Tuesday, December 10, 2013

ગાંધી, આંબેડકર અને મેન્ડેલા

આંબેડકરના નિર્વાણદિનના એક દિવસ પહેલાં, નેલ્સન મેન્ડેલા/ Nelson Mandelaનું લાંબી બિમારી પછી દક્ષિણ આફ્રિકામાં અવસાન થયું. સંસ્થાનવાદી શાસનની ગુલામી સામે તેમની લડતને કારણે, ગાંધી અને મેન્ડેલાનું નામ સાથે લેવાય છે. દક્ષિણ આફ્રિકામાં એ લડતના - અને સંસ્થાનવાદી શાસનના- પાયામાં રંગભેદ હતો. એ ઘ્યાનમાં રાખતાં, મેન્ડેલાની વાતમાં ગાંધી જેટલા જ આંબેડકર પણ યાદ આવી શકે.

મેન્ડેલા અને આંબેડકર બન્ને પોતપોતાના સદીઓથી કચડાયેલા સમાજનાં હક અને ગૌરવ માટે, નાગરિક અધિકાર અને માનવ અધિકાર માટે લડ્યા. તેમની સરખામણીએ ગાંધીજીની મુખ્ય લડત તેમની ઇચ્છા કે તેમના કાબૂ વિરુદ્ધ, મુખ્યત્વે રાજકીય આઝાદીની બની ગઇ. મેન્ડેલાના- દક્ષિણ આફ્રિકાના કિસ્સામાં એ શક્ય ન હતું.  કારણ કે તેમની લડતમાં ‘સ્વતંત્રતા’નો મૂળભૂત અર્થ જ ‘સમાનતા’ થતો હતો. બહુમતી લોકો કાળા હોવાને કારણે, તેમને પૂરા કદનું નાગરિકત્વ અને રંગભેદનો અંત એ સંઘર્ષનો મુખ્ય મુદ્દો હતો.    

મેન્ડેલાની લડત હિંસાખોર શાસન અને રંગભેદી માનસિકતા ધરાવતા લધુમતી ધોળા લોકો સામે હતી. આ બન્ને મોરચે મેન્ડેલાની પડખે બીજા ઘણા નેતા, પક્ષ (આફ્રિકન નેશનલ કોંગ્રેસ) અને બહુમતી કાળા લોકોનું બળ હતું. ગાંધીજીની રાજકીય લડતમાં બીજા નેતાઓ, પક્ષ અને મોટા સમુદાયનું બળ હતું, પરંતુ સામાજિક અનિષ્ટો સામે ધીમા તાપે ચાલતી તેમની લડતમાં ગાંધીજી ઘણી હદે એકલા રહ્યા. ભારતની આઝાદીની લડતમાં ‘સ્વતંત્રતા’નો અર્થ ‘સમાનતા’ નહીં, પણ ‘અંગ્રેજી શાસનમાંથી રાજકીય આઝાદી’ એવો થતો હતો. એટલે કોંગ્રેસના પહેલી હરોળના નેતાઓ, પક્ષ અને સમાજનો બહોળો વર્ગ ગાંધીજીને પૂજનીય ગણતાં રહ્યાં, પણ તેમાંથી મોટા ભાગના લોકો  ગાંધીજીના સમાજદર્શનને અંશતઃ પણ અનુસરી શક્યા નહીં. પરિણામે, ભારતને રાજકીય આઝાદી મળી ગઇ, ગાંધીજી રાષ્ટ્રપિતા ગણાયા, પણ આંબેડકરના સ્વપ્ન જેવું દલિતોની સમાનતા અને સામાજિક આઝાદીનું કામ અઘૂરું રહ્યું.

