Wednesday, October 05, 2016

કેટલીક સનાતન સભા-સમસ્યાઓ

(બોલ્યુંચાલ્યું માફ)
કહેવત છે કે ગામ હોય ત્યાં ઉકરડો હોય અને રાજ્ય હોય ત્યાં મુખ્ય મંત્રી હોય. (કહેવતનો ઉત્તરાર્ધ અનુભવીઓએ ઉમેરેલો છે. તેને કહેવતના પૂર્વાર્ધ સાથે જોડવો કે નહીં, એ સૌની મુન્સફીનો વિષય છે.) એવી જ રીતે, સભા હોય ત્યાં સમસ્યા હોય. એ જુદી વાત છે કે ‘સુખદુઃખ મનમાં ન આણીએ’ એવી કવિતા પ્રમાણે આપણા આયોજકો, સંચાલકો, વક્તાઓ અને શ્રોતાઓ સુદ્ધાં સભાનાં સુખદુઃખથી-સભાની સમસ્યાઓથી પર થઇ ગયાં છે.

‘જોયું? ગણતરીમાં અમારો ક્રમ વક્તાઓ કરતાં પહેલો આવ્યો ને? અમે તો ક્યારના કહીએ છીએ...’ એવું સંચાલકો કહી શકે છે. અહીં પહેલાં લખ્યું હતું, ‘મનોમન વિચારી શકે છે.’ પછી થયું, મોટા ભાગના સંચાલકો વિચારી શકતા હોય અને એય પાછું મનોમન અને એ પણ બીજાની મુશ્કેલીઓ વિશે, તો આપણાં ઉઘડી ગયાં ન હોત?

વાત સભાની સમસ્યાઓ પરથી અનાયાસે સીધી સંચાલકો પર પહોંચી ગઇ તે સારું થયું. કારણ કે સભાની સમસ્યાઓ ગણવા બેસીએ ત્યારે, ઘણા કિસ્સામાં શરૂઆત સંચાલકોથી જ થાય છે. સંચાલકોની આદર્શ ભૂમિકા ભારતના રાષ્ટ્રપતિ જેવી હોય છે, પણ સરેરાશ ગુજરાતી સંચાલકો તેને અમેરિકાના રાષ્ટ્રપતિ જેેવી બનાવી દે છે. આ સમજફેરથી સંચાલકો સિવાય બધાને ત્રાસ પડે છે. સભામાં સંચાલનની મુખ્ય જરૂરિયાત એવા સંજોગોમાં જ પડેે, જ્યારે વક્તાઓ તેમને સોંપેલા વિષયથી કે તેમને આપેલી સમયમર્યાદાથી ઘણા બહાર નીકળી જતા લાગે. પત્રકારત્વની ભાષામાં કહીએ તો, સંચાલકોનું કામ સભાનાં કાયદા-ેવ્યવસ્થાની જાળવણી કરવાનું હોય છે. પરંતુ ભૂતકાળમાં કેટલાક પોલીસ અફસરો વિશે સાંભળેલું કે એ પોતે જ ગુંડાઓ રોકીને ખંડણી ઉઘરાવતા હતા. એવી જ રીતે, ઘણા સંચાલકો સભાનાં કાયદો-વ્યવસ્થાની જાળવણી કરવાને બદલે પોતે જ સભાનાં કાયદો-વ્યવસ્થા માટે સૌથી મોટું જોખમ બની જાય છે.

