Monday, March 30, 2015

અવનવા આઇડીયાને સાકાર કરવાની તક આપતાં ઇ-ઉઘરાણાં: ક્રાઉડસોર્સિંગ

રાજકુમાર હીરાણીની ફિલ્મ ‘થ્રી ઇડિયટ્‌સ’ના અંત ભાગમાં આમીરખાનને લદ્દાખમાં સ્કૂલ ચલાવતા જિનિયસ એન્જિનિયર ફુંશુક વાંગ્ડુ તરીકે દર્શાવવામાં આવે છે. વાંગ્ડુનું પાત્ર અને તેમની સ્કૂલ સત્યઘટના પરથી પ્રેરિત છે, એવો ફિલ્મમાં ક્યાંય ઉલ્લેખ આવતો નથી. ફિલ્મની ભવ્ય સફળતાના જયજયકારમાં પણ ક્યાંય એવું કહેવાયું નહીં  કે સોનમ વાંગ્ચુક / Sonam Wangchuk નામે એક મિકેનિકલ એન્જિનયર ખરેખર લદ્દાખની વિષયતા વચ્ચે સ્કૂલ સ્થાપીને બાળકોને અનોખું ભણતર આપે છે. http://www.secmol.org

ફિલ્મી ફુંશુકની વાસ્તવિક પ્રેરણા જેવા સોનમ વાંગ્ચુકને અહીં યાદ કરવાનું કારણ જોકે તેમની અનોખી સ્કૂલ નથી. લદ્દાખ વિસ્તારમાં પાણીની આકરી તંગી દૂર કરવા માટે વાંગ્ચુકે બરફના ‘સ્તુપ’ તૈયાર કરવાનું વિચાર્યું. આમ તો ‘સ્તૂપ’ શબ્દ બૌદ્ધ ધાર્મિક સ્થળોના ચોક્કસ પ્રકારના બાંધકામ માટે વપરાય છે. પરંતુ વાંગ્ચુકના સ્તૂપ અને તેની પાછળનો આઇડીયા જુદા હતા. વાંગ્ચુકે વિચાર્યું કે શિયાળામાં પુષ્કળ બરફ છવાયેલો હોય ત્યારે સુકાયેલી નદીઓના માર્ગમાં આવા બરફનો શંકુ આકારમાં મોટો ખડકલો કરવામાં આવે તો? ઉનાળામાં એ બરફ ઓગળે અને તેનું પાણી લોકોના ખપમાં લઇ શકાય કે નહીં?

સોનમ વાંગ્ચુકની ટીમે તૈયાર કરેલો ‘આઇસ સ્તૂપ’ : ક્રાઉડફંડિંગની કમાલ
વાંગ્ચુક તુક્કાબાજ નહીં, પણ ભેજાબાજ એન્જિનિયર છે. તેમણે શોધી કાઢ્‌યું કે બરફને મોટા વિસ્તારમાં પથરાયેલો રાખવાથી તે ઝડપભેર ઓગળવા માંડે, પણ જો તેનો એક જગ્યાએ ખડકલો કરવામાં આવે તો તે સૂર્યના સીધા તાપ સામે પણ લાંબો સમય ઝીંક ઝીલે અને ખેડૂતોને ખેતી માટે જરૂર પડે ત્યારે એપ્રિલ-મેમાં જ તે ઓગળે. લદ્દાખના સૌથી નીચાણવાળા કહેવાય એવા વિસ્તારમાં સફળ પ્રયોગ કરીને તેમણે પોતાની થિયરી સાબીત કરી અને સાબીત કર્યું કે તળીયેથી ૨૦ મીટરનો ઘેરાવો ધરાવતો, ૪૦ મીટર ઊંચો ‘સ્તૂપ’ તૈયાર કરવામાં આવે તો તે ૧.૬ કરોડ લીટર પાણી સંઘરી શકે. લગભગ ૧,૫૦૦ એકરના બર્ફીલા રેગીસ્તાનમાં પાણીની ‘નદીઓ’ વહેવડાવવાનું કામ ખર્ચાળ તો હોય જ. તેના ખર્ચ માટે વાંગ્ચુકે ‘ક્રાઉડ-ફંડિંગ’નો સહારો લીધો.

ક્રાઉડ-ફંડિંગ એટલે સાદી ભાષામાં ઉઘરાણું. પોતાના પ્રોજેક્ટની વિગત મૂકીને લોકો ઇન્ટરનેટ પર ટહેલ નાખે. તેમાંથી કેટલાકને પ્રતિસાદ મળે. ઘણાને ન પણ મળે. પરંતુ પ્રયત્ન કર્યાનો સંતોષ અવશ્ય મળે. વાંગ્ચુકે પોતાના પ્રોજેક્ટનો બધો હિસાબ માંડીને, ઑક્ટોબર, ૨૦૧૪થી ડિસેમ્બર, ૨૦૧૪ના બે મહિના દરમિયાન ક્રાઉડ-ફંડિંગથી ૧.૧૯ લાખ અમેરિકન ડૉલર માટે ટહેલ નાખી હતી. તેના પ્રતિસાદમાં તેમને ૧.૨૫ લાખ ડૉલર મળ્યા. શેરબજારની પરિભાષામાં કહીએ તો, તેમનું ‘ભરણું’ ૧૦૫ ટકા ભરાયું.

ક્રાઉડ-ફંડિંગની આ જ ખૂબી છે. નક્કરમાં નક્કર, લોકોપયોગી પ્રોજેક્ટથી માંડીને સાવ ચક્રમ જેવા આઇડીયા માટે પણ રૂપિયા (કે ડૉલર) આપનારા લોકો મળી રહે છે. ફિલ્મ, ડૉક્યુમેન્ટરી, મ્યુઝિક આલ્બમ, પુસ્તકો, કૉમિક્સ અને અવનવી શોધોથી માંડીને સેવાકીય પ્રવૃત્તિઓ માટે ક્રાઉડફંડિંગથી નાણાં ઉઘરાવી શકાય છે. ભારતમાં આ વર્ષે પહેલી વાર નેશનલ ક્રાઉડફંડિંગ કોન્ફરન્સ ભરાઇ, પણ આંતરરાષ્ટ્રિય સ્તરે- ખાસ કરીને અમેરિકામાં- ક્રાઉડફંડિંગનો સૂરજ મઘ્યાહ્ન ભણી ધપી રહ્યો છે. ઇન્ટરનેટના માઘ્યમનો આ ઉપયોગ બેશક રોમાંચકારી છે અને તેની સફળતાની કેટલીક ગાથાઓ પરીકથા જેવી છે. પરંતુ એક ખ્યાલ તરીકે ક્રાઉડફંડિંગ નવીનવાઇનો નથી. ક્રાઉડફંડિંગથી બનેલી ફિલ્મનું અનોખું ઉદાહરણ એટલે શ્યામ બેનેગલની ‘મંથન’, જે ખેડા જિલ્લાના પાંચ લાખ ખેડૂતોએ બે-બે રૂપિયા કાઢીને ઊભા કરેલા ભંડોળમાંથી બની હતી. અલબત્ત, એ ફિલ્મ શ્વેતક્રાંતિ વિશેની હોવાથી અને ખેડૂતોનું સંગઠન હોવાથી આ જાતનું ક્રાઉડફંડિંગ શક્ય બન્યું હતું. એવી જ રીતે, મહેન્દ્ર મેઘાણીએ તેમનાં ઘણાં સંપાદન આગોતરા ગ્રાહક નોંધીને, તેમની પાસેથી આગોતરાં નાણાં મેળવીને, પ્રગટ કર્યાં હતાં.

ઇન્ટરનેટમાં પણ એ પ્રકારે, કોઇ નવી પ્રોડક્ટ માટે ખાસ ડિસ્કાઉન્ટથી આગોતરા ઑર્ડર નોંધીને, ક્રાઉડફંડિંગ મેળવવામાં આવે છે. તેનું એક અત્યંત સફળ, લગભગ અપવાદરૂપ કહી શકાય એવું, ઉદાહરણ કૅનેડાના એક કિશોરનું છે. ‘એપલ’ કંપનીનું સ્માર્ટ વૉચ આ મહિનેેેેે આવ્યું, પણ એ ભાઇએ બે વર્ષ પહેલાં ક્રાઉડફંડિંગની એક સાઇટ પર સ્માર્ટ વૉચનો પ્રોજેક્ટ મૂક્યો હતો. તેણે એક લાખ ડૉલરનું લક્ષ્ય નક્કી કર્યું હતું, પણ આ જાતની પ્રોડક્ટમાં લોકોનો રસ અને એક જાણીતી ટીવી ચેનલ પર તેનો ઇન્ટરવ્યુ પ્રસારિત થયા પછી, તેને આઠ લાખ ડૉલરથી પણ વઘુ રકમ મળી. તેનાથી એ વાત પણ પુરવાર થઇ કે ક્રાઉડફંડિંગ માટેનું મુખ્ય પ્લેટફૉર્મ ભલે ઇન્ટરનેટ હોય, પણ પરંપરાગત માધ્યમો પર થતો પ્રચાર ઇન્ટરનેટ પર ભંડોળ મેળવી આપવામાં ભારે મદદરૂપ થઇ શકે છે.

ક્રાઉડફંડિંગ હોય કે ટ્રેનમાં લીંબુ-મોસંબીનો રસ કાઢવાનાં દસ-વીસ રૂપિયાનાં ‘જ્યુસર મશીન’ વેચતા ફેરિયા, બન્નેમાં સામેના પક્ષે એકસરખી માનસિકતા કામ કરે છે. મોટા ભાગના લોકો આવા કામમાં પહેલ કરતાં ખચકાય છે, પણ એક જણ ખરીદવાની (કે ક્રાઉડફંડિંગની સાઇટ પર રકમ નોંધાવવાની) શરૂઆત કરે, એટલે બીજા  લોકો તેમાં જોડાય છે. આ માનસિકતા સમજતા ઘણા ફેરિયા પોતાના જ કોઇ માણસ પાસે પહેલી ખરીદી કરાવે છે, જે મોટે ભાગે ‘ચેપી’ સાબીત થાય છે. ક્રાઉડફંડિંગના અભ્યાસીઓના મતે લક્ષ્યાંકની ૪૦ ટકા રકમ સુધી પહોંચતાં મોટા ભાગના પ્રોજેક્ટ ઠુસ થઇ જાય છે. એ ઉંબરો પાર કરી જનારા મોટા ભાગના પ્રોજેક્ટને ત્યાર પછી વાંધો આવતો નથી. એવી જ રીતે, ક્રાઉડફંડિંગની વેબસાઇટો પર દરેક પ્રોજેક્ટ માટે અઠવાડિયાંથી માંડીને બે-ત્રણ મહિના સુધીની નીયત સમયમર્યાદા હોય છે.

પ્રોજેક્ટને પ્લેટફૉર્મ પૂરું પાડતી વેબસાઇટો બે ટકાથી માંડીને દસ ટકા સુધીની ‘પ્રોસેસિંગ ફી’ વસૂલ કરે છે. એ સિવાય દરેક સાઇટની પોતપોતાની નીતિ અને ધોરણો હોય છે. જેમ કે, આ ક્ષેત્રની અવ્વલ ગણાતી વેબસાઇટ ‘કીકસ્ટાર્ટર’ ગણતરીના દેશોના પ્રોજેક્ટ જ મૂકવા દે છે. તેમાં ભારતનો સમાવેશ થતો નથી. એટલે લેખના આરંભે જેમની વાત કરી તે સોનમ વાંગ્ચુકે લદ્દાખમાં ‘આઇસ સ્તુપ’ના પ્રોજેક્ટ માટે બીજી જાણીતી સાઇટ ‘ઇન્ડીગોગો’ પર પોતાના પ્રોજેક્ટની વાત મૂકી.  ક્રાઉડફંડિગની વેબસાઇટો પર પ્રોજેક્ટને લગતા ગ્રાફિક્સ-તસવીર, ટૂંકી માહિતી અને વિડીયો- આટલી પ્રાથમિક વિગતો મૂકવામાં આવે છે. વઘુ જાણવા ઇચ્છનાર ત્યાર પછી પ્રોજેક્ટની વેબસાઇટ પર કે બીજી રીતે વિગતો મેળવી શકે છે. પ્રોજેક્ટ ચાલુ હોય તો તેને અત્યાર સુધી લક્ષ્યાંકની સામે કેટલાં નાણાં મળ્યાં તેની વિગત પણ સાઇટ પર જાહેરમાં જ મુકવામાં આવે છે. કેટલીક ક્રાઉડફંડિગ સાઇટો ‘ઑલ ઑર નન’ પ્રકારની હોય છે- એટલે કે લક્ષ્યાંક સિદ્ધ થાય તો જ રકમ મળે. નહીંતર નવી ગિલ્લી, નવો દાવ. (‘કીકસ્ટાર્ટર’ એ પ્રકારની છે.) અન્ય સાઇટો ‘ટેક વૉટ યુ મેક’- એટલે કે ‘આવ્યા એટલા તમારા’ પ્રકારની હોય છે.

વિશ્વની ભૂગોળ સંકોચવાની ઇન્ટરનેટની ક્ષમતા ક્રાઉડફંડિંગની સાઇટો પર વઘુ એક વાર સાકાર થાય છે. તેમાં અન્યાયની સામે લડતા લોકોના અદાલતી ખર્ચ જેવા હેતુથી માંડીને સાવ હાસ્યાસ્પદ કે રમૂજી કહેવાય એવા પ્રોજેક્ટ માટે નાણાં આપનારા વીરલા મળી આવે છે.‘કીકસ્ટાર્ટર’ પર તો અગંભીર પ્રકારના પ્રોજેક્ટની ખાસ્સી બોલબાલા છે. સ્માર્ટફોનના વધતા દબદબા સામે વિરોધ વ્યક્ત કરવા માટે ગયા વર્ષે એક ખોપરીએ ‘નોફોન’ નામે એક ‘પ્રોડક્ટ’ મૂકી. ‘તેમાં નથી કૅમેરા, નથી બ્લુ ટૂથ. તેનાથી ફોન પણ થતા નથી.’ તો પછી એ લંબચોરસ ચોસલાથી થાય શું? બસ, કંઇ નહીં. એ તમને સરસ ‘ફીલ’ આપશે અને તમને ખલેલ નહીં પહોંચાડે.

આવા મસ્તીભર્યા આઇડીયાને પંદર દિવસમાં અઢાર હજાર ડૉલરનું ક્રાઉડફંડિંગ મળી ગયું. ભારતમાં ક્રાઉડફંડિંગની સાઇટો શરૂ થઇ ચૂકી છે, પણ તેમને જામવા માટે બીજી બાબતો ઉપરાંત ભારતીય માનસિકતા સાથે પણ પનારો પાડવાનો રહેશે. શેરબજારના પબ્લિક ઇશ્યુઝ પણ એક પ્રકારે ક્રાઉડ ફંડિંગનું જ વધારે (પડતું) સુઆયોજિત અને વ્યાવસાયિક સ્વરૂપ છે. પરંતુ ‘સેબી’એ હજુ સુધી ક્રાઉડફંડિંગ માટે નીતિનિયમો નક્કી કર્યા નથી. એટલે ત્યાં સુધી ક્રાઉડફંડિંગ મોટી કંપનીઓને બદલે મહદ્‌ અંશે વ્યક્તિ અને સમાજ વચ્ચેનું અનૌપચારિક જોડાણ બની રહ્યું છે.  

Friday, March 27, 2015

પુરસ્કાર એટલે?

જે પોષતું તે મારતું, એવો દીસે ક્રમ કુદરતી--આ પંક્તિ જાણીતી છે, પણ બીજી ઘણી પંક્તિઓની જેમ તેનો મૂળ પાઠ સાવ અલગ હતો અને એક કવિએ પોતાની હૃદયવ્યથા ઠાલવવા માટે તે લખ્યો હતો. કવિએ કહ્યું હતું, ‘જે છાપતું, તે શોષતું એવો દીસે ક્રમ કુદરતી.’ કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે એ કવિ ગરવી ગુજરાતી ભાષાનો હતો, જ્યાં ભૂતકાળમાં સામયિકો લેખ-કવિતાને ફૂટપટ્ટીથી માપીને, તેમાંથી ચિત્ર કે મથાળાનો બ્લૉક બનાવ્યો હોય તો એના રૂપિયા (કે પૈસા) કાપીને, લેખકને પુરસ્કાર મોકલતા હતા.

‘પુરસ્કાર’ શબ્દ બહુ જોખમી છે. તેના એટલા બધા -અને એકબીજાથી જુદા જુદા અર્થ થાય છે કે લેખક અને (પુસ્તકો-સામયિકો-અખબારોના) પ્રકાશક બન્ને પોતપોતાની વર્તણૂંકને વાજબી જ નહીં, લગભગ શાસ્ત્રોક્ત ઠરાવી શકે.  શબ્દકોશમાં ‘પુરસ્કાર’નો એક અર્થ છે : આગળ કરવું. ઘણા પ્રકાશકો ‘પુરસ્કાર’ને આ જ અર્થમાં લે છે અને લેખક તેમની પાસે પુરસ્કાર વિશે ચર્ચા કરવાની ઇચ્છા વ્યક્ત કરે ત્યારે પ્રકાશકો ગૌતમ બુદ્ધ જેવા કરુણાસભર સ્મિત સાથે કહે છે,‘જવા દો હવે, તમારી પાસેથી કંઇ લેવાતું હશે? તમારા જેવા લખનારાને આગળ કરવા એ તો અમારી સમાજ પ્રત્યેની અને ભાષા પ્રત્યેની ફરજ છે. એના રૂપિયા ન લેવાય.’

દેખીતું છે કે લેખક ‘પુરસ્કાર’ એટલે ‘વિદ્વાન માણસને એના લેખનકાર્ય માટે પ્રકાશક તરફથી અપાતી રકમ’ની વાત કરવા ઇચ્છતો હોય છે. પરંતુ એક શબ્દના બે વિભિન્ન અર્થ વિશે મતભેદ પડે ત્યારે તેમાં શબ્દકોશ કશું કરી શકતો નથી. ‘જેની જરૂરિયાત વધારે, એણે કરેલો અર્થ સાચો’- એ સાંસારિક નિયમ ત્યાં લાગુ પડી જાય છે.

‘પુરસ્કાર’નો એક અર્થ ‘સન્માન’ પણ થાય છે. ઘણા પ્રકાશકો ઘણા લેખકને પુરતો ‘પુરસ્કાર’ આપે છે. લેખક મળવા આવે ત્યારે તેને મીઠા શબ્દોથી આવકારીને સન્માન આપે છે, ‘ફલાણા લેખક આવ્યા છે, જરા પાણી તો લાવ’ એમ કહીને લેખકને વઘુ એક વાર ‘પુરસ્કાર’ (સન્માન) આપે છે. આટલો પુરસ્કાર ઓછો છે એવું લાગતાં, તે નાની પ્યાલીમાં ચા મંગાવીને પણ લેખકને ‘પુરસ્કાર’ આપે છે. વાતચીત દરમિયાન બે વાર ફોનની ઘંટડી વાગે તો ફોન પર વાત કરતાં પહેલાં લેખકને ‘એક્સક્યુઝ મી’ કહીને પણ તેને સન્માન આપે છે.

પરંતુ મોટા ભાગના લેખકો એવા લોભી હોય છે કે તેમના મનમાં પ્રકાશકોની આ બધી ઉદારતાની નોંધ લેવાતી નથી. તેમના મનમાં રૂપિયાપૈસાની ગણતરીઓ જ રમતી હોય છે. તેમાં બિચારા પ્રકાશકો શું કરી શકે? લેખકોને આગળ જણાવ્યા પ્રમાણેના પુરસ્કાર આપી આપીને ઘણા પ્રકાશકો એટલા બેવડ વળી જાય છે કે ગાડી સિવાય તે ફરી શકતા નથી અને આખેઆખું કોમ્પ્લેક્સ ખરીદવાને બદલે તેમને થોડા હજાર સ્ક્વેર ફીટની ઑફિસથી ચલાવી લેવું પડે છે. તેમની આવી સ્થિતિ પ્રત્યે અનુકંપા રાખવાને બદલે તેમને શોષણખોર કહેવા, એ લેખકોની સમજની ગંભીર મર્યાદા છે. પરંતુ ‘છોરુ કછોરુ થાય, માવતર કમાવતર ન થાય’ એ વચન પ્રમાણે, મોટા ભાગના પ્રકાશકો મોટા ભાગના લેખકોને કછોરુ ગણે છે અને પોતે ઉદાર માવતરની ભૂમિકામાં રહીને, કછોરુઓનો ગણગણાટ કાને ધરતા નથી.

