Sunday, March 15, 2015

ગાંધીકથાકાર, ચરિત્રકાર, સર્વોદયી નારાયણ દેસાઇની વિદાય

આજે સવારે સમાચાર મળ્યા. નારાયણ દેસાઇ /  Narayan Desai ગયા. થોડા સમય પહેલાં એ કોમામાં સરી ગયા પછી થોડા રીકવર થઇ રહ્યા હતા. 90 વર્ષની ઉંમર તેમની સામે હતી ને દૃઢ મનોબળ તેમની સાથે.  તેમની રીકવરીના સમાચાર જાણીને એકથી વધારે વાર એવો વિચાર આવ્યો હતો કે કાકા સાજા થાય પછી ’સાર્થક સંવાદ શ્રેણી’ માટે તેમનો દીર્ઘ ઇન્ટરવ્યુ કરવો છે. પરંતુ એ તક ન મળી. 
Narayan Desai/ નારાયણ દેસાઇ
આ લખાણમાં નારાયણભાઇના જીવન વિશેની વિગતો આપવાનો ઉપક્રમ નથી. થોડી અનૌપચારિક વાતો અને થોડાં સંભારણાં યાદ કરવાં છે.

મહાદેવભાઇ દેસાઇ પ્રત્યે અનન્ય ભાવ અને આદરને કારણે નારાયણભાઇ વિશે સાંભળેલું ખરું, પણ તેમને મળવાનું નડિયાદમાં તેમની ગાંધીકથા દરમિયાન થયું. ’દિવ્ય ભાસ્કર’ ની રવિવારની પૂર્તિ માટે તેમનો આખું પાનું ભરીને, એકંદરે જરા જુદી જાતનો કહેવાય એવો ઇન્ટરવ્યુ કર્યો હતો. એ વખતે તેમણે ખુલીને જવાબ આપ્યા હતા. પણ તેમના વ્યક્તિત્વમાંથી અનાવિલત્વની ઝીણી ઝીણી ફુવારીઓ સતત ઉડતી રહેતી. (ક્યારેક તેમાંથી ફુવારો પણ થઇ જાય.) તેમની સાથે એક જ મુલાકાતમાં ફાવી જાય, એવી શક્યતા મારા જેવા માટે ઓછી. હવામાંથી આદર ડાઉનલોડ કરવાનું અમસ્તું ઓછું ફાવે. એટલે પ્રત્યક્ષ અનુભવ (કે વાચન) પછી જ ભાવ કે અભાવ જાગે. (ગાંધીની વાત કહેવા માટે ’ગાંધીકથા’ના સ્વરૂપ સામે મને કેટલાક પ્રશ્નો હતા)

નારાયણભાઇને ફરી જોવા-મળવાનું નડિયાદમાં જ થયું. નડિયાદ મહિલા આર્ટ્સ કોલેજના આચાર્ય અને પરમ મિત્ર હસિત મહેતાએ ગુજરાતી સામયિકો વિશે એક અનોખો સેમિનાર તેમની કોલેજમાં યોજ્યો. તેમાં રમણ સોની, દીપક મહેતા, જયદેવ શુક્લ જેવા સાહિત્ય અને અધ્યાપન જગતનાં ઘણાં નામો ઉપરાંત કુલીનકાકા (કુલીનચંદ્ર યાજ્ઞિક), રઘુવીર ચૌધરી, મહેન્દ્ર મેઘાણી અને નારાયણ દેસાઇ પણ ઉપસ્થિત હતા. (બધાં નામ અહીં આપતો નથી,) એ વખતની થોડી તસવીરો અને (બ્લોગના અંતે) નારાયણભાઇની એક વિડીયોનો અંશ પણ મૂક્યાં છે.

