Monday, October 30, 2017

એક નવી શરૂઆતઃ 'વિકાસગીત'થી

ફેસબુક પરનાં મારાં સ્ટેટસ જોનારા મિત્રો જાણે છે તેમ, થોડા વિચાર પછી અને મિત્ર દીપક સોલિયાના ધક્કા પછી, છેવટે મેં યુટ્યુબ ચેનલ શરૂ કરવાનું વિચાર્યું. તેની આ પહેલી રજૂઆત છે. 

પહેલી વિડીયોનો વિષય રાજકારણ અથવા વધુ સાચી રીતે કહીએ તો, ગુજરાતનું જાહેર જીવન છે. પરંતુ આ ચેનલ પર ફક્ત  રાજકીય ચર્ચા માટે નથી. એ સિવાય ગમતાં પુસ્તકો, સંગીત અને બીજા વિષયો વિશે પણ ટૂંકમાં આ માધ્યમથી વાત કરવાનો ખ્યાલ છે--અઠવાડિયે એક કે બે વાર. 


કેટલાંક મિત્રોએ વ્યક્ત કરેલી વાજબી ચિંતાના અનુસંધાનમાં, ખાસ સ્પષ્ટતા એ કરવાની કે આ કશું લખવાના ભોગે નથી. આપણે જે કહેવું છે, પહોંચાડવું છે, જે શેર કરીને આનંદ કરવો છે, તેના માટે વધુ એક માધ્યમનો ઉપયોગ કરવાનો જ આશય છે.

તમને ગમે તો આનંદ. ચેનલ સબસ્ક્રાઇબ કરજો કે લિન્ક તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. ન ગમે તો વાંધો નહીં. જીવનમાં એવું બધું ચાલ્યા કરે :-)


Friday, October 27, 2017

ફેરી સર્વિસ અને વિગતોની હેરાફેરી

ઘોઘા-દહેજ વચ્ચે ફેરી સર્વિસના આરંભથી ગુજરાતમાં જળમાર્ગનું નવું પ્રકરણ શરૂ થયું છે. તેનાથી ભાવનગર-સુરત વચ્ચેનું અંતર ઘટીને લગભગ દસમા ભાગનું થઈ જાય છે. ગુજરાતમાં ઘેરાયેલાં ચૂંટણીનાં વાદળ વચ્ચે, વડાપ્રધાને આ સેવા શરૂ કરતાં તેમના અંદાજમાં ઘણી વાતો કરી. ‘તેમનો અંદાજ’ એટલે એવી રજૂઆત, જાણે ગુજરાતની પ્રગતિને લગતા તમામ વિચાર પહેલી વાર તેમને જ આવ્યા છે અને તેમના મુખ્ય મંત્રી બનતાં પહેલાં ગુજરાતમાં--તેમના વડા પ્રધાન બનતાં પહેલાં દેશમાં--અંધકારયુગ હતો.

વડાપ્રધાને કહ્યું કે અગાઉની કેન્દ્ર સરકારોએ ફેરી સર્વિસ શરૂ કરવાનું મુશ્કેલ બનાવ્યું હતું. ‘હું મુખ્ય મંત્રી હતો ત્યારે તત્કાલીન કેન્દ્ર સરકારે ગુજરાતની પ્રગતિ રૂંધવાનો પ્રયાસ કર્યો હતો.’ તેમણે કહ્યું કે તેમનું વિઝન ‘પી ફોર પી’ (પોર્ટસ ફોર પ્રોસ્પરિટી, બંદરો દ્વારા સમૃદ્ધિ) છે અને તે ‘બ્લુ ઇકોનોમી’માં માને છે. ‘બ્લુ ઇકોનોમી’ એટલે શું? તો કહે, ઇકોનોમી (અર્થતંત્ર) અને ઇકોલોજી (પર્યાવરણ)નો મેળાપ. તેમણે કહ્યું કે દક્ષિણ એશિયામાં આ સૌથી મોટી ફેરી સર્વિસ છે. આ નિમિત્તે તેમણે મેરીટાઇમ યુનિવર્સિટીની પણ જાહેરાત કરી.

તથ્યો સાથે છૂટછાટો લેવા માટે અને દરેક બાબત પર પોતાના સિક્કા મારવા માટે વડાપ્રધાન જાણીતા કે નામીચા છે. એટલે, નવી ફેરી સર્વિસ વિશે આનંદ અને તેના ભવિષ્ય વિશે ઉજળી આશા વ્યક્ત કર્યા પછી, તેને લગતી કેટલીક જૂનીનવી હકીકતો તપાસીએ.

સમજણા થયા ત્યારથી ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીને જોતાં આવેલાં સૌને જણાવવાનું કે 1950ના દાયકાથી કંડલા ગુજરાતનું મુખ્ય બંદર રહ્યું છે. (હવે આખેઆખા બંદરનું નામ ‘કંડલા’ને બદલે ‘દીનદયાળ’ કરી નાખવામાં આવ્યું છે. ન રહે ઇતિહાસ, ન રહે બીજા કોઈની ક્રેડિટ). ફેરી સર્વિસની વાત કરીએ તો, એ ફક્ત ઘોઘા-દહેજ વચ્ચે જ નહીં, કુલ પાંચ રૂટ પર ચાલતી હતીઃ નવલખી-કંડલા, ભાવનગર-કાળા તળાવ અને ભાવનગર-માઢીયા, જાફરાબાદ-પીપળી કાંઠા અને જાફરાબાદ-બેલાબંદર, ઓખા-બેટ અને ભરૂચ-ઘોઘા. 1958-59માં આ પાંચેય રુટ પર ફેરી સર્વિસ દ્વારા બધું મળીને આશરે પોણા સાત લાખ યાત્રાળુઓની અવરજવર થઈ હતી.