‘સંચાલન’ શબ્દથી તેમને સભાસમારંભનું નહીં, પણ સૃષ્ટિનું સંચાલન કરવા મળ્યું હોય એવી કીક આવે છે. એટલે તે આડેધડ શબ્દોની કીકાકીક કરીને લોકોના કાન અને દિમાગ પર જુલમ ગુજારતા રહે છે. કોઇ કાર્યક્રમના મુખ્ય રજૂઆતકર્તા હોવું તે એક વાત છે, પણ નિમંત્રિત વક્તાઓ બોલવાના હોય અને તેમાં સંચાલક જાતે મુખ્ય રજૂઆતકર્તા બની જાય ત્યારે ખરી દુર્ઘટના થાય છે. એ સભા સુપરમેનના પોશાક જેવી લાગે છે, જેમાં અંદર પહેરવાનું સૌથી ઉપર પહેરેલું હોય. ઘણા સંચાલકો એવી માન્યતાથી પીડાય છે કે દરેક વક્તા બોલી જાય તે પછી--ભલે તે ગુજરાતી ભાષામાં જ બોલ્યો હોય તો પણ--તે શું બોલ્યા છે, તે શ્રોતાઓને સમજાવી દેવું. આમ કરવાથી શ્રોતાઓની સમજ વધે કે ન વધે, પોતાના ફૂટેજ વધે છે. કેટલાક સંચાલકો એવા ભ્રમમાં હોય છે--અને ઘણા આયોજકો તેમને એવા ભ્રમમાં રહેવા દે છે--કે લોકો ખરેખર તો તેમને જ સાંભળવા આવ્યા છે. 'વક્તાઓ-બક્તાઓ તો સમજ્યા હવે.' માણસોને પડતાં દુઃખો જોઇને ઘણા લોકોને થાય છે કે ભગવાન જો આવો જ હોય, તો એનાં કરતાં તે ન હોય તો સારો. ઘણી સભાઓમાં સંચાલકોનો આતંક જોયા પછી મોટે ભાગે આવી જ લાગણી થાય છે.

અલબત્ત, આ તો મુખ્ય અને સૌથી વ્યાપક સમસ્યા થઇ. એ સિવાય નાનીમોટી ઘણી ગૂંચો સભામાં આવી શકે છે. જેમ કે, દગાખોર માઇક. ઘણી વાર માઇક જાણે પહેલેથી નક્કી કરીને બેઠાં હોય કે ‘આજે તો આયોજકોની આબરૂ લઇને જ જંપીશ’, એમ ઘડીકમાં તે ચાલુ થાય છે ને પછી સરકારી સર્વરોની જેમ મનસ્વી રીતે બંધ થઇ જાય છે. શરૂઆતમાં આયોજકોને લાગે છે કે વક્તા નવોદિત હોવાથી તેને માઇકની સ્વિચ વિશે ખબર નથી અથવા ભૂલથી તેનાથી સ્વિચ બંધ થઇ ગઇ છે અથવા સ્વિચ તેને જડતી નથી. પણ એક વાર મોટો અવાજ આવ્યા પછી, ફરી પાછો અવાજ ધીમો થઇ જાય, ત્યારે મંચ પર કે મંચથી દૂર બેઠેલા આયોજક ત્યાં બેઠાં બેઠાં ‘અખિયોંસે ગોલી મારે’  અંદાજમાં સાઉન્ડવાળા સામે જોઇને કાતરિયાં ખાય છે. એકથી વધારે વાર આવું થાય એટલે આયોજક ઘુરકિયાં કરે છે. આ દૃશ્યો જોનારને એવું જ લાગે કે આજના કાર્યક્રમ પછી સાઉન્ડવાળાનું આવી બન્યું. આયોજક સભાના ત્રાસવાદી સંચાલકને સાઉન્ડવાળા પર બે-ત્રણ કલાક સુધી છૂટો મૂકી દેશે.

સાઉન્ડવાળો પણ આવી કોઇ કાલ્પનિક ઘાતકી સજાથી ગભરાયો હોય તેમ દોડતો સ્ટેજ પર આવે છે, માઇક ઠીકઠાક કરે છે અને તેની પર આંગળીના ટકોરા મારીને ‘હેલો, હેલો’ બોલીને માઇક પાછું આપે છે. એ વખતે તેની નજરમાં હળવો ઠપકો પણ વરસતો હોય છે કે ‘ભલા માણસ, માઇક તો બરાબર છે. શું કામ મારી બદનામી કરો છો?’ એક આડવાત : સાઉન્ડવાળો ગમે તેટલો અભણ હોય અને અંગ્રેજી ભાષા ન જાણતા હોય તો પણ તેને ‘હેલો, હેલો, ટેસ્ટિંગ વન ટુ થ્રી’ બોલવા જેટલું અંગ્રેજી તો આવડે જ છે. અંગ્રેજીની આ આવડતને કારણે ભારત અચૂક સુપરપાવર બની શકશે--અને માઇક હવે ફરી નહીં બગડે એવી શ્રદ્ધા સાથે વક્તાઓ અને શ્રોતાઓ આશ્વસ્ત થાય છે.

