Wednesday, October 23, 2013
મહેન્દ્ર મેઘાણી સામે મુક્ત-મિલાપ
Mahendra Meghani (Pic : Neesha Parikh) |
મુક્ત હાસ્યમાં પ્રકાશભાઇ (શાહ) પછી કોઇનું નામ સાંભરે તો એ મહેન્દ્રભાઇનું. એમને મળવા જઇએ ત્યારે લેંઘો પહેરીને ઉઘાડા ડીલે બેઠા હોય. તેમના ચહેરાની ઓળખ જેવી, એમનું કેરિકેચર બનાવવું હોય તો બહુ કામ લાગે એવી છૂટીછવાયી સફેદ દાઢી, કાળી ફ્રેમના ચશ્મા અને મોકળા મને થતી વાતો.
થોડા વખત પહેલાં મહેન્દ્રભાઇ અમેરિકા હતા ત્યારે હર્નિયાનું નિદાન થયું. ડોક્ટરે કહ્યું કે ભારત જઇને ઓપરેશન કરાવશો તો ચાલશે. (‘અને ત્યાં ઓપરેશન કરાવીએ તો અંજુબહેનનું દેવાળું નીકળી જાય’ :(મુક્ત હાસ્ય સાથે મહેન્દ્રભાઇ) અમદાવાદમાં તેમણે ઓપરેશન કરાવ્યું. હવે સારું છે. દવાઓ ચાલે છે. ‘તમે એલોપથીના વિરોધી તો નથી ને?’ એવું પૂછ્યું એટલે કહે, ‘આમાં તો વિરોધી હોઇએ તો પણ ચાલે એમ નથી. કારણ કે તેનો બીજો ઇલાજ નથી.’ પછી કહે,‘એમ તો હું સ્વેચ્છામૃત્યુનો પણ તરફદાર છું.’ (‘તરફદાર’ શબ્દ મારો હોઇ શકે છે. એમણે કયો શબ્દ વાપર્યો હતો એ ચોક્કસ યાદ નથી, પણ ભાવ આ જ હતો.)
મહેન્દ્રભાઇએ વડોદરા વિનોબા આશ્રમમાં ફોન કર્યો હતો. ત્યાંથી પણ એ જ જવાબ મળ્યો કે નેચરોપથી પાસે હર્નિયાનો કોઇ ઇલાજ નથી. મહેન્દ્રભાઇએ આપેલી સાદી સમજૂતી પ્રમાણે, હર્નિયા એટલે આંતરડાનો થોડો ભાગ તેની જગ્યામાંથી થોડો બહાર નીકળી જતો હોય. તેને અંદર લઇને ઉપરથી સીવી દેવાનું. સર્જરી થઇ ગયા પછી નેવું વર્ષમાં પહેલી વાર મહેન્દ્રભાઇને ચાલવા માટે લાકડી લેવી પડી. હવે ધીમે ધીમે પોતાનું કામ થાય છે, પણ આંટા મારવા માટે ઘરની નીચે ઉતરતા હતા એ ક્રમ હજુ શરૂ થઇ શક્યો નથી.
ગઇ કાલે સવારે તેમની સાથે ફોન પર વાત થઇ. ‘પાંચ મિનિટનો સમય છે?’ એમ પૂછીને, તેમણે આસારામ પ્રકરણ વિશે લખેલી થોડી લીટીઓ ફોન પર વાંચી સંભળાવી હતી. એ વખતે જ બપોરે ચાર પછી મળવાનું નક્કી થયું. સાથે નિશા પણ હતી. (નિશાનો પરિચય પોસ્ટના અંતે આપ્યો છે)
ઢળતી બપોરે પહોંચ્યા એટલે મહેન્દ્રભાઇએ રાબેતા મુજબ ઉષ્માપૂર્વક આવકાર આપ્યો. તબિયતની અછડતી વાત થયા પછી તેમણે ‘મિલાપ’ના સંચયોની વાત કરી. ૧૯૫૦થી શરૂ થયેલા ‘મિલાપ’માંથી વર્ષવાર ઉત્તમ લેખોનો સંચય પ્રગટ કરવાનું તેમણે શરૂ કર્યું છે.
૧૯૫૦-૫૧-૫૨-૫૩ની ચાર પુસ્તિકાઓ આવી ગઇ. ‘૧૯૫૪-૫૫-૫૬-૫૭ની બીજી ચાર પુસ્તિકાઓ ડિસેમ્બર સુધીમાં આવશે. એવી રીતે ચાર-ચાર કરીને આયુષ્ય ટકે ત્યાં સુધી પુસ્તિકાઓ કરીશું...ઘણા લોકો સામયિકના જૂના બધા અંકોની સીડી કરે છે. મને લાગે છે કે ‘મિલાપ’ના બધા અંકોની બધી સામગ્રી અત્યારે આપવા જેવી નથી. એટલે તેમાંથી અત્યારે જેટલી આપવા જેવી લાગે એટલી સામગ્રી, શક્ય હોય તો સંક્ષેપ કરીને, આપવી એવું છે. એટલે બધી પુસ્તિકાઓનું કદ અણસરખું થશે.’