ગાંધીજીના પગલે ઠક્કરબાપા, પરીક્ષિતલાલ મજમુદાર, મામાસાહેબ ફડકે જેવા સન્નિષ્ઠ કાર્યકરો દલિતકલ્યાણના કાર્યમાં જોતરાઇ ગયા, પણ આંબેડકરને ‘દલિતોદ્ધાર’ના કાર્યક્રમથી સંતોષ ન હતો. તે દલિતોના રાજકીય અધિકાર તથા તેમની સામાજિક આઝાદી ઝંખતા હતા. એટલે આંબેડકરને અંગ્રેજો કરતાં વધારે કોંગ્રેસ સામે લડવાનું આવ્યું અને મૂલતઃ એક ઘ્યેય હોવા છતાં, જુદા રસ્તાને કારણે ગાંધી-આંબેડકરને સામસામે મુકાવું પડે, એવા સંજોગો અનેક વાર ઊભા થયા.

દક્ષિણ આફ્રિકામાં મેન્ડેલા બહુમતી કાળા લોકોના સ્વીકૃતનેતા હતા. તેમ છતાં, મેન્ડેલા અને કોંગ્રેસથી જુદો ચોકો રચનારાં, કાળા લોકોનાં બીજાં કેટલાંક જૂથ પણ હતાં. તે વધારે આત્યંતિક કે ઝનૂની હતાં. ૨૭ વર્ષનો જેલવાસ વેઠનાર મેન્ડેલા અને ધોળા પ્રમુખ ક્લાર્ક વચ્ચે સમાધાન થયા પછી દેશના ઇતિહાસમાં પહેલી વાર ચૂંટણી જાહેર થઇ, કાળા લોકોને મતાધિકાર અપાયો, ત્યારે પણ એક કાળા જૂથે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. જોકે, થોડા સમય પછી આત્યંતિકતા સમજાતાં તે લાઇન પર આવી જઇને ચૂંટણીમાં સામેલ થયું અને રાતોરાત બેલેટ પેપરમાં નવી ચબરખીઓ લગાડવાની થઇ.

ચૂંટણી અને દલિતાના સાચા પ્રતિનિધિત્વના મુદ્દે આંબેડકર-ગાંધી વચ્ચે ત્રીસીના દાયકામાં મોટો મતભેદ થયો, જેની કડવાશ હજુ પણ દલિત સામાજિક નેતાગીરી જોવા મળી જાય છે.  અંગ્રેજોએ મુસ્લિમો ઉપરાંત દલિતો માટે પણ અલગ મતદાર મંડળની જોગવાઇ કરી. દેશમાં હિંદુ-મુસ્લિમ કોમવાદનું રાજકારણ શરૂ થઇ ચૂક્યું હતું અને તિરાડ પહોળી થઇ રહી હતી. એ વખતે હિંદુ સમાજમાં કાયમી આંતરિક તડાં ન સર્જાય, એ ચિંતાથી ગાંધીજીએ દલિતોને મળેલા અલગ મતદાર મંડળનો વિરોધ કર્યો. પૂનાની આગાખાન જેલમાં તેમણે આમરણ ઉપવાસ કર્યા. ગાંધીજીનો જીવ બચાવવા માટે આંબેડકરે અલગ મતદાર મંડળ જતું કરીને પૂના કરાર પર મત્તું મારવું પડ્યું. રાજકીય સત્તામાં બિનકોંગ્રેસી દલિત પ્રતિનિધિત્વની આ તક જતી કરવી પડી, તે આંબેડકરને બહુ વસમું લાગ્યું.

ભારતમાં મુસ્લિમો વતી ઝીણાએ અને દલિતો વતી આંબેડકરે ગાંધીજીની આખા હિંદની નેતાગીરીનો દાવો માન્ય રાખ્યો નહીં. મેન્ડેલાને એવો પ્રશ્ન ન હતો. તેમની નેતાગીરી ન સ્વીકારાં જૂથ મુખ્યત્વે  હિંસાનો આશરો લેનાર કાળાં અને ધોળાં લોકો હતાં. આંબેડકરની સ્થિતિ વધારે ખરાબ હતી. કોંગ્રેસની બહાર રહીને દલિતોના નેતા તરીકે પ્રસ્થાપિત થવા માટે તેમને ગાંધીજી-કોંગ્રેસની સામે ઊભા રહેવાનું હતું. પોતાની પ્રતિભાના જોરે, કટુ લડાઇઓ લડીને, તે અસ્પૃશ્યોના નેતા બની શક્યા.

