Monday, December 30, 2013

આકાશમાંથી મોત વરસાવનારાં ‘ડ્રોન’ના ખરેખર ‘સુધરેલા’ અવતાર :મૈં હું ‘ડ્રોન’, મૈં હું ‘ડ્રોન’...

અમેરિકાનાં પાયલટ વગરનાં ‘ડ્રોન’/Drone વિમાન ઘાતક હુમલા માટે કુખ્યાત છે, પણ ‘ડ્રોન’ના અનેક હકારાત્મક ઉપયોગ શક્ય છે. નજીકના ભવિષ્યમાં સર્વેક્ષણ અને રાહતકાર્યોથી માંડીને ખેતી અને પત્રકારત્વ જેવાં અનેક ક્ષેત્રોમાં ‘ડ્રોન’ના ડંકા વાગી શકે છે.

ઇન્ટરનેટ પરના વિખ્યાત સ્ટોર ‘એમેઝોન.કૉમ/www.amazon.com’ના માલિક જેફ બાયઝોસે એક જાહેરાત કરીને ટેકનોલોજીની દુનિયામાં સનસનાટી મચાવી દીધી. આ માસના આરંભે બાયઝોસે કહ્યું કે તેમની કંપની ગ્રાહકો સુધી ચીજવસ્તુઓ પહોંચાડવા માટે ઉડતા રોબોટ જેવાં, માનવરહિત ઉડ્ડયન યંત્રો-‘ડ્રોન’-નો ઉપયોગ કરવા ધારે છે. એક ટીવી શો પર આ માહિતી આપ્યા પછી બાયઝોસે ‘એમેઝોન’ના પેકેટ-વાહક ડ્રોન ‘પ્રાઇમ એર’નું મોડેલ અને તેની ટચૂકડી વિડીયો પણ બતાવ્યાં.
‘એમેઝોન’ દ્વારા તૈયાર કરાયેલું ડ્રોન ‘પ્રાઇમ એર’/ Prime Air
ડ્રોન મારફતે ડિલીવરીનો વિચાર રોમાંચ પ્રેરનારો છે. ધારો કે વેબસાઇટ પર પુસ્તકો કે સ્માર્ટફોન કે ગિફ્‌ટ આર્ટિકલનો ઓર્ડર આપ્યો હોય. તેના થોડા કલાકમાં એક ઉડતો પદાર્થ આપણા બારણે આવીને, પેકેટની ડિલીવરી કરીને વિદાય થઇ જાય, એ વાત જ વિજ્ઞાનકથાનો હિસ્સો લાગે એવી છે. તેના વાસ્તવિક અમલ આડે ‘જો’ અને ‘તો’ના સંખ્યાબંધ સવાલો મનમાં જાગે, પરંતુ જેફ બાયઝોસની જાહેરાત પછી પોઇન્ટ-ટુ-પોઇન્ટ ચીજવસ્તુઓ પહોંચાડતાં ડ્રોન પહેલી વાર જગબત્રીસીએ ચડ્યાં છે.

‘ડ્રોન’ અત્યાર લગી મેલી મથરાવટી ધરાવતા અમેરિકાનાં ઘાતક હથિયાર તરીકે ચર્ચાતાં રહ્યાં છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, યમન, સોમાલિયા જેવા દેશોમાં અલ-કાઇદા અને બીજાં ત્રાસવાદી જૂથોની જાસુસી કે તેમની સામેની કાર્યવાહી માટે અમેરિકા પોતાનાં સમાનવ વિમાનોને મોકલતું નથી. ન કરે નારાયણ ને જવાબી હુમલો થાય તો તાલિમી પાયલટ ગુમાવવો પડે અને ઘરઆંગણે ખુલાસા કરવા પડે એ જુદા. આ ધંધામાં પડવાને બદલે અમેરિકા અમાનવ ડ્રોન વિમાનનો ઉપયોગ કરે છે, જેથી કંઇક આડુંઅવળું થાય તો પણ વઘુમાં વઘુ એક ડ્રોન ગુમાવવાનું આવે.

