Tuesday, December 31, 2013

સત્યમેવ જયતે : નવી સીઝન

ના, અહીં આમીરખાનના પ્રખ્યાત ટીવી શોની વાત કરવાનો ઇરાદો નથી. એ શો પર ઉપરછલ્લી નિસબત બતાવવાના આરોપ થયા હતા, પરંતુ આમીરખાનનું ગજું કેટલું? તેમને સરસ અભિનય આવડે. કાતિલ દંભ ન આવડે. એ શીખવા જેવો પણ નથી. છતાં કોઇએ પ્રયાસ કરી જોવો હોય તો, તેમને ગુજરાતના મુખ્ય મંત્રીના બહુચર્ચિત લખાણ પર નજર ફેરવી જવા વિનંતી છે. તેમના બ્લોગ પર મુકાયેલા આ લખાણનું મથાળું છે : ‘સત્યમેવ જયતે : ટ્રુથ અલોન ટ્રિમ્ફસ’ (સત્યમેવ જયતે : ફક્ત સત્યનો જ વિજય થાય છે). તેનો વિષય કરુણતા સાથે સંકળાયેલો ન હોત, તો એને કદાચ આ વર્ષનો સર્વોત્તમ હાસ્યલેખ ગણવો પડત.

ભારતના જાહેર જીવનમાં સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે જૂઠ્ઠો માણસ અંડાગડા કરીને કે પુરાવાના અભાવે નિર્દોષ સાબીત થાય, ત્યારે તે સૌથી પહેલું કામ ‘સત્યમેવ જયતે’ ટાંકવાનું કરે છે. કારણ કે પોતાનામાં રહેલી ‘ટ્રુથ ડેફિસિટ’નો- પોતાના ખોટ્ટાડાપણાનો- સૌથી વધારે અહેસાસ તેને હોય છે. કેલ્શિયમની ખામી ધરાવતો માણસ માટી જોઇને તેને ખાવા ઉશ્કેરાય, તેમ સાચની ખોટ ધરાવનારો માણસ પોતાની જીત થયા પછી સૌથી પહેલાં સાચનો જયજયકાર કરવા - અને એમ કરીને પોતે સાચો છે, એવું સિદ્ધ કરવા પ્રેરાય. આ યાદીમાં ગુજરાતના મુખ્ય મંત્રીનો સમાવેશ કરવો કે નહીં, એ વિશે મતભેદ છે. પરંતુ તેમણે પોતાના લેખમાં ૨૦૦૨ની કોમી હિંસા વિશે ભાષાની ચોપાટ માંડી છે, ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે સત્યની હંમેશાં જીત થાય છે, તેનો અર્થ એવો નથી કે જેની જીત થાય છે, એ હંમેશાં સત્ય જ હોય છે.

વડાપ્રધાન બનવા માટે છેલ્લા ઘણા સમયથી આકાશપાતાળ, ટીવી-ઇન્ટરનેટ-છાપાં એક કરી રહેલા ગુજરાતના મુખ્ય મંત્રીને પાછલાં વર્ષોમાં સદ્‌ભાવના પર્વ અને ‘રન ફોર યુનિટી’ જેવાં ભવ્ય ઇમેજ બિલ્ડિંગ કાર્યક્રમો યોજ્યા પછી પણ કઇ ડેફિસિટ સતાવતી હશે કે તેમણે ૨૦૦૨ની કોમી હિંસા વિશે સંવેદનાભાસી લેખ લખવો પડ્યો?

કારણ દેખીતું છે ઃ અહેસાન જાફરી કેસમાં યોગ્ય પુરાવાના અભાવે મુખ્ય મંત્રીને નિર્દોષ ઠરાવતો અહેવાલ અમદાવાદની કોર્ટે માન્ય રાખ્યો. તેનાથી મુખ્ય મંત્રીને આનંદ અને રાહત થાય તે સ્વાભાવિક છે. પરંતુ એટલાથી તેમને સંતોષ ન થયો. એટલે તેમણે એવું ચિત્ર ઊભું કર્યું, જાણે તેમને ફક્ત અહેસાન જાફરી કેસમાંથી નહીં, પણ ૨૦૦૨ના સમગ્ર ઘટનાક્રમમાંથી પુરાવાના અભાવે નિર્દોષતાનું પ્રમાણપત્ર મળી ગયું હોય.

સાદી સમજની વાત છે : ૨૦૦૨માં ગોધરામાં સળગાવાયેલી ટ્રેનમાં સંખ્યાબંધ હિંદુઓ કમકમાટી ઉપજે એ રીતે મૃત્યુ પામે, તેની નૈતિક જવાબદારી મોદી સરકારની હતી. ત્યાર પછી થયેલી મુખ્યત્વે મુસ્લિમવિરોધી હિંસા મહિનાઓ સુધી ચાલી, તેની જવાબદારી પણ મોદી સરકારની હતી. એવી સરકાર જેના મુખ્ય મંત્રી તરીકે મોદી હતા.

અહેસાન જાફરીનો કેસ ૨૦૦૨ના કમનસીબ અને શરમજનક ઘટનાક્રમનો મહત્ત્વનો પણ નાનો હિસ્સો હતો. તેમાં મુખ્ય મંત્રીની વ્યક્તિગત સંડોવણીનો આરોપ મુકાયો. એ આરોપમાં મુખ્ય મંત્રીને વ્યક્તિગત રીતે નિર્દોષ ઠેરવતો તપાસ સમિતિનો અહેવાલ નીચલી અદાલતે માન્ય રાખ્યો. તેનાથી વ્યક્તિ નરેન્દ્ર મોદીને આ કેસ પૂરતી ક્લિનચીટ મળી, પરંતુ ૨૦૦૨ના સમગ્ર ઘટનાક્રમમાં, રાજ્યના મુખ્ય મંત્રી તરીકેની જવાબદારીમાંથી તે શી રીતે સાફ છટકી શકશે? અને બીજા લોકો ઉપરાંત જાતને ક્યાં સુધી છેતરતા રહેશે?

શબ્દો, અર્થ, અનર્થ

બ્લોગ પરના લખાણની શરૂઆત મુખ્ય મંત્રીએ ૨૦૦૧ના ધરતીકંપના પગલે થયેલા વિનાશથી કરી છે. પછી ‘માઇન્ડલેસ વાયોલન્સ ઑફ ૨૦૦૨’ની વાત આવે છે. તેમાં ‘નિર્દોષો મર્યા, પરિવારો બેસહારા બન્યાં અને વર્ષોની મહેનતથી ઉભી થયેલી સંપત્તિ નષ્ટ થઇ’ એવો ઉલ્લેખ કરતાં મુખ્ય મંત્રીએ આ ઘટનાક્રમ માટે ‘અ ક્રિપલિંગ બ્લો ટુ એન ઓલરેડી શેટર્ડ એન્ડ હર્ટિંગ ગુજરાત’ એવો પ્રયોગ વાપર્યો છે. એટલે કે, તે ભૂકંપને કારણે વેરવિખેર અને આહત થયેલા ગુજરાતને પંગુ બનાવનારો ફટકો હતો. ત્યાર પછી તેમણે એક તરફ ભૂકંપનો ભોગ બનેલા અને બીજી તરફ રમખાણોનો ભોગ બનેલા- એવી રીતે વાત આગળ વધારીને, જુદાં કારણ ધરાવતી બન્ને કારુણીઓને સમાંતરે મૂકી દીધી છે. તેમનું નિર્દોષ વર્ણન વાંચીને અજાણ્યાને એવું જ લાગે, જાણે કોઇ આસુરી સૈન્ય કે વિદેશી ત્રાસવાદીઓ આવીને ૨૦૦૨ની હિંસા કરી ગયા હશે.

ભૂકંપના પડતા પર કોમી હિંસાના પાટુથી મુખ્ય મંત્રીની કેવી મનોસ્થિતિ થઇ હતી? વાંચો એમના જ શબ્દોમાં : ‘આવું અમાનુષીપણું જોયા પછી જે જાતનો ખાલીપો ઘેરી વળે છે તેને વ્યક્ત કરવા માટે ગ્રીફ (શોક), સેડનેસ (ઉદાસી), મિઝરી (વ્યથા), પેઇન (પીડા), એન્ગ્વિશ (સંતાપ), એગની (વેદના)- આ બધા શબ્દો ટાંચા પડે.’

એટલું કબૂલવું પડે કે આખી વાત કાવ્યાત્મક રીતે કહેવાઇ છે, પણ ૨૦૦૨ના અરસામાં અને ત્યાર પછી વર્ષો સુધી મુખ્ય મંત્રીનાં બેફામ નિવેદન અને આક્રમક મુદ્રા જોનાર-સાંભળનાર કોઇને ખ્યાલ સુદ્ધાં ન આવે કે મુખ્ય મંત્રીના મનમાં આટલી બધી દુઃખદ લાગણીઓ ભરેલી હશે. એ હિસાબે તેમનો જાત પરનો કાબૂ કહો કે પછી અભિનય કહો, એ જબરદસ્ત કહેવાય. તેમણે આપેલું કારણ એવું છે કે શાસકે પોતાનો સંતાપ જાહેર ન કરવો- એવું શાસ્ત્રવચન યાદ કરીને તે એકલા એકલા ચૂપચાપ દુઃખી થતા રહ્યા.

કદાચ એ દુઃખમાંથી હળવા થવા માટે જ તેમણે એ વર્ષે ગૌરવયાત્રા કાઢી હશે? મુખ્ય મંત્રી ભલે એ ભૂલાવી દેવા માગતા હોય, પણ ‘અરધી સદીની વાચનયાત્રા’ના પહેલા ખંડમાં મહેન્દ્ર મેઘાણીએ સ્વામિનાથન અંકલેસરીઆ ઐયરનો આખો લેખ ‘જનરલ ડાયરની ગૌરવયાત્રા’ એ મથાળા સાથે સામેલ કર્યો છે. (પાના નં.૯૬-૯૭) એ અરસામાં મહેન્દ્રભાઇએ આ લેખના અનુવાદનો સન્નિષ્ઠ રીતે પ્રચારપ્રસાર કર્યો હતો. મુખ્ય મંત્રીએ અત્યારે પશ્ચાદવર્તી અસરથી જે પીડાનો દાવો કર્યો છે, એવી અવસ્થામાં માણસને પહેલાં ઉપચારના બે સારા શબ્દો બોલવાનું અને ઘા પર મલમપટ્ટો કરવાનું સૂઝે કે ગૌરવયાત્રા કાઢવાના વિચાર આવે?

લેખના કેન્દ્રસ્થાને રહેલો અત્યંત મહત્ત્વનો- ઘણી જગ્યા રોકતો મુદ્દો કોમી હિંસામાં ભોગ બનેલા લોકોનાં દુઃખનો નથી. એ મુદ્દો છે : મુખ્ય મંત્રીએ પોતે વેઠેલી પીડા અંગેનો. તેમના દુઃખનો પાર નથી. આખો પત્ર હકીકતમાં કોમી હિંસાનો ભોગ બનેલા લોકોની નહીં, પણ એ લોકોના નિમિત્તે મુખ્ય મંત્રીને જે સ્થિતિમાં મુકાવું પડ્યું- અને હજુ એ સ્થિતિ ટળી નથી- એની પારાવાર વેદનાનો દસ્તાવેજ છે.  ન કરે નારાયણ ને વડાપ્રધાન બનવામાં કોમી હિંસાનું લાંછન નડી જાય તો આ પીડા વળી અનેક ગણી વધી જાય. એટલે મુખ્ય મંત્રી ઇચ્છે છે કે નીચલી અદાલતના ચુકાદા સાથે ફક્ત અહેસાન જાફરી કેસમાંથી નહીં, આખા ૨૦૦૨ના ઘટનાક્રમમાંથી પોતાની જવાબદારીનો અને એની સાથે સંકળાયેલી વેદનાનો અંત આવી જાય. કદાચ એવી અપેક્ષાએ તેમણે નીચલી અદાલતના ચુકાદા પછી પોતે ‘લીબરેટેડ એન્ડ એટ પીસ’ હોવાની - મુક્તિ અને શાંતિ મળ્યાની - અનુભૂતિ જાહેર કરી છે.

મુખ્ય મંત્રી કહે છે કે તેમણે કોમી હિંસા પછી વારંવાર શાંતિ માટે, ન્યાય માટે અને ગુનેગારોને સજા થાય એ માટે સરકારની નૈતિક અને રાજકીય જવાબદારીની જાહેર ખાતરી આપી હતી.  ‘ક્રિયાકી પ્રતિક્રિયા હોના આવશ્યક હૈ. હમ ન ક્રિયા ચાહતે હૈ, ન પ્રતિક્રિયા’ - એવું તેમનું પ્રખ્યાત વિધાન આવી અપીલનો જ હિસ્સો હશે?

- કે પછી ચૂંટણીસભાઓમાં પાકિસ્તાનના પ્રમુખ ‘મિંયા મુશર્રફ’નો શરૂઆતમાં ઉલ્લેખ કરી દીધા પછી આખી સભા દરમિયાન ગરજી ગરજીને ‘મિંયા સમજી લે..’ જેવી ડાયલોગબાજી કરવી, એ શાંતિની-ન્યાયની અપીલ હશે? ‘હમ પાંચ, હમારે પચીસ’નો તેમનો અમર પ્રયોગ કે પછી ‘પાણી શ્રાવણમાં નહીં આપીએ તો ક્યારે રમજાનમાં આપીશું?’ એવા જાહેર સભામાં કાઢેલા ઉદ્‌ગાર...કેટકેટલું યાદ કરવું? પરંતુ આટલા નજીકના ઇતિહાસને સાવ અવળા પાટે ચડાવવાની કોશિશ થાય ત્યારે એટલું જણાવવું પડે કે ગુજરાતના તમામ છ કરોડ નાગરિકો સામુહિક વિસ્મૃતિનો ભોગ બન્યા નથી.

કોમી હિંસા પછી થયેલી પોતાની ટીકાને તેમણે ગુજરાતની ટીકા તરીકે ખપાવી દીધી. નવાઇની વાત છે કે ‘ઇન્દિરા ઇઝ ઇન્ડિયા’ની યોગ્ય રીતે ખિલ્લી ઉડાવનારા ‘મોદી ઇઝ ગુજરાત’ની ઘૂન પર કાંસીજોડા વગાડની ડોલવા લાગ્યા. એ ઘૂનની અપીલ ઓછી થઇ નથી, એવી અપેક્ષાએ મુખ્ય મંત્રીએ તેમનો આ જૂનો દાવ ફરી અજમાવ્યો છે.

લખાણના અંતે તેમણે લખ્યું છે : ‘કોઇ પણ સમાજ, રાજ્ય કે દેશનું ભવિષ્ય કેવળ સુમેળ (હાર્મની)માં છે, એ બાબતની મને ઊંડી પ્રતીતિ થઇ છે.’ આ વાક્ય સ્વતંત્રપણે આદર્શ ભાવના વ્યક્ત કરે છે. જો તેમણે અગાઉના આખા લખાણમાં પોતાની સરકારની ભૂમિકાનું ગેરરસ્તે દોરનારું આલેખન ન કર્યું હોત, તો સુમેળનો મહિમા કરતું તેમનું વાક્ય સચ્ચાઇનો રણકો ધરાવતું લાગ્યું હોત. પરંતુ તેમનો આશય જુદો અને સ્પષ્ટ છે. તેમણે લખ્યું છે, ‘હવે હું એવી પણ આશા રાખું છું કે સાચા નરેન્દ્ર મોદીને ઓળખવા અને તેમની સાથે જોડાવા માગતા બીજા ઘણા લોકોને (આ લેખ પછી- ક્લીનચીટ પછી) વઘુ બળ મળશે.’

લોકસભાની ચૂંટણી પહેલાં કે પછી મોદીના નામથી ખચકાટ અનુભવતા સાથી પક્ષો અને મુસ્લિમ મતદારો, સાંભળો છો? મુખ્ય મંત્રીના મહાન અફસોસગાન પછી હવે તમારો ‘સહકાર’ મળે તો જ તેમને ખરા અર્થમાં ‘લીબરેટેડ એન્ડ એટ પીસ’ની અનુભૂતિ થશે.   

Monday, December 30, 2013

આકાશમાંથી મોત વરસાવનારાં ‘ડ્રોન’ના ખરેખર ‘સુધરેલા’ અવતાર :મૈં હું ‘ડ્રોન’, મૈં હું ‘ડ્રોન’...

અમેરિકાનાં પાયલટ વગરનાં ‘ડ્રોન’/Drone વિમાન ઘાતક હુમલા માટે કુખ્યાત છે, પણ ‘ડ્રોન’ના અનેક હકારાત્મક ઉપયોગ શક્ય છે. નજીકના ભવિષ્યમાં સર્વેક્ષણ અને રાહતકાર્યોથી માંડીને ખેતી અને પત્રકારત્વ જેવાં અનેક ક્ષેત્રોમાં ‘ડ્રોન’ના ડંકા વાગી શકે છે.

ઇન્ટરનેટ પરના વિખ્યાત સ્ટોર ‘એમેઝોન.કૉમ/www.amazon.com’ના માલિક જેફ બાયઝોસે એક જાહેરાત કરીને ટેકનોલોજીની દુનિયામાં સનસનાટી મચાવી દીધી. આ માસના આરંભે બાયઝોસે કહ્યું કે તેમની કંપની ગ્રાહકો સુધી ચીજવસ્તુઓ પહોંચાડવા માટે ઉડતા રોબોટ જેવાં, માનવરહિત ઉડ્ડયન યંત્રો-‘ડ્રોન’-નો ઉપયોગ કરવા ધારે છે. એક ટીવી શો પર આ માહિતી આપ્યા પછી બાયઝોસે ‘એમેઝોન’ના પેકેટ-વાહક ડ્રોન ‘પ્રાઇમ એર’નું મોડેલ અને તેની ટચૂકડી વિડીયો પણ બતાવ્યાં.
‘એમેઝોન’ દ્વારા તૈયાર કરાયેલું ડ્રોન ‘પ્રાઇમ એર’/ Prime Air
ડ્રોન મારફતે ડિલીવરીનો વિચાર રોમાંચ પ્રેરનારો છે. ધારો કે વેબસાઇટ પર પુસ્તકો કે સ્માર્ટફોન કે ગિફ્‌ટ આર્ટિકલનો ઓર્ડર આપ્યો હોય. તેના થોડા કલાકમાં એક ઉડતો પદાર્થ આપણા બારણે આવીને, પેકેટની ડિલીવરી કરીને વિદાય થઇ જાય, એ વાત જ વિજ્ઞાનકથાનો હિસ્સો લાગે એવી છે. તેના વાસ્તવિક અમલ આડે ‘જો’ અને ‘તો’ના સંખ્યાબંધ સવાલો મનમાં જાગે, પરંતુ જેફ બાયઝોસની જાહેરાત પછી પોઇન્ટ-ટુ-પોઇન્ટ ચીજવસ્તુઓ પહોંચાડતાં ડ્રોન પહેલી વાર જગબત્રીસીએ ચડ્યાં છે.

‘ડ્રોન’ અત્યાર લગી મેલી મથરાવટી ધરાવતા અમેરિકાનાં ઘાતક હથિયાર તરીકે ચર્ચાતાં રહ્યાં છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, યમન, સોમાલિયા જેવા દેશોમાં અલ-કાઇદા અને બીજાં ત્રાસવાદી જૂથોની જાસુસી કે તેમની સામેની કાર્યવાહી માટે અમેરિકા પોતાનાં સમાનવ વિમાનોને મોકલતું નથી. ન કરે નારાયણ ને જવાબી હુમલો થાય તો તાલિમી પાયલટ ગુમાવવો પડે અને ઘરઆંગણે ખુલાસા કરવા પડે એ જુદા. આ ધંધામાં પડવાને બદલે અમેરિકા અમાનવ ડ્રોન વિમાનનો ઉપયોગ કરે છે, જેથી કંઇક આડુંઅવળું થાય તો પણ વઘુમાં વઘુ એક ડ્રોન ગુમાવવાનું આવે.

ડ્રોન વિમાનો મુખ્યત્વે બે પ્રકારનાં હોઇ શકે છે : રીમોટ કન્ટ્રોલ અથવા કન્ટ્રોલ રૂમ દ્વારા સંચાલિત અને સ્વયંસંચાલિત. સ્વયંસંચાલિત ડ્રોન ગ્લોબલ પોઝિશનિંગ સીસ્ટમ દ્વારા માર્ગદર્શન મેળવે છે. તેના સંચાલકોને ‘ટેક ઓફ’ અને ‘લેન્ડ’ એમ બે જ બટન દબાવવાનાં હોય  છે, જ્યારે બીજાં પ્રકારનાં ડ્રોનનો દોરીસંચાર હજારો કિલોમીટર દૂર રહેલા કન્ટ્રોલ રૂમમાંથી થઇ શકે છે. માનવવસ્તી ધરાવતા ગીચ શહેરી વિસ્તારોમાં છુપાયેલા ત્રાસવાદીઓની ભાળ મેળવવા માટે હાથથી લોન્ચ કરી શકાય અને રીમોટ કન્ટ્રોલથી ચલાવી શકાય એવાં ડ્રોન પણ વપરાય છે.

