Thursday, July 11, 2019

આઇટી કંપનીઓ 'દેશ' બની શકે? બનવી જોઈએ?


દેશ એટલે શું?  ટૂંકામાં ટૂંકો જવાબ આપવો હોય તો, દેશ એટલે સત્તા, સૈન્ય, જમીન, ચલણ (કરન્સી)   અને લોકો.  ખાનગી કંપનીઓ ગમે તેટલી મોટી, બહુરાષ્ટ્રીય હોય તો પણ તે સૈન્ય અને ચલણ લાવી શકે નહીં. જમીન અને લોકો દેશના હિસાબે સાવ મર્યાદિત સંખ્યામાં હોય. એટલે વૉલમાર્ટ કે જનરલ ઇલેક્ટ્રિક કે ઓઇલ કંપનીઓ તેમના સુવર્ણયુગમાં કદી સરકારની હરીફ બની શકી નહીં. કંપનીઓના કારોબાર ગમે તેટલા મોટા હોય, તેમની સંપત્તિ ગરીબ દેશોના જીડીપી કરતાં વધારે હોય, તો પણ તેમનો વધુમાં વધુ પ્રભાવ સરકારને નચાવવા પૂરતો અથવા તેમની પાસેથી પોતાનો ફાયદો કઢાવી લેવા પૂરતો હોય.

પરંતુ છેલ્લા એક-દોઢ દાયકામાં વૈશ્વિક આધિપત્ય ધરાવતી ગુગલ, એપલ, ફેસબુક જેવી કંપનીઓની વાત જુદી છે. તેમના પહેલાં કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમમાં બિલ ગેટ્સની માઇક્રોસોફ્ટનું એકચક્રી રાજ હતું. પરંતુ એ રાજ કમ્પ્યુટર પૂરતું મર્યાદિત હતું. એટલે બિલ ગેટ્સ વિશ્વના સૌથી ધનાઢ્ય બનવા છતાં, માઇક્રોસોફ્ટનું વ્યાપક ક્ષેત્ર વ્યવસાય પૂરતું જ રહ્યું. સ્માર્ટફોન યુગમાં ગુગલ, એપલ અને ફેસબુક જેવી કંપનીઓ માઇક્રોસોફ્ટથી આગળ નીકળી ગઈ અને કાર્યક્ષેત્રની દૃષ્ટિએ પણ જુદી પડી.

માઇક્રોસોફ્ટની વિન્ડોઝ ઓપરેટિંગ સીસ્ટમ વાપરતા લોકો કરોડોની સંખ્યામાં હતા, પણ તે એકબીજાથી જોડાયેલા ન હતા. ઉપરાંત વિન્ડોઝની ઓપરેટિંગ સીસ્ટમ મોંઘી હોવાથી, તેની પાઇરેટેડ-બિનસત્તાવાર નકલો પણ મોટા પાયે ચલણમાં હતી, જેની પર કંપનીનો કોઈ કાબૂ ન તો. લાઇસન્સવાળી કોપી વાપરનારા લોકો માટે પણ, તેમના જીવનની બીજી બધી બાબતોમાં માઇક્રોસોફ્ટની દખલગીરી નહીંવત્ હતી.

પરંતુ ફેસબુકની પ્રચંડ લોકપ્રિયતાથી સમીકરણો બદલાઈ ગયાં. દુનિયાના લોકોને જોડવાના દેખીતી રીતે પવિત્ર ઉદ્દેશથી શરૂ થયેલી ફેસબુક મફત હતી. એટલે તેમાં પાઇરસી (નકલ) થવાનો સવાલ ન હતો. રહી વાત સર્વિસના વૈવિધ્યની. તેમાં ફેસબુક પોતે જ હરીફ સેવાઓના વૈવિધ્યની બેશરમ નકલ કરીને તેમને પછાડી દેવા લાગી અને ફેસબુકનો વ્યાપ જોતજોતાંમાં આસુરી હદે પહોંચી ગયો. માર્ચ, ૨૦૧૯ના આંકડા પ્રમાણે, ફેસબુકના સક્રિય સભ્યોનો માસિક આંકડો ૨.૩૮ અબજ છે.

આખી દુનિયાની વસ્તી ૭.૭ અબજ છે. તેમાંથી ચીનની ૧.૪૨ અબજની વસ્તીને બાદ કરીએ. (કેમ કે, ચીનમાં તેના સ્થાનિક સોશ્યલ નેટવર્કનું ચલણ છે.) તો વિશ્વના ૬.૨૮ અબજ લોકોમાંથી ૧.૫૬ અબજ લોકો--એટલે કે ચોથા ભાગની વસ્તી-- રોજ ફેસબુક વાપરે છે. (બાળકોનો આંકડો બાદ કરવામાં આવે, તો આ પ્રમાણ ઓર વધી જાય.) તેમાંથી મોટા ભાગના લોકો તેમના મોબાઇલ ફોન પર ફેસબુકનો ઉપયોગ કરે છે.

ફેસબુક પર થતી દરેક ગતિવિધિ તેના વપરાશકર્તા વિશે ચોક્કસ પ્રકારની માહિતી પેદા કરે છે. વાપરનારાનાં નામ-ગામ-વયથી માંડીને તેમની પસંદગી, ગમા-અણગમા જેવી અનેક બાબતોનો ભંડાર કંપની પાસે એકઠો થાય છે, જે જાહેરખબર આપનારા સમક્ષ સંભવિત બજાર તરીકે રજૂ કરીને અઢળક જાહેરખબરો મેળવી શકાય છે. વર્ષો સુધી ફેસબુક જેવી કંપનીઓના વ્યાપને ટેકનોલોજીની સફળતાની હકારાત્મક કથા તરીકે વર્ણવવામાં આવતી હતી. જાહેરખબરો દ્વારા થતી અઢળક કમાણી ચિંતાને બદલે અહોભાવનો મામલો ગણાતી હતી. પરંતુ એક તરફ વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ જેવી સંભવિત હરીફ કંપનીઓને તોતિંગ રકમ આપીને ખરીદી લેવાની નીતિ ફેસબુકે અપનાવી. અત્યાર લગી ફેસબુકે આવી કંપનીઓની ખરીદીમાં ૨૨ અબજ ડોલરથી પણ વધુ રકમ ખર્ચી નાખી છે, જેનું છેવટનું પરિણામ સત્તાના કેન્દ્રીકરણ સ્વરૂપે આવ્યું છે.

બીજી તરફ, ફેસબુકનો દુરુપયોગ એ હદે થયો કે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં રશિયા દખલ કરી શકે. બીજા શબ્દોમાં, અમેરિકા-રશિયા વચ્ચે શીતયુદ્ધના સમયમાં રશિયા જે ન કરી શક્યું, તે વગર યુદ્ધે, ફેસબુકના મંચનો અને તેના દ્વારા થતા આંખ આડા કાનનો ઉપયોગ કરીને રશિયાના કેટલાક હેકરોએ કરી બતાવ્યું. આ તો એક નમૂનો. ગમે તે ભોગે વૃદ્ધિ કરવાના ફેસબુકના ઇરાદાને લીધે ગ્રાહકોને અને સરકારોને અંધારામાં રાખવાનું સામાન્ય બની ગયું.

હવે ફેસબુકે આવતા વર્ષે તેની ક્રીપ્ટોકરન્સી ચલણમાં મૂકવાનો ઇરાદો જાહેર કર્યો છે. ‘લિબ્રા’ નામ ધરાવતું ફેસબુકનું ચલણ વાસ્તવિકતા બને, તો ફેસબુક-વોટ્સએપ-ઇન્સ્ટાગ્રામ વાપરનારા લોકો નાણાંકીય વ્યવહાર પણ ફેસબુક પર કરી શકશે.  સરકારી ચલણની એકદમ બાદબાકી ભલે ન થાય, પણ તેનો મજબૂત વિકલ્પ ઊભો થશે.  'નવો વેપાર'ની રમતની જેમ ફેસબુકનું ચલણ ફેસબુક પર અને ઇન્ટરનેટની આલમમાં બધે ચાલે. ઉપરાંત, ફેસબુક જેવી અબજો ડોલરની કિંમત ને શાખ ધરાવતી કંપનીનું પીઠબળ હોય, એટલે અમેરિકાના ડોલરની જેમ ફેસબુકના ઓનલાઇન ચલણ લિબ્રાને બજારમાં સ્થાનિક ચલણ સાટે વટાવી પણ શકાય.

સરકારો અને બેન્કોની અપારદર્શકતાની સામે (બિટકોઈન જેવી) ક્રીપ્ટોકરન્સી પારદર્શકતાનો સધિયારો આપતી હોય છે. આમ પણ સરકારી અર્થવ્યવસ્થા ઉપર વારી જવા જેવું કશું હોતું નથી. પહેલી નજરે ખાનગી કંપનીઓનો વહીવટ વધારે ચુસ્ત અને અસરકારક લાગે. (સરકારી સેવાઓના ખાનગીકરણ પાછળ પણ આ જ તર્ક લાગુ પાડવામાં આવે છે.) પરંતુ બંને વચ્ચેનો એક તફાવત અત્યંત મહત્ત્વનો છેઃ સરકારમાં છેવટે ઉત્તરદાયિત્વ હોય છે--આજે નહીં તો કાલે તેના જવાબ આપવા પડે છે. જ્યારે ફેસબુક જેવી કંપનીમાં બધી સત્તા છેવટે માર્ક ઝકરબર્ગ નામના માણસ પાસે છે--અને તેમની ઉપરની સત્તા કોઈ નથી. સરકારો તેમના અત્યારના કાયદાકાનૂનો પ્રમાણે ઝકરબર્ગને બોલાવીને તેમની જુબાનીઓ લઈ શકે, કંપનીના વહીવટમાં ચૂક થયેલી લાગે તો બે-પાંચ અબજ ડોલરનો દંડ કરી શકે, પણ એટલી રકમ ફેસબુક કે ગુગલ કે એપલ જેવી કંપનીઓ માટે કાનખજૂરાના પગ જેવી હોય છે.

તેની સરખામણીમાં એ દૃશ્યની કલ્પના કરો, જ્યારે વિશ્વના કોઈ પણ દેશની વસ્તી કરતાં વધુ સંખ્યા ધરાવતા, 'ફેસબુક દેશ'ના લગભગ ૨.૩૮ 'રહેવાસીઓ'માંથી ઘણા બધા કોઈ એક જ ચલણ વાપરતા હોય. એ ચલણ એવું હોય કે જેને સ્થાનિક સરકાર, અર્થતંત્ર અને તેના નીતનિયમો સાથે કશી લેવાદેવા ન હોય. હાલના આયોજન પ્રમાણે ભલે એકલી ફેસબુક નહીં, બીજી ઘણી કંપનીઓનું સહિયારું માળખું આવા ચલણના વહીવટમાં ટેકો આપતું હોય, પણ તેનાથી ઉત્તરદાયિત્વનો ગંભીર પ્રશ્ન ઊભો રહે છે--અને ફેસબુક જેવી આઇટી કંપનીઓનો અત્યાર સુધીનો ઇતિહાસ તેમના ઇરાદા પ્રત્યે બહુ વિશ્વાસ ઉપજાવનારો નથી. દુનિયાને જોડવાની સુફિયાણી વાતોના બહાને તેમને વિશ્વ પર આધિપત્ય જમાવવું છે અને પોતાનું ચલણ એ દિશામાં મહત્ત્વનું પગલું બને એમ છે.  સરકારો માટે તો ઠીક, ગુલામીમુક્ત રહેવા ઇચ્છતા નાગરિકો માટે પણ એ સારા સમાચાર લાગતા નથી. 

3 comments:

  1. આ વાત વર્ષો અગાઉ વાંચેલી હોવાથી હકીકતદોષ હોવાની સંભાવના છે, પણ 'નવનીત-સમર્પણ' જેવા સામયિકમાં ઉલ્લેખાઈ હતી એટલે એ સાચી હોવામાં શંકા નથી.

    અમેરિકાની કોઈ રાક્ષસી (કદમાં અને વ્યવહારમાં પણ!) કંપનીના માલિકે એના ટોચના કર્મચારીને કંઈ મોટો પ્રકલ્પ ચાલુ કરવા માટે સૂચના આપી. મેનેજરે કહ્યું કે તે સમયની સરકારી નીતિ જોતાં એ શક્ય નહોતું. એને માટે તો સંસદે કાયદો પસાર કરવો પડે. માલિક ઉવાચ,
    "સંસદ એટલે ઓલા વાર-તહેવારે આપણી પાસે પૂંછડી પટપટાવીને ફાળો ઉઘરાવી જાય છે એ છોકરાની ધમાલ કરવાની જગ્યા જ ને?"

    આગેસે ચાલી આયી હૈ.

    ReplyDelete
  2. Anonymous6:48:00 PM

    Can some one make RTI for knowing the details of potential customers belonged to our country, especially, political party!

    ReplyDelete
  3. ફેસબુક હવે જે સેન્સરશીપ ચલાવે છે તે વધારે પડતું છે અને જોખમકારક છે.કોઈની પણ કોમેન્ટ તે રદ કરી શકે છે અને કોઈનો પણ એકાઉન્ટ બંધ કરી શકે છે.

    ReplyDelete