Tuesday, October 18, 2016

મુસ્લિમો માટે મનોમંથનની તક

ટ્રિપલ તલાકના મુદ્દે ફરી એક વાર મોરચા મંડાયા છે. એક તરફ સરકાર અને અદાલત છે, તો બીજી તરફ ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડ જેવી સંસ્થાઓ અને મુસ્લિમ રૂઢિચુસ્તો. આ તબક્કે લઘુમતી’, ‘પર્સનલ લૉ’, ‘સેક્યુલારિઝમકે રાષ્ટ્રવાદજેવા જૂના અને જાણીતા ખાંચામાં પીન અટકાવી દીધા વિના, નાગરિક તરીકે કેટલાક પાયાના મુદ્દા વિચારવા જેવા લાગે છે.

સૌથી પહેલી વાત મુસ્લિમોના લઘુમતીતરીકેના દરજ્જાની.  ભારતમાં મુસ્લિમો ટકાવારીની રીતે લઘુમતીમાં છે. ૨૦૧૧ની વસતી ગણતરીમાં હિંદુઓ (૭૯.૮ ટકા)ની સરખામણીમાં મુસ્લિમોની ટકાવારી  ૧૪.૨ ટકા નોંધાઇ હતી. પરંતુ આ ટકાવારી સવા અબજની વસ્તીને લાગુ પડે છે એ યાદ રાખવું જોઇએ. ભારતમાં મુસ્લિમોની કુલ વસ્તી ૧૭.૨૨ કરોડ છે, જે આખા પાકિસ્તાનના મુસ્લિમોની કુલ વસ્તી કરતાં થોડીક જ ઓછી છે. (પાકિસ્તાનમાં છેલ્લી વસ્તી ગણતરી ૧૯૯૮માં થઇ હતી. ત્યાર પછીનાં ૧૮ વર્ષમાં વસ્તી ગણતરીનું ઠેકાણું પડ્યું નથી. એટલે અંદાજે આંકડાથી જ ચલાવવાનું રહે છે.)

લઘુમતી સમુદાયોને પોતાના વિશિષ્ટ સામાજિક રિવાજો જાળવી રાખવાની ચિંતા હોય અને બહુમતીના સ્ટીમરોલર તળે તે કચડાઇ ન જાય તેનો ઉચાટ પણ હોય. જેમ કે, ભારતમાં જૈનોની વસ્તી માંડ ૦.૪ ટકા છે અને પારસી વસ્તી ટકાવારીમાં માપી શકાય નહીં એટલી ઓછી છે. ધાર્મિક-સામાજિક રિવાજોની બાબતમાં તેમનું આગ્રહીપણું અને અસલામતી સમજાય એવાં છે. (તેનું વાજબીપણું જુદી ચર્ચાનો વિષય છે) પોતીકી સંસ્કૃતિ કે લાક્ષણિકતાઓ કે ધાર્મિક રીતરિવાજ લુપ્ત થઇ જવાની શક્યતા પારસીઓ માટે કાલ્પનિક નહીં, વાસ્તવિક છે.

પરંતુ પારસી-જૈન તો ઠીક, ખ્રિસ્તી (ભારતમાં વસ્તીનું પ્રમાણ ૨.૩ ટકા) અને શીખ (૧.૭ ટકા) સાથે આશરે ૧૪ ટકા વસ્તી ધરાવતા મુસ્લિમ સમાજની સરખામણી યોગ્ય ગણાય? ટકાવારીની રીતે એ લઘુમતી હોવા છતાં, તેમના અસ્તિત્ત્વ સામે કે રીતરિવાજો સામે કોઇ ખતરો છે? આ સવાલ મુસ્લિમોએ પોતાની જાતને પૂછવાનો છે. સંખ્યાની રીતે વિશ્વમાં મુસ્લિમોની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં ઇન્ડોનેશિયા અને પાકિસ્તાન પછી ભારતનો નંબર આવે છે. એટલે કે, ભારતમાં મુસ્લિમોની લઘુમતીફક્ત ટકાવારીમાં જ છે.  ૧૭ કરોડ જેટલી મજબૂત સંખ્યા ધરાવતા મુસ્લિમોએ તેનો માનસિક ભાર શા માટે વેંઢારવો જોઇએ?