‘અનમેન્ડ એરીઅલ વેહિકલ’ / UAV જેવું જૂનું નામ ધરાવતાં આ વિમાનનાં આરંભિક મોડેલ અમેરિકાએ પહેલી વાર પાંચ દાયકા પહેલાં વિયેતનામ સામેના યુદ્ધમાં વાપર્યાં હતાં. ૧૯૯૧ના અખાતી યુદ્ધમાં પણ અમેરિકાએ ડ્રોનનો ઉપયોગ કર્યો. દરમિયાન ઇઝરાઇલે લશ્કરી હેતુ માટેનાં કાતિલ ડ્રોન બનાવવામાં નિપુણતા મેળવી લીધી હતી. અમેરિકાએ ઇઝરાઇલ સાથે હાથ મિલાવીને ડ્રોનની ફોજ ખડકી દીધી, પરંતુ આ કાતિલ હવાઇ શસ્ત્રો છેલ્લાં થોડાં વર્ષોમાં ઘણાં બદનામ થયાં છે. તેમની ટીકા થવાનું મોટું કારણ : ડ્રોન-હુમલામાં થતાં નિર્દોષોનાં મૃત્યુ.

વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા પછી અમેરિકાએ છેડેલા કથિત ‘વૉર ઑન ટેરરિઝમ’- ત્રાસવાદ સામેના જંગમાં બધા નિયમો નેવે મૂકાઇ ગયા. પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં તાલિબાનો પર નજર રાખવા માટે અમેરિકાએ ડ્રોન વિમાન ઉડાડવાનાં શરૂ કર્યાં. ઉપલબ્ધ વિગત પ્રમાણે, ‘ડ્રોન’ વિમાને તેના જાસૂસી કેમેરા દ્વારા એકથી વઘુ વાર ઓસામા બિન લાદેનને ‘જોયો’ અને તેની વિડીયો અમેરિકાના કન્ટ્રોલ રૂમમાં મોકલાવી. કારણ કે એથી વધારે કંઇ તે કરી શકે એમ ન હતું.

‘ડ્રોન’ને ‘સાક્ષી’ મટીને કર્તા બનાવવા માટે અમેરિકાએ કેટલાંક ડ્રોનને ‘હેલફાયર’ પ્રકારનાં મિસાઇલથી સજ્જ કર્યાં. ‘અનમેન્ડ કોમ્બેટ એરીઅલ વેહિકલ’ (યુસીએવી) જેવી ટેકનિકલ ઓળખ અને ‘પ્રીડેટર’ (શિકારી) જેવા નામથી ઓળખાતાં ડ્રોને વિનાશ વેરવાનું શરૂ કર્યું. ચોક્કસ લક્ષ્યાંક ત્રાસવાદી અડ્ડો હોવાની ખાતરી થાય એટલે કન્ટ્રોલ રૂમમાં બેઠેલો ઓપરેટર, વિડીયો ગેમ રમતો હોય એવી રીતે, બટન દબાવીને મિસાઇલ છોડી શકે. આ જાતના હુમલામાં ચોક્કસ જગ્યાએ જ બોમ્બ પડે અને નિર્દોષોને નુકસાન ન થાય એવા ‘પ્રિસિશન બોમ્બિંગ’નો અમેરિકાએ દાવો કર્યો. છતાં, અનેક નિર્દોષો માર્યા ગયાની ફરિયાદો ઉઠી.

પાયલટ સાથેનાં વિમાનોનું કામ ઘટ્યું અને મોટા ભાગની કામગીરી ડ્રોનના હવાલે થઇ તેની અસર સૈન્યભરતી ઉપર પણ પડી છે. અહેવાલ પ્રમાણે, ગયા વર્ષે પહેલી વાર અમેરિકાએ ફાઇટર વિમાનના પાયલટ કરતાં વધારે સંખ્યામાં ડ્રોનના ‘પાયલટ’ની ભરતી કરી, જે યુદ્ધની તવારીખની નોંધપાત્ર બાબત ગણાય. આ વર્ષના આરંભે અમેરિકાના એક સાંસદે જાહેર કરેલા આંકડા પ્રમાણે, અમેરિકી ડ્રોનના હુમલામાં ૪,૭૫૬ લોકો માર્યા ગયા. તેમાંથી કેટલા નિર્દોષ હતા, એ જાણવું અઘરું છે. ઘણી વાર પાકિસ્તાન જેવા મેલી મથરાવટી ધરાવતા દેશો ડ્રોનના હુમલામાં નિર્દોષોનાં મૃત્યુની ફરિયાદ કરે, ત્યારે સાચી ફરિયાદ પણ ખોટી લાગી શકે. પહેલાં પાકિસ્તાનની ધરતી પરથી  ડ્રોન ઉડાડતાં પહેલાં પાકિસ્તાની સરકારને જાણ કરવાનો રિવાજ અમેરિકાએ રાખ્યો હતો, પણ આ પદ્ધતિમાં પાકિસ્તાની તંત્રમાંથી ડ્રોનના લક્ષ્યાંક સુધી આગોતરી માહિતી પહોંચી જતી હોય એવું લાગતાં, અમેરિકાએ વિનયવિવેક છોડી દીધો. ત્યારથી પાકિસ્તાન માટે અમેરિકાનાં ડ્રોન માથાનો દુઃખાવો બન્યાં છે. અમેરિકા સામે તે સતત ડ્રોનના હુમલાનો મુદ્દો ઉઠાવે છે, પણ અગાઉ દાઝી ચૂકેલું અમેરિકા આ બાબતમાં પાકિસ્તાનને દાદ આપતું નથી.

આમ, ‘વાલિયા’ જેવી છાપ ધરાવતા ડ્રોનને ‘વાલ્મિકી’ બનાવવાની બાયઝોસની વાતથી ચર્ચા જાગે, તેમાં કશું આશ્ચર્ય નથી. નવાઇ હોય તો એ વાતની કે બાયઝોસની જાહેરાત પહેલાંથી એ દિશામાં કામ થઇ રહ્યું છે. ‘એમેઝોન’ની ‘ડ્રોન ડિલીવરી’ની કલ્પના પ્રસાર માઘ્યમોમાં છવાઇ એટલે જર્મનીના ટપાલવિભાગે એક વિડીયો જાહેર કરી છે. ડિસેમ્બર ૯, ૨૦૧૩ની આ વિડીયોમાં એક પ્રયોગ લેખે દવાઓનું એક ખોખું ડ્રોન વિમાનની મદદથી પહોંચાડવામાં આવ્યું છે. રમકડાના, ફેન્સી, ચારપાંખાળા હેલિકોપ્ટરની યાદ અપાવતા આ ડ્રોનને  ર્‌હાઇન નદીના એક કાંઠેથી પેકેટ સહિત ઉડાડવામાં આવ્યું.

ડ્રોન ડિલીવરીઃ જર્મનીનો સફળ પ્રયોગ
ડ્રોને એકાદ કિલોમીટરનું અંતર કાપીને, નદી પાર કરીને, સામા કાંઠે રાહ જોતા પોસ્ટના કર્મચારીઓ સુધી એ પેકેટ સફળતાપૂર્વક પહોંચાડી દીઘું. આ પ્રયોગ સફળ રહ્યો છે. પરંતુ તેનો વાસ્તવિક અમલ એટલો હાથવેંતમાં નથી. તેનાં ઘણાં કારણ છે. એક મોટું કારણ છે સ્થાનિક કાયદાકાનૂન. જર્મનીના વર્તમાન કાયદા પ્રમાણે ડ્રોન વિમાન હવામાં પચાસ ફીટથી વઘુ ઊંચાઇએ ઉડાડી શકાતાં નથી. (અમેરિકામાં આ મર્યાદા ચારસો ફીટની છે.) માનવવસ્તી ધરાવતા વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પણ પ્રતિબંધ છે. એટલે બોન શહેરમાં થયેલા પ્રયોગમાં ડ્રોને પોઇન્ટ-ટુ-પોઇન્ટ ડિલીવરી કરી ન હતી. દવાના પેકેટ સાથે ડ્રોનને ર્‌હાઇન નદીના માનવવસ્તી વગરના કિનારે લઇ જવામાં આવ્યું અને ત્યાંથી તેનું ઉડ્ડયન શરૂ થયું.

‘એમેઝોન’ના અને જર્મન પોસ્ટના ‘ડિલીવરી ડ્રોન’ની સંભાવનાઓ ડ્રોનના સંખ્યાબંધ ઉપયોગોમાનો ફક્ત એક જ ઉપયોગ છે. તેમાં રહેલી શક્યતાઓ અને અડચણો ઉપરાંત બીજાં ક્ષેત્રોમાં ડ્રોનની આશ્ચર્યજનક સફળતાઓ ઉડ્ડયન ક્ષેત્રે નવો ઇતિહાસ સર્જી રહી છે.

જેમ કે-

થાઇલેન્ડમાં રાજકીય ગરમાગરમી ચાલી રહી છે. સરકારવિરોધી ચળવળકારો સડક પર ઉતરી આવે છે. પરંતુ ટોળાં, ગીરદી, ધક્કામુક્કી, પોલીસની જવાબી કાર્યવાહી- આ બધા ધાંધલનો અહેવાલ મેળવવો હોય તો? ટીવી ચેનલોના પત્રકારો વર્ષોથી આ જ કામ કરતા આવ્યા છે. પરંતુ આવા માહોલમાં આખું ચિત્ર મેળવવાનું હંમેશાં વાંધા હોય છે. એમાં પણ થાઇલેન્ડમાં બન્યું છે તેમ, ટોળાંને પત્રકારો સાથે ઘર્ષણ થાય તો થયું. થાઇલેન્ડમાં અહેવાલ લેવા ગયેલા પત્રકારો પર હુમલાના ઘણા બનાવ બન્યા છે. આવું કોઇ જોખમ ન લેવું હોય, છતાં સચોટ-તાદૃશ અહેવાલ મેળવવો હોય તો?

હવાઇ સર્વેક્ષણ માટે હેલિકોપ્ટર વાપરી શકાય, પરંતુ બન્ને બાજુ મકાનોની હારમાળા હોય અને વચ્ચે શેરીમાં જ ઘમાસાણ ચાલતું હોય ત્યારે હેલિકોપ્ટર પણ કામ ન લાગે.
એ વખતે હવાઇ કેમેરામેનની ભૂમિકા ભજવે છે ડ્રોન. આ લેખ સાથે આપેલી થાઇલેન્ડના વિરોધ પ્રદર્શનની તસવીર ડ્રોન દ્વારા લેવાઇ છે.

તેનાથી પ્રદર્શનની વ્યાપકતાની સાથોસાથ ડ્રોન-રીપોર્ટિંગમાં રહેલી શક્યતાઓનો પણ બરાબર ખ્યાલ આવે છે. આ તસવીર લેનાર ‘હેક્ઝાકોપ્ટર’ - છ પાંખાળા ડ્રોનનો ઉપયોગ ‘ધ નેશન’ અને ‘ધ બેંગકોક પોસ્ટ’ જેવાં થાઇલેન્ડનાં અંગ્રેજી અખબાર છૂટથી કરી રહ્યાં છે. (‘થ્રી ઇડિયટ્‌સ’માં વપરાયેલું અને તેના સર્જક વિદ્યાર્થીની આત્મહત્યાનું દૃશ્ય દેખાડનારું રીમોટ કન્ટ્રોલ સંચાલિત ‘રમકડું’ યાદ આવે છે?)


અગાઉ પૂર કે મોટા ઉત્સવોની ઝાંખી મેળવવા માટે વપરાતાં ડ્રોનનો આ ઉપયોગ કોઇ પણ પત્રકાર-માઘ્યમકર્મીના હાથમાં ખંજવાળ પેદા કરે એવાં છે. તસવીરમાં દેખાય છે એવાં કેમેરામેન ડ્રોનની કિંમત ૨,૫૦૦ ડોલરથી ૬,૫૦૦ ડોલર સુધીની હોઇ શકે છે. તેનું સંચાલન તાલીમ ધરાવતા બે લોકો દ્વારા થાય છે, જેમાંથી એક ફોટો કે વિડીયો લેવાનું કામ કરે છે. ભારતમાં આ રીતે ડ્રોનનો ઉપયોગ શરૂ થાય તો, ટીવી ચેનલો પર એન્કર  ઉત્તેજનાની સપાટીને આંબતા અવાજે બૂમો પાડતો કલ્પી શકાય છે, ‘હાં, તો ડ્રોનજી, બતાઇયે વહાં પર ક્યા હો રહા હૈ.’

ફક્ત પત્રકારત્વ જ શા માટે, ડ્રોનની સેવાઓ લઇ શકાય- અથવા લેવાઇ રહી હોય- એવાં ક્ષેત્રોની યાદી ઘણી લાંબી છે. જેમ કે, ખેતરમાં પાકની પરિસ્થિતિ કે જીવાતનો ઉપદ્રવ જાણવાથી માંડીને પ્રાણીઓના ગેરકાયદે શિકાર પર ચાંપતી નજર રાખવા માટે ડ્રોન વપરાય છે. માણસ માટે જ્યાં જવું કપરું હોય એવા વિસ્તારો કે સંજોગોમાં ડ્રોન આસાનીથી જઇને ત્યાંની સ્થિતિ વિશે આધારભૂત માહિતી આપી શકે છે. લાંબા-નિર્જન રસ્તા કે રેલવે લાઇનો કે સરહદી વિસ્તારો પર માણસોનો કડક ચોકીપહેરો રાખવાનું અશક્ય છે, પરંતુ ડ્રોન ઉડતાં પહેરેદારોની ભૂમિકા અદા કરી શકે છે. અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં રસ્તા અને પુલોના સર્વેક્ષણ તથા અકસ્માત-ટ્રાફિક જામ જેવી માહિતી આપવા માટે ડ્રોન કેવાં ઉપયોગી નીવડી શકે છે, તેના તપાસ અહેવાલ માટે ૭૫ હજાર ડોલરની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. કારણ કે ડ્રોનનો આ ઉપયોગ ઘરઆંગણે પુસ્તકોની ડિલીવરી કરવા જેટલો ‘હવાઇ’ નથી.

અણુવીજળી પેદા કરતા પ્લાન્ટ જેવી જોખમી જગ્યાએ અકસ્માત થાય અને બચાવ માટે માણસો મોકલવામાં મુશ્કેલી પડે ત્યાં પણ ડ્રોન મોકલી શકાય. એવી જ રીતે, ભૂકંપ કે પૂર જેવી કુદરતી આફતો વખતે અસરગ્રસ્તો કે ભોગ બનેલાની ભાળ મેળવવા માટે ડ્રોનનો ઉપયોગ થઇ શકે છે. ગેટ્‌સ દંપતિ બિલ-મેલિન્ડાની સંસ્થાએ ખૂણાખાંચરાનાં સ્થળે દવા અને રોગપ્રતિકારક રસી પહોંચાડી શકે એવાં  ડ્રોન તૈયાર કરવા માટે ‘હાર્વર્ડ-એમઆઇટી ડિવિઝન ઓફ હેલ્થ સાયન્સીસ એન્ડ ટેકનોલોજી’ને આર્થિક મદદ આપી છે.
 વિવિધ સાધનસામગ્રીથી સજ્જ અને જુદી જુદી ખાસિયત ધરાવતાં ડ્રોન પાસેથી સૌ પોતપોતાના ફળદ્રુપ ભેજા મુજબનું કામ - દેશના કાયદાની હદમાં રહીને - લઇ શકે છે. ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ના અહેવાલ પ્રમાણે રીઅલ એસ્ટેટના ધંધામાં રહેલા ડેનિઅલ ગેરેટે ડ્રોનનો ઉપયોગ મોંઘાંદાટ મકાનોની હવાઇ ફોટોગ્રાફી માટે કર્યો. મોંઘીદાટ પ્રોપર્ટીનાં બ્રોશર કે વર્ણન આપવાને બદલે, તેમની ડ્રોન દ્વારા કરાયેલી ફોટોગ્રાફી વધારે આકર્ષક ન લાગે?

વાતાવરણ અને પર્યાવરણના શાસ્ત્રીય અભ્યાસ માટે પણ ડ્રોન ઉપયોગી છે. અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’  વાતાવરણમાં ઓઝોનનું સ્તર જ્યાં આવેલું છે તે સ્ટ્રોસ્ફીઅર સુધી પહોંચે એવાં ડ્રોન મોકલી રહી છે. તેનો આશય સ્ટ્રેટોસ્ફીઅરમાં વરાળના પ્રમાણમાં થતા ફેરફારની પૃથ્વીના વાતાવરણ પર કેવી અસર થાય એ તપાસવાનો છે. ઘુ્રવપ્રદેશોમાં સર્વેક્ષણ માટે પણ ડ્રોન વપરાય છે.

અવનવા ઉપયોગો ધરાવતાં ડ્રોન માણસની મહેનત કે મુસીબત ઘટાડી આપે છે, તેની ભૂમિકાની સાવ બાદબાકી કરી નાખતાં નથી. કારણ કે તેને ચલાવવા માટે અને તેના થકી પ્રસ્તુત માહિતી મેળવવા માટે તાલીમબદ્ધ અને દૃષ્ટિવંત માણસોની જરૂર પડે છે. એ જ કારણથી ડ્રોનની તાલીમ આપતા કોર્સનું બજાર ખુલ્યું છે અને તેજીમાં પણ છે. ગયા વર્ષથી અમેરિકાની છ કોલેજમાં ‘અનમેન્ડ એરક્રાફ્‌ટ સીસ્ટમ પાયલોટિંગ એન્ડ ક્રીએશન’ના- ટૂંકમાં ડ્રોન બનાવવાના અને તેનું સંચાલન કરવાના ખાસ અભ્યાસક્રમ શરૂ થયા છે. એ સિવાય ઇજનેરી કોલેજોમાં અભ્યાસના એક વિષય તરીકે ડ્રોનને સ્થાન મળી રહ્યું છે. ‘એસોસિએશન ફોર અનમેન્ડ વેહિકલ સીસ્ટમ્સ’ના અંદાજ પ્રમાણે, વર્ષ ૨૦૨૫ સુધીમાં ફક્ત અમેરિકામાં ડ્રોનના ઉપયોગને કારણે ૨૩ હજાર નોકરીઓ ઊભી થશે.

રોબોટિક્સ અને એરોનોટિક્સ જેવી બે વિદ્યાશાખાઓના સંયોજન જેવાં ડ્રોનના ગંભીર ઉપયોગ વધતા જશે, તેમ તેની મહત્તા અને મર્યાદા પણ છતી થશે. જેના નિમિત્તે ડ્રોનપુરાણ કરવાનું થયું તે ‘એમેઝોન’ની ઘરઆંગણે પુસ્તકો મોકલી આપવાની સ્કીમમાં અનેક ખાંચા પડી શકે છે. એક જ વિસ્તારમાં એક સાથે કેટલાં ડ્રોન ઉડાડી શકાય, જેમના મકાનની બહાર ખુલ્લી જગ્યા ન હોય એવા લોકોનાં પુસ્તકોની ડિલીવરી ક્યાં થાય, કાંટાકસ ચોક્સાઇ ધરાવતી જગ્યાએ જ ડ્રોન ડિલીવરી કરે કે કેમ, બે કંપનીનાં ડ્રોન સામસામાં અથડાય તો શું? અને ખાસ તો, બારણે પુસ્તકો આપવા આવેલાં ડ્રોનની ટક્કર બહાર રમતા કોઇ બાળક સાથે થાય તો?

આ દરેક સવાલ એવા નથી કે જેના જવાબ આપી જ ન શકાય.  ઇન્ટરનેટ આવ્યું ત્યારે ક્યાં કોઇને અંદાજ હતો કે થોડાં વર્ષમાં હથેળીમાં (મોબાઇલ ફોનમાં) ઇન્ટરનેટ વાપરી શકાશે? એવી જ રીતે, ડ્રોન ટેકનોલોજીનું ચલણ વધશે તેમ વાંધા અને રસ્તા નીકળતા રહેશે. 

Friday, December 27, 2013

દેવયાની ખોબ્રાગડે પ્રકરણ : સખ્તાઇ અને ‘સ્વમાન’ની હૂંસાતૂંસીમાં સમજણનો મરો

તખ્તો શેરીયુદ્ધ કરતાં ખાસ જુદો નથી.

અમેરિકી પક્ષ જાણે કહી રહ્યો છે : ‘સંબંધ ને દોસ્તી ને બઘું ઠીક છે, પણ અમારી શેરીમાં અમારો કાયદો ચાલશે. હજુ સમજણ ન પડી હોય તો સમજી લેજો. પછી કહેતા નહીં કે કહ્યું ન હતું.’

ભારતીય પક્ષ જાણે કહી રહ્યો છે : ‘આજે તો એને બતાવી દેવું છે. રોજેરોજની શી માથાકુટ? એ સમજે છે શું એના મનમાં? ક્યારના બોલતા નથી એટલે?’

