Tuesday, April 30, 2013

અસ્પૃશ્યતાઃ રાજકીય, સામાજિક અને સગવડિયા

ગુજરાતના મુખ્ય મંત્રીએ ૨૫ એપ્રિલના રોજ કેરળ મુલાકાત દરમિયાન જાહેર કર્યું કે ‘આઘ્યાત્મિક નેતાઓ અને સુધારકોના પ્રતાપે સામાજિક જીવનમાંથી અસ્પૃશ્યતાનું મહાદૂષણ ઘણી હદે નાબૂદ થઇ ચૂક્યું છે, પણ રાજકીય અસ્પૃશ્યતા વધી રહી છે.’

આવાં ચબરાકીયાં વિધાન પછી તાળીઓના ગડગડાટ સિવાય બીજી શી અપેક્ષા હોય? અને થયું પણ એવું જ. મુખ્ય મંત્રીના અસરકારક ‘મીડિયા મેનેજમેન્ટ’ (એનો ગુજરાતી અનુવાદ શોભાસ્પદ નહીં હોવાથી લખ્યો નથી)ના પ્રતાપે તેમનું આ વિધાન ટીવી ચેનલોમાં અને અખબારોમાં મથાળા તરીકે ચમકી ગયું. તેમનાં બીજાં ઘણાં વિધાનોની જેમ આ વિધાન પણ નકરું ખોખલું, જૂઠું, ગેરરસ્તે દોરનારું અને સ્વકેન્દ્રી હતું. આ વિશેષણ આકરાં લાગ્યાં હોય તો નારાજ થઇ જવાની જરૂર નથી. વધારે વિગત વાંચ્યા પછી બને કે તમને પણ તમારા તરફથી બીજાં બે-ચાર વિશેષણ ઉમેરવાનું મન થાય.

સરકારી ઢાંકપિછોડો

સૌથી પહેલાં અસ્પૃશ્યતાની વાત કરીએ. મુખ્ય મંત્રી છેલ્લાં બાર વર્ષથી અને ત્રણ મુદતથી જ્યાં એકચક્રી શાસન કરે છે એ ગુજરાતમાં અસ્પૃશ્યતાની સ્થિતિ શી છે?

વર્ષ ૨૦૦૭માં ગુજરાત સરકારના સફાઇ કામદાર વિકાસ નિગમના કહેવાથી  મુંબઇની પ્રતિષ્ઠિત ‘તાતા ઇન્સ્ટિટ્યુટ ઓફ સોશ્યલ સાયન્સીસ’ દ્વારા ગુજરાતમાં મળસફાઇ અંગેનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. ગુજરાત સરકારે હાઇકોર્ટમાં ગાઇવગાડીને કહી દીઘું હતું કે રાજ્યમાં  કોઇ વ્યક્તિ હાથથી મળસફાઇના કામમાં રોકાયેલી નથી. પરંતુ તાતા ઇન્સ્ટિટ્યુટનો અહેવાલ જુદાં તારણ લઇને આવ્યો. દસ હજારથી વઘુ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ૧૨,૫૦૬ દલિતો મળસફાઇ સાથે સંકળાયેલા હોવાનું તેમાં જણાયું. તેમાંથી ૪,૩૩૩ લોકો આ કામ કરનારા અને બાકીના કુટુંબીજન તરીકે તેમને આ કામમાં મદદરૂપ થતા હતા, એવું સર્વેક્ષણમાં જાણવા મળ્યું. એટલું જ નહીં, આ કામ કરનારા લોકોમાંથી ૯૦ ટકાને હાથમોજાં, માસ્ક સહિત કોઇ પણ પ્રકારનાં સુરક્ષા સાધન પૂરાં પડાતાં નથી, એવું પણ તેમાં જાહેર થયું.

તાતા ઇન્સ્ટિટ્યુટનો અહેવાલ સરકારે હાઇકોર્ટમાં કરેલા દાવાની પોલ ખુલ્લી પાડી દેનારો હતો. એટલે સરકારે બેશરમીપૂર્વક અહેવાલનો અસ્વીકાર કર્યો અને તેના આંકડા સાથે અસંમતિ પ્રગટ કરી. તત્કાલીન સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રમણલાલ વોરાએ મળસફાઇ સાથે સંકળાયેલા લોકોની વ્યાખ્યા અંગે જ વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે ‘અહેવાલમાં જાહેર શૌચાલયો સાફ કરનારા તમામ સફાઇ કામદારોને પણ ગણતરીમાં લેવાયા છે, જ્યારે વાસ્તવમાં સૂકાં જાજરૂમાંથી હાથ વડે મળસફાઇ કરવાની પ્રથા ગુજરાતમાંથી નાબૂદ થઇ ચૂકી છે.’ બીજી વાત છોડો, આવું કહેતી વખતે મંત્રીશ્રીને એ ખબર હશે ખરી કે ગુજરાતમાં કેટલાં જાહેર જાજરૂમાં પાણીની સુવિધા હોય છે? અથવા કામ કરતી હોય છે?

‘નવસર્જન’ અને ‘રોબર્ટ એફ.કેનેડી સેન્ટર ફોર જસ્ટિસ એન્ડ હ્યુમન રાઇટ્‌સ’ દ્વારા થયેલા શાસ્ત્રીય અભ્યાસમાં ગુજરાતનાં ૧,૫૮૯ ગામના ૫,૪૬૨ લોકોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું. તેની પરથી વર્ષ ૨૦૧૦માં ગુજરાતીમાં ‘આભડછેટની ભાળ’ અને અંગ્રેજીમાં ‘અન્ડરસ્ટેન્ડિંગ અનટચેબિલિટી’- નામે અહેવાલ તૈયાર થયો. તેમાંથી જાણવા મળે છે કે ગુજરાતમાં દલિતો-બિનદલિતો વચ્ચે આભડછેટના- હા, એક યા બીજા પ્રકારની અસ્પૃશ્યતાના- ૯૦થી પણ વઘુ પ્રકારો વ્યવહારમાં જોવા મળે છે.

- અને મુખ્ય મંત્રી કેરળમાં જઇને  જાહેર કરે છે કે અસ્પૃશ્યતા મહદ્‌ અંશે નાબૂદ થઇ ગઇ છે. બીજા ઘણા લોકો પણ ઠાવકાં મોં રાખીને કહે છે, ‘એ બઘું તો પહેલાં હતું. હવે ક્યાં એવું રહ્યું છે?’

હજુરિયાઓ અને પોણીયા લોકોેથી ઘેરાયલા ઘણા સત્તાધીશોને એવો ભ્રમ થઇ જાય છે કે એ દિવસ કહે ત્યારે સૂરજ ઉગે છે ને રાત કહે ત્યારે સૂરજ આથમી જાય છે. ગુજરાતના મુખ્ય મંત્રીનું અસ્પૃશ્યતા વિશેનું નિવેદન ચબરાકી અને સ્વાર્થના વરવા સરવાળા જેવું છે. રાજકીય આભડછેટ પોતાનાં કરતૂતોનું પરિણામ છે અને સામાજિક આભડછેટ બીજાની ભેદભાવયુક્ત માનસિકતાનું પાપ છે, એટલો સાદો તફાવત પણ પ્રસિદ્ધિપ્રિય અને તાળીપ્રેમી મુખ્ય મંત્રી પાડી શકતા નથી.

અસ્પૃશ્યતા અને દલિતો પ્રત્યેના ભેદભાવ સ્વીકારવાની વાત આવે ત્યારે આ સરકાર કેવી શાહમૃગવૃત્તિ ધારણ કરે છે, તેનો વઘુ એક ઉત્તમ ઉધાર નમૂનો આ મહિને જોવા મળ્યો.

ઓમ શાંતિ શાંતિ

‘આભડછેટની ભાળ’ના અહેવાલ અંગે રાજ્યસ્તરે- જિલ્લા સ્તરે સરકાર દ્વારા કરાયેલી તપાસ, લેવાયેલાં નિવેદનોની નકલો અને સંબંધિત જિલ્લા સ્તરના અધિકારીઓના (અસ્પૃશ્યતા વિશેના) અહેવાલોની નકલો જેવા દસ્તાવેજ કર્મશીલ કિરીટભાઇ રાઠોડે માહિતી અધિકાર હેઠળ માગ્યા. તેનો અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામકની કચેરીએ તા.૪-૪-૨૦૧૩ના રોજ આપેલો જવાબ નમૂનેદાર હોવાથી અહીં શબ્દશઃ ઉતાર્યો છે. તેમાંથી સરકારી માનસિકતા સદંતર ઉઘાડી પડી જાય છે.

સરકારી કચેરીએ જણાવ્યું કે ‘આ માહિતી માહિતીધારા- ૨૦૦૫ના નિયમ ૮ (જ) હેઠળ આપી શકાય તેમ નથી. કારણ કે

૧) આ માહિતી આપવાથી ગામમાં શાંતિનો ભંગ થાય તેમ છે.
૨) ગામમાં સંવાદિતા જોખમાય તેવી સંભાવના છે.
૩) ગામનાં લોકો એકબીજી કોમને આધારિત જીવન જીવતા હોય છે. તેમાં સંબંધોમાં વિસંવાદિતા જોખમાય તેમ છે.
૪) જો કોઇ ગામમાં આભડછેટની બાબત સાબીત થાય તો ગામની શાંતિ, સુલેહ તથા સંવાદિતા જોખમાય તેવી દહેશત છે.
૫) ગામમાં જે વ્યક્તિએ નિવેદન આપેલ છે તે વ્યક્તિ ખુલ્લી પડે તો તેના ઉપર જોખમ આવી પડે તેમ છે.
૬) અમુક ગામમાં દલિતો પોતે પણ મંદિરપ્રવેશ ઇચ્છતા નથી તેમ જ ગામના વાળંદ વાળ ન કાપે તો નજીકના શહેરમાં જઇને પણ વાળ કપાવી ગામમાં સંઘર્ષ ટાળવાનો પ્રયાસ કરતા હોય છે.
૭) દલિતો તથા સવર્ણો એકબીજાને આધારિત જીવન જીવતા હોઇ, જેથી આ બાબતે દલિતોની રોજી છીનવાય તેવી શક્યતા રહે છે.

ઉપરોક્ત હકીકત નિગાહે લઇ માહિતી આપી શકાય તેમ નથી, જે ઘ્યાને લેવા નમ્ર વિનંતી છે.
(જાહેર માહિતી અધિકારી અને સંયુક્ત નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર વતી)
***

સંયુક્ત નિયામકશ્રીના પત્રનું ‘ગુજરાતી’ એવું થાય કે દલિતોની સ્થિતિ ગમે તેટલી ખરાબ હોય તો પણ, જાહેર શાંતિ ટકાવી રાખવા માટે સરકારે મૌન રહેવું જોઇએ અને ચૂપચાપ જે જેમ ચાલે છે તેમ ચાલવા દેવું જોઇએ. ગામમાં શાંતિ જળવાય એ વધારે અગત્યનું છે. સમાનતા-ફમાનતા તો સમજ્યા મારા ભાઇ.

આ ભાવનાને મુખ્ય મંત્રીની મનનીય ભાષામાં ‘સમરસતા’ પણ કહી શકાય. ‘સમરસતા’ એક એવી સમાનતાવિરોધી લાગણી છે, જેમાં સૌએ ઊંચનીચના ભેદભાવ મિટાવવાના નથી, પણ બાકીનાં જૂથોએ પોતાની ઓળખ ભૂંસીને સમાજનાં પ્રભાવી જૂથોનું શરણું સ્વીકારી લેવાનું છે અને તેમનામાં ઓગળી જવાનું છે. સમાનતાના મૂળભૂત આદર્શના પાયામાં ઘા કરતી આવી સમરસતાને વળી ગુજરાત સરકાર પુરસ્કાર આપે છે. જે ગામોમાં ચૂંટણી થયા વિના ઘરમેળે જ પસંદગીઓ થઇ જાય એવાં ગામને ગૌરવભેર ‘સમરસ’ જાહેર કરવામાં આવે છે, રોકડ પુરસ્કાર આપવામાં આવે છે અને ગામની બહાર ‘સમરસ ગામ ફલાણું આપનું સ્વાગત કરે છે’ એવાં પાટિયાં મૂકાય છે. શાનું ગૌરવ લેવાનું અને શાનાથી શરમાવાનું, એટલી પ્રાથમિક વિવેકબુદ્ધિ સરકારો તો ઠીક, ઘણા બિનસરકારી લોકો પણ ગુમાવી બેઠા છે એ ખેદની વાત છે.

અનુસૂચિત જાતિ કલ્યાણ પંચના સંયુક્ત નિયામકના ઉધાર પત્રમાંથી પણ ‘સમરસતા’ની ગંધ આવે છે. કારણ કે તેનો સૂર છેઃ ભેદભાવનો સ્વીકાર કરવા જતાં નકામું ધાંધલ થાય ને શાંતિ સર્જાય. એના કરતાં જે ચાલે છે તે ચાલવા દો અને સમાનતાની કે માનવ અધિકારોની વાત ન કરશો.

આટલેથી સંતોષ ન થતો હોય તેમ સંયુક્ત નિયામકશ્રી ભેદભાવને સરકારમાન્ય અને વાજબી ઠરાવે છે. પ્રશ્ન એ નથી કે દલિતો કોઇ મંદિરમાં જવા ઇચ્છે છે કે નહીં. પ્રશ્ન એ નથી કે ગામના વાળંદો વાળ ન કાપે તો દલિતો બીજે વાળ કપાવી આવે છે. પ્રશ્ન એ છે કે સરકાર આ બાબતોને કેવી રીતે જુએ છે? કાલે ઉઠીને અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક સાથે કે ગુજરાતના મુખ્ય મંત્રી સાથે કેવળ ચોક્કસ જ્ઞાતિના હોવાને કારણે ભેદભાવ રાખવામાં આવે તો? કોઇ વાળંદ એમના વાળ કાપવાની ના પાડી દે કે કોઇ એમને મંદિરમાં જતાં અટકાવી દે તો?   પોતાના ભૂતકાળને લીધે મુખ્ય મંત્રીને અમેરિકાના વિઝા મળતા ન હોય, એમાં એ અને એમના ટેકેદારો કેટલા આઘાપાછા થાય છે? તો પોતાના કોઇ વાંકગુના વિના, કેવળ ચોક્કસ જ્ઞાતિમાં જન્મવાને કારણે દલિતોના વાળ કાપવાની કોઇ વાળંદ ન પાડી દે કે કોઇ તેમને મંદિરમાં જતા અટકાવે, એ દલિતોનું અનેક ગણું વધારે મોટું અને કોઇ પણ કારણ વગરનું અપમાન નથી? છતાં, શાંતિ અને સંવાદિત જાળવી રાખવા માટે સરકારે એમાં કંઇ નહીં કરવાનું?

