Monday, April 27, 2020

આરોગ્ય સેતુ એપ ખરેખર કેટલું અસરકારક? સરકારી દાવા અને ચકાસણી

ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને આઇ.ટી. મંત્રાલય દ્વારા કોરોના વાઇરસના મુકાબલા માટે ૨ એપ્રિલના રોજ આરોગ્ય સેતુ /Arogya Setu નામે એપ (એપ્લિકેશન) લોન્ચ કરવામાં આવ્યું. અહેવાલો પ્રમાણે, તેના અત્યાર લગીમાં સાડા સાત કરોડથી પણ વધુ ડાઉનલોડ થઈ ચૂક્યા છે.

સરકારી અને અન્ય દાવા
૨૫ એપ્રિલના રોજ ઘણાની જેમ મારા મેઇલ બૉક્સમાં પણ MyGov પરથી એક ઇ-મેઇલ આવ્યો. તેનો વિષય હતોઃ Setu is the Bodyguard of 70 million citizens. Download now. આરોગ્ય સેતુ (તેને ડાઉનલોડ કરનારા) સાત કરોડ લોકોનું બૉડીગાર્ડ-અંગરક્ષક છે. તમે પણ તેને આજે જ ડાઉનલોડ કરો.’

‘સિંઘમ’ખ્યાત ફિલ્મસ્ટાર અજય દેવગણે ટ્વીટર પર લખ્યું: Dhanyawad @PMOIndia @narendramodi for creating a personal bodyguard for every Indian to fight COVID-19. #SetuMeraBodyguard hai aur aapka bhi. (‘ધન્યવાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કોવિડ-૧૯ સામેની લડાઈમાં પ્રત્યેક ભારતીય માટે વ્યક્તિગત અંગરક્ષક તૈયાર કરવા બદલ. સેતુ મેરા બૉડીગાર્ડ હૈ ઔર આપકા ભી.’)

સરકારી જાહેરખબરો તેને કોવિડ-૧૯ સામેના ‘સુરક્ષા કવચ’ ગણાવે છે. કોઈ અહેવાલમાં તેને કોરોના પરની ‘સર્જિકલ સ્ટ્રાઇક’ તરીકે પણ ઓળખાવવામાં આવ્યું. ગુજરાતી અખબારોમાં વારંવાર છપાતી ગુજરાત  સરકારની જાહેરખબરોમાં તો (આરોગ્ય મંત્રાલયનો પણ હવાલો ધરાવતા) નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલનો ખાસ સંદેશ છપાય છેઃ ‘કોરોનાથી બચવું હોય તો, આજે અત્યારે જ તમારા મોબાઇલમાં આરોગ્યસેતુ એપ ડાઉનલોડ કરો અને સુરક્ષિત થઈ જાઓ.’

એપની ગુજરાતી જાહેરખબરમાં કરાતા, ચકાસણી કરવા જેવા, બીજા કેટલાક દાવાઃ
(૧) આપણું આરોગ્ય હવે આપણી આંગળીના ટેરવે
(૨) કોરોના તમને સ્પર્શ કરે એ પહેલાં જ આરોગ્ય સેતુ એપ તમને ચેતવી દેશે
(૩) આરોગ્ય સેતુ એપ એવું સુરક્ષા કવચ છે કે, જો કોરોનાગ્રસ્ત વ્યક્તિ તમારી નજીક પણ આવશે તો તરત જ તમારા મોબાઇલમાં બીપ-બીપ અવાજ આવશે અને તમને સચેત કરી દેશે, જેથી કોરોના વાઇરસના સંક્રમણથી તમે બચી જશો.
(૪) રોગને ઉગતો ડામવાનો એક માત્ર સરળ ઉપાય એટલે આરોગ્ય સેતુ એપ.

