Saturday, October 15, 2016

સૈન્ય અને ક્રિકેટટીમ વચ્ચેનો ફરક

ક્રિકેટના પ્રેમી તરીકે આપણને ટેવ છેઃ ઘરમાં ટીવી જોતાં જોતાં આપણી વિકેટ જાય ત્યારે હાયકારો નીકળી જાય ને આપણો ખેલાડી ચોગ્ગાછગ્ગા મારે ત્યારે શેર લોહી ચઢે, ત્રિરંગો લહેરાવવાનું મન થાય..અને એમાં પણ સામે પાકિસ્તાન હોય તો? બન્ને પક્ષે કેટલાક ચાહકોને એવું જ લાગે, જાણે બેટ-બોલથી યુદ્ધ ચાલી રહ્યું છે. એટલે જ, ખરેખર સૈનિક કાર્યવાહી થાય ત્યારે ક્રિકેટમેચ અને સર્જિકલ સ્ટ્રાઇક વચ્ચે ફરક પાડવો જરૂરી બની જાય છે.

એમના બોલરે આપણી વિકેટ લીધી? હવે આપણા બેટ્સમેને ચોગ્ગો-છગ્ગો મારીને બતાવી આપવું જોઇએ.. એ એક વાત છે અને સરહદ પર થતી સામસામી આપ-લે સાવ જુદી વાત છે. ક્રિકેટમેચમાં દરેક તબક્કે બેટ્સમેન-બોલરે શું કરવું જોઇતું હતું, તેની ચર્ચા કરનારામાંથી ઘણાને મેદાનમાં થર્ડ મેન ક્યાં ને ચાઇનામેન એટલે શું એની ખબર નથી હોતી—એ જાણવાની જરૂર પણ નથી લાગતી. છતાં ઘણી વાર તો તે રમત સાથે ખેલાડીઓ કરતાં પણ વધારે ઓતપ્રોત થઇ ગયા હોય એવું લાગે. સરહદ પરની વાસ્તવિકતા જુદી હોય છે. છતાં, એને મેચ ગણવી હોય તો એ અમ્પાયર વગરની (ક્યારેક થર્ડ અમ્પાયર ધરાવતી) મેચ હોય છે. તેમાં પ્રેક્ષકો ન હોય એ જ પ્રેક્ષકોના અને બન્ને પક્ષોના હિતમાં છે.

સૈન્ય જેવી ગંભીર બાબત સાથે લોકલાગણી અને ફિલ્મી દેશભક્તિની ભેળસેળ થાય ત્યારે કેવી છીછરી અને હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાય, એ વાઘા સરહદે ચાલતા સાંજના કાર્યક્રમના આધારે જોઇસમજી શકાય છે. વાઘા સરહદે પાછળ દેશભક્તિનાં ગીત વાગતાં હોય અને મેળા જેવો માહોલ હોય છે. ચોક્કસ સમય થયે બન્ને બાજુએ જવાનો લશ્કરી ઢબે કવાયત કરે અને તેમાં જુસ્સો દેખાડવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરે ત્યારે સ્ટેડિયમમાં હોય તેવી ખુરશીઓમાં બેઠેલું ઓડિયન્સ એ જોશને દેશભક્તિનો સાક્ષાત્ નમૂનો ગણીને ચિચિયારીઓ કરે છે—બરાબર ક્રિકેટમેચના અંદાજમાં. એ ઓડિયન્સને લશ્કરી બાબતોથી દૂર જ રાખવા જેવું છે.

સર્જિકલ સ્ટ્રાઇક જેવી લશ્કરી કાર્યવાહી થાય ત્યારે સામાન્ય જનતાને નિર્ણાયકની તો શું, ઓડિયન્સની ભૂમિકામાં પણ બેસાડવા જેવી નથી. કારણ કે આ ઓડિયન્સને દરેક ચીજમાં મનોરંજન ખપે છે. તેમને એ પણ સમજાતું નથી કે એ જેને પોતાની દેશભક્તિ ગણીને રાજી થાય છે, તે ખરેખર ફિલ્મી મનોરંજનની આદતને કારણે ઉભી થયેલી અપેક્ષા છે અને એ અપેક્ષા સંતોષાવાથી તેમને ફિલ્મમાં હીરોની ફાઇટિંગ ચાલતી હોય એવી કીક આવે છે. આખી પરિસ્થિતિ સાથે સંકળાયેલી વાસ્તવિકતા અને તેના ઘેરાપણાનો-કરુણતાનો-અમાનવીયતાનો અંદાજ થોડા લોકોને આવે છે.

