Tuesday, August 06, 2019

શિક્ષણનીતિઃ કેન્સરના દર્દીને તાવની દવા

‘આજકલકી પઢાઈમેં રખ્ખા હી ક્યા હૈ?’ એ સવાલ-કમ-નિઃસાસો આજકાલનો નથી. નિર્દેશક તરીકે રાજ કપૂરની પહેલી ફિલ્મ 'આગ’ (૧૯૪૮)માં નાયક આ સંવાદ બોલે છે. ત્યાર પહેલાંનાં પુસ્તકો-સંભારણાંમાં પણ તે વખતની શિક્ષણપદ્ધતિ વિશે અસંતોષ વ્યક્ત થયેલો જોવા મળે છે. એટલે,  પત્રકારત્વની જેમ શિક્ષણક્ષેત્રે પણ કદી સતયુગ હતો જ નહીં, એવી પાકી શંકા જાય. પછી મનુભાઈ પંચોળી 'દર્શક’ પણ યાદ આવે, જેમણે એ મતલબનું કહ્યું હતું કે કોઈ એક સમયમાં બધું સારું જ હોય એવું કદી બનતું નથી.  જે સમયમાં માણસમાં રહેલાં અપલક્ષણને નહીં, તેનામાં રહેલા સારા ગુણને સમાજ તરફથી પ્રોત્સાહન, પ્રાધાન્ય કે સ્વીકૃતિ મળતાં હોય તે સતયુગ.

શિક્ષણપદ્ધતિ વિશે પહેલાં ભલે સતયુગ ન હોય. પણ સ્થિતિ ઉત્તરોત્તર બગડતી ગઈ અને છેલ્લા દોઢ-બે દાયકામાં તે એટલી સડી ગઈ છે કે ફુલગુલાબી શિક્ષણનીતિની ગમે તેવી સુગંધીદાર વાતો  તે દુર્ગંધને ઢાંકી શકે તેમ નથી. સરકારોનો મુખ્ય રસ સડો ને તેનાં કારણ દૂર કરવામાં નહીં, પ્રચારની આક્રમક સુગંધથી અસલી દુર્ગંધને ઢાંકી દેવામાં હોય છે. તેથી મોટાં નામ ને મોટાં માથાંને આગળ રાખીને નીતિ ઘડાય છે, તેના વિશે ચર્ચાઓ થાય છે, તેમાં રહેલા ભવ્ય ઇરાદા વિશેનાં વખાણ ઉઘરાવાય છે, પણ આખી પ્રક્રિયા દરમિયાન વર્તમાન સ્થિતિ આણવામાં સરકારી વલણની ભૂમિકા કેટલી મોટી છે, તે વિશે સૌએ મૌન સેવવાનું હોય છે. સો ઉંદર મારીને બેઠેલી બિલાડી હજ કરવાનો ઇરાદો જાહેર કરે એટલા માત્રથી જ લાગતાવળગતા સૌએ પ્રભાવિત થવું પડે છે. તેની વાહવાહમાં ભળવાને બદલે, બિલાડીની ગુનાઇત વર્તણૂંક અને દાનતની ખોટની વાત કરનારાને 'નકારાત્મક’થી માંડીને 'પ્રગતિવિરોધી’ અને ‘દેશવિરોધી’ સુધીનાં કોઈ પણ લેબલ લાગી શકે છે. કેમ કે, અત્યારે 'ઇન્દિરા ઇઝ ઇન્ડિયા'ની નામની ભારતે જોયેલી હોરર ફિલ્મનો બીજો ભાગ દેશભરમાં ચાલી રહ્યો છે.

'શિક્ષણનીતિ' બહુ મોટો શબ્દ છે અને શિક્ષણપદ્ધતિનું આખું શાસ્ત્ર હોય છે. તેનાથી પહેલાંનાં પગથીયે કેટલીક સાદીસીધી વાતો અને આસપાસ જોવા મળતી સમસ્યાઓ આવે છે. તે ખુલ્લી આંખે જોઈ શકાય છે અને દાનત હોય તો તેના લાંબા ગાળાના ઉકેલ પણ શોધી શકાય છે. નવી કે જૂની, શિક્ષણનીતિની વાત તો પછી આવે, પહેલો સવાલ અને પહેલી ખોટ સાદી નીતિની જણાય છે.