આ તમામ દાવાની ચકાસણીમાં જતાં પહેલાં એપ, તેની કાર્યપદ્ધતિ અને એપધારક દ્વારા ત્યાં અપાનારી માહિતીનું શું થશે તે જાણી લઈએ. આ તમામ વિગતો એપમાં અપાયેલી ટર્મ્સ ઑફ સર્વિસ અને પ્રાઇવસી પોલિસીમાંથી લેવામાં આવી છે.

એપની કાર્યપદ્ધતિ
  • આ એપ સ્માર્ટ ફોનમાં ઇન્સ્ટોલ કર્યા પછી, ફોનનું બ્લૂ ટૂથ અને જીપીએસ સતત (ચોવીસે કલાક) ચાલુ રાખવું જરૂરી છે. બ્લૂ ટૂથ-જીપીએસ બંધ, તો એપ પણ બંધ. 
  • ધારો કે ‘અ’ તેના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટૉલ કરે છે. પછી ‘અ’નો મોબાઇલ આરોગ્ય સેતુ એપ ધરાવતા ‘બ’ના મોબાઇલની રેન્જમાં આવે છે. મોબાઇલની રેન્જ એટલે કે મોબાઇલમાંથી નીકળતા બ્લૂ ટૂથના સિગ્નલની રેન્જ. આ રેન્જ કેટલી છે, તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. પણ સામાન્ય રીતે એ દસેક મીટર (૩૩ ફીટ) જેટલી હોય છે.
  • ધારો કે ‘અ’ કોરોના-પૉઝિટિવ હોય અને તેના એપમાં તેના કોરોના-પૉઝિટિવ હોવાની વિગત નોંધાયેલી હોય, તો ‘અ’ અને ‘બ’ એકબીજાની રેન્જમાં આવતાં જ, ‘બ’ને જાણ થઈ જશે કે તે કોરોના-પૉઝિટિવ વ્યક્તિની નજીકમાં છે. એટલે ‘બ’નેં સાવચેત થઈ જવાનો સમય મળશે. (જાહેર સ્થળે આજુબાજુ દસ-વીસ લોકો હોય અને ‘બ’ના ફોનમાં બીપ-બીપ લાગે, તો તેણે આજુબાજુ રહેલા તમામ લોકોમાંથી કોનાથી સાવચેત રહેવાનું છે, એની જાણ થાય કે કેમ? એ એપમાં અપાયેલી વિગતમાંથી સ્પષ્ટ થતું નથી.)
ધારો કે, ‘અ’ અને ‘બ’ મળ્યા, ત્યારે બંનેમાંથી કોઈ પૉઝિટિવ નથી, પણ મુલાકાતના દસ દિવસ પછી બંનેમાંથી કોઈ પૉઝિટિવ થાય છે. ત્યારે આ એપ શી રીતે મદદરૂપ થાય? તે જાણવા માટે થોડા ઓર આગળ જઈએ. 
  • એપમાં નોંધણી કરતી વખતે આટલી વિગતો આપવી પડે છેઃ નામ, ફોન નંબર, ઉંમર, જાતિ (સ્ત્રી-પુરુષ-અન્ય), વ્યવસાય, છેલ્લા ૩૦ દિવસમાં જે દેશોની મુલાકાત લીધી હોય તેની વિગત (આ ખાનું શરૂઆતના દિવસોમાં પ્રસ્તુત હતું. હવે અપ્રસ્તુત છે. કેમ કે, છેલ્લા ૩૦ દિવસથી લૉક ડાઉન ચાલે છે.) લોકેશન અલગથી ભરવાનું હોતું નથી, એપ કાર્યરત કરવા માટે ફોનમાં લોકેશન ઑન કરવું જરૂરી છે. 
  • આ બધી વિગતો એક સર્વર પર સંઘરવામાં આવે છે. લોકેશન પણ તેની સાથે આપોઆપ આવી જાય છે. સર્વરમાં આ બધી વિગતોના દરેક સૅટને એક યુનિક ડિજિટલ આઇડી મળે છે. એક પ્રકારનું ડિજિટલ લેબલ, જેને સર્વર ફોનના એપમાં મોકલી આપે છે. બીજા શબ્દોમાં, સર્વર હવેથી તે વિગતો ધરાવતા ફોનને નામ કે નંબરથી નહીં, પણ ડિજિટલ આઇડીના લેબલથી ઓળખશે. 
