Monday, January 29, 2018

નલિની વિનોદ ભટ્ટની વિદાય

સ્નેહી વડીલ અને જાણીતા હાસ્યલેખક વિનોદ ભટ્ટનાં પત્ની નલિનીબહેનનું ગઈ કાલે રાત્રે અવસાન થયું. ઘણા સમયથી તેમની તબિયત નરમગરમ રહેતી હતી. સંભળાતું ઓછું થયું હતું. ચાલવાના પ્રશ્નો હતા. પણ ગઈ કાલે હાર્ટ એટેક આવ્યો ને થોડી મિનીટોમાં તો એ ચાલી નીકળ્યાં...એટલાં આગળ કે તેમને પકડી ન શકાય.
વિનોદ ભટ્ટ- નલિની ભટ્ટ
સાર્થક પ્રકાશનના પ્રારંભ કાર્યક્રમમાં 

વિનોદભાઈના અંગત પરિચયમાં આવેલા સૌ કોઈને નલિનીબહેનની મૂક અને બિનઅવરોધક હાજરીનો અનુભવ હશે. જાહેર કાર્યક્રમોમાં પણ તે બંને ઘણી વાર સાથે, ઉત્તરાવસ્થામાં એકબીજાનો હાથ પકડીને, જતાં જોવા મળે. નલિનીબહેન મૂળ હિંદીનાં શિક્ષક. વિનોદભાઈના કેટલાક લેખનો હિંદી અનુવાદ પણ તેમણે કરેલો. વિનોદભાઈ તેમને પ્રેમથી, લહેકાપૂર્વક 'માસ્ત...ર' કહીને બોલાવે, ઘરે જઈએ અને બહાર નલિનીબહેન બેઠાં હોય તો એ પણ વાત કરે. વાંચવાનાં જબરાં શોખીન. એક વાર વિનોદભાઈ કહે, Dipak Soliya નું 'સિદ્ધાર્થ' એને બહુ ગમ્યું. તું ખાસ દીપકને કહેજે. યાદ છે ત્યાં સુધી, દીપક અને હું ત્યાર પછી એક વાર વિનોદભાઈના ઘરે ગયા હતા અને નલિનીબહેનને મળ્યા હતા.
નલિની વિનોદ ભટ્ટ 
વિનોદભાઈ એમની અને એમને ઓછું સંભળાતું એની પણ ઘણી વાર મસ્તી કરી લે. છેલ્લે થોડા દિવસ પહેલાં તેમને મળવાનું થયું, ત્યારે ખબર જોવા ગયો હતો વિનોદભાઈની. ગંભીર બીમારી પછી વિનોદભાઈ ઘણા વખતે સ્વસ્થ બેઠા હતા. સાથે નલિનીબહેન પણ ખરાં. મેં વિનોદભાઈને કહ્યું, 'હું નસીબ ને એવાબધામાં માનતો નથી. પણ એક વાત મારા મનમાં બેસી ગઈ છે. મારું જ્યોતીન્દ્ર દવેનું કામ પૂરું ન થાય ત્યાં સુધી તમારે ને મારા બીજા ગુરુજનોએ ક્યાંય આઘાપાછા થવાનું નથી.'  વિનોદભાઈ હસ્યા, નલિનીબહેનને નજીક આવવા ઇશારો કર્યો અને પછી એમના કાન પાસે જઈને આ વાત તેમને સંભળાય એ રીતે કહી. એટલે એ પણ તેમની સ્ટાઇલમાં, આંખી ઝીણી થઈ જાય એ રીતે, હસ્યાં. એના થોડા દિવસ પહેલાં ગયો ત્યારે વિનોદભાઈ તેમની કાયમી જગ્યાએ પણ તંદ્રાવસ્થામાં હતા. તબિયત ખરાબ હતી. હું નલિનીબહેનને મળીને ઉભાઉભ પાછો નીકળવા જતો હતો, ત્યાં એ કહે, 'તમે એમને જગાડો. વાતો કરશે તો સારું લાગશે. એમને જગાડવાની જરૂર છે.'

નલિનીબહેન આવી કોઈ અવસ્થા વિના સીધાં ચાલી નીકળ્યાં. હાર્ટ એટેક આવ્યાની મિનીટોમાં.. વિનોદભાઈને સવારે મળ્યો ત્યારે અ એકદમ સ્વસ્થ હતા. બોરીસાગરસાહેબ, નિરંજન ત્રિવેદી અને વિનોદભાઈના મિત્ર ગિરીશ ભગત બેઠા હતા. હસાહસ પણ કરી. ડેથ સર્ટિફિકેટની મુશ્કેલી વિશે એ કહે, યાર, એવું લાગે છે કે 'જીવતાંજીવ જ લઈ રાખવું પડશે. એટલે પછી માથાકૂટ નહીં.'
પણ એકલા પડ્યા એટલે કહે, યાર, બધા આશ્વાસન આપે. પણ એમ કેવી રીતે ભૂલી શકાય?


Friday, January 26, 2018

પ્રજાસત્તાકમાં જોઈએ છેઃ નાગરિક‘સેના’

એક વાર્તાઃ a નામનું એક નગર હતું. તેમાં b નામનો રાજા રાજ કરતો હતો. તેની c નામની રાણી હતી. તે અત્યંત રૂપાળી હતી. તેના રૂપ વિશે x નામના સુલતાનને ખબર પડી. તેણે a નગર પર ચઢાઈ કરી, b રાજાને પકડી લીધો, પણ તેની રાણીને પામી શક્યો નહીં. રાણી c એ બીજી સ્ત્રીઓ સાથે મૃત્યુને ભેટી. સુલતાન x હાથ ઘસતો રહી ગયો.

કેવી લાગી ઉપરની વાર્તા? જેમને એ નિર્દોષ અને બિનવાંધાજનક લાગી હોય, તેમને જણાવવાનું કે આ વાર્તા વાંચીને
1) ગણિતશાસ્ત્રીઓની લાગણી દુભાઈ શકે છે. કેમ કે તેમાં ગણિતમાં વપરાતાં a,b,c,x,y,zનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

2) તેનાથી અંગ્રેજી ભાષાપ્રેમીઓની લાગણી દુભાઈ શકે છે. કારણ કે તેમાં અકારણ અંગ્રેજી મૂળાક્ષરો (આલ્ફાબેટ)ને ઘસડવામાં આવ્યા છે.

3) ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને પ્રતિષ્ઠાના સંરક્ષકો તેનાથી દુભાઈ શકે છે. કારણ કે આર્યાવર્તનું ગૌરવ કરતી એક વાર્તામાં a,b,c,x,y,z જેવાં નામ અપાયાં છે. એ તો ચોખ્ખો ભારતવર્ષની મહાતાનો ઇન્કાર નથી?

4) અને પદ્મિની ઉર્ફે પદ્માવતી ઉર્ફે પદ્માવત ફિલ્મના વિરોધીઓ તો ખરા જ ખરા. એમ નામ ભૂંસી કાઢવાથી મૂળ કથાનો મહિમા અને તેમનો દુભાવાનો અધિકાર થોડા જતા રહે છે?
***

એક લઘુકથાઃ ચોતરફથી યુદ્ધનાદ ઉઠ્યા, ગૌરવ અને પ્રતિષ્ઠા હોડમાં મુકાયાં હતાં. જાણે છેલ્લું યુદ્ધ લડવાનું હોય તેમ લોકોએ હડી કાઢી, જે આવ્યું તે હાથમાં લઈને મેદાને પડ્યાં, આગના ભડકા અને ધુમાડાથી વાતાવરણ ભરાઈ ગયું, ભીષણ ખખડાટનો અવાજ સર્વત્ર વ્યાપી રહ્યો…
--પછી યુદ્ધનાયકે કહ્યું, ‘ચાલો, આ થિએટરનું કામ પૂરું થયું. હવે તે ફિલ્મ બતાવવાની હિંમત નહીં કરે.’

***
પ્રજાસત્તાક ભારતનો 69મા પ્રજાસત્તાક દિવસે વધુ એક વાર કેટલાક પાયાના અને વ્યાપક મહત્ત્વ ધરાવતા સવાલ ઉભા થયા છે. એને ગાલીચા તળે સંતાડતા રહીને પ્રજાસત્તાકની ઉજવણી કરવી એ બંધારણના હાર્દનો દ્રોહ ગણાય.

દેશ એટલે દેશનું બંધારણ અને તે જેમની સુખાકારી માટે ઘડવામાં આવ્યું છે તે દેશના લોકો. પરંતુ સૌથી અગત્યનો સવાલ છેઃ ‘દેશના લોકો’ એટલે કોણ? ‘પદ્માવત’ ફિલ્મનો ઉગ્ર અને કાયદોવ્યવસ્થા હાથમાં લઈને વિરોધ કરી રહેલા ‘લોકો’ કે સેન્સર બોર્ડે પાસ કરેલી અને સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારોના જેની સામેના મનાઈહુકમો ફગાવી દીધા છે એવી ફિલ્મ ‘પદ્માવત’ શાંતિપૂર્વક રજૂ થાય એમ ઇચ્છતા ‘લોકો’? તોફાન મચાવીને પાટીદારો માટે અનામત માગતા ‘લોકો’ કે તેમની માગણીનો તાર્કિક અને તોફાન કર્યા વિના વિરોધ કરતા ‘લોકો’? આ બે ફક્ત ઉદાહરણ છે. એક તરફ કાયદો-વ્યવસ્થા-ન્યાયતંત્ર-બંધારણ હોય અને બીજી તરફ તેની ઐસીતૈસી કરીને પોતાનું ધાર્યું કરાવવા મથતા લોકો--આવી યાદી બનાવવા બેસીએ તો પાર ન આવે.