ડ્રોન વિમાનો મુખ્યત્વે બે પ્રકારનાં હોઇ શકે છે : રીમોટ કન્ટ્રોલ અથવા કન્ટ્રોલ રૂમ દ્વારા સંચાલિત અને સ્વયંસંચાલિત. સ્વયંસંચાલિત ડ્રોન ગ્લોબલ પોઝિશનિંગ સીસ્ટમ દ્વારા માર્ગદર્શન મેળવે છે. તેના સંચાલકોને ‘ટેક ઓફ’ અને ‘લેન્ડ’ એમ બે જ બટન દબાવવાનાં હોય  છે, જ્યારે બીજાં પ્રકારનાં ડ્રોનનો દોરીસંચાર હજારો કિલોમીટર દૂર રહેલા કન્ટ્રોલ રૂમમાંથી થઇ શકે છે. માનવવસ્તી ધરાવતા ગીચ શહેરી વિસ્તારોમાં છુપાયેલા ત્રાસવાદીઓની ભાળ મેળવવા માટે હાથથી લોન્ચ કરી શકાય અને રીમોટ કન્ટ્રોલથી ચલાવી શકાય એવાં ડ્રોન પણ વપરાય છે.

‘અનમેન્ડ એરીઅલ વેહિકલ’ / UAV જેવું જૂનું નામ ધરાવતાં આ વિમાનનાં આરંભિક મોડેલ અમેરિકાએ પહેલી વાર પાંચ દાયકા પહેલાં વિયેતનામ સામેના યુદ્ધમાં વાપર્યાં હતાં. ૧૯૯૧ના અખાતી યુદ્ધમાં પણ અમેરિકાએ ડ્રોનનો ઉપયોગ કર્યો. દરમિયાન ઇઝરાઇલે લશ્કરી હેતુ માટેનાં કાતિલ ડ્રોન બનાવવામાં નિપુણતા મેળવી લીધી હતી. અમેરિકાએ ઇઝરાઇલ સાથે હાથ મિલાવીને ડ્રોનની ફોજ ખડકી દીધી, પરંતુ આ કાતિલ હવાઇ શસ્ત્રો છેલ્લાં થોડાં વર્ષોમાં ઘણાં બદનામ થયાં છે. તેમની ટીકા થવાનું મોટું કારણ : ડ્રોન-હુમલામાં થતાં નિર્દોષોનાં મૃત્યુ.

વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા પછી અમેરિકાએ છેડેલા કથિત ‘વૉર ઑન ટેરરિઝમ’- ત્રાસવાદ સામેના જંગમાં બધા નિયમો નેવે મૂકાઇ ગયા. પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં તાલિબાનો પર નજર રાખવા માટે અમેરિકાએ ડ્રોન વિમાન ઉડાડવાનાં શરૂ કર્યાં. ઉપલબ્ધ વિગત પ્રમાણે, ‘ડ્રોન’ વિમાને તેના જાસૂસી કેમેરા દ્વારા એકથી વઘુ વાર ઓસામા બિન લાદેનને ‘જોયો’ અને તેની વિડીયો અમેરિકાના કન્ટ્રોલ રૂમમાં મોકલાવી. કારણ કે એથી વધારે કંઇ તે કરી શકે એમ ન હતું.

‘ડ્રોન’ને ‘સાક્ષી’ મટીને કર્તા બનાવવા માટે અમેરિકાએ કેટલાંક ડ્રોનને ‘હેલફાયર’ પ્રકારનાં મિસાઇલથી સજ્જ કર્યાં. ‘અનમેન્ડ કોમ્બેટ એરીઅલ વેહિકલ’ (યુસીએવી) જેવી ટેકનિકલ ઓળખ અને ‘પ્રીડેટર’ (શિકારી) જેવા નામથી ઓળખાતાં ડ્રોને વિનાશ વેરવાનું શરૂ કર્યું. ચોક્કસ લક્ષ્યાંક ત્રાસવાદી અડ્ડો હોવાની ખાતરી થાય એટલે કન્ટ્રોલ રૂમમાં બેઠેલો ઓપરેટર, વિડીયો ગેમ રમતો હોય એવી રીતે, બટન દબાવીને મિસાઇલ છોડી શકે. આ જાતના હુમલામાં ચોક્કસ જગ્યાએ જ બોમ્બ પડે અને નિર્દોષોને નુકસાન ન થાય એવા ‘પ્રિસિશન બોમ્બિંગ’નો અમેરિકાએ દાવો કર્યો. છતાં, અનેક નિર્દોષો માર્યા ગયાની ફરિયાદો ઉઠી.