  • એપ ડાઉનલોડ કરેલું હોય એવી બે વ્યક્તિઓ ‘અ’ અને ‘બ’ એકબીજાના બ્લૂ ટૂથ સિગ્નલની રેન્જમાં આવશે, એટલે બંનેનાં એપ એકબીજાનાં આઇડીની આપ-લે (બ્લૂ ટૂથ મારફતે) કરશે. આ મેળાપ કેટલા વાગ્યે અને કયા સ્થળે થયો હતો, તે પણ જીપીએસની મદદથી એપમાં નોંધાઈ જશે.
  • આ મેળાપ થતાં, ‘અ’ના ફોનના એપમાં રહેલી માહિતી ‘બ’ના ફોનના એપમાં આવશે ને ‘બ’ના એપમાં રહેલી માહિતી ‘અ’ના એપમાં. જોકે, ‘બ’ની માહિતીને ‘અ’ કે ‘અ’ની માહિતીને ‘બ’ જોઈ નહીં શકે-તેનો ઉપયોગ નહીં કરી શકે. તે ફક્ત એપમાં જ સંઘરાયેલી રહેશે.
  • પરંતુ ભવિષ્યમાં ધારો કે ‘અ’ કોરોના-પૉઝિટિવ બને અને સરકારી તંત્રને તેની જાણ થાય અથવા ‘અ’ પોતે એપમાં પોતાના પૉઝિટિવ થવાની કે કોરોના-શંકાસ્પદ થવાની વિગત ઉમેરે, તો તેની જાણ આપોઆપ ‘બ’ને થઈ જશે. ફક્ત ‘બ’ને જ નહીં, ‘અ’ના સંપર્કમાં આવેલા અને ‘અ’ની વિગત જેમનાં એપમાં સંઘરાયેલી છે, એ બધાંને ‘અ’ના પૉઝિટિવ કે શંકાસ્પદ હોવાની ખબર મળશે. તેના લીધે એ લોકો પોતે પોતાની અને પોતાની આસપાસનાં લોકોની સલામતી માટે પગલાં લઈ શકશે. 
  • એપમાં જાત-ચકાસણી માટેનાં ખાનાં પણ આપવામાં આવ્યા છે. તેમાં વ્યક્તિ પોતાની તબિયત વિશેના સવાલોની માહિતી જાતે ભરે અને સાચી ભરે, એવું અપેક્ષિત છે. દરેક વખતે વ્યક્તિ આવી જાત-ચકાસણી પૂરી કરશે, એટલે તેના આરોગ્યની લેટેસ્ટ વિગતો સર્વરમાં તેના આઇડી સામે નોંધાઈ જશે. 
  • જાત-ચકાસણીના અંતે પરિણામ પીળું કે નારંગી આવે, તેનો અર્થ છે ચેપની સંભાવના. એ સંજોગોમાં, એ ફોન સાથે ભૂતકાળમાં ‘સંવાદ’ કરી ચૂકેલા અને તેની માહિતી ધરાવતા બધા ફોનધારકોને તેમના કોરોના સંભવિત હોવાના સમાચાર મળી જશે.
  • એપ ધરાવતો ફોન હંમેશાં એપધારકની પોતાની પાસે જ હોવો જોઈએ. તે બીજા કોઈને આપવો જોઈએ નહીં. તે બીજા કોઈને વાપરવા આપવામાં આવે, તો વ્યક્તિની ખોટી રીતે કોરોના-પૉઝિટિવ તરીકે ઓળખાવાની કે કોરોના-પૉઝિટિવ હોય તો પણ ન ઓળખાવાની સંભાવના રહેશે. 
માહિતીની સલામતી જળવાશે? કેવી રીતે?
  • આગળ જણાવ્યું તેમ, એપમાં નોંધણી વખતે આપવી પડતી વિગતો, એન્ક્રીપ્ટેડ (એટલે કે સીધેસીધી ઉકેલી ન શકાય એવા) સ્વરૂપે સર્વરમાં નોંધાય છે અને તે એક ચોક્કસ આઇડીથી ઓળખાય છે. 
  • એપમાં બ્લુ ટૂથ-જીપીએસ સતત ચાલુ હોય, એટલે તે રેન્જમાં આવતાં બીજાં એપ સાથે સંવાદ કરતું રહે છે અને ત્યાં પોતાની માહિતી આપતું રહે છે. એ માહિતી બીજા ફોનના આરોગ્ય સેતુ એપમાં સંઘરાતી રહે છે, પણ બીજા ફોનધારકો એ માહિતી જોઈ કે જાણી શકતા નથી.
