણ ખીચોખીચ ભરાઇ ગયો હતો. સાડા ચાર વાગ્યે શરૂ થનારી આ મર્યાદિત વર્તુળની બેઠકમાં પાંચ-સવા પાંચ સુધી આવનારા પણ હતા. એકાદ કલાકની અનૌપચારિક બેઠકના અંતે ડૉ.સેને કહ્યું કે છત્તીસગઢમાં આ જાતની મિટિંગ આયોજિત કરવી હોય તો બહુ અઘરું છે. અહીં આટલા લોકો આવી શક્યા એ બહુ આનંદની વાત છે.
L to T : Gautam Thakar, Prakash N. Shah, Dr.Binayak Sen, Elina Sen
પીયુસીએલના ગૌતમ ઠાકરે ભાંગીતૂટી હિંદીમાં પ્રેમપૂર્વક ડૉ.સેન વિશે અને તેમને સંબોધીને ટૂંકી વાત કરી. ત્યાર પછી ડૉ.સેન બોલવા ઊભા થયા. સરેરાશ કરતાં થોડી વધારે ઊંચાઇ, સાદાં કપડાં, એનજીઓ થકી બદનામ થયેલો ઝોળો..કશા આવેશ-અભિનિવેશ વગર તેમણે બોલવાનું શરૂ કર્યું.

અંગ્રેજીમાં સડસડાટ બોલતા પણ હિંદીમાં બોલવામાં વચ્ચે વચ્ચે યોગ્ય શબ્દો શોધવા માટે ભારે મથામણ કરતા ડૉ. સેને તેમની વાત પૂરી કરી, એટલે સવાલ-જવાબનો દૌર શરૂ થયો. છેલ્લે સંજય ભાવેએ ઉપસ્થિતિ સૌ લોકો વતી ભાવપૂર્ણ રીતે સેનદંપતિનો આભાર માન્યો. એટલે પ્રકાશભાઇએ લગે હાથ કહી દીધું કે ‘હવે આભારવિધિ કરવાની રહેતી નથી.’

આટલી અંગત નોંધ પછી આજે ‘દૃષ્ટિકોણ’માં પ્રગટ થયેલો લેખ.

***

હોલિવુડની ફિલ્મોમાં ઘણી વાર જોવા મળે છે : સાવ નિર્દોષ અને પોતાના ધંધારોજગારમાં મશગૂલ હીરો અચાનક અણધારી આફતમાં ફસાઇ જાય. પોલીસ કે જાસુસો ચડી આવે, ધરપકડ કરીને તેને અજ્ઞાત ઠેકાણે લઇ જવામાં આવે, ગંભીર ગુના બદલ તેને આરોપી ઠરાવી દેવામાં આવે, સીધાસાદા હીરોના માથે દુઃખનાં ઝાડ ઉગે...અને હીરોની આંખ ખુલી જાય.

પરંતુ ઘણી વાર ફિલ્મો કરતાં વાસ્તવિકતા વધારે ખતરનાક હોય છે. તેનો અનુભવ ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા વિનાયક સેનને બરાબર થઇ ગયો. મૂળ એ સેવાભાવી વૃત્તિવાળો જીવ, પણ છત્તીસગઢ સરકારે અને અદાલતે તેમના માથે રાજદ્રોહનો આરોપ ઠોકી બેસાડ્યો. નાગરિક નિસબત કે રાજકીય જાગૃતિ વગરનો, કેવળ દયાનીતરતો સેવાભાવ હોય તો આપણા દેશમાં બહુ ચાલે. અઢળક માનપાન મળે. ફરિશ્તા તરીકે જયજયકાર થાય. પણ એ જ માણસ જેવો નાગરિકોના હિત માટે સત્તાધીશો સામે શીંગડાં ભેરવે, એ સાથે સમજવું કે તેનો પગ કઠણાઇના કુંડાળામાં પડ્યો- પછી એ ડૉ.કનુભાઇ કળસરિયા હોય કે ડૉ. વિનાયક સેન.

એ ખરું કે આ પ્રકારના સેવાભાવી લોકો હોલિવુડના હીરો જેવા સાવ ‘નિર્દોષ’ નથી હોતા. તેમને બરાબર ખબર હોય છે કે તે શું કરી રહ્યા છે અને તેનાં કેવાં પરિણામ હોઇ શકે છે. પરંતુ લોકોની નિઃસ્વાર્થ સેવા કરતી વખતે સરકારની ક્રૂર- ગુનાઇત ઉપેક્ષા અને દમન-શોષણ જોયા પછી તેમને પોતાનો ધર્મ સમજાય છે. એ ધર્મ છે કોંગ્રેસ-ભાજપ જોયા વિના અને સત્તાધીશોની નારાજગીની પરવા કર્યા વિના, નાગરિકહિતની વાત કરવી. આ રસ્તે આગળ ચાલતાં અંગત હિત જોખમાવાનું છે, જિંદગીની સુખશાંતિ હણાવાની છે - આ બધી ચેતવણીઓ અને સંભાવનાઓ તેમને ડગાવી શકતી નથી અને એ શક્યતાઓ વાસ્તવિકતા બને, ત્યારે આ લોકો કડવાશ કે ઝનૂનથી ઘૂણવા લાગતા નથી.

ગાંધીના સંઘર્ષનો વારસો

ગયા અઠવાડિયે ડૉ.વિનાયક સેન સાથેની અનૌપચારિક સમુહગોષ્ઠિથી આ ખ્યાલ વધારે દૃઢ બન્યો. છત્તીસગઢમાં માઓવાદનો મુકાબલો કરવાના નામે સરકારે રચેલા દળ ‘સાલ્વા જુડુમ’ના અત્યાચારોએ માઝા મુકી હતી. સ્થાનિક લોકોનાં જીવન હરામ કરી થઇ ગયાં હતાં.  સત્તાધારી પક્ષે પોતાના સ્થાનિક માણસો અને તેમના મળતિયાઓના હાથમાં સત્તાવાર રાહે બંદૂકો પકડાવી અને ‘માઓવાદનો મુકાબલો કરવા’ છૂટા મૂકી દીધા.

તેનું પરિણામ આવવું જોઇએ એ જ આવ્યું : સ્થાનિક લોકો એક તરફ માઓવાદી અને બીજી તરફ સાલ્વા જુડુમની બંદૂકો વચ્ચે ભીંસાવા અને પીસાવા લાગ્યા. ડૉ.સેને સાલ્વા જુડુમના નામે ચાલતા સરકારી ત્રાસવાદનો વિરોધ કર્યો, ત્યારે તેમને પણ માઓવાદીઓના સાથીદાર તરીકે ખપાવી દેવામાં આવ્યા અને તેમની સામે રાજદ્રોહનો અતિગંભીર આરોપ મુકવામાં આવ્યો. આરોપ એટલો ગંભીર હતો કે તેમને જેલમાં ગોંધી રાખ્યા પછી જામીન પણ ન મળે. ડૉ.સેનની કામગીરીથી પરિચિત સૌ કોઇ સ્તબ્ધ થઇ ગયા. પછી રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય સ્તરે ડૉ.સેનની મુક્તિ માટેની ઝુંબેશ શરૂ થઇ. આખરે સર્વોચ્ચ અદાલતે ‘સાલ્વા જુડુમ’ને ગેરબંધારણીય ઠરાવીને તેને વિખેરી નાખવાનો આદેશ આપ્યો અને ડૉ.સેનના જામીન મંજૂર કરવામાં આવ્યા.

આવી સરકારોના રાજમાં રાજદ્રોહના આરોપી હોવું, એને ગાંધીજીએ બહુમાન ગણ્યું હોત. એટલે ગુજરાત વિદ્યાપીઠના પદવીઅર્પણ સમારંભના મુખ્ય મહેમાન તરીકે ડૉ.સેનની ઉપસ્થિતિ એકદમ બંધબેસતી હતી. આ નિમિત્તે પહેલી વાર સાથી કર્મશીલ અને પત્ની ઇલિના સેન સાથે અમદાવાદ આવેલા ડૉ.સેનની વાતો સાંભળીને નવાઇ લાગે કે આ માણસ પર સરકારે રાજદ્રોહનો કેસ ઠોકી બેસાડ્યો હતો? તેમનાં વાણીવ્યવહારમાં કટુતા તો ઠીક, કડકાઇ કે આકરાપણું પણ નહીં. ગુજરાતના અને દેશના ઘણા મુદ્દા અંગે તેમણે મહેનતપૂર્વક હિંદીમાં અને સડસડાટ અંગ્રેજીમાં, કશી આત્યંતિકતા દર્શાવ્યા વિના કે નાયકપદું ઓઢી લીધા વિના વાતો કરી- સવાલોના જવાબ આપ્યા. તેમની વાતના વિષયોમાં ગુજરાતના કુપોષણના આંકડા અને અન્નસુરક્ષા કાયદાથી માંડીને ફાસીવાદ અને ૨૦૧૪ની ચૂંટણીનો સમાવેશ થતો હતો.

દેશભરમાં ગુજરાત મોડેલની વાત ચાલે છે ત્યારે ‘ડાઉન ટુ અર્થ’ સામયિકમાં પ્રગટ થયેલા તાજા અહેવાલના આંકડા ટાંકીને ડૉ.સેને કહ્યું કે આંગણવાડીઓના ગેરવહીવટને કારણે ગુજરાતમાં કુપોષણથી પીડાતાં બાળકોનું ઊંચું પ્રમાણ જોવા મળે છે. ‘ડાઉન ટુ અર્થ’ (૩૧ ઓક્ટોબર, ૨૦૧૩)ના અંકમાં ૪ ઓક્ટોબરના રોજ પ્રગટ થયેલા ‘કેગ’ના અહેવાલના આધારે જણાવાયું છે કે ગુજરાતનાં ૨.૨૩ કરોડ બાળકો કેન્દ્ર સરકારના ‘ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ’ના ‘સપ્લીમેન્ટરી ન્યુટ્રિશન પ્રોગ્રામ’ (પૂરક પોષણ કાર્યક્રમ)નાં લાભાર્થી બને એમ હતાં. પરંતુ તેમાંથી ફક્ત ૬૩ લાખ બાળકો આ યોજનાનો લાભ લઇ શક્યાં. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ૪૪ ટકા બાળકો મઘ્યમ દરજ્જાના કુપોષણનો અને પાંચ ટકા બાળકો ગંભીર પ્રકારના કુપોષણનો શિકાર બનેલાં જણાયાં હતાં.

સામાન્ય સંજોગોમાં સરકારી ધારાધોરણ પ્રમાણે ગુજરાતમાં કુલ ૭૫,૪૮૦ આંગણવાડી કેન્દ્રો હોવાં જોઇએ. તેને બદલે સરકારે ૫૨,૧૩૭ કેન્દ્રો મંજૂર કર્યાં અને માર્ચ, ૨૦૧૨ સુધી તેમાંથી ૫૦,૨૨૫ કેન્દ્રો કાર્યરત છે. ૧.૮૭ કરોડ બાળકો આંગણવાડીથી અને તેના પરિણામે ‘ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ’ના ફાયદાથી વંચિત રહી જાય છે. એ માટે રાજ્ય સરકાર સિવાય બીજા કોઇને દોષિત ઠરાવી શકાય એમ નથી.
 દેવાલય કરતાં શૌચાલયને પ્રાધાન્ય આપવાના ગુજરાતના મુખ્ય મંત્રીના વિધાનનો ઉલ્લેખ કરીને ડૉ.સેને કહ્યું કે ગુજરાતની ૪૦ ટકા આંગણવાડીઓમાં શૌચાલયની સુવિધા નથી અને ૩૩ ટકા આંગણવાડીમાં પીવાના ચોખ્ખા પાણીની પણ વ્યવસ્થા નથી. તેમણે કહ્યું કે ગરીબ-અમીર વચ્ચેની અસમાનતા વધતી જાય છે. એટલું જ નહીં, ગરીબોને બે ટંક ભોજન અને પીવાના પાણીનાં પણ ફાંફાં પડી રહ્યાં છે. અન્નની અછતની વાત થાય છે, પણ પાણીનો મુદ્દો એટલો ચર્ચાતો નથી.

અભ્યાસે તબીબ હોવાના નાતે પોષણને લગતી વિગતો ડૉ.સેનના રસનો એક મુખ્ય વિષય છે. પીપલ્સ યુનિયન ફોર સિવિલ લીબર્ટીઝના હોદ્દેદાર તરીકે પણ આ મુદ્દે તે ઘણા સમયથી ઝુંબેશ ચલાવી રહ્યા છે. તેમણે કેન્દ્ર સરકારના અન્નસુરક્ષા વટહુકમની સૌમ્ય શબ્દોમાં કડક ટીકા કરીને કહ્યું કે ‘આ તો બિમારી કરતાં દવા વધારે નુકસાનકારક હોય એવો ઘાટ થયો છે.’ સરકારી અન્નસુરક્ષા યોજના પૂરતી વ્યાપક નથી, તેમાં ફક્ત ઘઉં-ચોખા (કાર્બોહાઇડ્રેટ)ને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જાહેર વિતરણ પ્રણાલીનાં ઠેકાણાં નથી- એવા ઘણા મુદ્દા તેમણે ઉભા કર્યા. તેમના મતે અન્નસુરક્ષા કાયદાનું સારું પાસું હોય તો એક જ : તેનાથી અન્નસુરક્ષાના મુદ્દે કાયદેસર લડત આપી શકાશે અને વંચિત લોકોના અન્નના હક માટે અદાલતમાં જઇ શકાશે. આ બાબત પર ઘ્યાન કેન્દ્રિત કરીને તેનો મહત્તમ ઉપયોગ કરવો જોઇએ, એવું તેમનું સૂચન હતું. યુપીએ સરકારના રાજમાં આયોજન પંચની ઉચ્ચ સ્તરીય સમિતિના સભ્ય રહી ચૂકેલા ડૉ.સેને કહ્યું કે એક તરફ અનાજ સંઘરવાની જગ્યાઓ નહીં હોવાને કારણે એ સડી જાય છે, ત્યારે ભારતના અન્નમંત્રી શરદ પવાર કહે છે કે દેશના બધા લોકોને ભોજન પૂરું પાડવું શક્ય નથી. આ અંગે મોન્તેકસિંઘ આહલુવાલિયા સાથેના પોતાના અનુભવને યાદ કરીને, ડૉ.સેને કહ્યું કે એમની પાસેથી બહુ આશા રાખી શકાય એમ નથી.

પડકારો સામે પા પા પગલી

ડૉ.સેનની વાતચીતના કેન્દ્રીય ઘ્વનિમાં કોઇ ચોક્કસ રાજકીય પક્ષની ટીકાને બદલે સમાજના અમુક વર્ગમાં ફેલાયેલી સુખસંતોષની લાગણીની ચિંતા વધારે હતી. તેમણે કહ્યું કે ગરીબ-અમીર વચ્ચેનું અંતર વધી રહ્યું હોય એવા વિષમ માહોલમાં સમાજનો એક વર્ગ પરમસુખમાં મહાલી રહ્યો છે, એ સૌની ચિંતાનો વિષય હોવો જોઇએ. ફાસીવાદના ફેલાવા વિશે એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે અત્યારનો ફાસીવાદ પ્રગટ નથી અને એ ગુજરાત પૂરતો કે ભારત પૂરતો મર્યાદિત પણ નથી. અસલમાં તે વિશ્વભરમાં સળવળી રહ્યો છે. એની સામે શી રીતે લડવું એ આપણા માટે મોટો પડકાર છે.

સરકારો કેવી રીતે કામ કરે છે તેના એક નમૂના તરીકે ડૉ.સેને છત્તીસગઢનો દાખલો આપ્યો. સર્વોચ્ચ અદાલતે સાલ્વા જુડુમના સરકારી સૈન્યને વિખેરી નાખવાનો અને તેમની પાસેથી શસ્ત્રો લઇ લેવાનો આદેશ આપ્યો, ત્યારે છત્તીસગઢના મુખ્ય મંત્રીએ શરમાવાને બદલે શું કર્યું? તેમણે સાલ્વા જુડુમના ૩,૨૦૦ લોકોમાંથી આશરે ૨,૯૦૦ લોકોને  કશી ઔપચારિકતા વિના પોલીસદળમાં સમાવી લીધા અને સત્તાવાર રાહે તેમને શસ્ત્રો પણ આપ્યાં. આ ચેષ્ટાથી ખફા થયેલી સર્વોચ્ચ અદાલતે  છત્તીસગઢ સરકારને અદાલતના તિરસ્કારની નોટિસ ફટકારી છે.

