Monday, April 27, 2020

આરોગ્ય સેતુ એપ ખરેખર કેટલું અસરકારક? સરકારી દાવા અને ચકાસણી

ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને આઇ.ટી. મંત્રાલય દ્વારા કોરોના વાઇરસના મુકાબલા માટે ૨ એપ્રિલના રોજ આરોગ્ય સેતુ /Arogya Setu નામે એપ (એપ્લિકેશન) લોન્ચ કરવામાં આવ્યું. અહેવાલો પ્રમાણે, તેના અત્યાર લગીમાં સાડા સાત કરોડથી પણ વધુ ડાઉનલોડ થઈ ચૂક્યા છે.

સરકારી અને અન્ય દાવા
૨૫ એપ્રિલના રોજ ઘણાની જેમ મારા મેઇલ બૉક્સમાં પણ MyGov પરથી એક ઇ-મેઇલ આવ્યો. તેનો વિષય હતોઃ Setu is the Bodyguard of 70 million citizens. Download now. આરોગ્ય સેતુ (તેને ડાઉનલોડ કરનારા) સાત કરોડ લોકોનું બૉડીગાર્ડ-અંગરક્ષક છે. તમે પણ તેને આજે જ ડાઉનલોડ કરો.’

‘સિંઘમ’ખ્યાત ફિલ્મસ્ટાર અજય દેવગણે ટ્વીટર પર લખ્યું: Dhanyawad @PMOIndia @narendramodi for creating a personal bodyguard for every Indian to fight COVID-19. #SetuMeraBodyguard hai aur aapka bhi. (‘ધન્યવાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કોવિડ-૧૯ સામેની લડાઈમાં પ્રત્યેક ભારતીય માટે વ્યક્તિગત અંગરક્ષક તૈયાર કરવા બદલ. સેતુ મેરા બૉડીગાર્ડ હૈ ઔર આપકા ભી.’)

સરકારી જાહેરખબરો તેને કોવિડ-૧૯ સામેના ‘સુરક્ષા કવચ’ ગણાવે છે. કોઈ અહેવાલમાં તેને કોરોના પરની ‘સર્જિકલ સ્ટ્રાઇક’ તરીકે પણ ઓળખાવવામાં આવ્યું. ગુજરાતી અખબારોમાં વારંવાર છપાતી ગુજરાત  સરકારની જાહેરખબરોમાં તો (આરોગ્ય મંત્રાલયનો પણ હવાલો ધરાવતા) નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલનો ખાસ સંદેશ છપાય છેઃ ‘કોરોનાથી બચવું હોય તો, આજે અત્યારે જ તમારા મોબાઇલમાં આરોગ્યસેતુ એપ ડાઉનલોડ કરો અને સુરક્ષિત થઈ જાઓ.’

એપની ગુજરાતી જાહેરખબરમાં કરાતા, ચકાસણી કરવા જેવા, બીજા કેટલાક દાવાઃ
(૧) આપણું આરોગ્ય હવે આપણી આંગળીના ટેરવે
(૨) કોરોના તમને સ્પર્શ કરે એ પહેલાં જ આરોગ્ય સેતુ એપ તમને ચેતવી દેશે
(૩) આરોગ્ય સેતુ એપ એવું સુરક્ષા કવચ છે કે, જો કોરોનાગ્રસ્ત વ્યક્તિ તમારી નજીક પણ આવશે તો તરત જ તમારા મોબાઇલમાં બીપ-બીપ અવાજ આવશે અને તમને સચેત કરી દેશે, જેથી કોરોના વાઇરસના સંક્રમણથી તમે બચી જશો.
(૪) રોગને ઉગતો ડામવાનો એક માત્ર સરળ ઉપાય એટલે આરોગ્ય સેતુ એપ.

આ તમામ દાવાની ચકાસણીમાં જતાં પહેલાં એપ, તેની કાર્યપદ્ધતિ અને એપધારક દ્વારા ત્યાં અપાનારી માહિતીનું શું થશે તે જાણી લઈએ. આ તમામ વિગતો એપમાં અપાયેલી ટર્મ્સ ઑફ સર્વિસ અને પ્રાઇવસી પોલિસીમાંથી લેવામાં આવી છે.

