Wednesday, December 18, 2013

પરાજય પછી કોંગ્રેસની મંથનબેઠક

વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ વિશે વિચાર કરવા માટે કોંગ્રેસની બેઠક યોજાઇ છે. મિટિંગરૂમમાં ખૂણેખાંચરે કશુંક મરેલું ભરાઇ ગયું હોય એવી ગંધ આવી રહી છે. અનુભવીઓ તેને પરાજયની ગંધ તરીકે ઓળખાવે છે, તો જાણકારોનો મત છે કે રૂમમાં કશું ભરાયું નથી, સત્તાસ્થાનેથી પક્ષના દિવસ ભરાઇ ગયા છે.

કોઇ ફળદ્રુપ દિમાગી કર્મચારીએ કોંગ્રેસના ચૂંટણીપ્રચારનું એક પોસ્ટર ફ્રેેમ કરાવીને, તેની પર ફુલહાર લગાડીને, એક ખુરશી પર એવી રીતે મૂક્યું છે કે દાખલ થતાં સૌથી પહેલી નજર એની પર પડે.  રૂમમાં આવનારા કોઇ નેતાને આ ફ્રેમ જોઇને વાંધો પડતો નથી કે ‘આ કોણે લગાડ્યું?’ એવું પૂછવાનું સૂઝતું નથી. સૌ બેસણાના અંદાજમાં ગંભીર ચહેરે ફ્રેમ પાસે જાય છે, બે હાથ જોડીને અધખુલી આંખે નમન કરે છે અને પોતાની આ ચેષ્ટા બીજા નોંધી રહ્યા છે કે નહીં એ તીરછી નજરે જોઇ લે છે. ત્યાર પછી એ ખુરશી પર બેસી જાય છે.

એવામાં રાહુલ ગાંધી આવે છે. તેમણે પોતાનો કાયમી પોશાક- સફેદ કુર્તો-પાયજામો- પહેર્યો છે, પણ આજે તે પ્રસંગને અનુરૂપ લાગે છે. તેમના આંખોમાં ઉજાગરો દેખાય છે. તેમની પાછળ સોનિયા ગાંધી દાખલ થાય છે. તેમના હાથમાં સ્ટીલની લાંબી ફુટપટ્ટી અને ચહેરા પર કડકાઇનો ભાવ છે. એ જોઇને બેઠેલા નેતાઓના શરીરમાંથી ઘુ્રજારીની આછી લહેર દોડી જાય છે. છતાં, સૌ ચહેરા પરની સ્વસ્થતા ટકાવી રાખે છે. અહમદ પટેલ ક્યારે આવીને ગોઠવાઇ ગયા, એ ખબર પડતી નથી. સોનિયા ગાંધીના હાથમાં ફુટપટ્ટી જોઇને કેટલાક સંશયાત્માઓ કોની કોની હથેળી લાલ છે, એ દૂરથી તપાસવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેમાં ખાસ સફળતા મળતી નથી.

સોનિયા ગાંધી રાબેતા મુજબ એક ખુરશી ભણી જોઇને મિટિંગ શરૂ કરવા ઇશારો કરે છે, પણ રાહુલ ગાંધી ખુસપુસ અવાજે તેમનું ઘ્યાન દોરતાં કહે છે કે એ ખુરશી ખાલી છે. કારણ કે પ્રણવ મુખર્જી હવે રાષ્ટ્રપતિ બની ગયા છે. સોનિયા ગાંધી થોડો વિચાર કરીને જાતે જ મિટિંગની શરૂઆત કરે છે.

સોનિયા ગાંધી : ભાઇઓ અને (શીલા દીક્ષિત સામે જોઇને) બહેનો, તમે જાણો છો કે આપણે શા માટે ભેગા થયા છીએ.

નેતા ૧ : હાસ્તો, ખરખરો કરવા...

સોનિયા : (કડકાઇથી) ખરખરો એટલે? તમે પેલા ગુજરાતી જૈન નાસ્તાની વાત કરો છો? કહેવા શું માગો છો?

