Friday, October 18, 2013

પ્રાણીઓમાં જ્ઞાતિપ્રથા : એક બોધકથા

એક જંગલ હતું. તેમાં પ્રાણીઓની જાહેર સભા યોજાઇ. તેનો હેતુ હતો : માણસની જેમ પ્રાણીઓમાં વર્ણ અને જ્ઞાતિ આધારિત ભેદ પાડવાં. કેટલાંક સમાજશાસ્ત્રી પ્રાણીઓનું સંશોધન હતું કે માણસને પ્રાણી કરતાં અલગ પાડવામાં આ બન્ને બાબતો મહત્ત્વની છે. કારણ કે જ્ઞાતિની વાત થાય ત્યારે હંમેશાં માણસની સરખામણી પ્રાણી સાથે કરવામાં આવે છે અને લોકો જ્ઞાતિવાદી માણસોને ઠપકો આપતાં કહે છે, ‘તમારા કરતાં તો પ્રાણીઓ સારાં. એ કમ સે કમ જ્ઞાતિના ભેદ તો નથી પાડતાં.’ મતલબ કે, પ્રાણીઓએ મનુષ્ય-સમકક્ષ બનવું હોય તો જ્ઞાતિપ્રથા અપનાવવી રહી.

પ્રાણીઓ બુદ્ધિમતામાં માણસ જેટલાં વિકસીત ન હોવાથી, સભા-કમ-મિટિંગને એમણે બહુ ગંભીરતાથી લીધી. કામચલાઉ સ્ટેજ ઊભું કરવામાં આવ્યું. શ્રોતા અને વક્તાની સંખ્યા લગભગ સરખી હોય ત્યારે કોણ શ્રોતા છે ને કોણ વક્તા, એ નક્કી કરવામાં સ્ટેજ બહુ ઉપયોગી છે- આવું માણસોના સભાગૃહોમાં ફરતાં ઉંદર, બિલાડી, કીડી, માંકડ જેવાં પ્રાણીઓનું સૂચન હતું.

સભાના સંચાલક તરીકે ગર્દભે માઇક સંભાળ્યું. તેને જોઇને ઉપસ્થિત પ્રાણીઓમાં ગણગણાટ શરૂ થયો : ‘આ ગધેડાને ક્યાં સંચાલન સોંપ્યું? બીજું કોઇ ન મળ્યું?’ ચબરાક ગર્દભે ગણગણાટ પારખીને કહ્યું,‘તમારી લાગણી હું સમજી શકું છું, પણ આ રિવાજ આપણે માણસો પાસેથી અપનાવ્યો છે.’ માનવજાત પરની ગર્દભની ‘કટ’ને  સિંહથી માંડીને સસલા સુધીના સૌએ મુક્ત હાસ્યથી વધાવી લીધી. તેનાથી પ્રોત્સાહિત થયેલા ગર્દભે આગળ ચલાવ્યું,‘આજે આપણે સૌ કેમ ભેગા થયા છીએ એ સૌને  એક વાર યાદ કરાવી દઉં, કારણ કે માણસની દેખાદેખી આપણામાંથી ઘણાએ સભાની આમંત્રણ પત્રિકામાં ફક્ત અલ્પાહારનો જ સમય વાંચ્યો હશે.’

ફરી શ્રોતાઓનું અટ્ટહાસ્ય. પહેલી લાઇનમાં બેઠેલા સિંહે કહ્યું, ‘માળો ગધેડો આજે ખીલ્યો છે.’ એ સાંભળીને ગર્દભ કહે,‘મહારાજ, માફ કરજો, પણ સ્ટેજ પર આવ્યા પછી ભલભલા ગધેડા સિંહ થઇ જાય છે અને સિંહ...’

સરખામણી આગળ વધે તે પહેલાં જ સિંહે આંખ લાલ કરીને કહ્યું,‘એટલું યાદ રાખજે કે તારે સ્ટેજ પરથી નીચે ઉતરવાનું છે.’

ગધેડો કેટલાક લોકો માને છે એવો મુર્ખ નથી હોતો. એ સમજી ગયો. ગળું ખોંખારીને એણે કહ્યું, ‘આપણો સમસ્ત પ્રાણીસમાજ ઇચ્છે છે કે આપણી ગણતરી માણસની બરાબરીમાં થાય. ખાસ કરીને આપણી નવી પેઢી એ દરજ્જો મેળવવા માટે તલપાપડ છે. એ માટે માણસોની દેખાદેખીમાં વર્ણવ્યવસ્થા અપનાવવી કે નહીં, એ આપણે નક્કી કરવાનું છે.’

આટલું બોલીને ગધેડાએ લાંબો વિરામ લીધો અને એક ઊંઘ ખેંચી નાખી હોય એટલી રાહત ચહેરા પર વ્યક્ત કરીને કહ્યું,‘આ અંગે જેનો પોતાના વિચારો વ્યક્ત કરવા હોય, તે મંચ પર આવી શકે છે. સભાના અંતે આખરી નિર્ણય લેવામાં આવશે.’