એપની કાર્યપદ્ધતિ
 • આ એપ સ્માર્ટ ફોનમાં ઇન્સ્ટોલ કર્યા પછી, ફોનનું બ્લૂ ટૂથ અને જીપીએસ સતત (ચોવીસે કલાક) ચાલુ રાખવું જરૂરી છે. બ્લૂ ટૂથ-જીપીએસ બંધ, તો એપ પણ બંધ. 
 • ધારો કે ‘અ’ તેના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટૉલ કરે છે. પછી ‘અ’નો મોબાઇલ આરોગ્ય સેતુ એપ ધરાવતા ‘બ’ના મોબાઇલની રેન્જમાં આવે છે. મોબાઇલની રેન્જ એટલે કે મોબાઇલમાંથી નીકળતા બ્લૂ ટૂથના સિગ્નલની રેન્જ. આ રેન્જ કેટલી છે, તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. પણ સામાન્ય રીતે એ દસેક મીટર (૩૩ ફીટ) જેટલી હોય છે.
 • ધારો કે ‘અ’ કોરોના-પૉઝિટિવ હોય અને તેના એપમાં તેના કોરોના-પૉઝિટિવ હોવાની વિગત નોંધાયેલી હોય, તો ‘અ’ અને ‘બ’ એકબીજાની રેન્જમાં આવતાં જ, ‘બ’ને જાણ થઈ જશે કે તે કોરોના-પૉઝિટિવ વ્યક્તિની નજીકમાં છે. એટલે ‘બ’નેં સાવચેત થઈ જવાનો સમય મળશે. (જાહેર સ્થળે આજુબાજુ દસ-વીસ લોકો હોય અને ‘બ’ના ફોનમાં બીપ-બીપ લાગે, તો તેણે આજુબાજુ રહેલા તમામ લોકોમાંથી કોનાથી સાવચેત રહેવાનું છે, એની જાણ થાય કે કેમ? એ એપમાં અપાયેલી વિગતમાંથી સ્પષ્ટ થતું નથી.)
ધારો કે, ‘અ’ અને ‘બ’ મળ્યા, ત્યારે બંનેમાંથી કોઈ પૉઝિટિવ નથી, પણ મુલાકાતના દસ દિવસ પછી બંનેમાંથી કોઈ પૉઝિટિવ થાય છે. ત્યારે આ એપ શી રીતે મદદરૂપ થાય? તે જાણવા માટે થોડા ઓર આગળ જઈએ. 
 • એપમાં નોંધણી કરતી વખતે આટલી વિગતો આપવી પડે છેઃ નામ, ફોન નંબર, ઉંમર, જાતિ (સ્ત્રી-પુરુષ-અન્ય), વ્યવસાય, છેલ્લા ૩૦ દિવસમાં જે દેશોની મુલાકાત લીધી હોય તેની વિગત (આ ખાનું શરૂઆતના દિવસોમાં પ્રસ્તુત હતું. હવે અપ્રસ્તુત છે. કેમ કે, છેલ્લા ૩૦ દિવસથી લૉક ડાઉન ચાલે છે.) લોકેશન અલગથી ભરવાનું હોતું નથી, એપ કાર્યરત કરવા માટે ફોનમાં લોકેશન ઑન કરવું જરૂરી છે. 
 • આ બધી વિગતો એક સર્વર પર સંઘરવામાં આવે છે. લોકેશન પણ તેની સાથે આપોઆપ આવી જાય છે. સર્વરમાં આ બધી વિગતોના દરેક સૅટને એક યુનિક ડિજિટલ આઇડી મળે છે. એક પ્રકારનું ડિજિટલ લેબલ, જેને સર્વર ફોનના એપમાં મોકલી આપે છે. બીજા શબ્દોમાં, સર્વર હવેથી તે વિગતો ધરાવતા ફોનને નામ કે નંબરથી નહીં, પણ ડિજિટલ આઇડીના લેબલથી ઓળખશે. 
 • એપ ડાઉનલોડ કરેલું હોય એવી બે વ્યક્તિઓ ‘અ’ અને ‘બ’ એકબીજાના બ્લૂ ટૂથ સિગ્નલની રેન્જમાં આવશે, એટલે બંનેનાં એપ એકબીજાનાં આઇડીની આપ-લે (બ્લૂ ટૂથ મારફતે) કરશે. આ મેળાપ કેટલા વાગ્યે અને કયા સ્થળે થયો હતો, તે પણ જીપીએસની મદદથી એપમાં નોંધાઈ જશે.
 • આ મેળાપ થતાં, ‘અ’ના ફોનના એપમાં રહેલી માહિતી ‘બ’ના ફોનના એપમાં આવશે ને ‘બ’ના એપમાં રહેલી માહિતી ‘અ’ના એપમાં. જોકે, ‘બ’ની માહિતીને ‘અ’ કે ‘અ’ની માહિતીને ‘બ’ જોઈ નહીં શકે-તેનો ઉપયોગ નહીં કરી શકે. તે ફક્ત એપમાં જ સંઘરાયેલી રહેશે.
 • પરંતુ ભવિષ્યમાં ધારો કે ‘અ’ કોરોના-પૉઝિટિવ બને અને સરકારી તંત્રને તેની જાણ થાય અથવા ‘અ’ પોતે એપમાં પોતાના પૉઝિટિવ થવાની કે કોરોના-શંકાસ્પદ થવાની વિગત ઉમેરે, તો તેની જાણ આપોઆપ ‘બ’ને થઈ જશે. ફક્ત ‘બ’ને જ નહીં, ‘અ’ના સંપર્કમાં આવેલા અને ‘અ’ની વિગત જેમનાં એપમાં સંઘરાયેલી છે, એ બધાંને ‘અ’ના પૉઝિટિવ કે શંકાસ્પદ હોવાની ખબર મળશે. તેના લીધે એ લોકો પોતે પોતાની અને પોતાની આસપાસનાં લોકોની સલામતી માટે પગલાં લઈ શકશે. 
 • એપમાં જાત-ચકાસણી માટેનાં ખાનાં પણ આપવામાં આવ્યા છે. તેમાં વ્યક્તિ પોતાની તબિયત વિશેના સવાલોની માહિતી જાતે ભરે અને સાચી ભરે, એવું અપેક્ષિત છે. દરેક વખતે વ્યક્તિ આવી જાત-ચકાસણી પૂરી કરશે, એટલે તેના આરોગ્યની લેટેસ્ટ વિગતો સર્વરમાં તેના આઇડી સામે નોંધાઈ જશે. 
 • જાત-ચકાસણીના અંતે પરિણામ પીળું કે નારંગી આવે, તેનો અર્થ છે ચેપની સંભાવના. એ સંજોગોમાં, એ ફોન સાથે ભૂતકાળમાં ‘સંવાદ’ કરી ચૂકેલા અને તેની માહિતી ધરાવતા બધા ફોનધારકોને તેમના કોરોના સંભવિત હોવાના સમાચાર મળી જશે.
 • એપ ધરાવતો ફોન હંમેશાં એપધારકની પોતાની પાસે જ હોવો જોઈએ. તે બીજા કોઈને આપવો જોઈએ નહીં. તે બીજા કોઈને વાપરવા આપવામાં આવે, તો વ્યક્તિની ખોટી રીતે કોરોના-પૉઝિટિવ તરીકે ઓળખાવાની કે કોરોના-પૉઝિટિવ હોય તો પણ ન ઓળખાવાની સંભાવના રહેશે. 
માહિતીની સલામતી જળવાશે? કેવી રીતે?
 • આગળ જણાવ્યું તેમ, એપમાં નોંધણી વખતે આપવી પડતી વિગતો, એન્ક્રીપ્ટેડ (એટલે કે સીધેસીધી ઉકેલી ન શકાય એવા) સ્વરૂપે સર્વરમાં નોંધાય છે અને તે એક ચોક્કસ આઇડીથી ઓળખાય છે. 
 • એપમાં બ્લુ ટૂથ-જીપીએસ સતત ચાલુ હોય, એટલે તે રેન્જમાં આવતાં બીજાં એપ સાથે સંવાદ કરતું રહે છે અને ત્યાં પોતાની માહિતી આપતું રહે છે. એ માહિતી બીજા ફોનના આરોગ્ય સેતુ એપમાં સંઘરાતી રહે છે, પણ બીજા ફોનધારકો એ માહિતી જોઈ કે જાણી શકતા નથી.
 • એપ દર પંદર મિનિટે લોકેશનની વિગતો ફોનમાં નોંધતું રહે છે. જો એપધારકનો કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવે અથવા જાત-ચકાસણીમાં આપેલી વિગતોમાં કોરોનાનાં ચિહ્ન કે તેની સંભાવના જણાય તો જ, દર પંદર મિનિટે એકઠી કરાયેલી એપધારકના લોકેશનની વિગતો સર્વરમાં મોકલાશે. 
 • એપ-ધારક કોરોનામુક્ત હશે અથવા તેની જાત-ચકાસણીનું પરિણામ પીળું કે નારંગી નહીં, પણ લીલું આવ્યું હશે તો દર પંદર મિનિટે એકઠી કરાયેલી માહિતી સર્વરમાં મોકલવામાં નહીં આવે. આવી માહિતી મોબાઇલમાં ત્રીસ દિવસ સુધી રહેશે. ત્યાં સુધીમાં એપધારક કોરોનામુક્ત રહેશે અને માહિતી સર્વરમાં નહીં ગઈ હોય, તો તે ફોનમાંથી ભૂંસાઈ જશે. એટલે કે તેનું ક્યાંય નામોનિશાન નહીં રહેઃ ફોનમાં પણ નહીં ને સર્વરમાં પણ નહીં. 
 • સર્વરમાં સંઘરાયેલી કોરોના-પૉઝિટિવની કે કોરોના-પૉઝિટિવ ન હોય (તેનો મતલબ કદાચ એવો હશે કે પૉઝિટિવ ન હોય, પણ શંકાસ્પદ હોય) તેમની માહિતી પણ સર્વર પર અપલોડ થયાના ૪૫ દિવસ પછી સર્વરમાંથી ડીલીટ કરવામાં આવશે. 
 • પૉઝિટિવ જાહેર થયેલી વ્યક્તિની માહિતી વ્યક્તિ સાજી થઈ ગયાનું જાહેર થયાના સાઠ દિવસ પછી સર્વરમાંથી ડીલીટ કરવામાં આવશે. 
 • ડેટા ફક્ત ભારત સરકાર સાથે જ શૅર કરવામાં આવશે અને કોઈ ત્રીજા પક્ષને તે કોઈ પણ સંજોગોમાં અપાશે નહીં. 
 • નામ અને નંબર લોકો સમક્ષ ક્યારેય જાહેર કરવામાં નહીં આવે, તેની ખાતરી આપવામાં આવી છે. 
 • સર્વરમાં એકઠી કરાયેલી માહિતી કોરોનાને લગતી બાબતો સિવાય બીજી કોઈ રીતે વાપરવામાં નહીં આવે તેની પણ બાંહેધરી આપવામાં આવી છે.
 • આ માહિતી એપધારકનું એકાઉન્ટ રહે ત્યાં સુધી સર્વર પર રહેશે. ત્યાર પછી પણ કાયદેસરની જરૂરિયાત હશે એટલા સમયગાળા સુધી રહેશે, એવું એપની પ્રાઇવસી પોલિસીમાં લખ્યું છે. તેનો અર્થ સ્પષ્ટ થતો નથી.
 • કોઈ પણ તબક્કે બ્લુ ટૂથ કે જીપીએસ બંધ કરીને અથવા એપ અનઇન્સ્ટોલ કરીને તેનો ઉપયોગ બંધ કરી શકાય છે.  
 • સંપર્કમાં આવેલી વ્યક્તિ કોરોના-પૉઝિટિવ છે કે નહીં, તે અંગેની માહિતીની ચોક્સાઈ માટે સરકાર કોઈ રીતે જવાબદાર નહીં ગણાય. વ્યક્તિની માહિતીના કોઈ પણ પ્રકારના અનધિકૃત એક્સેસ (દા.ત. હૅકિંગ) કે તેમાં થતા ફેરફાર માટે પણ સરકાર જવાબદાર નહીં ગણાય.
એપની કાર્યપદ્ધતિ અને માહિતીની સલામતી વિશે આટલી લાંબી કથા પરથી કેટલાક મુદ્દા કોઈ પણ પ્રકારના ગુંચવાડા વિના સ્પષ્ટ થાય છેઃ
 1. આ એપ તો જ ઉપયોગી નીવડે, જો કોરોના-પૉઝિટિવ કે કોરોના-સંદેહાસ્પદ વ્યક્તિની ઓળખ થઈ ચૂકી હોય અને એપમાં આ માહિતી નોંધાયેલી હોય. કોરોના-પૉઝિટિવની ઓળખ સરકારી રાહે થઈ ચૂકી હોય-એપમાં નોંધાઈ ચૂકી હોય, તો પછી મોટે ભાગે તેમના બહાર ખુલ્લામાં ફરવાનો પ્રશ્ન રહેતો નથી. એવું જ, સંદેહાસ્પદ માટે પણ. સરકારી તંત્રને જાણ થાય કે કોરોના-પૉઝિટિવ વ્યક્તિ આટલા લોકોના સંપર્કમાં આવી ચૂકી છે, તો તંત્ર પોતે જ તેવા લોકોને ક્વૉરન્ટીન કરવા માટેનાં પગલાં લેતું હોય છે. એવા લોકો પણ અજાણ્યા રહીને બહાર ખુલ્લામાં હરીફરી શકે અને ચેપ ફેલાવે, એવી સંભાવના સાવ ઓછી રહે છે. 
 2.  વ્યક્તિ કોરોના-પૉઝિટિવ કે કોરોના સંભવિત હોય અને તે એપથી પણ છુપાવે, તો તેમાં એપ કશી મદદ કરી શકે નહીં. તે નકામું બની જાય. એવા સંજોગોમાં બીજા લોકોને પણ આ વ્યક્તિથી કોઈ પ્રકારે ચેતવણી મળે નહીં.
 3. ઘણા કિસ્સામાં કોરોના-પૉઝિટિવ વ્યક્તિમાં કોઈ પ્રકારનાં બાહ્ય લક્ષણ દેખાતાં નથી. એવા સંજોગોમાં વ્યક્તિને પોતાને જાણ ન હોય કે તે કોરોના-પૉઝિટિવ છે. આવી જાણ ત્યારે જ થાય, જ્યારે મોટા પાયે ટેસ્ટ કરવામાં આવે. જાણ ન થાય ત્યાં સુધી આ એપ કંઈ કામ ન લાગે. 
 4. ફોનમાં બીપ-બીપ વાગે કે ન વાગે, એપ હોય કે ન હોય, વ્યક્તિએ નાક અને મોઢાને ચસોચસ ઢાંકતો માસ્ક દોરીએથી પકડીને બાંધ્યો હોય, તેને દોરીએથી પકડીને જ છોડે, આગળના ભાગે હાથ ન લગાડે અને માસ્કને સાબુના પાણીથી ધોઈને-સૂકવીને તેને વાપરે, તો તે સૌથી અગત્યનું રક્ષણ બની શકે છે. માસ્ક યોગ્ય રીતે પહેરવો જરૂરી છે. ત્યાર પછી પણ તેનાથી સોએ સો ટકા બચાવ થાય, એવું જરૂરી નથી. પણ સૌથી સરળ અને અસરકારક પદ્ધતિ તરીકે સતત સાબુથી હાથ ધોતા રહેવાનો અને માસ્કનો કોઈ વિકલ્પ નથી. એપ તો નહીં જ.
 5. માહિતીની સુરક્ષિતતાની ચિંતા આમેય ફેસબુક જેવાં અનેક ઠેકાણે ન કરતાં ન હોઈએ, તો આરોગ્ય સેતુ એપ માટે એ પિંજણમાં ઝાઝું પડવા જેવું નથી. સરકારોની આપખુદશાહી અને જાસૂસીપ્રિય મથરાવટી જોતાં એ ચર્ચાનો મુદ્દો બેશક હોઈ શકે છે, પણ આ ચર્ચામાં તે મુખ્ય મુદ્દો નથી.
હવે વારો સરકારી અને સરકારપ્રેમીઓના દાવાનો. આવી બાબતમાં સરકારપ્રેમ કે સરકારવિરોધ કશું ચાલે નહીં. તથ્યોના આધારે જ નિર્ણય લેવો પડે. સૌ પોતાની જાતે એ નિર્ણય લઈ શકે, એટલા માટે સીધેસીધું વિશ્લેષણ આપવાને બદલે, તથ્યો આપવામાં આટલી જગ્યા રોકી. હજુ વિશ્લેષણનાં પરિણામ સુધી જતાં પહેલાં, વધુ એક-બે મહત્ત્વની વિગતો. 

‘ઇકોનોમિક ટાઇમ્સના ૨૪ ડિસેમ્બર, ૨૦૧૯’ના અહેવાલ પ્રમાણે ભારતમાં સ્માર્ટ ફોન વાપરનારાની કુલ સંખ્યા ૪૫ કરોડ છે (બીજા ૫૫ કરોડ લોકો સ્માર્ટ નહીં એવા, સાદા ફીચર ફોન વાપરે છે, જેમાં એપ ડાઉનલોડ થઈ શકતું નથી). માટે, ભારતમાં આરોગ્ય સેતુ એપના મહત્તમ ૪૫ કરોડ ડાઉનલોડ થઈ શકે. ત્યાર પછીના ત્રણ મહિનામાં થયેલી સ્માર્ટ ફોનની ખરીદી ગણો તો પણ વધી વધીને પ૦ કરોડથી ઉપર સ્માર્ટ ફોન ન થાય. તેની સામે ભારતની વસતિ આશરે ૧ અબજ ૩૮ લાખ છે. એટલે અજય દેવગણે ઉત્સાહમાં આવી જઈને એપ માટે કરેલો ‘પ્રત્યેક ભારતીય માટે વ્યક્તિગત અંગરક્ષક’નો દાવો જૂઠો છે અને વડા પ્રધાનને અપાયેલાં અભિનંદનમાંથી પણ એટલું મોટું ડિસ્કાઉન્ટ કાપી લેવાનું રહે છે. 

કેટલાક અહેવાલોમાં આરોગ્ય સેતુ વિશ્વનું સૌથી વધુ ડાઉનલોડ થયેલું એપ હોવાનું જણાવાય છે. માંડ ત્રણ અઠવાડિયાંમાં સાડા સાત કરોડ ડાઉનલોડનો આંકડો પ્રભાવશાળી છે, પરંતુ ‘સૌથી વધુ ડાઉનલોડ’ની વાત સાચી નથી. ફેસબુક-ટ્વીટર-ઇન્સ્ટાગ્રામ-ટિકટોક કે વિન્ડોઝની વર્ડ-એક્સેલ જેવી લોકપ્રિય સુવિધાઓ તો ઠીક, બીજાં ઘણાં એપ પચાસ કરોડથી એક અબજ કે તેથી પણ વધુ ડાઉનલોડ ધરાવે છે. (સપ્ટેમ્બર, ૨૦૧૯માં એક અબજથી પાંચ અબજ ડાઉનલોડ ધરાવતાં ૪૫ એપ હતાં.)

