Monday, July 22, 2019

ગાંધીવિચારના લાકડે 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ'નું માંકડું?



આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીની દુનિયાનો ચલણી સિક્કો છે. સ્વયંસંચાલિત કાર જેવી વિકસી રહેલી ટેકનોલોજીથી માંડીને સ્માર્ટ ફોન જેવી સામાન્ય બની ચૂકેલી ચીજોમાં AI  વપરાય છે—અને તેનો પથારો સતત ફેલાઈ રહ્યો છે. Aiની મદદથી ચેસ તથા ‘ગો’ જેવી બુદ્ધિની રમતોમાં કમ્પ્યુટરો જગતના મહાન ખેલાડીઓને હરાવી ચૂક્યાં છે. આવી પ્રચંડ ‘બુદ્ધિશક્તિ’ ધરાવનાર AI ગાંધીજીનાં લખાણોનું અર્થઘટન અથવા આધારભૂત સંકલન કરી શકે?

સવાલ મહત્ત્વનો છે. કેમ કે, નાણાં મંત્રીએ બજેટ દરમિયાન 'ગાંધીપિડીયા' (ગાંધીજી વિશેના માહિતીકોશ)ની જાહેરાત કરી છે. તેમાં આઇ. આઇ. ટી. (ખડગપુર) અને આઇ. આઇ. ટી. (ગાંધીનગર)ના નિષ્ણાતો સંકળાવાના છે. એ ટેકનોલોજીના વિદ્વાનો છે અને ટેકનોલોજીની મદદથી ગાંધીજીનાં અઢળક લખાણોને જુદાં જુદાં લોકભોગ્ય સ્વરૂપે રજૂ કરવાના છે, એવું અત્યારના અહેવાલો પરથી સમજાય છે.

પોતાના જીવનકાળમાં ગાંધીજીએ જેટલું લખ્યું છે, તેટલું જાહેર જીવનની ભાગ્યે જ બીજી કોઈ વ્યક્તિએ લખ્યું હશે. ‘કલેક્ટેડ વર્કસ ઓફ મહાત્મા ગાંધી’ના 100 ગ્રંથોનાં આશરે પચાસ હજાર પાનાંમાં તેમના અનેક પત્રો, લખાણો, મુલાકાતો, પ્રવચનો સંઘરાયેલાં છે.  તેમાં સમાવેશ પામ્યું ન હોય એવું પણ બીજું ઘણું. ગાંધીજીના અતિવિશ્વાસુ સાથી-સચિવ મહાદેવ દેસાઈએ લખેલી ડાયરીના સંખ્યાબંધ ભાગથી માંડીને બીજા સાથીદારોએ લખેલા અનેક ગ્રંથોમાંથી પણ ગાંધીવિચાર અને ગાંધીચરિત્રનાં અનેક પાસાં છતાં થાય છે. ‘કલેક્ટેડ વર્કસ’ના 100 ભાગનો હિંદી અને ગુજરાતીમાં પણ અનુવાદ થયો છે (જેનું થોડું કામ હજુ બાકી છે.)

સવાલ ફક્ત જથ્થાનો હોત તો ટેકનોલોજી બેશક તેનો અકસીર ઇલાજ હતી, પરંતુ ગાંધીજીનું લખાણ નકરો ‘ડેટા’નો ઢગલો નથી, જેમાંથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બધું સહેલાઈથી તારવી કાઢે. તેમાં અનેક સંદર્ભો, પૂર્વાપર સંબંધો, જુદા જુદા સમયે જુદી જુદી અર્થચ્છાયાઓ સાથે વપરાતી અભિવ્યક્તિઓ, સમયાંતરે બદલાતા વિચાર અને તેની પાછળનાં કારણ, વ્યક્ત શબ્દોની પછવાડે રહેલી અવ્યક્ત અને સમજી લેવાની ('બીટવીન ધ લાઇન્સ' પ્રકારની) વાતો—આવી સંકુલતાનો પાર નથી. તેની સામે, ગાંધીજીને મૂળ સ્વરૂપે જાતે વાંચીને સમજવાનું એટલું અટપટું નથી. કેમ કે, વાંચનારને તેમાં પોતાની અપૂર્ણતાનો પણ ખ્યાલ હોય છે. બીજી તરફ, ગાંધીજીના સંપૂર્ણ અને સર્વાંગી વિશ્લેષણ બાબતે તો પ્રખર બુદ્ધિપ્રતિભા અને ઊંડો અભ્યાસ ધરાવતા વિદ્વાનો પણ એકમત હોતા નથી.  વિખ્યાત કાર્ટૂનિસ્ટ અબુ અબ્રાહમના એક કાર્ટૂનમાં એ વાત બહુ માર્મિક રીતે સૂચવાઈ છેઃ પાંચ પ્રજ્ઞાચક્ષુઓ હાથીનાં જુદાં જુદાં અંગો પકડીને હાથી કેવો હશે, એ સમજવાની કોશિશ કરે છે, તેમ પાંચ નેતાઓ પોતપોતાની મર્યાદાથી, પોતાના હાથમાં ગાંધીજીનું જે આવ્યું તેના આધારે, ગાંધીજી શું છે તે સમજવાની કોશિશ કરે છે.

