Saturday, October 29, 2016

કાળીચૌદશ-કલ્પનાઃ પાણીમાં નશો હોત તો?

ગુજરાતની સૌથી મોટી પાણીની સમસ્યા આપમેળે હલ થઇ જાત, કારણ કે ગુજરાતમાં પાણીબંધીહોત. પાણીની વહેંચણીનો આખો કારભાર છોટા-મોટા ભાઇઓએ વહેંચી લીધો હોત. તેમના રાજમાં શહેર-ગામડાંના ભેદભાવ વિના, જોઇએ એટલું પાણી છૂટથી કોથળીમાં કે બોટલમાં, કેરબામાં કે કોઠીમાં, એસ.એમ.એસ.થી કે વોટ્સએપથી ઘરબેઠાં મળતું હોત.

નશા વગરના સીધાસાદા પાણીમાં આટલી બધી બ્રાન્ડ મળે છે, તો નશાવાળા પાણીમાં કેટલા પ્રકારો મળી શકે? શરાબની જેમ દરેક બ્રાન્ડના પાણીની પણ આગવી ખાસિયત હોત. પાણી વેચતો સેલ્સમેન કહેતો હોત,‘લઇ જાવ સાહેબ, આ સાબરમતીનું પાણી છે. પીધા પછી ગમે તેટલું ચડશે તો પણ તમે રૂપિયાભરનું નુકસાન નહીં કરો. આ તાપીનું પાણી છે. એ પીધા પછી તમે સુરતી હશો તો ગાળો બોલતા બંધ થઇ જશો અને બિનસુરતી હશો તો હુરટીમાં ગાળો બોલવા માંડશો. આ દેખાવડી બોટલમાં મલ્ટીનેશનલ કંપનીનું પાણી છે. તેની એક બોટલ સાથે એ જ કંપનીના બરફના ચાર ક્યુબ મફત છે.આ સાંભળ્યા પછી કોઇ ગ્રાહક મલ્ટીનેશનલ કંપનીનું ક્વાર્ટર અને સાથે બરફનો એક ક્યુબ મફત માગે,એટલે સેલ્સમેન કહેત,‘તમે તો ઓલરેડી સાબરમતીના પાણીનો પેગ મારીને આવ્યા લાગો છો.
ટેપવોટર (નળમાંથી આવતા પાણી) પર અંકુશો મુકાઇ જતાં,નળનું કનેક્શન લેવા માટેની અરજીની એક કોપી વોટરવર્ક્સમાં અને બીજી નશાબંધી વિભાગમાં મોકલવી પડત. અત્યારે પાણીની પાઇપલાઇન સાથે ગટરની પાઇપલાઇનની ભેળસેળ થવાથી રોગચાળો ફાટી નીકળે છે. નશાયુક્ત પાણીની પાઇપલાઇન સાથે આવી સેળભેળ થતાં, નળમાંથી સરકારી પાણીનું લઠ્ઠાસ્વરૂપ બહાર આવત અને ફરી એક વાર લઠ્ઠાકાંડ માટે સરકાર પર માછલાં ધોવાત અને વિરોધ પક્ષો સરકારને ઢાંકણીમાં (કે બોટલના ઢાંકણામાં) પાણી લઇને ડૂબી મરવાનો ઠપકો આપત.


સ્વિમિંગ શીખવા માટેની લોકોની ઉત્સુકતામાં જબ્બર ઉછાળો આવત અને મોટા ભાગના લોકો ડૂબકી મારવાની કળામાં શીખાઉ બની રહેવાનું વધુ પસંદ કરત - એટલે કે ડૂબકી મારીને આખું મોં પાણીથી ભરી દેવાનું. બહાર આવીને કોઇ પેટ દબાવે ત્યારે જ એ પાણી બહાર નીકળે. પાણીપુરીના ધંધાને નવું પરિમાણ મળ્યું હોત. પાણીપુરીના ખુમચા પર અત્યારે હોય છે તેના કરતાં અનેક ગણી વધારે ભીડ જામતી હોત અને મધુશાલાના કવિ બચ્ચન ગાઇ ઉઠત,‘હર ભૈયા સાકી બન જાયે, હર ખુમચા હો મધુશાલા’. ‘પાણી મૂકવુંએ શબ્દપ્રયોગ કવિઓની ઇચ્છા મુજબનો અર્થ ધારણ કરત એટલે કે હાથમાં નશાયુક્ત પાણી લઇને કહેલી વાત અથવા પ્રતિજ્ઞા વધુ ભરોસાપાત્ર ગણાત.  પાણીમાં નશો હોવાની જાણ થતાં જ, સરકારે દરિયાના ડીસઇન્વેસ્ટમેન્ટ માટેની પ્રક્રિયા આરંભી દીધી હોત. 

1 comment:

  1. એકદમ 'પાણીદાર' લેખ. મજા કરાવી, ઉર્વીશભાઈ. ક્યારે ય તમારી કલ્પના ફળીભૂત થશે તો પાણી પુરીનો ખુમચો ચાલુ કરવાનું અત્યારથી જ આયોજન કરી દેવાની ગણત્રી છે.

    ReplyDelete