એપ માટે કરાતા ‘પર્સનલ બૉડીગાર્ડ’ કે ‘સાત કરોડ લોકોના બૉડીગાર્ડ’ હોવાના દાવા મૅડિકલ સાયન્સની દૃષ્ટિએ અને ભાષાની દૃષ્ટિએ પણ ખોટા છે.
 1.  ઉત્તમમાં ઉત્તમ સંજોગોમાં આ એપ કોરોના-પૉઝિટિવ વ્યક્તિની હાજરી છતી કરીને ચેતવણી આપે છે. કોઈ પણ રીતે (માસ્ક કે સાબુથી હાથ ધોવાની જેમ) એપધારકનું સીધું રક્ષણ કરતું નથી. ચેતવણી આપનાર અને બૉડીગાર્ડ એક જ ન ગણાય, એવું બૉડીગાર્ડોની ફોજ લઈને ફરતા વીવીઆઇપીઓને સમજાવવું પડે? 
 2. એપ કોરોના-પૉઝિટિવ કે કોરોના-શંકાસ્પદ વ્યક્તિની હાજરી છતી કરી શકે, તેના માટે પણ અનેક ‘જો’ અને ‘તો’ છે, જેનું લેખમાં વિગતે વર્ણન કર્યું છે. તેમના વિના કોરોના-પૉઝિટિવ કે કોરોના-સંભવિતની હાજરી છતી કરવાનું પણ એપ માટે શક્ય નથી. આટલાં મોટા ‘જો’ અને ‘તો’ને ગુપચાવીને આરોગ્ય સેતુને સુરક્ષાકવચ કે બૉડીગાર્ડ તરીકે જાહેર કરવાની ચેષ્ટા, સાચજૂઠનું ઝીણું કાંતવાની પરવા ન હોય એવી ચૂંટણીસભાઓમાં નભી જાય, પણ મૅડિકલ સાયન્સની દૃષ્ટિએ ટકે એવી નથી.
 3. ‘કોરોના તમને સ્પર્શ કરે એ પહેલાં જ આરોગ્ય સેતુ તમને ચેતવી દેશે’—આ સરકારી દાવો પણ મૅડિકલ સાયન્સની દૃષ્ટિએ ખોટો છે. સરકારી જાહેરખબરની મુશ્કેલી જ આ છે. તેમાં મૅડિકલ સાયન્સની વાત વાયદાબાજીની-આંબાઆંબલી બતાવવાના અંદાજમાં લખાઈ છે. તેમાં સચ્ચાઈના ટોપકાની પાછળ રહેલા ‘જો’ અને ‘તો’ના તોતિંગ પહાડને ઢાંકી દેવામાં આવ્યો છે. આ જ કારણથી સરકારી જાહેરખબરમાં કરાયેલો દાવો ‘રોગને ઉગતો ડામવાનો એક માત્ર સરળ ઉપાય એટલે આરોગ્ય સેતુ એપ’— એ પણ મૅડિકલ સાયન્સની દૃષ્ટિએ ખોટો છે.
 4. રાજ્યના નાયબ મુખ્ય મંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલના નામે સરકારી જાહેરખબરમાં કહેવાય છે, ‘કોરોનાથી બચવું હોય તો, આજે અત્યારે જ તમારા મોબાઇલમાં આરોગ્યસેતુ એપ ડાઉનલોડ કરો અને સુરક્ષિત થઈ જાઓ.’ આ વાંચીને કોઈને પણ એવી જ છાપ પડે કે આરોગ્ય સેતુ એપ એવી કોઈ ચમત્કારિક ચીજ છે, જેને ડાઉનલોડ કરવા માત્રથી સુરક્ષિત થઈ જવાશે. સરકારી એપના પ્રચાર માટે, રાજ્યના આરોગ્ય મંત્રીના નામે આવો ગેરરસ્તે દોરનારો સંદેશો પ્રગટ થયા કરે, તે કેટલું ગંભીર અને બેજવાબદાર કહેવાય? 
સાર
આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવું હોય તો કરાય. પણ તેને પર્સનલ બૉડીગાર્ડ કે સુરક્ષાકવચ ગણીને હોંશીલા કે નિશ્ચિંત ન થઈ જવાય. આપણે ત્યાં (૧) એટલા ટેસ્ટ જ નથી થયા અને (૨) એટલી સંખ્યામાં સ્માર્ટ ફોન પણ નથી કે જેથી બધા કોરોનાગ્રસ્ત કે કોરોના-સંભવિતોની ચેતવણી એપ થકી મળી શકે. આરોગ્ય સેતુ એક એપ છે. તે ટૅક્નોલોજીથી ચાલે છે. તે જાદુ નથી અને પ્રેમ કે ભક્તિથી ચાલતું નથી.

તા.ક. 
ગોવા, મહારાષ્ટ્ર, તામિલનાડુ, પુડ્ડુચેરી, પંજાબ, કર્ણાટક જેવાં રાજ્યો અને દુનિયાના બીજા દેશોમાં પણ આરોગ્ય સેતુ પ્રકારનાં એપ ટૅક્નોલોજીના સાધારણ ફેરફાર સાથે કાર્યરત છે. એપલ અને ગુગલ જેવી બે ધરખમ કંપનીઓએ પણ આ પ્રકારના એપ માટે હાથ મિલાવ્યા છે. આ બધાં એપનો મૂળ આશય ચેપગ્રસ્ત વ્યક્તિનું પગેરું દાબીને, તેના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને ઓળખવાનું અને તેમના સ્તરેથી રોગનો ફેલાવો વધતો અટકાવવાનું છે. ક્યાંક એપમાં એલર્ટની (બીપ-બીપ વાગવાની) વ્યવસ્થા છે, તો ક્યાંક સરકાર સીધું જ મોબાઇલ ફોનનું મોનિટરિંગ કરીને સંપર્કની વિગતો મેળવી લે છે અને તે પ્રમાણે ચેપ રોકવાનાં પગલાં લે છે. પરંતુ એપની સફળતાનો આધાર લેખમાં વિગતે ચર્ચેલી બાબતો પર રહેલો છે. એ બાબતો આરોગ્ય સેતુ જેટલી જ, એ પ્રકારનાં બીજાં એપને પણ લાગુ પડે છે. કેમ કે, તે રાજકારણને લગતી નહીં, એપની કાર્યપદ્ધતિને લગતી છે.

Sunday, April 26, 2020

એક પત્ર કોરોનાને

પ્રિય કોરોના વાઇરસ,

મહાનુભાવોના નામ આગળ જેમ માનનીય, આદરણીય, વંદનીય, પરમશ્રદ્ધેય, માન્યવર વગેરે લખાય, એટલે તે બધા કંઈ આવા થઈ જતા નથી. ‘પ્રિય’ના મામલે તારે પણ એવું જ સમજવું. લાખોને હાણ પહોંચાડાનારા મહાનુભાવો માનનીય હોય, તો જ તું પ્રિય હોઈ શકે.

તારા વિશે પહેલી વાર સાંભળ્યું, ત્યારે જાણકારોએ કહ્યું હતું કે તારા નામનો અર્થ થાય છે તાજ (મુગટ). પણ ખરેખર તો તારું નામ તાજ નહીં, તારાજ હોવું જોઈતું હતું. કારણ કે, તેં ખાધુંપીધું કશું નહીં, ને આખી દુનિયા તારાજ કીધી. તારા નામમાં છૂપાયેલી ગૂઢ પ્રતીકાત્મકતા છાની રહે એવી નથી. દેશદુનિયાની ઘણી તારાજીઓ માટે કોરોના એટલે કે તાજની (સત્તાની) ખેંચતાણ કારણભૂત હોય છે. પણ હકીકત એ છે કે તારો આતંક શરૂ થયા પછી, બધી પ્રતીકાત્મકતાઓ ને બધું ચિંતન કોરાણે રહી જાય છે. (ગુજરાતનાં ચિંતનબાજ લેખકો-વાચકોની વાત જુદી છે.)

ભારતમાં આવ્યા પછી હજુ સુધી તને કોઈએ ‘તમે કેવા?’ એવો સવાલ પૂછ્યો કે નહીં? ગમે તે થાય, પણ આ સવાલ પૂછવામાંથી અમે ન જઈએ. આખરે સાંસ્કૃતિક પરંપરા જેવું કશું હોય કે નહીં? તારી તાકાત જોયા પછી તો રાજકારણમાં તારો કેવો વટ પડી ગયો હશે, તેની કલ્પના કરી શકાય છે. કેટલા બધા રાજકીય પક્ષો તારા ભયનો લાભ લેવા માટે ને તારા નામે મત ઉઘરાવવા માટે થનગનતા હશે?

તારી સ્ટાર વૅલ્યુનો કંઈ ખ્યાલ છે તને? તારાથી હજારમા ભાગની અસરકારકતા અને બીક ધરાવનારા લોકો માટે પણ રાજકીય પક્ષોમાં પડાપડી ચાલતી હોય છે. તારા આવતાં પહેલાં, જેનો પ્રભાવ હોય એવા દરેક નેતાને ભાજપમાં સામેલ કરવા માટે માનનીય ગૃહમંત્રી ઉત્સુક રહેતા હતા. જોકે, તને તો કોઈ આવું દબાણ કરે તો પણ શી રીતે? તારી સીડી બનાવીને તને બ્લૅકમેઇલ કરી શકાય નહીં, તને કરોડોની લાલચ કે ચક્કી-પિસિંગની ધમકી આપી શકાય નહીં, તને રાજ્યસભાનું સભ્યપદું, રાજ્યપાલપદું કે મંત્રીપદું પણ આપી શકાય નહીં.

તારું કામ ધર્મપ્રચારકો જેવું છે. પ્રસાર સિવાયની બીજી બધી વાત  (મૂલ્યો કે માનવતા પણ) તારા માટે ગૌણ છે. કેમ કરીને પોતાના સંઘને-પોતાની જમાતને વિસ્તારવાં એ જ જાણે કે એકમાત્ર લક્ષ્ય છે. કોઈ સમાજશાસ્ત્રીને વાઇરસપ્રસાર અને ધર્મપ્રસારનો તુલનાત્મક અભ્યાસ કરવાનું કહેવું પડશે.

સમાજની વાત પરથી યાદ આવ્યું : તારા ભયથી અમારા માનવસમાજની આખી સ્થિતિ કામચલાઉ ધોરણે બદલાઈ ગઈ છે. હજુ ઘણા નમૂનાઓ તારી સામેની આ લડાઈને વાઇરસ વિરુદ્ધ માનવજાતને બદલે કાળા વિ. ધોળા કે મુસલમાન વિ. હિંદુનાં ચોકઠાંની બહાર નીકળીને જોઈ શકતાં નથી.પણ હવે તેમના મનમાં—શરીરમાં  નહીં, મનમાં—રહેલા વાઇરસની કોઈ રસી નથી. આવાં લોકોને કમનસીબે ક્વૉરન્ટીનમાં રાખવાની ફરજ પાડી શકાતી નથી. એટલે તે સમાજમાં છૂટાં ફરતાં હોય છે અને ભેદભાવનો માનસિક ચેપ ફેલાવ્યા કરે છે.

બીજી વાત ઘરે રહેવાની છે. તારી બીકે લોકો બહાર નીકળતાં બંધ થયાં, એટલે પ્રકૃતિએ પોતાનું અસલી, રળિયામણું સ્વરૂપ દેખાડવાનું શરૂ કર્યું છે. માનવજાતે પ્રકૃતિના ચહેરા પર ધુમાડા ઠાલવીને તેને એવો બનાવી દીધો હતો કે ખુદ પ્રકૃતિ અરીસામાં જુએ તો છળી મરે. પણ માણસોને ઘરમાં પુરાવાનો વખત આવતાં પ્રકૃતિના ચહેરા પરની કુમાશ પાછી આવી છે. તારા બદલે કોઈ નેતા આવું કરવામાં નિમિત્ત બન્યા હોત તો તેમને શાંતિ માટેનું નૉબેલ પારિતોષિક મળી ગયું હોત. તારા કિસ્સામાં એ પારિતોષિક તને નહીં, પણ તને અંકુશમાં લેતી શોધ કરનારને મળશે એવું લાગે છે.

હમણાં સુધી વૈશ્વિક આતંકની વાત નીકળે, એટલે લોકો ISISને યાદ કરતાં હતાં. પણ તેં ISISનો એ દરજ્જો છીનવી લીધો. ગનીમત છે કે અમેરિકાએ તારા નામનું કોઈ ઇનામ-બિનામ કાઢ્યું નથી. જોકે, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે જે રીતે તારી ઉપેક્ષા કરીને તારો પ્રભાવ વધવા દીધો છે, એ જોતાં કોઈ ક્યાંક તેમના નામનું ઇનામ જાહેર ન કરી દે.

ઘણા લોકોને આતંક, ભય, પ્રભાવ, પ્રભુત્વ—આ બધા શબ્દો વચ્ચે ખાસ ફરક લાગતો નથી. તેમાંથી કોઈ તારું મંદિર બનાવીને બાધાઆખડીનો ધંધો ચાલુ કરી દે તો કહેવાય નહીં. અમુક દરગાહ પર માસ્ક ચઢાવવાથી કે અમુક દેરી પાસે આવેલા ઝાડ પર એપ્રન લટકાવવાથી તને વશમાં કરી શકાય છે, એવું કોઈ ચલાવે તો ચાલી પણ જાય. કારણ કે,અમારે ત્યાં કેટલાક વશ કરવા ને બાકીના વશ થવા માટે સદાકાળ ઉત્સુક હોય છે.

