Friday, August 29, 2008

સ..સ..સંતુ રંગીલીનો સ..સ..

જૂનામાં જૂની ફિલ્મો હવે વીસીડી-ડીવીડી પર ઉપલબ્ધ છે, પણ થોડા દાયકા પહેલાંનાં નાટકોમાં મોટી કઠણાઇ છે. ‘જૂનાં’ એટલે દેશી નાટક સમાજ અને ભાંગવાડીનાં નહીં, પણ પ્રવીણ-અરવિંદ-સરિતા જોશી અને બીજા અનેક સમર્થ નાટ્યકારોનાં. એ યુગનાં અને જેમનો મહિમા ઓસર્યો ન હોય એવાં નાટકોમાં આઇ.એન.ટી.નું ‘સંતુ રંગીલી’ મોખરાનું સ્થાન ધરાવે છે.

દોઢેક દાયકા પહેલાં મુંબઇનિવાસ દરમિયાન ઘણા શુક્રવારે ત્યાંના ‘ચોરબજાર’ (શુક્રવારી)માં જવાનું થતું હતું. એ અરસામાં ખરીદેલી લોંગપ્લે રેકોર્ડમાં અનાયાસ ‘સંતુ રંગીલી’ના સંવાદ અને ગીતોનો સેટ હાથ લાગી ગયો. ગુજરાતી નાટકની રેકોર્ડમાં એચએમવીને રસ નહીં પડ્યો હોય. બે રેકોર્ડનો આ સેટ ફિલિપ્સ કંપનીએ બજારમાં મુક્યો હશે. રેકોર્ડના કવરની એ જમાના પ્રમાણે- ફોટોશોપ અને કોરલ ડ્રો વગર - સારી એવી સજાવટ કરી છે. હરીશ રધુવંશી જેવા દસ્તાવેજીકરણના ખેરખાં મિત્રોને ગમે તેવી વાત એ છે કે રેકોર્ડના કવર પર વિગતવાર ક્રેડિટ જોવા મળે છે. એ ઉપરાંત રંગ રંગ વાદળીયા પ્રકારનાં ચિત્રો અને રેકોર્ડના બન્ને ફોલ્ડ ખોલીએ એટલે વચ્ચેના ભાગમાં કટ આઉટ. એ ગાળાની સ્મૃતિઓ તાજી કરવા ખાતર રેકોર્ડના કવરની તસવીરો અહીં મુકું છું.

નાટકના પટકથાકાર અને ગીતકારોમાંના એક, મહાસમર્થ ગુજરાતી લેખક મઘુ રાય અમેરિકા રહે છે. ‘ગગનવાલા’ તરીકે કોલમ લખતા મઘુ રાયને આ બ્લોગ થકી અને અંગત રીતે તેમના એક ચાહક તરીકે વિનંતી છે કે તે પોતાની કોલમમાં અથવા અન્યત્ર - આ બ્લોગ માટે :-) - ‘રીવિઝિટિંગ સંતુ રંગીલી’ પ્રકારનું કંઇક લખે. આ ફરમાઇશ નથી. ઘણા ચાહકોના પ્રતિનિધિ એવા એક ચાહકની દિલી ઇચ્છા અને વિનંતી છે. જોઇએ, ગગનવાલા સાહેબ શું કહે છે.

Thursday, August 28, 2008

ત્રાસવાદ અને કવિતા : (બોમ્બનો) એક ઘા

તે હોર્ડંિગની ઉપર ચઢીને મુકતાં મુકી દીધો
‘ખૂટ્યો’ તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો
રે! રે! લાગ્યો દિલ પર અને ત્રાસ વર્તાઇ જાતાં
નીચે આવ્યો બોર્ડ ઉપરથી ચીપ ઢીલી થતાંમાં
મેં મુક્યો તે ખળભળી મરે હસ્ત મ્હારાથી જ આ
ઠપકાર્યો દિલ ધડકતે ત્હોય ઉઠી શક્યો ના
ક્યાંથી ઉઠે?કુમળી સરકીટ છેક તેની અહોહો!
આહા! કિંતુ કળ ફરી ને સહેજ ટીકટીક થઇ એ
સુરસુર થાશે, જીવ ઉગારશે, કોણ જાણી શકે એ
જીવ્યો આહા! ત્રાસવાદનાં ગીત ગવડાવવાને
આ વાડીના ચતુર ‘ફૂલ’ને ઠગવાને ફરીને
રે!રે! કિંતુ ફરી કદી હવે હાથ મારી ન આવે
આવે ત્હોયે ઘડી ઘડીએ ઇચ્છતો પડવાને
રે!રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે
નબળી ચીપને વિસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે

Tuesday, August 26, 2008

જોવા જેવી ફિલ્મઃ સ્વોર્ડફિશ

કોઇ કાદરખાનને સારા એવા પ્રમાણમાં યુવાન અને હેન્ડસમ કરી નાખે, તો એ કેવો દેખાય? કદાચ થોડો ઘણો જોન ટ્રવોલ્ટા જેવો. કોઇ કહેેશે, ‘તમે તો યાર, ટ્રવોલ્ટાનો કચરો કર્યો.’ એવું લાગે તો એવું. જોન ટ્રવોલ્ટાને જોઊં ત્યારે મને લાગતું હતું કે ‘ભાઇને ક્યાંક જોયેલો છે.’

આ તો બે ઘડી મસ્તી. ‘સ્વોર્ડફિશ’ કે ‘ફેસ ઓફ’ જેવી ફિલ્મોમાં ટ્રવોલ્ટાની ઠંડી ક્રૂરતા કમાલની છે. ‘સ્વોર્ડફિશ’માં ટ્રવોલ્ટા ટોચનો સાયબર ક્રિમિનલ છે. સાથે હેલ બેરી અને હ્યુ જેકમેન છે. હેલ બેરીના ભાગે વઘુ એક વાર ‘આઇ કેન્ડી’ની ભૂમિકા આવી છે. હેલ બેરી ગમે(ગમ્મે) તેવી ભૂમિકામાં ગમે એવી હોય છે એ જુદી વાત છે.ફ્લેશબેક જેવી જૂની ને જાણીતી ટેકનિકથી શરૂ થતી હોવા છતાં, ફિલ્મની પકડ જોરદાર છે. વચ્ચે નાની કે મોટી રીસેસ પાડવી હોય તો ફિલ્મ ચાલુ રાખીને નહીં, પણ પોઝ કરીને જ પાડવી પડે. ત્રાસવાદનો મુકાબલો ત્રાસવાદથી કરવામાં આવે ત્યારે બન્ને પ્રકારના ત્રાસવાદીઓમાં કશો ફરક રહેતો નથી. એવો ફિલ્મનો સૂર કાઢવો હોય તો કાઢી શકાય. બાકી, કોઇ સંદેશા વગર પણ ફિલ્મ ભારે મસાલેદાર અને મનોરંજક થ્રીલર છે.

‘આપણા પરેશ રાવલ કે પંકજ કપૂર પ્રકારના કોઇ હીરાને લઇને આ પ્રકારની કોઇ ફિલમ બને તો કેવો જલસો પડે!’ એવો સહજ વિચાર આવે છે. પછી થાય છે, ‘જોન ટ્રવોલ્ટા પણ કયો મંગળ પરથી આવેલો છે! એ આપણો જ છે ને!’

બોમ્બવિસ્ફોટ અને હિંદુ-મુસ્લિમ સંબંધો

અમદાવાદના બોમ્બધડાકા પછી જળવાઇ રહેલી કોમી શાંતિની દેશભરમાં નોંધ લેવાઇ. ‘ગુજરાતને બદનામ કરવાની ફેશન’ વિશે સગવડીયો કકળાટ કરનારાએ નોંધવું જોઇએ કે ગુજરાતમાં ભાઇચારો, એખલાસ કે સૌહાર્દ નહીં, કોઇ પણ વિશેષણ વગરની સામાન્ય શાંતિ જળવાઇ, એ વિશે ચોતરફથી હાશકારો અને રાજીપો વ્યક્ત થયાં. સરકારે ન કરવા જેવું ન કર્યું અને પરિસ્થિતિ વણસાવવાની દિશામાં સીઘું કે આડકતરી ભૂમિકા અદા ન કરી, એ બદલ ગુજરાત સરકાર અને મુખ્ય મંત્રીની પણ પ્રશંસા થઇ.
વિસ્ફોટો પછીની શાંત સ્થિતિ એક એવો મુકામ છે, જ્યાં ઊભા રહીને ભવિષ્ય અંગે ટાઢકથી- ઉશ્કેરાટ તજીને વિચારી શકાય છે. રાજ્યાશ્રિત કે સરકારી નિષ્ક્રિયતાથી ભડકેલી કોમી હિંસા થકી વગોવાયેલા ગુજરાત માટે આ તક અમૂલ્ય છે. ગુજરાતની વગોવણીથી નારાજ સૌ કોઇએ આ તબક્કે વ્યક્તિગત અને સામુહિક ધોરણે, જાત સાથે અને સમાજ સાથે વાત કરવી રહી.
નારા નહીં, નક્કર કામ
મુખ્ય ચિંતા હિંદુ-મુસ્લિમ સંબંધોની અને તેમની વચ્ચેના તૂટેલા તાણાવાણાની છે. ‘હિંદુ-મુસ્લિમ એકતા’ કે ‘હિંદુ-મુસ્લિમ ભાઇ ભાઇ’ જેવાં આદર્શવાદી સૂત્રો પોકારવાનો સમય ક્યારનો વીતી ગયો છે. એવાં સૂત્રોથી ખરેખર કશો અર્થ સરે કે કેમ, એ પણ સવાલ. કેમ કે, હિંદુ- મુસ્લિમ વચ્ચે કડવાશ ન હતી, ત્યારે સૂત્રોની જરૂર ન હતી અને બન્ને વચ્ચે ખટરાગ થયા પછી સૂત્રોનો કશો અર્થ રહ્યો નથી. એટલે સૌથી પાયાનું કામ રાજકીય કે ગાંધીવાદી નારાબાજીથી દૂર રહીને, વ્યવહારૂ ઉકેલની દિશામાં કામ કરવાનું છે.
સુમેળને- સારા સંબંધને છેક ‘ભાઇ-ભાઇ’ની હદે તાણી જવાની કશી જરૂર નથી. ‘દૂધમાં સાકર’ આદર્શ છે, પણ દીપક સોલિયાએ એક વાર લખ્યું હતું તેમ, દૂધમાં સાકરને બદલે સલાડમાં કાકડી-ટમેટા-કાંદાની જેમ ગોઠવાઇ જવાની અપેક્ષા વઘુ વ્યવહારૂ છે. તેમાં ઓગળી જવાનો ઉપદેશ નથી, પણ એકબીજાને નડ્યા વિના, પોતાની ખાસિયતો જાળવી રાખીને એકબીજાના પૂરક તરીકે ગોઠવાઇ જવાની વાત છે. અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં ઘણા સમયથી હિંદુ-મુસ્લિમ વિસ્તારોના વિભાજનની પ્રક્રિયા ચાલી રહી હતી અને ૨૦૦૨ના હિંસાચાર પછી અમદાવાદ સહિત બીજાં અનેક શહેરો અને ગામમાં એ પ્રક્રિયાનો વેગ વધી ગયો. ભૌગોલિક વિભાજન એટલી હદે થયું છે કે સલાડ એક પ્લેટમાં રહ્યું નથી. કાકડીની પ્લેટ અલગ છે અને ટમેટાંની અલગ. માટે, પહેલું કામ તેમને સાથે ગોઠવવાનું એટલે કે હિંદુ અને મુસ્લિમ બન્ને વચ્ચે તૂટી ગયેલો સંપર્ક સ્થાપિત કરવાનું છે.
સ્કૂલથી માંડીને સામાજિક વ્યવહારમાં હિંદુ અને મુસ્લિમ બે અલગ ઘુ્રવ બની રહ્યા હોય એવું વઘુ ને વઘુ પ્રમાણમાં બની રહ્યું છે. મોટાં શહેરોમાં તો ખાસ. હિંદુઓ અને મુસ્લિમો સીધા સંપર્કમાં આવવાને બદલે, એકબીજા વિશે અટકળો-અનુમાનો કરતા થઇ જાય, ત્યારે મનમાં રહેલી નાનામાં નાની આશંકાઓ મસમોટા પૂર્વગ્રહમાં અને દ્વેષમાં ફેરવાય છે. તિરાડ ખાઇ બને છે. કોંગ્રેસ હોય કે ભાજપ, પ્રજા હળીમળીને રહે એવું કોઇ પક્ષ ઇચ્છતો નથી. તુચ્છ મુદ્દા ચગે નહીં અને પ્રજાની લાગણી દુભાતી ન રહે, તો તેમને અસલી સમસ્યાઓ યાદ આવવા લાગે. એ કયા રાજકીય પક્ષને પોસાય? આટલી સીધીસાદી વાસ્તવિકતા મનમાં રાખીને એક વાત નક્કી કરવી પડેઃ હિંદુ-મુસ્લિમો વચ્ચે ભાઇચારો ઊભો કરવાનું મહાકાર્ય ઉપાડવાની જરૂર નથી. ફક્ત અંતર ઘટાડવાનું કામ થાય તો પણ ઘણું છે.
સ્વૈચ્છિક સંસ્થાઓ અને પોતાની છબીમાં કોમી એકતાનાં પીંછાં ખોસવા આતુર મહાનુભાવો આ સમજે છે. એટલે હિંદુ-મુસ્લિમો વચ્ચેનું અંતર કાયમી ધોરણે ઘટે કે ન ઘટે, પણ એ લોકો વખતોવખત પ્રતીકાત્મક (‘ટોકન’) ચેષ્ટાઓ દ્વારા પોતાનો દરજ્જો પાકો કરી લે છે. મુસ્લિમો રામકથા સાંભળવાથી કે હિંદુઓ ગુજરાતીમાં કુરાન વાંચવાથી સહિષ્ણુ થઇ જશે, એવું માનવામાં ભોળપણ છે. ધર્મગ્રંથો વાંચવાથી કે કથા સાંભળવાથી માણસ સુધરતો હોત તો રામકથા સાંભળનારા કટ્ટરવાદીઓ કે અને કુરાન ટાંકીને આતંક ફેલાવનારા મુસ્લિમો ન સુધરી ગયા હોત?
‘બીજા ધર્મનું દ્રષ્ટિબિંદુ અને તેની ફિલસૂફી જાણવાથી એ ધર્મના અનુયાયીઓ પ્રત્યેની ગેરસમજણો દૂર કરવામાં મદદ મળે છે’ એવી દલીલ કરી શકાય. એ દલીલ આગેવાનો માટે બરાબર છે. ગાંધીજી કુરાન વાંચે કે ખાન અબ્દુલ ગફ્ફારખાન ગીતા વાંચે તેમની ભૂમિકા જુદી છે. બાકી, આમજનતા માટે દરેક ધર્મ તેના અનુયાયીઓ જેટલો જ સારો કે ખરાબ હોય છે. દરેક ધર્મની સૌથી વઘુ બદનામી તેના અનુયાયીઓથી થાય છે. મુસ્લિમદ્વેષ અને ખ્રિસ્તીદ્વેષમાં હિંદુત્વની સાર્થકતા માની બેઠેલા અંતિમવાદીઓના પાપે ‘હિંદુત્વ’ને ગાળ પડે છે અને મુસ્લિમ આતંકવાદીઓનાં કરતૂતોથી ઇસ્લામ આતંકવાદ સાથે સંકળાઇ જાય છે.
વ્યવહારૂ બોધપાઠ
ઇતિહાસના કાંટા અવળી દિશામાં ફેરવી શકાતા નથી. એ ખોટું છે, તેમ સારૂં પણ છે. બન્ને ધર્મના લોકો પોતપોતાના પક્ષે રહેલા ઝનૂનીઓનાં કારસ્તાન અને તેનાં પરિણામ ભોગવ્યા પછી નવેસરથી વિચારવા બેસે, ત્યારે તેમની પાસે થોડા બોધપાઠ હાથવગા રહે છે.
  • વંઠેલો છોકરો ગામમાં તોફાન કરી આવે ત્યારે શું થાય? ગામવાળા તો જે કરે તે, પણ પહેલી બે ધોલ છોકરાનાં માતા કે પિતા જ લગાવે. કારણ કે ગામલોકોને તો ફક્ત ગુસ્સો હોય, જ્યારે માતાપિતાના મનમાં ગુસ્સા ઉપરાંત ‘છોકરાએ અમારૂં નામ બોળ્યું’ એવી વ્યથા પણ હોય. મુસ્લિમ આતંકવાદીઓ પ્રત્યે મુસ્લિમ સમાજે આ વલણ વઘુ ને વઘુ અસરકારક રીતે પ્રગટ કરવું રહ્યું. પાકિસ્તાનના સર્જનનાં ૬૧ વર્ષ પછી ભારતીય મુસ્લિમો પાસે તેમની વફાદારીના પુરાવા માગવા કે એવી માગણીના ટેકામાં છ દાયકા પહેલાં સરદાર પટેલે કરેલા ભાષણને ટાંકવું એ મૂર્ખામી છે. મુદ્દો એ છે કે મુસ્લિમ સમાજને ઇસ્લામની બદનામી કરતા આતંકવાદીઓ સામે માત્ર વાંધો હોય એટલું પૂરતું નથી. એ વાંધો અસરકારક રીતે (પ્રેસનોટ સિવાય) સામાજિક વ્યવહારમાં પ્રગટ થાય એ જરૂરી છે.
  • અસહિષ્ણુતા, હિંદુદ્વેષ અને હિંસક બદલાની વાતો કરનારા ધર્મગુરૂઓને મુસ્લિમ સમાજે પહેલાં ચેતવણી આપવી જોઇએ અને પછી ન સુધરે તો પાઠ શીખવવો જોઇએ. આ પ્રક્રિયામાં કાનૂની માર્ગદર્શન કે મૌલિક આઇડીયા માટે સ્વૈચ્છિક સંસ્થાઓની ખપ પૂરતી અને માત્ર સમાજે નક્કી કરેલા એજેન્ડા પુરતી મદદ લઇ શકાય. સરેરાશ હિંદુ ધર્મગુરૂઓ ધંધામાં વધારે ઘ્યાન આપે છે. એટલે મુસ્લિમદ્વેષ અને હિંસા તેમના એજેન્ડામાં પ્રાથમિકતા ધરાવતાં નથી. એ ખરૂં કે તે પોતાના અનુયાયીઓને હિંસાના માર્ગેથી ભાગ્યે જ પાછા વાળી શકે છે.
  • ગુજરાતમાં ઘણા ઠેકાણે હજુ હિંદુઓ અને મુસ્લિમો સાથેસાથે વસે છે. ત્યાં નવાં ‘જુહાપુરા’ ઊભાં ન થાય, એ સ્થાનિક સામાજિક આગેવાનોની જવાબદારી છે. એ આગેવાનો કોંગ્રેસ-ભાજપના ખેલ કરતા હોય, તો નવા શિક્ષિતોએ આગળ આવવું પડે. શહેરોમાં મુસ્લિમોના અલગ વિસ્તારો થઇ ગયા હોય ત્યાં, એ વિસ્તારોમાં સૌની અવરજવર રહે એવી જાતનાં સંગઠન, કાર્યક્રમ કે પ્રવૃત્તિઓનું આયોજન કરી શકાય. બન્ને સમુદાયોને એકબીજા વિશેની કોઇ પણ ગેરસમજણ હોય તો એ વિશે સામસામે બેસીને વાતચીત થઇ શકે, એટલો સંપર્ક જળવાઇ રહેવો જોઇએ. જેટલો સંપર્ક વધારે, એટલાં અવિશ્વાસ-અસલામતી ઓછાં.
  • આ ‘હિંદુ’સ્તાન છે, એવી માન્યતા મુસ્લિમોના મનમાંથી નીકળી જવી જોઇએ અને મુસ્લિમો ‘પરદેશી આક્રમણખોર’ છે એવું ‘ઐતિહાસિક’ ભૂંસું હિંદુઓના દિમાગમાંથી દૂર થવું જોઇએ. કેમ કે, આપણે ઇતિહાસમાં નહીં, પણ વર્તમાનમાં જીવીએ છીએ. રાજકીય પક્ષો અને કોમના રાજકીય આગેવાનો આ બન્ને ભ્રમણાઓ ટકાવીને એ મુદ્દે લોકોની લાગણી ઉશ્કેરીને પોતાના રોટલા શેકે છે.
  • ‘ભારતમાં મુસ્લિમોની આબાદી હિંદુઓ કરતાં વધી જશે અને એ ભારત પર કબજો કરી લેશે’ એવી દંતકથાઓ પાછળ રહેલી રાજકીય ચાલબાજી હિંદુઓ સમજતા થાય અને હિંદુઓ પ્રચંડ બહુમતિમાં હોવાથી મુસ્લિમોની સલામતી નથી, એવો ખ્યાલ મુસ્લિમો છોડી દે. આ ભારત છે. પાકિસ્તાન નથી. અહીં ભાંગીતૂટી પણ લોકશાહી છે, બંધારણ છે, હકો છે, હકો માટેની લડત કરવાની જગ્યા છે, અદાલતો છે. હવે તો (પોતાના એજેન્ડા પ્રમાણે) ગામ ગજવી નાખનારી સ્વૈચ્છિક સંસ્થાઓ અને ન્યૂઝ ચેનલો પણ છે. એ સંજોગોમાં ભારત જેવા દેશમાં કોસોવો કે રવાન્ડા જેવા જનસંહાર થાય અને મોટી સંખ્યામાં મુસ્લિમોને ખતમ કરી નાખવામાં આવે, એવો ખોફ મુસ્લિમોએ મનમાંથી કાઢી નાખવા જેવો છે.
  • ૨૦૦૨માં મુસ્લિમોને બરાબર પાઠ શીખવ્યાનું જે હિંદુઓ માનતા હશે, તેમણે યાદ રાખવા જેવું છે કે હિંસાથી કોઇ પાઠ શીખવાતો નથી. લાખો યહુદીઓને માર્યા પછી પણ હિટલર યહુદીઓને કોઇ પાઠ શીખવી શક્યો નહીં. ઊલટું, તેનાથી યહુદીઓ જીવ પર આવી ગયા અને બીજા વિશ્વયુદ્ધ પછી ઇઝરાઇલ સ્થાપ્યું. એ જ યહુદીઓનું ઇઝરાઇલ હિંસાથી અને અમેરિકા જેવા દેશનો ટેકો હોવા છતાં ઘરઆંગણે શાંતિ સ્થાપવામાં કેટલું સફળ થયું છે? ઇઝરાઇલના જુસ્સાની વાજબી પ્રશંસા કરતી વખતે મોતના કાયમી ખૌફ નીચે જીવતા તેના નાગરિકોની સ્થિતિ વિશે વિચાર્યું છે કદી?

