Thursday, August 22, 2019

ખય્યામની વિદાયઃ થોડી વાતો

સારા સંગીતકારો દેહાવસાન પામે છે, પણ તેમની અમર તરજો આપણા માટે મૂકતા જાય છે. જીવતાંજીવ તે લોકપ્રિયતા ભોગવે છે, ઘણા સમૃદ્ધિ પણ ભોગવે છે. છતાં, તેમનાં ગીતો કોના જીવનનાં ક્યાં ક્યાં સ્પર્શ્યાં, તેનો એમને ભાગ્યે જ અંદાજ હોય છે. તેમના માટે વ્યવસાય (પણ ફક્ત વ્યવસાય નહીં)ની એ મહાનતા હોય છે. ક્યારેક ચાહક તરીકે તેમનાં ગીતોની અસરની વાત કરીએ ત્યારે આવા કલાકારો આપણી સામે 'અચ્છા? એમ? શું વાત છે.' એવા અંદાજમાં જોતા હોય છે. સાંભળીને બે ઘડી સારું તા લાગે જ, પણ એનાથી વધારે તેમને કેટલો ફરક પડતો હશે, ખબર નથી. તેમનું કામ બીજાને સૂરના સાતમા આસમાને બિરાજમાન કરવાનું હોય છે. એ સૂરમાં તે પોતે કેટલા ડૂબી શકતા હશે અથવા તેમની ધૂનની અસર કંઈક સંગીતપ્રેમીઓ પર થઈ, એવી તેમની પર થઈ હોય કે કેમ, તે પણ સવાલ. એમ થવું જરૂરી પણ નથી ને એવું ન થાય તે સમજાય એવું પણ છે.

આવા ઘણા વિચાર ખય્યામના અવસાનના સમાચાર જાણીને આવ્યા. તે ૧૯ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ, ૯૨ વર્ષે ગયા. મારા જેવા ઘણા સંગીતપ્રેમીઓ તેમને સુવર્ણયુગના છેલ્લા સર્જક ગણતા હતા. તેમનું સ્થાન વ્યાવસાયિક રીતે કદી પહેલી હરોળમાં ન ગણાયું, પણ તેમનો મોભો હંમેશાં આગવો રહ્યો. તેમની બીજા કોઈની સાથે સરખામણી ન કરી શકાય, એવું તેમનું કામ રહ્યું. ખાસ કરીને 'રઝિયા સુલતાન' અને 'ઉમરાવજાન' એવા સમયગાળામાં આવેલી ફિલ્મો હતી, જ્યારે જૂના ફિલ્મસંગીતના ઘણા પ્રેમીઓએ નવાં ગીત સાંભળવાનાં બંધ કરી દીધાં હોય (અને તેના માટે પૂર્વગ્રહ નહીં, મજબૂત કારણો જવાબદાર હોય). તેમને પણ ખય્યામનાં ગીત આવે એટલે સાંભળવાં પડે અને ખય્યામનાં ગીત જુદાં જ તરી આવે. ખય્યામના સંગીત વિશે યાદ આવતી થોડી છૂટીછવાયી વાતોઃ

LP of Khayyam's hits
ખય્યામનાં ગીતોની એક રેકોર્ડ બહાર પડી, તેની પાછળ ખય્યામનો થોડો પરિચય પણ આપ્યો હતો. તેમાં જણાવ્યા પ્રમાણે, ખય્યામે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થોડો વખત સૈન્યમાં પણ કામ કર્યું હતું. ખય્યામ ચિશ્તીબાબા તરીકે ઓળખાતા સંગીતકાર જી. એ. ચિશ્તીના સહાયક હતા, એ વાત પણ તેમાં છે. ચિશ્તીબાબા વિભાજન પછી પાકિસ્તાન ગયા હતા અને એ પણ લાંબું જીવ્યા હતા. વર્ષો પહેલાં ફિલ્મસંગીતના પંડિત અને એ વિષયમાં અમારા ગુરુ નલિન શાહને ઘેર એક વિડીયો કેસેટમાં બુઝુર્ગ ચિશ્તીબાબાને જોયાનું યાદ છે.
From the write up on the back side of Khayyam's LP