 - અને આશ્ચર્યની વાત એ છે કે ઠાવકાશ અને સલુકાઇના પર્યાય જેવા ડિપ્લોમેટિક-રાજદ્વારી સંબંધોના ક્ષેત્રે ભારત-અમેરિકા વચ્ચે આવી સ્થિતિ સર્જાઇ છે. દેખાતું છે કે કોઇ એક પક્ષ તેના માટે સંપૂર્ણ જવાબદાર ન હોઇ શકે.
મૂળ વાત આટલી હતી : ઇન્ડિયન ફોરન સર્વિસનાં દેવયાની ખોબ્રાગડે અમેરિકામાં આવેલા ભારતીય દૂતાવાસમાં કામ કરતાં હતાં. ભારતીય પરંપરા પ્રમાણે તેમણે ઘરકામમાં મદદ માટે ભારતથી કામવાળાં બહેનને બોલાવ્યાં. ડિપ્લોમેટ-રાજદ્વારી તરીકે તે આ સુવિધા મેળવી શકે અને તેમના વિઝાની વ્યવસ્થા કરાવી શકે.

આ રીતે આવેલાં કામવાળાં બહેનને પગાર અમેરિકાના ધોરણ પ્રમાણે ચૂકવવાનો થાય. દેવયાની ખોબ્રાગડેએ અમેરિકાની સરકારમાં ત્યાંના કાયદા પ્રમાણેનો કરાર રજૂ કર્યો. તેમાં બીજી બાબતો ઉપરાંત અઠવાડિયે ૪૦ કલાક કામની અને ન્યૂ યોર્કના લધુતમ વેતન મુજબ કલાકના સવા સાત ડોલરનું મહેનતાણું ચૂકવવાની બાંહેધરી આપવામાં આવી હતી. એ પ્રમાણે કામવાળાં બહેનને અઠવાડિયે (૪૦ કલાકના હિસાબે) ૨૯૦ ડોલર અને મહિને અંદાજે ૧,૨૭૬ ડોલર ચૂકવવાના થાય. (ભારતીય ચલણમાં અંદાજે સિત્તેરેક હજાર રૂપિયા). પરંતુ દેવયાનીએ કામવાળાં બહેન સાથે બીજો કરાર કર્યો હતો. તેમાં કામવાળાં બહેનને ભારતીય ચલણના ફક્ત રૂ.ત્રીસ હજાર ચૂકવવાની વાત હતી.

બે જુદા કરાર બનાવીને અમેરિકન સરકાર સમક્ષ ખોટો કરાર રજૂ કરવામાં કાયદાનો ભંગ થતો હતો. ઉપરાંત, ખોટાં કાગળીયાં કરીને માણસને અમેરિકા બોલાવવા બદલ હ્યુમન ટ્રાફિકિંગનો ગુનો પણ ખરો. આ બન્ને ગુનાનો આરોપી સામાન્ય અમેરિકન નાગરિક હોય તો તેને ભારે પડી જાય. પરંતુ રાજદ્વારી સંબંધોમાં આ પ્રકારની વર્તણૂંક પરસ્પર નભાવી લેવાની વૃત્તિ ઘણી વાર જોવા મળે છે.  ઉપરાંત, આંતરરાષ્ટ્રિય કરારો પ્રમાણે, રાજદ્વારી અફસરોને કેટલીક વિશેષ છૂટછાટો- ડિપ્લોમેટિક ઇમ્યુનિટી- મળે છે. ગંભીર ગુનામાં ન સંડોવાયેલા હોય ત્યાં સુધી તેમની ધરપકડ કરી શકાતી નથી. અલબત્ત, કયો ગુનો ગંભીર ગણવો તેનો આધાર સામાન્ય રીતે બન્ને દેશો વચ્ચેના સંબંધ પર હોય છે.

અમેરિકામાં તહેનાત ભારતીય રાજદ્વારી અફસરો ઘરકામ કરનારા ‘માણસો’ના મુદ્દે (યોગ્ય રીતે) ઠીક ઠીક બદનામ થયેલા છે. અમેરિકાના ધોરણ પ્રમાણેનો પગાર ન ચૂકવવો, વધારે કલાક કામ કરાવવું- આ બધી ભારતીય રાજદ્વારીઓની જાણીતી અને ઘણી હદે નભાવી લેવાતી ગરબડો છે. વાત એનાથી વધે- એટલે કે જાતીય શોષણનો આરોપ આવે અથવા કામ કરનાર પોતે કામના અઢળક કલાક-ઓછા વળતરથી ત્રાસીને ઉહાપોહ કરે ત્યારે મુશ્કેલી થાય.

દેવયાની ખોબ્રાગડેના કિસ્સામાં, કામવાળાં બહેનને ઓછો પગાર ચૂકવાતો હતોં અને દેવયાનીએ અમેરિકાને ખોટો કરાર આપ્યો હતો, એ હકીકતનો ઇન્કાર ભારતીય પક્ષ કરતો નથી. એ કરી શકે એમ પણ નથી. પરંતુ તેની સામે અમેરિકાએ લીધેલાં પગલાં અને તેની રીત અપ્રમાણસરનાં આકરાં હતાં, એ મુખ્ય મુદ્દો બન્યો છે.

જેમ કે, ખોટા દસ્તાવેજ અને હ્યુમન ટ્રાફિકિંગના આરોપ બદલ  દેવયાનીને જાતે અદાલતમાં હાજર થવાનું કહી શકાયું હોત. એને બદલે, દીકરીઓ સ્કૂલે મૂકવા ગયાં હતાં ત્યારે તેમની ધરપકડ થઇ, તેમની  ‘સ્ટ્રીપસર્ચ’ (નિર્વસ્ત્ર તપાસ) થઇ, જે અમેરિકા માટે સામાન્ય પણ બીજા લોકોને આકરો લાગી શકે એવો રિવાજ છે. અદાલતમાં રજૂ કરતાં પહેલાં  ચાર કલાક માટે તેમને સામાન્ય ગુનેગારો સાથે રાખવામાં આવ્યાં, હાથકડી પહેરાવવામાં આવી અને અદાલતમાં તેમણે પોતાની પરના આરોપ કબૂલ ન કરતાં, તેમને અઢી લાખ ડોલરના જામીન પર છોડી મૂકવામાં આવ્યાં. ‘નોટ ગિલ્ટી’ કહેવાથી તત્કાળ જામીન પર છોડી શકાય એવો ગુનો, એક રાજદ્વારીની ધરપકડ કરવી પડે એ કક્ષાનો ‘ગંભીર’ કહેવાય કે કેમ, એ એક સવાલ છે.

આ ઘટનાક્રમમાં ‘કેવિટી સર્ચ’ જેવા મુદ્દા લીધા નથી. ફક્ત એટલું જ નોંઘ્યું છે, જેનો અમેરિકાએ પણ સ્વીકાર કર્યો હોય. ભારતે જવાબી પગલા તરીકે અને અમેરિકાને બતાવી દેવા માટે, દિલ્હીમાં અમેરિકાના દૂતાવાસના કર્મચારીઓના કેટલાક વિશેષાધિકારો અને કેટલીક સુવિધાઓમાં કાપ મૂકી દીધો. દૂતાવાસમાં કામવાળાને કેટલો પગાર ચૂકવાય છે તેની વિગતો માગવામાં આવી. એટલું જ નહીં, સલામતીના હેતુ માટે દૂતાવાસની બહાર ગોઠવાયેલી આડશો (બેરિકેડ્‌સ) ખસેડી લેવાઇ. (અલબત્ત, પછીથી એવો સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો હતો કે આડશો ખસેડવાને આ કિસ્સા સાથે લેવાદેવા નથી. ઘણા વખતથી એ વિશે માથાકૂટ ચાલતી હતી.) રાજદ્વારી સંબંધોમાં આ પ્રકારની પ્રતિક્રિયા, ખાસ કરીને મૈત્રીપૂર્ણ સંબંધ હોય એવા દેશો સામે, ભાગ્યે જ અપાતી હોય છે.

ભારતની તીવ્ર પ્રતિક્રિયાથી અમેરિકા જાગ્યું અને ભડક્યું. અહીં ‘અમેરિકા’ એટલે કોણ, એ ચોખવટ પણ કરી લેવા જેવી છે.  પહેલી વાત તો એ કે દેવયાની સામેનો કેસ ખુદ અમેરિકાની સરકારે- એટલે કે તેના ગૃહવિભાગે- કર્યો હતો. એ કરતાં પહેલાં  ભારતના વિદેશી બાબતોના વિભાગને જાણ કરવામાં આવી હતી કે નહીં? ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ ના અહેવાલ પ્રમાણે,   સપ્ટેમ્બર, ૨૦૧૩માં ભારત સરકારને દેવયાની સામેની સંભવિત કાર્યવાહી વિશે જાણ કરવામાં આવી હતી. પરંતુ ભારતે તેમને પાછાં બોલાવી લીધાં નહીં. આવું કેમ કર્યું. એના જવાબમાં વિદેશી બાબતોના મંત્રી સલમાન ખુર્શીદે કહ્યું, ‘આવું થશે એવી અપેક્ષા રાખી ન હતી.’ (ડિસેમ્બર ૧૯,૨૦૧૩)

ભારતની તીવ્ર પ્રતિક્રિયા પછી અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટ્‌સ (ગૃહમંત્રી) જોન કેરીએ દિલગીરી વ્યક્ત કરતો ફોન કર્યો, જે વિદેશી બાબતોના મંત્રી સલમાન ખુર્શીદે ધરાર ન લીધો. એટલે તેમણે ભારતના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર સાથે વાત કરી અને ‘દેવયાની જેવડી બે છોકરીઓના પિતા’ તરીકે પોતાની લાગણી વ્યક્ત કરી. પરંતુ એના થોડા સમય પછી ચિત્રમાં આવ્યા સધર્ન ડિસ્ટ્રિક્ટ ઑફ ન્યુયોર્કના સરકારી વકીલ (એટર્ની) પ્રીતિન્દરસિંઘ ‘પ્રીત’ ભરારા.

વૉલસ્ટ્રીટમાં આર્થિક ગોટાળા કરનારા સહિત અનેક મોટાં માથાંની પાછળ પડી જનારા પ્રીત ભરારા કાયદાપાલનમાં કડક-પ્રામાણિક-ઉત્સાહી તરીકે જાણીતા છે. તે અમેરિકાના ગૃહખાતાના નહીં, પણ ન્યાયખાતાના અધિકારી ગણાય. તેમણે દેવયાની ખોબ્રાગડેના કેસમાં ભારે કડકાઇ તો દાખવી, પણ જોન કેરીની દિલગીરીના થોડા સમય પછી, ન્યાયતંત્ર તરફથી કડક અને આક્રમક બચાવ રજૂ કર્યો. સામાન્ય આરોપીઓની સરખામણીમાં દેવયાની ખોબ્રાગડે સાથે કેવો ઉદાર વ્યવહાર કરવામાં આવ્યો હતો-પોલીસે કોફી પીવડાવી, ફોન રાખવા અને કરવા દીધા, સ્કૂલની બહાર હાથકડી ન પહેરાવી - તેની વિગતો આપવાની સાથે ભરારાએ કામવાળાં બહેનના શોષણનો મુદ્દો ઉભો કર્યો અને ‘એ વિક્ટિમની અને તેમનાં કુુટુંબીજનોની ખરાબ દશા વિશે કેમ કશો ઉહાપોહ નથી થતો’ એવો ટોણો માર્યો. તેમના નિવેદનનો સાર  હતો કે દેવયાની ખોબ્રાગડે  કાયદાનો ભંગ કરે તો અમારે શું આંખ આડા કાન કરવાના? કાયદાના અમલની બાબતમાં અમે કોઇની સાડા બારી રાખતા નથી.

પ્રીત ભરારાનો કાયદાપાલનનો જોસ્સો આવકાર્ય છે, પણ તેમના પત્રમાં રહેલો મૂળભૂત વિરોધાભાસ એ ચૂકી ગયા. એક તરફ તેમણે દેવયાની રાજદ્વારી અફસર છે અને એ રૂએ તે કેટલીક વિશેષ છૂટછાટો મેળવવાના હકદાર છે, એનો ઉલ્લેખ ન કર્યો. સામાન્ય આરોપી તરીકે જ તેમનું વર્ણન કર્યું. પરંતુ બીજી તરફ તેમણે દેવયાની સાથે બીજા આરોપીની સરખામણીમાં કેવું (એમના મત પ્રમાણેનું) ‘કૂણું’ વલણ દાખવ્યું એની  વિગતો પણ આપી. સવાલ એ થાય કે ભરારા દેવયાની ખોબ્રાગડેને રાજદ્વારી ગણતા હોય તો તેમણે કેમ ફક્ત નાની બાબતોમાં કેમ છૂટછાટો આપી અને મોટાં અપમાન થવાં દીધાં? (દેવયાની પર ખૂન કે દાણચોરી પ્રકારનો આરોપ તો હતો નહીં.) અને જો એ દેવયાનીને સામાન્ય નાગરિક ગણતા હોય, તો પછી એક સામાન્ય અમેરિકનને આરોપીને ન મળે એવી છૂટછાટો, ભરારા જેવા ચુસ્ત કાયદાપાલકે દેવયાનીને શા માટે આપી?

પ્રીત ભરારા ઉત્સાહમાં વઘુ પડતા તણાયા છે, એવું માનતી વખતે એ યાદ રાખવું પડે કે ગૃહવિભાગની સંમતિ વિના તેમનું આ વલણ સંભવે નહીં. ગૃહવિભાગે ભરારાના નિવેદનમાં ટાપસી પુરી નથી કે તેનો વિરોધ પણ કર્યો નથી. પરંતુ ભારતની માગણી મુજબ માફી માગવાનો અને દેવયાની સામેના કેસ પાછા ખેંચવાનો સાફ ઇન્કાર કર્યો છે. આ જાતના કેસમાં બંધબારણે સમજૂતી થઇ શકે, પણ ઉઘાડેછોગ તે પાછા ખેંચી શકાય કે કેમ, એ પણ સવાલ છે.

છેલ્લે, બીજા બે અગત્યના મુદ્દા ટૂંકમાં : ઘરકામ કરનારા પ્રત્યે સરેરાશ ભારતીયોનું વર્તન માણસ જેવું નથી હોતું. તેમનું મહત્તમ શોષણ કરી લેવાની શરમજનક ભાવના જાણે ભારતીયતાનો પર્યાય હોય એવી બની ગઇ છે. એવી જ રીતે, આઇ.એ.એસ.પિતાનાં પુત્રી અને અઢળક સંપત્તિ ધરાવતાં દેવયાની જન્મે દલિત છે, એટલા માત્રથી તેમના દલિતપણાને ઉછાળવાનું બિલકુલ યોગ્ય નથી. એમ કરવાથી, દલિતો સાથે થતા વાસ્તવિક ભેદભાવનો ઇન્કાર કરનારા, ‘દલિતો ખોટી બૂમાબૂમ કરે છે’ એવું કહેનારા દલિતદ્વેષીઓને મોકળું મેદાન મળે છે.  

Thursday, December 26, 2013

ગાંધી-સરદાર અને ‘રન ફોર યુનિટી’

(ગાંધીજી તેમની કાયમી ઝડપી ચાલ સાથે દાખલ થાય છે. સરદાર તેમની પાછળ આવી રહ્યા છે. વચ્ચે વચ્ચે એ ખાદીના ટુકડાથી પરસેવો લૂછી રહ્યા છે. બન્ને જણ સાબરમતી આશ્રમ વટાવીને રિવરફ્રન્ટના એકાંત ખૂણે બેસે છે. તેમની પાછળ એક પત્રકાર પણ આવે છે.)

પત્રકાર : અરે, ગાંધીજી...સરદારસાહેબ...તમે? અહીં ક્યાંથી? આજે તો સરદારસાહેબના નામે બધાએ દોડવાનું હતું.

સરદાર : (સહેજ ખિજાઇને, હાંફ ખાતાં ખાતાં) મારા નામે ખરું, પણ કોના લાભાર્થે ?

ગાંધીજી : (કરુણાસભર સ્મિત સાથે) ભાઇ, તમે કોણ?

પત્રકાર : હું છાપામાં લખું છું.

સરદાર : શું? જાહેરખબરો?

પત્રકાર ; ના, ના, પત્રકાર છું. તમને જોયા એટલે થયું કે તમારી સાથે વાત કરવી જોઇએ.

સરદાર : (હાંફનો છેલ્લો હપ્તો ખડખડાટ હાસ્ય સાથે છોડતાં) બાપુ, આ બહારથી આવ્યો લાગે છે. બાકી, અહીં તો આપણને જોઇને લોકોને પહેલો વિચાર એ જ આવે છે કે આપણું નામ શી રીતે વટાવી ખાવું?

પત્રકાર : સરદારસાહેબ, તમે આટલા હાંફી શી રીતે ગયા?

(સરદાર પહેલાં પત્રકારની સામે જુએ છે, પછી ગાંધીજીની સામે સંમતિ માગતી નજરે જુએ છે. ગાંધીજી નજરથી હા પાડે છે એટલે સરદાર વાત આગળ ચલાવે છે.)

સરદાર : થયું એવું કે હું ને બાપુ આજે આવ્યા હતા. મારી તિથી હતી, એટલે બાપુ કહે, ચાલો, જરા ગુજરાતમાં આંટો મારતા આવીએ અને તમારું બાવલું કેટલે પહોંચ્યું એ પણ જરા જોતા આવીએ.

પત્રકાર : શું વાત કરો છો? તમને બાવલામાં રસ છે?

ગાંધીજી : એમને બાવલામાં નહીં, તેના નામે ચાલતા ખેલમાં રસ છે.

પત્રકાર : એટલે તમે ખેલમહાકુંભમાં ભાગ લેવા આવ્યા હતા?

સરદાર : એ વળી કોનું બાવલું છે?

પત્રકાર : અમારા સાહેબનું...એટલે કે બાવલું નહીં, આઇડીયા.

ગાંધીજી : એમાં કુંભના મેળા જેટલી જ ગીરદી ને અવ્યવસ્થા હોય?

પત્રકાર : તમને અમારા સાહેબની વહીવટીક્ષમતા વિશે ખબર નથી. બાકી તમે આવો સવાલ પૂછત નહીં.

સરદાર : ખબર છે...ખબર છે...અત્યારે કોઇક અમારી પણ જાસૂસી કરતું હશે. એમના ખાંધિયા પોલીસવાળા જેલની બહાર હોત ને અમારાં મુસલમાની નામ હોત તો અમારે સૌથી પહેલી એન્કાઉન્ટર ન થઇ જાય એની ચિંતા કરવી પડત...બધી ખબર છે તારા સાહેબના વહીવટની...

પત્રકાર : તમે તમારી હાંફ વિશે વાત કરતા હતા.

સરદાર :  રેલો આવ્યો એટલે કેવો મુદ્દો યાદ આવ્યો? તો સાંભળ, અમે ચાલતા આવતા હતા. એવામાં એક કોલેજ પાસેથી પસાર થતી વખતે બે-ચાર અઘ્યાપકોએ અમને રોક્યા. પ્રિન્સિપાલ આવ્યો. એણે અમારી સામે જોયું. પછી અઘ્યાપકોને કહે, આપણી ટાર્ગેટ સંખ્યામાં આમેય ઘટ પડે જ છે ને. તો આ લોકોને ભેગા લઇ લો. પછી આપણે સમજી લઇશું.

પત્રકાર : પણ કોઇ અઘ્યાપકે તમને ઓળખ્યા પણ નહીં?

સરદાર : ના, બિચારા ક્યાંથી ઓળખે? બે સાયન્સના ને એક સ્ટેટેસ્ટિક્સનો હતો. એક ઇતિહાસવાળો હતો, પણ એ તો બિચારો સહાયક હતો.

પત્રકાર : એટલે એ લોકો સાથે તમે ‘રન ફોર યુનિટી’માં દોડ્યા. એમ ને?

ગાંધીજી : આ ‘રન ફોર યુનિટી’ શું છે?

પત્રકાર : ‘રન ફોર યુનિટી’ એટલે એકતાદોડ.

સરદાર : અલ્યા, આ ડોસા લંડનમાં બેરિસ્ટર થયેલા છે. એમણે તને ‘રન ફોર યુનિટી’નું  ગુજરાતી નથી પૂછ્‌યું. એનો હેતુ પૂછ્‌યો છે.

ગાંધીજી : મને એમ કે રજવાડાંના વિલીનીકરણથી આખા દેશને યુનાઇટ તો સરદારે કર્યો... તો પછી એકતા માટે લોકોને દોડાવવાની શી જરૂર છે?

સરદાર : બાપુ, એ તમને નહીં સમજાય. પહેલાં વિખવાદથી લોકોને દોડાવવાના ને પછી એક કરવા દોડાવવાના (પત્રકાર સામે જોઇને) બરાબર ને? પહેલાં લોકોને ઉપવાસના નામે બેસાડ્યા, પણ એકતા ન થઇ. એટલે હવે દોડાડીને એકતા કરવાની..કે પછી બીજું કોઇ કારણ છે?

