Tuesday, April 23, 2013
સિંહોના સ્થળાંતરનું ‘સિંહાવલોકન’
સિંહોના સમુહ માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ છેઃ ‘પ્રાઇડ’. પરંતુ ગુજરાત માટે ગીર/ Girના સિંહ ખરેખર ‘પ્રાઇડ’ કહેતાં ગૌરવનો મુદ્દો છે. એટલે જ, સર્વોચ્ચ અદાલતે ગીરના કેટલાક સિંહને મઘ્ય પ્રદેશ ખસેડવાનું સૂચન કરતાં, કેટલાક ગુજરાતીઓને ગૌરવભંગની લાગણી થઇ. કોંગ્રેસ અને ભાજપ માટે પણ સિંહો ખસેડવાનો મુદ્દો પ્રાણીસંરક્ષણ કરતાં વધારે ગૌરવના રાજકારણનો છે. એટલે સ્વાભાવિક રીતે જ આ મુદ્દે ઘણા ગૂંચવાડા પ્રવર્તે છે.
વિશ્વભરમાં એક માત્ર ગીરના વિસ્તારમાં જોવા મળતા એશિયાઇ સિંહોને મઘ્ય પ્રદેશ ખસેડવાના મુદ્દાને રાજકારણ અને પ્રાદેશિક ગૌરવ બાજુ પર મૂકીને તપાસવા જેવો છે. એમ કરતાં કેટલાક પાયાના અને નોંધપાત્ર મુદ્દા ઘ્યાનમાં આવે છે.
ગુજરાતના બધા સિંહ મઘ્ય પ્રદેશમાં ખસેડવાના નથી
સાવ પ્રાથમિક અને પાયાની હોવા છતાં આ સ્પષ્ટતા જરૂરી છે. ‘ગુજરાતગૌરવ’, ‘ગુજરાતને અન્યાય’ અને ‘ગુજરાતવિરોધીઓનું કાવતરું’ની સરકારપ્રેરિત પરંપરાગત મનોદશાથી વિચારવા ટેવાયેલા ઘણા લોકો એવું માની બેઠા છે કે ગીરના બધા સિંહોને મઘ્ય પ્રદેશમાં ખસેડી દેવાના છે. તેથી ગુજરાત સિંહવિહોણું થઇ જશે.
હકીકતમાં સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે ગીરના એશિયાઇ સિંહો/ Asiatic lionsમાંથી થોડા સિંહોને જ મઘ્ય પ્રદેશ મોકલવાના છે. વર્ષ ૨૦૧૦માં ગીરમાં થયેલી સિંહોની વસતી ગણતરીમાં સિંહોની કુલ સંખ્યા ૪૧૧ નોંધાઇ હતી. (૯૭ સિંહ, ૧૬૨ સિંહણ, ૧૫૨ બચ્ચાં) આ સિવાય જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં કૃત્રિમ વાતાવરણમાં સિંહોના પ્રજનન અને ઉછેરનું કેન્દ્ર ચાલે છે. ત્યાં અત્યાર લગી ૧૮૦ એશિયાઇ સિંહ જન્મ્યા છે, જેમાંથી ૧૨૬ સિંહોને એશિયાઇ સિંહના પ્રતિનિધિ તરીકે દુનિયાભરનાં પ્રાણીસંગ્રહાલયોમાં મોકલવામાં આવ્યા છે.
એટલે, જેમને એશિયાઇ સિંહ સાથે ગૌરવ અનુભવવા સિવાય બીજી કશી લેવાદેવા નથી, એવા લોકોએ ચિંતા કરવાનું કશું કારણ નથી. અદાલતના આદેશ પ્રમાણે છ મહિનામાં થોડા સિંહ મઘ્ય પ્રદેશ મોકલી આપવામાં આવે તો પણ તેમની મોટી વસ્તી ગુજરાતમાં રહેવાની છે અને તેમની પર ગૌરવ લેવાનું ચાલુ રાખી શકાશે. સાથે એવું પણ કહી શકાશે કે ‘આ મઘ્ય પ્રદેશમાં જે એશિયાઇ સિંહ તમે જુઓ છો ને? એ અમે એમને આપેલા. બાકી, બિચારા મઘ્ય પ્રદેશવાળા પાસે સિંહ ક્યાંથી હોય?’
અલબત્ત, ભારતીય પરંપરા પ્રમાણે, કોઇ પણ વસ્તુ કે વ્યક્તિનું ગૌરવ લેવું એ સૌથી સહેલું કામ છે. કારણ કે ગૌરવ લેનારના માથે ત્યાર પછી બીજી કશી જવાબદારી રહેતી નથી- પછી તે ગૌરવ ગાંધીજીનું હોય કે ગીરના સિંહનું.
