Wednesday, March 04, 2015

મનકી આંખે ખોલ, ‘બાબા’

સામાજિક લોકો જાણતા હશે કે પરિવારમાં છોકરીનું લાડકું નામ એક વાર ‘બેબી’ પડી જાય, તો ‘બેબી’ના ‘બાબા’ને ત્યાં ‘બેબી’ આવ્યા પછી પણ અસલ ‘બેબી’ તો ‘બેબી’ જ રહે છે. ઉંમરની આમન્યા રાખીને તેમને ‘બેબીબહેન’ કે ‘બેબીબા’ કહેવામાં આવે, એટલું જ. કૉંગ્રેસ અને રાહુલ ગાંધીના મામલે પણ કંઇક એવું જ બન્યું છે. કૉંગ્રેસ માટે રાહુલ ગાંધી ‘બાબા’ હતા, છે અને અત્યાર લગીની તેમની વર્તણૂંક જોતાં લાગે છે કે, તે એમ જ રહેશે. રાજાશાહીના ઊંડા સંસ્કાર ધરાવતા ભારતમાં પૈસાદારોના કે મોટા માણસોના બાબાઓને ‘યુવરાજ’ કહેવાનો રિવાજ છે. તેનાથી ઘણી વાર ‘યુવરાજ’ હરખાતા હોય - કે ન પણ હરખાતા હોય- છતાં હકીકત એ છે કે ‘યુવરાજ’નું ‘ગુજરાતી’ ‘બાબો’ જ થાય છે. (દેખીતી રીતે જ, ‘યુવરાજસિંઘ’ નામધારીઓ તેમાં અપવાદ છે.)

‘બાબા’ હોવામાં કશું ખોટું નથી. દરેક પુત્ર પોતાનાં માતા-પિતાનો ‘બાબો’ ને દરેક પુત્રી ‘બેબી’ હોય છે. પરંતુ સામાન્ય રીતે, એ લોકો યોગ્ય સમયે મોટાં, સ્વતંત્ર અને જવાબદાર પણ થાય છે. કોઇ કારણસર એવું ન થાય તો, એ લોકો ‘રાષ્ટ્રિય’ નહીં, પણ ‘કૌટુંબિક’ બાબા હોવાને કારણે, તેમનું ‘ચિરબાબાત્વ’ રાષ્ટ્રને બદલે ફક્ત કુટુંબ માટે ચિંતાનો વિષય બને છે. બીજાએ તે વિશે બહુ ચિંતા કે પંચાત કરવાનાં રહેતાં નથી.

‘બાબા’ શબ્દ ભારતીય પરંપરામાં સાધુસંત, પિતા કે બીજા વડીલો માટે વપરાતો હતો. પરંતુ અંગ્રેજી ભાષામાં બાળક માટે ‘બેબી’ શબ્દ પ્રચલિત બનતાં, તેના પુલ્લિંગ તરીકે ‘બાબા’નો નવો અવતાર શરૂ થયો.તેના પગલે ‘બાબાસૂટ’ અને ‘બાબાશેઠ’ આવ્યા. રાહુલ ગાંધી કૉંગ્રેસના ‘બાબાશેઠ’ છે. પાઠ્યપુસ્તકના સ્વાઘ્યાયની શૈલીમાં કહીએ તો, સૌએ પોતપોતાની આસપાસ રહેલા બાબાશેઠોની યાદી આપમેળે તૈયાર કરવી. તેનાથી નિરીક્ષણશક્તિ ખીલશે અને પરિસ્થિતિ સમજવામાં- તેની સાથે પનારો પાડવામાં મદદ થશે.

ભારતીય સમાજપરંપરામાં ‘બાબાશેઠ’નું એક તૈયાર બીબું છે : બાબાશેઠ એટલે કંઇક ઉદાર, કંઇક ગુસ્સૈલ, થોડા અનિર્ણાયક, થોડા ગૂંચવાયેલા, દુનિયાદારીના ભાન વગરના, મોંએ ચઢાવેલા, પોતાના કહેવાતા આદર્શની સૃષ્ટિમાં રાચનારા, પોતાને સૃષ્ટિનું કેન્દ્ર ગણનારા, કંઇક દયાળુ, કંઇક ઉદ્ધત અને અસલી-વાસ્તવિક સત્તા વગરના ‘યુવરાજ’. આ ગુણલક્ષણોમાં વ્યક્તિ પ્રમાણે માત્રાભેદ કે ઉમેરા-બાદબાકી હોઇ શકે. પણ ‘બાબાશેઠ’ શબ્દ કાને પડતાં આવાં લક્ષણોના સરવાળા જેવી એક મૂર્તિ મનમાં ખડી થાય.

