Sunday, April 28, 2013

કાનજીભાઇ રાઠોડઃ હવે ફક્ત ફિલ્મોના ઇતિહાસમાં

કાનજીભાઇ વિશેનો પહેલો લેખ  મૂક્યા પછી વચ્ચે સાર્થક પ્રકાશનને લગતા લેખોને કારણે લાંબો ઝોલ પડી ગયો. દરમિયાન કાનજીભાઇ વિશેનો બીજો લેખ ગુજરાત સમાચારની રવિપૂર્તિમમાં પ્રગટ થઇ ગયો હતો.. એ લેખ અને થોડી વધારાની તસવીરો)

ભારતીય ફિલ્મોના પહેલા ‘કમર્શિયલ ડાયરેક્ટર’ જન્મે ગુજરાતી દલિત કાનજીભાઇ રાઠોડ દક્ષિણ ગુજરાતના પોંસરા ગામના વતની હતા અને જીવનનાં છેલ્લાં વર્ષો તેમણે ત્યાં જ ગાળ્યાં. થોડા મહિના પહેલાં તેમનું સીઘુંસાદું મકાન પાડી નખાતાં કાનજીભાઇની છેલ્લી ભૌતિક યાદગીરી નષ્ટ થઇ. કાનજીભાઇના ગામ-ઘર-પરિવારની મુલાકાતની થોડી વઘુ વિગતો
***

ભારતીય ફિલ્મઉદ્યોગના પહેલા કમર્શિયલ ડાયરેક્ટર કાનજીભાઇ રાઠોડ હતા, એ વાત ફિલ્મ ઇતિહાસકારો એક અવાજે સ્વીકારે છે. કાનજીભાઇના આ દરજ્જા વિશે વિચારતાં સૌથી સ્વાભાવિક સવાલ એ થાય કે દલિત પરિવારના હોવા છતાં, એ ૧૯૨૦ના દાયકામાં આ સિદ્ધિ શી રીતે મેળવી શક્યા હશે? ગાંધીજીની રાષ્ટ્રવ્યાપી હરિજનયાત્રાને ત્યારે વાર હતી. ડો.આંબેડકરનો સિતારો ઉગી રહ્યો હતો. આભડછેટ-અસ્પૃશ્યતાનું તો પૂછવું જ શું? કાનજીભાઇની વિગતો મેળવવા માટે ગયા વર્ષના જૂન મહિનામાં નવસારી-પૌંસરાની મુલાકાત લીધી, ત્યારે કાનજીભાઇના દૂરના સગા ગોપાળભાઇ માસ્તરે વાતવાતમાં કહ્યું હતું કે નવસારીમાં ગીતાજ્ઞાનયજ્ઞના કાર્યક્રમ માટે હોલ માગ્યો  ત્યારે તેમને (દલિત હોવાને કારણે) હોલ મળ્યો ન હતો. એકવીસમી સદીના બીજા દાયકામાં આ સ્થિતિ હોય, તો વીસમી સદીના બીજા-ત્રીજા દાયકા વિશે કલ્પના કરવાની રહી.