લોકશાહીમાં વિરોધી મત તો રહેવાના. તેમની વચ્ચે શાબ્દિક અને ક્યારેક તેનાથી આગળના સ્તરની અથડામણ પણ થઈ શકે. એ વખતે લોકશાહી અને પ્રજાસત્તાકના હાર્દનું રક્ષણ કરવાનું કામ સરકારનું છે. સરકારે નક્કી કરવું પડે કે કયા ‘લોકો’ના પક્ષે જોરજબરાઈ, દાંડાઈ, કાયદા-બંધારણની ધરાર અવગણના છે અને કયા ‘લોકો’ કાયદાની-બંધારણના હાર્દની હદમાં રહીને પોતાની વાત રજૂ કરે છે.

જેમ ફિલ્મથી એક જૂથની લાગણી (ફિલ્મ જોયા વિના જ) દુભાઈ છે, તેમ ફિલ્મ અટકાવવાના પ્રયાસોથી બીજા જૂથની લાગણી દુભાઈ છે. પહેલું જૂથ ધમાલ ને તોડફોડ કરે છે, તો સરકાર તેને અટકાવવાને બદલે તેને આડકતરી રીતે થાબડે છે, તો બીજા જૂથની વાત સરકાર ક્યારે કબૂલ રાખશે? તે પહેલા જૂથ કરતાં વધારે હિંસા ને વધારે તોડફોડ કરે તો? કાયદોવ્યવસ્થાના બહાના હેઠળ કાયદોવ્યવસ્થાના ભંગને ઉત્તેજન આપતી વખતે સરકારને શરમ તો નથી જ આવતી, નાગરિકોને પણ વાંધો નથી પડતો? વાંધો બતાવવા માટે ભાંગફોડ કે ધમાલ કરવાની જરૂર નથી. પણ કાયદાની હદમાં રહીને વાંધો રજૂ ન કરાય, તો નાગરિકો પણ સરકારની તકવાદી કાયરતામાં આડકતરા હિસ્સેદાર નહીં બને?

આને હિંદુ-મુસલમાનનો કે રાજકીય વફાદારીનો મુદ્દો બનાવવા જેવો નથી. ભાજપ હોય કે કૉંગ્રેસ, સ્વાર્થી સરકારો નાગરિકઅધિકારોને આવી જ રીતે દબાવવા માટે ને પોતાના મત સાચવવા માટે પ્રયત્ન કરવાની. સલમાન રશદીની નવલકથા ‘સેતાનિક વર્સીસ’ સામે કૉંગ્રેસી સરકારે આવી જ રીતે મુસ્લિમ રૂઢિચુસ્તોની લાગણી સાચવવા માટે પ્રતિબંધ મૂક્યો હતો. કૉંગ્રેસે કર્યાં હતાં એ બધાં પાપનો ક્વોટા તેના કરતાં ઘણી વધારે ઝડપે, ઘણા ઓછા સમયમાં પૂરો કરી લેવાનો ભાજપનો ઇરાદો છે? અને સામસામા રાજકીય પક્ષો પોતે ખોટું કરીને સામેના પક્ષે કરેલું ખોટું દેખાડ્યા કરે, તેમાં નાગરિક તરીકે આપણું બેવડું નુકસાન નથી? આપણા માટે પછી વિકલ્પ જેવા વિકલ્પ તો રહેતા જ નથી. આ તો x નો ભાઈ y એવી જ વાત ન થઈ? ( x અને yની જગ્યાએ યોગ્ય વિશેષણો તમે ધારી જ શકશો)

વર્ષો પહેલાં બિહારમાં રણવીરસેના દલિતવિરોધી હિંસા માટે કુખ્યાત હતી. મહારાષ્ટ્રમાં સરકારોની ગરજાઉ કાયરતાને કારણે શિવસેનાની દાદાગીરી ચાલી અને ફુલીફાલી. ગુજરાતમાં પાટીદારોએ અનામતના નામે શક્તિપ્રદર્શન કર્યું, રજપૂતોની કરણી સેના તેમની ધોરાજી હંકારે છે...અને ‘ભારતમાતાકી જય’ના પોકાર પાડનારા કોઈની લાગણી દુભાતી નથી? સરકારોની અને રાજકીય પક્ષોની દેશની અખંડિતતાના પાયામાં ઘા કરનારી માનસિકતા સામે વાંધો પાડવાને બદલે, નાગરિકો પણ રાજકીય પક્ષોની જ છાવણીઓમાં વહેંચાઈ જાય છે.

આ રસ્તે તો સરદાર પટેલે પ્રાંતવાર એક કરેલાં રજવાડાંને જ્ઞાતિવાર  કે ધર્મવાર નવેસરથી પેદા કરવા જેવું થશેને? એ વખતે જરૂર લાગે છે એક અહિંસક નાગરિકસેનાની, જે સંગઠન તરીકે નકલી રાષ્ટ્રવાદ કે નકલી સેક્યુલરિઝમને બદલે, જ્ઞાતિવાદ અને મિથ્યાભિમાનને બદલે રાષ્ટ્રહિતની સમજણ વિકસાવે. તેની રાષ્ટ્રની વ્યાખ્યા કોમવાદ, ધાર્મિક સંકુચિતતા, શુદ્ધ આર્યત્વના હિટલરી ખ્યાલો કે પરિવારવાદના પ્રદૂષણથી મુક્ત હોય.

રાજકીય પક્ષો આ નહીં કરે ને શક્ય હશે તો થતું અટકાવશે. પ્રજાસત્તાકને નેતાસત્તાક કે જ્ઞાતિસત્તાક કે ધર્મસત્તાક બનતું અટકાવવા નાગરિકોએ જ વિચારવું અને કરવું પડશે.

Thursday, January 18, 2018

મતભેદઃ પ્રાથમિકતાના સવાલ

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ પછીના ચાર વરિષ્ઠતમ ન્યાયાધીશોએ જાહેર રજૂઆત ન કરી હોત તોપણ, જે કંઈ ચાલી રહ્યું છે તે ઠીક નથી એવું ઘણા લોકોને લાગે છે. બીજા ઘણાને એવું પણ લાગે છે કે ‘આવું--આટલું સારું તો ક્યારેય ન હતું.’

આવા આત્યંતિક મતભેદ લોકશાહીમાં રહેવાના. સાવ પાયાની બાબતોમાં સામસામા છેડાની માન્યતા ધરાવતા સમૂહો એક ન થાય, એ સમજી શકાય. તેમાંથી ‘આટલું સારું ક્યારેય ન હતું’ વાળો વર્ગ મહદ્ અંશે ‘સમરસ’ જોવા મળે છે. સરકારની પ્રશંસામાં કે બચાવમાં અને તેના ટીકાકારો પર તૂટી પડવામાં તે તરત એકરૂપ થઈ જાય છે. સરકાર પ્રત્યે ટીકાભાવ ધરાવતા બિનરાજકીય સમુદાયનું એવું નથી. એવા સમુદાયને ‘સિવિલ સોસાયટી’ અથવા ‘નાગરિક સમાજ’ કહી શકાય. (આવાં લેબલ બહુ લપટાં પડી ગયાં છે. અહીં તેનો ઢીલો નહીં, સાચો અર્થ ગણવો.) આવા, જાગ્રત નાગરિક સમુદાયમાં કોઈ રાજકીય પક્ષની કેડર કે વ્યક્તિ-સંસ્થા-પરિવારના વફાદારો-ભક્તો જેવી ‘એકત્વ’ની કે ‘શિસ્ત’ની લાગણી ન જ હોઈ શકે. કેમ કે, સ્વતંત્રપણે વિચારી શકવાની ક્ષમતા તેમને આ સમુદાયનો હિસ્સો બનાવે છે.

પરંતુ એ વિચારક્ષમતા ઘણી વાર નાગરિક સમુદાયને સર્વમાન્ય અનિષ્ટો સામે એક અને અસરકારક બનાવવાને બદલે, તેમને નાના ટુકડામાં વહેંચીને બિનઅસરકારક બનાવી દે છે. કોમવાદવિરોધી, જ્ઞાતિવાદવિરોધી, સામાજિક ન્યાયમાં માનનારા, ઉદારમતવાદી, સંવેદનશીલ, માનવતાવાદી, આંખે પાટા બાંધેલી રાજકીય વફાદારીથી મુક્ત... આવાં લક્ષણો ઓછાવત્તા અંશે ધરાવતા અથવા તેમને ઇચ્છનીય ગણતા લોકો, એક સૂત્રમાં કેમ પરોવાઈ શકતા નથી? અને વહેંચાયેલા રહેવાને કારણે થતા પારાવાર નુકસાનને તે કેમ જોઈ શકતા નથી? રાજકીય પક્ષો જેમ પોતાના સ્વાર્થ ખાતર ‘કૉમન મિનિમમ પ્રોગ્રામ’ ઘડી શકે છે, તેમ નાગરિક સમાજના વિવિધ ઘટકો કેમ એવું કરી શકતા નથી? શું વ્યક્તિગત સ્વાર્થના અભાવનો સાત્ત્વિક જણાતો અહમ્ તેમને પોતાની ભૂમિકા છોડીને ‘કૉમન મિનિમમ’ની--વ્યાપક હિતની ભૂમિકાએ આવતાં અટકાવે છે? આવા સવાલ થયા કરે છે.

