Thursday, November 27, 2014

એન.આર.આઇ.ના સ્વપ્નનું ભારત

પ્રચારસમ્રાટ વડાપ્રધાન મનોરંજન ક્ષેત્રે વિશ્વવિજયના મૂડમાં લાગે છે. અમેરિકામાં અને ઓસ્ટ્રેલિયામાં મોટા પાયાના મનોરંજક કાર્યક્રમો જ્યાં યોજાય છે, એવાં સ્થળોએ તેમની સભાઓ થઇ. તેમાં બિનનિવાસી ભારતીયો - એન.આર.આઇ.- ઉમટી પડ્યા. કાંકરિયામાં બાળકોના મનોરંજન માટે ‘અટલ એક્સપ્રેસ’ ટ્રેન ચાલે છે. ઓસ્ટ્રેલિયામાં  ‘મોદી એક્સપ્રેસ’ ટ્રેન દોડાવવામાં આવી. પહેલાં ફક્ત ગુજરાતમાં સરકારની યોજનાઓથી માંડીને રાહતસામગ્રીનાં પેકેટ પર તત્કાલીન મુખ્ય મંત્રી મોદીની તસવીરો ને નામ જોવા મળતાં હતાં. હવે અમેરિકા-ઓસ્ટ્રેલિયામાં વડાપ્રધાનના મનોરંજન કાર્યક્રમો નિમિત્તે અપાતા ભૂંસા-ચવાણા સાથે પણ તેમનું નામ જોડી દેવામાં આવે છે (‘મોદીમિક્સ’). એમ કરવાથી ભૂંસાનું બહુમાન થયું ગણાય કે વડાપ્રધાનનું, એ વિશે તેમના ચાહકોમાં ગંભીર મતભેદ છે. આખી વાતમાં વડાપ્રધાનનું (કે ભૂંસાનું) બહુમાન થાય કે અવમૂલ્યન, એ અંગે પણ કેટલાકનેે શંકા છે.

અમેરિકામાં અને ઓસ્ટ્રેલિયામાં મુગ્ધ મેદની સમક્ષ વડાપ્રધાને ‘તમારા સ્વપ્નનું ભારત’ બનાવવાનો વાયદો આપ્યો. સરકાર જેમને સગવડે એન.આર.આઇ., તો મન ફાવે ત્યારે ‘સ્વચ્છતાપ્રેમી’ તરીકે ખપાવી દે  છે એવા ગાંધીજીએ ‘મારા સ્વપ્નનું ભારત’ આલેખ્યું હતું. (નોંધ : તેમનું સ્વપ્ન ભારતના વડાપ્રધાન બનવાનું ન હતું.) વડાપ્રધાન વિદેશોમાં તેમના મનોરંજન કાર્યક્રમમાં ‘તમારા સ્વપ્નનું ભારત’ કહે, ત્યારે એન.આર.આઇ. જનતાથી ભરેલો હોલ હર્ષનાદથી ગુંજી ઉઠે છે. અહીં બેઠાં બેઠાં અહેવાલ વાંચનારને તો એવું જ લાગે કે સભા પૂરી થયા પછી બહાર નીકળીને તરત અમેરિકા (કે ઓસ્ટ્રેલિયા)નાં ગ્રીન કાર્ડ-સિટિઝનશીપની હોળીનો કાર્યક્રમ થયો હશે.

ભારતીયોની માફક એન.આર.આઇ.ના અનેક પ્રકારભેદ છે. તેમાંથી બધા નહીં, પણ બહુમતી વર્ગના ‘સ્વપ્નું ભારત’ એટલે શું? એ કેવું હોય? તેમાં શું હોય? એ વિશે કાલ્પનિક છતાં પૂરેપૂરો વાસ્તવિકતા આધારિત એક સંવાદ.

સ : કેમ છો?

જ : ઑરાઇટ. જેશીક્રષ્ણ. જય સ્વામિનારાયણ. જય યોગેશ્વર.

સ : તમે તો બહુ ધાર્મિક. કહેવું પડે.

જ : અઠવાડિયે એક જ વાર અને એ પણ ઘરે રાંધ્યા વિના ગુજરાતી ભોજન તૈયાર મળતું હોય તો ધાર્મિક થવામાં શું જાય છે? પણ તમને દેશી લોકોને અમારો સંઘર્ષ નહીં સમજાય. વડાપ્રધાન જેવા કોઇક જ એ સમજી શકે.

સ : કયો સંઘર્ષ? તૈયાર ભાણે જમવાનો? કે મંદિરમાંથી મળતા લાભને દેશપ્રેમ, સંસ્કૃતિ જેવી ભવ્ય બાબતો સાથે સાંકળવાનો?

જ : તમારો પ્રોબ્લેમ શો છે? અમે સમજી શકીએ છીએ કે તમને અમારી ઇર્ષ્યા આવતી હશે, પણ, વૅલ, એમાં તો...

સ : પ્રોબ્લેમનું લીસ્ટ તો લાંબું છે ને તે અમારા પ્રોબ્લેમનું છે કે તમારા, એ નક્કી કરવાનું અઘરું પડશે. એ વાત છોડો. આપણે તમારા સ્વપ્નના ભારત વિશે વાત કરીએ.

જ : વાઉ. મારા સ્વપ્નનું ભારત. મને બહુ જ ગમે છે. ભારત મારો દેશ છે. હું ભારતને ચાહું છું...

સ : એ તો તમે ભણતા હતા ત્યારે પાઠ્યપુસ્તકમાં આગળ પ્રતિજ્ઞામાં આવતું હતું.

જ : આઇ નો. અને શું અમારી સ્કૂલ, મારા ક્લાસમેટ્‌સ, ઘરેથી ઉઘાડા પગે દોટ કાઢીને અમે સ્કૂલે પહોંચી જતા હતા.

સ : હા, પણ એ તો નોસ્ટાલ્જિયા થયો. અતીતરાગ. આપણે ભવિષ્યરાગની વાત કરવાની છે. તમારા સ્વપ્નનું ભારત...

જ : કરેક્ટ. મારા સ્વપ્નનું ભારત. પહેલી વાત કહું તો, એમાં કોઇને અમેરિકા નહીં આવવું પડે...

સ : એ તો તમારા સ્વપ્નના અમેરિકાની વાત થઇ. કારણ કે ત્યારે પણ તમે તો અમેરિકામાં જ હોવાના.

જ : (ગુંચવાઇને) હા એટલે ના, પણ...હું એમ કહેવા માગતો હતો કે બધા પોતાના ગામમાં જ રહેતા હશે. પાડોશીઓ સાથે વાટકીવ્યવહાર ચાલતો હશે. છોકરાં કમ્પ્યુટર પર ‘ટેમ્પલ રન’ કે ‘એન્ગ્રી બર્ડ’ નહીં, શેરીઓમાં ગિલ્લીદંડા-લખોટીઓ રમતાં હશે, લોકો ફેસબુક-વોટ્‌સેપ પર નહીં, ઓટલા પર પંચાત કરતા હશે, આપણી સંસ્કૃતિની એટલી ઉન્નતિ થઇ હશે કે ફળિયામાં ઝગડો થાય ત્યારે લોકો ગાળો પણ સંસ્કૃતમાં બોલતાં હશે, વર્ષમાંથી છ મહિના જ્ઞાતિભોજનો થતાં હશે, આપણી સંસ્કૃતિના ઉત્કર્ષનો અભ્યાસ કરવા માટે અમેરિકાથી ધોળિયાઓ ગુજરાતી-હિંદી-સંસ્કૃત શીખીને ભારતના વિઝા માટે અપ્લાય કરતા હશે  ને અમારી ભલામણો શોધવા આવતા હશે...અને અમે ભારત આવીએ ત્યારે સ્વર્ગમાંથી ઉતરી આવેલા દેવતાઓ જેવાં માનપાન અમને મળતાં હશે.

સઃ પણ ભારતની સમસ્યાઓ વિશે તમારું શું દર્શન છે?

જ : દર્શન? ઑફ કોર્સ. દરેક માણસ ગામના મંદિરે સવાર-સાંજ નિયમિત દર્શન કરવા જતો હશે. ભારતને અમેરિકા જેવું બનાવવાનો શોર્ટેસ્ટ કટ એ જ છે : ટેમ્પલ-બેઝ્‌ડ કલ્ચર, સોસાયટી એન્ડ ઇકોનૉમી.

સ : એટલે?

જ : તમે ઇન્ડિયાના પ્રોબ્લેમ્સની વાત કરી ને? દેશમાં બેકારીનો મોટો પ્રોબ્લેમ છે. બિલિયન પીપલ માટે સરકાર પણ બિચારી શું કરે? એટલે દરેક ગામમાં ગોચરની જમીન પર એક મોટું મંદિર હોય.

સ : પણ ગોચરની જમીન તો હોવી જોઇએ ને...બધી જમીનનો વહીવટ- સૉરી, ‘વિકાસ’- થઇ ગયો હોય તો?

જ : નો ઇશ્યુઝ. ગામમાં ક્યાંય ન મળે તો ઝુંપડાં તોડીને પણ એક મંદિર ઊભું કરી દેવાનું. વિકાસ માટે કોઇકે તો ભોગ આપવો જ પડે. તમારે તો મંદિર માટે ફક્ત ઇચ્છા વ્યક્ત કરવાની. પોતાની ફ્રેન્ચાઇઝ ખોલવા માટે ‘એક્સ્પ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ’ દેખાડનારા ઘણા સંપ્રદાય મળી જશે. એમને એક્સાપાન્શન કરવું હશે. (ખભો ઉલાળીને) ફાઇન. તમને શું પ્રોબ્લેમ છે? તમારે એટલું ગોઠવી દેવાનું કે ગામમાં જે લોકો પાસે કામ ન હોય એ બધા મંદિરમાં સવાર-સાંજ સેવા આપવા જાય અને એ બધાને મંદિરમાંથી મફત ગુજરાતી ભોજન મળે...એકદમ અમેરિકન સીસ્ટમ...

સ : બીજી કઇ અમેરિકન સીસ્ટમ તમે ભારતમાં દાખલ કરવા માગો છો?

જ : અમારે ત્યાં અમેરિકામાં કારિયાઓનો (બ્લેક લોકોનો) બહુ ત્રાસ છે, પણ કાયદા એવા ખરાબ છે કે પોલીસ કાચું કાપે ને પેલો ‘સૂ’ કરે તો કોર્ટમાં સરકારને ભારે પડી જાય. સમાનતા, સિવિલ લિબર્ટીઝ ને એફર્મેટિવ એક્શન ને એવા બધા વાયડા કાયદા અમેરિકામાં ભલે રહ્યા. ત્યાં આપણા ઇન્ડિયનો માટે પણ એ કામના છે. કારણ કે ઘણા ધોરીયા બોલે ભલે નહીં, પણ હજુ આપણને કારીયા જ ગણે છે.

સ : અને તમે જેમને કાળીયા ગણો છો...

જ : એ તો કારીયા જ હોય તો તેમને બીજું શું કહે?

સ : ઓકે, પણ તમે કહેેવા શું માગો છો?

જ : એ જ કે ભવિષ્યમાં સુપરપાવર બનવાની લ્હાયમાં આવા બધા હ્યુમન રાઇટ્‌સ ને સિવિલ લીબર્ટીના કાયદા ઇન્ડિયામાં ઘાલવાની જરૂર નથી. અમેરિકામાં તો આવા કાયદા ઇન્ડિયનો માટે કામના છે, પણ ઇન્ડિયામાં તો બધા ઇન્ડિયન્સ જ છે. પછી ત્યાં કોના માટે આવા કાયદા રાખવાના?