  • એપ દર પંદર મિનિટે લોકેશનની વિગતો ફોનમાં નોંધતું રહે છે. જો એપધારકનો કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવે અથવા જાત-ચકાસણીમાં આપેલી વિગતોમાં કોરોનાનાં ચિહ્ન કે તેની સંભાવના જણાય તો જ, દર પંદર મિનિટે એકઠી કરાયેલી એપધારકના લોકેશનની વિગતો સર્વરમાં મોકલાશે. 
  • એપ-ધારક કોરોનામુક્ત હશે અથવા તેની જાત-ચકાસણીનું પરિણામ પીળું કે નારંગી નહીં, પણ લીલું આવ્યું હશે તો દર પંદર મિનિટે એકઠી કરાયેલી માહિતી સર્વરમાં મોકલવામાં નહીં આવે. આવી માહિતી મોબાઇલમાં ત્રીસ દિવસ સુધી રહેશે. ત્યાં સુધીમાં એપધારક કોરોનામુક્ત રહેશે અને માહિતી સર્વરમાં નહીં ગઈ હોય, તો તે ફોનમાંથી ભૂંસાઈ જશે. એટલે કે તેનું ક્યાંય નામોનિશાન નહીં રહેઃ ફોનમાં પણ નહીં ને સર્વરમાં પણ નહીં. 
  • સર્વરમાં સંઘરાયેલી કોરોના-પૉઝિટિવની કે કોરોના-પૉઝિટિવ ન હોય (તેનો મતલબ કદાચ એવો હશે કે પૉઝિટિવ ન હોય, પણ શંકાસ્પદ હોય) તેમની માહિતી પણ સર્વર પર અપલોડ થયાના ૪૫ દિવસ પછી સર્વરમાંથી ડીલીટ કરવામાં આવશે. 
  • પૉઝિટિવ જાહેર થયેલી વ્યક્તિની માહિતી વ્યક્તિ સાજી થઈ ગયાનું જાહેર થયાના સાઠ દિવસ પછી સર્વરમાંથી ડીલીટ કરવામાં આવશે. 
  • ડેટા ફક્ત ભારત સરકાર સાથે જ શૅર કરવામાં આવશે અને કોઈ ત્રીજા પક્ષને તે કોઈ પણ સંજોગોમાં અપાશે નહીં. 
  • નામ અને નંબર લોકો સમક્ષ ક્યારેય જાહેર કરવામાં નહીં આવે, તેની ખાતરી આપવામાં આવી છે. 
  • સર્વરમાં એકઠી કરાયેલી માહિતી કોરોનાને લગતી બાબતો સિવાય બીજી કોઈ રીતે વાપરવામાં નહીં આવે તેની પણ બાંહેધરી આપવામાં આવી છે.
  • આ માહિતી એપધારકનું એકાઉન્ટ રહે ત્યાં સુધી સર્વર પર રહેશે. ત્યાર પછી પણ કાયદેસરની જરૂરિયાત હશે એટલા સમયગાળા સુધી રહેશે, એવું એપની પ્રાઇવસી પોલિસીમાં લખ્યું છે. તેનો અર્થ સ્પષ્ટ થતો નથી.
  • કોઈ પણ તબક્કે બ્લુ ટૂથ કે જીપીએસ બંધ કરીને અથવા એપ અનઇન્સ્ટોલ કરીને તેનો ઉપયોગ બંધ કરી શકાય છે.  
  • સંપર્કમાં આવેલી વ્યક્તિ કોરોના-પૉઝિટિવ છે કે નહીં, તે અંગેની માહિતીની ચોક્સાઈ માટે સરકાર કોઈ રીતે જવાબદાર નહીં ગણાય. વ્યક્તિની માહિતીના કોઈ પણ પ્રકારના અનધિકૃત એક્સેસ (દા.ત. હૅકિંગ) કે તેમાં થતા ફેરફાર માટે પણ સરકાર જવાબદાર નહીં ગણાય.
એપની કાર્યપદ્ધતિ અને માહિતીની સલામતી વિશે આટલી લાંબી કથા પરથી કેટલાક મુદ્દા કોઈ પણ પ્રકારના ગુંચવાડા વિના સ્પષ્ટ થાય છેઃ