‘પુરસ્કાર’નો એક અર્થ છે માનદ્‌ વેતન- ઑનરેરિયમ. ગુજરાતી અને અંગ્રેજી બન્ને શબ્દોમાં જોઇ શકાય છે કે તેમાં ભાર વેતન પર નહીં, ‘માન’-ઑનર પર છે. પ્રકાશકોને ફક્ત ‘અર્થ’ (નાણાં)માં જ ખબર પડે છે એવી લેખકોની માન્યતા દ્વેષયુક્ત છે. કેમ કે, પુરસ્કારના માનભર્યા અર્થ પ્રમાણે ઘણા પ્રકાશકો લેખકને માનભેર બોલાવીને, માનભેર બેસાડીને, મુઠ્ઠી વાળીને આપવાની પદ્ધતિએ માનભેર પુરસ્કાર આપીને, તેમને માનભેર વિદાય કરે છે. આ આખી ઘટનામાં માન પ્રધાન સ્થાન ભોગવે છે અને પુરસ્કાર ગૌણ બની જાય છે. પરંતુ એ જ તો શબ્દનો અસલી ભાવ છે અને ભાવ નક્કી કરવામાં પ્રકાશકો કેટલાક કાબેલ હોય છે, એ લખનારાને ભાગ્યે જ સમજાવવાનું હોય.

ગુજરાતીમાં સારો ‘પુરસ્કાર’ મેળવનારા લેખકોની સંખ્યા સારું લખતા લેખકોની સંખ્યા કરતાં પણ ઓછી છે અને આ બન્ને બાબતો એકસાથે જોવા મળે એવું તો જૂજ કિસ્સામાં જ બને છે. સામયિકો- અખબારોના અધિપતિઓ માને છે કે તેમના ‘પ્રતિષ્ઠિત પ્રકાશન’માં લેખકની કૃતિ પ્રસિદ્ધ કરીને તેમણે સાહિત્યની સેવા કરી છે, પરંતુ સ્વભાવગત ઉદારતાને કારણે તે લેખકો પાસેથી વળતર લઇ શકતા નથી. (‘તમે આવડા મોટા સારસ્વત! તમારી આગળથી કાંઇ રૂપિયા લેવાતા હશે?) આ માન્યતાને પુષ્ટિ મળે, એવો પ્રતિભાવ ઘણા લેખકો તરફથી મળી રહે છે. બીજો વર્ગ એવો છે જે લો પ્રોફાઇલ રહીને સાહિત્યની-પ્રજાની-ભાષાની સેવા કરવા માટે પ્રકાશન કાઢે છે. સેવા કરવાની હોય ત્યાં પુરસ્કાર કેવો?

લેખન અને પુરસ્કારની સમસ્યા બુદ્ધના જમાનાથી ચાલી આવે છે. તાજા સંશોધન પ્રમાણે, બુદ્ધ જ્યારે રાજકુમાર સિદ્ધાર્થ હતા ત્યારે એ પણ કવિતાઓ-નિબંધો-લેખો ને એવું બધું લખતા. કૃતિઓ છપાવામાં શરમ અને ગરજનું તત્ત્વ કેટલું મહત્ત્વનું છે, એ સૌ પ્રકાશકો અને તેમના સત્તાધીશ-હોદ્દેદાર લેખકો જાણે છે. એટલે રાજકુમાર સિદ્ધાર્થની કૃતિઓ પણ છપાતી હતી. સિદ્ધાર્થ તેમની કૃતિઓની કાલ્પનિક ગુણવત્તાથી રાજી રહેતા ને તેમની કૃતિઓ છાપનારા પોતે ‘રાજકુમારના પ્રકાશક’ તરીકે રાજી રહેવાય એવી વ્યવસ્થાઓ ગોઠવી લેતા.

એક વખત રાજકુમાર સિદ્ધાર્થ રથમાં બેસીને નગરચર્યાએ  નીકળ્યા. રસ્તામાં એક ભીખારી નજરે ચડ્યો. તેમણે સારથીને પૂછ્‌યું, ‘આ કોણ છે? એણે શા માટે આવો વેશ ધારણ કર્યો છે?’

સારથીએ કહ્યું, ‘મહારાજ, આ માણસ ગરીબ ભીખારી છે. તેની પાસે પૂરતાં વસ્ત્રો નથી. એટલા માટે એણે શરીર પર છાપાનું પાનું વીંટાળ્યું છે.’

‘એ પાના પર મારો લેખ છપાયો છે.’ એવું બોલતાં બોલતાં -સિદ્ધાર્થ અટકી ગયા- કે નકામો ક્યાં સારથી આગળ પોતાનો કચરો કરવો. થોડે આગળ ગયા પછી કમરેથી ઝૂકી ગયેલા એક વૃદ્ધ પર તેમની નજર પડી. તેના વિશે પૂછપરછ કરતાં સારથીએ કહ્યું,‘મહારાજ, આ માણસ વૃદ્ધાવસ્થાને લીધે કમરેથી વાંકો વળી ગયો છે.’

સિદ્ધાર્થે વિચાર્યું,‘મને એમ કે ફક્ત ઇનામો ને સન્માનો મેળવવા માટે સત્તાધીશો સામે જ કમરેથી વાંકા વળવું પડે.’

સિદ્ધાર્થના મનની ખિન્નતા વધતી જતી હતી. છતાં તેમની સહનશક્તિની હદ આવવાની બાકી હતી. થોડે આગળ ગયા પછી કેટલાક માણસો ‘રામ બોલો ભાઇ રામ’ના ગણગણાટ સાથે એક માણસના શરીરને ઉંચકીને લઇ જતા હતા. ‘આ માણસને શું થયું છે? તેને શા માટે લોકો બાંધીને લઇ જાય છે? શા માટે આટલા બધા લોકો તેની પાછળ દોડી રહ્યા છે?’ સિદ્ધાર્થે વ્યાકુળતાથી પૂછ્‌યું.

સારથીએ કહ્યું,‘મહારાજ, એ આપણા રાજ્યનો ઉત્તમ લેખક હતો. સાહિત્યનું દરેક સામયિક તેની કૃતિ વગર અધૂરું ગણાતું હતું. તેનું હવે મૃત્યુ થયું છે. પાછળ દોડી રહેલા લોકો બધા તેના લેણદાર છે.’

સિદ્ધાર્થે કહ્યું.‘એ આટલો સારો લેખક હોવા છતાં તેની પાછળ આટલા લેણદારો કેમ છે?’

સારથીએ કહ્યું,‘મહારાજ, એ તો તમે રાજકુમાર-લેખક ન હો તો જ તમને સમજાય. કૃતિઓનો પુરસ્કાર એટલો ઓછો હોય છે.’

‘પણ પુરસ્કાર આટલો ઓછો કેમ હોય છે?’ સિદ્ધાર્થની વ્યગ્રતા શમતી ન હતી, ‘અને આ મૃત્યુ શા માટે આવે છે?’

સારથીએ નિઃસાસો નાખીને કહ્યું,‘મહારાજ, આ બન્ને પ્રશ્નોના જવાબ આ સંસારમાં કોઇની પાસે નથી.’

મહેલે પહોંચ્યા પછી પણ આ સવાલો સિદ્ધાર્થનો કેડો મૂકતા ન હતા. છેવટે, તેમણે મહાભિનિષ્ક્રમણ કર્યું. તેમને જ્ઞાનનો પ્રકાશ લાઘ્યો અને તે બુદ્ધ બન્યા.

-ત્યારે તેમને સમજાયું કે રજવાડી પુરસ્કારો મેળવવા માટે લેખન કરતાં ધર્મનો ને કથાવાર્તાનો ધંધો વધારે અનુકૂળ છે. 

Tuesday, March 24, 2015

ગોરક્ષા, હિંદુત્વ અને કાયદો

(unedited)
ચાર વર્ષ પહેલાં ગુજરાતમાં અને હમણાં મહારાષ્ટ્ર-હરિયાણામાં ગૌવંશ હત્યા તથા બીફ (ગોમાંસ)ના ખરીદવેચાણને સજાપાત્ર ગુનો બનાવતા કાયદા અમલમાં આવ્યા. તેની વાત કરતાં પહેલાં થોડી વક્રતાઓ નોંધી લઇએ.

ગાંધીજી આસ્થાળુ હિંદુ તરીકે ગાયના પરમ ભક્ત અને ગૌવંશને બચાવવાના આગ્રહી હતા. સંઘ પરિવાર અને હિંદુ મહાસભા પ્રકારના, હિંદુ ધર્મના બની બેઠેલા ઠેકેદારો પણ પોતાને પ્રખર ગૌભક્ત ગણાવતા હતા. ગાયની કતલ સામે તેમને વાંધો હતો, પણ ગાંધીહત્યાથી તેમાંના ઘણા રાજી થયા હતા- અને એવા વિચારવાળા ઘણાને હજુ પણ ગાંધીહત્યાનો અફસોસ થતો નથી.

મહારાષ્ટ્રમાં બીફવિરોધી કાયદો આવ્યા પછી કતલખાનાં ચલાવનારાવાળાએ હડતાળ પાડી. તેના લીધે મુંબઇના સંજય ગાંધી નેશનલ પાર્કનાં હિંસક પ્રાણીઓને તેમના રોજિંદા ખોરાક વગર ચલાવવું પડ્યું. સંજય ગાંધીનાં પત્ની મેનકા ગાંધી પ્રખર પશુપ્રેમી તરીકે જાણીતાં છે. પરંતુ એક તરફ વાઘ-સિંહ અને બીજી તરફ હિંદુત્વના રક્ષકો વચ્ચે મેનકા ગાંધી શું કરી શકવાનાં?

બીફના મુદ્દાને હિંદુ સંસ્કૃતિનો અને હિંદુ વિરુદ્ધ મુસ્લિમનો બનાવનારા હિંદુત્વના ઠેકેદારો દલિતોને કઇ બાજુ ગણશે? દલિતોથી માંડીને ઇશાન ભારતના લોકો અને બીજા ઘણા બિનદલિત હિંદુઓ ભોજનમાં સ્વાદ, પસંદગી, ટેવ કે મજબૂરીથી બીફનો ઉપયોગ કરે છે. એ કારણથી તેમને ‘અશુદ્ધ’ ગણી નાખવા? પુરાતન કાળમાં - બુદ્ધ પહેલાંના સમયમાં -ઉચ્ચ કહેવાતા હિંદુઓમાં બીફનો કશો છોછ ન હતો, એ વાત સગવડે ભૂલાવી દેવામાં આવે છે. જ્ઞાતિપ્રથાનો સકંજો મજબૂત બન્યા પછી, બીફ ન ખાવું એ જ ‘શુદ્ધિ અને સભ્યતા’નું પ્રતીક હોય, એવું ઠસાવવામાં આવે છે. હિંદુ ધર્મની છીછરી સમજ દર્શાવતી આ ચેષ્ટા સામે વખતોવખત વિરોધ થતો રહે છે. થોડાં વર્ષ પહેલાં હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટીમાં કેટલાક દલિત વિદ્યાર્થીઓ યોજેલો બીફ ફેસ્ટિવલ ગાયોની સામે નહીં, પણ ગાયોને પવિત્ર ગણીને, તેના નામે ખેલાતા હિંદુત્વના રાજકારણ સામે અને જ્ઞાતિની સંકુચિત ઓળખ સામે હતો.

આગળનાં ઉદાહરણ પરથી સ્પષ્ટ છે કે ગોરક્ષા, ગોહત્યાનો વિરોધ અને બીફના ખરીદવેચાણને ગુનો જાહેર કરવો, એ લાગે છે એટલો સીધોસાદો મુદ્દો નથી. તેમાં અનેક બાબતોની ભેળસેળ કરીને આખા મુદ્દાને રાજકીય અને હિંદુ વોટબેન્કલક્ષી બનાવવામાં આવ્યો છે.

દંભનું પ્રતીક
ગાય સાથે સંકળાયેલા કેટલાક મુખ્ય મુદ્દા : ગોપાલન-ગોસંવર્ધન, ગોરક્ષા અને ગોમાંસ. હિંદુત્વવાળા આ મુદ્દાને એકરૂપ અને એકબીજા સાથે ગુંથાયેલા ગણવાને બદલે, તેમને અલગ પાડે છે અને તેમાંથી પોતાના સ્વાર્થને અનુરૂપ એવા મુદ્દા ચગાવે છે.

સૌથી પહેલો સવાલ ગોપાલન-ગોસંવર્ધનનો લઇએ. રખડતી ગાયો સામે કડક કાર્યવાહી થાય ત્યારે, સામેનો પક્ષ આક્રમક બચાવમાં કહે છે, ‘ગાય તો માતા કહેવાય. એને હાંકીને ડબ્બામાં પૂરતાં- એની સામે કાર્યવાહી કરતાં શરમ આવવી જોઇએ.’ પરંતુ આવી દલીલ કરનારને એટલું જ પૂછવાનું થાય કે ‘વધારે શરમ કોને આવવી જોઇએ? રસ્તે રઝળતી ‘માતા’ને લઇ જનારને કે પછી ગાયને માતા કહ્યા પછી, તેને રસ્તે રખડતી મૂકી દેનારને?’

ભારતમાં જેમ સ્ત્રીઓને ‘દેવી’ અને ‘શક્તિનો અવતાર’ ગણાવ્યા પછી તેમનું શોષણ કરવામાં- તેમને ઉતરતી ગણવામાં કશું બાકી નથી રખાયું, એવી જ રીતે, ગાયોને ‘માતા’ ગણીને તેમની અવદશા કરવામાં પણ કોઇ કસર રહી નથી. એ હિંદુ ધર્મના નામે ચાલતા દંભનું વરવું પ્રતીક છે. ભારતમાં ગાયોની દયનીય સ્થિતિ વિશે ક્યાંય તપાસ કરવા જવાની જરૂર નથી. રસ્તે ચાલતાં જ તેનો પ્રત્યક્ષ અનુભવ થઇ શકે એમ છે. ગૌભક્તિ અને ગૌરક્ષાની બડી બડી વાતો કરનારા- બીફ સામે કૂદી કૂદીને બોલનારા રાજનેતાઓને ગોચરની જમીનો વેચાઇ જાય ત્યારે ગાયોનું હિત યાદ આવતું નથી. તેમનો સઘળો ગોપ્રેમ બીજા લોકોને ગોવિરોધી ઠરાવવામાં કે બીફ ખાનારનો વિરોધ કરવામાં સમાઇ જાય છે.

ભારતમાં ગાયોની અને પાંજરાપોળોની અવદશા ગાંધીજીના સમયથી શરમનો અને ચિંતાનો વિષય રહ્યાં છે.  તેમના સમયમાં ગાયો કોમી લાગણી ઉશ્કેરનારું પરિબળ પણ બની હતી. બીજી તરફ, ગાયો માટે ગાંધીજીએ ક્યારેક આશ્ચર્યજનક લાગે એ હદનો પૂજ્યભાવ પ્રગટ કર્યો હતો. છતાં, અનેક વાર તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું,‘કાયદાથી ગાયની કતલ કદી અટકાવી ન શકાય...જેમ કોઇ માણસનો જાન બચાવવા, એ જાન ગમે તેવો કીમતી હોય તો પણ હું ગાયની હિંસા ન કરું. તેવી જ રીતે કોઇ ગાયનો જાન બચાવવા હું માણસની પણ હિંસા ન કરું...આખી પૃથ્વીના લોકો ગાયની રક્ષા કરતા થઇ જાય એટલો મોટો મારો મનોરથ છે, પણ તે માટે મારે પ્રથમ તો મારું ઘર સારી રીતે સાફ કરવું જોઇએ...કાયદો કરીને ગોવધ બંધ કરવાથી ગોરક્ષા નથી થઇ જતી. એ તો ગોરક્ષાના કાર્યનો અલ્પમાં અલ્પ ભાગ છે...જે કાયદાની સામે સમજુ અને વ્યવસ્થિત લોકમતનો વિરોધ હોય અથવા ધર્મને બહાને નાનકડા મંડળનો પણ વિરોધ હોય તો તે કાયદો સફળ ન થાય.’

પરંતુ પોતાની ટૂંકી સમજ પ્રમાણે કે પછી રાજકીય ચાલબાજી મુજબ હિંદુત્વની વાતો કરનારા ગાયો ઉપરાંત બળદ અને વાછરડાં (ગોવંશ)ની કતલ પર પ્રતિબંધ મૂકીને પોતાની ગૌભક્તિ માટે પોરસાય છે. બીફ ખાનાર લોકો જાણે અસુર હોય એવું રાજકીય વાતાવરણ સંઘ પરિવાર અને ભાજપનાં સંગઠનોએ ઊભું કર્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બની એટલે તેનાં શરૂઆતનાં કામોમાં એક ગોરક્ષા વિરોધી કડક કાયદો બનાવવાનું હતું. આ જાતના કાયદામાં કરવા ખાતર ગાયોની દેખરેખ રાખવાની વાત થઇ હોય, પણ ખરો ભાર - અને કાયદાની ખરી રાજકીય અપીલ- ગોહત્યા કરનાર માટે જાહેર કરાયેલી સજામાં હોય છે. તેનાથી દર્શાવી શકાય છે કે ‘જુઓ, જુઓ, અમે કેવા સુપરહિંદુ છીએ. અમે હિંદુવિરોધી ગોવિરોધીઓ સામે કેવા કડક હાથે કામ લઇએ છીએ.’

મહારાષ્ટ્રના કાયદા પ્રમાણે, ગાયો ઉપરાંત બળદોની કતલ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથોસાથ, બીફની ખરીદી કે તેના વેચાણને પણ ગુનો ઠરાવવામાં આવ્યું છે. નવા કાયદા પ્રમાણે, કોઇ બીફ વેચતાં કે ખરીદતાં પકડાય તો તેને રૂ.૧૦ હજારનો દંડ અને મહત્તમ પાંચ વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે. કાયદામાં દંડ અને સજાની જોગવાઇ હોય છે. (‘તોડ’ની રકમ તો બન્ને પક્ષો વચ્ચે પરસ્પર સમજૂતીથી નક્કી થાય છે.)

મહારાષ્ટ્રના આ આત્યંતિક કાયદા સામે બે હિંદુઓએ અદાલતમાં જાહેર હિતની અરજી કરી છે. તેમની દલીલ એ છે કે ‘અમે બીફ ખાઇએ છીએ. એ અમારા રોજિંદા ખોરાક અને પોષણનો હિસ્સો છે. તેને ગુનો જાહેર કરવામાં નાગરિકોના મૂળભૂત અધિકારોનો ભંગ થાય છે.’ આ મુદ્દે અદાલત બંધારણને અનુરૂપ વલણ લઇને, કાયદાની આત્યંતિકતાને મોળવી નાખે છે કે પછી સરકારલાગણીને લોકલાગણી ગણીને એ પ્રમાણે ચુકાદો આપે છે, એ જોવાનું રહે છે.

દરમિયાન હરિયાણામાં ભાજપની સરકારે પણ આ પ્રકારનો તઘલકી કાયદો પસાર કરી દીધો છે. તેમાં ઠરાવ્યા પ્રમાણે, ગૌહત્યા માટે જવાબદાર વ્યક્તિને મહત્તમ દસ વર્ષની જેલની સજા અને રૂ.૩૦ હજારથી રૂ.એક લાખ સુધીનો દંડ થઇ શકે છે. બીફ વેચનારને મહત્તમ પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂ.૫૦ હજાર સુધીનો દંડ થઇ શકે છે. આ બાબતમાં મહારાષ્ટ્ર અને હરિયાણા કરતાં પણ ગુજરાત ‘આગળ’ છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૧માં પસાર થયેલા કાયદા અંતર્ગત ગૌહત્યા ઉપરાંત કતલના હેતુથી ગાયોની હેરફેર કરનાર અને બીફ વેચનાર-ખરીદનારને પણ આવરી લેવામાં આવ્યા છે. તેમાં વધુમાં વધુ સાત વર્ષની જેલની સજા અને મહત્તમ રૂ.૫૦ હજારના દંડની જોગવાઇ છે.