ખબર છે, આમ તો તને પત્ર લખવાનો કશો મતલબ નથી. પણ લોકશાહીમાં નાગરિકોને મતલબ ન હોય એવી ઘણી ચીજો કરવાની ને આશા રાખવાની ટેવ પડી જાય છે. જેમ કે, સરકાર પાસેથી સાચી માહિતીની આશા, આફત વખતે કોમવાદ ન ફેલાવવામાં આવે તેની આશા, વડા પ્રધાન પત્રકારપરિષદ ભરીને ખુલ્લાશથી સવાલના જવાબ આપે એવી આશા, ગૌરવના અફીણઘેનમાં લોકો વાસ્તવિકતા ભૂલી ન જાય એવી આશા...આ બધાની વચ્ચે, તને કાબૂમાં આણવાની આશા સૌથી વધારે વાસ્તવિક છે. આજે નહીં ને ગમે ત્યારે તને અંકુશમાં લાવી દઈશું. બાકીની આશાઓ વિશે આવું કહી શકાય તેમ નથી.

કોઈએ તને કદી મળવાનું ન થાય એવી આશા સાથે,
લિ. માનવજાતનો મિત્ર

Thursday, April 23, 2020

મહાન ચિત્રકૃતિઓની કોરોના-સ્પેશ્યલ પ્રતિકૃતિ


કોરોના કટોકટીએ કરુણ કહેરની સાથોસાથ કાર્ટૂનિસ્ટોની સર્જકતાને પણ મોકળું મેદાન પૂરું પાડ્યું છે. કાર્ટૂનમાં એક રીત તે જાણીતી કળાકૃતિઓની પ્રતિકૃતિ એટલે કે પૅરડી કરવાની હોય છે. તેમાં શરત એટલી કે મૂળ કૃતિ અત્યંત જાણીતી હોવી જોઈએ. તો જ મોટા ભાગના લોકો તેની પૅરડીનો આનંદ લઈ શકે. છેલ્લા એકાદ મહિનામાં જોયેલાં કેટલાંક આંતરરાષ્ટ્રીય કાર્ટૂનમાંથી મળી આવેલી જગવિખ્યાત કળાકૃતિઓની પ્રતિકૃતિઓઃઃ
Monalisa, Leonardo da Vinci
મોનાલિસા, લિઓનાર્દો દ વિન્ચી (નીચે, માસ્કધારી)The Last Supper, Leonardo da Vinci
ધ લાસ્ટ સપર, લિઓનાર્દો દ વિન્ચી (નીચે, તેની સોશિયલ ડિસ્ટન્સિંગ આવૃત્તિ)The Creation of Adam, Michelangelo
ધ ક્રીએશન ઑફ આદમ, માઇકલએન્જેલો (નીચે, 'ડોન્ટ ટચ' આવૃત્તિ) Vincent Van Gogh, Self Portrait
વિન્સેન્ટ વાન ગોગ, સેલ્ફ પોર્ટ્રેઇટ (નીચે બે કાર્ટૂન)
૧. કાન કપાયેેેેલો હોય તો માસ્ક કેમ પહેરવો ?
૨. તેના વિખ્યાત ચિત્ર 'સ્ટારી નાઇટ્સ'નો ટુકડો માસ્ક તરીકે
 


The Scream, Edvard Munch 
ધ સ્ક્રીમ, એડવર્ડ મન્ચ (નીચે, લૉક ડાઉન આવૃત્તિ)

Guernica, Pablo Picasso
ગ્વર્નિકા, પાબ્લો પિકાસો (નીચે, માસ્ક આવૃત્તિ, નામ છે કોરોનિકા)


American Gothic, Grant Wood
અમેરિકન ગોથિક, ગ્રાન્ટ વૂડ (નીચે, લૉક ડાઉન આવૃૃૃૃૃૃત્તિ)


Tuesday, April 21, 2020

કૉન્ફરન્સ કૉલનું કમઠાણ

લૉક ડાઉનમાં જેમને બે ટંકના ભોજનની ચિંતા નથી અને જેમના (કેટલાક કિસ્સામાં ફોનમાલિક કરતાં વધારે) સ્માર્ટ એવા ફોન ઇન્ટરનેટ કનેક્શન સહિત ચાલે છે, તેમની એક પ્રિય પ્રવૃત્તિ છેઃ કૉન્ફરન્સ કૉલ. યારોદોસ્તો-સગાંસ્નેહીઓના ઝુંડને એક કૉલ પર ભેગું કરવું અને પછી એકાદ કલાક સુધી વાતો કરવી.

કૉન્ફરન્સિંગ એટલે કે એક સાથે અનેક લોકો સાથે તેમનાં મુખારવિંદ ઉર્ફે થોબડાં દેખાય એ રીતે વાત કરવાનું પહેલાંના જમાનામાં ફક્ત વિલનોને પોસાતું હતું. બલ્કે, એ તેમની વિલનગીરીને ઘૂંટી આપનારી બાબત બની રહેતી. એક સાથે અનેક સાગરિતો સાથે વાત કરતા બૉસને જોઈને થતું, ’આ તો ભારે પહોંચેલ જણ છે.’ હવે ટૅક્નોલોજી સામાન્ય બની છે કે વિલનગીરી, તેની સમાજશાસ્ત્રીય ચર્ચામાં ન પડીએ, તો પણ એટલું નક્કી છે કે ઠેર ઠેર, ખાસ કરીનેલ લૉક ડાઉન દરમિયાન, કૉન્ફરન્સ કૉલની મહેફિલો જામવા માંડી છે.

પહેલી વાર આ પ્રમાણે આઠ-દસ સ્નેહીઓ કે સ્કૂલમિત્રો (કોઈ સરકારી યોજનાનું નામ હોય એવું લાગે છે?) સાથે વાત કરવાનું નક્કી થાય ત્યારે કંઈક ઉત્તેજનાનો માહોલ હોય છે. અગાઉ રૂબરૂ થતી આ પ્રકારની બેઠકો અને એ જમાનો યાદ આવી જતાં, મનમાં અતીતરાગ છેડાય છે. ‘જબ રાત હૈ ઐસી મતવાલી તો સુબહકા આલમ ક્યા હોગા’ની જેમ, વિચારમાત્રથી આટલી મઝા આવે છે, તો ખરેખર ફોન પર ભેગા થઈને કેટલી મઝા આવશે, એવું લાગે છે.

આખરે એ સમય આવે છે, જ્યારે મોબાઇલના સ્ક્રીન પર એક પછી એક ચોકઠાં ચહેરા સાથે પ્રગટ થવા લાગે છે. સામાન્ય સંજોગોમાં સંતોષકારક રીતે મોટો લાગતો (અને ‘મેં તો ખાસ મોટો સ્ક્રીન જોઈને જ ફોન લીધો હતો’ એવું કહેવાની તક આપતો) મોબાઇલનો સ્ક્રીન નાનો પડવા માંડે છે. એક પછી એક મિત્રો ઉમેરાતા જાય, તેમ નાનાં ચોકઠાંમાં તેમના ચહેરા કે તેના અંશ દેખાય છે. અંશ એટલા માટે કે ઘણી વાર મોબાઇલ સ્ક્રીન સામે બરાબર ગોઠવાતાં પહેલાં આમતેમ થવું પડે છે, નજીક-દૂર થવું પડે છે. તે વખતે બાકીના લોકોને અચાનક ગોઠવાઈ રહેલા જણના નાકનો કે કાનનો ક્લોઝ-અપ દેખાઈ શકે છે. ક્યારેક હાથનો પંજો અચાનક સસ્પેન્સ થ્રિલરની અદામાં એકદમ મોટો થઈને સામે આવતો લાગે છે. પછી ખ્યાલ આવે છે કે એ તો મોબાઇલમાં કંઈક ફેરફાર કરવા માટે લંબાયેલો હાથ છે.

ફક્ત દૃશ્યો જ નહીં, ઘણાં ચોકઠાંમાં લાઇટિંગ અને એન્ગલ પણ હોરર ફિલ્મની યાદ તાજી કરાવે એવાં હોય છે. સામાન્ય સ્થિતિમાં અચ્છાભલા દેખાતા લોકો મોબાઇલને ચહેરાની સામે રાખવાને બદલે ઉપર કે નીચે રાખે, એટલે અંતર્ગોળ-બહિર્ગોળ અરીસામાં દેખાતા રમુજી ચહેરા જેવો દેખાવ નીપજે છે. પણ ફોન પર વીડિયો કોલ કરનારા ચહેરાના ઠઠ્ઠાચિત્ર-કરણથી ટેવાયેલા હોય છે અને પોતાનો ચહેરો પણ એવો જ દેખાતો હશે એ સમજતા હોય છે. એટલે એ વિશે કશી ટિપ્પણી કે રમુજ થતાં નથી.


વિડીયો કૉલિંગ નવું શરૂ થયું ત્યારે ગુગલે તેની હૅન્ગ આઉટ સેવા માટે એવું સૂત્ર રાખેલું કે આ બટન ક્લિક કરો અને વાળ ઓળીને આવી જાવ. પણ એ વખતે કૉન્ફરન્સિંગનો ખ્યાલ ઔપચારિક મિટિંગ માટે વધારે હતો. ઓટલાપરિષદની અવેજીમાં કૉન્ફરન્સ વીડિયો કૉલમાં તો હવે વાળ ઓળવાની જરૂર પણ નથી હોતી ને ખાસ અર્થ પણ નથી હોતો. કેમ કે, મોબાઇલના પડદે ઉપસેલી પાંચ-સાત-દસ બારીઓમાં દેખાનારાં બહેન છે કે ભાઈ, એટલી ખબર પડે તો પણ સંતોષ થઈ જાય છે. કોઈના મેક-અપ ને ઘરેણાંનું મૂલ્યાંકન કે તુલનાત્મક અધ્યયન કરવા ઉત્સુક મહિલાઓ માટે સામુહિક વીડિયો કૉલ નકામા છે.

સામુહિક મિલનની ભારતીય પરંપરાને આગળ વધારતાં, સામુહિક વીડિયો કૉલમાં પણ શરૂઆતની દસ-પંદર મિનિટ બધાંને ભેગાં કરવામાં જતી રહે છે. કોઈનું ઇન્ટરનેટ કનેક્શન આવ-જા કરે છે. કોણ આવ્યું ને કોણ બાકી છે, એ વસતી ગણતરીમાં પણ વખત જાય છે. કારણ કે ફોનમાં પ્રગટેલાં ચોકઠાંની જગ્યા સતત બદલાતી રહે છે. એટલે દરેક ચોકઠા માટે વારે ઘડીએ ‘અભી અભી યહીં થા, કીધર ગયા જી..’ થાય છે. ‘ફલાણાભાઈ કે ઢીંકણાબહેન હજુ કેમ નથી આવ્યાં? એ નહીં આવે ને આપણે શરૂ કરી દઈશું, તો પછી એમને ખરાબ નહીં લાગે?’ એવા વ્યવહારુ સવાલ ઊઠે છે.

પછી યાદ આવે છે કે એક મિનિટ, અહીં બધાંએ ભેગાં થઈને એવું તો કશું કરવાનું જ નથી કે જેથી કોઈને રહી ગયાની લાગણી થાય. એટલે બધાં ધીમે ધીમે અંદરોઅંદર વાતો શરૂ કરવાની કોશિશ કરે છે. શરૂઆત તો એકબીજાના અભિવાદનથી થાય, પણ એકસાથે પાંચ-સાત લોકો એકબીજાનું અભિવાદન કે ‘ઓહો, તમે આવી ગયા?’ અથવા ‘કેમનું છે?’ એવું પૂછે, ત્યારે કોઈને કશું સ્પષ્ટ સંભળાતું ન હોય. એમાં પાછું ઇન્ટરનેટ કનેક્શન વચ્ચે ઢીલું પડે એટલે ચોકઠાંમાં દેખાતા ચહેરા ચોંટી જાય. અવાજ મંગળ ગ્રહ પરથી આવતો હોય એ રીતે ટુકડામાં આવે.

આવા માહોલમાં કોઈ પણ પ્રકારનો અર્થસભર તો ઠીક, આનંદસભર વાર્તાલાપ કરવાનું પણ બહુ શક્ય નથી,  એ સમજાય ત્યાં સુધીમાં એકાદ કલાક વીતી ચૂક્યો હોય છે અને બધાં સર્વાનુમતે ‘બહુ મઝા આવી’ એવું જાહેર કરી ચૂક્યાં હોય છે.