સ : તમારું ચિંતન બહુ ગહન છે. તમારા સ્વપ્નનું ભારત બનાવવા માગતા વડાપ્રધાનશ્રીને તમે આ મુલાકાત દ્વારા કોઇ સંદેશો પહોંચાડવા માગો છો?

(અચાનક પાછળથી કોઇ માથાફરેલ એન.આર.આઇ. આવીને કહે છે) : હા, અમારું સ્વપ્નું પૂરું થાય, પછી અમને જગાડજો.

(બન્ને એન.આર.આઇ. એકબીજા સામે પ્રશ્નાર્થસૂચક નજરે જુએ છે અને કાતરિયાં ખાય છે. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ નહીં, ‘મોદીમિક્સ’ તરીકે ઓળખાતા ચવાણાનો વરસાદ થાય છે અને ઇન્ટરવ્યુનો અંત આવે છે)

Tuesday, November 25, 2014

ખોટું કરવાનો ‘અધિકાર’

‘દીવાર’માં અમિતાભ બચ્ચન શશિ કપૂરને ‘જાઓ, પહેલે ઉસ આદમીકા સાઇન લેકે આઓ...’ એમ કહીને કુટુંબ સાથે થયેલા અન્યાયની આખી યાદી સંભળાવે છે, ત્યારે દર્શકો પણ મનોમન અમિતાભ સાથે સંમત થઇ જાય છે. પછી નાનો ભાઇ શશિ કપૂર સાવ સાદું સત્ય સમજાવે છે. તેના શબ્દો જુદા હશે, પણ સાર આ છે :
આપણે અન્યાયનો ભોગ બન્યા હોઇએ, એટલે આપણને અન્યાય કરવાનો અબાધિત અધિકાર મળી જતો નથી. બીજા સાથે અન્યાય આચરીને, આપણી સાથે થયેલો અન્યાય સરભર કરી શકાતો નથી- એને વાજબી પણ ઠરાવી શકાતો નથી. અન્યાયનો છેદ ઉડાડવાથી અન્યાયનો ગુણાકાર થાય છે. અન્યાયનો અંત લાવવો છે? તો ન્યાયબુદ્ધિ ને માણસાઇ નેવે મૂક્યા વિના, અન્યાય સામે લડો. અન્યાયને અન્યાયથી કાપશો, તો  ડાળખાં કપાશે, પણ મૂળીયાં વધારે મજબૂત થશે. અન્યાયને મૂળમાંથી કાઢવો હોય તો તેનો સામનો ન્યાયી રીતે કરો...

છતાં, તાળીઓ મોટે ભાગે અમિતાભના ડાયલોગ પર જ પડે છે. કારણ કે તેમાં ‘મર્દાના’ વાત છે. ‘મર્દાનગી’ની લોકોની વ્યાખ્યા સમજવી અઘરી છે. સતત અસલામતીમાં જીવનારા, બહાર ગર્જનાઓ કરીને ભીતર ફફડાટ અનુભવનારા, કમાન્ડોના ઝુંડથી ઘેરાયેલા નેતાઓ લોકોને ‘મરદ’ લાગે છે. માંડ છ-સાત દાયકા પહેલાં આ જ દેશમાં ગાંધી-સરદાર જેવા આત્મબળની ‘મર્દાનગી’ ધરાવતા નેતાઓ થઇ ગયા હોય, ત્યારે આ વિરોધાભાસ વધારે ઘેરો લાગે છે.

સિત્તેરના દાયકાનો ‘દીવાર’નો ડાયલોગ ઘણા સમયથી જાહેર જીવનની ફિલસૂફી અને જાહેર વિમર્શની એક ધરી બની ગયો હોય એમ લાગે છે. અંગ્રેજી લેખક તરીકે વિખ્યાત એવા ગુજરાતી સલીલ ત્રિપાઠીએ ‘દીવાર સિન્ડ્રોમ’ માટે પ્રયોજેલો શબ્દ હતો : ઇક્વલ ઑપર્ચ્યુનિટી એન્ટાઇટલમેન્ટ્‌સ (સમાન તકનો અધિકાર)- પરંતુ તેમણે જે સંદર્ભમાં આ શબ્દ વાપર્યો, તેનું ગુજરાતી થાય : ખોટું કરવાની સમાન તકોનો અધિકાર. આ વિચિત્ર અને વિકૃત તર્કબાજીને અમિતાભના ‘દીવાર’ના ડાયલોગ જેવો પ્રતિસાદ મળતો રહ્યો છે. કારણ કે, આ દલીલબાજીમાં ઝાઝું નહીં વિચારવાની સુવિધા છે. એટલું જ નહીં, ઝાઝું વિચાર્યા વિના ‘સ્માર્ટ’ દેખાવાનો અને દલીલમાં સામેવાળાને પાડી દીધાનો આભાસી સંતોષ પણ છે.

જાતે વિચારો

ગયા સપ્તાહે કેન્દ્ર સરકારે ‘યોગગુરુ’ રામદેવ માટે ઝેડ કેટેગરીની સિક્યોરીટી મંજૂર કરી. ચૂંટણી પહેલાં પોતાનું રાજકીય મહત્ત્વ સ્થાપિત કરવા માટે રામદેવે કાળાં નાણાં વિશે આડેધડ, અદ્ધરતાલ નિવેદનો કર્યાં હતાં. ‘એક ભક્તે ભેટમાં આપેલા’ ટાપુ સહિત રામદેવની પોતાની સંપત્તિ અને તેમના વ્યવસાયને લગતા ઘણા સવાલ નાગરિકોના મનમાં થાય એવા છે. પરંતુ કોંગ્રેસવિરોધના વાતાવરણમાં રામદેવ ઉંચકાઇ ગયા.  દેશમાં અન્ના હજારેની બોલબાલા હતી ત્યારે રહી ગયાની લાગણી અનુભવતા રામદેવે રામલીલા મેદાનમાં શક્તિપ્રદર્શન કર્યું, પરંતુ પોલીસ આવી ત્યારે આ ‘યોગગુરુ’, અડ્ડા પર રેઇડ પડતાં ઊભી પૂંછડીએ નાસી છૂટતા જુગારીઓની જેમ, સાડી પહેરીને મંચ પરથી ઠેકડો મારીને નાસી ગયા. (તેમનો દાવો એવો હતો કે એ ત્યાં રહ્યા હોત તો તેમના માટે જાનનું જોખમ હતું)

ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના સમર્થક અને સાથીદાર તરીકે ચૂંટણી પહેલાં તેમણે પોતાનો મોભો જમાવી દીધો હતો. હવે તેમને ઝેડ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવે ત્યારે નાગરિક તરીકે સ્વાભાવિક એવો સવાલ થાય કે રામદેવને ઝેડ સિક્યોરિટીની જરૂર છે? કે પછી ‘સૈંયા ભયે કોતવાલ’ સ્કીમ હેઠળ, કેવળ વટ પાડવા માટે- વિશેષાધિકાર તરીકે તે આપવામાં આવી છે? અને રામદેવ માટે તહેનાત વીસ-બાવીસ પોલીસના કાફલાનો ખર્ચ કોણ ભોગવશે?

પરંતુ આ પ્રકારની ટીકા થાય, એટલે ‘ખોટું કરવાનો અધિકાર’ ભોગવવા ઉત્સુક લોકો કૂદી પડે છે, ‘રોબર્ટ વાડ્રા-પ્રિયંકા ગાંધીને સુરક્ષા મળતી હતી ત્યારે તમે કેમ ચૂપ હતા?’

ચબરાક પ્રચારકો એવી સલુકાઇથી આવો આક્રમક બચાવ તરતો મૂકી દે છે કે તેને હવામાંથી ઝીલી લેનારાને અંદેશો પણ ન આવે. એ તો એમ જ માને કે આ તેમની મૌલિક દલીલ છે અને તે એટલી જબ્બર છે કે ‘વિરોધીઓ’ ચૂપ થઇ જશે.

વાડ્રાની દલીલ કરનારે ઠંડકથી વિચારીને પોતાની જાતને આટલા સવાલ પૂછવા જોઇએ : ૧) રામદેવની સામે હું વાડ્રાનું ‘પત્તું’ ઉતરું છું, એટલે વાડ્રાની સિક્યોરિટી બિનજરૂરી હતી, તેમ રામદેવની સિક્યોરિટી પણ બિનજરૂરી છે, એ તો હું કબૂલું છું ને? ૨) શું હું એક ખોટા કામનો બીજા ખોટા કામથી છેદ ઉડાડવા માગું છું? ૩) નાગરિક તરીકે મારે મને જે ખોટું લાગતું હોય તેનો- વાડ્રાની, રામદેવની કે બન્નેની સુરક્ષાનો- વિરોધ કરવો જોઇએ? કે પછી વિરોધી પક્ષનું ખોટું કામ આગળ ધરીને, મારા પક્ષના ખોટા કામનો બચાવ કરવો જોઇએ? ૪) હું જેનો કટ્ટર વિરોધ કરું છું તેનાં ચોક્કસ પગલાંનો ઉપયોગ, હું જેનું કટ્ટર સમર્થન કરું છું તેમનાં એવા જ પગલાંનો બચાવ કરવા કે તેને વાજબી ઠરાવવા  કરું, તો પછી હું સામાન્ય નાગરિક કહેવાઉં કે કંઠી ધરાવતો વફાદાર?

આ કવાયત પોતાની જાતની ઓળખ માટે છે. તેને જાહેરમાં કરવી જરૂરી નથી. પણ તેનાથી પોતાની જાતનું સાચું મૂલ્યાંકન કરી શકાય અને આપણે પોતાનું વિચારેલું બોલીએ છીએ કે હવામાંથી ઝીલી લીધેલું, એટલો તો ખ્યાલ આવશે. સાથોસાથ, હુંસાતુંસી માટે હોંશે હોંશે કરાતી દલીલો જાતની તપાસમાં કેવી ને કેટલી ટકે છે, એ પણ સમજાશે.

‘તમે’ નહીં, ‘આપણે’

રામદેવ-વાડ્રા સુરક્ષામુદ્દો અપવાદરૂપ નથી. મુઠ્ઠી પછાડીને ‘ખોટું કરવાનો અધિકાર’ માગનારા પાસે ‘ઇક્વલ ઑપર્ચ્યુનિટી એન્ટાઇટલમેન્ટ્‌સ’ની લાંબી યાદી તૈયાર છે અને તેમાં સતત ઉમેરો થતો રહેવાનો છે. સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાએ અદાણીની કંપની સાથે ઓસ્ટ્રેલિયામાં ખાણકામ માટે એક અબજ ડોલર સુધીની લોન આપવાનો  એમઓયુ કર્યો. અદાણીની કંપનીના માથે અઢળક દેવું છે, જેનું વ્યાજ ભરવામાં કંપનીની મોટા ભાગની આવક જતી રહે છે. પ્રોજેક્ટમાંથી થનાર ફાયદા આડે ઘણા ‘જો’ અને ‘તો’ છે, એક જ બેન્ક માટે એક અબજ ડૉલરની રકમ બહુ મોટી કહેવાય...

છતાં અદાણી સાથેના એમઓયુ અંગે સવાલ ઉઠાવવામાં આવે, એટલે વફાદારો કહેશે, ‘એમ તો સ્ટેટ બેન્કે બીજી બેન્કોના સમુહ સાથે મળીને, કોંગ્રેસી સાંસદ નવીન જિંદાલની કંપનીને પણ આથી વઘુ રકમની લોન આપી હતી. માલ્યાને આડેધડ લોન પણ યુપીએ સરકારના જમાનામાં આપવામાં આવી હતી.’

