Monday, January 29, 2018

નલિની વિનોદ ભટ્ટની વિદાય

સ્નેહી વડીલ અને જાણીતા હાસ્યલેખક વિનોદ ભટ્ટનાં પત્ની નલિનીબહેનનું ગઈ કાલે રાત્રે અવસાન થયું. ઘણા સમયથી તેમની તબિયત નરમગરમ રહેતી હતી. સંભળાતું ઓછું થયું હતું. ચાલવાના પ્રશ્નો હતા. પણ ગઈ કાલે હાર્ટ એટેક આવ્યો ને થોડી મિનીટોમાં તો એ ચાલી નીકળ્યાં...એટલાં આગળ કે તેમને પકડી ન શકાય.
વિનોદ ભટ્ટ- નલિની ભટ્ટ
સાર્થક પ્રકાશનના પ્રારંભ કાર્યક્રમમાં 

વિનોદભાઈના અંગત પરિચયમાં આવેલા સૌ કોઈને નલિનીબહેનની મૂક અને બિનઅવરોધક હાજરીનો અનુભવ હશે. જાહેર કાર્યક્રમોમાં પણ તે બંને ઘણી વાર સાથે, ઉત્તરાવસ્થામાં એકબીજાનો હાથ પકડીને, જતાં જોવા મળે. નલિનીબહેન મૂળ હિંદીનાં શિક્ષક. વિનોદભાઈના કેટલાક લેખનો હિંદી અનુવાદ પણ તેમણે કરેલો. વિનોદભાઈ તેમને પ્રેમથી, લહેકાપૂર્વક 'માસ્ત...ર' કહીને બોલાવે, ઘરે જઈએ અને બહાર નલિનીબહેન બેઠાં હોય તો એ પણ વાત કરે. વાંચવાનાં જબરાં શોખીન. એક વાર વિનોદભાઈ કહે, Dipak Soliya નું 'સિદ્ધાર્થ' એને બહુ ગમ્યું. તું ખાસ દીપકને કહેજે. યાદ છે ત્યાં સુધી, દીપક અને હું ત્યાર પછી એક વાર વિનોદભાઈના ઘરે ગયા હતા અને નલિનીબહેનને મળ્યા હતા.
નલિની વિનોદ ભટ્ટ 
વિનોદભાઈ એમની અને એમને ઓછું સંભળાતું એની પણ ઘણી વાર મસ્તી કરી લે. છેલ્લે થોડા દિવસ પહેલાં તેમને મળવાનું થયું, ત્યારે ખબર જોવા ગયો હતો વિનોદભાઈની. ગંભીર બીમારી પછી વિનોદભાઈ ઘણા વખતે સ્વસ્થ બેઠા હતા. સાથે નલિનીબહેન પણ ખરાં. મેં વિનોદભાઈને કહ્યું, 'હું નસીબ ને એવાબધામાં માનતો નથી. પણ એક વાત મારા મનમાં બેસી ગઈ છે. મારું જ્યોતીન્દ્ર દવેનું કામ પૂરું ન થાય ત્યાં સુધી તમારે ને મારા બીજા ગુરુજનોએ ક્યાંય આઘાપાછા થવાનું નથી.'  વિનોદભાઈ હસ્યા, નલિનીબહેનને નજીક આવવા ઇશારો કર્યો અને પછી એમના કાન પાસે જઈને આ વાત તેમને સંભળાય એ રીતે કહી. એટલે એ પણ તેમની સ્ટાઇલમાં, આંખી ઝીણી થઈ જાય એ રીતે, હસ્યાં. એના થોડા દિવસ પહેલાં ગયો ત્યારે વિનોદભાઈ તેમની કાયમી જગ્યાએ પણ તંદ્રાવસ્થામાં હતા. તબિયત ખરાબ હતી. હું નલિનીબહેનને મળીને ઉભાઉભ પાછો નીકળવા જતો હતો, ત્યાં એ કહે, 'તમે એમને જગાડો. વાતો કરશે તો સારું લાગશે. એમને જગાડવાની જરૂર છે.'

નલિનીબહેન આવી કોઈ અવસ્થા વિના સીધાં ચાલી નીકળ્યાં. હાર્ટ એટેક આવ્યાની મિનીટોમાં.. વિનોદભાઈને સવારે મળ્યો ત્યારે અ એકદમ સ્વસ્થ હતા. બોરીસાગરસાહેબ, નિરંજન ત્રિવેદી અને વિનોદભાઈના મિત્ર ગિરીશ ભગત બેઠા હતા. હસાહસ પણ કરી. ડેથ સર્ટિફિકેટની મુશ્કેલી વિશે એ કહે, યાર, એવું લાગે છે કે 'જીવતાંજીવ જ લઈ રાખવું પડશે. એટલે પછી માથાકૂટ નહીં.'
પણ એકલા પડ્યા એટલે કહે, યાર, બધા આશ્વાસન આપે. પણ એમ કેવી રીતે ભૂલી શકાય?


3 comments:

  1. Anonymous6:15:00 PM

    શ્રી વિનોદભાઈ ભટ્ટ ના ધર્મપત્ની શ્રી નલિનીબેનના અવસાંનના દુ:ખદ સમાચાર જાણી ખેદ થયો.
    શ્રી વિનોદભાઈ ભટ્ટ ને તેમના એક વાંચકની રૂએ દિલથી સહાનુભુતિ પાઠવીએ છે.

    ReplyDelete
  2. પ્રિય ઉર્વીશભાઈ, વર્ષો પહેલાં યુવદર્શન કે એવા કોઈ દીપોત્સવી અંક વાંચ્યો હતો જેમાં વિનોદભાઈ જ્ઞાતિ નાં કોઈ ફંકશન માં જમવા બેઠા હતા ત્યારે અચાનક નલિનીબેન તેમને પાણી માટે ગ્લાસ આપી જાય છે અને તે પછી તે બંને પ્રેમ માં પડે છે અને આ તેમનાં પ્રેમ લગ્ન હતાં. બસ આટલાં શબ્દો થકી તેમને મારી શ્રદ્ધાંજલિ - અમિત શાહ ઇસનપુર અમદાવાદ

    ReplyDelete
  3. Anonymous8:44:00 PM

    Sports man and sports woman ship!!! Great!!! Saulte to accept prior the death test!!! This is obituary!

    ReplyDelete