Wednesday, October 26, 2016
લડાઇની ખાઇ, વ્યક્તિઓની ઊંચાઇ
ભારત-પાકિસ્તાન વચ્ચેનાં યુદ્ધો અને
બીજા સંઘર્ષ એટલા નક્કર છે કે ગમે તેટલા શાંતિપ્રેમી હોય તે પણ ઐતિહાસિક તથ્યનો
ઇન્કાર કરી શકે નહીં : કારગીલયુદ્ધ અડઘું ગણીએ તો બન્ને દેશો વચ્ચે સાડા ત્રણ
યુદ્ધો થઇ ચૂક્યાં છે. એ સિવાયનો તનાવગ્રસ્ત સમયગાળો પણ નાનો નથી. જેની સાથે આવા
સંબંધ હોય એ દેશ સાથે કોઇ મૈત્રીની તો ઠીક, શાંતિની વાત કરે તો પણ ‘રાષ્ટ્રદ્રોહી’ ગણાઇ
જાય, એવું વાતાવરણ હોય છે.
પરંતુ દેશપ્રેમના ઉત્સાહમાં અને સૈન્ય
કાર્યવાહીના મોહમાં દેશ તથા વ્યક્તિ વચ્ચેનો ફરક પાડવાનું જરૂરી બની જાય છે.
સામાન્ય સંજોગોમાં આ તફાવત સૈદ્ધાંતિક હોવાથી, એ ફક્ત ‘આદર્શવાદી વાત માટે સારો’ જણાય.
આવી વાત કરનારને એવો પણ ટોણો મારવામાં આવે કે ‘એ તો તમારું કોઇ યુદ્ધમાં ગયું
હોય તો તમને ખબર પડે. એમ ને એમ બધું ડહાપણ ડહોળવું સહેલું છે.’ વિચારવાની
આ રીત ‘આંખનો બદલો આંખથી’
અથવા ફિલ્મી ભાષામાં કહીએ તો ‘ખૂનકા બદલા ખૂન’થી
લેવાની છે. એ સાચી નથી,
પણ માનવસહજ છે. મુશ્કેલી ત્યારે થાય છે, જ્યારે
આ રીતને એકમાત્ર સાચી અને દેશપ્રેમના
પુરાવા જેવી રીત ગણાવવામાં આવે છે.
પરંતુ જેમણે પોતાનું સ્વજન યુદ્ધમાં
ખોયું હોય, એ પોતે ‘આદર્શ’ની વાત કરે અને એવો વ્યવહાર કરે ત્યારે? પાંચેક
વર્ષ પહેલાં આવા બે કિસ્સા પ્રસાર માધ્યમોમાં છવાયા હતા અને પછી ભૂલાઇ પણ ગયા.
વર્તમાન સંજોગો એ પ્રસંગો ફરી યાદ કરવા જેવા છે. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે
કચ્છ સરહદે એક સાદું, બીચક્રાફ્ટ પ્રકારનું વિમાન પાકિસ્તાને તોડી પાડ્યું હતું. તેના પાઇલટ
જહાંગીર એન્જિનિયર ઉપરાંત વિમાનમાં સવાર ગુજરાતના મુખ્ય મંત્રી બળવંતરાય મહેતા, તેમનાં
પત્ની સરોજબહેન, ગુજરાતી પત્રકાર કે.પી.શાહ અને બીજા ત્રણ સાથીદારો મૃત્યુ પામ્યા. કાળો કેર
મચ્યો. બિનલશ્કરી વિમાન પર આવા હુમલાથી ભારતીયોના મનમાં રોષ અને કડવાશ પેદા થયાં.
આ ઘટના ગુજરાતની-ભારતની તવારીખમાં કાળા અક્ષરે લખાઇ ગઇ.
એ બનાવના ચાર દાયકા પછી પાકિસ્તાન એર
ફોર્સના એક નિવૃત્ત અફસરે કયા સંજોગોમાં એ વિમાન તોડી પાડવામાં આવ્યું તેનું વિગતે
વર્ણન કરીને ઘટના તાજી કરી. એ વાંચીને વિમાનને તોડી પાડનાર પાકિસ્તાની ફાઇટર પાઇલટ
કૈસ હુસૈને પહેલ કરી, તેમણે કેટલાક સંપર્કની મદદથી બીચક્રાફ્ટના ભારતીય પાઇલટ જહાંગીર એન્જિનિયરનાં
વિદેશમાં વસેલાં પુત્રી ફરીદા સિંઘનો પતો મેળવ્યો અને તેમને એક ઇ-મેઇલ લખ્યો.
