Tuesday, October 15, 2013

દેવાલય, શૌચાલય અને પ્રતિક્ષાલય

વિશ્વ જળ દિન નિમિત્તે આ વર્ષે સંયુક્ત રાષ્ટ્રસંઘે જાહેર કરેલા આંકડા પ્રમાણે, વિશ્વની અંદાજે ૭ અબજની વસ્તીમાંથી લગભગ ૬ અબજ લોકો મોબાઇલ ફોન ધરાવે છે, પણ શૌચાલયની સુવિધા માંડ ૪.૫ અબજ લોકો પાસે છે.

વાત દુનિયા પરથી દેશ પર લાવીએ તો, વિશ્વસ્તરે શૌચાલયવંચિત લોકોમાં ભારતીયોનું પ્રમાણ બહુ મોટું છું. ત્રણ વર્ષ પહેલાંના સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલમાં પહેલી વાર આ વાત નાટ્યાત્મક રીતે પ્રગટ થઇ હતી. તેમાં જણાવાયું હતું કે ભારતની ૧.૨ અબજની વસ્તીમાંથી અડધાઅડધ લોકો પાસે મોબાઇલ ફોન છે, પણ શૌચાલયની સુવિધા હોય એવા લોકોની સંખ્યા માંડ ૩૬.૬ કરોડ છે. એટલે કે, ભારતમાં શૌચાલય ઓછાં ને મોબાઇલ ફોન વધારે છે.

આ જૂની અને જાણીતી વાતને ભારતીય સંદર્ભમાં એક નેતાએ રજૂ કરી અને કહ્યું કે ભારતમાં દેવાલયો કરતાં શૌચાલયો બાંધવાની જરૂર વધારે છે.

એ નેતાનું નામ...નરેન્દ્ર મોદી નહીં, જયરામ રમેશ હતું. તેમણે વર્ષ ૨૦૧૨માં આ વાત કરી ત્યારે ભારે વિવાદ થયો. હિંદુત્વનું રાજકારણ ખેલતાં સંગઠન તેમની પર તૂટી પડ્યાં હતાં. એ વાતના એકાદ વર્ષ પછી વડાપ્રધાનપદના ઉમેદવાર બનેલા ગુજરાતના મુખ્ય મંત્રીએ આ જ વાત કરી. પણ તેમના અસરકારક મીડિયા મેનેજમેન્ટને કારણે એવી છાપ ઊભી થઇ, જાણે તેમણે કેટલી બધી મહાન, મૌલિક અને ક્રાંતિકારી વાત કરી દીધી.

વાતો અને વાસ્તવિકતા

અડવાણીની રામમંદિર રથયાત્રાના સારથી  તરીકે તેમની હારોહાર રહેલા નરેન્દ્ર મોદીને અચાનક મંદિર-દેવાલય પહેલાં  શૌચાલયની વાત કરતા સાંભળીને આશ્ચર્ય થાય, તેમાં કશી નવાઇ નથી.  પરંતુ શૌચાલયનો પ્રશ્ન એટલો ગંભીર છે કે એ અંગે બોલાતું દરેક વાક્ય અને એ દિશામાં થતું નાનામાં નાનું કાર્ય આવકાર્ય છે. મુશ્કેલી એટલી જ છે કે શૌચાલય વિશેની વાતમાં સાચી નિસબત ઓછી અને પ્રચારપટુતાથી છવાઇ જવાનો પ્રયાસ વધારે હોઇ શકે છે. સવાલ એ થાય કે બોલનારનો શી રીતે જાણવો?

