Tuesday, November 25, 2014

ખોટું કરવાનો ‘અધિકાર’

‘દીવાર’માં અમિતાભ બચ્ચન શશિ કપૂરને ‘જાઓ, પહેલે ઉસ આદમીકા સાઇન લેકે આઓ...’ એમ કહીને કુટુંબ સાથે થયેલા અન્યાયની આખી યાદી સંભળાવે છે, ત્યારે દર્શકો પણ મનોમન અમિતાભ સાથે સંમત થઇ જાય છે. પછી નાનો ભાઇ શશિ કપૂર સાવ સાદું સત્ય સમજાવે છે. તેના શબ્દો જુદા હશે, પણ સાર આ છે :
આપણે અન્યાયનો ભોગ બન્યા હોઇએ, એટલે આપણને અન્યાય કરવાનો અબાધિત અધિકાર મળી જતો નથી. બીજા સાથે અન્યાય આચરીને, આપણી સાથે થયેલો અન્યાય સરભર કરી શકાતો નથી- એને વાજબી પણ ઠરાવી શકાતો નથી. અન્યાયનો છેદ ઉડાડવાથી અન્યાયનો ગુણાકાર થાય છે. અન્યાયનો અંત લાવવો છે? તો ન્યાયબુદ્ધિ ને માણસાઇ નેવે મૂક્યા વિના, અન્યાય સામે લડો. અન્યાયને અન્યાયથી કાપશો, તો  ડાળખાં કપાશે, પણ મૂળીયાં વધારે મજબૂત થશે. અન્યાયને મૂળમાંથી કાઢવો હોય તો તેનો સામનો ન્યાયી રીતે કરો...

છતાં, તાળીઓ મોટે ભાગે અમિતાભના ડાયલોગ પર જ પડે છે. કારણ કે તેમાં ‘મર્દાના’ વાત છે. ‘મર્દાનગી’ની લોકોની વ્યાખ્યા સમજવી અઘરી છે. સતત અસલામતીમાં જીવનારા, બહાર ગર્જનાઓ કરીને ભીતર ફફડાટ અનુભવનારા, કમાન્ડોના ઝુંડથી ઘેરાયેલા નેતાઓ લોકોને ‘મરદ’ લાગે છે. માંડ છ-સાત દાયકા પહેલાં આ જ દેશમાં ગાંધી-સરદાર જેવા આત્મબળની ‘મર્દાનગી’ ધરાવતા નેતાઓ થઇ ગયા હોય, ત્યારે આ વિરોધાભાસ વધારે ઘેરો લાગે છે.

સિત્તેરના દાયકાનો ‘દીવાર’નો ડાયલોગ ઘણા સમયથી જાહેર જીવનની ફિલસૂફી અને જાહેર વિમર્શની એક ધરી બની ગયો હોય એમ લાગે છે. અંગ્રેજી લેખક તરીકે વિખ્યાત એવા ગુજરાતી સલીલ ત્રિપાઠીએ ‘દીવાર સિન્ડ્રોમ’ માટે પ્રયોજેલો શબ્દ હતો : ઇક્વલ ઑપર્ચ્યુનિટી એન્ટાઇટલમેન્ટ્‌સ (સમાન તકનો અધિકાર)- પરંતુ તેમણે જે સંદર્ભમાં આ શબ્દ વાપર્યો, તેનું ગુજરાતી થાય : ખોટું કરવાની સમાન તકોનો અધિકાર. આ વિચિત્ર અને વિકૃત તર્કબાજીને અમિતાભના ‘દીવાર’ના ડાયલોગ જેવો પ્રતિસાદ મળતો રહ્યો છે. કારણ કે, આ દલીલબાજીમાં ઝાઝું નહીં વિચારવાની સુવિધા છે. એટલું જ નહીં, ઝાઝું વિચાર્યા વિના ‘સ્માર્ટ’ દેખાવાનો અને દલીલમાં સામેવાળાને પાડી દીધાનો આભાસી સંતોષ પણ છે.