ગુજરાતની વાત કરીએ તો, શિક્ષણની બાબતમાં આપણે દેશને શું બતાવી શકીએ એમ છીએ? સરકારી રાહે શોષણનો ભોગ બનેલા વિદ્યાસહાયકો? કન્યાકેળવણીના નામે ચાલતી પ્રચારઝુંબેશો? પ્રવેશોત્સવના નામે ચાલતા પ્રચારકેન્દ્રી તાયફા?  સરકારી નિશાળોના ભોગે ફૂલતીફાલતી અને ગુણવત્તા સાથે નહાવા-નીચોવવાનો સંબંધ ન ધરાવતી શિક્ષણની દુકાનો? શિક્ષણનો બેફામ ફુગાવો અને ડિગ્રીધારીઓનો રોજગાર મેળવવાની ક્ષમતાનો અભાવ? આ યાદી હજુ ઘણી લંબાવી શકાય.

મુખ્ય મંત્રીસહાયક અને વડાપ્રધાનસહાયક સ્વીકાર્ય બનતા હોય, તો વિદ્યા-સહાયક ને અધ્યાપક-સહાયક વિશે વિચારી શકાય. પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા પર ઘાતક અસર કરતા વિકૃત વિચારોમાં આ સહાયકપ્રથાને પહેલી હરોળમાં મૂકવી પડે. જે શિક્ષક કે અધ્યાપક પોતાના બે છેડા ભેગા ન કરી શકતો હોય, તેના માથે ગુજરાતની આવતી કાલની પેઢીને તૈયાર કરવાની જવાબદારી નાખવામાં સરકારના પક્ષે કોઈ પ્રકારની પ્રામાણિક ભૂલ નથી, ગુનાઈત નઘરોળપણું છે અને તેનાં માઠાં પરિણામો ખાતરીપૂર્વક જોઈ લીધા પછી પણ એ ભૂલ ન સુધારવી એ અક્ષમ્ય અપરાધ છે, જેમાં સંબંધિત સરકારો અપરાધી છે ને ગુજરાતના નાગરિકો તેનો ભોગ બનનાર. ખરી વક્રતા એ વાતની છે કે પ્રસિદ્ધિમાં કરોડો રૂપિયા ઠંડા કલેજે વેડફી નાખતી અને તેનો કશો ખટકો નહીં અનુભવતી સરકારો શિક્ષકોની નિમણૂંકમાં કરકસર કરે છે ને સહાયકોની ભરતી કરીને રૂપિયા બચાવે છે. એ જ લોકોને પાછાં ગુજરાતની સમૃદ્ધિનાં ગુણગાન ગાતી વખતે જરાય શરમ નથી આવતી.

ભારતમાં સરકારી તંત્રની અને બાબુશાહીની તાસીરથી કંટાળેલા લોકોને લાગ્યું કે સરકારીકરણની સમસ્યાઓનો ઉપાય ખાનગીકરણથી આવશે. પણ ખાનગીકરણ અને બજારુકરણ વચ્ચેની ભેદરેખા સદંતર નજરઅંદાજ કરવામાં આવી. નવો રિવાજ એવો આવ્યો કે તોતિંગ ફી લેવાની. એટલે આપોઆપ ગુણવત્તા સારી ગણાઈ જાય. કેમ? કારણ કે 'આટલી બધી ફી લે છે, તો કંઈક તો હશે ને?’ રાજકીય નેતાઓના આશીર્વાદથી જ નહીં, ઘણી વાર તો તેમની સીધી કે આડકતરી સામેલગીરીથી શિક્ષણ એવો ધંધો બની ગયું, જેમાં બિલ્ડરોથી માંડીને બીજા તોતિંગ કોર્પોરેટ જૂથોને પણ ઝંપલાવવાનું મન થાય. 