ખય્યામનાં ઘણાં ગીતો ચોક્કસ પ્રકારની વાદ્યસૃષ્ટિ અને સૂરસૃષ્ટિને લીધે ઓળખાઈ જતાં. ઓપનિંગ મ્યુઝિક કે વચ્ચેનો કોઈ ટુકડો સાંભળવા મળે તો પણ થાય, 'ખય્યામ લાગે છે.' ઘણા સંગીતકારોની આવી શૈલી હતી. તેનું ભયસ્થાન એ હોય છે કે શૈલી એકવિધતામાં પલટાઈ શકે છે. ખય્યામની બાબતમાં એવું વાંધો પડે એ હદે ન બન્યું. ('પરબતોંકે પેડોં પર' અને 'બહારોં મેરા જીવન ભી સંવારો'--એક સાંભળતાં બીજામાં પહોંચી જવાય. પણ તેનાથી ખટકો ન લાગે.)


LP of Non film songs of Mukesh composed by Khayyam
ખય્યામે ઘણાં બિનફિલ્મી ગીતોમાં સંગીત આપ્યું. તેની રેકોર્ડ પણ બહાર પડી. પરંતુ રેડિયો સાંંભળીને જૂનાં ગીતોના પ્રેમી થયેલા ઘણાખરા લોકોને ખય્યામનો પહેલો પરિચય 'શામ-એ-ગમકી કસમ' (તલત મહેમૂદ, ફૂટપાથ)થી થયો હોય એવી પૂરી સંભાવના. આ ગીત સાંભળીએ એટલી વાર તલતના કંઠ, શબ્દો અને (મોટે ભાગે) ગિટારના તારથી  મધુર ગમગીનીમાં ખોવાઈ જવાય. ખય્યામની બીજી અતિપ્રખ્યાત ફિલ્મ એટલે 'ફિર સુબહ હોગી'. 'પ્યાસા'ની જેમ સાહિર લુધિયાનવીની રચનાઓનો આ ફિલ્મનાં ગીતોની સફળતામાં મોટો ફાળો. અને ખય્યામનું સંગીત તો ખરું જ. 'ચીનો અરબ હમારા' અને 'આસમાં પે હૈ ખુદા'માં જુદા જ ખય્યામ, જુદા જ મુકેશનો પરિચય થાય. એવી જ રીતે, 'હૈ કલી કલી કે લબ પર'માં જુદા જ રફી સાંભળવા મળે અને જલસો પડી જાય.
Phir Subah Hogi LP Front Cover
એ સમયે સંગીતકારો-ગાયિકાઓની જોડી રેકોર્ડિંગ સ્ટુડિયોની બહાર પણ બનવા લાગી. બિનસત્તાવારની યાદી લાંબી, પણ સત્તાવાર પતિ-પત્નીમાં અનિલ બિશ્વાસ-મીના કપુર, સુધીર ફડકે-લલિતા દેઉલકરની જેમ ખય્યામ-જગજિત કૌર પણ આવે. જગજિત કૌરના અવાજની ખૂબી અને મર્યાદાઓ બરાબર ધ્યાનમાં રાખીને ખય્યામે કેટલાંક ઉત્તમ ગીત તેમની પાસે ગવડાવ્યાં.

આગળ સાહિર નિમિત્તે 'પ્યાસા'ને યાદ કર્યું. એવી જ રીતે, 'જાને ક્યા ઢૂંઢતી રહતી હૈ' માં રફી જે રીતે નીચા સૂરથી શરૂઆત કરીને, સૂરના પગથિયાં ચડતાંચડાવતાં છેક ટોચ પર પહોંચે છે, તેનાથી 'યે દુનિયા અગર મિલ ભી જાયે'નું સહજ સ્મરણ થાય. નકલ કે પ્રેરણાની રીતે નહીં, પ્રકૃતિસામ્યને લીધે.