(Pl. Click to enlarge pics. All Pics: Urvish Kothari)
(L to R) Mahendra Meghani, Narayan Desai, Hasit Mehta / (ડાબેથી)
મહેન્દ્ર મેઘાણી, નારાયણ દેસાઇ, હસિત મહેતા (નડિયાદ, 2009)
Nadiad Semnar: Raman Soni, Mahendra Meghani, Dipak Mehta, Narayan Desai,
Hasit Mehta, Raghuveer Chaudhary, Kinnari Bhatt & others
નડિયાદ સેમિનારઃ રમણ સોની, મહેન્દ્ર મેઘાણી, દીપક મહેતા, નારાયણ દેસાઇ, હસિત
મહેતા, રઘુવીર ચૌધરી, કિન્નરી ભટ્ટ અને બીજા  (2009)
Triangle of Gujarati Sahitya Parishad : Narayan Desai (speaking), Ku,inchndra
Yagnik (on stage), Raghuveer Chaudhary (listening) /
સાહિત્ય પરિષદના ત્રણ ખૂણાઃ નારાયણ દેસાઇ, કુલીનચંદ્ર યાજ્ઞાિક (સ્ટેજ પર),
રઘુવીર ચૌધરી (રૂપેરી બાબરી)
ત્યાર પછી પણ વખતોવખત નારાયણભાઇને એક યા બીજા સમારંભોમાં જોવાના-સાંભળવાના થયા. એવી કેટલીક યાદગીરી.
નારાયણ દેસાઇ, આશિષ નંદી ’મારું જીવન મારી વાણી’ના અંગ્રેજી અનુવાદના
વિમોચન પ્રસંગે / Narayan Desai, Ashish Nandi at Gandhi Ashrem
releasing 'My life is my message' (2009)
(ડાબેથી) પુસ્તકનો અનુવાદ કરનાર ત્રિદીપ સુહૃદ, નારાયણ દેસાઇ, આશિષ નંદી,
સહેજ દૂર કાર્તિકેય સારાભાઇ, કિન્નરી ભટ્ટ  / L to R Tridip Suhrud, Narayan Desai,
 Ashish Nandi, Kartikey Sarabhai, Kinnari Bhatt  (Gandhi Ashram, 2009)
પ્રો.ગણેશ દેવી આયોજિત ’ભાષા કન્ફ્લુઅન્સ’માં (ડાબેથી) નારાયણ દેસાઇ, મહાશ્વેતા
દેવી, સુદર્શન આયંગાર / L to R: Narayan Desai, Mahashweta Devi,
Sudarshan Ayanger (Vadodara, 2010)
એક વાર એવો ભેદી કાર્યક્રમ યોજાયો હતો કે સાહિત્ય પરિષદ (અમદાવાદ)ના પુસ્તકાલયમાં નારાયણભાઇ તેમને ગાંધીકથા દરમિયાન ભેટ તરીકે મળેલી ગાંધીજીની પ્રતિમા પરિષદને અાપવાના હતા અને એ પુસ્તકાલયમાં વચ્ચોવચ મુકાવાની હતી. પરિષદપ્રમુખ તરીકે ગાંધીજીની પ્રતિમા મુકાય ત્યાં સુધી ઠીક, પણ એ પ્રતિમાના બેઝની પાછળ લખાયેલી ભેટની વિગતો પણ એમની એમ જ હતી, એ જરા વિચિત્ર લાગે એવું હતું.
પ્રકાશ ન.શાહ, નારાયણ દેસાઇ (સાહિત્ય પરિષદ, અમદાવાદના પુસ્તકાલયમાં)
Prakash N Shah, Narayan Desai (Sahitya Parishad Library, Ahmedabad,2009)
પ્રકાશ ન.શાહ, નારાયણ દેસાઇ (સાહિત્ય પરિષદ, અમદાવાદના પુસ્તકાલયમાં)
Prakash N Shah, Narayan Desai (Sahitya Parishad Library, Ahmedabad,2009)
રઘુવીર ચૌધરી, ધીરુભાઇ ઠાકર, નારાયણ દેસાઇ, મનીષી જાની, નિમેષ દેસાઇ
(સ્ટેજ પર) (Lto R) Raghuveer Chaudhary, Dhirubhai Thaker, Narayan Desia,
Manishi Jani,Nimesh Desai (On stage), 2008. pic: Binit Modi
L to R Kantibhai Patel (sculptor), Narayan Desai, Pranlal Patel, 2009
ગાંધીશિલ્પકાર અને ગાંધીકથાકારઃ (ડાબેથી) કાંતિભાઇ પટેલ, નારાયણ દેસાઇ,
 પ્રાણલાલ પટેલ, અમદાવાદ, ૨૦૦૯
***