જંગલના રાજા સિંહે ‘જાની’ રાજકુમારના અંદાજમાં કહ્યું, ‘હું કદી કોઇની પાસે જતો નથી ને ઊંચાનીચામાં પડતો નથી. હું રાજા છું. ધેટ્‌સ ઑલ.’

આ સાંભળીને એક હાથી મંચ પર આવ્યો. તેણે કહ્યું,‘આપણો દરજ્જો માણસ-સમકક્ષ લઇ જવા માટે વર્ણવ્યવસ્થા દાખલ કરવાનો વિચાર સારો છે, પણ કયાં પ્રાણી ઊંચાં અને કયાં નીચાં એ કોણ નક્કી કરશે?’
સિંહે કહ્યું,‘છે હાથી, પણ સાવ ડોબા જેવા છે. આ તે કંઇ સવાલ છે?  જે પ્રાણીઓ નક્કી કરે તે પોતે ઊંચાં, એ બધાં ઊંચાં અને બાકીનાં નીચાં.

હાથીએ સૂંઢમાંથી હવાને જોસભેર બહાર કાઢી અને મક્કમતાથી કહ્યું,‘સિંહ ઊંચા ને બાકીના નીચા? આ તો સિંહવાદ કહેવાય. મને એ મંજૂર નથી.’

સિંહે સમજાવટના સ્વરમાં કહ્યું,‘તે આટલું ખોંખારીને કહ્યું એટલે તુંયે ઊંચો. બસ? કેટલો ઊંચો એ હવે પછી નક્કી કરી લઇશું.

હાથીએ કહ્યું,‘તો ઠીક છે. વર્ણવ્યવસ્થા સામે મને કોઇ સૈદ્ધાંતિક વાંધો નથી.’

હાથીની સફળતા પછી મંચ પર આવવા માટે પ્રાણીઓની લાઇન લાગી. ભીડ ચીરતો વાઘ આગળ આવ્યો અને કહે,‘મને એટલી ખબર છે કે મારી પાસે તાકાત છે. હું હાથી કરતા હાઇટમાં નીચો છું, પણ હાથીને હતો- ન હતો કરી શકું છું. મારી માગણી છે કે પ્રાણીઓની વર્ણવ્યવસ્થામાં મને કમ સે કમ હાથીની ઉપર નહીં તો તેની સમકક્ષ મુકવામાં આવે.’

જિરાફ શરમથી ડોક શરમથી ઝુકાવીને આવ્યું, અદબ વાળીને ઊભું રહ્યું અને કહ્યું,‘હું સૌથી ઊંચ છું એ સૌ પોતાની આંખોથી જોઇ શકે છે. બસ, મારો દરજ્જો નક્કી કરતી વખતે મારી આ ઊંચાઇને ધ્યાનમાં લેવામાં આવે એ જ મારી લાગણી છે.’

ક્યારનું આગળ આવી ગયેલું સસલું ટાંપીને જ બેઠું હતું. જિરાફ નીચે ઉતરે એ પહેલાં તે સ્ટેજ પર ચડી ગયું,‘દુનિયા આખીમાં રિવાજ છે. ગોરા સૌથી ઊંચા કહેવાય. એ રીતે પ્રાણીઓની વર્ણવ્યવસ્થામાં અમારું સ્થાન બ્રાહ્મણનું હોવું જોઇએ, એ વિશે કોઇને શંકા છે?’

આ સાંભળીને સિંહ ચીડાયો, ‘તારી જાતનો સસલો...સૌથી ઊંચો થવા નીકળ્યો છે.. હમણાં એક ત્રાડ પાડીશ તો તારી લઘુ-ગુરુ તમામ શંકાઓનું નિવારણ થઇ જશે. પાડું ?’

બે હાથ જોડીને સસલું બોલ્યું,‘મહારાજ, આપ તો વર્ણવ્યવસ્થામાં ક્ષત્રિયના સ્થાને છો. આપના આશરે, આપના રક્ષણથી અને આપના જોરે જ અમારે ઊંચા થવાનું છે. બાકી અમે તો આપના તાબેદાર કહેવાઇએ.આપ જ વિચારો : આપ અમને ઊંચા સ્થાને બેસાડશો તો સારું કોનું દેખાશે? અમારું કે આપનું? લોકો કહેશે, ‘મહારાજ આટલા શક્તિશાળી હોવા છતાં કેવા નમ્ર અને ગુણી છે કે સસલા જેવા સસલાનો ઊંચા આસને બેસાડીને તેનું રક્ષણ કરે છે.’ બદલામાં અમે આપને ભગવાન માનીશું અને લોકોને પણ કહીશું કે એ આપને ભગવાન માનીને આપની પૂજા કરે. માણસોની વર્ણવ્યવસ્થામાં આવું જ થયું હતું.’

સસલાની દલીલ સાંભળીને સિંહને થયું કે એની વાતમાં દમ છે. છો ને થતો મોટો? મને તો એ મહારાજ કહેવાનો જ છે ને? અને જે દહાડે આઘોપાછો થયો એવું લાગશે, ત્યારે મને પંજો દેખાડતાં ક્યાં નથી આવડતું.