  1. આ એપ તો જ ઉપયોગી નીવડે, જો કોરોના-પૉઝિટિવ કે કોરોના-સંદેહાસ્પદ વ્યક્તિની ઓળખ થઈ ચૂકી હોય અને એપમાં આ માહિતી નોંધાયેલી હોય. કોરોના-પૉઝિટિવની ઓળખ સરકારી રાહે થઈ ચૂકી હોય-એપમાં નોંધાઈ ચૂકી હોય, તો પછી મોટે ભાગે તેમના બહાર ખુલ્લામાં ફરવાનો પ્રશ્ન રહેતો નથી. એવું જ, સંદેહાસ્પદ માટે પણ. સરકારી તંત્રને જાણ થાય કે કોરોના-પૉઝિટિવ વ્યક્તિ આટલા લોકોના સંપર્કમાં આવી ચૂકી છે, તો તંત્ર પોતે જ તેવા લોકોને ક્વૉરન્ટીન કરવા માટેનાં પગલાં લેતું હોય છે. એવા લોકો પણ અજાણ્યા રહીને બહાર ખુલ્લામાં હરીફરી શકે અને ચેપ ફેલાવે, એવી સંભાવના સાવ ઓછી રહે છે. 
  2.  વ્યક્તિ કોરોના-પૉઝિટિવ કે કોરોના સંભવિત હોય અને તે એપથી પણ છુપાવે, તો તેમાં એપ કશી મદદ કરી શકે નહીં. તે નકામું બની જાય. એવા સંજોગોમાં બીજા લોકોને પણ આ વ્યક્તિથી કોઈ પ્રકારે ચેતવણી મળે નહીં.
  3. ઘણા કિસ્સામાં કોરોના-પૉઝિટિવ વ્યક્તિમાં કોઈ પ્રકારનાં બાહ્ય લક્ષણ દેખાતાં નથી. એવા સંજોગોમાં વ્યક્તિને પોતાને જાણ ન હોય કે તે કોરોના-પૉઝિટિવ છે. આવી જાણ ત્યારે જ થાય, જ્યારે મોટા પાયે ટેસ્ટ કરવામાં આવે. જાણ ન થાય ત્યાં સુધી આ એપ કંઈ કામ ન લાગે. 
  4. ફોનમાં બીપ-બીપ વાગે કે ન વાગે, એપ હોય કે ન હોય, વ્યક્તિએ નાક અને મોઢાને ચસોચસ ઢાંકતો માસ્ક દોરીએથી પકડીને બાંધ્યો હોય, તેને દોરીએથી પકડીને જ છોડે, આગળના ભાગે હાથ ન લગાડે અને માસ્કને સાબુના પાણીથી ધોઈને-સૂકવીને તેને વાપરે, તો તે સૌથી અગત્યનું રક્ષણ બની શકે છે. માસ્ક યોગ્ય રીતે પહેરવો જરૂરી છે. ત્યાર પછી પણ તેનાથી સોએ સો ટકા બચાવ થાય, એવું જરૂરી નથી. પણ સૌથી સરળ અને અસરકારક પદ્ધતિ તરીકે સતત સાબુથી હાથ ધોતા રહેવાનો અને માસ્કનો કોઈ વિકલ્પ નથી. એપ તો નહીં જ.
  5. માહિતીની સુરક્ષિતતાની ચિંતા આમેય ફેસબુક જેવાં અનેક ઠેકાણે ન કરતાં ન હોઈએ, તો આરોગ્ય સેતુ એપ માટે એ પિંજણમાં ઝાઝું પડવા જેવું નથી. સરકારોની આપખુદશાહી અને જાસૂસીપ્રિય મથરાવટી જોતાં એ ચર્ચાનો મુદ્દો બેશક હોઈ શકે છે, પણ આ ચર્ચામાં તે મુખ્ય મુદ્દો નથી.
હવે વારો સરકારી અને સરકારપ્રેમીઓના દાવાનો. આવી બાબતમાં સરકારપ્રેમ કે સરકારવિરોધ કશું ચાલે નહીં. તથ્યોના આધારે જ નિર્ણય લેવો પડે. સૌ પોતાની જાતે એ નિર્ણય લઈ શકે, એટલા માટે સીધેસીધું વિશ્લેષણ આપવાને બદલે, તથ્યો આપવામાં આટલી જગ્યા રોકી. હજુ વિશ્લેષણનાં પરિણામ સુધી જતાં પહેલાં, વધુ એક-બે મહત્ત્વની વિગતો. 

