Thursday, November 06, 2014

ભારતીય રાજકારણના નવા પ્રવાહો પ્રો.ભીખુ પારેખની નજરે (૨)

લોકસભાની ચૂંટણી પછી બદલાયેલાં ભારતનાં રાજકીય સમીકરણોનો રાજકીય નિષ્ણાતો હજુ તાગ મેળવી રહ્યા છે. આટલી ટૂંકી મુદતમાં કશો ચુકાદો આપવાનો પ્રશ્ન નથી-વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી જેવું વિવાદાસ્પદ વ્યક્તિત્વ હોય ત્યારે તો ખાસ નહીં. પરંતુ વિદ્વાન અઘ્યાપક અને બ્રિટનના હાઉસ ઑફ લૉર્ડ્‌ઝના સભ્ય પ્રો.ભીખુ પારેખ/ Prof. Bhikhu Parekh ભારતના રાજકીય પ્રવાહોને ઝીણવટપૂર્વક તપાસી રહ્યા છે. વડાપ્રધાન પ્રત્યે અભાવ કે અહોભાવ રાખ્યા વિના તેમણે કાઢેલાં કેટલાંક તારણ ગયા સપ્તાહે જોયાં હતાં. આ સપ્તાહે પ્રો.પારેખના લાંબા અનુભવ અને ઊંડા અભ્યાસના પરિપાક જેવાં થોડાં વઘુ તારણ. સાથે એટલી સ્પષ્ટતા કે પ્રો.પારેખ કોંગ્રેસ-ભાજપના કે મોદીતરફી-મોદીવિરોધીના સંકુચિત પરિપ્રેક્ષ્યથી ઉપર ઉઠીને વિશ્લેષણ કરવા માટે જાણીતા છે. તેમનાં આ તારણ આખરી અભિપ્રાય તરીકે નહીં, પણ નવા પ્રવાહો પામવાની મથામણ તરીકે - અને તેની સાથે મુદ્દાસર અસંમત થવાની પૂરી મોકળાશ સાથે- જોવાં.

(૧) સત્તાનું કેન્દ્ર બદલાય, એટલે બાકીના બધા પક્ષોનાં મૂલ્યો બદલાય છે. વિજેતા પક્ષ જે મૂલ્યોથી જીત્યો હોય, એ મૂલ્યો ઓછેવત્તે અંશે બધા પક્ષોમાં આવે છે. (ગુજરાતમાં કોમી હિંસા અને ત્યાર પછીના સમયમાં કોંગ્રેસે અપનાવેલી ‘સૉફ્‌ટ હિંદુત્વ’ની પૉલિસી આનું જાણીતું ઉદાહરણ છે.) પ્રો.પારેખે સેક્યુલારિઝમના મૂલ્ય વિશે ચાલી રહેલી ચર્ચા અને તેના બદલાયેલા સ્વરૂપનું ઉદાહરણ આપ્યું હતું.

(૨) નવા સત્તાધીશો તેમના વિચારો અને કાર્યોને પોષક એવો નવા જ પ્રકારના રાષ્ટ્રઘડતરનો એજેન્ડા ધરાવે છે. તેનો સ્પષ્ટ શબ્દોમાં વિરોધ કરતાં પ્રો. પારેખે બે કારણ આપ્યાં :

(૨-અ) સ્વતંત્રતાના સંઘર્ષ વખતે સર્વસંમતિના આધારે જે પોત ઊભું થયું હતું તે સમય જતાં બંધિયાર- વિચારજડ-રૂઢિચુસ્ત બની જાય તો બૌદ્ધિક તરીકે એ વૈચારિક જડતાનો આપણે ચોક્કસ વિરોધ કરવો જોઇએ. તેની સામે બૌદ્ધિક પ્રશ્નો ઊભા કરવા જ જોઇએ. પરંતુ જૂની  વૈચારિક જડતાની સામે નવી વૈચારિક જડતાને મૂકવામાં આવે એ ન ચાલે. નવા સંજોગોમાં જ્ઞાનઆધારિત નવા વિચાર  કે વાતાવરણ પેદા થતાં હોય તો તેને આવકારવા જોઇએ, પણ ૧૬ મે પછીના ભારતમાં જૂની જડતાનું સ્થાન નવી સુઆયોજિત જડતા લેવા લાગી છે.

