Wednesday, November 12, 2014

વિમાન સાથે અથડાયેલી ભેંસનો ઇન્ટરવ્યુ

ભારતભૂમિનો મહિમા કરતાં કહેવાય છે કે ‘આ એ પવિત્ર ભૂમિ છે, જ્યાં ઘી-દૂધની નદીઓ વહેતી હતી.’ એવી જ રીતે, આપણી ભાવિ પેઢીઓ આપણા સમયના ભારત માટે કહી શકશે, ‘આ એ દેશ છે, જ્યાં વિમાન સાથે ભેંસ અથડાતી હતી.’

સુરતના એરપોર્ટ પર ટેક ઑફ કરતા વિમાન સાથે ભેંસ અથડાઇ, એ સમાચાર જાણીને ઘણા સવાલ જાગ્યા : શું ભેંસ ઉડતી હશે? શું એરપોર્ટ પર તબેલો હશે? શું તબેલામાં એરપોર્ટ હશે? શું ભેંસ સમયસર બોર્ડિંગ નહીં કરી શકવાને કારણે, હોલિવુડના હીરોની માફક રન વે પર ચાલતું વિમાન પકડવા દોડી હશે અને કંઇક ગફલત થતાં વિમાન સાથે અથડાઇ પડી હશે? શું ભેંસ જેહાદી કે ફીદાઇન હશે? શું વિમાન ભૂલથી ટેક ઑફ કરવાને બદલે સુરત શહેર ભણી વળીને તબેલાના વિસ્તારમાં પહોંચી ગયું હશે? શું ભેંસ વિમાનની પૂંછડી પરનો લાલ રંગ જોઇને, બુલફાઇટની અદામાં સામેથી દોડતી, છીંકોટા નાખતી આવીને વિમાનના અગ્રભાગ સાથે અથડાઇ હશે? ભેંસ કોઇની મોકલી આવી હશે કે ભૂલી પડી હશે? શું આ ભેંસની હિલચાલની (પણ) સરકાર દ્વારા જાસૂસી થતી હશે?  શું એ ખરેખર ભેંસ જ હશે? કે ભેંસની ખાલમાં છુપાયેલો કોઇ આતંકવાદી? શું એ ભેંસ વર્ષો સુધી તેના માલિકે ભરેલું વીમાનું પ્રીમિયમ વસૂલ કરવા માટે વેપારી અંદાજમાં વિમાનની સામે જઇને અથડાઇ હશે?

આવી ઘટના વખતે કોઇ પૂછે, ‘અક્કલ બડી કે ભેંસ?’ તો શો જવાબ આપવો? ‘જબ કૂત્તેપે સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા’ - એવી રીતે, જે જગ્યાએ વિમાન સાથે ભેંસ અથડાઇ એ જગ્યાએ ‘ભેંસાબાદ’, ‘મહિષીનગર’ કે ‘ટક્કરપુરા’ જેવું કોઇ શહેર વસાવવાની- કે કમ સે કમ, હાઉસિંગ સોસાયટીની એકાદ સ્કીમ મુકવાની સરકારશ્રીની કોઇ યોજના છે? આ ભેંસને ગુજરાતની અસ્મિતાનું પ્રતીક ગણી શકાય કે કેમ? અથડાયેલી ભેંસનું શું થયું? જો એ વિમાન સાથેની ટક્કરમાં મૃત્યુ પામી હોય તો, તેનું વિશ્વમાં બીજા ક્રમનું ઊંચામાં ઊંચું સ્મારક બનાવી શકાય?  અને એવું ગૌરવ લઇ શકાય કે ‘સ્ટેચ્યુ ઑફ લિબર્ટી’ કરતાં તો અમારું ‘સ્ટેચ્યુ ઑફ માઇટી’ વધારે ઊંચું છે?

અવતારવાદમાં શ્રદ્ધા ધરાવતા આ દેશેમાં એવો સવાલ પણ અસ્થાને નથી કે શું એ ભેંસ અવતારી હશે? આ રીતે વિમાન સાથે અથડાઇને એ જગતને કશો સંદેશો આપવા માગતી હશે? ભોગવાદી પશ્ચિમે આઘ્યાત્મિક જ્ઞાન માટે હંમેશાં અઘ્યાત્મવાદી પૂર્વ ભણી જોયું છે. તો શું આપણા અનેક મહાનુભાવોની જેમ, આ ભેંસમાંથી પણ પશ્ચિમી જગત કશુંક આઘ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી શકે તેમ છે? શું ભેંસની વિમાન સાથેની ટક્કર ઉચ્ચ ટેકનોલોજીના મદમાં મહાલતા પશ્ચિમને પ્રાકૃતિક તાકાતનો પરચો આપવા માટેનું કુદરતી આયોજન છે? કે પછી વિકસિત ગુજરાતમાં (ગોચરની જેમ) ‘ભેંસચર’ની જમીનો અદૃશ્ય થઇ રહી છે તેની વઘુ એક ચેતવણી આપતી દુર્ઘટના છે?  