સિંહોનાં વસ્તી-વિસ્તારમાં વધઘટ
હાલમાં સૌરાષ્ટ્રમાં ૧,૪૧૨ ચો.કિલોમીટરના ગીર અભયારણ્ય સહિત ચાર ભૌગોલિક વિસ્તારોમાં એશિયાઇ સિંહોની વસ્તી વહેંચાયેલી છે. પરંતુ એક સમયે તે આખા એશિયા અને અરબસ્તાનમાં જોવા મળતા હતા. ધીમે ધીમે તેમની વસ્તી સંકોચાતી ગઇ. ભારતમાં પણ તેમનો પથારો મોટો હતો. ઉત્તર ભારત અને છેક બિહાર સુધી તેમની ડણકો સંભળાતી. પરંતુ ૧૮૩૦થી ૧૮૮૦ની વચ્ચે ભારતમાં જુદાં જુદાં સ્થળેથી સિંહનો એકડો નીકળતો ગયો અને ગીર તેમનો એકમાત્ર-છેલ્લો મુકામ બન્યું. એ તબક્કે ગીરમાં પણ માંડ ૧૨ સિંહ બચ્યા હોવાનું કાઠિયાવાડના અંગ્રેજ પોલિટિકલ એજન્ટ કર્નલ વોટ્સને નોંઘ્યું હતું. ત્યાર પછી તેમની સંખ્યા વધી ખરી, પણ તે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાની બહાર નીકળ્યા નહીં.
સૌરાષ્ટ્ર સિંહોને સદી ગયું હોવાનું લાગતું હતું, પણ ૧૯૬૦ના દાયકામાં તેમની સંખ્યા ઘટવા માંડી. ૧૯૬૩માં ગુજરાતના વનવિભાગે કરેલી વસ્તી ગણતરીમાં ૨૮૫ સિંહોની નોંધણી થઇ હતી, પણ પાંચ વર્ષ પછી એ આંકડો ઘટીને ૧૭૭ થઇ ગયો. ૧૯૭૪માં તેમની સંખ્યા માંડ ૧૮૦ હતી. સિંહોના સંરક્ષણ માટે 1965માં ગીરને અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું. તેમ છતાં, એશિયાઇ સિંહ જેવી પ્રજાતિ એક જ મર્યાદિત ભૌગોલિક વિસ્તાર કે રાજ્યના પેટાપ્રદેશમાં વસતી હોય, એ સ્થિતિ ઘણા પ્રકૃતિપ્રેમીઓને જોખમી લાગે છે. કારણ કે પ્રમાણમાં નાના ભૌગોલિક વિસ્તારમાં કેન્દ્રિત એવી સિંહની વસ્તી રોગચાળાની કે કુદરતી આફતની ઝપટમાં આવી જાય અને તેનું નામોનિશાન ભૂંસાઇ જાય, એવી સંભાવના હંમેશાં ઝળુંબતી રહે છે.
આવું ન બને એ માટેના સંભવિત ઉપાયોમાં એક છેઃ સ્થાનિક સ્તરે ગુજરાત સરકાર દ્વારા રખાતી સતત કાળજી-દેખભાળ અને બીજો ઉપાય છેઃ વસ્તીમાંથી થોડા સિંહોનું સ્થળાંતર. સર્વોચ્ચ અદાલતે અત્યારે સ્થળાંતરનો બીજો ઉપાય સૂચવ્યો છે તેની પાછળ મઘ્ય પ્રદેશ પાછળનો પ્રેમ કે ગુજરાત પ્રત્યેનો અવિશ્વાસ નહીં, પણ કુદરતી આસમાની સુલતાનીનો ખોફ અને સિંહો માટે સલામતીની વધારાની એક વ્યવસ્થા મુખ્ય પરિબળ છે. અદાલતની ભાવના એવી હોય કે ન કરે નારાયણ ને ગીરના બધા સિંહોને કંઇ થઇ જાય તો પણ ભારતમાં એશિયાઇ સિંહનું અસ્તિત્ત્વ નેસ્તનાબૂદ ન થવું જોઇએ. કારણ કે, એશિયાઇ સિંહ ફક્ત ગુજરાતનું નહીં, સમગ્ર ભારતનું ગૌરવ છે, બલ્કે કુદરતનું અણમોલ સર્જન છે, જેની સલામતી અને સુરક્ષા માટે સંકુચિત ગૌરવભાનમાં સર્યા વિના બનતા પ્રયાસ કરવા જોઇએ.