સમજ ખાતર એક એવા અનૌપચારિક જૂથનો દાખલો લઈએ, જે હકીકતમાં કોઈ સંગઠન કે સત્તાવાર જૂથ પણ નથી. એ લોકો કોમવાદવિરોધી, જ્ઞાતિવાદવિરોધી... એ બધાં આગળ જણાવેલાં મૂળભૂત મૂલ્યોની બાબતમાં સરખા વિચાર ધરાવે છે અથવા વિરોધી વિચાર ધરાવતા નથી. એટલે કે, શ્રીકૃષ્ણની કથામાં આવતા અસુરવધનાં ઉદાહરણ ટાંકીને રાજકીય હેતુથી થયેલાં એન્કાઉન્ટર વાજબી ન ઠરાવી શકાય, એટલી પ્રાથમિક સમજ તેમનામાં છે, ગાયની રક્ષાના નામે માણસની હત્યા ન થાય અને તેમાં કોઈ ‘જો’ અને ‘તો’ ન હોઈ શકે, એટલી સાદી માનવતા તેમનામાં છે, કોઈ પણ પ્રકારની સંદેહાસ્પદ હિલચાલ ન ધરાવતી યુવતીની રાજ્યસ્તરે જાસૂસી થાય અને તેના માટે એન્ટિટેરરિસ્ટ સ્ક્વૉડનો ઉપયોગ થાય તે સત્તાનો ગંભીર અને ગુનાઈત દુરુપયોગ છે, એટલી સાદી વિવેકબુદ્ધિ તેમનામાં છે, આઘાત-પ્રત્યાઘાતના નામે કોમી હિંસાને સમજાવી શકાય તો પણ તેને વાજબી ન ઠરાવી શકાય એટલી ન્યાયબુદ્ધિ તેમનામાં છે... આ કેટલાક એવા નમૂનારૂપ પાયાના મુદ્દા છે, જે બાબતે મતભેદ હોય તો તેમાં બાંધછોડ અશક્ય છે. તેમાં પરસ્પરના રસ્તા ફંટાવા જ રહ્યા.

આપણો સવાલ એવા લોકોનો છે, જે આવી મૂળભૂત બાબતોમાં એકમત છે. છતાં, સાહિત્ય પરિષદ-સાહિત્ય અકાદમીના મામલે તેમના વિચાર જુદા કે વિરોધી છે, સર્વોચ્ચ અદાલતના ચાર ન્યાયાધીશોએ આ રીતે લોકો સમક્ષ આવવું જોઈએ કે નહીં એ અંગે તેમની વચ્ચે મતભેદ છે, ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ ઉત્તમ આયોજન છે કે નકામું એ બાબતે તેમના અભિપ્રાય અલગ છે, પક્ષીઓ ઘવાય છે એટલા માટે પતંગ ચગાવવી જોઈએ કે નહીં એ બાબતે તેમની વચ્ચે સંમતિ નથી, ‘છેલ્લો દિવસ’ મજાનું પિક્ચર હતું કે સભ્યતાની હદ વટાવી ગયેલું એ વિશે તે એકમત નથી, આધાર કાર્ડનો ડેટા સલામત છે કે નહીં, એ વિશે તે જુદા અભિપ્રાય ધરાવે છે, ફેસબુક પર કોઈના મૃત્યુના સમાચારને ‘લાઇક’ કરાય કે નહીં, એ વિશે તેમનાં આગવાં મંતવ્ય છે, હાર્દિક પટેલની સેક્સ સીડી વિશે લખવાથી શિષ્ટતાનો ભંગ થાય કે નહીં એ વિશે તેમની વચ્ચે એકમત નથી, ‘નિર્ભયા’નું નામ જાહેર થવું જોઈએ કે નહીં, આરુષિ હત્યાકેસનાં તલવારદંપતીને સજા થવી જોઈએ કે નહીં, અરે, કેજરીવાલ પર અગાઉ મૂકેલી શ્રદ્ધા રાખવી જોઈએ કે પાછી ખેંચી લેવી જોઈએ એવા ઘણા મુદ્દા વિશે તેમની વચ્ચે મતભેદ હોઈ શકે...

રસ્તા પર જેમ ‘અકસ્માત-સંભવિત ક્ષેત્ર’નાં પાટિયાં હોય છે, તેમ જાહેર જીવનના કેટલાક મુદ્દાને ‘મતભેદ-સંભવિત ક્ષેત્ર’ તરીકે રજૂ કરવાનો આ પ્રયાસ છે. પણ તેની પાછળનો આશય એક જ સવાલ ઊભો કરવાનો છેઃ શું આ બધા મતભેદ એટલા બધા મોટા અને મહત્ત્વના છે કે જેના આવેશમાં- જેના ધક્કાથી દોરવાઈને અત્યંત મહત્ત્વના અનેક મુદ્દે આપણી સંમતિ આપણે ભુલાવી દઈએ? પાયાનાં-મૂળભૂત મૂલ્યોની બાબતોમાં સંમતિ જેવી મૂડીને એમ સહેજમાં ખોઈ નાખીએ?

જે લોકો કોમવાદ-જ્ઞાતિવાદ- ધર્મના નામે ધિક્કાર જેવા મુદ્દાના વિરોધમાં, સામાજિક ન્યાય માટે સાથે હોય અને તેમની સાથે નાની અસંમતિઓ કેમ ન હોય? અને એવી અસંમતિઓને કેમ જીરવી ન શકાય? આપણે જો અમુક મૂલ્યોમાં માનવાનો અને તેના માટે સંઘર્ષનો દાવો કરતા હોઈએ તો, ગૌણ બાબતોમાં અસંમતિઓને સ્વીકારવાનું જરૂરી બની જાય છે, પરંતુ એવું નથી થતું, એટલે સ્વાર્થી રાજનેતાઓ વખત આવ્યે પહેલી તકે હાથ મિલાવી લે છે, ત્યારે નાગરિક સમાજના ઘણા લોકો નાના મતભેદોને હૈયે ચાંપીને, તેમને અપ્રમાણસરનું મહત્ત્વ આપતા રહે છે.

સ્વૈચ્છિક સંસ્થાઓના ક્ષેત્રનો જ દાખલો લઈએ તો સમાજના વંચિત-પીડિત-દલિત સમુદાય માટે કામ કરનારી કેટકેટલી સંસ્થાઓ ગુજરાતમાં છે અને તેમાંની ઘણી ખરેખર કામ પણ કરતી હશે. છતાં, આ સંસ્થાઓ આમ ભલે પોતપોતાના મુદ્દે કેન્દ્રિત હોય, પરંતુ વ્યાપક સ્તરે સામાજિક ન્યાય માટે લડતી સંસ્થાઓ તરીકે એક શક્તિ-એક અવાજ કેમ પેદા કરી શકી નથી?

એને પ્રબુદ્ધ કહો તો પ્રબુદ્ધ ને સાદો કહો તો સાદો, પણ સ્વાર્થનો સવાલ છે. નાગરિક સમાજના લોકો પોતાનો આવો સ્વાર્થ નહીં સમજે તો વધી વધીને તે પોતાનું અંગત રજવાડું ઊભું કરી શકશે, પણ જે હેતુ માટે કામ કરવાનો તેમનો દાવો છે અથવા જે સમાજ જોવાનું સ્વપ્ન તે વ્યક્ત કરે છે, તે કદી એકલપંડે સાકાર નહીં થાય. અને આવું નહીં થાય તેની જવાબદારીનો મોટો હિસ્સો ફાસીવાદી, કોમવાદી, ભ્રષ્ટ કે તકવાદી પરિબળો જેટલો જ નાગરિક સમાજના માથે પણ આવશે.

Wednesday, January 10, 2018

નવું વર્ષ, જૂનાં ‘શીર્ષાસન’

અંગ્રેજીમાં જેને ‘સ્ટોર્મ ઇન ટી કપ’ કહેવામાં આવે છે એવાં, પાઉચ સાઇઝનાંં રાજકીય વાવાઝોડાંં સર્જાયાં ને શમી ગયાં. મંત્રીઓ નારાજ રિસાયા અને માની પણ ગયા. નાણાંખાતું મેળવનાર નીતિન પટેલ પર અને ત્યાર પહેલાં હાર્દિક પટેલ પર જ્ઞાતિવાદના આરોપ થયા. જિજ્ઞેશ મેવાણીનો વારો તો આવેલો જ છે. પક્ષીય વફાદારી વગરના લોકો જ્ઞાતિવાદની ટીકા કરે તે એક વાત, પણ આ સૌના મામલે  ભાજપ-સમર્થકોએ જ્ઞાતિવાદનો મુદ્દો ઉભો કરીને, તીવ્ર વાંધો વ્યક્ત કર્યો. તેમના આ વલણનો એક અર્થ એવો કાઢી શકાય: ‘ચાલો, તેેમને એટલું સમજાયું કે જ્ઞાતિવાદ ખરાબ છે અને તેનાથી રાજ્યને-દેશને નુકસાન થાય.’

આ થયું હકીકતોનું ભોળુંભટાક અર્થઘટન. કેમ કે, ઘણાનો વાંધો હકીકતમાં જ્ઞાતિવાદ સામે નહીં, ભાજપ સરકારની સામે પડવા બદલ હતો. રાજકીય વફાદારીથી પીડિત લોકો માટે, કોલેસ્ટરોલની જેમ જ્ઞાતિવાદ પણ સારો અને ખરાબ હોઈ શકે છેઃ આપણા લાડકા પક્ષની સામે પ્રયોજાય તે ‘છી, છી, જ્ઞાતિવાદ’ અને આપણા લાડકા પક્ષ કે નેતા દ્વારા પ્રયોજાય તે ‘વાહ, વાહ, ચાણક્યનીતિ’.