Monday, April 20, 2020

'વર્ક ફ્રોમ હોમ' : ડાયરીનું પાનું

 (લૉક ડાઉન જાહેર થતાં પહેલાં લખેલો અને ગુજરાત મિત્રની કોલમમાં છપાયેલો લેખ)

સરકારે ફરજિયાત રીતે ઓફિસો બંધ કરાવી, તેના પહેલાંથી સ્થિતિની ગંભીરતા સમજીને લોકો ઘરે રહેવા માંડ્યા હતા--એવા આશ્વાસન સાથે કે 'એમાં શું? જેવું અહીં કામ કરીએ છીએ, એવું ઘરે રહીને કામ કરીશું.’ આશ્વાસન તે આપતા હતા ઓફિસમાં બોસને, પણ એવું લાગતું હતું, જાણે તે પોતાની જાતને કહી રહ્યા છે.

ઘરનાં એવાં ઘણાં કામ હોય છે જે ઓફિસે લઈ જઈ શકાય, પણ ઓફિસનાં એવાં થોડાં કામ હોય છે જે ઘરે લાવી શકાય. હકીકત એ છે કે ઓફિસનું કામ ઘરે લાવ્યા પછી પણ, ઓફિસનું વાતાવરણ ઘરે લાવી શકાતું નથી. ભેળસેળીયું ખાવાની ટેવ પડી ગયા પછી જેમ ચોખ્ખું ખાવાથી બીમાર પડી શકાય, તેમ ઓફિસના વાતાવરણમાં કામ કર્યા પછી, ઘરની ઓફિસ પોલિટિક્સ વગરની અને બોસવિહોણી, બિનઝેરી આબોહવામાં કામ કરવાનું સહેલું નથી હોતું.  કમલહસનની મૂક ફિલ્મ ‘પુષ્પક’માં હીરોને જેમ ફાઇવ સ્ટાર હોટેલની શાંતિથી અકળામણ થતાં, ઘોંઘાટની કેસેટ વગાડીને સૂવું પડે છે, તેમ ઘરે કામ કરવા માટે બોસના ઘાંટાનાં રેકોર્ડિંગ રાખવાં પડે તો નવાઈ નહીં.

ઘરે કામ કરવાનો વિચાર ઘણા ખરા લોકો માટે આનંદદાયક હોય છે, પણ મોટા ભાગના સુવિચારોની જેમ તેને આચરણમાં મૂકતી વખતે શું થઈ શકે,  તેની ઝલક આપતું, 'વર્ક ફ્રોમ હોમ'કર્મચારીની રોજનીશીનું એક પાનું.
***
વર્ક ફ્રોમ હોમનો હજુ પહેલો જ દિવસ છે. એટલે સવારે શાંતિથી ઉઠ્યો. આમ પણ આખો દિવસ કામ જ કરવાનું છે ને. શી ઉતાવળ છે?

શાંતિથી છાપાં વાંચતાં વાંચતાં ચા પીધી. છાપાંમાં કશુંક વિચિત્ર ને જુદું લાગ્યું. ખાસ્સો વિચાર કર્યા પછી ખ્યાલ આવ્યો કે છાપામાં જાહેરાતો ઓછી હોવાને કારણે સમાચારો બહુ વધારે લાગે છે.  અત્યાર સુધી જાહેરખબરોની વચ્ચે વચ્ચે સમાચાર વાંચવાની ટેવ એવી પડી ગઈ છે કે છાપામાં સમાચાર વધારે હોય, એ પણ સમાચાર લાગે.

છાપાંમાં ખાસ કશો ઢંગધડો હોતો નથી ને સમાચાર તો આગલા દિવસથી જાણી લીધા હતા. પણ મગજની નહીં, પેટની તંદુરસ્તી માટે છાપાં વાંચવાં પડે છે. પેટને હજુ ઓનલાઇનની ટેવ નથી પડી. શક્ય છે કે આ બાબતે ઉત્ક્રાંતિ થવામાં હજુ બે-ત્રણ પેઢી જેટલો સમય નીકળી જાય.

છાપાં વાંચ્યા પછી થયું કે જે કારણસર ઘરેથી કામ કરવું પડે છે, એ સમસ્યા વિશે થોડી તાજી માહિતી મેળવી લેવી જોઈએ. એ પણ ફરજનો ભાગ ગણાય. એટલે ટીવી ચાલુ કર્યું ને મોબાઇલ પર ફેસબુક-ટ્વિટર ખોલ્યું. થોડા વખત પછી જમવાની બૂમ પડી ત્યારે ખબર પડી કે સાડા બાર થઈ ગયા. ઇરાદો તો એવો હતો કે સવારે બે કલાક સળંગ કામ થઈ જશે, તો બપોરે થોડી મિનીટ વામકુક્ષિ કરી લઈશું. પણ હવે તો ફટાફટ નહાવાનું પતાવવાનો આદેશ થયો.

પ્રાતઃક્રિયામાં બપોર પડી અને પછી જમવા બેઠાં. શાંતિથી વાતો કરતાં કરતાં જમ્યાં. કારણ કે હજુ તો અડધો દિવસ પડ્યો હતો કામ માટે. અને રાત તો ખરી જ. ઘરે સાંજે છ પછી પણ કામ ખેંચતાં કોણ રોકે છે?  જમી પરવારતાં બે-અઢી જેવું થયું. પછી થયું કે સાધારણ સુસ્તી જેવું લાગે છે. એકાદ પાવર-નૅપ (ભરપૂર તાજગી આપતી થોડી મિનીટની ઉંઘ) લઈ લઈએ તો પછી સડસડાટ કામની ગાડી દોડવા માંડશે. ઓફિસમાં પણ ઘણી વાર એવું કરતો હોઉં છું. આંખ મીંચીને, ખુરશી પર માથું ઢાળીને દસેક મિનીટની મસ્ત ઉંઘ ખેંચી લઈએ, પછી કામ કરવાની ઝડપ ને તાજગી એવાં થઈ જાય છે, જાણે સવાર પડી. '

પણ ઘરે શા માટે ખુરશીમાં માથું ઢાળીને સૂવું? પથારીમાં જ સહેજ આડા પડખે થઈ લઉં, એવું વિચાર્યું. ઘરનાં લોકોએ પણ આવી જ સલાહ આપી. મને થયું કે તેમની લાગણીને પણ ક્યારેક માન આપવું જોઈએ.

આડો પડ્યો. કડક ઉંઘ આવી. આંખ ખુલી. સારું લાગતું હતું. મને થયું, ‘વાહ, ઇસીકો કહેતે હૈ પાવર-નેપકા જાદુ’. પછી ઘડિયાળ પર નજર પડી. એ તો સાડા ચારનો સમય બતાવતું હતું. હવે ચા પીવી પડે. કારણ કે સળંગ કામ ખેંચવાનું છે.

ચા-નાસ્તો કરવાં બેઠાં, એમાં કોરોનાની વાત નીકળી. એટલે વાત લંબાઈ ગઈ. પછી થયું કે દિવસની અપડેટ જાણી લઉં, જેથી જાગ્રત નાગરિક તરીકે ફરજ બજાવી શકાય. એમ કરતાં છ-સવા છ થઈ ગયા. મને થયું કે સાંજ પડી છે, તો અંધારું થતાં પહેલાં ચાલવાની કસરત કરી લઉં. ઘરની બહાર તો નીકળવાનું ન હતું. એટલે સોસાયટીના કમ્પાઉન્ડમાં થોડું ચાલ્યો. ઘરે આવ્યો ત્યારે સાત થયા હતા, પણ અંધારું એવું હતું જાણે બહુ મોડું થઈ ગયું હોય. ઘરે સાંજના ભોજનની તૈયારી ચાલતી હતી. મને લાગ્યું કે કામ કરવા બેસીશ ને જમવાની બૂમ પડશે. ઘરવાળાં શાંતિથી કામ કરવા નહીં દે. એટલે જમતાં સુધી ટીવી જોયું.

જમી પરવારવામાં નવ થઈ ગયા. આટલે મોડેથી માહોલ બનતો ન હતો. ટીવી પર પિક્ચર ચાલતું હતું. મને થયું કે નકામું ખેંચાઈ મરવાની જરૂર નથી. એક દહાડો આમ કે તેમ. કાલથી જ કામ શરૂ કરીશું.
***
(બીજો દિવસ)
મામુલી ફેરફાર સાથે, ગઈ કાલ પ્રમાણે.

Friday, April 17, 2020

લૉક ડાઉનમાં ગુજરાતી હાસ્ય સાહિત્યનું રોજિંદુંં વાચન : ૧૫ થી ૨૧

લૉક ડાઉન વખતે કરેલાં રોજનાં રેકોર્ડિંગમાં પંદરમા દિવસથી એકવીસમા દિવસ સુધીનાં રેકોર્ડિંગની લિન્ક

બત્રીસ કોઠે હાસ્ય : ઉર્વીશ કોઠારી (લસ્સી વિશે)
આનંદના આ-લોકમાં : રતિલાલ બોરીસાગર રામરોટી ત્રીજી : નટવરલાલ પ્ર. બૂચ (પ્રતિકાવ્યો)ઠંડે પહોરે : મુનિકુમાર પંડ્યા (પ્રતિકાવ્યો)એક બકરાની આત્મકથા : હરીશ નાયક


હાસ્યમંદિર : વિદ્યાગૌરી નીલકંઠ 
(કોયલ વિશે હદપાર કવિતા ચર્ચાપત્ર)


ઇદમ્ ચતુર્થમ્ : વિનોદ ભટ્ટ

લૉક ડાઉનમાં ગુજરાતી હાસ્ય સાહિત્યનું રોજિંદુંં વાચન : ૮ થી ૧૪

લૉક ડાઉન વખતે કરેલાં રોજનાં રેકોર્ડિંગમાં આઠમા દિવસથી ચૌદમા દિવસ સુધીનાં રેકોર્ડિંગની લિન્ક

બત્રીસ કોઠે હાસ્ય : ઉર્વીશ કોઠારી (મચ્છર વિશે)


મહાભારત : એક દૃષ્ટિ : જ્યોતીન્દ્ર દવેભદ્રંભદ્ર : રમણભાઈ નીલકંઠઅવળી ગંગા : ગગનવિહારી મહેતાકૂતરું, બકરું અને ત્રણ ઠગ : બકુલ ત્રિપાઠી 
(બત્રીસ લક્ષણા બકુલ ત્રિપાઠી. સં. હસિત મહેતા)મૂંગી સ્ત્રી : ચંદ્રવદન ચી. મહેતા


ટપુના બાપની દિવાળી : તારક મહેતા

Thursday, April 16, 2020

લૉક ડાઉનમાં ગુજરાતી હાસ્ય સાહિત્યનું રોજિંદુંં વાચન : ૧થી ૭

કોવિડ-૧૯ નિમિત્તે ૨૧ દિવસના પહેલા લૉક ડાઉનનો આરંભ થયો, ત્યારે વિચાર આવ્યો કેે આખો દિવસ ઘરમાં અને વ્યસ્ત રહેવાની જરાય નવાઈ નથી. પણ રોજિંદી પ્રવૃત્તિઓ ઉપરાંત થોડું જુદું કંઈક કરી જોઈએ. વિચારતાં લાગ્યું કે થોડા મારા અને થોડા બીજાના હાસ્યલેખોના અંશ વાંચવા. રેકોર્ડિંગ ને પ્રાથમિક એડિટિંગની થોડી જફા થાય તો પણ કરવી.

વિચારો તો ઘણા આવે ને જાય. વિચારોનો અમલ કરતાં પહેલા પણ વિચાર કરવો પડે. નસીબજોગે દરેક ક્ષેત્રમાં પુખ્ત અને સાચી સલાહ આપનારાં પ્રેમી મિત્રો છે, જેમની સાથે અવઢવના મુદ્દા વિશે વાત થઈ શકે અને સાચો અભિપ્રાય મળવાની ખાતરી હોય. રોજના રેકોર્ડિંગના વિચારમાં મેં પરમ મિત્રો હેતલ દેસાઈ (મુંબઈ) અને નિશા પરીખ-સંઘવી (મૅલબૉર્ન) સાથે વાત કરી, પહેલું રેકોર્ડિંગ મોકલ્યું. બંનેએ કહ્યું કે કરવા જેવું છે. વાંધો નહીં આવે. એટલે રોજનું રેકોર્ડિંગ શરૂ કર્યું. શરૂઆતમાં હતું કે આંતરેદિવસે મારો અને બીજાનો લેખ વાંચીશ. પણ પછી ક્રમ એવો ગોઠવાયો કે અઠવાડિયામાં એક દિવસ મારા લેખનો અંશ અને બાકીના દિવસ બીજા લેખકો. થોડાં રેકોર્ડિંગ પછી મિત્ર આરતી નાયર સાથે ચર્ચા થઈ.