કેટલાંક માઇક ચાલુ પ્રવચને, જાણે વક્તાનો કે સંચાલકનો ત્રાસ વેઠાતો ન હોય તેમ, ચિત્કારી ઉઠે છે. પ્રેમીના દિલમાંથી નીકળતી આહ આસમાનને ચીરી નાખે છે, એવું કવિઓએ લખ્યું છે. માઇકની ચીસ તરીકે વાગતો સીસોટી જેવો અવાજ એટલો બુલંદ તો હોય છે કે  શ્રોતાઓના કાનમાં ધાક પડી જાય. હોલમાં બેઠેલા પોઝિટિવ થિંકિંગવાળા કે સમજુ લોકો એવું આશ્વાસન લઇ શકે છે કે,‘કાનમાં ધાક પડી જાય અને થોડી સેકન્ડ કે મિનીટ સુધી સંભળાય નહીં, ત્યાં સુધી સાંભળવાના ત્રાસમાંથી જેટલો છૂટકારો મળ્યો તેટલો ખરો.’

જેમ અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યા ખૂબ વધી ગઇ હોવા છતાં, તેમાં ભણાવનારા શિક્ષકોની આવડતના ગંભીર પ્રશ્નો છે, તેમ વક્તવ્યો-કાર્યક્રમોનું પ્રમાણ ઘણું વધી ગયું છે, પણ તેને આયોજકોની કે સંબંધિત સંસ્થાની જ્ઞાનપીપાસા ગણી લેવાની જરૂર નથી. જેમને મોટા ઉપાડે કે મોટી ફી ચૂકવીને વક્તવ્ય માટે બોલાવ્યા હોય, તેમણે જીવનમાં જાણીતા થવા ઉપરાંત બીજું શું કર્યું છે, એ વિશે આયોજકો નિર્દોષ હોઇ શકે છે. તેમના માટે વક્તાનું જાણીતા હોવું અથવા તેમના માટે કોઇની ભલામણ હોવી એટલું પૂરતું છે. આવી સ્થિતિમાં જાગ્રત આયોજકો પહેલેથી વક્તાની ‘જીવન ઝરમર’ (એટલે કે બાયો ડેટા) મંગાવી લે છે. કેટલાક આયોજકોને સંચાલકો પર એવો ભરોસો હોય છે કે એ છેલ્લી ઘડીએ વક્તા સાથે વાતચીત કરીને કે શક્ય હોય તો વક્તા પાસે તેમના જ હસ્તાક્ષરમાં લખાવીને તેમનો પરિચય મેળવી લેશે.

પ્રક્રિયાઓ જુદી જુદી હોઇ શકે છે, પણ પરિણામ મોટે ભાગે એક સરખું જ હોય છે : જીવન ઝરમર લખેલી હોય તો વાંચવામાં અને વાતચીતમાં મેળવેલી હોય તો તે બોલવામાં સંચાલકો મૌલિક ભૂલો કરે છે અને એ ભૂલોને તેમની સર્જનાત્મક અભિવ્યક્તિનો ગણવી જોઇએ, એવી આત્મવિશ્વાસભરી અપેક્ષા રાખે છે. થોડા કાર્યક્રમો પછી વક્તા આ બાબતે એટલા રીઢા થઇ જાય છે કે પોતાનો પરિચય વંચાતો હોય ત્યારે તે હોલમાં બંધ રહેલી લાઇટો કે દીવાલ પર બેસાડેલા પંખાની સંખ્યા ગણે છે અથવા સામે દરેક હરોળમાં કેટલી ખુરશીઓ છે, એ મનોમન ગણવાની કોશિશ કરે છે. તેનો એકમાત્ર આશય પરિચયવાળો હિસ્સો દુઃખી થયા વિના વટાવી જવાનો હોય છે.

1 comment:

  1. સંચાલક, વકતા તેમ જ શ્રોતા તરીકે વિવિધ સભાઓને (અ)શોભાયમાન કરી ચુક્યો હોવાથી એવા તારણ ઉપર આવ્યો છું કે, મુખ્ય સમસ્યા આવેલ(ફસાયેલ) શ્રોતાઓને શાંતિથી બેસાડી રાખવાની છે.

    ReplyDelete