Thursday, December 26, 2013

ગાંધી-સરદાર અને ‘રન ફોર યુનિટી’

(ગાંધીજી તેમની કાયમી ઝડપી ચાલ સાથે દાખલ થાય છે. સરદાર તેમની પાછળ આવી રહ્યા છે. વચ્ચે વચ્ચે એ ખાદીના ટુકડાથી પરસેવો લૂછી રહ્યા છે. બન્ને જણ સાબરમતી આશ્રમ વટાવીને રિવરફ્રન્ટના એકાંત ખૂણે બેસે છે. તેમની પાછળ એક પત્રકાર પણ આવે છે.)

પત્રકાર : અરે, ગાંધીજી...સરદારસાહેબ...તમે? અહીં ક્યાંથી? આજે તો સરદારસાહેબના નામે બધાએ દોડવાનું હતું.

સરદાર : (સહેજ ખિજાઇને, હાંફ ખાતાં ખાતાં) મારા નામે ખરું, પણ કોના લાભાર્થે ?

ગાંધીજી : (કરુણાસભર સ્મિત સાથે) ભાઇ, તમે કોણ?

પત્રકાર : હું છાપામાં લખું છું.

સરદાર : શું? જાહેરખબરો?

પત્રકાર ; ના, ના, પત્રકાર છું. તમને જોયા એટલે થયું કે તમારી સાથે વાત કરવી જોઇએ.

સરદાર : (હાંફનો છેલ્લો હપ્તો ખડખડાટ હાસ્ય સાથે છોડતાં) બાપુ, આ બહારથી આવ્યો લાગે છે. બાકી, અહીં તો આપણને જોઇને લોકોને પહેલો વિચાર એ જ આવે છે કે આપણું નામ શી રીતે વટાવી ખાવું?

પત્રકાર : સરદારસાહેબ, તમે આટલા હાંફી શી રીતે ગયા?

(સરદાર પહેલાં પત્રકારની સામે જુએ છે, પછી ગાંધીજીની સામે સંમતિ માગતી નજરે જુએ છે. ગાંધીજી નજરથી હા પાડે છે એટલે સરદાર વાત આગળ ચલાવે છે.)

સરદાર : થયું એવું કે હું ને બાપુ આજે આવ્યા હતા. મારી તિથી હતી, એટલે બાપુ કહે, ચાલો, જરા ગુજરાતમાં આંટો મારતા આવીએ અને તમારું બાવલું કેટલે પહોંચ્યું એ પણ જરા જોતા આવીએ.

પત્રકાર : શું વાત કરો છો? તમને બાવલામાં રસ છે?

ગાંધીજી : એમને બાવલામાં નહીં, તેના નામે ચાલતા ખેલમાં રસ છે.

પત્રકાર : એટલે તમે ખેલમહાકુંભમાં ભાગ લેવા આવ્યા હતા?

સરદાર : એ વળી કોનું બાવલું છે?

પત્રકાર : અમારા સાહેબનું...એટલે કે બાવલું નહીં, આઇડીયા.

ગાંધીજી : એમાં કુંભના મેળા જેટલી જ ગીરદી ને અવ્યવસ્થા હોય?

પત્રકાર : તમને અમારા સાહેબની વહીવટીક્ષમતા વિશે ખબર નથી. બાકી તમે આવો સવાલ પૂછત નહીં.

સરદાર : ખબર છે...ખબર છે...અત્યારે કોઇક અમારી પણ જાસૂસી કરતું હશે. એમના ખાંધિયા પોલીસવાળા જેલની બહાર હોત ને અમારાં મુસલમાની નામ હોત તો અમારે સૌથી પહેલી એન્કાઉન્ટર ન થઇ જાય એની ચિંતા કરવી પડત...બધી ખબર છે તારા સાહેબના વહીવટની...

પત્રકાર : તમે તમારી હાંફ વિશે વાત કરતા હતા.