પહેલા દિવસથી નક્કી કર્યું હતું કે લૉક ડાઉનના એકવીસ દિવસ પૂરા કરવા.એથી ઓછા નહીં. એથી વધારે નહીં. એ પ્રમાણે ૨૧ દિવસમાં ત્રણ વાર મારા લખાણમાંથી વાંચ્યું. તેમાં સામેલ થયેલા બીજા લેખકો વિનોદ ભટ્ટ (બે લેખ),  રમણભાઈ નીલકંઠ, વિદ્યાગૌરી નીલકંઠ, તંત્રીનો ભાઈ મંત્રી, જ્યોતીન્દ્ર દવે, ચં.ચી.મહેતા, ગગનવિહારી મહેતા, મીનુ હો. નરીમાન, ચુનીલાલ મડિયા, મુનિકુમાર પંડ્યા, બકુલ ત્રિપાઠી, તારક મહેતા, રતિલાલ બોરીસાગર, હરીશ નાયક ઉપરાંત સ્વામી આનંદે આલેખેલું જેઠીસ્વામીનું પાત્ર અને રજનીકુમાર પંડ્યાના સંગ્રહ શબ્દઠઠ્ઠામાંથી એક લેખ.

એ બધાં રેકોર્ડિંગ ફેસબુક પર #Lockdown_Reading  હેશટૅગથી તો છે જ. ઉપરાંત ત્રણ પોસ્ટમાં થઈને એ તમામની  યુટ્યુબની લિન્ક આપું છું. જ્યારે જેટલો રસ અને સમય હોય, તેે પ્રમાણે સાંભળવા ને મઝા કરવા માટે.

ઉર્વીશ કોઠારી : 'બત્રીસ કોઠે હાસ્ય' (દાળભાત વિશેનો લેખ)સ્વામી આનંદ : 'ધરતીની આરતી' ('મારા પિતરાઈ'ઓ 
વિશેના લેખમાં જેઠીસ્વામીનુું વર્ણન )


રજનીકુમાર પંડ્યા : 'શબ્દઠઠ્ઠા'વિનોદ ભટ્ટ : 'અને હવે ઇતિ-હાસ' (કોલંબસ) ચુનીલાલ મડિયા : 'ચોપાટીના બાંકડેથી' મીનુ હો. નરીમાન : 'હીટલર સાથે મુુુુુુુલાકાત' તંત્રીનો ભાઈ મંત્રી : 'મારી મંગલમાં મુસાફરી' 

Sunday, April 05, 2020

'દીવાનું' વિજ્ઞાન

સામાન્ય રીતે બીજા કોઈની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતો નથી, પરંતુ ગઈ કાલે કેટલાક મિત્રોએ એક પોસ્ટ વિશે જાણ કરી. તેમાં લખ્યું હતું કે વડાપ્રધાને કરેલો દીવડા સળગાવવાનો અનુરોધ કેટલોો વૈૈૈૈૈૈૈજ્ઞાનિક છે અને તેમની આ વાત પાછળ કેવું ગહન વિજ્ઞાન છુપાયેલું છે.

મિત્રોએ ખાસ આગ્રહપૂર્વક એમ પણ કહ્યું કે આ લખનાર ક્વોલિફાઇડ ડોક્ટર છે. એ ભાઈએ એવી પણ અપીલ કરી હતી કે 'કોઈ વ્યક્તિ જ્યારે દેશ માટે પોલીટીકલ સાયન્સમાંથી બહાર આવીને પ્રેક્ટીકલ સાયન્સમાં પ્રવેશે, ત્યારે એ વ્યક્તિને સમગ્ર દેશે સપોર્ટ કરવો જોઈએ.' અને લખ્યું હતું કે 'આ વિષય પર હું તમારી સાથે કલાકો લાંબી ચર્ચા કરવા તૈયાર છું.'

મામલો વિજ્ઞાનનો અને ખાસ તો જાહેર હિતનો હોવાથી, વ્યક્તિને બાજુએ રાખીને મુદ્દાની ચર્ચા કરીએ. (એ ભાઈએ લખેલા મુદ્દા લાલ રંગમાં છે) પણ મુદ્દામાં જતાં પહેલાં એક સામાન્ય સ્પષ્ટતા કરી લઉં કે મહેરબાની કરીને ભણેલા માણસો અંધશ્રદ્ધા ન ફેલાવે એવું માની લેવું નહીં. ભણતર સૂચવે છે કે એ વ્યક્તિ એ અભ્યાસમાં સારી રીતે પાસ થવા જેટલી બુદ્ધિશક્તિ ધરાવે છે. પરંતુ  જેમ ઘરમાં રૂપિયા હોવા અને તેને સારા કામ માટે વાપરવા, એ બે સાવ જુદી બાબતો છે, તેવું સમજ વિશેનું પણ સમજવું.

એકસાથે અસંખ્ય દીવાઓ પ્રગટે છે કે મીણબત્તીઓ સળગે છે ત્યારે વાતાવરણમાં અચાનક બે ફેરફારો થાય છે. એક તો એ કે વાતાવરણનું તાપમાન અચાનક વધી જાય છે... 
– ઘરમાં દીવા પ્રગટાવવાથી વાતાવરણનું તાપમાન વધી જાય, આ વાત દેખીતી રીતે તર્કસંગત લાગતી નથી. દીવાના અજવાળાનાં બે પાસાં હોય છેઃ પ્રકાશ અને તાપમાન.  દીવાની ગરમીથી વાતાવરણનું તાપમાન તો પછીની વાત છે, ઘરનું તાપમાન કેટલું વધે છે એનો પ્રયોગ તમે જાતે કરી શકો છો.

દલીલ ખાતર આપણે માની લઈએ કે એક ઘરમાં એક સાથે છ દીવા સળગે છે. તો તેનાથી ઘરનું તાપમાન વધે છે? આ નક્કી કરવા માટે રીસર્ચ પેપર વાંચવાની જરૂર નથી. છ દીવાની હારમાળાથી દસેક ફૂટ દૂર બેસીને તમે જાતે નક્કી કરી શકો છો કે તાપમાન વધ્યાનો અહેસાસ થયો? બીજી વધારે સાદી રીત છેઃ એક દીવાની સાવ નજીક રહો અને પછી ધીમે ધીમે દૂર થતા જાવ. તેનો પ્રકાશ નહીં, પણ ગરમાવો (તાપમાન) ક્યાં સુધી અનુભવાય છે તે જુઓ.

- બીજી યાદ રાખવાની હકીકત એ છે કે સૌ પોતપોતાના ઘરમાં દીવા પ્રગટાવે તો તેની અસર અત્યંત સ્થાનિક હોય, સામુહિક નહીં. એટલે કે, દીવા સળગતા હોય તેની આસપાસનો હિસ્સો થોડો ગરમ થાય, પણ વાતાવરણના તાપમાન પર તેની અસર ન પડે. વાયુઓ વાતાવરણમાં ભળી શકે, પણ તાપમાનનો વધારો દૂર સુધી ગતિ કરી શકે નહીં.

- ત્રીજો અને સૌથી અગત્યનો મુદ્દોઃ ધારો કે વાતાવરણનું તાપમાન બીજી કોઈ રીતે વધારવામાં આવે તો પણ, તેની વાઇરસના ફેલાવા પર શી અસર? વધારે ગરમી પડવાથી વાઇરસનો ફેલાવો કે તેની અસર અટકી જવાનાં નથી, એ વૈજ્ઞાનિક રીતે જાહેર થઈ ચૂકેલી હકીકત છે.

વનસ્પતિમાં થયેલા પ્રયોગોને આધારે (કારણકે વાઈરસનું ઇન્ફેક્શન પ્લાન્ટ્સમાં પણ થતું હોય છે) એ વાત ઓલમોસ્ટ સાબિત થઈ ચુકી છે કે કાર્બન મોનોક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઈડનું અચાનક પ્રમાણ વધવાથી વાતાવરણમાં રહેલા વાઈરસ કે અન્ય કોઈપણ જીવાણું નાશ પામે છે.  ફક્ત એટલું જ નહીં, તેઓ કોષમાં રહેલા વાઈરસના રેપ્લીકેશન એટલે કે વિભાજન દર ઉપર પણ બ્રેક મારી શકે છે.

- પહેલી વાત તો એ કે આ ઓલમોસ્ટ સાબિત થવું એટલે શું?

- બીજું, કોરોના વાઇરસ વાતાવરણમાં વસવાટ કરતા નથી. એવું નથી કે તે વાઇરસ વાતાવરણમાં તરતા હોય, બહાર નીકળતા દરેક લોકોને લાગતા હોય અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ-કાર્બન મોનોક્સાઇડ ભળે તેનાથી બધા વાઇરસ મરી જાય. (અને એ પણ એક રાત દીવો સળગાવવાથી? પણ એ તો વળી જુદી જ વાત છે.)

વાઇરસ જુદી જુદી સપાટી પર જુદા જુદા સમય સુધી રહેતા હોય છે. એ કિસ્સામાં પણ વાતાવરણમાં (એટલે કે ઉપર હવામાં)  ભળેલા કાર્બન ડાયોક્સાઇડ-કાર્બન મોનોક્સાઇડ વાયુથી ટેબલની સપાટી પર રહી ગયેલા વાઇરસને કશી અસર ન થાય. દલીલ ખાતર એવું કહેવામાં આવે કે હવામાં થોડો સમય તો વાઇરસ હોય છે, તો પણ એ હવા જમીની સ્તરની હોય--વાયુઓ જ્યાં ભળે તે વાતાવરણ નહીં.

- ત્રીજું, વાતાવરણમાં ભળેલા વાયુઓ કોષમાં વાઇરસના વિભાજનના દર ઉપર શી રીતે બ્રેક મારી શકે? આ વાત જરાય તર્કસંગત લાગતી નથી અને આનો પુરાવો હોય તો તે વિશે ડોક્ટરે તાત્કાલિક વિશ્વ આરોગ્ય સંસ્થાને કે પછી વડાપ્રધાનને જાણ કરવી જોઈએ, જેથી રોજ વિમાનો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ-કાર્બન મોનોક્સાઇડનો છંટકાવ કરવાની વ્યવસ્થા ગોઠવી શકાય.

આવી મહત્ત્વની બાબત જાણ્યા પછી વડાપ્રધાને વચ્ચે આટલો બધો સમય કેમ જવા દીધો નેે વાતાવરણમાં આ વાયુઓ ફેલાવવાનું કામ લોકો પર કેમ છોડ્યું, એવો સવાલ નહીં પૂછીએ, બસ?
***
અંધશ્રદ્ધા ફેલાવવી એ તો ખોટું જ છે, પણ વિજ્ઞાનના અને વૈજ્ઞાનિક અભ્યાસોના હવાલા આપીને અંધશ્રદ્ધા ફેલાવવી એ ઊંચા દરજ્જાની કુસેવા છે. ગળચટ્ટા શબ્દો વાપરવાથી જૂઠાણું વૈજ્ઞાનિક સચ્ચાઈ થઈ જતું નથી. ખાસ કરીને, આવા વખતમાં જ્યારે વૈજ્ઞાનિક સમજૂતીની આવશ્યકતા હોય ત્યારે ક્વોલિફાઇડ ડોક્ટર કોઈ પણ કારણસર આવાં જૂઠાણાં ફેલાવે તે સામાજિક હિતની દૃષ્ટિએ ભયંકર ગણાય. 