આગામી લોકસભાની ચૂંટણીમાં યુપીએ અને એનડીએમાંથી કોની ‘ઓછા અનિષ્ટ’ તરીકે પસંદગી કરવી? એના જવાબમાં ડૉ.સેને કહ્યું કે આ વાતને આટલી સીધીસાદી રીતે જોઇ શકાય નહીં. એમ કરવાથી રાજકારણીઓની જાળમાં આવી જવાય છે. તેમનો મુદ્દો એ હતો કે નાગરિક તરીકે આપણો લોકશાહી સાથેનો સંબંધ-સંપર્ક કેવળ ચૂંટણી પૂરતો જ મર્યાદિત હોવો ન જોઇએ. સરકાર ચાહે કોઇ પણ હોય. ‘એનડીએને હું ક્રેડિબલ પોલિટિકલ ફોર્સ- વિશ્વસનીય રાજકીય પરિબળ- ગણતો નથી’ એમ કહીને, તેમણે ‘નન ઑફ ધ અબોવ’ (ઉપર જણાવેલા ઉમેદવારોમાંથી એક પણ નહીં)નો વિકલ્પ વિચારવા સૂચન કર્યું. અલબત્ત, એ વિકલ્પનાં પૂરેપૂરાં પરિમાણ હજુ ઉઘડ્યાં નથી એમ પણ તેમણે સ્પષ્ટ કર્યું.

નાગરિક અધિકારો અંગેની કામગીરીમાં કોઇ સરકારના ખોળે બેસવાથી કામ ચાલતું નથી અને સરકારની સામે પડવાનાં જોખમથી બીને પણ કામ થઇ શકતું નથી. ‘યુપીએ કે એનડીએ?’ જેવા સવાલો કે તેના ‘યોગ્ય વિકલ્પ સામે ટીક કરો’ એવા સહેલા જવાબો હોઇ શકતા નથી. પરંતુ શું ન હોવું જોઇએ એની સમજણ દૃઢ થાય, તો પછી જે હોવું જોઇએ તેની દિશામાં ગતિ શક્ય બને. ડૉ.સેન જેવા લોકો એ અંધકારમય દિશામાં યથાશક્તિ અજવાળું પાથરી રહ્યા છે. 

‘વિલન’ વાવાઝોડા સામેની લડાઇમાં ‘હીરો’ પુરવાર થયેલું ભારતીય હવામાન ખાતું

રાજ્યસભાનાં સાંસદ જયા બચ્ચને માર્ચ ૧૮, ૨૦૧૩ના રોજ રાજ્યસભામાં સવાલ પૂછ્‌યો હતો, ‘હવામાનની આગાહી કરવાની દેશની વર્તમાન વ્યવસ્થા આંતરરાષ્ટ્રિય ધોરણની છે? અને તેના આઘુનિકીકરણની કોઇ યોજના ખરી?’

આ તારાંકિત સવાલના જવાબમાં, ‘મિનિસ્ટ્રી ઑફ અર્થ સાયન્સીઝ’ના મંત્રી જયપાલ રેડ્ડીએ કહ્યું હતું, ‘વરસાદની આગાહીની બાબતમાં ભારતીય હવામાન ખાતાની પ્રણાલી દુનિયાના મોટા ભાગના દેશોની હરોળમાં મુકી શકાય એવી છે. તેનું સ્તર હજુ ઊંચે લઇ જવાના પ્રયાસ થઇ રહ્યા છે.’ તેમણે વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૨ દરમિયાન હવામાન ખાતાના આઘુનિકીકરણના પહેલા તબક્કામાં થયેલી કામગીરીની અને કેવાં સાધન વસાવાયાં છે તેની વિગતો આપી હતી.

સામાન્ય સંજોગોમાં આ જવાબ રાબેતા મુજબના સરકારી આશ્વાસનમાં ખપી ગયો હોત, પરંતુ ઓરિસાના કાંઠે ખતરનાક વાવાઝોડું ત્રાટકવાની સ્થિતિ ઊભી થઇ, ત્યારે હવામાન ખાતા માટે કસોટીની ઘડી આવી. વિદેશી નિષ્ણાતોએ વાવાઝોડાને ખતરનાક ગણાવ્યું હતું. એટલું જ નહીં, એવો નિર્દેશ પણ કર્યો હતો કે ભારતીય હવામાન ખાતું આ વાવાઝોડાની ગંભીરતાને ઓછી આંકી રહ્યું છે. પરંતુ ભારતીય હવામાન ખાતું અવઢવ અનુભવવાને બદલે પોતાની આગાહીને ખાત્રીપૂર્વક વળગી રહ્યું. તેના વડા એલ.એસ.રાઠોડે પ્રસાર માઘ્યમોને ભારતીય આગાહી પર ભરોસો રાખવા કહ્યું.

આ વર્તણૂંક જક્કી ભારતીય બાબુશાહી વલણમાં ખપી ગઇ હોત. પરંતુ ભારતીય હવામાન ખાતાની આગાહી ગંભીરતાથી લઇને ઓરિસા તથા અમુક અંશે આંધ્ર પ્રદેશની રાજ્ય સરકારોએ મોટા પાયે આગોતરી બચાવ કામગીરી શરૂ કરી. નવેક લાખ લોકોને તટીય વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. તેમના રહેવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી. આ બઘું સરકારી તંત્ર પાસેથી અપેક્ષિત હોતું નથી. એટલે ઘણાને સુખદ આશ્ચર્ય થયું. રાજકારણને વશ થઇને ફરિયાદ કરવી જ પડે, એવા લોકોના ભાગે ફક્ત એટલો જ ધોખો કરવાનો આવ્યો કે ‘કામચલાઉ વિસ્થાપિતોને સરકારી છાવણીમાં ગરમ ભોજન મળતું નથી.’

ભારતીય હવામાન ખાતાની સચોટ આગાહી અને તેના આધારે થયેલી સરકારી કામગીરીને કારણે લાખો જીવ બચ્યા. ટીકા અને આંગળીચીંધામણના વાવાઝોડામાં ભારતીય હવામાન ખાતાનો ઘ્વજ તહસનહસ થઇ જવાને બદલે શાનથી લહેરાયો.

***

કહેણી છે કે ‘વહુ અને વરસાદને જશ નહીં’. પરંતુ ભારતમાં દાયકાઓથી હવામાન ખાતાની આબરૂ જોતાં કહેવું પડે કે ‘વહુ અને વરસાદની આગાહી કરનાર (હવામાન ખાતા)ને જશ નહીં.’

પશ્ચિમી દેશોમાં હવામાન ખાતું એકદમ ચોક્કસ આગાહી કરવા માટે જાણીતું. તેના આધારે લોકો પોતાનો રોજિંદો વ્યવહાર નક્કી કરી શકે. પરંતુ ભારતનું હવામાન ખાતું મોટે ભાગે રમૂજનો વિષય બનતું હતું. તે વરસાદની આગાહી કરે એટલે ‘જાણકારો’ કટાક્ષપૂર્ણ સ્મિત સાથે કહે,‘આજે તો ચોક્કસ વરસાદ નહીં પડે. કારણ કે હવામાન ખાતાએ વરસાદ પડવાની આગાહી કરી છે.’

પરંતુ વર્ષ ૨૦૦૬માં કેન્દ્ર સરકારે ‘મિનિસ્ટ્રી ઑફ અર્થ સાયન્સીઝ’ નામે નવા મંત્રાલયની રચના કરી. તેનો મુખ્ય હેતુ દુષ્કાળ, પૂર, ભૂકંપ, ત્સુનામી, વાવાઝોડાં જેવી કુદરતી આફતોની પરિસ્થિતિને પહોંચી વળવા માટેની સજ્જતા કેળવવાનો હતો. નવા મંત્રાલયમાં ડીપાર્ટમેન્ટ ભારતીય હવામાન ખાતા ઉપરાંત ડીપાર્ટમેન્ટ ઓફ ઓશન ડેવલપમેન્ટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રોપિકલ મેટિરીઓલોજી તથા નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ જેવી અલગ અલગ કામ કરતી સંસ્થાઓને એક છત્ર તળે લાવી દેવાઇ.

બીજા વર્ષથી હવામાન ખાતાના આઘુનિકીકરણનો પહેલો તબક્કો (૨૦૦૭-૨૦૧૨) આરંભાયો. તેમાં ‘મિનિસ્ટ્રી ઑફ અર્થ સાયન્સીસ’ના મંત્રીએ રાજ્યસભામાં આપેલી માહિતી પ્રમાણે, ઑટોમેટિક વેધર સ્ટેશન્સ, ઑટોમેટિક રેન ગેજ, ડોપ્લર વેધર રડાર જેવી આઘુનિક સામગ્રી વસાવવામાં આવી. પહેલાં હાથેથી થતું ઘણું કામ સ્વયંસંચાલિત પદ્ધતિથી કરી નાખવામાં આવ્યું. વિભાગના વિજ્ઞાનીઓને ખેતી, ઉડ્ડયન જેવાં ચોક્કસ ક્ષેત્રોમાં મોસમને લગતી ચેતવણી અને આગાહી કરવાની ખાસ તાલીમ આપવામાં આવી.

હવામાન ખાતાના આઘુનિકીકરણની મોટા પાયે હાથ ધરાયેલી કામગીરીનો અંદાજ આપતા કેટલાક આંકડા : ૬૭૫ ઑટોમેટિક વેધર સ્ટેશન સહિત ચોવીસે કલાક હવામાનનાં વિવિધ પાસાં પર નજર રાખવાની વ્યવસ્થા, ૧૦૨૪ ઑટોમેટિક રેઇન ગેજ, ગુજરાતના ભૂજ સહિત દેશભરમાં ૧૭ ઠેકાણે ડોપ્લર વેધર રડાર. આ સાધનો ઉપરાંત વિશ્વભરના ઉપગ્રહો તરફથી મળતી વિગતો ખપમાં લઇને સચોટ આગાહી કરી શકાય એ માટે હાઇ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ સાધનો વસાવાયાં.

આ બધાના પરિણામે, ત્રણ દિવસ પહેલાં સુધીની વરસાદની આગાહીની ચોક્સાઇ પહેલાં ૫૦ થી ૬૦ ટકા જેટલી હતી, તે વધીને ૭૦ ટકાથી ૯૫ ટકા સુધી પહોંચી. એવી જ રીતે, ચોમાસામાં જિલ્લાસ્તરે પાંચ-સાત દિવસ પહેલાંથી કરાતી વરસાદની આગાહીની ચોક્સાઇ ૬૦-૭૦ ટકાથી વધીને ૭૫-૮૫ ટકા થઇ.

હવામાન વિજ્ઞાનનો મામલો બેહદ ટેક્‌નિકલ હોવાથી, તેમાં મોટા ભાગના લોકોની ચાંચ ન ડૂબે એ ખરું. બસ, વરસાદ કેટલો આવ્યો, ગરમી કેવી પડી, વરસાદી વાદળો લાવતું લૉ પ્રેશર ક્યાં વિકસી રહ્યું છે, કેટલા કલાકમાં વરસાદની આગાહી છે- એવી પ્રાથમિક માહિતી માટે થોડા લોકો ભારતીય હવામાન ખાતાની વેબસાઇટ જોતા હતા અને એટલું અનુભવતા હતા કે આ ખાતાની ઢબછબ સરકારી હોવા છતાં, તેનાં સજ્જતા-ગુણવત્તામાં મોટો ફરક પડ્યો છે. પરંતુ ઓરિસાના વાવાઝોડાના મામલે પ્રસાર માઘ્યમોએ રાજ્ય સરકારોના પ્રયાસ ઉપરાંત મુક્ત કંઠે ભારતીય હવામાન ખાતાની કામગીરીનાં પણ વખાણ કર્યાં.   વર્ષ ૧૯૯૯માં ઓરિસામાં આવેલા વાવાઝોડામાં ૨૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો અને હજારો લોકોએ જીવ ખોયા ત્યારે જ્યોતિષીઓની આગાહીના ભરોસે કામ કરતા મુખ્ય મંત્રીની સાથોસાથ હવામાન ખાતું પણ પૂરેપૂરા વાંકમાં આવ્યું હતું. કારણ કે આટલી ગંભીર ઘટનાની સચોટ આગાહી તે સવેળા કરી શક્યું ન હતું. એવી જ રીતે, વરસાદને લગતી આગાહીમાં પણ હવામાન ખાતાને ડફણાં ખાવાની ટેવ પડી ગઇ હતી. પરંતુ આ વખતની સ્થિતિ જુદી હતી. ઓક્ટોબર ૮, ૨૦૧૩ના દિવસે વાવાઝોડું સર્જાઇ રહ્યું હતું ત્યારથી હવામાન ખાતાએ તેને ઓળખી પાડ્યું અને છેક ઓક્ટોબર ૧૨ સુધી તેના વિશે સતત, ચોક્કસ અને વિશ્વસનીય માહિતી આપવાનું ચાલુ રાખ્યું.

છેલ્લા થોડા સમયથી આંતરરાષ્ટ્રિય સ્તરે ભારતીય હવામાન ખાતાની સુધરેલી કામગીરીની નોંધ લેવાતી થઇ છે. ગયા વર્ષે જુદા જુદા દેશોના હવામાન વિભાગ દ્વારા થયેલી આગાહીઓની ચોક્સાઇને લગતા એક અભ્યાસમાં જણાયું હતું કે ભારતીય હવામાન ખાતાની આગાહી અમેરિકા, બ્રિટન અને યુરોપના દેશના હવામાન ખાતાની હરોળમાં મુકી શકાય એવી અને કેટલાક કિસ્સામાં તો એનાથી પણ ચડિયાતી હતી. ઓરિસાના વાવાઝોડાએ ભારતીય પ્રસાર માઘ્યમોની અને સામાન્ય નાગરિકો હવામાન ખાતા તરફ જોવાની દૃષ્ટિમાં હકારાત્મક પરિવર્તન આવે એવી પૂરી સંભાવના છે.

આ વખતે હવામાન ખાતાની આબરૂની છત્રી કાગડો ન થઇ

Sunday, October 20, 2013

ભાવિ સફરનામા : આજ ખો જાયે સિતારોંમેં કહીં...

માણસજાતે પૈડું શોઘ્યું ત્યારથી શરૂ થયેલો લાંબી અને ઝડપી સફરનો સિલસિલો એકવીસમી સદીના બીજા દાયકામાં ક્યાં પહોંચ્યો છે? એક કલાકમાં જમીનમાર્ગે બારસો કિલોમીટરનું અંતર કાપી નાખે એવા ‘હાયપર-લૂપ’ થી માંડીને મંગળ ગ્રહ પર કાયમી વસવાટ અને પ્રકાશ કરતાં વઘુ ઝડપે ગતિ શક્ય બનાવતા ‘વાર્પ ડ્રાઇવ’ જેવા પ્રોજેક્ટ વિશે ગંભીરતાપૂર્વક કામ ચાલી રહ્યું છે.

વાતને આમ તો પહેલી નજરે કાઢી નાખવા જેવી લાગે : પ્રકાશથી વધારે ઝડપે ગતિ? અસંભવ.
 સાપેક્ષવાદમાં આઇન્સ્ટાઇને બ્રહ્માંડના આરટીઓ ઇન્સ્પેક્ટરની અદાથી ચોખ્ખા શબ્દોમાં સ્પીડલિમિટ આંકી આપી છે :  કોઇ પણ પદાર્થ પ્રકાશ કરતાં વઘુ ઝડપે સફર કરી શકે નહીં.

બે વર્ષ પહેલાં યુરોપની સંશોધનસંસ્થા ‘સર્ન’ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે અમુક પ્રયોગો વખતે ન્યુટ્રિનો કણોની ઝડપ પ્રકાશની ઝડપ કરતાં વધારે નોંધાઇ. ઝડપની સરસાઇ માંડ સેકન્ડના ૬૦ અબજમા ભાગ જેટલી હતી. પણ સવાલ ‘પથ્થરકી લકીર’ ગણાતા આઇન્સ્ટાઇનના નિયમનો હતો. વઘુ ચોક્સાઇભરી તપાસને અંતે ‘સર્ન’નો દાવો ખોટો સાબીત થયો અને સાપેક્ષવાદની સ્પીડ લિમિટ આખરી સત્ય ઠરી.