પાટીદાર આંદોલન તેની ટોચ પર હતું ત્યારે આ કોલમમાં સ્પષ્ટ શબ્દોમાં પાટીદાર અનામત માગણીની અયોગ્યતાનો તર્કબદ્ધ રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. તેના નિમિત્તે આચરાયેલી હિંસાની પણ ટીકા કરવામાં આવી હતી. હાર્દિક પટેલે જે મુદ્દા ઉપાડ્યા હતા એ ફક્ત પાટીદારોને નહીં, વ્યાપક સમાજને સ્પર્શતા, ‘તથાકથિત’ ગુજરાત મોડેલના પ્રશ્નો હતા.

દોઢ-બે વર્ષ પછી હાર્દિક પટેલ તે સમજે અને બીજા સમાજોને સાથે રાખીને બધાની સમસ્યાઓની વાત કરે તો? એ વખતે પણ હાર્દિક પટેલને નકરા જ્ઞાતિવાદી તરીકે હડધૂત કરવા પાછળ જ્ઞાતિવાદના વિરોધ કરતાં સરકારના બચાવની વૃત્તિ વધારે ભાગ ભજવી શકે છે. સરકારભક્તિની છાશ લેવા જતી વખતે ચાપલુસીની દોણી સંતાડવાની કળા હવે ઘણાએ આત્મસાત્ કરી લીધી છે.   માટે, પક્ષીય સમર્થકો દ્વારા ‘જ્ઞાતિવાદ’નું બૂમરાણ મચે ત્યારે, નાગરિકોએ તેમાં ઝંપલાવતાં પહેલાં અચૂક તપાસી જોવું કે વિરોધ કરનાર ‘દોણી-સંતાડક’  તો નથી ને?  જ્ઞાતિવાદનો વિરોધ તો કરવો જ, પરંતુ હાર્દિક પટેલ-જિજ્ઞેશ મેવાણી કે બીજા કોઈ પણ વિરોધી કરે તે 'જ્ઞાતિવાદ' અને વડાપ્રધાન કે પક્ષપ્રમુખ કરે તે ‘માસ્ટર સ્ટ્રોક’-‘ચાણક્યનીતિ’  એવું ન હોય.

આવાં બેવડાં ધોરણ અથવા તો સિદ્ધાંતનાં ‘શીર્ષાસન’નો પાર નથી. પછાત-દલિત ગણાતી જ્ઞાતિના સમુદાયો જ્ઞાતિઆધારિત ભેદભાવનો વિરોધ કરે અને પોતાના હક માટે માથું ઉંચકે, તો તેમની લડતને ‘જ્ઞાતિવાદ’ તરીકે ખપાવી દેવાની. બીજી તરફ, પોતે પોતાની કથિત ઉપલી જ્ઞાતિની ઓળખમાં હિલોળા લેવાના; ભાજપના કોમવાદી રાજકારણનો કે પ્રચારનો વિરોધ કરતા હોય તેમની પર  જ કોમવાદનો આરોપ મૂકી દેવાનો--અને પોતે સીધી કે આડકતરી કોમવાદી નીતિઓનું સમર્થન કરતા રહેવાનું;  છેડતીનો કે બળાત્કારનો ભોગ બનતી છોકરીનો વાંક શોધી કાઢવાની ભરપૂર કોશિશ કરવી, સ્ત્રીઓએ કેવાં વસ્ત્રો પહેરવાં ને કયા સમયે બહાર જવું તેના ફતવા બહાર પાડવા ઉત્સુક રહેવું અને એ જ શ્વાસમાં મહિલાઓના અધિકારના નામે ટ્રિપલ તલાકવિરોધી કાયદાનું કૂદી કૂદીને સમર્થન કરવું; (ઇન્સ્ટન્ટ ટ્રિપલ તલાકની અન્યાયી જોગવાઈ જેટલી વહેલી જાય એટલી સારી, પણ સ્ત્રીઓને થતા અન્યાય સામે લડવાનો ઉત્સાહ ત્યાંથી અટકી જવો ન જોઈએ); જિજ્ઞેશ મેવાણી કે હાર્દિક પટેલ બેફામ બોલે-ખાસ કરીને વડાપ્રધાનને સપાટામાં લે અને તેમના હોદ્દાની મર્યાદા ન જાળવે, ત્યારે વિનય-વિવેકની દુહાઈ આપવાની, પણ એ જ વડાપ્રધાન પોતે પોતાના હોદ્દાની મર્યાદા ચૂકે ત્યારે ‘જોયું? સાહેબે કેવો સપાટો બોલાવ્યો?’ એમ કહીને તાળીઓ પાડવાની...

ટૂંકમાં, પોતે બેવડાં ધોરણ રાખવાં અને બેવડાં ધોરણનો આક્ષેપ સામેવાળા પર મૂકવાનો.  ઉઘાડેછોગ અને બેશરમીથી એવો દંભ આચરવો કે સામેવાળાનો આત્મવિશ્વાસ ડગમગી જાય અને એ જરાતરા સજ્જન હોય તો બે ઘડી વિચારમાં પડી જાય કે ‘ક્યાંક આપણી ભૂલ તો નથી ને? માણસ આટલું ગાજીગાજીને બોલે છે તો ફરી એક વાર તપાસ કરી લેવી સારી.’ આવો આત્મસંશય સામેવાળાના મનમાં પેદા કરવો એ જ મોટા દંભીઓનો આશય હોય છે. તેમને લાગે છે કે આટલા દેખીતા દંભથી સ્તબ્ધ થયેલો સામેનો માણસ ‘ક્યાંથી શરૂઆત કરવી?’ એ મૂંઝવણમાં અટવાઈ પડશે અને દલીલ નહીં કરી શકે. ત્યાં સુધીમાં આપણે ‘જીતી ગયા, જીતી ગયા’ના બૂમબરાડા ચાલુ કરી દેવાના. એટલે વાત પૂરી.

આ તરકીબ ફક્ત નેતાઓ જ નહીં, જાહેર જીવનના બીજા લોકો પણ સફળતાથી અજમાવતા જોવા મળે છે. પરંતુ આ લેખ પૂરતી રાજકારણની વાત કરીએ.  મુશ્કેલી જ એ છે કે ઘણા નાગરિકો રાજકારણીઓની પઢાવેલી ભાષા બોલતા થઈ ગયા છે.  એક યા બીજા પક્ષનો માણસ તો પોતાના ગોરખધંધા ઢાંકવા માટે તેને મજબૂરીના કે મહિમાના-ગૌરવના વાઘા પહેરાવશે. ત્યારે નાગરિક તરીકે સમુહગાનમાં જોડાઈ જવાને બદલે એવું ન કહી શકાય કે ‘તમે પક્ષો અંદરઅંદરની કીચડઉછાળમાં અમને સંડોવશો નહીં. તમે બંને એકબીજા પર હલકટપણાના આક્ષેપ મૂકો અને બંનેના આક્ષેપ સાચા હોય, તો એનાથી અમારું- સામાન્ય નાગરિકોનું કયું દળદર ફીટવાનું?’

લોકોને આવા વિચાર ન આવે, એટલા માટે રાજકીય પક્ષો પોપટિયાં રટણની કંઈક બાળાગોળીઓ સતત, છૂટે હાથે વહેંચતા જ રહે છે. બેદરકાર બાપ છોકરું સાચવવાની પળોજણમાં પડવાને બદલે છોકરાને અફીણ આપીને ઉંઘાડી દે અને પોતે છોકરાનું સરસ ધ્યાન રાખ્યાનો દાવો કરે--એવું જ ઘણી વાર રાજકીય પક્ષો નાગરિકોના હિતચિંતનના દાવા કરે ત્યારે લાગે છે.

આવા રાજકારણના રવાડે ચડવાને બદલે, નવોદિત નેતાઓએ સમજવું પડે કે બેફામ બોલીને તે પોતે જેનો વિરોધ કરી રહ્યા છે તેની અને પોતાની વચ્ચેનું અંતર ઘટાડી રહ્યા છે. કોંગ્રેસ સામે લડતાં લડતાં ભાજપ કોંગ્રેસ જેવો થઈ ગયો. હવે ભાજપ સામે લડતાં લડતાં નવોદિત નેતાઓએ ભાજપ જેવા થઈ જવાનું નથી, એ ભૂલાવું ન જોઈએ. આડેધડ આક્રમકતા મીડિયા કવરેજ તો અપાવશે, પણ પ્રતિષ્ઠાના ભોગે. સનસનાટી મીડિયાને ઝડપથી કોઠે પડી જાય છે. પછી મીડિયામાં ટકી રહેવા માટે સનસનાટીનાં નવાં શીખર સર્જવાં પડે છે અને એક તબક્કા પછી તેનો પણ છેડો આવે છે. ત્યારે અરવિંદ કેજરીવાલની જેમ સત્ય સમજાય છે કે બોલીને સત્તા ભલે લીધી, પણ તે ટકશે તો કામ કરવાથી જ—તમારી પાસે કોમવાદ અને રાષ્ટ્રવાદના મિશ્રણ જેવું કોઈ અફીણી રસાયણ ન હોય ત્યારે તો ખાસ.

આ બધું ફક્ત ભાજપને જ લાગુ પડે છે, એમ માનીને કોંગ્રેસના સમર્થકોએ રાજી થવાની જરૂર નથી. જો તે એવું કરશે, તો તે પણ આવા જ દંભના સહભાગી બનશે. 

Monday, January 08, 2018

'સોનાવાલા'ના મિત્રોનું પુનર્મિલનઃ 8 વર્ષ + 30 વર્ષ = 6 કલાક?