નારાયણભાઇ સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા તે પહેલાં ઘણા બધાને બોલાવીને મળતા હતા. એવી રીતે મને પણ મળ્યા હતા. પણ તેમની સાથેની પહેલી -- અને હવે છેલ્લી -- નિરાંતવી,અનૌપચારિક મુલાકાત ૨૦ ઓક્ટોબર, ૨૦૧૪ની સાંજે થઇ. મિત્ર હસિત મહેતા સાથે તેમણે સંદેશો પાઠવ્યો હતો. એ સાંજે લગભગ એક- સવા કલાક સુધી, તેમના સદગત મિત્ર નાનુભાઇ મઝુમદારના ભાઇ કિશોરભાઇના પંચવટી (અમદાવાદ)ના ઘરે ગપ્પાંગોષ્ઠિ થઇ.  તેમને સાર્થક જલસોના બે અંક આપ્યા. તેમણે મારી હાજરીમાં પાનાં ફેરવીને, શાંતિથી વાંચવાનું કહીને એ પાસે મૂક્યા.

ઘણા વખતથી સમયના અભાવે આવી મુલાકાતોની નોંધ કરી શકતો નથી, પણ તે દિવસે વળતાં ટ્રેનમાં જ નોંધ કરી લીધી હતી. એટલે એમાંથી થોડી વાતો, નારાયણભાઇ વિશેની મારી અંતરંગ સ્મૃતિ તરીકે મૂકીને એમને વિદાય પાઠવું છું.
***

ટાગોરનાં ગીતોનો અનુવાદ

નાનુભાઇ મઝુમદારને વી.એસ. હોસ્પિટલમાં દાખલ કર્યા એ વખતની વાત કરતાં નારાયણભાઇએ કહ્યું હતું.
તેમને જોવા એટલા બધા લોકો આવતા હતા કે નર્સ કહે, આખી હોસ્પિટલમાં દર્દી આ એક જ લાગે છે. કેટલા બધા લોકો એમને જોવા આવે છે. એમની સાથે રાત રોકાવા માટે હું અહીં રહ્યો હતો. અમે નવ-દસ જણ રાત રોકાવા માટે તૈયાર રહેતા હતા. હું એમને ટાગોરના ગીતોના અનુવાદ કરીને સંભળાવતો. એ તેમાં કંઇ સૂચવે. એમને સંભળાવ્યા પછી જ હું ફાઇનલ કરું. એ મરણપથારીએ હતા. સાથે અરુણ ભટ્ટ પણ બેઠેલા હતા. એ સારું ગાય. પણ નાનુભાઇએ મને રવીન્દ્રસંગીત ગાવા કહ્યું. હું વિચારતો હતો કે તેમની આ અવસ્થા માટે કયું ગીત ગાઉં. એટલામાં તે કૉમામાં જતા રહ્યા. અને પછી કદી બહાર  આવ્યા જ નહીં. મને તેનો એટલો વસવસો રહી ગયો કે હું તેમને છેલ્લે છેલ્લે ગીત સંભળાવી શક્યો નહીં. એ અફસોસને કારણે મેં તેમને યાદ કરીને રવીન્દ્રના સો ગીતોના અનુવાદ કર્યા. પણ એ સ્વાનતઃ સુખાય. એ પ્રકાશિત કર્યા નથી. રવિગીત તરીકે જે પ્રકાશિત કર્યા એ તો ચાળીસેક જ છે.

રેંટિયાસંગીત અને રવીન્દ્રસંગીત

અત્યારના માહોલમાં ડીપ્રેશન નથી આવતું?’ એના જવાબમાં એમણે કહ્યું હતું, ’જ્યારે પણ એવું લાગે ત્યારે રેંટિયો કાંતું છું. (બાજુમાં પડેલી પેટી બતાવી) તેમાં સૌથી પહેલાં તો મેડિટેશન. પછી રીધમ અને ક્રીએટીવીટી તો ખરી જ.)

બીજું છે રવીન્દ્રસંગીત. હું ગાઉં છું. બહુ સારો અવાજ તો નથી, પણ મારી રીતે ગાઉં. રવીન્દ્રસંગીત મને મારી સાસુ પાસેથી જાણવા-શીખવા મળ્યું. એ રવીન્દ્રનાથનાં પહેલી બેચમાં મહિલા શિષ્યાઓમાં. રવીન્દ્રનાથ ઘણી વાર ટ્યુન બનાવે, પણ પછી ભૂલી જાય. એટલે એ કોઇને સંભાળાવી રાખે અને કહે કે હું ભૂલી જઉં તો તારે મને યાદ અપાવવાની. એટલે એ મારાં સાસુને સંભાળવતાં. એ ૯૪ વર્ષની વયે ગયાં. પણ ૯૨ વર્ષ સુધી ગાતાં હતાં. છેલ્લે એ શબ્દો ભૂલી જાય ત્યારે હું એમને શબ્દો યાદ કરાવતો હતો.