પાયલટ સાથેનાં વિમાનોનું કામ ઘટ્યું અને મોટા ભાગની કામગીરી ડ્રોનના હવાલે થઇ તેની અસર સૈન્યભરતી ઉપર પણ પડી છે. અહેવાલ પ્રમાણે, ગયા વર્ષે પહેલી વાર અમેરિકાએ ફાઇટર વિમાનના પાયલટ કરતાં વધારે સંખ્યામાં ડ્રોનના ‘પાયલટ’ની ભરતી કરી, જે યુદ્ધની તવારીખની નોંધપાત્ર બાબત ગણાય. આ વર્ષના આરંભે અમેરિકાના એક સાંસદે જાહેર કરેલા આંકડા પ્રમાણે, અમેરિકી ડ્રોનના હુમલામાં ૪,૭૫૬ લોકો માર્યા ગયા. તેમાંથી કેટલા નિર્દોષ હતા, એ જાણવું અઘરું છે. ઘણી વાર પાકિસ્તાન જેવા મેલી મથરાવટી ધરાવતા દેશો ડ્રોનના હુમલામાં નિર્દોષોનાં મૃત્યુની ફરિયાદ કરે, ત્યારે સાચી ફરિયાદ પણ ખોટી લાગી શકે. પહેલાં પાકિસ્તાનની ધરતી પરથી  ડ્રોન ઉડાડતાં પહેલાં પાકિસ્તાની સરકારને જાણ કરવાનો રિવાજ અમેરિકાએ રાખ્યો હતો, પણ આ પદ્ધતિમાં પાકિસ્તાની તંત્રમાંથી ડ્રોનના લક્ષ્યાંક સુધી આગોતરી માહિતી પહોંચી જતી હોય એવું લાગતાં, અમેરિકાએ વિનયવિવેક છોડી દીધો. ત્યારથી પાકિસ્તાન માટે અમેરિકાનાં ડ્રોન માથાનો દુઃખાવો બન્યાં છે. અમેરિકા સામે તે સતત ડ્રોનના હુમલાનો મુદ્દો ઉઠાવે છે, પણ અગાઉ દાઝી ચૂકેલું અમેરિકા આ બાબતમાં પાકિસ્તાનને દાદ આપતું નથી.

આમ, ‘વાલિયા’ જેવી છાપ ધરાવતા ડ્રોનને ‘વાલ્મિકી’ બનાવવાની બાયઝોસની વાતથી ચર્ચા જાગે, તેમાં કશું આશ્ચર્ય નથી. નવાઇ હોય તો એ વાતની કે બાયઝોસની જાહેરાત પહેલાંથી એ દિશામાં કામ થઇ રહ્યું છે. ‘એમેઝોન’ની ‘ડ્રોન ડિલીવરી’ની કલ્પના પ્રસાર માઘ્યમોમાં છવાઇ એટલે જર્મનીના ટપાલવિભાગે એક વિડીયો જાહેર કરી છે. ડિસેમ્બર ૯, ૨૦૧૩ની આ વિડીયોમાં એક પ્રયોગ લેખે દવાઓનું એક ખોખું ડ્રોન વિમાનની મદદથી પહોંચાડવામાં આવ્યું છે. રમકડાના, ફેન્સી, ચારપાંખાળા હેલિકોપ્ટરની યાદ અપાવતા આ ડ્રોનને  ર્‌હાઇન નદીના એક કાંઠેથી પેકેટ સહિત ઉડાડવામાં આવ્યું.

ડ્રોન ડિલીવરીઃ જર્મનીનો સફળ પ્રયોગ
ડ્રોને એકાદ કિલોમીટરનું અંતર કાપીને, નદી પાર કરીને, સામા કાંઠે રાહ જોતા પોસ્ટના કર્મચારીઓ સુધી એ પેકેટ સફળતાપૂર્વક પહોંચાડી દીઘું. આ પ્રયોગ સફળ રહ્યો છે. પરંતુ તેનો વાસ્તવિક અમલ એટલો હાથવેંતમાં નથી. તેનાં ઘણાં કારણ છે. એક મોટું કારણ છે સ્થાનિક કાયદાકાનૂન. જર્મનીના વર્તમાન કાયદા પ્રમાણે ડ્રોન વિમાન હવામાં પચાસ ફીટથી વઘુ ઊંચાઇએ ઉડાડી શકાતાં નથી. (અમેરિકામાં આ મર્યાદા ચારસો ફીટની છે.) માનવવસ્તી ધરાવતા વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પણ પ્રતિબંધ છે. એટલે બોન શહેરમાં થયેલા પ્રયોગમાં ડ્રોને પોઇન્ટ-ટુ-પોઇન્ટ ડિલીવરી કરી ન હતી. દવાના પેકેટ સાથે ડ્રોનને ર્‌હાઇન નદીના માનવવસ્તી વગરના કિનારે લઇ જવામાં આવ્યું અને ત્યાંથી તેનું ઉડ્ડયન શરૂ થયું.