તેમ છતાં, નોંધપાત્ર હકીકત એ પણ જાણવા મળી કે એ વિસ્તારના ઘણા દલિતો મુંબઇ ફિલ્મઉદ્યોગમાં કે સંબંધિત ક્ષેત્રોમાં સક્રિય હતા અને કારકિર્દી બનાવી શક્યા હતા. એવાં કેટલાંક નામઃ લાલજીભાઇ આર્ય, રામજીભાઇ આર્ય, ભૂલસિંઘભાઇ, રાવજીભાઇ, મહેશ ચૂનાવાલા. આ યાદીમાંના એક ૮૪ વર્ષના રમેશભાઇ ડી. પટેલ નવસારીમાં રહે છે.  મહાત્મા ગાંધી વિશે વિઠ્ઠલભાઇ ઝવેરીએ બનાવેલી દસ્તાવેજી ફિલ્મ ‘મહાત્મા-લાઇફ ઓફ ગાંધી’માં રમેશભાઇએ એડિટર તરીકેની મહત્ત્વની જવાબદારી  નિભાવી હતી. આ કામ નિમિત્તે ગાંધીજીના પુત્ર દેવદાસ ગાંધી, પુત્રવઘુ રાજલક્ષ્મી અને મીરાબહેન (મેડલીન સ્લેડ)ના નિકટસંપર્કમાં તે આવ્યા. મીરાબહેન (મેડલીન સ્લેડ) વિશે તેમણે દસ્તાવેજી ફિલ્મ (‘વેસ્ટર્ન ડીસીપલ ઓફ એન ઇસ્ટર્ન સેઇન્ટ’) બનાવી હતી, જેનું ખાસ પ્રદર્શન રાષ્ટ્રપતિભવનમાં રાખવામાં આવ્યું હતું. ફિલ્મ્સ ડિવિઝનમાં ચીફ એડિટર તરીકેનો હોદ્દો શોભાવનાર રમેશભાઇએ ૧૯૯૦માં ‘લંડન ગાંધી ફાઉન્ડેશન’ના પ્રમુખ રીચાર્ડ એટેનબરોના આમંત્રણથી બ્રિટનયાત્રા કરી હતી.

(ડાબેથી) ગોપાળભાઇ અને રમેશભાઇ પટેલ (ફોટોઃ ઉર્વીશ કોઠારી)
L to R: Gopalbhai and Rameshbhai Patel (pic: Urvish Kothari)

મુંબઇમાં દલિતોની સ્વીકૃતિ માટે જવાબદાર એક પરિબળ હતું : પારસીઓ અને અંગ્રેજોની વસતી. દક્ષિણ ગુજરાતનાં ઘણાં દલિત પરિવારોમાંથી પિતા મુંબઇમાં કોઇ અંગ્રેજ કે પારસી સાહેબને ત્યાં ઘરકામ કરવા જાય. અંગ્રેજો અને પારસીઓને આભડછેટનો પ્રશ્ન ન હતો. એટલે દલિતોને કામે રાખવામાં તેમને ખચકાટ ન હતો. પિતા આવી રીતે મુંબઇમાં હોય, એટલે બાળકો પણ વેકેશનમાં મુંબઇ જાય અને એમ કરતાં ત્યાં કંઇક કામધંધો શોધી કાઢે. એક વાત પ્રમાણે, કાનજીભાઇ રાઠોડના એક સગા ભીખાભાઇ ધનજીભાઇ મુંબઇમાં ફોટોગ્રાફી કરતા હતા. એક પિતરાઇ ભાઇ દેવજીભાઇ મહેતા કોઇ કંપનીમાં મેનેજરના મોભાદાર હોદ્દે હતા. એવું પણ જાણવા મળ્યું કે કાનજીભાઇએ મુંબઇમાં પોતાની અટક ઝવેરી રાખી હતી અને દલિત તરીકેની ઓળખ પ્રગટ ન થાય તેનું ઘ્યાન રાખતા હતા. અલબત્ત, તેમણે નિર્દેશીત કરેલી ફિલ્મોની જાહેરાતમાં કાનજીભાઇનું નામ ‘મિ.કાનજીભાઇ રાઠોડ’ જોવા મળે છે. એટલે તેમણે ઝવેરી અટક ક્યાં રાખી હશે, એ જાણવા મળતું નથી.

