Wednesday, January 10, 2018

નવું વર્ષ, જૂનાં ‘શીર્ષાસન’

અંગ્રેજીમાં જેને ‘સ્ટોર્મ ઇન ટી કપ’ કહેવામાં આવે છે એવાં, પાઉચ સાઇઝનાંં રાજકીય વાવાઝોડાંં સર્જાયાં ને શમી ગયાં. મંત્રીઓ નારાજ રિસાયા અને માની પણ ગયા. નાણાંખાતું મેળવનાર નીતિન પટેલ પર અને ત્યાર પહેલાં હાર્દિક પટેલ પર જ્ઞાતિવાદના આરોપ થયા. જિજ્ઞેશ મેવાણીનો વારો તો આવેલો જ છે. પક્ષીય વફાદારી વગરના લોકો જ્ઞાતિવાદની ટીકા કરે તે એક વાત, પણ આ સૌના મામલે  ભાજપ-સમર્થકોએ જ્ઞાતિવાદનો મુદ્દો ઉભો કરીને, તીવ્ર વાંધો વ્યક્ત કર્યો. તેમના આ વલણનો એક અર્થ એવો કાઢી શકાય: ‘ચાલો, તેેમને એટલું સમજાયું કે જ્ઞાતિવાદ ખરાબ છે અને તેનાથી રાજ્યને-દેશને નુકસાન થાય.’

આ થયું હકીકતોનું ભોળુંભટાક અર્થઘટન. કેમ કે, ઘણાનો વાંધો હકીકતમાં જ્ઞાતિવાદ સામે નહીં, ભાજપ સરકારની સામે પડવા બદલ હતો. રાજકીય વફાદારીથી પીડિત લોકો માટે, કોલેસ્ટરોલની જેમ જ્ઞાતિવાદ પણ સારો અને ખરાબ હોઈ શકે છેઃ આપણા લાડકા પક્ષની સામે પ્રયોજાય તે ‘છી, છી, જ્ઞાતિવાદ’ અને આપણા લાડકા પક્ષ કે નેતા દ્વારા પ્રયોજાય તે ‘વાહ, વાહ, ચાણક્યનીતિ’.

પાટીદાર આંદોલન તેની ટોચ પર હતું ત્યારે આ કોલમમાં સ્પષ્ટ શબ્દોમાં પાટીદાર અનામત માગણીની અયોગ્યતાનો તર્કબદ્ધ રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. તેના નિમિત્તે આચરાયેલી હિંસાની પણ ટીકા કરવામાં આવી હતી. હાર્દિક પટેલે જે મુદ્દા ઉપાડ્યા હતા એ ફક્ત પાટીદારોને નહીં, વ્યાપક સમાજને સ્પર્શતા, ‘તથાકથિત’ ગુજરાત મોડેલના પ્રશ્નો હતા.

દોઢ-બે વર્ષ પછી હાર્દિક પટેલ તે સમજે અને બીજા સમાજોને સાથે રાખીને બધાની સમસ્યાઓની વાત કરે તો? એ વખતે પણ હાર્દિક પટેલને નકરા જ્ઞાતિવાદી તરીકે હડધૂત કરવા પાછળ જ્ઞાતિવાદના વિરોધ કરતાં સરકારના બચાવની વૃત્તિ વધારે ભાગ ભજવી શકે છે. સરકારભક્તિની છાશ લેવા જતી વખતે ચાપલુસીની દોણી સંતાડવાની કળા હવે ઘણાએ આત્મસાત્ કરી લીધી છે.   માટે, પક્ષીય સમર્થકો દ્વારા ‘જ્ઞાતિવાદ’નું બૂમરાણ મચે ત્યારે, નાગરિકોએ તેમાં ઝંપલાવતાં પહેલાં અચૂક તપાસી જોવું કે વિરોધ કરનાર ‘દોણી-સંતાડક’  તો નથી ને?  જ્ઞાતિવાદનો વિરોધ તો કરવો જ, પરંતુ હાર્દિક પટેલ-જિજ્ઞેશ મેવાણી કે બીજા કોઈ પણ વિરોધી કરે તે 'જ્ઞાતિવાદ' અને વડાપ્રધાન કે પક્ષપ્રમુખ કરે તે ‘માસ્ટર સ્ટ્રોક’-‘ચાણક્યનીતિ’  એવું ન હોય.