પણ અપમાનબોધ તો બાજુ પર રહ્યો, અનુસૂચિત જાતિ કલ્યાણ સંયુક્ત નિયામક દલિતોને લગભગ આ ભેદભાવ સહન કરી લેવાની અને જેમ ચાલે છે તેમ ચલાવવાની આડકતરી સલાહ આપે છે. પત્રમાં અંતે એવી ચીમકી પણ છે કે સમાનતા લેવા જતાં દલિતોએ રોજી ખોવાનો વારો આવશે. ખરેખર આવું થાય - જેને સાદી ભાષામાં ‘સામાજિક બહિષ્કાર’ કહેવાય અને જે કાયદા મુજબ ગુનો ગણાય છે- ત્યારે બહાદુર સરકાર અને તેના વડાપ્રધાન બનવા થનગની રહેલા મુખ્ય મંત્રી શું કરશે? પત્રનો સૂર તો એવો છે કે સરકાર દલિતોને ન્યાય અપાવવાને બદલે શાંતિ અને સંવાદિતાની માળા જપતી તમાશો જોયા કરશે.

ખરેખર, આ પત્ર બદલ ગુજરાત સરકારને શાંતિનું નોબેલ પારિતોષિક એનાયત ન થવું જોઇએ?

Sunday, April 28, 2013

કાનજીભાઇ રાઠોડઃ હવે ફક્ત ફિલ્મોના ઇતિહાસમાં

કાનજીભાઇ વિશેનો પહેલો લેખ  મૂક્યા પછી વચ્ચે સાર્થક પ્રકાશનને લગતા લેખોને કારણે લાંબો ઝોલ પડી ગયો. દરમિયાન કાનજીભાઇ વિશેનો બીજો લેખ ગુજરાત સમાચારની રવિપૂર્તિમમાં પ્રગટ થઇ ગયો હતો.. એ લેખ અને થોડી વધારાની તસવીરો)

ભારતીય ફિલ્મોના પહેલા ‘કમર્શિયલ ડાયરેક્ટર’ જન્મે ગુજરાતી દલિત કાનજીભાઇ રાઠોડ દક્ષિણ ગુજરાતના પોંસરા ગામના વતની હતા અને જીવનનાં છેલ્લાં વર્ષો તેમણે ત્યાં જ ગાળ્યાં. થોડા મહિના પહેલાં તેમનું સીઘુંસાદું મકાન પાડી નખાતાં કાનજીભાઇની છેલ્લી ભૌતિક યાદગીરી નષ્ટ થઇ. કાનજીભાઇના ગામ-ઘર-પરિવારની મુલાકાતની થોડી વઘુ વિગતો
***

ભારતીય ફિલ્મઉદ્યોગના પહેલા કમર્શિયલ ડાયરેક્ટર કાનજીભાઇ રાઠોડ હતા, એ વાત ફિલ્મ ઇતિહાસકારો એક અવાજે સ્વીકારે છે. કાનજીભાઇના આ દરજ્જા વિશે વિચારતાં સૌથી સ્વાભાવિક સવાલ એ થાય કે દલિત પરિવારના હોવા છતાં, એ ૧૯૨૦ના દાયકામાં આ સિદ્ધિ શી રીતે મેળવી શક્યા હશે? ગાંધીજીની રાષ્ટ્રવ્યાપી હરિજનયાત્રાને ત્યારે વાર હતી. ડો.આંબેડકરનો સિતારો ઉગી રહ્યો હતો. આભડછેટ-અસ્પૃશ્યતાનું તો પૂછવું જ શું? કાનજીભાઇની વિગતો મેળવવા માટે ગયા વર્ષના જૂન મહિનામાં નવસારી-પૌંસરાની મુલાકાત લીધી, ત્યારે કાનજીભાઇના દૂરના સગા ગોપાળભાઇ માસ્તરે વાતવાતમાં કહ્યું હતું કે નવસારીમાં ગીતાજ્ઞાનયજ્ઞના કાર્યક્રમ માટે હોલ માગ્યો  ત્યારે તેમને (દલિત હોવાને કારણે) હોલ મળ્યો ન હતો. એકવીસમી સદીના બીજા દાયકામાં આ સ્થિતિ હોય, તો વીસમી સદીના બીજા-ત્રીજા દાયકા વિશે કલ્પના કરવાની રહી.

તેમ છતાં, નોંધપાત્ર હકીકત એ પણ જાણવા મળી કે એ વિસ્તારના ઘણા દલિતો મુંબઇ ફિલ્મઉદ્યોગમાં કે સંબંધિત ક્ષેત્રોમાં સક્રિય હતા અને કારકિર્દી બનાવી શક્યા હતા. એવાં કેટલાંક નામઃ લાલજીભાઇ આર્ય, રામજીભાઇ આર્ય, ભૂલસિંઘભાઇ, રાવજીભાઇ, મહેશ ચૂનાવાલા. આ યાદીમાંના એક ૮૪ વર્ષના રમેશભાઇ ડી. પટેલ નવસારીમાં રહે છે.  મહાત્મા ગાંધી વિશે વિઠ્ઠલભાઇ ઝવેરીએ બનાવેલી દસ્તાવેજી ફિલ્મ ‘મહાત્મા-લાઇફ ઓફ ગાંધી’માં રમેશભાઇએ એડિટર તરીકેની મહત્ત્વની જવાબદારી  નિભાવી હતી. આ કામ નિમિત્તે ગાંધીજીના પુત્ર દેવદાસ ગાંધી, પુત્રવઘુ રાજલક્ષ્મી અને મીરાબહેન (મેડલીન સ્લેડ)ના નિકટસંપર્કમાં તે આવ્યા. મીરાબહેન (મેડલીન સ્લેડ) વિશે તેમણે દસ્તાવેજી ફિલ્મ (‘વેસ્ટર્ન ડીસીપલ ઓફ એન ઇસ્ટર્ન સેઇન્ટ’) બનાવી હતી, જેનું ખાસ પ્રદર્શન રાષ્ટ્રપતિભવનમાં રાખવામાં આવ્યું હતું. ફિલ્મ્સ ડિવિઝનમાં ચીફ એડિટર તરીકેનો હોદ્દો શોભાવનાર રમેશભાઇએ ૧૯૯૦માં ‘લંડન ગાંધી ફાઉન્ડેશન’ના પ્રમુખ રીચાર્ડ એટેનબરોના આમંત્રણથી બ્રિટનયાત્રા કરી હતી.

(ડાબેથી) ગોપાળભાઇ અને રમેશભાઇ પટેલ (ફોટોઃ ઉર્વીશ કોઠારી)
L to R: Gopalbhai and Rameshbhai Patel (pic: Urvish Kothari)

મુંબઇમાં દલિતોની સ્વીકૃતિ માટે જવાબદાર એક પરિબળ હતું : પારસીઓ અને અંગ્રેજોની વસતી. દક્ષિણ ગુજરાતનાં ઘણાં દલિત પરિવારોમાંથી પિતા મુંબઇમાં કોઇ અંગ્રેજ કે પારસી સાહેબને ત્યાં ઘરકામ કરવા જાય. અંગ્રેજો અને પારસીઓને આભડછેટનો પ્રશ્ન ન હતો. એટલે દલિતોને કામે રાખવામાં તેમને ખચકાટ ન હતો. પિતા આવી રીતે મુંબઇમાં હોય, એટલે બાળકો પણ વેકેશનમાં મુંબઇ જાય અને એમ કરતાં ત્યાં કંઇક કામધંધો શોધી કાઢે. એક વાત પ્રમાણે, કાનજીભાઇ રાઠોડના એક સગા ભીખાભાઇ ધનજીભાઇ મુંબઇમાં ફોટોગ્રાફી કરતા હતા. એક પિતરાઇ ભાઇ દેવજીભાઇ મહેતા કોઇ કંપનીમાં મેનેજરના મોભાદાર હોદ્દે હતા. એવું પણ જાણવા મળ્યું કે કાનજીભાઇએ મુંબઇમાં પોતાની અટક ઝવેરી રાખી હતી અને દલિત તરીકેની ઓળખ પ્રગટ ન થાય તેનું ઘ્યાન રાખતા હતા. અલબત્ત, તેમણે નિર્દેશીત કરેલી ફિલ્મોની જાહેરાતમાં કાનજીભાઇનું નામ ‘મિ.કાનજીભાઇ રાઠોડ’ જોવા મળે છે. એટલે તેમણે ઝવેરી અટક ક્યાં રાખી હશે, એ જાણવા મળતું નથી.

મુંબઇમાં કાનજીભાઇ રાઠોડનો કેવો વટ હશે એ તેમના કામના જથ્થા પરથી કલ્પી શકાય છે. ૧૯૨૦માં અભિનેતા તરીકે તેમની કારકિર્દી શરૂ થઇ અને ૧૯૨૧થી ૧૯૩૦ સુધીમાં તેમણે માણેકલાલ પટેલની ‘કૃષ્ણ ફિલ્મ કંપની’ની ૨૨ મૂંગી ફિલ્મો સહિત કુલ ૫૯ મૂંગી ફિલ્મોનું ડાયરેક્શન કર્યું. હરીશ રધુવંશીના સંશોધન પ્રમાણે, ૧૯૩૧થી બોલતી ફિલ્મો શરૂ થયા પછી ૧૯૪૦ સુધીમાં તેમણે ૧૬ બોલતી હિંદી ફિલ્મો ડાયરેક્ટ કરી અને ૧૯૪૯માં ‘શેઠનો સાળો’ નામે એક ગુજરાતી ફિલ્મનું ડાયરેક્શન કર્યું. કુલ ૭૬ ફિલ્મોના ડાયરેક્ટર એવા કાનજીભાઇ નીતાંત મુંબઇગરા હતા. તેમની બોલીમાં દક્ષિણ ગુજરાતી છાંટ ન હતી, એવું તેમને પાછલાં વર્ષોમાં મળેલા લોકો પાસેથી જાણવા મળ્યું.

કાનજીભાઇએ બે લગ્ન કર્યાં હતાં. પહેલાં પત્ની વેજલપોરનાં કાન્તાબહેન અને બીજાં પત્ની સાવેજ ગામનાં ગંગાબહેન. કાંતાબહેન સાથે ગામમાં પરંપરાગત વિધિસર લગ્ન થયેલાં, જ્યારે ગંગાબહેન સાથે મુંબઇ આર્યસમાજમાં લગ્ન થયાં. ગંગાબહેન-કાનજીભાઇને સંતાનમાં એક પુત્ર હતોઃ સુરેશ. કાનજીભાઇના દૂરના સગા ગોપાળભાઇના જણાવ્યા પ્રમાણે, સુરેશ ૧૬ વર્ષનો હતો ત્યારે તેને શીતળા થયા. કાનજીભાઇ બાધા-આખડીમાં માનતા ન હતા. ‘ફોરવર્ડ’ હતા. તેમણે સુરેશને આર્થરરોડ હોસ્પિટલમાં દાખલ કર્યો, પરંતુ એ બચ્યો નહીં.

ફિલ્મોમાં સક્રિય કારકિર્દી પૂરી થયા પછી તે ધીરુભાઇ દેસાઇના ‘ચન્દ્રકલા પિક્ચર્સ’માં પ્રોડક્શન મેનેજર તરીકે જોડાયા. હરીશભાઇએ આપેલી માહિતી પ્રમાણે, મુકેશના યાદગાર ગીત ‘સારંગા તેરી યાદમેં’થી જાણીતી ફિલ્મ ‘સારંગા’ (૧૯૬૦)માં કાનજીભાઇ પ્રોડક્શન મેનેજર હતા. તેમના પુત્રનું મૃત્યુ ક્યારે થયું તે ચોક્કસ જાણવા મળતું નથી, પરંતુ પુત્રના મૃત્યુ પછી તે અને ગંગાબહેન પોંસરા રહેવા આવી ગયાં. પોંસરાનું ઘર અસલમાં હવેલી જેવું હતું. મુંબઇ રહેતા ત્યારે ક્યારેક પોંસરા આવતા કાનજીભાઇ ખાદીનું ધોતિયું-કફની, ચશ્મા અને ગોળ ખાખી હેટ પહેરતા અને અંગ્રેજી પણ બોલતા. ટ્રેનમાં મુંબઇથી મરોલી સ્ટેશને ઉતરીને, ત્યાંથી ઘોડાગાડી (ટાંગો) કરીને પોંસરા આવતા, જે એ જમાનામાં વૈભવી હોવાની નિશાની ગણાતી હતી.
Entrance of Kanjibhai Rathod's house at Ponsara
where he breathed his last, (photo: urvish kothari,

10 june, 2012) /હવે જમીનદોસ્ત થયેલા 
કાનજીભાઇના ઘરનું પ્રવેશદ્વાર (ફોટોઃ ઉર્વીશ કોઠારી)

કાયમ માટે મુંબઇ છોડીને પોંસરા આવી ગયા પછી કાનજીભાઇની આવકનું કશું સાધન ન હતું. ગોપાળભાઇના જણાવ્યા પ્રમાણે તેમણે ચાર-પાંચ મરઘી પાળી હતી અને તેનાં ઇંડાં વેચીને ગુજરાન ચલાવતા હતા. હવેલીનો ઉપરનો ભાગ તોડીને તેનો કાટમાળ વેચી દીધો હતો. પછી રહી ગયા હતું નીચેનું કાચું-લીંપણવાળું ઘર અને તેની આસપાસની ખુલ્લી જગ્યા. ગયા વર્ષના જૂનમાં પોંસરાની મુલાકાત લીધી ત્યારે એ ઘરમાં કાનજીભાઇના નાના ભાઇ પ્રેમાભાઇનાં પુત્રવઘુ ગંગાબહેન અને તેમનો પુત્ર દિનેશભાઇ રહેતાં હતાં. ગંગાબહેન પરણીને આવ્યા ત્યારે કાનજીભાઇ હયાત હતા, પણ એ કાનજીભાઇને ફિલ્મોમાં પ્રચંડ પ્રદાન કરનાર ‘મિ.કાનજીભાઇ રાઠોડ’ સાથે જાણે કશો સંબંધ ન હતો.