નેતા ૨ : વાહ મેડમ, શું કલ્પના છે...ખરખરો- એક ગુજરાતી વાનગી... આને કહેવાય કલ્પનાશક્તિ.

નેતા ૩ : રીઅલી ગ્રેટ, મેડમ. આ એક જ કલ્પના પર તમને ૨૦૧૪માં ભારતનાં વડાપ્રધાન બનાવી દેવાં જોઇએ.

સોનિયા :કન્ટ્રોલ યોરસેલ્ફ...તમારી આ ચાપલૂસીને કારણે જ પક્ષની આવી દશા થઇ છે. તમે લોકો મને સાચું કહેતા જ નથી..

ખૂણાનો અવાજ : .. પણ તમે અમારું સાંભળો છો જ ક્યારે?

(રાહુલ ગાંધી અવાજની દિશામાં જુએ છે, પણ કોણ બોલ્યું એ સમજાતું નથી.)

સોનિયા : આ ચૂંટણીએ આપણને સ્પષ્ટ રીતે બતાવી આપ્યું છે કે..

નેતા ૨ : ...આપણે હજુ ૨૦૧૪માં સરકાર રચી શકીએ એમ છીએ. લોકો કહે છે એટલી આપણી બદનામી થઇ નથી. હજુ આ દેશમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતી શકાય છે. ભરોસો ન પડતો હોય તો પૂછો રાજસ્થાન-મઘ્ય પ્રદેશ-છત્તીસગઢમાં જીતેલા કોંગ્રેસી ઉમેદવારોને.  વિરોધીઓ કહે છે એવી આપણા વિરુદ્ધની આંધી હોય તો આ લોકો શી રીતે ચૂંટાયા?

નેતા ૩ : જબ તક સૂરજ-ચાંદ રહેગા...

નેતા ૪ : સોનિયાજી-રાહુલજીકા નામ રહેગા.

ખૂણાનો અવાજ : પણ હવે નામ નહીં, સત્તા રાખવાની વાત છે.

રાહુલ : (અવાજને અવગણીને) તમે લોકો ક્યારે સુધરશો? મમ્મીએ તમને કહ્યું તો ખરું કે ચાપલૂસીએ જ આપણને ડૂબાડ્યા છે...

નેતા ૫ : રાહુલજીની વાત તદ્દન સાચી છે. પક્ષના પરાજય વિશે કેવું સચોટ, ઊંડાણભર્યું અને પ્રેરણાસભર નિદાન છે એમનું! રાહુલજી, અત્યાર સુધી હું કેવળ આપની નેતાગીરીનો ભક્ત હતો, પણ હવે આપની રાજકીય સમજણને સાષ્ટાંગ પ્રણામ કરવાનું મન થાય છે. આપની આગેવાની હેઠળ ભારતનો ઉદ્ધાર થઇ જશે, એ મને સાફ દેખાય છે. બોલો...રાહુલજીકી જય

(રાહુલ ગાંધી મૂંઝાઇ જાય છે અને વિચાર કરે છે કે ‘ચાપલૂસી ન કરશો’ એવું આ લોકોને કઇ ભાષામાં સમજાવું?)

સોનિયા : (કડક મુખમુદ્રા ધારણ કરીને) આ ચૂંટણીનાં પરિણામ પરથી ચોખ્ખું દેખાય છે કે આપણે બદલાવું પડશે.

ખૂણાનો અવાજ : એને ‘બદલાવું’ નહીં, ‘સુધરવું’ કહેવાય.

(રાહુલ ગાંધી આ વખતે ઊભા થઇને અવાજ ક્યાંથી આવે છે તે શોધવા પ્રયાસ કરે છે. પણ સામે એ જ
આજ્ઞાંકિત ચહેરા દેખાતાં ગુંચવાઇને પાછા બેસી જાય છે.)