અસાધારણ કહેવાય એવા આ ઇ-મેઇલમાં તેમણે તે દિવસે ખરેખર શું બન્યું હતું તેનું વર્ણન
કરતાં લખ્યું કે સરહદી વિસ્તારમાં બીચક્રાફ્ટની સંદેહાસ્પદ હાજરી માલુમ પડતાં
તેમણે ઉડાન ભરી અને બીચક્રાફ્ટને આંતર્યું. પાકિસ્તાનને શંકા ગઇ કે આ વિમાન સરહદી
મોરચો ખોલવા માટે તપાસ અભિયાન પર છે. (એ વખતે યુદ્ધ પંજાબ અને કાશ્મીર મોરચે
ચાલતું હતું.)
યુદ્ધના નિયમ પ્રમાણે, કૈસ
હુસૈને બદીનમાં બેઠેલા તેમના ઉપરી પાસેથી આદેશ માગ્યો. તેમના જ શબ્દોમાં કહીએ તો, ‘ત્રણ-ચાર
લાંબી મિનીટો વીત્યા પછી’
વિમાનને શૂટ કરવાનો આદેશ મળ્યો અને તેમણે એ આદેશનું પાલન
કર્યું. એ વખતે તેમના મનમાં પરાક્રમનો ભાવ હતો. બેઝ પર પાછા ફર્યા પછી તેમને વધાવી
લેવામાં આવ્યા. પરંતુ ૨૦૧૧માં એર કોમોડોર કૈસર તુફૈલે આખી ઘટના તાજી કરતાં કૈસ
હુસૈને જહાંગીર એન્જિનિયરના પરિવારનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો. ઇ-મેઇલમાં તેમણે લખ્યું હતું,‘મિસિસ
સિંઘ, આટલી વિગતો મેં તમને એ દર્શાવવા માટે આપી છે કે જે કંઇ થયું તે ફરજને આધીન
રહીને થયું હતું. ‘પ્રેમ અને યુદ્ધમાં કંઇ પણ ચાલે’ એવો કોઇ ખ્યાલ આ કાર્યવાહી પાછળ ન હતો...હું યુદ્ધના
નિયમ પ્રમાણે ચાલ્યો હતો,
પરંતુ તેનાથી કિમતી જિંદગીઓનું નુકસાન થયું. એ કેવી રીતે
થયું તે અગત્યનું નથી,
પણ એ કોઇ પણ માણસને ખટકે એવું છે ને હું પણ તેમાં અપવાદ
નથી. હું તમારા માટે, તમારા પરિવાર માટે અને બાકીના સાતેય મૃતકોના પરિવાર માટે દિલગીરી અનુભવું
છું..૪૬ વર્ષ પહેલાં થયેલા તમારા પિતાના મૃત્યુ બદલ તમને આશ્વાસન આપવા માટે તમને
રૂબરૂ મળવાની તક ઊભી થશે,
તો હું બન્ને હાથે એ તક ઝડપી લઇશ. તમારા પરિવારનાં બીજાં
સભ્યોને પણ તમે મારી લાગણી પહોંચાડશો તો હું ખૂબ આભારી થઇશ..’