એ માટેની સાદી અને સામાન્ય સમજણની કસોટી છે : શૌચાલયની વાતો કરનાર ભાઇ કે બહેન, નેતા કે કથાકાર, સામાજિક અગ્રણીઓ કે સ્વૈચ્છિક સંસ્થાના લોકોએ આ મુદ્દે શું કામ કર્યું છે?  તેમના રસના બીજા વિષયોમાં એ લોકો ફક્ત જીભ હલાવીને કે થોડો દેખાડો કરીને બેસી રહે છે? કે પછી તેના અમલની દિશામાં વધારે પ્રયાસ કરે છે? જો બીજી બાબતોમાં એ સક્રિય અને સારો એવો પ્રયાસ કરતા હોય, પણ શૌચાલયની બાબતમાં એકાદ નિવેદન ફટકારીને કે એકાદ પ્રતીક કાર્યક્રમ કરીને સંતોષ માની લેતા હોય તો એનો અર્થ એવો થાય કે તેમને શૌચાલય-સમસ્યા વિશે વાત કરીને ‘પ્રગતિશીલ’ દેખાવાનું ગમે છે, પરંતુ એનું મહત્ત્વ તેમના માટે પ્રચારકવાયતના એક મુદ્દાથી વિશેષ નથી.

તેમ છતાં, ‘આટલું પણ કોણ કરે છે’ની ભારતીય લાગણીને માન આપીને, શૌચાલયનો મુદ્દો રાજકીય ભાષણો કે ધાર્મિક કથા દ્વારા જાહેર ચર્ચામાં લાવનારા સૌનો આભાર અને ત્યાર પછી તેમને સવાલ : શૌચાલય-સમસ્યા ચર્ચામાં તો આવી. એમાંથી તમે પ્રસિદ્ધિ પણ રળી લીધી. હવે તમે એ વિશે શું કરવા ધારો છો?’

ભવિષ્યકાળની તો ખબર નથી, પણ ગુજરાતના મુખ્ય મંત્રી છેલ્લાં બાર વર્ષથી રાજ્ય પર એકચક્રી શાસન કરે છે, એટલે ભૂતકાળની વાત થઇ શકે તેમ છે. આ સમયગાળામાં ગુજરાતનો  અભૂતપૂર્વ વિકાસ કરી નાખ્યો હોવાનો તેમનો દાવો છે. તો આવા ‘સુપર-વિકસિત’ રાજ્યમાં શૌચાલય બાબતે કેવી પરિસ્થિતિ છે?

જો ગુજરાત શૌચાલયોના મુદ્દે સન્માનજનક સ્થિતિમાં હોય તો મુખ્ય મંત્રીએ શૌચાલય-સમસ્યા વિશે કરેલી ચિંતા અને તેમનું વિધાન સન્નિષ્ઠ- સાચકલાં કહેવાય. પરંતુ જો ગુજરાતમાં પણ શૌચાલયની બાબતમાં ભોપાળાં હોય તો? વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે, ગુજરાતમાં આશરે  ૪૧ ટકા કુટુંબો પાસે શૌચાલયની સુવિધા નથી. આ તો સરેરાશ આંકડો થયો. પરંતુ ગામડાં અને શહેરનો તફાવત પાડવામાં આવે તો, ગ્રામ્ય વિસ્તારોમાં આશરે ૬૬ ટકા લોકોના ઘરમાં શૌચાલય નથી. આ બાબતે વર્ષ ૨૦૦૧માં શું સ્થિતિ હતી એ જાણવા મળતું નથી, પરંતુ વર્તમાન સ્થિતિ બિલકુલ ગૌરવપ્રદ નથી, બલ્કે શરમજનક કહેવાય એવી છે- અને આમાં કેન્દ્ર સરકારનો ભાગ્યે જ કશો વાંક કાઢી શકાય એમ છે.

જેમના બાર વર્ષના શાસન પછી ‘ગુજરાત મોડેલ’ના આદર્શની અને તેને રાષ્ટ્રિય સ્તરે લાગુ પાડવાની વાત ચાલતી હોય, તેમના પોતાના રાજ્યમાં  નક્કર આંકડાકીય વાસ્તવિકતા આટલી વરવી હોય તેને શું કહેવાય? અને બાર વર્ષના શાસનમાં પોતે રાજ્યસ્તરે જે કરી શક્યા નથી, તેનાં રાષ્ટ્રિય સ્તરે સ્વપ્નાં દેખાડવાં, એને શું કહેવાય? એ વિશેષણો સૌએ પોતાની સમજણ-રૂચિ પ્રમાણે વિચારી લેવાં.