કડવાશ ફક્ત આંબેડકરના જ મનમાં હતી, એવું માનનાર લોકોએ આંબેડકર વિશે કંઠીધારી ગાંધીવાદીઓનો મત પણ જાણવા જેવો ખરો. આંબેડકરની કડવાશ માટે મજબૂત કારણો હતાં- જે ગાંધીજી કબૂલતા હતા- પરંતુ ઘણા ગાંધીવાદીઓને ગાંધીજી સાથે અવિવેકની હદની આક્રમકતાથી વાત કરનાર આંબેડકર ભયંકર માણસ લાગતા હતા. આઝાદી પછીનાં વર્ષોમાં પણ તેમનો એ અભિપ્રાય ચાલુ રહ્યો. આંબેડકરને દલિતોના નેતા તરીકેનો દરજ્જો કેવળ અંગ્રેજોની કૃપાથી મળ્યો હતો, એવું માનનારો એક વર્ગ હતો અને છે. આવો આરોપ આંબેડકરનાં હતાશા, સંઘર્ષ અને સિદ્ધિને ભારે અન્યાય કરનારો છે.   મેન્ડેલાને મળેલું રાષ્ટ્રિય નાયક તરીકેનું પદ આંબેડકરથી હંમેશાં દૂર રહ્યું. આંબેડકરનું નામ પહેલી હરોળની નેતાગીરીમાં ન મૂકવા માટે એવી દલીલ કરાય છે કે, ‘આંબેડકર (કેવળ) દલિતોના હિત માટે લડ્યા હતા. આઝાદીની લડાઇમાં તેમનું શું પ્રદાન?’ તેના વિગતમાં જવાને બદલે પહેલાં એક સાદો સવાલ થવો જોઇએ : શું દલિતોનું હિત દેશહિતના વિરોધમાં હતું?

બીજો યાદ રાખવા જેવો મુદ્દો : દલિતોના હિતમાં દેશનું હિત આપોઆપ સમાયેલું છે, પરંતુ કહેવાતા ઉજળિયાત લોકોની ‘દેશહિત’ની વ્યાખ્યામાં દલિતોના હિતનો સમાવેશ થતો નથી.

શું દલિતોનું હિત દેશહિતનો અંતરગ હિસ્સો ન હોવું જોઇએ? દેશની આશરે છઠ્ઠા ભાગની વસ્તી ધરાવતા દલિતોને સદીઓ જૂના અમાનવીય ભેદભાવોમાંથી મુક્તિ આપવા માટે મથવું, એ જુદા પ્રકારની- કદાચ વધારે અગત્યની- આઝાદીની જ લડાઇ ન ગણાય? આટલી મોટી સંખ્યામાં દેશના દલિતો અર્ધમાનવ અવસ્થામાં જીવતા હોય એ દેશ શી રીતે આગળ વધી શકે? રાજકીય આઝાદીની સાથોસાથ ‘સ્વ-રાજ’ સ્થાપવા માટે એ અનિવાર્ય ન ગણાય? અને એ હેતુ માટે આજીવન મથનાર આંબેડકરને મહાન રાષ્ટ્રિય નેતા ગણવાને બદલે ‘દલિતોના નેતા’ તરીકે ખતવી નાખવા એ શું કહેવાય? અન્યાય કે ભેદભાવ?