આગળ જણાવેલી દરેક બાબતો માટે એક સવાલ થઇ શકેઃ ‘આમાં પહેલ કોણ કરે?’ તેનો એક જ જવાબ છેઃ જે પોતાની જાતને વધારે બહાદુર માનતા હોય તે!

Saturday, August 23, 2008

Divya Sandesh from newpapers of Gujarat post blasts

AMRITA SHAH

(In the aftermath of Gujarat Bomb blast, Amrita Shah, a friend and senior writer-analyst from Mumbai, wanted to study the reactions of Gujarati newspapers, which were unusual to say the least. I sent her the material in English with some footnotes and here is the result- Urvish Kothari)

Gujarat Chief Minister Narendra Modi may have won kudos from the rest of India for his quick and responsible handling of a potentially volatile situation following the recent bomb blasts in Ahmedabad. But at home the response has been less enthusiastic. The vernacular press, which openly supported the pro-Hindutva forces at the time of the post-Godhra violence in 2002, so much so that Modi sent appreciative letters to fifteen publications, has been more ambivalent this time round. An analysis of Ahmedabad editions of major Gujarati newspapers Gujarat Samachar, Sandesh and Divya Bhaskar immediately following the blasts (July 27-31) for instance reveals a range of responses that mark a shift, both from the demagogic attitudes of 2002 – which moved the Editors Guild to rush a three-member team to Gujarat at the time -- and towards a leader whose efficacy and views have seemed unassailable over the last eight years.
On immediate sight, the shift seems imperceptible. The prominence given to Modi’s criticism of the central intelligence bureau and to his claim that the ‘Intentions of terrorists will not be allowed to be successful’ along with a photo story on the compensation of victim’s families indicates an administration in control. BJP leader L.K. Advani’s demand for an anti-terror law, a blast victim asking the Prime Minister to emulate Israel’s example in dealing with terrror and Extra Comment, a column in Sandesh also seem to endorse the press’s traditional hardline stance.

But.a closer look reveals a far less single-minded response. Indeed the dominant trend is critical rather than adulatory. The state administration is blamed for various failures, from not taking the modernization of madarsas seriously to the weakening of the state’s intelligence bureau by using it to spy on opposition leaders and protecting ‘cowardly’ leaders. A news item in Sandesh also suggests that communal policies may have destroyed links between Muslim police officers and informers.

It is the chief minister’s image as a guardian of Gujarat however that has proved to be a major liability for him in the post blast scenario. The Congress party’s allegation that the chief minister’s verbosity invited the blasts finds wide play. A statement from state BJP chief Purushottam Rupala made the day before the blasts : `There are no chances of terrorist attack in Gujarat as long as Modi .is there` further underscores the irony as does a two-column box item in Gujarat Samachar which claims :’CM’s boasting blown apart. Terrorists slapped the rulers by serial bombing.’ Even Divya Bhaskar the mildest in its reproaches admits that the state administration was unsuccessful in maintaining security without mentioning the chief minister by name.

The BJP has not gotten off easily either. Sandesh is critical of L. K. Advani, suggesting that he was rushing in to get sympathy in view of the approaching elections and accusing him of being overly preoccupied with his personal security. A column titled 'Chinee kam' in the paper even ridicules the party’s demand for an anti-terrorism law contrasting it unfavourably with Jaswant Singh’s trip to Kandhar.

In 2002, the Editors Guild found an influential section of the Gujarati press biased in favour of the majority Hindu community (the editor of Sandesh whose circulation rose by 150,000 in those traumatic months for instance, told the visiting team that ‘Hindu protection is my duty’). It also found a tendency to distort facts and towards sensationalism. In the recent context these tendencies have also been visible. Bold fonts and a liberal use of red in announcing the rise of terrorism in Gujarat Samachar and the prominence given to VHP’s counter threat in Sandesh seem geared towards an almost incendiary effect.

Speculation too has been rife. The involvement of a suicide bomber in the Civil Hospital blast is confidently asserted (with illustrations) and later denied. The blasts are claimed variously to be hatched in Baroda, Saudi Arabia and Ahmedabad’s Muslim stronghold Juhapura. CDs titled ‘Anarchist’s cookbook-4’ are said to be found in Umargam-Vapi in south Gujarat and chemicals for bombs are said to have been sourced from Ankleshwar. SIMI, Dawood Ibrahim, a maulvi from mangrol are among the suspected masterminds. The involvement of Hindu ‘gaddars’ is also suggested. And customary suspicions about madarsas – their lack of modernization, their financial sources -- are aired. Divya Bhaskar’s reportage veers towards the imaginative attributing the lucky escape in Surat being due to the discovery of a Ganesha idol placed with one of the bombs; the paper also draws an arbitrary profile of terrorists based on 12 traits including rebelliousness, cunning, confidence and so on.

Alongside the sensationalism and wild speculation however, surprisingly, (given the divisive rhetoric of 2002), are also pieces celebrating communal harmony. Sandesh’s Chinee Kam claims Muslims and Hindus want to stay peacefully but 'some misguided unholy organizations have blasted Ahmedabad to settle political scores'. Divya Bhaskar carries a picture of a Muslim Rakhi-maker with the claim that ‘Hindus and Muslims are woven like the threads of a rakhi’. Gujarat Samachar claims ‘terrorists don’t have any religion’ and reports on Hindus helped Muslim victims, quoting the saviours as saying : `think of us as your family members’ The paper also carries a story that talks of ‘operation face-saving’ following the bomb blasts, a rare, unequivocal criticism of the Crime Branch’s anti-minority bias in the mainstream press that talks of the predictable hunt for Muslim history sheeters, naming Maulvi Abdul Hamid of the Dani Limada area of Ahmedabad as being the first victim.of the Crime Branch’s ‘Vanzara pattern’, a reference to the celebrated encounter cop.

It is possible that the media coverage in the wake of the bomb blasts is more a response to a traumatic incident than a long term shift in perceptions that have dominated the state in recent years. Yet it may be a phenomenon worth watching.

(Amrita Shah is author of first ever full fledge biography of Dr.Vikram Sarabhai. She’s currently working on Ahmedabad. )

હવે વિનોદની નજરે અમેરિકા?

અમેરિકામાં ભરાનારા ગુજરાતીઓના મેળાવડા માટે વિનોદ ભટ્ટ 27 ઓગસ્ટના રોજ ત્રણ અઠવાડિયાં માટે ‘ત્યાં’ જઇ રહ્યા છે. આમ તો ‘ત્યાંએચ્છુકો’- અમેરિકા જવા માટે વીઝા લેવા ગયેલા લોકો-ની સંખ્યા બહુ મોટી હતી, પણ કોન્સુલેટે રાબેતા મુજબ કેટલાકને વીઝા આપ્યા ને ઘણા બધાને ન આપ્યા.
એક કવિને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું,’શું કરો છો?’ જવાબ મળ્યો, ‘કવિતા’. એટલે અફસરે તેમને કવિતા સંભળાવવા કહ્યું અને સાંભળ્યા પ્રમાણે, કવિતા સાંભળીને તેમની વીઝાઅરજી ‘રીજેક્ટ’ કરી દીધી. એક તસવીરકાર મિત્રને ‘ત્યાં ફોટોગ્રાફરો નથી તે તમારે છેક અહીંથી જવું પડે છે?’ એમ કહીને રીજેક્ટ કર્યા. એક કવિને આયોજકો બોલાવવા ઇચ્છતા હતા, પણ કવિએ સજોડે આવવાનો આગ્રહ રાખ્યો. આયોજકોએ કહ્યું, ‘તમારી ત્રણ કવિતા માટે ત્રણ લાખ? કવિતા દીઠ લાખ રૂપિયા બહુ વધારે કહેવાય.’