ગાયોની દેખભાળ રાખી ન શકતી અને ગોચરોની જમીન હડપ કરી જતી સરકારોને ગોરક્ષાના નામે વ્યક્તિગત સ્વાતંત્ર્ય પર તરાપ મારતા કાયદા બનાવવાનો શો અધિકાર છે, એ પાયાનો સવાલ છે. ખેતીવાડીમાં ગાયોના મહત્ત્વને લઇને તેમના રક્ષણ માટે પ્રયાસ થાય તે આવકાર્ય છે, પણ એ પ્રયત્નો નકારાત્મક-દંડાત્મક નહીં, વિધેયાત્મક હોવા જોઇએ. રાજકીય સ્વાર્થ કે ટોકન હિંદુત્વથી પ્રેરિત આવા કાયદાના બચાવમાં ઘણા ભાજપી નેતાઓ ગાયના આર્થિક મહત્ત્વનાં ગાણાં ગાવા અને ખેતીમાં તેમનું મહત્ત્વ સમજાવવા બેસી જાય છે, કેમ જાણે એ લોકો સવાર-સાંજ ગાયોનાં પૂંછડાં આમળીને, ડચકારા બોલાવતાં બોલાવતાં ખેતી કરતા હોય. ખેતીમાં યંત્રોના વધતા ઉપયોગને કારણે બળદો બેકાર થઇ રહ્યા છે. તેમનાં છાણ-મૂત્રના ‘ઑર્ગેનિક જંતુનાશક’ તરીકેના ઉપયોગો વિશે પણ બઢાવીચઢાવીને રજૂ કરાતી વાતો કરતાં હકીકત જુદી છે. આંકડાના આધારે એવું તારવવામાં આવ્યું છે કે પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ કે તમિલનાડુ જેવાં રાજ્યોમાં ગૌહત્યા સામે આકરા કાયદા ન હોવા છતાં, એ રાજ્યો ખેતીવાડીમાં મોખરે છે. ‘બળદો નકામા બને પછી તેમને કતલખાને ન મોકલીએ તો શું કરીએ? ભાજપ અમારા બળદો ખરીદી લેશે?’ એવો સવાલ પણ કેટલાક ખેડૂતોએ ઉભો કર્યો છે.

ગાયોનો મુદ્દો રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક બનાવવાને બદલે, તેનાં વ્યવહારુ પાસાં ગણતરીમાં લઇને કામ લેવામાં આવે, તો સરકાર ઉપરાંત ખેડૂતો, કતલખાનાંવાળા અને ભોજનમાં બીફ લેનારા- એ સૌને ફાયદો થાય. પરંતુ ‘હિંદુ સંસ્કૃતિ’ અને ‘ગાયમાતા’ના ડાબલા ચડાવી દીધા પછી, ભ્રષ્ટાચાર, કોમી લાગણી અને ધાર્મિક સંકુચિતતા સિવાય બીજા કોઇને આવા કાયદાથી લાભ થાય એમ લાગતું નથી. 

Monday, March 23, 2015

આલ્બર્ટ આઇન્સ્ટાઇન- ગગનવિહારી મહેતા : એક વિશિષ્ટ મેળાપ

ગુજરાતીમાં હાસ્યલેખક, અંગ્રેજીમાં લેખક-પત્રકાર-વ્યંગકાર,  ભારતભરમાં રાજપુરૂષ, ઉદ્યોગપતિ અને જાહેર જીવનના અગ્રણી, અમેરિકામાં ભારતના રાજદૂત રહી ચૂકેલા ગગનવિહારી મહેતા/ Gaganvihari Mehta અને આઇન્સ્ટાઇન/ Einstein વચ્ચેની એક કલાકની મુલાકાતમાં શું બન્યું? 
ન્યૂયોર્કમાં ઇન્ડિયા ટુરિસ્ટ ઑફિસના આરંભે પ્રવચન આપતા
રાજદૂત ગગનવિહારી મહેતા/
GaganVihari Mehta (ફેબ્રુઆરી, ૧૯૫૩)

મહાન અને પ્રસિદ્ધ- એમ બન્ને વિજ્ઞાનીઓની નાતમાં મોખરાનું સ્થાન ધરાવતા આઇન્સ્ટાઇનની વિદાયને આવતા મહિને સાઠ વર્ષ પૂરાં થશે. (મૃત્યુતારીખઃ ૧૮ એપ્રિલ, ૧૯૫૫).   સાપેક્ષવાદની તેમની બે મહાન  થિયરીમાંથી E=MC2 નું વિખ્યાત સમીકરણ અને સમયની-લંબાઇની સાપેક્ષતા સિદ્ધ કરનાર ‘સ્પેશ્યલ થિયરી ઑફ રિલેટીવીટી’ને ૧૧૦ વર્ષ અને ગુરૂત્વાકર્ષણની પાયાની સમજ આપનાર ‘જનરલ થિયરી ઑફ રિલેટીવીટી’ને ૧૦૦ વર્ષ થયાં. છતાં, એ થિયરીની નક્કરતા અને આઇન્સ્ટાઇનની મહત્તામાંથી કાંકરી પણ ખરી નથી. તેમના જેવા વિજ્ઞાની અને એક ગુજરાતી અગ્રણી વચ્ચે મુલાકાત થઇ હોય, એ કલ્પના જ રોમાંચ પેદા કરનારી છે.

ગુજરાતી સાહિત્યમાં ‘અવળીગંગા’ અને ‘આકાશનાં પુષ્પો’ જેવા હાસ્યલેખસંગ્રહોથી જાણીતા ગગનવિહારી મહેતા આઇન્સ્ટાઇનને અલબત્ત હાસ્યલેખક તરીકે કે ગુજરાતી તરીકે મળ્યા ન હતા. એ અમેરિકામાં ભારતના રાજદૂતની રૂએ, તત્કાલીન વડાપ્રધાન પંડિત નેહરુનું નિમંત્રણ લઇને આઇન્સ્ટાઇનના ઘરે ગયા હતા. સાથે તેમનાં પુત્રી અપર્ણા (લગ્ન પછી, અપર્ણા બાસુ) પણ હતાં. એ પ્રસંગ વિશે અપર્ણાબહેને તેમના પિતાના ચરિત્ર ‘જી.એલ.મહેતા : અ મેની સ્પ્લેન્ડર્ડ મેન’ (૨૦૦૧)માં પંદર-વીસ લીટીની નોંધ કરી છે. તેમણે લખ્યું છે કે જતાં પહેલાં હું (અપર્ણા) નર્વસ હતી- મને ખચકાટ થતો હતો. એ વિશે બાપુએ આઇન્સ્ટાઇનને કહ્યું, એટલે એમણે મને પૂછ્‌યું, ‘તું ગાંધીને મળી છું?’ મેં હા પાડી, એટલે આઇન્સ્ટાઇને કહ્યું, ‘તો પછી ચિંતા શાની? એ તો મારા કરતાં બહુ વધારે મહાન માણસ હતા.’

ગાંધીજીના મૃત્યુ પછી આઇન્સ્ટાઇને આપેલી પ્રખ્યાત અંજલિ   ભવ્ય હોવા છતાં અતિ વપરાશને કારણે ચવાઇ ગઇ છે, પણ ગગનવિહારી મહેતા સાથેની મુલાકાતમાં આઇન્સ્ટાઇને ગાંધીજી વિશે ઘણી વાતો કરી હતી. મહેતાએ નોંઘ્યું છે તેમ, એક કલાકના વાર્તાલાપમાં  લગભગ અડધો સમય આઇન્સ્ટાઇન ગાંધીજી વિશે બોલ્યા હતા. ૪ એપ્રિલ, ૧૯૫૩ના દિવસે થયેલી તેમની મુલાકાતનો મુખ્ય હેતુ આઇન્સ્ટાઇનને ભારતમાં યોજાનારી સાયન્સ કૉંગ્રેસનું આમંત્રણ આપવાનો હતો. મહેતા પિતા-પુત્રી પહોંચ્યાં ત્યારે તેેમને આવકારવા માટે આઇન્સ્ટાઇન અને તેમનાં (બીજાં પત્નીનાં આગલા લગ્નથી થયેેલાં) પુત્રી સીડી પર ઊભાં હતાં. તેેમનું આંતરબાહ્ય વર્ણન આપતાં ગગનવિહારી મહેતાએ લખ્યું છે : ‘ઉંમરને લીધે સહેજ વળેલ છતાં એ સશક્ત લાગતા. એમણે લાંબો ઝભ્ભો પહેર્યો હતો, કપાળમાં કરચલીઓ પડી હતી, વાળ વીખરાયેલા હતા, વિચારશીલ અને મમતાભરી આંખો હતી, એમની સારીયે પ્રતિમા પ્રેમાળ હતી. બુદ્ધિના તેજ સાથે અંતરની મીઠાશ પણ સ્ફુરી આવતી. આંજી નાખે એવી એમની પ્રતિભા કરતાં એમની સહૃદયતા, સરળતા અને પ્રેમાળતાની મારા પર એ ક્ષણે તો વધારે છાપ પડી.’

ભારત આવવાના નિમંત્રણ માટે તો તેમણે ઉંમરને કારણે અશક્તિ દર્શાવી, પણ ભારત અને ગાંધી-નહેરુ માટે આદરભાવ વ્યક્ત કર્યો. વાતવાતમાં તેમણે કહ્યું, ‘નહેરુ મહાન નેતા છે, પણ ગાંધીજીની વાત જુદી. એને નહેરુ ન પહોંચે.’ આઇન્સ્ટાઇન બર્લિનમાં હતા ત્યારે રવીન્દ્રનાથ ટાગોરને પણ મળ્યા હતા. તેમની અને ટાગોરની તસવીર બહુ જાણીતી છે. ભારતીય ફિલસૂફીની વાત નીકળતાં ગગનવિહારી મહેતાએ ડૉ.રાધાકૃષ્ણન્‌નું નામ લીઘું, પણ જેમનો સાપેક્ષવાદ ભાગ્યે જ કોઇ સમજી શકે એવા આઇન્સ્ટાઇને કહ્યું, ‘હિંદુ ફિલસૂફી હું સમજી શકતો નથી.’ (પ્રચલિત કિસ્સા પ્રમાણે, આઇન્સ્ટાઇનને ઇન્કમટેક્સની આંટીધૂંટી થિયરી ઑફ રિલેટીવિટી કરતાં પણ અઘરી લાગતી હતી.)

મહેતા પિતા-પુત્રી આઇન્સ્ટાઇનના રૂમમાં દાખલ થયાં ત્યારે તેમના ટેબલ પર કોઇ પુસ્તકની હસ્તપ્રત પડી હતી. આઇન્સ્ટાઇને એ દેખાડીને કહ્યું, ‘આ ગાંધી પરનું પુસ્તક છે. તેમાં ગાંધીના મંતવ્યો અને વિચાર વિશે સમીક્ષા કરવામાં આવી છે. મને એની પ્રસ્તાવના લખવા કહ્યું છે.’ પછી રમૂજના ચમકારા સાથે કહ્યું, ‘એનો લેખક અમેરિકાનો એક લશ્કરી અમલદાર છે--એમ તો કેટલાક અમેેરિકનો વિચારશીલ પણ હોય છે.’

આઇન્સ્ટાઇન ગાંધી વિશે કેટલું વિગતવાર જાણતા હશે-- ખાસ કરીને ઉત્તરાવસ્થાના, પારાવાર હતાશા અનુભવતા ગાંધી વિશે--એ નક્કી કરવું અઘરું છે. કારણ કે ગગનવિહારી મહેતાને તેમણે કહ્યું હતું, ‘હિંદુસ્તાન જેવા દેશમાં જ ગાંધી થઇ શકે અને ત્યાંની જનતા જ એમનો સંદેશો સમજી શકે--તેમને સાથ આપી શકે.’

બીજા વિશ્વયુદ્ધ પછીના સમયમાં અણુબૉમ્બના ઉપયોગે ખળભળાટ મચાવ્યો હતો. સામુહિક સંહારનું આટલું મોટું શસ્ત્ર અગાઉ કદી પ્રયોજાયું ન હતું. તેના સર્જનના મૂળમાં ઉર્જા અને દળનો અભિન્ન સંબંધ દર્શાવતું આઇન્સ્ટાઇનનું E=MC2 સૂત્ર હતું. વિશ્વયુદ્ધ વખતે જર્મની અણુબૉમ્બ બનાવશે એવું લાગતાં, ખુદ આઇન્સ્ટાઇને અમેરિકાના તત્કાલીન પ્રમુખ રૂઝવેલ્ટને પત્ર લખીને અણુબૉમ્બ બનાવવા જણાવ્યું હતું. પરંતુ તેનાં પરિણામની ભયંકરતા જોયા પછી આઇન્સ્ટાઇન હચમચી ગયા અને તેના પ્રખર તથા એકંદરે યુદ્ધના પ્રખર વિરોધી બન્યા.

વૈજ્ઞાનિક શોધના દુરુપયોગ કે સદુપયોગ માટે વિજ્ઞાનીને જવાબદાર ન લેખી શકાય, એવી એક દલીલ ત્યારે ચાલતી હતી. ગગનવિહારી મહેતાએ દિલ્હી રેડિયો પર થયેલી ચર્ચામાં એક અંગ્રેજ વિજ્ઞાની પાસેથી તે સાંભળી હતી. પરંતુ આઇન્સ્ટાઇન એવા બચાવમાં માનતા ન હતા. તેમણે કહ્યું કે ‘વિજ્ઞાનીઓ પણ નાગરિકો છે અને તેમની નૈતિક જવાબદારી હોય છે.’ સામાન્ય રીતે શક્તિશાળી દેશોને એવું હોય છે કે આપણે બૉમ્બ નહીં બનાવીએ, તો હરીફ દેશ બનાવી દેશે. મહેતાએ આ માનસિકતાની વાત મૂકી ત્યારે આઇન્સ્ટાઇને તેમને કહ્યું, ‘તમારા ગાંધીની દૃષ્ટિ એવી ન હતી.’

ગગનવિહારી મહેતાએ તેમને ‘મહાપુરુષ’ ગણાવ્યા, ત્યારે આઇન્સ્ટાઇને ‘મૃદુ સ્વરે, ધીમેથી વાંધો ઉઠાવ્યો’. મહેતાએ કહ્યું, ‘મહાપુરુષ કદી પોતાને મહાન લેખતા નથી. એટલે જ એ ખરેખર મહાન હોય છે. અમારા ગાંધી કોઇ દિવસ પોતે અસાધારણ છે એમ કહેતા નહીં--માનતા પણ નહીં. એ તો ઘણી વાર કહેતા કે, ‘‘હું બીજા માણસો જેવો સીધોસાદો માનવી છું. હું જે કરું છું અને કરી શક્યો છું એ બીજું કોઇ પણ કરી શકે.’’ એથી જ બીજાને કંઇ પણ કરવાનું કહેતાં પહેલાં એ પોતે એનું આચરણ કરતા.’

આ સાંભળીને આઇન્સ્ટાઇને કહ્યું,‘મહેરબાની કરીને ગાંધી સાથે મારી સરખામણી ન કરો. ગાંધીએ માનવજાત માટે કેટલું બઘું કર્યું છે. મેં શું કર્યું છે? એ ખરું છે કે મેં વિજ્ઞાનના ક્ષેત્રમાં થોડા નિયમ શોઘ્યા છે, પણ એવું કામ તો બીજા ઘણા વિજ્ઞાનીઓએ કર્યું છે. એમાં કંઇ અસાધારણ નથી.’ ગગનવિહારી મહેતાએ નોંઘ્યું છે, ‘આ વાક્યમાં લેશમાત્ર પણ આડંબરી વિનય નહોતો. નહોતો એમાં અંશમાત્ર ઢોંગ. હતી એક ઉત્કૃષ્ટ વ્યક્તિના જીવનની વિશુદ્ધ નમ્રતા, જ્ઞાનપરાયણ જીવનની પરાકાષ્ઠાએ પહોંચેલા આત્માની અનન્ય સરળતા.’

આઇન્સ્ટાઇન સાથે ગગનવિહારી મહેતા-અપર્ણા મહેતાની મુલાકાતની કોઇ તસવીર મળી શકી નથી. આ મુલાકાત વિશે પહેલી વાર મહેતાએ અમેરિકાના ‘સેટરડે રીવ્યુ’ના એપ્રિલ ૧૪, ૧૯૫૬ના અંકમાં લખ્યું. આઇન્સ્ટાઇનની પહેલી પુણ્યતિથિ હોવાથી એ અંકના મુખપૃષ્ઠ પર આઇન્સ્ટાઇનનું બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્ર હતું અને તેની નીચે લખ્યું હતું, ‘આલ્બર્ટ આઇન્સ્ટાઇન : ટુ રેમીનીસન્સીસ બાય જી.મહેતા એન્ડ અપ્ટન સિન્ક્લેર.’ (સિન્ક્લેર નોબેલ પારિતોષકથી સન્માનિત અમેરિકન લેખક હતા).
Saturday Review /‘સેટરડે રીવ્યુ’નું મુખપૃષ્ઠ
અને ગગનવિહારી મહેતા/GL Mehtaના લેખનો ઉપાડ
ત્યાર પછી મે, ૧૯૬૮માં  ‘આઇન્સ્ટાઇન : વિજ્ઞાનનો સાધુ’ શીર્ષક હેઠળ પરિચય ગગનવિહારી મહેતાએ લખેલી પરિચય પુસ્તિકા પ્રકાશિત થઇ. તેના અડધા ભાગમાં ‘સેટરડે રીવ્યુ’માં પ્રગટ થયેલા તેમના લેખનો અનુવાદ હતો અને બાકીના હિસ્સામાં આઇન્સ્ટાઇનના જીવન વિશેની વિગતો. આ લેખ માટે આ બન્ને સંદર્ભો ઉપયોગમાં લેવામાં આવ્યા છે. લેખનો વિષય આઇન્સ્ટાઇન-મહેતા મુલાકાત હોવાથી, ગગનવિહારી મહેતાના પ્રતાપી વ્યક્તિત્વ અને પ્રદાન વિશેની વાત ફરી ક્યારેક.

Thursday, March 19, 2015

પરીક્ષાસ્પેશ્યલઃ નેતાઓ સુપરવાઇઝર હોય તો?

દેશમાં અનેક ઠેકાણે પરીક્ષા ચાલે છે. કાશ્મીરમાં ભાજપની અને નરેન્દ્ર મોદીની, કોલસાકૌભાંડમાં મનમોહન સિંઘની, દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ-યોગેન્દ્ર યાદવ-પ્રશાંત ભૂષણની, કોંગ્રેસમાં રાહુલ ગાંધીની, દેશમાં મતદારોની ધીરજની, ગુજરાતમાં દસમા-બારમા ધોરણના વિદ્યાર્થીઓની...અને વિદ્યાર્થીઓ એવા ભ્રમમાં છે કે તેમની પરીક્ષા સૌથી મોટી છે. અખબારોમાં પરીક્ષાના, પેપરના અને ચોરી અટકાવવાના કડક બંદોબસ્તના સમાચાર આવે છે. ધારો કે બંદોબસ્તના જ ભાગરૂપે દેશના કેટલાક નેતાઓ-આગેવાનોને પરીક્ષાકેન્દ્રમાં સુપરવાઇઝર બનાવી દેવામાં આવે તો કેવાં દૃશ્યો સર્જાય?
***
વડાપ્રધાન મોદી

હું પરીક્ષા આપતો નથી ને આપવા દેતો નથી. સીબીઆઇએ મારી એક વાર પરીક્ષા લીધી હતી. ઓરલ પરીક્ષા. અત્યારે એ જ સીબીઆઇની પરીક્ષાનાં પેપર હું સેટ કરું છું. 

