Tuesday, July 30, 2019
લાયન કિંગઃ ફિલ્મનિર્માણમાં વર્ચ્યુઅલ રીઆલીટીની સિંહફાળ
સામાન્ય રીતે ફિલ્મો વિશે લખવાનું ટાળવા છતાં, ડિઝની સ્ટુડિયોની લેટેસ્ટ ફિલ્મ 'લાયન કિંગ’ વિશે લખવાનું મન થાય તેનાં કારણોઃ આ ફિલ્મે એનિમેશન ફિલ્મોના નિર્માણની પદ્ધતિમાં ક્રાંતિકારી ફેરફાર આણ્યો છે. એટલું જ નહીં, વર્ચ્યુઅલ રિઆલીટી (VR)ની ટેકનોલોજીના મૌલિક ઉપયોગથી એનિમેશન અને લાઇવ એક્શન (સાદી) ફિલ્મો વચ્ચેની ભેદરેખાને ભૂંસી નાખી છે. 'લાયન કિંગ' એનિમેશન કહેવાય કે લાઇવ મોશન, તે વિશે મતભેદ છે. કેટલાક માને છે કે આ ફિલ્મનો એક જુદો જ પ્રકાર છે, જેને માટે કોઈ નવું નામ શોધવું પડશે. ઓસ્કર એવોર્ડની સ્પર્ધામાં પણ આ ફિલ્મનો પાટલો કઈ પંગતમાં પડે છે તે જોવાનું રહે છે.
વર્ષો પહેલાં એનિમેશન ફિલ્મ માટે ચિત્રકારોએ પીંછી અને રંગથી ચિત્રો દોરવાં પડતાં હતાં. એક સેકન્ડમાં ફિલ્મની ૨૪ પટ્ટી ચાલે. ઘણી વાર બે પટ્ટી દીઠ એક ચિત્રના હિસાબે એક સેકન્ડમાં બાર ચિત્રો શૂટ કરવામાં આવતાં. એ હિસાબે પણ એક કલાકની ફિલ્મ માટે કેટલાં બધાં ચિત્રો દોરવાં પડે? (ચોક્કસ આંકડોઃ એક કલાક માટે ૪૩,૨૦૦ ચિત્રો)
એનિમેશન ક્ષેત્રે કમ્પ્યુટરનો ઉપયોગ શરૂ થયો અને વધ્યો, તેમ રંગો અને પીંછી લઈને દોરવાની મહેનત ઓછી થઈ. કમ્પ્યુટર થકી સર્જેલી ચિત્રસૃષ્ટિ (કમ્પ્યુટર જનરેટેડ ઇમેજરી-CGI)નો યુગ આવ્યો. કમ્પ્યુટર સોફ્ટવેરના જાદુઈ ઉપયોગ વધવા માંડ્યા. પરંતુ એનિમેશનનું મૂળભૂત સ્વરૂપ બદલાયું નહીં. ટેકનોલોજીનો પછીનો હનુમાનકૂદકો આવ્યો 'મોશન કેપ્ચર' સ્વરૂપે. તેમાં જીવતાજાગતા અભિનેતાઓના ચહેરા અને શરીરની હિલચાલ રેકોર્ડ કરીને, તેના ડિજિટલ સ્વરૂપના ડેટાને કમ્પ્યુટર એનિમેશનના મોડેલમાં 'પુરવામાં' આવતો હતો. એટલે એનિમેશનથી બનાવેલું મોડેલ અભિનેતાએ કરેલી સ્વાભાવિક હિલચાલ પ્રમાણે, હાલતુંચાલતું જોવા મળે શકે. તેમાં ફેરફાર કરવા હોય તો એ જ વખતે, લાઇવ શૂટિંગના રીટેકની સ્ટાઇલમાં ફરી શૂટિંગ પણ કરી શકાય.