કોન્સુલેટમાં વિનોદભાઇને પણ થોડા આડાઅવળા સવાલો પૂછ્યા. તબિયતનાં કારણોસર અમેરિકા જવાની તાલાવેલી ન ધરાવતા વિનોદભાઇએ સવાલો જેવા જ આ઼ડાઅવળા જવાબો આપ્યા. દા.ત. ’કેમ અમેરિકા જાવ છો?’ વિનોદભાઇનો જવાબઃ ‘ત્યાં મોટી સંખ્યામાં વસતા ગુજરાતીઓને મળવા. આ સંમેલન ચીન કે જાપાનમાં ભરાયું હોત તો ત્યાં પણ જાત.’ બે-ચાર સવાલો પછી અકળાયેલા વિનોદબાબુએ એક સવાલના જવાબમાં ગુજરાતી અનુવાદીકાને ’તું ગુજરાતી હોવા છતાં તે મારું નામ નથી સાંભળ્યું, તેની તને શરમ આવવી જોઇએ.’ એ મતલબનું કંઇક સંભળાવ્યું. એટલે છોભીલી પડેલી અનુવાદિકાએ અમેરિકન સાહેબને કહ્યું,’હી સીમ્સ ટુ બી એ રીનાઉન્ડ રાઇટર, ધો આઇ હેવ નોટ હર્ડ હીઝ નેમ.’
‘એકલા જવું છે?’ એવા સવાલના જવાબમાં વિનોદભાઇએ ગુજરાતી અનુવાદીકાને બાજુ પર રાખીને અમેરિકનને કહ્યું,’આઇ હોપ, યુ ડોન્ટ એન્વી મી.’ અને અમેરિકન અફસર હસી પડ્યો. વીઝા ગ્રાન્ટેડ.
વિનોદ ભટ્ટ ત્રણ અઠવાડિયાં માટે અમેરિકા જાય, એટલે આપણો સ્વાર્થ ‘વિનોદની નજરે’ અમેરિકા વિશે વાંચવા મળે, એ જ રહે છે. બે દિવસ પહેલાં અમારી રાબેતા મુજબની ગપ્પાંગોષ્ઠિ બેઠકમાં વિનોદભાઇએ ચોપડી લખવાની ઇચ્છા તો વ્યક્ત કરી. સાથોસાથ, તબિયતના કારણે ‘હજુ અમેરિકા જવાનું ન થાય તો સારું’ એવું પણ થતું હોવાનું અડધી મજાકમાં અને અડધી ગંભીરતાથી કહ્યું.

અમેરિકામાં વિનોદભાઇ પ્રવચનો આપશે અને હરશેફરશે. પહેલી અમેરિકાયાત્રાથી હેમખેમ પાછા ફરીને વિનોદભાઇ મજાનું પુસ્તક આપે એવી શુભેચ્છા.

Friday, August 22, 2008

હું, તમે ને ગામ # વિચારધારા, વાયદો અને કાયદો

એક સમયે તાજગીસભર લેખક તરીકે જાણીતા અને કટ્ટર રાજકીય હિંદુત્વની કારકિર્દી તરફ ફંટાતાં પહેલાં છેલ્લે ચિંતનની કોલમ લખતા સૌરભ શાહ છેલ્લા થોડા સમયથી છેતરપીંડીના આરોપોસર અમદાવાદની સાબરમતી જેલમાં છે.
અનેક વાર આકર્ષક જાહેરાતો દ્વારા ‘વિચારધારા’ સામયિક માટે તેમણે વાંચકો પાસેથી લવાજમ ઉઘરાવ્યાં હતાં. જાહેરાતોમાં મોરારિબાપુ અને નરેન્દ્ર મોદીનો છૂટથી ઉપયોગ કર્યો (અને એ બન્નેમાંથી એક પણ મહાનુભાવે વાંધો ન ઉઠાવ્યો!) હોર્ડંિગ પર લખાતું હતું ‘નરેન્દ્ર મોદીએ વિચારધારાનું લવાજ ભર્યું. તમે ભર્યું?’ ‘મોરારિબાપુ વિચારધારા વાંચે છે. તમે વાંચ્યું?’
‘વિચારધારા’ થોડા અંકો પછી વાચકો ઉપરાંત લેખકો અને તેનું ભવ્ય એડ કેમ્પેઇન છાપનારાં અખબારોના રૂપિયા ડૂબાડીને ડૂબી ગયું, છતાં તેના તંત્રી તરીકે સૌરભ શાહ સતત આશા બંધાવતા હતા. સમય વીતતાં તેમાં આશાવાદનું પ્રમાણ ઘટવા લાગ્યું અને વાયદાબાજી વધવા લાગી. આખરે ‘સંદેશ’ અખબાર તરફથી તેના લેણાના ચડત પૈસા માટે સૌરભ શાહ સામે ફરિયાદ કરવામાં આવી, તેમની ધરપકડ થઇ, પોલીસે તેમને રીમાન્ડ પર લીધા અને અદાલતે બે વાર જામીન નામંજૂર કર્યા પછી થોડા મહિનાથી તે સાબરમતી જેલમાં છે. આટલી વાત પછી, તેમના એડ કેમ્પેઇનની એક ઝલક.
તંત્રી વાયદો પાળે તો વાચકો માટે આ ગાડી...


..અને ન પાળે તો? તંત્રી માટે આ ગાડી...

Wednesday, August 20, 2008

ઘર આયા મેરા પરદેસી...ઠેઠ ઇજિપ્તથી!

જૂની ફિલ્મો-ફિલ્મસંગીતના રસિયાઓમાં જાણીતી વાત છે કે ‘આવારા’ની ડ્રીમ સિક્વન્સનો ઉત્તરાર્ધ અને અત્યંત લોકપ્રિય ગીત ‘ઘર આયા મેરા પરદેસી’ એક પરદેશી ઘૂન પરથી પ્રેરિત કે ‘ચોરિત’ (વ્યાકરણની ભૂલ માફ!) છે.

એ પરદેશી ગીત ઇજિપ્તની ગાયિકા ઉમ્મ કુલથુમે ૧૯૩૬માં ગાયું હતું. ઉમ્મ કુલથુમ (Umm Kulthum)ને ખ્યાતિની અને ગાયકી દ્વારા મળેલી પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ ઇજિપ્તનાં લતા મંગેશકર કહેવાં હોય તો કહી શકાય. એ જુદી વાત છે કે અવાજની બાબતમાં લતાને ભારતનાં ઉમ્મ કુલથુમ કહી શકાય એમ નથી. જૂના ગીતોના અને દમદાર અવાજના પ્રેમીઓને ઉમ્મ કુલથુમનો અવાજ અવશ્ય વધારે ગમશે.

ગીતનું મુખડું શંકર-જયકિશને (કદાચ રાજ કપૂરના કહેવાથી) ઉપાડ્યું હોત તો ઠીક હતું. તેમણે તો ઓપનિંગ મ્યુઝિક પણ લઇ લીઘું અને રબાબ જેવા કોઇ વાદ્યના સ્થાને મેન્ડોલિન લગાડી દીઘું. ઉમ્મ કુલથુમે ગાયેલું મૂળ ગીત આ લીન્ક પરથી ડાઉનલોડ કરીને સાંભળી શકાય છેઃ
http://umm.infomideast.com/list.html
આ લીન્ક પર ઉપલબ્ધ ગીતોની યાદીમાં ‘ઘર આયા મેરા પરદેસી’નો પ્રેરણાસ્ત્રોત છેઃ Ballady Al Mahboub
ગીત સાંભળીને શું/ કેવું લાગ્યું? જણાવશો.

Tuesday, August 19, 2008

ઓલિમ્પિક હોય કે ‘તારે ઝમીં પર’, ખપ છે માત્ર ‘નંબર વન’ નો

સુવર્ણચંદ્રક વિજેતા અભિનવ બિન્દ્રા પર ઈનામોની વર્ષા કરવાની હોય કે કલ્પના ચાવલા પર શ્રદ્ધાંજલિની, કેટલાક સ્માર્ટ લોકો કદી પાછળ રહેતા નથી. એવા લોકોના બે પ્રકાર હોય છે. સરકારી અને કોર્પોરેટ. બન્ને દેખાડો એવો કરે છે, જાણે તે પ્રતિભાની અને રાષ્ટ્રનું નામ રોશન કરનારની કદર કરી રહ્યા છે. હકીકતમાં સરકાર હોય કે કંપનીઓ, તેમનો મુખ્ય આશય લોકલાગણીની અને વિજેતાના જયજયકારની વહેતી ગંગામાં હાથ ધોવાનું ચૂકી ન જવાય એ જ હોય છે.
સફળતાનું વ્યવહારૂ ગણિતઃ કલ હો ના હો
કંપનીઓ તો, ખેર, ધંધાદારી છે. તેમનું કામ જે પાણીએ મગ ચડે તે પાણીએ ચડાવવાનું છે. અભિનવ બિન્દ્રા કે તેમનો અત્યાર સુધીનો સંઘર્ષ, કારકિર્દીના ચડાવ ઉતાર અને આશા-નિરાશા કંપનીઓ માટે ગૌણ છે. તેમને માત્ર ‘સફળતાના પ્રતીક (મેસ્કોટ)’માં જ રસ છે, જેનું નામ કાલે દીપિકા પાદુકોણ, આજે અભિનવ બિન્દ્રા અને કાલે ત્રીજું કંઈક હોઈ શકે છે. દરેક પ્રતીક એક જીવતું જાગતું માણસ હોય છે અને સફળતાની ટોચે પહોંચતાં પહેલાં તેણે કેટલું ઘાસ કાપ્યું હોય છે, તેની જોડે ભાગ્યે જ કોઈને લેવા દેવા હોય છે.

‘અગાઉનો બધો સંઘર્ષ માણસે અહીં સુધી પહોંચવા કર્યો હતો. હવે એ મુકામ આવી ગયો છે, તો બઘું ભૂલીને બને એટલી રોકડી કરી લેવાની. કલ હો ના હો.’ આવું ‘વ્યવહારૂ’ ગણિત એજન્સીઓ અને એજન્ટો અવ્વલ નંબરે પહોંચેલા લોકોને શીખવે છે. તેમને મન કોઈ પણ સિદ્ધિની ચરમસીમા અને પરિપૂર્ણતા તેના થકી એટલી રોકડી કરી લેવામાં છે.

સરકારમાં સ્થિતિ જરા જુદી હોય છે. મોટા ભાગનાં સરકારો અને મુખ્યમંત્રીઓ રાજ્યને અમુક બાબતોમાં તેમનું રજવાડું માને છે, એટલે જૂના જમાનાના બાપુઓની ‘રંગ છે તને! લે મારા ગળાનો હાર’ વાળી માનસિકતા યાદ આવે એ રીતે, વિજેતા ખેલાડી કે ટીમ પર તે ઈનામો વરસાવે છે. સરકારો કે નેતાઓની મુખ્ય લેવાદેવા વિજેતાની ઈન્સ્ટન્ટ ખ્યાતિ સાથે હોય છે. ખેલાડીને ઉતાવળે ઈનામ જાહેર કરી દેવાથી, બીજું કંઈ ન કર્યું હોય તો પણ રમતગમત પ્રત્યેની નિસબતનો અને ‘ક્રિકેટ સિવાય બીજી રમતોને પ્રોત્સાહન આપ્યાનો’ દેખાડો કરી શકાય છે. તેનાથી ઓલિમ્પિક સુધી પહોંચવા જરૂરી સુવિધાઓ કે વાતાવરણ પૂરાં ન પાડ્યાનો ક્ષોભ ઘણી હદે ધોવાઈ કે ઢંકાઈ શકે છે. સૌથી છેવટની વાત એ પણ ખરી કે સરકાર કહેતાં મંત્રીઓને રૂપિયા પોતાના ખિસ્સામાંથી કાઢીને આપવાના નથી. તો પછી શા માટે કંજૂસાઈ દેખાડવી?
પ્રતિભા નહીં, ‘રેડીમેઈડ’ પરિણામ
સરકારને અને કંપનીઓને કેરીઓ જોઈએ છે, પણ આંબા ઉછેરવા નથી. જાહેરખબરીયા પ્રચારના રવાડે ચડીને રૂપિયામાં આળોટતી બીસીસીઆઈની (હા, ભારતની નહીં, બીસીસીઆઈની) ક્રિકેટટીમને ‘ટીમ ઈન્ડિયા’ તરીકે માથે ચડાવનારા લોકોને ઓલિમ્પિકમાં જતી ખેલાડી ટુકડીઓ ‘ટીમ ઈન્ડિયા’ લાગતી નથી. એવું જ ‘ટીમ ઈન્ડિયા’ના વિશ્વવિજય માટે ગીતો બનાવનારા અને તેમના ચરણે સ્પોન્સરશીપના સોદા ખડકી દેનારા લોકોનું છે. હરીફરીને દસ-બાર દેશોની હરીફાઈમાં ‘વિશ્વ વિજેતા’ બનવા ઉતરનારી ટીમ માટે સુવિધાઓનો પાર નથી અને ખરા ‘વિશ્વ વિજેતા’ બનવાનું હોય એવી સ્પર્ધાઓમાં ઉતરતા ભારતીય ખેલાડીઓનો ભાવ પણ કોઈ પૂછતું નથી.

લોકો માને છે કે અભિનવ બિન્દ્રા રાતોરાત સ્ટાર બની ગયો. ૧૧ ઓસ્ગસ્ટ, ૨૦૦૮ના અભિનવ બિન્દ્રાને બધા ઓળખે છે, પણ ૨૦૦૪ની એથેન્સ ઓલિમ્પિકમાં નંબરથી વંચિત રહ્યા પછી હતાશાને આરે પહોંચેલા અભિનવને ઓળખનારા કેટલા? સફળતા વટાવવા ઈચ્છતા અને સફળતાનો જ એકમાત્ર માપદંડ રાખતા લોકોને પ્રતિભામા નહીં, પરિણામમાં- અને બને તો ‘નંબર વન’ માં જ રસ છે. એટલે ‘તારે ઝમીં પર’ જેવી નૈસર્ગિક પ્રતિભા ખીલવા દેવી જોઈેએ એવો ઉપદેશ આપતી ફિલ્મમાં પણ છેવટની ચિત્રસ્પર્ધામાં બાળકનો પહેલો નંબર આવે ત્યારે જ તેની પ્રતિભા સિદ્ધ થાય, એવો ફિલ્મી અંત મુકવામાં આવ્યો હતો. છતાં, મોટા ભાગના પ્રેક્ષકોને તેમાં કંઈ અજુગતું ન લાગ્યું. કેમ કે, નવીનતા કુદરતી પ્રતિભા ખીલવા દેવાના ઉપદેશમાં હતી. બાકી, સફળતા તો પહેલો નંબર આવે ત્યારે જ કહેવાય, એ આમીરખાનના બોધ પહેલાં પણ સૌ જાણતા જ હતા. આમીરખાને તેમને એ કહેવાની તક ગુમાવી કે ‘પહેલો નંબર ન આવે એવા લોકો પણ જીવનમાં સફળ થાય છે.’
કૌન બનેગા ચેમ્પિયન? કરોડપતિ?
‘ઈન્ડિયન એક્સપ્રેસ’માં નલિન મહેતાએ લખ્યા પ્રમાણે, ૨૦૦૮ની ઓલિમ્પિક પહેલાં ભારતીય નિશાનબાજોની ટીમને સ્પોન્સરશીપ આપવાની દરખાસ્ત ૧૫ કોર્પોરેટ હાઉસ દ્વારા નામંજૂર થઈ હતી. સીધી વાત છે. નિશાનબાજોને આપવા કરતાં આઈપીએલની બીજી ટુર્નામેન્ટ સુધી રાહ ન જોઈએ? હવે એમાંનાં ઘણાં અભિનવ બિન્દ્રાના અભિવાદન માટે હરખપદુડા થાય તો નવાઈ નહીં. આને ‘દુનિયાદારી’ તરીકે ઓળખાવીને છૂટી જવું એક વાત છે અને તેના હાર્ડમાં રહેલી અન્યાયી અવ્યવસ્થાનો નીવેડો લાવવો એ બીજી વાત છે.