(પત્રકાર માથું ખંજવાળીને વિચાર કરે છે)

સરદાર : સમજી ગયો...એનો હેતુ એ જ છે કે લોકોને વિચારતા નહીં, દોડતા રાખવાના. વિચારે તો ગૂંચવાય. દોડે તો હરખાય. ગૂંચવાય તો સવાલો પૂછે ને હરખાય તો સાહેબના વતી બારોબાર જ જવાબ આપતા થઇ જાય. બરાબરને ?

(પત્રકારના ચહેરા પર હજુ મૂંઝવણના ભાવ છે)

ગાંધીજી : કેવા જવાબ?

સરદાર : કોઇ પૂછે કે સરદારના પૂતળા પાછળ હજારો કરોડ રૂપિયાના ધુમાડા શા માટે? તો તેનો જવાબ આના સાહેબ નહીં, સાહેબનાં રમકડાં જ બહાર આપતાં ફરે.

ગાંધીજી : એમ? કેવા હોય એ જવાબ?

સરદાર : જેમ કે, સરદારસાહેબની આબરૂ સામે રૂપિયાની શી કિંમત છે? (અટ્ટહાસ્ય) કેમ જાણે, સરદારસાહેબ તેમની આબરૂ સાચવવાની જવાબદારી પોણીયાઓના માથે જ છોડીને ગયા ન હોય.

ગાંધીજી : તમે એમ ચિઢાઇ ન જાવ. બિચારા તમારું સારું કરવા માગે છે ને તમે એમને..

પત્રકાર : એક્ઝેક્ટલી, બાપુ. હું એ જ કહેવા જતો હતો. જુઓ, બાપુ કેવા ઠરેલ માણસ છે. તેમનામાંથી આપણે શીખવું જોઇએ.

સરદાર : (ચાળા પાડતા હોય તેમ) ‘બાપુમાંથી આપણે શીખવું જોઇએ’- તો શીખો ને? કોઇએ ઝાલી રાખ્યા છે? અને એ તો કહો કે તમારા સાહેબના વાવટા ફરકાવવાનો અને એના માટે મારી આબરૂની ધજા કરવાનો જે ધંધો તમે માંડ્યો છે, એમાં બાપુનું કેમ નામોનિશાન નથી?

પત્રકાર : એટલે?

સરદાર : મારા બાવલા વિશે તારા સાહેબે ફિલમ બનાવી એમાં બાપુનો ફોટો પણ નહીં ને તેમનું નામ સુદ્ધાં નહીં ? ઇચ્છા તો એવી થાય છે કે..

(ગાંધીજી સરદાર સામે જુએ છે, એટલે સરદાર બોલતા અટકી જાય છે)

પત્રકાર : ખોટી વાત. અમારા સાહેબ એવા ભેદભાવમાં માનતા નથી. એમણે ગાંધીજીના નામે આખેઆખું મહાત્મામંદિર તો બનાવી દીઘું. હવે શું છે?  

સરદાર : ‘હવે શું છે?’ એટલે? મહાત્મામંદિર બાંધીને તમે કંઇ બાપુ પર ઉપકાર કર્યો છે?

પત્રકાર : એમ નહીં, પણ બાપુને અન્યાય થયો છે એવું તમે કેવી રીતે કહી શકો?

સરદાર : હા, એ તો હું ભૂલી જ ગયો. અન્યાય-અન્યાયનું બૂમરાણ મચાવીને ખીચડી પકાવવાનો તો તમારો ઇજારો છે. મારાથી કેવી રીતે એવું કહેવાય? પણ મને તું એ કહે કે મારા બાવલા વિશેની ફિલ્મમાં બાપુનો ઉલ્લેખ સુદ્ધાં કેમ નથી?

(બોલતાં બોલતાં સરદાર ઉભા થઇને આંટા મારવા લાગે છે)  હું તો ઘૂમ પ્રેક્ટિસ કરતો હતો. પછી રાજકારણમાં ક્યાંથી આવ્યો? ઉપરથી સીધો ટપક્યો? સરદાર બનવા નીકળેલા ડફોળના સરદારોને આટલું પણ ભાન પડતું નથી?

પત્રકાર : (સહેજ ધીમા અવાજે) સરદારસાહેબ, ખરાબ ન લાગે તો એક વાત કહું?

સરદાર : કહી જ દે. આનાથી વધારે શું ખરાબ લાગવાનું હતું? મારી વાત હોય ને બાપુનું નામોનિશાન ન હોય...કહી દે.. જે હોય તે...

ગાંધીજી : સરદાર, તમે એમ આળા ન થાવ. ગુજરાત મને ભૂલી ગયું છે એમાં કઇ નવી વાત છે?

સરદાર : નવી વાત એ છે કે આ બધા તમને ભૂલાવીને મને યાદ કરવાનો દાવો કરે છે. આવું હું શી રીતે ચલાવી લઉં? (પત્રકાર તરફ જોઇને) બોલ, તું શું કહેતો હતો? અને આમ ગુસપુસ ન કરીશ. જે કહેવું હોય એ મોટા અવાજે કહે.

પત્રકાર : (દબાતા અવાજે) મારી તમને વિનંતી છે કે તમે આવ્યા છો ત્યાં જ જતા રહો. હવે અમારે તમારા પૂતળાની જ જરૂર છે. તમારી જરૂર નથી.

(આ સાથે જ સરદાર-ગાંધી અદૃશ્ય થઇ જાય છે અને પાછળ જય સરદાર’ના નારા સંભળાય છે.)

Monday, December 23, 2013

મહાન વિજ્ઞાનકથાલેખક તરીકે જાણીતા જુલ વર્નની ઓછી જાણીતી ‘આગાહી’ઓ

Jules Verne's futuristic fiction
ચંદ્રની મુસાફરીથી માંડીને સબમરીન, હેલિકોપ્ટર જેવી જુલ વર્નની અનેક કલ્પનાકથાઓ સાચી પડી છે- અને તેનો યોગ્ય રીતે જયજયકાર થયો છે, પરંતુ વિજ્ઞાન-ટેકનોલોજીના વિવેકશૂન્ય ઉપયોગ અંગેનાં તેમનાં લખાણ પણ એટલાં જ ભવિષ્યદર્શી અને ચેતવણીસૂચક છે.

નવાઇની વાત લાગે, પણ સચોટ કલ્પનાઓ માટે જાણીતા વિજ્ઞાનકથાલેખક જુલ વર્નના એક પુસ્તકનું નામ છે : ‘ધ બેગમ્સ ફોર્ચ્યુન’ અથવા ‘ધ બેગમ્સ મિલિયન્સ’ (બેગમનો દલ્લો). ફ્રાન્સમાં ૧૮૨૮માં જન્મેલા અને વકીલાતનું કામ કર્યા પછી લેખક બનેલા વર્ને ૧૮૭૯માં લખેલી વાર્તામાં ભારતીય બેગમ ક્યાંથી આવ્યાં? અને વિજ્ઞાનકથા સાથે તેને શી લેવાદેવા?

તેનો વાર્તામાંથી મળતો જવાબ છે : વર્ષો પહેલાં એક ફ્રેન્ચ સૈનિક ભારતમાં વસ્યો હતો અને ત્યાંની એક ધનાઢ્‌ય વિધવા બેગમને પરણ્યો હતો. બન્ને જણના મૃત્યુ પછી, બેગમનો અઢળક ખજાનો તેમના દૂરના બે વારસદારોને ભાગે આવ્યો. તેમાંથી એક હતો ફ્રેન્ચ ડોક્ટર અને બીજો જર્મન વિજ્ઞાની. તેમને મળેલો વારસો એટલી તગડી રકમનો હતો કે મર્યાદિત જગ્યામાં બન્ને પોતપોતાની સ્વપ્નસૃષ્ટિ રચી શકે. તેમનાં એકબીજાથી સામા છેડાનાં સ્વપ્ન અને તેમની વચ્ચેનો સંઘર્ષ વાર્તાનો મુખ્ય મલીદો છે, પણ કથાનો કેન્દ્રવર્તી સૂર આશ્ચર્યજનક રીતે વિજ્ઞાનના દુરુપયોગ સામે ચેતવણી આપનારો છે. વીસમી-એકવીસમી સદીમાં વપરાયેલાં રાસાયણિક શસ્ત્રો - ‘વેપન્સ ઑફ માસ ડીસ્ટ્રક્શન’નો પહેલો ઉલ્લેખ વર્નની આ કથામાં મળે છે અને હિટલર જેવા પાત્રનાં એંધાણ  અસલી હિટલરના જન્મના દાયકાઓ પહેલાં તેમાં આલેખાયાં છે. સામ્ય એટલી હદે આશ્ચર્ય પમાડે એવું છે કે તે વર્નને બદલે નોત્રદામ (ઉર્ફે નોસ્ત્રાદેમસ)ના પુસ્તકમાં હોત તો સચોટ ભવિષ્યવાણી તરીકે ખપી ગયું હોત.


ફ્રેન્ચ ભાષામાં લખતા વર્નની કથાના અંગ્રેજી અનુવાદ ‘ધ બેગમ્સ ફોર્ચ્યુન’માં ફ્રેન્ચ ડોક્ટર લોકોના આરોગ્ય બાબતે બહુ ચિંતિત છે. યુરોપનાં શહેરોની ગંદકી તેમને અકળાવે છે. એટલે તે અમેરિકામાં થોડી જગ્યા લઇને તેની પર પોતાનું અલગ શહેર ઊભું કરે છે. તેમાં સ્વચ્છતા અને નાગરિકોના આરોગ્યની સંપૂર્ણ જવાબદારી ડોક્ટરની આગેવાની હેઠળની સરકારે ઉપાડી લીધી છે. નાણાંનો પ્રશ્ન નથી. કારણ કે બેગમનો મોટો દલ્લો મળેલો છે.

જર્મન વિજ્ઞાની-રસાયણશાસ્ત્રીનો મામલો એટલો સીધોસાદો કે નિર્દોષ નથી.  વર્ષો પછી હિટલરને હતી એવી ચાનક એ વિજ્ઞાનીને પણ છે કે દુનિયામાંથી ‘નબળી’ જાતિઓનો સફાયો કરી દેવો. તેમને લાગે છે કે જર્મન પ્રજા દુનિયામાં સર્વશ્રેષ્ઠ અને ફ્રેન્ચોને ખતમ કરી નાખવા જોઇએ. એટલે તે અમેરિકામાં ફ્રેન્ચ ડોક્ટરના પ્રદેશની બાજુમાં થોડો વિસ્તાર અને તેની પ્રદેશ તરીકેની માન્યતા મેળવીને પોતાનું સામ્રાજ્ય જમાવે છે. ત્યાર પછી શરૂ થાય છે વિજ્ઞાનનો આતંક.

Jules Verne/જુલ વર્ન
વિજ્ઞાન-ટેકનોલોજીના પ્રખર સમર્થક તરીકે જાણીતા વર્ન માટે આ જરા વિચિત્ર લાગે એવી વાત છે. કેમ કે,‘ટ્‌વેન્ટી થાઉઝન્ડ લીગ્સ અન્ડર ધ સી’,‘જર્ની ટુ ધ સેન્ટર ઓફ ધ અર્થ’, ‘ફ્રોમ અર્થ ટુ મૂન’, ‘અરાઉન્ડ ધ મૂન’- જેવી તેમની અતિલોકપ્રિય વાર્તાઓમાં સબમરીન કે ચંદ્ર પર ઉતરાણ જેવી ઘટનાઓ ભલે કાલ્પનિક હોય, પણ તેનું વર્ણન એકદમ વૈજ્ઞાનિક ચોક્સાઇવાળું રહેતું. દા.ત. ચંદ્રયાત્રા માટે પૃથ્વી પરથી છૂટતા યાનની ‘એસ્કેપ વેલોસીટી’- ગુરૂત્વાકર્ષણની પકડમાંથી છૂટવા જરૂરી વેગ- કેટલો હોવો જોઇએ, એનો વર્ને બરાબર હિસાબ માંડ્યો હતો. ચંદ્રયાત્રા માટે યાન અમેરિકામાં ક્યાંથી ઉપડવું જોઇએ અને ચંદ્ર પરથી કેપ્સુલમાં પાછા ફરેલા યાત્રીઓ શી રીતે દરિયામાં સલામત ઉતરાણ કરશે, તેનાં વર્ને કરેલાં વર્ણન ભવિષ્યની સચ્ચાઇ સાથે ભારે સામ્ય ધરાવતાં હતાં. ભવિષ્યના અનેક વિજ્ઞાનીઓ-સંશોધકો-સાહસવીરોએ વર્નની વાર્તાઓમાંથી પ્રેરણા લીધી. પરંતુ ખુદ વર્ન માનતા હતા કે નીતિવિવેક વગરનું વિજ્ઞાન આસુરી નીવડી શકે છે. ‘ધ બેગમ્સ ફોર્ચ્યુન’માં જર્મન વિજ્ઞાનીનાં કરતૂત દ્વારા તેમણે પહેલી વાર છેક ૧૮૭૯માં વિજ્ઞાનનો ભયંકર ચહેરો ઉઘાડો પાડી આપ્યો.

વાર્તા પ્રમાણે, જર્મન વિજ્ઞાની સરમુખત્યારના શહેરમાં ધમધોકાર ‘વિકાસ’ થયો. ઉદ્યોગો અને ખાણકામ ધમધમવા લાગ્યાં. પારાવાર પ્રદૂષણ પેદા થયું અને પર્યાવરણનો ખુરદો નીકળી ગયો. કાચા લોખંડમાંથી સ્ટીલ અને તેનો ઉપયોગ કરીને મોટા પાયે શસ્ત્રોનું ઉત્પાદન હાથ ધરવામાં આવ્યું. આ બધી જાહોજલાલી અલબત્ત સરખા ભાગે મળેલા બેગમના ખજાનાને આભારી હતી. તેમના ‘સ્ટીલ સિટી’માં કામદારો પોતાને સોંપાયેલા કામ સિવાય સહેજ પણ આઘાપાછા થાય તો કડક સજાની જોગવાઇ હતી. ફ્રેન્ચ ડોક્ટરના શહેરમાં રહેતો અને જર્મન ભાષા જાણતો એક ફ્રેન્ચ ‘સ્ટીલ સિટી’માં ધૂસી ગયો અને ધીમે ધીમે કરીને જર્મન વિજ્ઞાનીનો વિશ્વાસુ બની ગયો.

જર્મન વિજ્ઞાનીએ બીજાં હથિયાર ઉપરાંત બે ખતરનાક શસ્ત્રો બનાવ્યાં હતાં : ૪૦ કિલોમીટર દૂર આવેલા ફ્રેન્ચ ડોક્ટરના શહેર પર ગોળા વરસાવી શકે એવી એક જંગી તોપ અને ગેસ ભરેલા ગોળા. યુદ્ધમાં શસ્ત્ર તરીકે ગેસ (વાયુ) વાપરવાનો આઇડીયા સંભવતઃ પહેલી વાર વર્નની આ કથામાં વ્યક્ત થયો, જે વીસમી સદીમાં અનેક ગણા વધારે વિકૃત સ્વરૂપે અમલમાં પણ મૂકાયો. વર્નની વાર્તામાં ભારે દબાણે પ્રવાહી સ્વરૂપમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડનો ગોળો ફાટે એટલે છૂટતો વાયુ તત્કાળ એટલી જગ્યાનું તાપમાન ઘટાડી નાખતો હતો. એટલે ત્યાં રહેલા માણસ ગુંગળાવા ઉપરાંત થીજી જતા હતા. વાર્તામાં અંતે એવું ‘કેમિકલ વેપન’ અકસ્માતે વિજ્ઞાનીના ખાનગી અડ્ડામાં જ ફાટ્યું અને અને વિલન એવો વિજ્ઞાની થીજીને મોતને ભેટ્યો.

વિજ્ઞાનનો મહિમા કરવા માટે જાણીતા વર્નની આવી ઘેરા રંગ ધરાવતી વાર્તાને વાચકોનો મોળો પ્રતિસાદ મળ્યો. સામાન્ય રીતે તેમની વાર્તાઓની ચાળીસ-પચાસ હજાર નકલો ખપી જતી હોય, એને બદલે ‘ધ બેગમ્સ ફોર્ચ્યુન’ની માંડ અડધી નકલો ગઇ. છતાં, વર્ને વિજ્ઞાનના દુરુપયોગ સામે ચેતવણી ધરતી કથાઓ લખવાનું ચાલુ રાખ્યું. એક મત પ્રમાણે, વર્ને તેમના ફ્રેન્ચ પ્રકાશકના હેટ્‌ઝેલના મૃત્યુ પછી વ્યાવસાયિકતાની પરવા કર્યા વિના, સામાજિક નિસબત સાથે વિજ્ઞાનના દુરુપયોગની અને ક્યારેક મતિભ્રષ્ટ વિજ્ઞાનીઓને ખલનાયક તરીકે ચીતરતી કથાઓ આલેખવાનું ચાલુ રાખ્યું.

વ્હેલ માછલીઓને બચાવવાની ઝુંબેશ વીસમી સદીના અંતમાં કે એકવીસમી સદીમાં ભલે ચાલતી હોય, પણ વર્ને તેમની વાર્તા ‘ધ આઇસ સ્ફિન્ક્સ’માં વ્હેલ માછલીઓના સંપૂર્ણપણે નિકંદનની ખતરનાક શક્યતાને આલેખી હતી. એવી જ રીતે ક્રુડ ઓઇલથી ફેલાનારા પ્રદૂષણ સામે તેમણે ‘ધ વિલ ઓફ એન એસેન્ટ્રિક’માં વાર્તાના માઘ્યમથી ચેતવણીના સૂર કાઢ્‌યા હતા. ગ્લોબલ વોર્મિંગનો કકળાટ અત્યારે પૂરજોશમાં છે, પરંતુ વર્નની કથા ‘ધ પરચેઝ ઑફ નોર્થ પોલ’માં પૃથ્વીની ધરી બદલવાની કોશિશ કરતા લોકોની વાત હતી. તેમનો સ્વાર્થ એ હતો કે ધરી બદલાતાં ઉત્તર ધ્રુવની બર્ફીલી ચાદર ઓગળી જાય અને તેની નીચે રહેલી ખનીજસંપત્તિ હસ્તગત કરી શકાય. ‘પ્રોપેલર આઇલેન્ડ’માં તેમણે કહેવાતા સુધરેલા લોકો દ્વારા થતી આદિમ સંસ્કૃતિઓના ખાત્માની વાત કરી હતી.

આમ, વર્નની વિજ્ઞાનકથાઓમાં આવતી શોધો આબેહૂબ સાકાર થઇ, એ વિશેનો અહોભાવ વાજબી છે, પરંતુ તેમને કેવળ વિજ્ઞાન-ટેકનોલોજીના બિનશરતી પુરસ્કર્તા તરીકે ઓળખવાનું યોગ્ય નથી- બલ્કે તેમને અન્યાય કરનારું પણ ગણી શકાય.

(નોંધ : ગુજરાતી અનુવાદોમાં ‘જુલે વર્ન’ તરીકે ઓળખાતા અને જુલ-જુલે-જુલ્સ જેવાં વિવિધ નામથી ઓળખાતા આ ફ્રેન્ચ લેખકના નામનો સ્પેલિંગ છે : Jules Verne. તેમના નામનો કયો ઉચ્ચાર સાચો તેની પિંજણમાં પડવાને બદલે તેમની કથાઓ માણવાનું ફાયદાકારક છે. તેમનાં તમામ પુસ્તકોનો અંગ્રેજી અનુવાદ ઇન્ટરનેટ પર વિના મૂલ્યે ઉપલબ્ધ છે અને ગુજરાતીમાં મૂળશંકર ભટ્ટે કરેલા વર્નની થોડી કથાઓના અનુવાદ નમૂનેદાર છે.)

Wednesday, December 18, 2013

પરાજય પછી કોંગ્રેસની મંથનબેઠક

વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ વિશે વિચાર કરવા માટે કોંગ્રેસની બેઠક યોજાઇ છે. મિટિંગરૂમમાં ખૂણેખાંચરે કશુંક મરેલું ભરાઇ ગયું હોય એવી ગંધ આવી રહી છે. અનુભવીઓ તેને પરાજયની ગંધ તરીકે ઓળખાવે છે, તો જાણકારોનો મત છે કે રૂમમાં કશું ભરાયું નથી, સત્તાસ્થાનેથી પક્ષના દિવસ ભરાઇ ગયા છે.