Friday, April 03, 2020

નિઝામુદ્દીન મરકઝ ઘટના : ગુનાઈત બેજવાબદારીનો ચેપમાર્ચ ૧૩થી ૧૫ દરમિયાન, સુન્ની મુસલમાનોના એક ફાંટા તબલીઘી જમાતનું મોટું સંમેલન દિલ્હીના નિઝામુદ્દીન મરકઝ (એટલે કે કેન્દ્ર)માં હતું. તેમાં ઇન્ડોનેશિયા અને મલેશિયા જેવા કોરોનાગ્રસ્ત દેશો સહિત બીજા દેશોમાંથી આવેલા લોકો સામેલ થયા. સંમેલન પૂરું થયા પછી પણ આ કેન્દ્રમાં ઘણા લોકો રહ્યા, તો ઘણા જુદાં જુદાં રાજ્યોમાં ધર્મપ્રચાર માટે અથવા પોતપોતાને ઘેર ગયા. સરકારી આંકડા પ્રમાણે, ૨૧ માર્ચના રોજ નિઝામુદ્દીન મરકઝમાં ૧,૭૪૬ લોકો રહેતા હતા, જેમાંથી ૧,૫૩૦ ભારતીયો અને ૨૧૬ વિદેશી હતા. એ તારીખે ૮૨૪ વિદેશીઓ ભારતમાં જુદા જુદા ઠેકાણે ધર્મપ્રચારમાં સક્રિય હતા. સરકારી વિગતો મુજબ, જાન્યુઆરી ૧, ૨૦૨૦થી આશરે ૨,૧૦૦ વિદેશીઓ તબલીઘની પ્રવૃત્તિ માટે ભારત આવ્યા હતા અને તે બધા સામાન્ય રીતે નિઝામુદ્દીન મરકઝમાં રીપોર્ટ કર્યા પછી જ નક્કી થયેલા વિસ્તારોમાં જતા હતા.

સંમેલનમાં મોજુદ લોકોમાંથી ઘણા કોરોનાનો ચેપ ધરાવતા અને બીજા ઘણા ચેપની સંભાવના ધરાવતા હતા. તે બધા દેશના જુદા જુદા ભાગોમાં ફેલાયા. આ વાત એકાદ જાહેર થયા પછી
૧) સંમેલનની અને તેના આયોજક તરીકે તબલીઘી જમાતની યોગ્ય રીતે જ આકરી ટીકા થઈ.
૨) કામચલાઉ કોરોનાને બદલે કાયમી એવો કોમવાદનો વાઇરસ મેદાનમાં આવી ગયો અને કોરોના જેહાદજેવા શબ્દપ્રયોગો-ભાવપ્રયોગો સાથે, કોરોના સામેની લડાઈને કોમવાદનો રંગ ચડાવવાના પ્રયાસ થયા.

આ ઘટનાક્રમને શાંતિથી સમજવા માટે કેટલીક હકીકતો-કેટલાક મુદ્દાઃ

નિઝામુદ્દીન મરકઝ
ઘટના જાહેર થયા પછી, દિલ્હી સરકારનાં ધારાસભ્ય આતિશીએ દિલ્હી સરકારનો ૧૩મી માર્ચનો ઓર્ડર તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. તે પ્રમાણે ૨૦૦થી વધુ લોકોને સ્પોર્ટ્સ માટે કે સેમિનાર/કોન્ફરન્સ માટે ભેગા થવાની મનાઈ ફરમાવવામાં આવી હતી.

એ જ દિવસે, ૧૩ માર્ચના રોજ, દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદીયાએ આઇપીએલ સહિતના રમતગમતના કાર્યક્રમો બંધ રાખવાની જાહેરાત કરી અને દિલ્હીમાં શાળા-કોલેજ, સ્વિમિંગ પુલ અને સિનેમા હોલ ૩૧ માર્ચ સુધી બંધ રાખવાનો પણ નિર્ણય લેવાયો. સિસોદિયાએ કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે, મોટી સંખ્યામાં મેદની જમા થાય એવા મોટા કાર્યક્રમો ટાળવા જોઈએ.’ ‘ઇન્ડિયન એક્સપ્રેસની દિલ્હી આવૃત્તિ (૧૪ માર્ચ,૨૦૨૦)માં આવેલા અહેવાલમાં સિસોદીયાનું આ નિવેદન હતું, ‘હું સૌને કહેવા માગું છું કે લોકો સરકારી ઓર્ડરની રાહ ન જુએ અને પોતાની મેળે જ મોટા કાર્યક્રમોથી દૂર રહે.દક્ષિણ કોરિયામાં પહેલા ૩૦ કેસ કાબૂમાં આવી ગયા, પણ ૩૧મા દર્દીએ બીજા હજારોને ચેપ લગાડ્યો, એવો ઉલ્લેખ કરીને સિસોદીયાએ કહ્યું, ‘એવી પરિસ્થિતિ અટકાવવા માટે દિલ્હી સરકારે મોટા મેળાવડા ન યોજવાનો હુકમ કાઢ્યો જ છે. છતાં, તમારા ધ્યાનમાં આવો કોઈ મેળાવડો આવે જ્યાં લોકો જુદા જુદા ઠેકાણેથી આવ્યાં હોય, તો મહેરબાની કરીને એવી જગ્યાથી દૂર રહેજો.

છતાં, એ જ દિવસથી ૧૫મી સુધી તબલીઘી જમાતનો કાર્યક્રમ ચાલ્યો, તેમાં પરદેશથી આવેલા તબલીઘી જમાતના લોકો સહિત સેંકડો લોકો સામેલ થયા. દેખીતી રીતે જ, આ ગુનાઈત બેદરકારીનો મામલો ગણાય. દુનિયાભરમાંથી કોરોનાના સમાચાર આવી રહ્યા હોય ત્યારે ધાર્મિકથી માંડીને વ્યવહારિક બધી ગણતરીઓ બાજુ પર મૂકીને કે અગાઉથી કાર્યક્રમ બનાવીને આવેલા લોકોને પડનારી અગવડની ચિંતા કર્યા વિના મેળાવડો રદ કરવો પડે. બાળકોની પરીક્ષાઓ રદ થઈ શકતી હોય, તો ધાર્મિક મેળાવડા કેમ નહીં? એવું કરવાને બદલે તબલીઘી જમાતે કાર્યક્રમ ચાલુ રાખ્યો.

માટે, આ કાર્યક્રમના આયોજન બદલ નિઝામુદ્દીન મરકઝના વડા અને બીજા જે જવાબદારો હોય તે સૌની સામે કાયદાના ધોરણે યથાયોગ્ય કાર્યવાહી થવી જ જોઈએઅને અહેવાલો મુજબ એ થઈ રહી છે. ઉપરાંત, સામાજિક ધોરણે આ પ્રકારના વર્તનની ટીકા થાય, આ પ્રકારની ધાર્મિક જડતા વિશે રોષ વ્યક્ત થાય તે પણ લાજિમ ગણાય.

તબલીઘી જમાતના કાર્યક્રમ પછીના દિવસોમાં, દેશનાં ઘણાં જાણીતાં મંદિરોમાં લોકોની મોટા પાયે અવરજવર ને સામુહિક કાર્યક્રમો ચાલુ હતા. જેમ કે, મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર, ઉજ્જૈનનું મહાકાળ મંદિર,  શીરડીનું સાંઈધામ, શનિ શીંગણાપુર, વૈષ્ણોદેવી, કાશી વિશ્વનાથ...એવું જ ગુજરાતમાં સોમનાથ જેવા મંદિર વિશે.

આ હકીકતોને આગળ કરીને તબલીઘી જમાતના મેળાવડાની ગંભીરતા હળવી દર્શાવવાનું બે કારણસર યોગ્ય નથી.

૧) જે ખોટું છે તે ખોટું જ રહે છે. એક ખોટા સામે બીજું ખોટું મૂકીને બંનેનો સામસામો છેદ ઉડાડવાનું કે તેની ગંભીરતા ઘટાડવાનું કામ રાજકીય પક્ષોનું છેનાગરિકોનું નહીં.

૨) દિલ્હીમાં સરકાર દ્વારા આ પ્રકારનાં મેળાવડા-સંમેલનો ઉપર ૧૩મીએ પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવ્યો હતો. તબલીઘી જમાતના સંમેલનથી સરકારી પ્રતિબંધનો ભંગ થયો. મોટા સમુહો ભેગા ન થાય તે ઇચ્છનીય હોવા છતાં, બીજાં રાજ્યોમાં આ પ્રકારની બંધી મુકાઈ હોય અને તેનું ઉલ્લંઘન કરીને ધર્મસ્થાનો ખુલ્લાં રહ્યાં હોય એવું જણાતું નથી.

ટૂંકમાં, તબલીઘી જમાતનું સંમેલન એકેય ધોરણે વાજબી ન હતું અને સંમેલનના આયોજકો તથા ભાગ લેનારાએ આખા મામલે ગુનાઈત બેદરકારી દેખાડી છે. તેમની સામે કેસ નોંધાયા છે અને કાર્યવાહી થઈ રહી છે. છતાં, તેમની આવી ગુનાઈત બેદરકારીને લીધે દેશનાં ઘણા રાજ્યોમાં કોવિડ-૧૯ના કેસોની સંખ્યા વધે, તેનું નુકસાન ભરપાઈ કરવાનું કઠણ છે. ઉપરાંત, આવા કપરા સમયમાં રાજ્યતંત્ર પર સંભવિત ચેપગ્રસ્તોને શોધવાનો બોજ આવે તે વધારાનું.

મરકઝમાં નિવાસ અને વિઝાના નિયમોનો ભંગ
૧૩થી ૧૫ તારીખ સુધી સરકારની મનાઈ છતાં સંમેલન ભરાયું. ત્યાર પછી ઘણા લોકો મરકઝમાં જ રહ્યા. જગ્યા ભલે ખાનગી હોય, પણ તેમાં મોટી સંખ્યામાં લોકો ક્વોરન્ટાઇન થયા વિના રહે, તે જોખમી અને આત્મઘાતી ગણાય. મરકઝ તરફથી એવી દલીલ થઈ છે કે અવરજવર અટકી પડી હોવાથી, લોકોને મરકઝમાં રાખ્યા વિના છૂટકો ન હતો. દિલ્હીના વહીવટી તંત્ર અને તેના (કેન્દ્ર સરકાર નીચે આવતા) પોલીસતંત્ર તરફથી પ્રતિભાવ ન મળ્યો, એવી રજૂઆત પણ મરકઝ તરફથી થઈ છે. તે સાચી હોય તો પણ, કાર્યક્રમ પહેલાં અને પછીના સમયમાં તકેદારીનાં પગલાં અંગે મરકઝના પ્રયત્નો સંતોષકારક કે વિશ્વાસ પેદા કરે એવા લાગતા નથી.

વધુ એક આરોપ એવો છે કે મેળાવડામાં ભાગ લેવા માટે પરદેશથી આવેલા જમાતના લોકોએ વિઝાના નિયમોનો ભંગ કર્યો છે. ધાર્મિક પ્રવૃત્તિ માટેનો વિઝા અલગ હોય છે અને ટુરિસ્ટ વિઝા પર આવેલા લોકો ધર્મોપદેશ કે ધર્મપ્રચાર જેવી પ્રવૃત્તિ કરી શકે નહીં, જે તબલીઘી જમાતના લોકોએ કરી. આ ગુના માટે કાયદામાં જોગવાઈ છે જ અને એ દિશામાં કાર્યવાહી પણ થઈ રહી છે. અહેવાલો પ્રમાણે, ગઈ કાલે કેન્દ્ર સરકારે તબલીઘી જમાતના વિદેશથી આવેલા ૯૬૦ લોકોને વિઝાના નિયમોના ભંગ બદલ બ્લેકલિસ્ટ કરી દીધા છે અને હજી બીજાં પગલાં ભરાશે. ઉપરાંત, રાજ્ય સરકારોને પણ તેમને ત્યાં રહેલા અને નિયમોનો ભંગ કરનારા લોકો સામે કડકાઈથી કાર્યવાહી કરવાનું કહી દેવાયું છે.

સરકારઃ દિલ્હીની અને કેન્દ્રની
હવે સવાલ એ આવે કે આખાય ઘટનાક્રમમાં સરકારની શી ભૂમિકા રહી? તેની કોઈ જવાબદારી ખરી? અને તેના પક્ષે કોઈ ચૂક ગણાય કે નહીં?

આગળ સ્પષ્ટ કર્યું છે તેમ, બધાના વાંક અલગ અલગ નક્કી કરવા પડે. એકને મોટું કરીને તેની નીચે બાકીનું બધું ઢાંકી ન દેવાય કે એકની સામે બીજું ધરીને બંનેનો છેદ ઉડાડી ન શકાય.