પરંતુ અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’ પ્રકાશની ગતિ કરતાં દસ ગણી વધારે ગતિથી સફરનાં સ્વપ્નાં જોઇ રહી છે. એટલું જ નહીં, ‘નાસા’ના એન્જિનિયર ડૉ.હેરોલ્ડ વ્હાઇટની ટીમ આ પ્રોજેક્ટને સાકાર કરવાની દિશામાં કામ કરી રહી છે- અને એ પણ આઇન્સ્ટાઇને બાંધેલી સ્પીડ લિમિટનો ભંગ કર્યા વિના.
 વાત વિજ્ઞાનકથા જેવી છે. ‘સ્ટ્રારટ્રેક’ પ્રકારની વાર્તાઓમાં એ દાયકાઓ પહેલાં કહેવાઇ ચૂકી છે. છતાં હવે કેટલાક સંશોધકોને લાગે છે કે આ કથાને હકીકતમાં ફેરવવાનું શક્ય છે- અને એ પણ આઇન્સ્ટાઇનના સિદ્ધાંતનો ભંગ કર્યા વિના.

કેવી રીતે?

ધારો કે એક કાર કલાકના વઘુમાં વઘુ બસો કિલોમીટરની ઝડપે દોડી શકે છે. તેનાથી વધારે ગતિ કોઇ રીતે શક્ય બને એમ નથી. છતાં, એ કારને કલાકના છસો-સાતસો કિલોમીટરની ઝડપે સફર કરાવવી હોય તો શું કરવું પડે? વિચારો : બસો કિલોમીટર પ્રતિ કલાકની ગતિમર્યાદા કારની છે, પણ ધારો કે એ જ કારને વિમાનમાં ચડાવી દેવામાં આવે તો? કાર પોતાની મહત્તમ ઝડપનો આંકડો કૂદાવ્યા વિના, તેનાથી અનેક ગણી વધારે ઝડપે સફર કરે કે નહીં?

આ કેવળ ઉખાણાંશાઇ ચબરાકીનો મામલો નથી. પ્રકાશની ગતિ કરતાં પણ ઝડપી સફરના પાયામાં રહેલી વૈજ્ઞાનિક હકીકત છે. આઇન્સ્ટાઇના સિદ્ધાંત પ્રમાણે આખા બ્રહ્માંડનું પોત સ્પેસ-ટાઇમના તાણાવાણાનું  બનેલું છે. તેને સીધીસાદી શેતરંજી જેવું નહીં, પણ સંકોચાઇ-વિસ્તરી શકે એવી રબરની ચાદર જેવું ગણી શકાય. ‘બિગ બેન્ગ’ તરીકે ઓળખાતા મહાવિસ્ફોટથી બ્રહ્માંડનો જન્મ થયો. ત્યાર પછી તરત અકલ્પનીય ઝડપે તેનું વિસ્તરણ થયું. આ ઝડપ પ્રકાશની ગતિ કરતાં અનેક ગણી વધારે હતી.
મતલબ,૨,૯૯,૭૯૨.૪૫૮ કિલોમીટર પ્રતિ સેકંડની ગતિમર્યાદા ગતિશીલ પદાર્થને લાગુ પડે છે, પણ જેમાં બ્રહ્માંડના બધા પદાર્થો ગોઠવાયેલા છે, એ સ્પેસટાઇમનું પોત પ્રકાશથી વઘુ ઝડપે સંકોચન-વિસ્તરણ પામી શકે છે.

બ્રહ્માંડના વિસ્તરણને લગતા બીજા ઉદાહરણથી વાત વધારે સ્પષ્ટ કરીએ : એક વિરાટ કદનો ફુગ્ગો ફુલાવ્યા પછી એના બે છેડે એક-એક કીડી મુકવામાં આવે. ફુલેલા ફુગ્ગાના બે છેડા વચ્ચેનું અંતર ધારો કે દસ ફૂટ છે. સમજવા ખાતર એવું પણ ધારી લઇએ કે કીડી એક મિનિટમાં મહત્તમ એક ફૂટ અંતર કાપી શકે છે. તો સામાન્ય સંજોગોમાં એક કીડીને ફુગ્ગાના બીજા છેડે રહેલી કીડી સુધી પહોંચતાં ઓછામાં ઓછી દસ મિનિટ લાગે. પરંતુ ફુલાવેલા ફુગ્ગાની હવા એકદમ કાઢી નાખવામાં આવે તો? શક્ય છે કે કીડી અમુક સેકંડોમાં જ બીજા છેડે રહેલી કીડીની સાવ નજીક પહોંચી જાય- અને તેના મહત્તમ ગતિમર્યાદા પણ ન તૂટે.

બ્રહ્માંડની મુસાફરીના મામલે માણસજાતની સ્થિતિ કંઇક અંશે આ કીડી જેવી છે.  તારાસમુહો અને આકાશગંગાઓ હજારો પ્રકાશવર્ષની દૂરી પર આવેલાં છે. પ્રકાશની ગતિએ પ્રવાસ શક્ય બને તો પણ એ તારાવિશ્વો સુધી પહોંચતાં સેંકડો-હજારો વર્ષ નીકળી જાય. પરંતુ ફુગ્ગાના કિસ્સામાં બન્યું તેમ, વાહનની ઝડપ વધારવાને બદલે ‘રસ્તો’ જ સંકોચી નાખવામાં આવે તો? પ્રવાસની આ રીત વિજ્ઞાનકથામાં- અને હવે વિજ્ઞાનમાં પણ- વૉર્પ ડ્રાઇવ તરીકે ઓળખાય છે. (‘વૉર્પ’ એટલે  વળ).  આ પદ્ધતિની થિયરી પ્રમાણે ખાસ પ્રકારના શક્તિકવચથી વીંટળાયેલું યાન પોતે પ્રકાશવેગે ગતિ કરતું નથી, પણ તેની આસપાસ વીંટળાયેલું શક્તિકવચ સ્પેસટાઇમની ચાદરને પાછળથી વિસ્તારે છે અને આગળથી સંકોચે છે. પરિણામે, યાન પ્રકાશની ઝડપ કરતાં પણ વઘુ ગતિથી આગળ વધીને દૂરનાં તારાવિશ્વો સુધી પહોંચી શકે છે.

ખાસ પ્રકારનું શક્તિકવચ બનાવવા માટે જરૂરી વિશિષ્ટ પ્રકારની અને અઢળક શક્તિ પેદા શી રીતે કરવી એ પહેલો સવાલ છે. પરંતુ એથી પણ પહેલાં આ પ્રકારે સ્પેસટાઇમને સંકોચવા-વિસ્તારવાનું વ્યવહારમાં શક્ય છે કે નહીં, તેના પ્રયોગ ડૉ.હેરોલ્ડ વ્હાઇટ અત્યંત નાના પાયે- ફોટોનના એક કણ પર- કરી રહ્યા છે અને તેમાં એમને ઉત્સાહજનક પરિણામ મળ્યાં છે. ટૂંકમાં, ‘વૉર્પ ડ્રાઇવ’ને વાસ્તવિકતા બનતાં લાંબો સમય નીકળી જાય એવું બને, પણ સાવ ‘ભેંસ ભાગોળે, છાશ છાગોળે’ જેવો મામલો નથી. એ વિજ્ઞાનકથાનાં પાનાં કે ટીવીના પડદેથી બહાર નીકળીને પ્રયોગશાળા સુધી પહોંચી, તે નાની વાત નથી.

અફાટ બ્રહ્માંડને બદલે પૃથ્વીલોક પર ઝડપી મુસાફરી માટે અનેક અખતરા થતા રહે છે. તેમાંનો એક સૌરશક્તિથી જમીનમાર્ગે કલાકના બારસો કિલોમીટરની ઝડપ હાંસલ કરવાનો છે. બીજા કોઇએ આ વાત કરી હોત તો તેની કદાચ તુક્કો ગણીને હાંસી થઇ હોત. પણ અવકાશક્ષેત્રે જ્વલંત સફળતા મેળવનાર ખાનગી કંપની ‘સ્પેસએક્સ’ અને વીજળીથી ચાલતી કાર બનાવાર ‘ટેસ્લા’ જેવાં સફળ સાહસોના માલિક ઇલન મસ્કે આ વાત કરી છે. તેમના પ્રાથમિક આઇડીયા પ્રમાણે, હવા વગરના એક મોટા બોગદામાં પોતાની ગતિથી પેદા થતી હવા ઉપર તરતી દરેક કેપ્સુલ આગળ વધે અને સામા છેડે પહોંચી જાય. દરેક કેપ્સુલમાં એક માણસ હોય. કેપ્સુલની સફરનો આરંભ શરૂઆતી ધક્કાથી થાય, પણ પછીની મુસાફરી એકદમ નિરાંતવી હોય. આ ટેકનોલોજીને તેમણે ‘હાયપર-લૂપ’ તરીકે ઓળખાવી છે.

કેલિફોર્નિયામાં ‘હાઇ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ’ને મંજૂરી મળી તેનાથી ખિન્ન થયેલા મસ્કે ‘હાયપર-લૂપ’ની વાત ‘સ્પેસ-એક્સ’ની વેબસાઇટ પર મુકી છે. મસ્કના મતે, હાઇસ્પીડ ટ્રેન પ્રોજેક્ટ અત્યંત મોંઘો છતાં ટ્રેનની ઝડપની દૃષ્ટિએ અસંતોષકારક છે. જ્યારે ‘હાયપર-લૂપને મસ્કે પ્લેન, ટ્રેન, કાર અને જહાજ પછી વાહનવ્યવહારના પાંચમા સંભવિત વિકલ્પ તરીકે ઓળખાવ્યો છે. મસ્કના મતે આ પ્રોજેક્ટ સાકાર કરવામાં સાતથી દસ વર્ષ જેટલો સમય અને ૬ અબજ ડોલરનો ખર્ચ થાય. (હાઇસ્પીડ ટ્રેન પ્રોજેક્ટના ખર્ચ કરતાં આ લગભગ દસમા ભાગની રકમ છે.) બીજું કોઇ આ પ્રોજેક્ટમાં આગળ નહીં વધે તો ત્રણ-ચાર વર્ષમાં હાયપર-લૂપનું પ્રાથમિક મોડેલ તૈયાર કરવાની વાત મસ્કે કરી છે.

દેખીતી રીતે જ, હાયપર-લૂપના પ્રોજેક્ટ સામે ઘણા લોકોએ પ્રશ્નો ઊભા કર્યા છે. પરંતુ ફક્ત થોડા મહિના પહેલાં કોણે ધાર્યું હશે કે પૃથ્વી પરથી મંગળની વન વે ટિકિટ કપાવવા માટે અને મંગળ પર કાયમી ધોરણે વસવાટ માટે બે લાખથી પણ વઘુ લોકો તૈયારી બતાવશે? અને તેમાં અમેરિકાના ૪૭ હજાર લોકો પછી બીજા નંબરે ૨૦ હજાર હોંશીલા ભારતના હશે? પરંતુ ‘માર્સ વન’ નામની સ્વૈચ્છિક સંસ્થા અને તેના માલિક લાન્સડોર્પને ફક્ત એપ્રિલ ૨૦૧૩થી ઓગસ્ટ ૨૦૧૩ વચ્ચે આટલા જથ્થામાં અરજીઓ મળી છે. મંગળ પર માનવ વસાહત સ્થાપવા ઇચ્છતા લાન્સડોર્પના પ્રોજેક્ટ અંગે શંકાકુશંકાઓનો પાર નથી. આ ક્ષેત્રે અનુભવી ‘નાસા’ મંગળ પર સમાનવ યાત્રા વિશે હજુ સાવચેતીથી આગળ વધી રહ્યું છે ત્યારે લાન્સડોર્પની વાત પરથી એવું લાગે કે તેમને પ્રોજેક્ટ માટે જરૂરી રકમ મળી જાય તો જાણે બીજી કશી તકલીફ જ નથી.

મંગળ પર બાંધકામ માટે પહેલું યાન તે ૨૦૧૬માં રવાના કરવા ધારે છે અને ૨૦૨૨માં પસંદ થયેલા તાલીમબદ્ધ ચાર જણની ટુકડી મંગળ પર જવા રવાના થશે, જે મંગળ પર ૨૦૧૩માં ઉતરશે. તેમને મોકલવાનો ખર્ચ ૬ અબજ ડોલર થશે અને ત્યાર પછી ચાર જણની દરેક ટીમને મોકલવામાં ૪ અબજ ડોલરનું આંધણ થશે. પણ લાન્સડોર્પને ખાતરી છે કે આખી પ્રક્રિયાના પ્રાયોજકો અને પ્રસારણહકોથી માંડીને બીજી અનેક રીતે રોકડી કરીને આખા પ્રોજેક્ટને નફાકારક બનાવી શકાશે.

મંગળ પર માનવ વસવાટ માટે સંજોગો અનુકૂળ છે કે નહીં, એની હજુ તપાસ ચાલી રહી છે ત્યારે મંગળ પર કાયમ માટે વસી જવાની અને પૃથ્વી પર પાછા ન ફરવાની તૈયારી બતાવવી, એ સાહસ ગણાય?કે મૂર્ખામી? દરેકનો જવાબ જુદો હોઇ શકે છે, પણ એટલું નક્કી છે કે એકવીસમી સદી અનેક વિજ્ઞાનકથાઓને વાસ્તવિકતામાં પલટી નાખનારો સમય બની રહેશે.
(22-9-13)

Friday, October 18, 2013

પ્રાણીઓમાં જ્ઞાતિપ્રથા : એક બોધકથા

એક જંગલ હતું. તેમાં પ્રાણીઓની જાહેર સભા યોજાઇ. તેનો હેતુ હતો : માણસની જેમ પ્રાણીઓમાં વર્ણ અને જ્ઞાતિ આધારિત ભેદ પાડવાં. કેટલાંક સમાજશાસ્ત્રી પ્રાણીઓનું સંશોધન હતું કે માણસને પ્રાણી કરતાં અલગ પાડવામાં આ બન્ને બાબતો મહત્ત્વની છે. કારણ કે જ્ઞાતિની વાત થાય ત્યારે હંમેશાં માણસની સરખામણી પ્રાણી સાથે કરવામાં આવે છે અને લોકો જ્ઞાતિવાદી માણસોને ઠપકો આપતાં કહે છે, ‘તમારા કરતાં તો પ્રાણીઓ સારાં. એ કમ સે કમ જ્ઞાતિના ભેદ તો નથી પાડતાં.’ મતલબ કે, પ્રાણીઓએ મનુષ્ય-સમકક્ષ બનવું હોય તો જ્ઞાતિપ્રથા અપનાવવી રહી.

પ્રાણીઓ બુદ્ધિમતામાં માણસ જેટલાં વિકસીત ન હોવાથી, સભા-કમ-મિટિંગને એમણે બહુ ગંભીરતાથી લીધી. કામચલાઉ સ્ટેજ ઊભું કરવામાં આવ્યું. શ્રોતા અને વક્તાની સંખ્યા લગભગ સરખી હોય ત્યારે કોણ શ્રોતા છે ને કોણ વક્તા, એ નક્કી કરવામાં સ્ટેજ બહુ ઉપયોગી છે- આવું માણસોના સભાગૃહોમાં ફરતાં ઉંદર, બિલાડી, કીડી, માંકડ જેવાં પ્રાણીઓનું સૂચન હતું.

સભાના સંચાલક તરીકે ગર્દભે માઇક સંભાળ્યું. તેને જોઇને ઉપસ્થિત પ્રાણીઓમાં ગણગણાટ શરૂ થયો : ‘આ ગધેડાને ક્યાં સંચાલન સોંપ્યું? બીજું કોઇ ન મળ્યું?’ ચબરાક ગર્દભે ગણગણાટ પારખીને કહ્યું,‘તમારી લાગણી હું સમજી શકું છું, પણ આ રિવાજ આપણે માણસો પાસેથી અપનાવ્યો છે.’ માનવજાત પરની ગર્દભની ‘કટ’ને  સિંહથી માંડીને સસલા સુધીના સૌએ મુક્ત હાસ્યથી વધાવી લીધી. તેનાથી પ્રોત્સાહિત થયેલા ગર્દભે આગળ ચલાવ્યું,‘આજે આપણે સૌ કેમ ભેગા થયા છીએ એ સૌને  એક વાર યાદ કરાવી દઉં, કારણ કે માણસની દેખાદેખી આપણામાંથી ઘણાએ સભાની આમંત્રણ પત્રિકામાં ફક્ત અલ્પાહારનો જ સમય વાંચ્યો હશે.’

ફરી શ્રોતાઓનું અટ્ટહાસ્ય. પહેલી લાઇનમાં બેઠેલા સિંહે કહ્યું, ‘માળો ગધેડો આજે ખીલ્યો છે.’ એ સાંભળીને ગર્દભ કહે,‘મહારાજ, માફ કરજો, પણ સ્ટેજ પર આવ્યા પછી ભલભલા ગધેડા સિંહ થઇ જાય છે અને સિંહ...’