Gangaben, wife of Kanjibhai's nephew and
Dinesh (Gangaben's son) in Kanjibhai's house

(photo: Urvish Kothari, 10 june, 2012) 
કાનજીભાઇના ઘરમાં ઉભેલાં તેમનાં ભત્રીજાવહુ
ગંગાબહેન અને પુત્ર દિનેશભાઇ (ફોટોઃ ઉર્વીશ કોઠારી)
કાનજીભાઇનાં ભત્રીજાવહુ ગંગાબહેન સાથેની વાતચીતમાંથી જાણવા મળ્યું કે ઘરમાં તેમની ભવ્ય ફિલ્મી કારકિર્દીને લગતી કોઇ સ્મૃતિ બચી ન હતી. માનસન્માન તો ક્યાંથી હોય? પણ ફિલ્મોને લગતી કોઇ સામગ્રી સુદ્ધાં ન હતી. ગંગાબહેન પાસેથી કાનજીભાઇની મૃત્યુતારીખ જાણવા મળીઃ ૩૧ ડિસેમ્બર, ૧૯૭૦. પોંસરાથી થોડે દૂર આવેલા વાડા ગામના સ્મશાને, મિંઢોળા નદીના કિનારે કાનજીભાઇ જગાભાઇ રાઠોડની અંતિમ વિધિ થઇ.

છેલ્લાં વર્ષોમાં ધ્રૂજતા અવાજે ‘ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી...એક જ દે ચિનગારી’-  એ ગીતથી ગામલોકોને યાદ રહી ગયેલા કાનજીભાઇએ ફિલ્મોના આરંભકાળે જે ચિનગારી પ્રગટાવી હતી, તેની પર સમયની રાખ ફરી વળી છે. કાનજીભાઇના પોંસરાના મકાન વિશે ભાળ આપનાર નવનીતભાઇ ડાહ્યાભાઇ પટેલે આપેલી છેલ્લી માહિતી પ્રમાણે, કાનજીભાઇની છેલ્લી યાદગીરી જેવું મકાન પણ થોડા મહિના પહેલાં જમીનદોસ્ત કરી નાખવામાં આવ્યું છે. એટલે, અહીં છપાયેલી મકાનની તસવીરો હવે કાનજીભાઇની એકમાત્ર યાદગીરી તરીકે રહી ગઇ છે.

(કાનજીભાઇની તસવીરો કે મુંબઇ અને રાજકોટની ફિલ્મકંપનીઓમાં તેમની કામગીરી વિશેની માહિતી- સંપર્કસેતુ કોઇ પણ વાચકોની જાણમાં હોય તો એ વિશે જાણ કરવા વિનંતી છે.)

Thursday, April 25, 2013

બે પેરડીઃ આ જ બાકી હતું...

છેલ્લા એકાદ વર્ષથી જાણે બધાં ન કરવાનાં કામ સાથે કરી નાખવાની પ્રતિજ્ઞા લીધી હોય એવું લાગે છે. :-) પહેલાં વિદ્યાર્થી બન્યો, પછી પહેલી વાર નાટકમાં ભાગ લીધો ને મંચ પરથી નાટક કર્યું, એટલું ઓછું હોય તેમ એમાં ગીતો પણ ગાયાં, પછી પ્રકાશક બન્યો અને હવે..

ગઇ કાલે કોલેજમાં આખા દિવસનો ન્યૂ મીડિઆ વિશેનો એક સેમિનાર અને છેલ્લે `મીડિઆ મુશાયરો` હતો. તેમાં બે કવિતાઓ- બલ્કે, જૂની ક્લાસિકલ કવિતાઓની મીડિઆકેન્દ્રી પેરડી- પણ રજૂ કરી. બીજાં (દુઃ)સાહસો વિશે અહીં વિગતે લખ્યું છે, તો થયું કે આ પણ શા માટે બાકી રહી જાય? એટલે આ રહી એ ત્રણ અનુકૃતિઓ.


(દલપતરામની ’ઊંટ કહે’ પરથી છાપાંની એડિટ મિટિંગની પેરડી.)

તંત્રી કહે-
તંત્રી કહે આ સભામાં વાંકાં અંગવાળાં ભૂંડાં
અખબારી બીટ તણા રીપોર્ટર અપાર છે
’બજાર’નું મોઢું મોટું, `ક્રાઇમ`ની કડદાબાજી
`એજ્યુકેશન`માં ’સિન્ડિકેટ’નો આધાર છે
`ધરમ`ના ધંધા, `પોલિટિક્સ` મહીં ફંદા અને
`વિધાનસભા`ને શીર દુનિયાનો ભાર છે

સાંભળીને ટ્રેઇની બોલ્યો, દાખે હલકટરામ
અન્યોનો તો એક ’વહીવટ’, આપના અઢાર છે
***

(ઇન્દુલાલ ગાંધીની વિખ્યાત કવિતાઓ ’આંધળી માનો કાગળ’ અને ’દેખતા દીકરાનો જવાબ’ની પેરડીઃ અહીં શહેરમાં જઇને ટીવી ચેનલમાં રીપોર્ટર તરીકે કામે લાગેલા જણને તેના ગામના મિત્રનો ઇ-મેઇલ લખાવે છે)
ગામના દોસ્તનો ઇ-મેઇલ

અમૃત ભરેલું અંતર જેનું, આઘાતથી થયું ફેઇલ
પૂનમચંદના પાનિયા આગળ દોસ્ત લખાવે મેઇલ
ભેરૂ એનો અમદાવાદમાં
ભરાણો છે એક ચેનલમાં

લખ્ય કે ભઇલા, પાંચ વરસમાં કેમ નથી એકેય મેઇલ
ચેનલ તારી એવું તે કેટલું કાઢે છે તારું તેલ
રીપોર્ટિંગ જોઇને તારાં
રોવું મારે કેટલા દહાડા?

ભાણાનો ભાણિયો લખે છે કે ગગુ રોજ મને ભેળો થાય
દન આખો જાય બુલેટિનુંમાં, રાતે હોટેલનું ખાય
નીતનવાં લુગડાં પહેરે
અચ્છેઅચ્છાને ખંખેરે

હોટેલનું ઝાઝું ખાઇશ મા, એમાં રાખજે તું થોડું માપ
માંદો પડ્યો તો દવાના રૂપિયા કોણ દેશે, તારો બાપ?
કાયા તારી રાખજે રૂડી
રીપોર્ટરની ઇ જ છે મૂડી

જમીન વેચી, બળદ વેચ્યા, કર્યો છે ફ્લેટમાં વાસ
ખિચડીનો જોગ થાય નહીં તો પીઉં છું ડેરીની છાશ
તારે પકવાનનાં ભાણાં
મારે તો એક જ ટાણાં

તું તો થયો મોટો ચેનલવારો, ઘૂમતો ગામેગામ
નથી રહી હવે મારામાં ઘરની બાર નીકરવાની હામ
તારે તો પ્રેસના જલસા
મારે બે ટંકનાં સાંસાં
(’પ્રેસ’- પ્રેસ કોન્ફરન્સ)

લિખિતંગ તારા જિગરી દોસ્તના વાંચજે ઝાઝા જુહાર
રહ્યું નથી એકે સુખનું કારણ, જીવન થયું છે અસાર
***

શહેરી ચેનલ-મિત્રનો જવાબ

કામ કરી જેના નીકળ્યા ગાભા, જાણે બેઠી છે ઘાત
ગામના ભેરૂનો શહેરી જિગર, કરતો મનની વાત
વાંચી તારાં દુખડાં ભારી
 ભીની થઇ આંખડી મારી

પાંચ વરસમાં કાગળ નથી, એમ તું નાખતો ધા
આવ્યો છું ત્યારથી મારે તો ઓફિસ એક જ બંધુ-સખા
બાંધ્યાં રૂડાં ખોપચાં જેણે
રાખ્યો રંગ રાતનો એણે
(ખોપચાં- ઓફિસનાં ક્યુબિકલ્સ)

ભાણિયો તો દોસ્ત થાય ભેળો મને, મળે જો કદી રજા
સ્ટુડિયોનાં મારાં લૂગડાંમાં એણે જોઇ લીધી શી મજા?
કેમેરામાં લાગીએ મોંઘા
કેમેરાની પાછળ સોંઘા

દવાદારૂ આંહી આવે ન ઢૂંકડા, મળતી નહીં કદી લીવ
રાત ને દિવસ પાળીયું ભરીને ચૂંથાય છે મારો જીવ
ખુરશીમાં નીંદર ના’વે
ગોદડાંની યાદ સતાવે

ખીચડીને ઝાઝા જુહાર કેજે, અહીં તો ચાનો જ જોગ
ગામ છોડીને આવીયો એમાં તો લાગ્યા છે મારા ભોગ
શહેરની ઓફિસો મોટી
પાયામાંથી સાવ છે ખોટી

 ઓફિસમાં ભીંસ વધી પડી ને, રોજ પડે પસ્તાળ
ચેનલ કરતાં કારીગરીમાં દેખાય છે ઝાઝો માલ
નથી જાવું ’પ્રેસમાં મારે
દિવાળીએ આવવું ઘેરે

મેઇલનું શું કામ છે તારે, વાવડ સાચા જાણ
પ્રેસની માયાવી નગરીમાં મારા કંઠે રે આવ્યા પ્રાણ
હવે નથી ગોઠતું મને
આવી જવું તારી કને

Wednesday, April 24, 2013

સાર્થક પ્રકાશન ઉત્સવ-5 : ઉમળકાભેર ઉપસ્થિત રહેતા મિત્રો-સ્નેહીઓ-વડીલો

સાર્થક પ્રકાશન ઉત્સવના આ છેલ્લા હપ્તામાં કશું લખવાનું નથી. બસ, શ્રોતાસમુહની તસવીરો અને તેમના વિવિધ અંદાજ મુક્યા છે. દરેક ફોટો પર ક્લિક કરવાથી તેને મોટો જોઇ શકાશે. 
નગેન્દ્ર વિજયના હાથે મેળવેલા પુસ્તકોના સેટ સાથે પગથિયાં પર બેઠેલા
સાર્થકના વિજેતા વાચક-ગ્રાહક કિરણ જોશી

કાર્યક્રમ પૂરો થયા પછી તસવીરની બહાર છલકાઇ જાય એટલા આનંદમાં ભાગીદાર
ક્લાસમેટ્સઃ (ડાબેથી) શૈલી ભટ્ટ, ઉર્વીશ, સાર્થક પ્રકાશન ઉત્સવની યાદગાર તસવીરો
લેનાર દીપક ચુડાસમા, માનસી શાહ, માનસી મુળિયા

Tuesday, April 23, 2013

સિંહોના સ્થળાંતરનું ‘સિંહાવલોકન’


સિંહોના સમુહ માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ છેઃ ‘પ્રાઇડ’. પરંતુ ગુજરાત માટે ગીર/ Girના સિંહ ખરેખર ‘પ્રાઇડ’ કહેતાં ગૌરવનો મુદ્દો છે. એટલે જ, સર્વોચ્ચ અદાલતે ગીરના કેટલાક સિંહને મઘ્ય પ્રદેશ ખસેડવાનું સૂચન કરતાં, કેટલાક ગુજરાતીઓને ગૌરવભંગની લાગણી થઇ. કોંગ્રેસ અને ભાજપ માટે પણ સિંહો ખસેડવાનો મુદ્દો પ્રાણીસંરક્ષણ કરતાં વધારે ગૌરવના રાજકારણનો છે. એટલે સ્વાભાવિક રીતે જ આ મુદ્દે ઘણા ગૂંચવાડા પ્રવર્તે છે.

વિશ્વભરમાં એક માત્ર ગીરના વિસ્તારમાં જોવા મળતા એશિયાઇ સિંહોને મઘ્ય પ્રદેશ ખસેડવાના મુદ્દાને રાજકારણ અને પ્રાદેશિક ગૌરવ બાજુ પર મૂકીને તપાસવા જેવો છે. એમ કરતાં કેટલાક પાયાના અને નોંધપાત્ર મુદ્દા ઘ્યાનમાં આવે છે.

ગુજરાતના બધા સિંહ મઘ્ય પ્રદેશમાં ખસેડવાના નથી

સાવ પ્રાથમિક અને પાયાની હોવા છતાં આ સ્પષ્ટતા જરૂરી છે. ‘ગુજરાતગૌરવ’, ‘ગુજરાતને અન્યાય’ અને ‘ગુજરાતવિરોધીઓનું કાવતરું’ની સરકારપ્રેરિત પરંપરાગત મનોદશાથી વિચારવા ટેવાયેલા ઘણા લોકો એવું માની બેઠા છે કે ગીરના બધા સિંહોને મઘ્ય પ્રદેશમાં ખસેડી દેવાના છે. તેથી ગુજરાત સિંહવિહોણું થઇ જશે.

હકીકતમાં સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે ગીરના એશિયાઇ સિંહો/ Asiatic lionsમાંથી થોડા સિંહોને જ મઘ્ય પ્રદેશ મોકલવાના છે. વર્ષ ૨૦૧૦માં ગીરમાં થયેલી સિંહોની વસતી ગણતરીમાં સિંહોની કુલ સંખ્યા ૪૧૧ નોંધાઇ હતી. (૯૭ સિંહ, ૧૬૨ સિંહણ, ૧૫૨ બચ્ચાં) આ સિવાય જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં કૃત્રિમ વાતાવરણમાં સિંહોના પ્રજનન અને ઉછેરનું કેન્દ્ર ચાલે છે. ત્યાં અત્યાર લગી ૧૮૦ એશિયાઇ સિંહ જન્મ્યા છે, જેમાંથી ૧૨૬ સિંહોને એશિયાઇ સિંહના પ્રતિનિધિ તરીકે દુનિયાભરનાં પ્રાણીસંગ્રહાલયોમાં મોકલવામાં આવ્યા છે.

એટલે, જેમને એશિયાઇ સિંહ સાથે ગૌરવ અનુભવવા સિવાય બીજી કશી લેવાદેવા નથી, એવા લોકોએ ચિંતા કરવાનું કશું કારણ નથી. અદાલતના આદેશ પ્રમાણે છ મહિનામાં થોડા સિંહ મઘ્ય પ્રદેશ મોકલી આપવામાં આવે તો પણ તેમની મોટી વસ્તી ગુજરાતમાં રહેવાની છે અને તેમની પર ગૌરવ લેવાનું ચાલુ રાખી શકાશે. સાથે એવું પણ કહી શકાશે કે ‘આ મઘ્ય પ્રદેશમાં જે એશિયાઇ સિંહ તમે જુઓ છો ને? એ અમે એમને આપેલા. બાકી, બિચારા મઘ્ય પ્રદેશવાળા પાસે સિંહ ક્યાંથી હોય?’