લઘુમતીતરીકેની માનસિકતા વૈચારિક ખુલ્લાશને રોકે છે, સમાજસુધારાને અટકાવે છે, આક્રમક રૂઢિચુસ્તતાને પ્રોત્સાહન આપે છે અને રાજકીય તકવાદને મોકળું મેદાન પૂરું પાડે છે. કાલ્પનિક ભય કેવળ લઘુમતીમાં નહીં, વધુમતીમાં પણ ઊભો કરી શકાય. ભાજપ-સંઘ પરિવારનું રાજકારણ તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રકારના રાજકારણનું પરિણામ પણ આગળ જણાવ્યું એવું જ છે : ખુલ્લાશને બદલે રૂઢિચુસ્તતાનો વ્યાપ અને ધર્મના રાજકારણને મોકળું મેદાન. ભારતમાં નથી ઇસ્લામ ખતરામાં કે નથી ૭૯ ટકા હિંદુઓને દબાવીને તેમની પર ૧૪ ટકા મુસ્લિમો તેમની પર રાજ કરવાના. પરંતુ આટલી વાત સામાન્ય હિંદુ કે સામાન્ય મુસ્લિમને સમજાઇ જાય, તો પછી તેમનામાં ધીક્કાર, અસલામતી અને શંકા પ્રેરીને પોતાના રોટલા શેકતા નેતાઓનું-રાજકીય પક્ષોનું શું થાય? તેમની દુકાનો શી રીતે ચાલે?

મુસ્લિમ સમુદાયના સામાજિક પછાતપણાના આંકડા વાસ્તવિક અને ચિંતાજનક છે--ફક્ત મુસ્લિમ સમુદાય માટે જ નહીં, સમગ્ર સમાજ માટે. ભારતમાતાકી જયની ચીચીયારીઓ પાડનારાથી માંડીને દેશભક્તિનાં પ્રમાણપત્રો વહેંચવા આતુર સૌએ યાદ રાખવું પડે કે ૧૪ ટકા મુસ્લિમોને સામાજિક રીતે પછાત રાખીને દેશ સુપરપાવર બની શકવાનો નથી. મુસ્લિમોએ સમજવાનું છે ઇસ્લામ નહીં, તેમની સામાજિક સ્થિતિ ખતરામાં છે. તેનો ઇલાજ ધર્મમાંથી નહીં જડે અને જો એનો ઇલાજ પણ ધર્મમાંથી (ધાર્મિક સંસ્થાઓની સખાવતો વગેરે દ્વારા) શોધવાનો પ્રયાસ કરવામાં આવશે, તો સમૃદ્ધિ ને ભણતર આવી જશે, પણ ધાર્મિક રૂઢિચુસ્તતા પીછો નહીં છોડે. આવી રૂઢિચુસ્તતા હશે ત્યાં સુધી શિક્ષણ અને સંપત્તિથી પણ માનસિક અસલામતી દૂર નહીં થાય.

અહીં એક સ્પષ્ટતા જરૂરી છે : ઇસ્લામના અભ્યાસીઓ કહે છે કે એ માત્ર ધર્મ નથી, પણ જીવન જીવવાની રીત છે.આવું જ વિધાન સર્વોચ્ચ અદાલતે હિંદુ ધર્મ માટે પણ કરેલું છે. બીજા ધર્મના અનુયાયીઓનો પણ આવો દાવો હોઇ શકે છે. આ જાતના દાવા ધર્મના હાર્દ માટે સાચા હોઇ શકે, પણ જે હૂંસાતૂંસી ચાલે છે તે ધર્મના હાર્દ સુધી પહોંચવાની છે કે કોની ધાર્મિકતા’ (ધર્મનો દેખાડો) ચડિયાતી, એ બતાવવાની? આવા વાતાવરણમાં જીવન જીવવાની રીતવાળો દાવો ઘણી વાર અનિષ્ટનું મૂળ બની રહે છે અથવા તેનો ભરપૂર દુરુપયોગ કરવામાં આવે છે. તેની અંતર્ગત જીવનને સ્પર્શતાં નાનામા નાના પાસાને ધર્મનું લેબલ લગાડી દેવામાં આવે છે અને સદંતર દુન્યવી વિવાદોને ધાર્મિકઅથવા બે ધર્મો વચ્ચેની તકરારસ્વરૂપે રજૂ કરવામાં આવે છે.