સરખામણી આગળ વધે તે પહેલાં જ સિંહે આંખ લાલ કરીને કહ્યું,‘એટલું યાદ રાખજે કે તારે સ્ટેજ પરથી નીચે ઉતરવાનું છે.’

ગધેડો કેટલાક લોકો માને છે એવો મુર્ખ નથી હોતો. એ સમજી ગયો. ગળું ખોંખારીને એણે કહ્યું, ‘આપણો સમસ્ત પ્રાણીસમાજ ઇચ્છે છે કે આપણી ગણતરી માણસની બરાબરીમાં થાય. ખાસ કરીને આપણી નવી પેઢી એ દરજ્જો મેળવવા માટે તલપાપડ છે. એ માટે માણસોની દેખાદેખીમાં વર્ણવ્યવસ્થા અપનાવવી કે નહીં, એ આપણે નક્કી કરવાનું છે.’

આટલું બોલીને ગધેડાએ લાંબો વિરામ લીધો અને એક ઊંઘ ખેંચી નાખી હોય એટલી રાહત ચહેરા પર વ્યક્ત કરીને કહ્યું,‘આ અંગે જેનો પોતાના વિચારો વ્યક્ત કરવા હોય, તે મંચ પર આવી શકે છે. સભાના અંતે આખરી નિર્ણય લેવામાં આવશે.’

જંગલના રાજા સિંહે ‘જાની’ રાજકુમારના અંદાજમાં કહ્યું, ‘હું કદી કોઇની પાસે જતો નથી ને ઊંચાનીચામાં પડતો નથી. હું રાજા છું. ધેટ્‌સ ઑલ.’

આ સાંભળીને એક હાથી મંચ પર આવ્યો. તેણે કહ્યું,‘આપણો દરજ્જો માણસ-સમકક્ષ લઇ જવા માટે વર્ણવ્યવસ્થા દાખલ કરવાનો વિચાર સારો છે, પણ કયાં પ્રાણી ઊંચાં અને કયાં નીચાં એ કોણ નક્કી કરશે?’
સિંહે કહ્યું,‘છે હાથી, પણ સાવ ડોબા જેવા છે. આ તે કંઇ સવાલ છે?  જે પ્રાણીઓ નક્કી કરે તે પોતે ઊંચાં, એ બધાં ઊંચાં અને બાકીનાં નીચાં.

હાથીએ સૂંઢમાંથી હવાને જોસભેર બહાર કાઢી અને મક્કમતાથી કહ્યું,‘સિંહ ઊંચા ને બાકીના નીચા? આ તો સિંહવાદ કહેવાય. મને એ મંજૂર નથી.’

સિંહે સમજાવટના સ્વરમાં કહ્યું,‘તે આટલું ખોંખારીને કહ્યું એટલે તુંયે ઊંચો. બસ? કેટલો ઊંચો એ હવે પછી નક્કી કરી લઇશું.

હાથીએ કહ્યું,‘તો ઠીક છે. વર્ણવ્યવસ્થા સામે મને કોઇ સૈદ્ધાંતિક વાંધો નથી.’

હાથીની સફળતા પછી મંચ પર આવવા માટે પ્રાણીઓની લાઇન લાગી. ભીડ ચીરતો વાઘ આગળ આવ્યો અને કહે,‘મને એટલી ખબર છે કે મારી પાસે તાકાત છે. હું હાથી કરતા હાઇટમાં નીચો છું, પણ હાથીને હતો- ન હતો કરી શકું છું. મારી માગણી છે કે પ્રાણીઓની વર્ણવ્યવસ્થામાં મને કમ સે કમ હાથીની ઉપર નહીં તો તેની સમકક્ષ મુકવામાં આવે.’

જિરાફ શરમથી ડોક શરમથી ઝુકાવીને આવ્યું, અદબ વાળીને ઊભું રહ્યું અને કહ્યું,‘હું સૌથી ઊંચ છું એ સૌ પોતાની આંખોથી જોઇ શકે છે. બસ, મારો દરજ્જો નક્કી કરતી વખતે મારી આ ઊંચાઇને ધ્યાનમાં લેવામાં આવે એ જ મારી લાગણી છે.’

ક્યારનું આગળ આવી ગયેલું સસલું ટાંપીને જ બેઠું હતું. જિરાફ નીચે ઉતરે એ પહેલાં તે સ્ટેજ પર ચડી ગયું,‘દુનિયા આખીમાં રિવાજ છે. ગોરા સૌથી ઊંચા કહેવાય. એ રીતે પ્રાણીઓની વર્ણવ્યવસ્થામાં અમારું સ્થાન બ્રાહ્મણનું હોવું જોઇએ, એ વિશે કોઇને શંકા છે?’

આ સાંભળીને સિંહ ચીડાયો, ‘તારી જાતનો સસલો...સૌથી ઊંચો થવા નીકળ્યો છે.. હમણાં એક ત્રાડ પાડીશ તો તારી લઘુ-ગુરુ તમામ શંકાઓનું નિવારણ થઇ જશે. પાડું ?’

બે હાથ જોડીને સસલું બોલ્યું,‘મહારાજ, આપ તો વર્ણવ્યવસ્થામાં ક્ષત્રિયના સ્થાને છો. આપના આશરે, આપના રક્ષણથી અને આપના જોરે જ અમારે ઊંચા થવાનું છે. બાકી અમે તો આપના તાબેદાર કહેવાઇએ.આપ જ વિચારો : આપ અમને ઊંચા સ્થાને બેસાડશો તો સારું કોનું દેખાશે? અમારું કે આપનું? લોકો કહેશે, ‘મહારાજ આટલા શક્તિશાળી હોવા છતાં કેવા નમ્ર અને ગુણી છે કે સસલા જેવા સસલાનો ઊંચા આસને બેસાડીને તેનું રક્ષણ કરે છે.’ બદલામાં અમે આપને ભગવાન માનીશું અને લોકોને પણ કહીશું કે એ આપને ભગવાન માનીને આપની પૂજા કરે. માણસોની વર્ણવ્યવસ્થામાં આવું જ થયું હતું.’

સસલાની દલીલ સાંભળીને સિંહને થયું કે એની વાતમાં દમ છે. છો ને થતો મોટો? મને તો એ મહારાજ કહેવાનો જ છે ને? અને જે દહાડે આઘોપાછો થયો એવું લાગશે, ત્યારે મને પંજો દેખાડતાં ક્યાં નથી આવડતું.

ઝીબ્રા સ્ટેજ પર આવ્યું. કહે,‘મારે તો કાળાંધોળાં કરવાનાં, એટલે મને ગમે તે જ્ઞાતિમાં મૂકો, કોઇ ફેર પડતો નથી. દરેકને મારી જરૂર પડશે. મને ઊંચ-નીચ ગણાવામાં રસ નથી. હું વગદાર છું એટલું જ પૂરતું છે. મને જે વર્ણમાં મૂકવો હોય તેમાં મૂકવાની હું સામે ચાલીને છૂટ આપું છું.’

શરમાળ હરણ હિંમત કરીને સ્ટેજ સુધી પહોંચ્યું અને ભોંય પર નજર નોંધીને કહે,‘ગમે તેવા વર્ણ ગોઠવાય, પણ મારો શિકાર તો થવાનો જ છે. મારી પર તરાપ મારતી વખતે કોઇ મારા વર્ણનો વિચાર નહીં કરે એની મને ખબર છે. એટલે મને પણ ગમે તે વર્ણમાં મૂકો, કશો ફરક પડવાનો નથી.’

આ રીતે વર્ણવ્યવસ્થાનું આખું માળખું ગોઠવાતું ગયું. ભૂંડને કહેવામાં આવ્યું,‘તું કાળું એટલે તું શુદ્ર.’

ભૂંડે કહ્યું, ‘એમ તો હાથી પણ કાળો છે ને ભેંસ પણ કાળી છે. એમને તમે વૈશ્યમાં મૂક્યા છે.’

તેને સંભળાવવામાં આવ્યું,‘તું ગમે તેવું નીચે પડેલું સુદ્ધાં વીણી ખાઉં છું. તું ગંદું છું. ’

ભૂંડે કહ્યું,‘નીચે પડેલું કોણ નથી ખાતું? લાગ મળે સૌ ખાય છે. નામ દેવા માંડીશ તો અહીં ઊભવું ભારે પડી જશે.’

‘એ ભૂંડ. મોં સંભાળીને વાત કર. કાદવમાં પડી રહીને તારી બુદ્ધિ પણ કાદવ જેવી જાડી થઇ ગઇ છે.’ સિંહે ઘૂરકીયું કર્યું.

ભૂંડ બોલ્યું,‘એમ તો ભેંસ પણ કાદવમાં પડી રહે છે. એને તમે વૈશ્યમાં મૂકી.’

‘એ દૂધ આપે છે, જ્યારે તું? તું તો ગંદકી ફેલાવે છે.’

‘હું ગંદકી ફેલાવું છું કે સાફ કરું છું? સાવ માણસ જેવી વાત ન કરશો. અને ધારો કે હું ગંદકી ફેલાવું છું તો એ ગંદકી કરે છે કોણ? તમેના તમે જ કે બીજું કોઇ?’

‘સારું, સારું. તને શુદ્રમાં સૌથી ઊંચ ગણીશું. બસ? હવે તો રાજી ને?’

ભૂંડે દેખાડા ખાતર મોં બગાડ્યું, પણ ‘સૌથી ઊંચ’ની લાલચે તેનું કામ કર્યું. એ રાજી થયું. ભૂંડે ઉંદર પર રોફ જમાવવા માંડ્યો,‘એય ઉંદરીયા, નીચ. છેટો રહેજે મારાથી.’ ઉંદરની રજૂઆત કરવાની હિંમત ન ચાલી, એનું સાંભળે કોણ?

સભામાં લેવાયેલા નિર્ણયનું આગળ શું થયું એ જાણવા મળ્યું નથી, પણ તેની પર એક અમલીકરણ સમિતિ નીમાઇ હશે, તેમને લાગ્યું હશે કે અમલીકરણ કરી દેવાથી આપણી જરૂર નહીં રહે. કદાચ એટલે પ્રાણીજગતમાં હજુ સુધી વર્ણવિભાજન જોવા મળતું નથી. 

Thursday, October 17, 2013

વાર્તાના પાત્ર લાઝરસનાં અસલી ‘વંશજ’ : સદીઓ સુધી અદૃશ્ય રહ્યા પછી અચાનક જડી આવતાં પશુપંખી

‘પત્તો આપનારને રૂ. એક લાખનું ઇનામ’ - આ મતલબની જાહેરાત દેશનાં ગયા અઠવાડિયે દેશનાં કેટલાંક હિંદી અને અંગ્રેજી દૈનિકોમાં પ્રસિદ્ધ થઇ. એ કોઇ ચોર-ડાકુ કે ત્રાસવાદી માટેની નહીં, પણ એક પક્ષી માટેની ‘વૉન્ટેડ’ હતી. એટલે તેમાં ‘જીવીત કે મૃત’નો સવાલ ન હતો. આ તલાશ અભિયાન હતું અંગ્રેજીમાં ‘હિમાલયન ક્વેલ’ અથવા ‘માઉન્ટેન ક્વેલ’ / Mountain Quail તરીકે ઓળખાતા હિમાલયવાસી બટેરનું.
Himalayan Quail / હિમાલયવાસી બટેર
આખી દુનિયામાં ફક્ત કુમાઉંનાં જંગલોમાં- નૈનિતાલ અને મસુરીના પહાડી ઇલાકામાં નિવાસ ધરાવતું આ બટેર છેલ્લે ૧૮૭૬માં જોવા મળ્યું હતું. ત્યાર પછી તેનાં દર્શન સાવ બંધ થઇ ગયાં- અથવા કેટલાક કહે છે તેમ, દુર્લભ થઇ ગયાં. વચ્ચે વચ્ચે હિમાલયવાસી બટેર જોવા મળ્યું હોવાના બિનઆધારભૂત સમાચાર આવતા રહ્યા છે. કદાચ એટલે જ ‘ઇન્ટરનેશનલ યુનિઅન ફોર કન્ઝર્વેશન ઑફ નેચર’ દ્વારા સત્તાવાર રીતે એને ‘લુપ્ત’ જાહેર કરવામાં આવ્યું નથી. હાલમાં તેનું અસ્તિત્ત્વ ભારે જોખમમાં આવી પડેલું - ક્રિટિકલી એન્ડેન્જર્ડ- ગણાય છે. હિમાલયવાસી બટેર અત્યારે જોવું હોય તો ભારતનાં કે લંડનના નેચરલ હિસ્ટરી મ્યુઝિયમમાં જવું પડે, જ્યાં આ દુર્લભ પંખીના થોડા નમૂના મસાલાભરેલી અવસ્થામાં સચવાયેલા છે. પરંતુ ઉત્તરાખંડના કુમાઉં  પ્રદેશના વનસંરક્ષક વિભાગને એવું લાગે છે કે નવેસરથી પ્રયાસ કરવામાં આવે તો કુમાઉંમાં ક્યાંકથી આ દુર્લભ બટેરનો પત્તો મળવાની પૂરી સંભાવના છે. તેની ભાળ મેળવી આપનાર માટે રૂ.૧ લાખ જેવી મોટી રકમનું ઇનામ એટલે જ જાહેર કરવામાં આવ્યું છે.

કુદરતના ખોળે ખેલતાં અને વંશવેલો આગળ વધારતાં સેંકડો જીવોને લુપ્ત બનાવવામાં ઉત્ક્રાંતિએ સર્જેલું મનુષ્ય નામનું બેપગું પ્રાણી માહેર છે. તેના પાપે કઇ જાતિ ટકશે ને કઇ લુપ્ત થશે તે હવે ‘નેચરલ સીલેક્શન’ને આધીન રહ્યું નથી. હિમાલયવાસી બટેરના કિસ્સામાં પણ એવું જ બન્યું. અંગ્રેજીમાં ‘ગેમિંગ બર્ડ’ તરીકે ઓળખાતાં પક્ષીઓમાં કમનસીબે આ બટેરનો પણ સમાવેશ થતો હતો. એટલે ભારત પર રાજ કરનારા ગોરા સાહેબો જંગલમાં શિકાર ખેલવા જાય ત્યારે તેમની નિશાનબાજીની કળાનો ભોગ બીજાં અનેક પશુપંખીઓની સાથે આ બટેર પણ બન્યાં. પોતાનું અસ્તિત્ત્વ ટકાવવા માટે નહીં, પણ વટ પાડવા માટે અને અહમ્‌ સંતોષવા માટે બીજી જાતિઓનું નિકંદન કાઢતી એકમાત્ર જાતિ કદાચ મનુષ્યની હશે. તેનો પરચો વઘુ એક વાર હિમાલયવાસી બટેેરને ખરાબ રીતે મળ્યો.

સદીઓથી કુમાઉંનાં જંગલોમાં મુક્તપણે વિહરતાં, મઘ્યમ કદનાં પક્ષીઓ તેમની લાલ ચાંચ અને લાંબા પગને કારણે બીજાં બટેરથી જુદાં તરી આવતાં હતાં. લાંબા ઘાસથી આચ્છાદિત હિમાલયના ઢોળાવ તેમનું પ્રિય નિવાસસ્થાન હતું. ત્યાં એ પાંચ-છનાં જૂૂથમાં વસતાં હતાં અને વહેલી પરોઢ કે સંઘ્યાકાળ સિવાય ભાગ્યે જ ખુલ્લાં દેખાતાં. તેમને પાંખો તો હતી, પણ ઉડવામાં એ બહુ ચપળ ન હતાં. પક્ષીશાસ્ત્રીઓના મતે, ખતરો જણાય ત્યારે આ જાતનાં બટેર પાંખથી ઉડવાને બદલે પગથી દોડવાની વૃત્તિ ધરાવતાં હતાં અને સાવ ઓછું અંતર હોય ત્યારે જ પાંખ ફફડાવતાં. આ લાક્ષણિકતા છતાં જંગલનાં માહોલમાં જંગલી પ્રાણીઓ વચ્ચે તે ટકી ગયાં, પણ મનુષ્યની નજરે ચડ્યાં પછી તેમનું નિકંદન શરૂ થયું અને ૧૮૭૦ના દાયકામાં તેમનો સદંતર ખાતમો બોલી ગયો.