ભક્તજનોને આ દલીલ માફક આવી જશે. તેમાં પોતાની લાગણી ઉમેરીને આ દલીલ તે બીજા આગળ ઝીંકવા લાગશે. એ વખતે એમને એટલો પણ વિચાર નહીં આવે કે ‘ધારો કે યુપીએ સરકારે ઉદ્યોગપતિઓ માટે બેન્કો લૂંટાવી દીધી, તો એનડીએ સરકારે પણ એમ જ કરવાનું? અને આ જ દલીલ હોય તો પછી બન્ને સરકારોમાં કંઇ ફરક ખરો? ચૂંટણી પહેલાં થતી ભ્રષ્ટાચારવિરોધની અને સુશાસનની કવિતાઓનું શું? આપણો વિરોધ ભ્રષ્ટાચાર સામે હતો કે ફક્ત યુપીએ (કોંગ્રેસ) દ્વારા થતા ભ્રષ્ટાચાર સામે? અને એવું જ હતું તો પછી આપણો વિરોધ નાગરિક તરીકેનો હતો કે કોંગ્રેસવિરોધી, ભાજપપ્રેમી કે મોદીભક્ત તરીકેનો હતો?

આખી વાતમાં એ ચર્ચા તો અલગ જ છે કે અદાણી સાથે થયેલા એમઓયુ અને જિંદાલને અપાયેલી લોનમાં તાત્ત્વિક રીતે જ ફરક છે. દલીલ પ્રમાણે જિંદાલને બેન્કોના સમુહે લોન આપી હતી, જ્યારે અદાણી સાથે કેવળ એક જ સરકારી બેન્કે આવડી મોટી રકમનો કરાર કર્યો છે. ઉપરાંત, અદાણીનો પ્રોજેક્ટ પણ ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત નથી. કારણ કે તે ઓસ્ટ્રેલિયામાં આકાર લેવાનો છે. આ બધી હકીકતોને લઇને ચર્ચા કરવાને બદલે, આખી વાતને ભાજપ-કોંગ્રેસના ખાનામાં ગોઠવી દેવાથી દેશનું કે નાગરિકોનું કોઇ હિત સધાતું નથી.

મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસના મત વખતે જે રીતે લોકશાહીનું ચીરહરણ થયું અને મતદારોની આંખમાં ઘૂળ નાખવામાં આવી તેના વિશે તો ઝાઝી ચર્ચા જ ન થઇ. બાકી, તેને કોંગ્રેસે અગાઉ કરેલા કોઇ પાપ સામે મૂકીને ‘એ વખતે તમે ક્યાં ગયા હતા?’ જેવો સગવડીયો સવાલ પુછાયો હોત. યુપીએ સરકાર ગઇ ને એનડીએની સરકાર આવી, છતાં બીસીસીઆઇ-ખ્યાત શ્રીનિવાસનને કશો ફરક પડ્યો નથી. તેમના માટે પહેલાં પણ અચ્છે દિન હતા ને હવે પણ અચ્છે દિન છે.

રામપાલ, આસારામ, નિર્મલબાબા જેવા ઘૂર્ત અને ગુનાઇત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોની ટીકા થાય, એટલે એક વર્ગ બાંયો ચડાવીને મેદાનમાં કૂદી પડે છે કે ‘તમને ફક્ત હિંદુ સાઘુસંતો જ કેમ દેખાય છે? તાકાત હોય તો મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મગુરુઓની ટીકા કરો ને?’ સમાજમાં આસારામો અને રામપાલોના હાથ મજબૂત બનાવવામાં આવા દલીલબાજોનો મોટો ફાળો હોય છે. તેમને એટલી સાદી વાત સમજાતી નથી કે હિંદુ તરીકે તેમને બહુ ગૌરવ હોય તો સૌથી પહેલાં એમણે જ આસારામો અને રામપાલો સામે મોરચો માંડવો જોઇએ. અત્યારે ચોતરફ દિલ્હીની જામા મસ્જિદના બુખારીની ટીકા થઇ રહી છે. છતાં ‘તાકાત હોય તો મુસ્લિમ ધર્મગુરુઓની ટીકા કરો’ એવી દલીલ વીંઝનારા એ વાતની નોંધ નહીં લે. કારણ કે એ તેમની આક્રમક બચાવપદ્ધતિમાં બંધ બેસતી વાત નથી.

દેશના નાગરિક તરીકે આપણું કામ એક પક્ષનાં કુકર્મોની સામે બીજાં પક્ષનાં કુકર્મોનો છેદ ઉડાડવાનું નહીં, પણ બન્નેનો અલાયદો હિસાબ માગવાનું છે. ‘..તમે ક્યાં હતા?’ ને ‘તમે શું કરતા હતા?’ જેવા સવાલ પૂછીને ફરજઅદાયગીનો ઓડકાર ખાઇ લેવાને બદલે ‘આપણે શું કરવું જોઇએ?’ એ સવાલ વધારે અગત્યનો છે. 

Friday, November 21, 2014

‘કાળું નાણું’ નહીં, જય શ્યામલક્ષ્મી માતા

નવી સરકારનું ખાતું સમજાતું નથી : એક તરફ એ દેશમાં ગરીબમાં ગરીબ લોકોનાં બેન્કખાતાં ઉઘાડવા માટે ‘જનધન’ યોજના જાહેર કરે છે, તો બીજી તરફ જે ખાતાં ઑલરેડી ખુલી ચૂકેલાં છે- ભલે ને તે સ્વિસ બેન્કમાં ખુલેલાં હોય- તેને બંધ કરવાની ફિરાકમાં છે. સરકારી ‘જનધન યોજના’નું સૂત્ર છે : ‘આપકા ખાતા ભાગ્યવિધાતા’. હિંદી ભાષાનું ખપજોગું અથવા વ્યવહારુ જ્ઞાન ધરાવતા ઘણા લોકોને આ સૂત્રથી ગેરસમજ થાય છે. તેમને લાગે છે કે સરકાર તેમને ચેતવણી આપી રહી છે : ‘સંભાળજો, તમારાા ભાગ્યવિધાતા હોવાનો દાવો કરનારા લોકો જ (તમારું ધન) ખાઇ રહ્યા છે.’

સવાલ એ છે કે સ્વિસ બેન્કનાં ખાતાં રહેલું ધન પણ ‘જનધન’ નથી તો શું ‘પશુધન’ છે? કેટલાક ચોખલિયા એને ‘પરજનધન’ કે ‘પરધન’ ગણી શકે, પરંતુ તાત્ત્વિક રીતે બઘું નાણું બીજાનું (એટલે કે સરકારી) નથી હોતું? ભલભલા ચુસ્ત ગાંધીવાદી પણ એમ ન કહી શકે કે ‘હું તો સ્વાવલંબન-સ્વાશ્રયમાં માનું છું. રોજ ચરખા પર પાંચસો-પાંચસોની ખાદીની નોટો કાંતું નહીં ત્યાં સુધી સૂતો નથી.’

‘બધા માણસ એક જ કુદરતનાં સંતાન હોય તો તેમાં કાળા-ધોળાના ભેદ શા માટે?’ એવો સવાલ શાણા લોકો અવારનવાર પૂછતા હોય છે. પરંતુ નાણાંની વાત આવે એટલે, બીજી ઘણી ભાવનાઓની જેમ, સમાનતાની ભાવના પણ લોકોના મનમાંથી વરાળ થઇને ઉડી જાય છે. ‘રીઝર્વ બેન્ક જ નાણાં છાપતી હોય તો તેમાં કાળાં શું ને ધોળાં શું?’ આવો મૂળભૂત સમાનતાલક્ષી સવાલ લોકોને થતો નથી. ઊલટું, આવી સમદૃષ્ટિ ધરાવનારા લોકોને તે જાહેરમાં તુચ્છકારથી (અને મનમાં અહોભાવથી) જુએ છે.

નાણાંને જ્યાં લક્ષ્મી ગણવામાં આવે છે, એ સંસ્કૃતિમાં નાણાંનો તુચ્છકાર થાય અને એ પણ કેવળ તેના રંગને કારણે, એમાં સંસ્કૃતિનું હળાહળ અપમાન છે. ફિલ્મો અને કળાકૃતિઓના મામલે ‘સંસ્કૃતિ પર હુમલો’ના બહાને ગુંડાગીરી કરવા ઉતરી પડતી પ્રજાએ ખરેખર તો કાળાં નાણાંના સંરક્ષણ માટે મેદાને ઉતરવું જોઇએ અને ‘શ્યામલક્ષ્મીસંરક્ષણ દળ’ કે ‘અખિલ ભારતીય કૃષ્ણલક્ષ્મીસંરક્ષક સેના’ જેવું કોઇ સંગઠન ઊભું કરવું જોઇએ. આ સંગઠનના લોકોએ કોંગ્રેસ સાથે જોડાવું કે ભાજપ સાથે કે પછી બિનરાજકીય રહીને તમામ રાજકીય પક્ષોને સેવા આપવી, એ સંસ્થાપકોએ નક્કી કરવાનું રહે. પણ તેમને કદી કામની અને ઑર્ડરની ખોટ નહીં પડે એટલું અવશ્ય કહી શકાય.

નવરચિત સંગઠનનું મુખ્ય કામ સૌથી પહેલાં તો લોકોને એ સમજાવવાનું રહેશે કે ‘ખબરદાર, જો કોઇએ ‘શ્યામલક્ષ્મી’ માટે કાળાં નાણાં જેવો અપમાનજનક શબ્દપ્રયોગ વાપર્યો છે તો. અમે એવો વિરોધ કરીશું કે ભારત છોડીને કાયમ માટે દુબઇ જતા રહેવાનો વારો આવશે.’ કર્મઠ કાર્યકરોને આ ધમકી મોળી કે ભવિષ્યલક્ષી લાગવાનો સંભવ છે. તેમના હાથમાં આવતી ખંજવાળ સંપૂર્ણપણે વર્તમાનકાળની હોય ત્યારે ભવિષ્યની રાહ કોણ જુએ? તેમના લાભાર્થે એવાં આયોજન પણ કરી શકાય કે ‘જે પ્રસાર માઘ્યમો શ્યામલક્ષ્મીનો ઉલ્લેખ ‘કાળાં નાણાં’ તરીકે કરશે તેમની ઑફિસની સામે આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે.’ તેમાં માઘ્યમના કર્તાહર્તાઓની શ્યામલક્ષ્મીની વિગતો જાહેર કરવાથી માંડીને ઑફિસમાં ધૂસી જઇને તોડફોડ કરવા સુધીની બાબતો સમાવિષ્ટ હોઇ શકે. ‘જે લોકો જાહેરમાં ‘કાળાં નાણાં’ જેવા સંસ્કૃતિઘાતી શબ્દોનો પ્રયોગ કરશે, તેમની હાલત  રામાયણ-મહાભારત વિશે સંશોધનપૂર્વક ગ્રંથો લખનારા વિદ્વાનો જેવી કે કળા દ્વારા મુક્ત અભિવ્યક્તિ કરનારા કલાકારો જેવી થશે. તેમને જાહેરમાં સંસ્કૃતિદ્રોહી તરીકે ચીતરીને ધીક્કારપાત્ર બનાવી દેવામાં આવશે.’ - એવું પણ જાહેર કરી શકાય.