મારા શાસનમાં પરીક્ષા આપનારા બધાનો વિકાસ થઇ જશે. બધાના ૯૯ ટકા આવી જશે. કારણ કે આપણે ખાલી પેપર જ નહીં, પરિણામ પણ સેટ કરી શકીએ છીએ. સુપરવાઇઝર મને અમસ્તો નથી બનાવ્યો. મને આ કામનો લાંબો અનુભવ છે. સુપરવાઇઝર એટલે મુદ્દે એવો જ માણસ ને, જે પોતે મન ફાવે ત્યારે, મન ફાવે એવું ને એટલું બોલે, બીજું કોઇ સવાલ પૂછે તો મન ફાવે એવો જવાબ આપે. પૂછનારને  તોડી પણ પાડે, તેની સામે જોઇને ડોળા કાઢે ને જૂઠા કૉપીકેસથી ફેક એન્કાઉન્ટર પણ કરી શકે. રાજકારણમાં સુપરવાઇઝરનું ‘ગુજરાતી’ મુખ્ય મંત્રી થતું હોવું જોઇએ. 

હું જ્યાં સુધી સુપરવાઇઝર છું ત્યાં સુધી મારા વર્ગના ૫૭ કરોડ - ભાગ્યા એક કરોડ- વિદ્યાર્થીઓએ ચિંતા કરવાનું કોઇ કારણ નથી. કોઇ સ્ક્વોડ આવશે તો હું એના સાહેબોને સ્કૂલના બગીચામાં બાંધેલા હિંચકા પર બેસાડીને તેમની સાથે ફોટા પડાવીશ. તેનાથી મારા વિદ્યાર્થીઓનું ગૌરવ વધશે અને એ કહી શકશે કે હમ ઉસ ક્લાસકે વાસી હૈં, જિસ દેશમૈં... 

મનમોહન સિંઘ 

જુઓ છોકરાંઓ, હું બહુ પ્રામાણિક માણસ છું. પ્રામાણિક માણસના માથે લાલ લાઇટ ભલે ન હોય, વાદળી પાઘડી તો હોઇ શકે ને. મારી પ્રામાણિકતા વિશે મારા શત્રુઓ પણ આંગળી ચીંધી શકતા નથી. એટલે તો મને સુપરવાઇઝરના હોદ્દે મૂકવામાં આવ્યું. (ક્લાસના એક ખૂણેથી અંદરોઅંદર વાતચીતના અવાજ આવે છે) જુઓ છોકરાઓ, હું સમજું છું કે ‘કોએલિશન ધર્મ’ની જેમ ‘સુપરવાઇઝર ધર્મ’ પણ હોય છે. આટલાં બધાં તોફાની છોકરાંને સફળતાપૂર્વક ભેગાં રાખવાનાં હોય ત્યારે થોડી ગરબડો તો થાય. હું એવો ચોખલિયો નથી. મારી પોતાની બાબતમાં છું, પણ આખા ક્લાસની બાબતમાં નથી. હું સમજું છું કે બધા માણસો સરખા કેવી રીતે હોઇ શકે? એટલે વિનંતીપૂર્વક એટલું જ કહું છું કે મારી વ્યક્તિગત પ્રામાણિકતા હવેના કલાકો તમારા હાથમાં છે. તમે હદ બહારની ચોરીઓ કે ઘોંઘાટ કરશો, તો તમારું જે થવાનું હશે તે થશે, પણ ભવિષ્યમાં મારે જવાબો આપવા જવું પડશે. એટલે હું તમને વિનંતીપૂર્વક કહું છું કે તમારે જે કરવું હોય તે કરજો, પણ બને ત્યાં સુધી મને ખબર ન પડે એવી રીતે અને ખાસ તો, મારું નામ ન આવે એવી રીતે કરજો. મૉડરેટર મૅડમ પણ આવું જ ઇચ્છે છે કે જે થવું હોય તે થાય, પણ બહાર એનો કકળાટ ન થવો જોઇએ. નહીંતર ભવિષ્યમાં કોઇ સુપરવાઇઝર તરીકે તો શું, પરીક્ષામાં પાણી પીવડાવવા માટે પણ નહીં રાખે.  

અરવિંદ કેજરીવાલ 

જુઓ, એક વાત સમજી લો. હું ભારતનો સૌથી પ્રામાણિક અનેે સૌથી કડક સુપરવાઇઝર છું. જે લોકો ચોરી કરતા નથી, તેમણે એવું જ સમજવું કે હું નહીં, એ લોકો આ ક્લાસના સુપરવાઇઝર છે. અને જે લોકો ચોરી કરે છે તેમની ખેર નથી. કોઇ પણ ક્લાસમાં ચોરી કરનારને - એટલે કે કરતાં પકડાનારને- કડકમાં કડક સજા મળે એ માટે ધરણા કરવા માટે હું સદા તત્પર હોઉં છું. એક વાર તો મારા જ ક્લાસમાં ચોરી થઇ ત્યારે મેં તેના વિરોધમાં મારા કલાસની બહાર જઇને ધરણાં કર્યાં હતાં.

આજે ફરી આ ક્લાસમાં સુપરવાઇઝર તરીકે આવવાનું થયું છે ત્યારે મારે તમને એ જ કહેવાનું છે કે વિદ્યાર્થીઓ, તમે અંદરોઅંદર છૂટથી ચોરી કરો ને કરાવો, પણ જે કંઇ થાય તેનું તમારા મોબાઇલમાં રેકોર્ડિંગ કરી લેજો. એના આધારે અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું. (એક વિદ્યાર્થીની હિલચાલ જોઇને) હું જે કહું કે કરું એનું નહીં, તમે જે કરો એના રેકોર્ડિંગનું મેં કહ્યું હતું. તમે ઉઠીને મારાં જ રેકોર્ડિંગ કરશો તો પેપર ક્યારે લખશો ને પાસ શી રીતે થશો? અને આપણી ઉજ્જવળ લોકશાહીનું અને અમારી ભવ્ય પારદર્શકતાનું શું થશે?

એક વાત યાદ રાખજો : તમે મારી પર કોઇ પણ પ્રકારની શંકા કરશો, તો એ હું સહન નહીં કરું. કારણ કે મેં એક વાર કહી દીઘું છે કે હું એકદમ સિદ્ધાંતવાદી સુપરવાઇઝર છું. તમે મારી પર શંકા કરશો તો હું ફક્ત ક્લાસ જ નહીં, આખી સ્કૂલ છોડીને નેચરોપથી કરાવવા જતો રહીશ. હવે આ સંગીતમય પૈગામ સાથે હું મારી વાત પૂરી કરું છું. તમે પણ મારી સાથે સુર પૂરાવજો, ‘સ્ટુડન્ટકા સ્ટુડન્ટ સે હો ભાઇચારા, યહી પૈગાામ હમારા.’

રાહુલ ગાંધી 

જુઓ, આમ તો આ ક્લાસના સત્તાવાર સુપરવાઇઝર તરીકે મનમોહન સિંઘ છે, પરંતુ ક્લાસની જવાબદારી મને સોંપવામાં આવી છે. અમારી વચ્ચે એવું નક્કી થયું છે કે ક્લાસમાં ત્રણ કલાક બઘું સમુંસૂતરું ચાલે તો તેનો જશ મારો, પણ જો ઘૂમ ચોરીઓ થાય ને કેસનો કકળાટ થાય તો એના માટે ડૉ.સિંઘ જવાબદાર. મને હંમેશાં આવી રીતે જ સુપરવિઝન કરવાનું ફાવે છે. જોકે, ફાવવું અને ગમવું બે જુદી વાત છે. મને મન તો થાય ને કે સત્તાવાર સુપરવાઇઝર તરીકે પણ હું જ હોઉં.  પણ મમ્મી કહે છે, ‘તું હજુ નાનો છું.’ આ બધી અંગત વાતો હું તમને શા માટે કહી રહ્યો છું, એ તો હું પણ જાણતો નથી. પણ આ બઘું સાંભળીને મને નબળો ન ધારી લેતા. (એક કાગળ કાઢીને) જુઓ, આ કાગળમાં સુપરવિઝન કેવી રીતે કરવું એની કેટલીક સૂચનાઓ મને આપવામાં આવી હતી, પણ હું સ્વતંત્ર મિજાજનો માણસ છું. મારા પણ અભિપ્રાયો હોય છે અને મને આ કાગળ મંજૂર નથી. (કાગળ ફાડીને તેના ટુકડા હવામાં ઉડાડે છે) તમારે કોઇ પણ ડિફિકલ્ટી હોય તો ડૉ.સિંઘ સુધી જવાની જરૂર નથી. હું એના માટે જ બેઠો છું- અને હા, સુપરવાઇઝરો સાથે દલીલબાજીનો શોખ ધરાવતા વિદ્યાર્થીઓએ ડૉ.સિંઘનો સંપર્ક કરવો. કારણ કે તેમની પાસે તમારા બધા સવાલોના જવાબ હશે અને એ નહીં હોય તો પણ, તેમના સ્મિતનો ભાસ કરાવતા મૌનમાં તમારા બધા સવાલ શમી જશે.

અમિત શાહ 
હું સુપરવાઇઝર નથી. હું સુપરવાઇઝરોનો સુપરવાઇઝર છું. સુપરવાઇઝરોને ખબર નથી કે એમના અને બીજા દરેક ક્લાસરૂમમાં સીસી ટીવી કેમેરા મૂકેલા છે અને હું એમને ખબર ન પડે એવી રીતે, આખો વખત વિદ્યાર્થીઓનું નહીં, સુપરવાઇઝરોનું મોનિટરિંગ કરતો હોઉં છું. એટલે, અમારા આજ્ઞાંકિત વિદ્યાર્થીઓએ ચિંતા કરવાની કશી જરૂર નથી. તમે જલસા કરો ને તમારા સુપરવાઇઝરોને ધંધે લગાડો. બાકી બઘું હું જોઇ લઇશ. 

Monday, March 16, 2015

સ્ત્રીજાગૃતિ અને શિક્ષણથી માંડીને સમાજસુધારાની અનેક પ્રવૃત્તિઓમાં પાયાનું કામ કરનાર શારદાબહેન મહેતા

dr.sumant mehta- sharada mehta / ડો.સુમંત મહેતા- શારદા મહેતા

dr.sumant mehta- sharada mehta / ડો.સુમંત મહેતા- શારદા મહેતા
જેમના માટે ગુજરાતમાં જાહેર પ્રવૃત્તિ અને રાજકીય જીવનનો ઇતિહાસ ગાંધીજીના આગમનથી શરૂ થતો હોય, તેમણે ઇન્દુલાલ યાજ્ઞિક અને શંકરલાલ બેન્કર જેવાં પાત્રો ઉપરાંત ડૉ.સુમંત મહેતા અને શારદાબહેન મહેતાનો પરિચય મેળવવો રહ્યો. ગ્રેજ્યુએટ થનાર પહેલી બે ગુજરાતી યુવતીઓમાંના એક શારદાબહેન (બીજાં તેમનાં મોટાં બહેન વિદ્યાગૌરી)નું જીવન અને ૧૯૩૮માં પ્રકાશિત થયેલી તેમની આત્મકથા ‘જીવન સંભારણાં’ સો વર્ષ પહેલાંના ગુજરાતી સમાજનો નોંધપાત્ર દસ્તાવેજ છે. (તેની બીજી આવૃત્તિ ૧૯૮૩માં પ્રગટ થઇ હતી). ગાંધીજી ભારત પાછા ફર્યા તે પહેલાં ગુજરાતમાં થયેલા સમાજસુધારાના પ્રયાસોમાં  શારદાબહેન-ડૉ.સુમંતભાઇ અને વિદ્યાગૌરી-રમણલાલ નીલકંઠ (‘ભદ્રંભદ્ર’ ખ્યાત) આ બન્ને દંપતિ અને તેમનાં પરિવારોની કામગીરી ગૌરવપ્રદ હતી.

યુવતીઓને ભણાવવાનો રિવાજ ન હતો - અને કહેવાતા ઊચ્ચ કુળના લોકો પોતાની દીકરીઓને શાળાએ ન મોકલવામાં ગૌરવ અનુભવતા હતા- ત્યારે શારદાબહેન મહેતા અને સુલોચનાબહેને મળીને કેટલાક બીજા અગ્રણીઓના સહકારથી અમદાવાદમાં ‘વનિતાવિશ્રામ’ નામે મહિલા વિદ્યાલય સ્થાપ્યું. એ વખતે શારદાબહેનનાં સંતાનો નાનાં. પતિ ડૉ.સુંમત મહેતા વડોદરા રાજ્યની વૈભવી નોકરી છોડીને સેવાર્થે અમદાવાદ આવીને, લાલ દરવાજા પાસે ભાડાના ઘરમાં વસ્યા હતા. એટલે જીવનશૈલીમાં પણ બદલાયેલી. આ બધા પડકારોનો સામનો શારદાબહેને સફળતાપૂર્વક કર્યો.

અમદાવાદ પછી સુરતમાં પણ મહિલા વિદ્યાલય શરૂ થયું. તેની અસરો વિશે શારદાબહેને ‘જીવન સંભારણાં’માં નોંઘ્યું છે,‘મહિલા વિદ્યાલયની શરૂઆતથી ગુજરાતના સ્ત્રીજીવનમાં નવા અંકુર ફુટ્યા. સ્ત્રીઓમાં જાગૃતિ આવી. સ્ત્રી ઉન્નતિને માટે વિદ્યાલયમાં ભગિનીસમાજની પણ સ્થાપના થઇ. તેમાં વક્તૃત્વકળા, ગરબા વગેરેની વ્યવસ્થા રાખવામાં આવી. તેને લઇને કન્યાઓની માતાઓ સાથે સીધો સંબંધ સ્થપાયો અને નીચેથી ઊંચે જુએ નહીં એવી સ્ત્રીઓ છૂટથી હરતીફરતી થઇ. સભાઓ અને ભાષણોમાં સ્ત્રીઓની સંખ્યા વધી.’ (ફિલ્મોના અભ્યાસી ગણાતા એક હિંદીભાષી લેખકે થોડાં વર્ષ પહેલાં ગુજરાત વિદ્યાપીઠના સાદરા કેન્દ્ર આયોજિત એક સેમિનારમાં બિનધાસ્ત એવું ગબડાવ્યું હતું કે ફિલ્મોના શોને કારણે મહિલાઓ ઘરની બહાર નીકળતી થઇ અને તેમનામાં જાગૃતિ આવી.)

ભગિનીસમાજનો આશય ‘સરકારી શિક્ષણ કરતાં જુદું, સમાજની પરિસ્થિતિને અનુકૂળ, માઘ્યમિક શિક્ષણ’ આપવાનો હતો. શિક્ષણ ત્યારે ધંધો બન્યું ન હતું. ઘણા શિક્ષિત લોકો ભાવનાથી પ્રેરાઇને, સ્કૂલના પગાર કરતાં ઓછી રકમથી, શિક્ષણ આપવા જતા હતા. ખુદ શારદાબહેન પોતાના ઘરેથી સ્કૂલે જવા માટે ગાડીભાડા પેટે મહિને રૂ.૨૦ સિવાય બીજું કંઇ લેતા નહીં. તેમના આ વિદ્યાલયની ખ્યાતિ અને તેનું અમદાવાદમાં હોવું- એ કારણે ગાંધીજી, રવીન્દ્રનાથ ટાગોર, સરોજિની નાયડુ, પંડિત માલવીય, સયાજીરાવનાં પુત્રી (ગાયત્રીદેવીનાં માતા) ઇંદિરારાજે, ચીમનલાલ સેતલવાડ, ભૂલાભાઇ દેસાઇ, લલ્લુભાઇ શામળદાસ મહેતા જેવા અગ્રણીઓ સંસ્થાની મુલાકાત લઇ ગયા. આ સંસ્થાનો સ્વતંત્ર અભ્યાસક્રમ ઘડવામાં ઇંદુલાલ યાજ્ઞિક અને કેશવલાલ દેસાઇ મદદરૂપ થયા.

આ સંસ્થામાંથી પાસ થયેલી વિદ્યાર્થીનીઓને આગળ ભણવા માટે શું કરવું? કૉલેજ માટે મોટું ભંડોળ જોઇએ અને આર્થિક મુશ્કેલીનો પાર નહીં. પરંતુ કેટલાંક સંગઠનો અને અગ્રણીઓના ટેકાથી અમદાવાદમાં અને વડોદરાનાં મહારાણીની મદદથી વડોદરામાં મહિલા કૉલેજ શરૂ થઇ શકી. (કન્યાકેળવણીની જાહેરખબરો પાછળ લાખો રૂપિયા ખર્ચીને સાર્થકતા અનુભવતી રાજ્ય સરકાર અને તેમનાં પ્રચારતંત્રો આવા પ્રયાસોથી સુખપૂર્વક અજાણ હોય છે.)

ભારત પાછા ફર્યા પછી ગાંધીજીએ ફીજીમાં ગીરમીટીયા (પાંચ વર્ષનો ગુલામીખત જેવો એગ્રીમેન્ટ-‘ગીરમીટ’ - કરીને ગયેલા મજૂરો) નો પ્રશ્ન ઉપાડ્યો. અમદાવાદના પ્રેમાભાઇ હૉલમાં એ મુદ્દે જાહેર સભા થઇ ત્યારે શારદાબહેને પહેલી વાર જાહેરમાં - અને એ પણ, કહેવાતા ‘સ્ત્રીલક્ષી’ નહીં, પણ રાષ્ટ્રિય મહત્ત્વના મુદ્દે પ્રવચન કર્યું. તેમણે લખ્યું છે,‘ગાંધીજીએ આ વસ્તુ પ્રથમથી જ મને બરોબર સમજાવી હતી. વિષય પણ આવેશ ઉપજાવે તેવો હતો. એટલે મારા મનમાં આ વાતની ખૂબ અસર થઇ. ભાષણ કરતી વખતે મારી આંખમાંથી લગભગ આંસુ પડ્યાં હતાં...’

ગાંધીજી સાથે શારદાબહેનને લગભગ કૌટુંબિક કહેવાય એવો સંબંધ થયો. ડૉ.સુમંત મહેતા સેવાર્થે બહાર ફરતા હોય અને શારદાબહેન તેમના બહોળા પરિવાર સાથે એકલાં રહેતાં. એટલે ગાંધીજી તેમને કહેતા, ‘હું અને આશ્રમ નજીક જ છીએ. જ્યારે જરૂર પડ્યે ત્યારે બારણાં ખુલ્લાં જ છે. કોઇ વાતે મૂંઝાશો નહીં.’ ૧૯૧૭માં ગોધરામાં ભરાયેલી અને ઐતિહાસિક બની રહેલી રાજકીય પરિષદમાં શારદાબહેન મહેતાને સંસારસુધારા પરિષદનું પ્રમુખસ્થાન આપવામાં આવ્યું. તેમના મનમાં અવઢવ હતી, પણ ગાંધીજીના આગ્રહ અને પતિ ડૉ.સુમંત મહેતાના હકારાત્મક અભિપ્રાય પછી તેમણે એ પદ સ્વીકાર્યું.

શારદાબહેનનના યુગ પછી છેક હજુ સુધી ઘણી વાર એવું જોવામાં આવે છે કે સંસ્થાઓના હોદ્દે બેઠેલી મહિલાઓ કારકિર્દીની બાબતમાં ઉત્સાહી, પણ સમાજસુધારા કે બીજી વૈચારિક બાબતો પ્રત્યે ઉદાસીન હોય. શારદાબહેન કેવળ હોદ્દામાં કે મોભામાં રાચનારાં ન હતાં. ધર્મના નામે ચાલતા પાખંડ, દેખાડા અને રૂપિયાના ઘુમાડાથી તે અકળાતાં હતાં. ઘણા નાગરો કે બ્રાહ્મણો કે ક્ષત્રિયો કે બીજા સમાજના લોકો હજુ પોતાની સંકુચિત જ્ઞાતિઓળખમાંથી બહાર આવી શકતા નથી. અને પોતાની જ્ઞાતિનું અભિમાન લેવાની એકેય તક ચૂકતા નથી, જ્યારે શારદાબહેને લખ્યું છે, ‘(મુંબઇની) મુસાફરી પછી તરત જ અમને સહુને સુરતના નાગરોએ આમંત્રણ આપ્યું. માત્ર નાગરોનો મેળાવડો હતો. અમે તેમાં ગયાં હતાં. ત્યાર પછી કોમી ભાવનાને ઉત્તેજન ન આપવાને ખાતર અમે એવા કોમી સમારંભમાં ભાગ લેતાં નથી. આજના જમાનામાં જે તે કામ કોમી દૃષ્ટિએ નહિ, પણ સાર્વજનિક દૃષ્ટિએ થવું જોઇએ. કોમી ભિન્નતા તોડવાનો એ જ એક માર્ગ છે.’ શારદાબહેને જે ‘આજના જમાના’ની વાત કરી, તે વર્ષ ૧૯૩૮નો હતો. વર્ષ ૨૦૧૫માં સોશ્યલ મીડિયાના ‘આજના જમાના’માં પણ કેટલા લોકો આવા મિથ્યાભિમાન અને સંકુચિતતામાંથી નીકળી શક્યા છે?