1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના પ્રસંગે ગુજરાત સરકારના પ્રકાશન વિભાગે એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું. તેમાં ફેરી સર્વિસ અને યાત્રાળુઓ ઉપરાંત ગુજરાતમાં બંદરોનું કેટલું મહત્વ છે, એ (‘પી ફોર પી’ જેવા કોઈ સૂત્ર વિના) સ્પષ્ટ રીતે આંકવામાં આવ્યું હતું. પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે, પહેલી પંચવર્ષીય યોજનાનાં પાંચ વર્ષ અને બીજી પંચવર્ષીય યોજનામાં 1958-59 સુધી કુલ આઠેક વર્ષમાં, ગુજરાતનાં બંદરોના વિકાસ પાછળ કુલ રૂ. 3.54 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. આ વ્યવસાયમાં કુશળ નાવિકોને તૈયાર કરવા માટે યુનિવર્સિટી નહીં, તાલીમશાળાની જરૂર પિછાણીને કેન્દ્ર સરકારે નવલખી બંદરે નાવિક તાલીમશાળા પણ શરૂ કરી હતી. મતલબ, વર્તમાન વડા પ્રધાનનું દરિયાઈ વિકાસનું વિઝન નવું કે પહેલી વારનું નથી અને બીજી ઘણી બાબતોની જેમ, તેનાં પણ નીવડ્યે જ વખાણ થઈ શકે.

આ વાતો બહુ દૂરની લાગતી હોય તો, વધારે નજીકના ભૂતકાળમાં આવીએ. ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં વર્ષ 1998માં પર્યાવરણ વિભાગ (એન્વાયર્નમેન્ટ સેલ)ની સ્થાપના થઈ. તેનું કામ હતું બંદરો અને તેના માળખાકીય વિકાસની સાથોસાથ દરિયાઇ અને કાંઠાના પર્યાવરણની જાળવણી, સાચવણી અને સંરક્ષણ... યાને 2017ની કથિત ‘બ્લુ ઇકોનોમી’. આ હકીકતનો ઉલ્લેખ ગુજરાત મેરીટાઇમ બોર્ડના 30મા એડમિનિસ્ટ્રેટિવ રીપોર્ટ, 2011-12માં છે. (એક આડવાતઃ વર્તમાન ચૂંટણી કમિશનર એ. કે. જોતિ એ વખતે ગુજરાત મેરીટાઇમ બોર્ડના અધ્યક્ષ હતા)  એ જ અહેવાલમાં એવો પણ ઉલ્લેખ છે કે દહેજ-ઘોઘા ફેરી સર્વિસ માટે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન—દરિયાકાંઠાના સુરક્ષિત વિસ્તારોમાં ડ્રેજિંગનું-કાંપ કાઢવાનું- કામ કરવું પડે. તેના માટેની જરૂરી પરવાનગી તત્કાલીન (યુપીએ) કેન્દ્ર સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય તરફથી મળી ગઈ છે.

ઘોઘા-દહેજ ફેરી સર્વિસ વિશેનો એક ઉલ્લેખ CAGના અહેવાલમાં પણ મળે છે. નાણાંકીય વર્ષ 2012-13ના આ અહેવાલના બીજા પ્રકરણમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડની કામગીરીની ચર્ચા કરવામાં આવી છે. CAG એટલે કે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના યુપીએ સરકારની ટીકા કરતા અહેવાલોને તત્કાલીન મુખ્ય મંત્રી મોદીએ ઉત્સાહપૂર્વક ઉપયોગમાં લીધા હતા. પરંતુ એ જ CAGની ગુજરાત વિશેના અહેવાલ વેળાસર વિધાનસભામાં રજૂ કરવામાં તેમણે કરેલા અખાડા જાણીતા છે.

CAGના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, 2012-13માં ઘોઘા-દહેજ ફેરી પ્રોજેક્ટના બાંધકામ માટે એ વર્ષે રૂ.192 કરોડની કેપિટલ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તેમાંથી ગુજરાત મેરીટાઇમ બોર્ડે રૂ.40.16 કરોડ વાપર્યા અને રૂ. 151.84 કરોડ પડી રહ્યા. (તેમાં કેન્દ્ર સરકારની કોઈ દખલગીરી ન હતી) મેરીટાઇમ બોર્ડે CAG સમક્ષ એવો ખુલાસો કર્યો કે ગુજરાત સરકારની સૂચના પ્રમાણે, ગ્રાન્ટની રકમ બીજા પ્રોજેક્ટમાં ફાળવી દેવામાં આવી હતી. ગુજરાત સરકારે પણ એ દાવાનું સમર્થન કર્યું. પરંતુ CAGએ આ ખુલાસો માન્ય રાખ્યો નહીં. કારણ કે ગ્રાન્ટ બીજે ફાળવવા અંગેનો ગુજરાત સરકારનો સત્તાવાર પત્ર કે દસ્તાવેજ સરકાર તરફથી CAGને મળ્યો નહીં. (પૃ.16)

કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની ભૂમિકાનો અછડતો ખ્યાલ આપતી, વધુ એક હકીકતઃ માઇનર ફિશિંગ હાર્બર—નાનાં સ્તરનાં બંદરોના વિકાસ માટે તત્કાલીન (યુપીએ) કેન્દ્ર સરકાર તરફથી 2008માં ગુજરાતને રૂ.16.67 કરોડની સહાય મળી, જે જાફરાબાદ બંદર વિકસાવવા માટે હતી. તેમાં પણ ગુજરાત મેરીટાઇમ બોર્ડની નિષ્ફળતાને કારણે કેન્દ્ર સરકારે ફાળવેલાં નાણાં વાપરી શકાયાં નહીં. (પૃ.17) આ બે ઉદાહરણ વર્તમાન વડાપ્રધાનના દાવાની અને દાવપેચની અસલિયત સમજવામાં ઉપયોગી થઈ પડે એમ છે.