કોઇ ફળદ્રુપ દિમાગી કર્મચારીએ કોંગ્રેસના ચૂંટણીપ્રચારનું એક પોસ્ટર ફ્રેેમ કરાવીને, તેની પર ફુલહાર લગાડીને, એક ખુરશી પર એવી રીતે મૂક્યું છે કે દાખલ થતાં સૌથી પહેલી નજર એની પર પડે.  રૂમમાં આવનારા કોઇ નેતાને આ ફ્રેમ જોઇને વાંધો પડતો નથી કે ‘આ કોણે લગાડ્યું?’ એવું પૂછવાનું સૂઝતું નથી. સૌ બેસણાના અંદાજમાં ગંભીર ચહેરે ફ્રેમ પાસે જાય છે, બે હાથ જોડીને અધખુલી આંખે નમન કરે છે અને પોતાની આ ચેષ્ટા બીજા નોંધી રહ્યા છે કે નહીં એ તીરછી નજરે જોઇ લે છે. ત્યાર પછી એ ખુરશી પર બેસી જાય છે.

એવામાં રાહુલ ગાંધી આવે છે. તેમણે પોતાનો કાયમી પોશાક- સફેદ કુર્તો-પાયજામો- પહેર્યો છે, પણ આજે તે પ્રસંગને અનુરૂપ લાગે છે. તેમના આંખોમાં ઉજાગરો દેખાય છે. તેમની પાછળ સોનિયા ગાંધી દાખલ થાય છે. તેમના હાથમાં સ્ટીલની લાંબી ફુટપટ્ટી અને ચહેરા પર કડકાઇનો ભાવ છે. એ જોઇને બેઠેલા નેતાઓના શરીરમાંથી ઘુ્રજારીની આછી લહેર દોડી જાય છે. છતાં, સૌ ચહેરા પરની સ્વસ્થતા ટકાવી રાખે છે. અહમદ પટેલ ક્યારે આવીને ગોઠવાઇ ગયા, એ ખબર પડતી નથી. સોનિયા ગાંધીના હાથમાં ફુટપટ્ટી જોઇને કેટલાક સંશયાત્માઓ કોની કોની હથેળી લાલ છે, એ દૂરથી તપાસવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેમાં ખાસ સફળતા મળતી નથી.

સોનિયા ગાંધી રાબેતા મુજબ એક ખુરશી ભણી જોઇને મિટિંગ શરૂ કરવા ઇશારો કરે છે, પણ રાહુલ ગાંધી ખુસપુસ અવાજે તેમનું ઘ્યાન દોરતાં કહે છે કે એ ખુરશી ખાલી છે. કારણ કે પ્રણવ મુખર્જી હવે રાષ્ટ્રપતિ બની ગયા છે. સોનિયા ગાંધી થોડો વિચાર કરીને જાતે જ મિટિંગની શરૂઆત કરે છે.

સોનિયા ગાંધી : ભાઇઓ અને (શીલા દીક્ષિત સામે જોઇને) બહેનો, તમે જાણો છો કે આપણે શા માટે ભેગા થયા છીએ.

નેતા ૧ : હાસ્તો, ખરખરો કરવા...

સોનિયા : (કડકાઇથી) ખરખરો એટલે? તમે પેલા ગુજરાતી જૈન નાસ્તાની વાત કરો છો? કહેવા શું માગો છો?

નેતા ૨ : વાહ મેડમ, શું કલ્પના છે...ખરખરો- એક ગુજરાતી વાનગી... આને કહેવાય કલ્પનાશક્તિ.

નેતા ૩ : રીઅલી ગ્રેટ, મેડમ. આ એક જ કલ્પના પર તમને ૨૦૧૪માં ભારતનાં વડાપ્રધાન બનાવી દેવાં જોઇએ.

સોનિયા :કન્ટ્રોલ યોરસેલ્ફ...તમારી આ ચાપલૂસીને કારણે જ પક્ષની આવી દશા થઇ છે. તમે લોકો મને સાચું કહેતા જ નથી..

ખૂણાનો અવાજ : .. પણ તમે અમારું સાંભળો છો જ ક્યારે?

(રાહુલ ગાંધી અવાજની દિશામાં જુએ છે, પણ કોણ બોલ્યું એ સમજાતું નથી.)

સોનિયા : આ ચૂંટણીએ આપણને સ્પષ્ટ રીતે બતાવી આપ્યું છે કે..

નેતા ૨ : ...આપણે હજુ ૨૦૧૪માં સરકાર રચી શકીએ એમ છીએ. લોકો કહે છે એટલી આપણી બદનામી થઇ નથી. હજુ આ દેશમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતી શકાય છે. ભરોસો ન પડતો હોય તો પૂછો રાજસ્થાન-મઘ્ય પ્રદેશ-છત્તીસગઢમાં જીતેલા કોંગ્રેસી ઉમેદવારોને.  વિરોધીઓ કહે છે એવી આપણા વિરુદ્ધની આંધી હોય તો આ લોકો શી રીતે ચૂંટાયા?

નેતા ૩ : જબ તક સૂરજ-ચાંદ રહેગા...

નેતા ૪ : સોનિયાજી-રાહુલજીકા નામ રહેગા.

ખૂણાનો અવાજ : પણ હવે નામ નહીં, સત્તા રાખવાની વાત છે.

રાહુલ : (અવાજને અવગણીને) તમે લોકો ક્યારે સુધરશો? મમ્મીએ તમને કહ્યું તો ખરું કે ચાપલૂસીએ જ આપણને ડૂબાડ્યા છે...

નેતા ૫ : રાહુલજીની વાત તદ્દન સાચી છે. પક્ષના પરાજય વિશે કેવું સચોટ, ઊંડાણભર્યું અને પ્રેરણાસભર નિદાન છે એમનું! રાહુલજી, અત્યાર સુધી હું કેવળ આપની નેતાગીરીનો ભક્ત હતો, પણ હવે આપની રાજકીય સમજણને સાષ્ટાંગ પ્રણામ કરવાનું મન થાય છે. આપની આગેવાની હેઠળ ભારતનો ઉદ્ધાર થઇ જશે, એ મને સાફ દેખાય છે. બોલો...રાહુલજીકી જય

(રાહુલ ગાંધી મૂંઝાઇ જાય છે અને વિચાર કરે છે કે ‘ચાપલૂસી ન કરશો’ એવું આ લોકોને કઇ ભાષામાં સમજાવું?)

સોનિયા : (કડક મુખમુદ્રા ધારણ કરીને) આ ચૂંટણીનાં પરિણામ પરથી ચોખ્ખું દેખાય છે કે આપણે બદલાવું પડશે.

ખૂણાનો અવાજ : એને ‘બદલાવું’ નહીં, ‘સુધરવું’ કહેવાય.

(રાહુલ ગાંધી આ વખતે ઊભા થઇને અવાજ ક્યાંથી આવે છે તે શોધવા પ્રયાસ કરે છે. પણ સામે એ જ
આજ્ઞાંકિત ચહેરા દેખાતાં ગુંચવાઇને પાછા બેસી જાય છે.)

સોનિયા : સૌથી પહેલાં આપણે પરાજય કબૂલીને તેનાં કારણ સમજવાં પડશે.

(બધા નેતાઓ એકબીજા સામે જોવા લાગે છે. સોનિયા ગાંધી ‘ઓર્ડર ઓર્ડર’ના અંદાજમાં ફુટપટ્ટી પછાડે છે, એટલે પરાજયના કારણનો જવાબ આપતા હોય તેમ સૌ રાહુલ ગાંધી સામે જોવા માંડે છે.)

નેતા ૫ : મેડમ, પરાજયમાં આપણો કશો વાંક નથી. આ બધી પેલા અરવિંદ કેજરીવાલની, ભાજપની અને મતદારોની બદમાશી છે. તેમનું કાવતરું છે. ખરેખર તો આ ચૂંટણીની સીબીઆઇ પાસે તપાસ કરાવવી જોઇએ. મને તેમાં મોટા પાયે ગોટાળાની શંકા છે.

ખૂણાનો અવાજ : હા, ગોટાળો તો લાગે જ છે. દિલ્હીમાં કોંગ્રેસની આઠ બેઠકો પણ કેવી રીતે આવે?

નેતા ૨ : મેડમ, આપણે મીડિયાની ટીકાને ઘ્યાનમાં ન લેવી જોઇએ. એ બધા તો ખાય તેનું ગાય. મારું સૂચન છે કે આપણે વિધાનસભાની આવી કોઇ ચૂંટણી થઇ હતી, એ વાત ભૂલી જઇએ અને પૂરા જુસ્સાથી ૨૦૧૪ની ચૂંટણી માટે કામે લાગી જઇએ. અમે પ્રતિજ્ઞા લઇએ છીએ કે રાહુલબાબાને અમે વડાપ્રધાન બનાવીને જ
જંપીશું. બોલો, રાહુલજી કી...

ખૂણાનો અવાજ : ...ઐસીકી તૈસી.

રાહુલ ગાંધી : (ખિજાઇને) અરે, આપણી વાતચીતમાં વચ્ચે ડબકાં કોણ મૂકે છે? તમને લોકોને કોઇનો અવાજ સંભળાય છે?

(બધા નેતા આજ્ઞાંકિતતાથી નકારમાં ડોકાં ઘુણાવે છે.)

નેતા ૪ : અમને તો કંઇ સંભળાતું નથી, પણ રાહુલજી, આપ મહાન છો. શક્ય છે કે મહાત્માઓની જેમ તમને પણ અંતરાત્માનો અવાજ સંભળાતો હોય...એ ફક્ત તમે જ સાંભળી શકો અને તમને એ અવાજ સંભળાયો એનો અર્થ એ જ કે તમે મહાત્મા છો. હવે કોંગ્રેસના ભવિષ્યની ચિંતા કરવાની અમારે લગીરેય જરૂર નથી.

નેતા ૫ : તમારા જેવા નેતાના હાથમાં કોંગ્રેસ જ્યાં હશે ત્યાં સલામત રહેશે એની અમને ખાતરી છે.

ખૂણાનો અવાજ : ...અને ચૂંટણી પછી કોંગ્રેસ ક્યાં હશે, એ વિશે મને ખાતરી છે.

રાહુલ : તમારા સૌના સહયોગથી હું તમને એવો ચમત્કાર બતાવીશ કે જે તમે કલ્પી પણ ન શકો.

સોનિયા : રાહુલ, તું આમ ગોળ ગોળ બોલ્યા વિના ચોખ્ખી વાત કર, નહીંતર ગેરસમજણ થશે. (નેતાઓ તરફ જોઇને) એ પક્ષને તાળું મારવાની વાત નથી કરતો.

રાહુલ : મારી પાસે એક માસ્ટર પ્લાન છે, પણ એની વાત આ રૂમની બહાર ન જવી જોઇએ. કારણ કે એ ટૉપ સિક્રેટ છે. એની પર હજુ કામ કરવાનું છે.

સોનિયા : (મનોમન) ચાલો, પ્લાનને મીડિયામાં બધે કેવી રીતે કેવી રીતે પહોંચાડવો, એટલું તો રાહુલ શીખ્યો...અત્યારથી આ બધાને ખંજવાળ આવતી હશે કે ક્યારે બહાર જઇએ ને ખાનગીમાં પત્રકારોને બોલાવીને પ્લાનની વિગતો લીક કરી દઇએ.

રાહુલ : તો પ્લાન એ છે કે...

બધા નેતાઓ : બોલો રાહુલ ગાંધીકી...

રાહુલ : (ઘુંધવાઇને) તમારી લોકોની આ ટેવ ક્યારે સુધરશે?

ખૂણાનો અવાજ : પક્ષપલટો કરશે ત્યારે..

રાહુલ (અદૃશ્ય અવાજથી ચમકીને, જરા ઉતાવળે) : તો મારી યોજના એ છે કે અત્યારે આપણામાંથી જેમની સામે ભ્રષ્ટાચારના આરોપ ન હોય એવા નેતાઓએ સાગમટે આમઆદમી પાર્ટીમાં જોડાઇ જશે...હું, સચિન, જ્યોતિરાદિત્ય, મિલિંદ, જિતેન અને બીજા પણ ઘણા. મમ્મી, શીલાઆન્ટી એ બધાં કોંગ્રેસમાં રહેશે.

સોનિયા : પછી?

રાહુલ : (‘જોયું? કેવું જોરદાર લાવ્યો?’ના અંદાજમાં) પછી કંઇ નહીં. સ્વચ્છ રાજકારણ ઇચ્છતા બધા લોકોને કેજરીવાલે પોતાની સાથે જોડાઇ જવા કહ્યું છે. એટલે અમને એ ના નહીં પાડી શકે. લોકસભાની ચૂંટણીમાં આપણે કેજરીવાલના નિયમો પ્રમાણે લડીશું તો જીતવાના બહુ ચાન્સ છે. પણ કેજરીવાલને સંપૂર્ણ બહુમતી નહીં મળે. દિલ્હી જેવું થશે. એ વખતે આપણે ફરી આમઆદમી પક્ષમાંથી અલગ જૂથ- ‘રાહુલ કોંગ્રેસ’- તરીકે છૂટા પડી જઇશું અને કોંગ્રેસના મમી જેવી મમ્મી કોંગ્રેસના જીતેલા ઉમેદવારો સાથે મોરચો કરીને સરકાર રચીશું.

નેતાઓ ૧-૬ : બ્રિલિયન્ટ આઇડીયા. એક કાંકરે કેટકેટલાં પંખી મરી જશે. યુ આર જિનિયસ. રાહુલજી આપ આગે બઢો, હમ ‘આપ’કે સાથ હૈં

(સોનિયા ગાંધી આશ્ચર્ય અને આઘાતથી ફૂટપટ્ટી પંપાળતાં રાહુલ સામે જોઇ રહે છે અને નેતાઓ રાહુલને ઘેરી વળે છે. તેમને ઘોંઘાટમાં મિટિંગનું અનૌપચારિક સમાપન થાય છે.)

Tuesday, December 17, 2013

પરિણામોનો ઉભરો ઓસર્યા પછી

વિધાનસભાનાં ચૂંટણીપરિણામ પછીની ઉત્તેજના ઓસરી રહી છે, ત્યારે ‘લોકસભાની ચૂંટણીની સેમિફાઇનલ’નાં પરિણામ અને અસરો વિશે શાંતિથી, મુદ્દાસર વિચારવા જેવું છે.

ભારતીય ચૂંટણીશાહીમાં ‘નૈતિકતા’નો ઉલ્લેખ માત્ર વિરોધાભાસ ઉપજાવવા માટે થતો હતો. રાજકીય પક્ષોના રોજિંદા વ્યવહાર અને આચરણમાં નૈતિકતાનું નામોનિશાન ન હતું. ગંભીર આરોપ થાય ત્યારે તેમનો જવાબ રહેતો : ‘આવું તો સામેનો પક્ષ પણ કરે છે/કરી ચૂક્યો છે.’ (ગોવર્ધનરામ ત્રિપાઠી પરિવારના) અંગ્રેજી કટારલેખક સલિલ ત્રિપાઠીએ રાજકીય પક્ષોની આ માનસિકતા માટે વાપરેલો શબ્દપ્રયોગ હતો : ‘ઇક્વલ ઓપર્ચ્યુનિટી એન્ટાઇટલમેન્ટ્‌સ’ એટલે કે, ‘ગેરલાભ લેવાની સમાન તકો- એમણે ગેરલાભ લીધો, તો અમે કેમ બાકી રહીએ?’ આ વૃત્તિથી રાજકીય પક્ષો પોતાનાં કરતૂતો પર લાજવાને બદલે, એકબીજા તરફ આંગળી ચીંધીને ગાજતા હતા.

પછી દિલ્હીની ચૂંટણીમાં આમઆદમી પક્ષનો અણધાર્યો ઉદય થયો. દેખીતી રીતે જ એ ભાજપ-કોંગ્રેસથી કંટાળી ચૂકેલા મતદારોની ઇચ્છાનો પડઘો હતો. પરંતુ સરકાર રચવાની વાત આવી, ત્યારે સ્પષ્ટ બહુમતી ધરાવતી ભાજપે રાબેતા મુજબ કોંગ્રેસમાંથી કે આમઆદમી પક્ષમાંથી એક તૃતિયાંશ સભ્યો તોડવાની પેરવી કરવાને બદલે કે લધુમતીમાં રહે એવી સરકાર રચવાને બદલે કામચલાઉ અને સગવડીયું ‘સતીત્વ’ ધારણ કરી લીઘું. ‘મતદારોએ અમને જનાદેશ આપ્યો નથી. એટલે અમે સરકાર રચી શકીએ નહીં.’ એવો સાત્ત્વિક ખુલાસો તેમણે રજૂ કર્યો. જોકે, બિલકુલ એ જ કારણસર આમઆદમી પક્ષ સરકાર રચવાનો ઇન્કાર કરે, એ તેમને પસંદ ન હતું.

કેજરીવાલ કોંગ્રેસના સભ્યોના બિનશરતી ટેકાથી સરકાર રચે તો એ ભ્રષ્ટાચારીઓના સાથીદાર (અરુણ જેટલીનું ટ્‌વીટ), સરકાર ન રચે તો જવાબદારીથી ભાગનારા- નકારાત્મક રાજકારણ ખેલનારા અને ભાજપના ટેકાથી સરકાર રચે તો...સરકારમાં બેઠા પછી તો તેમનું ચીરહરણ કરવાના  મુદ્દા મળી જ રહેવાના છે - આવી ‘સમજણ’ જાહેર કરીને ભાજપે રાજકીય પક્ષોની મેલી મથરાવટીનો સરસ નમૂનો પૂરો પાડ્યો.

દિલ્હીના આખા ઘટનાક્રમનો ન ચૂકવા જેવો સાર એ નીકળ્યો કે કેજરીવાલ અને તેમના આમઆદમી પક્ષે ભારતના રાજકારણમાં નૈતિકતાને ફેશનેબલ બનાવી દીધી. એનો પૂરતો હરખ વ્યક્ત કર્યા પછી સમજવું પડે કે ખરો પડકાર નૈતિકતાને ફેશનેબલ ઉપરાંત ટકાઉ બનાવવાનો છે- અને  રાજકારણમાં નૈતિક મૂલ્યો ઇચ્છતા અને મૂલ્યહીન રાજકીય પક્ષોના કુશાસનથી ત્રાસી ચૂકેલા બધા નાગરિકોને એ લાગુ પડે છે. રાજકારણમાં નૈતિકતા લાવવાની જવાબદારી કેવળ કેજરીવાલ કે આમઆદમી પક્ષની ન હોઇ શકે.

આગળના મુદ્દા સાથે સંબંધિત બીજો મુદ્દો : કેજરીવાલ (કે મોદી કે રાહુલ) ઉદ્ધારક નથી. તે ઉદ્ધારક હોય એવી અપેક્ષા પણ ન રાખવી જોઇએ. મતદારોએ ફક્ત એટલું યાદ રાખવાનું કે આપણને ઉદ્ધારકને નહીં, સારા શાસકની જરૂર છે. ‘સારા’ એટલે એવા શાસક જે કોમનવેલ્થ ગેમ્સ જેવા આયોજનોમાં કે સ્પેક્ટ્રમ જેવી ફાળવણીઓમાં ગંભીર ગોટાળા ન કરે, કેવળ અંગત કારણોસર કોઇ યુવતીની જાસુસી કરાવવા માટે એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ જેવું સત્તાવાર તંત્ર કામે ન લગાડે...

કેજરીવાલે પણ આ બાબતે સાવધ રહેવાની જરૂર છે. વચનો આપવામાં તે સરેરાશ રાજકીય પક્ષ જેવા ઉદાર જણાયા છે. વચન આપતાં પહેલાં લાંબા ગાળાનો વિચાર થવો જોઇએ અને અપાયા પછી તે પળાવાં જોઇએ. એમાં ચૂક થાય તો, નાગરિકો આમઆદમી પક્ષની કડકમાં કડક ટીકા કરી શકે. પક્ષની અને લોકશાહીની તંદુરસ્તી માટે એ જરૂરી અને ફાયદાકારક છે, પરંતુ કોંગ્રેસી-ભાજપી મંડળી શીખંડી પદ્ધતિ પ્રમાણે, સિદ્ધાંતની ઓથે રહીને સ્વાર્થનાં તીર છોડ્યા કરે ત્યારે નાગરિકોએ તેમાં હાજિયો પૂરતાં પહેલાં વિચારવું. ટાંકણીની ચોરીનું બૂમરાણ મચાવનાર પોતે ચોરેેલી વૈભવી કારમાં તો નથી ફરતો ને?