સ્થાનફેરઃ જૂની સમસ્યા, નવા સવાલ
ગીરના સિંહમાંથી થોડાને બીજે વસાવવાનો વિચાર કે તેનો અમલ- કશું નવું નથી. છેક ૧૯૫૮માં ગીરના ત્રણ સિંહને ઉત્તર પ્રદેશના ચંદ્રપ્રભા અભયારણ્યમાં ખસેડવામાં આવ્યા હતા. એ વખતે અલગ ગુજરાત રાજ્ય સ્થપાયું ન હતું. દસ વર્ષમાં ચંદ્રપ્રભા અભયારણ્યમાં સિંહોની સંખ્યા વધીને ૧૧ પર પહોંચી, એટલે બધાને એશિયાઇ સિંહોના ઉજળા ભવિષ્ય અને તેમના સ્થાનફેરની સફળતા વિશે ખાતરી થઇ. પરંતુ ત્યાર પછીના વર્ષે બધા સિંહ ગાયબ થઇ ગયા. તેમનો શિકાર થઇ ગયો કે પછી કોઇ રોગચાળાનો શિકાર બન્યા, એ જાણવા મળ્યું નહીં.
ગીરનું અભયારણ્ય સ્થપાયા પછી પણ, બધી મૂડી એક જગ્યાએ ન રાખવાની સલામત ગણતરીથી પ્રેરાઇને, થોડા સિંહોને બીજે રાખવાનું ઠરાવવામાં આવ્યું. ભારત સરકારે ત્યારે ૧૯૮૬માં મઘ્ય પ્રદેશના કુનો પાલપુર/ Kuno- Palpur અભયારણ્ય પર પસંદગી ઉતારી (જ્યાં સિંહોને મોકલવાનો આદેશ અત્યારે સર્વોચ્ચ અદાલતે આપ્યો છે.) એ વખતની ગુજરાત સરકારે આ નિર્ણયનો આક્રમક વિરોધ કર્યો.
ગુજરાત સરકારની રજૂઆત ત્યારે એવી હતી કે સિંહસંરક્ષણના અસરકારક કાર્યક્રમને લીધે ગીરના સિંહોની વસ્તીમાં વધારો થયો છે અને તેમની સલામતીને કશો ખતરો નથી. ૧૯૮૪માં સિંહોની કુલ વસતી ૨૩૯ હતી, જે ૧૯૯૦માં વધીને ૨૮૪ થઇ. ત્યાર પછી સતત વધતી રહેલી સિંહોની વસ્તીથી ગુજરાત સરકાર સામે દેખીતી બેદરકારીનો આક્ષેપ મૂકી શકાય એવું કોઇ કારણ નથી. વસતીવધારાને કારણે ગીરના સિંહ ‘ક્રિટિકલી એન્ડેન્જર્ડ’ (ગંભીર રીતે જોખમમાં)ને બદલે હવે ફક્ત ‘એન્ડેન્જર્ડ’ (જોખમમાં) ગણાય છે. હકીકતમાં ગીરના સિંહો ગીરનું અભયારણ્ય છોડીને બહારના વિસ્તારોમાં ગયા છે, એ સૂચવે છે કે વસતીવધારા પછી ગીરનું અભયારણ્ય સિંહોને નાનું પડી રહ્યું છે.
સિંહોના સ્થાનફેર બાબતે મુદ્દો ગુજરાતની ક્ષમતા-અક્ષમતાનો નહીં, પણ એક જ ભૌગોલિક વિસ્તારમાં થયેલા દુર્લભ પ્રજાતિના કેન્દ્રીકરણનો છે. અદાલતના પ્રયાસને પણ એ પ્રકાશમાં જોવો રહ્યો. પરંતુ સિંહોના હિત માટે તેમાંથી થોડાને ગુજરાતબહાર ખસેડવા જરૂરી લાગતું હોય, તો એ સિંહ માટે મઘ્ય પ્રદેશનું કુનો પાલપુર અભયારણ્ય યોગ્ય ઠેકાણું છે કે કેમ, એ મુદ્દાનો સવાલ છે.
અદાલતે અને અગાઉ ‘વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા’એ કુનો પાલપુર અભયારણ્ય પર પસંદગી ઉતારી હતી. પરંતુ ત્યાં અત્યારે વાઘ અને દીપડા પણ મોજુદ છે. પ્રાણીશાસ્ત્રીઓના મતે સિંહ અને વાઘનું સહઅસ્તિત્ત્વ (કમ સે કમ અત્યારના સમયમાં) ક્યાંય નોંધાયું નથી. એ બન્ને પ્રાણીઓ પોતપોતાની હદ અને પોતાના વિસ્તાર બાબતે અત્યંત ઝનૂની હોય છે. તેમને સાથે, એક અભયારણ્યમાં રાખવાનું ડહાપણભર્યું નથી એવો પ્રબળ મત છે. કુનો પાલપુરમાં સિંહ, વાઘ અને દીપડા એ ત્રણે એક સાથે હોય એવું અભૂતપૂર્વ જોણું ઊભું કરવા માટે પણ આ થઇ રહ્યું છે, એવો પણ એક આરોપ છે.