છેલ્લી વાત દક્ષિણ એશિયાની સૌથી મોટી કે સૌથી સારી ફેરી સર્વિસના દાવાની. કશા સરખામણીસૂચક આંકડા કે વિગતો વિના આ દાવો કરવામાં આવ્યો છે. એટલે,  બાંગલાદેશમાં ચાલતી રો-રો ફેરી સહિતની બીજી અનેક ફેરી સેવાઓ કરતાં ઘોઘા-દહેજ સેવા કેવી રીતે મોટી કે કેવી રીતે ચડિયાતી છે, એ સ્પષ્ટ થતું નથી. પરંતુ આડેધડ દાવા કરવામાં એક સુખ હોય છેઃ તેની સચ્ચાઈ શોધવાની જવાબદારી બીજા લોકો પર આવે છે અને એ લોકો વિગતમાં ઉતરીને દાવાની અસલિયત બહાર આણે, ત્યાં સુધીમાં તો પ્રિન્ટ, ટીવી ને વેબ એમ ત્રણે લોકમાં દાવા અને દાવા કરનારનો જયજયકાર થઈ ચૂક્યો હોય છે. 

Tuesday, October 24, 2017

સ્માર્ટ ફોન લોકોને બુદ્ધુ બનાવે છે?

ઘણી નવી ટેક્નોલોજી આવી, ત્યારે એવી આશંકા વ્યક્ત થતી રહી છે કે તેનાથી માણસજાત ફોગટિયા ટાઇમપાસમાં ડૂબી જશે અને તેની વિચારશક્તિમાં ઘટાડો થતાં સરવાળે તે ડફોળ બનશે.  ઉદાહરણ તરીકે, રેડિયો, ટેપ રેકોર્ડર, ટીવી, વિડીયો, ઇન્ટરનેટ વગેરે.

જોવા જેવી વાત એ પણ છે કે આવાં સંશોધનની સાથે (ડફોળપણાની જેમ) મહાન ક્રાંતિની આગાહીઓ પણ થઈ હતી. રેડિયો, ટેપ રેકોર્ડર, ટીવી, વિડીયો અને છેલ્લે ઇન્ટરનેટથી શિક્ષણક્ષેત્રે કેવું પરિવર્તન આવશે તેના વરતારા નીકળ્યા હતા. થોડાં વર્ષ પહેલાં, મોટે ભાગે ‘ટાઇમ’ (કે ‘ન્યૂઝવીક’)  સાપ્તાહિકમાં એવો લેખ વાંચ્યાનું યાદ છે કે ટૂંક સમયમાં અમેરિકાની શિક્ષણ વ્યવસ્થામાં ‘ફ્લિપ્ડ ક્લાસરૂમ’ આવી જશે. એટલે કે, વિદ્યાર્થીઓ અગાઉથી નક્કી થયેલા મુદ્દા વિશે ઘરેથી (યૂટ્યૂબ જેવી વેબસાઇટ પર) વિડીયો સમજૂતી જોઈને ક્લાસમાં આવશે. પછી ક્લાસમાં શિક્ષક તેમને ફક્ત એ જ શીખવશે, જે વિદ્યાર્થીઓને સમજાયું ન હોય. આમ, શિક્ષણના આખા ખ્યાલનું શીર્ષાસન થશે.

પરંતુ હજુ સુધી આવી ક્રાંતિ આવી હોય એવું જાણમાં નથી. ‘ખાન્સ એકેડેમી’ જેવી કેટલીક વેબસાઇટો પર સેંકડો શિક્ષણ વિષયક વિડીયો મોજૂદ છે. તેની લોકપ્રિયતા અને અસરકારકતા ખાસ્સી છે. ‘માઇક્રોસોફ્ટ’ સહિતની મોટી કંપનીઓનો તેને ટેકો છે. છતાં, હજુ પરંપરાગત સ્કૂલ અને શિક્ષણનું સ્થાન તે લઈ શકી નથી. (ગુજરાતની ખાનગી નિશાળોમાં ‘સ્માર્ટ ક્લાસ’ના નામે વધારાના રૂપિયા ખંખેરવાનું અને બદલામાં કમ્પ્યૂટર પર સાવ પ્રાથમિક કક્ષાનું કંઇક બતાવી દેવાની વેપારી તરકીબ વળી બીજો મુદ્દો છે.)

ઉપર જણાવેલી ઘણી શોધોથી વ્યાપક પરિવર્તન ચોક્કસ આવ્યું, પરંતુ ઇન્ટરનેટથી સજ્જ સ્માર્ટ ફોનથી પહેલી વાર વ્યાપક સ્તરે ક્રાંતિ જેવો માહોલ ઊભો થયો છે. ત્યારે વિરોધાભાસી હકીકત એ પણ છે કે માણસની વિચારશક્તિ ઘટી રહી હોવાનો--સાદા શબ્દોમાં કહીએ તો, તેની ડફોળાઈમાં વધારો કરવાનો-- આરોપ બીજી કોઈ પણ શોધ કરતાં વધારે સ્માર્ટ ફોન પર મુકાઈ રહ્યો છે.

રેડિયો-ટીવી જેવી શોધોને સામાન્ય લોકો સુધી પહોંચતાં ઘણો સમય લાગ્યો. વિડીયો કેસેટ પ્લેયર જેવી શોધ એટલો સમય લઈને લોકો સુધી પહોંચે તે પહેલાં જ તે ટેક્નોલોજી લુપ્ત થઈ.  પરંતુ મોબાઈલ ફોનમાં કમ્પ્યૂટરની ક્ષમતા અને ઇન્ટરનેટનો મેળાપ થવાથી સ્માર્ટ ફોન નામની જે ચીજ પેદા થઈ, તેની શક્તિઓ જાદુઈ હતી. (આ બાબતમાં ‘જાદુઈ’ અને ‘રાક્ષસી’ વચ્ચેની ભેદરેખા બહુ પાતળી હોય છે.) ભારતના વિશાળ બજારમાં સ્માર્ટ ફોન અને હવે ડેટા એટલાં સસ્તાં છે કે સામાન્ય સ્થિતિ ધરાવતા લોકો પાસે પણ તે જોવા મળે છે. કોઈ શોધ આટલી ઝડપથી છેક છેવાડાના માણસ સુધી પહોંચે તેનો આનંદ જ હોય, પણ એક સવાલ પ્રાથમિકતાનો હતોઃ છેવાડાના માણસની પ્રાથમિકતામાં સ્માર્ટ ફોન આવે? સ્માર્ટ ફોનથી તેના જીવનધોરણ કે રોજગારીની તકોમાં શો નક્કર ફરક પડ્યો? બીજો સવાલ અસરોનો હતો: સ્માર્ટ ફોન અને તેની સાથે સંકળાયેલી સોશિયલ નેટવર્કિંગથી માંડીને બીજી ટાઇમપાસ બલાઓની સામાજિક અસરોનો કંઈક અંદાજ આવે, તે પહેલાં તો  તેમનો મોટા પાયે પ્રચારપ્રસાર થઈ ચૂક્યો હતો-બાટલીમાંથી જીન બહાર નીકળી ચૂક્યો હતો.