આ વર્ણનમાં જેમને અતિશયોક્તિ લાગતી હોય તેમને યાદ કરાવવાનું કે સંસ્કૃતિદ્રોહના નામે આ બધા પ્રકારની ગુંડાગીરી થઇ ચૂકી છે. તેમાં કશું કાલ્પનિક નથી, તો પછી સંસ્કૃતિની વ્યાખ્યામાં વહેરોઆંતરો શા માટે? સીતાનું કે સરસ્વતીનું ‘અપમાન’ આપણને આટલું ખટકતું હોય, તો લક્ષ્મીનું શા માટે નહીં? ફક્ત એટલા માટે કે તે શ્યામ છે? શ્યામને લઇને કવિતાઓ ને કવિતડાંનો વરસાદ વરસાવનારી અને તેને હોંશે હોંશે ઝીલનારી સંસ્કૃતિમાં શ્યામ રંગ પ્રત્યે આટલો દ્વેષભાવ કે ઉપેક્ષાભાવ કેમ?  

એક વાર શ્યામલક્ષ્મીને બળુકું સંરક્ષણ મળવાની શરૂઆત થઇ જાય, એટલે સૌથી મોટો ફાયદો એ થશે કે દેશમાંથી કાળા નાણાંની સમસ્યા દૂર થઇ જશે. ના, કાળું નાણું દૂર નહીં થાય, પણ તેને સમસ્યા ગણીને શરમાવાને બદલે તેને સંસ્કૃતિ ગણીને હરખાવા માટે લોકો પ્રેરાશે. આફતને અવસરમાં પલટાવવાના અગાઉ આવા ઘણા પ્રયોગ સફળતાપૂર્વક થઇ ચૂક્યા છે, તો એક પ્રયોગ ઓર સહી.

કાળા નાણાંને પ્રતિષ્ઠા અપાવવી એ સંસ્કૃતિકાર્ય છે, એવી પ્રતિજ્ઞા લીધા પછી સૌથી પહેલાં તો એકાદ પુરાણનો હવાલો આપીને લક્ષ્મીજીના શ્યામસ્વરૂપ વિશેની કથા શોધી કાઢવી જરૂરી છે. જેમ કે,  લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનથી ખાનગીમાં થોડાં ઘરેણાં મૂકી રાખ્યાં હોય. એક દિવસ નારદમુનિ આવે અને વિષ્ણુ ભગવાનની મશ્કરી કરતાં કહે કે ‘માણસો તો ઇન્કમટેક્સવાળાથી ઘરેણાં છુપાવે છે, પણ પ્રભુ, તમે ઘરેણાં કોનાથી સંતાડ્યાં છે?’ વિષ્ણુ ભગવાન આરોપનો ઇન્કાર કરે. નારદજી તેમને અમુકતમુક જગ્યાએ જોવાનું કહે અને ત્યાંથી સંતાડેલાં ઘરેણાં નીકળે એટલે વિષ્ણુ ભગવાન નારાજ થાય. એ જ વખતે લક્ષ્મીજીનો પ્રવેશ થાય, વિષ્ણુ ભગવાન ઘડીકમાં ઘરેણાંની, તો ઘડીકમાં લક્ષ્મીજીની સામે ગુસ્સાથી જુએ. કચવાટથી લક્ષ્મીજીનો રંગ શ્યામ પડી જાય. ઘરેણાં છુપાવવા પાછળ સંસારહિતની કઇ લાગણી કામ કરતી હતી એ લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને સમજાવે, એટલે મામલો થાળે પડી જાય, પણ લક્ષ્મીજીનું એ વખતનું સ્વરૂપ શ્યામલક્ષ્મી તરીકે પ્રચલિત બને.

પૌરાણિક કથા પછીનું બીજું પગથિયું તેમને એક વાર ફાળવી દેવાનું છે. સંતોષીમાનો શુક્રવાર એમ શ્યામલક્ષ્મીમાતાનો રવિવાર. કારણ કે તેમના ભક્તો અઠવાડિયામાં છ દિવસ તો કામ કરતા હોય. બીજું કારણ એ કે શ્યામલક્ષ્મીનાં અસલી મંદિર જેવી કેટલીક સ્વિસ બેન્કો રવિવારે પણ ખુલ્લી હોય છે. પછી રહ્યું શ્યામલક્ષ્મીમાતાનું ‘અમારી બીજી કોઇ શાખા નથી’ પ્રકારનું મંદિર. તેમાં પ્રસાદ તરીકે કોઇ પણ ધાતુના, પણ સિક્કા જ રાખવાના. ઉપર એક તરફ શ્યામલક્ષ્મીનું ચિત્ર હોય અને પાછળ જુદા જુદા આંકડા લખેલા હોય. ભેટ મૂકનારને શ્યામલક્ષ્મીમાતાના પ્રસાદ તરીકે સિક્કો મળે. ભાવિક ભક્તો ધનતેરસના દિવસે એ સિક્કાને પૂજનમાં પણ મૂકી શકે.

શ્યામલક્ષ્મીનું મંદિર થવાથી એક ફાયદો એ થશે કે લોકોએ પોતાની શ્યામલક્ષ્મી વિદેશી ‘મંદિરો’ (બેન્કો)માં મૂકવા જવું નહીં પડે. ઘરબેઠાં, ‘સ્વર્ગાદપિ ગરિયસી’ એવી જન્મભૂમિમાં રહીને જ, પોતાની શ્યામલક્ષ્મીનો અસરકારક વહીવટ શ્યામલક્ષ્મીમાતાનાં મંદિરો થકી કરી શકાશે. અમુક એકરમાં પથરાયેલાં શ્યામલક્ષ્મીનાં મંદિર પછી તો ઠેકઠેકાણે ખુલવા લાગશે અને મલ્ટીપ્લેક્સ મંદિરોની વર્તમાન ફેશન પ્રમાણે, એ મંદિરમાં પછી તો ગમે તે અને બધા દેવીદેવતાઓની મૂર્તિ સ્થાપિત કરી શકાશે. શ્યામલક્ષ્મીને હડઘૂત કરવાને બદલે પૂજવાનો ખરો પરચો તો ત્યારે મળશે વિદેશની શ્યામલક્ષ્મી લિકેન્સ્ટાઇન કે મોરેશિયસની બેન્કોને બદલે ભારતનાં શ્યામલક્ષ્મી મંદિરોમાં ઠલવાશે અને ભારતનાં શ્યામલક્ષ્મી સ્થાનકોનો જયજયકાર વ્યાપી રહેશે.

(તા.ક. : શ્યામલક્ષ્મીવ્રત, વાર કે તેમના મંદિરનો આઇડિયા વાપરનારે આ લખનારને યોગ્ય અને શ્યામ નહીં એવી લક્ષ્મી ચૂકવવી જરૂરી છે)

Sunday, November 16, 2014

નેહરુની હત્યાના પ્રયાસો વિશે કદી સાંભળ્યું છે?

દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરુના જીવનકાર્ય વિશે કશું સારું ન સાંભળ્યું હોય એવી આખી પેઢી તૈયાર થઇ ચૂકી છે. જમણેરી રાજકારણના ખેલાડીઓએ નેહરુની મોટી ભૂલોમાં પોતીકી વિકૃતિઓ ઉમેરીને તેમની છબી બેહદ ખરડી મૂકી છે. નેહરુની વાજબી ટીકા કરવા માટે સચ્ચાઇ પૂરતી છે. છતાં, આઝાદી પહેલાંના હિંદુત્વના રાજકારણની શાખાઓ-પ્રશાખાઓ જેવાં રાજકીય-બિનરાજકીય બળોએ નેહરુ વિશે બેફામ જૂઠાણાં ફેલાવવાનું ચાલુ રાખ્યું છે. ઇન્ટરનેટના જમાનામાં તે ઓર આસાન બની ગયું છે.

સહેજ સર્ચ કરતાં ઇન્ટરનેટ પર નેહરુને સંડોવતી, માગો તેવી ‘કૉન્સ્પીરસી થિયરી’ (કાવતરાંકથાઓ) મળે છે : ગાંધીજીની હત્યા માટે નેહરુ જવાબદાર હતા, સુભાષચંદ્ર બોઝના મૃત્યુ પાછળ નેહરુની કાવતરાબાજી હતી, શ્યામાપ્રસાદ મુખર્જીનું મોત નેહરુના કારણે થયું...આ બઘું વાંચીને થાય કે શિવાજીના મૃત્યુની જવાબદારી નેહરુના માથે ઢોળવામાં નથી આવી એટલી આ કથા-કારોની દયા છે.

શાસ્ત્રીય નહીં, પણ પોતાનાં સગવડ-સ્વાર્થ પ્રમાણેના હિંદુ ધર્મનો ઝંડો લઇને નીકળેલા લોકોને ઇતિહાસ જાણવા-સમજવામાં રસ નથી. તેમને ઉપરથી કોઇએ ‘બત્તી’ પકડાવી દીધી કે ‘નેહરુ આઝાદ ભારતના સૌથી મોટા ખલનાયક હતા. તેમને યેનકેનપ્રકારે હીન ચીતરો. તેમને નીચા પાડો.’

એટલે થઇ રહ્યું. સેના મચી પડી છે. બત્તી પકડાવનારાની પેઢીઓ, તેમનાં લક્ષ્ય અને સ્વાર્થ બદલાતા રહે છે. બત્તી પકડનારાની પેઢીઓ પણ બદલાય છે. નથી બદલાતી ‘બત્તી’. એમાં તો જમાના પ્રમાણે ‘સુધારાવધારા’ થતા રહે છે. આવી ‘બત્તીઓ’ના અજવાળે નજીકનો ભૂતકાળ જોવાનાં પરિણામ કેવાં આવે, તે નેહરુ વિશે ફેલાવવામાં આવેલી - અને હવે વ્યાપક બની ચૂકેલી- અનેક ગેરસમજો પરથી સ્પષ્ટ થઇ જાય છે.

કયા નેતાઓના મૃત્યુના કાવતરામાં નેહરુની સંડોવણી હતી, એવું હોંશેહોંશે કહેનારા ઇન્ટરનેટ-બહાદુરો કે થિયરીબાજો પાસેથી કદી નેહરુની હત્યાના કાવતરા વિશે કે તેની સંભાવના વિશે સાંભળવા મળ્યું છે?

શક્યતા ઓછી છે. પરંતુ હકીકત એ છે કે ગાંધીજીની હત્યા કરનારાં અંતિમવાદી પરિબળોને નેહરુ પણ એટલા જ ખટકતા હતા. હિંદુ-મુસ્લિમ સહઅસ્તિત્ત્વ અને સૌહાર્દ ઇચ્છતા નેહરુને ‘દેશદ્રોહી’ ગણીને તેમનો ફેંસલો લાવી દેવા માટે અમુક વર્ગ આતુર હોય, તેમાં કશું નવાઇ પામવા જેવું નથી.



આ ટાઢા પહોરની અટકળ નથી. પરંતુ કોમવાદીઓ જેમનો ઉપયોગ મુખ્યત્વે નેહરુને નીચા પાડવા માટે કરતા રહ્યા છે, એવા સરદાર પટેલની ચિંતા હતી. તેમના જીવનના અંતિમ વર્ષ ૧૯૫૦ના એપ્રિલ માસમાં પાકિસ્તાનના વડાપ્રધાન લિયાકતઅલી ખાન ભારત આવીને અઠવાડિયું રોકાયા હતા. સરદાર પટેલના આધારભૂત ચરિત્રકાર રાજમોહન ગાંધીએ નોંઘ્યા પ્રમાણે, ‘દિલ્હીમાં રહેલા લિયાકતઅલી ખાને નેહરુ સાથે અનેક વખત વાટાઘાટો કર્યા પછી વલ્લભભાઇને મળવાની ઇચ્છા દર્શાવી. સરદાર તેમની જોડે વાત કરવા બહુ આતુર ન હતા. આગળના ત્રણ મહિનામાં પૂર્વ પાકિસ્તાનમાંથી અઢી લાખ હિંદુ નિરાશ્રિતો બંગાળમાં આવ્યા હતા. પણ નેહરુના અતિશય આગ્રહ પછી વલ્લભભાઇએ લિયાકતઅલી ખાન જોડે એપ્રિલની પાંચમી તારીખે બપોરે જમવાનું રાખ્યું.’

