Monday, November 07, 2016

દેશપ્રેમ અને દાંડાઇ વચ્ચેની ભેદરેખા

(25-10-16)

દેશપ્રેમ બદમાશોનો છેલ્લો આશરો છે—એવું અત્યંત જાણીતું અવતરણ જાણે કોઇએ ભારતના ભવિષ્ય તરીકે કહ્યું હોય એવું અત્યારે લાગે છે. આટલું વાંચીને બદમાશ એટલે શું?’, કોણ બદમાશ ને કોણ દેશભક્ત એ કેવી રીતે નક્કી થાય?’—આવા સવાલ ઊભા થઇ શકે. ઉશ્કેરણીભર્યા પ્રચારનો માહોલ પણ એવો છે કે ભલભલાના દિમાગનો કાંટો હાલી જાય.

એક તરફ પાકિસ્તાન ભારતીય સૈનિકો પર હુમલા કરી રહ્યું હોય ને આપણા સૈનિકો શહીદ થઇ રહ્યા હોય, ત્યારે પાકિસ્તાની કલાકારો મુંબઇની ફિલ્મોમાં કેવી રીતે કામ કરી શકે? અને એમના અભિનયવાળી જે ફિલ્મો તૈયાર થઇ ગઇ, તે કેવી રીતે રજૂ થઇ શકે?’ આવું તોફાન થોડા વખતથી ચાલે છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને તેમાંથી અલગ પડેલી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનો આ જ ધંધો છેઃ પોતાના રાજકીય હિતને (અને હવે તો પોતાનું અસ્તિત્ત્વ પુરવાર કરવાના ઉધામાને) હિંદુ હિત અને દેશહિતના વાઘા પહેરાવીને રજૂ કરવું.

આ ચર્ચામાં આગળ જતાં પહેલાં કેટલાક સાદા સવાલઃ માથે ત્રિરંગો બાંધીને કે ભારતમાતાકી જયનાં સૂત્રો પોકારીને બેન્ક લૂંટવામાં આવે તો એને રાષ્ટ્રવાદી લૂંટ કહેવાય? હાથમાં ત્રિરંગો લઇને સરેઆમ ધાકધમકી આપતા-ખંડણી લેતા ને મારામારી કરનારા દેશપ્રેમી ગણાય? જેમનો જવાબ હા હોય, તેમણે દેશપ્રેમી કે રાષ્ટ્રવાદી તરીકે પોરસાવાને બદલે, પોતપોતાને માફક આવે એવા રાજકીય પક્ષમાં વેળાસર ભરતી થઇ જવું. કારણ આ દેશપ્રેમ નહીં,  અનિષ્ટપ્રેમ છે અને આવા લોકોને બે હાથ પહોળા કરીને આવકારે એવા પક્ષો આપણે ત્યાં છે જ.

જેમને લાગે કે દેશભક્તિના નામે આવું તો થતું હશે? ઊલટું આવું કરવાથી ત્રિરંગાનું અને દેશનું અપમાન થાય.—એવા ધોરણસરના લોકો માટે વધુ સવાલઃ દેશપ્રેમના નામે અને પાકિસ્તાનના વિરોધના નામે પોતાના દેશવાસીઓ સામે ધીક્કારઝુંબેશ ફેલાવવી, તેમને ધાકધમકીઓ આપવી, તેમની ફિલ્મો અટકાવવી એ બધું શી રીતે દેશભક્તિ કહેવાય? પાકિસ્તાનના વિરોધમાં આંખે પાટા બાંધીને (કે ખુલ્લી આંખે) ઝેરીલા રાજકીય પક્ષોના ખોળામાં બેસી જનારા લોકો બીજાની દેશભક્તિનાં પ્રમાણપત્રો ફાડે એ દેશની કરુણતા નથી?

એક અહેવાલ પ્રમાણે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે અને પાકિસ્તાની કલાકારો ધરાવતી ત્રણ ફિલ્મોના નિર્માતાઓએ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીને ત્યાં બેઠક કરી. ત્યાં એવું રાષ્ટ્રવાદી સમાધાન થયું કે એ નિર્માતાઓ સૈન્ય રાહતફંડમાં પાંચ કરોડ રૂપિયા જમા કરાવે, ફિલ્મની શરૂઆતમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપે અને ભવિષ્યમાં કોઇ પાકિસ્તાની કલાકારને કામ ન આપવાની બાંહેધરી આપે તો જ તેમની ફિલ્મો રજૂ થશે. નહીંતર મનસેના દેશભક્તિના ઠેકેદારો થિએટરોમાં તોડફોડથી માંડીને કંઇક તોફાન કરશે.