મથાળે આપેલું સમીકરણ સોનાવાલા હાઇસ્કૂલના અમારા ગણિતશિક્ષક ભીખુભાઈ ('ડૉન’) દ્વારા અપાયેલા કાચા શિક્ષણનું પરિણામ નથી. તેના માટેનો જશ કોઈને ધરાર આપવો હોય તો એ કદાચ અમારા બાયોલૉજીના શિક્ષક અને જાણીતા ગઝલકાર હનીફ 'સાહિલ'ને આપી શકાય, જેમની પાસેથી હું બાયોલૉજી નહીંવત્ અને રદીફ-કાફિયા ઠીકઠીક પ્રમાણમાં શીખ્યો.

વાત રવિવારે, ૭ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ થયેલા અમારા ક્લાસના પુનર્મિલનની--ગુજરાતીમાં કહીએ તો, રીયુનિઅનની-- છે. સામાજિક કાર્યક્રમોમાં ‘રીયુનિઅન’નું નામ સાંભળીને જેટલી બીક લાગે છે, એટલી બીજા બહુ થોડા કાર્યક્રમોથી લાગતી હશે. રીયુનિઅન કાર્યક્રમો ઘણુંખરું મહાબોરિંગ કાર્યક્રમો તરીકે પંકાયેલા છે. તેનું સામાન્ય સ્વરૂપ કંઈક આવું હોય છેઃ વર્ષો પછી મળવાને કારણે શરૂઆતની મિનીટોમાં સાચી ઉષ્મા-લાગણી અને 'સ્વસ્થતા’ પાછી આવી જાય એટલે તરત આપમહિમા-આપબડાઈનો મુખ્ય કાર્યક્રમ ચાલુ. તેમાં પોતાની સફળતાની ગાથાથી બીજાને આંજવા આતુર એવા કેટલાક લોકો આખા કાર્યક્રમના કેન્દ્રસ્થાને આવી જાય, બાકીનાને ભાગે મૂક-ત્રસ્ત પ્રેક્ષક બની રહેવાનું આવે. ઘણાં રીયુુનિઅન વળી સપરિવાર હોય. એવામાં ભૂતપૂર્વ સહાધ્યાયીઓનાં વર્તમાન કુટુંબીજનોનું પેટ બગાસાં ખાઈને જ એટલું ભરાઈ જાય કે ઘણી વાર જમવાની પણ જગ્યા ન રહે.

Sheth J.H. Sonawala High schoolનું 'માસ્ટ હેડ'
એટલે, મહેમદાવાદની સોનાવાલા હાઇસ્કૂલના સહાધ્યાયી મિત્રોએ પહેલી વાર રીયુનિઅનની વાત મૂકી ત્યારે મને રોમાંચની સાથે ફડકો પણ પેઠો હતો. કેનેડામાં વસ્તી મિત્ર ઉમ્મી શેખે પહેલ કરીને અમને કેટલાંક સહાધ્યાયીઓને ફેસબુક પર ભેગાં કર્યાં. એક ગ્રુપ બનાવ્યું. તેમાં પહેલી વાર વાત કરી--ખાસ કરીને, સાથે ભણતી છોકરીઓ સાથે-- ત્યારે ઘણો રોમાંચ થયો હતો. તે વિજાતીય પાત્ર સાથેના સંવાદને કારણે ન હતો. પરંતુ આ એ છોકરીઓ હતી, જેની સાથે અમે પાંચમા ધોરણથી બારમા ધોરણ સુધી, આઠ વર્ષ (૧૯૮૦-૧૯૮૭) સાથે ભણ્યાં હતાં. બે-ત્રણ સાથે તો એક જ ક્લાસમાં. છતાં, આઠ વર્ષમાં અમારી વચ્ચે આઠ વાક્યોની પણ આપલે થઈ ન હતી. બંને પક્ષે સંકોચ એટલો કે રસ્તામાં સામસામા થવાનું આવે તો એક જણ રસ્તાની ડાબી તરફ જાય અને બીજું જમણી તરફ.

આઠ વર્ષ બહુ મોટો સમયગાળો ગણાય. તેમાં મહેમદાવાદ જેવું નાનું ગામ. કેટલાક કિસ્સામાં પારિવારિક સંપર્કો હોય. છતાં છોકરા-છોકરીઓ ન મળે તે ન જ મળે. ફરજિયાત મેળમિલાપનો પ્રસંગ પી.ટી.ના પિરીયડમાં આવે. એ વખતે સાહેબ કે બહેન ક્લાસને વિશાળ મેદાનમાં આવેલા લીમડાના ઝાડ નીચે લઈ જાય. એ ખુરશી નાખીને બેસે અને અમે કાટખૂણે લાઈનબંધ ગોઠવાઈને પાટા દોરીને લંગડી રમીએ. તેમાં આઉટ કરવા માટે અડકવું ફરજિયાત. તેમાં છોકરીઓ જેટલી જ છોકરાઓને શરમ આવે. પણ રમત એ રમત. એટલે ગિલ્ટ સાથે એકબીજાને આઉટ કરવાનાં થાય—અને એ ગિલ્ટ આઉટ કર્યાનો નહીં, અડ્યાનો હોય. એકાદ-બે છોકરીઓના ધબ્બા એવા મજબૂત રહેતા કે તે લંગડી લઈને ત્રાટકે ત્યારે શાણા રમતવીરો સામે ચાલીને, સલુકાઈથી પાટાની બહાર નીકળી જતા અને ધબ્બો ખાવાને બદલે આઉટ થઈ જવામાં પોતાનું હિત સમજતા.

ભણવામાં છોકરીઓ સાથે ટક્કરની હરીફાઈ થતી. એ વખતે પ્રગતિપત્રનો અને ઉપરપાસનો જમાનો હતો. ત્યારે પાંચથી બાર ધોરણ સુધી સાથે ભણેલી રંજન સાથે મારે પહેલા નંબર માટે કટ્ટર સ્પર્ધા થતી. બંને સ્થાનિક ધોરણે હોંશિયાર ગણાઈએ. બાળકબુદ્ધિ એટલે નંબરનું ભારે મહત્ત્વ લાગે. બીજા હરીફો ખરા, પણ અમે કદાચ તેને વધારે પર્સનલી લેતાં.

ત્રણ દાયકા પછી એ જ રંજન પટેલ (ડૉલી) અમેરિકાથી અને છઠ્ઠાથી બારમા ધોરણ સુધી સાથે ભણેલી સોનાલી શાહ કેનેડાથી આવવાનાં હતા. એ નિમિત્તે ફેસબુકના ગ્રુપમાં પુનર્મિલનનો પ્રસ્તાવ મૂકાયો.

***

રીયુનિઅન કેવું ન હોવું જોઈએ, તેનો ખ્યાલ મારા મનમાં સ્પષ્ટ હતો. એટલે ગ્રુપમાં મેં કેટલાંક સૂચન કર્યાં. (તેમાંનાં મુખ્ય અહીં જાહેર હિતાર્થે મૂકું છું :-)

૧) આ મિલનનો હેતુ ભૂતકાળના દિવસોને તાજા કરવાનો છે. આપણે અત્યારે શું છીએ તેનું આ મિલનમાં કશું મહત્ત્વ નથી. એટલે, એ ભાગ સૌથી ટૂંકો રાખવો.

૨) આ મિલનમાં હીરો સ્કૂલ અને સ્કૂલમાં આપણે વીતાવેલા દિવસો છે. તેની સ્મૃતિનો ભાગ મહત્તમ રહેવો જોઈએ.

૩) કોઈએ પોતાનાં પત્ની (કે પતિ) અને બાળકોને લાવવાં નહીં. કારણ કે તેમને આ બધું સાંભળવામાં સ્વાભાવિક રીતે જ બહુ કંટાળો આવતો હોય છે.

આ સૂચનોમાંથી કેટલાં, કઈ હદે પળાશે એની મારા મનમાં છેવટ સુધી અવઢવ હતી--અને કાર્યક્રમની સફળતાનો મોટો આધાર તેની પર હતો. રવિવારે સવારે અગીયાર વાગ્યે અમારી સ્કૂલ શેઠ જે.એચ.સોનાવાલા હાઈસ્કૂલ પર મળવાનું નક્કી થયું. સ્કૂલનું જૂનું બિલ્ડિંગ તો હવે જર્જરિત હોવાને કારણે બંધ રહે છે. તેની સાવ પાસે બીજું, નવું મકાન બન્યું છે. અમારા માટે ખરો મહિમા જૂના મકાનનો હતો, જ્યાં અમારી કિશોરાવસ્થાનાં આઠ વર્ષ વીત્યાં હતાં.

***

રવિવારે સવારે અગીયારમાં પાંચ બાકીએ પરેશ પ્રજાપતિ મારા ઘરે આવ્યો. એ દસમા ધોરણથી (1984થી) અમારા ક્લાસમાં હતો અને ત્યારથી તેની સાથેનો પરિચય થયો-વધ્યો-ગાઢ બન્યો હતો. અમે બંને સ્કૂલે પહોંચ્યા. ત્યાં દસ ધોરણ સુધી સાથે ભણેલો મનીષ ગાંધી નડિયાદથી આવી પહોંચ્યો હતો. અમે સ્કૂલબોર્ડના ચેરમેન હિમાંશુભાઈ શુક્લને વાત કરી હતી. એટલે તેમણે ઉત્સાહથી સ્કૂલનું જૂનું બિલ્ડિંગ ખોલી આપવાની અને બીજી વ્યવસ્થા કરી આપી હતી.