એ કોશિશ સમજવાની હોય ત્યાં સુધી ઠીક છે, પણ ગાંધીપીડિયા તો એ રીતે ગાંધીજીને બીજા સમક્ષ મૂકવાની કોશિશ બનવાનો છે.  એટલે ગાંધીજીના અનર્થઘટનનું જોખમ સમજનાર પૂરતું મર્યાદિત નહીં રહેતાં, વ્યાપક બને છે. અને આખી કવાયતને સરકારનો આશ્રય હોય એટલે એક રીતે તેને 'સત્તાવાર'ની મહોર પણ લાગે છે.

ગાંધીજીને ટુકડામાં સમજી શકાય નહી. કેમ કે, દેખીતી રીતે અલગ લાગતી તેમની ઘણી બધી બાબતો એકબીજા સાથે નાળસંબંધ ધરાવે છે. AI જેવી ટેકનોલોજીનો સૌથી મોટો ખતરો એવો છે કે તે શબ્દોને ને નામોને કે શબ્દપ્રયોગોને કે બહુ તો વિષયોને પકડી શકે-જુદાં તારવી શકે-ઇચ્છા મુજબ, માગણી મુજબ વીણીને હાજર કરી શકે, પણ જુદી જુદી બાબતો વચ્ચેનો પેચીદો આંતરસંબંધ પામવાનું તેના માટે લગભગ અશક્ય છે. તેમ છતાં એવું દુઃસાહસ કરવામાં આવે, તો તેની સીધી અસર ગાંધીવિચારની અધિકૃતતા પર થાય. AIની ‘અક્કલ’થી ગાંધીજી વિશે સમજવા ને ખાસ તો સમજાવવા જતાં ગાંધીવિચારની વિકૃત, ખંડિત, ભૂલભરેલી કે અધકચરી-અર્ધસત્ય રજૂઆત જાહેરમાં મુકાય--અને તે પણ સરકારમાન્ય સ્વરૂપે-- એવો ખતરો પૂરેપૂરો રહે છે. ગાંધીવિચારને સમજવા માટે AIનું માળખું બનાવતી વખતે ગાંધીનિષ્ણાતોનો સાથ લેવામાં આવે, તો જોખમ થોડું ઘટે છે,  પણ સાવ નાબૂદ થતું નથી.  તેમાં જેટલો સવાલ AIની મર્યાદાનો છે, એટલો જ ગાંધીવિચારના વ્યાપ અને તેની સંકુલતાનો છે.

આ તો થઈ પાયાની વાત. એટલા ઊંડાણમાં ન જતાં, પ્રાથમિક વાત કરીએ તો,  ટેકનોલોજીનો ઉપયોગ કરીને છપાયેલા શબ્દોમાંથી બધું તારવી આપવાનું થિયરીમાં લાગે, એટલું સીધું કે સહેલું નથી. કેટલાક શબ્દો કે શબ્દપ્રયોગો પ્રચલિત સ્વરૂપે શોધવા જતાં તેની સાવ ઓછી એન્ટ્રી મળે, ત્યારે જોનાર છેતરાઈ શકે છે. જેમ કે, દાંડીકૂચ અને ધરપકડ પછીના અરસામાં ગાંધીજી અને વાઇસરોય ઇર્વિન વચ્ચે થયેલો 'ગાંધી-ઇર્વિન પેક્ટ'. અંગ્રેજી 'કલેક્ટેડ વર્કસ'માં 'ગાંધી-ઇર્વિન પેક્ટ' લખીને સર્ચ કરવામાં આવે, તો એક જ એન્ટ્રી મળે, પણ માણસે બનાવેલી સૂચિ જોતાં આ વિષયના ઉલ્લેખોની લાંબીલચક યાદી મળે છે.