ઝીબ્રા સ્ટેજ પર આવ્યું. કહે,‘મારે તો કાળાંધોળાં કરવાનાં, એટલે મને ગમે તે જ્ઞાતિમાં મૂકો, કોઇ ફેર પડતો નથી. દરેકને મારી જરૂર પડશે. મને ઊંચ-નીચ ગણાવામાં રસ નથી. હું વગદાર છું એટલું જ પૂરતું છે. મને જે વર્ણમાં મૂકવો હોય તેમાં મૂકવાની હું સામે ચાલીને છૂટ આપું છું.’

શરમાળ હરણ હિંમત કરીને સ્ટેજ સુધી પહોંચ્યું અને ભોંય પર નજર નોંધીને કહે,‘ગમે તેવા વર્ણ ગોઠવાય, પણ મારો શિકાર તો થવાનો જ છે. મારી પર તરાપ મારતી વખતે કોઇ મારા વર્ણનો વિચાર નહીં કરે એની મને ખબર છે. એટલે મને પણ ગમે તે વર્ણમાં મૂકો, કશો ફરક પડવાનો નથી.’

આ રીતે વર્ણવ્યવસ્થાનું આખું માળખું ગોઠવાતું ગયું. ભૂંડને કહેવામાં આવ્યું,‘તું કાળું એટલે તું શુદ્ર.’

ભૂંડે કહ્યું, ‘એમ તો હાથી પણ કાળો છે ને ભેંસ પણ કાળી છે. એમને તમે વૈશ્યમાં મૂક્યા છે.’

તેને સંભળાવવામાં આવ્યું,‘તું ગમે તેવું નીચે પડેલું સુદ્ધાં વીણી ખાઉં છું. તું ગંદું છું. ’

ભૂંડે કહ્યું,‘નીચે પડેલું કોણ નથી ખાતું? લાગ મળે સૌ ખાય છે. નામ દેવા માંડીશ તો અહીં ઊભવું ભારે પડી જશે.’

‘એ ભૂંડ. મોં સંભાળીને વાત કર. કાદવમાં પડી રહીને તારી બુદ્ધિ પણ કાદવ જેવી જાડી થઇ ગઇ છે.’ સિંહે ઘૂરકીયું કર્યું.

ભૂંડ બોલ્યું,‘એમ તો ભેંસ પણ કાદવમાં પડી રહે છે. એને તમે વૈશ્યમાં મૂકી.’

‘એ દૂધ આપે છે, જ્યારે તું? તું તો ગંદકી ફેલાવે છે.’

‘હું ગંદકી ફેલાવું છું કે સાફ કરું છું? સાવ માણસ જેવી વાત ન કરશો. અને ધારો કે હું ગંદકી ફેલાવું છું તો એ ગંદકી કરે છે કોણ? તમેના તમે જ કે બીજું કોઇ?’

‘સારું, સારું. તને શુદ્રમાં સૌથી ઊંચ ગણીશું. બસ? હવે તો રાજી ને?’

ભૂંડે દેખાડા ખાતર મોં બગાડ્યું, પણ ‘સૌથી ઊંચ’ની લાલચે તેનું કામ કર્યું. એ રાજી થયું. ભૂંડે ઉંદર પર રોફ જમાવવા માંડ્યો,‘એય ઉંદરીયા, નીચ. છેટો રહેજે મારાથી.’ ઉંદરની રજૂઆત કરવાની હિંમત ન ચાલી, એનું સાંભળે કોણ?

સભામાં લેવાયેલા નિર્ણયનું આગળ શું થયું એ જાણવા મળ્યું નથી, પણ તેની પર એક અમલીકરણ સમિતિ નીમાઇ હશે, તેમને લાગ્યું હશે કે અમલીકરણ કરી દેવાથી આપણી જરૂર નહીં રહે. કદાચ એટલે પ્રાણીજગતમાં હજુ સુધી વર્ણવિભાજન જોવા મળતું નથી. 

4 comments:

  1. Great piece. The arguments can make many from the human race proud.

    ReplyDelete
  2. અ સભા હવે પછી ક્યારે મળવાની છે? એટલે કે બીજી પરીષદ જેવું? પ્રાણીઓની સભા તો પક્ષીઓ અને જળચર નું શું? આ બધા સાથે કીડી, મંકોડા, કાંચીડા કે બેકટરીઆ અને વાઈરસ માટે પણ જોગવાઈ થવી જોઈએ તો સોનામાં સુગંધ બળે. કોમ્પ્યુટરમાં ગુજરાતી ફોન્ટ કેટ કેટલા હતા? હવે યુનીકોડ આવી ગયું? આવા ફોન્ટ કોડ વાળાઓને પણ આમંત્રણ આપવામાં આવશે? મારા આ સુચન પર ઘટતું કરવા વીનંત્તી.

    ReplyDelete