પણ પહેલાં તો અમે બહાર, જૂના વખતમાં જ્યાં પટાવાળા કાળુકાકાનું ઘર હતું તેની બહાર ખુલ્લામાં તડકામાં ઉભા રહ્યા. (કાળુકાકા હાથની મદદ વિના તેમના કાન હલાવવા માટે જાણીતા હતા) શિયાળાને લીધે અગિયાર વાગ્યાનો તડકો પણ કૂણો લાગતો હતો. એ તડકામા અમારાં જીવનનાં ત્રીસ-ત્રીસ વર્ષ ઓગળી રહ્યાં હતાં. બધાં મોડામાં મોડાં 1987માં છૂટાં પડેલાં. ત્યાર પછી ઘણાંને એક વાર પણ મળવાનો જોગ થયો ન હતો. ઘણાને માંડ બે-ત્રણ વાર ઔપચારિક મળાયું હતું. એટલે સૌથી પહેલો રોમાંચ તો ત્રીસ વર્ષ જૂની છબિઓ સાથે અત્યારનાં સ્વરૂપ સરખાવવાનો હતો. કોઈ અૅપની મદદથી ઉંમરમાં ત્રીસ વર્ષ વધારીને જોતાં કેવી ગમ્મત પડે, એવું જ અમને એકબીજા વિશે થતું હતું.

આજે મનીષ ગાંધી મનિયો હતો ને દેવેન્દ્ર શર્મા દેવલો,  રાકેશ મિસ્ત્રી રાકલો હતો ને નીતિન ઠક્કર નિતિયો. એ બધાના ત્રીસ વર્ષ પહેલાંના, સમયના હળથી ખેડાયા પહેલાંના ચહેરા મનમાં તરવરતા હતા અને એકબીજાને જોઈને બધા એ ચહેરા સાથે અત્યારનો તાળો બેસાડતા હતા, ‘અલ્યા, તું તો બહુ વધ્યો છું’, ‘તારા વાળ ક્યાં ગયા?’, ‘આ ચહેરેથી બદલાયો, પણ લક્ષણ એનાં એ જ છે’, ‘આનામાં કશો ફરક નથી પડ્યો’ એવા સંવાદો સાથે ટાઇમટ્રાવેલિંગ થતું રહ્યું.

છોકરીઓ આવી. તેમની સાથે નામ ટૂંકાં થાય એવો સંબંધ ન હતો. વિગતે ઓળખાણ અંદર ક્લાસમાં બેસીને આપવી, એવું આયોજન હતું. એટલે બહાર નામની ઓળખાણ થઈ. એક-બે છોકરીઓ કૉમર્સમાં હતી. એટલે અમારે બહુ પરિચય નહીં. પણ તે ઉત્સાહથી જોડાઈ હતી. મહેમદાવાદમાં રહેતા એક સહાધ્યાયીને બોલાવવાનો બાકી રહ્યો હતો. એટલે બે જણ જઈને તેને લઈ આવ્યા.

પહેલો કાર્યક્રમ જૂની સ્કૂલ જોવાનો હતો. સૌથી પહેલાં આવ્યું સ્કૂલનું સ્ટેજ, જે અમારા માટે ઑસ્કર અૅવોર્ડના સ્ટેજ કરતાં જરાય કમ ન હતું. ત્યાં પ્રાર્થના થતી, પેન્સિલ-રબરનાં ઇનામ વહેંચાતાં, કેટલાંક છોકરાં-છોકરીઓ ગીત ગાતાં. (ડણાક અટક ધરાવતો છોકરો 'અંતર મંતર જંતર, હું જાણું છું એક મંતર, તને ચક્કલી બનાવી દઉં, તને કાગડો બનાવી દઉં’ એવું ગીત બહુ હલકથી અને કોમળતાથી ગાતો). સ્ટેજ વટાવીને અમે બાયોલોજીની લેબોરેટરી જ્યાં રહેતી, એ રૂમમાં ગયાં અને દેડકા ચીરવાના 'ખૂનખાર' અનુભવો તાજા કર્યા. રંજન પટેલની સ્મૃતિ બહુ સારી હતી. તેણે ઘણી ઝીણી વિગતો તાજી કરી. બાયોલોજીની લેબમાં તેણે કહ્યું, ‘પઠાણસર પહેલા દિવસે દેડકા લાવ્યા હતા. તેમણે કહ્યું કે તેર દેડકા લાવ્યો હતો, પણ એક દેડકો બીજાને ખાઈ ગયો એટલે બાર રહ્યા છે.’ પરેશ પ્રજાપતિએ યાદ કર્યું કે ડિસેક્શન ચાલુ હતું ત્યારે દેડકાનું ફેફસું ફુલતાં મિત્ર હિતેશ પંચાલને (મુન્નાભાઈ એમબીબીએસમાં થાય છે તેમ) ચક્કર આવી ગયા હતા.

સ્કૂલના મુખ્ય મકાનમાં દાખલ થયા. સામે સ્ટાફરૂપ, પાછળ દરવાજો, ડાબે અને જમણે ઉપર જવાના દાદરા. ડાબી બાજુનો દાદરો છોકરીઓ માટે, જમણી બાજુનો છોકરાઓ માટે. ઉપર બંને થોડાં પગથિયાં પૂરતાં ભેગા થાય. સામે જ આચાર્યની ઓફિસ અને ડાબેજમણે ક્લાસની હરોળ. છોકરાઓના દાદરા પર ચિત્રશિક્ષક મોહનકાકા (મોહનભાઈ પંચાલ)નું દોરેલું મા સરસ્વતીનું ચિત્ર રહેતું.

ઉપર પહોંચ્યા પછી છેક જમણા ખૂણે આવેલા ક્લાસમાં પહોંચ્યા. એ હતો અમારો 5 (અ). ક્લાસને તાળું ન હતું. એટલે અમે અંદર ગયા.  એ વખતની લાગણી શબ્દોમાં વર્ણવી ન શકાય એવી હતી.. આ ક્લાસ હતો, જ્યાંથી અમારા માટે હાઈસ્કૂલની શરૂઆત થઈ હતી. ક્લાસટીચર પૂર્ણિમાબહેન. બાજુમાં 6 (અ)નો ક્લાસ. તેનાં ક્લાસટીચર રશ્મીબહેન. બન્ને ક્લાસ એકબીજાને અડીને કાટખૂણે આવેલા. તેના પાસેપાસેના દરવાજે બંને બહેનો દરવાજે ઉભાં રહીને આનંદથી ગોષ્ઠિ કરે, એ અમને બધાને યાદ હતું.

અમે પાંચમા ધોરણમાં હતાં ત્યારે નોકરીનું છેલ્લું વર્ષ કરતા ડાહ્યાકાકાએ એક દિવસ તોફાન બદલ અમારા ક્લાસને મૌલિક સજા કરીઃ ક્લાસમાં છોકરા-છોકરીઓએ સાથે બેસવાનું. હા, એ 'સજા' હતી અને બધાને સજા જ લાગી હતી. છોકરાછોકરીઓ શરમથી પાણીપાણી થઈ ગયાં હતાં.

એ જ ક્લાસમાં, ૩૭ વર્ષ પછી તેમાંનાં કેટલાંક છોકરાછોકરીઓ સાથે પ્રવેશી રહ્યાં હતાં. એ ક્લાસમાં અને ત્યાર પછી પણ જ્યારે ફોટા પડાવવાના આવ્યા ત્યારે જોક ચાલુ રહી, 'ચાલો, બધા ડાહ્યાકાકાની પદ્ધતિ પ્રમાણે--એટલે છોકરાછોકરીઓ ભેગાં--ગોઠવાઈ જાવ.’
5-અના ક્લાસમાંઃ (ડાબેથી)
સંજય ત્રિવેદી (નેનપુર), નીતિન ઠક્કર (પાછળ), રાકેશ મિસ્ત્રી,
મનીષ ગાંધી (પાછળ), દેવેન્દ્ર શર્મા,  પરેશ પ્રજાપતિ (પાછળ), સંજય ભારદ્વાજ,
રંજન પટેલ, અલ્પેશ મહેતા, ઉર્વીશ કોઠારી, સોનાલી શાહ, અમી કોઠારી (પાછળ),
ફરીદા, પ્રીતિ ગાંધી, તૃપ્તિ ઠક્કર (પાછળ), મીતા, વીણા (પાછળ)

ત્યાંથી નીકળીને અમે થોડા લોકો અગિયારમા સાયન્સના ક્લાસમાં ગયાં. શિક્ષકદિન વખતે એક વાર અમે બધાં શિક્ષક બન્યાં હતાં. (હું બાયોલોજીનો શિક્ષક બન્યો હતો અને હનીફ 'સાહિલ'ની સ્ટાઇલમાં છેક પાટિયાની ઉપરના ભાગથી લખવાની શરૂઆત કરી હતી) રંજને યાદ કર્યું કે ગણિતમાં હોંશિયાર કૃપા શાહ સરસ તૈયારી કરીને લાવી હતી. પણ તૈયારીવાળો ભાગ પૂરો થઈ ગયો. ત્યાર પછી પણ પિરીયડમાં સમય વધ્યો. ત્યારે તેણે ચોપડીમાંથી જોઈને સરસ રીતે આગળ ભણાવ્યું હતું (આ કાર્યક્રમનો સંદેશો કૃપાને પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, પણ કોઈ કારણસર સંપર્ક થઈ શક્યો નહીં.)