જાહેર જીવનના અનેક મોરચે સક્રિય શારદાબહેન ૧૯૩૮-૨૯માં નવા યુનિવર્સિટી એક્ટ પછી સેનેટની ચૂંટણીમાં ઉમેદવાર બન્યાં.  ચૂંટણીનો આ તેમને પહેલો અનુભવ હતો. એ જીતી તો ગયાં, પણ ત્યાર પછીની વાસ્તવિકતા તેમના જ શબ્દોમાં : ‘સાચી સેવા કરવાની ઇચ્છાથી નહિ, પણ માનમરતબો મેળવવા તથા પોતાનાં હિતો સાચવવા માટે જ મોટે ભાગે આવાં મંડળોમાં જોડાય છે. લઘુમતીમાં રહેલા નિઃસ્વાર્થી સભ્યો ભાગ્યે જ પોતાના અવાજને અમલમાં મુકાવી શકે છે. અનેક વાર મેં ખર્ચ ઘટાડવાને, અભ્યાસક્રમ સુધારવાને, પરીક્ષાપદ્ધતિ અને સમય બદલવાને, સ્ત્રીઓને માટે છાત્રાલયો કરવાને, ગૃહવિજ્ઞાન દાખલ કરવાને અને પરીક્ષાઓમાં પ્રામાણિકતા સાચવવાને માટેના ઠરાવો લાવીને કાંઇ કાંઇ ફાંફાં માર્યાં, પણ તે ઘણે ભાગે ફાંફાં જ રહ્યાં.’

‘યુનિવર્સિટીઓની પેટાસમિતિઓમાં લાગતાંવળગતાંનું હિત જોવાતું હોય છે. પુસ્તકો, બાંધકામ, પરીક્ષકો નીમવા વગેરેમાં સગાં અને મિત્રો કેવી રીતે ફાવે એની ઉપર નજર હોય છે. વિદ્યાર્થીઆલમનું કલ્યાણ કે ઘડતર કોઇના લક્ષમાં જ નથી હોતું. બ્રિટિશ સલ્તનતને મજબૂત કરવા માટે અંગ્રેજી કેળવણીના પાયા રચાયા હતા. રાષ્ટ્રીય ભાવના જાગ્રત થયા પછી પણ તેમાં ફેરફાર થયો નથી. અંદરની બાજી જાણ્યાથી આખી પ્રથાની નિષ્ફળતાનો મને પૂરેપૂરો ખ્યાલ આવ્યો. અનેક પ્રકારની ખટપટો, દગલબાજી, દુષ્ટતા અને નીચતા ચારે બાજુ જોવામાં આવી.’

શારદાબહેનને ૧૯૨૯-૩૦ની આસપાસ થયેલો આ અનુભવ એટલો સાંપ્રત અને પ્રસ્તુત લાગે, જાણે અત્યારનો કોઇ ધોરણસરના સેનેટ સભ્યે એ લખ્યો હોય. યોગાનુયોગે તેમના પુત્ર રમેશભાઇ સિત્તેરના દાયકામાં વિદ્યાનગરની સરદાર વલ્લભભાઇ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ નીમાયા. શારદાબહેનના છેલ્લા દિવસ પણ વિદ્યાનગરમાં પુત્રના ઘરે વીત્યા. નવેમ્બર ૧૩, ૧૯૭૦ના રોજ ૮૮ વર્ષે પૂરી સ્વસ્થતાથી જમવા બેઠેલાં શારદાબહેન એ જ અવસ્થામાં ઢળી પડ્યાં. ૨૬ જૂન, ૧૮૮૨થી શરૂ થયેલી તેમની ઘટનાપ્રચૂર અને એ સમયની જૂજ મહિલાઓને નસીબ થાય એવી જીવનયાત્રાનો અંત આવ્યો અને રહી ગયાં ‘જીવન સંભારણાં.’

Sunday, March 15, 2015

ગાંધીકથાકાર, ચરિત્રકાર, સર્વોદયી નારાયણ દેસાઇની વિદાય

આજે સવારે સમાચાર મળ્યા. નારાયણ દેસાઇ /  Narayan Desai ગયા. થોડા સમય પહેલાં એ કોમામાં સરી ગયા પછી થોડા રીકવર થઇ રહ્યા હતા. 90 વર્ષની ઉંમર તેમની સામે હતી ને દૃઢ મનોબળ તેમની સાથે.  તેમની રીકવરીના સમાચાર જાણીને એકથી વધારે વાર એવો વિચાર આવ્યો હતો કે કાકા સાજા થાય પછી ’સાર્થક સંવાદ શ્રેણી’ માટે તેમનો દીર્ઘ ઇન્ટરવ્યુ કરવો છે. પરંતુ એ તક ન મળી. 
Narayan Desai/ નારાયણ દેસાઇ
આ લખાણમાં નારાયણભાઇના જીવન વિશેની વિગતો આપવાનો ઉપક્રમ નથી. થોડી અનૌપચારિક વાતો અને થોડાં સંભારણાં યાદ કરવાં છે.

મહાદેવભાઇ દેસાઇ પ્રત્યે અનન્ય ભાવ અને આદરને કારણે નારાયણભાઇ વિશે સાંભળેલું ખરું, પણ તેમને મળવાનું નડિયાદમાં તેમની ગાંધીકથા દરમિયાન થયું. ’દિવ્ય ભાસ્કર’ ની રવિવારની પૂર્તિ માટે તેમનો આખું પાનું ભરીને, એકંદરે જરા જુદી જાતનો કહેવાય એવો ઇન્ટરવ્યુ કર્યો હતો. એ વખતે તેમણે ખુલીને જવાબ આપ્યા હતા. પણ તેમના વ્યક્તિત્વમાંથી અનાવિલત્વની ઝીણી ઝીણી ફુવારીઓ સતત ઉડતી રહેતી. (ક્યારેક તેમાંથી ફુવારો પણ થઇ જાય.) તેમની સાથે એક જ મુલાકાતમાં ફાવી જાય, એવી શક્યતા મારા જેવા માટે ઓછી. હવામાંથી આદર ડાઉનલોડ કરવાનું અમસ્તું ઓછું ફાવે. એટલે પ્રત્યક્ષ અનુભવ (કે વાચન) પછી જ ભાવ કે અભાવ જાગે. (ગાંધીની વાત કહેવા માટે ’ગાંધીકથા’ના સ્વરૂપ સામે મને કેટલાક પ્રશ્નો હતા)

નારાયણભાઇને ફરી જોવા-મળવાનું નડિયાદમાં જ થયું. નડિયાદ મહિલા આર્ટ્સ કોલેજના આચાર્ય અને પરમ મિત્ર હસિત મહેતાએ ગુજરાતી સામયિકો વિશે એક અનોખો સેમિનાર તેમની કોલેજમાં યોજ્યો. તેમાં રમણ સોની, દીપક મહેતા, જયદેવ શુક્લ જેવા સાહિત્ય અને અધ્યાપન જગતનાં ઘણાં નામો ઉપરાંત કુલીનકાકા (કુલીનચંદ્ર યાજ્ઞિક), રઘુવીર ચૌધરી, મહેન્દ્ર મેઘાણી અને નારાયણ દેસાઇ પણ ઉપસ્થિત હતા. (બધાં નામ અહીં આપતો નથી,) એ વખતની થોડી તસવીરો અને (બ્લોગના અંતે) નારાયણભાઇની એક વિડીયોનો અંશ પણ મૂક્યાં છે.

(Pl. Click to enlarge pics. All Pics: Urvish Kothari)
(L to R) Mahendra Meghani, Narayan Desai, Hasit Mehta / (ડાબેથી)
મહેન્દ્ર મેઘાણી, નારાયણ દેસાઇ, હસિત મહેતા (નડિયાદ, 2009)
Nadiad Semnar: Raman Soni, Mahendra Meghani, Dipak Mehta, Narayan Desai,
Hasit Mehta, Raghuveer Chaudhary, Kinnari Bhatt & others
નડિયાદ સેમિનારઃ રમણ સોની, મહેન્દ્ર મેઘાણી, દીપક મહેતા, નારાયણ દેસાઇ, હસિત
મહેતા, રઘુવીર ચૌધરી, કિન્નરી ભટ્ટ અને બીજા  (2009)
Triangle of Gujarati Sahitya Parishad : Narayan Desai (speaking), Ku,inchndra
Yagnik (on stage), Raghuveer Chaudhary (listening) /
સાહિત્ય પરિષદના ત્રણ ખૂણાઃ નારાયણ દેસાઇ, કુલીનચંદ્ર યાજ્ઞાિક (સ્ટેજ પર),
રઘુવીર ચૌધરી (રૂપેરી બાબરી)
ત્યાર પછી પણ વખતોવખત નારાયણભાઇને એક યા બીજા સમારંભોમાં જોવાના-સાંભળવાના થયા. એવી કેટલીક યાદગીરી.
નારાયણ દેસાઇ, આશિષ નંદી ’મારું જીવન મારી વાણી’ના અંગ્રેજી અનુવાદના
વિમોચન પ્રસંગે / Narayan Desai, Ashish Nandi at Gandhi Ashrem
releasing 'My life is my message' (2009)
(ડાબેથી) પુસ્તકનો અનુવાદ કરનાર ત્રિદીપ સુહૃદ, નારાયણ દેસાઇ, આશિષ નંદી,
સહેજ દૂર કાર્તિકેય સારાભાઇ, કિન્નરી ભટ્ટ  / L to R Tridip Suhrud, Narayan Desai,
 Ashish Nandi, Kartikey Sarabhai, Kinnari Bhatt  (Gandhi Ashram, 2009)
પ્રો.ગણેશ દેવી આયોજિત ’ભાષા કન્ફ્લુઅન્સ’માં (ડાબેથી) નારાયણ દેસાઇ, મહાશ્વેતા
દેવી, સુદર્શન આયંગાર / L to R: Narayan Desai, Mahashweta Devi,
Sudarshan Ayanger (Vadodara, 2010)
એક વાર એવો ભેદી કાર્યક્રમ યોજાયો હતો કે સાહિત્ય પરિષદ (અમદાવાદ)ના પુસ્તકાલયમાં નારાયણભાઇ તેમને ગાંધીકથા દરમિયાન ભેટ તરીકે મળેલી ગાંધીજીની પ્રતિમા પરિષદને અાપવાના હતા અને એ પુસ્તકાલયમાં વચ્ચોવચ મુકાવાની હતી. પરિષદપ્રમુખ તરીકે ગાંધીજીની પ્રતિમા મુકાય ત્યાં સુધી ઠીક, પણ એ પ્રતિમાના બેઝની પાછળ લખાયેલી ભેટની વિગતો પણ એમની એમ જ હતી, એ જરા વિચિત્ર લાગે એવું હતું.
પ્રકાશ ન.શાહ, નારાયણ દેસાઇ (સાહિત્ય પરિષદ, અમદાવાદના પુસ્તકાલયમાં)
Prakash N Shah, Narayan Desai (Sahitya Parishad Library, Ahmedabad,2009)
પ્રકાશ ન.શાહ, નારાયણ દેસાઇ (સાહિત્ય પરિષદ, અમદાવાદના પુસ્તકાલયમાં)
Prakash N Shah, Narayan Desai (Sahitya Parishad Library, Ahmedabad,2009)
રઘુવીર ચૌધરી, ધીરુભાઇ ઠાકર, નારાયણ દેસાઇ, મનીષી જાની, નિમેષ દેસાઇ
(સ્ટેજ પર) (Lto R) Raghuveer Chaudhary, Dhirubhai Thaker, Narayan Desia,
Manishi Jani,Nimesh Desai (On stage), 2008. pic: Binit Modi
L to R Kantibhai Patel (sculptor), Narayan Desai, Pranlal Patel, 2009
ગાંધીશિલ્પકાર અને ગાંધીકથાકારઃ (ડાબેથી) કાંતિભાઇ પટેલ, નારાયણ દેસાઇ,
 પ્રાણલાલ પટેલ, અમદાવાદ, ૨૦૦૯
***

નારાયણભાઇ સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા તે પહેલાં ઘણા બધાને બોલાવીને મળતા હતા. એવી રીતે મને પણ મળ્યા હતા. પણ તેમની સાથેની પહેલી -- અને હવે છેલ્લી -- નિરાંતવી,અનૌપચારિક મુલાકાત ૨૦ ઓક્ટોબર, ૨૦૧૪ની સાંજે થઇ. મિત્ર હસિત મહેતા સાથે તેમણે સંદેશો પાઠવ્યો હતો. એ સાંજે લગભગ એક- સવા કલાક સુધી, તેમના સદગત મિત્ર નાનુભાઇ મઝુમદારના ભાઇ કિશોરભાઇના પંચવટી (અમદાવાદ)ના ઘરે ગપ્પાંગોષ્ઠિ થઇ.  તેમને સાર્થક જલસોના બે અંક આપ્યા. તેમણે મારી હાજરીમાં પાનાં ફેરવીને, શાંતિથી વાંચવાનું કહીને એ પાસે મૂક્યા.

ઘણા વખતથી સમયના અભાવે આવી મુલાકાતોની નોંધ કરી શકતો નથી, પણ તે દિવસે વળતાં ટ્રેનમાં જ નોંધ કરી લીધી હતી. એટલે એમાંથી થોડી વાતો, નારાયણભાઇ વિશેની મારી અંતરંગ સ્મૃતિ તરીકે મૂકીને એમને વિદાય પાઠવું છું.
***

ટાગોરનાં ગીતોનો અનુવાદ

નાનુભાઇ મઝુમદારને વી.એસ. હોસ્પિટલમાં દાખલ કર્યા એ વખતની વાત કરતાં નારાયણભાઇએ કહ્યું હતું.
તેમને જોવા એટલા બધા લોકો આવતા હતા કે નર્સ કહે, આખી હોસ્પિટલમાં દર્દી આ એક જ લાગે છે. કેટલા બધા લોકો એમને જોવા આવે છે. એમની સાથે રાત રોકાવા માટે હું અહીં રહ્યો હતો. અમે નવ-દસ જણ રાત રોકાવા માટે તૈયાર રહેતા હતા. હું એમને ટાગોરના ગીતોના અનુવાદ કરીને સંભળાવતો. એ તેમાં કંઇ સૂચવે. એમને સંભળાવ્યા પછી જ હું ફાઇનલ કરું. એ મરણપથારીએ હતા. સાથે અરુણ ભટ્ટ પણ બેઠેલા હતા. એ સારું ગાય. પણ નાનુભાઇએ મને રવીન્દ્રસંગીત ગાવા કહ્યું. હું વિચારતો હતો કે તેમની આ અવસ્થા માટે કયું ગીત ગાઉં. એટલામાં તે કૉમામાં જતા રહ્યા. અને પછી કદી બહાર  આવ્યા જ નહીં. મને તેનો એટલો વસવસો રહી ગયો કે હું તેમને છેલ્લે છેલ્લે ગીત સંભળાવી શક્યો નહીં. એ અફસોસને કારણે મેં તેમને યાદ કરીને રવીન્દ્રના સો ગીતોના અનુવાદ કર્યા. પણ એ સ્વાનતઃ સુખાય. એ પ્રકાશિત કર્યા નથી. રવિગીત તરીકે જે પ્રકાશિત કર્યા એ તો ચાળીસેક જ છે.

રેંટિયાસંગીત અને રવીન્દ્રસંગીત

અત્યારના માહોલમાં ડીપ્રેશન નથી આવતું?’ એના જવાબમાં એમણે કહ્યું હતું, ’જ્યારે પણ એવું લાગે ત્યારે રેંટિયો કાંતું છું. (બાજુમાં પડેલી પેટી બતાવી) તેમાં સૌથી પહેલાં તો મેડિટેશન. પછી રીધમ અને ક્રીએટીવીટી તો ખરી જ.)

બીજું છે રવીન્દ્રસંગીત. હું ગાઉં છું. બહુ સારો અવાજ તો નથી, પણ મારી રીતે ગાઉં. રવીન્દ્રસંગીત મને મારી સાસુ પાસેથી જાણવા-શીખવા મળ્યું. એ રવીન્દ્રનાથનાં પહેલી બેચમાં મહિલા શિષ્યાઓમાં. રવીન્દ્રનાથ ઘણી વાર ટ્યુન બનાવે, પણ પછી ભૂલી જાય. એટલે એ કોઇને સંભાળાવી રાખે અને કહે કે હું ભૂલી જઉં તો તારે મને યાદ અપાવવાની. એટલે એ મારાં સાસુને સંભાળવતાં. એ ૯૪ વર્ષની વયે ગયાં. પણ ૯૨ વર્ષ સુધી ગાતાં હતાં. છેલ્લે એ શબ્દો ભૂલી જાય ત્યારે હું એમને શબ્દો યાદ કરાવતો હતો.

બીજો મહાદેવભાઇનો વારસો. મહાદેવભાઇએ ગાંધીજી પાસે જતાં પહેલાં ટાગોરના ચિત્રાંગદા જેવા અનુવાદ કરેલા. એટલે એમનો મૂળ જીવ તો ટાગોરનો. આ બાબતમાં હું ગાંધીજી કરતાં ટાગોરની વધારે નજીક છું.

રાજગોપાલાચારી- રાજાજી, એમ.એસ.સુબ્બલક્ષ્મી સાથેનો નાતો

હું બનારસ હતો ત્યારે રાજાજીએ તેમનાં બહેનનાં અસ્થિ ગંગામાં વિસર્જન માટે મને મોકલ્યાં હતાં. મેં વિસર્જન કરીને તેમને વિગત લખી કે મને વિધિવિધાન તો ખબર નથી, પણ મેં નદીની વચ્ચે જઇને ઇશોપનિશદનો પાઠ કરીને વિસર્જન કર્યું. એ પત્રના જવાબમાં રાજાજીએ લખ્યું કે મહાદેવભાઇ હોત તો આવું જ કરત. આ ઘટનાના થોડા મહિના પછી રાજાજીનું અવસાન થયું ત્યારે તેમનાં બધાં પરિવારજનો હાજર હોવા છતાં, તેમનાં અસ્થિ બનારસ અને અલાહાબાદમાં વિસર્જન કરવા માટે મને કહેવામાં આવ્યું.

રાજાજીને પત્રકારો જોડે વ્યક્તિગત સંબંધો હતા. એટલે ૧૯૪૨ પછી તેમનો રસ્તો જુદો પડ્યો અને એ લગભગ પાકિસ્તાનની તરફેણમાં હોય એવું લાગતું હતું ત્યાર પણ બધા પત્રકારો તેમની સાથે હતા. તમિલનાડુના મોટા અખબાર કલ્કિના એડિટરનું તેમણે સુબ્બલક્ષ્મી સાથે લગ્ન કરાવ્યું હતું. રાજાજીના સંબંધે હું જઉં ત્યારે સુબ્બલક્ષ્મી મારી સામે ગાય અને ભારતરત્ન સુબ્બુલક્ષ્મી વેઢમી બનાવીને જમાડે. કારણ કે હું મહાદેવ દેસાઇનો દીકરો અને મહાદેવભાઇ રાજાજીના મિત્ર.

વિદ્યાપીઠનું કુલપતિપદું, પરિષદનું પ્રમુખપદું

જોબ સેટિસ્ફેક્શન કેવુંક મળ્યું?’ એવા સવાલના જવાબમાં એમણે કહ્યું, ’જોબ સેટિસ્ફેક્શનનો સવાલ નથી. કારણ કે બન્ને ઠેકાણેથી મને સામેથી કહ્યું હતું અને મારી શરત હતી કે સર્વસમંતિ હોય તો જ હું પદ સ્વીકારું. પરિષદમાં એટલું થયું કે મારા કાર્યકાળમાં અમદાવાદકેન્દ્રી પરિષદ ગુજરાતમાં ઠેકઠેકાણે પહોંચી અને બધાને લાગ્યું કે પરિષદ અમારે આંગણે આવી.