એનડીએ સરકારની સર્જિકલ સ્ટ્રાઇકની સૈન્ય દ્વારા જાહેરાત કરાયા પછી, મિડીયાએ તેને દિલધડક ફિલ્મી પેકેજિંગમાં રજૂ કરી, જેથી ઓડિયન્સની મનોરંજનભૂખ સંતોષાય અને તેમને દેશપ્રેમનો ઓડકાર આવે. સર્જિકલ સ્ટ્રાઇક અંગેની વ્યાપક પ્રતિક્રિયા ફિલ્મ અને ક્રિકેટની ઘેલછાના વિસ્તાર જેવી હતી. મંત્રીઓ અને ભાજપી નેતાઓએ પણ આ ઘેલછાનો કસ કાઢવામાં કશું બાકી ન રાખ્યું. વાત એટલી વધી કે સંયમ માટે જાણીતા નહીં એવા વડાપ્રધાને તેમને કહેવું પડ્યું કે મૂંગા મરો.

અને હવે ઓપરેશન જિન્જરની વિગતો પ્રકાશમાં આવી છે. વર્ષ 2011માં યુપીએ સરકારના રાજમાં થયેલી આ સર્જિકલ સ્ટ્રાઇકને લગતા કેટલાક દસ્તાવેજ પણ ધ હિંદુમાં પ્રગટ થયા છે. એ વખતે પાકિસ્તાની સૈન્યે કેટલાક ભારતીય સૈનિકોનાં માથાં કાપી નાખવા જેટલું ઘાતકીપણું દાખવ્યું હતું. (તેના માટે જંગાલિયત કે પાશવતા જેવા શબ્દો યોગ્ય નથી. કારણ કે તેનાથી જંગલમાં રહેતા લોકોને કે પશુઓને અન્યાય થાય એમ છે) દેશભરમાં હાહાકાર મચ્યો. એ વખતે વિપક્ષી નેતા એવા નરેન્દ્ર મોદી સહિત બીજા ઘણાએ માથાં સાટે માથાં બૂમરાણ મચાવ્યું. આ બનાવ વિશે જાણીને દુઃખ થાય ને પછી ગુસ્સો આવે, એ માનવસહજ છે. પરંતુ એ ગુસ્સા અને દુઃખની લાગણીને પોતાના રાજકીય લાભ માટે વાપરી લેવાં, એ જરાય માનવીય નથી. એ સદંતર નેતાસહજ છે.

પ્રકાશમાં આવેલા દસ્તાવેજો પ્રમાણે, એ વખતની (યુપીએ) સરકારે જવાબી કાર્યવાહી તરીકે ઓપરેશન જિન્જરના આયોજનને મંજૂરી આપી. તેમાં પહેલાં ક્યાં હુમલો કરવો તેની બરાબર તપાસ કરવામાં આવી, પછી ભારતીય સૈન્યટુકડીઓએ અંકુશરેખા ઓળંગીને પાકિસ્તાનની હદમાં ઘૂસીને, પાકિસ્તાની સૈનિકોને માર્યા અને પાકિસ્તાનના ઘાતકીપણાનો એટલા જ ઘાતકીપણા સાથે વળતો જવાબ આપતાં --- પાકિસ્તાની સૈનિકોનાં માથાં કાપી લીધાં.