Umrao Jaan LP Front Cover
ફક્ત નવાઈ નહીં, થોડો આંચકો લાગે એવી વાત છે કે આશા ભોસલે છેલ ૧૯૪૦ના દાયકાના અંતથી સક્રિય, પણ તેમને પૂરેપૂરી પ્રતિષ્ઠા છેક ૧૯૮૧માં ખય્યામ માટે ગાયેલાં 'ઉમરાવજાન'.નાં ગીતોથી મળી. ફિલ્મસંગીતમાં રસ પડતો થયો ત્યાર પછીના અરસામાં એવું વાંચ્યાનું યાદ હતું કે 'ઉમરાવજાન'માં ખય્યામે આશાને તેમના રાબેતા મુજબના સૂર કરતાં એક સૂર નીચે ગવડાવ્યું હતું. ('ઇન્ડિયન એક્સપ્રેસ'માં ફિલ્મના નિર્દેશક મુઝફ્ફરઅલીના અંજલિ લેખમાં આ સ્મરણની પુષ્ટિ થઈ. )

૧૯૮૩માં આવેલી 'રઝિયા સુલ્તાન' આશાને બદલે લતાનાં ગીત હતાં. પણ તેમાં જબરી કમાલ ગુલામ યાકુતની ભૂમિકા માટેના પાર્શ્વગાયકે કરી. તેમનું નામ કબ્બન મિર્ઝા. વર્ષો પહેલાં ક્યાંક વાંચ્યા પ્રમાણે તે (લખનૌ?) રેડિયોમાં એનાઉન્સર હતા. તેમની પાસે ખય્યામે ગવડાવેલાં બે ગીત 'ખુદા ખૈર કરે' અને 'તેરા હિજ્ર મેરા નસીબ હૈ' ગાયકની સાથે ખય્યામની પણ દાદાગીરી બતાવનારાં છે. એકદમ બુલંદ અવાજ પાસે કેવું કામ લેવાય ને કેવું ન લેવાય, તેનો વિવેક જાળવીને ખય્યામે આ બે ગીતો બનાવ્યાં ને એ ગાઈને કબ્બન મિર્ઝા પાર્શ્વગાયનના ઇતિહાસમાં, એક નાનકડી પણ મજબૂત એન્ટ્રી તરીકે, અમર થઈ ગયા.
Center spread (above) and back side (below) of Razia Sultan double LP


'નાખુદા'ની નુસરત ફતેહઅલીખાનની કવ્વાલી રેડિયો પર સાંભળીને ઘણા વખત સુધી તેના માટે ખય્યામને જશ આપતા હતા. પણ વર્ષો પછી અસલ નુસરતને સાંભળીને સમજાયું કે આ પ્રકારના ગાયકોની આવી કવ્વાલીમાં સંગીતકારે ભાગ્યે જ કશું કરવાનું બચતું હોય છે. આમ પણ, ખય્યામનું ખાતું એટલું સમૃદ્ધ છે કે આવી એકાદ એન્ટ્રી સકારણ ઓછી થાય તો કશો ફરક નથી પડતો.

ત્રીસેક વર્ષ પહેલાં બીરેન સાથે મુંબઈ ગમતા કલાકારોને મળવાના પ્રવાસો વખતે બીરેને ખય્યામના ઘરે પણ ફોન કર્યો હતો. યાદ છે ત્યાં સુધી જગજિત કૌરે ફોન ઉપાડ્યો હતો અને કહ્યું હતું કે ખય્યામસાહેબને લુઝ મોશન છે. એટલે મળવાનું ફાવે એમ નથી. 'ફરી ક્યારેક'નો મેળ ન પડ્યો. એક વાર તે અમદાવાદ આવ્યા હતા. ત્યારે રજનીભાઈ તેમને મળવાના હતા. પણ અમારે નિરાંતે મળવાનું ન થયું. અલપઝલપ મુલાકાતની યાદગીરી તરીકે એકાદ ફોટો રહી ગયો છે, જેમાં ખય્યામસાહેબ અને રજનીભાઈની સાથે સલિલભાઈ (દલાલ) અને ચંદ્રશેખરભાઈ (વૈદ્ય) પણ હતા.