બન્ને દેશો વચ્ચે ભરપૂર તનાવ હતો ત્યારે સરદારે પાકિસ્તાનના વડાપ્રધાન આગળ શાની ચિંતા વ્યક્ત કરી? તેમણે લિયાકતઅલી ખાનને કહ્યું, ‘જવાહરલાલજી દિવસરાત મુસલમાનોના હક માટે જહેમત ઉઠાવે છે. ગાંધીજીનું થયું તેવું તેમનું પણ થશે, તેવા ફફડાટમાં હું ઊંઘી શકતો નથી.’

Sardar Patel, Liaqat ali Khan, Pandit Nehru 

સરદારને ઓળખનારા જાણે છે કે તે ‘મુખમેં રામ, બગલમેં છૂરી’ પ્રકારના નેતા ન હતા. રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘની શિસ્તનાં વખાણ કરતા હોવા છતાં સરદારે સંઘ પરિવાર પર પ્રતિબંધ લાદવામાં  ખચકાટ અનુભવ્યો ન હતો. પાકિસ્તાનના મુસ્લિમ રાજની તરાહ પર ભારતમાં હિંદુ રાજ સ્થાપવાના હિંદુવાદીઓના સ્વપ્નને સરદારે ‘પાગલ ખ્યાલ’ ગણાવ્યો હતો. એટલે જવાહરલાલ નેહરુની ચિંતા તેમને ખરેખર થતી હતી. તેમનો આ સંવાદ મણિબહેનની ડાયરી (૫-૪-૧૯૫૦)માંથી  રાજમોહન ગાંધીએ ઉતાર્યો છે. માટે તેની અધિકૃતતા વિશે પણ શંકા નથી. સરદાર-નેહરુના મતભેદની વાત બઢાવીચઢાવીને કરનારા કેટલા સરદારની આ ચિંતાની વાત કરે છે?

સરદારની આ ચિંતાના ચાર મહિના પછી, ઑગસ્ટ, ૧૯૫૦માં પંડિત નેહરુની હત્યાનું કાવતરું ઉઘાડું પડ્યું. આ માહિતી પણ નેહરુની છાવણીના ગણાતા કોઇ નેતાઓએ નહીં, ગૃહમંત્રી તરીકે સરદાર પટેલે આપી હતી. હિંદુ મહાસભાના ભૂતપૂર્વ પ્રમુખની ધરપકડ કરવા બદલ સરકારની ટીકા થઇ, તેના જવાબમાં સરદાર પટેલે સંસદમાં  નેહરુની હત્યાના કાવતરાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ગાંધીજીના હત્યાના આયોજન માટે જે જૂથ જવાબદાર હતું, તેમણે જ પંડિત નેહરુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. જેની ધરપકડ કરવામાં આવી હતી એ નેતાના કોઇ સાગરીતે બાતમી આપી દેતાં કાવતરું ઉઘાડું પડી ગયું હોવાનું સરદારે  ગૃહમાં જણાવ્યું.

Plot to Kill Nehru : a news item, august 1950

સરદારના મૃત્યુ પછી, ૧૯૫૩માં વડાપ્રધાન નેહરુની હત્યાનો વઘુ એક પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો. પંડિત નેહરુ અમૃતસર એક્સપ્રેસ દ્વારા મુંબઇ આવી રહ્યા હતા ત્યારે મુંબઇથી આશરે ૫૫ કિલોમીટર દૂર કલવન પાસે પાટા પર બોમ્બ મૂકવામાં આવ્યો હતો. પરંતુ ટ્રેક પર પેટ્રોલિંગ કરતા પોલીસની નજર બોમ્બ અને એ મુકનાર પર પડતાં તેમણે ગોળીબાર કર્યો હતો. કાવતરાબાજને પકડવામાં પોલીસને સફળતા ન મળી, પણ સંભવતઃ દબાણથી ફાટે એવો બોમ્બ સલામતીપૂર્વક પાટા પરથી હટાવી દેવામાં આવ્યો. પછીથી અંબરનાથ ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બોમ્બની ચકાસણી કરીને તેને મુંબઇ મોકલી આપવામાં આવ્યો હોવાનું અખબારી અહેવાલમાં જણાવાયું હતું. (તા.૫-૫-૧૯૫૩)

Plot to Kill Nehru : a news item, may 1953

નેહરુની હત્યાનો સૌથી જાણીતો પ્રયાસ ૧૯૫૫માં નાગપુરમાં થયો. માર્ચ ૧૨,૧૯૫૫ના રોજ એક રિક્ષાચાલક બાબુરાવ કોહલીએ તેમની પર ચપ્પુથી હુમલાનો પ્રયાસ કર્યો. નેહરુના સહાયક રહી ચૂકેલા એમ. ઓ. મથાઇએ ‘માય ડેઝ વિથ નેહરુ’માં નોંઘ્યું છે કે કોહલી એક પ્રકારનો ‘પોલિટિકલ થિન્કર’ હતો. તે દૃઢતાપૂર્વક માનતો હતો કે ‘કોંગ્રેસની સરકાર બહુમતીથી રાજ કરી રહી છે. એટલે તેનામાં શાણપણ નથી.’ કોહલીની ધરપકડ અને અદાલતી કાર્યવાહી પછી જુલાઇ ૨૮,૧૯૫૫ના રોજ વડાપ્રધાનની હત્યાના પ્રયાસ બદલ તેને આઇ.પી.સી.ની કલમ ૩૦૭ અંતર્ગત છ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી.

ગયા મહિને  સંઘ પરિવારના મલયાલમ મુખપત્ર ‘કેસરી’માં એક લેખકે એવું સૂચવ્યું હતું કે ગોડસેએ ગાંધીને બદલે નેહરુને માર્યા હોત તો સારું હતું. વિવાદ થયા પછી સંઘ પરિવાર અને ‘કેસરી’ના સંચાલકોએ હાથ ખંખેરી નાખ્યા અને આ અભિપ્રાયને લેખકનો અંગત મત ગણાવ્યો. પરંતુ એ લેખક- બી.ગોપાલકૃષ્ણન્‌ કોઇ અજાણ્યા માણસ નહીં, ગત લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હતા. સામાન્ય સંજોગોમાં આવા બખાળા હસી કાઢવાના હોય, પરંતુ ભાજપનું રાજ હોય અને સંઘ પરિવાર દેશના શાસક પક્ષનું અમુક હદે માર્ગદર્શક બળ બન્યો હોય, ત્યારે તેની છાવણીમાંથી ઉઠતા આવા અવાજ  સૌ નાગરિકોને ચેતવણી આપે છે : ‘બત્તી’ઓથી દૂર રહેવાની અને ઇન્ટરનેટ પર કે અન્યત્ર ચાલતો ગમે તેવો પ્રચાર આંખી મીંચીને માની ન લેવાની ચેતવણી.

Wednesday, November 12, 2014

વિમાન સાથે અથડાયેલી ભેંસનો ઇન્ટરવ્યુ

ભારતભૂમિનો મહિમા કરતાં કહેવાય છે કે ‘આ એ પવિત્ર ભૂમિ છે, જ્યાં ઘી-દૂધની નદીઓ વહેતી હતી.’ એવી જ રીતે, આપણી ભાવિ પેઢીઓ આપણા સમયના ભારત માટે કહી શકશે, ‘આ એ દેશ છે, જ્યાં વિમાન સાથે ભેંસ અથડાતી હતી.’

સુરતના એરપોર્ટ પર ટેક ઑફ કરતા વિમાન સાથે ભેંસ અથડાઇ, એ સમાચાર જાણીને ઘણા સવાલ જાગ્યા : શું ભેંસ ઉડતી હશે? શું એરપોર્ટ પર તબેલો હશે? શું તબેલામાં એરપોર્ટ હશે? શું ભેંસ સમયસર બોર્ડિંગ નહીં કરી શકવાને કારણે, હોલિવુડના હીરોની માફક રન વે પર ચાલતું વિમાન પકડવા દોડી હશે અને કંઇક ગફલત થતાં વિમાન સાથે અથડાઇ પડી હશે? શું ભેંસ જેહાદી કે ફીદાઇન હશે? શું વિમાન ભૂલથી ટેક ઑફ કરવાને બદલે સુરત શહેર ભણી વળીને તબેલાના વિસ્તારમાં પહોંચી ગયું હશે? શું ભેંસ વિમાનની પૂંછડી પરનો લાલ રંગ જોઇને, બુલફાઇટની અદામાં સામેથી દોડતી, છીંકોટા નાખતી આવીને વિમાનના અગ્રભાગ સાથે અથડાઇ હશે? ભેંસ કોઇની મોકલી આવી હશે કે ભૂલી પડી હશે? શું આ ભેંસની હિલચાલની (પણ) સરકાર દ્વારા જાસૂસી થતી હશે?  શું એ ખરેખર ભેંસ જ હશે? કે ભેંસની ખાલમાં છુપાયેલો કોઇ આતંકવાદી? શું એ ભેંસ વર્ષો સુધી તેના માલિકે ભરેલું વીમાનું પ્રીમિયમ વસૂલ કરવા માટે વેપારી અંદાજમાં વિમાનની સામે જઇને અથડાઇ હશે?

આવી ઘટના વખતે કોઇ પૂછે, ‘અક્કલ બડી કે ભેંસ?’ તો શો જવાબ આપવો? ‘જબ કૂત્તેપે સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા’ - એવી રીતે, જે જગ્યાએ વિમાન સાથે ભેંસ અથડાઇ એ જગ્યાએ ‘ભેંસાબાદ’, ‘મહિષીનગર’ કે ‘ટક્કરપુરા’ જેવું કોઇ શહેર વસાવવાની- કે કમ સે કમ, હાઉસિંગ સોસાયટીની એકાદ સ્કીમ મુકવાની સરકારશ્રીની કોઇ યોજના છે? આ ભેંસને ગુજરાતની અસ્મિતાનું પ્રતીક ગણી શકાય કે કેમ? અથડાયેલી ભેંસનું શું થયું? જો એ વિમાન સાથેની ટક્કરમાં મૃત્યુ પામી હોય તો, તેનું વિશ્વમાં બીજા ક્રમનું ઊંચામાં ઊંચું સ્મારક બનાવી શકાય?  અને એવું ગૌરવ લઇ શકાય કે ‘સ્ટેચ્યુ ઑફ લિબર્ટી’ કરતાં તો અમારું ‘સ્ટેચ્યુ ઑફ માઇટી’ વધારે ઊંચું છે?

અવતારવાદમાં શ્રદ્ધા ધરાવતા આ દેશેમાં એવો સવાલ પણ અસ્થાને નથી કે શું એ ભેંસ અવતારી હશે? આ રીતે વિમાન સાથે અથડાઇને એ જગતને કશો સંદેશો આપવા માગતી હશે? ભોગવાદી પશ્ચિમે આઘ્યાત્મિક જ્ઞાન માટે હંમેશાં અઘ્યાત્મવાદી પૂર્વ ભણી જોયું છે. તો શું આપણા અનેક મહાનુભાવોની જેમ, આ ભેંસમાંથી પણ પશ્ચિમી જગત કશુંક આઘ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી શકે તેમ છે? શું ભેંસની વિમાન સાથેની ટક્કર ઉચ્ચ ટેકનોલોજીના મદમાં મહાલતા પશ્ચિમને પ્રાકૃતિક તાકાતનો પરચો આપવા માટેનું કુદરતી આયોજન છે? કે પછી વિકસિત ગુજરાતમાં (ગોચરની જેમ) ‘ભેંસચર’ની જમીનો અદૃશ્ય થઇ રહી છે તેની વઘુ એક ચેતવણી આપતી દુર્ઘટના છે?  