કેજરીવાલની સફળતા પછી અન્ના હજારે મેદાને પડ્યા. ટૂંકી દૃષ્ટિ- મુગ્ધ સમજણ-લપટી જીભ ધરાવતા, ઝડપથી હવામાં આવી જતા અન્ના હજુ સમજતા નહીં હોય કે જનલોકપાલ આંદોલનની આખી ડીઝાઇન કેજરીવાલે તૈયાર કરી હતી? અને તેમનું સ્થાન એક ઉપવાસી ગાંધી-આભાસી, ગાંધીટોપીધારી પ્રતીક તરીકેનું હતું? ‘ઉપવાસ થોડા વઘુ ચાલ્યા હોત તો કેન્દ્ર સરકાર ગબડી જાત’ એ પ્રકારના ભવ્ય ભ્રમોમાં રાચવા ટેવાયેલા અન્નાએ દિલ્હીની ચૂંટણી પછી કહ્યું કે તેમણે પ્રચાર કર્યો હોત તો આમઆદમી પક્ષને બહુમતી મળત. (પ્રચાર કરતાં તેમને કોણે રોક્યા હશે, એ વળી જુદો સવાલ છે)

યુવતી પર અત્યાચારના બનાવ અને ભ્રષ્ટાચારવિરોધી ચળવળને કારણે આમઆદમી પક્ષને દિલ્હીની ચૂંટણીમાં ઘણો ફાયદો થયો જણાય છે. સાથે ઉમેરવું જોઇએ કે ભ્રષ્ટાચારવિરોધી ચળવળમાં રહેલું જવાબદારી વગરની સત્તાનું અને ‘હઇસો હઇસો’નું વાંધાજનક પરિબળ આમઆદમી પક્ષની રચના પછી ઘણી હદે દૂર થયું છે. માટે, એ વધારે વાસ્તવિક અને વધારે નક્કર લાગે છે. આમ, અન્નાની ચળવળે ભલે આમઆદમી પક્ષને મજબૂત શરૂઆત પૂરી પાડી હોય, પણ એ ચળવળની સફળતા અને આમઆદમી પક્ષની સફળતાને એક ત્રાજવે તોળી શકાય નહીં. બન્નેનાં ઘણાં પરિમાણ જુદાં છે.

આમઆદમી પક્ષના ઉદય સાથે મોદીભક્તો માટે નવેસરથી મૂંઝવણ સર્જાઇ છે. અન્ના આંદોલન વખતે મુખ્યત્વે કોંગ્રેસવિરોધથી પ્રેરાઇને અન્ના-કેજરીવાલના આંદોલન સાથે ભળેલા ઉત્સાહીઓને જરા પણ અંદાજ નહીં હોય કે કેજરીવાલ અલગ પક્ષ સ્થાપીને બેઠકો જીતશે અને ભલે નાના પાયે, પણ તેમના પ્રિય પક્ષ અથવા પ્રિય સાહેબ સામે પ્રશ્નો ઊભા કરશે. આવા મિત્રો હવે આમઆદમી પક્ષ વિશે અનુકૂળ આશંકાઓ વહેતી મૂકવામાં વ્યસ્ત છે અથવા મીંઢું મૌન સેવી રહ્યા છે. કારણ કે, આમઆદમી પક્ષે લોકસભાની ચૂંટણી અને એ પણ દિલ્હી ઉપરાંત કેટલાક ઠેકાણેથી લડવાની તૈયારી બતાવી છે.

અગાઉ કહ્યું તેમ, આમઆદમી પક્ષ સંપૂર્ણ કે આદર્શ છે એવું માની લેવું નહીં. આર્થિક નીતિથી માંડીને વિવિધ નાગરિકસમુહોની સામેલગીરી બાબતે તેના પ્રત્યે અહોભાવને બદલે તપાસની દૃષ્ટિથી જોવું રહ્યું. પરંતુ અગાઉ કેવળ ‘સાહેબ’પ્રેમથી પ્રેરાઇને કોંગ્રેસના ભ્રષ્ટાચારની ટીકા કરનારા, હવે એ જ હેતુસર આમઆદમી પક્ષ વિશે આગોતરી આશંકાઓ વ્યક્ત કરવા લાગે અને તેનાં ચૂંટણીવચનો વિશે ટીકાટીપ્પણી કરવા બેસે, ત્યારે એવા લોકોને ‘સાહેબભક્ત’ તરીકે ઓળખી લેવાનું જરૂરી છે. લોકશાહીમાં ભક્તિ વ્યક્તિગત સ્વાતંત્ર્યનો મામલો છે, પણ તેને જાહેર હિત અથવા ભ્રષ્ટાચારના વિરોધ જેવા આદર્શ તરીકે રજૂ કરવામાં આવે તો એ છેતરપીંડી થાય. આવી છેતરપીંડી કરતા ‘સાહેબભક્તો’થી સાવધાન રહેવાનો આ સમય છે.

‘સાહેબ’ના પ્રખર સમર્થક એવા કોર્પોરેટ જગત માટે ‘આપ’નો ઉદય માઠા સમાચાર છે. કારણ કે મોટા રાજકીય પક્ષો સાથે તેમણે કરેલી ગોઠવણો સામે, ભલે સાવ નાના પાયે, પણ એક નવું બળ ઊભું થયું છે. કોર્પોરેટ જગતનું નાણાંકીય પીઠબળ વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની તરફેણમાં રહેલું સૌથી મોટું પરિબળ મનાય છે. તેનું ગુજરાતી એવું થાય કે મોદી વડાપ્રધાન બને એ માટે કેટલાંક ઉદ્યોગજૂથોએ તિજોરીઓ ખુલ્લી મૂકી દીધી છે. તેનો સીધો કે આડકતરો અહેસાસ પ્રસાર માઘ્યમોમાં ચોક્કસ રીતે રજૂ થતા સમાચારો દ્વારા થઇ શકે છે.

‘ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વિકલી’ જેવા ઠાવકા અને ઠરેલ  સામયિકે નોંઘ્યું છે : ‘બધી ટીવી ચેનલો સતત એવો પ્રચાર કરતી હતી કે ‘આપ’નો દેખાવ સારો હોય તો પણ, છેવટે એ ‘સ્પોઇલર’- કેવળ બાજી બગાડનાર- બની રહેશે એ નક્કી છે. જોવાની વાત એ છે કે ભાજપ પણ આવું જ કહી રહ્યો હતો કે ‘આપ’ને આપેલો મત કોંગ્રેસને મદદરૂપ થશે. આ ચોક્કસપણે એક કાવતરું હતું જેમાં ભાગીદાર બનવા બદલ પ્રસાર માઘ્યમોમાંથી કેટલાંકને ગુનેગાર ઠેરવવાં પડે...કેટલીક ચેનલોએ ‘આપ’ને ખરાબ ચીતરવાનો પ્રયાસ કર્યો અને એ માટે ‘હેચેટ જૉબ’-દ્વેષયુક્ત કાવતરાબાજી-ની પણ મદદ લીધી...(કથિત સ્ટિંગ ઓપરેશનમાં) ફૂટેજ સાથે ચેડાં થયાં છે અને તેને વિકૃત સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે એવું સ્પષ્ટ થયા પછી પણ આ ચેનલોએ માફી ન માગી. એ દર્શાવે છે કે એ લોકો ફક્ત અનૈતિક પત્રકારત્વ કરતા ન હતા. એ કાવતરામાં સામેલ પણ હતા.’ (વી.કૃષ્ણન્‌ અનંત, વેબ એક્સક્લુઝિવ, ઇપીડબલ્યુ, ૧૪-૧૨-૨૦૧૩)

પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોએ દર્શાવી આપ્યું છે કે કશો મોટો દાવ ન ખેલાય તો કોંગ્રેસે જાકારા માટે તૈયાર રહેવાનું છે, રાહુલ ગાંધીએ વડાપ્રધાનપદના ઉમેદવાર બનતાં પહેલાં, ‘દૂધપાક’ ખેલાડી મટીને સ્પષ્ટ અને જવાબદાર નેતાગીરી વિકસાવવાની જરૂર છે,

મોદીના નેતૃત્વ હેઠળ ભાજપની શક્તિ વધી છે, છતાં હજુ સુધી શિવરાજસિંઘ જેવા નેતાઓને સદંતર ઝાંખા પાડીને તે પક્ષનો પર્યાય બન્યા નથી (ભાજપ માટે અને લોકશાહી માટે એ સારી નિશાની છે), કોંગ્રેસ-ભાજપ બન્નેનો કંઇક સન્માનજનક વિકલ્પ મળતો હોય તો લોકો મોદીતરફી આક્રમક પ્રચારમાં વહી જતા નથી અને કોંગ્રેસવિરોધનો બધો ફાયદો આપોઆપ ભાજપને મળી જવાનો નથી, આમઆદમી પક્ષને નીચો પાડવા માટે કોઇ મોટી કરામત કરવામાં ન આવે તો, લોકસભાની ચૂંટણીમાં બેપાંખીયો જંગ ધરાવતી કેટલીક બેઠકો પર આમઆદમી પક્ષ મજબૂત હરીફાઇ પૂરી પાડી શકે છે..

આમઆદમી પક્ષ વિવિધ રાજ્યોમાં રહેલાં નાગરિકતરફી અને નાગરિકોના હકમાં કામ કરતાં પરિબળોને રાષ્ટ્રિય સ્તરનું એક છત્ર પૂરું પાડે અને એ સૌ સાથે મળીને જવાબદાર રાજકારણમાં એક તાંતણે જોડાય, તો નવી શરૂઆતની આશા ઊભી થાય. એ બહુ અઘરું છે, પણ દેશના હિતમાં આવશ્યક અને અનિવાર્ય છે. 

Wednesday, December 11, 2013

બે નિબંધ : જો હું વડાપ્રધાન હોઉં તો?

સ્કૂલની પરીક્ષામાં આ પ્રકારનો એકાદ નિબંધ અચૂક પૂછાતો હતો, જેને ઓપ્શનમાં કાઢી નાખવાની સુવિધા ઉપલબ્ધ રહેતી. ધારો કે એવો જ નિબંધ ગુજરાતમાં ભાજપના અને કોંગ્રેસના નેતાઓને વગર ઓપ્શને લખવાનું કહેવામાં આવે તો?
***

કોંગ્રેસી નેતાનો નિબંધ

કેમ ભાઇ? જૂનું વેર કાઢવાનું છે કે આવો નિબંધ લખવા આપો છો? તમને ખબર તો છે ઃ અમારે ત્યાં વડાપ્રધાન બનવાનું સ્વપ્ન પણ જોવું હોય તો ગાંધી અટક હોવી જોઇએ. બહુ તો વાડ્રા અટક કદાચ ચાલે. એ સિવાય ટાઢા પહોરનાં સપનાં જોઇને ટાઇમ બગાડવાને બદલે, ભાજપની સરકાર છે ત્યાં સુધી બે સારાં કામ ન કરાવી લઇએ? લોકશાહીમાં અસરકારક વિપક્ષ એને જ કહેવાય જે વિપક્ષમાં રહીને પણ પોતાની ફાઇલો ચલાવી શકે અને કોન્ટ્રાક્ટ પાસ કરાવી શકે.

તેમ છતાં, હાઇકમાન્ડ બધાની વફાદારીની ખાતરી કરવા માટે આવી નિબંધસ્પર્ધા કાઢે અને તેમાં ફરજિયાત સૌએ ભાગ લેવાનો એવું જાહેર કરે તો હું કંઇક આવો નિબંધ લખું :

‘હું કોંગ્રેસ પક્ષનો અદનો સેવક છું. મારો પી.એ., મારો ડ્રાયવર, મારા ટેકેદારો - આ બધા કોંગ્રેસના અદના સેવકો છે અને અમે જે છીએ તે સ્થિતિમાં બહુ રાજી છીએ. અમે તો સ્વપ્ન જોઇએ છે કે આવતી કાલે સોનાનો સૂરજ ઉગશે અને રાહુલબાબા અથવા પ્રિયંકામેડમ કે થોડાં વર્ષ પછી તેમની બેટી ભારતનું વડાપ્રધાનપદ શોભાવતાં હશે. છતાં, હાઇકમાન્ડના  આદેશથી ડૉ.મનમોહનસિંઘની જેમ મારે પણ, ન કરે નારાયણ ને વડાપ્રધાન બનવાનું થાય તો હું ખાતરી આપું છું કે હું રાહુલબાબાની અને સોનિયાજીની પાદુકાઓ રાખીને, તેમની આજ્ઞા પ્રમાણે શાસન કરીશ. એમ કરવામાં આજ સુધી કોને સંકોચ થયો છે કે મને થાય? હું દર્શાવી આપીશ કે કોંગ્રેસી નેતાઓ વડાપ્રધાનપદના ભૂખ્યા નથી. ઉપવાસ કોંગ્રેસ પક્ષના આરંભકાળથી તેની સંસ્કૃતિ સાથે સંકળાયેલા છે, એવું પક્ષના ઇતિહાસમાં કહેવાય છે. તેની પાછળનું અસલી રહસ્ય એ જ છે કે ગાંધી પરિવાર સિવાયના બીજા સૌ નેતાઓ વડાપ્રધાનપદની ભૂખ તજી શકે અને સાત્ત્વિકતાનું ગૌરવ પણ લઇ શકે.

ઘણા લોકોને એવું હશે કે કોંગ્રેસી વડાપ્રધાન તરીકે મને ભાજપને ખતમ કરી નાખવાનાં સપનાં આવશે. આવું માનનારા બહુ ભોળા કહેવાય. મારા લેવલે પણ મને સમજાય છે કે ભાજપ સિવાય બીજો કોઇ, થોડોઘણો ઠેકાણાવાળો પક્ષ હોત તો અમારાં પાટિયાં ક્યારનાં ઉતરી ગયાં હોત. ભલું થજો ભાજપનું કે કોઇ નક્કર કારણ વિના અમારું રાજ દસ વર્ષ અખંડ ચાલ્યું. આવા વિપક્ષને ખતમ કરવાનું તો સપનું પણ જોવું, એ લોકશાહીનો દ્રોહ કરવા જેવું ગણાય. અને એ તો સૌ જાણે છે કે અમારો પક્ષ, કટોકટી ન લાદે ત્યાં સુધી, લોકશાહીનો બિલકુલ દ્રોહી નથી.

વડાપ્રધાન તરીકેનું સપનું જોવાનું જ હોય તો હું એવું પસંદ કરું કે હું આજીવન વડાપ્રધાન રહું - અને મુખ્ય વિરોધ પક્ષ તરીકે ભાજપ જ હોય. આજીવન વડાપ્રધાનપદની મારી ઇચ્છામાં જેમને લોભલાલચની ગંધ આવતી હોય તેમને હું કોંગ્રેસની પરંપરા ઘ્યાનમાં રાખવા વિનંતી કરું છું. ત્યાર પછી જ સમજાશે કે મારી ભાવિ પેઢીઓ માટે કશી અપેક્ષા રાખ્યા વિના, હું ફક્ત મારા પોતાના જીવન પૂરતો વડાપ્રધાન બની રહેવા ઇચ્છું, એ પક્ષ અને દેશ માટે કેટલો મોટો ત્યાગ કહેવાય. ત્યાગવાળી વાત ન સમજાય તો બહુ ચિંતા ન કરવી. અમસ્તી પણ અમારા કોંગ્રેસનાં સાદગી અને ત્યાગની વાત ઘણાને સમજાતી નથી- પછી એ સોનિયાજીનો સત્તાત્યાગ હોય કે રાહુલજીનો જવાબદારી-ત્યાગ.

***

ભાજપી નેતાનો નિબંધ 

હું તો તમને શુભેચ્છક ગણતો હતો. ખબર નહીં કે તમે પણ મને પતાવી દેવા માગો છો. ભાજપમાં રહીને વડાપ્રધાન બનવાનું સપનું જોવા કરતાં, રૂપિયા ખર્ચીને પ્રવેશટિકિટ લઇને કાંકરિયા તળાવે જઇને આપઘાત કરવાનું કહેવું હતું ને. બઘું એક નું એક જ થાત. હરેન પંડ્યાનું નામ સાંભળ્યું છે? અને સંજય જોશીનું? એકના નામ આગળ ને બીજાની રાજકીય કારકિર્દી આગળ ‘સ્વ.’નું વિશેષણ લાગી ગયું- અને આ લોકો  વડાપ્રધાનપદના નહીં, ફક્ત મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ગણાતા હતા.

વડાપ્રધાન બનવાનું કોને ન ગમે? રાજનાથસિંઘને પણ ગમે ને સુષ્મા સ્વરાજને પણ ગમે. કોઇ બનાવતું હોય તો વૈંકેયા નાયડુને પણ ગમે ને અરુણ જેટલીને પણ ગમે. પરંતુ અમારા પક્ષમાં પચાસ વર્ષથી નીચેના લોકોમાં શિસ્ત એવી મજબૂત છે કે તેમની વચ્ચે વડાપ્રધાનપદ માટે કદી ખેંચતાણ થાય એમ નથી. (નોંધ ઃ આગળ લખેલાં બધાં નામ અમાર  વરિષ્ઠ - એટલે કે પચાસ વટાવી ચૂકેલા- નેતાઓનાં છે.) કોંગ્રેસમાં ગાંધી પરિવારનું છે એવું સ્થાન અમારે ત્યાં સંઘ પરિવારનું છે. એ કોઇને કંઇ પણ બનાવી શકે. નીરોમાંથી હીરો ને હીરોમાંથી ઝીરો.  અડવાણીજી તેમના બ્લોગ પર આ વિશે વધારે પ્રકાશ પાડી શકશે. આમ પણ અમારા પરિવારે તેમની પાસે હવે બ્લોગ લખવા સિવાય ખાસ કંઇ કામ રહેવા દીઘું નથી.

આટલું કહ્યા પછી હજુ પણ મૂળ સવાલનો જવાબ આપવાનું ફરજિયાત હોય તો, મારે કહેવું જોઇએ કે વડાપ્રધાનપદે શાંતિથી બેસવી માટે નાયબ વડાપ્રધાન કોને બનાવવા એ પહેલાં પાકું કરી લેવું પડે. જરૂર પડ્યે, સમયસંજોગોને માન આપીને એકથી વઘુ નાયબ વડાપ્રધાન રાખવાનું વિચારી શકાય. વધારે મૌલિકતાથી કામ લેવું હોય તો એ  હોદ્દો ફરતો રાખીને દર મહિને તેની પર જુદા જુદા નેતાઓને મૂકી શકાય. એમ કરવાથી અમારા બધા નેતાઓને ઉચ્ચ હોદ્દાની તાલીમ મળે, દેશ પાસે વડાપ્રધાનપદના ઉમેદવારોના અઢળક વિકલ્પ મળે અને પક્ષની આંતરિક લોકશાહી, જો મોદીજીના પ્રભાવ પછી પણ ટકી રહી હોય તો, મજબૂત થાય.

જો હું વડાપ્રધાન બનું તો માહિતી-પ્રસારણ ખાતામાં પણ કેટલાક પેટાવિભાગ પાડું અને બ્લોગખાતું અડવાણીજીને, ટ્‌વીટરખાતું મોદીજીને સોંપું. દેશના હિતમાં એમની શક્તિઓનો શ્રેષ્ઠ - અથવા ઓછામાં ઓછો નુકસાનકારક- ઉપયોગ કદાચ ત્યાં કરી શકાય. વડાપ્રધાનપદેથી હું એવો આદેશ પણ જારી કરું કે હવે પછીથી કોઇએ સ્વેચ્છાથી પોતાની જાતને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર કરવાનો અધિકાર નથી.
વડાપ્રધાન બન્યા પછી ખાનગી રાહે બંધારણીય નિષ્ણાતોની સલાહ પણ લઉં કે જમ્મુ-કાશ્મીરમાં છે એવી ૩૭૦મી કલમ કોઇ રીતે લોકસભામાં લાગુ પાડી શકાય કે કેમ. કાશ્મીરમાં જેમ બહારના લોકો જમીન ખરીદી શકતા નથી, એવી રીતે હું પણ એવું કરું કે લોકસભામાં સત્તાધારી પક્ષ તરીકે ભાજપ સિવાય બીજું કોઇ બેસી શકે નહીં અને વડાપ્રધાન તરીકે આજીવન હું જ રહું. કોઇને એમાં સત્તાલાલસા દેખાય તો ભલે. મારો ઇરાદો સદા વત્સલા એવી માતૃભૂમિની આજીવન સેવા કરવાનો અને એનાં ચરણોમાં જ પ્રાણ ત્યાગવાનો છે, જેથી હું મારી માતૃભૂમિને અસ્થિરતામાંથી અને માતૃપક્ષને સત્તાની ખેંચતાણમાંથી  બચાવી શકું. 

Tuesday, December 10, 2013

ગાંધી, આંબેડકર અને મેન્ડેલા

આંબેડકરના નિર્વાણદિનના એક દિવસ પહેલાં, નેલ્સન મેન્ડેલા/ Nelson Mandelaનું લાંબી બિમારી પછી દક્ષિણ આફ્રિકામાં અવસાન થયું. સંસ્થાનવાદી શાસનની ગુલામી સામે તેમની લડતને કારણે, ગાંધી અને મેન્ડેલાનું નામ સાથે લેવાય છે. દક્ષિણ આફ્રિકામાં એ લડતના - અને સંસ્થાનવાદી શાસનના- પાયામાં રંગભેદ હતો. એ ઘ્યાનમાં રાખતાં, મેન્ડેલાની વાતમાં ગાંધી જેટલા જ આંબેડકર પણ યાદ આવી શકે.

