Tuesday, March 24, 2015

ગોરક્ષા, હિંદુત્વ અને કાયદો

(unedited)
ચાર વર્ષ પહેલાં ગુજરાતમાં અને હમણાં મહારાષ્ટ્ર-હરિયાણામાં ગૌવંશ હત્યા તથા બીફ (ગોમાંસ)ના ખરીદવેચાણને સજાપાત્ર ગુનો બનાવતા કાયદા અમલમાં આવ્યા. તેની વાત કરતાં પહેલાં થોડી વક્રતાઓ નોંધી લઇએ.

ગાંધીજી આસ્થાળુ હિંદુ તરીકે ગાયના પરમ ભક્ત અને ગૌવંશને બચાવવાના આગ્રહી હતા. સંઘ પરિવાર અને હિંદુ મહાસભા પ્રકારના, હિંદુ ધર્મના બની બેઠેલા ઠેકેદારો પણ પોતાને પ્રખર ગૌભક્ત ગણાવતા હતા. ગાયની કતલ સામે તેમને વાંધો હતો, પણ ગાંધીહત્યાથી તેમાંના ઘણા રાજી થયા હતા- અને એવા વિચારવાળા ઘણાને હજુ પણ ગાંધીહત્યાનો અફસોસ થતો નથી.

મહારાષ્ટ્રમાં બીફવિરોધી કાયદો આવ્યા પછી કતલખાનાં ચલાવનારાવાળાએ હડતાળ પાડી. તેના લીધે મુંબઇના સંજય ગાંધી નેશનલ પાર્કનાં હિંસક પ્રાણીઓને તેમના રોજિંદા ખોરાક વગર ચલાવવું પડ્યું. સંજય ગાંધીનાં પત્ની મેનકા ગાંધી પ્રખર પશુપ્રેમી તરીકે જાણીતાં છે. પરંતુ એક તરફ વાઘ-સિંહ અને બીજી તરફ હિંદુત્વના રક્ષકો વચ્ચે મેનકા ગાંધી શું કરી શકવાનાં?

બીફના મુદ્દાને હિંદુ સંસ્કૃતિનો અને હિંદુ વિરુદ્ધ મુસ્લિમનો બનાવનારા હિંદુત્વના ઠેકેદારો દલિતોને કઇ બાજુ ગણશે? દલિતોથી માંડીને ઇશાન ભારતના લોકો અને બીજા ઘણા બિનદલિત હિંદુઓ ભોજનમાં સ્વાદ, પસંદગી, ટેવ કે મજબૂરીથી બીફનો ઉપયોગ કરે છે. એ કારણથી તેમને ‘અશુદ્ધ’ ગણી નાખવા? પુરાતન કાળમાં - બુદ્ધ પહેલાંના સમયમાં -ઉચ્ચ કહેવાતા હિંદુઓમાં બીફનો કશો છોછ ન હતો, એ વાત સગવડે ભૂલાવી દેવામાં આવે છે. જ્ઞાતિપ્રથાનો સકંજો મજબૂત બન્યા પછી, બીફ ન ખાવું એ જ ‘શુદ્ધિ અને સભ્યતા’નું પ્રતીક હોય, એવું ઠસાવવામાં આવે છે. હિંદુ ધર્મની છીછરી સમજ દર્શાવતી આ ચેષ્ટા સામે વખતોવખત વિરોધ થતો રહે છે. થોડાં વર્ષ પહેલાં હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટીમાં કેટલાક દલિત વિદ્યાર્થીઓ યોજેલો બીફ ફેસ્ટિવલ ગાયોની સામે નહીં, પણ ગાયોને પવિત્ર ગણીને, તેના નામે ખેલાતા હિંદુત્વના રાજકારણ સામે અને જ્ઞાતિની સંકુચિત ઓળખ સામે હતો.

આગળનાં ઉદાહરણ પરથી સ્પષ્ટ છે કે ગોરક્ષા, ગોહત્યાનો વિરોધ અને બીફના ખરીદવેચાણને ગુનો જાહેર કરવો, એ લાગે છે એટલો સીધોસાદો મુદ્દો નથી. તેમાં અનેક બાબતોની ભેળસેળ કરીને આખા મુદ્દાને રાજકીય અને હિંદુ વોટબેન્કલક્ષી બનાવવામાં આવ્યો છે.