એક સમયે વ્યાપક નેટવર્ક અને મોટી વિદ્યાર્થીસંખ્યા ધરાવતી સરકારી નિશાળો સાથે એવો સાવકો વ્યવહાર કરવામાં આવ્યો કે તે મરવા પડે. કાર્યપદ્ધતિ બહુ સાદી અને ઘાતક હતીઃ સરકારી સેવાઓને એટલી કથળાવી દેવી કે લોકોની ફરિયાદનો પાર ન રહે. પછી લોકોની ફરિયાદનું નિરાકરણ કરવા માટે ખાનગી કંપનીને તૈયાર ભાણું ધરી દેવું. વળતા વ્યવહારે ખાનગી કંપનીઓ  તેમના મદદગારોનું તરભાણું કેવી રીતે ભરતી હશે, તે કલ્પી શકાય છે. આ પદ્ધતિ ટેલીકોમ જેવાં બીજાં કેટલાંક ક્ષેત્રોની જેમ શિક્ષણક્ષેત્રે પણ ક્યારની અમલી બની ચૂકી છે.

બીજી તરફ, જે વિષયની કોલેજ પણ ન હોય તેવા વિષયની યુનિવર્સિટીઓ સરકારી રાહે ધડાધડ ખોલી નાખવામાં આવી. મૂળ હેતું ઝાકઝમાળભર્યા પ્રચાર દ્વારા લોકોને આંજીને માઇલેજ ખાટી જવાનો હોય, ત્યાં કહેવાતી યુનિવર્સિટીઓમાં કેવું ને કેટલું કામ થયું, તેની પિંજણમાં કોણ પડે?  અને ભારતની યુનિવર્સિટીઓનું વૈશ્વિક સ્તરે ભાગ્યે જ ક્યાંય દેખાવું, એ તો હવે કોઠે પડી ગયેલી કરુણતા છે.

ટૂંકમાં, શિક્ષણનીતિનું જે થવું હોય તે થાય, સૌથી પહેલાં સરકારે પોતાની સાફ દાનત દેખાડવાની જરૂર છે. તે માટે શિક્ષણના બેફામ અને બેજવાબદાર ધંધાદારીકરણને અટકાવવું પડે. તેના માટે કયો પક્ષ, કેટલા નેતા તૈયાર થશે? બાળપણથી બાર ધોરણ સુધીના શિક્ષણની સરેરાશ ગુણવત્તા ખાડે ગઈ છે, એવું કહેવામાં ખાડાનું અપમાન થાય એમ છે. તેને સુધારવા માટે બારીક સ્તરના સુધારાની બેશક જરૂર છે, તેમાં નવા સમયના અભિગમો દાખલ કરવાનો પૂરો અવકાશ છે. પરંતુ એ તો કેન્સરના દર્દીને તાવ આવે ત્યારે તેના તાવની દવા કરવા જેવું છે.  શિક્ષણક્ષેત્રે રાજકારણની દખલગીરી, સાંઠગાંઠ અને ધંધાદારીકરણથી જે ગંભીર સમસ્યાઓ પેદા થઈ અને વકરી છે, તેનાં મૂળ દરદની દવા જરૂરી છે. બાકી, ઠોઠ નિશાળીયો ઉત્તરવહીમાં જાતજાતના રંગથી ગમે તેટલાં ચિતરામણ કરે,  પણ તેનો જવાબ જ ખોટો હોય ત્યારે સુશોભનના કેટલા માર્ક આપી શકાય? વિચારજો. 

4 comments:

  1. But, Sir what is the solution ?can we do any thing individually ?

    ReplyDelete
  2. Dharmendra6:36:00 PM

    શિક્ષણની સરેરાશ ગુણવત્તા ખાડે ગઈ છે, એવું કહેવામાં ખાડાનું અપમાન થાય એમ છે. :D

    ReplyDelete