‘એમેઝોન’ના અને જર્મન પોસ્ટના ‘ડિલીવરી ડ્રોન’ની સંભાવનાઓ ડ્રોનના સંખ્યાબંધ ઉપયોગોમાનો ફક્ત એક જ ઉપયોગ છે. તેમાં રહેલી શક્યતાઓ અને અડચણો ઉપરાંત બીજાં ક્ષેત્રોમાં ડ્રોનની આશ્ચર્યજનક સફળતાઓ ઉડ્ડયન ક્ષેત્રે નવો ઇતિહાસ સર્જી રહી છે.

જેમ કે-

થાઇલેન્ડમાં રાજકીય ગરમાગરમી ચાલી રહી છે. સરકારવિરોધી ચળવળકારો સડક પર ઉતરી આવે છે. પરંતુ ટોળાં, ગીરદી, ધક્કામુક્કી, પોલીસની જવાબી કાર્યવાહી- આ બધા ધાંધલનો અહેવાલ મેળવવો હોય તો? ટીવી ચેનલોના પત્રકારો વર્ષોથી આ જ કામ કરતા આવ્યા છે. પરંતુ આવા માહોલમાં આખું ચિત્ર મેળવવાનું હંમેશાં વાંધા હોય છે. એમાં પણ થાઇલેન્ડમાં બન્યું છે તેમ, ટોળાંને પત્રકારો સાથે ઘર્ષણ થાય તો થયું. થાઇલેન્ડમાં અહેવાલ લેવા ગયેલા પત્રકારો પર હુમલાના ઘણા બનાવ બન્યા છે. આવું કોઇ જોખમ ન લેવું હોય, છતાં સચોટ-તાદૃશ અહેવાલ મેળવવો હોય તો?

હવાઇ સર્વેક્ષણ માટે હેલિકોપ્ટર વાપરી શકાય, પરંતુ બન્ને બાજુ મકાનોની હારમાળા હોય અને વચ્ચે શેરીમાં જ ઘમાસાણ ચાલતું હોય ત્યારે હેલિકોપ્ટર પણ કામ ન લાગે.
એ વખતે હવાઇ કેમેરામેનની ભૂમિકા ભજવે છે ડ્રોન. આ લેખ સાથે આપેલી થાઇલેન્ડના વિરોધ પ્રદર્શનની તસવીર ડ્રોન દ્વારા લેવાઇ છે.

તેનાથી પ્રદર્શનની વ્યાપકતાની સાથોસાથ ડ્રોન-રીપોર્ટિંગમાં રહેલી શક્યતાઓનો પણ બરાબર ખ્યાલ આવે છે. આ તસવીર લેનાર ‘હેક્ઝાકોપ્ટર’ - છ પાંખાળા ડ્રોનનો ઉપયોગ ‘ધ નેશન’ અને ‘ધ બેંગકોક પોસ્ટ’ જેવાં થાઇલેન્ડનાં અંગ્રેજી અખબાર છૂટથી કરી રહ્યાં છે. (‘થ્રી ઇડિયટ્‌સ’માં વપરાયેલું અને તેના સર્જક વિદ્યાર્થીની આત્મહત્યાનું દૃશ્ય દેખાડનારું રીમોટ કન્ટ્રોલ સંચાલિત ‘રમકડું’ યાદ આવે છે?)