આરંભે જ કહ્યું તેમ, આ બધા દાદાઓ (અને દાદીઓ)ની રચનાઓ તેમની વિદાય પછી પણ જીવે છે ને આપણને જીવાડે છે. તેમનાં સર્જનો અને સર્જકતાને સલામ.

(તમામ રેકોર્ડ કવર અમારા--બીરેનના અને મારા-- સંગ્રહમાંથી)

Tuesday, August 06, 2019

શિક્ષણનીતિઃ કેન્સરના દર્દીને તાવની દવા

‘આજકલકી પઢાઈમેં રખ્ખા હી ક્યા હૈ?’ એ સવાલ-કમ-નિઃસાસો આજકાલનો નથી. નિર્દેશક તરીકે રાજ કપૂરની પહેલી ફિલ્મ 'આગ’ (૧૯૪૮)માં નાયક આ સંવાદ બોલે છે. ત્યાર પહેલાંનાં પુસ્તકો-સંભારણાંમાં પણ તે વખતની શિક્ષણપદ્ધતિ વિશે અસંતોષ વ્યક્ત થયેલો જોવા મળે છે. એટલે,  પત્રકારત્વની જેમ શિક્ષણક્ષેત્રે પણ કદી સતયુગ હતો જ નહીં, એવી પાકી શંકા જાય. પછી મનુભાઈ પંચોળી 'દર્શક’ પણ યાદ આવે, જેમણે એ મતલબનું કહ્યું હતું કે કોઈ એક સમયમાં બધું સારું જ હોય એવું કદી બનતું નથી.  જે સમયમાં માણસમાં રહેલાં અપલક્ષણને નહીં, તેનામાં રહેલા સારા ગુણને સમાજ તરફથી પ્રોત્સાહન, પ્રાધાન્ય કે સ્વીકૃતિ મળતાં હોય તે સતયુગ.

શિક્ષણપદ્ધતિ વિશે પહેલાં ભલે સતયુગ ન હોય. પણ સ્થિતિ ઉત્તરોત્તર બગડતી ગઈ અને છેલ્લા દોઢ-બે દાયકામાં તે એટલી સડી ગઈ છે કે ફુલગુલાબી શિક્ષણનીતિની ગમે તેવી સુગંધીદાર વાતો  તે દુર્ગંધને ઢાંકી શકે તેમ નથી. સરકારોનો મુખ્ય રસ સડો ને તેનાં કારણ દૂર કરવામાં નહીં, પ્રચારની આક્રમક સુગંધથી અસલી દુર્ગંધને ઢાંકી દેવામાં હોય છે. તેથી મોટાં નામ ને મોટાં માથાંને આગળ રાખીને નીતિ ઘડાય છે, તેના વિશે ચર્ચાઓ થાય છે, તેમાં રહેલા ભવ્ય ઇરાદા વિશેનાં વખાણ ઉઘરાવાય છે, પણ આખી પ્રક્રિયા દરમિયાન વર્તમાન સ્થિતિ આણવામાં સરકારી વલણની ભૂમિકા કેટલી મોટી છે, તે વિશે સૌએ મૌન સેવવાનું હોય છે. સો ઉંદર મારીને બેઠેલી બિલાડી હજ કરવાનો ઇરાદો જાહેર કરે એટલા માત્રથી જ લાગતાવળગતા સૌએ પ્રભાવિત થવું પડે છે. તેની વાહવાહમાં ભળવાને બદલે, બિલાડીની ગુનાઇત વર્તણૂંક અને દાનતની ખોટની વાત કરનારાને 'નકારાત્મક’થી માંડીને 'પ્રગતિવિરોધી’ અને ‘દેશવિરોધી’ સુધીનાં કોઈ પણ લેબલ લાગી શકે છે. કેમ કે, અત્યારે 'ઇન્દિરા ઇઝ ઇન્ડિયા'ની નામની ભારતે જોયેલી હોરર ફિલ્મનો બીજો ભાગ દેશભરમાં ચાલી રહ્યો છે.