દંભનું પ્રતીક
ગાય સાથે સંકળાયેલા કેટલાક મુખ્ય મુદ્દા : ગોપાલન-ગોસંવર્ધન, ગોરક્ષા અને ગોમાંસ. હિંદુત્વવાળા આ મુદ્દાને એકરૂપ અને એકબીજા સાથે ગુંથાયેલા ગણવાને બદલે, તેમને અલગ પાડે છે અને તેમાંથી પોતાના સ્વાર્થને અનુરૂપ એવા મુદ્દા ચગાવે છે.

સૌથી પહેલો સવાલ ગોપાલન-ગોસંવર્ધનનો લઇએ. રખડતી ગાયો સામે કડક કાર્યવાહી થાય ત્યારે, સામેનો પક્ષ આક્રમક બચાવમાં કહે છે, ‘ગાય તો માતા કહેવાય. એને હાંકીને ડબ્બામાં પૂરતાં- એની સામે કાર્યવાહી કરતાં શરમ આવવી જોઇએ.’ પરંતુ આવી દલીલ કરનારને એટલું જ પૂછવાનું થાય કે ‘વધારે શરમ કોને આવવી જોઇએ? રસ્તે રઝળતી ‘માતા’ને લઇ જનારને કે પછી ગાયને માતા કહ્યા પછી, તેને રસ્તે રખડતી મૂકી દેનારને?’

ભારતમાં જેમ સ્ત્રીઓને ‘દેવી’ અને ‘શક્તિનો અવતાર’ ગણાવ્યા પછી તેમનું શોષણ કરવામાં- તેમને ઉતરતી ગણવામાં કશું બાકી નથી રખાયું, એવી જ રીતે, ગાયોને ‘માતા’ ગણીને તેમની અવદશા કરવામાં પણ કોઇ કસર રહી નથી. એ હિંદુ ધર્મના નામે ચાલતા દંભનું વરવું પ્રતીક છે. ભારતમાં ગાયોની દયનીય સ્થિતિ વિશે ક્યાંય તપાસ કરવા જવાની જરૂર નથી. રસ્તે ચાલતાં જ તેનો પ્રત્યક્ષ અનુભવ થઇ શકે એમ છે. ગૌભક્તિ અને ગૌરક્ષાની બડી બડી વાતો કરનારા- બીફ સામે કૂદી કૂદીને બોલનારા રાજનેતાઓને ગોચરની જમીનો વેચાઇ જાય ત્યારે ગાયોનું હિત યાદ આવતું નથી. તેમનો સઘળો ગોપ્રેમ બીજા લોકોને ગોવિરોધી ઠરાવવામાં કે બીફ ખાનારનો વિરોધ કરવામાં સમાઇ જાય છે.

ભારતમાં ગાયોની અને પાંજરાપોળોની અવદશા ગાંધીજીના સમયથી શરમનો અને ચિંતાનો વિષય રહ્યાં છે.  તેમના સમયમાં ગાયો કોમી લાગણી ઉશ્કેરનારું પરિબળ પણ બની હતી. બીજી તરફ, ગાયો માટે ગાંધીજીએ ક્યારેક આશ્ચર્યજનક લાગે એ હદનો પૂજ્યભાવ પ્રગટ કર્યો હતો. છતાં, અનેક વાર તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું,‘કાયદાથી ગાયની કતલ કદી અટકાવી ન શકાય...જેમ કોઇ માણસનો જાન બચાવવા, એ જાન ગમે તેવો કીમતી હોય તો પણ હું ગાયની હિંસા ન કરું. તેવી જ રીતે કોઇ ગાયનો જાન બચાવવા હું માણસની પણ હિંસા ન કરું...આખી પૃથ્વીના લોકો ગાયની રક્ષા કરતા થઇ જાય એટલો મોટો મારો મનોરથ છે, પણ તે માટે મારે પ્રથમ તો મારું ઘર સારી રીતે સાફ કરવું જોઇએ...કાયદો કરીને ગોવધ બંધ કરવાથી ગોરક્ષા નથી થઇ જતી. એ તો ગોરક્ષાના કાર્યનો અલ્પમાં અલ્પ ભાગ છે...જે કાયદાની સામે સમજુ અને વ્યવસ્થિત લોકમતનો વિરોધ હોય અથવા ધર્મને બહાને નાનકડા મંડળનો પણ વિરોધ હોય તો તે કાયદો સફળ ન થાય.’