અલબત્ત, ભારતીય પરંપરા પ્રમાણે, કોઇ પણ વસ્તુ કે વ્યક્તિનું ગૌરવ લેવું એ સૌથી સહેલું કામ છે. કારણ કે ગૌરવ લેનારના માથે ત્યાર પછી બીજી કશી જવાબદારી રહેતી નથી- પછી તે ગૌરવ ગાંધીજીનું હોય કે ગીરના સિંહનું.

સિંહોનાં વસ્તી-વિસ્તારમાં વધઘટ

હાલમાં સૌરાષ્ટ્રમાં ૧,૪૧૨ ચો.કિલોમીટરના ગીર અભયારણ્ય સહિત ચાર ભૌગોલિક વિસ્તારોમાં એશિયાઇ સિંહોની વસ્તી વહેંચાયેલી છે. પરંતુ એક સમયે તે આખા એશિયા અને અરબસ્તાનમાં જોવા મળતા હતા. ધીમે ધીમે તેમની વસ્તી સંકોચાતી ગઇ. ભારતમાં પણ તેમનો પથારો મોટો હતો. ઉત્તર ભારત અને છેક બિહાર સુધી તેમની ડણકો સંભળાતી. પરંતુ ૧૮૩૦થી ૧૮૮૦ની વચ્ચે ભારતમાં જુદાં જુદાં સ્થળેથી સિંહનો એકડો નીકળતો ગયો અને ગીર તેમનો એકમાત્ર-છેલ્લો મુકામ બન્યું. એ તબક્કે ગીરમાં પણ માંડ ૧૨ સિંહ બચ્યા હોવાનું કાઠિયાવાડના અંગ્રેજ પોલિટિકલ એજન્ટ કર્નલ વોટ્‌સને નોંઘ્યું હતું. ત્યાર પછી તેમની સંખ્યા વધી ખરી, પણ તે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાની બહાર નીકળ્યા નહીં.

સૌરાષ્ટ્ર સિંહોને સદી ગયું હોવાનું લાગતું હતું, પણ ૧૯૬૦ના દાયકામાં તેમની સંખ્યા ઘટવા માંડી. ૧૯૬૩માં ગુજરાતના વનવિભાગે કરેલી વસ્તી ગણતરીમાં ૨૮૫ સિંહોની નોંધણી થઇ હતી, પણ પાંચ વર્ષ પછી એ આંકડો ઘટીને ૧૭૭ થઇ ગયો. ૧૯૭૪માં તેમની સંખ્યા માંડ ૧૮૦ હતી. સિંહોના સંરક્ષણ માટે 1965માં ગીરને અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું.  તેમ છતાં, એશિયાઇ સિંહ જેવી પ્રજાતિ એક જ મર્યાદિત ભૌગોલિક વિસ્તાર કે રાજ્યના પેટાપ્રદેશમાં વસતી હોય, એ સ્થિતિ ઘણા પ્રકૃતિપ્રેમીઓને જોખમી લાગે છે. કારણ કે પ્રમાણમાં નાના ભૌગોલિક વિસ્તારમાં કેન્દ્રિત એવી સિંહની વસ્તી રોગચાળાની કે કુદરતી આફતની ઝપટમાં આવી જાય અને તેનું નામોનિશાન ભૂંસાઇ જાય, એવી સંભાવના હંમેશાં ઝળુંબતી રહે છે.

આવું ન બને એ માટેના સંભવિત ઉપાયોમાં એક છેઃ સ્થાનિક સ્તરે ગુજરાત સરકાર દ્વારા રખાતી સતત કાળજી-દેખભાળ અને બીજો ઉપાય છેઃ વસ્તીમાંથી થોડા સિંહોનું સ્થળાંતર. સર્વોચ્ચ અદાલતે અત્યારે સ્થળાંતરનો બીજો ઉપાય સૂચવ્યો છે તેની પાછળ મઘ્ય પ્રદેશ પાછળનો પ્રેમ કે ગુજરાત પ્રત્યેનો અવિશ્વાસ નહીં, પણ કુદરતી આસમાની સુલતાનીનો ખોફ અને સિંહો માટે સલામતીની વધારાની એક વ્યવસ્થા મુખ્ય પરિબળ છે. અદાલતની ભાવના એવી હોય કે ન કરે નારાયણ ને ગીરના બધા સિંહોને કંઇ થઇ જાય તો પણ ભારતમાં એશિયાઇ સિંહનું અસ્તિત્ત્વ નેસ્તનાબૂદ ન થવું જોઇએ. કારણ કે, એશિયાઇ સિંહ ફક્ત ગુજરાતનું નહીં, સમગ્ર ભારતનું ગૌરવ છે, બલ્કે કુદરતનું અણમોલ સર્જન છે, જેની સલામતી અને સુરક્ષા માટે સંકુચિત ગૌરવભાનમાં સર્યા વિના બનતા પ્રયાસ કરવા જોઇએ.

સ્થાનફેરઃ જૂની સમસ્યા, નવા સવાલ

ગીરના સિંહમાંથી થોડાને બીજે વસાવવાનો વિચાર કે તેનો અમલ- કશું નવું નથી. છેક ૧૯૫૮માં ગીરના ત્રણ સિંહને ઉત્તર પ્રદેશના ચંદ્રપ્રભા અભયારણ્યમાં ખસેડવામાં આવ્યા હતા. એ વખતે અલગ ગુજરાત રાજ્ય સ્થપાયું ન હતું. દસ વર્ષમાં ચંદ્રપ્રભા અભયારણ્યમાં સિંહોની સંખ્યા વધીને ૧૧ પર પહોંચી, એટલે બધાને એશિયાઇ સિંહોના ઉજળા ભવિષ્ય અને તેમના સ્થાનફેરની સફળતા વિશે ખાતરી થઇ. પરંતુ ત્યાર પછીના વર્ષે બધા સિંહ ગાયબ થઇ ગયા. તેમનો શિકાર થઇ ગયો કે પછી કોઇ રોગચાળાનો શિકાર બન્યા, એ જાણવા મળ્યું નહીં.

ગીરનું અભયારણ્ય સ્થપાયા પછી પણ, બધી મૂડી એક જગ્યાએ ન રાખવાની સલામત ગણતરીથી પ્રેરાઇને, થોડા સિંહોને બીજે રાખવાનું ઠરાવવામાં આવ્યું. ભારત સરકારે ત્યારે ૧૯૮૬માં મઘ્ય પ્રદેશના કુનો પાલપુર/ Kuno- Palpur અભયારણ્ય પર પસંદગી ઉતારી (જ્યાં સિંહોને મોકલવાનો આદેશ અત્યારે સર્વોચ્ચ અદાલતે આપ્યો છે.) એ વખતની ગુજરાત સરકારે આ નિર્ણયનો આક્રમક વિરોધ કર્યો.

ગુજરાત સરકારની રજૂઆત ત્યારે એવી હતી કે સિંહસંરક્ષણના અસરકારક કાર્યક્રમને લીધે ગીરના સિંહોની વસ્તીમાં વધારો થયો છે અને તેમની સલામતીને કશો ખતરો નથી. ૧૯૮૪માં સિંહોની કુલ વસતી ૨૩૯ હતી, જે ૧૯૯૦માં વધીને ૨૮૪ થઇ. ત્યાર પછી સતત વધતી રહેલી સિંહોની વસ્તીથી ગુજરાત સરકાર સામે દેખીતી બેદરકારીનો આક્ષેપ મૂકી શકાય એવું કોઇ કારણ નથી.  વસતીવધારાને કારણે ગીરના સિંહ ‘ક્રિટિકલી એન્ડેન્જર્ડ’ (ગંભીર રીતે જોખમમાં)ને બદલે હવે ફક્ત ‘એન્ડેન્જર્ડ’ (જોખમમાં) ગણાય છે.   હકીકતમાં ગીરના સિંહો ગીરનું અભયારણ્ય છોડીને બહારના વિસ્તારોમાં ગયા છે, એ સૂચવે છે કે વસતીવધારા પછી ગીરનું અભયારણ્ય સિંહોને નાનું પડી રહ્યું છે.

સિંહોના સ્થાનફેર બાબતે મુદ્દો ગુજરાતની ક્ષમતા-અક્ષમતાનો નહીં, પણ એક જ ભૌગોલિક વિસ્તારમાં થયેલા દુર્લભ પ્રજાતિના કેન્દ્રીકરણનો છે. અદાલતના પ્રયાસને પણ એ પ્રકાશમાં જોવો રહ્યો. પરંતુ સિંહોના હિત માટે તેમાંથી થોડાને ગુજરાતબહાર ખસેડવા જરૂરી લાગતું હોય, તો એ સિંહ માટે મઘ્ય પ્રદેશનું કુનો પાલપુર અભયારણ્ય યોગ્ય ઠેકાણું છે કે કેમ, એ મુદ્દાનો સવાલ છે.

અદાલતે અને અગાઉ ‘વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા’એ કુનો પાલપુર અભયારણ્ય પર પસંદગી ઉતારી હતી. પરંતુ ત્યાં અત્યારે વાઘ અને દીપડા પણ મોજુદ છે. પ્રાણીશાસ્ત્રીઓના મતે સિંહ અને વાઘનું સહઅસ્તિત્ત્વ (કમ સે કમ અત્યારના સમયમાં) ક્યાંય નોંધાયું નથી. એ બન્ને પ્રાણીઓ પોતપોતાની હદ અને પોતાના વિસ્તાર બાબતે અત્યંત ઝનૂની હોય છે. તેમને સાથે, એક અભયારણ્યમાં રાખવાનું ડહાપણભર્યું નથી એવો પ્રબળ મત છે. કુનો પાલપુરમાં સિંહ, વાઘ અને દીપડા એ ત્રણે એક સાથે હોય એવું અભૂતપૂર્વ જોણું ઊભું કરવા માટે પણ આ થઇ રહ્યું છે, એવો પણ એક આરોપ છે.

આરોપને બદલે નક્કર હકીકતની વાત કરીએ તો, પ્રાણીસંરક્ષણની બાબતમાં મઘ્ય પ્રદેશનો રેકોર્ડ ઉજળો નથી. ત્યાં ‘વાઘ બચાવો’ ઝુંબેશ ચાલતી હોવા છતાં છેલ્લા છ મહિનામાં પાંચ વાઘ વીજળીનો કરન્ટ લાગતાં મૃત્યુ પામ્યા છે. તેમાંથી ચાર વાઘ તો બાંધવગઢના પ્રખ્યાત વાઘ અભયારણ્યના હતા. લાંબા સમયથી જેના સંરક્ષણની કાર્યવાહી ચાલે છે એ વાઘની મઘ્ય પ્રદેશમાં આવી સ્થિતિ હોય, તો એશિયાઇ સિંહોને સાચવવામાં તે કેવું ઉકાળશે, એવી ચિંતા સ્વાભાવિક છે.

આટલી ચર્ચા પરથી સ્પષ્ટ છે કે વાસ્તવિક ચિંતા એશિયાઇ સિંહોમાંથી કેટલાકને બીજું ઘર આપીને તેમને સંભવિત આપત્તિથી બચાવવાની છે. તેમાં ગુજરાત વિરુદ્ધ મઘ્ય પ્રદેશનો (નર્મદા બંધવિવાદની યાદ અપાવતો) સંઘર્ષ ન હોવો જોઇએ કે નરેન્દ્ર મોદી વિરુદ્ધ શિવરાજસિંહ ચૌહાણનો પણ આ પ્રશ્ન નથી.

સાથોસાથ, ગુજરાત સરકાર સિંહોના હિતચિંતનના એકાધિકારનું કે ‘ગુજરાતનું ગૌરવ’નું પૂંછડું પકડીને બેસી રહેવાને બદલે, સિંહોને બીજું વધારે સારું અને સલામત ઘર મળે, એ માટે વૈજ્ઞાનિક આધારપુરાવા સાથે રજૂઆત કરે -કે સિંહોને સલામતી માટે બીજા ઘરની જરૂર નથી એવું નિષ્ણાતોની મદદથી પુરવાર કરી શકે- તો હજુ વેળા વીતી ગઇ નથી.

Friday, April 19, 2013

સાર્થક પ્રકાશન ઉત્સવ-૪ : ભરપેટ આનંદ-સંતોષ સાથે પૂર્ણાહુતિ

(L to R) Nagendra Vijay, Rajnikumar Pandya, Vinod Bhatt
નગેન્દ્રવિજયનું પ્રવચન પૂરું થતાં ઉત્સવનો એક ભાગ પૂરો થયો. ત્યાં સુધી કોઇ પણ ઔપચારિકતા જોવા મળી ન હતી. નગેન્દ્રભાઇનું પ્રવચન અપેક્ષા મુજબનું -  બિનજરૂરી શબ્દાળુતા વગરનું, આંતરસૂઝથી ભરપૂર, રસ્તો ચીંધનારું અને સમૃદ્ધ વિચારભાથું પૂરું પાડનારું રહ્યું. નગેન્દ્રભાઇને મંચ પરથી બોલતા સાંભળવાનો અનુભવ અમારી જેમ બીજા ઘણા મિત્રો માટે પણ યાદગાર અને અમૂલ્ય રહ્યો હશે.

Pranav Adhyaru
ગુજરાતી સંચાલકોમાં જોવા મળતી અસંખ્ય વાહિયાત પરંપરાઓમાંની એક છેઃ અગાઉ બોલાયેલા વક્તવ્યનો સાર પુનઃપ્રસારિત કરવો- કેમ જાણે અગાઉનું વક્તવ્ય ફ્રેન્ચમાં અપાયું હોય ને સામે બેઠેલાને બમ્પર ગયું હોય. કેટલાક હોંશીલા સંચાલકો તો વિષયનિષ્ણાતના વક્તવ્ય પર વજન મુકવા માટે એવું પણ જાહેર કરી દે કે ‘હું એમની વાત સાથે બિલકુલ સંમત છું.’ એમને કોણ કહે કે ‘કાકા, તારી સંમતિ-અસંમતિની પરવા કોને છે? અને એક્ચુલી, તું છો કોણ? એક સંચાલક?’ પણ સરેરાશ ગુજરાતી સંચાલકો પોતાની જાત વિશે એટલા ઊંચા- અને સદંતર ખોટા- ખ્યાલમાં હોય છે કે ન પૂછો વાત.  અમારા કાર્યક્રમોમાં આવા મમરાસ્વરૂપ સંચાલકો ચાલે જ નહીં. એ બાબતમાં અમારી નીતિ ‘ઝીરો ટોલરન્સ’ની છે. કાર્યક્રમનું ચુસ્ત અને ‘નો નોનસેન્સ’ છતાં મસ્તમજાનું સંચાલન કેવું હોઇ શકે એનો ઉત્તમ નમૂનો સાર્થક પ્રકાશન ઉત્સવમાં પ્રણવ અઘ્યારુએ ફરી એક વાર પૂરો પાડ્યો.