સરદાર :  રેલો આવ્યો એટલે કેવો મુદ્દો યાદ આવ્યો? તો સાંભળ, અમે ચાલતા આવતા હતા. એવામાં એક કોલેજ પાસેથી પસાર થતી વખતે બે-ચાર અઘ્યાપકોએ અમને રોક્યા. પ્રિન્સિપાલ આવ્યો. એણે અમારી સામે જોયું. પછી અઘ્યાપકોને કહે, આપણી ટાર્ગેટ સંખ્યામાં આમેય ઘટ પડે જ છે ને. તો આ લોકોને ભેગા લઇ લો. પછી આપણે સમજી લઇશું.

પત્રકાર : પણ કોઇ અઘ્યાપકે તમને ઓળખ્યા પણ નહીં?

સરદાર : ના, બિચારા ક્યાંથી ઓળખે? બે સાયન્સના ને એક સ્ટેટેસ્ટિક્સનો હતો. એક ઇતિહાસવાળો હતો, પણ એ તો બિચારો સહાયક હતો.

પત્રકાર : એટલે એ લોકો સાથે તમે ‘રન ફોર યુનિટી’માં દોડ્યા. એમ ને?

ગાંધીજી : આ ‘રન ફોર યુનિટી’ શું છે?

પત્રકાર : ‘રન ફોર યુનિટી’ એટલે એકતાદોડ.

સરદાર : અલ્યા, આ ડોસા લંડનમાં બેરિસ્ટર થયેલા છે. એમણે તને ‘રન ફોર યુનિટી’નું  ગુજરાતી નથી પૂછ્‌યું. એનો હેતુ પૂછ્‌યો છે.

ગાંધીજી : મને એમ કે રજવાડાંના વિલીનીકરણથી આખા દેશને યુનાઇટ તો સરદારે કર્યો... તો પછી એકતા માટે લોકોને દોડાવવાની શી જરૂર છે?

સરદાર : બાપુ, એ તમને નહીં સમજાય. પહેલાં વિખવાદથી લોકોને દોડાવવાના ને પછી એક કરવા દોડાવવાના (પત્રકાર સામે જોઇને) બરાબર ને? પહેલાં લોકોને ઉપવાસના નામે બેસાડ્યા, પણ એકતા ન થઇ. એટલે હવે દોડાડીને એકતા કરવાની..કે પછી બીજું કોઇ કારણ છે?

(પત્રકાર માથું ખંજવાળીને વિચાર કરે છે)

સરદાર : સમજી ગયો...એનો હેતુ એ જ છે કે લોકોને વિચારતા નહીં, દોડતા રાખવાના. વિચારે તો ગૂંચવાય. દોડે તો હરખાય. ગૂંચવાય તો સવાલો પૂછે ને હરખાય તો સાહેબના વતી બારોબાર જ જવાબ આપતા થઇ જાય. બરાબરને ?

(પત્રકારના ચહેરા પર હજુ મૂંઝવણના ભાવ છે)

ગાંધીજી : કેવા જવાબ?

સરદાર : કોઇ પૂછે કે સરદારના પૂતળા પાછળ હજારો કરોડ રૂપિયાના ધુમાડા શા માટે? તો તેનો જવાબ આના સાહેબ નહીં, સાહેબનાં રમકડાં જ બહાર આપતાં ફરે.

ગાંધીજી : એમ? કેવા હોય એ જવાબ?

સરદાર : જેમ કે, સરદારસાહેબની આબરૂ સામે રૂપિયાની શી કિંમત છે? (અટ્ટહાસ્ય) કેમ જાણે, સરદારસાહેબ તેમની આબરૂ સાચવવાની જવાબદારી પોણીયાઓના માથે જ છોડીને ગયા ન હોય.

ગાંધીજી : તમે એમ ચિઢાઇ ન જાવ. બિચારા તમારું સારું કરવા માગે છે ને તમે એમને..

પત્રકાર : એક્ઝેક્ટલી, બાપુ. હું એ જ કહેવા જતો હતો. જુઓ, બાપુ કેવા ઠરેલ માણસ છે. તેમનામાંથી આપણે શીખવું જોઇએ.