‘બાબાશેઠ’ પરંપરાના કેટલાક નિયમો છે. જેમ કે, ‘બાબાશેઠ’ ક્રિકેટ રમવા મેદાન પડે ત્યારે બેટ, બૉલ અને સ્ટમ્પ તેમનાં પોતાનાં હોય છે. (એટલે) તે કદી આઉટ થતા નથી. તે આઉટ થાય એ બૉલને શેરીક્રિકેટની પરંપરા પ્રમાણે ‘ટ્રાયલ બૉલ’ અથવા આંતરરાષ્ટ્રિય નિયમ પ્રમાણે, ‘નો બૉલ’ જાહેર કરવામાં આવે છે. બાબાશેઠના ફટકાને ફિલ્ડર લાત મારીને બાઉન્ડ્રીની બહાર પહોંચાડી શકે છે અને તેમના કૅચને પડતા મૂકવા એ ધગધગતી વફાદારીનો નમૂનો બની રહે છે. આ બધાં કારણોસર બાબાશેઠ પોતે પણ એક નમૂનો બને છે.

ક્રિકેટની રમત કરતાં ચૂંટણીની રમત જરા જુદી છે. ભારતીયોને એમાં ક્રિકેટ કરતાં ભલે ઓછો, પણ કબડ્ડી અને કુસ્તી કરતાં ઘણો વધારે રસ પડે છે. ચૂંટણીની રમતમાં ઘણા ‘બાબાશેઠો’ પોતપોતાની ફોજ સાથે ઉતરે છે. કમબખ્ત લોકશાહીને કારણે અહીં (પોતાનાં સ્ટમ્પ-બેટ-બૉલની જેમ) પોતાના જ ગોઠિયાઓ સામે ચૂંટણી લડી શકાય એવી વ્યવસ્થા હોતી નથી. છતાં, આ રમત જરા ગંભીર અને વાગી જાય એવી હોવાથી, મોટે ભાગે બાબાશેઠના વાલીવડીલો તેમના રક્ષણ માટે પૂરી વ્યવસ્થા રાખે છે. ભારતમાં ચૂંટણી પરંપરાગત રીતે સિનિયર સિટિઝનોનો ખેલ ગણાતો હતો. તેમાં આવી જતી એકવિધતા દૂર કરીને મનોરંજનનું તત્ત્વ ઉમેરવા માટે પણ બાબાશેઠોને દાખલ કરવાનું શરૂ થયું.

વાંકદેખાઓ એને ‘વંશવાદ’ કહીને તેની ટીકા કરવા લાગ્યા. તેમને એટલું પણ નહીં  સમજાતું હોય કે માણસ પોતાના બાબાને નહીં, તો શું બીજાના બાબાને આગળ કરે? જરાક વૈજ્ઞાનિક અભિગમથી વિચારો : માણસજાત અત્યારના મુકામે કેવી રીતે પહોંચી? ઉત્ક્રાંતિનો પ્રાથમિક અભ્યાસ ધરાવનારા પણ કહેશે કે માણસે પોતાની પછીની પેઢીની ઘણી કાળજી રાખી અને તેની ચિંતા સેવી. પરિણામે, તે વાંદરાં ને ચિમ્પાન્ઝી કરતાં, ડૉલ્ફિન ને વ્હેલ કરતાં ચડિયાતી નીપજી આવી. ભારતના રાજકારણમાં બાબાશેઠોની પરંપરા પાછળ પણ આવાં ઉત્ક્રાંતિલક્ષી કારણો જવાબદાર નથી, એવું કોણ કહી શકે? અને કોઇ કહે તો પણ એ શા માટે માનવું જોઇએ? માણસ પોતાની સંતતિનું હિત જુએ એ કુદરતનો ક્રમ છે. તેની ટીકા કરનારા આપણે કોણ?