ક્રિકેટ સિવાયની રાષ્ટ્રીય ટીમ માટે મૂળભૂત સુવિધાઓથી માંડીને સાધનસામગ્રી અને યોગ્ય તાલીમનો કેવો અભાવ હોય છે, તે હવે જાણીતું છે. રમતગમતના સરકારી તંત્રની વાયડાઈ વળોટીને કોઈ ટીમ ટુર્નામેન્ટ જીતી લાવે તો એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા પણ કોઈ ન હોય, એવા દાખલા નોંધાયેલા છે. એવા સંજોગોમાં અભિનવે હિંમત હાર્યા વગર મેળવેલી જીત આનંદની સાથોસાથ રમતજગતના ભવિષ્ય માટે આશંકા પણ પ્રેરે છે.

અભિનવના પિતા કરોડપતિ હતા. એટલે આર્થિક મોરચે તેમણે દીકરા માટે કોઈ કસર ન છોડી. ચંદીગઢ નજીક આવેલા ૧૦ એકરના આલીશાન ફાર્મહાઉસમાં તેમણે અભિનવ માટે જિમ્નેશિયમ, સ્પા અને ફિઝીયોથેરાપી સેન્ટર ઉપરાંત અંગત શૂટિંગ રેન્જ પણ ઉભી કરી આપી. આટલું ઓછું હોય તેમ અભિનવને વિદેશી ધરતી પર વિદેશી નિષ્ણાતોની તાલીમનો લાભ પણ તેમણે અપાવ્યો. જેમ કે, મે મહિનાના અંતથી અભિનવ ઘરે પાછો આવ્યો નથી. ઓલિમ્પિકની પૂર્વ તૈયારીરૂપે પહેલાં દક્ષિણ આફ્રિકામાં ફીટનેસ સેશન અને ત્યાર પછી જર્મનીમાં પ્રેકટિસ કર્યા પછી તે બેજિંગ પહોંચ્યો હતો.

ભારત જેવા દેશમાં કેટલા ખેલાડીઓની સ્થિતિ આટલો ખર્ચ પરવડે એવી હોય? ઓલિમ્પિક જેવી ખરા અર્થમાં વૈશ્વિક સ્પર્ધામાં કૌશલ્યની સાથે લેટેસ્ટ ટેકનોલોજીનો પણ મુકાબલો થતો હોય અને સરકાર કે કંપનીઓ એ મોરચે કશો રસ લેવાનાં ન હોય, તો પછી કરોડપતિ પિતાના તેજસ્વી પુત્રો સિવાય બીજા કોઈનો ગજ નહીં વાગે. એવી સ્થિતિ ન થાય એ માટે સુવર્ણ ચંદ્રક જીત્યા પછી તરત બિન્દ્રાએ ‘ભારતમાં ઓલિમ્પિક રમતો પ્રત્યેનો લોકોનો અભિગમ બદલાય’ એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

‘ફલાયિંગ સીખ’ તરીકે જાણીતા દોડવીર મિલ્ખાસિંહ પોતાના જીવતેજીવ ભારતમાં ઓલિમ્પિકનો પહેલો વ્યક્તિગત ગોલ્ડમેડલ આવ્યો એ બાબતે ઉંડો સંતોષ વ્યક્ત કર્યો. મિલ્ખાસિંઘના સંતોષમાં સૂર પુરાવતી વખતે એ પણ યાદ આવે છે કે મિલ્ખાસિંઘ ગરીબ પરિવારનું સંતાન હોવા છતાં અને ભારતનું રમતગમત વિષયક સરકારી તંત્ર આટલું જ રેઢિયાળ હોવા છતાં તેમણે ૧૯૬૦ની રોમ ઓલિમ્પિકમાં ફાઈનલ પહેલાંના એક મુકાબલામાં ૪૦૦ મીટર દોડનો વિશ્વવિક્રમ તોડ્યો હતો. ફાઈનલમાં તે ચોથા નંબરે આવ્યા. છતાં તેમનું ‘ફલાઈંગ સીખ’ તરીકેનું બિરૂદ બરકરાર રહ્યું.

હવે ૨૦૦૮ માં અભિનવ બિન્દ્રા કરોડો રૂપિયા ખર્ચીને પરદેશમાં ટ્રેનિંગ લઈને, હતાશાથી હાર્યા વગર અને સરકારી ટેકાની અપેક્ષા રાખ્યા વિના સર્વોચ્ચ સિદ્ધિ લગી પહોંચ્યો છે. દેશનું મહેણું ભાંગ્યું છે. મિલ્ખાસિંઘનું સ્વપ્ન સાકાર થયું છે. છતાં, એ સ્વપ્ન ખરેખર સાકાર થયું ત્યારે જ ગણાય, જ્યારે સરકાર કે સમાજ કે કોર્પોરેટ જગતના સહયોગથી સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પ્રતિભાશાળી ખેલાડીઓ અપવાદ નહીં, પણ નિયમ લેખે સર્વોચ્ચ સિદ્ધિ હાંસલ કરતા થાય અને ‘જનગણમન’નું સંગીત ઓલિમ્પિકના સ્ટેડીયમ માટે પરિચિત બની જાય

Saturday, August 16, 2008

હું, તમે ને ગામ #2: સ્વામી સચ્ચિદાનંદનું ‘એન્કાઉન્ટર’

અહીં મુકેલું કટિંગ 13 ઓગસ્ટના ‘સંદેશ’માં કભી કભી આવતી કોલમ ‘ચીની કમ’નું છે. તેમાં સ્વામી સચ્ચિદાનંદના કમરપટાની ઉપર અને નીચે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે.
સચ્ચિદાનંદ સ્વામીને જાણીતા કરવામાં તેમની કોલમ ‘લોકસાગરના તીરે તીરે’ નો મોટો ફાળો છે. ‘સંદેશ’ની રવિવારની ‘સંસ્કાર’ પૂર્તિમાં આ કોલમ પચીસ-ત્રીસ વર્ષથી આવતી હશે. સ્વામી સચ્ચિદાનંદના સ્ટેટસનો અંદાજ એ વાત પરથી આવી શકશે કે ગુજરાતના અખબારજગતમાં ‘ત્રીજા પરિબળ’ તરીકે ‘દિવ્ય ભાસ્કર’નો ઉદય થયો, ત્યાર પછી સ્વામી એકમાત્ર એવા કટારલેખક હતા, જેમનું લખાણ રવિવારનાં ત્રણે છાપાંમાં આવતું હોય. ‘એક્સક્લુઝીવનેસ’નું ક્લોઝ તેમને લાગુ પડતું ન હતું. ‘ભાસ્કર’ અને ‘સંદેશ’માં તેમની કોલમ આવતી હતી અને ‘ગુજરાત સમાચાર’માં સીધેસીધી કોલમ નહીં, તો તેમની સાથે સવાલજવાબ હી સહી, એ રીતે તેમની સાથેનો વાર્તાલાપ શરૂ થયો.

ક્રાંતિકારી સંત, પટેલોના માનીતા, આખાબોલા...જેવાં વિશેષણો સ્વામી માટે વપરાતાં રહ્યાં છે. સ્વાધ્યાય પ્રકરણમાં જયશ્રી ‘દીદી’ વિરોધી પંકજ ત્રિવેદીની હત્યા વખતે સ્વામીએ દીદીવિરોધી સ્ટેન્ડ લઇને ઉપવાસ પણ કર્યા હતા. એ વખતે દીદીને તેમના વહાલા વહાલા ભાઇ- મુખ્ય મંત્રી મોદી સાથે થયેલી મનાતી સમજૂતીના પ્રતાપે દીદી અને તેમના પઠ્ઠાઓને કંઇ થયું નહીં. મોદીવિરોધી પટેલલોબી પૂરજોશમાં હતી. સ્વામીના વિરોધને એ ફોકસમાં પણ જોવામાં આવ્યો. ત્યાર પછી સ્વામીના દંતાલિ આશ્રમમાં રાત્રે ચોર આવ્યા, સ્વામીએ જેનું લાયસન્સ રીન્યુ કરાવવાનું રહી ગયું હતું એવી બંદૂકડીથી ચોર પર ગોળીબાર કર્યા અને ‘બંદૂકધારી બાવાજી’ તરીકેનું બિરૂદ હાંસલ કર્યું.

ગોળીબારના કેસમાં એક માણસ મરી ગયો, એટલે સ્વામી નબળી વિકેટ પર આવ્યા. મુખ્ય મંત્રીની આંખે ચડી ચૂકેલા સ્વામી ત્યાર પછી અન્ડરગ્રાઉન્ડ તો નહીં, પણ બેકગ્રાઉન્ડમાં જતા રહ્યા. આસારામનો વિવાદ થયો ત્યારે બે-ચાર કદખળીયા લોકોએ સ્વામીને પૂછ્યું,’સ્વાધ્યાય વખતે તમે બહુ વિરોધ કરતા હતા. આ વખતે કંઇ કહેવું નથી?’

થોડા દિવસ પછી એક જાહેર સમારંભમાં કેન્દ્રીય કોંગ્રેસી મંત્રી દિનશા પટેલ સાથે સ્વામીને જાહેરમાં ટપાટપી થઇ. સરદારને અન્યાયનું પ્રચલિત – અને સગવડીયું- ગાણું વગાડીને સ્વામીએ ગાંધી પરિવારની અનવોરન્ટેડ અને હાડોહાડ રાજકીય ટીકા કરી. અમુક અંશે ‘ફાઇલ થઇ ગયેલો કેસ’ ગણાતા સ્વામીને દિનશાએ રોકડો જવાબ આપ્યો. આ ઘટનાક્રમ પછી આ પોસ્ટના પ્રારંભે મુકેલી કોલમ ‘સંદેશ’માં છપાઇ. સાથે એક મજાનું કેરિકેચર પણ ખરું.

લખાણ વિશે એટલું જ કહેવાનું કે તેના છેવાડે થયેલી દિનશા પટેલની અતિશયોક્તિભરી પ્રશંસા અને સ્વામી પરના ‘બીલો ધ બેલ્ટ’ પ્રહારોને લીધે, લખાણની અસર મોળી પડી શકે છે અને તેને પત્રકારત્વનો કયો રંગ કહેવો, એ વિશે મૂંઝવણ થઇ શકે છે.

લખાણ સાથે સંમત હોય કે ન હોય તેમણે પણ કેરિકેચર બનાવનારને ફુલ માર્ક આપવા પડે. એક હાથમાં મોબાઇલ, એક હાથમાં બંદૂક અને આંખ પર સનગ્લાસ – ધરાવતા ‘સન્યાસી’.

સ્વામી શું વિચારતા હશે? ‘સંદેશ’ની કમાણી, ‘સંદેશ’માં સમાણી?

હું, તમે ને ગામ # 1: આસારામ અને સ્વરૂપ સેક્સ ક્યોર

ગ્રહદશામાં હું માનતો નથી. છતાં લાગે છે કે ગુજરાતમાં બાવાજીઓની ગ્રહદશા ખરાબ ચાલે છે. પહેલાં આસારામનો વારો નીકળ્યો. આસારામના ગોરખધંધા અને ગુંડાગીરી વિશે મીડિયા સહિત આખું ગામ જાણતું હતું. છતાં બિલાડાના ગળે ઘંટ કોણ બાંધે? ખાસ કરીને, બિલાડો ઘંટ બાંધનારાને સાચવી લેતો હોય ત્યારે.
અમદાવાદના બે બાળકોના મૃત્યુ પછી અચાનક સૌ એક્શનમાં આવી ગયા અને આસારામ પર એવી રીતે તૂટી પડ્યા, જાણે આજ સુધી તેમને કશી ખબર જ ન હોય અને હમણાં જ તેમને બધી જાણ થઇ હોય. કોઇ દેખીતો સંબંધ ન હોવા છતાં મને ‘સ્વરૂપ સેક્સ ક્યોર’ની છેતરપીંડી યાદ આવી.
અમદાવાદમાં છેલ્લા ત્રણ દાયકા કરતાં પણ વધારે સમયથી ડો.આર.સ્વરૂપ સેક્સોલોજીના નામે લોકોનાં અજ્ઞાન-અવઢવ-ગેરસમજણ-માનસિક ગ્રંથિઓનો ગેરલાભ ઉઠાવીને લાખો રૂપિયા ખંખેરતો હતો. ગ્લોબલાઇઝેશન પહેલાં જ્યારે મારૂતિ ફ્રન્ટીથી લોકો વટ મારતા હતા, ત્યારે સ્વરૂપ જોડે કાળી મર્સિડિઝ હતી. સ્વરૂપને વ્યાપક માન્યતા અપાવવામાં અખબારોનો મોટો ફાળો હતો. તેમણે વર્ષો સુધી-દાયકાઓ સુધી સ્વરૂપની જાહેરખબરો છાપી, લાખો રૂપિયાની કમાણી કરી અને તેને એક પ્રકારની માન્યતા આપી.
બાર-તેર વર્ષ પહેલાં ‘અભિયાન’માં મિત્ર અને જોડીદાર પ્રશાંત દયાળ સાથે મળીને અમે સ્વરૂપનું એ જમાના પ્રમાણેનું ‘સ્ટીંગ ઓપરેશન’ કર્યું હતું. હું દર્દી બનીને સ્વરૂપ પાસે ગયો. એ જમાનામાં રૂપિયા એક હજાર આપીને કેસ કઢાવ્યો અને તેની મોડસ ઓપરન્ડી જાણી. તેની ગઠિયાગીરી એટલી ઉઘાડેછોગ હતી કે એ સમજવા માટે શેરલોક હોમ્સ થવાની જરૂર ન પડે. ત્યાર પછી છ પાનાં ભરીને અમે અભિયાનમાં ‘કવરસ્ટોરી’ લખી. ભૂલતો ન હોઉં તો એ વખતે આરોગ્ય મંત્રી ખાડિયાનરેશ અશોક ભટ્ટ હતા. સ્ટોરીથી ન અટકીને અમે આગળ પણ રજૂઆતો કરી. તેના પરિણામે, ઊચ્ચ સ્તરેથી તપાસ કરવા માટે એક અફસરે ખાનગી રાહે મને મળવા બોલાવ્યો. (‘તમારી ઓળખાણ કેવી રીતે પડશે?’, ‘મારા હાથમાં લીલા રંગની બેગ હશે’ એ પ્રકારના ફિલ્મી સંવાદો સાથે.) પણ ભારતવર્ષની ઉજ્જવળ પરંપરા પ્રમાણે બધું ભીનું સંકેલાઇ ગયું. મઝાની વાત એ છે કે આખા પ્રકરણ દરમિયાન સ્વરૂપની જાહેરખબરો છાપનારાં અખબારો ચૂપ રહ્યાં અને જાહેરખબરો છપાવાની ચાલુ રહી.
આ વાતનાં થોડાં વર્ષ પછી કોઇ બીજા કારણસર સ્વરૂપનો વારો ચડી ગયો. તેની ધરપકડ થઇ. ત્યારે વર્ષો સુધી સ્વરૂપની અસલિયત જાણ્યા પછી પણ તેની જાહેરખબરો છાપનારાં અખબારોએ તે દિવસે પહેલા પાને સ્વરૂપને મોટો ઠગ ચીતરીને તેની ધરપકડની તસવીરો છાપી. એ વખતે હું અને પ્રશાંત ‘સંદેશ’માં હતા. એક બપોરે સ્વરૂપ ‘સંદેશ’માં મળી ગયો અને મને ખ્યાલ છે કે પ્રશાંતને તેણે પોતાના કાંડા પરની મોંઘી ઘડિયાળ ઉતારીને આપવાની ઓફર સાથે એ મતલબનું કહ્યું,’હવે કંઇ રહ્યું નથી. આ લઇ લો ને છાલ છોડો.’
થોડા મહિના નેહરુબ્રિજ ઉતર્યા પછી દેખાતા સ્વરૂપ સેક્સ ક્યોરના પાટિયાનો ઝળહળાટ શમ્યો- ન શમ્યો અને ફરી પાછો એ શરૂ થઇ ગયો. આજની તારીખે સ્વરૂપની છેતરપીંડીની પ્રેક્ટિસ ચાલે છે અને અખબારોમાં તેની જાહેરખબરો પણ છપાય છે. સારું છે, દાઉદ ઇબ્રાહિમ અને જનરલ મુશર્રફ જાહેરખબરોની ‘પાર્ટી’ નથી. નહીંતર આપણાં પ્રસાર માધ્યમોને તેમની જાહેરખબરો લેવામાં પણ કોઇ છોછ ન નડે.