અને વર્તમાન પત્રકારત્વનો સૌથી ‘રાષ્ટ્રિય’ સવાલ : અથડાયા પછી ભેંસને કેવું લાગ્યું હશે? (આપકો કૈસા લગ રહા હૈ?) આવી અનેક જિજ્ઞાસાઓ શમાવવા અને બીજી ભડકાવવા માટે લેવાયેલો ભેંસનો (કાલ્પનિક) ઇન્ટરવ્યુ.

સ : નમસ્કાર. આપણે સીધી વાતચીત ચાલુ કરી દઇએ?

જ : શ્યૉર. ‘બાઇટ’ જોઇએ છે કે ઇન્ટરવ્યુ?

સ : તમે તો બહુ મિડીયાસાવી છો.

જ : (સહેજ શરમાઇને) ચેનલવાળા ચર્ચા કરવા માટે ગમે તેને બોલાવે છે. એટલે તૈયાર રહેવું સારું.

સ : ઓકે, તો પહેલાં એ કહો કે દિલ્હી જતી ફ્‌લાઇટ સાથે તમારી ટક્કર થઇ અને વડાપ્રધાન મંત્રીમંડળનું વિસ્તરણ કરવાના હતા- આ બન્ને ઘટનાઓ વચ્ચે કોઇ સંબંધ ખરો?

જ : (હસે છે)

સ : આ મારા સવાલનો જવાબ નથી. ચોખ્ખું કહો : વિસ્તરણમાં તમારા માટે કોઇ સ્કોપ હતો? રાષ્ટ્રના હિતમાં જવાબદારી સ્વીકારવા માટે અમિતભાઇનો તમારી પર ફોન આવ્યો હતો?

જ : (મોટેથી હસે છે)

સ : હું કંઇ અર્નબ ગોસ્વામી નથી કે હું સિરીયસલી પૂછ્‌યે રાખું ને તમને ખડખડાટ હસવું આવે.

જ : નારાજ થવાની જરૂર નથી. તમે અર્નબ ગોસ્વામી નથી, તો હું વડાપ્રધાન મોદી પણ નથી. હું તમારા સવાલના જવાબ આપીશ. આંખો નહીં કાઢું.

સ : હાશ, તો આપો જવાબ.

જ : મને તો તમારા સવાલ પર હસવું આવતું હતું. રાજકારણમાં થોડીઘણી ખબર પડતી હોય એવા લોકો પણ જાણે છે કે વિસ્તરણ વખતે દોરે ત્યાં જાય એવી ગાયોનું કામ હોય- મારા જેવી ભેંસ ત્યાં જઇને શું કરે?

સ : બીજો સવાલ. તમારે લશ્કરે તોઇબા સાથે કોઇ સંબંધ ખરો? કે જમાત-ઉદ્‌-દાવા સાથે?

જ : થેન્ક્સ, આવું પૂછવાની તસ્દી લેવા બદલ. બાકી, ગુજરાતમાં તો આવું બઘું કોણ પૂછે છે? પોલીસ આવીને ઉઠાવી જાય. પછી સાબીત મારે કરવાનું કે હું તો કેવળ એક સીધીસાદી, સંસારી ભેંસ છું...પણ તમને આવું કેમ લાગ્યું?

સ : સિમ્પલ. તમારી વિમાન સાથેની ટક્કર ફીદાઇન પ્રકારનો મામલો હતી. થોડા દિવસ પહેલાં જ સરહદે આવો એક હુમલો...

જ : તમારી માણસોની આ જ તકલીફ છે. તમે બઘું તમારી આંખે જુઓ છો ને તમારા સ્વાર્થે વિચારો છો...ભેંસો એટલી અક્કલબુઠ્ઠી નથી હોતી કે એ ફીદાઇન થાય. અમારો કોઇ ધર્મ જ નથી કે જે અમને ત્રાસવાદના કે હુલ્લડબાજીના રવાડે ચડાવે. એ બઘું તમને સોંપ્યું.

સ : વાત તો તમે મુદ્દાની કરી, પણ તમારી વાત સાંભળીને કોઇને લાગે નહીં કે તમે વિમાન સાથે અથડાયેલાં એ જ...

જ : મને થયું કે જરા આજકાલની ફેશન પ્રમાણે વાત કરું. સો ઉંદરનાં મોત પછી હજ પણ પઢ્‌યા વિના બિલ્લી ઇમામ બની શકતી હોય, તો  એક ભેંસ આટલું ન કરી શકે?