‘શું ગરીબોને મોંઘા સ્માર્ટ ફોન વસાવવાનો ને તેની પર ગેમો રમી ખાવાનો કે વોટ્સએપ પર ટાઇમ પાસ કરીને મનોરંજન મેળવવાનો અધિકાર નથી?’--એવો અવળો વળ ચઢાવવાને બદલે, એ રીતે વિચારવું પડે કે સામાન્ય લોકોની આર્થિક, સામાજિક અને રોજગારીને લગતી કેટલી પ્રાથમિકતાઓ પર સ્માર્ટ ફોને તરાપ મારી છે? કામધંધો કરવાની ઉંમરે ઓટલે બેસી રહેનારા પહેલાંના જમાનાના નવરાઓ કૂકીઓ કે બાજી રમતા હતા. હવે એ સ્માર્ટ ફોન પર ફક્ત બાજી--ગેમ રમીને બેસી નથી રહેતા. વોટ્સએપ ને બીજી કેટલીક એવી ટાઇમપાસ ચીજો વાપરીને કશા સત્ત્વ વગરનું મનોરંજન મેળવે છે. પણ એનો સ્રોત સ્માર્ટ ફોન છે. એટલે લોકોને એવી છાપ પડે છે કે ‘જોયું? આ લોકો આમ બેકાર છે, પણ તેમને કેટલું બધું આવડે છે? કેવા સ્માર્ટ ફોન મચેડે છે?’ ઘણાં માતાપિતા પોતાનાં બાળકોને ફટાફટ સ્માર્ટ ફોન વાપરતાં જોઈને અેવાં અંજાઈ જાય છે, જાણે એડિસન ને ટેસ્લા જેવા મહાન સંશોધકો પછી હવે તેમનો મોબાઈલ-મચડુ ચિરંજીવી એ હરોળમાં નામ કાઢવાનો હોય.

સ્માર્ટ ફોનની સૌથી મોટી એક મુશ્કેલી આ છેઃ એ ડફોળ બનાવતો નથી (કમ સે કમ, પ્રમાણભૂત અભ્યાસોમાં તો એવાં તારણ ખાતરીપૂર્વક મળ્યાં નથી) પણ તેને વાપરતા ઘણા લોકો ‘સ્માર્ટ’ હોવાનો ભ્રમ તેનાથી ઊભો થાય છે. નિકટ તપાસ પછી એ ભ્રમની અસલિયત ખબર પડે છે, ત્યારે પ્રત્યાઘાત તરીકે એવું માનવાનું મન થાય છે કે ‘નક્કી, સ્માર્ટ ફોને જ આની વિચારશક્તિ હણીને તેને ડફોળ બનાવ્યો (કે બનાવી) લાગે છે.’
આટલું ઓછું હોય તેમ, સત્તાધારી ને વિરોધી પક્ષો પણ એવો ભ્રમ ફેલાવે છે કે યુવાનોને સ્માર્ટ ફોન પકડાવી દઈશું એટલે તેમની રોજગારીથી માંડીને બીજી અનેક સમસ્યાઓનો અંત આવી જશે. પ્રશ્ન સ્માર્ટ ફોનમાં રહેલી શક્યતાઓનો નથી. એ તો અપાર હોઈ શકે, પણ એ શક્યતાઓનો કસ કાઢવા જેટલી વિચારશક્તિ કે મૌલિકતા કેટલા લોકો પાસે હોવાની? અને આવી વિચારશક્તિ ખીલે, એવું શિક્ષણ પણ કેટલા લોકો પાસે હોવાનું?

ઝીણવટભર્યો નહીં તો પણ, અછડતો અંદાજ મેળવવા માટે વિચારી જુઓ: તમે સ્માર્ટ ફોન ધરાવતા કેટલા લોકોને તેની પર ગેમ, વોટ્સએપ-ફેસબુક, પાઇરેટેડ ફિલ્મો, સટરપટર વિડીયો સિવાયની બીજી કોઈ બાબત સાથે ગૂંથાયેલા જોયા? કેટલા લોકોને તમે સ્માર્ટ ફોન પર કંઇક ફોરવર્ડિયું રાજકીય, ધાર્મિક કે બીજા પ્રકારનું અનિષ્ટ ન હોય એવું, સાત્ત્વિક ને જ્ઞાનવર્ધક વાચન કરતા જોયા? કેટલા લોકોને સ્માર્ટ ફોનની પ્રચંડ ક્ષમતાનો કસ કાઢતા કે તેનો એ રીતે ઉપયોગ કરતા જોયા? વોટ્સએપ પર ડીઝાઈન કે સેમ્પલ કે બિલ મોકલવાં, એ પ્રકારનો ઉપયોગ એ સુવિધા છે, પણ તેમાં કશી વધારાની સ્માર્ટનેસ નથી. ભારત સાથે સંકળાયેલા ને વધુ પડતા ચગાવાયેલા ‘જુગાડ’નો જ તે એક પ્રકાર છે. તેમાં ખોટું કશું નથી, તેમ કોલર ઊંચા કરવા જેવું પણ કશું નથી. માનસિકતા જૂનવાણી રહે ને શિક્ષણ પછાત, ત્યારે સ્માર્ટ ફોનના ઉપયોગ કરતાં દુરુપયોગની સંભાવના ઘણી વધી જાય છે (જેનો આપણને પૂરતો અનુભવ છે)

સ્માર્ટ એટલે કેવું?  વિચારશક્તિ ઉત્તેજે એવું? કે મગજનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા દે એવું? આ સવાલનો તમારો જવાબ શો છે? તેના આધારે  સ્માર્ટ ફોનના વાપરનારને ‘સ્માર્ટ’ ગણવા કે નહીં, તે નક્કી કરી શકાય. 