હવે કુમાઉં વનવિભાગની ઝુંબેશ થકી હિમાલયવાસી બટેરનો અતોપતો મળી આવે, તો તેમને પશુપંખીઓના વિશિષ્ટ ગણાતા ‘લાઝરસ’ સમુહમાં સ્થાન મળી શકે. બાઇબલના નવા કરારની વાર્તા પ્રમાણે ઇસુ ખ્રિસ્તે લાઝરસને મૃતમાંથી સજીવન કર્યો હતો. તેની પરથી લુપ્ત થઇ ગયેલાં મનાતાં પશુપંખીઓ સદીઓ પછી નવેસરથી મળી આવે ત્યારે તેમને ‘લાઝરસ સમુહ’નાં ગણવામાં આવે છે.

‘લાઝરસ સમુહ’નો સૌથી જાણીતો નમૂનો છે સિલેકન્થ /.Coelacanth   માછલી. આ માછલી આશરે સાડા છ કરોડ વર્ષ પહેલાં અસ્તિત્ત્વ ધરાવતી હતી, જ્યારે માણસનું તો ઠીક, બીજા મોટા ભાગના સજીવોનું નામોનિશાન ન હતું અને પૃથ્વી પર મોટા વિસ્તારોમાં પથરાયેલા સમુદ્રોમાં ઉત્ક્રાંતિની પ્રક્રિયા પહેલા-બીજા ગીઅરમાં ચાલી રહી હતી. જળચરમાંથી જળ-જમીન બન્ને પર વસી શકે એવાં ઉભય-ચર અસ્તિત્ત્વમાં આવ્યાં, તેમની વચ્ચેનું પગથિયું હતી આ કદાવર સિલેકન્થ માછલી. ઘેરો ભૂરો અને રાખોડી રંગ, ચાર ઝાલર અને વિચિત્ર પૂંછડી ધરાવતી આ માછલી પાંચ ફૂટ લાંબી અને દેખાવે કદરૂપી હતી. ડિસેમ્બર ૨૩, ૧૯૩૮ના રોજ પહેલી વાર તે દક્ષિણ આફ્રિકાના દરિયામાંથી મળી આવી, ત્યારે માછીમારને તો ઠીક,  ત્યાંના મ્યુઝીયમમાં કામ કરતાં માર્જોરી કર્ટનીને પણ નવાઇ લાગી. આવી માછલી તેમણે અગાઉ કદી જોઇ ન હતી. તે સંદર્ભ પુસ્તકો ફેંદી વળ્યાં, પણ આ વિચિત્ર માછલીની કશી વિગત મળતી ન હતી.
CoelaCanth / સિલેકન્થ માછલી
અંતે ર્‌હોડ્‌સ યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્ર ભણાવતા અભ્યાસી જેમ્સ સ્મિથે  આ નમૂનો જોયો ત્યારે બે ઘડી તે આંખો ચોળતા રહી ગયા. કેમ કે, તે આ માછલીને બરાબર ઓળખતા હતા. એટલું જ નહીં, તેમનો - અને એ સમય સુધીના બધા અભ્યાસીઓનો- એવો મત હતો કે આ માછલી હજારો કે લાખો નહીં, કરોડો વર્ષ પહેલાં અસ્તિત્ત્વ ધરાવતી હતી. ૧૮૩૮માં મળી આવેલું તેનું અશ્મિ સાડા છ કરોડ વર્ષ જૂનું હોવાનું પુરવાર થયું હતું. આટલો જૂનો કોઇ સજીવ એ જ સ્વરૂપે અત્યારે જીવીત હોઇ શકે નહીં, એવું અભ્યાસીઓ માનતા હતા. પણ તેમની એ માન્યતા ખોટી પડી. માનવ ઇતિહાસમાં પહેલી વાર સિલેકન્થનાં દર્શન થયા પછી, વઘુ તપાસ કરતાં ૧૪ વર્ષ પછી બીજી એક સિલેકન્થ મળી આવી અને ત્યાર પછી તો હિંદ મહાસાગર સહિત ઘણા જળવિસ્તારોમાં સિલેકન્થનું અસ્તિત્ત્વ જોવા મળ્યું. માટે, તેમને પશુપંખીઓના ‘લાઝરસ સમુહ’માં સ્થાન આપવામાં આવ્યું.

સિલેકન્થ જેવો જ કિસ્સો જાર્થીઆ / Djarthia નામના પ્રાગૈતિહાસિક સસ્તન પ્રાણીનો છે. તે કદમાં સાવ ટચૂકડું, ઉંદર કરતાં પણ નાનું હતું.  ઓસ્ટ્રેલિયામાં મળી આવેલાં તેનાં અશ્મિના આધારે તે ૫.૫ કરોડ વર્ષ પહેલાં લુપ્ત થઇ ગયું હોવાનો અંદાજ હતો. પરંતુ બ્રિટિશ  અભ્યાસી ઓલ્ડફિલ્ડ થોમસ અને તેમની ટુકડીએ ૧૮૯૪માં દક્ષિણ અમેરિકાના દેશ ચીલીની પહાડીઓમાં  ઝાડ પર ચડઉતર કરતું વિચિત્ર પ્રાણી જોયું. સ્થાનિક લોકો તેને ‘મોનિતો ડેલ મોન્તે’ (ટચૂકડું પહાડી બંદર) કહેતા હતા. માંડ ૧૧ સે.મી. જેટલી લંબાઇ ધરાવતું આ ‘બંદર’ એન્ડીઝ પર્વતના વિસ્તારમાં આવેલાં વાંસનાં ઝાડ પર માળો બનાવતું હતું.
Djarthia / જાર્થિઆ 
નજદીકી નિરીક્ષણ કરતાં થોમસને જણાયું કે આ પ્રાણીને કોઇ રીતે બંદર કહી શકાય એમ નથી. એના સાવ નાના શરીરના આગળના ભાગમાં કાંગારુને પેટ પર હોય છે એવી, બચ્ચાં માટેની કોથળી જોવા મળી. આ એ જ પ્રાણી હતું, જે પૃથ્વીના બધા જ ખંડ એકબીજા સાથે જોડાયેલા હતા ત્યારે અસ્તિત્ત્વ ધરાવતું હતું અને ઓસ્ટ્રેલિયા- દક્ષિણ અમેરિકા અલગ પડ્યાં ત્યારે આ પ્રાણી તેનાં કાંગારું જેવાં પેટે કોથળી ધરાવતાં ઓસ્ટ્રેલિયન સગાંવહાલાંથી અલગ થઇને દક્ષિણ અમેરિકા પહોંચ્યું. ઓસ્ટ્રેલિયામાં ૫.૫ કરોડ વર્ષ જૂનાં અશ્મિના આધારે તેને લુપ્ત થયેલું માની લેવાયું હતું, પણ ચીલીના જંગલોમાં હાજરી પુરાવીને જાર્થીઆએ ‘લાઝરસ સમુદાય’માં સ્થાન મેળવ્યું.

કરોડો વર્ષને બદલે થોડી સદી પહેલાં લુપ્ત થયેલાં મનાતાં બર્મ્યુડા પેટ્રેલ કે કાસ્પિયન ઘોડા જેવાં કેટલાંક પશુપંખીઓ પણ લાઝરસ સમુહનાં ગૌરવવંતાં સભ્યો છે, જે હવે લુપ્ત ન થાય એની પૂરી કાળજી રાખવામાં આવે છે. આ યાદીમાં હિમાલયવાસી બટેરનું નામ ઉમેરાય તો અભ્યાસીઓ અને પક્ષીપ્રેમીઓ માટે તે નોંધપાત્ર ઉપલબ્ધિ બની રહેશે. 

Tuesday, October 15, 2013

દેવાલય, શૌચાલય અને પ્રતિક્ષાલય

વિશ્વ જળ દિન નિમિત્તે આ વર્ષે સંયુક્ત રાષ્ટ્રસંઘે જાહેર કરેલા આંકડા પ્રમાણે, વિશ્વની અંદાજે ૭ અબજની વસ્તીમાંથી લગભગ ૬ અબજ લોકો મોબાઇલ ફોન ધરાવે છે, પણ શૌચાલયની સુવિધા માંડ ૪.૫ અબજ લોકો પાસે છે.

વાત દુનિયા પરથી દેશ પર લાવીએ તો, વિશ્વસ્તરે શૌચાલયવંચિત લોકોમાં ભારતીયોનું પ્રમાણ બહુ મોટું છું. ત્રણ વર્ષ પહેલાંના સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલમાં પહેલી વાર આ વાત નાટ્યાત્મક રીતે પ્રગટ થઇ હતી. તેમાં જણાવાયું હતું કે ભારતની ૧.૨ અબજની વસ્તીમાંથી અડધાઅડધ લોકો પાસે મોબાઇલ ફોન છે, પણ શૌચાલયની સુવિધા હોય એવા લોકોની સંખ્યા માંડ ૩૬.૬ કરોડ છે. એટલે કે, ભારતમાં શૌચાલય ઓછાં ને મોબાઇલ ફોન વધારે છે.

આ જૂની અને જાણીતી વાતને ભારતીય સંદર્ભમાં એક નેતાએ રજૂ કરી અને કહ્યું કે ભારતમાં દેવાલયો કરતાં શૌચાલયો બાંધવાની જરૂર વધારે છે.

એ નેતાનું નામ...નરેન્દ્ર મોદી નહીં, જયરામ રમેશ હતું. તેમણે વર્ષ ૨૦૧૨માં આ વાત કરી ત્યારે ભારે વિવાદ થયો. હિંદુત્વનું રાજકારણ ખેલતાં સંગઠન તેમની પર તૂટી પડ્યાં હતાં. એ વાતના એકાદ વર્ષ પછી વડાપ્રધાનપદના ઉમેદવાર બનેલા ગુજરાતના મુખ્ય મંત્રીએ આ જ વાત કરી. પણ તેમના અસરકારક મીડિયા મેનેજમેન્ટને કારણે એવી છાપ ઊભી થઇ, જાણે તેમણે કેટલી બધી મહાન, મૌલિક અને ક્રાંતિકારી વાત કરી દીધી.

વાતો અને વાસ્તવિકતા

અડવાણીની રામમંદિર રથયાત્રાના સારથી  તરીકે તેમની હારોહાર રહેલા નરેન્દ્ર મોદીને અચાનક મંદિર-દેવાલય પહેલાં  શૌચાલયની વાત કરતા સાંભળીને આશ્ચર્ય થાય, તેમાં કશી નવાઇ નથી.  પરંતુ શૌચાલયનો પ્રશ્ન એટલો ગંભીર છે કે એ અંગે બોલાતું દરેક વાક્ય અને એ દિશામાં થતું નાનામાં નાનું કાર્ય આવકાર્ય છે. મુશ્કેલી એટલી જ છે કે શૌચાલય વિશેની વાતમાં સાચી નિસબત ઓછી અને પ્રચારપટુતાથી છવાઇ જવાનો પ્રયાસ વધારે હોઇ શકે છે. સવાલ એ થાય કે બોલનારનો શી રીતે જાણવો?

એ માટેની સાદી અને સામાન્ય સમજણની કસોટી છે : શૌચાલયની વાતો કરનાર ભાઇ કે બહેન, નેતા કે કથાકાર, સામાજિક અગ્રણીઓ કે સ્વૈચ્છિક સંસ્થાના લોકોએ આ મુદ્દે શું કામ કર્યું છે?  તેમના રસના બીજા વિષયોમાં એ લોકો ફક્ત જીભ હલાવીને કે થોડો દેખાડો કરીને બેસી રહે છે? કે પછી તેના અમલની દિશામાં વધારે પ્રયાસ કરે છે? જો બીજી બાબતોમાં એ સક્રિય અને સારો એવો પ્રયાસ કરતા હોય, પણ શૌચાલયની બાબતમાં એકાદ નિવેદન ફટકારીને કે એકાદ પ્રતીક કાર્યક્રમ કરીને સંતોષ માની લેતા હોય તો એનો અર્થ એવો થાય કે તેમને શૌચાલય-સમસ્યા વિશે વાત કરીને ‘પ્રગતિશીલ’ દેખાવાનું ગમે છે, પરંતુ એનું મહત્ત્વ તેમના માટે પ્રચારકવાયતના એક મુદ્દાથી વિશેષ નથી.

તેમ છતાં, ‘આટલું પણ કોણ કરે છે’ની ભારતીય લાગણીને માન આપીને, શૌચાલયનો મુદ્દો રાજકીય ભાષણો કે ધાર્મિક કથા દ્વારા જાહેર ચર્ચામાં લાવનારા સૌનો આભાર અને ત્યાર પછી તેમને સવાલ : શૌચાલય-સમસ્યા ચર્ચામાં તો આવી. એમાંથી તમે પ્રસિદ્ધિ પણ રળી લીધી. હવે તમે એ વિશે શું કરવા ધારો છો?’

ભવિષ્યકાળની તો ખબર નથી, પણ ગુજરાતના મુખ્ય મંત્રી છેલ્લાં બાર વર્ષથી રાજ્ય પર એકચક્રી શાસન કરે છે, એટલે ભૂતકાળની વાત થઇ શકે તેમ છે. આ સમયગાળામાં ગુજરાતનો  અભૂતપૂર્વ વિકાસ કરી નાખ્યો હોવાનો તેમનો દાવો છે. તો આવા ‘સુપર-વિકસિત’ રાજ્યમાં શૌચાલય બાબતે કેવી પરિસ્થિતિ છે?

જો ગુજરાત શૌચાલયોના મુદ્દે સન્માનજનક સ્થિતિમાં હોય તો મુખ્ય મંત્રીએ શૌચાલય-સમસ્યા વિશે કરેલી ચિંતા અને તેમનું વિધાન સન્નિષ્ઠ- સાચકલાં કહેવાય. પરંતુ જો ગુજરાતમાં પણ શૌચાલયની બાબતમાં ભોપાળાં હોય તો? વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે, ગુજરાતમાં આશરે  ૪૧ ટકા કુટુંબો પાસે શૌચાલયની સુવિધા નથી. આ તો સરેરાશ આંકડો થયો. પરંતુ ગામડાં અને શહેરનો તફાવત પાડવામાં આવે તો, ગ્રામ્ય વિસ્તારોમાં આશરે ૬૬ ટકા લોકોના ઘરમાં શૌચાલય નથી. આ બાબતે વર્ષ ૨૦૦૧માં શું સ્થિતિ હતી એ જાણવા મળતું નથી, પરંતુ વર્તમાન સ્થિતિ બિલકુલ ગૌરવપ્રદ નથી, બલ્કે શરમજનક કહેવાય એવી છે- અને આમાં કેન્દ્ર સરકારનો ભાગ્યે જ કશો વાંક કાઢી શકાય એમ છે.

જેમના બાર વર્ષના શાસન પછી ‘ગુજરાત મોડેલ’ના આદર્શની અને તેને રાષ્ટ્રિય સ્તરે લાગુ પાડવાની વાત ચાલતી હોય, તેમના પોતાના રાજ્યમાં  નક્કર આંકડાકીય વાસ્તવિકતા આટલી વરવી હોય તેને શું કહેવાય? અને બાર વર્ષના શાસનમાં પોતે રાજ્યસ્તરે જે કરી શક્યા નથી, તેનાં રાષ્ટ્રિય સ્તરે સ્વપ્નાં દેખાડવાં, એને શું કહેવાય? એ વિશેષણો સૌએ પોતાની સમજણ-રૂચિ પ્રમાણે વિચારી લેવાં.

હકીકતમાં શૌચાલયના મુદ્દે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે પણ ભેદ પાડવા જેવો નથી. આ બાબતે સૌ એક નાવમાં સવાર છે. કારણ કે મૂળ પ્રશ્ન કેવળ નાણાંની અછતનો નથી. જયરામ રમેશે એક વાર કહ્યું હતું તેમ, એક સારા મોબાઇલ હેન્ડસેટના ભાવમાં ઘરમાં શૌચાલય તૈયાર થઇ શકે છે. પરંતુ શૌચાલય-સમસ્યાની સપાટી નીચે જ્ઞાતિ આધારિત ભેદભાવનો ગંભીર પ્રશ્ન સંકળાયેલો છે.

શૌચાલય ન હોય તો શું થાય? ગંદકી ખુલ્લામાં થાય, પરંતુ ધારો કે તેની સફાઇનું અમાનવીય કામ કરવાની જવાબદારી કહેવાતી ઉજળિયાત જ્ઞાતિઓની હોય તો? શક્ય છે કે આ જ્ઞાતિના નેતાઓ અથવા સાધનસંપન્ન લોકો અથવા સમાજના આગેવાનો જેમ છાત્રાલય, સ્કૂલ, પ્રવેશદ્વાર ને હોલ બનાવે છે, એવી રીતે શૌચાલય બનાવતા હોય. પરંતુ  બિનદલિત જ્ઞાતિઓ ભલે જ્ઞાતિઆધારિત વ્યવસાયના વિષચક્રમાંથી નીકળી ચૂકી હોય, સફાઇકામ હજુ સુધી દલિત સમાજ માટે સો ટકા અનામત રહ્યું છે. મેલું સાફ કરવાનું કામ માત્ર ને માત્ર દલિતો કરે - અને દલિતોમાં પણ સૌથી નીચલા વર્ગના ગણાતા વાલ્મિકી.