પ્રણવે સાર્થક પ્રકાશનના અભિન્ન અંગ જેવા મિત્રો કાર્તિક શાહ અને અપૂર્વ આશરને મંચ પર આમંત્રણ આપ્યું. આ બન્ને મિત્રો ન હોત તો સાર્થક પ્રકાશન જ ન હોત- અને આવું કહેવામાં કશી અતિશયોક્તિ નથી. કાર્તિકભાઇએ પ્રકાશનના શરૂઆતના તબક્કાની પળોજણોમાં જે જાતની મદદ કરી છે એ વિના અમે આવું સાહસ કરી શક્યા ન હોત- અને અપૂર્વ આશર ડીઝાઇન તો ઉત્તમ કરે જ, પરંતુ એ સિવાયની બાબતમાં ‘સાર્થક’ને પોતાનું ગણીને જે સલાહસૂચનમદદ આપે તેની કિંમત આંકી શકાય નહીં. મંચ પર આ બન્ને ન હોય તો વિમોચન અઘૂરું ગણાય.
(ડાબેથી) કાર્તિક શાહ, અપૂર્વ આશર, દીપક સોલિયા, કિરણ કાપુરે, પ્રણવ અધ્યારુ
ત્યાર પછી આગોતરા ઓર્ડર નોંધાવનારા વાચક-ગ્રાહકોમાંથી લકી ડ્રો દ્વારા પસંદ કરાયેલા કિરણ જોશીને સ્ટેજ પર આવવા વિનંતી કરાઇ. સલિલભાઇના ગામ વલ્લભ વિદ્યાનગરના કિરણ પાકા (રીઢા?) વાચક અને મિત્ર છે. એ વિદ્યાનગરથી અમદાવાદ અને અમદાવાદથી લગભગ એટલા જ સમયમાં, એક કલાક આશ્રમ રોડ પર ભાજપીયા અંધાઘૂંધી વેઠીને સમારંભમાં પહોંચ્યા હતા. તેમના માટેનાં પુસ્તકોનો સેટ આ કાર્યક્રમ માટે ગિફ્‌ટરેપ થયેલી એકમાત્ર ચીજ હતી. એ સેટ નગેન્દ્રભાઇએ કિરણ જોશીને સત્તાવાર રીતે આપ્યો. બીજા પ્રિય લેખકો સાથે પણ કિરણ જોશીએ હાથ મિલાવ્યા.
નગેન્દ્ર વિજયના હસ્તે કિરણ જોશીને પુસ્તકોનો સેટ અર્પણ
વિનોદ ભટ્ટ અને રતિલાલ બોરીસાગર સાથે કિરણ જોશીનો મંચમેળાપ
પછી શું કરવાનું છે, એની મંચ પર બેઠેલા ગુરુજનોને પણ ખબર ન હતી. પરંતુ માહોલ એવો આત્મીયતા-અનૌપચારિકતાનો હતો કે કોઇને એ જાણવાનો કશો રઘવાટ કે ઉચાટ પણ ન હતાં. પ્રણવે વિમોચનની જાહેરાત કરી એ સાથે જ મંચની પાછળથી સાર્થક પ્રકાશન અને તેનાં ચારે પુસ્તકોની વિગત ધરાવતાં બોર્ડ મંચ પર ફરવા લાગ્યાં. તેની કોરી બાજુ બહાર રહે એ રીતે સૌને એ બોર્ડ આપવામાં આવ્યાં. એટલે સૌથી પહેલાં તો ગુરૂજનોએ બોર્ડમાં શું લખાયું છે એ વાંચ્યું. પછી અમે સૌ લાઇનબંધ એ બોર્ડ રહીને મંચ પર ઊભા રહી ગયા અને એ બોર્ડ છતાં કર્યાં.
આ બધું ચાલી શું રહ્યું છે?
અચ્છા, આમ વાત છે


આ જ વિમોચન કહો તો વિમોચન ને લોકાર્પણ કહો તો લોકાર્પણ. કાર્યક્રમ શરૂ થતાં પહેલાં ચારેય પુસ્તકો હોલની બહાર વેચાતાં હતાં. એટલે તેમના અનાવરણનો કે લોકાર્પણનો સવાલ ન હતો, પણ દસ્તાવેજીકરણ માટે થઇને સાર્થક પ્રકાશનના આરંભની એક ચોક્કસ ક્ષણ હોવી જોઇએ.

આ એ ક્ષણ હતી, જ્યારે ગુજરાતી લેખન-પત્રકારત્વના છ ઘુરંધરો- નગેન્દ્ર વિજય, હર્ષલ પુષ્કર્ણા, રજનીકુમાર પંડ્યા, વિનોદ ભટ્ટ, પ્રકાશ ન. શાહ અને રતિલાલ બોરીસાગર અમારા સાહસને તેમનાં આશીર્વાદ-શુભેચ્છા આપી રહ્યા હતા. એ સિવાય બીરેન કોઠારી, કાર્તિક શાહ, અપૂર્વ આશર, કિરણ જોશી અને પ્રણવ અઘ્યારુ પણ મંચ પર હતા. સંખ્યાબંધ તસવીરોમાં તો આ ક્ષણો ઝડપાઇ ગઇ છે, પણ એનાથી વઘુ અમીટ રીતે એ અમારા મનમાં સ્થાન પામી છે. જોકે, એ વખતે મંચ પરથી અમને જરાય ખ્યાલ આવતો ન હતો કે સામેની બાજુથી મંચ પરનો આ મેળાવડો કેવો દેખાતો હશે. અમે પણ ફોટામાં જોયું ત્યારે ખબર પડી કે ‘હં..લાગે છે તો સારું. આપણે આવું જ કરવું હતું.’

વિમોચન અને એ પ્રસંગે પડતી તસવીરોની ફ્‌લેશ શમી એટલે ગુરૂજનોને મંચ પરથી સામે તેમનું સ્થાન લેવાની વિનંતી કરવામાં આવી.  હવે ઉત્સવનો ઉત્તરાર્ધ શરૂ થતો હતો. તેમાં શું થવાનું હતું એ પણ ભાગ લેનારા લોકો સિવાય બીજા કોઇને કહેવામાં આવ્યું ન હતું. એટલે ગુરૂઓ અમે શો ખેલ પાડીશું એની કલ્પના કરતાં સામે ગોઠવાયા. દરમિયાન મંચ પરથી પ્રણવે પંદર મિત્રોનું આહ્વાન કર્યું અને એ લોકો સ્ટેજ પર આવે ત્યાં સુધી એક-એક લીટીમાં તેમનો પરિચય આપ્યો. આ મિત્રો હતાં:

વિશાલ પાટડિયા (દિવ્ય ભાસ્કર વેબ), કેતન રૂપેરા (’નવજીવનનો અક્ષરદેહ’), લલિત ખંભાયતા (ગુજરાત સમાચાર), કિરણ કાપૂરે (ફ્રીલાન્સ), દિવ્યેશ વ્યાસ (સંદેશ), તેજસ વૈદ્ય (સંદેશ), પુનિતા નાગર વૈદ્ય (દિવ્ય ભાસ્કર વેબ), ઋતુલ જોશી (CEPTમાં અધ્યાપક), મેઘા જોશી (માનસશાસ્ત્રનાં અધ્યાપક), હસિત મહેતા (નડિયાદની મહિલા આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ),  બિનીત મોદી (તેની ઓળખાણ આ રીતે અપાઇ હતી- બિનીત મોદી....બિનીત મોદી), ક્ષમા કટારિયા (અનુવાદક- સંપાદક-પત્રકાર),  શર્મિલી (આઇટી એન્જિનીયર), શૈલી ભટ્ટ- માનસી શાહ- માનસી મુળિયા (MMCJ- Sem-2માં મારી ક્લાસમેટ્સ)
પ્રેસ કોન્ફરન્સનો ઉઘાડ કરતા આશિષ કક્કડઃ સામે ગોઠવાયેલા મિત્રો
દરમિયાન મંચ પર સૌની નજર સામે બેઠક વ્યવસ્થા બદલાવા લાગી. દીપક, ધૈવત, હું અને બીજા સૌ ટેબલ ખસેડવામાં અને ખુરશીઓ ગોઠવવામાં લાગી પડ્યા. ‘બધા બઘું કરે અને કોઇની કશી જવાબદારી નહીં’ એવો એક સમયે જાણીતો બનેલો આરપાર-મંત્ર અમારા કાર્યક્રમોમાં સહેજ ફેરફાર સાથે લાગુ પડતો હોય છેઃ ‘બધા બઘું કરે ને દરેકની બધી જવાબદારી’. એટલે એક તરફ બે ટેબલ અને ચાર ખુરશી ગોઠવાયાં, જેની પર અમે ત્રણ અને કેકેના પુસ્તકના સંપાદક તરીકે બીરેન બેઠો. સામે ગોઠવાયેલી, પ્રેસ કોન્ફરન્સમાં હોય છે એવી સફેદ કાપડથી આચ્છાદિ ખુરશીઓમાં પંદર મિત્રો ગોઠવાયા. તેમાંથી કેટલાક ખરેખર પત્રકાર હતા અને કેટલાકને આ કાર્યક્રમ પૂરતા બનાવવામાં આવ્યા હતા. પરંતુ આ કાર્યક્રમ પૂરતા સૌ ‘નકલી પત્રકાર’ હતા એટલે કે પોતપોતાની સંસ્થાઓના પ્રતિનિધિ ન હતા. આ ચોખવટ પ્રણવે સામે બેઠેલા લોકોના લાભાર્થે અને ખરેખર પત્રકાર તરીકે કામ કરનારા લોકોના હિતાર્થે કરી દીધી.


હસિત મહેતાએ કરેલી શરૂઆત
ત્યાર પછી શરૂ થયો પ્રેસ કોન્ફરન્સનો દૌર, જેની શરૂઆત હસિત મહેતાએ કરી. બેઠેલા તમામ મિત્રોને ઓછામાં ઓછો એક પ્રશ્ન મળે અને પ્રશ્ન ઘણુંખરું તેમના વ્યક્તિત્વને અનુરૂપ હોય એ રીતે વિચારવામાં આવ્યો હતો. તેના જવાબો અમે ત્રણે વહેંચી લીધા હતા.  લેખક તરીકે સૌથી વઘુ ચાર-પાંચ પ્રશ્નો ધૈવત માટેના હતા. મારે અને બીરેનને લેખક તરીકે એક-એક સવાલના જ જવાબ આપવાના હતા. પ્રકાશન અંગેના જવાબ અમે ત્રણે આપતા હતા. ઘણા લોકોએ દીપકને પહેલી વાર મંચ પરથી બોલતા સાંભળીને તેમના અવાજ વિશે સાનંદ આશ્ચર્ય પ્રગટ કર્યું. બે દિવસ પહેલાં અમે નાટ્યકાર નિમેષ દેસાઇને મળવા ગયા ત્યારે વાતવાતમાં નિમેષભાઇએ પણ દીપકને કહ્યું હતું, ‘તમારો અવાજ બહુ સરસ છે. જોકે તમને આવું પહેલાં કોઇકે કહ્યું જ હશે.’ દીપકે ના પાડી, એટલે નિમેષભાઇ ઉવાચ, ‘આ પણ મુંબઇની એક તાસીર છે.’

પ્રેસ કોન્ફરન્સના સવાલોમાં નિર્દોષ સવાલોથી માંડીને તોફાની સવાલો (‘તમે ફક્ત દોસ્તો ને સગાંવહાલાંના જ પુસ્તકો છાપશો?’) પણ હતા. પુસ્તકો છાપવાનાં ધોરણ વિશેના સવાલમાં અમે કહ્યું કે ‘દરેક પુસ્તક વિશેનો નિર્ણય અમારી એક કમિટી લેશે અને એમાં વિષય પ્રમાણે માણસ બદલાતા રહેશે.’ એટલે તરત સવાલ પૂછાયો, ‘દીપકભાઇનું એકેય પુસ્તક આજે થયું નથી, તો શું કમિટીએ દીપકભાઇનું પુસ્તક નાપાસ કર્યું હતું?’ એટલે દીપક અસ્સ્લ દીપકશાઇ ઠંડકથી કહે, ‘કમિટીએ પુસ્તક નાપાસ કરવા માટેની પહેલી શરત એ છે કે પુસ્તકની મેન્યુસ્ક્રીપ્ટ સબમિટ કરાવવી પડે. મારે તો હજુ એ જ બાકી છે.’ અને એ જવાબના અંતે દીપક કહે, ‘શોલેમાં ગબ્બરસિંઘની એન્ટ્રી ખાસ્સા અડધા-પોણા કલાક પછી થાય છે.’ દીપક આગળ કહે એ પહેલાં જ હોલમાં હસાહસ થઇ ગઇ.
દીપકની 'ગબ્બરસિંઘ' અદાઃ બોલનાર ગંભીર, સાંભળનારમાં ધમાલ
લલિત ખંભાયતાઃ પૂછતાં પૂછતાં હસી પડે, ભૈ ભાઇબંધ છે

ચાલુ પ્રેસ કોન્ફરન્સે 'પી.આર.મેનેજર' સાથે પરામર્શન
(ડાબેથી) ક્ષમા કટારિયા, ઋતુલ જોશી, આશિષ કક્કડ, માનસી શાહ, માનસી મુળિયા
વચ્ચે વચ્ચે બિનીત મોદીએ તોફાન કર્યાં. અમારા પી.આર. મેનેજર બનેલા આશિષ કક્કડને મોદીના બચ્ચાએ એવો ધોખો કર્યો કે ‘તમે તો અમને એવું કહીને લઇ આવ્યા હતા કે કામા હોટેલમાં પ્રેસ કોન્ફરન્સ છે. તો કમ સે કમ હોલનું બારણું તો ઉઘાડું રાખો કે જેથી અમને દૂરથી  તો દૂરથી, પણ કામા હોટેલ દેખાય.’ વચ્ચે વચ્ચે ‘અમારાં કવરનું શું થયું?’ અને ‘જમવાની કેટલી વાર છે?’ એવા પત્રકારપરિષદસહજ સવાલોની મસ્તી પણ ચાલુ રહી.