પરંતુ પોતાની ટૂંકી સમજ પ્રમાણે કે પછી રાજકીય ચાલબાજી મુજબ હિંદુત્વની વાતો કરનારા ગાયો ઉપરાંત બળદ અને વાછરડાં (ગોવંશ)ની કતલ પર પ્રતિબંધ મૂકીને પોતાની ગૌભક્તિ માટે પોરસાય છે. બીફ ખાનાર લોકો જાણે અસુર હોય એવું રાજકીય વાતાવરણ સંઘ પરિવાર અને ભાજપનાં સંગઠનોએ ઊભું કર્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બની એટલે તેનાં શરૂઆતનાં કામોમાં એક ગોરક્ષા વિરોધી કડક કાયદો બનાવવાનું હતું. આ જાતના કાયદામાં કરવા ખાતર ગાયોની દેખરેખ રાખવાની વાત થઇ હોય, પણ ખરો ભાર - અને કાયદાની ખરી રાજકીય અપીલ- ગોહત્યા કરનાર માટે જાહેર કરાયેલી સજામાં હોય છે. તેનાથી દર્શાવી શકાય છે કે ‘જુઓ, જુઓ, અમે કેવા સુપરહિંદુ છીએ. અમે હિંદુવિરોધી ગોવિરોધીઓ સામે કેવા કડક હાથે કામ લઇએ છીએ.’

મહારાષ્ટ્રના કાયદા પ્રમાણે, ગાયો ઉપરાંત બળદોની કતલ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથોસાથ, બીફની ખરીદી કે તેના વેચાણને પણ ગુનો ઠરાવવામાં આવ્યું છે. નવા કાયદા પ્રમાણે, કોઇ બીફ વેચતાં કે ખરીદતાં પકડાય તો તેને રૂ.૧૦ હજારનો દંડ અને મહત્તમ પાંચ વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે. કાયદામાં દંડ અને સજાની જોગવાઇ હોય છે. (‘તોડ’ની રકમ તો બન્ને પક્ષો વચ્ચે પરસ્પર સમજૂતીથી નક્કી થાય છે.)

મહારાષ્ટ્રના આ આત્યંતિક કાયદા સામે બે હિંદુઓએ અદાલતમાં જાહેર હિતની અરજી કરી છે. તેમની દલીલ એ છે કે ‘અમે બીફ ખાઇએ છીએ. એ અમારા રોજિંદા ખોરાક અને પોષણનો હિસ્સો છે. તેને ગુનો જાહેર કરવામાં નાગરિકોના મૂળભૂત અધિકારોનો ભંગ થાય છે.’ આ મુદ્દે અદાલત બંધારણને અનુરૂપ વલણ લઇને, કાયદાની આત્યંતિકતાને મોળવી નાખે છે કે પછી સરકારલાગણીને લોકલાગણી ગણીને એ પ્રમાણે ચુકાદો આપે છે, એ જોવાનું રહે છે.

દરમિયાન હરિયાણામાં ભાજપની સરકારે પણ આ પ્રકારનો તઘલકી કાયદો પસાર કરી દીધો છે. તેમાં ઠરાવ્યા પ્રમાણે, ગૌહત્યા માટે જવાબદાર વ્યક્તિને મહત્તમ દસ વર્ષની જેલની સજા અને રૂ.૩૦ હજારથી રૂ.એક લાખ સુધીનો દંડ થઇ શકે છે. બીફ વેચનારને મહત્તમ પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂ.૫૦ હજાર સુધીનો દંડ થઇ શકે છે. આ બાબતમાં મહારાષ્ટ્ર અને હરિયાણા કરતાં પણ ગુજરાત ‘આગળ’ છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૧માં પસાર થયેલા કાયદા અંતર્ગત ગૌહત્યા ઉપરાંત કતલના હેતુથી ગાયોની હેરફેર કરનાર અને બીફ વેચનાર-ખરીદનારને પણ આવરી લેવામાં આવ્યા છે. તેમાં વધુમાં વધુ સાત વર્ષની જેલની સજા અને મહત્તમ રૂ.૫૦ હજારના દંડની જોગવાઇ છે.