મુંબઇમાં કાનજીભાઇ રાઠોડનો કેવો વટ હશે એ તેમના કામના જથ્થા પરથી કલ્પી શકાય છે. ૧૯૨૦માં અભિનેતા તરીકે તેમની કારકિર્દી શરૂ થઇ અને ૧૯૨૧થી ૧૯૩૦ સુધીમાં તેમણે માણેકલાલ પટેલની ‘કૃષ્ણ ફિલ્મ કંપની’ની ૨૨ મૂંગી ફિલ્મો સહિત કુલ ૫૯ મૂંગી ફિલ્મોનું ડાયરેક્શન કર્યું. હરીશ રધુવંશીના સંશોધન પ્રમાણે, ૧૯૩૧થી બોલતી ફિલ્મો શરૂ થયા પછી ૧૯૪૦ સુધીમાં તેમણે ૧૬ બોલતી હિંદી ફિલ્મો ડાયરેક્ટ કરી અને ૧૯૪૯માં ‘શેઠનો સાળો’ નામે એક ગુજરાતી ફિલ્મનું ડાયરેક્શન કર્યું. કુલ ૭૬ ફિલ્મોના ડાયરેક્ટર એવા કાનજીભાઇ નીતાંત મુંબઇગરા હતા. તેમની બોલીમાં દક્ષિણ ગુજરાતી છાંટ ન હતી, એવું તેમને પાછલાં વર્ષોમાં મળેલા લોકો પાસેથી જાણવા મળ્યું.

કાનજીભાઇએ બે લગ્ન કર્યાં હતાં. પહેલાં પત્ની વેજલપોરનાં કાન્તાબહેન અને બીજાં પત્ની સાવેજ ગામનાં ગંગાબહેન. કાંતાબહેન સાથે ગામમાં પરંપરાગત વિધિસર લગ્ન થયેલાં, જ્યારે ગંગાબહેન સાથે મુંબઇ આર્યસમાજમાં લગ્ન થયાં. ગંગાબહેન-કાનજીભાઇને સંતાનમાં એક પુત્ર હતોઃ સુરેશ. કાનજીભાઇના દૂરના સગા ગોપાળભાઇના જણાવ્યા પ્રમાણે, સુરેશ ૧૬ વર્ષનો હતો ત્યારે તેને શીતળા થયા. કાનજીભાઇ બાધા-આખડીમાં માનતા ન હતા. ‘ફોરવર્ડ’ હતા. તેમણે સુરેશને આર્થરરોડ હોસ્પિટલમાં દાખલ કર્યો, પરંતુ એ બચ્યો નહીં.

ફિલ્મોમાં સક્રિય કારકિર્દી પૂરી થયા પછી તે ધીરુભાઇ દેસાઇના ‘ચન્દ્રકલા પિક્ચર્સ’માં પ્રોડક્શન મેનેજર તરીકે જોડાયા. હરીશભાઇએ આપેલી માહિતી પ્રમાણે, મુકેશના યાદગાર ગીત ‘સારંગા તેરી યાદમેં’થી જાણીતી ફિલ્મ ‘સારંગા’ (૧૯૬૦)માં કાનજીભાઇ પ્રોડક્શન મેનેજર હતા. તેમના પુત્રનું મૃત્યુ ક્યારે થયું તે ચોક્કસ જાણવા મળતું નથી, પરંતુ પુત્રના મૃત્યુ પછી તે અને ગંગાબહેન પોંસરા રહેવા આવી ગયાં. પોંસરાનું ઘર અસલમાં હવેલી જેવું હતું. મુંબઇ રહેતા ત્યારે ક્યારેક પોંસરા આવતા કાનજીભાઇ ખાદીનું ધોતિયું-કફની, ચશ્મા અને ગોળ ખાખી હેટ પહેરતા અને અંગ્રેજી પણ બોલતા. ટ્રેનમાં મુંબઇથી મરોલી સ્ટેશને ઉતરીને, ત્યાંથી ઘોડાગાડી (ટાંગો) કરીને પોંસરા આવતા, જે એ જમાનામાં વૈભવી હોવાની નિશાની ગણાતી હતી.
Entrance of Kanjibhai Rathod's house at Ponsara
where he breathed his last, (photo: urvish kothari,

10 june, 2012) /હવે જમીનદોસ્ત થયેલા 
કાનજીભાઇના ઘરનું પ્રવેશદ્વાર (ફોટોઃ ઉર્વીશ કોઠારી)