પત્રકાર પરિષદમાં અમારા ધાર્યા કરતાં પણ વધારે મઝા આવી. એટલે એ અમારા ધાર્યા કરતાં વધારે ચાલી. પરંતુ અડધા-પોણા કલાક પછી દિમાગની બાયોલોજિકલ ક્લોકમાંથી સિગ્નલ આવવા લાગ્યા કે ‘આ ક્યારે પૂરી થશે એવો લોકોને વિચાર આવે એ પહેલાં, હસીખુશીની વચ્ચે કાર્યક્રમ પતાવો.’ પ્રણવને પણ એવું જ લાગ્યું. એટલે બઘું બરાબર જઇ રહ્યું હતું, છતાં ડીઝાઇન કરેલા પ્રશ્નોમાંથી એક-બે પ્રશ્નો ઓછા કરીને સવેળા પત્રકાર પરિષદ પૂરી કરી. ત્યાર પછી સાર્થક પ્રકાશન વતી મેં અમને દોસ્તીના હકથી મદદરૂપ બનેલા સૌનો ઔપચારિક નહીં, પણ હૃદયના ભાવથી આભાર માન્યો અને પછી મળેલા પ્રતિભાવમાંથી જણાયું કે એ ભાવ સૌ સુધી પહોંચ્યો પણ હતો.

કાર્યક્રમ પૂરો થતાં જ આખા કાર્યક્રમ સાથે સંકળાયેલા સૌનું યાદગાર ગ્રુપ ફોટો સેશન થયું અને સાર્થકના વિમોચનમાં વપરાયેલા એક બોર્ડના કોરા ભાગની પાછળ એ સૌના હસ્તાક્ષર લેવાયા. ત્યાર પછી શરૂ થયેલા ભોજન સમારંભ અને મિત્રમેળાવડા વિશે લખવું શક્ય નથી. કારણ કે પછી સૌ વહેંચાઇ ગયા અને મુક્તપણે હળતામળતાભળતા અને આનંદ કરતા રહ્યા. કેટલા બધા મિત્રો એકબીજાને આ કાર્યક્રમ થકી મળી શક્યા એ આ ઉત્સવની વધારાની સાર્થકતા હતી, જે ફક્ત આયોજકોએ જ નહીં, આયોજકોના જ વિસ્તૃત મિત્રમંડળ જેવા બની ગયેલા સૌએ અનુભવી.
'આહા' ક્ષણઃ આટલા બધા ગુરૂજનો-સ્નેહીઓ-પરમ મિત્રો એક જ ફ્રેમમાં
ફ્રેમનો સૌથી જુનિયર સભ્યઃ મારી બાજુમાં ઉભેલો આશિષ કક્કડનો પુત્ર રંગ

કાર્યક્રમ પૂરો થયા પછી સાહિત્ય પરિષદની લોનમાં ભાજીપાંઉ, પુલાવ અને ગુલાબજાંબુની સાથોસાથ પ્રેમગપાટા મારવામાં સૌ એટલા રમમાણ હતા કે ઝટ ઘરે જવાનું કોઇને મન થતું ન હતું. સાડા નવ-દસ સુધીમાં ઘણાખરા મિત્રો વિખરાયા પછી પણ અમે લોકો ત્યાં રહ્યા અને લગભગ સાડા અગિયારે અમે છૂટા પડ્યા ત્યારે મન પર મીઠા થાક અને સ્નેહીઓએ વરસાવેલા અઢળક પ્રેમનું આવરણ પથરાઇ ગયું હતું. એ આવરણ પેટ્રોલ-ડીઝલ જેવું ન હતું કે તરત ઉડી જાય. એ અમારા સૌના મનમાં છેક ઊંડે સુધી ઉતરીને સંઘરાઇ ગયું છે. અમારા સૌ માટે એ સ્મૃતિનો અખૂટ અમૃતકૂપ બની રહેશે.

(મોટા ભાગની તસવીરોઃ દીપક ચુડાસમા)

(સાર્થક પ્રકાશન ઉત્સવની આગામી છેલ્લી તસવીરી પોસ્ટમાં ઓડિયન્સની તથા કાર્યક્રમ પછીનાં મિલનમુલાકાતોની ફક્ત તસવીરો)

Thursday, April 18, 2013

સાર્થક પ્રકાશન ઉત્સવ-3 : અનૌપચારિકતાનું અનુસંધાન

બીજા ભાગના અંતે લખ્યું હતું કે ‘ત્રીજો અને છેલ્લો ભાગ ટૂંકમાં’. હવે આ ત્રીજો ભાગ તો આવ્યો છે, પણ એ છેલ્લો નથીઃ-) હજુ એકાદ ભાગ થશે, પરંતુ ખ્યાલ એવો છે કે પુસ્તકોને બદલે પ્રકાશન ઉત્સવની આગળપાછળની બધી વિગતો વાચકો-મિત્રો સાથે શેર કરવી. એ રીતે આ ફક્ત સમારંભનો નહીં, પણ એથી વધારે દોસ્તીનો દસ્તાવેજ છે. આ સમારંભની પ્રેમથી ફોટોગ્રાફી કરીને અમને અણમોલ ભેટ આપનાર દીપક ચુડાસમા, ઉર્વીન વ્યાસ, લલિત ખંભાયતા અને શશિકાંત વાઘેલાનો વિશેષ આભાર)
સાર્થક પ્રકાશન ઉત્સવનો પૂર્ણ મિજાજ (ફોટોઃ શશિકાંત વાઘેલા)
છેક ‘આરપાર’ના સમય(૨૦૦૧-૨૦૦૫)થી  બિનપરંપરાગતતા અમારા સમારંભોનો અભિન્ન હિસ્સો રહી છે. તેમાં મિત્ર પ્રણવ અઘ્યારુનો હિસ્સો સરખા ભાગનો કે મોટો ગણવો પડે. ઔપચારિકતા પ્રત્યેનો અમારો અભાવ, જાતના બેશરમ જયજયકાર વિના સરસ કામ કરીને આનંદમગ્ન રહી શકવાની અમારી લાક્ષણિકતા,  જુદું વિચારી શકવાની અને તેને અમલમાં મૂકી શકવાની અમારી ક્ષમતા અને અમારાં મસ્તીભર્યાં ‘કાવતરાં’માં ગુરૂજનો તરફથી મળતો હૂંફાળો સહકાર- આ બધાનો સરવાળો અમારા સમારંભોમાં અચૂક પ્રગટતો હોય છે. ‘આરપાર’ના કાર્યક્રમોમાં  તેના તંત્રી-માલિક મનોજ ભીમાણી તરફથી મળતી અનેક મોકળાશોની સાથોસાથ  કેટલીક ઔપચારિકતાઓ સહજ રીતે ભળી જતાં હતાં. પરંતુ કાર્યક્રમનો સંપૂર્ણ દોર અમારા હાથમાં હોય તો પછી પૂછવું જ શું?

‘આરપાર’માં અમે કરેલા જ્યોતીન્દ્ર દવેના દિવાળી વિશેષાંક (૨૦૦૫)ના ટાગોર હોલમાં યોજાયેલા વિમોચન કાર્યક્રમમાં મંચ પર એક સાથે તારક મહેતા, બકુલ ત્રિપાઠી, વિનોદ ભટ્ટ અને રતિલાલ બોરીસાગરની અભૂતપૂર્વ યુતિ મોજુદ હતી. તેનાં થોડાં વર્ષ પછી મારા હાસ્યલેખોના પુસ્તક ‘બત્રીસ કોઠે હાસ્ય’ (ડિસેમ્બર, ૨૦૦૮, પ્રકાશકઃ ગુર્જર)માં આખો કાર્યક્રમ અમારે જ ડીઝાઇન કરવાનો અને પાર પાડવાનો હતો. મૂળભૂત ખ્યાલ એટલો હતો કે મારા બધા ગુરૂજનો- શક્ય એટલા પ્રિયજનોને કાર્યક્રમમાં સાંકળવા અને ‘ન ભૂતો, ન ભવિષ્યતિ’ પ્રકારનો મેળાવડો મંચ પર કરવો.

પ્રણવે તેના માટે ‘મોક કોર્ટ’નો આઇડીયા આપ્યો. એ વખતે આશિષ કક્કડ અને અભિષેક શાહ જેવા નાટક સાથે સંકળાયેલા મિત્રોનો પરિચય થવો બાકી હતો. ૠતુલ જોશીને મળવાનું બાકી હતું. આજે એકદમ નિકટ એવા બીજા કેટલાક મિત્રો પણ ત્યારે મળ્યા ન હતા. બ્લોગ હતો, પણ ‘ફેસબુક’ ન હતી. ત્યારે અમારી મંડળીમાં પીલવાઇ કોલેજમાં અર્થશાસ્ત્રના અઘ્યાપક અને કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે રહીને પ્રતિબદ્ધતાપૂર્વક નાટકો કરાવનાર મિત્ર કાર્તિકેય ભટ્ટ એકમાત્ર નાટકવાળા મિત્ર હતા.

એ કાર્યક્રમ વિશે વધારે લંબાણથી લખવાનું ટાળું છું, પણ ટૂંકમાં કહું કે પ્રણવ-કાર્તિકેય અને બીજા ઘણા મિત્રોના પ્રતાપે ભરચક ઠાકોરભાઇ દેસાઇ હોલમાં ગુજરાતી સાહિત્યમાં અભૂતપૂર્વ કહેવાય એવો મેળાવડો થયો, જેમાં  એક મંચ પર તારક મહેતા, અશ્વિની ભટ્ટ, રજનીકુમાર પંડ્યા, વિનોદ ભટ્ટ, પ્રકાશ ન.શાહ, રતિલાલ બોરીસાગર, સલિલ દલાલ, ચંદુ મહેરિયા જેવા વરિષ્ઠ ઘુરંધરોથી માંડીને બકુલ ટેલર, દીપક સોલિયા, હસિત મહેતા, પૂર્વી ગજ્જર, આયેશા ખાન, અશ્વિન ચૌહાણ, કેતન રુપેરા અને પ્રણવ-બિનીત જેવા મિત્રો ઉપરાંત બીરેન અને સોનલ હાજર હતાં. હર્ષલ પુષ્કર્ણા, પ્રશાંત દયાળ અને (ઇતિહાસનાં અઘ્યાપક) ફાલ્ગુની પરીખ અનિવાર્ય સંજોગોને કારણે કાર્યક્રમમાં આવી શક્યાં નહીં.  આ કાર્યક્રમના અંતે પડેલો- અને ફેસબુકની મારી વૉલ પર લાંબા સમય સુધી ‘કવરફોટો’ તરીકે રહેલો- ગ્રુપફોટો જેટલી વાર જોઉં એટલી વાર શેર લોહી ચડે, એવી એ યાદગીરી છે.

'32 કોઠે હાસ્ય'ની એક નકલના પહેલા પાને મોક કોર્ટના આખા ગ્રુપના હસ્તાક્ષર

આટલું ફ્‌લેશબેક લખવાનું કારણ એટલું જ કે ‘સાર્થક’ના કાર્યક્રમમાં રહેલી બિનપરંપરાગતતા અને હળવાશ અમારા માટે સ્વાભાવિક અને સહજ ક્રમનો હિસ્સો હતી. દરેક વખતે તેના પ્રકાર અને અભિવ્યક્તિ બદલાતાં રહે, મજબૂત મિત્રવૃંદમાં સક્ષમ મિત્રોનો સતત ઉમેરો થયા કરે અને તેની સાથે ઔપચારિકતા વગરના કાર્યક્રમોનો દૌર જળવાઇ રહેવો જોઇએ. એવી અમારી ઇચ્છા, ભાવના અને મુદ્રા પણ ખરી.

આ વખતે કાર્યક્રમનું આયોજન અમારી સૌથી છેલ્લી પ્રાથમિકતા હતી. કારણ કે સૌથી પહેલાં સમયસર અને શક્ય એટલી ઉત્તમ રીતે પુસ્તકો થાય એ અગત્યનું હતું. ડીઝાઇનર મિત્ર અપૂર્વ આશર બરાબર કામે (ધંધે) લાગ્યા હતા. ‘મા કોઇની મરશો નહીં અને (પુસ્તકનું ઠેકાણું પડ્યા વિના) હોલ કોઇ બુક કરાવશો નહીં’ એવા અમર બિનીતવાક્યને લક્ષમાં રાખીને ઘણા વખત સુધી કાર્યક્રમની તારીખ નક્કી કરી ન હતી. છેવટે અપૂર્વની સંમતિથી સમારંભની તારીખ નક્કી કરીઃ ૬ એપ્રિલ. વિવિધ હોલ માટે તપાસ કર્યા પછી છેવટે હોલની બાજુમાં મેદાન ધરાવતા સાહિત્ય પરિષદના રા.વિ.પાઠક સભાગૃહ પર પસંદગી ઉતરી. ત્યાં સુધી કાર્યક્રમ પછી ભોજન રાખવાનું નક્કી ન હતું, પણ એવો આછોપાતળો વિચાર હતો. એટલે મેદાનની જોગવાઇ રાખી. બિનીત મોદીએ પોતાના જ સુવાક્યનો અંશતઃ ભંગ કરીને હોલ બુક કરાવી દીધો. સાર્થક પ્રકાશનના એચ.ડી.એફ.સી.ના ખાતામાંથી ફાટેલો એ પહેલો ચેક હતો.

કાર્યક્રમમાં એક માત્ર વક્તા તરીકે નગેન્દ્ર વિજય હશે, એ બીજું કશું નક્કી થયા પહેલાંથી પાકું હતું. હર્ષલે અને નગેન્દ્રભાઇએ પ્રાથમિક સંમતિ આપી દીધી હતી. એ વખતે બે તારીખના વિકલ્પ રાખ્યા હતાઃ ૬ એપ્રિલ અને ૧૩ એપ્રિલ. તેમાંથી ૬ એપિલ નક્કી કર્યા પછી ફરી એક વાર નગેન્દ્રભાઇ અને બીજા ચારેય ગુરુજનોને જાણ કરી દીધી. ત્યાં સુધી આમંત્રણ કાર્ડનું ઠેકાણું ન હતું. કારણ કે આમંત્રણ કાર્ડમાં પુસ્તકનાં ટાઇટલ છાપવાનાં હતાં અને એક ટાઇટલ બાકી હતું.