અત્યાર લગી આ જાહેર ન થયું તે જ સારું હતું. કારણ કે માથાં કાપવાની ઘટનાઓને આપણે આઇસીસનાં રાક્ષસી કૃ્ત્યો સાથે સાંકળતા હોઇએ અને એ જ વાત, ભલે પાકિસ્તાની ઘાતકીપણાના જવાબ તરીકે, આપણા સૈન્ય માટે વાંચવા મળે ત્યારે માણસ તરીકે આનંદ થતો નથી. એવું લાગે છે જાણે આપણે આંખ સાટે આંખના સદીઓ જૂના હિંસક જમાનામાં પહોંચી ગયા હોઇએ. સૈન્યની કાર્યપદ્ધતિના અને સરહદી વાસ્તવિકતાઓના જાણકારો કહી શકે છે કે ત્યાં તો આવું બધું ચાલતું જ હોય છે. એ આપણા સુધી પહોંચતું નથી એટલું જ. અથવા પોતાના સાથીદારોનાં માથાં કપાયેલાં શરીર મળ્યા પછી સૈન્યનો જુસ્સો ટકાવી રાખવાનો પણ તકાદો હોય છે. એ વખતે માનવતાની કે સભ્યતાની ફૂટપટ્ટી લઇને ન બેસાય.

તેમની દલીલમાં તથ્ય હોઇ શકે છે. નાગરિકશાસ્ત્રના ઘણા નિયમ સરહદો પર અને સશસ્ત્ર સંઘર્ષમાં લાગુ પડતા નથી, એ હકીકત છે. પરંતુ એટલું તો થઇ જ શકે કે સરહદ પર આવું જે કંઇ થાય, તેનાથી નાગરિકોને દૂર જ રાખવામાં આવે. કારણ કે, મોટા ભાગના નાગરિકો સરહદ પરની વાસ્તવિકતા, ત્યાં ફરજ બજાવતા સૈનિકોની માનસિકતા, લશ્કરનાં આંતરિક સમીકરણો, રેજિમેન્ટોના ગૌરવભાન જેવી ઘણી બાબતોથી અજાણ હોય છે. અનેક સ્તરીય વાસ્તવિકતાને તે ક્રિકેટમેચ કે ફિલ્મ જેવા સરળીકૃત સ્વરૂપમાં જુએ છે અને હરખાય છે. ઓપરેશન જિન્જરની વિગતો પરથી લાગે છે કે મજબૂરીથી અથવા પુખ્તતાથી પ્રેરાઇને યુપીએ સરકારે તે સમયે આ માહિતી જાહેર ન કરી, એ ડહાપણભર્યું પગલું હતું. લોકોમાં રહેલી અણસમજ અને આદિમ વૃત્તિઓના સ્ફોટક સંયોજનને સરકાર તરફથી પ્રોત્સાહન ન અપાય. ખરેખર તો મીડિયા તરફથી પણ ન અપાવું જોઇએ. પરંતુ મીડિયાને આ જ ઓડિયન્સ વચ્ચે રહીને ધંધો કરવાનો છે,તો નેતાઓને આ જ લોકો પાસેથી મત મેળવવાના છે. ત્યાં અણસમજ અને આદિમ વૃત્તિઓના વિસ્ફોટની ચિંતા કોણ કરે?

ઓપરેશન જિન્જરની ગુપ્તતા હોય કે થોડા સમય પહેલાં થયેલી સર્જિકલ સ્ટ્રાઇકની જાહેરાત, બન્નેમાંથી લેવાનો બોધપાઠ તો એ છે કે આપણી પ્રજા પાસે ધર્મ, સંપ્રદાય, વ્યક્તિપૂજા જેવાં ઘણાં અફીણ પહેલેથી મોજૂદ છે. તેમાં સરહદ પરના લશ્કરી કાર્યવાહીના ફિલ્મી ઢબે વર્ણનનો નશો ઉમેરવા જેવો નથી. નાગરિકો એ નશામાં મત્ત બનશે, તો એ લોકશાહી શાસકોની સફળતાઓ અને નિષ્ફળતાઓ વિશે વિચારવાને બદલે, લશ્કરી કાર્યવાહીઓની જાહેરાતોમાં જ લોકશાહી નેતાગીરીની સાર્થકતા અનુભવતા થઇ જશે. 

1 comment:

  1. 'ઘેલસાઘરાંઓનાં ગામ નો વસે' એ કહેવત હમણાં હમણાં સમજાવા લાગી છે. આવાંઓનો તો આખો દેશ વસે!

    ReplyDelete