‘લાયન કિંગ’ના નિર્દેશક જોન ફવરોએ થોડા સમય પહેલાં ડિઝની સ્ટુડિયોની હિટ એનિમેશન ફિલ્મ 'જંગલબુક' ફરી બનાવી તેમાં લેટેસ્ટ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ હતો. ત્યારે લાગતું હતું કે બસ, હવે એનિમેશન ટેકનોલોજીની ટોચ આવી ગઈ. આથી વધુ શું થઈ શકે? પણ 'લાયન કિંગ'માં જોન ફવરોએ બે ડગલાં આગળ વધીને, વર્ચ્યુઅલ રીઆલીટીનો ઉપયોગ કર્યો અને એનિમેશન ફિલ્મનું એવું સ્વરૂપ નીપજાવ્યું, જેને નામ આપવામાં નિષ્ણાતો પણ માથું ખંજવાળતા થઈ જાય. એક લીટીમાં કહેવું હોય તો, તેમણે ફિલ્મના ઇતિહાસમાં પહેલી વાર આખેઆખી ફિલ્મનું શૂટિંગ વર્ચ્યુઅલ રીઆલીટીમાં, વર્ચ્યુઅલ અને વાસ્તવિક સાધનો વડે કર્યું.
'વર્ચ્યુઅલ રીઆલીટી'--આ શબ્દો કાને પડતાં જ તેની સાથે અભિન્નપણે સંકળાયેલો હેડસેટ યાદ આવે. આંખો સહિતનો ઉપરનીચેનો ભાગ ઢાંકી દેતો હેડ સેટ પહેર્યા પછી માણસ રૂમમાં ઊભો હોય, પણ તેને એવું લાગે જાણે તે આંખ સામે દેખાતી આભાસી દુનિયામાં ફરી રહ્યો છે. કમ્પ્યુટરની મદદથી સર્જવામાં આવેલી વર્ચ્યુઅલ સૃષ્ટિની કમાલ એ છે કે તેમા એકલદોકલ દૃશ્ય કે ચિત્રોનો સમુહ નહીં, આખું થ્રી-ડી વાતાવરણ સર્જી શકાય છે અને તે પણ એવી રીતે કે હેડસેટ પહેરી લીધા પછી માણસ એ વાતવરણને ફક્ત જોઈ શકવાને બદલે, પોતે ત્યાં પહોંચી ગયાનો અને ત્યાં હરવાફરવાનો, પોતે તેનો હિસ્સો હોવાનો અનુભવ કરી શકે.
વર્ચ્યુઅલ રીઆલીટીની આ ખૂબી ગેમિંગના ક્ષેત્રમાં ઘણી વપરાતી હતી. આવી રીતે કમ્પ્યુટરની મદદથી સર્જાયેલી કાલ્પનિક સૃષ્ટિમાં કાલ્પનિક પાત્રો પણ સર્જી શકાય અને ગેમ રમનાર પોતે કોઈ એક પાત્ર તરીકે આખી સૃષ્ટિનો ભાગ બની શકે, તેનો ખૂણેખૂણો જોઈ શકે, તેમાં જરૂરી ફેરફાર પણ કરી શકે. ધારો કે વર્ચ્યુઅલ રીઆલીટીની મદદથી ખજાનો શોધવાની ગેમ બનાવી હોય તો દટાયેલા શહેરનો માહોલ રચી શકાય, તેમાં ચાર મિત્રો રમી શકે એવી વ્યવસ્થા રાખવામાં આવી હોય તો હેડસેટ પહેરીને ચારેય મિત્રો વર્ચ્યુઅલ સૃષ્ટિનાં ચાર પાત્રો બનીને આખા શહેરમાં ઘૂમી શકે, એ સૃષ્ટિને ખુંદી. શરત એટલી કે એ ગેમ બનાવતી વખતે કમ્પ્યુટર પ્રોગ્રામમાં એ બધું ઉમેરવું પડે.