જાતે વિચારો

ગયા સપ્તાહે કેન્દ્ર સરકારે ‘યોગગુરુ’ રામદેવ માટે ઝેડ કેટેગરીની સિક્યોરીટી મંજૂર કરી. ચૂંટણી પહેલાં પોતાનું રાજકીય મહત્ત્વ સ્થાપિત કરવા માટે રામદેવે કાળાં નાણાં વિશે આડેધડ, અદ્ધરતાલ નિવેદનો કર્યાં હતાં. ‘એક ભક્તે ભેટમાં આપેલા’ ટાપુ સહિત રામદેવની પોતાની સંપત્તિ અને તેમના વ્યવસાયને લગતા ઘણા સવાલ નાગરિકોના મનમાં થાય એવા છે. પરંતુ કોંગ્રેસવિરોધના વાતાવરણમાં રામદેવ ઉંચકાઇ ગયા.  દેશમાં અન્ના હજારેની બોલબાલા હતી ત્યારે રહી ગયાની લાગણી અનુભવતા રામદેવે રામલીલા મેદાનમાં શક્તિપ્રદર્શન કર્યું, પરંતુ પોલીસ આવી ત્યારે આ ‘યોગગુરુ’, અડ્ડા પર રેઇડ પડતાં ઊભી પૂંછડીએ નાસી છૂટતા જુગારીઓની જેમ, સાડી પહેરીને મંચ પરથી ઠેકડો મારીને નાસી ગયા. (તેમનો દાવો એવો હતો કે એ ત્યાં રહ્યા હોત તો તેમના માટે જાનનું જોખમ હતું)

ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના સમર્થક અને સાથીદાર તરીકે ચૂંટણી પહેલાં તેમણે પોતાનો મોભો જમાવી દીધો હતો. હવે તેમને ઝેડ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવે ત્યારે નાગરિક તરીકે સ્વાભાવિક એવો સવાલ થાય કે રામદેવને ઝેડ સિક્યોરિટીની જરૂર છે? કે પછી ‘સૈંયા ભયે કોતવાલ’ સ્કીમ હેઠળ, કેવળ વટ પાડવા માટે- વિશેષાધિકાર તરીકે તે આપવામાં આવી છે? અને રામદેવ માટે તહેનાત વીસ-બાવીસ પોલીસના કાફલાનો ખર્ચ કોણ ભોગવશે?

પરંતુ આ પ્રકારની ટીકા થાય, એટલે ‘ખોટું કરવાનો અધિકાર’ ભોગવવા ઉત્સુક લોકો કૂદી પડે છે, ‘રોબર્ટ વાડ્રા-પ્રિયંકા ગાંધીને સુરક્ષા મળતી હતી ત્યારે તમે કેમ ચૂપ હતા?’

ચબરાક પ્રચારકો એવી સલુકાઇથી આવો આક્રમક બચાવ તરતો મૂકી દે છે કે તેને હવામાંથી ઝીલી લેનારાને અંદેશો પણ ન આવે. એ તો એમ જ માને કે આ તેમની મૌલિક દલીલ છે અને તે એટલી જબ્બર છે કે ‘વિરોધીઓ’ ચૂપ થઇ જશે.

વાડ્રાની દલીલ કરનારે ઠંડકથી વિચારીને પોતાની જાતને આટલા સવાલ પૂછવા જોઇએ : ૧) રામદેવની સામે હું વાડ્રાનું ‘પત્તું’ ઉતરું છું, એટલે વાડ્રાની સિક્યોરિટી બિનજરૂરી હતી, તેમ રામદેવની સિક્યોરિટી પણ બિનજરૂરી છે, એ તો હું કબૂલું છું ને? ૨) શું હું એક ખોટા કામનો બીજા ખોટા કામથી છેદ ઉડાડવા માગું છું? ૩) નાગરિક તરીકે મારે મને જે ખોટું લાગતું હોય તેનો- વાડ્રાની, રામદેવની કે બન્નેની સુરક્ષાનો- વિરોધ કરવો જોઇએ? કે પછી વિરોધી પક્ષનું ખોટું કામ આગળ ધરીને, મારા પક્ષના ખોટા કામનો બચાવ કરવો જોઇએ? ૪) હું જેનો કટ્ટર વિરોધ કરું છું તેનાં ચોક્કસ પગલાંનો ઉપયોગ, હું જેનું કટ્ટર સમર્થન કરું છું તેમનાં એવા જ પગલાંનો બચાવ કરવા કે તેને વાજબી ઠરાવવા  કરું, તો પછી હું સામાન્ય નાગરિક કહેવાઉં કે કંઠી ધરાવતો વફાદાર?