ઘણી વાર સવાલ થાય કે ડૉ.આંબેડકરને, સંભવતઃ ગાંધીજીના સૂચનથી, બંધારણસભામાં સામેલ ન કરાયા હોત અને તે બંધારણની ખરડાસમિતિના અઘ્યક્ષ ન હોત, તો સ્વતંત્ર ભારતના મુખ્ય ધારાના ઇતિહાસમાં તેમનું શું સ્થાન હોત? અથવા એક ફુદડી-ફૂટનોટથી વિશેષ તેમનું કોઇ સ્થાન હોત ખરું? આ એવો સવાલ છે કે સરદાર પટેલ દેશી રાજ્યોના વિલીનીકરણ સાથે ન સંકળાયા હોય તો કોંગ્રેસી અને ડાબેરી ઇતિહાસકારોએ દેશના ઇતિહાસમાં સરદારને સ્થાન આપ્યું હોત? બન્નેના જવાબ ધારી શકાય એવા છે.

સચ્ચાઇ અને સુમેળ : એક કલ્પના

આઝાદી અને રંગભેદની નાબૂદી પછી મેન્ડેલાએ ‘ટ્રુથ એન્ડ રીકન્લીસીલિએશન’ (સચ્ચાઇ અને સુમેળ) નીતિ દ્વારા ભૂતકાળના ત્રાસજનક ઘટનાક્રમને તાજો કર્યો, પરંતુ બદલો લેવા માટે નહીં, તેની ગંભીરતા અંકે કર્યા પછી કાયમ માટે તેને દફનાવી દેવા. આ કાર્યક્રમ અંતર્ગત ટ્રુથ એન્ડ રીકન્સીલિએશન કમિશનની વિવિધ બેઠકોમાં સેંકડો લોકોએ પોતાની પર જે વીત્યું હતું તેનાં હૃદયદ્રાવક વર્ણનો કર્યાં. તેનું રેડિયો-ટીવી પર પ્રસારણ થયું. ગુનો કરનારા જોગ પણ કહેવાયું હતું કે તમે જે ન કરવા જેવું કર્યું હોય તે અહીં આવીને કહી દો. માફીને યોગ્ય ગુનો હશે તો માફી થશે. અદાલતી કાર્યવાહીનો બહુ પ્રશ્ન ન હતો. કારણ કે સમય વીતી જતાં ઘણા ગુનામાં અદાલતમાં કામ ચલાવી શકાય એવા આધારપુરાવા મોજૂદ ન હતા.

‘ટ્રુથ એન્ડ રીકન્સીલિએશન’ની ઝુંબેશને મિશ્ર સફળતા મળી, પણ તેનો આશય ભૂતકાળમાં અત્યાચારી લધુમતી તરીકે ગણાયેલા ધોળા લોકો અને તેમના અત્યાચારોનો ભોગ બનેલા કાળા લોકો વચ્ચે સુમેળ-સંવાદનો પુલ બાંધવાનો હતો. રંગભેદી શાસન સમાપ્ત થયા પછી પણ ઘણા ધોળા લોકો દક્ષિણ આફ્રિકામાં રહ્યા. તેમની અને કાળા લોકોની વચ્ચેની દુશ્મનાવટ દૂર થાય અને સૌ એક જ દેશના, એક સરખા અધિકાર ધરાવતા નાગરિક બની રહે, તે ટ્રુથ એન્ડ રીકન્સીલિએશન કમિશનનો મુખ્ય આશય હતો.