Friday, August 15, 2008

15 ઓગસ્ટ સ્પેશ્યલ

15 ઓગસ્ટ, 1947 અને તેની આસપાસના ઐતિહાસિક દિવસોનો ઘટનાક્રમ પોતાની અને કેમેરાની આંખે જોઇ ચૂકેલાં ભારતનાં પ્રથમ મહિલા ન્યૂઝ ફોટોગ્રાફર હોમાય વ્યારાવાલાના સંગ્રહમાંથી મુકેલી આ તસવીરો અત્યંત મહત્ત્વપૂર્ણ હોવા છતાં, સાવ ઓછી જાણીતી છે.


પહેલી બે તસવીરોમાં કોંગ્રેસની જે બેઠકમાં દેશના ભાગલા પાડવાનો ઠરાવ મંજૂર થયો, તેનું ચિત્રણ છે. સભ્યો હાથ ઊંચો કરીને ભાગલાના ઠરાવને મંજૂરી આપી રહ્યા છે. તેમાં નેહરુ પણ જોઇ શકાય છે.

અત્યારે વડોદરામાં વસતાં 95 વર્ષનાં હોમાયબહેનના જણાવ્યા પ્રમાણે, એ બેઠકમાં પત્રકારો-તસવીરકારોને દૂર રાખવામાં આવ્યા હતા. હોમાયબહેન અને બીજા એક ફોટોગ્રાફર ત્યાં ગમે તેમ કરીને પ્રવેશી ગયા. તેમના પ્રતાપે આ દુર્લભ ક્ષણોની તસવીર આપણને જોવા મળી રહી છે.

સરદાર પર પુસ્તક લખ્યું હોવાના નાતે સરદારના સ્મારકમાં રહેલી અને બીજી લગભગ 1200થી પણ વધારે તસવીરો મેં ઉથલાવી છે. છતાં સરદાર-નેહરુની હોમાયબહેને ખેંચેલી આ તસવીર અગાઉ જોવા મળી નથી. 14 ઓગસ્ટ, 1947ની સાંજે બહેનો નેહરુ-સરદારના કપાળે તિલક કરીને તેમનું અભિવાદન કરી રહી છે.

તસવીરકાર તરીકે ઐતિહાસિક ઘટનાઓનું કવરેજ કરનાર હોમાયબહેનનો ‘પ્રેસ’ પાસ જોઇને પણ રોમાંચ થાય છે. અત્યારે પ્રિન્ટિંગ પ્રેસથી માંડીને પ્રેસમાં નોકરી કરતા કારકુનો ‘પ્રેસ’નાં સ્ટીકર લગાડીને ફરે છે, ત્યારે ‘પ્રેસ’ પાસનું મૂલ્ય જરા નવેસરથી યાદ કરાવવામાં પણ આ બે પાસ ઉપયોગી નીવડે એવા છે. દેશની આઝાદની ક્ષણોના સાક્ષી તો એ છે જ.


(તસવીરસૌજન્યઃ હોમાય વ્યારાવાલા અને તેમના વિશેનું અદભૂત પુસ્તક ‘ઇન્ડિયા ઇન ફોકસઃ કેમેરા ક્રોનિકલ્સ ઓફ હોમાય વ્યારાવાલા)

Wednesday, August 13, 2008

ગૌવંદે માતરમ્

ગુજરાતમાં અને ભારતમાં ગાયો સંવેદનશીલ મુદ્દો છે. હા, ગાયો ફક્ત મુદ્દો જ છે. એક પ્રાણી તરીકે ગાયની કોઇને પરવા નથી. બીજાં પ્રાણીઓ કરતાં ગાયનું અલગ સ્ટેટસ હોવું જોઇએ કે નહીં, એ ધાર્મિક માન્યતાનો વિષય છે. પણ રસ્તા પર સદા રખડતી અને ભાગ્યે જ હૃષ્ટપુષ્ટ જોવા મળતી ગાયોને ‘માતા’ કહીને, તેમના રક્ષણ માટે માણસોને મારી નાખવા એ અનુસ્નાતક કક્ષાનો દંભ છે.
ગાયો સાથે રાજકીય મુદ્દાની જેમ મુદ્દામાલ પણ સંકળાયેલો છે. ગાય માતા હોય કે ન હોય, પણ ‘ગૌશાળા માટે ફાળો’ અનેક કૌભાંડોનો પિતા છે.

આ બધી આડવાતોને આ તસવીર સાથે લેવાદેવા નથી. પણ તસવીરમાં રસ પડે એવી ચીજ છે, ગૌભક્તિનું નવતર સૂત્રઃ ગૌવંદે માતરમ્.
એક વાર મઘુ રાયે લખ્યું હતુ: ‘ઉપકુલપતિ’ કહેવાય કે ‘કુલઉપપતિ’? ‘ઉપ’ શબ્દ કોને લાગુ પડે છે? ‘કુલ’ને કે ‘પતિ’ને?

કંઇક એવી જ સ્થિતિ ‘ગૌવંદે માતરમ્’ની છે. ગાયમાતાને વંદન કરવાં હોય તો ‘ગૌવંદે માતરમ્’ કહેવાય કે ‘વંદે ગૌમાતરમ્’ ? બીજું સાચું છે, પણ પહેલું ‘પંચી’ છે અને પંચ (punch) ત્યાં પરમેશ્વર. ઇતિ સિદ્ધમ્.

આતંકવાદનો સામનો છેતરામણી નારાબાજીથી

બોમ્બવિસ્ફોટ પછીના ગુજરાતમાં શાણપણ અને સ્વસ્થતાની સાથોસાથ શીખામણો, ઉપદેશો અને પડ્યા પછી ટંગડી ઉંચી રાખવાની ફેશનનો વાયરો પણ વાયો છે. સ્થાપિત - અને વિસ્થાપિત- હિતો પોતપોતાના એજેન્ડાને સદભાવના અને સામાજિક જવાબદારીમાં વીંટાળીને રજૂ કરી રહ્યાં છે.

‘એનડીટીવી ઇમેજિન’ની એક સિરીયલના કાલ્પનિક પાત્રથી માંડીને રાજકારણમાં સંદેહાસ્પદ ભૂમિકા ધરાવતાં વાસ્તવિક પાત્રો સહિત સૌ કોઇ ગુજરાતની પ્રજાને શાબાશી - શીખામણ- ઉપદેશ આપવા અને લગે હાથ પોતાનું કામ સાધી લેવા પ્રયત્નશીલ છે. ‘ગુજરાત-એક જોઇન્ટ ફેમિલી’ અને ‘આતંકવાદ નહીં તોડી શકે આપણા પ્રદેશને’ એવા સંદેશા સાથે સિરીયલનું જસુબેન નામનું પાત્ર મહાત્મા ગાંધીના ઓતારમાં કહે છે,‘સમય છે એકત્ર થવાનો.’ ‘એક’ થવા (સંપ કેળવવા) અને ‘એકત્ર’ થવા (એકઠા થવા) વચ્ચેનો ફરક ન જાણતા લોકોએ ઉપદેશ આપવામાં જરા સાવચેતી રાખવી જોઇએ અથવા પોતાની મૂળ ભાષા (અંગ્રેજી)માં જ ઉપદેશ આપવો જોઇએ એવું નથી લાગતું?
નાક કપાવાથી તંદુરસ્તી બગડે?
થોડા વખત પહેલાં ઓઆરજી-માર્ગ સર્વેક્ષણ ટાંકીને ગુજરાતના મુખ્ય મંત્રીને બિરદાવતાં ટચૂકડી સાઇઝનાં હોર્ડંિગ અમદાવાદમાં ઠેર ઠેર ફૂટી નીકળ્યાં હતાં. ખાસ ઊભાં કરાયેલાં આ હોર્ડંિગ પર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થાઓથી માંડીને ખાનગી ક્લબો અને જાહેર ફિક્સરો સહિત ઘણા મુખ્ય મંત્રીને અભિનંદન પાઠવતા હતા. એક જાણીતા ગાયક કલાકારના ફાઉન્ડેશને ઉત્સાહમાં આવીને મુખ્ય મંત્રીની તસવીર સાથે લખાવ્યું હતું ‘મંદિરોમેં ઘંટ બાજે, મસ્જિદોંમેં હો અજાન, શેખ કા હરમ ઔર દિન-એ-બરહમન આઝાદ હૈ/ અબ કોઇ ગુલશન ના ઉજડે, અબ વતન આઝાદ હૈ’. વતન કોનાથી ઉજડ્યું હતું અને કોનાથી ‘આઝાદ’ છે, તેના વિશે ખુલાસો કરવાની ૨૦૦૨ પછીના ગુજરાતમાં જરૂર જોવામાં આવી ન હતી.

મુખ્ય મંત્રીના જયકાર માટે અસ્તિત્ત્વમાં આવેલાં અને આવ્યાં એવી જ રીતે પોતાનું કામ પૂરૂં કરીને અદ્રશ્ય થઇ ગયેલાં હોર્ડંિગ બોમ્બ વિસ્ફોટ પછી ફરી જોવા મળે છે. આ વખતે તેમનું કામ જરા વધારે પેચીદું છે. અગાઉની જેમ મુખ્ય મંત્રીનો સીધો જયજયકાર થઇ શકે તેમ નથી.

સૌથી પહેલું કામ કપાયેલા નાકની પ્લાસ્ટિક સર્જરી કરવાનું છે. એ કેવી રીતે થાય, તેનો એક નમૂનો ‘ચેમ્બર ઓફ કોમર્સ’ના એક હોર્ડંિગમાં જોવા મળે છે. તેમાં લખ્યું છેઃ ‘આતંકવાદ ગુજરાતની પ્રગતિ રોકી શકશે નહીં.’ આ વિધાન ‘નાક કપાવાથી શરીરની તંદુરસ્તીમાં કશો ફરક પડવાનો નથી ’ એ પ્રકારનું લાગે છે. કોણ કહે છે કે બોમ્બવિસ્ફોટ ગુજરાતની પ્રગતિ રોકવાના આશયથી કરવામાં આવ્યા છે? આતંકવાદીઓના સાચા ઇરાદાને બદલે પોતાને અનુકૂળ થાય એવા ઇરાદા જાહેર કરવા અને પછી એ ઇરાદામાં આતંકવાદીઓ નિષ્ફળ ગયા છે, એવી બડાશો હાંકવી, તેમાં ગુજરાતની પ્રજાની બેવડી કુસેવા થાય છે- અને આ બધાં હોર્ડંિગ જનહિતમાં પ્રકાશિત થાય છે!

‘સલામ છે ગુજરાતને’ એવું મથાળું ધરાવતા એક હોર્ડંિગનું લખાણ છેઃ ‘ન કરી શક્યા ગુજરાતને ભયભીત, ન તોડી શક્યા ગુજરાતની એકતા, ન રોકી શક્યા ગુજરાતનો વિકાસ. આતંકવાદનો કરશે સામનો ગુજરાતની હિંમતવાન અને નીડર જનતા.’ પહેલી નજરે પૌષ્ટિક અને નિર્દોષ લાગતા આ લખાણ વિશે સહેજ વિચાર કરતાં, તેનો ઘ્વનિ અને તેમાં રહેલો સંદેશો સમજી શકાય છે. ‘સલામ છે ગુજરાતને’ એ બરાબર, પણ કઇ ખુશીમાં સલામ? તેનો જવાબ છેઃ ‘ન કરી શક્યા ગુજરાતને ભયભીત.’ આ દાવાનું કોઇ માપ નથી. ગુજરાત ભયભીત થયું હતું કે નહીં, એ અમદાવાદ અને સુરતના રહીશો વધારે સારી રીતે કહી શકે.

છતાં, એ અભિનંદન સ્વીકારવા હોય તો બીજું વિધાન છેઃ ‘ન તોડી શક્યા ગુજરાતની એકતા.’ એ માટે ગુજરાતની જનતાને ખરેખર સલામ છે. થોડા ગુનેગારોનો ગુનો આખી કોમ પર ઓઢાડવાની ભૂલનું પુનરાવર્તન ન કરીને ગુજરાતે નવી આશા જગાડી છે. પરંતુ આ સિદ્ધિ માટે અત્યારે અભિનંદન આપવા નીકળી પડેલા લોકોએ ૨૦૦૨માં કઇ ભૂમિકા ભજવી હતી? એ વખતે તેમણે ગુજરાતની એકતાને જોડવાનું કામ કર્યું હતું કે તોડવાનું? ગુજરાતની એકતાની આટલી જ ચિંતા તેમણે એ વખતે સેવી હોત, તો ગુજરાતની તાસીર, ગુજરાતની સ્થિતિ જુદી હોત. ગુજરાતનાં ઘણાં શહેરો-ગામડાંનું કોમી ધોરણે વિભાજન થયું ત્યારે મૂક અથવા સક્રિય ટેકો આપનારા હવે ગુજરાતની એકતા વિશે હરખ કરે, ત્યારે પ્રજાને મળતાં અભિનંદન સાચાં હોવા છતાં આપનારની ગેરલાયકાતને કારણે એ સ્વીકારી શકાય તેમ નથી.