સંક્ષેપ કરવાની વાત નીકળી એટલે તેમને પૂછ્યું, ‘તમારા સંક્ષેપ સામે ઘણા લોકોને વાંધો છે. ખાસ કરીને તમે કવિતાઓના સંક્ષપ કરો છો એમાં. તમને એ વિશે શું લાગે છે?’
એટલે મહેન્દ્રભાઇ ઠંડકતી કહે, ‘રામાયણ-મહાભારતના સંક્ષેપ થઇ શકતા હોય તો અત્યારના કવિઓની કવિતાઓના શા માટે નહીં? ઘણી ગઝલોમાંથી આપણને અમુક શેર જ બહુ ગમે એવું નથી બનતું? અને મને તો કોઇએ આવી ફરિયાદ કરી નથી. એ લોકો જાણે છે કે મને એમની કવિતાઓ બહુ ગમે છે અને એ વઘુમાં વઘુ લોકો સુધી પહોંચે તેમ હું ઇચ્છું છું. એટલે જ સંક્ષેપ કરું છું. એ કંઇ મારું ડહાપણ બતાવવા નથી કરતો.’
‘સંક્ષેપનો ખ્યાલ તમારા મનમાં ક્યારથી હતો?’
‘૧૯૪૯માં હું અમેરિકાથી ભણીને આવ્યો અને ૧૯૫૦માં મેં ‘મિલાપ’ ડાયજેસ્ટ શરૂ કર્યું. એ વખતે મારા મનમાં રીડર્સ ડાયજેસ્ટનું મોડેલ હતું. રીડર્સ ડાયજેસ્ટ એ વખતે બહુ સરસ આવતું હતું. હવે તો એનું ધોરણ સાવ ઉતરી ગયું છે... એટલે સંક્ષેપ તો પહેલેથી જ હું કરતો હતો.’
અમેરિકામાં મહેન્દ્રભાઇ કોલંબિયા યુનિવર્સિટીમાં એક વર્ષ પત્રકારત્વ ભણ્યા. એ વખતે બીજા બે ગુજરાતીઓ પણ તેમની સાથે હતા. ‘હું યુનિવર્સિટીમાં શીખ્યો એના કરતાં યુનિવર્સિટીની બહાર વધારે શીખ્યો.’ એમ કહીને મહેન્દ્રભાઇએ ‘બહાર’નું નામ પાડતાં કહ્યું : ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ અને ‘ક્રિશ્ચિયન સાયન્સ મોનિટર’ હું નિયમિત વાંચતો હતો. છાપું કેવું હોવું જોઇએ એ તેની પરથી મને સમજાયું. છાપું વાચકોને સમાચાર, અભિપ્રાય બઘું આપે, પણ વાચક પર એકદમ છાઇ ન જાય. તેનાથી એક હાથ દૂર રહે.’ (‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ પ્રત્યેનો તેમનો પ્રેમ એવો અડીખમ છે કે હજુ પણ એ અમેરિકા જાય ત્યારે તેમાંથી કતરણો કરીને અહીંના રસ ધરાવતા મિત્રોને પોસ્ટથી મોકલી આપે.)
અમેરિકા જતાં પહેલાં મહેન્દ્રભાઇ મુંબઇ ઘાટકોપરમાં રહેતા અને મુંબઇ ન્યૂ એરા સ્કૂલમાં ભણતા હતા. તે કોલંબિયામાં ભણવા ગયા ત્યારે ‘જન્મભૂમિ’ના અમૃતલાલ શેઠે તેમને ‘જન્મભૂમિ’નું કાર્ડ આપ્યું હતું. એટલે તેના આધારે પત્રકાર તરીકે મહેન્દ્રભાઇ નવા શરૂ થયેલા ‘સંયુક્ત રાષ્ટ્રસંઘ’ (યુનો)ની ઓફિસમાં જતા અને ત્યાંથી અનેક દસ્તાવેજો જોવા-વાંચવા માટે લઇ આવતા હતા. ‘યુનો’નું પોતાનું મકાન નહોતું બન્યું, ત્યારે તેની ઓફિસ એક જૂના સ્લોટર હાઉસ (કતલખાના)માં ચાલતી હતી. (હાસ્ય સાથે મહેન્દ્રભાઇ કહે, ‘મોસ્ટ એપ્રોપ્રિએટ પ્લેસ)
અમેરિકામાં તે ન્યૂયોર્કમાં ઇન્ટરનેશનલ હાઉસમાં રહેતા હતા. ત્યાં ૫૦૦ વિદ્યાર્થીઓના રહેવાની સુવિધા હતી. અમેરિકન અબજોપતિ રોકફેલરે એ સંસ્થામાં ઘણું દાન આપ્યું હતું, પણ તેમની એક શરત હતી ઃ આ સંસ્થામાં રહેનારા અડધાઅડધ વિદ્યાર્થીઓ પરદેશી હોવા જોઇએ, જેથી અમેરિકન વિદ્યાર્થીઓને તેમની સાથે આદાનપ્રદાનનો લાભ મળે. ન્યૂયોર્કમાં એ વખતે ભારતીય જમવાનું મળે નહીં. એટલે મહેન્દ્રભાઇ અને તેમના બે મિત્રોએ બંદરના વિસ્તારમાં એક હોટેલ શોધી કાઢી હતી. ત્યાં ભારતથી આવતા જહાજના ખલાસીઓની અવરજવર હોવાથી પરોઠા-શાક મળતાં હતાં.