વિદ્યાપીઠમાં એ લોકો મને વેડછી મળવા- કહેવા આવ્યા હતા. વિદ્યાપીઠમાં એવો ધારો છે કે કુલપતિના મૃત્યુ પછી જ નવો કુલપતિ નીમાય, પરંતુ મેં પહેલેથી કહ્યું હતું કે હું એવું ઇચ્છતો નથી. આમ તો મેં એમને તારીખ પણ આપી દીધી હતી, પણ અત્યારે કુલનાયક પણ નવા હોય ત્યારે હું છોડી દઉં એના કરતાં કુલનાયક આવે ને સેટ થઇ જાય પછી હું છોડીશ.
(તા.ક.-નારાયણભાઇ પછી ઇલાબહેન ભટ્ટ આ પદે નીમાયાં.)

અમારી વાતચીત વખતે એક બહેન કશીક સહી કરાવવા આવ્યાં અને કાકા આગળ મોટા અવાજે બોલવા લાગ્યાં, એટલે કાકા સહેજ બગડ્યા. કહે, ’મેં મશીન પહેરેલું છે. એટલે મોટેથી બૂમો નહીં પાડો તો ચાલશે.


હવે ગમે તેટલું મોટેથી બોલવાથી પણ કાકા સાંભળે એમ નથી. ફેસબુક પર તેમના મૃતદેહના ક્લોઝ-અપ જોઇને ખેદ થાય છે. કાકા માટે પ્રચંડ માત્રામાં આદરભાવ ન હોવા છતાં, માપસરનો પ્રેમભાવ થયો, તેના કારણે હું એમને ફેસબુક પર મુકાતા ભયાનક સ્વરૂપના ફોટાથી યાદ રાખવા માગતો નથી. એટલે એમાંનો એકેય ફોટો અહીં મૂક્યો નથી. એને બદલે, નડિયાદમાં કાકા પત્રકારો અને પત્રકારત્વ વિશે જે બોલ્યા હતા તેની, કાકાનો અસલી મિજાજ રજૂ કરતી, ક્લિપ મૂકીને તેમને વિદાય આપું છું.


Friday, March 13, 2015

કેટલીક રાજકીય રોજનીશી

બધાને લાગતું હતું કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના અને દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના ભવ્ય વિજય તથા બન્ને જગ્યાએ કોગ્રેસના ભવ્ય પરાજય પછી રાજકીય ગતિવિધિ થાળે પડીને ઠરી જશે. કારણ કે જે થયું એનાથી વધારે આત્યંતિક હવે કશું થઇ શકે એમ નથી. પરંતુ છેલ્લા થોડા દિવસમાં જે કંઇ બન્યું એ જોતાં, રાજકારણ ઠરવાને બદલે ઉકળવા લાગ્યું છે. કાશ્મીરમાં ભાજપની સ્થિતિ ‘મા મને કોઠીમાંથી કાઢ’ જેવી થઇ છે, તો દેશભરમાં ‘આપ’ના કાર્યકરો માટે વિવાહને બદલે વરસીનું વાતાવરણ સર્જાયું. જમીન સંપાદન વિધેયકના મુદ્દે સંસદમાં સરકારને મુશ્કેલીમાં મુકવાની મજબૂત તક હતી, ત્યારે રાહુલ ગાંધી વેકેશન પર ઉતરી ગયા , તો ‘આપ’માં આંતરિક વિખવાદ વખતે અરવિંદ કેજરીવાલ સિક લીવ પર જતા રહ્યા. આ બધાના મનમાં શું ચાલતું હશે? એમની કાલ્પનિક રોજનીશીના કેટલાક અંશ.
***
રાહુલ ગાંધીની ડાયરી 

હું કોણ છું? ક્યાં છું? ક્યારથી છું? જે છું તે કેમ છું? જે નથી તે કેમ નથી? જે નથી તે છું, એવું કેમ લાગે છે? જે છું તે છું જ નહીં, એવું પણ કેમ લાગે છે? આ બધા ગહન સવાલો છે. મારે કોઇ વ્યવસ્થિત માણસને પૂછવા પડશે. દિગ્વિજયસિંઘ? ના...ના... મમ્મી? નો વે... જોકે, આટલું લખ્યા પછી મને લાગે છે કે આ સવાલને વ્યક્તિગત ધોરણે લેવાને બદલે તેને વ્યાપક ફિલોસોફિકલ ઢબે લેવામાં જ દેશનું, પક્ષનું અને ખાસ તો મારું કલ્યાણ છે.

મંગળ ગ્રહની ભૂતકાળમાં નષ્ટ થયેલી જીવસૃષ્ટિ પણ હવે જાણી ચૂકી હશે કે હું વેકેશન પર છું. વેકેશન પર હોવું ગુનો છે? કોંગ્રેસી હોવું ગુનો છે? રાહુલ ગાંધી હોવું ગુનો છે? સૉરી, હું જરા વહી ગયો. પણ એક વાર આવા જ વહેણમાં મેં કોઇને આ સવાલ પૂછી નાખ્યા ત્યારે મને જવાબ મળ્યો હતો, ‘ના, બિલકુલ નહીં. પણ આ બધા પછી દેશના વડાપ્રધાન બનવાનાં સ્વપ્નાં સેવવાં એ ગુનો છે.’ હું પ્રામાણિક છું. અરવિંદ કેજરીવાલ ભલે માને કે આખા જગતમેં તે એક જ પ્રામાણિક છે. હું ખોટું નહીં બોલું. મેં ઇન્ડિયન પીનલ કોડ વાંચ્યો નથી. છતાં મારામાં એટલી (કેટલાક લોકોના મતે, એટલી જ) કૉમન સેન્સ તો (બચી) છે કે વડાપ્રધાન બનવાનાં સ્વપ્નાં જોવાં એ ગુનો નથી, એટલું હું સમજી શકું. હું કંઇ નાનો કીકલો નથી કે આટલુંય ન સમજું. (જે આ વાંચતા હોય, તેમને વિનંતી કે આ અગત્યની માહિતી મારાં મમ્મીને અને તેમના સલાહકારને ખાસ પહોંચાડે.)

તો, હું એમ કહેતો હતો કે હું વેકેશન પર છું અને એની મને શરમ નથી. ભાજપના સ્યુડો-હિંદુત્વની સામે હું નવું સૂત્ર આપવાનો છું, ‘ગર્વસે કહો, હમ વેકેશન પર હૈં.’ મને ખબર છે કે આ સાંભળીને કૉંગ્રેસના જૂના જોગીઓ હસશે. કોઇ તો કહેશે પણ ખરું કે ‘બાબા, આપણે વેકેશન પર શું ઉતરતા હતા? લોકોએ જ આપણને વેકેશન પર ઉતારી દીધા છે. હવે આપણામાંથી ઘણાને ‘વેકેશન’ના નહીં, ‘વૉકેશન’ના પ્રશ્નો થયા છે.’ પરંતુ તમે જાણો છો કે હું કઠણ અને દૃઢનિશ્ચયી માણસ છું. હું આવી ટીકાઓથી ડરવાનો નથી. મેં એક વાર નક્કી કર્યું હતું કે કોંગ્રેસનો કાયાકલ્પ કરીને જ હું જંપીશ. તો જુઓ, એ ઘ્યેયના અડધે રસ્તે તો હું સફળતાપૂર્વક પહોંચી ગયો છું. ફિનિક્સ પક્ષીની વાર્તા જાણતા સૌને ખબર હશે કે નવા અવતાર માટે એક વાર રાખવામાં ફેરવાવું જરૂરી હોય છે. મારે ઘ્યાન ફક્ત એટલું જ રાખવાનું છે કે આ રાખ કોઇ પોતાના શરીરે ચોળીને, કોઇ સંઘમાં જોડાઇ ન જાય કે નવો સંઘ ઊભો ન કરી નાખે.

અરવિંદ કેજરીવાલની ડાયરી

મૈં તો બહુત છોટ્ટા આદમી હું. મેરી ઔકાત હી ક્યા હૈ. (ખાસ નોંધઃ ‘આપ’ની કારોબારીએ ૧૧ વિરુદ્ધ ૮ મતથી ઠરાવ કરીને નક્કી કર્યું છે કે યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણે કરેલી પક્ષની સેવાઓની કદરરૂપે, અરવિંદ કેજરીવાલે અંગત સુવેનિયર તરીકે આ બન્ને સંવાદો પર પોતાનો હક જતો કરવો અને તેના તમામ અધિકાર યાદવ-ભૂષણને એનાયત કરવા. અરવિંદકા ભૂષણ-યાદવસે હો ભાઇચારા, યહી પૈગામ હમારા..)

મારા શુભેચ્છકોએ કહ્યું કે ‘તેલ જુઓ, તેલની ધાર જુઓ.’ એટલે હું સમજી ગયો. તરત નેચરોપથીમાં પહોંચી ગયો. ત્યાં રોજ મારા માથ પર ‘શિરોધારા’ તરીકે ઓળખાતી પ્રક્રિયા થાય છે, જેમાં મારા માથા પર તેલની ધાર કરવામાં આવે છે. હું ચૂપચાપ, બોલ્યા વિના, રોજ તેલ પણ જોઉં છું ને તેલની ધાર પણ. લોકો કહે છે કે હું ભાગી ગયો. દિલ્હીમાં પહેલી વાર રાજીનામું આપ્યું ત્યારે પણ લોકો આમ જ કહેતા હતા. એટલે મને એ કોઠે પડી ગયું છે.

લોકો કહે છે કે હું મોઢામાં મગ ભરીને બેઠો છું. યોગેન્દ્ર અને પ્રશાંત વિશે કંઇ કહેતો નથી. હું શું બોલું? હું સત્તાને સાધના તરીકે જોઉં છું અને વિપશ્યનાની સાધના કરું છું. વિપશ્યનામાં બોલવાની અમસ્તી પણ મનાઇ હોય છે. તેમાં માણસ આત્મચિંતન કરે છે. ઘણા વખત સુધી મેં દિલ્હીનું મુખ્ય પ્રધાનપદું છોડવા વિશે મૌન રહીને ચિંતન કર્યું. પણ એ મુદ્દો જતો રહ્યા પછી મને ચિંતા થઇ કે હું કયા મુદ્દે આત્મચિંતન કરીશ? પણ હવે યોગેન્દ્ર અને પ્રશાંતનો કિસ્સો બન્યા પછી મારામાં રહેલો સાધકનો આત્મા જાગી ઉઠ્યો છે. તે આત્મચિંતન કરવા તત્પર છે, પણ એક વાર બઘું ઠરે તો ખરું.

દરમિયાન, યોગેન્દ્ર અને પ્રશાંતને પણ હું સલાહ આપું છું કે તે પણ અહીં આવીને તેલ અને તેલની ધાર જોઇ જાય અને ત્યાર પછી જ આગળનું પગલું ભરે. વડાપ્રધાનને વાત કરીને ડિસ્કાઉન્ટનું હું કરાવી દઇશ અને એ બન્નેને કહીશ કે તેમને હાંકી કાઢવાનું પગલું પણ જરા ડિસ્કાઉન્ટ સાથે લે અને મનમાં કડવાશ ન રાખે. રાજકારણમાં આવું બઘું તો ચાલ્યા કરે.

વડાપ્રધાન મોદીની ડાયરી

આ ડાયરી હું સાદાં વસ્ત્રો પહેરીને લખી રહ્યો છું. એ વસ્ત્રો પર મારું તો ઠીક, કંપનીનું નામ પણ લખ્યું નથી. હું સાદગીપ્રિય માણસ છું. મને સાદગી બહુ ગમે છે. સાદગીને બે શીંગડાં હોય છે. તેના વડે વિરોધ કરનારને અડફેટે લઇ શકાય છે ને ઘાયલ પણ કરી શકાય છે. સાદગીને ચાર આંચળ હોય છે. તેને દોહવી હોય એટલી દોહી શકાય છે અને તે પાટું મારતી નથી. સાદગી એક પાળવા જેવું પ્રાણી છે. દરેક રાજનેતાએ તે પાળવું જોઇએ.

ગાંધીજીની રાજકીય સમજ ઓછી. એટલે તેમણે સાદગી રાખી ખરી, પણ પાળવા માટે બકરીને પસંદ કરી. મને ગાંધીજી બહુ ગમે છે. કારણ કે એ કદી વડાપ્રધાન બન્યા નહીં. એટલે મારી ને એમની (હું ન ઇચ્છું ત્યાં સુધી) કદી સરખામણી થઇ શકતી નથી. નેહરુ સાથે મારી સરખામણી થાય એ મને બહુ ગમે છે. નેહરુને કાશ્મીર બહુ ગમતું હતું. મને પણ કાશ્મીર બહુ ગમે છે. એટલે જ, પીડીપી સાથે કાશ્મીરમાં સરકાર બનાવી. પણ... 

Tuesday, March 10, 2015

ડૉક્યુમેન્ટરીનો વિવાદ અને દંભનાં પોટલાં

પ્રસાર માઘ્યમોએ જેને ‘નિર્ભયા’ જેવું ‘ક્રીએટીવ’ નામ આપવાનો સંતોષ લીધો, એ દિલ્હીની પીડિતાનું નામ હવે જાહેર છે. તેના વિશેની એક કલાકની ડૉક્યુમેન્ટરી બી.બી.સી. પર પ્રસારિત થઇ અને ભારત સરકારે તેની પર પ્રતિબંધ મૂક્યા પછી યુટ્યુબ પર તે ઉપલબ્ધ બની. ત્યારથી અનેક વિવાદો અને સવાલો ઊભા થયા છે. કેટલાક જૂના, તો કેટલાક નવા. બધા સવાલોને એકબીજા સાથે ગૂંચવી મારવાને બદલે, તેમના વિશે અલગથી સમજવા-વિચારવા જેવું છે.

ડૉક્યુમેન્ટરીની ગુણવત્તાસલેસ્લી ઉડવિને બનાવેલી ડૉક્યુમેન્ટરી યુટ્યુબ પરથી જોયા પછી ઠીક ઠીક નિરાશા થઇ. ત્રાસ ઉપજાવે એવા વિષયો પર મુખ્યત્વે બે દૃષ્ટિકોણથી ફિલ્મો બનાવી શકાય :

૧) જે જોયા પછી દર્શક સમસ્યા અને તેના પીડિતો પ્રત્યે તીવ્રપણે સમભાવ કે સમાનુભૂતિ અનુભવે. ‘આવું ન ચલાવી લેવાય’ અને ‘આમાં આપણે આપણા તરફથી શું કરી શકીએ’- એવા વિચાર જોનારને આવે. તેને કમર્શિયલ ફિલ્મ જોઇ હોય એવી લાગણી નહીં, પણ ભયાનક સમસ્યાના પ્રત્યક્ષ દર્શનથી લાગવો જોઇએ એવો આઘાત લાગે. આ એક પ્રકાર.

૨) જેમાં ઘણો મોટો હિસ્સો સમસ્યા કે પીડિત કરતાં પ્રતિપક્ષ પર કેન્દ્રિત હોય. પ્રતિપક્ષને તેમાં લગભગ ફિલ્મી અંદાજમાં વિલન તરીકે રજૂ કરવામાં આવે. એ રજૂઆત સાચી જ હોય, પણ ‘વિલન’ને અપાયેલું વજન વઘુ પડતું હોય. વિલન હાસ્યાસ્પદ લાગે એટલા ક્રૂર, ઘાતકી કે જડ હોય. (બીબીસીની ડૉક્યુમેન્ટરીમાં ફાંસીની સજા પામેલા ગુનેગાર ડ્રાઇવર અને બચાવપક્ષના બે હાસ્યાસ્પદ છતાં ભયંકર વકીલો આવા જ ‘વિલન’ છે.) આ પ્રકારમાં, ‘વિલનો’ની દેખીતી સંવેદનહીનતા જોઇને જ દર્શકો ડચકારા બોલાવી દે, એવું અપેક્ષિત હોય છે. પીડિત કે મૂળ સમસ્યા વિશે સમભાવ કેળવવાનું જરૂરી બનતું નથી. મોટા ભાગના દર્શકો વિલનોને ધીક્કારીને જ જાગૃતિની ‘કીક’ અનુભવી લે છે.

આવી વિલનકેન્દ્રી ડૉક્યુમેન્ટરી વ્યાવસાયિક સફળતાનો શોર્ટ કટ છે, જેમાં સનસનાટી મચે છે, (અત્યારે થયા એવા) ગરમાગરમ વિવાદ થાય છે અને સરવાળે ડૉક્યુમેન્ટરીમાં આલેખાયેલા વિષયની વઘુ ચર્ચા થવાને બદલે, ડૉક્યુમેન્ટરી પોતે જ વિષય બને છે અને તેની આસપાસ ચર્ચા ચાલ્યા કરે છે.

ઉડવિનની ડૉક્યુમેન્ટરીમાં પીડિતાનાં માતા-પિતાનો ઇન્ટરવ્યુ સૌથી ઉત્તમ ભાગ છે. ફિલ્મ જોઇને થાય કે કેવળ એટલા ભાગનું (અને નિવૃત્ત જસ્ટિસ લીલા શેઠના ઇન્ટરવ્યુનું) યોગ્ય સંકલન થયું હોત, તો તે પીડિતાને ઉત્તમ અંજલિ બની રહ્યું હોત. તેનાથી આખી સમસ્યાનીની ભયંકરતા અને છોકરીનાં સીધાંસાદાં મા-બાપની ઠંડી મક્કમતા બરાબર ઉપસીને આવ્યાં હોત. પરંતુ ફિલ્મનો ઝોક સમસ્યાને બદલે સસ્તી સનસનાટી ભણી વધારે લાગે છે. એટલે તેમાં પીડિતા સાથે જે કંઇ થયું તેનું નાટ્યાંકન કરાવવામાં આવ્યું. એટલું જ નહીં, ફાંસીની સજા પામેલા ખતરનાક અપરાધીનું અમાનવીય, લાગણીવિહીન છતાં નિર્વિરોધ બયાન ફિલ્મનું કેન્દ્રબિંદુ બની ગયું છે. માતા-પિતાની કથાનો ખપ મુખ્યત્વે ઘાતકી આરોપીનાં અને બચાવપક્ષના વકીલોનાં વિકૃત વિધાનો સામે નાટકીય-કરૂણ (ટીઅરજર્કર) વિરોધાભાસ સર્જવા પૂરતો રહી ગયો.

તિહાર જેલમાં ફાંસીની સજા પામેલા આરોપીઓનો ઇન્ટરવ્યુ શૂટ કરવો, એ પત્રકારત્વની દૃષ્ટિએ મોટી સિદ્ધિ કહેવાય. કોઇ પણ પત્રકાર માટે એ બહુ મોટી ‘સ્ટોરી’ કહેવાય. પરંતુ વિકૃત વકીલોને કે પછી અફસોસ વગરના ગુનેગારને ભીંસમાં મૂકતા સવાલો પૂછ્‌યા વિના (અથવા પૂછ્‌યા હોય તો તે ફિલ્મમાં સામેલ કર્યા વિના), એ જે કહે તે બઘું યથાતથ મૂકી દેવું, એ છીછરું પત્રકારત્વ છે. તેમાં ઇન્ટરવ્યુ લેનારનો આશય ‘વિલનો’ને ભીંસમાં લેવાનો નહીં, પણ તેમની પાસેથી ઉત્તમમાં ઉત્તમ (એટલે કે હલકામાં હલકા) સંવાદો કઢાવીને, પોતાની ફિલ્મને મસાલેદાર બનાવવાનો હોય એવો લાગે છે. બચાવ પક્ષનો એક વકીલ ભારતના સાંસદો પર આક્ષેપ મૂકે ત્યારે પણ, તેની ખરાઇ કરવા જેટલી પ્રાથમિક તકેદારી રાખવામાં આવી નથી. કારણ કે ખરાઇની પંચાતમાં પડવા જતાં, સનસનાટી મોળી પડી જવાની બીક રહે છે.

