Monday, December 23, 2013

મહાન વિજ્ઞાનકથાલેખક તરીકે જાણીતા જુલ વર્નની ઓછી જાણીતી ‘આગાહી’ઓ

Jules Verne's futuristic fiction
ચંદ્રની મુસાફરીથી માંડીને સબમરીન, હેલિકોપ્ટર જેવી જુલ વર્નની અનેક કલ્પનાકથાઓ સાચી પડી છે- અને તેનો યોગ્ય રીતે જયજયકાર થયો છે, પરંતુ વિજ્ઞાન-ટેકનોલોજીના વિવેકશૂન્ય ઉપયોગ અંગેનાં તેમનાં લખાણ પણ એટલાં જ ભવિષ્યદર્શી અને ચેતવણીસૂચક છે.

નવાઇની વાત લાગે, પણ સચોટ કલ્પનાઓ માટે જાણીતા વિજ્ઞાનકથાલેખક જુલ વર્નના એક પુસ્તકનું નામ છે : ‘ધ બેગમ્સ ફોર્ચ્યુન’ અથવા ‘ધ બેગમ્સ મિલિયન્સ’ (બેગમનો દલ્લો). ફ્રાન્સમાં ૧૮૨૮માં જન્મેલા અને વકીલાતનું કામ કર્યા પછી લેખક બનેલા વર્ને ૧૮૭૯માં લખેલી વાર્તામાં ભારતીય બેગમ ક્યાંથી આવ્યાં? અને વિજ્ઞાનકથા સાથે તેને શી લેવાદેવા?

તેનો વાર્તામાંથી મળતો જવાબ છે : વર્ષો પહેલાં એક ફ્રેન્ચ સૈનિક ભારતમાં વસ્યો હતો અને ત્યાંની એક ધનાઢ્‌ય વિધવા બેગમને પરણ્યો હતો. બન્ને જણના મૃત્યુ પછી, બેગમનો અઢળક ખજાનો તેમના દૂરના બે વારસદારોને ભાગે આવ્યો. તેમાંથી એક હતો ફ્રેન્ચ ડોક્ટર અને બીજો જર્મન વિજ્ઞાની. તેમને મળેલો વારસો એટલી તગડી રકમનો હતો કે મર્યાદિત જગ્યામાં બન્ને પોતપોતાની સ્વપ્નસૃષ્ટિ રચી શકે. તેમનાં એકબીજાથી સામા છેડાનાં સ્વપ્ન અને તેમની વચ્ચેનો સંઘર્ષ વાર્તાનો મુખ્ય મલીદો છે, પણ કથાનો કેન્દ્રવર્તી સૂર આશ્ચર્યજનક રીતે વિજ્ઞાનના દુરુપયોગ સામે ચેતવણી આપનારો છે. વીસમી-એકવીસમી સદીમાં વપરાયેલાં રાસાયણિક શસ્ત્રો - ‘વેપન્સ ઑફ માસ ડીસ્ટ્રક્શન’નો પહેલો ઉલ્લેખ વર્નની આ કથામાં મળે છે અને હિટલર જેવા પાત્રનાં એંધાણ  અસલી હિટલરના જન્મના દાયકાઓ પહેલાં તેમાં આલેખાયાં છે. સામ્ય એટલી હદે આશ્ચર્ય પમાડે એવું છે કે તે વર્નને બદલે નોત્રદામ (ઉર્ફે નોસ્ત્રાદેમસ)ના પુસ્તકમાં હોત તો સચોટ ભવિષ્યવાણી તરીકે ખપી ગયું હોત.


ફ્રેન્ચ ભાષામાં લખતા વર્નની કથાના અંગ્રેજી અનુવાદ ‘ધ બેગમ્સ ફોર્ચ્યુન’માં ફ્રેન્ચ ડોક્ટર લોકોના આરોગ્ય બાબતે બહુ ચિંતિત છે. યુરોપનાં શહેરોની ગંદકી તેમને અકળાવે છે. એટલે તે અમેરિકામાં થોડી જગ્યા લઇને તેની પર પોતાનું અલગ શહેર ઊભું કરે છે. તેમાં સ્વચ્છતા અને નાગરિકોના આરોગ્યની સંપૂર્ણ જવાબદારી ડોક્ટરની આગેવાની હેઠળની સરકારે ઉપાડી લીધી છે. નાણાંનો પ્રશ્ન નથી. કારણ કે બેગમનો મોટો દલ્લો મળેલો છે.