મેન્ડેલા અને આંબેડકર બન્ને પોતપોતાના સદીઓથી કચડાયેલા સમાજનાં હક અને ગૌરવ માટે, નાગરિક અધિકાર અને માનવ અધિકાર માટે લડ્યા. તેમની સરખામણીએ ગાંધીજીની મુખ્ય લડત તેમની ઇચ્છા કે તેમના કાબૂ વિરુદ્ધ, મુખ્યત્વે રાજકીય આઝાદીની બની ગઇ. મેન્ડેલાના- દક્ષિણ આફ્રિકાના કિસ્સામાં એ શક્ય ન હતું.  કારણ કે તેમની લડતમાં ‘સ્વતંત્રતા’નો મૂળભૂત અર્થ જ ‘સમાનતા’ થતો હતો. બહુમતી લોકો કાળા હોવાને કારણે, તેમને પૂરા કદનું નાગરિકત્વ અને રંગભેદનો અંત એ સંઘર્ષનો મુખ્ય મુદ્દો હતો.    

મેન્ડેલાની લડત હિંસાખોર શાસન અને રંગભેદી માનસિકતા ધરાવતા લધુમતી ધોળા લોકો સામે હતી. આ બન્ને મોરચે મેન્ડેલાની પડખે બીજા ઘણા નેતા, પક્ષ (આફ્રિકન નેશનલ કોંગ્રેસ) અને બહુમતી કાળા લોકોનું બળ હતું. ગાંધીજીની રાજકીય લડતમાં બીજા નેતાઓ, પક્ષ અને મોટા સમુદાયનું બળ હતું, પરંતુ સામાજિક અનિષ્ટો સામે ધીમા તાપે ચાલતી તેમની લડતમાં ગાંધીજી ઘણી હદે એકલા રહ્યા. ભારતની આઝાદીની લડતમાં ‘સ્વતંત્રતા’નો અર્થ ‘સમાનતા’ નહીં, પણ ‘અંગ્રેજી શાસનમાંથી રાજકીય આઝાદી’ એવો થતો હતો. એટલે કોંગ્રેસના પહેલી હરોળના નેતાઓ, પક્ષ અને સમાજનો બહોળો વર્ગ ગાંધીજીને પૂજનીય ગણતાં રહ્યાં, પણ તેમાંથી મોટા ભાગના લોકો  ગાંધીજીના સમાજદર્શનને અંશતઃ પણ અનુસરી શક્યા નહીં. પરિણામે, ભારતને રાજકીય આઝાદી મળી ગઇ, ગાંધીજી રાષ્ટ્રપિતા ગણાયા, પણ આંબેડકરના સ્વપ્ન જેવું દલિતોની સમાનતા અને સામાજિક આઝાદીનું કામ અઘૂરું રહ્યું.

ગાંધીજીના પગલે ઠક્કરબાપા, પરીક્ષિતલાલ મજમુદાર, મામાસાહેબ ફડકે જેવા સન્નિષ્ઠ કાર્યકરો દલિતકલ્યાણના કાર્યમાં જોતરાઇ ગયા, પણ આંબેડકરને ‘દલિતોદ્ધાર’ના કાર્યક્રમથી સંતોષ ન હતો. તે દલિતોના રાજકીય અધિકાર તથા તેમની સામાજિક આઝાદી ઝંખતા હતા. એટલે આંબેડકરને અંગ્રેજો કરતાં વધારે કોંગ્રેસ સામે લડવાનું આવ્યું અને મૂલતઃ એક ઘ્યેય હોવા છતાં, જુદા રસ્તાને કારણે ગાંધી-આંબેડકરને સામસામે મુકાવું પડે, એવા સંજોગો અનેક વાર ઊભા થયા.

દક્ષિણ આફ્રિકામાં મેન્ડેલા બહુમતી કાળા લોકોના સ્વીકૃતનેતા હતા. તેમ છતાં, મેન્ડેલા અને કોંગ્રેસથી જુદો ચોકો રચનારાં, કાળા લોકોનાં બીજાં કેટલાંક જૂથ પણ હતાં. તે વધારે આત્યંતિક કે ઝનૂની હતાં. ૨૭ વર્ષનો જેલવાસ વેઠનાર મેન્ડેલા અને ધોળા પ્રમુખ ક્લાર્ક વચ્ચે સમાધાન થયા પછી દેશના ઇતિહાસમાં પહેલી વાર ચૂંટણી જાહેર થઇ, કાળા લોકોને મતાધિકાર અપાયો, ત્યારે પણ એક કાળા જૂથે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. જોકે, થોડા સમય પછી આત્યંતિકતા સમજાતાં તે લાઇન પર આવી જઇને ચૂંટણીમાં સામેલ થયું અને રાતોરાત બેલેટ પેપરમાં નવી ચબરખીઓ લગાડવાની થઇ.

ચૂંટણી અને દલિતાના સાચા પ્રતિનિધિત્વના મુદ્દે આંબેડકર-ગાંધી વચ્ચે ત્રીસીના દાયકામાં મોટો મતભેદ થયો, જેની કડવાશ હજુ પણ દલિત સામાજિક નેતાગીરી જોવા મળી જાય છે.  અંગ્રેજોએ મુસ્લિમો ઉપરાંત દલિતો માટે પણ અલગ મતદાર મંડળની જોગવાઇ કરી. દેશમાં હિંદુ-મુસ્લિમ કોમવાદનું રાજકારણ શરૂ થઇ ચૂક્યું હતું અને તિરાડ પહોળી થઇ રહી હતી. એ વખતે હિંદુ સમાજમાં કાયમી આંતરિક તડાં ન સર્જાય, એ ચિંતાથી ગાંધીજીએ દલિતોને મળેલા અલગ મતદાર મંડળનો વિરોધ કર્યો. પૂનાની આગાખાન જેલમાં તેમણે આમરણ ઉપવાસ કર્યા. ગાંધીજીનો જીવ બચાવવા માટે આંબેડકરે અલગ મતદાર મંડળ જતું કરીને પૂના કરાર પર મત્તું મારવું પડ્યું. રાજકીય સત્તામાં બિનકોંગ્રેસી દલિત પ્રતિનિધિત્વની આ તક જતી કરવી પડી, તે આંબેડકરને બહુ વસમું લાગ્યું.

ભારતમાં મુસ્લિમો વતી ઝીણાએ અને દલિતો વતી આંબેડકરે ગાંધીજીની આખા હિંદની નેતાગીરીનો દાવો માન્ય રાખ્યો નહીં. મેન્ડેલાને એવો પ્રશ્ન ન હતો. તેમની નેતાગીરી ન સ્વીકારાં જૂથ મુખ્યત્વે  હિંસાનો આશરો લેનાર કાળાં અને ધોળાં લોકો હતાં. આંબેડકરની સ્થિતિ વધારે ખરાબ હતી. કોંગ્રેસની બહાર રહીને દલિતોના નેતા તરીકે પ્રસ્થાપિત થવા માટે તેમને ગાંધીજી-કોંગ્રેસની સામે ઊભા રહેવાનું હતું. પોતાની પ્રતિભાના જોરે, કટુ લડાઇઓ લડીને, તે અસ્પૃશ્યોના નેતા બની શક્યા.

કડવાશ ફક્ત આંબેડકરના જ મનમાં હતી, એવું માનનાર લોકોએ આંબેડકર વિશે કંઠીધારી ગાંધીવાદીઓનો મત પણ જાણવા જેવો ખરો. આંબેડકરની કડવાશ માટે મજબૂત કારણો હતાં- જે ગાંધીજી કબૂલતા હતા- પરંતુ ઘણા ગાંધીવાદીઓને ગાંધીજી સાથે અવિવેકની હદની આક્રમકતાથી વાત કરનાર આંબેડકર ભયંકર માણસ લાગતા હતા. આઝાદી પછીનાં વર્ષોમાં પણ તેમનો એ અભિપ્રાય ચાલુ રહ્યો. આંબેડકરને દલિતોના નેતા તરીકેનો દરજ્જો કેવળ અંગ્રેજોની કૃપાથી મળ્યો હતો, એવું માનનારો એક વર્ગ હતો અને છે. આવો આરોપ આંબેડકરનાં હતાશા, સંઘર્ષ અને સિદ્ધિને ભારે અન્યાય કરનારો છે.   મેન્ડેલાને મળેલું રાષ્ટ્રિય નાયક તરીકેનું પદ આંબેડકરથી હંમેશાં દૂર રહ્યું. આંબેડકરનું નામ પહેલી હરોળની નેતાગીરીમાં ન મૂકવા માટે એવી દલીલ કરાય છે કે, ‘આંબેડકર (કેવળ) દલિતોના હિત માટે લડ્યા હતા. આઝાદીની લડાઇમાં તેમનું શું પ્રદાન?’ તેના વિગતમાં જવાને બદલે પહેલાં એક સાદો સવાલ થવો જોઇએ : શું દલિતોનું હિત દેશહિતના વિરોધમાં હતું?

બીજો યાદ રાખવા જેવો મુદ્દો : દલિતોના હિતમાં દેશનું હિત આપોઆપ સમાયેલું છે, પરંતુ કહેવાતા ઉજળિયાત લોકોની ‘દેશહિત’ની વ્યાખ્યામાં દલિતોના હિતનો સમાવેશ થતો નથી.

શું દલિતોનું હિત દેશહિતનો અંતરગ હિસ્સો ન હોવું જોઇએ? દેશની આશરે છઠ્ઠા ભાગની વસ્તી ધરાવતા દલિતોને સદીઓ જૂના અમાનવીય ભેદભાવોમાંથી મુક્તિ આપવા માટે મથવું, એ જુદા પ્રકારની- કદાચ વધારે અગત્યની- આઝાદીની જ લડાઇ ન ગણાય? આટલી મોટી સંખ્યામાં દેશના દલિતો અર્ધમાનવ અવસ્થામાં જીવતા હોય એ દેશ શી રીતે આગળ વધી શકે? રાજકીય આઝાદીની સાથોસાથ ‘સ્વ-રાજ’ સ્થાપવા માટે એ અનિવાર્ય ન ગણાય? અને એ હેતુ માટે આજીવન મથનાર આંબેડકરને મહાન રાષ્ટ્રિય નેતા ગણવાને બદલે ‘દલિતોના નેતા’ તરીકે ખતવી નાખવા એ શું કહેવાય? અન્યાય કે ભેદભાવ?

ઘણી વાર સવાલ થાય કે ડૉ.આંબેડકરને, સંભવતઃ ગાંધીજીના સૂચનથી, બંધારણસભામાં સામેલ ન કરાયા હોત અને તે બંધારણની ખરડાસમિતિના અઘ્યક્ષ ન હોત, તો સ્વતંત્ર ભારતના મુખ્ય ધારાના ઇતિહાસમાં તેમનું શું સ્થાન હોત? અથવા એક ફુદડી-ફૂટનોટથી વિશેષ તેમનું કોઇ સ્થાન હોત ખરું? આ એવો સવાલ છે કે સરદાર પટેલ દેશી રાજ્યોના વિલીનીકરણ સાથે ન સંકળાયા હોય તો કોંગ્રેસી અને ડાબેરી ઇતિહાસકારોએ દેશના ઇતિહાસમાં સરદારને સ્થાન આપ્યું હોત? બન્નેના જવાબ ધારી શકાય એવા છે.

સચ્ચાઇ અને સુમેળ : એક કલ્પના

આઝાદી અને રંગભેદની નાબૂદી પછી મેન્ડેલાએ ‘ટ્રુથ એન્ડ રીકન્લીસીલિએશન’ (સચ્ચાઇ અને સુમેળ) નીતિ દ્વારા ભૂતકાળના ત્રાસજનક ઘટનાક્રમને તાજો કર્યો, પરંતુ બદલો લેવા માટે નહીં, તેની ગંભીરતા અંકે કર્યા પછી કાયમ માટે તેને દફનાવી દેવા. આ કાર્યક્રમ અંતર્ગત ટ્રુથ એન્ડ રીકન્સીલિએશન કમિશનની વિવિધ બેઠકોમાં સેંકડો લોકોએ પોતાની પર જે વીત્યું હતું તેનાં હૃદયદ્રાવક વર્ણનો કર્યાં. તેનું રેડિયો-ટીવી પર પ્રસારણ થયું. ગુનો કરનારા જોગ પણ કહેવાયું હતું કે તમે જે ન કરવા જેવું કર્યું હોય તે અહીં આવીને કહી દો. માફીને યોગ્ય ગુનો હશે તો માફી થશે. અદાલતી કાર્યવાહીનો બહુ પ્રશ્ન ન હતો. કારણ કે સમય વીતી જતાં ઘણા ગુનામાં અદાલતમાં કામ ચલાવી શકાય એવા આધારપુરાવા મોજૂદ ન હતા.

‘ટ્રુથ એન્ડ રીકન્સીલિએશન’ની ઝુંબેશને મિશ્ર સફળતા મળી, પણ તેનો આશય ભૂતકાળમાં અત્યાચારી લધુમતી તરીકે ગણાયેલા ધોળા લોકો અને તેમના અત્યાચારોનો ભોગ બનેલા કાળા લોકો વચ્ચે સુમેળ-સંવાદનો પુલ બાંધવાનો હતો. રંગભેદી શાસન સમાપ્ત થયા પછી પણ ઘણા ધોળા લોકો દક્ષિણ આફ્રિકામાં રહ્યા. તેમની અને કાળા લોકોની વચ્ચેની દુશ્મનાવટ દૂર થાય અને સૌ એક જ દેશના, એક સરખા અધિકાર ધરાવતા નાગરિક બની રહે, તે ટ્રુથ એન્ડ રીકન્સીલિએશન કમિશનનો મુખ્ય આશય હતો.

એવું માનવાનું મન થાય છે કે ગાંધી-આંબેડકર થોડાં વર્ષ વધારે જીવ્યા હોત અથવા આઝાદી થોડી વહેલી મળી હોત, તો આ બન્ને નેતાઓએ દલિતો પર હિંદુઓએ સદીઓથી કરેલા અત્યાચારોના સંબંધે ‘ટ્રુથ એન્ડ રીકન્સીલિએશન’ જેવી કોઇ યોજના ઘડી કાઢી હોત. હિંદુઓએ પ્રાયશ્ચિત કરવું જોઇએ એવું ગાંધીજી કહેતા હતા, પરંતુ ગુનાના જાહેર એકરાર વગરનાં ખાનગી પ્રાયશ્ચિત ‘ટ્રુથ એન્ડ રીકન્સીલિએશન’ની વ્યાપક અસર પેદા કરી શકતાં નથી. એવી જ રીતે, ડૉ.આંબેડકરની અપેક્ષા પ્રમાણેના નકરા કાયદા, અમલ કરનારના હૃદયપરિવર્તન વિના પૂરેપૂરા અસરકારક નીવડી શકતા નથી. આ બન્ને નેતાઓ લાંબુ જીવ્યા હોત અને કોમી હિંસાની કારુણીમાંથી પાર ઉતર્યા પછી, દલિતહિત અંગે પોતપોતાના અંતિમોની મર્યાદા સમજીને ‘ટ્રુથ એન્ડ રીકન્સીલિએશન કમિશન’ની ભેટ આપી શક્યા હોત તો?

મેન્ડેલાને વિદાયઅંજલિ આપતી વેળા એક ભારતીય તરીકે આ કલ્પના ખાળી શકાતી નથી. 

Thursday, December 05, 2013

ગુજરાતમાં દટાયેલું સોનું?

થોડા સમય પહેલાં ઉત્તર પ્રદેશના એક સાઘુને દટાયેલા સોનાનું સ્વપ્ન આવ્યું અને ટીવી ચેનલોના પત્રકારોની ઉંઘ હરામ થઇ. ભૂરા રંગનાં પાટિયાં મારવાથી સ્થળો આપોઆપ આરક્ષિત થઇ જાય છે, એવી શ્રદ્ધા ધરાવતા ભારતીય પુરાતત્ત્વ ખાતાએ ગામમાં ખોદકામ શરૂ કર્યું. આ ખોદકામમાં સામાન્ય બુદ્ધિ દાટી દેવાની નથી, એવો અહેસાસ કરાવવા માટે પુરાતત્ત્વ ખાતાએ કહ્યું કે તેમણે જમીનનું પરીક્ષણ કર્યું છે અને તેમાં ધાતુ જેવા કઠણ પદાર્થ છે. પછી પુરાતત્ત્વ ખાતાને સમજાયું કે પથ્થર પણ ધાતુ જેવો કઠણ પદાર્થ જ કહેવાય અને આખી વાતનું વગર દીવેટે સૂરસૂરિયું થઇ ગયું.

કલ્પના એ કરવાની રહે કે આ સોનું ઉત્તર પ્રદેશને બદલે ગુજરાતમાં મળવાની સંભાવના વ્યક્ત થઇ હોત તો કેવા અહેવાલ પ્રગટ થયા હોત?

***

ગુજરાતનો સુવર્ણયુગ
તા. ૧૦

ગુજરાતમાં છેલ્લાં બાર વર્ષથી ચાલી રહેલા સુવર્ણયુગ વિશે ઘણા ટીકાકારો શંકા સેવે છે, પરંતુ એ દાવાને નક્કર પુષ્ટિ આપતાં મુખ્ય મંત્રીની કચેરી તરફથી જણાવાયું છે કે ગુજરાતના પાતાળમાં સોનાના ભંડાર દટાયેલા હોવાની સંભાવના છે. આ ભંડાર છેલ્લા બાર વર્ષમાં પેદા થયા કે ત્યાર પહેલાંથી અસ્તિત્ત્વમાં આવ્યા એ વિશે ચોખવટ કરવામાં આવી નથી, પરંતુ કેટલાક પૌરાણિક અભ્યાસીઓના મતે રાજ્યમાં અસરકારક શાસન ચાલતું હોય ત્યારે કુદરતી તત્ત્વો તો ઠીક, મનુષ્યના દટાયેલા-બળેલા મૃતદેહ પણ સોનામાં ફેરવાઇ જાય એવી સંભાવના હોય છે. રસાયણશાસ્ત્રીઓ કે ભૂસ્તરશાસ્ત્રીઓ આ માન્યતા સ્વીકારતા નથી. પરંતુ એ લોકો સરકાર પણ ચલાવતા નથી.

ગુજરાતમાં નક્કર સોનું મળી આવે તો મુખ્ય મંત્રીના ટીકાકારોનાં મોં બંધ થઇ જશે અને મુખ્ય મંત્રીને લોકસભાની ચૂંટણી પછી વડાપ્રધાન બનવા માટે જે રકમની જરૂર પડે તેના માટે ઉદ્યોગપતિ મિત્રોની મદદ નહીં લેવી પડે, એવું પણ રાજકીય સૂત્રોમાં ચર્ચાય છે.

***

ગુજરાતના મુખ્ય મંત્રીની વઘુ એક સિદ્ધિ : સોનાના ભંડાર
તા. ૧૩, ગાંધીનગર

ગુજરાતમાં સોનું દટાયેલું હોવાના અહેવાલે દેશભરમાં ઉત્તેજનાનો માહોલ સર્જ્યો છે. જાણીતા ઉદ્યોગપતિ ટનાટન રાતાએ કહ્યું છે કે જે ઉદ્યોગપતિ ગુજરાતમાં ખોદકામનો પરવાનો મેળવવા માટે મુખ્ય મંત્રીને મસકા નથી મારતો એ મૂરખ છે. બીજા ઉદ્યોગપતિ સ્વપ્નિલ પિત્તળે કહ્યું છે કે ગુજરાતના મુખ્ય મંત્રી ફક્ત દેશના જ નહીં, વિશ્વના વડાપ્રધાન બનવાની ક્ષમતા ધરાવે છે અને તેમના નેતૃત્વ હેઠળ વિશ્વ બુલેટ ટ્રેનની ઝડપે વિકાસ કરશે. જે માણસની હાજરી માત્રથી ગુજરાતની ભૂમિમાં સાચું સોનું પેદા થઇ શકતું હોય, તે વિશ્વનો વડો હોય તો શું ન થાય?   મુખ્ય મંત્રીની અભિનયક્ષમતા અને સંવાદછટાથી પ્રભાવિત ફિલ્મી અભિનેતા-અભિનેત્રીઓ પણ ગાંધીનગરમાં ઉતરી પડ્યાં છે. ‘અમને ખમણ બહુ ભાવે ને ઢોકળાં બહુ ભાવે’- એવા ઇન્ટરવ્યુ આપવાને બદલે આ વખતે એમણે ધંધામાં ઘ્યાન કેન્દ્રિત કરીને પત્રકારોને મળવાનું ટાળ્યું છે. માહિતી ખાતું મુખ્ય મંત્રી સાથેની તેમની તસવીરો જારી કરે ત્યારે જ જાણ થાય છે કે એ લોકો ગાંધીનગરની મુલાકાતે હતાં. મોટા ભાગના અભિનેતા-અભિનેત્રીઓએ ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે મુખ્ય મંત્રી સમક્ષ ઉદાર શરતો મુકી હોવાનું જાણવા મળ્યું છે. કારણ કે એક વાર ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા પછી ગુજરાતનું સોનું તેમને સસ્તા કે મફતના ભાવે મળી જવાની ઉજળી આશા છે.