નગેન્દ્રભાઇના વક્તવ્ય સિવાય બીજું શું થશે, એ નક્કી ન હતું. (શું નહીં થાય, એ તો અમારામાં કાયમ નક્કી હોય જ.) આ વખતે પ્રણવે તેના દિમાગી દાબડામાંથી મોક પ્રેસ કોન્ફરન્સનો આઇડીયા કાઢ્‌યો. એક રીતે એ મોક કોર્ટનું અનુસંધાન લાગે, પણ એ આખો જુદો મામલો થવાનો હતો. એ વખતે જોકે એનો બહુ અંદાજ ન હતો અને ખરું પૂછો તો એના વિશે વઘુ વિચારવાની ફુરસદ પણ ન હતી.

કાર્ડ આવ્યાં એટલે બિનીત મોદીએ મોટા પાયે ડિસ્પેચની જવાબદારી ઉપાડી લીધી. તેનું ઘર બાકાયદા સાર્થક પ્રકાશનની ઓફિસની જેમ ધમધમતું થઇ ગયું. બિનીત-પ્રણવ-ધૈવત અને હું કંકોતરીઓ લખતા હોઇએ એમ બે-ત્રણ આખા દિવસ (બપોરના ચાર-પાંચ કલાક) કાર્ડ લખવામાં પડ્યા. વચ્ચે વચ્ચે શિલ્પા મોદીની મહેમાનગતિ ચાલતી હોય, કાર્ડની વિવિધ યાદીઓ વિશે વાત થતી હોય. કોનાં ડબલ થયાં ને કોનાં રહી ગયાં એના તાળા મેળવાતા હોય અને ‘આપણે પણ જબરો વહીવટ લઇને બેસી ગયા છીએ’ એવો આશ્ચર્યરમૂજમિશ્રિત અહેસાસ પણ થતો હોય.

કાર્ડનો મેરેથોન વહીવટ આટોપાયો અને બે-ત્રણ દિવસમાં કુરિયર તથા પોસ્ટમાં કાર્ડ રવાના થયાં, એટલે ‘સાર્થક’ની ઓફિસ બદલાઇને પ્રણવના રાયપુરના ઘરે પહોંચી. ત્યાં લગીમાં હું મને સૂઝે એટલાં કામની યાદી બનાવતો રહેતો હતો. પ્રણવ અને કાર્તિક શાહ જેવા મિત્રો પણ બરાબર કામે લાગેલા હતા.  કાર્યક્રમ ૬ એપ્રિલના રોજ હતો ને ૨ એપ્રિલના રોજ પ્રણવના ઘરે તેની દીકરી દુર્વાના હાથે ‘સાર્થક’ સમારંભના લકી વાચક-ગ્રાહક માટેનો ડ્રો થયો. તેમાં વલ્લભ વિદ્યાનગરના કિરણ જોશીનું નામ ખુલ્યું. ત્યાર પછી પ્રણવના ઘરે કેતન રૂપેરા અને કિરણ કાપુરેની હાજરીમાં, વૈશાલી અઘ્યારુની મજબૂત મહેમાનગતિ સાથે કાર્યક્રમની પાકી રૂપરેખા, વિમોચન કેવી રીતે કરવું અને મોક પ્રેસ કોન્ફરન્સમાં શું કરવાનું એની ચર્ચા શરૂ થઇ.
પ્રણવ, દીપક, ઉર્વીશ (ફોટોઃ કિરણ કાપુરે)
અમે મિત્રો મૂળભૂત રીતે ‘મિટિંગબાજી’ના વિરોધી. અનિવાર્ય હોય ત્યારે જ કામ માટે મળવાનું રાખીએ (કામ વિના ગપ્પાં મારવા ગમે ત્યારે મળી શકાય) અને મળીએ એટલે નક્કર પરિણામ સાથે ઊભા થઇએ. (ભૂતકાળમાં કેટલીક મિટિંગ-સંસ્કૃતિઓનો સઘન અનુભવ લીધા પછી અમારામાં ઉત્ક્રાંતિના નિયમ પ્રમાણે આ લાક્ષણિકતા વિકસી છે) પ્રણવને ત્યાં મિટિંગ થઇ ત્યાં સુધીમાં પ્રેસ કોન્ફરન્સમાં કયા મિત્રોને સાંકળવા તેની યાદી ધૈવત અને દીપક સાથે વાત કરીને તૈયાર કરી દીધી હતી. તેમાં મુખ્યત્વે પત્રકારમિત્રો હતા.  ઉપરાંત થોડા બીજા પણ ખરા. મારી સાથે એમએમસીજે- સેમેસ્ટર-ટુના ક્લાસમાં ભણતી ત્રણ મિત્રો સહિત પંદરેક જણ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકાર તરીકે નક્કી થયાં. આશિષ કક્કડ અમારા પી.આર.મેનેજરની ભૂમિકામાં હોય એવું ગોઠવાયું. એ વખતે કાર્યક્રમ આડે માંડ અઠવાડિયું પણ રહ્યું ન હતું.
વહીવટોની યાદીઓમાંથી એકની ઝલક
કાર્યક્રમના પાંચેક દિવસ પહેલાંથી દીપક પણ અમદાવાદ આવી ગયા. પ્રણવને ઘેર અમારા ત્રણ-ચાર મિત્રોની બે બેઠકમાં આખા કાર્યક્રમની ઝીણામાં ઝીણી રૂપરેખા નક્કી થઇ અને આશિષ કક્કડને ત્યાં થયેલી અમારી બેઠકમાં પ્રેસ કોન્ફરન્સના સવાલ ફાઇનલ થઇ ગયા. કોણ સવાલ પૂછશે અને કોણ તેનો જવાબ આપશે, એનું ‘ફિક્સિંગ’ પણ થઇ ગયું. આશય એટલો જ હતો કે અમે ભાષણ ન કરીએ, છતાં લોકોના મનમાં રહેલા ઘણા સવાલના જવાબ મળી જાય, અમારે જે કહેવું છે તે કહી પણ શકાય અને થોડી અમારી ટાંગખિંચાઇ થાય. આખા કાર્યક્રમમાં જે એક વસ્તુ ન હોવાનો અમને બહુ આનંદ હતો તેઃ અમારાં વખાણ.

અમારા જ કાર્યક્રમમાં બીજા આવીને મંચ પરથી અમારાં વખાણ કરે, એમાં બહુ સ્વાદ ન આવે. કારણ કે એમાં પ્રશંસા કેટલી અને ‘પ્રસંગને અનુરૂપ વિવેક’ કેટલો, એ સવાલ. એને બદલે આપણા જ કાર્યક્રમમાં મંચ પરથી આપણી મસ્તીભરી ખિંચાઇ અને નોંકઝોંક થાય તો વધારે મઝા આવે. સેન્સ ઓફ હ્યુમરની બાબતમાં અમારા સૌ મિત્રોની ફ્રીકવન્સી એક જ પ્રકારની ચાલે. પ્રણવની અને મારી તો ખાસ. એટલે આવાં તોફાનોમાં ટીખળ, વ્યંગ અને મસ્તી સારાંએવાં હોય. આ કાર્યક્રમમાં અમારો પરિચય આપતી વખતે પ્રણવે સ્વાભાવિક રીતે જ વખાણ કર્યાં હોય, પણ દરેકનો પરિચય વઘુમાં વઘુ પાંચ-છ લીટીમાં. એટલે આખી વાતમાં પ્રમાણભાન જળવાઇ રહે અને લોકોને એકનાં એક પ્રકારનાં વખાણ કે વખાણનો કાન ભાંગી નાખે એવો અતિરેક વેઠવો ન પડે.
ભાર વગરના સંચાલનનો આનંદઃ પ્રણવ અને ગુરૂજનો (ફોટોઃ ઉર્વીન વ્યાસ)
કાર્યક્રમના બે-ત્રણ દિવસ પહેલાં બઘું આયોજન થઇ ગયા પછી પ્રણવ-કેતન-કિરણ અને કાર્તિકભાઇ સહિતના મિત્રો એવા કામે લાગ્યા હતા કે અમે સાવ નવરા પડી ગયા. કાર્યક્રમની સવારે (શનિવારે) હું ‘ગુજરાત સમાચાર’ની મારી અઠવાડિક કોલમ ‘બોલ્યુંચાલ્યું માફ’ એના નિયમિત ટાઇમટેબલ પ્રમાણે લખતો હતો અને એ પૂરી કરીને રાબેતા મુજબ બુધપૂર્તિ માટે આપવાનો એડવાન્સ તંત્રીલેખ પણ લખીને મોકલી દીધો. ધૈવત આગલા દિવસ સુધી એના લેખ લખતો હતો. છેલ્લા બે દિવસમાં અમારે મળવાની જરૂર પડી જ ન હતી. બિનીત મોદી સાથે પણ ફોન પર વાત કરી લીધી હતી- અને અમારી ઘણીખરી મિત્રસેનાને તો કામે લગાડી જ ન હતી.

કાર્યક્રમની સાંજે કેવી પ્રતિકૂળતાઓ હતી તેની વાત અહેવાલના પહેલા ભાગમાં કરી છે. કાર્યક્રમના સ્થળે કાઉન્ટર ગોઠવાયાં ત્યાર પહેલાં એકાદબે વ્યવસ્થાપ્રેમી મિત્રોએ પૂછી લીઘું હતું, ‘વિમોચન માટેના સેટ ગિફ્‌ટરેપ કરાવવાના છે?’ એ વખતે ‘થેન્ક્સ, બટ નો થેન્ક્સ’ની મુદ્રામાં ના પાડી. કાઉન્ટર પર એક જ સેટ ગિફ્‌ટરેપ થઇને મુકાયેલો હતો અને તેની પર લકી ડ્રોમાં વિજેતા બનેલા અને વિમોચન વખતે સ્ટેજ પર હાજર રહેવાની તક મેળવનારા વાચક-ગ્રાહક કિરણ જોશીનું નામ બીજા વાંચી શકે એ રીતે લખાયેલું હતું.

કાર્યક્રમમાં નગેન્દ્ર વિજયનું પ્રવચન પૂરું થયા પછી વિમોચનનો વારો આવ્યો, એટલે પ્રણવે એક પછી એક બધાને મંચ પર બોલાવવાના શરૂ કર્યા. ત્યારે સૌના મનમાં બે મુખ્ય સવાલ હતાઃ આ લોકો વિમોચન કેવી રીતે કરશે? અને કાર્યક્રમના આરંભે અપાયેલી આખા કાર્યક્રમની રૂપરેખામાં જે ‘સરપ્રાઇઝ આઇટેમ’ની વાત થઇ હતી, એ શી હશે?
(ક્રમશઃ)

Sunday, April 14, 2013

સાર્થક પ્રકાશન ઉત્સવ-૨ : આત્મીયતાનો અખંડ જાદુ

આત્મીયતા અને અનૌપચારિકતા- આ બન્ને સાર્થક પ્રકાશન ઉત્સવના કેન્દ્રવર્તી ભાવ હતા. એવું ન હોય તો રજનીકુમાર પંડ્યા, વિનોદ ભટ્ટ, પ્રકાશ ન.શાહ અને રતિલાલ બોરીસાગર જેવા માતબર અને લોકપ્રિય લેખકો- વક્તાઓ ઉપસ્થિત રહે, મંચ પર બેસે છતાં વક્તવ્ય ન આપે, એવું શી રીતે બને?

પરંતુ અમારી એવી લાગણી હતી કે આ કાર્યક્રમમાં વક્તવ્ય જેવું વક્તવ્ય એક જ હોય - અને તે નગેન્દ્ર વિજયનું.  કારણ કે જાહેરમાં બોલવાનું તો બહુ દૂરની વાત, એ જાહેર સમારંભોમાં ભાગ્યે જ જાય છે. સાર્થકના સમારંભમાં તેમની હાજરી અમારા માટે બહુ મોટા આશીર્વાદ જેવી હતી. એ દિવસે તબિયતની નાનીમોટી સમસ્યાઓને અવગણીને નગેન્દ્રભાઇ સપરિવાર આવી પહોંચ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખુરશી પર લાંબો વખત બેસતી વખતે તેમને પડતું કષ્ટ ક્યારેક જોઇ શકાતું હતું, પરંતુ તેમણે એ વિશે ન કશી ફરિયાદ કરી કે ન અમને કોઇ રીતે મૂંઝાવા દીધા.
 (ડાબેથી) દીપક સોલિયા / Dipak Soliya, હર્ષલ પુ્ષ્કર્ણા / Harshal Pushkarna,
ઉર્વીશ કોઠારી/Urvish Kothari, નગેન્દ્ર વિજય/ Nagendra Vijay, ધૈવત ત્રિવેદી/ Dhaivat
Trivedi, (પાછળ) વિશાલ વાસુ / Vishal Vasu  (pic: Binit Modi)
સંચાલન માટે મંચ પરથી માઇક સંભાળ્યા પછી પ્રણવે પહેલાં સાર્થક પ્રકાશનના ત્રણે મિત્રો- દીપક, ઉર્વીશ અને ધૈવત-ને મંચ પર બોલાવ્યા. ત્રણે જણા મંચ પર આવીને પોતપોતાની રીતે અભિવાદન કરીને સંચાલક પ્રણવની પાછળ ખૂણામાં ઊભા રહી ગયા.
રા.વિ.પાઠક સભાગૃહના - અને ગુજરાતી પ્રકાશન જગતના- મંચ પર
ત્રણ મિત્રોની એન્ટ્રીઃ ધૈવત, ઉર્વીશ, દીપક  (ફોટોઃ દીપક ચુડાસમા)
મંચ પર ટેબલની પાછળ ગોઠવાયેલી છ ખુરશીઓ ખાલી હતી. પ્રણવે ફરી એક વાર નગેન્દ્રભાઇ વિશે- તેમના માહત્મ્ય વિશે થોડી વાત કરીને હર્ષલને વિનંતી કરી, એટલે એ નગેન્દ્રભાઇને લઇને સ્ટેજ પર આવ્યો. વાત પુસ્તક પ્રકાશનને લગતી હોવાથી યુરેનસ બુક્સના કર્તાહર્તા તરીકે હર્ષલનું સ્થાન પણ નગેન્દ્રભાઇની સાથે જ હતું.
નગેન્દ્રભાઇને સ્ટેજ પર લઇને આવતો હર્ષલ/
Nagendra Vijay and Harshal Pushkarna
(ફોટોઃ દીપક ચુડાસમા)
ત્યાર પછી રજનીકુમાર, વિનોદભાઇ, પ્રકાશભાઇ અને બોરીસાગરસાહેબને મંચ પર આવવા વિનંતી થઇ. એટલે સંચાલકની પાછળ ઉભેલા ત્રણ પ્રકાશકોમાંના એક બીજા કોઇના કાર્યક્રમમાં આવ્યા હોય તરત સ્ટેજ પરથી નીચે ઉતર્યા અને વિનોદભાઇનો હાથ પકડીને તેમને ઉપર લઇ આવ્યા. એ વખતે સ્ટેજ પર જે દૃશ્ય સર્જાયું તે ગુજરાતી વાચકો માટે બહુ વિશિષ્ટ હતું. વિનોદભાઇ, રજનીભાઇ, પ્રકાશભાઇ, બોરીસાગરસાહેબ જેવા પ્રતાપી અને જાહેર જીવનમાં સક્રિય લેખકો તેમના એક ઘુરંધર સમકાલીનને મંચ પર કદાચ પહેલી જ વાર મળી રહ્યા હતા. નગેન્દ્રભાઇ ચારેય જણને ઉમળકાથી મળ્યા. એમની સાથે હાથ મિલાવ્યા. હર્ષલ પણ ઉભો થઇ ગયો હતો. તેણે જગ્યા કરી આપી એટલે વિનોદભાઇએ તેમની શૈલીમાં કહ્યું, ‘એને ખુરશીની પરવા નથી, પણ ભાઇ, અમારે નવી પેઢી માટે હવે ખુરશી ખાલી કરી આપવાની છે.’