આ પરિસ્થિતિ રાજકીય પક્ષો માટે અત્યંત ફળદ્રુપ છે.  રક્ષણહારની જરૂર પડે તો જ તેમનો ભાવ આવે. આઝાદી પછીનાં વર્ષોમાં કૉંગ્રેસ મુસ્લિમોના રક્ષણહારની ભૂમિકામાં રહી. એ દરમિયાન તેણે શું કર્યું? મુસ્લિમ સમાજના પ્રગતિશીલ લોકોને બાજુ પર રાખ્યા અને રૂઢિચુસ્ત નેતાગીરીને આગળ કરી. મુસ્લિમોને સામાજિક રીતે આગળ લાવવાને બદલે અને આ દેશના સરખેસરખા નાગરિક તરીકેની ભૂમિકામાં મૂકી આપવાને બદલે, તેમને લઘુમતીની ધાર્મિક ઓળખમાં કેદ રાખ્યા. કોઇ પણ સમુદાયમાંથી વોટ બેન્ક ઊભી કરવી હોય તો તેમાં રહેલા પ્રગતિશીલ લોકોને થોડા આગળ કરાય? વિચારતા લોકોનો પ્રભાવ સમાજ પર ધીમે ધીમે અને મર્યાદિત ઢબે પડે. (ભાજપ-શિવસેના જેવો) કયો હિંદુ પક્ષ કોઇ બિનકોમવાદી, પ્રગતિશીલ,સર્વધર્મસમભાવમાં અને નાગરિકમૂલ્યોમાં માનતા માણસોને નેતા તરીકે આગળ કરશે? તેની સરખામણીમાં અસલામતી અને ધીક્કાર પેદા કરવાનું સહેલું પડે. પછી દેશનું જે થવાનું હોય તે થાય.

મુસ્લિમોમાં રહેલા પ્રગતિશીલ લોકોની મૂંઝવણ એ છે કે મુસ્લિમ સમુદાય તેમને પોતાનાગણતો નથી અને હિંદુઓ તેમને મુસ્લિમગણે છે. પોતાની જાતને ઉદારગણતા કેટલાક હિંદુઓ તો વળી એવાં વખાણપણ કરે છે, ‘ફલાણો મુસ્લિમ છે, તો પણ કેટલો સારો છે.અથવા એ મુસ્લિમ છે, પણ જરાય ખબર જ ન પડે, બોલો.આમ કહેવાથી વખાણ થતાં નથી, બલ્કે પોતાની અંદર રહેલો ભેદભાવ પ્રગટ થઇ જાય છે, એવું તેમને કોણ સમજાવે? સામે પક્ષે, રૂઢિચુસ્ત ન હોય એવા મુસ્લિમોએ પ્રગતિશીલ દેખાવા માટે ભાજપમાન્ય હિંદુકે સંઘમાન્ય દેશભક્તથવાની જરૂર નથી. મુસ્લિમો માટે અપાતાં અબ્દુલ કલામ જેવાં રોલમૉડલ પણ સરવાળે કોમવાદી પ્રચારનું બળતણ બની રહે છે. તેમાંથી નીકળતો સૂર એવો છે કે તમે દેશ માટે કશુંક આટલું દેખીતું ને આટલું મોટું ન કરો, ત્યાં સુધી તમારી દેશભક્તિ શંકાના દાયરામાં જ રહેવાની.

કોઇ પણ સામાન્ય મુસ્લિમ કંઇ પણ વધારાનું કે વિશેષ કર્યા વિના, બીજા કોઇ પણ જેટલો જ ભારતનો નાગરિક છે. લડત હોય તો આ દરજ્જા માટેની હોઇ શકે--આંકડાકીય લઘુમતીરૂપી અસલામતી અને અવિશ્વાસના કિલ્લામાં કેદ રહેવાની નહીં.

4 comments:

 1. આપે રજુ કરેલ દરેક તર્ક સાથે સહમત છું. છતાં વિચાર આવે છે કે કોંગ્રસ સત્તા પર હતી ત્યારે આપને આવો લેખ લખવાનું કેમ સુઝ્યું નહિ? કહેવાતા મુસ્લિમ વિરોધી, કોમવાદી પક્ષની સરકાર આવતાં સમાજમાં ભાગલા પડી જવાની દહેશત દર્શાવાઈ હતી એની જગ્યાએ દરેક સમાજની બદીઓ વિષે છણાવટ થતી જોઈ હર્ષ અનુભવું છું!