મુખ્ય મંત્રીની પ્રશંસા કરવા માટે ઉમટી પડેલા ઉદ્યોગપતિઓ અને ફિલ્મવાળાની લાઇન સચિવાલયથી છેક સેક્ટર ચ- પાંચના ફુવારા સુધી લંબાઇ હોવાના બિનસત્તાવાર અહેવાલને માહિતીખાતાએ નકારી કાઢ્‌યા છે. ચ-પાંચના ફુવારે બેસતા પ્રદર્શનકારીઓ સાથે લાઇનની ભેળસેળ થવાથી પ્રજામાં ગેરસમજણ ઊભી ન થાય એ માટે પ્રદર્શનકારીઓ પર બિનસત્તાવાર પ્રતિબંધ ફરમાવાયો હોવાનું પણ જાણવા મળે છે.

***

એ સોનું કોંગ્રેસની મહેનતનું પરિણામ છે
તા. ૧૪

ગુજરાતમાં દટાયેલું સોનું મળી આવવાના અહેવાલોને રદીયો આપતાં કોંગ્રેસી પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ અહેવાલો પાયા વગરના છે અને આવું કોઇ સોનું મળી આવવાનું નથી. પરંતુ સલામતી ખાતર કોંગ્રેસી પ્રવક્તાએ કહ્યું હતું કે કદાચ પણ આવું કંઇ મળી આવે તો એ કોંગ્રેસે વર્ષો સુધી ગુજરાત પર રાજ કર્યું તેનું પરિણામ હશે. કોંગ્રેસના રાજમાં સોનું જમીનમાં દાટીને પિત્તળ બહાર રાખવાનો રિવાજ હતો, એવું અનુભવી રાજકીય સમીક્ષકો માને છે. પરંતુ સોનું નીકળશે કે નહીં, એ વિશે ખોંખારીને ટીપ્પણી કરવાનું કોંગ્રેસી પ્રવક્તાએ ટાળ્યું. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે એમ તો ગુજરાત કોંગ્રેસના કાર્યાલય નીચે સોનું હોવાની સંભાવના છે. લાંબો સમય સરકાર ચાલે એટલે એક યા બીજા સ્વરૂપે જમીનમાં કે બેન્કમાં દાટી રાખવું પડે એવું સોનું પેદા થતું જ હોય છે. એમાં કશી નવાઇ નથી કે કશો ચમત્કાર પણ નથી. સ્વિસ બેન્કના નિયમો કડક બન્યા પછી ફરી એક વાર સોનું જમીનમાં દાટી રાખવાનો યુગ પાછો ફરે એવી સંભાવના પણ અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કરી છે.

***

સોનાના ભંડારોની મુલાકાતે પ્રો.જગદીશ ભગવતી
તા. ૧૬

જાણીતા અર્થશાસ્ત્રી અને ગુજરાતના મુખ્ય મંત્રીના વિકાસમોડેલના પ્રશંસક પ્રો.જગદીશ ભગવતી ગાંધીનગરની મુલાકાતે આવ્યા હતા. તેમણે ગુપ્ત રાહે સોનાના દટાયેલા ભંડારની સ્થળમુલાકાત લીધી હોવાનું પણ મનાય છે. પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીતમાં પ્રો.ભગવતીએ કહ્યું હતું કે ‘મારા વિદ્વાન મિત્ર પ્રો.અમર્ત્ય સેને તેમની જિંદગીમાં કલ્પ્યું નહીં હોય એટલું સોનું ગુજરાત ધારે તો મુખ્ય મંત્રી મોદીના નેતૃત્વ હેઠળ પેદા કરી શકે એમ છે. મને તેમની ક્ષમતામાં પૂરો વિશ્વાસ છે અને અમર્ત્ય સેન તેમના વિરોધી હોય ત્યારે તો મારો વિશ્વાસ બેવડાઇ જાય છે.’ પ્રો.સેને આ અંગે ટીકાટીપ્પણી કરવાને બદલે કહ્યું કે ‘જો ગુજરાતમાંથી ખરેખર સોનું મળી આવે તો તેની અસરકારક વહેંચણી થાય અને છેવાડાના માણસ સુધી તેનો લાભ પહોંચે એવું આયોજન ગુજરાત સરકારે કરવું જોઇએ.’

***

લંકા પણ સોનાની હતી ઃ અડવાણી
તા. ૧૭

વરિષ્ઠ ભાજપી નેતા લાલકૃષ્ણ અડવાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાવણની નગરી લંકા ‘સોનાની લંકા’ તરીકે જાણીતી હતી. અડવાણીએ કયા સંદર્ભે આવું કહ્યું હશે તે વિશે અટકળો થઇ રહી છે. આગામી લોકસભાની ચૂંટણી અને વડાપ્રધાનપદ અંગે અડવાણીએ કહ્યું કે ‘નરેન્દ્ર મોદી એટલા સક્ષમ નેતા છે કે તેમના પ્રાંતમાંથી સોનું નીકળે છે.’ પછી જરા અટકીને તેમણે લંકાનગરી યાદ કરી હતી.

***

ગુજરાતના ગોલ્ડ રશનો અંત
તા. ૨૮

પુરાતત્ત્વ ખાતાએ ગુજરાતમાં પાંચ સ્થળોએ સોનાની શોધમાં હાથ ધરેલા ખોદકામમાં સોનાને બદલે માનવ હાડપિંજરો મળતાં તત્કાળ ખોદકામ અટકાવી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં સોનું દટાયેલું હોવાના અગાઉ પ્રગટ થયેલા અહેવાલો બિનપાયેદાર અને બિનસત્તાવાર ગણાવીને માહિતી ખાતાએ તેને રદીયો આપ્યો છે. 

Tuesday, December 03, 2013

આદર અને આક્રમક વિરોધ : શરતો લાગુ

મૂલ્યો વગરની સફળતા સમાજમાં ક્યારની સ્વીકૃત, સ્થાપિત અને પ્રતિષ્ઠિત બની ચૂકી હોય, એવી સ્થિતિમાં મૂલ્યભંગના મોટા ભાગના કિસ્સા થોડી સનસનાટીથી વધારે કંઇ જગાડી શકતા નથી. પરંતુ મૂલ્યહીનતાના અવિરત ઓચ્છવમાં નૈતિકતાની પીપુડી વગાડતા છૂટાછવાયા લોકો જ્યારે માટીપગા પુરવાર થાય, ત્યારે વધારે મોટો ધબાકો થાય છે.‘તહલકા’ના તરુણ તેજપાલ એનું તાજું ઉદાહરણ છે.

તરુણ તેજપાલની જે મથરાવટી તેમના પરિવારમાં અને નજીકનાં વર્તુળોમાં જાણીતી હતી, તે હવે રાષ્ટ્રિય ચર્ચાનો મુદ્દો છે- અને એમાં તેજપાલ સિવાય બીજા કોઇનો દોષ કાઢી શકાય તેમ નથી. લાજવા જેવું કામ કર્યા પછી ગાજવાની તેમની વર્તણૂંક બેવડી શરમજનક છે.  ‘તહલકા’ના મોરચે શહીદીનો લિબાસ પહેરીને ફરતા તેજપાલ અને તેમનાં સાથી શોમા ચૌધરી ‘થિન્ક ફેસ્ટ’ પ્રકારનાં ફાઇવ સ્ટાર આયોજનો માટે જુદી કંપનીઓ ઊભી કરે અને ‘તહલકા’ના માઘ્યમથી કરાતો મૂલ્યનિષ્ઠાનો દાવો નેવે મૂકીને અઢળક કમાણી કરતાં હોય, એ પણ ઓછો ગંભીર આરોપ નથી. ‘તહલકા’માં ખોટ જતી હોય, જેને સરભર કરવા માટે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ હોંશથી નાણાં રોકતા હોય અને ભવ્ય મેળાવડા કે ક્લબ જેવાં આયોજનોમાં નાણાં મેળવવા માટે તેજપાલ ‘તહલકા’ની આબરૂ વટાવી ખાતા હોય, તે આરોપ સૂચવે છે કે તેજપાલની મહત્ત્વાકાંક્ષા તેમની જે કંઇ નીતિમત્તા હોય એને વળોટીને ક્યારની આગળ નીકળી ચૂકી હતી.

તેજપાલ-ચૌધરી એન્ડ કંપનીનાં આ કરતૂતની ‘સજા’ તરીકે હવે ‘તહલકા’ બંધ થઇ જાય અથવા ખંડિત પ્રતિષ્ઠા સાથે ચાલતું રહે, તો તેમાં નુકસાન છેવટે કોને જાય? તેજપાલ-ચૌધરીનું જે થવું હોય તે થાય, પણ ‘તહલકા સ્પેશ્યલ’ અહેવાલ છપાતા બંધ થાય અથવા છપાય તો પણ તેમાં વિશ્વસનિયતાનો રણકો ન રહે, એ બેશક નાગરિકોનું નુકસાન છે- એવા નાગરિકોનું જેમણે કોઇ રાજકીય પક્ષની કંઠી બાંધી નથી કે કોઇ નેતાના મોહમાં અંધ બન્યા નથી.

અને ફાયદો કોને થાય? ‘એક કાગડો મરે ને સો ગાયનાં શિંગ ઠરે’ એ કહેવત પ્રમાણે, અનેક સ્થાપિત હિતો અને તેમના મળતિયા હાશકારો અનુભવે. (‘તહલકા’નું પ્રતીક ‘જૂઠ બોલે કૌઆ કાટે’વાળો કાગડો જ હતો.)

વિરોધનાં વાજાં, સ્વાર્થના સૂર

તેજપાલનો વિરોધ કરનારામાંથી કોણ ન્યાય ઇચ્છે છે ને કોણ બદલો, કોણ સિદ્ધાંતની વાત કરે છે ને કોણ સગવડની, એની તારવણી કરવાનું પણ જરૂરી છે. ઇંદિરા ગાંધીએ ૧૯૭૭માં લાદેલી કટોકટીમાંથી દેશને બોધપાઠ મળી ચૂક્યો છે કે કટોકટીનો વિરોધ કરનારા બધા લોકશાહીના કે નાગરિક અધિકારોના તરફદાર નથી હોતા. કંઠીબંધા ડાબેરીઓથી માંડીને કોમવાદી જમણેરીઓ સુધીના સૌ કોઇ કટોકટીની સામે હોય ત્યારે એક સરખા શાણા લાગતા હતા. કટોકટીનો વિરોધ ગમે તેટલો સાચો હોય તો પણ, ફક્ત એ કારણસર તેના તમામ વિરોધીઓને લોકશાહીના ચળવળકાર તરીકે વધાવી શકાય નહીં. એવી જ રીતે, તેજપાલના વિરોધમાં ઉતરેલા લોકોના પણ આશય પ્રમાણે પ્રકાર પાડવા રહ્યા.

આ પ્રકાર નક્કી કરવાની ઘણી રીત હોઇ શકે. જેમ કે, તેજપાલના શરમજનક દુર્વ્યવહારનો જોરશોરથી વિરોધ કરનારા કેટલા લોકોને અમિત શાહના ‘સાહેબ’ દ્વારા કરાયેલા રાજ્યસત્તાના વ્યાપક દુરુપયોગ સામે (વધારે નહીં તો) એટલો જ વાંધો પડે છે? તેજપાલે છોકરી સામે કરેલા આરોપો જૂઠા છે, એવું હોંશથી કહેતા કેટલા લોકોને, ‘સાહેબે છોકરીની સલામતી માટે તેની પાછળ પોલીસ ગોઠવી હતી’ એવો ખુલાસો હોંશેહોંશે સ્વીકારી લે છે? તેજપાલની ટીકા કરનારામાંથી કેટલા લોકો હજુ આસારામના ભગત છે અથવા તેમને ખોટા હેરાન કરાઇ રહ્યા હોવાનું માને છે?

આમાં, ‘જાઓ, પહેલે ઉસ આદમીકા સાઇન લેકે આઓ...’વાળા ‘દીવાર’ન્યાયની વાત નથી કે નથી તેનાથી તેજપાલનો ગુનો હળવો થતો. સમજવાનું એટલું જ છે કે તેજપાલ માટે એક ને ‘સાહેબ’ માટે કે આસારામ માટે બીજી ફુટપટ્ટી રાખતા લોકો વ્યક્તિગત, વિચારગત કે પક્ષગત લાગણીથી દોરાઇને તેજપાલનો વિરોધ કરતા હોય એવી પૂરી શક્યતા છે. તેમને નૈતિકતા કે મૂલ્યો સાથે કશો સંબંધ હોવો જરૂરી નથી. તેજપાલના આવા પતનથી - અને ખાસ તો ‘તહલકા’ની પ્રતિષ્ઠાને થયેલા નુકસાનથી નાગરિક તરીકે ખેદ થવો જોઇએ, પરંતુ તેમને આનંદ થાય છે.

ઘુળેટી વખતે કીચડના કુંડમાં રમતા લોકોની વચ્ચે કોઇ શ્વેતવસ્ત્રધારી આવી પટકાય તો કેવી ચિચિયારીઓ ઉઠે? તેમાં મૂલ્યો પ્રત્યેનો આદર નહીં, પણ ‘આપણી ઉજવણીમાં ખલેલ પહોંચાડનારો એક ઓછો થયો ને આપણામાં ભળી ગયો’ એવી લાગણી મુખ્ય હોય છે. બેવડાં ધોરણ ધરાવતા લોકો દ્વારા થતો તેજપાલનો તીવ્ર વિરોધ હકીકતે કીચડકુંડમાં તેજપાલનું સ્વાગતગાન છે, જેનો સાર છે, ‘હવે તમે કયા મોઢે અમારા વહાલા નેતા કે પક્ષ તરફ આંગળી ચીંધશો? બોલો?’  તેનાથી સમાજને કે નીતિમત્તા ઝંખતા નાગરિકોને કશો ફાયદો થવાનો નથી.

કિમતી મતને અપવિત્ર કરો

નાગરિકતરફી રાજકારણના દાવા સાથે દિલ્હીની ચૂંટણીમાં ઝંપલાવનાર ‘આમઆદમી પક્ષ’ના અરવિંદ કેજરીવાલનો કિસ્સો આરોપની રીતે જુદો, પણ પ્રતિક્રિયાની દૃષ્ટિએ બહુ અલગ નથી.  અન્ના આંદોલનની પહેલી મુદત વખતે રાતોરાત ક્રાંતિ કરવા નીકળેલા ઘણાએ અન્ના અને અરવિંદ કેજરીવાલને માથે બેસાડ્યા હતા. હવે કેજરીવાલ વિશે લોકોની મુગ્ધતા ઓસરી ચૂકી છે. તેમણે રાજકારણમાં દાખલ થવાનું સ્વીકાર્યું એ આવકાર્ય છે, પણ ભ્રષ્ટાચારવિરોધી ચળવળ વખતે તેમની ફરતે રચાયેલું તેજવર્તુળ હવે જોવા મળતું નથી. તેમની કેટલીક નીતિરીતિઓ સામે ભૂતકાળમાં સવાલ થયેલા છે, પરંતુ તેમાંનો એકેય સવાલ ભાજપ-કોંગ્રેસના નેતાઓના મોઢે શોભતો નથી.

દિલ્હીમાં અને દેશભરમાં કોંગ્રેસ-ભાજપ એટલાં તળિયે બેઠેલાં છે કે તે એકબીજા સિવાયના- એટલે કે કોઇ પણ ધોરણસરના- પક્ષ સાથે ગુણવત્તા કે નૈતિકતાની બાબતમાં હરીફાઇ કરી શકે એમ નથી. કેજરીવાલ જેવા નવા નિશાળીયા સામેની લડાઇમાં પણ કોંગ્રેસ-ભાજપને અંદરથી અવઢવ લાગતી હશે. કારણ કે તેમનો વિશ્વાસ ટકાવી રાખે એવું પોતીકી તાકાતનું કોઇ પરિબળ નથી. તેમનું સઘળું જોર માત્ર નાણાંકોથળી અને રાજકીય દાવપેચોમાં સમાયેલું છે. કદાચ એ જ કારણથી, દિલ્હીમાં આ બન્ને રાષ્ટ્રિય પક્ષોનો પ્રયાસ કોઇ પણ રીતે કેજરીવાલને નીચા પાડવાનો જણાય છે. કેજરીવાલના આમઆદમી પક્ષ વિરુદ્ધ ચૂંટણીભંડોળને લગતા આરોપ કરતી વખતે કોંગ્રેસ-ભાજપના નેતાઓને જરાય શરમ નહીં આવી હોય? એવો સહેજ પણ વિચાર નહીં આવ્યો હોય કે ચૂંટણીભંડોળના મુદ્દે ચોખ્ખાઇની અપેક્ષા રાખનારા એ પોતે કીચડમાં માથાડૂબ ખૂંપેલા છે?

‘આમઆદમી પક્ષ’ના ઉમેદવારો વિરુદ્ધ સ્ટિંગ ઓપરેશન પછી કોંગ્રેસ-ભાજપ મતદારોને શું કહેવા માગે છે? સીધા શબ્દોમાં તે આ રીતે કહી શકાય ઃ ‘જુઓ, જુઓ, કેજરીવાલ મોટી વાતો કરે છે, પણ તેમનો પક્ષ અમારા પક્ષ જેટલો ભ્રષ્ટ છે અને તેમના ઉમેદવારો પણ અમારા ઉમેદવારો જેટલા જ નકામા છે. તો પછી તેમને મત શા માટે આપો છો? આપનો કિમતી અને પવિત્ર મત અમને, જૂના અને જાણીતા ભ્રષ્ટાચારી નકામાઓને જ આપો. ગમે તેમ તો પણ અમે રાષ્ટ્રિય કક્ષાનાં છાપેલાં કાટલાં છીએ.’

હોઉં તો હોઉં પણ ખરો

મૂલ્યહીનતાની બોલબાલાનું અન્ય એક આડપરિણામ છે :  ક્યાંય પણ થોડીઘણી ગુણવત્તા દેખાય એટલે ‘આટલું પણ કોણ કરે છે?’ એમ વિચારીને તેને પોંખવાની હોડ જામે છે. નાનામાં નાના સારા કામને બિરદાવવું જોઇએ, પરંતુ તેમાં પ્રમાણભાન ચૂકી જવાય ત્યારે સમાજમાં માટીપગા દેવતાઓ સર્જાય છે. તેમાં સાહિત્યકારો-કળાકારો-કથાકારોથી માંડીને સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો અને ફિલ્મી હસ્તીઓ પણ આવી જાય. ચોક્કસ કામ કે સિદ્ધાંતને બદલે આખેઆખા માણસને પૂજનીય બનાવી દેવાની વૃત્તિને લીધે, અમુક ક્ષેત્રે સરસ કામ કરતો માણસ ‘હોઉં તો હોઉં પણ ખરો’ના ભ્રમમાં આવી શકે છે. (તેમાં સ્ત્રી-પુરૂષનો બાધ નથી.) નક્કર કામની ભોંયની નીચે ખોટા અહોભાવના તકલાદી થર જામે એટલે માણસનું પતન અનિવાર્ય અને વહેલું બને છે. કારણ કે લોકોનો અહોભાવ જેટલો અપ્રમાણસરનો, એટલી તેમની અપેક્ષાઓ વધારે અને અપેક્ષા વધારે તેમ અપેક્ષાભંગનો ખટકો મોટો.

ભારતમાં પ્રસાર માઘ્યમો અને સોશ્યલ મીડિયાના જબરા વ્યાપ પછી રહ્યુંસહ્યું પ્રમાણભાન પણ ખોવાઇ ગયું હોય એવું લાગે છે.  સચિન તેંડુલકર જેવા મહાન ક્રિકેટરથી માંડીને બાળ ઠાકરે જેવા રાજકારણી નેતાને ચોક્કસ પ્રકારનાં સ્થાપિત હિતો દ્વારા જે રીતે માથે ચડાવવામાં - અને કેટલાક કિસ્સામાં તો માથે મારવામાં- આવે છે, તે જોઇને સ્વસ્થ માણસને મૂંઝારો થઇ શકે. કોઇ પણ માણસને ભગવાન-સમકક્ષ કે સર્વગુણસંપન્ન બનાવ્યા વિના, ‘શરતો લાગુ’ની ફુદડી સાથે તેની પ્રશંસા ન કરી શકાય? વ્યક્તિપૂજાના પર્યાય જેવો બિનશરતી અહોભાવ ન્યોચ્છાવર કરવાને બદલે, આદરભાવને ચોક્કસ ક્ષેત્ર કે કામગીરી પૂરતો મર્યાદિત ન કરી શકાય?

એવું થઇ શકે તો દેશ સમક્ષ નમૂનેદાર કામ કરનારા થોડા માણસોનાં ઉદાહરણ લાંબા સમય સુધી ટકી શકશે. પરંતુ બધામાં અહોભાવના એક જ પંપથી, એકસરખા ઉત્સાહ વડે હવા ભરવામાં આવે, તો તેમના કદમાં અપ્રમાણસરનો વધારો થતો રહેશે અને ઝડપથી એ દિવસ આવશે, જ્યારે હવાગ્રસ્ત મહાનતાનો ફુગ્ગો ફૂટી જશે.