આવાં બેવડાં ધોરણ અથવા તો સિદ્ધાંતનાં ‘શીર્ષાસન’નો પાર નથી. પછાત-દલિત ગણાતી જ્ઞાતિના સમુદાયો જ્ઞાતિઆધારિત ભેદભાવનો વિરોધ કરે અને પોતાના હક માટે માથું ઉંચકે, તો તેમની લડતને ‘જ્ઞાતિવાદ’ તરીકે ખપાવી દેવાની. બીજી તરફ, પોતે પોતાની કથિત ઉપલી જ્ઞાતિની ઓળખમાં હિલોળા લેવાના; ભાજપના કોમવાદી રાજકારણનો કે પ્રચારનો વિરોધ કરતા હોય તેમની પર  જ કોમવાદનો આરોપ મૂકી દેવાનો--અને પોતે સીધી કે આડકતરી કોમવાદી નીતિઓનું સમર્થન કરતા રહેવાનું;  છેડતીનો કે બળાત્કારનો ભોગ બનતી છોકરીનો વાંક શોધી કાઢવાની ભરપૂર કોશિશ કરવી, સ્ત્રીઓએ કેવાં વસ્ત્રો પહેરવાં ને કયા સમયે બહાર જવું તેના ફતવા બહાર પાડવા ઉત્સુક રહેવું અને એ જ શ્વાસમાં મહિલાઓના અધિકારના નામે ટ્રિપલ તલાકવિરોધી કાયદાનું કૂદી કૂદીને સમર્થન કરવું; (ઇન્સ્ટન્ટ ટ્રિપલ તલાકની અન્યાયી જોગવાઈ જેટલી વહેલી જાય એટલી સારી, પણ સ્ત્રીઓને થતા અન્યાય સામે લડવાનો ઉત્સાહ ત્યાંથી અટકી જવો ન જોઈએ); જિજ્ઞેશ મેવાણી કે હાર્દિક પટેલ બેફામ બોલે-ખાસ કરીને વડાપ્રધાનને સપાટામાં લે અને તેમના હોદ્દાની મર્યાદા ન જાળવે, ત્યારે વિનય-વિવેકની દુહાઈ આપવાની, પણ એ જ વડાપ્રધાન પોતે પોતાના હોદ્દાની મર્યાદા ચૂકે ત્યારે ‘જોયું? સાહેબે કેવો સપાટો બોલાવ્યો?’ એમ કહીને તાળીઓ પાડવાની...

ટૂંકમાં, પોતે બેવડાં ધોરણ રાખવાં અને બેવડાં ધોરણનો આક્ષેપ સામેવાળા પર મૂકવાનો.  ઉઘાડેછોગ અને બેશરમીથી એવો દંભ આચરવો કે સામેવાળાનો આત્મવિશ્વાસ ડગમગી જાય અને એ જરાતરા સજ્જન હોય તો બે ઘડી વિચારમાં પડી જાય કે ‘ક્યાંક આપણી ભૂલ તો નથી ને? માણસ આટલું ગાજીગાજીને બોલે છે તો ફરી એક વાર તપાસ કરી લેવી સારી.’ આવો આત્મસંશય સામેવાળાના મનમાં પેદા કરવો એ જ મોટા દંભીઓનો આશય હોય છે. તેમને લાગે છે કે આટલા દેખીતા દંભથી સ્તબ્ધ થયેલો સામેનો માણસ ‘ક્યાંથી શરૂઆત કરવી?’ એ મૂંઝવણમાં અટવાઈ પડશે અને દલીલ નહીં કરી શકે. ત્યાં સુધીમાં આપણે ‘જીતી ગયા, જીતી ગયા’ના બૂમબરાડા ચાલુ કરી દેવાના. એટલે વાત પૂરી.