પીડિતા યુવતીનાં માતા-પિતાએ આ ફિલ્મમાં સહકાર આપ્યો છે અને તેમણે સ્પષ્ટ કર્યું છે કે એનું અસલી નામ- જ્યોતિ સિંઘ- જાહેર કરવામાં તેમને કશો વાંધો નથી. બલ્કે, ગૌરવ છે. આ વલણ સમજી શકાય એવું છે. અત્યાચારનો ભોગ બનેલી યુવતીનું નામ નહીં આપવાનો નિયમ ખરેખર તો સમાજ સામે અવિશ્વાસની દરખાસ્ત જેવો છે. ‘નામ ન આપવું જોઇએ’ તેની પાછળનો સાદો તર્ક એવો હોય છે કે ‘જો નામ જાહેર થશે, તો સમાજ એને જંપીને જીવવા નહીં દે.’

પરંતુ યુવતી મૃત્યુ પામે અને તેનાં માતા-પિતા ન્યાય ઝંખતાં હોય ત્યારે નામ છુપાવવાની જરૂર રહે છે? છોકરીનું નામ જાહેર ન કરવાની મર્યાદા પાળીને, તેને ‘નિર્ભયા’ જેવું નકલી-ફિલ્મી નામ આપવાની ચેષ્ટામાં ગરીમાપૂર્વકની સહાનુભૂતિને બદલે માર્કેટિંગ સ્ટ્રેટેજીની બૂ વધારે આવે છે- કેમ જાણે, એ છોકરીને ‘બ્રાન્ડ’ બનાવીને તેનો ધંધો કરી લેવા માટે એક નામ જરૂરી હોય. બાકી, તેને ગુજરાતીમાં ‘પીડિતા’ અને અંગ્રેજીમાં ‘વિક્ટિમ’ કહી જ શકાય છે. કશી નિર્ભયતા દાખવ્યા વિના, માત્ર ને માત્ર શિકાર બનેલી યુવતીને ‘નિર્ભયા’ નામ આપવાથી, નમાલા કવિન્યાયથી વધારે કશું સિદ્ધ થતું નથી.

પ્રતિબંધ અને વિરોધ 

ભારત સરકારે ડૉક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂકીને વઘુ એક વાર  સરકારી અવિચારીપણાનું ઉદાહરણ પૂરું પાડ્યું. પ્રતિબંધ માટેનાં સરકારી કારણ હાસ્યાસ્પદ હતાં. તેમાનું એક કારણ હતું સ્ત્રીગરીમાનો ભંગ કરતાં ગુનેગારનાં ઉચ્ચારણો. હકીકતમાં, ગુનેગારનાં કે બચાવપક્ષના વકીલોનાં ઉચ્ચારણો ભયંકર હોવા છતાં, એવી દલીલો કરનારા તે એકલા નથી. (જેમ કે, છોકરીઓએ સાંજે બહાર ન જવું, અમુક પ્રકારનાં કપડાં ન પહેરવાં, નોકરી કરવાને બદલે ઘરગૃહસ્થી સંભાળવી)

વાસ્તવમાં આ લોકોએ સ્ત્રીઓ વિશે કહેલી ‘વાંધાજનક’ વાતો સંઘ પરિવારના મહાનુભાવો, ખાપ પંચાયતના મુખિયાઓથી માંડીને બીજા ઘણા ‘સંસ્કૃતિપ્રેમીઓ’ પાસેથી વારંવાર સાંભળવા મળે છે. એ માનસિકતાને પડકારવાને બદલે, તેની સામે મોરચો માંડવાને બદલે, ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો એ નકરો દંભ અને દેખાડો છે. ગૃહમંત્રી રાજનાથસિંઘે સંસદમાં કરેલા નિવેદનમાં પણ ગુનેગારનાં વિધાનોનો ઉલ્લેખ કર્યો છે. નવાઇ અને આઘાત એ વાતનાં છે કે ગુનેગાર જેવાં જ કે ક્યારેક તેને પણ ટપી જાય એવાં સ્ત્રીવિરોધી હિંસક વિધાનો બચાવપક્ષના વકીલોએ કર્યાં છે. એ વિશે માનનીય ગૃહમંત્રીને કશું કહેવાનું થતું નથી? (મોડે મોડેથી બાર એસોસિએશને બન્ને વકીલોને નોટિસ આપી છે) બસ, આપણે આંખ મીંચી દીધી એટલે દુનિયામાં રાત પડી ગઇ. આપણે ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો, એટલે સ્ત્રીવિરોધી માનસિકતાનો પ્રસાર અટકી ગયો.

પ્રતિબંધ માટે સરકારે ઊભા કરેલા બીજા મુદ્દા (ગુનેગારનો ઇન્ટરવ્યુ લેવાની પરવાનગી શી રીતે મળી? પરદેશી પત્રકારોને જેલમાં જવા કોણે દીધા? વગેરે) અગત્યના હોવા છતાં, એ ટેક્‌નિકલ અને વહીવટી છે. તેમની ચર્ચા અલગથી થઇ શકે. ફિલ્મની સામગ્રી અને તેની પર મુકાયેલા પ્રતિબંધ સાથે તેને સંબંધ ન હોવો જોઇએ.

ફિલ્મ સામેનો એક સંગીન આરોપ એવો છે કે તેમાં ભારતને સવિશેષપણે ખરાબ ચીતરવાનો પ્રયાસ થયો છે. મારિયા મિશ્રા નામનાં ઑક્સફર્ડનાં ઇતિહાસકાર ડૉક્યુમેન્ટરીમાં જે રીતે વાતો કરે છે, તેનાથી તેમની સજ્જતા વિશે અને ફિલ્મકારના ઇરાદા વિશે સારી છાપ પડતી નથી. ભારત વિશે ધોળા લોકોના વિશિષ્ટ અને વિચિત્ર દૃષ્ટિકોણની તેમાં વાસ આવે છે. પરંતુ તેનો ઇલાજ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો એ નથી. ભારતમાં બનતા સ્ત્રીવિરોધી ગુના વિશે શરમ અનુભવીને, તેનો ઇન્કાર કર્યા વિના, આંતરરાષ્ટ્રિય સ્તરે પણ સ્થિતિ ખાસ જુદી નથી, એ દાખલાદલીલોથી દર્શાવી શકાય. બ્રિટનમાં થતા આ જાતના ગુનાના આરોપીઓના ઇન્ટરવ્યુ કરવાની પરવાનગી માગીને, તેમનાં બેવડાં ધોરણ ઉઘાડાં પાડી શકાય. પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાથી, સામેનો પક્ષ અકારણ ‘વાણીસ્વાતંત્ર્યના શહીદ’ તરીકેની ઉચ્ચ નૈતિક ભૂમિકામાં આવી જાય છે. એ લાભ તેમને શા માટે આપવો જોઇએ?

પ્રતિબંધની ટીકા કરનારાનો વિરોધ કરતાં કેટલાક કહે છે, ‘આવું બઘું શા માટે બતાવવું જોઇએ? તમારી દીકરી સાથે આવું થયું હોય તો?’ એવા સૌના લાભાર્થે જણાવવાનું કે જેમની દીકરી સાથે આવું થયું છે, એ માતા-પિતાના સંપૂર્ણ સહકારથી આ ફિલ્મ બની છે અને લોકો આ ફિલ્મ જુએ એમાં તેમને કશો વાંધો નથી. આ પ્રકારની સ્થિતિમાંથી પસાર થઇ ચૂકેલાં કે એ વિશે થોડી જાણકારી ધરાવતા લોકોને ખ્યાલ હશેે જ કે અદાલતમાં ઉલટતપાસના નામે તેમને પૂછાતા ગંદા સવાલોથી માંડીને ઘણા કિસ્સામાં ડૉક્ટર અને પોલીસ દ્વારા તેમની સાથે થતો વ્યવહાર અત્યાચારથી જરાય કમ હોતો નથી. એ હાલત ભોગવી ચૂકેલાં પીડિતાનાં માતા-પિતાને ફિલ્મ પર પ્રતિબંધ જેવા સરકારી શોર્ટકટમાં રસ નથી. તેમને ન્યાય ખપે છે.

નીચલી અદાલતમાં ગુનેગારોને ફાંસીની સજા થયા પછી સર્વોચ્ચ અદાલતમાં કેસ અટકેલો છે. દરમિયાન, સ્ત્રીઓ  સાથે ગંભીર પ્રકારના દુર્વ્યવહાર ચાલુ છે. ન્યાય ઝંખતાં પીડિતાનાં માતા-પિતાની હિંમતને ઠાલા શબ્દો કે રૂપિયાનાં બંડલથી નહીં, પણ સાચી દાનતથી બિરદાવવાનું અને તેમને ન્યાય અપાવવાનું સરકારી પ્રાથમિકતામાં આવતું નથી. ખેદની વાત એ છે કે ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવનારનો પણ છેવટનો ઉપક્રમ પોતાના રોટલા શેકવાનો હોય એવો લાગે છે.

સરકાર અને સમાજનું દંભી- હિંસક સ્ત્રીવિરોધી વલણ ઉઘાડું પાડવા બનેલી ફિલ્મ પોતે જ એવાં કેટલાંક લક્ષણોના અંશ દર્શાવે, તે  (હાલ પૂરતી) દંભના સિલસિલાની સરટોચ લાગે છે. 

Sunday, March 08, 2015

શારદાબહેન મહેતા : જાહેર પ્રવૃત્તિ, શિક્ષણ, લેખન અને સુધારકવૃત્તિનો વીરલ સમન્વય

જમાનો બદલાય તેમ નવાં રોલમૉડેલ ઊભાં થવાં જોઇએ એ ખરું, પણ નજીકના ભૂતકાળનાં યાદ રાખવાલાયક ચરિત્રો ભૂલી જવાથી,  સરવાળે સમાજની માપપટ્ટી ફુટને બદલે મિલિમીટરના કદની થઇ જાય છે. આંતરરાષ્ટ્રિય મહિલા દિને યાદ આવતાં આવાં ઘણાં પાત્રોમાંથી આજે શારદાબહેન મહેતાનું સ્મરણ
Gandhi, Tagore and Sharda Mehta / ગાંધી, ટાગોર અને શારદા મહેતા,
મહિલા વિદ્યાલય, અમદાવાદ/ Ahmedabad, 1920

ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોરની એક તસવીર બહુ વિશિષ્ટ અને જાણીતી છે. ૧૯૨૦માં રવીન્દ્રનાથ ટાગોર અમદાવાદ આવ્યા ત્યારના એ ફોટોમાં ગાંધીજી ગાંધીટોપીમાં જોવા મળે છે. ઇન્ટરનેટના જમાનામાં આ તસવીર વિકિપિડીયા સહિત બીજી કેટલીક સાઇટો પર ઉપલબ્ધ છે. ક્યાંક એ તસવીરમાં ફક્ત ગાંધી-ટાગોર જ જોવા મળે છે, તો આખી તસવીર હોય ત્યાં, આ બન્ને મહાનુભાવોથી થોડે જ દૂર, એક બહેન બેઠેલાં દેખાય છે. પણ તેમની ઓળખ કોઇ વેબસાઇટ પરથી મળતી નથી. તેમનું નામ છે : શારદાબહેન મહેતા- અને આ તસવીર વેબસાઇટો પર જણાવ્યા પ્રમાણે, સાહિત્ય પરિષદના અધિવેશનમાં નહીં પણ, અમદાવાદના મહિલા વિદ્યાલયમાં લેવાઇ હતી.

ગુજરાતમાં શારદાબહેનની ઓળખાણ આપવી પડે તેની અકળામણ થાય, પણ એ આપવાની થાય જ, તો કેવી રીતે આપવી એની મીઠી મૂંઝવણ થઇ શકે. ગુજરાતીમાં મળેલી સાવ ઓછી મહિલા આત્મકથામાંની એક એટલે શારદાબહેન મહેતાની ‘જીવન સંભારણાં’, જે તેમણે છેક ૧૯૩૮માં લખી હતી. વિશિષ્ટ કહેવાય એવી વાત એ છે કે તેમના પ્રતાપી પતિ ડૉ.સુંમત મહેતાની આત્મકથા દાયકાઓ પછી, ૧૯૭૧માં આવી. ડૉ.મહેતા સયાજીરાવ ગાયકવાડ પરિવારના અંગત ડૉક્ટર, ગાંધીજીના આવતાં પહેલાં ગુજરાતના જાહેર જીવનમાં સક્રિય થઇ ચૂકેલા અને ગાયકવાડી રાજની નોકરી છોડ્યા પછી આજીવન સેવા કરનાર સન્માનનીય વ્યક્તિત્વ. પરંતુ પતિ-પત્ની બન્ને સરખાં જાણીતાં હોય, એ બન્ને આત્મકથા લખે અને તેમાં પણ પત્નીની આત્મકથા ત્રણ દાયકા વહેલી આવે, એવું ભાગ્યે જ બનતું હોય છે.

શારદાબહેનનાં મોટાં બહેન વિદ્યાગૌરી, જેમનું લગ્ન‘ભદ્રંભદ્ર’ના લેખક, પ્રખર સુધારાવાદી રમણભાઇ નીલકંઠ સાથે થયું હતું. વિદ્યાગૌરી શારદાબહેન કરતાં પાંચ-છ વર્ષ મોટાં, પરંતુ આ બન્નેમાંથી કોઇની પણ વાત નીકળે, એટલે તેમનો ઉલ્લેખ ‘ગુજરાતનાં પ્રથમ સ્ત્રી સ્નાતકો’ તરીકે થાય છે. શારદાબહેને ‘જીવન સંભારણાં’માં નોંઘ્યું છે, ‘જુનિયર બી.એ.માં હું અને વિદ્યાબહેન સાથે થઇ ગયાં. વિદ્યાબહેન મારાથી બહુ મોટાં અને વહેલેથી કૉલેજમાં દાખલ થયેલાં. પણ બાળકોને કારણે એમનો અભ્યાસ વચ્ચે વચ્ચે અટકતો હતો. અમે બન્નેએ સાથે જ બી.એ.ની પરીક્ષા આપી.’

બી.એ.ની ડિગ્રી વાંચીને અત્યારે થાય કે ‘એમાં શી ધાડ મારવાની?’ પણ એ વખતે બે બાબતો મોટી હતી. એક તો અભ્યાસક્રમ. શારદાબહેને લખ્યું છે કે ૠગ્વેદ, કાવ્યપ્રકાશ, તર્કસંગ્રહ જેવાં અઘરાં પુસ્તકો, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, લૉજિક અને ફિલોસૉફીનાં મોટાં પુસ્તકો આવે. શારદાબહેન એ પરીક્ષામાંથી પાસ થઇ શક્યાં, પણ વિદ્યાગૌરી ત્રણ-ત્રણ છોકરાં ઉછેરવા સાથે એ પરીક્ષામાં સૅકન્ડ ક્લાસ લાવ્યાં.આ બહનોની હિંમતથી ગુજરાતમાં સ્ત્રીઓ માટે અભ્યાસના દરવાજા ખુલ્યા. કૉલેજમાં છોકરીઓને ભણવાની કેવી અગવડ હતી તેની વાત કરતાં શારદાબહેને લખ્યું છે કે તેેમની સાથે બીજી એક પારસી છોકરી હતી. એ બન્ને પ્રોફેસર આવે ત્યાર પછી ક્લાસમાં દાખલ થાય, તેમના માટે છોકરાઓથી જરા જુદી રાખેલી બેન્ચ પર બેેસે અને આડુંઅવળું જોયા વિના ફક્ત પ્રોફેસર સામે કે નોટબુકમાં નજર માંડીને બેસી રહે. ક્લાસ પૂરો થાય એટલે તરત ઉઠીને તેમના માટે અલગ રખાયેલા રૂમમાં. છતાં છોકરાઓ કનડગત કરે ને લોકો ટીકા કરે. છતાં ‘નનામા કાગળો આવે. અમારી બેઠકની ખુરશીઓ પાડી નાખે. ડેસ્ક પર ગમે તેવાં લખાણો આવે. અમારી આવવાની સડક ઉપર ગમે તેવાં લખાણ કરે. બેઠક પર કૌવચ નાખીને પજવણી કરે.’
Sharda Mehta / શારદા મહેતા

ઇ.સ.૧૮૮૨માં જન્મેલાં શારદાબહેન ૧૯ વર્ષે બી.એ. થયાં.  પારસી કે દક્ષિણી છોકરીઓ ત્યારે ભણતી હતી, પણ ગુજરાતી છોકરી ગ્રેજ્યુએટ થાય એવો વિદ્યાગૌરી-શારદાબહેનનો પહેલો કિસ્સો હતો. એટલે બી.એ.થવા બદલ સુધારાવાદી લોકોએ મુંબઇ-અમદાવાદમાં તેમનું સન્માન કરીને માનપત્ર આપ્યાં. શારદાબહેનના પતિ સુમંત મહેતા એ વખતે ઇંગ્લેન્ડમાં ડૉક્ટર તરીકેનો અભ્યાસ કરી રહ્યા હતા. ભણી રહ્યા પછી શારદાબહેનને ખાડિયામાં કન્યાઓની નિશાળ ખોલવાની ઇચ્છા થઇ. પોળોની ‘સંસ્કૃતિ’ અને તેના મહાન વારસાના નવેસરથી અને વાજબી ગુણગાન ગાતી વખતે એ પણ યાદ રહેવું જોઇએ કે ખાડિયાની ઘણી છોકરીઓ ભણવા તૈયાર હતી. પણ શારદાબહેનના શબ્દોમાં, ‘ઘરે જઇને વધામણી ખાધી એટલે ઠપકાનો વરસાદ વરસ્યો. તે વખતે નાગર, બ્રહ્મક્ષત્રિય જેવી ઉચ્ચ ગણાતી ન્યાતોમાં આ જ સ્થિતિ હતી. ખાડિયાનું વાતાવરણ ઠીક ન લાગવાથી રાયપુર તરફ પ્રયત્ન કર્યો. તેમાં થોડેક અંશે સફળતા મળી.’

સુમંત મહેતા ડૉક્ટર થઇને દેશમાં પાછા આવ્યા એટલે બન્ને જણે વડોદરામાં સંસાર માંડ્યો. ત્યાં પણ રૂઢિચુસ્તતાનો પાર નહીં. સ્ત્રીઓ જાહેર રસ્તા પર ચાલતી ફરી શકે નહીં, ગાડીના પડદા બંધ રાખવા પડે, સ્ત્રી-પુરૂષોની સાથે સભા થઇ શકે નહીં. પરંતુ સુમંતભાઇ અને શારદાબહેન લોકલાજની પરવા કર્યા વિના સવાર-સાંજ પગે ચાલતા નીકળતાં. યુરોપના અનેક પ્રવાસ કરી ચૂકેલા પ્રગતિશીલ મહારાજા સયાજીરાવ ગાયકવાડને પણ આ ખટકતું. છતાં, ધીમે ધીમે શારદાબહેન-સુમંતભાઇનું જોઇને વડોદરાના બીજા અધિકારીઓ સજોડે બહાર નીકળતા થયા.

આર્થિક બાબતોના ઊંડા અભ્યાસી અને બ્રિટિશ રાજમાં ઊંચા હોદ્દે પહોંચેલા આર.સી. (રમેશચંદ્ર) દત્તને સયાજીરાવ વડોદરા લઇ આવ્યા ત્યારે મહેતાદંપતિ સાથે તેમને ગાઢ સ્નેહસંબંધ થયો. એ અરસામાં શારદાબહેનને અનાયાસે બાળકો માટે લખવાની તક મળી. પુરાણોમાંથી બાળકો માટે ટૂંકી વાર્તાઓનું સંશોધન કરીને તેમણે એક સંગ્રહ તૈયાર કર્યો. પરંતુ તેમનું વઘુ મોટું કામ આર.સી.દત્તની નવલકથા ‘ધ લેક ઑફ પામ્સ’ના ગુજરાતી અનુવાદનું હતું, જે તેમણે અને વિદ્યાગૌરી નીલકંઠે ‘સુધાહાસિની’ નામે કર્યો. ત્યાર પછી બીજા કેટલાક અનુવાદ પણ તેમણે કર્યા. હિંદુ રૂઢિચુસ્તતાથી મુક્ત હોવાને કારણે શારદાબહેન વડોદરામાં અબ્બાસ તૈયબજીના પરિવાર સાથે પણ હળીમળી ગયાં. સશારદાબહેન માટે સાહિત્ય, લેખન, સમાજ, રાજકારણ, સ્વદેશી, જાહેર જીવન અને ઘરકામ- આ બઘું એકબીજા સાથે વણાયેલું હતું. દત્ત કુટુંબના ગાઢ પરિચયને કારણે બંગાળના ભાગલાના વિરોધમાં થયેલી ચળવળની અસર અને સ્વદેશીની લાગણી શારદાબહેનમાં જાગી. દત્તની દીકરીઓ અને અબ્બાસ તૈયબજીની દીકરી સાથે મળીને તે ઓળખીતા લોકોને કેવળ સ્વદેશી વસ્તુઓ વાપરવાનું વ્રત લેવા સમજાવતાં હતાં. રમેશચંદ્ર દત્ત સાથે તેમને એવો પ્રેમાદરનો સંબંધ બંધાયો કે મહેતાદંપતિએ ૧૯૦૭માં જન્મેલા પોતાના પુત્રનું નામ ‘રમેશ’ રાખ્યું હતું.