સ : તમે બહુ ચાલાક છો. તમારે પ્રવક્તા તરીકે ટ્રાય કરવો જોઇએ.

જ : થેન્ક્સ. હું ચાલાક હોઇશ, પણ જૂઠ્ઠી નથી. એટલે એ વાત છોડો.

સ : કેટલાકને એવું માનવું ગમે છે કે ગુજરાતમાં એટલો વિકાસ થઇ ગયો કે ભેંસો ઉડવા લાગી છે. એટલે આવા પ્રશ્નો સર્જાય છે.

જ : તો પછી એમને કહો કે વિમાનોને ઘાસ ખવડાવવાનું અને દોહવાનું ચાલુ કરી દે.

સ : હવે મુદ્દાનો સવાલ. એરપોર્ટની હદમાં તમે કેવી રીતે ઘૂસી ગયાં?

જ : એક મિનીટ. પહેલાં એ નક્કી કરી લઇએ કે હું એરપોર્ટની હદમાં ધૂસી હતી કે એરપોર્ટ મારી હદમાં ઘૂસી ગયું છે. એરપોર્ટની આસપાસના કે સુરતના કોઇ પણ માણસને પૂછી જુઓ : એ જગ્યા કોની હતી અને કોણ ઘૂસ્યું?

સ : બને કે પહેલાં એ તમારી ચરવાની જગ્યા હોય, પરંતુ હવે ત્યાં એરપોર્ટ થઇ ગયું છે. તેના લીધે કેટલા બધા માણસોને સુવિધા પડે છે. વિમાન સાથે ટકરાતાં પહેલાં તમારે વિમાનમાં બેઠેલા માણસોની કિમતી જિંદગી વિશે તો વિચારવું જોઇએ.

જ : કેમ જાણે, તમે બહુ વિચારી વિચારીને ઊંધા વળી ગયા. અમારી ચરવાની જમીનો પર ‘વિકાસ’ કરી નાખો ત્યારે તમે વિચારો છો? અરે, અમારી વાત છોડ- અમે તો ભેંસ છીએ- તમે તમારા જેવા માણસોની જમીનો છીનવી લો, એમનાં ખોરડાં પર બુલડોઝર ફેરવી દો, એમને વિસ્થાપિત બનાવી દો  ત્યારે તમે કેટલું વિચારો છો? તમને વિમાનમાં બેઠેલા માણસોની ચિંતા થઇ. તો મેં જેમની વાત કરી એ બધાં માણસો નથી? (જરા શ્વાસ ખાઇને) હમણાં મેં કહ્યું હોત કે હું અદાણી કે અંબાણીની ભેંસ છું, તો કદાચ તમે મારી વિમાન સાથેની ટક્કરને પણ ‘વિકાસ માટે આવશ્યક’ ગણાવી દીધી હોત.

સ : તમે ડાબેરી છો?

જ : માણસની વાત કરનારને ‘ડાબેરી’ ગણીને કાઢી નાખવાની તમારી વિકૃતિ જોઇને અમે ઘણી વાર વિચારીએ છીએ  : અમારા દૂધમાં એવું તે શું આવી ગયું કે જેથી માણસોની બુદ્ધિ આટલી હદે ભ્રષ્ટ થઇ?

સ : તમારી વિમાન સાથેની ટક્કર અંગે તપાસપંચ નીમાયું છે, એની તમને ખબર છે?

જ : હા, અને તપાસપંચનું શું થવાનું છે એ પણ ખબર છે.

સ : તમે કેમ આટલા નિરાશાવાદી છો? તમે ક્યાંક હતાશાના આવેગમાં તો વિમાન સાથે અથડાયાં હો એવું નથી ને ?

જ : ઘરમાં ઝગડો થાય તો ગામમાં ઉપદ્રવ મચાવવો, એ માણસનો સ્વભાવ છે. થેન્ક ગૉડ, અમે ભેંસ છીએ.

સ : હું જોઉં છું કે ક્યારના તમે ટોણા પર ટોણા મારો છો. માણસ તરીકે  મારી સહનશક્તિની હવે હદ આવી છે. આપણે ઇન્ટરવ્યુ અહીં જ પૂરો કરીએ?

જ : ભલે, પણ ભેંસ તરીકે- અને પશુ તરીકે અમારી સહનશક્તિની હદ ક્યારની આવી ગઇ છે એનો પણ ફુરસદે વિચાર કરજો. ગુડ બાય.

(એ સાથે જ ભેંસનો ભાંભરવાનો અવાજ સાથે આંખ ખુલી જાય છે.)

No comments:

Post a Comment