ગાયોની દેખભાળ રાખી ન શકતી અને ગોચરોની જમીન હડપ કરી જતી સરકારોને ગોરક્ષાના નામે વ્યક્તિગત સ્વાતંત્ર્ય પર તરાપ મારતા કાયદા બનાવવાનો શો અધિકાર છે, એ પાયાનો સવાલ છે. ખેતીવાડીમાં ગાયોના મહત્ત્વને લઇને તેમના રક્ષણ માટે પ્રયાસ થાય તે આવકાર્ય છે, પણ એ પ્રયત્નો નકારાત્મક-દંડાત્મક નહીં, વિધેયાત્મક હોવા જોઇએ. રાજકીય સ્વાર્થ કે ટોકન હિંદુત્વથી પ્રેરિત આવા કાયદાના બચાવમાં ઘણા ભાજપી નેતાઓ ગાયના આર્થિક મહત્ત્વનાં ગાણાં ગાવા અને ખેતીમાં તેમનું મહત્ત્વ સમજાવવા બેસી જાય છે, કેમ જાણે એ લોકો સવાર-સાંજ ગાયોનાં પૂંછડાં આમળીને, ડચકારા બોલાવતાં બોલાવતાં ખેતી કરતા હોય. ખેતીમાં યંત્રોના વધતા ઉપયોગને કારણે બળદો બેકાર થઇ રહ્યા છે. તેમનાં છાણ-મૂત્રના ‘ઑર્ગેનિક જંતુનાશક’ તરીકેના ઉપયોગો વિશે પણ બઢાવીચઢાવીને રજૂ કરાતી વાતો કરતાં હકીકત જુદી છે. આંકડાના આધારે એવું તારવવામાં આવ્યું છે કે પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ કે તમિલનાડુ જેવાં રાજ્યોમાં ગૌહત્યા સામે આકરા કાયદા ન હોવા છતાં, એ રાજ્યો ખેતીવાડીમાં મોખરે છે. ‘બળદો નકામા બને પછી તેમને કતલખાને ન મોકલીએ તો શું કરીએ? ભાજપ અમારા બળદો ખરીદી લેશે?’ એવો સવાલ પણ કેટલાક ખેડૂતોએ ઉભો કર્યો છે.

ગાયોનો મુદ્દો રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક બનાવવાને બદલે, તેનાં વ્યવહારુ પાસાં ગણતરીમાં લઇને કામ લેવામાં આવે, તો સરકાર ઉપરાંત ખેડૂતો, કતલખાનાંવાળા અને ભોજનમાં બીફ લેનારા- એ સૌને ફાયદો થાય. પરંતુ ‘હિંદુ સંસ્કૃતિ’ અને ‘ગાયમાતા’ના ડાબલા ચડાવી દીધા પછી, ભ્રષ્ટાચાર, કોમી લાગણી અને ધાર્મિક સંકુચિતતા સિવાય બીજા કોઇને આવા કાયદાથી લાભ થાય એમ લાગતું નથી. 

2 comments:

 1. ડેન્માર્ક તથા સ્વીટઝરલેન્ડમાં હલાલ માંસ ઉપર સંપુર્ણ પ્રતિબંધ છે. For What? For animal Rights! (બધા હક માત્ર માનવસમાજ માટે જ નથી) અમેરિકામાં કુતરાનુ માંસ ખાવુ ઘણુ ધૃણાસ્પદ છે. ( જેમ આપણે ત્યાં ગાયનું માંસ ખાવુ). સિંગાપોરમાં વાહન ખરીદતા પહેલા ત્યાની સરકાર ખરીદનાર પાસેથી વિવિધ કરવેરારૂપે ૨૫ લાખ જેટલી રકમ લઈ લે છે પછી જ વાહન ખરીદવાની પરવાનગી મળે છે. (એ પણ માત્ર ૧૫ વર્ષ માટે, પછી રિન્યુઅલ નો ખર્ચો અલગથી!) જેથી કોઈ વધારે વાહન ખરીદે નહીં અને દેશના પર્યાવરણનુ હિત જળવાય. તેમાં ક્યાંય વ્યક્તિ-સ્વાતંત્રય નો વિચાર કરવામાં નથી આવતો. જો આટલા વિકસિત દેશોમાં આ બધુ શક્ય છે તો ભારત જેવા પ્રખર હિન્દુવાદી દેશમાં ગૌમાંસ કે ગૌહત્યા પર પ્રતિબંધ મુકાય તો આટલો બધો ઉહાપોહ શા માટે? શુ કોઈ ગૌમાંસ નહીં ખાય તો શું તે ભુખે મરી જવાનો છે? ભારતના બંધારણમાં પણ ગૌમાંસ પર પ્રતિબંધ તથા ગૌરક્ષા માટે કટિબધ્ધતા દર્શાવેલ છે. દેશની સુપ્રિમ કોર્ટે પણ ગૌહત્યા પર પ્રતિબંધનો ચુકાદો આપેલ છે. તેમ છતા ગૌરક્ષાને જો કોઈ પોતાના વ્યક્તિગત સ્વાતંત્રય પર તરાપ સમાન માનતુ હોય તો તેઓ આ દેશ છોડીને બીજે જઈ શકવા માટે પણ સ્વતંત્ર છે જ. આખરે તમારે (દેશના બંધારણ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાના ભોગે!)દંભી સ્વાતંત્ર્ય જ જોઈએને!

  ReplyDelete
 2. The ban requires slaughterhouse workers to stun animals before killing them. BAN is on religious slaughter.

  હિંદુ નામનો કોઈ ધર્મજ નથી આ તો દરેક ની આસ્થાઓને માન આપીને જ્ઞાન પંથ પર આગળ વધવાની પરંપરા છે, આજે એને આપણે secularism ના નામે ઓળખીયે છીએ. છઠ્ઠી સદીમાં intolerant સંપ્રદાયો નો ભારત પર આક્રમણ અને પ્રસાર થવા થી અને બ્રાહ્મણ સિવાય બીજા કોઈને જ્ઞાન લેવાનો અધિકાર ના હોવાથી ભક્તિ પંથ નો પ્રચાર કરવામાં આવ્યો એકંદરે જ્ઞાન પંથ નો સંપૂર્ણ હ્રાસ થયો અને આજે આસારામ અને VHP જેવા કહેવાતા હિન્દુત્વના સિપાહીઓ છે.
  જાતે સંસ્કૃત સિખો અને કાગળ છાપખાના પહેલાના રીગ્વેદ (તમાલપત્ર)ગોતી ને વાંચો. માંસ સિવાય તો દરેક પૂજા અધૂરી લખે છે.
  જો સંસ્કૃત સીખવાની ધીરજ કે સામર્થ્ય ના હોય તો સરોવર માં પાણી ના ટીંપા જેટલો આ લેખ વાંચી જાવ.
  https://truthabouthinduism.wordpress.com/2014/01/01/meat-consumption-in-hinduism/

  હું પોતે શાકાહારી છું, પણ જૈનો ના માટે કંદમૂળ ખાનારા પણ માંસાહારી છે, કાલે કોઈ નવો બહુમતી વાળો ધર્મ કહેશે કે માણસે માત્ર અને માત્ર મરચા જ ખાયી ને જીવન કાઢવાનું છે તો શું બીજા બધા ને મારી નાખવા યોગ્ય હશે ?
  બંધારણ માં secular,socialist વગેરે શબ્દો પાચળથી ઘુસાડવામાં આવ્યા છે, જે તાત્કાલિક દૂર કરવા જોઈએ. ધર્મ ને સરકારી કામકાજ માં દાખલ દેવાનો કોઈ અધિકાર નથી. બધાજ ધર્મો રાજાઓ દ્વારા લોકો પર અંકુશ લાવવા માટે બનાવેલ છે. અંદરોઅંદર લડી મારતા અને હજારો (ઇતિહાસ જુઓ વિક્રમ રાજા પણ વિદેસી જ હતો )વર્ષોથી વિદેશીઓ ના ગુલામો બનતી રહેલી ભારત ની પ્રજાએ પોતાની સંસ્કૃતિ વિષે આત્મ મંથન ની જરૂર છે.

  ReplyDelete