આ તરકીબ ફક્ત નેતાઓ જ નહીં, જાહેર જીવનના બીજા લોકો પણ સફળતાથી અજમાવતા જોવા મળે છે. પરંતુ આ લેખ પૂરતી રાજકારણની વાત કરીએ.  મુશ્કેલી જ એ છે કે ઘણા નાગરિકો રાજકારણીઓની પઢાવેલી ભાષા બોલતા થઈ ગયા છે.  એક યા બીજા પક્ષનો માણસ તો પોતાના ગોરખધંધા ઢાંકવા માટે તેને મજબૂરીના કે મહિમાના-ગૌરવના વાઘા પહેરાવશે. ત્યારે નાગરિક તરીકે સમુહગાનમાં જોડાઈ જવાને બદલે એવું ન કહી શકાય કે ‘તમે પક્ષો અંદરઅંદરની કીચડઉછાળમાં અમને સંડોવશો નહીં. તમે બંને એકબીજા પર હલકટપણાના આક્ષેપ મૂકો અને બંનેના આક્ષેપ સાચા હોય, તો એનાથી અમારું- સામાન્ય નાગરિકોનું કયું દળદર ફીટવાનું?’

લોકોને આવા વિચાર ન આવે, એટલા માટે રાજકીય પક્ષો પોપટિયાં રટણની કંઈક બાળાગોળીઓ સતત, છૂટે હાથે વહેંચતા જ રહે છે. બેદરકાર બાપ છોકરું સાચવવાની પળોજણમાં પડવાને બદલે છોકરાને અફીણ આપીને ઉંઘાડી દે અને પોતે છોકરાનું સરસ ધ્યાન રાખ્યાનો દાવો કરે--એવું જ ઘણી વાર રાજકીય પક્ષો નાગરિકોના હિતચિંતનના દાવા કરે ત્યારે લાગે છે.

આવા રાજકારણના રવાડે ચડવાને બદલે, નવોદિત નેતાઓએ સમજવું પડે કે બેફામ બોલીને તે પોતે જેનો વિરોધ કરી રહ્યા છે તેની અને પોતાની વચ્ચેનું અંતર ઘટાડી રહ્યા છે. કોંગ્રેસ સામે લડતાં લડતાં ભાજપ કોંગ્રેસ જેવો થઈ ગયો. હવે ભાજપ સામે લડતાં લડતાં નવોદિત નેતાઓએ ભાજપ જેવા થઈ જવાનું નથી, એ ભૂલાવું ન જોઈએ. આડેધડ આક્રમકતા મીડિયા કવરેજ તો અપાવશે, પણ પ્રતિષ્ઠાના ભોગે. સનસનાટી મીડિયાને ઝડપથી કોઠે પડી જાય છે. પછી મીડિયામાં ટકી રહેવા માટે સનસનાટીનાં નવાં શીખર સર્જવાં પડે છે અને એક તબક્કા પછી તેનો પણ છેડો આવે છે. ત્યારે અરવિંદ કેજરીવાલની જેમ સત્ય સમજાય છે કે બોલીને સત્તા ભલે લીધી, પણ તે ટકશે તો કામ કરવાથી જ—તમારી પાસે કોમવાદ અને રાષ્ટ્રવાદના મિશ્રણ જેવું કોઈ અફીણી રસાયણ ન હોય ત્યારે તો ખાસ.

આ બધું ફક્ત ભાજપને જ લાગુ પડે છે, એમ માનીને કોંગ્રેસના સમર્થકોએ રાજી થવાની જરૂર નથી. જો તે એવું કરશે, તો તે પણ આવા જ દંભના સહભાગી બનશે. 

1 comment: