Saturday, October 29, 2016

કાળીચૌદશ-કલ્પનાઃ પાણીમાં નશો હોત તો?

ગુજરાતની સૌથી મોટી પાણીની સમસ્યા આપમેળે હલ થઇ જાત, કારણ કે ગુજરાતમાં પાણીબંધીહોત. પાણીની વહેંચણીનો આખો કારભાર છોટા-મોટા ભાઇઓએ વહેંચી લીધો હોત. તેમના રાજમાં શહેર-ગામડાંના ભેદભાવ વિના, જોઇએ એટલું પાણી છૂટથી કોથળીમાં કે બોટલમાં, કેરબામાં કે કોઠીમાં, એસ.એમ.એસ.થી કે વોટ્સએપથી ઘરબેઠાં મળતું હોત.

નશા વગરના સીધાસાદા પાણીમાં આટલી બધી બ્રાન્ડ મળે છે, તો નશાવાળા પાણીમાં કેટલા પ્રકારો મળી શકે? શરાબની જેમ દરેક બ્રાન્ડના પાણીની પણ આગવી ખાસિયત હોત. પાણી વેચતો સેલ્સમેન કહેતો હોત,‘લઇ જાવ સાહેબ, આ સાબરમતીનું પાણી છે. પીધા પછી ગમે તેટલું ચડશે તો પણ તમે રૂપિયાભરનું નુકસાન નહીં કરો. આ તાપીનું પાણી છે. એ પીધા પછી તમે સુરતી હશો તો ગાળો બોલતા બંધ થઇ જશો અને બિનસુરતી હશો તો હુરટીમાં ગાળો બોલવા માંડશો. આ દેખાવડી બોટલમાં મલ્ટીનેશનલ કંપનીનું પાણી છે. તેની એક બોટલ સાથે એ જ કંપનીના બરફના ચાર ક્યુબ મફત છે.આ સાંભળ્યા પછી કોઇ ગ્રાહક મલ્ટીનેશનલ કંપનીનું ક્વાર્ટર અને સાથે બરફનો એક ક્યુબ મફત માગે,એટલે સેલ્સમેન કહેત,‘તમે તો ઓલરેડી સાબરમતીના પાણીનો પેગ મારીને આવ્યા લાગો છો.
ટેપવોટર (નળમાંથી આવતા પાણી) પર અંકુશો મુકાઇ જતાં,નળનું કનેક્શન લેવા માટેની અરજીની એક કોપી વોટરવર્ક્સમાં અને બીજી નશાબંધી વિભાગમાં મોકલવી પડત. અત્યારે પાણીની પાઇપલાઇન સાથે ગટરની પાઇપલાઇનની ભેળસેળ થવાથી રોગચાળો ફાટી નીકળે છે. નશાયુક્ત પાણીની પાઇપલાઇન સાથે આવી સેળભેળ થતાં, નળમાંથી સરકારી પાણીનું લઠ્ઠાસ્વરૂપ બહાર આવત અને ફરી એક વાર લઠ્ઠાકાંડ માટે સરકાર પર માછલાં ધોવાત અને વિરોધ પક્ષો સરકારને ઢાંકણીમાં (કે બોટલના ઢાંકણામાં) પાણી લઇને ડૂબી મરવાનો ઠપકો આપત.


સ્વિમિંગ શીખવા માટેની લોકોની ઉત્સુકતામાં જબ્બર ઉછાળો આવત અને મોટા ભાગના લોકો ડૂબકી મારવાની કળામાં શીખાઉ બની રહેવાનું વધુ પસંદ કરત - એટલે કે ડૂબકી મારીને આખું મોં પાણીથી ભરી દેવાનું. બહાર આવીને કોઇ પેટ દબાવે ત્યારે જ એ પાણી બહાર નીકળે. પાણીપુરીના ધંધાને નવું પરિમાણ મળ્યું હોત. પાણીપુરીના ખુમચા પર અત્યારે હોય છે તેના કરતાં અનેક ગણી વધારે ભીડ જામતી હોત અને મધુશાલાના કવિ બચ્ચન ગાઇ ઉઠત,‘હર ભૈયા સાકી બન જાયે, હર ખુમચા હો મધુશાલા’. ‘પાણી મૂકવુંએ શબ્દપ્રયોગ કવિઓની ઇચ્છા મુજબનો અર્થ ધારણ કરત એટલે કે હાથમાં નશાયુક્ત પાણી લઇને કહેલી વાત અથવા પ્રતિજ્ઞા વધુ ભરોસાપાત્ર ગણાત.  પાણીમાં નશો હોવાની જાણ થતાં જ, સરકારે દરિયાના ડીસઇન્વેસ્ટમેન્ટ માટેની પ્રક્રિયા આરંભી દીધી હોત. 

Wednesday, October 26, 2016

લડાઇની ખાઇ, વ્યક્તિઓની ઊંચાઇ

ભારત-પાકિસ્તાન વચ્ચેનાં યુદ્ધો અને બીજા સંઘર્ષ એટલા નક્કર છે કે ગમે તેટલા શાંતિપ્રેમી હોય તે પણ ઐતિહાસિક તથ્યનો ઇન્કાર કરી શકે નહીં : કારગીલયુદ્ધ અડઘું ગણીએ તો બન્ને દેશો વચ્ચે સાડા ત્રણ યુદ્ધો થઇ ચૂક્યાં છે. એ સિવાયનો તનાવગ્રસ્ત સમયગાળો પણ નાનો નથી. જેની સાથે આવા સંબંધ હોય એ દેશ સાથે કોઇ મૈત્રીની તો ઠીક, શાંતિની વાત કરે તો પણ રાષ્ટ્રદ્રોહીગણાઇ જાય, એવું વાતાવરણ હોય છે.

પરંતુ દેશપ્રેમના ઉત્સાહમાં અને સૈન્ય કાર્યવાહીના મોહમાં દેશ તથા વ્યક્તિ વચ્ચેનો ફરક પાડવાનું જરૂરી બની જાય છે. સામાન્ય સંજોગોમાં આ તફાવત સૈદ્ધાંતિક હોવાથી, એ ફક્ત આદર્શવાદી વાત માટે સારોજણાય. આવી વાત કરનારને એવો પણ ટોણો મારવામાં આવે કે એ તો તમારું કોઇ યુદ્ધમાં ગયું હોય તો તમને ખબર પડે. એમ ને એમ બધું ડહાપણ ડહોળવું સહેલું છે.વિચારવાની આ રીત આંખનો બદલો આંખથીઅથવા ફિલ્મી ભાષામાં કહીએ તો ખૂનકા બદલા ખૂનથી લેવાની છે. એ સાચી નથી, પણ માનવસહજ છે. મુશ્કેલી ત્યારે થાય છે, જ્યારે આ રીતને એકમાત્ર સાચી અને દેશપ્રેમના  પુરાવા જેવી રીત ગણાવવામાં આવે છે.

પરંતુ જેમણે પોતાનું સ્વજન યુદ્ધમાં ખોયું હોય, એ પોતે આદર્શની વાત કરે અને એવો વ્યવહાર કરે ત્યારે? પાંચેક વર્ષ પહેલાં આવા બે કિસ્સા પ્રસાર માધ્યમોમાં છવાયા હતા અને પછી ભૂલાઇ પણ ગયા. વર્તમાન સંજોગો એ પ્રસંગો ફરી યાદ કરવા જેવા છે. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે કચ્છ સરહદે એક સાદું, બીચક્રાફ્‌ટ પ્રકારનું વિમાન પાકિસ્તાને તોડી પાડ્યું હતું. તેના પાઇલટ જહાંગીર એન્જિનિયર ઉપરાંત વિમાનમાં સવાર ગુજરાતના મુખ્ય મંત્રી બળવંતરાય મહેતા, તેમનાં પત્ની સરોજબહેન, ગુજરાતી પત્રકાર કે.પી.શાહ અને બીજા ત્રણ સાથીદારો મૃત્યુ પામ્યા. કાળો કેર મચ્યો. બિનલશ્કરી વિમાન પર આવા હુમલાથી ભારતીયોના મનમાં રોષ અને કડવાશ પેદા થયાં. આ ઘટના ગુજરાતની-ભારતની તવારીખમાં કાળા અક્ષરે લખાઇ ગઇ.

એ બનાવના ચાર દાયકા પછી પાકિસ્તાન એર ફોર્સના એક નિવૃત્ત અફસરે કયા સંજોગોમાં એ વિમાન તોડી પાડવામાં આવ્યું તેનું વિગતે વર્ણન કરીને ઘટના તાજી કરી. એ વાંચીને વિમાનને તોડી પાડનાર પાકિસ્તાની ફાઇટર પાઇલટ કૈસ હુસૈને પહેલ કરી, તેમણે કેટલાક સંપર્કની મદદથી બીચક્રાફ્‌ટના ભારતીય પાઇલટ જહાંગીર એન્જિનિયરનાં વિદેશમાં વસેલાં પુત્રી ફરીદા સિંઘનો પતો મેળવ્યો અને તેમને એક ઇ-મેઇલ લખ્યો. અસાધારણ કહેવાય એવા આ ઇ-મેઇલમાં તેમણે તે દિવસે ખરેખર શું બન્યું હતું તેનું વર્ણન કરતાં લખ્યું કે સરહદી વિસ્તારમાં બીચક્રાફ્‌ટની સંદેહાસ્પદ હાજરી માલુમ પડતાં તેમણે ઉડાન ભરી અને બીચક્રાફ્‌ટને આંતર્યું. પાકિસ્તાનને શંકા ગઇ કે આ વિમાન સરહદી મોરચો ખોલવા માટે તપાસ અભિયાન પર છે. (એ વખતે યુદ્ધ પંજાબ અને કાશ્મીર મોરચે ચાલતું હતું.)

યુદ્ધના નિયમ પ્રમાણે, કૈસ હુસૈને બદીનમાં બેઠેલા તેમના ઉપરી પાસેથી આદેશ માગ્યો. તેમના જ શબ્દોમાં કહીએ તો, ‘ત્રણ-ચાર લાંબી મિનીટો વીત્યા પછીવિમાનને શૂટ કરવાનો આદેશ મળ્યો અને તેમણે એ આદેશનું પાલન કર્યું. એ વખતે તેમના મનમાં પરાક્રમનો ભાવ હતો. બેઝ પર પાછા ફર્યા પછી તેમને વધાવી લેવામાં આવ્યા. પરંતુ ૨૦૧૧માં એર કોમોડોર કૈસર તુફૈલે આખી ઘટના તાજી કરતાં કૈસ હુસૈને જહાંગીર એન્જિનિયરના પરિવારનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો.  ઇ-મેઇલમાં તેમણે લખ્યું હતું,‘મિસિસ સિંઘ, આટલી વિગતો મેં તમને એ દર્શાવવા માટે આપી છે કે જે કંઇ થયું તે ફરજને આધીન રહીને થયું હતું. પ્રેમ અને યુદ્ધમાં કંઇ પણ ચાલેએવો કોઇ ખ્યાલ આ કાર્યવાહી પાછળ ન હતો...હું યુદ્ધના નિયમ પ્રમાણે ચાલ્યો હતો, પરંતુ તેનાથી કિમતી જિંદગીઓનું નુકસાન થયું. એ કેવી રીતે થયું તે અગત્યનું નથી, પણ એ કોઇ પણ માણસને ખટકે એવું છે ને હું પણ તેમાં અપવાદ નથી. હું તમારા માટે, તમારા પરિવાર માટે અને બાકીના સાતેય મૃતકોના પરિવાર માટે દિલગીરી અનુભવું છું..૪૬ વર્ષ પહેલાં થયેલા તમારા પિતાના મૃત્યુ બદલ તમને આશ્વાસન આપવા માટે તમને રૂબરૂ મળવાની તક ઊભી થશે, તો હું બન્ને હાથે એ તક ઝડપી લઇશ. તમારા પરિવારનાં બીજાં સભ્યોને પણ તમે મારી લાગણી પહોંચાડશો તો હું ખૂબ આભારી થઇશ..
Qais Husain/ કૈસ હુસૈન
આ શબ્દોમાં પોતાની કાર્યવાહી વિશે અફસોસનો જરાય ભાવ નથી. કેમ કે, તે યુદ્ધની ફરજના ભાગરૂપે થઇ હતી. પરંતુ તેમાં વ્યક્ત થયેલી લાગણી અને પોતાના હાથે જેનું મૃત્યુ થયું હોય એવા પરિવાર સુધી આ રીતે દિલગીરીના ભાવ સાથે પહોંચવાની નૈતિકતા-નૈતિક હિંમત પ્રશંસનીય છે.

આ પત્રનો ફરીદા સિંઘે આપેલો જવાબ પણ નમૂનેદાર હતો.  તેમણે લખ્યું,‘આ પત્ર લખવા માટે હિંમત જોઇએ (અને નમ્રતાપૂર્વક કહું તો) તેનો જવાબ આપવા માટે પણ...હા, આ બનાવે અમારું જીવન પલટી નાખ્યું. પરંતુ ત્યાર પછીના સંઘર્ષોમાં ક્યારેય, એક ક્ષણ માટે પણ, અમે મારા પિતાના મૃત્યુ માટે જવાબદાર વ્યક્તિ માટે કડવાશ રાખી નથી. અમે એ ક્યારેય ભૂલ્યાં નહીં કે આ બધું યુદ્ધની કરુણતાના ગુંચવાડાનું પરિણામ હતું. યુદ્ધ અને શાંતિની ખતરનાક રમતોમાં આપણે કેવળ પ્યાદાં હોઇએ છીએ.પોતાના સદ્‌ગત પિતાના કેટલાક ગુણોનું વર્ણન કર્યું અને તેમની ઉદારતા-બીજાનું દુઃખ સમજી શકવાની તેમની શક્તિનો વિશેષ ઉલ્લેખ કરીને લખ્યું કે કડવાશભર્યાં અને અવિચારી યુદ્ધો સારા માણસોને પણ કેવું નુકસાન પહોંચાડી શકે છે તેનું આ બનાવ ઉત્તમ ઉદાહરણ છે. ફરીથી તમારો આભાર. હું જાણું છું કે તમારા માટે આ લખવું સહેલું નહીં હોય...આ પત્ર જાહેર થયો તેનાથી ફક્ત વ્યક્તિગત જ નહીં,વધારે વ્યાપક સ્તરે રૂઝ આવવાની પ્રક્રિયા થશે. અને સૌથી અગત્યનું, મારા પિતાને પણ એ બહુ જ ગમ્યું હોત કે (આ પત્રવ્યવહારથી) બે પ્રજા વચ્ચે ક્ષમાની ભાવનાનો ચમકારો થાય--એવી બે પ્રજા, જે છેવટે એક જ છે.
પરમવીર ચક્ર અરુણ ખેતરપાળ/ Arun Khetarpal

બ્રિગેડીયર એમ.એલ.ખેતરપાળ અને તેમનાં પત્ની /
 Brigadier M.L.Khetarpal and his wife

આવો એક કિસ્સો સૌથી યુવાન વયે (મરણોત્તર) પરમવીર ચક્ર મેળવનાર સેકન્ડ લેફ્‌ટનન્ટ અરુણ ખેતરપાળના પિતા સાથે ૨૦૦૩માં બન્યો હતો. તેમના ૮૧ વર્ષના પિતા, બ્રિગેડીયર એમ.એલ.ખેતરપાળ છેલ્લી વારપાકિસ્તાનમાં આવેલા પોતાના વતન સરગોધાનાં દર્શનકરવા ગયા, ત્યારે તેમના મિત્રના મિત્ર એવા પાકિસ્તાની યજમાન બ્રિગેડીયર કે.એમ.નાસીરને ત્યાં તેમનો ઉતારો હતો. નાસીરે તેમની આત્મીયતાભરી મહેમાનગતિ કરી. આખરે છેલ્લી રાત્રે, ભોજન પછીની બેઠકમાં નાસીરે રહસ્યસ્ફોટ કર્યો, ‘એ કહેતાં મને પારાવાર અફસોસ થાય છે કે અરુણ ખેતરપાળની ટેન્કને તેમણે છોડેલો ગોળો જ વાગ્યો હતો.જૂની પેઢીના અને ધર્મયુદ્ધના રંગે નહીં રંગાયેલા ફૌજી તરીકે બન્ને બ્રિગડીયરો જાણતા હતા કે યુદ્ધમાં સામે વ્યક્તિ કોણ છે એ જોવાતું નથી ને દેખાતું પણ નથી. બ્રિગેડીયર ખેતરપાળ આ વાત-આ એકરાર પચાવી ગયા, પરંતુ પોતાની પત્નીને આ વાત કહી ન શક્યા.

ક્ષમા માગવા માટે જિગર જોઇએ, પણ ક્ષમા આપવા માટે તેનાથી વધારે મનોબળની જરૂર પડે છે.   

Wednesday, October 19, 2016

સનાતન સભા-સમસ્યાઓ (૩) : કિતને ઇનામ રખે હૈં હમ પર

કેટલીક સભાઓ ઇનામી માટેની હોય છે : તે સ્કૂલના પ્રાર્થનાખંડમાં ભરાતી પેન્સિલ-રબર વિતરણ સભા હોય કે પછી સાહિત્ય પરિષદ દ્વારા અપાતાં ઇનામોનો કાર્યક્રમ. (ન્યાય ખાતર કહેવું જોઇએ કે સ્કૂલના કાર્યક્રમો શિસ્તબદ્ધ હોવાની સંભાવના વધારે છે.) આવા સમારંભોમાં અનેક ઇનામ હોય છે અને તે મેળવનારા પણ અનેક--મંચ પર બિરાજેલા મહાનુભાવો આપતાં થાકે એટલાં. દરેક ઇનામ વખતે એક ફરજિયાત ફોટો અને એ ફરજિયાત ફોટામાં કેમેરા સામે જોઇને પ્રમાણપત્ર બતાવવું-હસવું ફરજિયાત. એ વખતે લાગે કે ‘હસવું અને લોટ ફાકવો’ એ કહેવત બદલીને ‘પ્રમાણપત્ર સ્વીકારવું ને ફોટો પડાવવો’ એવી કરી નાખવી જોઇએ. કારણ કે બન્નેમાં એક સાથે ઘ્યાન આપવું શક્ય નથી. કોઇ વાર એકને અને ઘણી વાર તો બન્નેને અન્યાય થઇ જાય છે.

ઇનામ વિતરણ કાર્યક્રમોનું હાડ (ડીએનએ) જ એવું હોય છે કે તે સમાસુતરા પાર પડી શકે નહીં. જન્મ લેવો એ જેમ મૃત્યુ પામવાનું મૂળ કારણ છે, તેમ ઔપચારિક ઇનામ વિતરણ યોજવું એ લોચા વાગવાનું ને ગોટાળા થવાનું મૂળભૂત કારણ છે. તેમાંથી કોઇ મર્ત્ય મનુષ્ય બાકાત નથી. એટલે જ પદ્મ પુરસ્કાર મેળવનારાઓને પણ મુખ્ય કાર્યક્રમના આગલા દિવસે રીહર્સલ કરાવવાં પડે છે ને જતી જિંદગીએ અભિનય-કમ-શિસ્તના મૂળભૂત પાઠ શીખવવા પડે છે. એ વખતે પદ્મસન્માનિતોને તેમના સ્કૂલના દિવસ યાદ આવી શકે છે અને એવું પણ લાગી શકે છે કે સ્કુલમાં આટલી શિસ્ત રાખી હોત તો શિક્ષકોનો માર ઓછો ખાવો પડત.

ઇનામ વિતરણ વખતે ગોટાળા સર્જાવા માટે પાયાનું કારણ : ઇનામની જાહેરાત કરનાર, ઇનામ તાસકમાં લઇને આવનાર, ઇનામ આપનાર અને ઇનામ લેનાર સાવ જુદી વ્યક્તિઓ હોય છે. તેમને કાર્યક્રમના ચાર ખૂણા પણ ગણી શકાય. આ ચારે ખુણાને એક લાઇનમાં કરવાનું અઘરું ન પડે તો જ નવાઇ. મોટા ભાગના કિસ્સામાં ઇનામની જાહેરાત કરનાર ઉદ્‌ઘોષક ઇનામ લેનારને ઓળખતા નથી હોતા. કેટલાક કિસ્સામાં તો તે મંચ પર બેઠેલા મહાનુભાવોમાંથી બધાને પણ ઓળખતા નથી હોતા.

એટલે ‘અમુકતમુક મહાનુભાવ  ફલાણાં બહેન કે ભાઇને પારિતોષિક એનાયત કરશે’ એવી જાહેરાત થયા પછી શ્રોતાગૃહમાં કોરી ઉત્તેજના નહીં, સસ્પેન્સસભર આતુરતા પ્રસરે છે. જાહેરાત થયા પછી સમારંભમાં મોડા આવનાર સભાગૃહમાં દાખલ થાય, તો લોકોને એવું લાગે છે કે આ ઇનામ મેળવનાર જણ છે. પણ એ જણની નજર મંચ ભણી નહીં, ખાલી ખુરશીની શોધમાં ફરતી હોય છે. અચાનક બાકીની નજરોને પોતાના ભણી તકાયેલી જોઇને તે મૂંઝવણ અનુભવે છે. શરમવાળા માણસને ધરતી મારગ આપે તો સમાઇ જવાનું મન થાય છે. પણ ધરતીમાં ખુરશી નહીં હોય ને ત્યાં પણ ઊભા જ રહેવું પડશે, એ વિચારે તે સમાઇ જવાનો વિચાર પડતો મૂકે છે અને સભાગૃહમાં યોગ્ય --એટલે કે ખાલી--સ્થાન જોઇને બેસી જાય છે.

ઓડિયન્સ તો ઠીક, મંચ પર બેઠેલા મહાનુભાવોની આતુરતાભરી--અને સમય વીત્યા પછી ઉકળાટભરી--દૃષ્ટિ ઓડિયન્સ તરફ મંડાયેલી હોય. તેમ છતાં, ઇનામ લેનાર જણ દેખાય નહીં, ત્યારે સભામાં જાણે કોઇએ શિવધનુષ્ય ઉંચકવાનો પડકાર ફેંક્યો હોય એવું વાતાવરણ સર્જાય છે. ‘અરે, એક આખા ઇનામની જાહેરાત થઇ ગઇ છે, પણ તેનો લેવણહાર આવડા મોટા સભાગૃહમાં કોઇ નથી. કેવો કળજુગ.’

મોટી સંખ્યામાં ઇનામો હોય ત્યારે શરૂઆતની જાહેરાતો લોકરંજક છટામાં કર્યા પછી ધીમે ધીમે ઉદ્‌ઘોષક જેવો ઉદ્‌ઘોષક પણ છવાઇ જવાના મોહમાંથી મુક્ત થવા લાગે છે. (કેવો કળજુગ) શબ્દાળુ ચબરાકીયાં નેવે મૂકીને તે ટેલીફોનની ડીરેક્ટરી વાંચવાના અંદાજમાં એક પછી એક નામ બોલવા માંડે છે. વચ્ચે વચ્ચે ઇનામ લેનારાને ઝડપ કરવાનું સૂચવીને તે યાદ કરાવતા રહે છે કે તે ડિરેક્ટરી નહીં, ઇનામવિજેતાઓની યાદી વાંચી રહ્યા છે. ઇનામો બહુ હોય ત્યારે શરૂઆતમાં મહત્ત્વના મહેેેમાનોના હાથે ઇનામ વિતરણ કરાવાય છે. ઇનામ આપનારાં માથાં થાકવા અથવા ખૂટવા લાગે, એટલે આયોજક ઉદ્‌ઘોષકને કાનમાં ફૂંક મારી દે છે કે જે નજરે ચડે તેના હાથે ઇનામ અપાવવા માંડો. એટલે ઇનામ લેનારની જેમ આપનારની પણ લાઇન પડી જાય છે અને મંચની બન્ને બાજુ એકસરખો ગુંચવાડો પ્રવર્તે છે. ઇનામ લેનાર મુંઝાઇ જાય છે કે કોની પાસેથી ઇનામ લેવાનું છે અને આપનાર પણ કિંકર્તવ્યમુઢ સ્થિતિમાં આવી જાય છે. એમાં પણ ઇનામ પર નામ લખેલાં હોય ત્યારે કાયદો-વ્યવસ્થાના એવા પ્રશ્નો સર્જાય છે કે ઇનામ આપવાની પ્રક્રિયા કામચલાઉ અટકાવી દેવી પડે. થોડી વારમાં ઉપસ્થિત શ્રોતાઓને એવી શંકા જાય છે કે હોલમાં બેઠેલા બધા એકબીજાને ઇનામ આપવા માંડશે.

આવા સમારંભમાં ઇનામ આપનાર કે લેનાર ન હોય તો ચાલે, પણ ફોટો પાડનાર હોવા જોઇએ. આવું ફક્ત ફોટોગ્રાફરો જ નહીં, ઉત્સાહી આયોજકો પણ માનતા લાગે છે. ચોરીમાં બેઠેલા ગોર જેમ લગ્નવિધિ પૂરતું વર-કન્યા કરતાં વધારે મહત્ત્વ ધારણ કરે છે, એવું જ કંઇક ઇનામ સમારંભોમાં ફોટોગ્રાફરોનું થાય છે. તેમની ફ્‌લેશ ન થાય, ત્યાં સુધી ઇનામ અપાવાનો વિધિ પૂરો થયો ગણાતો નથી. મોટા ભાગના કેમેરામન અત્યંત ચુસ્ત અને મનોમન પોતાની જાતને હોય એના કરતાં પણ વધારે ચુસ્ત સમજતા હોય છે. આટલાં ઇનામોનો શો ભાર? ચપટીમાં ઉકેલી દઇશું.  એવો ભાવ તેમના ચહેરા પર લીંપાયેલો હોય છે. પરંતુ ઇનામ લેનારાની લાઇન પડી જાય, એટલે ફોટોગ્રાફર તેની બધી ચુસ્તી સહિત મુંઝાય છે અને એક જ ટેકમાં ફાઇનલ ફોટો પાડવા માટે સંઘર્ષરત બને છે. આવા છુંછા જેવા કામમાં રીટેક કરાવવા પડે એની અકળામણ તેમના ચહેરા પર જણાઇ આવે છે. પરંતુ એ નામોશી વેઠીને પણ તે ઇનામ આપનાર અને લેનાર પાસે રીટેક કરાવતા રહે છે, ‘એક મિનીટ, જરા આ બાજુ જુઓ, પ્લીઝ. (ઇનામ લેનાર તરફ જોઇને) એમ નહીં, તમે આ બાજુ જુઓ..એમ..હં...બરાબર છે. ઓકે.’

આમ ને આમ ઇનામ વિતરણ પૂરું થાય, ત્યારે હાશકારાની છૂપી લાગણી આખા સભાગૃહમાં ફરી વળે છે. તેને સભાગૃહમાંથી લોકો ઉઠી ઉઠીને જતા રહેવાને કારણે વધેલી એેરકન્ડિશનિંગની ઠંડક ગણી ન લેતા. 

Tuesday, October 18, 2016

મુસ્લિમો માટે મનોમંથનની તક

ટ્રિપલ તલાકના મુદ્દે ફરી એક વાર મોરચા મંડાયા છે. એક તરફ સરકાર અને અદાલત છે, તો બીજી તરફ ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડ જેવી સંસ્થાઓ અને મુસ્લિમ રૂઢિચુસ્તો. આ તબક્કે લઘુમતી’, ‘પર્સનલ લૉ’, ‘સેક્યુલારિઝમકે રાષ્ટ્રવાદજેવા જૂના અને જાણીતા ખાંચામાં પીન અટકાવી દીધા વિના, નાગરિક તરીકે કેટલાક પાયાના મુદ્દા વિચારવા જેવા લાગે છે.

સૌથી પહેલી વાત મુસ્લિમોના લઘુમતીતરીકેના દરજ્જાની.  ભારતમાં મુસ્લિમો ટકાવારીની રીતે લઘુમતીમાં છે. ૨૦૧૧ની વસતી ગણતરીમાં હિંદુઓ (૭૯.૮ ટકા)ની સરખામણીમાં મુસ્લિમોની ટકાવારી  ૧૪.૨ ટકા નોંધાઇ હતી. પરંતુ આ ટકાવારી સવા અબજની વસ્તીને લાગુ પડે છે એ યાદ રાખવું જોઇએ. ભારતમાં મુસ્લિમોની કુલ વસ્તી ૧૭.૨૨ કરોડ છે, જે આખા પાકિસ્તાનના મુસ્લિમોની કુલ વસ્તી કરતાં થોડીક જ ઓછી છે. (પાકિસ્તાનમાં છેલ્લી વસ્તી ગણતરી ૧૯૯૮માં થઇ હતી. ત્યાર પછીનાં ૧૮ વર્ષમાં વસ્તી ગણતરીનું ઠેકાણું પડ્યું નથી. એટલે અંદાજે આંકડાથી જ ચલાવવાનું રહે છે.)

લઘુમતી સમુદાયોને પોતાના વિશિષ્ટ સામાજિક રિવાજો જાળવી રાખવાની ચિંતા હોય અને બહુમતીના સ્ટીમરોલર તળે તે કચડાઇ ન જાય તેનો ઉચાટ પણ હોય. જેમ કે, ભારતમાં જૈનોની વસ્તી માંડ ૦.૪ ટકા છે અને પારસી વસ્તી ટકાવારીમાં માપી શકાય નહીં એટલી ઓછી છે. ધાર્મિક-સામાજિક રિવાજોની બાબતમાં તેમનું આગ્રહીપણું અને અસલામતી સમજાય એવાં છે. (તેનું વાજબીપણું જુદી ચર્ચાનો વિષય છે) પોતીકી સંસ્કૃતિ કે લાક્ષણિકતાઓ કે ધાર્મિક રીતરિવાજ લુપ્ત થઇ જવાની શક્યતા પારસીઓ માટે કાલ્પનિક નહીં, વાસ્તવિક છે.

પરંતુ પારસી-જૈન તો ઠીક, ખ્રિસ્તી (ભારતમાં વસ્તીનું પ્રમાણ ૨.૩ ટકા) અને શીખ (૧.૭ ટકા) સાથે આશરે ૧૪ ટકા વસ્તી ધરાવતા મુસ્લિમ સમાજની સરખામણી યોગ્ય ગણાય? ટકાવારીની રીતે એ લઘુમતી હોવા છતાં, તેમના અસ્તિત્ત્વ સામે કે રીતરિવાજો સામે કોઇ ખતરો છે? આ સવાલ મુસ્લિમોએ પોતાની જાતને પૂછવાનો છે. સંખ્યાની રીતે વિશ્વમાં મુસ્લિમોની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં ઇન્ડોનેશિયા અને પાકિસ્તાન પછી ભારતનો નંબર આવે છે. એટલે કે, ભારતમાં મુસ્લિમોની લઘુમતીફક્ત ટકાવારીમાં જ છે.  ૧૭ કરોડ જેટલી મજબૂત સંખ્યા ધરાવતા મુસ્લિમોએ તેનો માનસિક ભાર શા માટે વેંઢારવો જોઇએ?

લઘુમતીતરીકેની માનસિકતા વૈચારિક ખુલ્લાશને રોકે છે, સમાજસુધારાને અટકાવે છે, આક્રમક રૂઢિચુસ્તતાને પ્રોત્સાહન આપે છે અને રાજકીય તકવાદને મોકળું મેદાન પૂરું પાડે છે. કાલ્પનિક ભય કેવળ લઘુમતીમાં નહીં, વધુમતીમાં પણ ઊભો કરી શકાય. ભાજપ-સંઘ પરિવારનું રાજકારણ તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રકારના રાજકારણનું પરિણામ પણ આગળ જણાવ્યું એવું જ છે : ખુલ્લાશને બદલે રૂઢિચુસ્તતાનો વ્યાપ અને ધર્મના રાજકારણને મોકળું મેદાન. ભારતમાં નથી ઇસ્લામ ખતરામાં કે નથી ૭૯ ટકા હિંદુઓને દબાવીને તેમની પર ૧૪ ટકા મુસ્લિમો તેમની પર રાજ કરવાના. પરંતુ આટલી વાત સામાન્ય હિંદુ કે સામાન્ય મુસ્લિમને સમજાઇ જાય, તો પછી તેમનામાં ધીક્કાર, અસલામતી અને શંકા પ્રેરીને પોતાના રોટલા શેકતા નેતાઓનું-રાજકીય પક્ષોનું શું થાય? તેમની દુકાનો શી રીતે ચાલે?

મુસ્લિમ સમુદાયના સામાજિક પછાતપણાના આંકડા વાસ્તવિક અને ચિંતાજનક છે--ફક્ત મુસ્લિમ સમુદાય માટે જ નહીં, સમગ્ર સમાજ માટે. ભારતમાતાકી જયની ચીચીયારીઓ પાડનારાથી માંડીને દેશભક્તિનાં પ્રમાણપત્રો વહેંચવા આતુર સૌએ યાદ રાખવું પડે કે ૧૪ ટકા મુસ્લિમોને સામાજિક રીતે પછાત રાખીને દેશ સુપરપાવર બની શકવાનો નથી. મુસ્લિમોએ સમજવાનું છે ઇસ્લામ નહીં, તેમની સામાજિક સ્થિતિ ખતરામાં છે. તેનો ઇલાજ ધર્મમાંથી નહીં જડે અને જો એનો ઇલાજ પણ ધર્મમાંથી (ધાર્મિક સંસ્થાઓની સખાવતો વગેરે દ્વારા) શોધવાનો પ્રયાસ કરવામાં આવશે, તો સમૃદ્ધિ ને ભણતર આવી જશે, પણ ધાર્મિક રૂઢિચુસ્તતા પીછો નહીં છોડે. આવી રૂઢિચુસ્તતા હશે ત્યાં સુધી શિક્ષણ અને સંપત્તિથી પણ માનસિક અસલામતી દૂર નહીં થાય.

અહીં એક સ્પષ્ટતા જરૂરી છે : ઇસ્લામના અભ્યાસીઓ કહે છે કે એ માત્ર ધર્મ નથી, પણ જીવન જીવવાની રીત છે.આવું જ વિધાન સર્વોચ્ચ અદાલતે હિંદુ ધર્મ માટે પણ કરેલું છે. બીજા ધર્મના અનુયાયીઓનો પણ આવો દાવો હોઇ શકે છે. આ જાતના દાવા ધર્મના હાર્દ માટે સાચા હોઇ શકે, પણ જે હૂંસાતૂંસી ચાલે છે તે ધર્મના હાર્દ સુધી પહોંચવાની છે કે કોની ધાર્મિકતા’ (ધર્મનો દેખાડો) ચડિયાતી, એ બતાવવાની? આવા વાતાવરણમાં જીવન જીવવાની રીતવાળો દાવો ઘણી વાર અનિષ્ટનું મૂળ બની રહે છે અથવા તેનો ભરપૂર દુરુપયોગ કરવામાં આવે છે. તેની અંતર્ગત જીવનને સ્પર્શતાં નાનામા નાના પાસાને ધર્મનું લેબલ લગાડી દેવામાં આવે છે અને સદંતર દુન્યવી વિવાદોને ધાર્મિકઅથવા બે ધર્મો વચ્ચેની તકરારસ્વરૂપે રજૂ કરવામાં આવે છે.

આ પરિસ્થિતિ રાજકીય પક્ષો માટે અત્યંત ફળદ્રુપ છે.  રક્ષણહારની જરૂર પડે તો જ તેમનો ભાવ આવે. આઝાદી પછીનાં વર્ષોમાં કૉંગ્રેસ મુસ્લિમોના રક્ષણહારની ભૂમિકામાં રહી. એ દરમિયાન તેણે શું કર્યું? મુસ્લિમ સમાજના પ્રગતિશીલ લોકોને બાજુ પર રાખ્યા અને રૂઢિચુસ્ત નેતાગીરીને આગળ કરી. મુસ્લિમોને સામાજિક રીતે આગળ લાવવાને બદલે અને આ દેશના સરખેસરખા નાગરિક તરીકેની ભૂમિકામાં મૂકી આપવાને બદલે, તેમને લઘુમતીની ધાર્મિક ઓળખમાં કેદ રાખ્યા. કોઇ પણ સમુદાયમાંથી વોટ બેન્ક ઊભી કરવી હોય તો તેમાં રહેલા પ્રગતિશીલ લોકોને થોડા આગળ કરાય? વિચારતા લોકોનો પ્રભાવ સમાજ પર ધીમે ધીમે અને મર્યાદિત ઢબે પડે. (ભાજપ-શિવસેના જેવો) કયો હિંદુ પક્ષ કોઇ બિનકોમવાદી, પ્રગતિશીલ,સર્વધર્મસમભાવમાં અને નાગરિકમૂલ્યોમાં માનતા માણસોને નેતા તરીકે આગળ કરશે? તેની સરખામણીમાં અસલામતી અને ધીક્કાર પેદા કરવાનું સહેલું પડે. પછી દેશનું જે થવાનું હોય તે થાય.

મુસ્લિમોમાં રહેલા પ્રગતિશીલ લોકોની મૂંઝવણ એ છે કે મુસ્લિમ સમુદાય તેમને પોતાનાગણતો નથી અને હિંદુઓ તેમને મુસ્લિમગણે છે. પોતાની જાતને ઉદારગણતા કેટલાક હિંદુઓ તો વળી એવાં વખાણપણ કરે છે, ‘ફલાણો મુસ્લિમ છે, તો પણ કેટલો સારો છે.અથવા એ મુસ્લિમ છે, પણ જરાય ખબર જ ન પડે, બોલો.આમ કહેવાથી વખાણ થતાં નથી, બલ્કે પોતાની અંદર રહેલો ભેદભાવ પ્રગટ થઇ જાય છે, એવું તેમને કોણ સમજાવે? સામે પક્ષે, રૂઢિચુસ્ત ન હોય એવા મુસ્લિમોએ પ્રગતિશીલ દેખાવા માટે ભાજપમાન્ય હિંદુકે સંઘમાન્ય દેશભક્તથવાની જરૂર નથી. મુસ્લિમો માટે અપાતાં અબ્દુલ કલામ જેવાં રોલમૉડલ પણ સરવાળે કોમવાદી પ્રચારનું બળતણ બની રહે છે. તેમાંથી નીકળતો સૂર એવો છે કે તમે દેશ માટે કશુંક આટલું દેખીતું ને આટલું મોટું ન કરો, ત્યાં સુધી તમારી દેશભક્તિ શંકાના દાયરામાં જ રહેવાની.

કોઇ પણ સામાન્ય મુસ્લિમ કંઇ પણ વધારાનું કે વિશેષ કર્યા વિના, બીજા કોઇ પણ જેટલો જ ભારતનો નાગરિક છે. લડત હોય તો આ દરજ્જા માટેની હોઇ શકે--આંકડાકીય લઘુમતીરૂપી અસલામતી અને અવિશ્વાસના કિલ્લામાં કેદ રહેવાની નહીં.

Sunday, October 16, 2016

નાગરિક અધિકારો ચઢે કે ધાર્મિક રિવાજ?

(તંત્રીલેખ, ૧૫-૧૦-૧૬)

કેટલીક ચર્ચાઓ જોખમી હોય છે. કારણ કે તેના મૂળમાં રહેલો મુદ્દો બિનધાર્મિક હોય છે, પણ જેવી ચર્ચા શરૂ થાય કે તરત તેને ધાર્મિક રંગ આપી દેવાય છે. ત્યાર પછીની દલીલો મુદ્દા વિશે નહીં, પણ ધર્મ વિશેની થઇ જાય છે અને બન્ને પક્ષો એમાં હોંશે હોંશે ધર્મયોદ્ધા તરીકે પ્રગટ થાય છે. મુસ્લિમોમાં ત્રણ વાર તલાક બોલવાથી પત્નીના છૂટાછેડા થઇ જાય એ પ્રકારનો, ટૂંકમાં ‘ટ્રિપલ તલાક’ તરીકે ઓળખાતો રિવાજ વર્ષોથી આ પ્રકારની જોખમી ચર્ચાનો વિષય રહ્યો છે.

આમ જુઓ તો તેમાં કશું અટપટું નથી : ભારત દેશમાં સૌ કોઇને પોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા છે અને સરકાર તેમાં દખલ ન કરે એવું તેમાં નિહિત છે. પરંતુ આ સ્વતંત્રતા અમર્યાદ નથી. ભારત લોકશાહી અને પ્રજાસત્તાક દેશ છે. તેના બંધારણમાં ‘સેક્યુલર’ વિશેષણ ન ઉમેરાયું હોત તો પણ બંધારણનું હાર્દ એ જ છે કે ધાર્મિક રિવાજ અને નાગરિક અધિકારો વચ્ચે ટકરાવ થાય ત્યારે પલ્લું નાગરિક અધિકારો ભણી નમવું જોઇએ. ટ્રિપલ તલાકનો મામલો અદાલતમાં પહોંચેલો છે અને ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડ જેવી મુસ્લિમોની પ્રતિનિધિ સંસ્થાએ ભારપૂર્વક ટ્રિપલ તલાકનો બચાવ કર્યો છે. બૉર્ડ જેવી સંસ્થાઓને  અને ઘણા ધર્મગુરુઓને આ કાયદો ધર્મના આદેશ જેવો અને તેથી અફર લાગે છે. બીજી તરફ મુસ્લિમોમાં રહેલા કેટલાક પ્રગતિશીલ અવાજો અને ખાસ કરીને મુસ્લિમ મહિલાઓને આ રિવાજ સામે વાંધો પડે છે. કારણ કે, તે મહિલાઓ માટે અન્યાયકારી છે.

આવી કોઇ પણ ચર્ચા થાય, એટલે તે બીજી જ મિનીટે ધર્મગ્રંથમાં ખરેખર શું લખ્યું છે તેની પર આવીને અટકી જાય છે. પરંતુ વર્તમાન સમયમાં ધર્મનાં અનેક અર્થઘટનો અને અનર્થઘટનોને કારણે આગળની ચર્ચા નિરર્થક બની જાય છે. લખાયેલા શબ્દ (લેટર) કરતાં હાર્દ (સ્પિરિટ)નું મહત્ત્વ કાયદાની જેમ (બલ્કે કાયદાથી પણ વધારે) ધર્મમાં અગત્યનું છે. અને કોઇ પણ પ્રકારની વિદ્વત્તાભરી ચર્ચામાં ઉતર્યા વિના કે દાખલાદલીલો ટાંક્યા વિના એટલું તો સૌ કોઇ કબૂલશે કે સ્ત્રીઓને અન્યાય થાય એવું કોઇ પણ ધર્મમાં લખ્યું ન હોય. તેમ છતાં, કેટલીક સ્ત્રીઓ આ અન્યાય સામે અવાજ ઉઠાવે, ત્યારે બીજા ધર્મના લોકોએ નહીં, પણ ઇસ્લામના વિદ્વાનોએ વિચારવાનું રહે છે કે આવું કેમ બન્યું? અને તે જેને ધર્મનો આદેશ માનીને ચુસ્તીથી (કે જડતાથી) વળગી રહ્યા છે, તે મૂલ્ય વર્તમાન સમયમાં, લોકશાહીના માળખામાં ટકી શકે એમ છે?

જો ધર્મના નામે ચાલતો રીવાજ નાગરિક અધિકારોનું ઉલ્લંઘન કરતો હોય કે તેમને જોખમાવતો હોય, તો એવા રીવાજને બદલવામાં ધર્મનું હિત અને ધર્મની મોટાઇ છે. રાજસ્થાનમાં રૂપકુંવર સતી થઇ ત્યારે ઘણા પુરાતનવાદીઓ સતીપ્રથાનો મહીમા કરતા હતા અને રૂપકુંવરની સમાધિનાં દર્શન માટે ટોળાં ઉમટતાં હતાં. તેના કારણે સતીપ્રથા માન્ય ન બની જાય. ગમે તેટલા હિંદુઓની લાગણી દુભાવવાની હોય તો પણ સતીપ્રથાને કાયદાવિરોધી જ ઠરાવવી પડે. એવી જ રીતે ઇસ્લામના નામે ચાલતા અન્યાય, ભેદભાવ અને અસમાનતાને ફક્ત કાયદા ખાતર નહીં, ઇસ્લામના માન ખાતર, તેને ઉજળો બનાવવા ખાતર પણ અટકાવવા રહ્યા. શાહબાનો ચુકાદા વખતે રાજીવ ગાંધીની સરકારે મુસ્લિમ મતબેન્કની લ્હાયમાં એ તક ખોઇ દીધી અને સર્વોચ્ચ અદાલતના પ્રગતિશીલ ચુકાદાને ઉથલાવી દીધો.

સામા પક્ષે ભાજપ અને સંઘ પરિવારનાં સંગઠનો છે, જેમનો મુસ્લિમદ્વેષ હિંદુપ્રેમ કરતાં વધારે જાણીતો છે. બલ્કે તેમનો હિંદુપ્રેમ અને દેશપ્રેમ ઘણી વાર મુસ્લિમદ્વેષ તરીકે પ્રગટ થતો હોય છે. ખરું જોતાં, મુસ્લિમો આ દેશના બરાબરીયા નાગરિક બની રહે એવા હેતુથી, ટ્રીપલ તલાક અને સમાન નાગરિક ધારાનો આગ્રહ સેવાવો જોઇએ. પણ હિંદુત્વના ખેલાડીઓ માટે ટ્રીપલ તલાક કે સમાન નાગરિક ધારો મુખ્યત્વે રાજકારણનાં સાધનમાત્ર હોય છે. મુસ્લિમ રૂઢિચુસ્તો ટ્રીપલ તલાક જેવી પ્રથાનું સમર્થન કરીને આવા રાજકારણના સહભાગી બને છે. 

Saturday, October 15, 2016

સૈન્ય અને ક્રિકેટટીમ વચ્ચેનો ફરક

ક્રિકેટના પ્રેમી તરીકે આપણને ટેવ છેઃ ઘરમાં ટીવી જોતાં જોતાં આપણી વિકેટ જાય ત્યારે હાયકારો નીકળી જાય ને આપણો ખેલાડી ચોગ્ગાછગ્ગા મારે ત્યારે શેર લોહી ચઢે, ત્રિરંગો લહેરાવવાનું મન થાય..અને એમાં પણ સામે પાકિસ્તાન હોય તો? બન્ને પક્ષે કેટલાક ચાહકોને એવું જ લાગે, જાણે બેટ-બોલથી યુદ્ધ ચાલી રહ્યું છે. એટલે જ, ખરેખર સૈનિક કાર્યવાહી થાય ત્યારે ક્રિકેટમેચ અને સર્જિકલ સ્ટ્રાઇક વચ્ચે ફરક પાડવો જરૂરી બની જાય છે.

એમના બોલરે આપણી વિકેટ લીધી? હવે આપણા બેટ્સમેને ચોગ્ગો-છગ્ગો મારીને બતાવી આપવું જોઇએ.. એ એક વાત છે અને સરહદ પર થતી સામસામી આપ-લે સાવ જુદી વાત છે. ક્રિકેટમેચમાં દરેક તબક્કે બેટ્સમેન-બોલરે શું કરવું જોઇતું હતું, તેની ચર્ચા કરનારામાંથી ઘણાને મેદાનમાં થર્ડ મેન ક્યાં ને ચાઇનામેન એટલે શું એની ખબર નથી હોતી—એ જાણવાની જરૂર પણ નથી લાગતી. છતાં ઘણી વાર તો તે રમત સાથે ખેલાડીઓ કરતાં પણ વધારે ઓતપ્રોત થઇ ગયા હોય એવું લાગે. સરહદ પરની વાસ્તવિકતા જુદી હોય છે. છતાં, એને મેચ ગણવી હોય તો એ અમ્પાયર વગરની (ક્યારેક થર્ડ અમ્પાયર ધરાવતી) મેચ હોય છે. તેમાં પ્રેક્ષકો ન હોય એ જ પ્રેક્ષકોના અને બન્ને પક્ષોના હિતમાં છે.

સૈન્ય જેવી ગંભીર બાબત સાથે લોકલાગણી અને ફિલ્મી દેશભક્તિની ભેળસેળ થાય ત્યારે કેવી છીછરી અને હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાય, એ વાઘા સરહદે ચાલતા સાંજના કાર્યક્રમના આધારે જોઇસમજી શકાય છે. વાઘા સરહદે પાછળ દેશભક્તિનાં ગીત વાગતાં હોય અને મેળા જેવો માહોલ હોય છે. ચોક્કસ સમય થયે બન્ને બાજુએ જવાનો લશ્કરી ઢબે કવાયત કરે અને તેમાં જુસ્સો દેખાડવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરે ત્યારે સ્ટેડિયમમાં હોય તેવી ખુરશીઓમાં બેઠેલું ઓડિયન્સ એ જોશને દેશભક્તિનો સાક્ષાત્ નમૂનો ગણીને ચિચિયારીઓ કરે છે—બરાબર ક્રિકેટમેચના અંદાજમાં. એ ઓડિયન્સને લશ્કરી બાબતોથી દૂર જ રાખવા જેવું છે.

સર્જિકલ સ્ટ્રાઇક જેવી લશ્કરી કાર્યવાહી થાય ત્યારે સામાન્ય જનતાને નિર્ણાયકની તો શું, ઓડિયન્સની ભૂમિકામાં પણ બેસાડવા જેવી નથી. કારણ કે આ ઓડિયન્સને દરેક ચીજમાં મનોરંજન ખપે છે. તેમને એ પણ સમજાતું નથી કે એ જેને પોતાની દેશભક્તિ ગણીને રાજી થાય છે, તે ખરેખર ફિલ્મી મનોરંજનની આદતને કારણે ઉભી થયેલી અપેક્ષા છે અને એ અપેક્ષા સંતોષાવાથી તેમને ફિલ્મમાં હીરોની ફાઇટિંગ ચાલતી હોય એવી કીક આવે છે. આખી પરિસ્થિતિ સાથે સંકળાયેલી વાસ્તવિકતા અને તેના ઘેરાપણાનો-કરુણતાનો-અમાનવીયતાનો અંદાજ થોડા લોકોને આવે છે.

એનડીએ સરકારની સર્જિકલ સ્ટ્રાઇકની સૈન્ય દ્વારા જાહેરાત કરાયા પછી, મિડીયાએ તેને દિલધડક ફિલ્મી પેકેજિંગમાં રજૂ કરી, જેથી ઓડિયન્સની મનોરંજનભૂખ સંતોષાય અને તેમને દેશપ્રેમનો ઓડકાર આવે. સર્જિકલ સ્ટ્રાઇક અંગેની વ્યાપક પ્રતિક્રિયા ફિલ્મ અને ક્રિકેટની ઘેલછાના વિસ્તાર જેવી હતી. મંત્રીઓ અને ભાજપી નેતાઓએ પણ આ ઘેલછાનો કસ કાઢવામાં કશું બાકી ન રાખ્યું. વાત એટલી વધી કે સંયમ માટે જાણીતા નહીં એવા વડાપ્રધાને તેમને કહેવું પડ્યું કે મૂંગા મરો.

અને હવે ઓપરેશન જિન્જરની વિગતો પ્રકાશમાં આવી છે. વર્ષ 2011માં યુપીએ સરકારના રાજમાં થયેલી આ સર્જિકલ સ્ટ્રાઇકને લગતા કેટલાક દસ્તાવેજ પણ ધ હિંદુમાં પ્રગટ થયા છે. એ વખતે પાકિસ્તાની સૈન્યે કેટલાક ભારતીય સૈનિકોનાં માથાં કાપી નાખવા જેટલું ઘાતકીપણું દાખવ્યું હતું. (તેના માટે જંગાલિયત કે પાશવતા જેવા શબ્દો યોગ્ય નથી. કારણ કે તેનાથી જંગલમાં રહેતા લોકોને કે પશુઓને અન્યાય થાય એમ છે) દેશભરમાં હાહાકાર મચ્યો. એ વખતે વિપક્ષી નેતા એવા નરેન્દ્ર મોદી સહિત બીજા ઘણાએ માથાં સાટે માથાં બૂમરાણ મચાવ્યું. આ બનાવ વિશે જાણીને દુઃખ થાય ને પછી ગુસ્સો આવે, એ માનવસહજ છે. પરંતુ એ ગુસ્સા અને દુઃખની લાગણીને પોતાના રાજકીય લાભ માટે વાપરી લેવાં, એ જરાય માનવીય નથી. એ સદંતર નેતાસહજ છે.

પ્રકાશમાં આવેલા દસ્તાવેજો પ્રમાણે, એ વખતની (યુપીએ) સરકારે જવાબી કાર્યવાહી તરીકે ઓપરેશન જિન્જરના આયોજનને મંજૂરી આપી. તેમાં પહેલાં ક્યાં હુમલો કરવો તેની બરાબર તપાસ કરવામાં આવી, પછી ભારતીય સૈન્યટુકડીઓએ અંકુશરેખા ઓળંગીને પાકિસ્તાનની હદમાં ઘૂસીને, પાકિસ્તાની સૈનિકોને માર્યા અને પાકિસ્તાનના ઘાતકીપણાનો એટલા જ ઘાતકીપણા સાથે વળતો જવાબ આપતાં --- પાકિસ્તાની સૈનિકોનાં માથાં કાપી લીધાં.

અત્યાર લગી આ જાહેર ન થયું તે જ સારું હતું. કારણ કે માથાં કાપવાની ઘટનાઓને આપણે આઇસીસનાં રાક્ષસી કૃ્ત્યો સાથે સાંકળતા હોઇએ અને એ જ વાત, ભલે પાકિસ્તાની ઘાતકીપણાના જવાબ તરીકે, આપણા સૈન્ય માટે વાંચવા મળે ત્યારે માણસ તરીકે આનંદ થતો નથી. એવું લાગે છે જાણે આપણે આંખ સાટે આંખના સદીઓ જૂના હિંસક જમાનામાં પહોંચી ગયા હોઇએ. સૈન્યની કાર્યપદ્ધતિના અને સરહદી વાસ્તવિકતાઓના જાણકારો કહી શકે છે કે ત્યાં તો આવું બધું ચાલતું જ હોય છે. એ આપણા સુધી પહોંચતું નથી એટલું જ. અથવા પોતાના સાથીદારોનાં માથાં કપાયેલાં શરીર મળ્યા પછી સૈન્યનો જુસ્સો ટકાવી રાખવાનો પણ તકાદો હોય છે. એ વખતે માનવતાની કે સભ્યતાની ફૂટપટ્ટી લઇને ન બેસાય.

તેમની દલીલમાં તથ્ય હોઇ શકે છે. નાગરિકશાસ્ત્રના ઘણા નિયમ સરહદો પર અને સશસ્ત્ર સંઘર્ષમાં લાગુ પડતા નથી, એ હકીકત છે. પરંતુ એટલું તો થઇ જ શકે કે સરહદ પર આવું જે કંઇ થાય, તેનાથી નાગરિકોને દૂર જ રાખવામાં આવે. કારણ કે, મોટા ભાગના નાગરિકો સરહદ પરની વાસ્તવિકતા, ત્યાં ફરજ બજાવતા સૈનિકોની માનસિકતા, લશ્કરનાં આંતરિક સમીકરણો, રેજિમેન્ટોના ગૌરવભાન જેવી ઘણી બાબતોથી અજાણ હોય છે. અનેક સ્તરીય વાસ્તવિકતાને તે ક્રિકેટમેચ કે ફિલ્મ જેવા સરળીકૃત સ્વરૂપમાં જુએ છે અને હરખાય છે. ઓપરેશન જિન્જરની વિગતો પરથી લાગે છે કે મજબૂરીથી અથવા પુખ્તતાથી પ્રેરાઇને યુપીએ સરકારે તે સમયે આ માહિતી જાહેર ન કરી, એ ડહાપણભર્યું પગલું હતું. લોકોમાં રહેલી અણસમજ અને આદિમ વૃત્તિઓના સ્ફોટક સંયોજનને સરકાર તરફથી પ્રોત્સાહન ન અપાય. ખરેખર તો મીડિયા તરફથી પણ ન અપાવું જોઇએ. પરંતુ મીડિયાને આ જ ઓડિયન્સ વચ્ચે રહીને ધંધો કરવાનો છે,તો નેતાઓને આ જ લોકો પાસેથી મત મેળવવાના છે. ત્યાં અણસમજ અને આદિમ વૃત્તિઓના વિસ્ફોટની ચિંતા કોણ કરે?

ઓપરેશન જિન્જરની ગુપ્તતા હોય કે થોડા સમય પહેલાં થયેલી સર્જિકલ સ્ટ્રાઇકની જાહેરાત, બન્નેમાંથી લેવાનો બોધપાઠ તો એ છે કે આપણી પ્રજા પાસે ધર્મ, સંપ્રદાય, વ્યક્તિપૂજા જેવાં ઘણાં અફીણ પહેલેથી મોજૂદ છે. તેમાં સરહદ પરના લશ્કરી કાર્યવાહીના ફિલ્મી ઢબે વર્ણનનો નશો ઉમેરવા જેવો નથી. નાગરિકો એ નશામાં મત્ત બનશે, તો એ લોકશાહી શાસકોની સફળતાઓ અને નિષ્ફળતાઓ વિશે વિચારવાને બદલે, લશ્કરી કાર્યવાહીઓની જાહેરાતોમાં જ લોકશાહી નેતાગીરીની સાર્થકતા અનુભવતા થઇ જશે. 

Wednesday, October 12, 2016

સનાતન સભા-સમસ્યાઓ (૨) : પુસ્તક અનાવરણ માટેની ‘સર્જિકલ સ્ટ્રાઇક’

(બોલ્યુંચાલ્યું માફ)
ગુજરાતમાં સભા-સમારંભ-કાર્યક્રમો યોજવાના કોર્સ ચાલતા નથી. છતાં લોકોને એ કળા આવડતી નથી. તેનો અર્થ એ થયો કે આધુનિક સમયમાં ભણેલા વિદ્યાર્થીઓના અજ્ઞાન માટે તેમના ભણતરને દોષ દેવામાં આવે છે, તે યોગ્ય નથી. ગયા સપ્તાહે સમારંભની સૌથી મોટી સમસ્યા એવા સંચાલકો ઉપરાંત માઇક અને વક્તાઓના બાયો ડેટાને લઇને ઊભી થતી મુશ્કેલીઓની વાત કરી, પરંતુ હરિકથાની જેમ સભાસમસ્યાકથા પણ અનંત છે. તેનો વઘુ એક અઘ્યાયઃ

કેટલાક સમારંભોમાં બીજા કાર્યક્રમોની સાથે એક મુખ્ય કાર્યક્રમ પુસ્તકનું અનાવરણ કરવાનો હોય છે. પુસ્તકના દૃષ્ટિબિંદુથી આખી વાત વિશે વિચારીએ તો આવી સભાને ‘કૌરવસભા’ જ કહેવી પડે. કેમ કે, તેમાં થોડા લોકો પુસ્તકનું ચીરહરણ કરવા તત્પર હોય છે અને બાકીના લોકો તેમને અટકાવવાને બદલે ચૂપચાપ તમાશો જોયા કરે છે. એટલું જ નહીં, તાળીઓ અને તસવીરો પાડે છે. (આવું તો કૌરવસભામાં પણ થયું ન હતું.)  કોઇ કહેશે કે અનાવરણ અને ચીરહરણ બે બહુ જુદી વાત છે. પરંતુ પહેલાં જ કહ્યું કે અહીં પુસ્તકના દૃષ્ટિબિંદુથી વાત થાય છે, એટલે માણસો તેની સાથે સંમત ન થાય, તે સ્વાભાવિક છે.

કેટલાક ઉત્સાહી આયોજકો જેનું અનાવરણ થવાનું હોય એ પુસ્તકને એટલા વાઘા પહેરાવે છે-એટલાં આવરણ ચઢાવે છે કે જાણે તેને વિમોચન માટે નહીં, કાળસંદૂક (ટાઇમ કેપ્સુલ)માં મૂકવા માટે તૈયાર કરતા હોય અને બસો-પાંચસો-હજાર વર્ષ પછી જ તે ખુલવાનું હોય.  પેકિંગની ઉપર સેલોટેપ અને એની ઉપર વળી પેકિંગનું એક આવરણ અને એની ઉપર લાલ-ભૂરી રેશમી રિબન. આ પ્રક્રિયામાં સેલોટેપનો વપરાશ એટલા છૂટા હાથે થયેલો હોય કે પ્રકાશકને (કે આયોજકને) સાઇડમાં સેલોટેપનો બિઝનેસ હશે એવી પણ શંકા જાય. (અલબત્ત, પુસ્તકનું બજાર અને ખાસ તો, પ્રકાશનઉદ્યોગની વાસ્તવિક પરિસ્થિતિ જોતાં, સ્ટેશનરીનો ધંધો મુખ્ય અને પુસ્તકનો ધંધો સાઇડ પર હોવાની સંભાવના વધારે મજબૂત ગણાય.)

આવી રીતે સજ્જ કરાયેલું પુસ્તક ટ્રેમાં અનાવરણ માટે હાજર કરવામાં આવે, ત્યારે ‘મંચસ્થ મહાનુભાવો’ને એ પુસ્તક ઓછું ને પડકાર વધારે લાગે છે. એવું લાગે છે જાણે કોઇએ પુસ્તકને પેકિંગ મટિરીયલ નહીં, રાણા પ્રતાપશાઇ બખ્તર પહેરાવીને મોકલ્યું હોય. પહેલાંના વખતમાં પડકારજનક કામ કરવાનું હોય ત્યારે રાજદરબારમાં પાનનું બીડું ફેરવવામાં આવતું હતું. જે પરાક્રમી જણ એ પડકાર ઉપાડીને પોતાની બહાદુરી બતાવવા ઇચ્છતો હોય, તેણે તાસકમાંથી પાનનું બીડું લઇ લેવાનું. (અઘરાં કામ માટે ‘બીડું ઝડપવું’ એવો પ્રયોગ આ રીતે વપરાતો થયો) આધુનિક સમયમાં રાજારજવાડાં રહ્યાં નહીં, પાનનાં બીડાં પાંચ-દસ રૂપિયામાં પાનના ગલ્લે મળતાં થઇ ગયાં ને પડકારજનક કામો એટલાં વધી પડ્યાં કે દર કામ દીઠ માણસ પાનનાં બીડાં ખાતો ફરે તો તેને પાન ખરીદવાને બદલે ગલ્લો ખોલવો સહેલો (ને સસ્તો) પડે. પરંતુ પુસ્તક વિમોચન સમારંભમાં પેકિંગનાં આવરણોથી સજ્જ પુસ્તક તાસક ઉર્ફે ટ્રેમાં આવે, ત્યારે એવું લાગે છે જાણે જૂની પરંપરામાં કોઇએ પાનના બીડાની જગ્યાએ પુસ્તક રજૂ કર્યું છે. એ જ પ્રતીક છે ને પડકાર પણ એ જ છે : ખરા બહાદુર હો તો ચહેરા પરની રેખા સુદ્ધાં બદલાય નહીં ને તમારી પોઝિશનમાં પંક્ચર ન પડે એ રીતે પુસ્તકનું પેકિંગ ખોલી બતાવો.

ક્યારેક મંચ પર જેટલા લોકો, એટલાં પુસ્તક પેક કરવામાં  આવે છે, તો ક્યારેક સમુહલગ્ન કે સમુહ યજ્ઞોપવિતના ધોરણે એક જ આવરણમાં બધાં પુસ્તક પેક થાય છે. પેકિંગ એક જ હોય ત્યારે તેને સમારંભની મુખ્ય વ્યક્તિ સમક્ષ રજૂ કરવામાં આવે છે. તે તાસકમાંથી પેકેટ ઉપાડીને હાથમાં લે છે અને એક નજરે તેની પેકિંગ પદ્ધતિ સમજવાનો પ્રયાસ કરે છે--એટલે કે સેલોટેપ ક્યાં અને કેટલી માત્રામાં લગાડેલી છે અને એવાં કયાં ઠેકાણાં હોઇ શકે છે જ્યાં સેલોટેપ અચૂક હશે, પણ પહેલી નજરે દેખાતી નથી-- તેનો ત્વરિત અંદાજ મેળવી લે છે. પછી જ્યાંથી સેલોટેપનો છેડો ઊંચો થવાની સંભાવના સૌથી ઉજળી હોય, ત્યાં એ સર્જિકલ સ્ટ્રાઇક કરે છે. એટલે કે નખના ખૂણાથી એ ભાગને સહેજસાજ ઊંચો કરી જુએ છે. આશાવાદી વિમોચકને લાગે છે કે ‘નખ મારીશું ત્યાં સેલોટેપનો છેડો મળી જશે ને એક વાર એ મળી ગયો પછી તો હું છું ને સેલોટેપ છે..’

પરંતુ  ઘણી વખત ‘પ્રથમ ગ્રાસે મક્ષિકા’ની જેમ પહેલી જ સેલોટેપ હઠીલી પુરવાર થાય છે. ‘આસનસે મત ડોલ’ની પંક્તિ ચરિતાર્થ કરતી એ ટેપ પેકિંગ સાથે એકાકાર થયેલી લાગે છે. એ સંજોગોમાં આજુબાજુ ઉભેલા લોકો ‘રહેવા દો, આમાં તમારું કામ નહીં’ એવો ભાવ વ્યક્ત કરીને કે વ્યક્ત કર્યા વિના, પુસ્તકનું પેકિંગ હાથમાં લે છે. ક્યારેક એવું પણ બને છે કે પહેલી એક-બે સેલોટેપ સહેલાઇથી ઉખડી જાય છે. એટલે અનાવરણ કરનાર માની લે છે કે ‘બસ, હવે તો અહીંથી આમ ખેચું એટલે પેકિંગ છૂટું ને પુસ્તક ખુલ્લું થઇ જશે.’ પણ જીવનની વરવી વાસ્તવિકતા વ્યક્ત કરતું બ્રહ્મજ્ઞાન તેની રાહ જોતું હોય છે.  પેકિંગમાં સેલોટેપનો પહેલો કોઠો ભેદ્યા પછી બીજો કોઠો તૈયાર જ હોય છે. આવું એકાદ-બે વાર થાય એટલે અનાવરણકર્તાને શંકા પડે છે હજુ આવા કેટલા કોઠા ભેદવાના હશે? અને દ્રૌપદીનાં ચીર પૂરતા કૃષ્ણ ભગવાનની કથાની જેમ, આ પુસ્તકના પેકિંગમાં પણ કોઇ અદૃશ્ય શક્તિ ચીર પૂરી રહી છે કે શું? દ્રૌપદીનાં ચીર નીકળ્યાં જ કરે, તો  દુઃશાસન જેવો દુઃશાસન પણ થાકી ગયો હતો. તેની સરખામણીમાં (એકંદરે અને ઘણુંખરું) સારા કહી શકાય એવા અનાવરણકર્તાની શી વિસાત?

જેમને મુખ્ય મહેમાન તરીકે શોભાવ્યા હોય એવા જણની સ્થિતિ હેમ્લેટ જેવી થાય છે : પેકિંગ ખોલવાના પ્રયાસ ચાલુ રાખું? કે આયોજકો સામે ઠપકાસૂચક નજરે જોઇને તેમને પેકિંગ સોંપી દઉં? તેમની આવી દશા જોઇને આજુબાજુવાળા તેમની વહારે આવે છે અને એક-બે જણ તેમના હાથમાં પુસ્તકનો જે ભાગ આવે, તેનું પેકિંગ ખોલવાનો અને ખુલે નહીં તો તેને ખેંચી કાઢવાનો પ્રયાસ કરે છે. એ વખતે મનોમન પેકિંગ કરનારની સાત પેઢીનું પુણ્યસ્મરણ ચાલુ હોય છે. સભાગૃહમાં બેઠેલા અને સંચાલકની ઉઘરાણીને વશ થઇને વારેઘડીએ તાળીઓ પાડતા, એક-બે વાર સ્ટેન્ડિંગ ઓવેશન આપી ચૂકેલા શ્રોતાઓ અનાવરણની પ્રક્રિયા દરમિયાન દર્શકો બની જાય છે અને ‘પેકિંગ વિરુદ્ધ  મંચસ્થ મહાનુભાવો’ની આ રસાકસીભરી મેચમાંથી ભરપૂર મનોરંજન મેળવે છે. કોઇ અવળચંડા તો વળી બે-ચાર મિત્રો સાથે મળીને કટોકટીની આ ક્ષણો દરમિયાન તાળીઓના ગડગડાટ કરે છે. તેનાથી આયોજકોની અને અનાવરકોની ક્ષોભજનક સ્થિતિ વધારે ઘેરી બને છે.

છેવટે પુસ્તકનું પેકિંગ દૂર થાય તે સાથે જ અનાવરણકર્તાઓનાં ચહેરા પર છવાયેલાં તનાવનાં વાદળ વિખરાય છે અને પ્રસન્નતાનો સૂર્ય ઝળહળી ઉઠે છે. એ સાથે જ  અચાનક સભાગૃહમાં અજવાળું લાગવા માંડે છે. પરંતુ મોટા ભાગના લોકો એવું માને છે કે એ ઝળહળાટ પુસ્તક અનાવરણની ફોટોગ્રાફી કરનારા લોકોની કેમેરા ફ્‌લેશનો છે.

Monday, October 10, 2016

મુંબઇની ફિલ્મી દુનિયામાં મુન્શી પ્રેમચંદના (માઠા) અનુભવો

ફિલ્મઉદ્યોગના આરંભથી સાહિત્યકારોનો તેની સાથે નાતો રહ્યો છે. કનૈયાલાલ મુનશી જેવા સાહિત્યકારો માટે ફિલ્મી દુનિયા પોતાના મુખ્ય વ્યવસાય (વકીલાત) સિવાયની, શોખ પોષવાની પ્રવૃત્તિ હતી, જ્યારે બે સર્વકાલીન મહાન વાર્તાકાર મંટો અને પ્રેમચંદના જીવનમાં થોડા સમય પૂરતી ફિલ્મોએ મુખ્ય રોજગારી પૂરી પાડી. ૧૯૩૧માં બોલતી ફિલ્મો શરૂ થઇ ત્યારે નવલકથાકાર તરીકે મુન્શી પ્રેમચંદની ખ્યાતિ જામી ચૂકી હતી. તેનાથી પ્રેરાઇને સૌથી પહેલાં ગુજરાતી ફિલ્મનિર્માતા નાનુભાઇ વકીલે પ્રેમચંદનો સંપર્ક કર્યો અને તેમની નવલકથા સેવાસદનપરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. તેના માટે પ્રેમચંદને રૂ.૭૫૦ ચૂકવવામાં આવ્યા. 
Munshi Premchand/મુન્શી પ્રેમચંદ
પાંચમી ફેબ્રુઆરી, ૧૯૩૪ના રોજ લીલાવતી મુનશીની ઉપસ્થિતિમાં સેવાસદનફિલ્મનું મૂહુર્ત થયું. એ પ્રસંગે ૫૪ વર્ષના મુન્શી પ્રેમચંદ (સંભવતઃ પહેલી વાર) મુંબઇ ગયા અને ત્યાં બાર દિવસ રહ્યા. ફિલ્મના મુહૂર્ત વખતે તેમણે નાનકડું પ્રવચન આપ્યું હતું, જેનું શૂટિંગ કરીને એટલો હિસ્સો ફિલ્મના આરંભે જોડી દેવામાં આવ્યો. ફિલ્મના ટાઇટલમાં તેમનું નામ કથા-સંવાદલેખકતરીકે મુકવામાં આવ્યું હતું.

ત્યાં સુધી બનારસમાં રહીને સાહિત્યસર્જન કરતા મુન્શી પ્રેમચંદના મનમાં ફિલ્મલાઇન સાથે જોડાવાનો કે તેના માટે મુંબઇ જવાનો કોઇ ખ્યાલ ન હતો. પણ હંસઅને જાગરણજેવાં તેમનાં સામયિકો તથા તેમની માલિકીનું સરસ્વતી પ્રેસસતત ખોટ કરતાં હતાં. એવા વખતે ફિલ્મકંપનીનો આગ્રહ તે ટાળી શક્યા નહીં. ૩૦મી એપ્રિલ,૧૯૩૪ના પત્રમાં તેમણે લખ્યું હતું,‘મુંબઇની એક ફિલ્મકંપની મને બોલાવે છે. પગારની વાત નથી, પણ કોન્ટ્રાક્ટ થાય એમ છે. વર્ષના રૂ.૮,૦૦૦. હું એવા તબક્કે પહોંચી ગયો છું, જ્યાં મુંબઇ ગયા સિવાય મારા માટે બે જ વિકલ્પ રહ્યા છે : મુંબઇ જતો રહું અથવા મારી નવલકથાઓ બજારમાં વેચું...કંપનીવાળા હાજરીનો આગ્રહ રાખતા નથી. મને મનમાં આવે તે લખું, મન થાય ત્યાં લખું, તેમના માટે ચાર-પાંચ સીનારીયો લખી આપું. મને થાય છે કે જઇ આવું. ત્યાં એકાદ વર્ષ રહ્યા પછી એવો કંઇક કોન્ટ્રાક્ટ કરી દઇશ કે હું અહીં (કાશીમાં) બેસીને (વર્ષે) ત્રણ-ચાર વાર્તાઓ લખી આપું અને ચાર-પાંચ હજાર રૂપિયા મળતા રહે. તેમાંથી જાગરણઅને હંસબન્ને સામયિકો સરસ રીતે ચાલતાં રહે અને રૂપિયાની તંગી દૂર થાય.

જયશંકર પ્રસાદ જેવા મિત્ર તેમને મુંબઇ ન જવા માટે સમજાવતા હતા, ત્યારે તેમણે જૈનેન્દ્રકુમાર જૈનને લખ્યું હતું,‘મહિને સાતસો-આઠસો રૂપિયા પગાર મળતો હોય તો મુંબઇ જવામાં મને કશો વાંધો નથી. એકાદ-બે વર્ષ એવી રીતે ખેંચીને આવતો રહીશ. હજુ સુધી મેં જવાબ આપ્યો નથી. કંપનીના બે તાર આવી ગયા છે. પ્રસાદજી (જયશંકર પ્રસાદ)ની સલાહ છે કે મારે મુંબઇ ન જવું. તું પણ એવું માનતો હોઉં કે મારે ન જવું જોઇએ, તો હું નહીં જઉં. જૌહરીજી કહે છે કે જવું જ જોઇએ અને ચિરસંગિની ગરીબી પણ કહે છે, ચાલો.

મુન્શી પ્રેમચંદને મુંબઇ બોલાવનાર ફિલ્મ કંપની હતી અજંતા સિનેટોન’. તેના માલિક મોહન ભાવનાની જર્મનીમાં રહ્યા હતા. તેમનો કેટલોક સ્ટાફ પણ જર્મન હતો. સ્ટુડિયોનું ઘણું કામ હિંદી કે ઉર્દુને બદલે અંગ્રેજીમાં જ ચલાવવું પડતું. ત્યાં જોડાવામાટે મુન્શી પ્રેમચંદ ૧લી જૂન, ૧૯૩૪ના રોજ મુંબઇ પહોંચી ગયા. સ્ટુડિયો પરેલમાં આવ્યો હતો, એટલે પ્રેમચંદે સ્ટુડિયોથી નજીક દાદરમાં ઘર રાખ્યું.(૧૮૬, સરસ્વતી સદન, દાદર, મુંબઇ-૧૪) પંદર દિવસ મુંબઇની હવા ખાધા પછી તેમણે  લખ્યું હતું, ‘મકાન લઇ લીધું છે , દાદર હોટેલમાં જમું છું અને પડી રહું છું. આ જુદી દુનિયા છે. અહીંની કસોટી પણ જુદી છે. હજુ તો સમજવાની કોશિશ કરું છું.ઓગષ્ટ સુધીમાં તેમણે બે વાર્તાઓ લખી કાઢી, પણ તેમને સંતોષ ન થયો. ૩જી ઓગષ્ટના પત્રમાં તેમણે લખ્યું હતું,‘સિનેમા માટે વાર્તાઓ લખવાનું અઘરું પડી રહ્યું છે. એવી વાર્તાઓની જરૂર છે, જેને ભજવી શકાય અને જેને ભજવનારા એક્ટરો મળી રહે. ગમે તેટલી સારી વાર્તા હોય, પણ યોગ્ય પાત્ર ન મળે તો અભિનય કોણ કરે? અદ્‌ભૂત (વાર્તાઓ)ની જરૂર હોય એવું મને લાગતું નથી. મારી બન્ને વાર્તાઓ સાધારણ છે.

સપ્ટેમ્બરમાં તેમની મુલાકાત બોમ્બે ટોકીઝના માલિક હિમાંશુ રાય સાથે થઇ. તેમણે પૌરાણિક અથવા સામાજિક સ્ટોરી માટે માગણી કરી હતી. પ્રેમચંદ અજંતા સિનેટોનસાથે કરારબદ્ધ હોવાથી તેમણે પોતાના સાહિત્યકાર મિત્રો સમક્ષ હિમાંશુ રાયની ઓફર જણાવી હતી અને કોઇ વાર્તા હોય તો મોકલી આપવા કહ્યું હતું. 
The Mill
'અજંતા સિનેટોનમાં તેમની વાર્તા પરથી બનેલી પહેલી ફિલ્મ હતી  ધ મિલ’ (ઉર્ફે મજદૂર’).  જયરાજ, બિબ્બો અને નાયમપલ્લીનો અભિનય ધરાવતી આ ફિલ્મ સામે મુંબઇના સેન્સર બોર્ડને વાંધો પડ્યો.  બોલ્ડ દૃશ્યો પ્રત્યે ઉદાર ભાવ રાખતું અંગ્રેજ સેન્સરબોર્ડ રાષ્ટ્રભક્તિથી માંડીને મજૂરએકતા અને સામ્યવાદ જેવા વિષયો પરત્વે બહુ સંવેદનશીલ હતું. મુંબઇમાં અટવાઇ ગયેલી ધ મિલને લાહોરના સેન્સર બોર્ડે પાસ કરતાં ફિલ્મ ત્યાં રજૂ થઇ શકી. દરમિયાન, પ્રેમચંદની નિરાશા વધતી જતી હતી. ૨૮મી નવેમ્બરના એક પત્રમાં તેમણે લખ્યું,‘આ પ્રોડ્યુસરો જે જાતની સ્ટોરી બનાવતા આવ્યા છે, તેમાંથી જરાય ચસકવા માગતા નથી. વલ્ગારીટીને આ લોકો એન્ટરટેનમેન્ટ વેલ્યુ કહે છે. તેમને અદ્‌ભૂત જ ફાવે છે. રાજા-રાણી, તેમના મંત્રીઓનાં કાવતરાં, નકલી લડાઇ, ચૂમાચાટી આ તેમનાં મુખ્ય સાધનો છે. મેં શિક્ષિત સમાજને જોવાનું મન થાય એવી સામાજિક કથાઓ લખી છે, પણ તેની પરથી ફિલ્મ બનાવતાં આ લોકોને અવઢવ થાય છે કે ફિલ્મ ન ચાલે તો? એક વર્ષ તો પૂરું કરવું જ છે. દેવાદાર થઇ ગયો હતો. દેવું ઉતારી દઇશ. પણ બીજો કોઇ ફાયદો નથી...અહીંથી ક્યારે છૂટીને જૂના અડ્‌ડે જતો રહું એવું થાય છે. ત્યાં રૂપિયા નથી, પણ સંતોષ છે. અહીં તો લાગે છે કે જીવન વેડફી રહ્યો છું. ૨૩મી ડિસેમ્બરના એક પત્ર-ઇન્ટરવ્યુમાં સિનેમા વિશેના સવાલનો જવાબ આપતાં તેમણે લખ્યું,‘સિનેમામાં સાહિત્યિક વ્યક્તિ માટે કોઇ જગ્યા નથી. હું આ લાઇનમાં એ વિચારે આવ્યો હતો કે આર્થિક રીતે સ્વતંત્ર થવાનો મોકો મળશે, પણ હવે મને સમજાયું છે કે એ મારો ભ્રમ હતો.

ધ મિલજોઇને જૈનેન્દ્રકુમાર જૈન નિરાશ થયા અને તેમણે પોતાનો પ્રામાણિક અભિપ્રાય પ્રેમચંદને લખ્યો. તેના જવાબમાં ૭મી ફેબ્રુઆરી, ૧૯૩૫ના રોજ તેમણે લખ્યું,‘ફિલ્મોમાં મને સંતોષ મળ્યો નહીં. સંતોષ તો ડાયરેક્ટરોને પણ મળતો નથી, છતાં એ બીજું કંઇ કરી શકતા નથી એટલે જખ મારીને પડી રહ્યા છે. હું બીજું કંઇક કરી શકું છું- મજૂરી પણ કરી શકું છું, એટલે હું ત્યાંથી નીકળી રહ્યો છું. હું જે પ્લોટ વિચારું છું તેમાં આદર્શવાદ ઘૂસી જાય છે અને મને કહેવામાં આવે છે કે તેમાં એન્ટરટેનમેન્ટ વેલ્યુનથી. એમની વાત હું માનું છું. મને માણસો પણ એવા મળ્યા, જે નથી હિંદી જાણતા, નથી ઉર્દુ. અંગ્રેજીમાં અનુવાદ કરીને તેમને કથાનો મર્મ સમજાવવો પડે છે. એવી રીતે કામ થતું નથી. મારા માટે જૂની લાઇન જ બરાબર છે. જે લખવાનું મન થયું તે લખ્યું.


આખરે, પોતાનો મે, ૧૯૩૫ સુધીનો કોન્ટ્રાક્ટ પૂરો થાય તે પહેલાં, ૨૫મી માર્ચના રોજ મુન્શી પ્રેમચંદ ફિલ્મી દુનિયા અને મુંબઇ છોડીને પાછા બનારસ આવી ગયા અને ૧૯૩૬માં માંડ ૫૬ વર્ષની વયે આ દુનિયામાંથી વિદાય લીધી.