હકીકતમાં શૌચાલયના મુદ્દે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે પણ ભેદ પાડવા જેવો નથી. આ બાબતે સૌ એક નાવમાં સવાર છે. કારણ કે મૂળ પ્રશ્ન કેવળ નાણાંની અછતનો નથી. જયરામ રમેશે એક વાર કહ્યું હતું તેમ, એક સારા મોબાઇલ હેન્ડસેટના ભાવમાં ઘરમાં શૌચાલય તૈયાર થઇ શકે છે. પરંતુ શૌચાલય-સમસ્યાની સપાટી નીચે જ્ઞાતિ આધારિત ભેદભાવનો ગંભીર પ્રશ્ન સંકળાયેલો છે.

શૌચાલય ન હોય તો શું થાય? ગંદકી ખુલ્લામાં થાય, પરંતુ ધારો કે તેની સફાઇનું અમાનવીય કામ કરવાની જવાબદારી કહેવાતી ઉજળિયાત જ્ઞાતિઓની હોય તો? શક્ય છે કે આ જ્ઞાતિના નેતાઓ અથવા સાધનસંપન્ન લોકો અથવા સમાજના આગેવાનો જેમ છાત્રાલય, સ્કૂલ, પ્રવેશદ્વાર ને હોલ બનાવે છે, એવી રીતે શૌચાલય બનાવતા હોય. પરંતુ  બિનદલિત જ્ઞાતિઓ ભલે જ્ઞાતિઆધારિત વ્યવસાયના વિષચક્રમાંથી નીકળી ચૂકી હોય, સફાઇકામ હજુ સુધી દલિત સમાજ માટે સો ટકા અનામત રહ્યું છે. મેલું સાફ કરવાનું કામ માત્ર ને માત્ર દલિતો કરે - અને દલિતોમાં પણ સૌથી નીચલા વર્ગના ગણાતા વાલ્મિકી.

ટૂંકમાં, શૌચાલય ન હોય તો તેના ઉપયોગકર્તા તરીકે જેમને તકલીફ પડે અને તેના સફાઇ કરનારા તરીકે જેમને તકલીફ પડે એ બન્ને વર્ગ એવા છે કે જે સમાજમાં તળિયાનું સ્થાન ધરાવે છે. તેમને હાંસિયામાં ધકેલાયેલા પણ ન કહી શકાય. કારણ કે હવે તો એ ફક્ત હાંસિયાની જ નહીં, દૃષ્ટિમર્યાદાની બહાર ધકેલાઇ ચૂક્યા છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિકાસવાર્તાઓમાં તેમને કશું સ્થાન હોતું નથી. જેમના અસ્તિત્ત્વનો સ્વીકાર ન થતો હોય, તેમની સમસ્યાઓનો  ઉકેલ આવે, એવી અપેક્ષા રાખવા માટે બહુ આશાવાદી થવું પડે.

ગુજરાતના મુખ્ય મંત્રી અને વડાપ્રધાનપદના ભાવિ ઉમેદવાર દેવાલયની જગ્યાએ શૌચાલયને પ્રાથમિકતા આપવા માગતા હોય તો તેમની પાસે ઘણા વિકલ્પો હોઇ શકે છે. તેમાં સૌથી સ્વાભાવિક અને તેમને ફાવે એવો વિકલ્પ, દેવાલય માટે કાઢી હતી એવી જ દેશવ્યાપી રથયાત્રા શૌચાલય માટે કાઢવાનો છે. તેમના પ્રચારકર્મીઓ તેમની લોકપ્રિયતાનો જે રીતે પ્રચાર કરે છે અને તેમની સભાઓમાં આવનારા લોકો હોંશેહોંશે ટિકિટ ખરીદતા હોવાનું કહેવાય છે, એ જોતાં તે જાહેર કરે કે અમુક સમય પછી તે ચોક્કસ રૂટનાં ગામડાં પર તે શૌચાલયયાત્રા કાઢશે અને જે ગામમાં શૌચાલયની સુવિધા સંપૂર્ણ નહીં હોય ત્યાં ચોક્કસ વ્યક્તિઓને એ જવાબદારી સોંપીને આગળ વધશે તથા તેનું પાલન થયું કે નહીં, તેની કાળજી લેવામાં આવશે...