ટૂંકમાં, શૌચાલય ન હોય તો તેના ઉપયોગકર્તા તરીકે જેમને તકલીફ પડે અને તેના સફાઇ કરનારા તરીકે જેમને તકલીફ પડે એ બન્ને વર્ગ એવા છે કે જે સમાજમાં તળિયાનું સ્થાન ધરાવે છે. તેમને હાંસિયામાં ધકેલાયેલા પણ ન કહી શકાય. કારણ કે હવે તો એ ફક્ત હાંસિયાની જ નહીં, દૃષ્ટિમર્યાદાની બહાર ધકેલાઇ ચૂક્યા છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિકાસવાર્તાઓમાં તેમને કશું સ્થાન હોતું નથી. જેમના અસ્તિત્ત્વનો સ્વીકાર ન થતો હોય, તેમની સમસ્યાઓનો  ઉકેલ આવે, એવી અપેક્ષા રાખવા માટે બહુ આશાવાદી થવું પડે.

ગુજરાતના મુખ્ય મંત્રી અને વડાપ્રધાનપદના ભાવિ ઉમેદવાર દેવાલયની જગ્યાએ શૌચાલયને પ્રાથમિકતા આપવા માગતા હોય તો તેમની પાસે ઘણા વિકલ્પો હોઇ શકે છે. તેમાં સૌથી સ્વાભાવિક અને તેમને ફાવે એવો વિકલ્પ, દેવાલય માટે કાઢી હતી એવી જ દેશવ્યાપી રથયાત્રા શૌચાલય માટે કાઢવાનો છે. તેમના પ્રચારકર્મીઓ તેમની લોકપ્રિયતાનો જે રીતે પ્રચાર કરે છે અને તેમની સભાઓમાં આવનારા લોકો હોંશેહોંશે ટિકિટ ખરીદતા હોવાનું કહેવાય છે, એ જોતાં તે જાહેર કરે કે અમુક સમય પછી તે ચોક્કસ રૂટનાં ગામડાં પર તે શૌચાલયયાત્રા કાઢશે અને જે ગામમાં શૌચાલયની સુવિધા સંપૂર્ણ નહીં હોય ત્યાં ચોક્કસ વ્યક્તિઓને એ જવાબદારી સોંપીને આગળ વધશે તથા તેનું પાલન થયું કે નહીં, તેની કાળજી લેવામાં આવશે...

આ બઘું બહુ આદર્શ લાગે એવું છે, પણ શાંતિથી વિચારતાં સમજાશે કે વ્યવસ્થાશક્તિ-આયોજનશક્તિના દાવા કરનારા માટે આ એટલું અઘરું નથી- અશક્ય તો બિલકુલ નથી. ખરો સવાલ ઇચ્છાશક્તિ અને દાનતનો હોય છે.

વઘુ એક કાયદો

વક્રતા એ વાતની છે કે નેતાઓને મોઢેથી શૌચાલય ને દેવાલયની વાતો આવે ત્યારે પ્રસાર માઘ્યમોમાં મથાળાં બને છે, પરંતુ સંસદમાં આ મુદ્દા સાથે સીધો સંબંધ ધરાવતો ખરડો મુકાય, પસાર થઇ જાય અને એ કાયદો બની જાય, તો પણ એ મોટા સમાચાર બનતા નથી.

શાસનની બીજી મુદતના છેલ્લા તબક્કામાં મહત્ત્વના ખરડા પસાર કરી રહેલી યુપીએ સરકારે સફાઇ કામદારોના પુનર્વસન માટેનો અને મળસફાઇને ગેરકાયદો ઠરાવતો ખરડો ૬ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ લોકસભામાં અને ૭ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ રાજ્યસભામાં મૂક્યો. એ સફળતાપૂર્વક પસાર થઇ ગયો છે.

અગાઉ ૧૯૯૩ના કાયદામાં મળસફાઇ અને સૂકાં જાજરૂના બાંધકામને ગેરબંધારણીય ઠરાવવામાં આવ્યું હતું. પરંતુ એ કાયદો પસાર થયા પછી તેની અંતર્ગત સજા તો ઠીક, સમ ખાવા પૂરતી પણ કાર્યવાહી થઇ હોય એવું બન્યું નથી. તેની જોગવાઇઓની સરખામણીમાં નવો કાયદો કમ સે કમ કાગળ પર તો વધારે કડક છે. નવા કાયદા હેઠળ આવતા ગુનાને બિનજામીનપાત્ર બનાવવામાં આવ્યા છે અને પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઇ પણ કરવામાં આવી છે.

નવા કાયદા પ્રમાણે, બિનઆરોગ્યપ્રદ શૌચાલયની માલિકી ધરાવનાર દરેક વ્યક્તિએ પોતે ગાંઠના ખર્ચે એ શૌચાલયને આરોગ્યનાં ધારાધોરણ પ્રમાણે બનાવવાનું રહેશે અથવા તેને તોડી નાખવું પડશે. આમ કરવામાં એ નિષ્ફળ જશે તો સ્થાનિક વહીવટી તંત્રને એ કામગીરી હાથ ધરવી પડશે અને તેનો ખર્ચ સ્વાભાવિક રીતે જ માલિક પાસેથી વસૂલ કરવામાં આવશે. નવા કાયદાના જૂના સ્વરૂપમાં રેલવે સ્ટેશન પર કામ કરતા સફાઇ કર્મચારીઓને  બાકાત રાખવામાં આવ્યા હતા, પરંતુ પસાર થયેલા ખરડામાં સ્થાનિક વહીવટી તંત્રો ઉપરાંત કેન્ટોન્ટમેન્ટ બોર્ડ (લશ્કરી નિવાસસ્થાનો) અને રેલવે તંત્ર પર તેમના વિસ્તારમાં રહેલાં બિનઆરોગ્યપ્રદ શૌચાલયોના સર્વેક્ષણની જવાબદારી નાખવામાં આવી છે. ‘જ્યાં પણ સફાઇ કામદારોને મળસફાઇ કરવી પડતી હોય એવાં તમામ શૌચાલય તોડી નાખવાં પડશે, જેથી કોઇને એ કામ કરવું ન પડે’ એવું સામાજિક ન્યાય મંત્રી કુ.સેલજાએ જણાવ્યું હતું.

પરંતુ કાયદાના અમલનો અત્યાર સુધીનો અનુભવ જોતાં, નવા કાયદા અંગે રાજીપો વ્યક્ત થઇ શકે- આનંદ કે સંતોષ વ્યક્ત કરવાની હજુ વાર છે. 

Wednesday, October 09, 2013

ગુજરાત કોંગ્રેસની રાહુલ-બેઠક : કાલ્પનિક અહેવાલ

ગુજરાતની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ સાથે લાંબી બેઠક કરી અને કહ્યું કે કોંગ્રેસને સર્જરીની નહીં, પણ દવાની જરૂર છે. આ બેઠકમાં પત્રકારોને સામેલ કરાયા ન હતા. પણ તેમાં ખરેખર શું થયું હશે? થોડી કલ્પના.
*** 
સંચાલક : ભાઇઓ અને બહેનો, માનનીય નાના શેઠશ્રી રાહુલભાઇ ગાંધીસાહેબ ઉર્ફે બાબાશેઠનાં પુનિત પગલાં આપણી વચ્ચે પડી ચૂક્યાં છે. માટે આપ સૌ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પછી બેઠા હો એ રીતે શાંત થઇ જાવ. ટૂંક સમયમાં જ બાબાશેઠ આપણને સંબોધશે.

ખૂણામાંથી અવાજ : ફક્ત સંબોધશે જ નહીં, ઝાપટશે, ખંખેરશે, ઠપકારશે, ઠમઠોરશે, ઘૂળ કાઢી નાખશે...

(અવાજ ક્યાંથી આવ્યો એ જોવા માટે સંચાલક આમતેમ ડાફોળિયાં મારતા હતા, એ જ વખતે રાહુલ ગાંધી, બે હાથ જોડીને, ગાલનાં ખંજનનું માર્કેટિંગ કરતા હોય એવી રીતે દાખલ થયા અને બેઠક લીધી. તેમની હાજરીમાં ચર્ચા શરૂ થઇ.)

નેતા ૧ : હવે આ કોંગ્રેસનું શું કરવું એની ખબર પડતી નથી.

નેતા ૨ : તમે કેમ આમ વિપક્ષની ભાષામાં વાત કરો છો? આપણે જે કરવાનું છે એ ભાજપનું જ કરવાનું છે. કોંગ્રેસનું તો કરી નાખવામાં આપણે ક્યાં કંઇ બાકી રાખ્યું છે?

નેતા ૩ : મને તો લાગે છે કે આપણે નરેન્દ્રભાઇ સાથે સમજૂતી કરીને ગુજરાત કોંગ્રેસનું રાષ્ટ્રિય ભાજપમાં વિલીનીકરણ કરી નાખવું જોઇએ.  આપણી જીતની તકો ઘણી વધી જશે.

નેતા ૪ : પણ હું તો એમ ધારતો હતો કે તમે બધાએ ક્યારની સમજૂતી કરી જ નાખી છે.

નેતા ૧ : એટલે તમે કહેવા શું માગો છો? કે અમે નરેન્દ્રભાઇ સાથે ભળેલા છીએ? અમે એમના મળતિયા છીએ?

નેતા ૪ : ના, તમે ફક્ત ભળેલા નથી. (ઉંચા અવાજે) ફુટેલા છો...વેચાયેલા છો...ગદ્દાર છો...

રાહુલ ગાંધી : અંદરોઅંદર ચર્ચા નહીં.  જેને જે કહેવું હોય તે મને કહો. (કડકાઇથી) હું કોઇની ગેરશિસ્ત ચલાવી નહી લઉં. કોણ ફૂટેલું છે ને કોણ વેચાયેલું એ બધી મને ખબર છે.

નેતા ૩ : વાહ રાહુલજી, તો પેલું પાકું ને?

રાહુલ : શું? ગેરશિસ્ત નહીં ચલાવવાનું ને?

નેતા ૩ : ના. નરેન્દ્રભાઇ જોડે સમાધાનનું...

સલાહકાર (નેતા ૩ તરફ આંખ કાઢીને) : હવે સૌ શાંત થઇ જાવ અને આગામી ચૂંટણી કેમ જીતવી એ વિશે વાત કરો.

નેતા ૨ : હા સાલું, અમને પણ એવો જ સવાલ થાય છે કે આપણે આગામી ચૂંટણી કેમ જીતવી જોઇએ? આપણાં કામ તો અહીં આપણી સરકાર નથી તો પણ થઇ જાય છે...

સલાહકાર (ડોળા કકડાવીને, રાહુલ તરફ સૌમ્ય ચહેરે મલકીને) : આપણે આપણાં નહીં, પ્રજાનાં કામ કરવા બેઠા છીએ અને એ માટે ચૂંટણી જીતવાની વાત કરીએ છીએ.

નેતા ૩ : પણ આપણે, પ્રજાના પ્રતિનિધિઓ બે પાંદડે થઇએ તો એ પ્રજાનું જ કામ નથી? પોતાનો સાંસદ કે વિધાનસભ્ય ભિખારી હોય એવું કયો સ્વમાની ગુજરાતી સાંખી લેશે ? કેન્દ્ર સરકારમાં લાખો કરોડ રૂપિયાનાં કૌભાંડ થતાં હોય, ત્યાં સ્થાનિક ધારાસભ્ય કે સાંસદ પ્રામાણિકતાના મંજીરા વગાડે તેમાં પક્ષનું ને કેન્દ્ર સરકારનું કેવું ખરાબ લાગે? તમારે ઠીક છે, દિલ્હી રહેવાનું છે, પણ ગુજરાતની પ્રજાને જવાબ અમારે આપવા પડે છે. બાબાશેઠને કહો કે અહીં આવીને રહે, તો એમને ખ્યાલ આવે.

રાહુલ ગાંધી : એક મિનિટ. સ્ટોપ ધીસ નોનસેન્સ. હું બાબાશેઠ નથી...

નેતા ૩ : (ખાસિયાણું હસીને) એ તો આપની મહાનતા છે. બાકી અમારે તો અહીં એવો જ રિવાજ છે : ચીફ મિનિસ્ટર કહે કે હું કોમન મેન છું ને પચીસ ગાડીઓનો કાફલો લઇને ફરે, કથાકારો કહે કે અમે કોમન મેન છીએ ને કરોડોની મિલકતો જમાવીને બેઠા હોય, કોંગ્રેસીઓ કહે કે અમે વિરોધપક્ષ છીએ અને વિરોધ જ ન કરે. ટૂંકમાં, જે જે છે, તે એ નથી અને જે જે નથી, તે એ છે.

(રાહુલ ગાંધી સલાહકાર ભણી ગૂંચવાડાભરી નજરે જુએ છે. સલાહકાર ઠપકાની નજરે નેતા ૩ તરફ જુએ છે. એની પરથી નક્કી થઇ જાય છે કે આ વખતે નેતા ૩ને ટિકીટ મળવાની નથી અથવા મળશે તો પણ તેમને  ભાજપના ગઢ જેવી કોઇ બેઠક પર વધેરાવા મોકલી અપાશે.)

રાહુલ ગાંધી : આપણે કોંગ્રેસીઓએ સ્પષ્ટતા કેળવવાની જરૂર છે.

(બધા નેતાઓ એ રીતે ડોકું ઘુણાવે છે, જાણે કહેતા હોય, ‘અમારામાં તો સ્પષ્ટતા છે જ. એટલે તો અમારાં કામ થઇ જાય છે. તમારે એ વિશે સ્પષ્ટતા કેળવવાની જરૂર છે.’)

સલાહકાર : (ઘુંધવાઇને) મને લાગે છે કે ગુજરાત કોંગ્રેસમાં સર્જરી કરવાની જરૂર છે.

રાહુલ ગાંધી : યુ મીન, પ્લાસ્ટિક સર્જરી? નાકની ?

નેતા ૩ : હેં હેં હે, બાબાશેઠ, તમારી સેન્સ ઓફ હ્યુમર જગતમાં જ નહીં, આખા બ્રહ્માંડમાં સર્વશ્રેષ્ઠ છે. તમે ખરેખર બ્રહ્માંડના - આઇ મીન- ભારતના વડાપ્રધાન હો તો ભારતનાં નસીબ ખૂલી જાય.

નેતા ૧ : ખરેખર, તમે ભારતના વડાપ્રધાન બનો તો ભારતના લોકોનુ હસી હસીને પેટ ભરાઇ જાય અને ફુડ સિક્યોરિટી બિલની જરૂર જ ન પડે. ન રહે બિલ, ન થાય ટીકા.

રાહુલ ગાંધી : તમે લોકો વખાણ કરવામાં એવાં ઘેલાં કાઢો છો કે એ સાચાં હોય તો પણ સાંભળીને આનંદ ન થાય. કોઇ આપણી ટીકાને ગંભીરતાથી લે એ તો બહુ પછીની વાત છે... આપણે કરેલાં વખાણ ગંભીરતાથી લે એવા તો બનો...

નેતાસમુહ : આહાહા, શું વાત કરી છે તમે...પૉલો કોહેલો, ચેતન ભગત, જે.કે.રોલિંગ અને મહાત્મા ગાંધી ભેગાં થાય તો પણ આટલી મૌલિક અને ઊંડી વાત ન કરી શકે. વી આર પ્રાઉડ ઓફ યુ. રાહુલજી આપ આગે બઢો, હમ આપ કે સાથ હૈં...
રાહુલ ગાંધી ઃ આ જ પ્રોબ્લેમની તો હું વાત કરું છું...

સલાહકાર : હું પણ એટલે જ કહું છું રાહુલજી કે અહીં દવાથી કામ નહીં ચાલે... (હાથ વડે કરવત ચલાવવાનો અભિનય કરીને) સર્જરી કરવી પડશે, સર્જરી.

ખૂણામાંથી અવાજ : સર્જરી માટે સર્જન જોઇએ ને અહીં તો બધા વિસર્જન-સ્પેશ્યલિસ્ટ છે.

રાહુલ ગાંધી : ના, આપણે સડાની સર્જરી કરવા બેસીશું તો એટલી બધી વાઢકાપ થશે કે પછી ખાસ કશું બાકી જ નહીં રહે.