આ કવાયત પોતાની જાતની ઓળખ માટે છે. તેને જાહેરમાં કરવી જરૂરી નથી. પણ તેનાથી પોતાની જાતનું સાચું મૂલ્યાંકન કરી શકાય અને આપણે પોતાનું વિચારેલું બોલીએ છીએ કે હવામાંથી ઝીલી લીધેલું, એટલો તો ખ્યાલ આવશે. સાથોસાથ, હુંસાતુંસી માટે હોંશે હોંશે કરાતી દલીલો જાતની તપાસમાં કેવી ને કેટલી ટકે છે, એ પણ સમજાશે.

‘તમે’ નહીં, ‘આપણે’

રામદેવ-વાડ્રા સુરક્ષામુદ્દો અપવાદરૂપ નથી. મુઠ્ઠી પછાડીને ‘ખોટું કરવાનો અધિકાર’ માગનારા પાસે ‘ઇક્વલ ઑપર્ચ્યુનિટી એન્ટાઇટલમેન્ટ્‌સ’ની લાંબી યાદી તૈયાર છે અને તેમાં સતત ઉમેરો થતો રહેવાનો છે. સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાએ અદાણીની કંપની સાથે ઓસ્ટ્રેલિયામાં ખાણકામ માટે એક અબજ ડોલર સુધીની લોન આપવાનો  એમઓયુ કર્યો. અદાણીની કંપનીના માથે અઢળક દેવું છે, જેનું વ્યાજ ભરવામાં કંપનીની મોટા ભાગની આવક જતી રહે છે. પ્રોજેક્ટમાંથી થનાર ફાયદા આડે ઘણા ‘જો’ અને ‘તો’ છે, એક જ બેન્ક માટે એક અબજ ડૉલરની રકમ બહુ મોટી કહેવાય...

છતાં અદાણી સાથેના એમઓયુ અંગે સવાલ ઉઠાવવામાં આવે, એટલે વફાદારો કહેશે, ‘એમ તો સ્ટેટ બેન્કે બીજી બેન્કોના સમુહ સાથે મળીને, કોંગ્રેસી સાંસદ નવીન જિંદાલની કંપનીને પણ આથી વઘુ રકમની લોન આપી હતી. માલ્યાને આડેધડ લોન પણ યુપીએ સરકારના જમાનામાં આપવામાં આવી હતી.’

ભક્તજનોને આ દલીલ માફક આવી જશે. તેમાં પોતાની લાગણી ઉમેરીને આ દલીલ તે બીજા આગળ ઝીંકવા લાગશે. એ વખતે એમને એટલો પણ વિચાર નહીં આવે કે ‘ધારો કે યુપીએ સરકારે ઉદ્યોગપતિઓ માટે બેન્કો લૂંટાવી દીધી, તો એનડીએ સરકારે પણ એમ જ કરવાનું? અને આ જ દલીલ હોય તો પછી બન્ને સરકારોમાં કંઇ ફરક ખરો? ચૂંટણી પહેલાં થતી ભ્રષ્ટાચારવિરોધની અને સુશાસનની કવિતાઓનું શું? આપણો વિરોધ ભ્રષ્ટાચાર સામે હતો કે ફક્ત યુપીએ (કોંગ્રેસ) દ્વારા થતા ભ્રષ્ટાચાર સામે? અને એવું જ હતું તો પછી આપણો વિરોધ નાગરિક તરીકેનો હતો કે કોંગ્રેસવિરોધી, ભાજપપ્રેમી કે મોદીભક્ત તરીકેનો હતો?