દેશની સમસ્યાઓના ઉકેલ માટે એક પ્રકારને રૂઢિચુસ્તતાને  ફગાવીને બીજી રૂઢિચુસ્તતા ગોઠવી દેવાથી દેશનું દળદર ફીટવાનું નથી. ઊલટું, લાંબા ગાળે તેમાંથી અંધાઘૂંધી ફેલાશે. નવી રૂઢિચુસ્તતાને ગમે તેટલી મેનીપ્યુલેટ કરીને- ચાલાકીથી રજૂ કરવામાં આવે તો પણ એ જડતા જ છે. માટે તેનો વિરોધ કરવો જોઇએ. આ પ્રકારની રૂઢિચુસ્તતામાં રાજ્યસત્તાની મંજૂરીમહોર તો ખાસ ન ચાલે.

સત્તામાં આવેલાં પરિબળોને તેમની વૈચારિક રૂઢિચુસ્તતા અંગે જ્ઞાન આધારિત ચર્ચામાં કોઇ રસ નથી- સિવાય કે તેમની જડતા તમે સ્વીકારો. આવી બૌદ્ધિક જડતા દેશ પર ઠોકી બેસાડવાની શરૂઆત થઇ ચૂકી છે. (પ્રો.પારેખે રૂઢિચુસ્તતા -  જડતા - વિચારજડતા માટે વાપરેલો મૂળ અંગ્રેજી શબ્દ : ઑર્થોડૉક્સી)

(૨-બ) કોંગ્રેસમુક્ત ભારત એટલે શું? કોંગ્રેસ એટલે ફક્ત સોનિયા ગાંધી, ઇન્દિરા ગાંધી કે જવાહરલાલ નેહરુ નથી. કોંગ્રેસનું બંધારણ છે. સ્વાતંત્ર્ય સંગ્રામનો તેનો ભવ્ય વારસો છે. હજુ વિરોધ પક્ષ સોનિયા ગાંધીમુક્ત કોંગ્રેસની વાત કરે તો એ સમજી શકાય, પણ ‘કોંગ્રેસમુક્ત ભારત’ એટલે શું? નેહરુ ફક્ત વડાપ્રધાન ન હતા. તેમની એક વિચારધારા હતી. દેશની રાષ્ટ્રિય ફિલસૂફી કેવી હોવી જોઇએ એ વિશે તેમણે ૧૯૪૭માં પોતાના વિચારો પ્રગટ કર્યા હતા અને તેના સાત મુદ્દા આપ્યા હતા.

તમારે નેહરુનો સમાજવાદ નથી જોઇતો? સારું, તો તમે દેશ ઉદ્યોગપતિઓને સોંપી દેવા માગો છો? નેહરુ ઝડપી ઔદ્યોગીકરણમાં માનતા હતા. વડાપ્રધાન મોદી પણ એવું જ નથી ઇચ્છતા? એટલા માટે તો એ ચીન અને જાપાન માટે લાલ જાજમ પાથરે છે. નેહરુ લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે એના આગ્રહી હતા. વડાપ્રધાન મોદીનાં અમેરિકાનાં પ્રવચનોમાંથી ક્યાંય એવું દેખાતું નથી કે તે અંધશ્રદ્ધા કે ધર્માંધતા કે સામાજિક રૂઢિચુસ્તતાનો પ્રચાર કરતા હોય. જાદુગરો-મદારીઓના દેશ તરીકેની ભારતની છાપ તેમને પણ બદલવી છે. પરંતુ ગુજરાતમાં પૂરક વાચન તરીકે દાખલ કરાયેલાં સંઘ પરિવારનાં અને દીનાનાથ બત્રાનાં પુસ્તકો પરથી એવું ફલિત થાય છે કે નવી ઑર્થોડૉક્સીમાં તમારે નેેહરુના વૈજ્ઞાનિક મિજાજને ફગાવી દઇને અંધશ્રદ્ધા તથા પૌરાણિક ગૌરવના ઘેનમાં લોકોને રાખવા છે.

સંઘ પરિવાર અને ભાજપને નેહરુના ફિલોસૉફિકલ અને કલ્ચરલ વિચારો માટે ભારે પૂર્વગ્રહ છે, જેને દેશના મુખ્ય પ્રવાહમાંથી દૂર કરવાનો નવી ઑર્થોડૉક્સીનો ખ્યાલ છે. નેહરુ સાથે ગાંધીજી પણ હતા. તમે ગાંધીજીનું શું કરવા માગો છો? દેશપ્રેમનો દાવો કરનારાના મુસ્લિમવિરોધી અભિગમનું શું? ખરા દેશપ્રેમીઓ આવો અભિગમ રાખી શકે? આ બધામાં આખરે રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.) ના આંતરિક વિરોધાભાસનો મુદ્દો આવે છે. એ મારે સમજવા છે.