જર્મન વિજ્ઞાની-રસાયણશાસ્ત્રીનો મામલો એટલો સીધોસાદો કે નિર્દોષ નથી.  વર્ષો પછી હિટલરને હતી એવી ચાનક એ વિજ્ઞાનીને પણ છે કે દુનિયામાંથી ‘નબળી’ જાતિઓનો સફાયો કરી દેવો. તેમને લાગે છે કે જર્મન પ્રજા દુનિયામાં સર્વશ્રેષ્ઠ અને ફ્રેન્ચોને ખતમ કરી નાખવા જોઇએ. એટલે તે અમેરિકામાં ફ્રેન્ચ ડોક્ટરના પ્રદેશની બાજુમાં થોડો વિસ્તાર અને તેની પ્રદેશ તરીકેની માન્યતા મેળવીને પોતાનું સામ્રાજ્ય જમાવે છે. ત્યાર પછી શરૂ થાય છે વિજ્ઞાનનો આતંક.

Jules Verne/જુલ વર્ન
વિજ્ઞાન-ટેકનોલોજીના પ્રખર સમર્થક તરીકે જાણીતા વર્ન માટે આ જરા વિચિત્ર લાગે એવી વાત છે. કેમ કે,‘ટ્‌વેન્ટી થાઉઝન્ડ લીગ્સ અન્ડર ધ સી’,‘જર્ની ટુ ધ સેન્ટર ઓફ ધ અર્થ’, ‘ફ્રોમ અર્થ ટુ મૂન’, ‘અરાઉન્ડ ધ મૂન’- જેવી તેમની અતિલોકપ્રિય વાર્તાઓમાં સબમરીન કે ચંદ્ર પર ઉતરાણ જેવી ઘટનાઓ ભલે કાલ્પનિક હોય, પણ તેનું વર્ણન એકદમ વૈજ્ઞાનિક ચોક્સાઇવાળું રહેતું. દા.ત. ચંદ્રયાત્રા માટે પૃથ્વી પરથી છૂટતા યાનની ‘એસ્કેપ વેલોસીટી’- ગુરૂત્વાકર્ષણની પકડમાંથી છૂટવા જરૂરી વેગ- કેટલો હોવો જોઇએ, એનો વર્ને બરાબર હિસાબ માંડ્યો હતો. ચંદ્રયાત્રા માટે યાન અમેરિકામાં ક્યાંથી ઉપડવું જોઇએ અને ચંદ્ર પરથી કેપ્સુલમાં પાછા ફરેલા યાત્રીઓ શી રીતે દરિયામાં સલામત ઉતરાણ કરશે, તેનાં વર્ને કરેલાં વર્ણન ભવિષ્યની સચ્ચાઇ સાથે ભારે સામ્ય ધરાવતાં હતાં. ભવિષ્યના અનેક વિજ્ઞાનીઓ-સંશોધકો-સાહસવીરોએ વર્નની વાર્તાઓમાંથી પ્રેરણા લીધી. પરંતુ ખુદ વર્ન માનતા હતા કે નીતિવિવેક વગરનું વિજ્ઞાન આસુરી નીવડી શકે છે. ‘ધ બેગમ્સ ફોર્ચ્યુન’માં જર્મન વિજ્ઞાનીનાં કરતૂત દ્વારા તેમણે પહેલી વાર છેક ૧૮૭૯માં વિજ્ઞાનનો ભયંકર ચહેરો ઉઘાડો પાડી આપ્યો.

વાર્તા પ્રમાણે, જર્મન વિજ્ઞાની સરમુખત્યારના શહેરમાં ધમધોકાર ‘વિકાસ’ થયો. ઉદ્યોગો અને ખાણકામ ધમધમવા લાગ્યાં. પારાવાર પ્રદૂષણ પેદા થયું અને પર્યાવરણનો ખુરદો નીકળી ગયો. કાચા લોખંડમાંથી સ્ટીલ અને તેનો ઉપયોગ કરીને મોટા પાયે શસ્ત્રોનું ઉત્પાદન હાથ ધરવામાં આવ્યું. આ બધી જાહોજલાલી અલબત્ત સરખા ભાગે મળેલા બેગમના ખજાનાને આભારી હતી. તેમના ‘સ્ટીલ સિટી’માં કામદારો પોતાને સોંપાયેલા કામ સિવાય સહેજ પણ આઘાપાછા થાય તો કડક સજાની જોગવાઇ હતી. ફ્રેન્ચ ડોક્ટરના શહેરમાં રહેતો અને જર્મન ભાષા જાણતો એક ફ્રેન્ચ ‘સ્ટીલ સિટી’માં ધૂસી ગયો અને ધીમે ધીમે કરીને જર્મન વિજ્ઞાનીનો વિશ્વાસુ બની ગયો.