સોનિયા : સૌથી પહેલાં આપણે પરાજય કબૂલીને તેનાં કારણ સમજવાં પડશે.

(બધા નેતાઓ એકબીજા સામે જોવા લાગે છે. સોનિયા ગાંધી ‘ઓર્ડર ઓર્ડર’ના અંદાજમાં ફુટપટ્ટી પછાડે છે, એટલે પરાજયના કારણનો જવાબ આપતા હોય તેમ સૌ રાહુલ ગાંધી સામે જોવા માંડે છે.)

નેતા ૫ : મેડમ, પરાજયમાં આપણો કશો વાંક નથી. આ બધી પેલા અરવિંદ કેજરીવાલની, ભાજપની અને મતદારોની બદમાશી છે. તેમનું કાવતરું છે. ખરેખર તો આ ચૂંટણીની સીબીઆઇ પાસે તપાસ કરાવવી જોઇએ. મને તેમાં મોટા પાયે ગોટાળાની શંકા છે.

ખૂણાનો અવાજ : હા, ગોટાળો તો લાગે જ છે. દિલ્હીમાં કોંગ્રેસની આઠ બેઠકો પણ કેવી રીતે આવે?

નેતા ૨ : મેડમ, આપણે મીડિયાની ટીકાને ઘ્યાનમાં ન લેવી જોઇએ. એ બધા તો ખાય તેનું ગાય. મારું સૂચન છે કે આપણે વિધાનસભાની આવી કોઇ ચૂંટણી થઇ હતી, એ વાત ભૂલી જઇએ અને પૂરા જુસ્સાથી ૨૦૧૪ની ચૂંટણી માટે કામે લાગી જઇએ. અમે પ્રતિજ્ઞા લઇએ છીએ કે રાહુલબાબાને અમે વડાપ્રધાન બનાવીને જ
જંપીશું. બોલો, રાહુલજી કી...

ખૂણાનો અવાજ : ...ઐસીકી તૈસી.

રાહુલ ગાંધી : (ખિજાઇને) અરે, આપણી વાતચીતમાં વચ્ચે ડબકાં કોણ મૂકે છે? તમને લોકોને કોઇનો અવાજ સંભળાય છે?

(બધા નેતા આજ્ઞાંકિતતાથી નકારમાં ડોકાં ઘુણાવે છે.)

નેતા ૪ : અમને તો કંઇ સંભળાતું નથી, પણ રાહુલજી, આપ મહાન છો. શક્ય છે કે મહાત્માઓની જેમ તમને પણ અંતરાત્માનો અવાજ સંભળાતો હોય...એ ફક્ત તમે જ સાંભળી શકો અને તમને એ અવાજ સંભળાયો એનો અર્થ એ જ કે તમે મહાત્મા છો. હવે કોંગ્રેસના ભવિષ્યની ચિંતા કરવાની અમારે લગીરેય જરૂર નથી.

નેતા ૫ : તમારા જેવા નેતાના હાથમાં કોંગ્રેસ જ્યાં હશે ત્યાં સલામત રહેશે એની અમને ખાતરી છે.

ખૂણાનો અવાજ : ...અને ચૂંટણી પછી કોંગ્રેસ ક્યાં હશે, એ વિશે મને ખાતરી છે.

રાહુલ : તમારા સૌના સહયોગથી હું તમને એવો ચમત્કાર બતાવીશ કે જે તમે કલ્પી પણ ન શકો.

સોનિયા : રાહુલ, તું આમ ગોળ ગોળ બોલ્યા વિના ચોખ્ખી વાત કર, નહીંતર ગેરસમજણ થશે. (નેતાઓ તરફ જોઇને) એ પક્ષને તાળું મારવાની વાત નથી કરતો.

રાહુલ : મારી પાસે એક માસ્ટર પ્લાન છે, પણ એની વાત આ રૂમની બહાર ન જવી જોઇએ. કારણ કે એ ટૉપ સિક્રેટ છે. એની પર હજુ કામ કરવાનું છે.