આ સંભાવનાનો ઉપયોગ કરીને જોન ફવરોએ 'લાયન કિંગ'ની આખી સૃષ્ટિને વર્ચ્યુઅલ રીઆલીટીની ગેમ તરીકે તૈયાર કરાવી--એવી ગેમ, જે હેડસેટ પહેર્યા પછી એક સાથે ઘણા લોકો 'રમી' શકે. આ ગેમ પણ સીધીસાદી નહીં, ફિલ્મનિર્માણની ગેમ. એટલે 'લાયન કિંગ'ની આખી વર્ચ્યુઅલ સૃષ્ટિમાં શૂટિંગ કરવા માટેના વર્ચ્યુઅલ કેમેરા પણ હોય. હેડસેટ પહેરી લેનાર વ્યક્તિ પોતે એક પાત્ર તરીકે 'લાયન કિંગ'ની વર્ચ્યુ્અલ સૃષ્ટિમાં પહોંચી જાય અને ત્યાં જાતે, વર્ચ્યુઅલ દેહે લોકેશન પર ફરીને જ નક્કી કરી શકે કે કઈ બાજુથી દૃશ્ય લેવું. દા.ત. પહાડની જે કરાડ પરથી સિંહબાળ સિમ્બાને રાજાનો વારસ ઘોષિત કરવામાં આવ્યો, એ કરાડ પર હેડસેટ પહેરનાર વ્યક્તિ વર્ચ્યુઅલ દેહે જઈ શકે અને ત્યાં ફરીને નક્કી કરી શકે કે કઈ બાજુથી દૃશ્ય શૂટ કરવું. દૃશ્ય લેતી વખતે પ્રકાશ ઓછોવત્તો કરી શકે, કમ્પ્યુટરસર્જિત પ્રાણીઓ આસપાસ ફરતાં હોય કે ફ્રેમમાં વચ્ચે આવતાં હોય, તો વર્ચ્યુઅલ દેહે તે પ્રાણીઓને બાજુ પર ખસેડી શકે.
પરંતુ વર્ચ્યુઅલ સૃષ્ટિની ફિલ્મ વર્ચ્યુઅલ કેમેરાથી ઉતરે, તો તેને વાસ્તવિક-નક્કર ફિલ્મ તરીકે કેવી રીતે મેળવી શકાય? બીજા અનેક ટેકનોલોજીના પડકારોની જેમ આ સમસ્યાનો ઉકેલ પણ ટેકનોલોજીની મદદથી જ નીકળ્યો. વર્ચ્યુઅલ વાતાવરણમાં ગોઠવાયેલા કેમેરાનું સંચાલન ઇન્ફ્રારેડ સિગ્નલની મદદથી વાસ્તવિક દુનિયામાં રહેલાં વ્યુ ફાઇન્ડર વડે થતું હોય. એક ખાલી રૂમમાં હેડ સેટ પહેરેલા ડાયરેક્ટર અને કેમેરામેન વર્ચ્યુઅલ દેહે 'લાયન કિંગ'ની વર્ચ્યુઅલ સૃષ્ટિમાં ફરતા હોય. ત્યાં દૃશ્યની ઝીણી વિગત નક્કી થઈ જાય, એટલે વાસ્તવિક દુનિયામાં, ખાલી રૂમમાં રહેલાં વ્યુ ફાઇન્ડરને અસલી કેમેરાના અંદાજમાં ચલાવવામાં આવે. તેની સાથે જોડાયેલા ઇન્ફ્રારેડ સિગ્નલ થકી વર્ચ્યુઅલ સૃષ્ટિના કેમેરા પણ બહારનાં, અસલી વ્યુ ફાઇન્ડરનું અનુકરણ કરે અને એ પ્રમાણે વર્ચ્યુઅલ સૃષ્ટિમાં વાસ્તવિક શોટ લેવાય. ખાલી ખંડમાં કેમેરા કે ડોલી જેવાં શૂટિંગનાં ઉપકરણો હોય ખરાં, પણ કેમેરાની જગ્યાએ વ્યૂ ફાઇન્ડર હોય અને 'સેટ' નરી આંખે નહીં, હેડ સેટ પહેર્યા પછી જ 'દેખાય’.
આવી અટપટી રચનાથી નીપજેલી ફિલ્મ તકનિકી દૃષ્ટિએ એનિમેશન જ છે, પરંતુ વર્ચ્યુઅલ સૃષ્ટિ રચીને તેમાં વર્ચ્યુઅલ દેહે વાસ્તવિક શૂટિંગ કરવું, એ આખી વાત ફિલ્મનો પ્રકાર નક્કી કરવામાં ભારે ગુંચવાડો પ્રેરનારી છે. ફરક એટલો જ કે આ ગુંચવાડો અણઆવડતનું નહીં, આશ્ચર્યચકિત કરનારી સર્જકતા અને ટેકનોલોજીનું પરિણામ અને પરિમાણ છે.
Subscribe to:
Post Comments (Atom)
Good!
ReplyDelete