પરંતુ ખાડે ગયેલા શિક્ષણના દેશ ભલભલી બાબતોમાં, ભલભલા લોકો વિજ્ઞાન કે તર્ક સમજતા ન હોય, ત્યારે આ બાબતમાં તેમની પાસે ઉન્નત સમજની અપેક્ષા રાખવી, એ દુઃખી થવાનો ધંધો છે. સરેરાશ રાજકારણીઓ દુઃખી થવાના નહીં, પણ દુઃખી કરવાના ધંધામાં હોય છે. લોકોની સમજ વધારવાને બદલે તેમની અણસમજ બહેલાવીને, એમાંથી પોતાનું કામ કાઢી લેવાનું તેમને વધારે માફક આવે છે. એટલે બાબાશેઠ પરંપરાને વૈજ્ઞાનિક દૃષ્ટિથી સમર્થન આપવાને બદલે, એ બીજા રસ્તા અપનાવે છે.

બાબાશેઠોનું લોકપ્રિય ઢબે માર્કેટિંગ કરવા માટે ‘નવું લોહી’, ‘કોરી પાટી’, ‘મિસ્ટર ક્લીન’ જેવાં કૅચ-ફ્રેઝ (ચબરાકીયાં) વહેતાં મૂકવામાં આવે છે. ‘બાબાશેઠ’નો ચોપડો ચોખ્ખો છે ને તેમનો કોઇ ‘ઇતિહાસ’ નથી, એવું ગાઇવગાડીને કહેવામાં આવે છે. આ જાતના પ્રચારમાં તર્કને સ્થાન હોતું નથી. એટલે ‘કોરું’ હંમેશાં ‘ચોખ્ખું’ હોય કે કોરું હંમેશાં આવકાર્ય ન હોય, એટલી સાદી વાત ઘણા ભૂલી જાય છે. કોરું કેમ સદા આવકાર્ય ન હોય, એવું જાણવા ઇચ્છુકોએ પરીક્ષામાં  ઉત્તરવહી કોરી રાખવાનો પ્રયોગ કરી જોવો. પરીક્ષકો હોય તો તેમણે કોરી ઉત્તરવહીના ચોખ્ખાપણા પર મુગ્ધ થઇને, તેના છોડણહારને સોમાંથી સો માર્ક આપી જોવા.

શું આ શક્ય છે? જવાબ : પરીક્ષામાં શક્ય નથી, પણ ચૂંટણીપરીક્ષામાં શક્ય છે. એક વાર નહીં, અનેક વાર, અપવાદરૂપે નહીં, પણ પરંપરારૂપે એ શક્ય બને છે, એટલે તો ભારતના રાજકારણમાં બાબાશેઠોની બોલબાલા જોવા મળે છે. તેમાંથી ઘણા બાબાશેઠો દીવેટ વગરના રૉકેટ જેવા, તો ઘણા કેવળ દીવેટધારી - અને દારૂ વગરના- રૉકેટ જેવા હોય છે. પરંતુ તેમનું બાબાશેઠપણું ઘણાખરા કિસ્સામાં દીવેટની, દારૂની કે અમુક કિસ્સામાં બન્નેની ખોટ ભરપાઇ કરી દે છે. કમ સે કમ, તેમનાં પરિવારજનો તો એવું જ માને છે અને બીજાને એવું સમજાવવાનો પ્રયાસ કરે છે.

વર્ષો પહેલાં ભારતમાં સંજય ગાંધી નામના એક બાબાશેઠ થઇ ગયા. તેમણે ભારતને કટોકટીની ભેટ આપી હતી. તેમના ભત્રીજા રાહુલ ગાંધી એટલા પ્રતાપી નથી. એટલે તેમણે સમગ્ર દેશને નહીં, ફક્ત પોતાના પક્ષને કટોકટીમાં ધકેલ્યો છે. પરંતુ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના પ્રેમી તરીકે એટલું જ કહેવાનું રહે છે કે અનેક પક્ષોનો ક્ષય થજો, પણ બાબાશેઠોનો જય હજો.  

No comments:

Post a Comment