સોનિયા : (મનોમન) ચાલો, પ્લાનને મીડિયામાં બધે કેવી રીતે કેવી રીતે પહોંચાડવો, એટલું તો રાહુલ શીખ્યો...અત્યારથી આ બધાને ખંજવાળ આવતી હશે કે ક્યારે બહાર જઇએ ને ખાનગીમાં પત્રકારોને બોલાવીને પ્લાનની વિગતો લીક કરી દઇએ.

રાહુલ : તો પ્લાન એ છે કે...

બધા નેતાઓ : બોલો રાહુલ ગાંધીકી...

રાહુલ : (ઘુંધવાઇને) તમારી લોકોની આ ટેવ ક્યારે સુધરશે?

ખૂણાનો અવાજ : પક્ષપલટો કરશે ત્યારે..

રાહુલ (અદૃશ્ય અવાજથી ચમકીને, જરા ઉતાવળે) : તો મારી યોજના એ છે કે અત્યારે આપણામાંથી જેમની સામે ભ્રષ્ટાચારના આરોપ ન હોય એવા નેતાઓએ સાગમટે આમઆદમી પાર્ટીમાં જોડાઇ જશે...હું, સચિન, જ્યોતિરાદિત્ય, મિલિંદ, જિતેન અને બીજા પણ ઘણા. મમ્મી, શીલાઆન્ટી એ બધાં કોંગ્રેસમાં રહેશે.

સોનિયા : પછી?

રાહુલ : (‘જોયું? કેવું જોરદાર લાવ્યો?’ના અંદાજમાં) પછી કંઇ નહીં. સ્વચ્છ રાજકારણ ઇચ્છતા બધા લોકોને કેજરીવાલે પોતાની સાથે જોડાઇ જવા કહ્યું છે. એટલે અમને એ ના નહીં પાડી શકે. લોકસભાની ચૂંટણીમાં આપણે કેજરીવાલના નિયમો પ્રમાણે લડીશું તો જીતવાના બહુ ચાન્સ છે. પણ કેજરીવાલને સંપૂર્ણ બહુમતી નહીં મળે. દિલ્હી જેવું થશે. એ વખતે આપણે ફરી આમઆદમી પક્ષમાંથી અલગ જૂથ- ‘રાહુલ કોંગ્રેસ’- તરીકે છૂટા પડી જઇશું અને કોંગ્રેસના મમી જેવી મમ્મી કોંગ્રેસના જીતેલા ઉમેદવારો સાથે મોરચો કરીને સરકાર રચીશું.

નેતાઓ ૧-૬ : બ્રિલિયન્ટ આઇડીયા. એક કાંકરે કેટકેટલાં પંખી મરી જશે. યુ આર જિનિયસ. રાહુલજી આપ આગે બઢો, હમ ‘આપ’કે સાથ હૈં

(સોનિયા ગાંધી આશ્ચર્ય અને આઘાતથી ફૂટપટ્ટી પંપાળતાં રાહુલ સામે જોઇ રહે છે અને નેતાઓ રાહુલને ઘેરી વળે છે. તેમને ઘોંઘાટમાં મિટિંગનું અનૌપચારિક સમાપન થાય છે.)

3 comments:

 1. Anonymous11:17:00 PM

  URVISHBHAI,

  TAMARI KALPNA SHAKTI SARI CHHE, PAN AA SAMPURNA AAGYANKIT CONGREESI KADACH TEMNI 'GHETASHAHI' MAATHI BAHAR AAVI JASE TYARE KEVO NAZARO HASE????????????

  ReplyDelete
 2. શબ્દની શક્તીઓનો સુપેરે લાભ લઈને ને ખાસ તો સભાનું નાટ્યરુપ આપતો લેખ ! રાજકીય ગાળાગાળીવાળાં લખાણો સામે દીવાબત્તી ધરતો લેખ....ઉર્વીશભાઈ, અભીનંદન.

  ReplyDelete
 3. :D :D good one urvishbhai

  ReplyDelete