કોઇ એ તો કહે કે દેશ એટલે શું અથવા કોણ? અને દેશભક્તિની ખંડણીઓ, ભલે સૈન્યના નામે, પણ કોણ ઉઘરાવી રહ્યું છે? જે નેતાઓ ક્રયારેક ગુજરાતના, ક્યારેક બિહારના, તો ક્યારેક ઉત્તર પ્રદેશના ભારતીયોને મહારાષ્ટ્રમાંથી તગેડી મૂકવાની હાકલો કરે છે, મન પડે ત્યારે તેમની વિરુદ્ધ ધીક્કારઝુંબેશો ચલાવે છે, એ શિવસેના-મનસે કયા મોઢે દેશની અને દેશપ્રેમની વાતો કરી શકે? એમનો સઘળો દેશપ્રેમ બીજાના સગવડીયા વિરોધ તરીકે જ કેમ વ્યક્ત થાય છે?  કારણ સીધું છેઃ તેમનું રાજકારણ આટલાં વર્ષોથી આવાં  તોફાનનાજોરે ચાલ્યું છે. એ ચાલ્યું છે, તેના કરતાં વધારે ચિંતાજનક વાત એ છે કે તેને ચાલવા દેવાયું છે. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીથી માંડીને દેશના ગૃહમંત્રી-પ્રધાનમંત્રી સુધીના સૌ દેશભક્તિના નામે ચાલતી ગુંડાગીરીનો વિરોધ કરે તો પણ કેવી રીતે? એ બધાં પણ આ જ પાણીનાં માછલાં છે ને એ અહીં સુધી પહોંચ્યા એમાં આવી તરકીબોનો ફાળો ઓછો નથી.

પાકિસ્તાની કલાકારોએ ભારતીય ફિલ્મોમાં કામ કરવું જોઇએ કે નહીં, એ વ્યાવસાયિક પરિબળો દ્વારા નક્કી થાય તો ઉત્તમ. છતાં, બન્ને દેશો વચ્ચે તનાવભરી સ્થિતિ હોય ત્યારે જો કોઇ નિર્ણય લે તો એ ભારતની સરકાર લઇ શકે. પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી શાણપણ ઉચરતા હોય ને મહારાષ્ટ્રમાં આવી કાંડામરોડ ચાલતી હોય, ત્યારે તેને કેવળ સંયોગ ગણીને આગળ વધી જવાનું? કે પછી અમારે આ જ કરવું છે, પણ હવે સત્તામાં આવ્યા એટલે ખુલ્લેઆમ કરી શકતા નથી. પણ છીએ તમારી સાથે જ. એવી માનસિકતાની અભિવ્યક્તિ ગણવાની? સૈન્યમાંથી કેટલાક સૂર ઉઠ્યા છે કે ભાઇ, અમને તમારા રાજકારણમાં ન નાખો. એવા અવાજ સત્તાધારી ભાજપમાંથી ઉઠવા જોઇતા હતા. કારણ કે તેમને તો સૈન્યની બહુ વધારે પડી છે. (ભલે સંરક્ષણ મંત્રીએ સર્જિકલ સ્ટ્રાઇકના બીજા દિવસે નોકરી દરમિયાન વિકલાંગ બનેલા સૈનિકોના પેન્શમાં ધરખમ ઘટાડો કરી દીધો હોય.) પરંતુ રાજ ઠાકરે ટાઇપના લોકો આવી ધોરાજી હંકારે ત્યારે પોતાને અનુકૂળ હોય ત્યાં સુધી સરકારો મોઢામાં મગ ભરીને બેસી રહે છે અથવા સ્થિતપ્રજ્ઞતાથી શાણપણવચનો ઉચ્ચારીને આડું જોઇ જાય છે. તેમને એ ખબર પડતી નથી કે ખરો દેશદ્રોહ પાકિસ્તાની કલાકારોને ફિલ્મોમાં લેવામાં નહીં, પણ દેશભક્તિના નામે ગુંડાગીરી ચલાવવામાં ને ચાલવા દેવામાં છે.

દેશ અને દેશભક્તિ એ કોઇ રાજકીય પક્ષની બાપીકી જાગીર નથી. કોઇનો તેના પર અધિકાર નથી. દેશ અને દેશભક્તિની આખરી અને સર્વોચ્ચ કસોટી દેશના નેતાઓ કે રાજકીય પક્ષો કે રીમોટ કન્ટ્રોલ સાંસ્કૃતિક સંગઠનો પ્રત્યેની નહીં, દેશના બંધારણ પ્રત્યેની વફાદારી છે. દેશના બંધારણને માન આપ્યા વિના દેશભક્તિના દાવા કરે તેવા દેશભક્તોથી અને તેમની આરતી ઉતારનારાઓથી ચેતવું. જે લોકો પોતાના સ્વાર્થ માટે દેશભક્તિને વટાવી ખાય તે કોઇ પણ હદે જઇ શકે.