આરોપને બદલે નક્કર હકીકતની વાત કરીએ તો, પ્રાણીસંરક્ષણની બાબતમાં મઘ્ય પ્રદેશનો રેકોર્ડ ઉજળો નથી. ત્યાં ‘વાઘ બચાવો’ ઝુંબેશ ચાલતી હોવા છતાં છેલ્લા છ મહિનામાં પાંચ વાઘ વીજળીનો કરન્ટ લાગતાં મૃત્યુ પામ્યા છે. તેમાંથી ચાર વાઘ તો બાંધવગઢના પ્રખ્યાત વાઘ અભયારણ્યના હતા. લાંબા સમયથી જેના સંરક્ષણની કાર્યવાહી ચાલે છે એ વાઘની મઘ્ય પ્રદેશમાં આવી સ્થિતિ હોય, તો એશિયાઇ સિંહોને સાચવવામાં તે કેવું ઉકાળશે, એવી ચિંતા સ્વાભાવિક છે.
આટલી ચર્ચા પરથી સ્પષ્ટ છે કે વાસ્તવિક ચિંતા એશિયાઇ સિંહોમાંથી કેટલાકને બીજું ઘર આપીને તેમને સંભવિત આપત્તિથી બચાવવાની છે. તેમાં ગુજરાત વિરુદ્ધ મઘ્ય પ્રદેશનો (નર્મદા બંધવિવાદની યાદ અપાવતો) સંઘર્ષ ન હોવો જોઇએ કે નરેન્દ્ર મોદી વિરુદ્ધ શિવરાજસિંહ ચૌહાણનો પણ આ પ્રશ્ન નથી.
સાથોસાથ, ગુજરાત સરકાર સિંહોના હિતચિંતનના એકાધિકારનું કે ‘ગુજરાતનું ગૌરવ’નું પૂંછડું પકડીને બેસી રહેવાને બદલે, સિંહોને બીજું વધારે સારું અને સલામત ઘર મળે, એ માટે વૈજ્ઞાનિક આધારપુરાવા સાથે રજૂઆત કરે -કે સિંહોને સલામતી માટે બીજા ઘરની જરૂર નથી એવું નિષ્ણાતોની મદદથી પુરવાર કરી શકે- તો હજુ વેળા વીતી ગઇ નથી.
Labels:
Asiatic Lions,
Gir,
Gujarat/ગુજરાત
Subscribe to:
Post Comments (Atom)
ઉર્વીશ ભાઈ સરસ લેખ , ગયા રવિવારના મીડ-ડે માં રમેશ ઓઝા નો આજ વિષય પર સરસ લેખ હતો આપ બંને ના તરણાઓ સાથે સહમત, કોર્ટ પ્રમાણે પહેલા ફક્ત 5 જોડી ના વસવાટ નો કેટલોક સમય અભ્યાસ કરવાનો છે ને ત્યાર બાદ વધુ સિંહ સ્થાન્તર કરવા કે નહિ તે નક્કી થશે, અને જે રીતે સિંહો ની સંખ્યા વધી રહી છે તે જોતા તેમની માટે અભ્યારણ નો વિસ્તાર ખુબ ઓછો કેહવાય , ગુજરાત માટે એક સરસ તક છે કે સિંહ ની આબાદી વધારી શકે છે . ને જો સિંહો માટે તે સ્થાન અનુકુળ આવે તો તેમની માટે વધુ વિસ્તાર નો વિકલ્પ પણ ખુલ્લો રેહશે !
ReplyDeleteવાહ... ઉઘાડ થયો...
ReplyDeleteVery nice analysis, It may be published in your column with more facts pl. Nimesh joshi
ReplyDeleteit's from my column-- for those fortunate who don't read gujarati newspapers;-) or at least don't read more than one.
Deleteબહુ સરસ લેખ છે , એકદમ વાસ્તવિકતા થી ભરપુર..... અને વૈજ્ઞાનિક સચ્ચાઈઓ પર આધારિત
ReplyDelete'ગીરના સિંહનાં સ્થાનફેર' આવી તાર્કીક, અને હકીકત આધારીત ચર્ચાને જાહેર મછ આપવાની જરૂર છે, જેથી તરફેણ અને વિરોધની બન્ને પક્ષની રજૂઆતો એક સાથે જાણવા મળે.
ReplyDeleteબન્ને તરફના પક્ષોના જાહેર અને 'અંદરખાનેના' એજંડા નિષ્પ્ક્ષપણે રજૂ થાય અને જાહેર જનતાને તે જાણવા મળે, તે મૂળ વિષય માટે, તેમ જ આપણી શાસન વ્યવસ્થાને પારદર્શક બનાવવામાં પણ, ઉપયોગી નીવડી શકે.
Besides; for all political purposes, animal are also used and abused through black magic experience.....
ReplyDeleteAny fact finding approach is requested to save animals for a not-noble politics.