શારદાબહેનનાં ‘જીવન સંભારણાં’ વીસમી સદીના ઉત્તરાર્ધમાં આવેલા નારીવાદી સાહિત્યની સરખામણીમાં કોઇને મોળાં લાગી શકે, પણ તેમની મહત્તા સમજવા માટે એ સમય અને ત્યારનો સમાજ ઘ્યાનમાં રાખવાં પડે. ડૉ.સુમંત મહેતાએ ગાયકવાડી રાજની નોકરી છોડીને સેવાપ્રવૃત્તિમાં ઝંપલાવવાનું નક્કી કર્યું ત્યારે ત્રણ સંતાનોને કેમ ઉછેરવાં, એ પણ એક ચિંતા હતી. કારણ કે ડોક્ટરે બચત કરી ન હતી. અને સંતાનો ઉપરાંત ડો.સુમંત મહેતાના ભાઇઓના લગ્નની પણ જવાબદારી હતી. એ અરસામાં ચોથું સંતાન આવ્યું એ વિશે શારદાબહેને લખ્યું છે,‘આ નવા બાળકના જન્મ પછી અને તે પહેલાં મારા મનને જે ઉદ્વેગ થયો છે તેની કલ્પના હું જગત આગળ મૂકી શકતી નથી. જે વખતે ડૉક્ટર સર્વસ્વ છોડી સેવાના પંથમાં ઝુકાવવાની ઇચ્છા કરે છે તે વખતે નવી જવાબદારી વધારવાનો મને શો હક હતો?’

- અને ૧૯૧૫માં ભારત આવ્યા પછી જાહેર જીવનમાં ઝંપલાવનાર ગાંધીજીએ તેમની આગવી શૈલીમાં શારદાબહેનને એવાં માતૃત્વમૂર્તિ ગણાવ્યાં, જેમના પેટે જન્મ લેવાનું મન થાય.  

(શારદાબહેનની જાહેર કામગીરી વિશેની વઘુ વાતો આવતા સપ્તાહે)

Thursday, March 05, 2015

`સરદારઃ સાચો માણસ, સાચી વાત` : દસ વર્ષ પછી...

સરદારઃ સાચો માણસ, સાચી વાત  (ઉર્વીશ કોઠારી)
Sardar : sacho manas, sachi vaat by Urvish Kothari

મિત્ર પ્રણવ અધ્યારુએ યાદ કરાવ્યુંઃ આજથી બરાબર દસ વર્ષ પહેલાં, ૫-૩-૨૦૦૫ના રોજ, રાજકોટના હેમુ ગઢવી હોલમાં ’સરદારઃ સાચો માણસ, સાચી વાત’નું વિમોચન થયું હતું. મારું સ્વતંત્રપણે થયેલું એ પહેલું પુસ્તક. અપૂર્વ આશર સાથે કરેલું એ પહેલું કામ. ’આરપાર’ સાપ્તાહિકના ઉત્સાહી માલિક મનોજ ભીમાણીના ઉત્સાહથી શરૂ થયેલી પ્રકાશન સંસ્થા ’સત્ય મીડિયા’નું એ પહેલું પુસ્તક. પ્રણવ અધ્યારુનું સંચાલન ધરાવતો એ પહેલો કાર્યક્રમ. 

પ્રણવના ફોનથી ખરાબ સ્મરણશક્તિએ પણ ઘણું યાદ આવ્યું. ’આરપાર’માં મનોજ ભીમાણીનું આર્થિક પીઠબળ અને પ્રોત્સાહન, પ્રણવના અવનવા આઇડીયા તથા મારું લેખન- આ ત્રણેની જોરદાર જુગલબંદી જામી હતી. તેના વિશેષાંકો અમે બહુ આનંદથી અને બહુ વિશિષ્ટ બનાવ્યા હતા. એક પણ ગુજરાતી હાસ્યલેખક વગરના હાસ્યવિશેષાંક (હોળીવિશેષાંક, ૨૦૦૨)થી શરૂ થયેલા એ સિલસિલામાં ફિલ્મસંગીત અંક અને ગાંધીઅંક પછી સરદાર સ્પેશ્યલ કરવાનું વિચાર્યું. એ વખતે ખ્યાલ ન હતો કે સરદાર સાથેનો નાતો એક વિશેષાંક પૂરતો નહીં, પણ તેનાથી ઘણો લાંબો અને ઘણો વધારે ફળદાયી નીવડશે.  ’આરપાર’ના વિશેષાંકનું ટાઇટલ પેજ વિખ્યાત ચિત્રકાર વૃંદાવન સોલંકીએ પ્રેમપૂર્વક અમને કરી આપ્યું, જે એકદમ બિનપરંપરાગત હતું. એ ટાઇટલની થોડી એન્લાર્જ અને લેમિનેટ કરેલી આવૃત્તિ આજે પણ ઘરની લાયબ્રેરીમાં પ્રવેશનારનું સ્વાગત કરે છે. 

વૃંદાવન સોલંકી/ vrundavan solanki એ તૈયાર કરેલું
આરપારના સરદાર સ્પેશ્યલ અંકનું ટાઇટલ પેજ
@Kotharis', Luharvad, Mahemdavad
સરદાર સ્પેશ્યલ અંકનો ભવ્ય વિમોચન સમારંભ શાહીબાગના સરદાર સ્મારકમાં યોજાયો, જેમાં બીજા અનેક સ્નેહીઓ ઉપરાંત સરદારની તસવીરો લેનારાં બે તસવીરકારો- હોમાય વ્યારાવાલા અને પ્રાણલાલ પટેલ પણ સમારંભમાં ઉપસ્થિત હતાં. એ કાર્યક્રમનું સંચાલન પ્રેમપૂર્વક અશ્વિનીભાઇએ (અશ્વિની ભટ્ટે) કર્યું હતું. અંકને મળેલા સરસ પ્રતિસાદ પછી સરદારનું પુસ્તક કરવાનું ઠર્યું. ’પરણું તો એને જ’ પ્રકારનો મારો આગ્રહ હતો કે આ પુસ્તક કરાવવું તો અપૂર્વ આશર પાસે જ. ત્યાં સુધીમાં હું તેમનાં કામ જોઇ ચૂકેલો અને એ માટે બહુ પ્રેમાદર હતો. હું અને પ્રણવ અપૂર્વને સેન્ચુરી બજાર (અમદાવાદ)માં આવેલી ’ઇમેજ’ની ઓફિસ પર મળ્યા હતા. સાથે સરદારનો અંક રાખ્યો હતો. બીજા સંવાદ તો યાદ નથી, પણ મેં અપૂર્વને એટલું જ કહ્યું હતું કે ’આપણે આ અંકને કાચા પૂઠામાંથી પાકા પૂંઠાનો કરીને એવી રીતે પુસ્તક બનાવવાનું નથી. ’ અપૂર્વને તો આટલું પણ કહેવાનું ન હોય. છતાં પહેલી વાર હતું એટલે કહ્યું. 

એ પુસ્તકના કામ નિમિત્તે અપૂર્વ આશરના બોપલના ઘરે અવરજવર થઇ. સવારથી સાંજ એમના ઘરે બેસીને તેમને કામ કરતા જોવાનું થાય. તેમના પ્રતાપી પિતા - ’વોરા પ્રકાશન’ના શિવજીભાઇ આશર, અપૂર્વનાં મમ્મી, તેમનાં પત્ની-દીકરીઓ અને વિદુલાબહેન, આ બધાએ એટલો પ્રેમ અને ઉમળકો દર્શાવ્યાં કે ત્યારથી પુસ્તક થતાં પહેલાં જ એક મજબૂત મિત્રની સપરિવાર ઉપલબ્ધિ થઇ. તેમની સાથે ડાઇનિંગ ટેબલ પર મારું ટિફિન ખોલીને જમવામાં અને તેમના ભોજનમાંથી ભાગ પડાવવા ભોજન કરતાં નિઃસ્વાર્થ આત્મીયતાનો સ્વાદ ચડી જતો હતો. પુસ્તકના ટાઇટલના અપૂર્વે બે વિકલ્પ તૈયાર કર્યા હતા. પણ તેમાંથી આ પોસ્ટની શરૂઆતમાં મૂકેલું ટાઇટલ અમને બહુ ગમ્યું. મનોજ ભીમાણી અને પ્રણવ અધ્યારુ તો એક વાર અપૂર્વના ઘરે, ફક્ત અમે નક્કી કરેલું ટાઇટલ જોવા આવ્યા હતા. પુસ્તકનું શીર્ષક ’સરદારઃ સાચો માણસ, સાચી વાત’ પ્રણવ અધ્યારુએ આપેલું હતું. આખા પુસ્તકમાં વિવિધ પ્રકારની સામગ્રીની અપૂર્વ આશરે જે કળાત્મક રીતે અને મેટરની સાથે એકરૂપતાથી ગૂંથણી કરી હતી, તેનાથી એ પુસ્તક જેટલું મારું એટલું જ અપૂર્વનું પણ બન્યું. 

પુસ્તકનો વિમોચન સમારંભ રાજકોટમાં રાખવાનું મનોજભાઇએ નક્કી કર્યું. તેમના ખાસ મિત્ર અને ’અકીલા’ના તંત્રી કિરીટ ગણાત્રા પુસ્તકનું વિમોચન કરવાના હતા. ચંદ્રકાંત બક્ષી અને રઘુવીર ચૌધરી મુખ્ય વક્તાઓ હતા. આ વિશિષ્ટ સમારંભનું વિશિષ્ટ કાર્ડ પ્રણવે તેની આગવી શૈલીમાં તૈયાર કર્યું હતું. એ સમારંભનું કવર અને અંદરનું કાર્ડ

’સરદારઃ સાચો માણસ, સાચી વાત’ વિમોચન સમારંભના કાર્ડનું કવર
’સરદારઃ સાચો માણસ, સાચી વાત’ વિમોચન સમારંભના કાર્ડ -૧

’સરદારઃ સાચો માણસ, સાચી વાત’ વિમોચન સમારંભના કાર્ડ -૨
સમારંભમાં ચંદ્રકાંત બક્ષી અને રઘુવીર ચૌધરી મુખ્ય વક્તાઓ હતા. એ ઉપરાંત પ્રાણલાલ પટેલ પણ હાજર રહ્યા હતા. મનોજભાઇના ખાસ મિત્ર અને ’અકીલા’ દૈનિકના તંત્રી કિરીટભાઇ ગણાત્રાએ પુસ્તકનું વિમોચન કર્યું. બક્ષીએ બેઠાં બેઠાં પ્રવચન આપ્યું અને પ્રવચનની શરૂઆતમાં કહ્યું, ’મોરારીબાપુને જ્યારથી ટીવી પર બોલતા જોયા ત્યારથી લાગ્યું છે કે બેસીને પ્રવચન કરવાના ઘણા ફાયદા છે.’ આ સમારંભના વક્તાઓ વિશે થોડું કહી શકાય એમ છે, પણ અે ફિર કભી.

આ સમારંભ માટે ’આરપાર’ની અમદાવાદ ઓફિસથી એક મિનીબસ ઉપડી હતી અને તેમાં ઘણા સ્નેહી-મિત્રો-વડીલો ઉલટભેર જોડાયા હતા. તેમણે આ પ્રસંગને મારા માટે અંગત રીતે જીવનનો અવિસ્મરણીય દિવસ બનાવી દીધો. પરમ મિત્ર પૂર્વી ગજ્જર એ વખતે રાજકોટ આવી હતી. એટલે એ પણ ત્યાં મળી. મહેમદાવાદ આઇ.વાય.સી.ના (બીરેનના) મિત્રો અજય પરીખ, વિપુલ રાવલ અને પૈલેશ શાહ આવ્યા હતા, તો જગદીશ પાટડિયા જેવા અમારા ત્યાર પછીના અમદાવાદના કાર્યક્રમોમાં ભાગ્યે જ આવી શકતા મિત્ર પણ રાજકોટ આવ્યા હતા. આ ઉપરાંત ગ્રામોફોન ક્લબનાં મહેશભાઇ-ગીતાબહેન- ચંદ્રશેખરભાઇ હોય કે પછી સલિલ દલાલ કે પછી અવંતિકા ગુણવંત જેવાં ’આરપાર’નાં લેખિકા કે પછી પત્રકારત્વના ક્ષેત્રથી દૂર એવો, મારો ગુજરાત રિફાઇનરીના (અને ત્યાર પછી બેકારીના) જમાનાનો પરમ મિત્ર (કસ્ટમ્સ-એક્સાઇઝ ઇન્સ્પેક્ટર) બીરેન મહેતા- આવા જિગરીઓ સાથે રાજકોટથી વળતાં બસમાં પાછો આવ્યો, ત્યારે મને એવું લાગતું હતું, જાણે હું જાનમાં (પરણીને) પાછો જાઉં છું. :-)  (એ જુદી વાત છે કે લગ્ન વખતે અમે ઘરમાં સાત-આઠ જણ ’જાન’ તરીકે ગયાં હતાં અને એક સભ્યનો વધારો કરીને પાછાં આવી ગયાં હતાં.)

L to R : Biren, Sonal (with Aastha), Urvish, Rajnikumar Pandya, Tarulata
Dave, Kamini Kothari, (kids l to r) Ravi, Ishan, Shachi Kothari (Rajkot)
L to R : Biren Kothari, Binit Modi, Pranlal Patel, Urvish Kothari (Rajkot)
L to R : Ajay Parikh, Vipul Raval, Urvish Kothari, Pailesh Shah, Shachi, Kamini
Kothari, Biren Mehta (Rajkot)
આ પુસ્તક પ્રકાશિત થયા પછી ઘણા પ્રતિભાવ-પત્રો મળ્યા. અભ્યાસી વડીલ મિત્ર રમેશ ઓઝાએ બહુ લંબાણથી પત્ર લખ્યો. તેમાં ભારે પ્રોત્સાહન ઉપરાંત સરદાર વિશેની મારી સમજ વધારે બારીક બનાવે એવા કેટલાક મુદ્દા હતા. તેમના એ પત્રનો મેં ’સરદાર’ની બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં પણ ઉલ્લેખ કર્યો છે. એવા બધા તો નહીં, પણ ત્રણ સાવ જુદા અને વિશિષ્ટ પત્રો કે તેના અંશ અહીં મૂકુું છું.

Ashwin Mehta about Urvish Kothari's 'Sardar...'
વિખ્યાત તસવીરકાર અશ્વિન મહેતાએ પુસ્તકની પહોંચરૂપે બિનીતને લખેલા પત્રમાં લખ્યું હતું, ’તમારા તરફથી અદભૂત પુસ્તક મળ્યું. ઉર્વીશભાઇને ઢગલો અભિનંદન. બધી દૃષ્ટિએ પરિપૂર્ણ થયું છે. (અપૂર્વનો હાથ છૂપો રહેતો નથી. એને પણ મારાં અભિનંદન) એક્કી બેઠકે, છૂટાંછવાયાં, ત્રીસ-ચાલીસ પાનાં વાંચી ગયો...

Bakul Tripathi's letter to Urvish Kothari -1

Bakul Tripathi's letter to Urvish Kothari -2

બકુલ ત્રિપાઠીએ તેમના અટપટા અક્ષરોમાં ઉમળકાથી લખ્યુંઃ
’ઓ ભાઇ ઉર્વીશ, ધારેલું કે આખું પછી નિરાંતે વાંચીશ. ૨૭મીએ મુંબઇ જવું છે, એટલે હમણાં કામનો ભાર ઘણો છે)..એટલે પહેલું પ્રકરણ ચાવી લઉં. પણ તરત જ પ્રભાવિત થયો. પહેલા પ્રકરણનું લંબાણ વિવેચન- એપ્રીસીએશન- તમને લખું તેમ હતું પણ ૨૯મી પાસે આવી. ન લખાયું. પણ પ્રકરણો અણધાર્યાં ’સરદાર અને અભિવ્યક્તિ’ સુધી મને ખેંચી ગયાં. હવે બ્રેક. મારી, આ પત્ર તમને લખીને ફરજીયાત ’ઇન્ટર્વલ’ પાડી દઉં છું. સરસ પત્રકાર કાર્ય, સંપાદન કાર્ય અને સંદર્ભ સાહિત્યકાર કાર્ય તમે કર્યું છે. અભિનંદન. ’અભિવ્યક્તિ’વાળું પ્રકરણ તો બેનમૂન....’


આ પુસ્તકની કેટલીક વિશિષ્ટ અને અનોખી સામગ્રીમાં ’ફિલ્મ ઇન્ડિયા’ ફિલ્મમાસિકમાં ચાળીસીના દાયકામાં પ્રગટ થયેલાં કેટલાંક સરદારવિષયક કાર્ટૂન પણ હતાં,  (જેમાંથી કેટલાંક બાળ ઠાકરેનાં દોરેલાં,) ’ફિલ્મઇન્ડિયા’ સામયિકના દિવંગત તંત્રી બાબુરાવ પટેલનાં પત્ની સુશીલારાની પટેલને પણ આ પુસ્તક મોકલ્યું હતું, તેનો એમણે સુવાચ્ય અંગ્રેજીમાં લખેલો જવાબ ઉપર છે.

આ ,,સિવાય વિનોદ ભટ્ટ અને રજનીકુમાર પંડ્યા જેવા ગુરુજનોથી માંડીને અજાણ્યા-અપરિચિત અનેક લોકોએ પુસ્તક પર પ્રેમ વરસાવ્યો. દીપક સોલિયા, ધૈવત ત્રિવેદી અને કાર્તિક શાહ સાથે મળીને અમારું પોતાનું ’સાર્થક પ્રકાશન’ બે વર્ષ પહેલાં શરૂ કર્યું, ત્યારે ’સરદારઃ સાચો માણસ, સાચી વાત’ની બીજી આવૃત્તિ થઇ અને તેને પણ સરસ પ્રતિસાદ મળ્યો છે. આ પુસ્તકે સરદાર સાથેનો એક કાયમી નાતો સ્થાપી આપ્યો છે. અત્યાર સુધી આપેલાં અનેક વક્તવ્યોમાંથી સાઠ-સિત્તેર ટકાનો વિષય સરદાર છે, તેના મૂળમાં આ પુસ્તક ગણી શકાય. ત્યાર પછી સરદાર વિશેનાં વાચન, વિચાર અને સમજ હજુ વિકસતાં રહે એ સિલસિલો અટક્યો નથી, એનો આનંદ અને સંતોષ છે.

નોંધઃ ’સરદારઃ સાચો માણસ, સાચી વાત’ મેળવવા ઇચ્છતા મિત્રો આ લિન્ક પરથી ઓર્ડર કરી શકે છે
સરદારઃ સાચો માણસ, સાચી વાત (સાર્થક પ્રકાશન)

આ લિન્ક પરથી કેશ ઓન ડિલીવરી દ્વારા પણ મંગાવી શકે છે.
સરદારઃ સાચો માણસ, સાચી વાત (કેશ ઓન ડિલીવરી)

અને આ લિન્ક પરથી તે ઇ-બુક સ્વરૂપે પણ મેળવી શકે છે.
સરદારઃ સાચો માણસ, સાચી વાત (ઇ-બુક)