સલાહકાર : તો સારું ને...બઘું નવેસરથી ઊભું કરી શકાશે.

રાહુલ ગાંધી : પણ આપણી પાસે એટલો ટાઇમ નથી. એટલે જ હું કહું છું કે અહીં સર્જરીની નહીં, દવાની જરૂર છે.

ખૂણામાંથી અવાજ : હા, દવાની જ જરૂર છે. ઉંઘની દવા આપી દો. એટલે આપણા બધા નેતાઓ નિષ્ક્રિય થઇ જશે- અને એકબીજા સામે કશું કરી નહીં શકે. એટલે ગુજરાત કોંગ્રેસ આપોઆપ ઊંચી આવી જશે.

(આ વખતે અવાજ સાંભળીને બધા ખૂણા તરફ દોડે છે અને ધમાચકડીમાં બેઠકનો અંત આવે છે.)

Sunday, October 06, 2013

ખુદા અને બંદા વચ્ચેનું અંતર મિટાવી દેતો અવાજ : નુસરત ફતેહઅલીખાન

રાજ કપુરની સંગીતસૂઝ દંતકથાનો વિષય ગણાય છે. તેમના કાયમી સંગીતયુગ્મ શંકર-જયકિશનની પ્રતિભા જરાય ઓછી આંક્યા વિના, આર.કે.ની દરેક ફિલ્મોમાં રાજ કપુરનો વિશિષ્ટ ‘ટચ’ સાંભળી શકાય છે. પરંતુ રાજ કપુરના ‘કાન’ની એટલી જાણીતી નહીં બનેલી વાત છે : નુસરત ફતેહઅલીખાનની કળાની તેમણે કરેલી પરખ.

બ્રિટન- અમેરિકા સહિતના દેશોમાં નુસરતના વાવટા ખોડાઇ ગયા અને તેમના કંઠને ‘દૈવી’ ગણાવાયો, તેનાં વર્ષો પહેલાં ક્યાંકથી રાજ કપુરના કાને નુસરતનો અવાજ પડ્યો હશે. એ તેમના મનમાં વસી ગયો હતો. એટલે ૧૯૭૯માં તેમના પુત્ર રિશી (કે ૠષિ) કપુરના ભવ્ય લગ્ન સમારંભમાં ગીતસંગીતની મહેફિલ માટે તેમણે નુસરત ફતેહઅલીખાનની સંગીતમંડળીને આમંત્રણ આપ્યું. નુસરતની ઉંમર એ વખતે ૩૧ વર્ષની હતી. પરંતુ સંગીતકારોના ખાનદાનમાં જન્મેલા નુસરત માટે ૩૧ વર્ષની ઉંમર ‘ફક્ત’ કહેવાય એવી ન હતી. પાકિસ્તાનના જાણીતા કવ્વાલ- સંગીતકાર પિતા ફતેહઅલીખાન પાસે નુસરતની તાલીમ ૧૦ વર્ષની ઉંમરે શરૂ થઇ ચૂકી હતી. એ પિતા પાસે તબલાં શીખતા હતા, જે કવ્વાલીની ગાયકીમાં તાલની સમજણ માટે જરૂરી હતું.
રિશી કપુરના લગ્નપ્રસંગે યુવાન નુસરત ફતેહઅલીખાનની મહેફિલ
 માણતા રાજ કપુર, દેવ આનંદ, આર.ડી.બર્મન.
(નીચેની તસવીરમાં) ઝૂમતા રિશી કપુર (courtesy : internte)

રિશી કપુરના લગ્નજલસા માટે ભારત આવતાં પહેલાં પાકિસ્તાનમાં નુસરતનું ઠીક ઠીક નામ થઇ ચૂક્યું હતું. અલબત્ત, સંઘર્ષ પણ ઓછો ન હતો. પિતા ફતેહઅલીખાનનું ૧૯૬૪માં અવસાન થતાં, નુસરતે કાકા મુબારકઅલીખાન પાસે ગાયકીની તાલીમ આગળ વધારી.  આ સિલસિલો ભવિષ્યમાં આગળ એ રીતે ચાલુ રહ્યો કે નુસરતને એકમાત્ર સંતાન દીકરી હોવાથી, તેમણે પોતાના ભત્રીજા રાહતને નાનપણથી શાગીર્દ બનાવીને, તાલીમ આપીને ગાયક તરીકે તૈયાર કર્યો. નુસરતની કિશોરાવસ્થા વખતે પાકિસ્તાનમાં કવ્વાલીની લોકપ્રિયતા ખરી, પણ બહુ પ્રતિષ્ઠા નહીં. લોકસંગીતકારોની જેમ કવ્વાલોએ પણ ગામેગામ ફરવું પડે, મેળા, સ્થાનિક કાર્યક્રમો કે ખાનગી મહેફિલોમાં ગાવું પડે, ત્યારે ઘરપરિવારનો અને સાથીદારોનો નિભાવ થઇ રહે.
શિષ્ય-ભત્રીજા રાહત સાથે ગુરૂ-કાકા નુસરત / Rahat ali Khan with
Uncle & Guru Nusarat Fateh ali khan (courtesy : )
નાનપણમાં પિતા ગુમાવનાર નુસરતના કાકા મુબારકઅલીખાન પણ ૧૯૭૧માં અવસાન પામ્યા. એટલે ૨૩ વર્ષની ઉંમરે નુસરત ફતેહઅલીખાન પોતાની ખાનદાની સંગીતમંડળીના મુખ્ય ગાયક થઇ ગયા. તેમની કેટલીક ઓડિયો કેસેટમાં નુસરતની સાથોસાથ મુજાહિદ મુબારકઅલીખાનનું નામ વાંચવા મળે છે. એ તેમના પિતરાઇ અને મુબારકઅલીખાનના પુત્ર હતા. પરંતુ એક વાત ત્યારથી નક્કી હતી : કૌટુંબિક વારસો નુસરત જ આગળ ધપાવવાના હતા. આ કામ તે આટલી સારી રીતે કરશે એનો ભાગ્યે જ કોઇને અંદાજ હતો.

રાજ કપુરના આમંત્રણથી ભારત આવેલા નુસરતની મુલાકાત ફળી. રાજ કપુરની મહેફિલમાં ગાયા પછી યશ ચોપરાએ નુસરતની અલગ બેઠક યોજી અને તેના પછી પોતાની ફિલ્મ ‘નાખુદા’ (૧૯૮૧)માં નુસરતની કવ્વાલી ‘અલી મૌલા’ લીધી.

નુસરતના અવાજ પર ફીદા રાજ કપુર પોતાની ફિલ્મ ‘હીના’માં તેમની પાસે ગવડાવવા ઇચ્છતા હતા. ‘હીના’માં હીરોઇન પાકિસ્તાની હતી અને ફિલ્મનું થોડું શૂટિંગ પણ પાકિસ્તાનમાં થવાનું હતું. એક અખબારી મુલાકાતમાં નુસરતે જણાવ્યા પ્રમાણે, રાજ કપુર સાથે તેમની વિગતે વાત થઇ હતી. તે ‘હીના’માં નુસરતનું એક પંજાબી ગીત અને એક કવ્વાલી લેવાના હતા. પરંતુ ‘હીના’નું સ્વપ્ન પૂરું થાય એ પહેલાં જ રાજ કપુરનું અવસાન થયું. ત્યાર પછી રણધીર કપુરે ‘હીના’નું કામ પૂરું કર્યું. તેમાં નુસરતનું એક  પંજાબી ગીત ‘આજા રે માહી’ લતા મંગેશકર પાસે ગવડાવ્યું, પણ નુસરતને તેની ક્રેડિટ ન આપી.

આ સિલસિલો આવનારાં વર્ષોમાં પણ ચાલુ રહેવાનો હતો. ‘તુ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત’ (મૂળ શબ્દો : દમ મસ્ત કલંદર મસ્ત મસ્ત) અને ‘મેરા પિયા ઘર આયા’ એવાં કેટલાંક બેશરમ ઉદાહરણ છે, જેની તરજો હિંદી સંગીતકારોએ બેધડક નુસરતની કવ્વાલી પરથી તફડાવી લીધી હતી. ૧૯૯૬માં ભારતની મુલાકાતે આવેલા નુસરતે આ બાબતે ખેદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં રહીને તેમનાથી કશું થઇ શકે એમ નથી, પણ તેમની બ્રિટનની મ્યુઝિક કંપની આ બાબતે પગલાં લેવાનું વિચારશે.

પાશ્ચાત્ય દેશોમાં નુસરત ફતેહઅલીખાનનું નામ ઉપડ્યું ઉપડતું ન હતું. નવાઇની વાત એ હતી કે નુસરત અંગ્રેજી જાણતા ન હતા અને મોટા ભાગની ધોળી પ્રજા કે ધોળા સંગીતકારો ઉર્દુ જાણતા ન હતા. પરંતુ નુસરતની ગાયકીમાં તેમને દિવ્યતાની અનુભૂતિ થતી હતી. નુસરત ગાવાનું શરૂ કરે એટલે એ શરીર મટીને અવાજસ્વરૂપ બની જાય છે, એવું ઘણાને લાગતું હતું - અને બીજાં કામ પડતાં મૂકીને ઘ્યાનથી નુસરતને સાંભળતાં આજે પણ એવું લાગી શકે છે. તેમની કવ્વાલીમાં ‘તુમ એક ગોરખધંધા હો’ જેવી અર્થસભર રચના હોય, ‘યે જો હલ્કા હલ્કા સુરૂર હૈ’ જેવી ઇશ્કેમિજાજી ધરાવતી કૃતિ હોય કે ‘સાંસોકી માલાપે સીમરું મૈં પી કા નામ’ - દરેકને તે પોતાના આગવા અંદાજથી એવી રીતે રજૂ કરતા કે સાંભળનારને ડોલ્યા વિના આરો ન રહે.

તેમનો અવાજ પરંપરાગત અર્થમાં મઘુર કહેવાય એવો નહીં,  જરા નમકીન હતો. પરંતુ કવ્વાલીની શરૂઆતમાં હાર્મોનિયમના સૂર રેલાય, તાળીઓ અને તબલાંના તાલ આરંભાય અને સૂરમંડપ બંધાતો હોય, તેમાં નુસરત આલાપ છેડે એટલે જાણે બઘું થંભી ગયું હોય એવું લાગે. શાસ્ત્રીય સંગીતની તાલીમ અને રીયાઝને લીધે તેમનો અવાજ ‘તાલીમી’ તો ખરો જ, પણ કેવળ ‘શાસ્ત્રીય તાલીમી’ નહીં. કોઇ પણ સારા ગાયકના અવાજમાં હોય એવું દૈવી તત્ત્વ તેમના અવાજમાં હતું, જે સાંભળનાર નાસ્તિક હોય તો પણ તેને દિવ્ય શાંતિનો અનુભવ કરાવે.   કવ્વાલી જેમ આગળ વધતી જાય તેમ સાંભળનારનું નુસરતના અવાજ અને સંગીત સાથેનું સંધાન વઘુ ને વઘુ ગાઢ બનતું જાય, તાલની ગતિ ઝડપી બનતી જાય, નુસરતનો અવાજ ઊંચી, વઘુ ઊંચી બુલંદીની સફર કરાવતો જાય, એમ કરતાં તાલ-લય-ગતિ-ગાયકીની ચરમસીમાએ પહોંચ્યા પછી કવ્વાલી પૂરી થાય  એ સાથે જ ભાવસમાધિ કે મઘુર સ્વપ્ન પૂરું થયું હોય એવું લાગે. આ અનુભૂતિની ખૂબી એ હતી કે તેમાં ભાષાનાં બંધન નડતાં ન હતાં. એટલે જ ‘ધ લાસ્ટ ટેમ્પ્ટેશન ઑફ ક્રાઇસ્ટ’, ‘નેચરલ બોર્ન કિલર્સ’, ‘ડેડ મેન વૉકિંગ’ જેવી અંગ્રેજી ફિલ્મોનાં ભાવવાહી દૃશ્યોમાં નુસરતના આલાપનો અને તેમના સંગીતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આનંદની કે દુઃખની પરાકાષ્ઠા દર્શાવવામાં નુસરતનો અવાજ કેટલો અકસીર નીવડે છે, તેનો અનુભવ હિંદી ફિલ્મરસિયાઓને ‘બેન્ડિટ ક્વિન’ ફિલ્મમાં થયો હશે. શેખર કપૂર દિગ્દર્શિત આ ફિલ્મમાં આખું સંગીત નુસરત ફતેહઅલીખાનનું જ હતું. ખુદ નુસરતે એક મુલાકાતમાં જણાવ્યા પ્રમાણે, બી.બી.સી. સાથે સંકળાયેલા ફારુખ ધોન્ડીએ એક રાતે નુસરતનો કાર્યક્રમ સાંભળ્યા પછી બીજા દિવસે તેમને ‘બેન્ડિટ ક્વિન’માં સંગીત આપવાની દરખાસ્ત મૂકી હતી. શૂટ થયેલી ફિલ્મ જોયા પછી નુસરતે આ પ્રસ્તાવ મંજૂર રાખ્યો. પરંતુ સંગીત તૈયાર ક્યાં કરવું? ભારત-પાકિસ્તાન વચ્ચેના તંગ રાજદ્વારી સંબંધોને કારણે તેમને ભારત આવવા મળે એમ ન હતું. છેવટે એમણે લાહોરમાં રહીને ત્રણ અઠવાડિયામાં આખી ફિલ્મનું સંગીત તૈયાર કરી આપ્યું.

થોડી મુંબઇની અને થોડી પાકિસ્તાની ફિલ્મોમાં નુસરતે સંગીત આપ્યું, પણ તેમનું સૌથી મોટું પ્રદાન કવ્વાલીના પરંપરાગત સ્વરૂપને જાળવીને, લોકપ્રિય બનાવીને, તેની સાથે પાશ્ચાત્ય સંગીતનું સફળતાપૂર્વક ફ્‌યુઝન કરવામાં હતું. તેમના આ પગલાની ટીકા થઇ. તેમની પર સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે શોર્ટ કટ અપનાવવાના આક્ષેપ થયા. પરંતુ તેમના પરિચયમાં આવનારા લોકોએ નુસરતના જે વ્યક્તિત્વનું વર્ણન કર્યું છે, તેમાં આ આરોપો બંધ બેસે એવા નથી. ‘બેન્ડિટ ક્વિન’ ફિલ્મના દિગ્દર્શક શેખર કપુરે કહ્યું હતું કે ‘નુસરત સાથે કામ કરતી વખતે હું ભગવાનની સૌથી નજીક પહોંચ્યો હોઉં એવું મને લાગ્યું હતું.’ તેમની સાથે એક મ્યુઝિક આલ્બમ (‘સંગમ’) કરનાર શાયર જાવેદ અખ્તરે તેમને પરમ અવસ્થાએ પહોંચેલા યોગી તરીકે ઓળખાવ્યા હતા.

ભારે શરીર અને સંખ્યાબંધ રોગ ધરાવતા નુસરતનું માત્ર ૪૮ વર્ષની વયે ૧૬ ઓગસ્ટ, ૧૯૯૭ના રોજ લંડનમાં અવસાન થયું. (ગયા મહિને તેમનાં કેન્સરગ્રસ્ત પત્ની કેનેડામાં મૃત્યુ પામ્યાં), પણ અલૌકિક અનુભૂતિ કરાવતા નુસરતના અવાજનો જાદુ નજીકના ભવિષ્યમાં ઓસરે એમ નથી. ઇન્ટરનેટયુગમાં તેમની સ્મૃતિ ફેસબુકના ફેન પેજ અને ફેન વેબસાઇટો પર તથા તેમનો અવાજ યુટ્યુબ જેવી સાઇટો પર મુકાયેલી સંખ્યાબંધ કવ્વાલીઓના સ્વરૂપે જીવંત છે.
---

નુસરતની સૌથી પ્રિય કવ્વાલીમાંની એક-
તુમ એક ગોરખધંધા હો

Thursday, October 03, 2013

‘સાર્થક જલસો’ : આ દિવાળીએ વાચનની અભૂતપૂર્વ આતશબાજી

ત્રણેક મહિના પહેલાંની વાત છે. બીરેનના બ્લોગ પર મિત્ર અમિત જોશીએ ગયા વર્ષના દિવાળી અંકો વિશે એક સમીક્ષાલેખ લખ્યો હતો.  પાકા વાચક અને અનિયમિત લેખક અમિતની ફરિયાદનો મુદ્દો એવો હતો કે દિવાળી અંકો ઘણા વખતથી ઘરેડમય બની ગયા છે. તેમાં કશી નવીનતા, નક્કરતા કે વાંચ્યાનો સંતોષ થાય એવી વાચનસામગ્રી હોતાં નથી. માટે સજ્જ ગુજરાતી વાચક પાસે બે જ વિકલ્પ રહે છે : અંક ખરીદીને દરેક વખતની જેમ તેનાથી નિરાશ થવું- બળતરા વ્યક્ત કરવી અથવા દિવાળી અંકો ખરીદવાનું છોડી દેવું.