'શિક્ષણનીતિ' બહુ મોટો શબ્દ છે અને શિક્ષણપદ્ધતિનું આખું શાસ્ત્ર હોય છે. તેનાથી પહેલાંનાં પગથીયે કેટલીક સાદીસીધી વાતો અને આસપાસ જોવા મળતી સમસ્યાઓ આવે છે. તે ખુલ્લી આંખે જોઈ શકાય છે અને દાનત હોય તો તેના લાંબા ગાળાના ઉકેલ પણ શોધી શકાય છે. નવી કે જૂની, શિક્ષણનીતિની વાત તો પછી આવે, પહેલો સવાલ અને પહેલી ખોટ સાદી નીતિની જણાય છે.

ગુજરાતની વાત કરીએ તો, શિક્ષણની બાબતમાં આપણે દેશને શું બતાવી શકીએ એમ છીએ? સરકારી રાહે શોષણનો ભોગ બનેલા વિદ્યાસહાયકો? કન્યાકેળવણીના નામે ચાલતી પ્રચારઝુંબેશો? પ્રવેશોત્સવના નામે ચાલતા પ્રચારકેન્દ્રી તાયફા?  સરકારી નિશાળોના ભોગે ફૂલતીફાલતી અને ગુણવત્તા સાથે નહાવા-નીચોવવાનો સંબંધ ન ધરાવતી શિક્ષણની દુકાનો? શિક્ષણનો બેફામ ફુગાવો અને ડિગ્રીધારીઓનો રોજગાર મેળવવાની ક્ષમતાનો અભાવ? આ યાદી હજુ ઘણી લંબાવી શકાય.

મુખ્ય મંત્રીસહાયક અને વડાપ્રધાનસહાયક સ્વીકાર્ય બનતા હોય, તો વિદ્યા-સહાયક ને અધ્યાપક-સહાયક વિશે વિચારી શકાય. પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા પર ઘાતક અસર કરતા વિકૃત વિચારોમાં આ સહાયકપ્રથાને પહેલી હરોળમાં મૂકવી પડે. જે શિક્ષક કે અધ્યાપક પોતાના બે છેડા ભેગા ન કરી શકતો હોય, તેના માથે ગુજરાતની આવતી કાલની પેઢીને તૈયાર કરવાની જવાબદારી નાખવામાં સરકારના પક્ષે કોઈ પ્રકારની પ્રામાણિક ભૂલ નથી, ગુનાઈત નઘરોળપણું છે અને તેનાં માઠાં પરિણામો ખાતરીપૂર્વક જોઈ લીધા પછી પણ એ ભૂલ ન સુધારવી એ અક્ષમ્ય અપરાધ છે, જેમાં સંબંધિત સરકારો અપરાધી છે ને ગુજરાતના નાગરિકો તેનો ભોગ બનનાર. ખરી વક્રતા એ વાતની છે કે પ્રસિદ્ધિમાં કરોડો રૂપિયા ઠંડા કલેજે વેડફી નાખતી અને તેનો કશો ખટકો નહીં અનુભવતી સરકારો શિક્ષકોની નિમણૂંકમાં કરકસર કરે છે ને સહાયકોની ભરતી કરીને રૂપિયા બચાવે છે. એ જ લોકોને પાછાં ગુજરાતની સમૃદ્ધિનાં ગુણગાન ગાતી વખતે જરાય શરમ નથી આવતી.

ભારતમાં સરકારી તંત્રની અને બાબુશાહીની તાસીરથી કંટાળેલા લોકોને લાગ્યું કે સરકારીકરણની સમસ્યાઓનો ઉપાય ખાનગીકરણથી આવશે. પણ ખાનગીકરણ અને બજારુકરણ વચ્ચેની ભેદરેખા સદંતર નજરઅંદાજ કરવામાં આવી. નવો રિવાજ એવો આવ્યો કે તોતિંગ ફી લેવાની. એટલે આપોઆપ ગુણવત્તા સારી ગણાઈ જાય. કેમ? કારણ કે 'આટલી બધી ફી લે છે, તો કંઈક તો હશે ને?’ રાજકીય નેતાઓના આશીર્વાદથી જ નહીં, ઘણી વાર તો તેમની સીધી કે આડકતરી સામેલગીરીથી શિક્ષણ એવો ધંધો બની ગયું, જેમાં બિલ્ડરોથી માંડીને બીજા તોતિંગ કોર્પોરેટ જૂથોને પણ ઝંપલાવવાનું મન થાય. 