(૩) કેટલાંક ઉદાહરણ આપીને પ્રો.પારેખે કહ્યું કે આગામી વર્ષોમાં ગાંધીજીના ચરિત્રહનનના સંગઠિત પ્રયાસો થશે. તેમના બ્રહ્મચર્યના પ્રયોગોથી માંડીને એ બ્રિટિશ જાસુસ હતા, એ હદની વાતો ઉછાળવામાં આવશે. કોંગ્રેસમુક્ત દેશ પછી નેહરુમુક્ત દેશ, ગાંધીમુક્ત દેશ- આવી વ્યૂહાત્મક ઝુંબેશ દ્વારા સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન પેદા થયેલાં મૂલ્યોનો વારસો ખતમ કરવાની વાત છે. તેમની ગેરહાજરીમાં શૂન્યાવકાશ ઊભો થશે અને પછી નવી રૂઢિચુસ્તતા ઊભી થશે.

ભારતને એક દેશ તરીકે બાંધી રાખતો એક ‘યુનિફાઇંગ ઇન્ટલેક્ચુઅલ ટ્રેન્ડ’ હતો તેને વ્યવસ્થિત રીતે તોડવામાં આવી રહ્યો છે.  તેમાં સફળતા મળે અને રાષ્ટ્રવ્યાપી બૌદ્ધિક શૂન્યાવકાશ પેદા થાય તો રાષ્ટ્રના ભવિષ્યનું શું?

(૪) બ્રિટનના મજૂર પક્ષ (લેબર પાર્ટી) સાથે સંકળાયેલા પ્રો.પારેખે માર્ગારેટ થેચરનો રૂઢિચુસ્ત પક્ષ ચૂંટણી પર ચૂંટણી જીતી રહ્યો હતો એ દિવસો અને એ સમયની ચર્ચાઓ યાદ કરી. બ્રિટનના ટોચના સમાજવાદી અને માર્ક્‌સવાદી બૌદ્ધિકોએ ત્યારે કહ્યું હતું કે નિદાન ખોટું હશે તો રસ્તો નીકળવાનો નથી. અમે થેચરની આર્થિક નીતિ સમજવામાં નિષ્ફળ ગયા.  લેબર પાર્ટીનો એજેન્ડા રાષ્ટ્રિયકરણનો હતો. થેચરે રાષ્ટ્રિયકરણ શરૂ કર્યું. એ બની ગયું ‘થેચરોનોમિક્સ’. લેબર પાર્ટીવાળાએ ધારી લીઘું કે થેચર મૂડીવાદી વિચારસરણીનું સાકાર સ્વરૂપ છે. ખરેખર તેમણે પહેલેથી પોતાની આર્થિક નીતિઓ ઘડી ન હતી. અમે વડાપ્રધાન થેચરના વિચારો અને નીતિઓને જરૂર કરતાં વધારે મહત્ત્વ આપ્યું. આવું જ કંઇક ‘મોદીત્વ’ અંગે છે. પ્રો.પારેખે કહ્યું કે મોદીત્વ જેવું, જેને તમે અલાયદું વિચારદર્શન કહો એવું કશું નથી. રાજકીય સત્તા મળ્યા પછી સત્તા જ તમને અમુક પ્રમાણમાં શીખવે છે કે કેવા નિર્ણય લેવા. એટલે ‘મોદીત્વ’ના મુદ્દે ‘થેચરીઝમ’ જેવી જ ભૂલનું પુનરાવર્તન થઇ રહ્યું છે.

(પ) ઘણા લોકો માને છે કે ભાજપને હિંદુત્વને કારણે સ્પષ્ટ બહુમતી મળી છે. પ્રો. પારેખ આ વાત સાથે સંમત નથી. ભાજપ અને સંઘ પરિવાર પાસે કયો ધર્મ છે? સાવરકર, હેડગેવાર અને વાજપેયી જેવા ટોચના નેતાઓ નાસ્તિક (એથીસ્ટ) હતા. ભાજપને હિંદુત્વ અને હિંદુ સંસ્કૃતિની તેમની વ્યાખ્યાઓ ઉપરાંત રાષ્ટ્રવાદનો મુદ્દો પણ ફળ્યો છે.