ફરિયાદ નવી નથી. પણ અમિતનો લેખ બ્લોગ પર મૂકતી વખતે બીરેનને વિચાર આવ્યો : ‘આપણે લેખન સાથે સંકળાયેલા મિત્રો ફક્ત ફરિયાદ કરીને બેસી રહેવાને બદલે, જાતે શું કરી શકીએ?’  પહેલો વિચાર ઇ-મેગેઝીન કાઢવાનો હતો. પરંતુ થોડા વિચાર પછી અને લખનારા મિત્રોના ઉષ્માભર્યા પ્રતિભાવ પછી નક્કી થયું કે ‘સાર્થક પ્રકાશન’ છાપેલા સ્વરૂપે- હાર્ડ કોપીમાં જ વિશેષાંક કાઢે.

ઉત્કૃષ્ટ, નક્કર, તાજગીપૂર્ણ અને વૈવિઘ્યસભર વાચનનો સંતોષ થાય એવી સામગ્રી આપવી, એ પહેલો હેતુ હતો. લેખોની ગુણવત્તા જળવાઇ રહે, જગ્યા ભરવા માટે મળ્યા તે લેખ છાપી મારવા ન પડે, લેખકને લખવાનો, ડીઝાઇનરને ડીઝાઇનનો અને સંપાદકને ચુસ્ત સંપાદન કરવાનો પૂરો અવકાશ રહે, એ માટે નક્કી થયું કે ‘સાર્થક પ્રકાશન’ વર્ષમાં ફક્ત બે અંક કાઢશે : ઓક્ટોબરમાં દિવાળી અંક અને એપ્રિલમાં વેકેશન અંક. વિશેષાંકનું નામ નક્કી થયું : ‘સાર્થક જલસો’.

આ દિવાળી પર ‘સાર્થક જલસો’નો પહેલો અંક પ્રગટ થશે. સમૃદ્ધ, સરસ અને ગુજરાતી મુખ્ય ધારાનાં સામયિકોમાં ભાગ્યે જ વાંચવા મળે એવી ઠોસ વાચનસામગ્રી ‘સાર્થક જલસો’ની મુખ્ય તાકાત- અને તેની ખાસિયત (યુએસપી)- બને, એવો અમારો પ્રયાસ છે.

રૂ.૫૦ની છૂટક કિંમત અને આશરે ૧૫૦ પાનાં ધરાવતા ‘સાર્થક જલસો’માં, દિવાળી અંકોની સર્કિટમાં કાયમી કે જાણીતા હોય એવા કોઇ લેખકનો લેખ નથી. ઘસાયેલી કલમો ઉપરાંત અમારા ગુરુજનોની કસાયેલી કલમોનો ઉપયોગ પણ પહેલા અંકમાં કર્યો નથી. આશય એટલો જ કે ઓછું લખતા અથવા ઓછા જાણીતા સજ્જ લેખકો પાસેથી ઉત્તમ સામગ્રી કઢાવીને ગુજરાતી વાચકોને પીરસી શકાય. ગુજરાતી વાચનમાં અને વાચકોની મનોસૃષ્ટિમાં નવાં નામ ઉમેરાય, સાથે નવુંનક્કોર-નવુંનક્કર કામ પણ ઉમેરાય.

આ જાતના હેતુથી શરૂ થયેલું ‘સાર્થક જલસો’ ગુજરાતના ખૂણેખાંચરે, વઘુ ને વઘુ વાચનરસિયાઓ સુધી કેવી રીતે પહોંચાડી શકાય?

- અને તેમાં તમે સૌ- આ લખાણ વાંચનારા મિત્રો - કેવી રીતે મદદરૂપ થઇ શકો?

 જરૂર જણાવશો.
 તમારાં સૂચનો અને તેને અમલમાં મૂકવાના સહકાર માટે આગોતરો આભાર. 

Wednesday, October 02, 2013

ગાંધીજયંતિ સ્પેશ્યલ : ગાંધી-મોદી સંવાદ

ગુજરાતના મુખ્ય મંત્રીનો ગાંધીજી પ્રત્યેનો પ્રેમ બહુ જાણીતો છે. લોકોને ગાંધીજીની સતત યાદ આવતી રહે એનું ઘ્યાન તેમણે પોતાના શાસનકાળની શરૂઆતથી જ રાખ્યું છે. બાર વર્ષ પહેલાં તેમના રાજમાં ગુજરાતમાં ભયંકર કોમી હિંસા થઇ ત્યારે ઘણાને ગાંધીજી યાદ આવી ગયા હતા, કે -‘ગાંધીના ગુજરાતમાં આવી હિંસાખોરી?’ કેટલાકને એવી રીતે પણ યાદ આવ્યા કે આજે ગાંધીજી જેવા નેતાની જરૂર છે, જે પોતાનાં શબ્દો અને કૃત્યોથી ઘા પર મીઠું નહીં,મલમપટ્ટો લગાડે.

મુખ્ય મંત્રીએ અપનાવેલા વિકાસના મોડેલને કારણે ગાંધીનો પ્રિય છેવાડાનો જણ ભલે સાવ ભૂલાઇ ગયો હોય, પણ એ બહાને ગાંધી યાદ તો આવે છે. નિષ્ક્રિયતા, કાવાદાવા અને બાબુશાહી માટે કુખ્યાત પાટનગરને ગાંધીનું નામ આપવાની જૂની યાદગીરી ઓછી હોય તેમ, મુખ્ય મંત્રીએ પાટનગરમાં મહાત્મામંદિરની સ્થાપના કરી છે. ‘દર્શન’ થી નહીં તો ‘મંદિર’થી, કોઇક રીતે ગાંધી યાદ રહેવા જોઇએ.

મુખ્યમંત્રી ગાંધીપ્રેમી છે એટલું સાબીત કરવા માટે આટલું પૂરતું નથી?

એટલે તેમણે એક રેલીમાં મહાત્મા ગાંધીનું સ્વપ્ન સાકાર કરવાની વાત કરી, એેમાં નવાઇ પામવા જેવું કે મોં મચકોડવા જેવું કશું નથી. પરંતુ આ સમાચાર ગાંધીજી સુધી પહોંચ્યા એટલે તેમણે ગુજરાતના મુખ્ય મંત્રીને ફોન જોડ્યો. એ કાલ્પનિક સંવાદનું બિનસત્તાવાર રેકોર્ડિંગઃ

***

(ગાંધીજી મુખ્ય મંત્રીને ફોન જોડે છે, એટલે રીંગટોન તરીકે ‘અરે દીવાનોં, મુઝે પહચાનો...મૈં હું કૌન, મૈં હું કૌન’ એવો રીંગટોન સંભળાય છે. પછી સામા છેડેથી ફોન પર અવાજ સંભળાય છે.)

મુખ્યમંત્રીના મદદનીશ : બોલો...

ગાંધીજી : હેલો

મદદનીશ : હા ભાઇ, બોલો ને. સાહેબની આગામી રેલી માટે કેટલા કરોડનું ડોનેશન નોંધાવાનું છે? અને હા, ટોપી-બુરખા કેટલા નંગ?

ગાંધીજી : મારી પાસે કરોડ તો શું, એક રૂપિયો પણ નથી, પણ મારે તમારા સાહેબનું કામ છે..ખાસ કામ... સીધા એ ફોન કેમ નથી ઉપાડતા?

સહાયક : (ધીમા સાદે) સીધા ફોન કરવામાં તો અમિતભાઇ ધંધે લાગી ગયા..પણ એક મિનીટ, તમે કોણ બોલો છો?

ગાંધીજી : તારા સાહેબને કહે કે બાપુનો ફોન છે.

(સહાયક ફોન સાહેબને આપે છે.)

મુખ્ય મંત્રી : બોલો, શું છે? કોંગ્રેસમાંથી પાછા આવવું છે?  મને ખબર જ હતી કે એક દિવસ તમને સત્ય સમજાશે..

ગાંધીજી : કોંગ્રેસ...સત્ય..આ  બઘું શું છે? હું તો ગાંધી બોલું છું.

મુખ્ય મંત્રી : હા, પણ એમાં શંકરસિંહને વચ્ચે નાખવાની ક્યાં જરૂર હતી? સીધો મને ફોન કર્યો હોત તો? મને ખાતરી જ હતી કે મારી સામે ચૂંટણી લડવાની કલ્પના માત્રથી તમારા પગ ઘુ્રજવા માંડશે અને પાછલા બારણે સમાધાનની ઓફર આવશે. બોલો રાહુલ...

ગાંધીજી : હું રાહુલ નહીં, મોહનદાસ ગાંધી બોલું છું.

મુખ્ય મંત્રી : ઓહો...મહાત્મામંદિરવાળા બાપુ...એમ કહો ને. હમણાં દેશની સેવા કરવાનું ભૂત મારા પર એવું સવાર થયું છે કે મને એ સિવાય બીજું કશું દેખાતું જ નથી.

ગાંધીજી : શાના સિવાય? ભૂત સિવાય?

મુખ્ય મંત્રી : (સહેજ ઘુંધવાઇને) ના, દેશ સિવાય. હું ને મારો દેશ...મારો દેશ ને હું...હું ને મારો દેશ...મારો દેશ ને હું...ખબરદાર જો કોઇ મારા રસ્તામાં આવ્યું છે તો....હું વડાપ્રધાન ને મારો દેશ સૌથી મહાન દેશ...મારો દેશ સૌથી મહાન ને હું એનો વડાપ્રધાન...

(ગાંધીજીની પાછળથી સરદારનો અવાજ આવે છે, ‘બાપુ, તમે જેને લંડનમાં મળ્યા હતા એ મિસ્ટર ચેપ્લિને એક ફિલમમાં હિટલરનું આવું જ રમુજી દૃશ્ય બતાવ્યું હતું. એ પૃથ્વીના ગોળા જેવા ફુગ્ગા સાથે રમતો જાય ને શેખચલ્લીની જેમ સપનાંમાં ઝૂમતો જાય.)

મુખ્ય મંત્રી : (ચીડાઇને) આ કોણ બોલ્યું?

ગાંધીજી : ન ઓળખ્યા? સરદાર છે...મેં સ્પીકર ઑન રાખ્યું છે. એ પણ આપણી વાતો સાંભળે છે..

મુખ્ય મંત્રી : એક સરદારને હમણાં માંડ ઠેકાણે પાડ્યા ને આ બીજા  ક્યાંથી આવી પડ્યા? એ જે હોય તેમને કહી દેજો કે મારા છ કરોડ ગુજરાતીઓ ગુજરાતની એટલે કે મારી આવી મશ્કરી સાંખી નહીં લે.

ગાંધીજી : અરે, તમે તો નારાજ થઇ ગયા. હું તો તમારા-ભાજપના- નહીં, અમારા- દેશના-સરદારની વાત કરું છું.

મુખ્ય મંત્રી : ઓહો, પેલા દુનિયામાં સૌથી ઊંચા પૂતળાવાળા સરદાર...એમ કહો ને...અત્યાર સુધી કોંગ્રેસે એમને બહુ અન્યાય કર્યો છે, પણ મારા પ્રતાપે ટૂંક સમયમાં આખી દુનિયામાં સરદારનો જયજયકાર થઇ જશે.

ગાંધીજી : સૌથી ઊંચા પૂતળાવાળા ભાઇ તરીકે?

મુખ્ય મંત્રી : તમે મારી સાથે કેમ આવી રીતે વાત કરો છો? હવે તો મારા વિરોધી અંગ્રેજી મીડિયાવાળાને પણ મેં...એટલે કે એ લોકો પણ હવે સમજી ગયા છે અને મારાં વખાણ કરવા લાગ્યા છે.

ગાંધીજી : જવા દો, આપણે તમને ગમે એવી વાત કરીએ.

મુખ્ય મંત્રી : હં...હવે તમે સમજદારીની વાત કરી. પછી જે કંઇ હોય તે કહી દેજો. આપણા પણ તમારી જેમ બહુ ઉદ્યોગપતિ મિત્રો છે. હિસાબ સમજી લેશે.

ગાંધીજી : એક મિનીટ, તમારી કંઇ ગેરસમજ થાય છે...મારા ઉદ્યોગપતિ મિત્રોને હું મારા વતી હિસાબ સમજવાનાં નહીં, દેશહિતનાં કામ સોંપતો હતો.

મુખ્ય મંત્રી : હું વડાપ્રધાન બનું અને દેશને કોંગ્રેસના પંજામાંથી છોડાવું એ પણ દેશહિતનું કામ નથી? અને એમાં મદદરૂપ થનારા ઉદ્યોગપતિઓ દેશસેવા નહીં તો બીજું શું કરે છે?

ગાંધીજી : કોંગ્રેસના પંજામાંથી દેશને છોડાવીને તમે શું કરશો?

(પાછળથી ખડખડાટ હાસ્ય સાથે સરદારનો અવાજ સંભળાય છે, ‘પોતાના પંજામાં લેશે.’)

મુખ્ય મંત્રી : (સાંભળ્યું-ન સાંભળ્યું કરીને) બાપુ, એક વાર મને વડાપ્રધાન બની જવા દો. પછી જુઓ, હું કેવું તમારા સ્વપ્નના ભારતનું નિર્માણ કરું છું.

ગાંધીજી : હા, એ મેં સાંભળ્યું. એટલે જ મને ચિંતા થઇ. મેં મહાદેવને પૂછી જોયું કે ‘મારા સ્વપ્નનું ભારત’ એ પુસ્તકની મારી જાણબહાર નવી આવૃત્તિ તો નથી થઇ ગઇને? કદાચ એવું થયું હોય ને એમાં મારા નામે કંઇક ભળતુંસળતું છપાઇ જવાથી તમને મારા સ્વપ્નના ભારત વિશે કંઇ ગેરસમજ થઇ હોય...

મુખ્ય મંત્રી : ના, દિલ્હીમાં અમારી સરકાર વખતે તમારા ‘અક્ષરદેહ’માં નવા જમાના પ્રમાણે થોડા ફેરફાર કર્યા હતા, પણ આ પુસ્તકનું કંઇ યાદ નથી આવતું. મુરલી મનોહર જોશીને પૂછવું પડશે...પણ મારી વાત તો એકદમ ઓરિજિનલ છે. હું મારી સમજણ પ્રમાણે, તમારા સ્વપ્નના ભારતનું નિર્માણ કરવા માગું છું.

(સરદાર : એની તો મોંકાણ છે.)

ગાંધીજી : તમારા સ્વપ્નના ગુજરાતનિર્માણ વિશે મેં ઘણું સાંભળ્યું છે...

મુખ્ય મંત્રી :  એ તો બઘું મીડિયાએ ફેલાવેલું જૂઠાણું છે...

ગાંધીજી : બીજું ગમે તે હો, પણ તમારી પ્રામાણિકતાને દાદ દેવી પડે.

મુખ્ય મંત્રી : ઓહો, એટલે તમે ગુજરાતનિર્માણનાં વખાણ સાંભળ્યાં છે, એમ ને? એ બઘું તો સાચું છે..

ગાંધીજી : મારું બાકી બઘું તમે ભલે ભૂલી ગયા હો, પણ કોંગ્રેસને વિખેરી નાખવાની વાત તમને સરસ યાદ રહી છે.

મુખ્ય મંત્રી : તમારો સંદેશ શી રીતે ભૂલી શકાય? એ મારો પણ જીવનસંદેશ છે. તમારો સંદેશ એ જ મારો સંદેશ...તમે ગુજરાતી ને હું પણ ગુજરાતી...હું વડાપ્રધાન ને તમે રાષ્ટ્રપિતા...તમે રાષ્ટ્રપિતા ને હું વડાપ્રધાન...આપણે કરીએ દેશનો ઉદ્ધાર...હું ગુજરાતી વડાપ્રધાન ને તમે ગુજરાતી રાષ્ટ્રપિતા...તમે ગુજરાતી રાષ્ટ્રપિતા ને હું ગુજરાતી વડાપ્રધાન..

(સરદાર બાપુને ઇશારો કરે છે, એટલે મુખ્ય મંત્રીની આનંદયાત્રામાં ખલેલ પાડ્યા વિના બાપુ ફોન કાપી નાખે છે.)