આચાર્યની ઓફિસની સામેના દાદર પર, જ્યાં એક સમયે ડાહ્યાડમરા થઈને પસાર થવાનું રહેતું, ત્યાં ધમાલ સાથે ફોટા પડાવ્યા. પછી નીચે ઉતરીને, સ્કૂલના નવા મકાનમાં પહોંચ્યા અને એક ક્લાસમાં બેન્ચ પર બેઠા.
આચાર્યની કેબિનની સામે, પગથીયાં પર
જૂના બિલ્ડિંગના સ્ટાફ રૂમની સામે
'ભાઈઓ માટેના' દાદરા પર

આયોજન પ્રમાણે, શરૂઆતમાં સૌએ સ્કૂલ છોડ્યા પછી પોતે શું ભણ્યા અને અત્યારે શું કામ કરે છે, પરિવારમાં કોણ છે અને ક્યાં રહે છે, એટલી પ્રાથમિક માહિતી વારાફરતી ઉભા થઈને ટૂંકાણમાં આપી. ત્યાર પછી શરૂ થયો યાદોનો સિલસિલો. તેમાં કોઈએ ઉભા થઈને, તો કોઈએ પોતાની જગ્યાએ બેઠાં બેઠાં, તો કોઈએ બેન્ચના લખવાના ભાગ પર બેસીને, ફ્રી સ્ટાઇલમાં અઢળક વાતો યાદ કરી. એ બધી અહીં ટાંકવાનો અર્થ નથી. કારણ કે એ અમારી હતી ને ઘણીખરી અમને રસ પડે એવી.

મારા કેટલાક મિત્રો જાણતા હશે તેમ, મારી હાસ્યવ્યંગ લેખનની અનૌપચારિક શરૂઆત બારમા ધોરણના અંતે યોજાયેલા વિદાય સમારંભથી થઈ હતી. તેમાં ભૂલતો ન હોઉં તો મિત્ર રાકેશ મિસ્ત્રીએ ફિશપોન્ડ વિશે માહિતી આપી. એટલે મેં ઉત્સાહથી તેની સામગ્રી લખી. અમારા એક શિક્ષક પર અમને સૌને વિશેષ 'પ્રેમ' હતો. એટલે તેમને 'અંજલિ' આપવાનો આશય મુખ્ય અને લગે હાથ બીજા મિત્રોને લપેટવાનો પણ.  ક્લાસની છોકરીઓની લાક્ષણિકતા વિશે પણ પહેલી વાર કંઇક લખવાનો વિચાર હતો અને તે સંતોષકારક રીતે અમલમાં મૂકાયો. શિક્ષકના મામલે ધાર્યું નિશાન લાગ્યું. તેમનો ભારે ઠપકો પણ સાંભળવા મળ્યો. રંજન પટેલને ૩૦ વર્ષ પછી પણ મેં એના વિશે શું લખ્યું તે યાદ હતું. એ તેણે કહી સંભળાવ્યું. હું ભૂલી ગયો હતો.

સોળ-સત્તર મિત્રો ત્રણ દાયકા પછી ભેગા થયા હતા. છતાં એક પણ વાર વાર્તાલાપમાં ખટકો કે વિચિત્ર લાગણી પેદા કરનારી શાંતિ કે ડેડલોક પેદા ન થયાં. કારણ કે વાતો ભૂતકાળની ચાલતી હતી. એકધારી વહેતી ને વચ્ચે વચ્ચે ઉછળતી નદીની જેમ અમારી વાતનો પ્રવાહ આગળ વહેતો ગયો અને અમને સૌને આનંદની લાગણીથી ભીંજવતો રહ્યો.
નવા બિલ્ડિંગમાં, યાદોનો જલસો
સ્કૂલેથી જમવા નીકળ્યાં ત્યારે ત્રણેક વાગ્યા હતા. મહેમદાવાજ નજીક ખાત્રજ ચોકડી પાસે આવેલી એક રેસ્ટોરાંમાં જમ્યાં અને પાછાં સ્કૂલે આવ્યા.ત્યાં લગી બે-ત્રણ મિત્રો પોતપોતાની અનુકૂળતા મુજબ રવાના થઈ ચૂક્યાં હતાં. બાકીનાં મિત્રોએ રસ્તા પર સ્કૂલના બોર્ડની આગળ ઉભા રહીને અને અંદર સ્કૂલના જૂના મકાનના મુખ્ય (હવે બંધ) દરવાજા પાસે ફોટા પડાવ્યા. એક-બે મિત્રોનાં પરિવારજનો આવ્યાં હતાં, તે પણ પાછળથી જોડાયાં.



છેવટે છ કલાક પછી, સવા પાંચ વાગ્યાની આસપાસ છૂટાં પડ્યાં ત્યારે પણ વાતોનો પ્રવાહ સાવ સુકાયો ન હતો. થયેલી વાતો છૂટા પડ્યાં પછી ક્યાંય સુધી મનમાં ચાલી ને કરવાની રહી ગયેલી કેટલીક વાતો પણ યાદ આવી રહી હતી.

ભવિષ્યમાં આવું મિલન ક્યારે થશે, ખબર નથી. હવે મળીએ ત્યારે જુદી રીતે, નવા પરિચયથી મળવાનું થશે. પણ જ્યાં સુધી દોસ્તીનો પાયો ૧૯૮૦-૮૭ના સોનાવાલા હાઈસ્કૂલના સમયગાળામાં રોપાયેલો હશે--અને વર્તમાનના અભિપ્રાયભેદો કે વ્યક્તિત્વભેદોને પરાણે એકબીજા પર લાદવાનો પ્રયાસ નહીં થાય, ત્યાં સુધી આ લાગણી અકબંધ રહેશે.

એ તો ભવિષ્યની વાત, પણ અત્યારે તો રવિવારના છ કલાકની સુગંધ ચોવીસ કલાકથી વધુ સમય વીત્યે મનમાંથી ગઈ નથી, તેનો આનંદ.

Sunday, January 07, 2018

કોરેગાંવની લડાઈઃ ઇતિહાસ-માન્યતાની ભેળસેળ

જાન્યુઆરી 1, 1818. સ્થળઃ ભીમા નદીના કાંઠે આવેલું કોરેગાંવ./ Bhima-Koregaon  ઇસ્ટ ઇન્ડિયા કંપનીની ટુકડીઓ પર પેશ્વા બાજીરાવના લશ્કરે હુમલો કર્યો. કંપનીની ફોજમાં બીજા સિપાહીઓ ઉપરાંત અસ્પૃશ્ય ગણાતા મહારો પણ હતા. એક દિવસની લડાઈમાં ભૂખ-તરસ-થાક વેઠીને કંપનીના સૈનિકોએ મોરચો ટકાવી રાખ્યો અને પેશ્વાની ફોજને જીતવા ન દીધી. આ લડાઈ 'બેટલ ઑફ કોરેગાંવ'તરીકે ઓળખાઈ. આ લડાઈમાં ભાગ લેનાર અને મૃત્યુ પામનાર સૈનિકોના માનમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કોરેગાંવમાં એક સ્મારક ઉભું કર્યું. તેમાં મહાર સૈનિકોનાં પણ નામ છે.
Victory Pillar, Bhima Koregaon / ભીમા કોરેગાંવનો વિજયસ્તંભ

આટલી હકીકત નિર્વિવાદ છે. તેના આધારે ડો.આંબેડકરે 1927માં, સંભવતઃ પહેલી વાર,  કોરેગાંવના સ્મારકની મુલાકાત લીધી અને (તેમના ચરિત્રકાર ધનંજય કીરની નોંધ પ્રમાણે) સ્મારકની સામે સભા યોજી. અહીંથી ઇતિહાસના આટાપાટા શરૂ થાય છે, જે 1 જાન્યુઆરી 2018ના રોજ, કોરેગાંવની લડાઈનાં બસો વર્ષની ઉજવણી અને એ નિમિત્તે ફેલાયેલી અશાંતિ સુધી પહોંચ્યા છે.

સૌથી પહેલાં વાત અસલી લડાઈની. મોટા ભાગનાં લખાણોમાં એવો દાવો જોવા મળે છે કે પેશ્વાના 28,000ના સૈન્યને 500 મહાર સૈનિકોએ એક જ દિવસમાં હરાવી દીધા. આ વિષયવસ્તુ પરથી તૈયાર થઇ રહેલી હિંદી ફિલ્મ '500: અ બૅટલ ઑફ કોરેગાંવ'નું 2012માં મુકાયેલું ટ્રેલર પણ યુટ્યુબ પર જોવા મળે છે.


500ની ટુકડી 28,000ના સૈન્યને હરાવે એ વાત, ગમે તેવી બહાદુરી સ્વીકાર્યા પછી પણ ગળે ઉતરે એવી નથી. છતાં મોટા ભાગનાં લખાણોમાં તેનું જ રટણ જોવા મળે છે. બીજી તરફ, ચોક્સાઈના અભાવ માટે બદનામ વિકીપીડીયા આ બાબતમાં સૌથી તાર્કિક અને આધાર સહિતની માહિતી પૂરી પાડે છે.

જેમ કે, ‘વેલિંગ્ટન્સ કેમ્પેઇન્સ ઇન ઇન્ડિયા’ પુસ્તકને ટાંકીને તેમાં જણાવાયું છે કે પેશ્વાનું સૈન્ય કુલ 28,000 હજારનું હતું. તેમાંથી કોરેગાંવની લડાઈમાં આશરે 2,000 સૈનિકો ઉતર્યા હતા અને યુદ્ધમાં ઉતરેલા સૈનિકોને સતત કુમક પૂરી પાડવામાં આવતી હતી. બૉમ્બે પ્રેસિડેન્સીના ગેઝેટિયરને ટાંકીને તેમાં નોંધાયું છે કે કંપનીની ટુકડી પર આક્રમણ કરનાર સૈન્યમાં પાયદળના 600 સૈનિકોની એક એવી ત્રણ ટુકડીઓ હતી. મતલબ, 1,800 સૈનિકો.  ઉપરાંત, પેશ્વાના સૈન્ય પાસે પણ ઘોડેસવારો અને બે તોપ હતી. આમ, પેશ્વાના પક્ષે 1800-2000 જેટલા સૈનિકો લડાઈમાં સામેલ હતા.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ નજીકના સ્થળ શિરુરથી 834 સૈનિકો મોકલ્યા હતા. તેમાં બોમ્બે નેટિવ ઇન્ફન્ટ્રીની પહેલી રેજિમેન્ટના 500 સૈનિકો ઉપરાંત300 ઘોડેસવાર અને દેશીવિદેશી તોપચીઓ પણ હતા. આ આંકડો ગેઝેટિયર અને જેમ્સ ગ્રાન્ટ ડફના 1826માં લખાયેલા પુસ્તક 'A History of the Mahrattas’ને ટાંકીને આપવામાં આવ્યો છે.