Mahendra Meghani (Pic : Neesha Parikh) |
અમેરિકાથી તે સંજય ભાવે માટે અને મારા માટે 'Voices of Protest' પુસ્તકની એક-એક નકલ લાવ્યા હતા. એ આપ્યું. સંજય લીલા ભણસાળીની ફિલ્મમાં ઝવેરચંદ મેઘાણીના ગીતનો વિવાદ ચાલતો હતો. એ વિશે અછડતી વાત નીકળી. એટલે મહેન્દ્રભાઇ કહે, ‘આનાથી અનેક ગણા વધારે મોટા એટલા અન્યાય ચાલે છે અને આપણને કોઠે પડી ગયા છે કે આ તો બહુ સામાન્ય લાગે. આજે એ લોકોએ (સંજય ભણસાળીએ) સ્વીકારી લીઘું છે અને ફિલ્મના ટાઇટલમાં મેઘાણીનું નામ મૂકવાના છે. પણ આવું નામ મૂકાય કે ન મૂકાય, એનાથી મેઘાણીને શો ફેર પડે છે?’
‘સાર્થક જલસો’ વિશે વાત નીકળી, એટલે તેમણે રસથી પૂછપરછ કરી. તેમાં જાહેરખબરો મળી છે કે નહીં, એ પણ પૂછ્યું. ‘આવતા અઠવાડિયે તમને અંક સાથે ફરી મળવા આવીશ. પછી અંક વાંચીને તમારે અમને જે કહેવા જેવું લાગે તે કહેજો’ એમ કહીને અમે મહેન્દ્રભાઇની રજા લીધી.
***
નિશા પરીખ સગપણમાં મારાં પિતરાઇ બહેનની દીકરી છે, પરંતુ દોસ્તી સગપણથી સ્વતંત્ર રીતે ખીલનારી ચીજ છે. નિશા સાથે દોસ્તી જામવાનું એક મોટું કારણ : ખુલ્લાશથી વિચારવાની ક્ષમતા અને સમજણનો ચોવીસ વર્ષની ઉંમરે ઓછો જોવા મળે એવો સરવાળો તેનામાં થયેલો છે. અમેરિકામાં સી.પી.એ.નું ભણીને અમદાવાદમાં આવ્યા પછી, નિશા પોતાના વર્તુળની બહાર નીકળીને સન્નિષ્ઠ જિજ્ઞાસાથી વિશાળ દુનિયા જુએ છે અને આંકડા સિવાયના, ગમતા એવા લખવા-વાંચવાના ક્ષેત્રમાં કારકિર્દી બની શકે કે કેમ એ વિશે વિચારે છે. અંગ્રેજીમાં તોલ્સ્તોયથી અમીષ ત્રિપાઠી સુધીના લેખકોને સમજીને વાંચતી નિશાએ હમણાં જ તેનું પહેલું ગુજરાતી પુસ્તક ‘સિદ્ધાર્થ’ હોંશથી પૂરું કર્યું. તે અમેરિકા હતી ત્યારે આ બ્લોગ માટે તેણે લખેલા, સુપરસ્ટ્રોર્મ સેન્ડી વિશેના એક વિશિષ્ટ લેખની લિન્ક : "If I don't survive...Love You"
Subscribe to:
Post Comments (Atom)
ખૂબ જ સરસ... સાર્થક જલસો પહેલા જ જલસો કરાવી દીધો. મહેન્દ્ર બાપા માટે ખૂબ જ માન છે. મને કદાચ રૂબરૂ મળવા મળે કે ન મળે પણ તમે જે રીતે વાતો રજૂ કરી છે તે તમારી બાજુની ખુરશીમાં બેસીને સાંભળી રહ્યા હોઈએ એવું જ લાગે છે. ખૂબ ખુશી થઈ. નિશા બહેનનો પરિચય પણ ગમ્યો. ઘણા ઓછા લોકો આટલી મોટી ડિગ્રી લીધા પછી ક્ષેત્રની બહારનું વિચારવાની હિંમત ધરાવતા હોય છે. અમને તમારા થકી આવા લોકોનો પરિચય મળે છે એ પણ એક જલસો જ છે ને !
ReplyDelete