બાળ ઠાકરેએ મુંબઇમાં એકહથ્થુ રાજ ચલાવ્યું. લતા મંગેશકરો, અમિતાભ બચ્ચનો અને સચિન તેંડુલકરો બાળ ઠાકરેના દરબારમાં હાજરી આપવાના સ્વરૂપે મુંબઇમાં રહેવાની ખંડણી ભરી આવતા હતા. પણ તેમની ગુંડાગીરી સામે એક શબ્દ બોલતાં આ મહાનુભાવોની જીભ ઝલાઇ જતી હતી. કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પોતાના સ્વાર્થ ખાતર ઠાકરેને મોકળું મેદાન આપ્યું અને પછી બોટલમાંથી બહાર નીકળેલા જીનને પાછો બોટલમાં પુરવાની તેમનામાં હામ ન રહી. ઠાકરે હોય કે તેમના અનુગામીઓ, તેમના વિરોધનું કોઇ ધોરણ નથી. તેમને પોતાની સત્તા (ન્યૂસન્સ વેલ્યુ) પર સત્તાવાર મંજૂરીની મહોર ખપે છે. કમનસીબી એ છે કે ફિલમવાળા કે બીજા ધંધાદારીઓ તો ઠીક, ચૂંટાયેલી સરકારો પણ સક્રિયતાથી કે નિષ્ક્રિયતાથી આવી મહોર મારી આપે છે.


લેખના આરંભે બદમાશીની અને દેશભક્તિની વ્યાખ્યાની વાત કરી હતી. મનમાં પક્ષકારણનાં જાળાં ન બાઝ્યાં હોય તો આ બન્ને વચ્ચે કશો સમજફેર થાય એમ નથી. બન્ને વચ્ચે ભેદરેખા પાતળી નહીં, ભારત-પાકિસ્તાન વચ્ચેની અંકુશરેખા કરતાં વધારે સ્પષ્ટ છે. દેશના બંધારણને આદર આપનારા, તેનો ભંગ નહીં કરનારા અને તેનો ભંગ કરે તેમનો વિરોધ કરનારા દેશના સાચા નાગરિકો છે. તેમને બીજા લોકો પાસેથી દેશપ્રેમી તરીકેના બિલ્લાની જરૂર નથી. દેશપ્રેમના દાવા કરીને દેશના નાગરિકોને રંજાડનારા અને કાયદો હાથમાં લેનારા દેશના સાચા દ્રોહી છે. પાકિસ્તાન તો સરહદ પર નડે છે. આ લોકો આપણી વચ્ચે રહીને, દેશના-નાગરિકત્વના-બંધારણના પોતને અને સરવાળે દેશને નબળો પાડે છે. 

4 comments:

 1. દેશભક્તિ કે દેશપ્રેમ એ દેખાડાની ચીજ હરગીજ નથી બલકે લોહીમાં ઉતારવાની ચીજ છે.. એને માપવાનું કોઈ થર્મોમીટર નથી... હા..જાણે અજાણે વર્તન કે વ્યહવારમાં ઘણી જગ્યાએ એ ડોકાઈ જરૂર જાય છે.. પછી એ જગ્યા બંધ રેલ્વે ફાટક ખુલે તે હોય કે ટ્રાફિક પોલીસ વગરનું ઓટોમેટિક સિગ્નલ હોય કે આપણી સરકારી ઓફિસો સહિતના જાહેર શૌચાલયો કેમ ન હોય.... આપણે જ્યાં સુધી સ્વયં સ્વેચ્છાથી વ્યક્તિગત રીતે હર હાલમાં નાગરિક ધર્મનું પાલન કરવાની સુટેવ નથી પડતા ત્યાં સુધી દેશભક્તિ અને રાષ્ટ્વાદના ગૌરવગાનનો કોઈ મતલબ નથી... મારી દ્રષ્ટિએ તિરંગાને પોતાની શાન ઉંચી રાખવા સવાસો કરોડ જમણા હાથની સલામીની જરૂર નથી પણ આ સવાસો કરોડ મસ્તિષ્ક અને અઢીસો કરોડ હાથ જયારે નાગરિક ધર્મનું પાલન કરતા થઇ જશે ત્યારે તિરંગાની શાન આપબળે આકાશને આંબી જશે....

  ReplyDelete
 2. દરેક જગ્યા એ , આવું જ ચાલવા માંડ્યું છે.

  ReplyDelete
 3. એકદમ સાચી વાત ...

  ReplyDelete
 4. Hiren Joshi9:39:00 PM

  As long as ACTUAL law and order is not established in the country, such misbehavior and misconception on patriotism will continue to rule the politics. No one should be above the law including but not limited to: politicians, parties, prime minister and his cabinet.

  ReplyDelete