એક સમયે વ્યાપક નેટવર્ક અને મોટી વિદ્યાર્થીસંખ્યા ધરાવતી સરકારી નિશાળો સાથે એવો સાવકો વ્યવહાર કરવામાં આવ્યો કે તે મરવા પડે. કાર્યપદ્ધતિ બહુ સાદી અને ઘાતક હતીઃ સરકારી સેવાઓને એટલી કથળાવી દેવી કે લોકોની ફરિયાદનો પાર ન રહે. પછી લોકોની ફરિયાદનું નિરાકરણ કરવા માટે ખાનગી કંપનીને તૈયાર ભાણું ધરી દેવું. વળતા વ્યવહારે ખાનગી કંપનીઓ  તેમના મદદગારોનું તરભાણું કેવી રીતે ભરતી હશે, તે કલ્પી શકાય છે. આ પદ્ધતિ ટેલીકોમ જેવાં બીજાં કેટલાંક ક્ષેત્રોની જેમ શિક્ષણક્ષેત્રે પણ ક્યારની અમલી બની ચૂકી છે.

બીજી તરફ, જે વિષયની કોલેજ પણ ન હોય તેવા વિષયની યુનિવર્સિટીઓ સરકારી રાહે ધડાધડ ખોલી નાખવામાં આવી. મૂળ હેતું ઝાકઝમાળભર્યા પ્રચાર દ્વારા લોકોને આંજીને માઇલેજ ખાટી જવાનો હોય, ત્યાં કહેવાતી યુનિવર્સિટીઓમાં કેવું ને કેટલું કામ થયું, તેની પિંજણમાં કોણ પડે?  અને ભારતની યુનિવર્સિટીઓનું વૈશ્વિક સ્તરે ભાગ્યે જ ક્યાંય દેખાવું, એ તો હવે કોઠે પડી ગયેલી કરુણતા છે.

ટૂંકમાં, શિક્ષણનીતિનું જે થવું હોય તે થાય, સૌથી પહેલાં સરકારે પોતાની સાફ દાનત દેખાડવાની જરૂર છે. તે માટે શિક્ષણના બેફામ અને બેજવાબદાર ધંધાદારીકરણને અટકાવવું પડે. તેના માટે કયો પક્ષ, કેટલા નેતા તૈયાર થશે? બાળપણથી બાર ધોરણ સુધીના શિક્ષણની સરેરાશ ગુણવત્તા ખાડે ગઈ છે, એવું કહેવામાં ખાડાનું અપમાન થાય એમ છે. તેને સુધારવા માટે બારીક સ્તરના સુધારાની બેશક જરૂર છે, તેમાં નવા સમયના અભિગમો દાખલ કરવાનો પૂરો અવકાશ છે. પરંતુ એ તો કેન્સરના દર્દીને તાવ આવે ત્યારે તેના તાવની દવા કરવા જેવું છે.  શિક્ષણક્ષેત્રે રાજકારણની દખલગીરી, સાંઠગાંઠ અને ધંધાદારીકરણથી જે ગંભીર સમસ્યાઓ પેદા થઈ અને વકરી છે, તેનાં મૂળ દરદની દવા જરૂરી છે. બાકી, ઠોઠ નિશાળીયો ઉત્તરવહીમાં જાતજાતના રંગથી ગમે તેટલાં ચિતરામણ કરે,  પણ તેનો જવાબ જ ખોટો હોય ત્યારે સુશોભનના કેટલા માર્ક આપી શકાય? વિચારજો.