(L to R) પ્રકાશ ન. શાહ, રજનીકુમાર પંડ્યા, હાથ મિલાવતા નગેન્દ્ર વિજય, વચ્ચે
રતિલાલ બોરીસાગર, પાછળ દેખાતા વિનોદ ભટ્ટ, છેક જમણે હર્ષલ અને પાછળ
ફોટા લેતો મિત્ર લલિત ખંભાયતા
પ્રકાશભાઇ અને નગેન્દ્રભાઇનો ઉષ્માભર્યો મેળાપ

(ડાબેથી) પ્રકાશ ન.શાહ, હર્ષલ પુષ્કર્ણા, નગેન્દ્ર વિજય, રજનીકુમાર પંડ્યા,
વિનોદ ભટ્ટ, રતિલાલ બોરીસાગર, સંચાલકસ્થાને પ્રણવ અધ્યારુ
(પાછળ) બીરેન કોઠારી, ધૈવત ત્રિવેદી અને ઉર્વીશ

બધા શાંતિથી ગોઠવાયા એટલે પ્રણવે ટૂંકી પ્રસ્તાવના બાંધીને નગેન્દ્રભાઇને વક્તવ્ય આપવા માટે વિનંતી કરી. એ પહેલાં દીપપ્રાગટ્ય, પ્રાર્થના, સ્વાગત અને દરેક વખતે પહેલી વાર બોલાતું હોય એવા ઉત્સાહથી સંચાલકો દ્વારા બોલાતું વાક્ય- ‘બુકેથી નહીં પણ બુકથી સ્વાગત’- આવી કોઇ જ ઔપચારિકતાઓ ન હતી. પરમ આદરણીય અને અતિપ્રિય લેખકો સાક્ષાત્‌ હાજરાહજુર હોય ત્યારે બીજા કોઇનાં-કશાનાં આહ્વાન કરવાની શી જરૂર? અને આ ગુરુજનો પણ એવા કે એ અમને દરેક પ્રકારના ભારમાંથી મુક્ત રાખે. અરે, વ્યવસ્થાના ભાગરૂપે એમના ઘરે કોઇ મિત્રની કાર મોકલીએ તો એના માટે પણ આનાકાની કરે અને કહે કે ‘એની કશી જરૂર નથી. અમે અમારી રીતે (રિક્ષામાં) આવી જઇશું. પછી અમારે એમને હળવાશથી સમજાવવા પડે કે ‘સાહેબો, માંડ થોડો વિવેક આવડે છે, એ પણ શા માટે ભૂલવાડો છો?’

સમારંભ પહેલાં બોરીસાગરસાહેબ સાથે એમના ઘરે કાર્ડ આપવા જવાની વાત થઇ ત્યારે એ કહે, ‘તમે આવશો તો બહુ ગમશે, પણ સ્પેશ્યલ કાર્ડ આપવા માટે તમારે ધક્કો ખાવાની જરૂર નથી. તમે અત્યારે બહુ વ્યસ્ત હશો તો કાર્ડ આપવા નહીં આવો તો કશો વાંધો નથી. આવા કાર્યક્રમમાં અમારે પણ કંઇક કામ કરવાનું હોય. અમે બીજું કંઇ તો ન કરી શકીએ, પણ તમને આટલી મુક્તિ આપીએ એને અમારું પ્રદાન ગણી લેજો.’ કાર્ડ આપવા જતાં પહેલાં ફોન કરીએ તો પણ એ જ વાત, ‘આવો તો બહુ ગમશે, પણ સમય ન હોય તો ન આવતા.’ અને આ વાક્યોમાં ઔપચારિકતાની ગંધ નહીં, પણ આત્મીયતા અને પ્રેમની ફોરમ આવતી હોય.

પ્રકાશભાઇને કાર્યક્રમના આગલા દિવસ સુધી કાર્ડ આપવા જવાયું ન હોય તો પણ અમારા મનમાં કશો ઉચાટ ન લાગે. યાદ આવ્યા કરે કે પ્રકાશભાઇને મળવાનું છે, પણ એમાં કાર્ડ આપવા કરતાં મોટું આકર્ષણ પ્રકાશભાઇ સાથે અડધો કલાક-કલાક સત્સંગ થશે અને અટ્ટહાસ્યોની મહેફિલ સાથે બે વાત જાણવા મળશે એનું હોય. નગેન્દ્રભાઇને મળવા જઇએ અને પૂછીએ કે તેમની સગવડ સાચવવા શું કરીએ, તો એ ફક્ત એટલું જ કહે- અને એ પણ અત્યંત દિલગીરી વ્યક્ત કરીને કે ‘હું ઊભો રહીને બોલી નહીં શકું. મારે બેઠાં બેઠાં બોલવું પડશે.’ અને એ કાર્યક્રમના એકમાત્ર વક્તા હોવા છતાં એમને સમય વિશે પૂછીએ કે ‘ત્રીસ-પાંત્રીસ મિનીટ ચાલશે? કે વધારે જોઇશે? તમારા માટે કોઇ મર્યાદા નથી. હોઇ જ ન શકે.’ તો પણ એ અડધા કલાકથી વઘુ સમય ન માગે અને પાંત્રીસેક મિનીટમાં પોતાની વાત પૂરી કરી દે.

નગેન્દ્રભાઇના વક્તવ્યનો સાર આપવાનું અહીં શક્ય નથી, પણ તેમણે પ્રકાશનવ્યવસાય અને કેવાં પુસ્તકો પ્રકાશિત કરી શકાય- અને તેમને પણ સફળ બનાવી શકાય- એના માર્ગદર્શનની સાથોસાથ એમને લેખક તરીકે થયેલા કડવા અને પ્રકાશક તરીકે થયેલા પહેલાં માઠા અને પછી મીઠા અનુભવોની વાત કરી. ગુજરાતમાં મહેન્દ્રભાઇ મેઘાણી અને ‘લોકમિલાપ’ દ્વારા થયેલા પુસ્તકપ્રસારના કાર્યની વાજબી રીતે જ મોટા પાયે નોંધ લેવાઇ છે અને તેનાં ઉજવણાં થયાં છે, પણ તેમની સરખામણીમાં નગેન્દ્રભાઇ અને હર્ષલે કરેલું માતબર કામ બહુ થોડા લોકો જાણે છે. ‘મેથેમેજિક’ જેવા ગણિતના વિષય પરના  રૂ.૨૦૦ની (કે રૂ.૨૫૦ની) કિંમત ધરાવતા પુસ્તકની તેમણે વીસ હજારથી પણ વધારે નકલો વેચી હોય અને કોઇને તેનો ખ્યાલ પણ ન હોય. ફક્ત એકલદોકલ પુસ્તકની વાત નથી, આ સિરીઝનાં બીજાં પુસ્તકોની પણ તેમણે હસતાંરમતાં બાર-પંદર હજાર નકલો વેચી છે- અને ગુણવત્તા જોખમાવ્યા વિના કે સરકારી તંત્ર સાથે પ્રકાશકસહજ ‘વહીવટો’ પાડ્યા વિના.
નગેન્દ્રભાઇનું વક્તવ્ય એકચિત્તે સાંભળતા રજનીકુમાર, વિનોદભાઇ 
નગેન્દ્રભાઇના વક્તવ્યમાં કેટલાકને રસ ન પડ્યો હોય એ બનવાજોગ છે, પણ પુસ્તક સાથે વાચનથી એક ડગલું આગળનો સંબંધ ધરાવતા સૌ કોઇ માટે એ આજીવન તપ કરનાર એક પ્રતિબદ્ધ લેખક-પ્રકાશકની ૠષિવાણીમાં તરબોળ થવા જેવો લહાવો હતો. નગેન્દ્રભાઇ એટલું સુરેખ, સચોટ અને મુદ્દાસર બોલ્યા, જાણે ‘સફારી’નો લેખ. કાર્યક્રમ પછી મિત્ર બકુલ ટેલરે કહ્યું પણ ખરું, ‘નગેન્દ્રભાઇનું આખું વક્તવ્ય કશી કાપકૂપ કર્યા વિના છાપી શકાય એટલું અદ્‌ભૂત હતું.’

નગેન્દ્રભાઇના વક્તવ્ય પહેલાં પ્રણવે સાર્થક પ્રકાશનના ત્રણે મિત્રોની પત્નીઓ વિશે વાત કરતી વખતે, જોડી કાઢેલી એક પંક્તિ ફટકારી અને એ પહેલાં સૌને યાદ કરાવ્યું કે આટલા વખતના સંચાલનમાં પહેલી વાર એક કાવ્યપંક્તિ આવી રહી છેઃ-) હેતલ (દીપક), સ્વાતિ (ધૈવત) અને સોનલ (ઉર્વીશ) પોતપોતાની રીતે સક્ષમ હોવાથી આ ત્રણે જણ આ પ્રકારનું સાહસ કરી શક્યા છે, એવી મસ્તીભરી અંજલિ પ્રણવે તેમને આપી અને ત્રણેને પોતાની જગ્યા પરથી ઊભા થવા કહ્યું ત્યારે લોકોને પોતાની ડોક છેક પાછળ તાણવી પડી. કારણ કે હેતલ ચોથી-પાંચમી લાઇનમાં, સ્વાતિ એનાથી પાંચ-છ લાઇન પાછળ અને સોનલ છેલ્લેથી બીજી લાઇનમાં બેઠેલાં હતાં. જ્યાં જગ્યા મળી હોય ત્યાં જ બેસાય ને. ફંક્શન પોતાનું હોય તેથી શું થઇ ગયું?
આશિષ કક્કડ / Ashish Kakkad

આ કાર્યક્રમમાં જેમની ગેરહાજરી સૌથી વધારે સાલી રહી હતી એવા અશ્વિનીભાઇને યાદ કરતી વખતે મસ્તી કરતા-કરાવતા પ્રણવનો અવાજ તૂટી ગયો અને કંઠ રૂંધાયો. એ વખતે પાછળ બેઠેલા અમારા સૌની મનઃસ્થિતિ પણ એવી જ હતી. અશ્વિનીભાઇ અમારું આ સાહસ જોઇને બહુ જ રાજી થયા હોત, એ વાતની પ્રતીતિ તેમની ગેરહાજરીને વધારે અસહ્ય બનાવતી હતી. ત્રણ પ્રકાશક-મિત્રોના ‘બેટરહાફ’ના ઉલ્લેખ પછી પ્રણવે ‘બેટરહાફ’ના નિર્દેશક, ઉત્તમ વોઇસ આર્ટિસ્ટ, ‘કાઇપો છે’માં નાનો પણ પ્રભાવશાળી રોલ કરનાર પરમ મિત્ર આશિષ કક્કડને બોલાવ્યા. આશિષે કાર્યક્રમમાં ગેરહાજર એવા કેકેસાહેબ (કૃષ્ણકાંત) અને સલિલ દલાલના શુભેચ્છાસંદેશ અવાજનો ટોન એકદમ લાગણીસભર કરીને એવી રીતે વાંચ્યા કે જેથી હોલમાં બેઠેલા સૌના મન પર આ બન્ને સ્નેહી વડીલોની યાદનું પીંછું ફરતું લાગે.

કાર્યક્રમના આરંભે જ એક મિત્રને વાઇ આવતાં થોડા મિત્રોએ તેમની દેખભાળ લીધી, ઉંચકીને હોલની બહાર લઇ ગયા, સ્ટેજ પરથી અમે ત્રણે -દીપક, ધૈવત અને હું- તથા આશિષ કક્કડ પણ બહાર પહોંચી ગયા. પછી સબ સલામતની ખાતરી થતાં અંદર આવીને ફરી આશિષભાઇએ મિત્રની સ્વસ્થતાના સમાચાર સૌને આપીને, કાર્યક્રમ આગળ વધાર્યો. છતાં આનાથી કાર્યક્રમમાં કશો વિક્ષેપ થયો ન હતો. હોલમાં બેઠેલા કોઇને પણ તકલીફ પડે તો સૌને એ પોતાની જ તકલીફ લાગે, એવો માહોલ એ દિવસે સર્જાયો હતો. બેઠેલા સૌ જાણે વાચનપ્રેમ અને અમારા પ્રત્યેના પ્રેમના અદૃશ્ય દોરે બંધાયેલા હતા. એક મિત્રે કહ્યું તેમ, એ કાર્યક્રમમાં કોઇ મહેમાન હોય એવું લાગતું ન હતું. સૌ પોતાના જ કાર્યક્રમમાં આવ્યા હોય એવું ભાર વગરનું વાતાવરણ હતું.

કાર્યક્રમનો પહેલો હિસ્સો-નગેન્દ્રભાઇનું પ્રવચન- પૂરું થતાં હવે આવ્યો વિમોચનનો વારો. આગળ કશી ઔપચારિકતા ન કરી હોય તો વિમોચનમાં પણ કોઇએ મહેનતથી વીંટાળેલાં પેકિંગ આડેધડ ફાડવાની ક્રિયાથી વિમોચન શી રીતે કરી શકાય?

(ત્રીજો અને છેલ્લો ભાગ ટૂંક સમયમાં)