‘ઇકોનોમિક ટાઇમ્સના ૨૪ ડિસેમ્બર, ૨૦૧૯’ના અહેવાલ પ્રમાણે ભારતમાં સ્માર્ટ ફોન વાપરનારાની કુલ સંખ્યા ૪૫ કરોડ છે (બીજા ૫૫ કરોડ લોકો સ્માર્ટ નહીં એવા, સાદા ફીચર ફોન વાપરે છે, જેમાં એપ ડાઉનલોડ થઈ શકતું નથી). માટે, ભારતમાં આરોગ્ય સેતુ એપના મહત્તમ ૪૫ કરોડ ડાઉનલોડ થઈ શકે. ત્યાર પછીના ત્રણ મહિનામાં થયેલી સ્માર્ટ ફોનની ખરીદી ગણો તો પણ વધી વધીને પ૦ કરોડથી ઉપર સ્માર્ટ ફોન ન થાય. તેની સામે ભારતની વસતિ આશરે ૧ અબજ ૩૮ લાખ છે. એટલે અજય દેવગણે ઉત્સાહમાં આવી જઈને એપ માટે કરેલો ‘પ્રત્યેક ભારતીય માટે વ્યક્તિગત અંગરક્ષક’નો દાવો જૂઠો છે અને વડા પ્રધાનને અપાયેલાં અભિનંદનમાંથી પણ એટલું મોટું ડિસ્કાઉન્ટ કાપી લેવાનું રહે છે. 