એવું માનવાનું મન થાય છે કે ગાંધી-આંબેડકર થોડાં વર્ષ વધારે જીવ્યા હોત અથવા આઝાદી થોડી વહેલી મળી હોત, તો આ બન્ને નેતાઓએ દલિતો પર હિંદુઓએ સદીઓથી કરેલા અત્યાચારોના સંબંધે ‘ટ્રુથ એન્ડ રીકન્સીલિએશન’ જેવી કોઇ યોજના ઘડી કાઢી હોત. હિંદુઓએ પ્રાયશ્ચિત કરવું જોઇએ એવું ગાંધીજી કહેતા હતા, પરંતુ ગુનાના જાહેર એકરાર વગરનાં ખાનગી પ્રાયશ્ચિત ‘ટ્રુથ એન્ડ રીકન્સીલિએશન’ની વ્યાપક અસર પેદા કરી શકતાં નથી. એવી જ રીતે, ડૉ.આંબેડકરની અપેક્ષા પ્રમાણેના નકરા કાયદા, અમલ કરનારના હૃદયપરિવર્તન વિના પૂરેપૂરા અસરકારક નીવડી શકતા નથી. આ બન્ને નેતાઓ લાંબુ જીવ્યા હોત અને કોમી હિંસાની કારુણીમાંથી પાર ઉતર્યા પછી, દલિતહિત અંગે પોતપોતાના અંતિમોની મર્યાદા સમજીને ‘ટ્રુથ એન્ડ રીકન્સીલિએશન કમિશન’ની ભેટ આપી શક્યા હોત તો?

મેન્ડેલાને વિદાયઅંજલિ આપતી વેળા એક ભારતીય તરીકે આ કલ્પના ખાળી શકાતી નથી. 

7 comments:

 1. ખૂબજ વિચાર માગીલે એવી આપે રજુઆત કરી છે. મારું તો માનવું છે કે સૌ જાણે છે કે કહેવાતા દલિતો વગર તેમની સુખ સાહ્યબીને અસર થશે એટલે હજી પણ અંદર ખાને તેઓ આગળ ના આવે એવા પ્રયત્નો કરતા રહ્યા છે. બાબુ જગજીવન રામ માટે પ્રાઈમીનીશ્ટર થવાના પૂરા સંજોગો હોવા છતાં એ થઈ ના શક્યા, એ વાત જાણીતી છે.

  ReplyDelete
 2. ઘણો સરસ લેખ છે, 2 વાર વાંચવો પડ્યો !

  ReplyDelete
 3. Kanisha Kotadiya11:33:00 PM

  આપના છેલ્લા ફકરા મુજબ : ડૉ.આંબેડકરની અપેક્ષા પ્રમાણેના નકરા કાયદા, અમલ કરનારના હૃદયપરિવર્તન વિના પૂરેપૂરા અસરકારક નીવડી શકતા નથી. પણ ડો. આમ્બેડકર ના મારા થોડા અભ્યાસ મુજબ તેઓ ક્યારે પણ નકરા કાયદાના હિમાયતી ન હતા, અને તેઓ તે સમય ના અને હજુ પણ ટકી રહેલા "વાદ" મા આમુલ પરિવર્તન કરવાના હિમાયતી હતા, અને તે પરિવર્તન તેઓ ન્રુજાતિ વિજ્ઞાની હોવાના નાતે સંરચના, ઉત્પત્તિ અને વિકાસ ની કાર્યપ્રણાલીને બખુબી જાણતા હતા કે જેમા હૃદયપરિવર્તન જેવી ઘટના સમ્ભવીત નહતી. બીજુ કે ડો.આમ્બેડકર લિખિત " The Problem of Rupee " બૂક ના માત્ર બે ખંડ ના અભ્યાસ કર્યા મુજબ તો ભારત પાસે કે વિશ્વ પાસે જે તે સમયે તેમના જેવા પ્રખર ઇકોનોમિસ્ટ, વર્તમાન ને સમજનાર, ભૂત ને જાણનાર, કે ભવિશ્ય ને સાચી રીતે સાધનાર કોઇ વિચારક હતાજ નહી. તો અધ્યક્ષતા માટે કોઇના સુચન નો સવાલ રહેતોજ ન હતો !! તો પછી તેમનુ સ્થાન માત્ર બંધારણની ખરડાસમિતિના અધ્યક્ષતા ને લીધે જ છે તેવુ મુલવવુ તે પણ અયોગ્ય છે. અને હા દેશના ઇતિહાસમાં સરદાર પટેલ ના જવાબ મા તેમના સ્થાન વિશે ધારી શકાય તેમ છે પણ ડો. આમ્બેડકર વિષે બીજી ઘણી ચોક્કસ બાબતો ને ધ્યાન મા લેવીજ રહી.