ત્રીજો દાવો છે ‘ન રોકી શક્યા ગુજરાતનો વિકાસ.’ વિસ્ફોટ થયે હજુ માંડ પખવાડિયું થયું, ત્યાં આ દાવો કેટલો હાસ્યાસ્પદ લાગે તે સમજાવવાની જરૂર લાગે છે? અને આગળ જણાવેલો મુદ્દો ઊભો જ રહે છે ઃ ત્રાસવાદીઓ ગુજરાતનો વિકાસ રોકવા પ્રયાસ કરે છે એવું કોણે કહ્યું?
પ્રજાને પટાવવાનો પ્રયાસ
મોટા ભાગનાં હોર્ડંિગમાં છૂપાયેલો ઘ્વનિ જોકે વધારે ચિંતાજનક છે અને તે રૂપાળા શબ્દોમાં પ્રજાના ગળે ઉતારી દેવાનો પ્રયાસ એથી પણ વધારે ગંભીર છે. એક હોર્ડંિગ કહે છે,‘ગુજરાતના વિકાસને આગળ વધારીએ. આતંકવાદનો સામનો કરીએ.’ ગુજરાતને સલામ કરતું હોર્ડંિગ કહે છે,‘આતંકવાદનો કરશે સામનો ગુજરાતની હિંમતવાન અને નીડર જનતા.’ ગુજરાતની પ્રજાને ‘ચણાના ઝાડ પર’ ચડાવતું આ વિધાન ઘ્યાનથી વાંચવા જેવું છે.

એક સમય હતો, જ્યારે ગુજરાતની પ્રજાને ફક્ત એક જ રાત જાગવાનું હતું અને બાકીના દિવસ મુખ્ય મંત્રી જાગતા રહેવાના હતા. એક સમય હતો, જ્યારે મુખ્ય મંત્રી મોતના સોદાગરોને ચુન ચુન કે મારવાના હાકોટા કરતા હતા અને ગુજરાતની પ્રજા પોતાના મુખ્ય મંત્રીનું વાણીશૌર્ય જોઇને પોરસાતી હતી. હવે એ મુખ્ય મંત્રી કયા મોઢે કહે કે ‘આતંકવાદનો સામનો તમારે કરવો પડશે?’ એટલે મુખ્ય મંત્રીની લાગણીનો પડઘો પાડતા હોય તેમ આ બધા શીખામણીયા શાંતિદૂતો પ્રજાને છાપરે ચડાવતાં કહે છે,‘તમે તો બહુ નીડર છો. તમે તો બહુ હિંમતવાન છો. આગળનું બઘું ભૂલી જાવ અને આતંકવાદનો સામનો તમે જ કરો.’

બુલેટપ્રૂફ બખ્તર નેતાઓ પાસે હોય, સુરક્ષા કર્મચારીઓના કાફલા નેતાઓ પાસે હોય, આખેઆખું પોલીસતંત્ર અને ગુપ્તચર તંત્ર નેતાઓ પાસે હોય અને આતંકવાદનો સામનો પ્રજા કરે! કેવી રીતે? તેનો જવાબ પ્રજાએ હોર્ડંિગ મુકનારા પાસેથી માગવો રહ્યો. હોર્ડંિગ પર મુકાયેલાં લખાણોનું ઝીણવટથી પીંજણ કરવાનું જરૂરી છે. સમસ્યાની ઓળખ જ સાચી નહીં હોય, તો તેનો મુકાબલો કરવા માટેની શીખામણો કે ઉપદેશો ગેરમાર્ગે દોરનારાં અને પ્રજા માટે ઉપયોગીને બદલે નુકસાનકારક સાબીત થશે. અહીં કરેલાં ‘વિચારવિસ્તાર’ પછી હવેથી રસ્તા પરનાં હોર્ડંિગ નજરે પડે ત્યારે તેમાં પ્રજાની બહાદુરીની કદર જરા ઘ્યાનથી વાંચજો. તેમાં જવાબદાર સત્તાધીશોનું બચાવનામું પણ વાંચી શકાશે.
આતંકવાદના મુકાબલાની માયાજાળ
આતંકવાદના મુકાબલાને નાકનો કે ગૌરવનો કે મિથ્યાભિમાનનો મુદ્દો બનાવવા જેવો નથી. ગુજરાતમાં બોમ્બધડાકા થયા, એવા જ ધડાકા બીજાં રાજ્યોમાં પણ થયા છે. (બધાં રાજ્યો પાસે ૨૦૦૨ જેવો, એક યા બીજી રીતે મન પર બોજ બની રહેનારો ભૂતકાળ નથી હોતો એ જુદી વાત છે)

ભારત જેવા દેશમાં આતંકવાદીઓને પહોંચી વળવું અઘરૂં છે. એટલે ગુજરાતમાં બોમ્બધડાકા થાય તે સામાન્ય સંજોગોમાં મુખ્ય મંત્રી માટે નાલેશીનું કારણ ન બન્યું હોત. પણ પોતાની કલ્પી લીધેલી તાકાતના પ્રભાવ હેઠળ તે બોલવામાં પ્રમાણભાન ચૂકતા રહ્યા, હવામાં તલવારો વીંઝતા રહ્યા અને ગુજરાતની શાંતિ માટે અપ્રમાણસરનો જશ લેતા રહ્યા. બોમ્બવિસ્ફોટથી તે વાસ્તવિકતાની ધરતી પર આવે, તો સ્વસ્થ મનોદશામાં ખોટા નિર્ણયો લેવાતા અટકશે અને વાતાવરણમાં સામાન્યતા જળવાઇ રહેશે. પરંતુ હજુ સુધી એ દિશાના સંકેત મળ્યા નથી.

બોમ્બવિસ્ફોટ પછી તરતના દિવસોમાં સુરતની મુલાકાતે ગયેલા મુખ્ય મંત્રીએ ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું હતું,‘આતંકવાદ પ્રોક્સીવોર છે. દેશમાં યુદ્ધ જેવો માહોલ ઊભો ન થાય ત્યાં સુધી તેનો અસરકારક રીતે સામનો ન થઇ શકે.’ ‘યુદ્ધ જેવો માહોલ’ અને ‘અસરકારક સામનો’ આ બન્ને શબ્દપ્રયોગો સાંભળવામાં બહુ અકસીર, પણ અસલમાં બહુ છેતરામણા છે. યુદ્ધ જેવા માહોલમાં ખરેખર સર્જાય તો પ્રજા ખોફ, શંકા, આંધળુકીયાં, અવિશ્વાસ અને ઉચાટના મહોલમાં સરી પડે, પછી આતંકવાદને વચ્ચે વચ્ચે છમકલાં કરવા સિવાય બીજું કંઇ કરવાનું રહેતું નથી. પ્રજાના હૃદયમાં દહેશત ફેલાવવાનું કામ આપમેળે ‘ઓટો મોડ’માં થતું રહે છે.

અમેરિકા જેવો સમૃદ્ધ, સાધનસજ્જ અને સુરક્ષા પાછળ અબજોડોલર ખર્ચનારો દેશ તેના નાગરિકોને આતંકવાદ સામે શાંતિ કે સુરક્ષાનો અહેસાસ કરાવી શક્યો નથી, ત્યારે આતંકવાદના મુકાબલાના દાવા કરતી વખતે શાસકોના પગ ધરતી પર રહે તે જરૂરી છે. બાકી, શાસકો અને શીખામણશૂરા કહે કે ન કહે, આતંકવાદનો મુકાબલો કરવાનું પ્રજાના ભાગે જ આવે છે અને આવવાનું છે.

Monday, August 11, 2008

જોવા જેવી ફિલ્મઃ વાઇલ્ડ થીંગ્ઝ

ફિલ્મોનાં બેનર પેઇન્ટર ચીતરતા હતા, એ યુગમાં ફિલ્મો માટે વપરાતી એક કાયમી ટેગલાઇન હતીઃ ‘આરંભ ચૂકશો નહીં અને અંત કોઇને કહેશો નહીં.’

આ ફિલ્મમાં આરંભ ચૂકી જવાય તો બહુ વાંધો નથી, પણ અંત ખતરનાક છે. સીધીસાદી લાગતી આ ફિલ્મની ગાડીમાં એક વાર બેઠા પછી તે ગાડીમાંથી રોલરકોસ્ટર થઇ જાય છે. એક આંચકામાંથી સહેજ કળ વળે કે બીજો આંચકો આવે, બીજા પછી ત્રીજો, ત્રીજા પછી ચોથો...

ઇન્ટરનેટ પર તેના પરિચયમાં એક જણે ફિલ્મનો સાર આ શબ્દોમાં લખ્યો છેઃ 'ટ્વીસ્ટ-ટ્વીસ્ટ-ટ્વીસ્ટ-ટ્વીસ્ટ-ટ્વીસ્ટ- ધ એન્ડ- ટ્વીસ્ટ.' ફિલ્મના ટાઇટલ પૂરા થાય ત્યાં સુધી ફિલ્મ જોવી જરૂરી છે. તો જ સાંધામેળ બેસશે. દિમાગના વળ મનોરંજક રીતે ચડાવતી આ ફિલ્મમાં લેસ્બિયન સંબંધોનાં કેટલાંક દૃશ્યો છે એટલી ચોખવટ.

ફિલ્મ ગ્રેટ નથી. પણ સમય-વસૂલ છે. હા, ફિલ્મ ઘેર લાવીને જોવાની હોય ત્યારે ફક્ત ‘પૈસાવસૂલ’ હોય એટલું પૂરતું નથી. ‘સમયવસૂલ’ પણ હોવી જોઇએ.

આ ફિલ્મની સિક્વલ ‘વાઇલ્ડ થીંગ્ઝ-૨’ બની છે એ જાણ્યાથી એ પણ જોઇ. નવાઇની વાત છે કે તેની આખી કથા ભાગ-૧ જેવી જ છે. ફક્ત પાત્રો અને કેટલીક સિચ્યુએશન જુદાં. એટલે ભાગ-૧ જોયો હોય, તો ભાગ-૨ના ટિ્વસ્ટની મઝા ઘણી હદે જતી રહે. એવું જ તેના ભાગ-૩નું છે. એટલે વિકલ્પ હોય તો ત્રણમાંથી ભાગ-૧ એટલે કે ‘વાઇલ્ડ થીંગ્ઝ’ જ જોવી.

After Bomb-blast : Reinventing the Wheel

Bombs blasted from bicycles could not damage communal peace of Ahmedabad. Mostly because people didn't want riots. (should I add 'this time'?)
Here is an artwork by a close friend Pranav Adhyaru, who edits Gujarati weekly 'Abhiyaan' from Ahmedabad.
The copy reads : 'from violence to non-violence...Let peace prevail'
Perhaps the most memorable artwork post blast.
Congrates, Pranav.

Friday, August 08, 2008

આંખનું કાજળ ગાલે: આ કસરત છે, કીચડઉછાળ નથી

આ વિભાગ વિશે એક અનામી વાચકે ટીપ્પણી કરી છે. પત્રકારત્વના સામાન્ય રિવાજ પ્રમાણે અનામી પત્રોનું સ્થાન કચરાટોપલીમાં હોય છે. પરંતુ મને એ ટીપ્પણી વિશે સ્પષ્ટતા કરવામાં રસ હોવાથી હું એની નોંધ લઊં છું- અને આ તક પૂરી પાડવા બદલ અનામી વાચકનો આભાર માનું છું.

‘આંખનું કાજળ ગાલે’નો આશય અંગત આક્ષેપોનો અખાડો ઊભો કરવાનો નથી. એવું હોત તો બીજી અને ત્રીજી પોસ્ટમાં જે લેખકોએ મોટા ગોટાળા કર્યા છે, તેમનાં નામ પણ સહેલાઇથી ઉપલબ્ધ હતાં. તે મુક્યાં હોત. ‘ભૂલ થવી જ ન જોઇએ’ એવો આ કોલમ પાછળનો આશય નથી. વાત એટલી જ છે કે માણસમાત્ર ભૂલને પાત્ર. પણ ભૂલ થાય તો એનો ખેલદિલીથી સ્વીકાર થવો જોઇએ અને ભવિષ્યમાં વધારે સાવધાની રખાવી જોઇએ.

અનામી વાચકે લખ્યું છે કે મેં ‘ટ્વેન્ટી-ટ્વેન્ટી’ ફિલ્મ વિશેની પોસ્ટમાં ભૂલ કરી. ખરી વાત છે. પણ એ ભૂલનો ભૂલ ચીંધનારના નામ સાથે અલગ પોસ્ટ લખીને મેં સ્વીકાર કર્યો હતો. બ્લોગમાં કમેન્ટ ડીલીટ કરવાની વ્યવસ્થા હોય છે. ભૂલ ચીંધનારને ઇ-મેઇલ કરીને વ્યક્તિગત રીતે હું ભૂલસ્વીકાર કરી શક્યો હોત. પણ ‘જાહેર ભૂલનો જાહેર સ્વીકાર’ એ ધોરણ મેં સ્વીકાર્યું છે. છાપાંમાં હંમેંશાં એ શક્ય નથી હોતું. બ્લોગમાં એ શક્ય છે. તો શા માટે ન કરવું?

માટે, હવે ગાળાગાળી ન હોય એવી કોઇ પણ ટીકા આ બ્લોગ વિશે નામજોગ કરી શકાય છે. તે કમેન્ટ તરીકે આ બ્લોગ પર જ રહેશે, તેની ખાતરી આપું છું. હા, મારા પક્ષે આટલી તૈયારી હોય, ત્યારે સામા પક્ષે કમ સે કમ પોતાનું નામ જાહેર કરવા જેટલી ખુલ્લાશની અપેક્ષા રાખું છું.

Thursday, August 07, 2008

Gandhi Horror show

No. This is not Gandhi's reaction to what transpired in Indian parliament during vote of confidence.
The statue seen here was installed at Dakor (my 'town-in-law')- a temple town famous for 'Ranchhodray temple' and delicious 'Gota'.
This is the worst bust of Gandhi I've ever seen. Generally it's Dr. Ambedkar, who is disfigured quite often by his followers overzeal and search for identity. Gandhi-statue is more a 'sarkari' affair. No dirth of money for his statue.
What happened to this statue at Dakor is not knwon, but there is a statue of 'Bhakta Bodana' few meters away, with similar pattern and eyes in particular. May be, in order to make Gandhi's eye 'God-like' or devine, this happened to him.
At last, eyes of Father of the nation are no longer Wide Shut. They are Wide Open scarringly.


Wednesday, August 06, 2008

ઝાડ પર લટકતા ન ફૂટેલા બોમ્બનો ઇન્ટરવ્યુ

ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. પાણીનો વરસાદ પડે કે ન પડે, બોમ્બની- અને બોમ્બની અફવાઓની-વૃષ્ટિ થઇ રહી છે. અમદાવાદમાં બોમ્બ ફૂટ્યા. સુરતમાં તે ફૂટતા પહેલાં પકડાઇ ગયા. એક જમાનામાં ત્રાસવાદીઓને ‘ચુન ચુનકે’ મારવાની વાતો કરનાર ગુજરાતના મુખ્ય મંત્રીની પોલીસ અને પ્રજા અત્યારે તો ‘ચુન ચુનકે’ બોમ્બ વીણી રહી છે. ગુજરાતની ધરતી ‘સુજલામ્ સુફલામ્’ને બદલે ‘સુધડામ, સુભડામ’ બની ગઇ હોય એવું લાગે છે. ઝાડ પર જરઝવેરાત લટકતાં હોય એવાં દ્રશ્યો ઘણી બાળવાર્તાઓ અને પરીકથાોમાં આવતા હતા. પણ ગુજરાતનાં બાળકો માટે ઝાડ પરથી બોમ્બ લટકતા મળી આવે છે- અને એ પરીકથા નથી. વાસ્તવિકતા છે.