Monday, October 16, 2017

ગાંધીહત્યાઃ વાદવિવાદ અને વિકૃતિ

ગાંધી એક એવું પાત્ર છે, જેને મારી નાખ્યા પછી પણ તે પીછો છોડતું નથી. કટ્ટર હિંદુત્વકેન્દ્રી એક સંગઠને કરેલી અપીલ પછી સર્વોચ્ચ અદાલતે ગાંધીહત્યા વિશે નવેસરથી તપાસની દિશામાં ડગ માંડ્યું છે અને તે માટે ‘એમિકસ ક્યુરી’ (અદાલતના મદદકર્તા)ની નિમણૂંક કરી છે.

આવતા વર્ષે ગાંધીને ગોળીએ દીધાનાં સિત્તેર વર્ષ પૂરાં થશે, પણ ચિત્રકથાના ફેન્ટમ જેવા પાત્રની માફક, ગાંધી ‘મરતો’ નથી. પ્રયાસો સતત થાય છે: કોઈ એને ભગવાન બનાવીને મારે છે, તો કોઈ શેતાન તરીકે ચિતરીને. કોઈ એને ધૂર્ત રાજકારણી (ચતુર બનિયા) તરીકે મનોમન મારે છે, તો કોઈ એને દંભી સંત તરીકે. ડાબેરીઓને તે રૂઢિવાદી ને ક્રાંતિવિરોધી લાગે છે, તો જમણેરીઓને તે અસ્પૃશ્યતા-હિંદુ ધર્મની સમજ જેવી ઘણી બાબતોમાં રૂઢિ-પરંપરા ખોરવનાર જણાય છે. જમણેરીઓમાં પણ જે જમણેરી છે અને જેમના માટે મુસ્લિમો અને પાકિસ્તાન વચ્ચે કશો ફરક નથી, તેમને ગાંધી મુસ્લિમતરફી-પાકિસ્તાનતરફી અને ભારતવિરોધી લાગે છે. હા, ભારતવિરોધી અને તેનાથી ઓછું કશું જ નહીં. એવા લોકો હત્યારા નથુરામ ગોડસેની જુબાનીને ધગધગતી દેશભક્તિનો દસ્તાવેજ માને છે.

જે સમયે ગાંધીહત્યા થઈ, તે અરસામાં આવેશનાં પૂર માનવતાનાં બધાં બંધનો તોડીને ફરી વળ્યાં હતાં. ભારતે કદી ન જોયેલા પ્રમાણમાં માનવ હત્યાકાંડ અને અત્યાચાર ત્યારે થયાં. આવા વખતે શાંતિની અને માનવતાની વાત કરનાર વિલન અને દેશદ્રોહી સુદ્ધાં લાગી શકે. (આ હકીકતનો અનુભવ પછીનાં વર્ષોમાં થયેલાં હુલ્લડ વખતે  શાંતિ અને વિશ્વાસ માટે પ્રયાસ કરનાર સૌ કોઈને થયો હશે.) ભાગલા વખતે ઉશ્કેરાટના અભૂતપૂર્વ વાવાઝોડામાં એક માત્ર ધ્રુજતી-ટમટમતી છતાં અવિચળ જ્યોતનું નામ હતું: ગાંધી. હતાશ-નિરાશ-સ્વપ્નભંગ થયેલા, છતાં છેલ્લા શ્વાસ સુધી પ્રયાસ ન છોડનારા ગાંધી.

કપરો સમય હીરો અને વિલન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરી આપે છે, પણ લોકોની સમજ પર ત્યારે એવો પડદો પડેલો હોય છે કે ખોટું સાચું લાગે ને સાચું ખોટું. ઇચ્છનીય અનિષ્ટ લાગે ને અનિષ્ટ આવકાર્ય. એ વખતે ગાંધી પાકિસ્તાનમાં હોત અને મુસ્લિમ હોત તો ગાંધીહત્યા કોઈ ઝનૂની મુસ્લિમના હાથે થઈ હોત. (આ કલ્પના છે, પણ તેમાં રહેલું તથ્ય સમજવા માટે, પાકિસ્તાનની સરકારોએ ખાન અબ્દુલ ગફ્ફારખાન સાથે કરેલો ક્રૂર વ્યવહાર તપાસી શકાય).

ગાંધી હિંદુ હતા અને તેમના પોતાના કહેવા પ્રમાણે ચુસ્ત, સનાતની હિંદુ. એટલે તેમની હત્યા ભારતમાં હિંદુુના હાથે થાય, તે કરુણ કવિન્યાય તરીકે સમજી શકાય એવું હતું. મુસ્લિમોનો વિરોધ કરીને પોતાની જાતને સવાયા દેશભક્ત સમજનારા ગોડસે અને એની વિચારસરણીવાળા બધાની આંખો પર ત્યારે ધીક્કારની પટ્ટી બંધાયેલી હતી. તેમના માટે દેશની અને દેશભક્તિની વ્યાખ્યાનો પાયો કોઈની તરફેણ કરતાં અનેક ગણો વધારે કોઈના વિરોધ પર આધારિત હતો. હિંદુહિતની બડી બડી વાતો કરનારા હિંદુ મહાસભા અને રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘવાળાએ આઝાદી પહેલાં કોંગ્રેસ સામે અને મુસ્લિમો સામે ધીક્કાર ફેલાવવા ઉપરાંત અને મુસ્લિમ લીગના હિંદુ અડધીયાની ભૂમિકા અદા કરવા ઉપરાંત, દેશહિતનાં કે અંગ્રેજી રાજના વિરોધનાં બીજાં કયાં કાર્યો કર્યાં?