જર્મન વિજ્ઞાનીએ બીજાં હથિયાર ઉપરાંત બે ખતરનાક શસ્ત્રો બનાવ્યાં હતાં : ૪૦ કિલોમીટર દૂર આવેલા ફ્રેન્ચ ડોક્ટરના શહેર પર ગોળા વરસાવી શકે એવી એક જંગી તોપ અને ગેસ ભરેલા ગોળા. યુદ્ધમાં શસ્ત્ર તરીકે ગેસ (વાયુ) વાપરવાનો આઇડીયા સંભવતઃ પહેલી વાર વર્નની આ કથામાં વ્યક્ત થયો, જે વીસમી સદીમાં અનેક ગણા વધારે વિકૃત સ્વરૂપે અમલમાં પણ મૂકાયો. વર્નની વાર્તામાં ભારે દબાણે પ્રવાહી સ્વરૂપમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડનો ગોળો ફાટે એટલે છૂટતો વાયુ તત્કાળ એટલી જગ્યાનું તાપમાન ઘટાડી નાખતો હતો. એટલે ત્યાં રહેલા માણસ ગુંગળાવા ઉપરાંત થીજી જતા હતા. વાર્તામાં અંતે એવું ‘કેમિકલ વેપન’ અકસ્માતે વિજ્ઞાનીના ખાનગી અડ્ડામાં જ ફાટ્યું અને અને વિલન એવો વિજ્ઞાની થીજીને મોતને ભેટ્યો.

વિજ્ઞાનનો મહિમા કરવા માટે જાણીતા વર્નની આવી ઘેરા રંગ ધરાવતી વાર્તાને વાચકોનો મોળો પ્રતિસાદ મળ્યો. સામાન્ય રીતે તેમની વાર્તાઓની ચાળીસ-પચાસ હજાર નકલો ખપી જતી હોય, એને બદલે ‘ધ બેગમ્સ ફોર્ચ્યુન’ની માંડ અડધી નકલો ગઇ. છતાં, વર્ને વિજ્ઞાનના દુરુપયોગ સામે ચેતવણી ધરતી કથાઓ લખવાનું ચાલુ રાખ્યું. એક મત પ્રમાણે, વર્ને તેમના ફ્રેન્ચ પ્રકાશકના હેટ્‌ઝેલના મૃત્યુ પછી વ્યાવસાયિકતાની પરવા કર્યા વિના, સામાજિક નિસબત સાથે વિજ્ઞાનના દુરુપયોગની અને ક્યારેક મતિભ્રષ્ટ વિજ્ઞાનીઓને ખલનાયક તરીકે ચીતરતી કથાઓ આલેખવાનું ચાલુ રાખ્યું.

વ્હેલ માછલીઓને બચાવવાની ઝુંબેશ વીસમી સદીના અંતમાં કે એકવીસમી સદીમાં ભલે ચાલતી હોય, પણ વર્ને તેમની વાર્તા ‘ધ આઇસ સ્ફિન્ક્સ’માં વ્હેલ માછલીઓના સંપૂર્ણપણે નિકંદનની ખતરનાક શક્યતાને આલેખી હતી. એવી જ રીતે ક્રુડ ઓઇલથી ફેલાનારા પ્રદૂષણ સામે તેમણે ‘ધ વિલ ઓફ એન એસેન્ટ્રિક’માં વાર્તાના માઘ્યમથી ચેતવણીના સૂર કાઢ્‌યા હતા. ગ્લોબલ વોર્મિંગનો કકળાટ અત્યારે પૂરજોશમાં છે, પરંતુ વર્નની કથા ‘ધ પરચેઝ ઑફ નોર્થ પોલ’માં પૃથ્વીની ધરી બદલવાની કોશિશ કરતા લોકોની વાત હતી. તેમનો સ્વાર્થ એ હતો કે ધરી બદલાતાં ઉત્તર ધ્રુવની બર્ફીલી ચાદર ઓગળી જાય અને તેની નીચે રહેલી ખનીજસંપત્તિ હસ્તગત કરી શકાય. ‘પ્રોપેલર આઇલેન્ડ’માં તેમણે કહેવાતા સુધરેલા લોકો દ્વારા થતી આદિમ સંસ્કૃતિઓના ખાત્માની વાત કરી હતી.