અને વર્તમાન પત્રકારત્વનો સૌથી ‘રાષ્ટ્રિય’ સવાલ : અથડાયા પછી ભેંસને કેવું લાગ્યું હશે? (આપકો કૈસા લગ રહા હૈ?) આવી અનેક જિજ્ઞાસાઓ શમાવવા અને બીજી ભડકાવવા માટે લેવાયેલો ભેંસનો (કાલ્પનિક) ઇન્ટરવ્યુ.

સ : નમસ્કાર. આપણે સીધી વાતચીત ચાલુ કરી દઇએ?

જ : શ્યૉર. ‘બાઇટ’ જોઇએ છે કે ઇન્ટરવ્યુ?

સ : તમે તો બહુ મિડીયાસાવી છો.

જ : (સહેજ શરમાઇને) ચેનલવાળા ચર્ચા કરવા માટે ગમે તેને બોલાવે છે. એટલે તૈયાર રહેવું સારું.

સ : ઓકે, તો પહેલાં એ કહો કે દિલ્હી જતી ફ્‌લાઇટ સાથે તમારી ટક્કર થઇ અને વડાપ્રધાન મંત્રીમંડળનું વિસ્તરણ કરવાના હતા- આ બન્ને ઘટનાઓ વચ્ચે કોઇ સંબંધ ખરો?

જ : (હસે છે)

સ : આ મારા સવાલનો જવાબ નથી. ચોખ્ખું કહો : વિસ્તરણમાં તમારા માટે કોઇ સ્કોપ હતો? રાષ્ટ્રના હિતમાં જવાબદારી સ્વીકારવા માટે અમિતભાઇનો તમારી પર ફોન આવ્યો હતો?

જ : (મોટેથી હસે છે)

સ : હું કંઇ અર્નબ ગોસ્વામી નથી કે હું સિરીયસલી પૂછ્‌યે રાખું ને તમને ખડખડાટ હસવું આવે.

જ : નારાજ થવાની જરૂર નથી. તમે અર્નબ ગોસ્વામી નથી, તો હું વડાપ્રધાન મોદી પણ નથી. હું તમારા સવાલના જવાબ આપીશ. આંખો નહીં કાઢું.

સ : હાશ, તો આપો જવાબ.

જ : મને તો તમારા સવાલ પર હસવું આવતું હતું. રાજકારણમાં થોડીઘણી ખબર પડતી હોય એવા લોકો પણ જાણે છે કે વિસ્તરણ વખતે દોરે ત્યાં જાય એવી ગાયોનું કામ હોય- મારા જેવી ભેંસ ત્યાં જઇને શું કરે?

સ : બીજો સવાલ. તમારે લશ્કરે તોઇબા સાથે કોઇ સંબંધ ખરો? કે જમાત-ઉદ્‌-દાવા સાથે?

જ : થેન્ક્સ, આવું પૂછવાની તસ્દી લેવા બદલ. બાકી, ગુજરાતમાં તો આવું બઘું કોણ પૂછે છે? પોલીસ આવીને ઉઠાવી જાય. પછી સાબીત મારે કરવાનું કે હું તો કેવળ એક સીધીસાદી, સંસારી ભેંસ છું...પણ તમને આવું કેમ લાગ્યું?

સ : સિમ્પલ. તમારી વિમાન સાથેની ટક્કર ફીદાઇન પ્રકારનો મામલો હતી. થોડા દિવસ પહેલાં જ સરહદે આવો એક હુમલો...

જ : તમારી માણસોની આ જ તકલીફ છે. તમે બઘું તમારી આંખે જુઓ છો ને તમારા સ્વાર્થે વિચારો છો...ભેંસો એટલી અક્કલબુઠ્ઠી નથી હોતી કે એ ફીદાઇન થાય. અમારો કોઇ ધર્મ જ નથી કે જે અમને ત્રાસવાદના કે હુલ્લડબાજીના રવાડે ચડાવે. એ બઘું તમને સોંપ્યું.

સ : વાત તો તમે મુદ્દાની કરી, પણ તમારી વાત સાંભળીને કોઇને લાગે નહીં કે તમે વિમાન સાથે અથડાયેલાં એ જ...

જ : મને થયું કે જરા આજકાલની ફેશન પ્રમાણે વાત કરું. સો ઉંદરનાં મોત પછી હજ પણ પઢ્‌યા વિના બિલ્લી ઇમામ બની શકતી હોય, તો  એક ભેંસ આટલું ન કરી શકે?

સ : તમે બહુ ચાલાક છો. તમારે પ્રવક્તા તરીકે ટ્રાય કરવો જોઇએ.

જ : થેન્ક્સ. હું ચાલાક હોઇશ, પણ જૂઠ્ઠી નથી. એટલે એ વાત છોડો.

સ : કેટલાકને એવું માનવું ગમે છે કે ગુજરાતમાં એટલો વિકાસ થઇ ગયો કે ભેંસો ઉડવા લાગી છે. એટલે આવા પ્રશ્નો સર્જાય છે.

જ : તો પછી એમને કહો કે વિમાનોને ઘાસ ખવડાવવાનું અને દોહવાનું ચાલુ કરી દે.

સ : હવે મુદ્દાનો સવાલ. એરપોર્ટની હદમાં તમે કેવી રીતે ઘૂસી ગયાં?

જ : એક મિનીટ. પહેલાં એ નક્કી કરી લઇએ કે હું એરપોર્ટની હદમાં ધૂસી હતી કે એરપોર્ટ મારી હદમાં ઘૂસી ગયું છે. એરપોર્ટની આસપાસના કે સુરતના કોઇ પણ માણસને પૂછી જુઓ : એ જગ્યા કોની હતી અને કોણ ઘૂસ્યું?

સ : બને કે પહેલાં એ તમારી ચરવાની જગ્યા હોય, પરંતુ હવે ત્યાં એરપોર્ટ થઇ ગયું છે. તેના લીધે કેટલા બધા માણસોને સુવિધા પડે છે. વિમાન સાથે ટકરાતાં પહેલાં તમારે વિમાનમાં બેઠેલા માણસોની કિમતી જિંદગી વિશે તો વિચારવું જોઇએ.

જ : કેમ જાણે, તમે બહુ વિચારી વિચારીને ઊંધા વળી ગયા. અમારી ચરવાની જમીનો પર ‘વિકાસ’ કરી નાખો ત્યારે તમે વિચારો છો? અરે, અમારી વાત છોડ- અમે તો ભેંસ છીએ- તમે તમારા જેવા માણસોની જમીનો છીનવી લો, એમનાં ખોરડાં પર બુલડોઝર ફેરવી દો, એમને વિસ્થાપિત બનાવી દો  ત્યારે તમે કેટલું વિચારો છો? તમને વિમાનમાં બેઠેલા માણસોની ચિંતા થઇ. તો મેં જેમની વાત કરી એ બધાં માણસો નથી? (જરા શ્વાસ ખાઇને) હમણાં મેં કહ્યું હોત કે હું અદાણી કે અંબાણીની ભેંસ છું, તો કદાચ તમે મારી વિમાન સાથેની ટક્કરને પણ ‘વિકાસ માટે આવશ્યક’ ગણાવી દીધી હોત.

સ : તમે ડાબેરી છો?

જ : માણસની વાત કરનારને ‘ડાબેરી’ ગણીને કાઢી નાખવાની તમારી વિકૃતિ જોઇને અમે ઘણી વાર વિચારીએ છીએ  : અમારા દૂધમાં એવું તે શું આવી ગયું કે જેથી માણસોની બુદ્ધિ આટલી હદે ભ્રષ્ટ થઇ?

સ : તમારી વિમાન સાથેની ટક્કર અંગે તપાસપંચ નીમાયું છે, એની તમને ખબર છે?

જ : હા, અને તપાસપંચનું શું થવાનું છે એ પણ ખબર છે.

સ : તમે કેમ આટલા નિરાશાવાદી છો? તમે ક્યાંક હતાશાના આવેગમાં તો વિમાન સાથે અથડાયાં હો એવું નથી ને ?

જ : ઘરમાં ઝગડો થાય તો ગામમાં ઉપદ્રવ મચાવવો, એ માણસનો સ્વભાવ છે. થેન્ક ગૉડ, અમે ભેંસ છીએ.

સ : હું જોઉં છું કે ક્યારના તમે ટોણા પર ટોણા મારો છો. માણસ તરીકે  મારી સહનશક્તિની હવે હદ આવી છે. આપણે ઇન્ટરવ્યુ અહીં જ પૂરો કરીએ?

જ : ભલે, પણ ભેંસ તરીકે- અને પશુ તરીકે અમારી સહનશક્તિની હદ ક્યારની આવી ગઇ છે એનો પણ ફુરસદે વિચાર કરજો. ગુડ બાય.

(એ સાથે જ ભેંસનો ભાંભરવાનો અવાજ સાથે આંખ ખુલી જાય છે.)

Thursday, November 06, 2014

ભારતીય રાજકારણના નવા પ્રવાહો પ્રો.ભીખુ પારેખની નજરે (૨)

લોકસભાની ચૂંટણી પછી બદલાયેલાં ભારતનાં રાજકીય સમીકરણોનો રાજકીય નિષ્ણાતો હજુ તાગ મેળવી રહ્યા છે. આટલી ટૂંકી મુદતમાં કશો ચુકાદો આપવાનો પ્રશ્ન નથી-વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી જેવું વિવાદાસ્પદ વ્યક્તિત્વ હોય ત્યારે તો ખાસ નહીં. પરંતુ વિદ્વાન અઘ્યાપક અને બ્રિટનના હાઉસ ઑફ લૉર્ડ્‌ઝના સભ્ય પ્રો.ભીખુ પારેખ/ Prof. Bhikhu Parekh ભારતના રાજકીય પ્રવાહોને ઝીણવટપૂર્વક તપાસી રહ્યા છે. વડાપ્રધાન પ્રત્યે અભાવ કે અહોભાવ રાખ્યા વિના તેમણે કાઢેલાં કેટલાંક તારણ ગયા સપ્તાહે જોયાં હતાં. આ સપ્તાહે પ્રો.પારેખના લાંબા અનુભવ અને ઊંડા અભ્યાસના પરિપાક જેવાં થોડાં વઘુ તારણ. સાથે એટલી સ્પષ્ટતા કે પ્રો.પારેખ કોંગ્રેસ-ભાજપના કે મોદીતરફી-મોદીવિરોધીના સંકુચિત પરિપ્રેક્ષ્યથી ઉપર ઉઠીને વિશ્લેષણ કરવા માટે જાણીતા છે. તેમનાં આ તારણ આખરી અભિપ્રાય તરીકે નહીં, પણ નવા પ્રવાહો પામવાની મથામણ તરીકે - અને તેની સાથે મુદ્દાસર અસંમત થવાની પૂરી મોકળાશ સાથે- જોવાં.