  ReplyDelete
 2. Very well balanced article

  ReplyDelete
 3. સાહેબ ,
  તટસ્થ પણે લખવાની હિમ્મત ને હું અંગત રીતે
  પાકિસ્તાન ઉપર હુમલો કરવાની હિમ્મત કરતા
  વધારે હિમ્મતનું કામ માનુ છું પ્રવર્તમાન સમયમાં
  તો મેં કહ્યું તેમાં કોઈ અતિરેક નથી.
  'લઘુમતી' પૂર્વ ગ્રહ વળી માનસિકતા બાબતે આપના
  વિચારો સાથે હું 100 % સહમત છું .
  વિવાદ નું મૂળ ટોપિક ટ્રિપલ તલાક મામલે ઉઠેલા વિવાદમાં રૂઢિચુસ્તતા, સામાજિક ,સાંસ્કૃતિક વારસા,
  રીતરિવાજો ભૂંસાઈ જવાના ડર કરતા
  આ વિવાદ છેડવા વાળા કોણ છે ?
  કેવા સમયે વિવાદ છેડવા માં આવ્યો છે ?
  મૂળ વિવાદ ત્રણ તલાક , એટલે કે મુસ્લિમ મહિલાઓ
  ને થતો કથિત અન્યાય દૂર કરવા ના બહાને
  મુસ્લિમ મહિલાઓની વ્હારે આવેલી વિચારધારા નો આ
  બહાને હેતુસિદ્ધિ નો મકસદ શું છે ?
  સમાન સિવિલ કોડ ના બહાને ક્યાં હેતુ સિદ્ધ કરવાના છે ?
  તે મહત્વ નું છે ,
  વિવાદ છેડીને દેશના ધાર્મિક માહોલ ને બગાડનારા કોણ છે ?
  અને તેનો હેતુ શું છે ?
  આટલું જાણીયે તો બધું સમજાય જાય
  ટૂંક માં કહીએ તો ધર્મની બાબતમાં રાજકીય દખલગીરી
  કરીને 'લઘુમતી' પૂર્વગ્રહ મજબૂત બનાવવા, લઘુમતી ના ધાર્મિક ગ્રંથો નો અભ્યાસ ન કર્યો હોય તેવા , ત્રણ તલાક ઇસ્લામિક સરિયત પ્રમાણે કેવા સંજોગોમાં અને કઈ પધ્ધતિથી તલાક આપવા ની રીત થી બિલકુલ અજ્ઞાન લોકો આ બાબતે લાંબા લેખો લખતા , લાંબા ભાષણો આપવા મેદાને પડ્યાં છે હેતુ સ્પષ્ટ છે પરંતુ વાચકોને મૂળ હેતુ મૂળ સ્વરૂપમાં દેખાવો જરૂરી છે .
  આપે સ્વ અનુભવ વગર બીજી એક વાત ઉજાગર કરી છે તે પણ કાબિલે તારીફ છે = (મુસ્લિમોમાં રહેલા પ્રગતિશીલ લોકોની મૂંઝવણ એ છે કે મુસ્લિમ સમુદાય તેમને ‘પોતાના’ ગણતો નથી અને હિંદુઓ તેમને ‘મુસ્લિમ’ ગણે છે.)
  આ બાબતે મારા જીવન દરમિયાન એક મનુષ્ય તરીકે કરેલા અનુભવોનું મોટું ભાથું છે , જે દરેક બાબતો રજુ કરવી અહીં અસ્થાને છે,
  પરંતુ 'લઘુમતી' પૂર્વગ્રહ ન હોય તો પણ અન્યાય પામતો લઘુમતી
  લઘુમતી વાળા પૂર્વગ્રહ ની બહાર રહીને પણ 'લઘુમતી' શબ્દ નો શિકાર બને છે તે પણ હકીકત છે,
  આપણે ત્યાં બચપણ થી
  "એ 'બાઘડો' આવ્યો છાનો રહી જા"
  "એ બાવો આવ્યો ચૂપ થઇ જા"
  ની માનસિકતા કેળવવામાં આવે છે
  તે જીવન પર્યાય
  ત્રાસવાદી 'બાઘડા' અને
  પાકિસ્તાની 'બાવા' ની જુબાની માં ડરતા રહેવા શીખવાડાય છે
  એ 'ત્રાસવાદી' કે 'પાકિસ્તાન' ની પાછળનો મૂળ 'ઓળખ ભાવ'
  લઘુમતી (મુસ્લિમ ) હોય છે. આ ઓળખ ઉભી કરનાર લોકો નો હેતુ રાજકીય હોય છે। છતાં આમ બનવાથી લઘુમતી મુસ્લિમો પ્રત્યે ની
  દ્રષ્ટિ અલગ કેળવાય છે
  આ બાબતે હિતશત્રુઓ ની જીત પાછળ મુસ્લિમ લઘુમતીઓ ની
  નાસમજ , નિષ્ક્રિયતા અને પોતાને દુશ્મન સમજતા સમૂહના
  દુશ્મનો ને દુશ્મન નો દુશ્મન મિત્ર સમજવાની નીતિ જવાબદાર છે

  ReplyDelete
 4. Introspection issue of Muslims is 100%. Is Government willing to allow Muslims without any interference. If statistics of 1% Muslim women who may be victims then what about 99% Muslim women whose gender justice alongwith justice to many is pending especially all riot victims. I think BJPs move is politically for polarization. What about reforms within other religious communities such as dowry, girl babies murder in the womb of mother. What is the stastic! We do agree 1%Muslim women may be vctims what about the grave percentage of other coreligionists and Hindu women who are victims of male patriarchial society? In majority cases of Talaq required procedure of reconciliation and correction is done from both sides.

  ReplyDelete