તેનો અર્થ એ નથી કે ગાંધીવિચારનો દરિયો ખુંદવામાં ટેકનોલોજીનો ઉપયોગ ન કરવો. ‘કલેક્ટેડ વર્કસ’નાં અને બીજાં લખાણ સર્ચેબલ હોય તો ચોક્કસ શબ્દ કે નામ કે સ્થળનામ શોધવામાં બહુ સુવિધા રહે. હકીકતમાં, ગુજરાત વિદ્યાપીઠ સાથે સંકળાયેલાં દીનાબહેન પટેલે 'કલેક્ટેડ વર્કસ ઓફ મહાત્મા ગાંધી'ના (અગાઉ લખાણમાં છેડછાડનો ભોગ બની ચૂકેલા) સો ગ્રંથોને ફક્ત સર્ચેબલ જ નહીં, પ્રમાણભૂત બનાવવાનું મહાકાર્ય ક્યારનું પૂરું કરી દીધું છે.  એટલે અંગ્રેજીમાં ગાંધીલખાણના પાયાના સો ગ્રંથો તો દીનાબહેનની ઝીણી નજરમાંથી ગળાઈચળાઈને વપરાશ માટે તૈયાર છે અને તે ડીવીડી સ્વરૂપે ઉપલબ્ધ પણ છે.  એવી જ રીતે 'સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ' ના  પોર્ટલ gandhiheritageportal.org પર કલેક્ટેડ વર્કસ ઉપરાંત બીજાં સંખ્યાબંધ પુસ્તકો સ્કેન કરીને મુકવામાં આવ્યાં છે.  તે સર્ચેબલ નથી, પણ ડિજિટાઇઝેશનના કામમાં મદદરૂપ થનાર સરકાર સૂચવે ને મદદરૂપ થાય તો આ સામગ્રીને સર્ચેબલ બનાવી જ શકાય.
તેને બદલે સરકારે નવેસરથી, 'ગાંધીપીડિયા' થકી ગાંધીજીને લગતી અધિકૃત માહિતીનું નવું તંત્ર ઊભું કરવાનો નિર્ણય લીધો છે, જે આશ્ચર્યજનકની સાથે ગાંધીવિચારની અધિકૃતતા માટે જોખમી પણ છે. કેમ કે, આ નવું તંત્ર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી ગાંધીવિચારની પસંદગી, સંકલન અને અમુક અર્થમાં અર્થઘટનનું કામ કરવાનું છે એવું અહેવાલો પરથી સમજાય છે. ગાંધીજીની સામગ્રીનો સંગ્રહ અને જાળવણી કરીને તેને અધિકૃત રીતે વિશ્વ સમક્ષ મુકનાર સાબરમતી આશ્રમે પણ યોગ્ય રીતે જ ગાંધીવિચારના અર્થઘટનનું દુઃસાહસ કર્યું નથી. ત્યારે ભલે ગમે તેટલી લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી, ગાંધીવિચારના સંકલન કે પેકેજિંગનું કામ ગાંધીજી જેટલું જ ભાવિ પેઢીને પણ અન્યાય કરનારું બની શકે છે. 

2 comments:

  1. અતલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી હતા ત્યારે ગાંધી ગ્રંથો અમુક ભાગોનું ઍડીટિંગ થયું હતું. હવે જો કે મૂળ ગ્રંથો ઉપલબ્ધ થયા છે. AI દ્વારા સંકલ્ન થાય છે ત્યારે આ બાબતે વિદ્વાનોએ જાગૃત રહેવું જરૂરી છે કે મૂળ ગ્રંથો જેમના તેમ ડિજિટલ રૂપે આવે.

    ReplyDelete
  2. Read this article and impressed by your thought you expressed about Gandhiji's writings.

    I would suggest you that let them produce that AI and then only can tell about it.
    Should not stop them to do good works.

    ReplyDelete