અગાઉ પૂર કે મોટા ઉત્સવોની ઝાંખી મેળવવા માટે વપરાતાં ડ્રોનનો આ ઉપયોગ કોઇ પણ પત્રકાર-માઘ્યમકર્મીના હાથમાં ખંજવાળ પેદા કરે એવાં છે. તસવીરમાં દેખાય છે એવાં કેમેરામેન ડ્રોનની કિંમત ૨,૫૦૦ ડોલરથી ૬,૫૦૦ ડોલર સુધીની હોઇ શકે છે. તેનું સંચાલન તાલીમ ધરાવતા બે લોકો દ્વારા થાય છે, જેમાંથી એક ફોટો કે વિડીયો લેવાનું કામ કરે છે. ભારતમાં આ રીતે ડ્રોનનો ઉપયોગ શરૂ થાય તો, ટીવી ચેનલો પર એન્કર  ઉત્તેજનાની સપાટીને આંબતા અવાજે બૂમો પાડતો કલ્પી શકાય છે, ‘હાં, તો ડ્રોનજી, બતાઇયે વહાં પર ક્યા હો રહા હૈ.’

ફક્ત પત્રકારત્વ જ શા માટે, ડ્રોનની સેવાઓ લઇ શકાય- અથવા લેવાઇ રહી હોય- એવાં ક્ષેત્રોની યાદી ઘણી લાંબી છે. જેમ કે, ખેતરમાં પાકની પરિસ્થિતિ કે જીવાતનો ઉપદ્રવ જાણવાથી માંડીને પ્રાણીઓના ગેરકાયદે શિકાર પર ચાંપતી નજર રાખવા માટે ડ્રોન વપરાય છે. માણસ માટે જ્યાં જવું કપરું હોય એવા વિસ્તારો કે સંજોગોમાં ડ્રોન આસાનીથી જઇને ત્યાંની સ્થિતિ વિશે આધારભૂત માહિતી આપી શકે છે. લાંબા-નિર્જન રસ્તા કે રેલવે લાઇનો કે સરહદી વિસ્તારો પર માણસોનો કડક ચોકીપહેરો રાખવાનું અશક્ય છે, પરંતુ ડ્રોન ઉડતાં પહેરેદારોની ભૂમિકા અદા કરી શકે છે. અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં રસ્તા અને પુલોના સર્વેક્ષણ તથા અકસ્માત-ટ્રાફિક જામ જેવી માહિતી આપવા માટે ડ્રોન કેવાં ઉપયોગી નીવડી શકે છે, તેના તપાસ અહેવાલ માટે ૭૫ હજાર ડોલરની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. કારણ કે ડ્રોનનો આ ઉપયોગ ઘરઆંગણે પુસ્તકોની ડિલીવરી કરવા જેટલો ‘હવાઇ’ નથી.

અણુવીજળી પેદા કરતા પ્લાન્ટ જેવી જોખમી જગ્યાએ અકસ્માત થાય અને બચાવ માટે માણસો મોકલવામાં મુશ્કેલી પડે ત્યાં પણ ડ્રોન મોકલી શકાય. એવી જ રીતે, ભૂકંપ કે પૂર જેવી કુદરતી આફતો વખતે અસરગ્રસ્તો કે ભોગ બનેલાની ભાળ મેળવવા માટે ડ્રોનનો ઉપયોગ થઇ શકે છે. ગેટ્‌સ દંપતિ બિલ-મેલિન્ડાની સંસ્થાએ ખૂણાખાંચરાનાં સ્થળે દવા અને રોગપ્રતિકારક રસી પહોંચાડી શકે એવાં  ડ્રોન તૈયાર કરવા માટે ‘હાર્વર્ડ-એમઆઇટી ડિવિઝન ઓફ હેલ્થ સાયન્સીસ એન્ડ ટેકનોલોજી’ને આર્થિક મદદ આપી છે.
 વિવિધ સાધનસામગ્રીથી સજ્જ અને જુદી જુદી ખાસિયત ધરાવતાં ડ્રોન પાસેથી સૌ પોતપોતાના ફળદ્રુપ ભેજા મુજબનું કામ - દેશના કાયદાની હદમાં રહીને - લઇ શકે છે. ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ના અહેવાલ પ્રમાણે રીઅલ એસ્ટેટના ધંધામાં રહેલા ડેનિઅલ ગેરેટે ડ્રોનનો ઉપયોગ મોંઘાંદાટ મકાનોની હવાઇ ફોટોગ્રાફી માટે કર્યો. મોંઘીદાટ પ્રોપર્ટીનાં બ્રોશર કે વર્ણન આપવાને બદલે, તેમની ડ્રોન દ્વારા કરાયેલી ફોટોગ્રાફી વધારે આકર્ષક ન લાગે?