‘સેન્ટર ફોર સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટી’ના એક તારણમાં જણાવાયા પ્રમાણે, દેશના ૨૬ ટકા મુસ્લિમ મતદારોએ મોદીને-ભાજપને મત આપ્યા. જો મોદી વડાપ્રધાનપદના ઉમેદવાર ન હોત તો તેમણે ભાજપને મત ન આપ્યા હોત. એકંદરે, ભાજપની જીતમાં હિંદુત્વ ઉપરાંત પણ બીજાં પરિબળો કારણભૂત હતાં. સોનિયા ગાંધી-મનમોહનસિંઘ દેશને ક્યાં લઇ જશે, ચીન ભારતથી કેમ આગળ નીકળી ગયું- એવા સવાલો પણ એ માટે અંશતઃ કારણભૂત ખરા.

(૬) ‘છેલ્લાં એકસો વર્ષમાં ભારતમાં મુસ્લિમોનું સ્થાન શું, એનો જવાબ હજુ મને મળ્યો નથી’ - એમ કહીને પ્રો.પારેખે બંધારણસભાની ચર્ચાઓ  વિશે વાત કરી હતી. તેમણે નિરીક્ષણ લેખે કહ્યું કે આઝાદ ભારતનાં પ્રતીકોમાં ક્યાંય ઇસ્લામનું પ્રતિનિધિત્વ નથી અને ‘લૉજિકલ ગ્રામર ઑફ ધ કન્સ્ટીટ્યુશન’- બંધારણની ભાષાના પોતનો તર્કબદ્ધ અભ્યાસ કરવામાં આવે તો તેમાં એવો નિષ્કર્ષ નીકળે છે કે આ દેશ હિંદુઓનો છે અને અમે જ પ્રભુત્વમાં રહીશું, પણ મુસ્લિમોના હિતને નુકસાન ન થાય એની અમે ખાતરી આપીએ છીએ. એ સમય એવો હતો. બ્રિટિશરોએ એવું કહ્યું કે આ દેશ હિંદુઓનો છે અને રહેવાનો છે. આપણી એ માની લીઘું. આવી સંસ્થાનવાદી ધારણાઓમાંથી બહાર નીકળવું સરળ નથી. પણ એ સંદર્ભે પુનઃવિચાર જરૂરી છે. રાજ્યને તેના જુદા જુદા સામાજિક સમુહો સાથે કેવા સંબંધ હોઇ શકે? બ્રિટનમાં અને અમેરિકામાં પણ આ ચર્ચા ચાલી રહી છે. આ સવાલ પંડિતજીના જમાનામાં પણ પજવતો હતો અને વડાપ્રધાન મોદીના શાસનમાં પણ વધારે તીવ્રતાથી તેમને પજવશે.

અનેક મુદ્દા પર છણાવટ કર્યા પછી પ્રો.પારેખે કહ્યું કે વિચારોનો સામનો વિચારોથી જ થઇ શકે. કાર્લ માર્ક્‌સને ટાંકીને તેમણે કહ્યું, ‘વેપન્સ ઑફ આઇડીયાઝ આર આઇડીયાઝ ધેમસેવ્ઝ’. (વિચાર પોતેે જ પોતાનું હથિયાર છે.) માટે, ખુલ્લાશથી ચર્ચા થવી જોઇએ, વાદ અને પ્રતિવાદ થવો જોઇએ. સામા પક્ષના બૌદ્ધિક ગણાતા માણસો સાથે સંવાદ થવો જોઇએ. એ માટે હાઉસ ઑફ લૉર્ડ્‌ઝમાં ‘ઇન્ડિયા ડીબેટ્‌સ’ નામનો મંચ ઊભો થયો છે. તેમાં વિવિધ નિષ્ણાતો અને નેતાઓને બોલાવીને આ પ્રકારની ચર્ચા કરવામાં આવશે. એવું જ કંઇક ભારતમાં અને ગુજરાતમાં પણ થાય અને ‘હઇસો હઇસો’ને બદલે ધોરણસરની ચર્ચાનો માહોલ ઊભો થાય એ જરૂરી છે. 

No comments:

Post a Comment