હવે કેટલાક સંશોધકો શોધી લાવ્યા છે કે ‘અમારી (એટલે કે હિંદુહિતના નામે ધીક્કાર ફેલાવનારી) વિચારધારાવાળા કેટલાકે આઝાદીની લડાઈમાં ભાગ લીધો હતો ને ભોગ પણ આપ્યો હતો.’ જાણીને આનંદ થયો, પણ સવાલ એ છે કે કેમ એ તમારાના નાયકોના કે આદર્શના સ્થાને નથી? એ લોકોની આ કામગીરી તમારી સંસ્થા કે વિચારધારાની મુખ્ય ધરી કેમ ન બની શકી? કેમ એ તમારામાં અપવાદ બની રહ્યા? અને કેમ હવે એવા અપવાદોના સાચકલા પ્રદાનનો સ્વાર્થી ઉપયોગ તમે સ્વતંત્રતા સંગ્રામથી અળગા રહ્યાની તમારી શરમ ઢાંકવા કરો છો? માન્યું કે પાઠ્યપુસ્તકો સરકારી હતાં ને સરકારો કોંગ્રેસની, પણ તમારા સમાંતર પાઠ્યપુસ્તકો તમે ક્યાં નથી બનાવ્યાં? તેમાં કેમ શિવાજી-રાણા પ્રતાપથી માંડીને ભલભલા દેશનાયકોને મુસ્લિમવિરોધના સગવડીયા ખાંચા ને ખાનાંમાં પુરીને રજૂ કરવા પડે છે?

ધીક્કારકેન્દ્રી માનસિકતાને દેશભક્તિની પરાકાષ્ઠા સમજનારામાંથી કોઈ 1948માં ગાંધીને ગોળીએ દઈ દે, તે દુઃખદ છે પણ આશ્ચર્યજનક નથી. એ વખતે આ ‘પરાક્રમ’નાં ઉજવણાં થાય, તે શરમજનક છે, પણ આશ્ચર્યજનક નથી. દુઃખ-શરમ-આઘાત-આશ્ચર્ય એ બધું ત્યારે થાય છે, જ્યારે સાત-સાત દાયકા પછી પણ એ ધીક્કાર ઓસરતો નથી, બલ્કે તેને નવાં નવાં સ્વરૂપે, નવા પેકિંગમાં રજૂ કરાતો રહે છે. ગાંધીની હસ્તીને ભૂંસી નાખવાનું અશક્ય લાગ્યા તેને અપનાવવાનો દંભ કરીને, સમાંતરે તેના હત્યારાઓની માનસિકતાને પુનઃ પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવે છે-- કદીક પુસ્તિકાઓ ને ચોપાનિયાં દ્વારા, તો હવેના જમાનામાં વોટ્સઅેપ અને ફેસબુકની પોસ્ટ પર.

લોકોની દેશભક્તિનેે જગાડવા માટે ગાંધીને બદલે ગોડસેનો ઉપયોગ થાય, એવા હીણપતભર્યા સમયમાં આપણે આવી ગયા છીએ? 1947-48માં ચોતરફ ઉશ્કેરાટ અને આવેગનાં પૂર હતાં અને તે સ્થિતિ અસાધારણ હતી. અત્યારે નથી એવા હત્યાકાંડ ને નથી એટલા મોટા પાયાના સંઘર્ષ. છતાં ગાંધી પ્રત્યેનો ધીક્કાર અકસીરપણે શી રીતે ફેલાવી શકાય છે? વર્તમાન સરકાર એવું વાતાવરણ ઉભું કરવામાં અથવા એવું વાતાવરણ ઉભું કરનારને માનસિક હૈયાધારણ પૂરી પાડવામાં મન, વચન ને કાર્યથી કેટલા અંશે જવાબદાર છે? વર્તમાન સત્તાધીશોને ગોડસેના ‘દેશભક્તિ’ના વિચારોના ફેલાવાથી શરમ આવે છે? કે મીઠી ગલીપચી થાય છે? શરમ આવતી હોય તો, ઇન્ટરનેટ પર મસમોટું ભાડૂતી સૈન્ય ધરાવતા સત્તાધીશો દેશભક્તિના નામે ધીક્કાર ફેલાતો અટકાવવા, ગાંધીને બદલે ગોડસેને મહાન દેશભક્ત સાબીત કરનારો પ્રચાર અટકાવવા અને સાચી માહિતી આપવા માટે કેવાં પગલાં લે છે?

ગોડસેને હીરો ગણનારા વાત કરવા બેસે ત્યારે દંભી ગાંધીવાદીઓ ભણી આંગળી ચીંધે છે. નિરપેક્ષ દૃષ્ટિએ વાત સાચી છેઃ દંભી ગાંધીવાદીઓએ દંભ, અણસમજ અને સ્વાર્થથી ગાંધીવિચારની હત્યા કરી છે. પરંતુ આવું કહેવાનો ગોડસેના ચાહકો અને તરફદારોને અધિકાર નથી. ગોડસેની દલીલો વોટ્સએપ પર ફોરવર્ડ કરનારા ગોડસેના જમાનામાં પેદા થયા હોત તો તેમણે પણ ગાંધીહત્યાનો જશ્ન મનાવ્યો હોત. અત્યારે, તેમના દ્વારા ફોરવર્ડ થતા કે પોસ્ટ કરાતા ગોડસેની તરફેણના સંદેશા ગાંધીહત્યાનો પશ્ચાદવર્તી (રેટ્રોસ્પેક્ટિવ) અસરથી મનાવાતો જશ્ન જ છે.

ગાંધી ને ગોડસેની વાત આવે, ત્યારે સુફિયાણી હાંકનારા કહે છે કે ગાંધીનું પણ સત્ય હોય છે ને ગોડસેનું પણ સત્ય હોય છે.

બરાબર છે. પણ તમારું સત્ય કોના સત્યની સાથે છે?