(૧) સત્તાનું કેન્દ્ર બદલાય, એટલે બાકીના બધા પક્ષોનાં મૂલ્યો બદલાય છે. વિજેતા પક્ષ જે મૂલ્યોથી જીત્યો હોય, એ મૂલ્યો ઓછેવત્તે અંશે બધા પક્ષોમાં આવે છે. (ગુજરાતમાં કોમી હિંસા અને ત્યાર પછીના સમયમાં કોંગ્રેસે અપનાવેલી ‘સૉફ્‌ટ હિંદુત્વ’ની પૉલિસી આનું જાણીતું ઉદાહરણ છે.) પ્રો.પારેખે સેક્યુલારિઝમના મૂલ્ય વિશે ચાલી રહેલી ચર્ચા અને તેના બદલાયેલા સ્વરૂપનું ઉદાહરણ આપ્યું હતું.

(૨) નવા સત્તાધીશો તેમના વિચારો અને કાર્યોને પોષક એવો નવા જ પ્રકારના રાષ્ટ્રઘડતરનો એજેન્ડા ધરાવે છે. તેનો સ્પષ્ટ શબ્દોમાં વિરોધ કરતાં પ્રો. પારેખે બે કારણ આપ્યાં :

(૨-અ) સ્વતંત્રતાના સંઘર્ષ વખતે સર્વસંમતિના આધારે જે પોત ઊભું થયું હતું તે સમય જતાં બંધિયાર- વિચારજડ-રૂઢિચુસ્ત બની જાય તો બૌદ્ધિક તરીકે એ વૈચારિક જડતાનો આપણે ચોક્કસ વિરોધ કરવો જોઇએ. તેની સામે બૌદ્ધિક પ્રશ્નો ઊભા કરવા જ જોઇએ. પરંતુ જૂની  વૈચારિક જડતાની સામે નવી વૈચારિક જડતાને મૂકવામાં આવે એ ન ચાલે. નવા સંજોગોમાં જ્ઞાનઆધારિત નવા વિચાર  કે વાતાવરણ પેદા થતાં હોય તો તેને આવકારવા જોઇએ, પણ ૧૬ મે પછીના ભારતમાં જૂની જડતાનું સ્થાન નવી સુઆયોજિત જડતા લેવા લાગી છે.

દેશની સમસ્યાઓના ઉકેલ માટે એક પ્રકારને રૂઢિચુસ્તતાને  ફગાવીને બીજી રૂઢિચુસ્તતા ગોઠવી દેવાથી દેશનું દળદર ફીટવાનું નથી. ઊલટું, લાંબા ગાળે તેમાંથી અંધાઘૂંધી ફેલાશે. નવી રૂઢિચુસ્તતાને ગમે તેટલી મેનીપ્યુલેટ કરીને- ચાલાકીથી રજૂ કરવામાં આવે તો પણ એ જડતા જ છે. માટે તેનો વિરોધ કરવો જોઇએ. આ પ્રકારની રૂઢિચુસ્તતામાં રાજ્યસત્તાની મંજૂરીમહોર તો ખાસ ન ચાલે.

સત્તામાં આવેલાં પરિબળોને તેમની વૈચારિક રૂઢિચુસ્તતા અંગે જ્ઞાન આધારિત ચર્ચામાં કોઇ રસ નથી- સિવાય કે તેમની જડતા તમે સ્વીકારો. આવી બૌદ્ધિક જડતા દેશ પર ઠોકી બેસાડવાની શરૂઆત થઇ ચૂકી છે. (પ્રો.પારેખે રૂઢિચુસ્તતા -  જડતા - વિચારજડતા માટે વાપરેલો મૂળ અંગ્રેજી શબ્દ : ઑર્થોડૉક્સી)

(૨-બ) કોંગ્રેસમુક્ત ભારત એટલે શું? કોંગ્રેસ એટલે ફક્ત સોનિયા ગાંધી, ઇન્દિરા ગાંધી કે જવાહરલાલ નેહરુ નથી. કોંગ્રેસનું બંધારણ છે. સ્વાતંત્ર્ય સંગ્રામનો તેનો ભવ્ય વારસો છે. હજુ વિરોધ પક્ષ સોનિયા ગાંધીમુક્ત કોંગ્રેસની વાત કરે તો એ સમજી શકાય, પણ ‘કોંગ્રેસમુક્ત ભારત’ એટલે શું? નેહરુ ફક્ત વડાપ્રધાન ન હતા. તેમની એક વિચારધારા હતી. દેશની રાષ્ટ્રિય ફિલસૂફી કેવી હોવી જોઇએ એ વિશે તેમણે ૧૯૪૭માં પોતાના વિચારો પ્રગટ કર્યા હતા અને તેના સાત મુદ્દા આપ્યા હતા.

તમારે નેહરુનો સમાજવાદ નથી જોઇતો? સારું, તો તમે દેશ ઉદ્યોગપતિઓને સોંપી દેવા માગો છો? નેહરુ ઝડપી ઔદ્યોગીકરણમાં માનતા હતા. વડાપ્રધાન મોદી પણ એવું જ નથી ઇચ્છતા? એટલા માટે તો એ ચીન અને જાપાન માટે લાલ જાજમ પાથરે છે. નેહરુ લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે એના આગ્રહી હતા. વડાપ્રધાન મોદીનાં અમેરિકાનાં પ્રવચનોમાંથી ક્યાંય એવું દેખાતું નથી કે તે અંધશ્રદ્ધા કે ધર્માંધતા કે સામાજિક રૂઢિચુસ્તતાનો પ્રચાર કરતા હોય. જાદુગરો-મદારીઓના દેશ તરીકેની ભારતની છાપ તેમને પણ બદલવી છે. પરંતુ ગુજરાતમાં પૂરક વાચન તરીકે દાખલ કરાયેલાં સંઘ પરિવારનાં અને દીનાનાથ બત્રાનાં પુસ્તકો પરથી એવું ફલિત થાય છે કે નવી ઑર્થોડૉક્સીમાં તમારે નેેહરુના વૈજ્ઞાનિક મિજાજને ફગાવી દઇને અંધશ્રદ્ધા તથા પૌરાણિક ગૌરવના ઘેનમાં લોકોને રાખવા છે.

સંઘ પરિવાર અને ભાજપને નેહરુના ફિલોસૉફિકલ અને કલ્ચરલ વિચારો માટે ભારે પૂર્વગ્રહ છે, જેને દેશના મુખ્ય પ્રવાહમાંથી દૂર કરવાનો નવી ઑર્થોડૉક્સીનો ખ્યાલ છે. નેહરુ સાથે ગાંધીજી પણ હતા. તમે ગાંધીજીનું શું કરવા માગો છો? દેશપ્રેમનો દાવો કરનારાના મુસ્લિમવિરોધી અભિગમનું શું? ખરા દેશપ્રેમીઓ આવો અભિગમ રાખી શકે? આ બધામાં આખરે રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.) ના આંતરિક વિરોધાભાસનો મુદ્દો આવે છે. એ મારે સમજવા છે.

(૩) કેટલાંક ઉદાહરણ આપીને પ્રો.પારેખે કહ્યું કે આગામી વર્ષોમાં ગાંધીજીના ચરિત્રહનનના સંગઠિત પ્રયાસો થશે. તેમના બ્રહ્મચર્યના પ્રયોગોથી માંડીને એ બ્રિટિશ જાસુસ હતા, એ હદની વાતો ઉછાળવામાં આવશે. કોંગ્રેસમુક્ત દેશ પછી નેહરુમુક્ત દેશ, ગાંધીમુક્ત દેશ- આવી વ્યૂહાત્મક ઝુંબેશ દ્વારા સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન પેદા થયેલાં મૂલ્યોનો વારસો ખતમ કરવાની વાત છે. તેમની ગેરહાજરીમાં શૂન્યાવકાશ ઊભો થશે અને પછી નવી રૂઢિચુસ્તતા ઊભી થશે.

ભારતને એક દેશ તરીકે બાંધી રાખતો એક ‘યુનિફાઇંગ ઇન્ટલેક્ચુઅલ ટ્રેન્ડ’ હતો તેને વ્યવસ્થિત રીતે તોડવામાં આવી રહ્યો છે.  તેમાં સફળતા મળે અને રાષ્ટ્રવ્યાપી બૌદ્ધિક શૂન્યાવકાશ પેદા થાય તો રાષ્ટ્રના ભવિષ્યનું શું?

(૪) બ્રિટનના મજૂર પક્ષ (લેબર પાર્ટી) સાથે સંકળાયેલા પ્રો.પારેખે માર્ગારેટ થેચરનો રૂઢિચુસ્ત પક્ષ ચૂંટણી પર ચૂંટણી જીતી રહ્યો હતો એ દિવસો અને એ સમયની ચર્ચાઓ યાદ કરી. બ્રિટનના ટોચના સમાજવાદી અને માર્ક્‌સવાદી બૌદ્ધિકોએ ત્યારે કહ્યું હતું કે નિદાન ખોટું હશે તો રસ્તો નીકળવાનો નથી. અમે થેચરની આર્થિક નીતિ સમજવામાં નિષ્ફળ ગયા.  લેબર પાર્ટીનો એજેન્ડા રાષ્ટ્રિયકરણનો હતો. થેચરે રાષ્ટ્રિયકરણ શરૂ કર્યું. એ બની ગયું ‘થેચરોનોમિક્સ’. લેબર પાર્ટીવાળાએ ધારી લીઘું કે થેચર મૂડીવાદી વિચારસરણીનું સાકાર સ્વરૂપ છે. ખરેખર તેમણે પહેલેથી પોતાની આર્થિક નીતિઓ ઘડી ન હતી. અમે વડાપ્રધાન થેચરના વિચારો અને નીતિઓને જરૂર કરતાં વધારે મહત્ત્વ આપ્યું. આવું જ કંઇક ‘મોદીત્વ’ અંગે છે. પ્રો.પારેખે કહ્યું કે મોદીત્વ જેવું, જેને તમે અલાયદું વિચારદર્શન કહો એવું કશું નથી. રાજકીય સત્તા મળ્યા પછી સત્તા જ તમને અમુક પ્રમાણમાં શીખવે છે કે કેવા નિર્ણય લેવા. એટલે ‘મોદીત્વ’ના મુદ્દે ‘થેચરીઝમ’ જેવી જ ભૂલનું પુનરાવર્તન થઇ રહ્યું છે.

(પ) ઘણા લોકો માને છે કે ભાજપને હિંદુત્વને કારણે સ્પષ્ટ બહુમતી મળી છે. પ્રો. પારેખ આ વાત સાથે સંમત નથી. ભાજપ અને સંઘ પરિવાર પાસે કયો ધર્મ છે? સાવરકર, હેડગેવાર અને વાજપેયી જેવા ટોચના નેતાઓ નાસ્તિક (એથીસ્ટ) હતા. ભાજપને હિંદુત્વ અને હિંદુ સંસ્કૃતિની તેમની વ્યાખ્યાઓ ઉપરાંત રાષ્ટ્રવાદનો મુદ્દો પણ ફળ્યો છે.

‘સેન્ટર ફોર સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટી’ના એક તારણમાં જણાવાયા પ્રમાણે, દેશના ૨૬ ટકા મુસ્લિમ મતદારોએ મોદીને-ભાજપને મત આપ્યા. જો મોદી વડાપ્રધાનપદના ઉમેદવાર ન હોત તો તેમણે ભાજપને મત ન આપ્યા હોત. એકંદરે, ભાજપની જીતમાં હિંદુત્વ ઉપરાંત પણ બીજાં પરિબળો કારણભૂત હતાં. સોનિયા ગાંધી-મનમોહનસિંઘ દેશને ક્યાં લઇ જશે, ચીન ભારતથી કેમ આગળ નીકળી ગયું- એવા સવાલો પણ એ માટે અંશતઃ કારણભૂત ખરા.