વાતાવરણ અને પર્યાવરણના શાસ્ત્રીય અભ્યાસ માટે પણ ડ્રોન ઉપયોગી છે. અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’  વાતાવરણમાં ઓઝોનનું સ્તર જ્યાં આવેલું છે તે સ્ટ્રોસ્ફીઅર સુધી પહોંચે એવાં ડ્રોન મોકલી રહી છે. તેનો આશય સ્ટ્રેટોસ્ફીઅરમાં વરાળના પ્રમાણમાં થતા ફેરફારની પૃથ્વીના વાતાવરણ પર કેવી અસર થાય એ તપાસવાનો છે. ઘુ્રવપ્રદેશોમાં સર્વેક્ષણ માટે પણ ડ્રોન વપરાય છે.

અવનવા ઉપયોગો ધરાવતાં ડ્રોન માણસની મહેનત કે મુસીબત ઘટાડી આપે છે, તેની ભૂમિકાની સાવ બાદબાકી કરી નાખતાં નથી. કારણ કે તેને ચલાવવા માટે અને તેના થકી પ્રસ્તુત માહિતી મેળવવા માટે તાલીમબદ્ધ અને દૃષ્ટિવંત માણસોની જરૂર પડે છે. એ જ કારણથી ડ્રોનની તાલીમ આપતા કોર્સનું બજાર ખુલ્યું છે અને તેજીમાં પણ છે. ગયા વર્ષથી અમેરિકાની છ કોલેજમાં ‘અનમેન્ડ એરક્રાફ્‌ટ સીસ્ટમ પાયલોટિંગ એન્ડ ક્રીએશન’ના- ટૂંકમાં ડ્રોન બનાવવાના અને તેનું સંચાલન કરવાના ખાસ અભ્યાસક્રમ શરૂ થયા છે. એ સિવાય ઇજનેરી કોલેજોમાં અભ્યાસના એક વિષય તરીકે ડ્રોનને સ્થાન મળી રહ્યું છે. ‘એસોસિએશન ફોર અનમેન્ડ વેહિકલ સીસ્ટમ્સ’ના અંદાજ પ્રમાણે, વર્ષ ૨૦૨૫ સુધીમાં ફક્ત અમેરિકામાં ડ્રોનના ઉપયોગને કારણે ૨૩ હજાર નોકરીઓ ઊભી થશે.

રોબોટિક્સ અને એરોનોટિક્સ જેવી બે વિદ્યાશાખાઓના સંયોજન જેવાં ડ્રોનના ગંભીર ઉપયોગ વધતા જશે, તેમ તેની મહત્તા અને મર્યાદા પણ છતી થશે. જેના નિમિત્તે ડ્રોનપુરાણ કરવાનું થયું તે ‘એમેઝોન’ની ઘરઆંગણે પુસ્તકો મોકલી આપવાની સ્કીમમાં અનેક ખાંચા પડી શકે છે. એક જ વિસ્તારમાં એક સાથે કેટલાં ડ્રોન ઉડાડી શકાય, જેમના મકાનની બહાર ખુલ્લી જગ્યા ન હોય એવા લોકોનાં પુસ્તકોની ડિલીવરી ક્યાં થાય, કાંટાકસ ચોક્સાઇ ધરાવતી જગ્યાએ જ ડ્રોન ડિલીવરી કરે કે કેમ, બે કંપનીનાં ડ્રોન સામસામાં અથડાય તો શું? અને ખાસ તો, બારણે પુસ્તકો આપવા આવેલાં ડ્રોનની ટક્કર બહાર રમતા કોઇ બાળક સાથે થાય તો?

આ દરેક સવાલ એવા નથી કે જેના જવાબ આપી જ ન શકાય.  ઇન્ટરનેટ આવ્યું ત્યારે ક્યાં કોઇને અંદાજ હતો કે થોડાં વર્ષમાં હથેળીમાં (મોબાઇલ ફોનમાં) ઇન્ટરનેટ વાપરી શકાશે? એવી જ રીતે, ડ્રોન ટેકનોલોજીનું ચલણ વધશે તેમ વાંધા અને રસ્તા નીકળતા રહેશે. 

No comments:

Post a Comment