કેટલાક અહેવાલોમાં આરોગ્ય સેતુ વિશ્વનું સૌથી વધુ ડાઉનલોડ થયેલું એપ હોવાનું જણાવાય છે. માંડ ત્રણ અઠવાડિયાંમાં સાડા સાત કરોડ ડાઉનલોડનો આંકડો પ્રભાવશાળી છે, પરંતુ ‘સૌથી વધુ ડાઉનલોડ’ની વાત સાચી નથી. ફેસબુક-ટ્વીટર-ઇન્સ્ટાગ્રામ-ટિકટોક કે વિન્ડોઝની વર્ડ-એક્સેલ જેવી લોકપ્રિય સુવિધાઓ તો ઠીક, બીજાં ઘણાં એપ પચાસ કરોડથી એક અબજ કે તેથી પણ વધુ ડાઉનલોડ ધરાવે છે. (સપ્ટેમ્બર, ૨૦૧૯માં એક અબજથી પાંચ અબજ ડાઉનલોડ ધરાવતાં ૪૫ એપ હતાં.)

એપ માટે કરાતા ‘પર્સનલ બૉડીગાર્ડ’ કે ‘સાત કરોડ લોકોના બૉડીગાર્ડ’ હોવાના દાવા મૅડિકલ સાયન્સની દૃષ્ટિએ અને ભાષાની દૃષ્ટિએ પણ ખોટા છે.
  1.  ઉત્તમમાં ઉત્તમ સંજોગોમાં આ એપ કોરોના-પૉઝિટિવ વ્યક્તિની હાજરી છતી કરીને ચેતવણી આપે છે. કોઈ પણ રીતે (માસ્ક કે સાબુથી હાથ ધોવાની જેમ) એપધારકનું સીધું રક્ષણ કરતું નથી. ચેતવણી આપનાર અને બૉડીગાર્ડ એક જ ન ગણાય, એવું બૉડીગાર્ડોની ફોજ લઈને ફરતા વીવીઆઇપીઓને સમજાવવું પડે? 
  2. એપ કોરોના-પૉઝિટિવ કે કોરોના-શંકાસ્પદ વ્યક્તિની હાજરી છતી કરી શકે, તેના માટે પણ અનેક ‘જો’ અને ‘તો’ છે, જેનું લેખમાં વિગતે વર્ણન કર્યું છે. તેમના વિના કોરોના-પૉઝિટિવ કે કોરોના-સંભવિતની હાજરી છતી કરવાનું પણ એપ માટે શક્ય નથી. આટલાં મોટા ‘જો’ અને ‘તો’ને ગુપચાવીને આરોગ્ય સેતુને સુરક્ષાકવચ કે બૉડીગાર્ડ તરીકે જાહેર કરવાની ચેષ્ટા, સાચજૂઠનું ઝીણું કાંતવાની પરવા ન હોય એવી ચૂંટણીસભાઓમાં નભી જાય, પણ મૅડિકલ સાયન્સની દૃષ્ટિએ ટકે એવી નથી.
  3. ‘કોરોના તમને સ્પર્શ કરે એ પહેલાં જ આરોગ્ય સેતુ તમને ચેતવી દેશે’—આ સરકારી દાવો પણ મૅડિકલ સાયન્સની દૃષ્ટિએ ખોટો છે. સરકારી જાહેરખબરની મુશ્કેલી જ આ છે. તેમાં મૅડિકલ સાયન્સની વાત વાયદાબાજીની-આંબાઆંબલી બતાવવાના અંદાજમાં લખાઈ છે. તેમાં સચ્ચાઈના ટોપકાની પાછળ રહેલા ‘જો’ અને ‘તો’ના તોતિંગ પહાડને ઢાંકી દેવામાં આવ્યો છે. આ જ કારણથી સરકારી જાહેરખબરમાં કરાયેલો દાવો ‘રોગને ઉગતો ડામવાનો એક માત્ર સરળ ઉપાય એટલે આરોગ્ય સેતુ એપ’— એ પણ મૅડિકલ સાયન્સની દૃષ્ટિએ ખોટો છે.
  4. રાજ્યના નાયબ મુખ્ય મંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલના નામે સરકારી જાહેરખબરમાં કહેવાય છે, ‘કોરોનાથી બચવું હોય તો, આજે અત્યારે જ તમારા મોબાઇલમાં આરોગ્યસેતુ એપ ડાઉનલોડ કરો અને સુરક્ષિત થઈ જાઓ.’ આ વાંચીને કોઈને પણ એવી જ છાપ પડે કે આરોગ્ય સેતુ એપ એવી કોઈ ચમત્કારિક ચીજ છે, જેને ડાઉનલોડ કરવા માત્રથી સુરક્ષિત થઈ જવાશે. સરકારી એપના પ્રચાર માટે, રાજ્યના આરોગ્ય મંત્રીના નામે આવો ગેરરસ્તે દોરનારો સંદેશો પ્રગટ થયા કરે, તે કેટલું ગંભીર અને બેજવાબદાર કહેવાય? 
સાર
આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવું હોય તો કરાય. પણ તેને પર્સનલ બૉડીગાર્ડ કે સુરક્ષાકવચ ગણીને હોંશીલા કે નિશ્ચિંત ન થઈ જવાય. આપણે ત્યાં (૧) એટલા ટેસ્ટ જ નથી થયા અને (૨) એટલી સંખ્યામાં સ્માર્ટ ફોન પણ નથી કે જેથી બધા કોરોનાગ્રસ્ત કે કોરોના-સંભવિતોની ચેતવણી એપ થકી મળી શકે. આરોગ્ય સેતુ એક એપ છે. તે ટૅક્નોલોજીથી ચાલે છે. તે જાદુ નથી અને પ્રેમ કે ભક્તિથી ચાલતું નથી.