બીજો મહાદેવભાઇનો વારસો. મહાદેવભાઇએ ગાંધીજી પાસે જતાં પહેલાં ટાગોરના ચિત્રાંગદા જેવા અનુવાદ કરેલા. એટલે એમનો મૂળ જીવ તો ટાગોરનો. આ બાબતમાં હું ગાંધીજી કરતાં ટાગોરની વધારે નજીક છું.

રાજગોપાલાચારી- રાજાજી, એમ.એસ.સુબ્બલક્ષ્મી સાથેનો નાતો

હું બનારસ હતો ત્યારે રાજાજીએ તેમનાં બહેનનાં અસ્થિ ગંગામાં વિસર્જન માટે મને મોકલ્યાં હતાં. મેં વિસર્જન કરીને તેમને વિગત લખી કે મને વિધિવિધાન તો ખબર નથી, પણ મેં નદીની વચ્ચે જઇને ઇશોપનિશદનો પાઠ કરીને વિસર્જન કર્યું. એ પત્રના જવાબમાં રાજાજીએ લખ્યું કે મહાદેવભાઇ હોત તો આવું જ કરત. આ ઘટનાના થોડા મહિના પછી રાજાજીનું અવસાન થયું ત્યારે તેમનાં બધાં પરિવારજનો હાજર હોવા છતાં, તેમનાં અસ્થિ બનારસ અને અલાહાબાદમાં વિસર્જન કરવા માટે મને કહેવામાં આવ્યું.

રાજાજીને પત્રકારો જોડે વ્યક્તિગત સંબંધો હતા. એટલે ૧૯૪૨ પછી તેમનો રસ્તો જુદો પડ્યો અને એ લગભગ પાકિસ્તાનની તરફેણમાં હોય એવું લાગતું હતું ત્યાર પણ બધા પત્રકારો તેમની સાથે હતા. તમિલનાડુના મોટા અખબાર કલ્કિના એડિટરનું તેમણે સુબ્બલક્ષ્મી સાથે લગ્ન કરાવ્યું હતું. રાજાજીના સંબંધે હું જઉં ત્યારે સુબ્બલક્ષ્મી મારી સામે ગાય અને ભારતરત્ન સુબ્બુલક્ષ્મી વેઢમી બનાવીને જમાડે. કારણ કે હું મહાદેવ દેસાઇનો દીકરો અને મહાદેવભાઇ રાજાજીના મિત્ર.

વિદ્યાપીઠનું કુલપતિપદું, પરિષદનું પ્રમુખપદું

જોબ સેટિસ્ફેક્શન કેવુંક મળ્યું?’ એવા સવાલના જવાબમાં એમણે કહ્યું, ’જોબ સેટિસ્ફેક્શનનો સવાલ નથી. કારણ કે બન્ને ઠેકાણેથી મને સામેથી કહ્યું હતું અને મારી શરત હતી કે સર્વસમંતિ હોય તો જ હું પદ સ્વીકારું. પરિષદમાં એટલું થયું કે મારા કાર્યકાળમાં અમદાવાદકેન્દ્રી પરિષદ ગુજરાતમાં ઠેકઠેકાણે પહોંચી અને બધાને લાગ્યું કે પરિષદ અમારે આંગણે આવી.

વિદ્યાપીઠમાં એ લોકો મને વેડછી મળવા- કહેવા આવ્યા હતા. વિદ્યાપીઠમાં એવો ધારો છે કે કુલપતિના મૃત્યુ પછી જ નવો કુલપતિ નીમાય, પરંતુ મેં પહેલેથી કહ્યું હતું કે હું એવું ઇચ્છતો નથી. આમ તો મેં એમને તારીખ પણ આપી દીધી હતી, પણ અત્યારે કુલનાયક પણ નવા હોય ત્યારે હું છોડી દઉં એના કરતાં કુલનાયક આવે ને સેટ થઇ જાય પછી હું છોડીશ.
(તા.ક.-નારાયણભાઇ પછી ઇલાબહેન ભટ્ટ આ પદે નીમાયાં.)