દિલ્હીની પોલીસ કેન્દ્ર સરકારની છે. તેની પર દિલ્હીની સ્થાનિક સરકારનો કાબૂ નથી. છતાં, આવા સમયમાં સ્થાનિક સરકારે ગૃહ મંત્રાલયની મદદ માગવી પડે. એ ન મળે તો તેનો અલગથી ધોખો થઈ શકે. તે ફક્ત હુકમો કાઢીને બેસી રહે અને તેના અમલ માટે કે ભંગ બદલ કશું ન કરે, તે કેટલું યોગ્ય ગણાય? મનીષ સિસોદીયા ૧૩ માર્ચે જાહેર કાર્યક્રમો, મેળાવડા ને જાહેર સ્થળો બંધ કરાવે ત્યારે તેમને કે તેમની સરકારમાંથી કોઈને ખબર નહીં હોય કે તબલીઘી જમાતનું આવડું મોટું સંમેલન તેમના પ્રતિબંધ છતે શરૂ થઈ ચૂક્યું છે? અને હજુ બે દહાડા ચાલવાનું છે? એવી તે કેવી સરકાર, કે જે ફક્ત હુકમ કાઢીને ફરજ અદાયગી થયેલી જાણી લે અને આવું કંઈક બહાર આવે ત્યારે એવું કહીને ઊભી રહે કે અમે તો બા, પહેલેથી જ ના પાડી હતી. જુઓ, આ રહ્યો એનો પુરાવો.

તમારો પુરાવો સાચો, પણ ના પાડ્યા પછી તમે બીજું શું કર્યું આ સંમેલન અટકાવવા માટે? અને કંઈ ન કર્યું તો સ્થાનિક સરકાર તરીકે તમારી કોઈ જવાબદારી નહીં? તમારે હુકમનામાનાં કાગળીયાં રજૂ કરીને હાથ ખંખેરી નાખવાના?

બાકી રહી વાત પોલીસની અને કેન્દ્ર સરકારના ગૃહ ખાતાની. ગુગલ મૅપમાં જોતાં જણાય છે કે નિઝામુદ્દીન મરકઝથી નિઝામુદ્દીન પોલીસચોકી વચ્ચેનું અંતર ચાલતાં માંડ એકાદ મિનીટ જેટલું છે. પોલીસ સ્ટેશનની આટલી નજીકમાં ત્રણ-ત્રણ દિવસ સુધી, દિલ્હીની સરકારની મનાઈની ઉપરવટ જઈને, સંમેલન ચાલે છે અને દેશવિદેશમાંથી આવેલા લોકો તેમાં જમા થાય છે, ત્યારે પોલીસ અને કેન્દ્ર સરકારનું ગૃહ ખાતું શું કરે છે? કેમ તે સંમેલનને અધવચ્ચેથી અટકાવતું નથી? સંમેલન શરૂ થતાં પહેલાં દિલ્હીમાં એપિડેમિક ડીસીઝ એક્ટ અંતર્ગત દિલ્હી એપિડેમિક ડીસીઝ,કોવિડ-૧૯, રેગ્યુલેશન્સ,૨૦૨૦અમલી બની ચૂક્યાં છે. છતાં તબલીઘી જમાતનું સંમેલન બેરોકટોક ચાલ્યા કરે, ત્યારે કેન્દ્રની અને દિલ્હીની સરકારે તેમની નિષ્ફળતા કે ગંભીર ગાફેલિયત માટે આપણને નાગરિકોને જવાબ આપવાના નથી થતા?

દિલ્હી સરકારે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે છેક ૨૯ માર્ચના રોજ પગલાં લીધાં અને ખાલી કરાવ્યું. ૩૧મી માર્ચે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે મરક્ઝના વડા સહિત બીજા સભ્યો સામે સરકારી આદેશના ભંગનો કેસ દાખલ કર્યો. ત્યાં સુધી દિલ્હીની પોલીસ અને કેન્દ્રના ગૃહખાતામાં રહેલા તેમના સાહેબો શું કરતા હતા? આ સવાલ મરકઝની ગુનાઈત બેદરકારી હેઠળ સંતાડી શકાય નહીં. સરકારી બેદરકારીનો ખ્યાલ આ ઘટનાક્રમ ઉપરથી પણ આવી શકશે. (આ ઘટનાક્રમ scroll.in માં પ્રગટ થયો હતો)

·      ૨૮ ફેબ્રુઆરી મલેશિયામાં તબલીઘી જમાતનું સંમેલન. તે કોવિડ-૧૯ના ફેલાવા માટે કારણભૂત બન્યું.
·      ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાથી માર્ચના પહેલા અઠવાડિયા દરમિયાન અગ્નિ એશિયા, દક્ષિણ એશિયા અને યુરોપના દેશોમાંથી ઘણા લોકો સરકારી વિઝા મેળવીને જમાતના સંમેલનમાં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા.
·       ૧૨ માર્ચ દિલ્હીની સરકારે જાહેર કર્યું કે કોરોનાગ્રસ્ત દેશોમાં જઈ આવેલા અને કોરોનાનાં લક્ષણ ધરાવતા લોકોએ સરકારને જાણ કરવી.
·   ૧૩ માર્ચ દિલ્હીમાં જમાતના કાર્યક્રમમાં ભાગ લેનાર થાઇલેન્ડનો એક માણસ બિમારીનાં ચિહ્નો સાથે કોઈમ્બતુરના એરપોર્ટ પર દેખાયો. દરમિયાન, ભારતમાં એરપોર્ટ પર મુસાફરોની તપાસ શરૂ થઈ અને દિલ્હી સરકારે ૨૦૦થી વધુ લોકોના મેળાવડા પર પ્રતિબંધ મૂકી દીધો.
·  ૧૬ માર્ચ દિલ્હી સરકારે પચાસ જણથી વધુ લોકો મળવાના હોય એવા તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો.
·   ૧૭ માર્ચ ચેપનો ભોગ બનેલા થાઇલેન્ડવાળા માણસનું અવસાન થયું. તામિલનાડુમાં તેના જૂથના છ સભ્યોની તપાસ કરવામાં આવી.
·    ૧૮ માર્ચ દિલ્હીના કાર્યક્રમમાં ભાગ લીધો હોય એવા છ લોકો તેલંગણામાં ચેપગ્રસ્ત જણાયા.
·  ૨૧ માર્ચ તામિલનાડુએ જમાતના કાર્યક્રમમાં સામેલ હોય એવા બે કોરોના પોઝિટિવ લોકોની ઓળખ કરી.
આ દિવસે કેન્દ્રના ગૃહ ખાતાએ દિલ્હીમાં જમાતના કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોની વિગત રાજ્ય સરકારો સાથે શૅર કરી.
·    ૨૨ માર્ચ તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ રદ કરવામાં આવી. વડાપ્રધાન દ્વારા જનતા કરફ્યુની જાહેરાત
·    ૨૪ માર્ચ ૨૧ દિવસના લૉક ડાઉનની શરૂઆત. (કેન્દ્ર સરકારના તાબામાં આવતી) દિલ્હી પોલીસે જમાતને મરકઝ ખાલી કરાવવા માટે નોટીસ આપી. જમાતે કહ્યું કે આશરે ૧,૫૦૦ લોકો નીકળી ચૂક્યા છે અને બાકીના એકાદ હજાર મરકઝમાં છે. જમાતના દાવા પ્રમાણે, આ લોકોને ખાલી કરાવવા માટે તેમણે મદદ માગી,પણ ન મળી.
·    ૨૯ માર્ચ પ્રસાર માધ્યમોના અહેવાલ પ્રમાણે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ વહેલી સવારે મરકઝ જમાતના વહીવટદારોને મળવા પહોંચ્યા.
·      ૩૦ માર્ચ દિલ્હીની સ્થાનિક સરકારને નિઝામુદ્દીન વિસ્તારને કોર્ડન કર્યો.
·      ૩૧ માર્ચ જમાતના વહીટવકર્તાઓ સામે પોલીસકેસ દાખલ થયો.

ઉપરનો ઘટનાક્રમ શાંતિથી જોતાં, સરકારપક્ષે થયેલો વિલંબ, ખાસ કરીને ૨૧ માર્ચથી ૩૦ માર્ચ સુધીનો દસ દિવસનો વિલંબ સમજી શકાય એવો નથી. એવી જ રીતે, પોલીસ સ્ટેશન સાવ પાસે હોવા છતાં કાર્યક્રમમાં આટલા બધા લોકો ભેગા થાય અને સરકારો કશું જ ન કરી શકે, એ પણ સમજાય એવું નથી. માટે, જમાતની ગુનાઇત બેદરકારીની વાજબી રીતે અને આકરી ટીકા કર્યા પછી, જો વાંધો આખા ઘટનાક્રમ સામે હોય અને તેને મુસલમાનો પૂરતો કેન્દ્રિત રાખવામાં રસ ન હોય, તો સરકારપક્ષનાં ગાબડાં પણ ધ્યાને પડવાં જોઈએ અને જમાતની ટીકા કરી લીધા પછીતે પણ વાંધાનું કારણ બનવાં જોઈએ.

નાગરિકો
સરકારની ભૂમિકા વિશે આગળ જણાવેલા સવાલ ન થાય, આયોજન વગરના લૉક ડાઉન પછી માત્ર દિલ્હી જ નહીં, બીજાં રાજ્યોમાં પણ સેંકડો લોકોએ કરેલા સ્થળાંતરની અસરોની ચર્ચા ફંટાઈ જાય અને ઇવેન્ટ મેનેજમેન્ટપ્રેમી વડાપ્રધાનની તથા તેમની સરકારના આયોજનની ટીકાઓને ઠેકાણે પાડી શકાય, એવું ક્યારે બને? ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ જવાબ છેઃ આખો વિવાદ મુસલમાનો તો છે જ એવાના રસ્તે વાળી દેવામાં આવે તો.

એટલે, રાબેતા મુજબ સોશિયલ મિડીયા પર કોરોનાજેહાદથી માંડીને ભારતને અસ્થિર કરવાનું (મુસલમાનોનું) કાવતરુંજેવી બેફામ આરોપબાજી ફરતી કરી દેવામાં આવી. ઇસ્લામદ્વેષને જાણે મોકળું મેદાન મળી ગયું. કેટલીક ટીવી ચેનલો અને કેટલાંક છાપાં પણ ગુનાઈત બેદરકારીને જેહાદ કે ભયંકર કાવતરાની માફક રજૂ કરવા લાગ્યાં. તબલીઘી જમાતના સંમેલનની, તેના આયોજકોની અને તેમાં ભાગ લેનારાની ટીકા થાય, તેમની સામે આકરી કાર્યવાહની માગણી થાય એ તો બરાબર, પણ આખી વાતને મુસલમાનદ્વેષના પાટે ચડાવીને લોકોને ઉશ્કેરવામાં આવે અને બાકીની બધી બાબતોને સલુકાઈથી નજરઅંદાજ કરવામાં આવે, એવું વધુ એક વાર બન્યું. નવી ફેશન પ્રમાણે, શાહીનબાગને પણ વચ્ચે ઢસડવામાં આવ્યું અને એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું, જાણે ભારતમાં કોરોના વાઇરસ તબલીઘી જમાત લાવી હોય.

તબલીઘી જમાતના ગુણદોષની ચર્ચા કરવાની આ જગ્યા કે આ પ્રસંગ નથી. નાગરિક તરીકે આપણે એ વિચારવાનું છે કે
·  મરકઝના કાર્યક્રમ સિવાય પણ ભારતમાં અને ગુજરાતમાં સુદ્ધાં કોરોના વ્યાપક પ્રમાણમાં ફેલાયેલો હતો, એ ભૂલી જઈશું? અને મરકઝની ગુનાઈત બેદરકારીનેા માથે દોષનો આખેઆખો ટોપલો ઢોળી દઈશું?
·    કોમવાદી માનસિકતા આપણામાં આટલી ઊંડી ઉતરી ગઈ છે કે વાઇરસ સામે મુકાબલા ટાણે પણ આપણે પહેલી તકે ઝેરીલા કોમી પ્રચારને અપનાવી લઈએ છીએ?
·   આવો ઝેરી પ્રચાર કોણ કરે છે? તેનાથી કોને લાભ થાય છે? અને આવા કપરા સમયમાં આવો ઝેરી પ્રચાર થાય તેની સામે સરકારને કશાં પગલાં લેવાપણું લાગતું નથી? સર્વોચ્ચ અદાલતને કશી કાર્યવાહી કરવાપણું લાગતું નથી?
વાસ્તવિક દેશહિત અને ઝેરીલા કોમી પ્રચાર વચ્ચેનો ભેદ ભૂંસીને આપણે દેશની સેવા કરીએ છીએ કે રાજકીય પક્ષોની?