આમ, વર્નની વિજ્ઞાનકથાઓમાં આવતી શોધો આબેહૂબ સાકાર થઇ, એ વિશેનો અહોભાવ વાજબી છે, પરંતુ તેમને કેવળ વિજ્ઞાન-ટેકનોલોજીના બિનશરતી પુરસ્કર્તા તરીકે ઓળખવાનું યોગ્ય નથી- બલ્કે તેમને અન્યાય કરનારું પણ ગણી શકાય.

(નોંધ : ગુજરાતી અનુવાદોમાં ‘જુલે વર્ન’ તરીકે ઓળખાતા અને જુલ-જુલે-જુલ્સ જેવાં વિવિધ નામથી ઓળખાતા આ ફ્રેન્ચ લેખકના નામનો સ્પેલિંગ છે : Jules Verne. તેમના નામનો કયો ઉચ્ચાર સાચો તેની પિંજણમાં પડવાને બદલે તેમની કથાઓ માણવાનું ફાયદાકારક છે. તેમનાં તમામ પુસ્તકોનો અંગ્રેજી અનુવાદ ઇન્ટરનેટ પર વિના મૂલ્યે ઉપલબ્ધ છે અને ગુજરાતીમાં મૂળશંકર ભટ્ટે કરેલા વર્નની થોડી કથાઓના અનુવાદ નમૂનેદાર છે.)

3 comments:

  1. જુલ વર્નેની વાર્તાઓ કિશોરાવસ્થાનો અનન્ય ખજાનો છે. મૂળશંકર ભટ્ટ, દોલતરાય નાયક વગેરેએ કરેલા અનુવાદો એકીશ્વાસે વાંચી જવા પડે, તેટલી ઉત્સુક્તા જગાવતા હતા. મોટા થયા પછી સમજ પડી કે તેમણે ૧૦૦ વર્ષ પહેલા આટલું ઝીણું ઝીણું આલેખન કર્યું છે. આજે પણ જુલ વર્નેની વાર્તાએ એકીબેઠકે વાંચવા મજબૂર કરે તેવી છે.ભલેને તમે તે પહેલા વાંચેલ હોય.

    ReplyDelete
  2. ભારતીય પૃષ્ઠભૂમિને કેન્દ્રમાં રાખીને આલેખાયેલી જુલ વર્નની બીજી એક નવલકથા એટલે 'ધી એન્ડ ઑફ નાના સાહીબ'... નાના સાહેબના અંતિમ દિવસો વિશે, ભારતમાં વિપ્લવ પછીના માહોલ વિશે, ભારતમાં સ્ટીમ એન્જિનના આગમનથી આવેલા પરિવર્તનો વિશે આ નવલકથામાં અદભૂત આલેખનો છે... નાના સાહેબના નેપાળમાં અંત જેવી પ્રચલિત માન્યતાથી તદ્દન વિરુદ્ધ એવી જુલ વર્ને કરેલી કલ્પના વાચકોને છેલ્લે સુધી જકડી રાખે છે... કુમાઉની પહાડીઓ, શિકાર, અંગ્રેજ અફસરોનો શિકારપ્રેમ, માનવભક્ષી વાઘ, ગંગા કિનારે વસેલા ભારતના પ્રાચીન અને મધ્યયુગીન શહેરો વિશે તેમાંથી મળતી માહિતી તમામ ઇતિહાસપ્રેમીઓને એક નવો દ્રષ્ટિકોણ બક્ષે છે... નાના સાહેબ વિશે ઉપલબ્ધ તદ્દન અલ્પ પ્રમાણભૂત માહિતી અને સાહિત્ય વચ્ચે જુલ વર્નની આ નવલથા વિપ્લવ નેપથ્યપ્રેમીઓ માટે તો એક ખજાનો છે... નાના સાહેબના ખજાનાની શોધમાં નીકળેલાઓ માટે આ એક મુકામ ચોક્કસ કહી શકાય...

    ReplyDelete
  3. પૂરક માહિતી બદલ ખૂબ આભાર...પુસ્તક મેળવવા પ્રયત્ન કરું છું.

    ReplyDelete