અમારી વાતચીત વખતે એક બહેન કશીક સહી કરાવવા આવ્યાં અને કાકા આગળ મોટા અવાજે બોલવા લાગ્યાં, એટલે કાકા સહેજ બગડ્યા. કહે, ’મેં મશીન પહેરેલું છે. એટલે મોટેથી બૂમો નહીં પાડો તો ચાલશે.


હવે ગમે તેટલું મોટેથી બોલવાથી પણ કાકા સાંભળે એમ નથી. ફેસબુક પર તેમના મૃતદેહના ક્લોઝ-અપ જોઇને ખેદ થાય છે. કાકા માટે પ્રચંડ માત્રામાં આદરભાવ ન હોવા છતાં, માપસરનો પ્રેમભાવ થયો, તેના કારણે હું એમને ફેસબુક પર મુકાતા ભયાનક સ્વરૂપના ફોટાથી યાદ રાખવા માગતો નથી. એટલે એમાંનો એકેય ફોટો અહીં મૂક્યો નથી. એને બદલે, નડિયાદમાં કાકા પત્રકારો અને પત્રકારત્વ વિશે જે બોલ્યા હતા તેની, કાકાનો અસલી મિજાજ રજૂ કરતી, ક્લિપ મૂકીને તેમને વિદાય આપું છું.


3 comments:

  1. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદની સોંપણી નારાયણભાઈ દેસાઈને ડિસેમ્બર - 2007 દરમિયાન પાટનગર ગાંધીનગરમાં રંગેચંગે થઈ હતી. સમાંતરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પણ ચાલતી હતી એટલે એ કાર્યક્રમ રાજકારણીઓની હાજરીથી બચી ગયો.
    એ પછી પખવાડિયામાં જ પરિષદમાં મળેલી પહેલી બેઠકમાં હાજર રહેલા સભ્યો પરિષદ બંધારણમાં કે કાર્યવાહીમાં સુધારાના મુદ્દે નારાયણ દેસાઈ પર એટલા ઉકળી ગયા હતા કે ન તો તેમની એકેય વાત સાંભળતા હતા ન તો તેમને કશું બોલવા દેતા હતા.
    પોતાનો કોઈ મુદ્દો રજૂ કરવા માંગતા પરેશ નાયક ખુરશી પરથી ઉઠીને આઠ ફીટ લંબાઈના ટેબલ પર સેન્ડલભેર અધવચ્ચે આવીને પલાંઠીભેર બેઠા પછી કાકા પણ ઊભા થઈ ગયા. કહી દીધું કે હવે કોઈ રજૂઆત કરવી હોય તો વેડછી આવજો.

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  2. Anonymous5:48:00 AM

    થોડા દિવસ પૂર્વે મારા અધ્યાપક મિત્રને અમસ્તો ખબર અંતર પૂછવા સારૂં ફોન કર્યો. સુખ-દુંઃખની વાતો કરી. પછી એણે સામેથી કહ્યું કે, યુજીસીમાંથી એક પ્રોજેક્ટ(ફેલોશીપ) મળી છે. 'ગાંધીજીનાં પત્રો' વિશે. એટલે મેં એમને સહજતાથી કહી નાખ્યું કે, શ્રી નારાયણભાઇ દેસાઇ સાથે મુલાકાત કરે તો સંશોધનમાં વધુ અસરકારકતા બની રહેશે. ને ખૂબ સચોટ માર્ગદર્શન મળી રહેશે. બે દિવસ પછી ખબર પડી કે 'શ્રી નારાયણભાઇ હવે નથી રહ્યાં.' ત્યારે અફસોસ થયો..

    દિલીપ વસાવા(નર્મદા-ડેડીયાપાડા)

    ReplyDelete
  3. તમારો આ લેખ નારાયણ્ભાઈએ ગંભીરતાથી સાંભળ્યો હતો. કેટલાક લેખો ન સાંભ્ળ્વા હોય તો ઈશારો કરિ દેતા- 'આગળ વધ,બીજૂ કઈ વાંચ'. દા.ત. ભારત રત્ન આપવાની ઘોષણા પછી અટલજી નો વિસ્તૃત બાયો ડેટા.
    અફલાતૂન, વારાણસી

    ReplyDelete