સરદાર : (ચાળા પાડતા હોય તેમ) ‘બાપુમાંથી આપણે શીખવું જોઇએ’- તો શીખો ને? કોઇએ ઝાલી રાખ્યા છે? અને એ તો કહો કે તમારા સાહેબના વાવટા ફરકાવવાનો અને એના માટે મારી આબરૂની ધજા કરવાનો જે ધંધો તમે માંડ્યો છે, એમાં બાપુનું કેમ નામોનિશાન નથી?

પત્રકાર : એટલે?

સરદાર : મારા બાવલા વિશે તારા સાહેબે ફિલમ બનાવી એમાં બાપુનો ફોટો પણ નહીં ને તેમનું નામ સુદ્ધાં નહીં ? ઇચ્છા તો એવી થાય છે કે..

(ગાંધીજી સરદાર સામે જુએ છે, એટલે સરદાર બોલતા અટકી જાય છે)

પત્રકાર : ખોટી વાત. અમારા સાહેબ એવા ભેદભાવમાં માનતા નથી. એમણે ગાંધીજીના નામે આખેઆખું મહાત્મામંદિર તો બનાવી દીઘું. હવે શું છે?  

સરદાર : ‘હવે શું છે?’ એટલે? મહાત્મામંદિર બાંધીને તમે કંઇ બાપુ પર ઉપકાર કર્યો છે?

પત્રકાર : એમ નહીં, પણ બાપુને અન્યાય થયો છે એવું તમે કેવી રીતે કહી શકો?

સરદાર : હા, એ તો હું ભૂલી જ ગયો. અન્યાય-અન્યાયનું બૂમરાણ મચાવીને ખીચડી પકાવવાનો તો તમારો ઇજારો છે. મારાથી કેવી રીતે એવું કહેવાય? પણ મને તું એ કહે કે મારા બાવલા વિશેની ફિલ્મમાં બાપુનો ઉલ્લેખ સુદ્ધાં કેમ નથી?

(બોલતાં બોલતાં સરદાર ઉભા થઇને આંટા મારવા લાગે છે)  હું તો ઘૂમ પ્રેક્ટિસ કરતો હતો. પછી રાજકારણમાં ક્યાંથી આવ્યો? ઉપરથી સીધો ટપક્યો? સરદાર બનવા નીકળેલા ડફોળના સરદારોને આટલું પણ ભાન પડતું નથી?

પત્રકાર : (સહેજ ધીમા અવાજે) સરદારસાહેબ, ખરાબ ન લાગે તો એક વાત કહું?

સરદાર : કહી જ દે. આનાથી વધારે શું ખરાબ લાગવાનું હતું? મારી વાત હોય ને બાપુનું નામોનિશાન ન હોય...કહી દે.. જે હોય તે...

ગાંધીજી : સરદાર, તમે એમ આળા ન થાવ. ગુજરાત મને ભૂલી ગયું છે એમાં કઇ નવી વાત છે?

સરદાર : નવી વાત એ છે કે આ બધા તમને ભૂલાવીને મને યાદ કરવાનો દાવો કરે છે. આવું હું શી રીતે ચલાવી લઉં? (પત્રકાર તરફ જોઇને) બોલ, તું શું કહેતો હતો? અને આમ ગુસપુસ ન કરીશ. જે કહેવું હોય એ મોટા અવાજે કહે.

પત્રકાર : (દબાતા અવાજે) મારી તમને વિનંતી છે કે તમે આવ્યા છો ત્યાં જ જતા રહો. હવે અમારે તમારા પૂતળાની જ જરૂર છે. તમારી જરૂર નથી.

(આ સાથે જ સરદાર-ગાંધી અદૃશ્ય થઇ જાય છે અને પાછળ જય સરદાર’ના નારા સંભળાય છે.)

1 comment:

  1. બ્લોગ ખુબજ ગમ્યો

    ReplyDelete