Wednesday, October 04, 2017

પ્રચારનાં બાવાજાળાં વચ્ચે સફાઈઝુંબેશ

વડાપ્રધાનની તસવીરો કે વડાપ્રધાનના ભાષણના ટુકડા સાથે સરકારી સ્વચ્છતા ઝુંબેશનો પ્રચારમારો છેલ્લાં ત્રણ વર્ષથી જોરદાર ચાલે છે. 2014ની ગાંધીજયંતિથી શરૂ થયેલી અને ગાંધીને બાહ્ય સ્વચ્છતામાં ખતવી નાખતી આ ઝુંબેશમાં વડાપ્રધાનને ચમકાવતી જાહેરખબરો પાછળ કેટલા રૂપિયાનો ધુમાડો થયો, તે અલગ મુદ્દો છે. પણ આટલા પ્રચારમારા અને ખર્ચ પછી પરિણામ શું આવ્યું?

આ સવાલના ત્રણ રીતે જવાબ આપી શકાયઃ ૧) સ્વચ્છતાના મામલે કેટલી પ્રગતિ થઈ? ૨) આખેઆખા ગાંધીને સ્વચ્છતા પૂરતા સીમિત કરી નાખવામાં કેટલી સફળતા મળી? ૩) સ્વચ્છતાપ્રેમી તરીકે વડાપ્રધાનનું બ્રાન્ડિંગ કેવું થયું?

જવાબ ૧ઃ કેટલાક અહેવાલ પ્રમાણે, શૌચાલયો બનાવવામાં યુપીએ સરકારની સરખામણીમાં વર્તમાન સરકારના રાજમાં સારી પ્રગતિ થઈ છે. અલબત્ત, ખુલ્લામાં શૌચક્રિયા બંધ કરવાના મામલે ધારી (અને દાવા પ્રમાણેની) સફળતા મળી નથી. શૌચાલય બંધાયાં તે આવકાર્ય છે, પરંતુ તેમની ગુણવત્તાથી માંડીને તેના ઉપયોગ અંગે લોકોની ટેવોને બદલવાની બાબતમાં હજુ ઘણા પ્રશ્નો છે. ટેવ બદલવાનું સહેલું નથી--અને કેવળ અઢળક જાહેરખબરોના મારાથી એ સિદ્ધ થઈ શકે તેમ નથી.

'વેસ્ટ મેનેજમેન્ટ' કહેતાં કચરાના અસરકારક નિકાલની ગંભીર સમસ્યા હજુ ઉભી છે. અમદાવાદ જેવાં મોટાં શહેરોથી માંડીને નાનાં ગામમાં કચરાના પહાડ જેવડા ઢગ જોવા મળે છે. સ્વચ્છતા ઝુંબેશની ઝાકઝમાળમાં તેમને શી રીતે નજરઅંદાજ કરી શકાય?

વર્તમાન સરકારની એક ખાસિયત એ છે કે તે અશક્ય વાયદા કરે છે-આંબાઆંબલી બતાવે છે, પછી તે પૂરા કરવામાં નિષ્ફળ જાય છે અને તે નિષ્ફળતાને ઢાંકવા માટે ઝાકઝમાળ, અર્ધસત્યો, જૂઠાણાં તથા લોકોનું ધ્યાન બીજી તરફ ખેંચવા જેવી તરકીબો અજમાવે છે-- પછી તે કાળાં નાણાંની વાત હોય કે સ્વચ્છતાની.
જાહેરમાં ગંદકી કરવાની ટેવ ભારતમાં લગભગ પરંપરા અને સંસ્કૃતિનું સ્થાન ભોગવે છે. તેમાં એમ શી રીતે સુધારો થાય? પણ વડાપ્રધાન એવું માનવા પ્રેરે છે કે હવે એમણે પ્રચારમોરચો સંભાળી લીધો હોવાથી અસ્વચ્છતા દેશમાંથી ગઈ સમજો.

સાઠના દાયકાના ગ્રામ્ય ભારતનું આબાદ ચિત્રણ કરતી વિખ્યાત હિંદી વ્યંગ નવલકથા 'રાગ દરબારી'માં એક દૃશ્ય છેઃ ગામમાં મેલેરિયાનો ઉપદ્રવ ફેલાય ત્યારે સરકારી ખાતું ભીંતો પર મચ્છરવિરોધી સૂત્રો લખીને રાજી થઈ જાય છે-ફરજઅદાયગીનો સંતોષ માની લે છે. આ શૈલી વિશે ગામલોકો કહે છે, ‘લિખે દેખ અંગરેજી અચ્છર (અક્ષર), ભાગે મલેરિયાકે મચ્છર’. વર્તમાન વડાપ્રધાનના પ્રચારતંત્રને ભીંત સુધી જવું પડતું નથી. ટીવી ચેનલો અને સોશ્યલ મિડીયા હાજર છે. વડાપ્રધાન કે તેમના મંત્રીઓ હાથમાં ઝાડુ પકડીને ફોટા પડાવે તેવાં પ્રચાર-ગતકડાંને પ્રેરણાદાયી તરીકે ખપાવવામાં આવે છે. વડાપ્રધાન તેમનાં ભાષણોમાં મનનીય ચિંતન રજૂ કરે, તેનાથી નાગરિકોએ સ્વચ્છતા વિશે વડાપ્રધાન કેટલા ગંભીર, ઉત્સાહી અને લગભગ ક્રાંતિકારી છે, તે માની લેવાનું છે --અને વડાપ્રધાન કેટલા ગાંધીપ્રેમી છે એ પણ.