  ReplyDelete
  Replies
  1. લેખમાં રસ લઇને વિષયસંબંધિત મુદ્દા ઊભા કરવા બદલ આભાર.

   - આંબેડકરનો ઝોક કાયદેસરની અને લેખિત ખાતરી ધરાવતા રાજકીય હકો મેળવવાનો હતો એવું હું સમજ્યો છું.

   - આંબેડકરની પ્રતિભા અંગેનું તમારું મૂલ્યાંકન સાચું છે. પરંતુ એ સમયે તેમનું આ મૂલ્યાંકન થયું ન હતું એ આપણે યાદ રાખવું પડે. અહીં મુદ્દો આંબેડકરની લાયકાતનો નથી. એકથી વધુ ઠેકાણે એવું વાંચવા મળ્યું છે કે નેહરુ અને સરોજિની નાયડુ એ હોદ્દા માટે સર આઇવર જેનિંગ્સનું નામ લઇને ગયા હતા, પણ ગાંધીજીએ તેમને ડો.આંબેડકરનું નામ સૂચવ્યું.
   તેમ છતાં, આ વાતના સો ટકા મજબૂત આધારપુરાવા ન હોવાથી મે ’સંભવતઃ’ એવો શબ્દ વાપર્યો છે - અને એ વાપરવા જેટલા પુરાવા તો છે જ.

   - છેલ્લા મુદ્દાનો અર્થ એ જ છે, જે તમે કહેવા માગો છો- કે આંબેડકરનું મૂલ્યાંકન ફક્ત અધ્યક્ષતા પરથી (અને સરદારનું સ્થાન રજવાડાનાં વિલનીકરણ પરથી) ન આંકી શકાય. પરંતુ અત્યારે ઘણે ભાગે એવું જ થઇ રહ્યું છે. તેમને પૂજનારામાંથી પણ ઘણા બંધારણસભાથી વિશેષ કેટલું જાણે છે? એ વિશેની આ નુક્તચીની છે.

   Delete
 4. ઘણી વાર સવાલ થાય કે ડૉ.આંબેડકરને, સંભવતઃ ગાંધીજીના સૂચનથી, બંધારણસભામાં સામેલ ન કરાયા હોત અને તે બંધારણની ખરડાસમિતિના અઘ્યક્ષ ન હોત, તો સ્વતંત્ર ભારતના મુખ્ય ધારાના ઇતિહાસમાં તેમનું શું સ્થાન હોત? અથવા એક ફુદડી-ફૂટનોટથી વિશેષ તેમનું કોઇ સ્થાન હોત ખરું? આ એવો સવાલ છે કે સરદાર પટેલ દેશી રાજ્યોના વિલીનીકરણ સાથે ન સંકળાયા હોય તો કોંગ્રેસી અને ડાબેરી ઇતિહાસકારોએ દેશના ઇતિહાસમાં સરદારને સ્થાન આપ્યું હોત? બન્નેના જવાબ ધારી શકાય એવા છે.
  bang on Urvisbhai...very nice article...

  ReplyDelete
 5. Excellent... Superlike

  ReplyDelete
 6. Anonymous2:18:00 AM

  nice article..apart from this article..One question is for today's bogus society of India..One side they are respecting Nelson Mandela and other side disrespecting ambedkar for giving reservation to SC&ST.But they do not know what ambedkar done for Indians..Both personality done same thing for their people's rights and upliftment.Few years before there was racist attack on Indian in australia.For that purpose Indians came on street for candle march and criticised racist attack in australia..But in other side they keep their mouth shut for attacks on SCs/STs in their own home land.amazing..:P

  ReplyDelete