Qais Husain/ કૈસ હુસૈન |
આ પત્રનો ફરીદા સિંઘે આપેલો જવાબ પણ
નમૂનેદાર હતો. તેમણે લખ્યું,‘આ
પત્ર લખવા માટે હિંમત જોઇએ (અને નમ્રતાપૂર્વક કહું તો) તેનો જવાબ આપવા માટે
પણ...હા, આ બનાવે અમારું જીવન પલટી નાખ્યું. પરંતુ ત્યાર પછીના સંઘર્ષોમાં ક્યારેય, એક
ક્ષણ માટે પણ, અમે મારા પિતાના મૃત્યુ માટે જવાબદાર વ્યક્તિ માટે કડવાશ રાખી નથી. અમે એ
ક્યારેય ભૂલ્યાં નહીં કે આ બધું યુદ્ધની કરુણતાના ગુંચવાડાનું પરિણામ હતું. યુદ્ધ
અને શાંતિની ખતરનાક રમતોમાં આપણે કેવળ પ્યાદાં હોઇએ છીએ.’ પોતાના સદ્ગત પિતાના કેટલાક
ગુણોનું વર્ણન કર્યું અને તેમની ઉદારતા-બીજાનું દુઃખ સમજી શકવાની તેમની શક્તિનો
વિશેષ ઉલ્લેખ કરીને લખ્યું કે ‘કડવાશભર્યાં અને અવિચારી યુદ્ધો સારા માણસોને પણ
કેવું નુકસાન પહોંચાડી શકે છે તેનું આ બનાવ ઉત્તમ ઉદાહરણ છે. ફરીથી તમારો આભાર. હું જાણું છું કે તમારા માટે આ લખવું
સહેલું નહીં હોય...આ પત્ર જાહેર થયો તેનાથી ફક્ત વ્યક્તિગત જ નહીં,વધારે
વ્યાપક સ્તરે રૂઝ આવવાની પ્રક્રિયા થશે. અને સૌથી અગત્યનું, મારા
પિતાને પણ એ બહુ જ ગમ્યું હોત કે (આ પત્રવ્યવહારથી) બે પ્રજા વચ્ચે ક્ષમાની
ભાવનાનો ચમકારો થાય--એવી બે પ્રજા, જે છેવટે એક જ છે.’
પરમવીર ચક્ર અરુણ ખેતરપાળ/ Arun Khetarpal |
બ્રિગેડીયર એમ.એલ.ખેતરપાળ અને તેમનાં પત્ની / Brigadier M.L.Khetarpal and his wife |
આવો એક કિસ્સો સૌથી યુવાન વયે
(મરણોત્તર) પરમવીર ચક્ર મેળવનાર સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાળના પિતા સાથે
૨૦૦૩માં બન્યો હતો. તેમના ૮૧ વર્ષના પિતા, બ્રિગેડીયર એમ.એલ.ખેતરપાળ ‘છેલ્લી
વાર’ પાકિસ્તાનમાં આવેલા પોતાના વતન સરગોધાનાં ‘દર્શન’ કરવા ગયા, ત્યારે
તેમના મિત્રના મિત્ર એવા પાકિસ્તાની યજમાન બ્રિગેડીયર કે.એમ.નાસીરને ત્યાં તેમનો
ઉતારો હતો. નાસીરે તેમની આત્મીયતાભરી મહેમાનગતિ કરી. આખરે છેલ્લી રાત્રે, ભોજન
પછીની બેઠકમાં નાસીરે રહસ્યસ્ફોટ કર્યો, ‘એ કહેતાં મને પારાવાર અફસોસ થાય છે કે અરુણ
ખેતરપાળની ટેન્કને તેમણે છોડેલો ગોળો જ વાગ્યો હતો.’ જૂની પેઢીના અને ધર્મયુદ્ધના
રંગે નહીં રંગાયેલા ફૌજી તરીકે બન્ને બ્રિગડીયરો જાણતા હતા કે યુદ્ધમાં સામે
વ્યક્તિ કોણ છે એ જોવાતું નથી ને દેખાતું પણ નથી. બ્રિગેડીયર ખેતરપાળ આ વાત-આ
એકરાર પચાવી ગયા, પરંતુ પોતાની પત્નીને આ વાત કહી ન શક્યા.
Subscribe to:
Post Comments (Atom)
ખરેખર, જીગર વાળા માણસો કહેવાય. સલામને લાયક. અને તમારી રજુઆત પણ (હંમેશની જેમ) હૃદયસ્પર્શી છે.
ReplyDeleteVery Interesting !
ReplyDeleteશુભ દીપાવલિ!
ReplyDeleteવર્ષારંભે આપની સર્જનાત્મકતાને નવી દિશા મળો!
નવલ વર્ષ આપના જીવનને નૂતન અર્થ બક્ષે તેવી મંગલ કામના!
હરીશ દવે
મુક્તપંચિકા અને લઘુલિકા
https://muktapanchika.wordpress.com