કાયમ માટે મુંબઇ છોડીને પોંસરા આવી ગયા પછી કાનજીભાઇની આવકનું કશું સાધન ન હતું. ગોપાળભાઇના જણાવ્યા પ્રમાણે તેમણે ચાર-પાંચ મરઘી પાળી હતી અને તેનાં ઇંડાં વેચીને ગુજરાન ચલાવતા હતા. હવેલીનો ઉપરનો ભાગ તોડીને તેનો કાટમાળ વેચી દીધો હતો. પછી રહી ગયા હતું નીચેનું કાચું-લીંપણવાળું ઘર અને તેની આસપાસની ખુલ્લી જગ્યા. ગયા વર્ષના જૂનમાં પોંસરાની મુલાકાત લીધી ત્યારે એ ઘરમાં કાનજીભાઇના નાના ભાઇ પ્રેમાભાઇનાં પુત્રવઘુ ગંગાબહેન અને તેમનો પુત્ર દિનેશભાઇ રહેતાં હતાં. ગંગાબહેન પરણીને આવ્યા ત્યારે કાનજીભાઇ હયાત હતા, પણ એ કાનજીભાઇને ફિલ્મોમાં પ્રચંડ પ્રદાન કરનાર ‘મિ.કાનજીભાઇ રાઠોડ’ સાથે જાણે કશો સંબંધ ન હતો.

Gangaben, wife of Kanjibhai's nephew and
Dinesh (Gangaben's son) in Kanjibhai's house

(photo: Urvish Kothari, 10 june, 2012) 
કાનજીભાઇના ઘરમાં ઉભેલાં તેમનાં ભત્રીજાવહુ
ગંગાબહેન અને પુત્ર દિનેશભાઇ (ફોટોઃ ઉર્વીશ કોઠારી)
કાનજીભાઇનાં ભત્રીજાવહુ ગંગાબહેન સાથેની વાતચીતમાંથી જાણવા મળ્યું કે ઘરમાં તેમની ભવ્ય ફિલ્મી કારકિર્દીને લગતી કોઇ સ્મૃતિ બચી ન હતી. માનસન્માન તો ક્યાંથી હોય? પણ ફિલ્મોને લગતી કોઇ સામગ્રી સુદ્ધાં ન હતી. ગંગાબહેન પાસેથી કાનજીભાઇની મૃત્યુતારીખ જાણવા મળીઃ ૩૧ ડિસેમ્બર, ૧૯૭૦. પોંસરાથી થોડે દૂર આવેલા વાડા ગામના સ્મશાને, મિંઢોળા નદીના કિનારે કાનજીભાઇ જગાભાઇ રાઠોડની અંતિમ વિધિ થઇ.

છેલ્લાં વર્ષોમાં ધ્રૂજતા અવાજે ‘ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી...એક જ દે ચિનગારી’-  એ ગીતથી ગામલોકોને યાદ રહી ગયેલા કાનજીભાઇએ ફિલ્મોના આરંભકાળે જે ચિનગારી પ્રગટાવી હતી, તેની પર સમયની રાખ ફરી વળી છે. કાનજીભાઇના પોંસરાના મકાન વિશે ભાળ આપનાર નવનીતભાઇ ડાહ્યાભાઇ પટેલે આપેલી છેલ્લી માહિતી પ્રમાણે, કાનજીભાઇની છેલ્લી યાદગીરી જેવું મકાન પણ થોડા મહિના પહેલાં જમીનદોસ્ત કરી નાખવામાં આવ્યું છે. એટલે, અહીં છપાયેલી મકાનની તસવીરો હવે કાનજીભાઇની એકમાત્ર યાદગીરી તરીકે રહી ગઇ છે.

(કાનજીભાઇની તસવીરો કે મુંબઇ અને રાજકોટની ફિલ્મકંપનીઓમાં તેમની કામગીરી વિશેની માહિતી- સંપર્કસેતુ કોઇ પણ વાચકોની જાણમાં હોય તો એ વિશે જાણ કરવા વિનંતી છે.)

1 comment:

  1. The sad anonymity of this trailblazer is truly tragic Urvish. Am glad you have been able to document it with words and pictures.

    ReplyDelete