ટૂંકમાં, મામલો 28,000 વિરુદ્ધ 500નો નહીં, (આશરે) 2000 વિરુદ્ધ 834નો હતો. આ સંખ્યા ગળે ઉતરે એવી છે. સાથોસાથ, તેમાં કંપનીના સૈનિકોની બહાદુરીનો પણ પૂરો ખ્યાલ આવે છે.

પરંતુ કંપનીના સૈન્યમાંથી બધેબધા સૈનિકો મહાર હતા? ઘણાં લખાણોમાં એવી છાપ ઉભી કરવામાં આવી છે કે તેમાંથી બધા અથવા મોટા ભાગના સૈનિકો મહાર હતા. તે જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા પેશ્વાના સૈન્ય સામે (સામાજિક અન્યાયનો બદલો લેવાના) ઝનૂનથી લડ્યા. માટે, આ યુદ્ધ અને તેમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય વાસ્તવમાં મહારોની બ્રાહ્મણવાદ-જ્ઞાતિવાદ સામેની જીત ગણાવી જોઈએ.

આ અર્થઘટન માનવું ગમે તેવું હોવા છતાં, એ વાસ્તવથી ઘણું દૂર અને સમય સમયના રાજકીય પ્રવાહોથી રંગાયેલું જણાય છે. સૌથી પહેલાં વાત મહારોની સંખ્યાની. એમાં બેમત નથી કે અંગ્રેજોએ અસ્પૃશ્ય ગણાતી જ્ઞાતિઓને સૈન્યમાં સ્થાન આપ્યું અને મહારોની બહાદુરી-વફાદારીને પ્રમાણી. પરંતુ કોરેગાંવના યુદ્ધમાં કંપનીના સૈન્યમાં મહારો ઉપરાંત રજપુતો, મુસ્લિમો, મરાઠા અને યહુદીઓ પણ હતા. એવી જ રીતે, પેશ્વાના પક્ષમાં મરાઠા ઉપરાંત આરબો અને ગોસાંઈઓની ટુકડીઓ પણ હતી.

યુદ્ધમાં કંપનીનું સૈન્ય પેશ્વાના સૈન્ય કરતાં અડધાથી પણ ઓછું હતું. પરંતુ તે સૈન્યે ભારે બહાદુરી બતાવી અને પાણી સુદ્ધાં મળે નહીં તો પણ આખો દિવસ મોરચો ટકાવી રાખ્યો અને પેશ્વાના સૈન્યને ખાળ્યું. એક દિવસના અંતે કંપનીના સૈન્યમાંથી મૃતક-ગુમ થયેલા-ઘાયલની કુલ સંખ્યા 275 હતી. તેમાંથી મૃત્યુ પામેલા 49ના માનમાં કંપનીએ કોરેગાંવમાં સ્મારક બનાવ્યું. એ નામોમાંથી 22 નામ (તેમની અટક પરથી) મહારોનાં જણાય છે. એટલે જતે દિવસે એ સ્મારક મહારોનું અને પછી દલિતોનું વિજય સ્મારક બન્યું. અલબત્ત, આ લડાઈથી પેશ્વાઈનો અંત આવ્યો તેમ કહેવું ભારોભાર અતિશયોક્તિ છે. કેમ કે, ઇતિહાસની રીતે એક દિવસની આ લડાઈ અંગ્રેજોની મરાઠા સત્તાને ખતમ કરવાની લાંબી ઝુંબેશના અંતિમ તબક્કાનો (ત્રીજા એન્ગ્લો-મરાઠા યુદ્ધનો) એક ભાગ હતી.

ડો.આંબેડકરે કોરેગાંવની મુલાકાત લીધી ત્યારે તેમનો આશય મહારોની બહાદુરીને બિરદાવવાની સાથોસાથ અંગ્રેજ સરકારને ઠપકારવાનો પણ હતો. કારણ કે, અંગ્રેજોએ (અસ્પૃશ્યતા પાળતા કથિત ઉપલી જ્ઞાતિના સૈનિકોને સંતોષવા માટે) 1892થી સૈન્યમાં મહારોની ભરતી બંધ કરી દીધી. ઘણી રજૂઆતો છતાં કશું ન વળ્યું. પણ 1917માં પહેલા વિશ્વયુદ્ધ વખતે ગરજ પડી, એટલે અંગ્રેજોએ ફરી મહારોને સૈન્યમાં લેવાનું શરૂ કર્યું. જેવી ગરજ પૂરી થઈ કે 1921માં ફરી મહારોની ભરતી અટકાવી.  અંગ્રેજોની આવી નીતિ વિશે ડો.આંબેડકરનું યાદગાર વિધાન હતુંઃ અંગ્રેજો માટે કોઈ કાયમી મિત્ર નથી ને કાયમી શત્રુ પણ નહીં. તેમના માટે જો કંઈ કાયમી હોય તો એ છે તેમનો સ્વાર્થ.

કોરેગાંવ સ્મારકની 1927ની મુલાકાત વખતે તેમણે એમ પણ કહ્યું કે મહાર સૈનિકો બ્રિટનના પક્ષે લડે એ કંઈ અભિમાન લેવા જેવી બાબત નથી એ સાચું છે. પણ એ લોકો અંગ્રેજો પાસે શા માટે ગયા? ઉજળિયાત ગણાતા હિંદુઓએ તેમની સાથે પશુતુલ્ય વ્યવહાર કર્યો તે માટે? પેટ ભરવા માટે તેમની પાસે કંઈ પણ સાધન ન હોવાથી નાઇલાજે તેઓ બ્રિટિશ સેનામાં ભરતી થયા, એ બાબત પણ ધ્યાનમાં રાખવી જોઈએ, એવું પણ આંબેડકરે કહ્યું. ભાષણના અંતે, સેનામાં મહારોની ભરતી ફરી શરૂ ન થાય તો સરકાર વિરુદ્ધ ચળવળની ચેતવણી પણ તેમણે આપી. (ડો.આંબેડકરઃ જીવન અને કાર્ય, ધનંજય કીરનો ગુજરાતી અનુવાદ, પૃ.74-75)

એક વાર કોરેગાંવ સ્મારક સાથે દલિત ઓળખ અને અસ્મિતા જોડાયાં, એટલે તેના ઇતિહાસમાં દંતકથાનો રંગ ભળતો ગયો. વાસ્તવમાં કોરેગાંવની લડાઈ દલિત સૈનિકોની બહાદુરી અને શૌર્ય દર્શાવતો અપવાદરૂપ કિસ્સો નથી. છેક શિવાજીના સમયથી મહારોની બહાદુરી-વફાદારીના ગુણ નોંધાયેલા છે. અંગ્રેજોએ તેમને ત્રણ વાર (છેલ્લે બીજા વિશ્વયુદ્ધ વખતે 1941માં, વાઇસરોયની સંરક્ષણ સલાહકાર સમિતિના સભ્ય ડો.આંબેડકરની ભલામણથી) ફક્ત મહારોની જ નહીં, અસ્પૃશ્ય ગણાતી તમામ જ્ઞાતિઓમાંથી સૈન્યભરતી કરી અને 1941માં મહાર રેજિમેન્ટની સ્થાપના થઈ.  તેના પ્રતિકમાં વચ્ચે કોરેગાંવના સ્મારકને પણ મૂકવામાં આવ્યું હતું. આગળ જતાં એ રેજિમેન્ટને તમામ જ્ઞાતિઓ માટે ખુલ્લી કરી દેવાઈ અને પ્રતિકમાં કોરેગાંવના સ્મારકની જગ્યા એવો જ આકાર ધરાવતા ઉભી કટારીએ લીધી.
Dr Ambedkar with soldiers of Mahar Regiment/ મહાર રેજિમેન્ટના સૈનિકો સાથે ડો.આંબેડકર
એક એવું યુદ્ધ, જેમાં દેશના દુશ્મન અંગ્રેજોના પક્ષે, બ્રાહ્મણવાદી માનસિકતાનો શિકાર બનેલા થોડા મહાર સૈનિકો, પસંદગીપૂર્વક નહીં પણ નોકરીના ભાગરૂપે, બહાદુરીથી લડ્યા, અંગ્રેજોને અનુકૂળ થવા ને લડાઈ ટાળવા મથતા પેશ્વાનું સૈન્ય પણ સામે લડ્યું, લડાઈની એકાદ સદી પછી તેનું નવેસરથી અર્થઘટન થયું અને છેલ્લાં વર્ષોમાં દલિત અસ્મિતા સાથે તે એવું સંકળાયું કે આ વર્ષે મહારાષ્ટ્ર સરકારે કોરેગાંવ યુદ્ધની દ્વિશતાબ્દિને 'વિજય દિવસ'તરીકે ઉજવવાનું જાહેર કર્યું.  એ દિવસે દલિતો પર હુમલાના આરોપના પગલે અશાંતિ પણ ફેલાઈ.

હવે, કોરેગાંવની લડાઈનો ઇતિહાસ ગૌણ છે અને તેનું પ્રતિકાત્મક મહત્ત્વ મુખ્ય.