આખી ગરમાગરમીના કેન્દ્રમાં રહેલા બોમ્બમાં જીવ આવે અને એવો ‘જીવતો’ બોમ્બ કોઇ ઝાડ પરથી લટકતો મળી આવે તો?

ખબર છે. સૌથી પહેલો વિચાર પોલીસ સ્ટેશને ફોન કરીને એકવીસ હજાર રૂપિયાની રોકડી કરવાનો આવે. પણ ત્યાર પછી ‘જીવતા’ બોમ્બ સાથે વાતો કરવાની તક મળે તો કેવા પ્રકારની વાતચીત થાય?
***
પ્રશ્ન: તમારો જન્મ ક્યાં થયો હતો?
બોમ્બ: આ ઇન્ટરવ્યુ છે કે ઇન્ટરોગેશન (તપાસ)?
પ્ર: ઇન્ટરોગેશન હોત તો મારે પૂછપરછ કરવાની જરૂર જ ક્યાં હતી? મારે તમને જે સાબીત કરવા હોય, તે સાબીત કરી દેતાં મને ક્યાં નથી આવડતું? પણ એ જવાબદારી પોલીસની છે. આ માત્ર ઇન્ટરવ્યુ જ છે.
બોમ્બ: જાણીને દુઃખ થયું. મેં સાંભળ્યું હતું કે પૂછપરછ કરનારા ઊંદરને વાઘ બનાવીને, પોતે ‘વાઘમારે’ બની જાય છે. મને હતું કે એ લોકો મને પણ સાદા તકલાદી બોમ્બને બદલે મહાવિસ્ફોટક બોમ્બ તરીકે ઓળખાવશે અને મારી ભયંકર છબી ઊભી થશે...
પ્રઃ તમારી નિખાલસતા કાબિલે દાદ છે. તમે પોતે જ પોતાની જાત વિશે ‘તકલાદી’ જેવું વિશેષણ વાપરો છો. અમારી સરકારને તમારી થોડી નિખાલસતા ઉછીની આપશો?
બોમ્બઃ સરકાર નિખાલસ થશે, તો બિચારા માહિતીખાતા પાસે શું કામ રહેશે? એટલે એ વાત જવા દે. મુદ્દાની વાત કર.
પ્રઃ એ જ તો કરતો હતો. તમારો જન્મ ક્યાં...?
બોમ્બ (સવાલ અધવચ્ચેથી કાપીને): મારા જન્મ વિશે શું કહું? તમને કોઇએ કહ્યું નથી કે બાવાનું અને બોમ્બનું મૂળ ન પૂછાય? ના કહ્યું હોય તો હું કહી દઊં છું...
પ્રઃ ઓકે. પહેલો સવાલ છે, એટલે આવો ઉડાઉ જવાબ માન્ય રાખું છું. તમને અહીં કોણ લાવ્યું?
બોમ્બઃ (મોટા અવાજે) એટલે તમે શું કહેવા માગો છો? એમ જ ને કે મને આતંકવાદીઓ નહીં, પણ તકવાદીઓ અહીં લાવ્યા છે અને સરેઆમ રઝળતો મુકી ગયા છે, જેથી લોકો મને શોધી શકે...
પ્રઃ તમે બહુ ગરમ મગજના છો.
બોમ્બઃ એટલે તો બોમ્બ છું. નહીંતર બરફ ન હોત? એકસાથે બોમ્બ અને બરફ બનવાનું રાજકારણમાં ચાલે, ત્રાસકારણમાં નહીં.
પ્રઃ વાહ, તમે તો ચિંતક જેવું બોલો છો.
બોમ્બઃ આટલી ચબરાકીમાં તમને ચિંતન દેખાઇ ગયું? તો એ માપ પ્રમાણે તારે મને બોમ્બને બદલે એટમબોમ્બ ગણવો જોઇએ.
પ્રઃ ખરેખર કહું છું. તમે આમ રસ્તે રઝળવાને બદલે ચિંતન અને પ્રેરણાના માર્કેટમાં આવી જાવ. બહુ મોટું બજાર છે. તેમાં ફૂટી ગયેલી તોપોથી માંડીને હવાઇ ગયેલી ટીકડીઓ સુધી ઘણા પોષાય છે...
બોમ્બઃ તું મારો ઇન્ટરવ્યુ લેવા આવ્યો છે કે મને કામધંધે લગાડવા?
પ્રઃ સારૂં. તો આપો જવાબ. તમને રાજકારણમાં રસ છે?
બોમ્બઃ ના, પણ રાજકારણીઓને મારામાં રસ છે. તે મારા નામે મત ઉઘરાવવા હંમેશાં પ્રયત્નશીલ હોય છે.
પ્રઃ તમારી સાર્થકતા શામાં છે? ફુટવામાં કે ન ફુટવામાં?
બોમ્બ (‘હે વત્સ!’ની શૈલીમાં) ઃ મારી સાર્થકતા જાણતા પહેલાં તું મારી જીવનફિલસૂફી જાણ, જેથી તારા મનમાં આવા ઉટપટાંગ સવાલો ન જાગે. મારું જીવનસૂત્ર છેઃ ‘બનાવે કોઇ, ફોડે કોઇ અને મરે કોઇ.’ આટલામાં સમજી જા.
પ્રઃ ખરૂં કહું છું. માની જાવ. તમે ચિંતનમાં ચાલી જાવ એમ છો..
બોમ્બઃ પણ હજી મને ફૂટી તો જવા દે. ત્યાં ટકી રહેવા માટે ફૂટી ગયેલા બોમ્બનું ખોખામાં ચોંટેલો હોય એટલો દારૂગોળો જ પૂરતો છે.
પ્રઃ હવે સરકિટ વિશે થોડી વાત કરો.
બોમ્બઃ મારૂં ખાતું પણ મુન્નાભાઇ જેવું છે. સરકિટ વિના મારા જીવનમાં અંધારૂં. સરકિટ ન ચાલે તો મારી કશી કિંમત નહીં. મારી બધી ભાઇગીરી સરકિટ પર આધારિત છે. આ વખતે સરકિટ ચાલી નહીં, એટલે મારે ફૂટવાને બદલે તારા સવાલોના જવાબો આપવા પડે છે.
પ્રઃ બોમ્બ તરીકે તમે હંમેશાં જમીન પર રહેવા ટેવાયેલા છો. ઝાડ પર લટકવાનો અનુભવ કેવો રહ્યો?
બોમ્બઃ બોરિંગ. હવે ફરી હું કહી દેવાનો છું કે મને લટકાવવો હોય તો ફાંસીએ લટકાવજો, પણ ઝાડ પર ન લટકાવશો.
પ્રઃ વાહ, તમે નેતા જેવું વિધાન કર્યું. અમારા નેતાઓ વાતવાતમાં કહેતા હોય છે,‘મારી પરનો આરોપ પુરવાર થાય તો મને ફાંસીએ લટકાવજો.’
બોમ્બઃ તમે વારે વારે નેતાઓને વચ્ચે લાવીને મારી લાગણી શા માટે દુભવો છો? આખરે મારી વિનાશક શક્તિ કેટલી? મારી મારીને હું કેટલા માણસોને મારવાનો હતો? જ્યારે તમારા નેતાઓનાં કારસ્તાનથી કેટલાં માણસો મરે છે? તોય તમે નેતા કરતાં બોમ્બથી વધારે ગભરાવ છો. તમારાં ધોરણ મને સમજાતાં નથી.
પ્રઃ આમ ફુટ્યા વગર જીવ્યા કરવાનું કેવું લાગે છે?
બોમ્બઃ આ લાયકાત મુખ્ય મંત્રીના ઘ્યાન પર આવશે, તો વહેલામોડા ગુજરાતના મંત્રીમંડળમાં આપણો નંબર લાગવાનો પૂરેપૂરો ચાન્સ છે. એમને કહેજે, આપણને ગૃહખાતું ચાલશે.
પ્રઃ છેલ્લો સવાલ. એનો સાચો જવાબ આપજો. તમારા થકી ઘણા નિર્દોષોનાં મૃત્યુ થાય છે. અનેક કુટુંબો ઉજાડવા માટે તમે સીધી કે આડકતરી રીતે જવાબદાર છો. તમારી તાકાતના, ઘૂનના અને કર્મઠતાના કેફમાં તમે આંખે પાટા બાંધી દો છો અને તમારી મમતને કારણે થતું નુકસાન જોઇ શકતા નથી. તમે માનો છો કે તમને તમારૂં કામ કરતાં કોઇ જ રોકી શકે એમ નથી...
બોમ્બ (અધવચ્ચેથી અટકાવીને) : એક મિનીટ, એક મિનીટ. કંઇક ગેરસમજણ થતી લાગે છે. તમે મુખ્ય મંત્રીનો નહીં, મારો- એક બોમ્બનો, ઝાડ પરથી મળેલા જીવતા બોમ્બનો- ઇન્ટવ્યુ લઇ રહ્યા છો...
આ સંવાદ સાથે જ ઇન્ટરવ્યુનો અવિધિસરનો અંત આવે છે.

Tuesday, August 05, 2008

પ્રજા જાગે તો બાવાઓને ખરેખર ‘બાવા’ બનવું પડે

તુજ વિના ઘેનમાં કોણ જાશે?

આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવું, ઘોડો છૂટી જાય પછી તબેલાને તાળાં મારવાં, ઢોળાયેલા દૂધ પર આંસુ સારવાં...આ પ્રકારની તમામ કહેવતો ધર્મો-સંપ્રદાયોની ગેરરીતિઓ અંગેના પ્રજાકીય અભિગમને લાગુ પાડી શકાય.

તાજો દાખલો ભલે આસારામ આશ્રમનો હોય, પણ તે પહેલો નથી અને છેલ્લો પણ નહીં હોય. વિવેકબુદ્ધિનો વીંટો વાળીને ચરણોમાં લોટી પડવા તત્પર ભક્તજનો છે, ત્યાં સુધી અઘ્યાત્મના માર્કેટમાં કદી મંદી આવવાની નથી. ટોપ ૧૦ સ્ક્રીપના ભાવમાં ચડઉતર થયા કરે- આજકાલ આસારામની સ્ક્રીપ ડાઉન છે- પણ તેને કારણે અઘ્યાત્મના ધંધા તરફ સમગ્રપણે લોકોને રોષ જાગતો નથી. ઊલટું, આસારામથી વિમુખ થયેલા લોકો બીજા કોઇનું શરણું શોધી લે અને તેના સંખ્યાબળમાં વધારો કરે, એ શક્યતા મોટી છે.

અંગત માન્યતા, જાહેર દૂષણ

વાસ્તવિક કે આભાસી, આઘ્યાત્મિક કે માનસિક ટેકો ક્યાંથી મેળવવો એ વ્યક્તિનો અંગત મામલો છે. માણસ કયા સાબુથી નહાય છે તેની સાથે કોઇને મતલબ નથી હોતો. એવી જ રીતે માણસ કયા બાવા-બાપુ-મહારાજનું શરણું શોધે છે કે તેમના ચરણોમાં લુઢકી પડે છે, એની સાથે પણ કોઇને સંબંધ ન હોવો જોઇએ.

સંબંધ ત્યારે ઊભો થાય છે, જ્યારે કોઇ બાવા-બાપુ-મહારાજ પ્રત્યેનો તેમનો અહોભાવ (ઉર્ફે ‘શ્રદ્ધા’ ) જાહેર જીવનમાં અને સામાજિક ગતિવિધિઓમાં અડચણરૂપ બનવા લાગે છે. અઘ્યાત્મના ઓઠા તળે અને સંખ્યાબળના જોરે શ્રદ્ધાળુઓ અને તેમના ગુરૂઓ કાયદો-વ્યવસ્થાથી પર થવા લાગે છે. સમાજમાં તેમનો પ્રભાવ વધે, તેમ એમની દાદાગીરી અને ન્યૂસન્સ વેલ્યુ વધતાં જાય છે. આસારામ જેવા કિસ્સામાં ‘બાપુ’ના માણસોની દાદાગીરી દેખીતી અને સરેઆમ હોય છે, જેને નબળા લોકો અને સ્વાર્થી સરકારો અઘ્યાત્મનાં કપડાં પહેરાવીને નિભાવી લે છે.

આસારામની ફેક્ટરી ‘હિંદુત્વ’ અને ‘ભારતની પ્રાચીન સંસ્કૃતિ’ના નામે બેશરમ થઇને સાબુ, અગરબત્તી અને આયુર્વૈદિક ઔષધિઓ જેવી ચીજવસ્તુઓ વેચે છે. ‘એમાં ખોટું શું છે?’ એવો સવાલ ઘણાને થશે. તેનો જવાબ એ છે કે આ બધો વેપાર આઘ્યાત્મિક આશ્રમના નેજા તળે કરવાનો હોય, તો પછી આશ્રમની જગ્યાને ‘કોમર્શિયલ’ ગણવી જોઇએ, તેને અઘ્યાત્મના ધામને બદલે એક ફેક્ટરીનો કે ઇન્ડસ્ટ્રીયલ યુનિટનો દરજ્જો આપવો જોઇએ અને એ હિસાબે તેની પાસેથી કરવેરાની અને બીજી વસૂલાતો થવી જોઇએ.

પણ ખરેખર થાય છે શું? મોટી વાનમાં આસારામ આશ્રમની હરતીફરતી દુકાનો શહેરોના ધમધમતા ટ્રાફિક પોઇન્ટની મોકાની જગ્યાઓ પર ધરાર અડીંગા જમાવે છે. સામાન્ય માણસનું વાહન ત્યાં થોડી વાર માટે ત્યાં પડ્યું હોય તો ટ્રાફિક પોલીસ કે ટોઈંગ સ્ક્વોડ દંડ ફટકારી દે, રિક્ષા ઊભી હોય તો તેેને પોલીસના દંડુકાનો એકાદ ફટકો કે ચાલકને બે-ચાર ગાળો સાંભળવી પડે. પણ આશ્રમના માણસો સફેદ કપડાં પહેરીને દુકાન ચલાવતા હોય, એટલે તેમને કોઇ નિયમ લાગુ ન પડે.

આશ્રમના ધંધાને આવી વિશેષ સુવિધાઓ શા માટે? કારણ કે તેની ફરતે અઘ્યાત્મનું તેજવર્તુળ ઊભું કરવામાં આવે છે અને એ વર્તુળને ઊચ્ચ સત્તાધીશો તરફથી સીધો કે મૂક ટેકો મળે છે. ટ્રાફિક પોઇન્ટ પર ઊભેલી આશ્રમની ધંધાદારી વાનને હટાવવાનું ટ્રાફિક પોલીસનું ગજું નથી. કેમ કે, એ પોતે અથવા એમના સાહેબો કે સાહેબોના સાહેબો આશ્રમના ભક્ત કે લાભાર્થી હોય છે. આ પ્રકારનાં અન્યાયી બેવડાં ધોરણથી પ્રજાનું લોહી ઉકળી ઉઠે અને વાન ગમે ત્યાં ઊભી રાખવા જેવી બાબતમાં પણ પ્રજા પોતાના મિજાજનો પરચો દેખાડે, તો બાવા-બાપુઓ અને તેમના અનુયાયીઓના પગ જમીન પર રહે, ‘અમને કોણ કહેનાર છે?’ એવો ફાંકો તેમના મનમાં ન ભરાય અને આસારામના અનુયાયીઓએ જે આતંક મચાવ્યો, તેવી ઘટનાઓ નિવારી શકાય.