આખી વાતમાં એ ચર્ચા તો અલગ જ છે કે અદાણી સાથે થયેલા એમઓયુ અને જિંદાલને અપાયેલી લોનમાં તાત્ત્વિક રીતે જ ફરક છે. દલીલ પ્રમાણે જિંદાલને બેન્કોના સમુહે લોન આપી હતી, જ્યારે અદાણી સાથે કેવળ એક જ સરકારી બેન્કે આવડી મોટી રકમનો કરાર કર્યો છે. ઉપરાંત, અદાણીનો પ્રોજેક્ટ પણ ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત નથી. કારણ કે તે ઓસ્ટ્રેલિયામાં આકાર લેવાનો છે. આ બધી હકીકતોને લઇને ચર્ચા કરવાને બદલે, આખી વાતને ભાજપ-કોંગ્રેસના ખાનામાં ગોઠવી દેવાથી દેશનું કે નાગરિકોનું કોઇ હિત સધાતું નથી.

મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસના મત વખતે જે રીતે લોકશાહીનું ચીરહરણ થયું અને મતદારોની આંખમાં ઘૂળ નાખવામાં આવી તેના વિશે તો ઝાઝી ચર્ચા જ ન થઇ. બાકી, તેને કોંગ્રેસે અગાઉ કરેલા કોઇ પાપ સામે મૂકીને ‘એ વખતે તમે ક્યાં ગયા હતા?’ જેવો સગવડીયો સવાલ પુછાયો હોત. યુપીએ સરકાર ગઇ ને એનડીએની સરકાર આવી, છતાં બીસીસીઆઇ-ખ્યાત શ્રીનિવાસનને કશો ફરક પડ્યો નથી. તેમના માટે પહેલાં પણ અચ્છે દિન હતા ને હવે પણ અચ્છે દિન છે.

રામપાલ, આસારામ, નિર્મલબાબા જેવા ઘૂર્ત અને ગુનાઇત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોની ટીકા થાય, એટલે એક વર્ગ બાંયો ચડાવીને મેદાનમાં કૂદી પડે છે કે ‘તમને ફક્ત હિંદુ સાઘુસંતો જ કેમ દેખાય છે? તાકાત હોય તો મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મગુરુઓની ટીકા કરો ને?’ સમાજમાં આસારામો અને રામપાલોના હાથ મજબૂત બનાવવામાં આવા દલીલબાજોનો મોટો ફાળો હોય છે. તેમને એટલી સાદી વાત સમજાતી નથી કે હિંદુ તરીકે તેમને બહુ ગૌરવ હોય તો સૌથી પહેલાં એમણે જ આસારામો અને રામપાલો સામે મોરચો માંડવો જોઇએ. અત્યારે ચોતરફ દિલ્હીની જામા મસ્જિદના બુખારીની ટીકા થઇ રહી છે. છતાં ‘તાકાત હોય તો મુસ્લિમ ધર્મગુરુઓની ટીકા કરો’ એવી દલીલ વીંઝનારા એ વાતની નોંધ નહીં લે. કારણ કે એ તેમની આક્રમક બચાવપદ્ધતિમાં બંધ બેસતી વાત નથી.

દેશના નાગરિક તરીકે આપણું કામ એક પક્ષનાં કુકર્મોની સામે બીજાં પક્ષનાં કુકર્મોનો છેદ ઉડાડવાનું નહીં, પણ બન્નેનો અલાયદો હિસાબ માગવાનું છે. ‘..તમે ક્યાં હતા?’ ને ‘તમે શું કરતા હતા?’ જેવા સવાલ પૂછીને ફરજઅદાયગીનો ઓડકાર ખાઇ લેવાને બદલે ‘આપણે શું કરવું જોઇએ?’ એ સવાલ વધારે અગત્યનો છે. 

2 comments:

  1. The common public, did feel that security given to Vadras was wrong, and SO ONLY and for other such reasons, congress was driven out. Now the things for which congress is out of power, you want to do the same things when you are in power? Public is helpless. We have strong doubts, Aam also will become Khaas, once in power. What is the solution?

    ReplyDelete
  2. Anonymous9:55:00 PM

    Very strange memory of our leader, who remember (26/11 Mumbai) one incident and dis-remember another incident (2002 - Gujarat), witnessed by great nation.

    Definitely, it may not be memory issue but art of right to do wrong.

    ReplyDelete