તા.ક. 
ગોવા, મહારાષ્ટ્ર, તામિલનાડુ, પુડ્ડુચેરી, પંજાબ, કર્ણાટક જેવાં રાજ્યો અને દુનિયાના બીજા દેશોમાં પણ આરોગ્ય સેતુ પ્રકારનાં એપ ટૅક્નોલોજીના સાધારણ ફેરફાર સાથે કાર્યરત છે. એપલ અને ગુગલ જેવી બે ધરખમ કંપનીઓએ પણ આ પ્રકારના એપ માટે હાથ મિલાવ્યા છે. આ બધાં એપનો મૂળ આશય ચેપગ્રસ્ત વ્યક્તિનું પગેરું દાબીને, તેના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને ઓળખવાનું અને તેમના સ્તરેથી રોગનો ફેલાવો વધતો અટકાવવાનું છે. ક્યાંક એપમાં એલર્ટની (બીપ-બીપ વાગવાની) વ્યવસ્થા છે, તો ક્યાંક સરકાર સીધું જ મોબાઇલ ફોનનું મોનિટરિંગ કરીને સંપર્કની વિગતો મેળવી લે છે અને તે પ્રમાણે ચેપ રોકવાનાં પગલાં લે છે. પરંતુ એપની સફળતાનો આધાર લેખમાં વિગતે ચર્ચેલી બાબતો પર રહેલો છે. એ બાબતો આરોગ્ય સેતુ જેટલી જ, એ પ્રકારનાં બીજાં એપને પણ લાગુ પડે છે. કેમ કે, તે રાજકારણને લગતી નહીં, એપની કાર્યપદ્ધતિને લગતી છે.

4 comments:

  1. વિગતવાર માહિતી આપવા માટે ધન્યવાદ

    ReplyDelete
  2. મૂકા ને એમ હતું કે આ એપ કોરોના પોઝિટિવ દર્દીને ઓળખી લે અને આપણા મોબાઈલમાં બીપ સંભળાય, પછી ભલે ને સામે મોબાઈલ ના પણ હોય!

    ReplyDelete
  3. સર., આ એપ પેલી નોટ સ્કેનર થી વિશેષ કાંઈ નથી..

    ReplyDelete
  4. સરસ તર્ક બધ્ધ માહિતી આપવા માટે તમારો આભાર

    ReplyDelete