(૬) ‘છેલ્લાં એકસો વર્ષમાં ભારતમાં મુસ્લિમોનું સ્થાન શું, એનો જવાબ હજુ મને મળ્યો નથી’ - એમ કહીને પ્રો.પારેખે બંધારણસભાની ચર્ચાઓ  વિશે વાત કરી હતી. તેમણે નિરીક્ષણ લેખે કહ્યું કે આઝાદ ભારતનાં પ્રતીકોમાં ક્યાંય ઇસ્લામનું પ્રતિનિધિત્વ નથી અને ‘લૉજિકલ ગ્રામર ઑફ ધ કન્સ્ટીટ્યુશન’- બંધારણની ભાષાના પોતનો તર્કબદ્ધ અભ્યાસ કરવામાં આવે તો તેમાં એવો નિષ્કર્ષ નીકળે છે કે આ દેશ હિંદુઓનો છે અને અમે જ પ્રભુત્વમાં રહીશું, પણ મુસ્લિમોના હિતને નુકસાન ન થાય એની અમે ખાતરી આપીએ છીએ. એ સમય એવો હતો. બ્રિટિશરોએ એવું કહ્યું કે આ દેશ હિંદુઓનો છે અને રહેવાનો છે. આપણી એ માની લીઘું. આવી સંસ્થાનવાદી ધારણાઓમાંથી બહાર નીકળવું સરળ નથી. પણ એ સંદર્ભે પુનઃવિચાર જરૂરી છે. રાજ્યને તેના જુદા જુદા સામાજિક સમુહો સાથે કેવા સંબંધ હોઇ શકે? બ્રિટનમાં અને અમેરિકામાં પણ આ ચર્ચા ચાલી રહી છે. આ સવાલ પંડિતજીના જમાનામાં પણ પજવતો હતો અને વડાપ્રધાન મોદીના શાસનમાં પણ વધારે તીવ્રતાથી તેમને પજવશે.

અનેક મુદ્દા પર છણાવટ કર્યા પછી પ્રો.પારેખે કહ્યું કે વિચારોનો સામનો વિચારોથી જ થઇ શકે. કાર્લ માર્ક્‌સને ટાંકીને તેમણે કહ્યું, ‘વેપન્સ ઑફ આઇડીયાઝ આર આઇડીયાઝ ધેમસેવ્ઝ’. (વિચાર પોતેે જ પોતાનું હથિયાર છે.) માટે, ખુલ્લાશથી ચર્ચા થવી જોઇએ, વાદ અને પ્રતિવાદ થવો જોઇએ. સામા પક્ષના બૌદ્ધિક ગણાતા માણસો સાથે સંવાદ થવો જોઇએ. એ માટે હાઉસ ઑફ લૉર્ડ્‌ઝમાં ‘ઇન્ડિયા ડીબેટ્‌સ’ નામનો મંચ ઊભો થયો છે. તેમાં વિવિધ નિષ્ણાતો અને નેતાઓને બોલાવીને આ પ્રકારની ચર્ચા કરવામાં આવશે. એવું જ કંઇક ભારતમાં અને ગુજરાતમાં પણ થાય અને ‘હઇસો હઇસો’ને બદલે ધોરણસરની ચર્ચાનો માહોલ ઊભો થાય એ જરૂરી છે. 

Tuesday, November 04, 2014

બુખારીની જાગીર

(ગુજરાત સમાચાર, તંત્રીલેખ, ૪-૧૧-૨૦૧૪)

દેશમાં રાજા-રજવાડાં ને સલ્તનતો આથમી ગયાને વર્ષો વીતી ગયાં, પણ કેટલાક લોકો હજુ પોતાના ‘રાજાપાઠ’માંથી બહાર આવવા માગતા નથી. એવા એક ભાઇ છે દિલ્હીની જામા મસ્જિદના ઇમામ. મોગલોના જમાનામાં દિલ્હી-આગ્રા જેવાં શહેરોમાં જામા મસ્જિદને રાજ્યાશ્રય હતો અને તેના ઇમામ (વડા) બાદશાહ પોતે નીમતા હતા.  જમાનો રાજાશાહીનો હતો. એટલે એ ઇમામો ‘શાહી ઇમામ’ કહેવાતા. ૧૮૫૭માં રહીસહી મોગલ સલ્તનતનું ઉઠમણું થઇ ગયું, પણ ‘શાહી ઇમામ’નો હોદ્દો ચાલુ રહ્યો. લોકશાહી ભારતનો જન્મ થયા પછી પણ દિલ્હીની જામા મસ્જિદના ઇમામનું શાહીપણું ગયું નહીં.

ઇમામનું શાહીપણું એ એકમાત્ર વાંધાજનક બાબત નથી. એ શાહીપણું લાયકાતને બદલે વંશપરંપરાથી એનાયત થાય અને શાહી ઇમામનો મોટો પુત્ર શાહી ઇમામ બને એ બીજો વાંધો છે. કોઇ ધર્મ વંશપરંપરાનો આગ્રહ રાખી શકે નહીં. ધાર્મિક વડા બનવા માટે અણીશુદ્ધ ધાર્મિક આચરણ અને ધર્મનું પૂરતું જ્ઞાન અનિવાર્ય ગણાય. પરંતુ ધાર્મિક લાયકાતને બદલે ‘ખાનબહાદુર’ જેવો હોદ્દો બની ચૂકેલું ‘શાહી ઇમામ’ તરીકેનું લટકણીયું વંશપરંપરાગત બની ગયું. એટલું જ નહીં, સમય જતાં મુસ્લિમ મતબેન્કને હાથમાં રાખવા આતુર કોંગ્રેસ તરફથી તેને રાજ્યાશ્રય મળ્યો. એટલે ઇમામનું શાહીપણું બરખાસ્ત થઇ જવાને બદલે, દબદબાભેર આગળ વઘ્યું. શાહી ઇમામ તેમની ધાર્મિક લાયકાતને બદલે તેમનાં રાજકીય સમીકરણો અને પછાત-રૂઢિચુસ્ત મનોદશા સૂચવતા ફતવાઓ માટે કુખ્યાત બનવા લાગ્યા.

વર્તમાન ઇમામ બુખારી એ રીતે ભારે વિવાદાસ્પદ રહ્યા છે. તેમણે ભારતીય મુસ્લિમોની સેવા કરતાં કુસેવા વધારે કરી છે, એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય. આ ભાઇ હવે પોતાનું શાહીપણું પોતાના પુત્રને આપવાનો ભવ્ય સમારંભ યોજવાના છે. કુરાનમાં કે હદીસમાં ક્યાં આવો ભપકો કરવાનું લખ્યું છે એ તો ઇમામ જાણે, પણ આ ઇમામે પોતાના મોટા પુત્રને બદલે નાના પુત્રને પોતાનો વારસદાર બનાવવાનું નક્કી કર્યું છે. આ લોકો ધાર્મિક હોદ્દાને તો ઠીક, આખા મુસ્લિમ સમાજને પણ બાપીકી જાગીર ગણતા હોય એવું વર્તન કરે છે. આ ઇમામભાઇનો ‘નાયબ શાહી ઇમામ’ બનનારો પુત્ર હજુ માંડ ૧૯ વર્ષનો છે, પણ ઇમામભાઇ એને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કરી દેવા તલપાપડ છે.

આમ તો ઇમામ અને તેમના સમાજ વચ્ચેનો આ મામલો કહેવાય. તેમની આવી વર્તણૂંક અને વારસાઇની ‘ધર્મના નામે કેવું કેવું ચાલે છે’ એ રીતે ટીકા થઇ શકે. પરંતુ ‘શાહી’નો કેફ ધરાવતા ઇમામ પોતાના દીકરાને ઉત્તરાધિકારી બનાવવાના સમારંભ બાબતે હદ વટાવી ગયા છે. તેમણે આ સમારંભમાં પાકિસ્તાનના વડાપ્રધાન સહિત બીજા ઘણા દેશોના વડાઓને આમંત્રણ આપ્યાં છે, પરંતુ ભારતના વડાપ્રધાનને આમંત્ર્યા નથી. એટલું જ નહીં, એમ પણ કહ્યું છે કે ‘ભારતના વડાપ્રધાનને ગુજરાતનાં રમખાણ માટે મુસ્લિમોએ માફ કર્યા નથી. આ અંગત મામલો નથી. એમને અમે નથી ગમતા ને અમને એ નથી ગમતા.’

દેખીતી રીતે જ ઇમામ ભીંત ભૂલ્યા છે. એમને સમજણ પડવી જોઇએ કે તે ભારતના નાગરિક છે અને તે ઇચ્છે કે ન ઇચ્છે, પણ મોદી ભારતના વડાપ્રધાન છે. વડાપ્રધાન તરીકે મોદી સામેના બધા વાંધા ઊભા રાખીને, વાજબી મુદ્દા પર તેમનો તીવ્ર વિરોધ ચાલુ રાખીને પણ, તેમને દેશના વડાપ્રધાન તરીકે મળવાપાત્ર માન આપવું રહ્યું. બીજા દેશોના વડાઓને નિમંત્રણ અપાતાં હોય, જેની સાથેની સરહદ સતત સળગતી રહે છે એ પાકિસ્તાનના વડાપ્રધાને નોતરું દેવાયું હોય, ત્યારે ભારતના વડાપ્રધાનને ન બોલાવવા એ કોઇ રીતે વાજબી ન ઠરાવી શકાય એવી, અક્ષમ્ય ચેષ્ટા છે.  એનાથી પણ વધારે ખરાબ બાબત એ છે કે તે ભારતના મુસ્લિમોની લાગણી આગળ ધરીને દેશના વડાપ્રધાનને બોલાવતા નથી ને પાકિસ્તાનના વડાપ્રધાનને બોલાવે છે. આવા નિર્ણયો લેનારા ઇમામ  હોય ત્યારે ભારતના મુસ્લિમોને સમાજનું અહિત કરનારા દુશ્મન બહાર શોધવાની જરૂર રહેતી નથી.

ઇમામ તેમની ચેષ્ટાથી એવું સાબીત કરવા માગે છે, જાણે ભારતના મુસ્લિમોનો પાકિસ્તાન સાથે નૈસર્ગીક સંબંધ હોય. હકીકતે આ બાબત જમણેરી સંગઠનો આરોપ તરીકે છાશવારે કહેતાં હોય, ત્યારે ઇમામ પોતાની વર્તણૂંકથી શત્રુભાવે પણ તેને સમર્થન આપે, તેનાથી ભારતીય મુસ્લિમોનું અહિત થાય છે. રહી વાત વડાપ્રધાન સામે મુસ્લિમોની નારાજગીની. એ બાબતમાં બુખારીને મુસ્લિમોએ પ્રતિનિધિ નીમ્યા હોય એવું ક્યાંય જણાયું નથી. બુખારીની ચૂંટણીલક્ષી અપીલોને એવો પ્રતિસાદ પણ મળ્યો નથી. ‘શાહી ઇમામ’ ગણાવા આતુર બુખારી મોદીનો બોલકો વિરોધ કરીને મુસ્લિમ મતોને કોંગ્રેસની ઝોળીમાં નાખવા માગતા હોય, તો તેમણે કોંગ્રેસ પાસે પણ હિસાબ માગવાનો થાય કે ગુજરાતની હિંસા વખતે કોંગ્રેસે શું કર્યું? સાથોસાથ, તેમણે પોતે પણ એ વાતનો જવાબ આપવાનો થાય કે ગુજરાતના મુસ્લિમોને ન્યાય અપાવવા માટે તેમણે શું કર્યું? ભારતના વડાપ્રધાનને બાકાત રાખીને, પાકિસ્તાનના વડાપ્રધાનને નોતરીને ઇમામે પોતાના હોદ્દાની રહીસહી ગરીમા નષ્ટ કરી છે.