આ બઘું બહુ આદર્શ લાગે એવું છે, પણ શાંતિથી વિચારતાં સમજાશે કે વ્યવસ્થાશક્તિ-આયોજનશક્તિના દાવા કરનારા માટે આ એટલું અઘરું નથી- અશક્ય તો બિલકુલ નથી. ખરો સવાલ ઇચ્છાશક્તિ અને દાનતનો હોય છે.

વઘુ એક કાયદો

વક્રતા એ વાતની છે કે નેતાઓને મોઢેથી શૌચાલય ને દેવાલયની વાતો આવે ત્યારે પ્રસાર માઘ્યમોમાં મથાળાં બને છે, પરંતુ સંસદમાં આ મુદ્દા સાથે સીધો સંબંધ ધરાવતો ખરડો મુકાય, પસાર થઇ જાય અને એ કાયદો બની જાય, તો પણ એ મોટા સમાચાર બનતા નથી.

શાસનની બીજી મુદતના છેલ્લા તબક્કામાં મહત્ત્વના ખરડા પસાર કરી રહેલી યુપીએ સરકારે સફાઇ કામદારોના પુનર્વસન માટેનો અને મળસફાઇને ગેરકાયદો ઠરાવતો ખરડો ૬ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ લોકસભામાં અને ૭ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ રાજ્યસભામાં મૂક્યો. એ સફળતાપૂર્વક પસાર થઇ ગયો છે.

અગાઉ ૧૯૯૩ના કાયદામાં મળસફાઇ અને સૂકાં જાજરૂના બાંધકામને ગેરબંધારણીય ઠરાવવામાં આવ્યું હતું. પરંતુ એ કાયદો પસાર થયા પછી તેની અંતર્ગત સજા તો ઠીક, સમ ખાવા પૂરતી પણ કાર્યવાહી થઇ હોય એવું બન્યું નથી. તેની જોગવાઇઓની સરખામણીમાં નવો કાયદો કમ સે કમ કાગળ પર તો વધારે કડક છે. નવા કાયદા હેઠળ આવતા ગુનાને બિનજામીનપાત્ર બનાવવામાં આવ્યા છે અને પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઇ પણ કરવામાં આવી છે.

નવા કાયદા પ્રમાણે, બિનઆરોગ્યપ્રદ શૌચાલયની માલિકી ધરાવનાર દરેક વ્યક્તિએ પોતે ગાંઠના ખર્ચે એ શૌચાલયને આરોગ્યનાં ધારાધોરણ પ્રમાણે બનાવવાનું રહેશે અથવા તેને તોડી નાખવું પડશે. આમ કરવામાં એ નિષ્ફળ જશે તો સ્થાનિક વહીવટી તંત્રને એ કામગીરી હાથ ધરવી પડશે અને તેનો ખર્ચ સ્વાભાવિક રીતે જ માલિક પાસેથી વસૂલ કરવામાં આવશે. નવા કાયદાના જૂના સ્વરૂપમાં રેલવે સ્ટેશન પર કામ કરતા સફાઇ કર્મચારીઓને  બાકાત રાખવામાં આવ્યા હતા, પરંતુ પસાર થયેલા ખરડામાં સ્થાનિક વહીવટી તંત્રો ઉપરાંત કેન્ટોન્ટમેન્ટ બોર્ડ (લશ્કરી નિવાસસ્થાનો) અને રેલવે તંત્ર પર તેમના વિસ્તારમાં રહેલાં બિનઆરોગ્યપ્રદ શૌચાલયોના સર્વેક્ષણની જવાબદારી નાખવામાં આવી છે. ‘જ્યાં પણ સફાઇ કામદારોને મળસફાઇ કરવી પડતી હોય એવાં તમામ શૌચાલય તોડી નાખવાં પડશે, જેથી કોઇને એ કામ કરવું ન પડે’ એવું સામાજિક ન્યાય મંત્રી કુ.સેલજાએ જણાવ્યું હતું.

પરંતુ કાયદાના અમલનો અત્યાર સુધીનો અનુભવ જોતાં, નવા કાયદા અંગે રાજીપો વ્યક્ત થઇ શકે- આનંદ કે સંતોષ વ્યક્ત કરવાની હજુ વાર છે. 

6 comments:

 1. મારે રોજ અમદાવાદથી ગાંધીનગર રોજીરોટીઅર્થે જવાનું થાય. દર શનિવારે સવારના પાવરહાઉસ પાસેથી પસાર થતી વખતે એક દ્રશ્ય અચૂક જોવાં મળે: બી.આર.ટી.એસ જનમાર્ગ પર લાઈટના ઉંચા સ્તંભ પર લગાવેલ મેટ્રોરેલનું પાટિયું જેની પર આત્મશ્લાઘા કરતું 'Gujarat on Fast Track' લખેલું હોય. આ જ પાટીયાથી ૧૦-૧૫ મીટર દૂર એ જ 'ફાસ્ટટ્રેક' પર પાસેની ચાલીઓનાં બાળકો હગવા બેઠાં હોય. એક જ ફ્રેમમાં દોનધ્રુવ જેવાં દ્રશ્ય જોઈને બહુ લાગી આવે. થાય કે ફોટો પાડીને નામદાર ગુજરાત સરકારને મોકલીએ કે ભાઈ, મેટ્રો ૫-૧૦ વર્ષ મોડી આપજો પણ આમને શૌચાલય પૂરા પાડો તો મનુષ્યગૌરવનાં બંધારણીય અધિકારની પ્રાપ્તિ થાય.

  ReplyDelete
 2. અસરકારક

  ReplyDelete
 3. વાત તો સાચી છે, પણ બધી વાતો માટે સરકારને જવાબદાર ગણવાની બાબત પણ સારી નથી. સુલભ શૌચાલયો ભારતમાં ઘણા છે, પણ એની હાલત કેવી હોય છે? લોકો જ જવાબદાર છે ગંદકી માટે.

  બીજું, ભારતનાં "બુદ્ધિશાળી" લોકોને વાદ-વિવાદ બહુ ગમે - એવો મારો અભિપ્રાય છે. ન.મો. ને ગાળો આપવાથી, આપણી પણ થોડી-ઘણી advertisement થઇ જશે, એવું પણ નથી લાગતું? :-)

  Only solution I see is more and more privatization and awareness. Ronald Regan once said that 10 worst words in English language are "I am from Goernement and I'm here to help you". It's very true. Public toilets for women are almost nonexistant even in cities, forget about villages. When we go out for travel, what do we find for decent restrooms? A Mc-Donalds or Pizza Hut or Domino's. They are doing business and keep their restrooms clean. Govenrmnet would never ever be able to do that. Don't even expect it :). So, more privatization and more awareness.

  ReplyDelete
  Replies
  1. તમારા અભિપ્રાય વિશે તો શું કહેવાનું હોય? એ તમારો અધિકાર છે. પણ ’મોદીને ગાળો આપવાથી પોતાની જાહેરાત થાય’ એવું વિચારવા જેટલી માનસિક દરિદ્રતા આ જન્મે તો પેદા થાય કે કેળવાય એવુ લાગતું નથી - અને પુનર્જન્મમાં હું માનતો નથી :-)

   Delete
  2. Anonymous9:58:00 PM

   I am a member of marginalized society. Hope you will agree about the if the size and degree of a Margin in a civilized society is permanent. Would any karishma may reduce margin? Without giving Civil and Equal Rights enshrined in Constitution of India to its Citizen, it is heavenly truth like concept of re-birth.

   Delete
 4. નીરવ પટેલ10:53:00 AM

  મેહુલભાઇ અમેરિકા રહેતા લાગે છે! સરકાર જેના માટે ટેક્સ લેતી હોય તેના માટે એને જ જવાબદાર ગણવી પડે. પહેલાં પૂરતા શૌચાલયો આપીએ, ગંદકી તો પછીની વાત છે. અને દરેક વસ્તુમાં પ્રાઇવેટાઇઝેશન કરવાથી પ્રશ્નનો ઉકેલ આવવાને બદલે સામાન્ય પ્રજા માટે તકલીફો અને ખર્ચ વધે છે એવું જોવામાં આવ્યું છે.

  ReplyDelete