ફળદ્રુપ ભૂમિનો ફાલ

ટ્રાફિક આઇલેન્ડ પર ધમધમતું દરેક ધર્મસ્થાન દસ-વીસ વર્ષ પહેલાં મામુલી દેરી કે મઝાર હોય છે. એ જ રીતે અઘ્યાત્મના બજારમાં ધીકતો ધંધો કરનારી દરેક પેઢીની શરૂઆત સાવ નાના પાયે, ઘણી વાર તો અસામાજિક ધંધામાંથી થાય છે. પાંડુરંગ શાસ્ત્રી જેવા કોઇ હિંદુત્વ અને ગીતાના પાયા પર, તો આસારામ જેવા અઘ્યાત્મથી આયુર્વેદ સુધીની ભેળપુરી બનાવીને પોતાનો પંથ જમાવે છે. અઘ્યાત્મ અને ધર્મ મોટા ભાગના માણસોની દુઃખતી કે દુઃખાડી શકાય એવી નસ હોય છે. અમેરિકા જેવા દેશોમાં અનુયાયીઓની ઘેટાશાહી ભારતના ધર્મપ્રેમીઓ કરતાં ખાસ જુદી હોતી નથી. પણ સૌથી મોટો ફરક સરકારના અભિગમમાં પડે છે. અમેરિકા જેવા દેશમાં એક ડિસ્ટ્રીક્ટ કોર્ટનો જજ દુનિયાના સૌથી માલેતુજાર માણસ બિલ ગેટ્સને ધંધે લગાડી શકે છે. કાનૂની દ્રષ્ટિએ ભારતમાં પણ એ શક્ય છે. છતાં વ્યવહારમાં એવું બહુ બનતું નથી.

ભારતમાં વ્યક્તિનો પ્રભાવ વધે, તેમ કાયદો તેના માટે અપ્રસ્તુત બનતો જાય છે. પ્રભાવશાળી માણસો કાયદાથી પર રહેવામાં પોતાની મોટાઇ સમજે છે અને કાયદાને ન ગણકારનારા માણસોને સરેરાશ પ્રજા એક પ્રકારના ભયમિશ્રિત અહોભાવથી જુએ છે. ભારતમાં કાયદાની ઐસીતૈસી કરનાર પહેલાં ગુંડો બને છે, પછી તેનો પ્રભાવ વધે તો એ વિધાનસભ્ય કે સાંસદ બને છે અથવા કોઇ સંપ્રદાયના ગુરૂનો જમણો હાથ બને છે. એથી પણ વધારે હોંશિયાર માણસ હોય તો એ પોતે જ એકાદ સંપ્રદાયની દુકાન ખોલી નાખે છે.

પહેલાં કહેવાતું હતું કે ‘બાવા બન્યા હૈ તો હિંદી બોલના પડેગા.’ હવેના બાવાઓને ખરેખર પ્રભાવશાળી બાવા બનવું હોય તો હિંદી બોલવા ઉપરાંત બીજું ઘણુંબઘું કરવું પડે છેઃ મોંઘીદાટ મોટરો અને એવી મોટરો ધરાવતા અનુયાયીઓ મેળવવા પડે છે, રાજકારણીઓ સાથે સારાસારી રાખવી પડે છે, ખરાબ વખત આવે અને પ્રજાને સચ્ચાઇની ખબર પડી જાય તો તેમના રોષનો મુકાબલો કરવા માટે ગુંડા રાખવા પડે છે- પોતે એકલો માણસ બિચારો કેટલે પહોંચી વળે!

કેટલાક ‘ફીલગુડ’ બાવાઓ બધી પ્રકારના પ્રશ્નોમાં ઝંપલાવે છે અને ‘લે ટકો, મને ગણ’ની પદ્ધતિથી પોતાનો પ્રભાવ વધારે છે. રાજસ્થાનનું ગુજ્જર આંદોલન હોય કે અંબાણીબંઘુઓનો ઝઘડો, બાવાઓ વિના જાણે ગાડું આગળ ચાલતું નથી. મઝાની વાત એ છે કે બાવાઓ વચ્ચે પડે છે તે સૌ જાણે છે, પણ તેમનું કેટલું ઉપજ્યું તેની ચર્ચા કદી થતી નથી. સફળતા મળે તો બાવાઓનો જયજયકાર થાય છે, પણ નિષ્ફળતા મળે તો એ ચૂપચાપ સરકી જાય છે અને કોઇ એ વિશે ચર્ચા કરતું નથી. આ બધી નિષ્ફળતા પ્રજા અને પ્રજાકીય માઘ્યમોની છે, જેને કારણે બાવાઓની ‘લાર્જર ધેન લાઇફ’ છબી ઊભી થાય છે. બાવાઓ પણ આપણા જેવા- અને ઘણાખરા કિસ્સામાં સરેરાશ સજ્જનથી ઉતરતી કક્ષાની-બિનતંદુરસ્ત મનોવૃત્તિવાળા હોય છે, એ સત્ય ઘણાખરા લોકો ભૂલી જાય છે. પોતાનાં અજંપો-અસુખ-અસલામતી કે આકાંક્ષાઓ માટે ‘યોગ્ય ઠેકાણું’ શોધતા લોકો પાસે બાવાઓની વૃત્તિ-પ્રવૃત્તિ તપાસવાની ઉતાવળ હોતી નથી. એટલે, રૂપિયા રોકતાં પહેલાં સો વાર વિચાર કરનારા લોકો લાગણીઓ અને શ્રદ્ધાનું રોકાણ કરે ત્યારે તેમનાં આંખ અને દિમાગ પર પાટા બંધાઇ જાય છે. નરી આંખે જોઇ શકાય- અને બીજાને દેખાતાં પણ હોય- એવી હકીકતો તેમને દેખાતી નથી અને પાટા ઉઘડે છે ત્યારે બહુ મોડું થઇ જાય છે.

બાવાબાજીમાંથી મુક્તિ

‘બાવાઓએ સમાજ પર નાગચૂડ જમાવી છે’ એ વિધાન ‘થાંભલો મને છોડતો નથી’ એવી જાતનું છે. અઘ્યાત્મના નામે ધંધો કરનારા બાવાઓને ભાવ આપનારા અને તેમના ભાવ ઊંચકનારા અનુયાયીઓ જ ન હોય તો?

બાવાઓ તેમના મૂળ સ્થાને-એકાંતમાં- જતા રહે અને તેમને પરાણે સાઘુત્વ અથવા સન્યાસીપણાના ગુણો ખીલવવાની ફરજ પડેઃ ઝૂંપડીમાં કે ખુલ્લામાં રહેવું પડે, ભિક્ષા માગીને પેટ ભરવું પડે, જ્ઞાન માટે તપસ્યા કરવી પડે, સમાજ અને સરકારોથી દૂર રહેવું પડે, ટીવી ચેનલો અને પ્રસિદ્ધિની પરેજી પાળવી પડે...

ત્યાર પછી હરવાફરવા માટે મોટી ગાડીઓ ન હોય (એકેય બાવો મારૂતિ ફ્રન્ટીમાં ફરતો જોયો?), ઘેલા અનુયાયીઓનાં ટોળાં ન હોય, વૈભવશાળી ક્લબને ટક્કર મારે એવા આશ્રમ ન હોય, બિલ્ડરોને ઇર્ષ્યા આવે એટલી જમીનો ન હોય, નેતાઓની નજર બગડે એટલા અનુયાયીઓ ન હોય, મુખ્ય મંત્રીને મોં સીવીને બેસી જવું પડે એટલો પ્રભાવ ન હોય...

...ભલે ચીલાચાલુ લાગે, તો પણ એ જ કહેવું પડે કે ‘વો સુબહ હમીં સે આયેગી.’

Monday, August 04, 2008

આંખનું કાજળ ગાલે # 4 : જુમ્મા જુમ્મા તરજુમા ઊર્ફે દે ધનાધન!

બાબુરાવ પટેલ વિશેના લોચાલાપસી વાંચીને સુરતથી વડીલમિત્ર અને રાષ્ટ્રિય ખ્યાતિપ્રાપ્ત ફિલ્મસંશોધક હરીશ રધુવંશી જણાવે છે કે ગયા શુક્રવારની (૧-૮-૨૦૦૮) ‘ગુજરાત સમાચાર’ની ‘ચિત્રલોક’ પૂર્તિમાં સવાલજવાબની કોલમમાં એક સવાલ યશ ચોપરાની આગામી ફિલ્મો વિશે હતો. તેના જવાબમાં યશ ચોપરાની ‘આગામી’ને બદલે બે ‘ગામી’ (આવી ચૂકેલી) ફિલ્મોનાં નામ અપાયાં હતાં મેરે યારકી શાદી હૈ અને મુઝસે દોસ્તી કરોગે.

ચોક્સાઇ-સમ્રાટ હરીશભાઇ લખે છે કે બન્ને ફિલ્મો ૨૦૦૨માં સેન્સર અને રિલીઝ થઇ, જ્યારે જવાબ આપનાર લખે છે કે બન્ને ફિલ્મોનું શૂટિંગ ૧૯ નવેમ્બરથી શરૂ થયું. હકીકત એમ છે કે ફિલ્મનું શૂટિંગ ૧૯ નવેમ્બર, ૨૦૦૧થી શરૂ થયું હતું.

જૂના સવાલજવાબના તરજુમા જોખમી વ્યવસાય છે.
ખરેખર તો તરજુમા જ જોખમી વ્યવસાય છે.

કેમ કે, થોડા મહિના પહેલાં આ જ ફિલ્મી પૂર્તિમાં જૂના ગીતસંગીત વિશેની કોલમમાં છપાયું હતું, મહેન્દ્ર કપૂર પહેલાં ‘ઘુન ઇન્દોરવાલા’ નામથી ગીતો ગાતા હતા. અસલિયત જાણે એમ છે કે ‘ધન ઇન્દોરવાલા’ એક પારસી ગાયિકાનું નામ છે, જે પારસી સંગીતકાર વી (વિસ્તસ્પ) બલસારાનાં શિષ્યા હતાં. તેમણે કદીક મહેન્દ્ર કપુર સાથે યુગલ ગીત પણ ગાયું હતું. પરંતુ અંગ્રેજીમાં ‘ધન’નો સ્પેલિંગ dhun થાય છે. એટલે લેખકબંઘુએ દે ધનાધન - કે ‘દે ઘુનાઘુન’ ગબડાવ્યું: ઘુન ઇન્દોરવાલા! અગાઉ તે ‘સૂરસિંગાર સંસદ’(samsad)ને સૂરસિંગાર સમસાદ પણ કહી ચૂક્યા છે.
નહોતું કહ્યું, જુમ્મા જુમ્મા તરજુમા જોખમી બિઝનેસ છે?

Friday, August 01, 2008

આંખનું કાજળ ગાલે # 3 : આંખનું કાજળ દાઢીએ?

ગુજરાતના મુખ્ય મંત્રી સુરતમાં ફરી રહ્યા હતા. એક તરફ સુરતમાંથી બધા બોમ્બ મળી આવે અને પાંચ જણની બોમ્બસ્ક્વોડ તેમને ડીફ્યુઝ ન કરે ત્યાં સુધી ફૂટે નહીં, એ સિલસિલા પ્રત્યે લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહયા છે, ત્યારે મુખ્ય મંત્રીએ કહેલી બે વાત, તેના અર્થ ઉઘાડીને, અહીં મુકવા જેવી લાગે છેઃ
મુખ્ય મંત્રીઃ દેશભરમાં અગાઉ 11 આતંકવાદી હુમલા થયા છે. ગુજરાતમાં થયેલો હુમલો બારમો છે. એટલે એ અગાઉના હુમલાની જ એક કડી છે.
અર્થઃ ગુજરાતના બોમ્બધડાકા સંદર્ભે- કે બીજી કોઇ પણ રીતે- 2002નો ઘટનાક્રમ અને તેમાં મુખ્ય મંત્રીની કે સરકારની ભૂમિકા વિશે હરફ પણ ઉચ્ચારવો નહીં. આતંકવાદીઓના કહેવાતા ઇ-મેઇલમાં 2002ની વાત આવે તો પણ નહીં.
ગુજરાત દેશનો જ એક હિસ્સો છે, જે અત્યાર સુધી મુખ્ય મંત્રી ભૂલી ગયા હતા, પણ ધડાકાથી તેમની નીંદર ઉડી અને ઠીક યાદ આવ્યું...
અત્યાર સુધી દેશમાં ધડાકા થતા હતા ત્યારે મુખ્ય મંત્રી એમ માનીને મુસ્તાક હતા કે ‘2002માં મુસ્લિમોને આપણે એવો પાઠ શીખવ્યો છે કે હવે કોઇ આઘાપાછા નહીં થાય.’ હવે ધડાકા થયા છે. શું કરવાનું?
મુખ્ય મંત્રીઃ આતંકવાદ પ્રોક્સીવોર છે. દેશમાં યુદ્ધ જેવો માહોલ ઊભો ન થાય ત્યાં સુધી તેનો અસરકારક રીતે સામનો થઇ શકે નહીં.
અર્થઃ ‘યુદ્ધ જેવો માહોલ’ એટલે શું, તે કવિ કહેશે જરા? ‘યુદ્ધ જેવો માહોલ’ એટલે સરકાર કરે તે સાચું અને નાગરિકોએ કશું બોલ્યા વગર ચૂપચાપ પોતાના તમામ અધિકારો ‘રાષ્ટ્રની સુરક્ષા કાજે’ સરકારના ચરણે ધરી દેવાના.
- તો પછી આસારામ એન્ડ કંપની સામે પગલાં લેવા માટે પણ ‘યુદ્ધ જેવો માહોલ’ સર્જાય ત્યાં લગી રાહ જોવી પડશે કે શું?

આંખનું કાજળ ગાલે # 2 : 26 તારીખના ધડાકા અને સૂરસૂરિયાં


અમદાવાદમાં 26 જુલાઇના રોજ બોમ્બધડાકા થયા, તેના બીજા દિવસે ‘દિવ્ય ભાસ્કર’ના પહેલા પાને એક લખાણ પ્રગટ થયું હતું. ત્યાર પછી અમદાવાદ સહિત ગુજરાતમાં એસએમએસ પણ ફરતા થઇ ગયા. તેનો સૂર હતોઃ બધી ખરાબ ઘટનાઓ 26મી તારીખે જ બને છે. કેવો યોગાનુયોગ?
પણ યોગાનુયોગ ઊભો કરવાના ઉત્સાહમાં જબરો ગોટાળો થયો. બે ન ભૂલાય એવી તારીખો ખોટી લખાઇ. ગોધરામાં સાબરમતી એક્સપ્રેસનો ડબ્બો સળગાવવાની તારીખ હતીઃ 27 ફેબ્રુઆરી. એ જ રીતે મુંબઇ બોમ્બબ્લાસ્ટની તારીખ હતીઃ 11 જુલાઇ. છતાં એ બન્ને બનાવો 26 તારીખે બન્યા હોવાનું ભાસ્કરના છપાઇ ગયું અને એસએમએસ પણ ફરતા થઇ ગયા.
આ દુર્ઘટના 26મીએ નહીં, પણ 27મી એ બની!