જવાબ ૨ઃ ગાંધીજયંતિ કે ગાંધીહત્યાદિવસે સામાન્ય રીતે એટેનબરોની 'ગાંધી' કે ‘લગે રહો મુન્નાભાઈ’ જેવી ફિલ્મો ટીવી ચેનલો પર આવતી હતી. આ ગાંધીજયંતિએ વડાપ્રધાનના સ્વચ્છતા મિશનના પ્રયાસ ફળ્યા. એક ચેનલ પર 'ટોઇલેટઃ એક પ્રેમકથા' રજૂ થઈ. હા ભાઈ, હવે ગાંધી એટલે સ્વચ્છતા ને સ્વચ્છતા એટલે વડાપ્રધાને ઉપાડેલી સ્વચ્છતા-ઝુંબેશ.  કોંગ્રેસે ગાંધીજીને દારૂબંધી પૂરતા સીમિત કરી નાખવાનું પાપ કરેલું. રચના અને સંઘર્ષનાં કામ એકસરખી તીવ્રતાથી કરતા તથા પ્રવૃત્તિઓને માપવા માટે 'સાધનશુદ્ધિ'નો આકરો છતાં અસરકારક ગજ આપીને ગયેલા ગાંધી કોઈને ખપતા નથી. એટલે રાજકીય પક્ષો પોતાની બોન્સાઈ સાઇઝના ગાંધી શોધી કાઢે છે ને તેને અસલી ગાંધી તરીકે ખપાવે છે. વર્તમાન વડાપ્રધાન તેમાં એક નહીં, ઘણાં ડગલાં આગળ છે. ગુજરાતના મુખ્ય મંત્રીના હોદ્દે હતા ત્યારે સરદારને ઉંચા અને ગાંધીજીને નીચા પાડવાથી તેમણે શરૂઆત કરી હતી. પછી ભારતના અને આંતરરાષ્ટ્રીય ફલક પર ગાંધી એમ પીછો નહીં છોડે એવું લાગતાં, તેમણે સ્વચ્છતામાં ગાંધીજીને પૂરી દીધા અને એ પણ સ્વચ્છતાની કામગીરીમાં નહીં, સ્વચ્છતાની ઝુંબેશના આક્રમક પ્રચારમાં, જેની પર ગાંધી કરતાં વધારે મોટી છાપ વડાપ્રધાનની પોતાની હતી.

જવાબ ૩ઃ વર્તમાન વડાપ્રધાન માટે કોઈ પણ કામગીરીનું અંતિમ ધ્યેય પોતાનો છાકો પાડી દેવાનું હોય છે. એટલે જ, અગાઉથી જાહેર કરેલાં બીજાં ધ્યેય પરિસ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે. નોટબંધી જેવી કાળાં નાણાંના વિરોધની આખી ઝુંબેશમાં ધ્યેય બદલાઈને છેવટે ડિજિટલ પેમેન્ટ ઉપર ઊભું રહે છે. આવાં પગલાં આખરે ગમે તેટલી અંધાધૂંધીમાં પરિણમે, તેનાથી વડાપ્રધાનને કશો ફરક પડતો નથી કે તેના વિશે એ કદી કબૂલાતના મૂડમાં હોતા નથી. તેમને મન પોતાનો વટ અને કંઇક અંશે પોતાની 'મૌલિકતા'ની ધાક બેસી જાય, એટલે એ પગલું સફળ થયેલું ગણાય છે. પછી લોકોનું જે થવાનું હોય તે થાય. તેમના કોથળામાં એટલાં બધાં અવનવાં બિલાડાં ભરેલાં છે કે તે એક પછી એક બિલાડાં અવિરતપણે કાઢી શકે છે. લોકોની ટૂંકી યાદશક્તિ અને તેમના પ્રત્યેનો અપ્રમાણસરનો અહોભાવ તેમાં મદદરૂપ નીવડે છે, તો સોશ્યલ મિડીયા પર વ્યવસ્થિત રીતે ફેલાવાતાં જૂઠાણાં-અર્ધસત્યો અને જયજયકારો તેમના દરેક પગલાને માસ્ટર સ્ટ્રોક જાહેર કરે છે.

કામ થાય એ માટે નહીં, પણ પોતાનો જયજયકાર થાય એ માટે વડાપ્રધાન કોઈ પણ હદે જતાં અચકાતા નથી. રામચંદ્ર ગુહાએ એક લેખમાં બે સમાચારો ટાંકીને નોંધ્યું છે તેમ, સ્વચ્છતા ઝુંબેશને સફળ દેખાડવા--હા, બનાવવા નહીં દેખાડવા--માટે તેમણે સૈન્યને અને પોલીસતંત્રને પણ તેમાં સંડોવતા ફતવા કાઢ્યા છે. પહાડી વિસ્તારોમાં પ્રવાસીઓ કચરો પાડીને જાય તે સાફ કરવાની જવાબદારી સૈનિકોને સોંપવામાં આવી છે. 'ગુજરાત મોડેલ'થી પરિચિત લોકોને આ જાણીને નવાઈ નહીં લાગે. કારણ કે, ગુજરાતમાં સરકારી કર્મચારીઓ અને ખાસ કરીને શિક્ષકોના માથે એટલાં કામ નાખવામાં આવ્યાં હતાં કે તેમનું મુખ્ય કામ રઝળી પડે અથવા તેના માટેની વૃત્તિ જ ન રહે. બસ, તત્કાલીન મુખ્ય મંત્રી મોદીનો વટ પડી જવો જોઈએ. ગુજરાતના શિક્ષણની ઘોર ખોદવામાં સરકારની છત્રછાયા હેઠળ થયેલા બેફામ ખાનગીકરણની સાથે આ મુદ્દો પણ જવાબદાર છે. પરંતુ પ્રચારનો મારો અને ગુજરાત મોડેલનો જૂઠો જયઘોષ એવો ચાલતો હોય કે બીજા તો ઠીક, ભોગ બનેલાની આંખો પણ અંજાઈ જાય.

ગુજરાતમાં ચૂંટણીના માહોલમાં (ઘાંઘા થયેલા) ભાજપે 'આભાર નરેન્દ્રભાઈ’ની ટેગલાઇન ધરાવતી જાહેરખબરો છૂટી મૂકી છે. તેમાંથી એકમાં સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવા માટે (ગુજરાતની જનતા વતી) 'નરેન્દ્રભાઈ'નો આભાર માનવામાં આવ્યો છે. વડાપ્રધાનના હોદ્દાજોગને બદલે નામજોગ અાભાર માનતાં પાટિયાં સૂચવે છે કે ગુજરાત ભાજપ પાસે નરેન્દ્રભાઈના નામ સિવાય બીજું કશું બતાવવા જેવું રહ્યું નથી. 'આભાર નરેન્દ્રભાઈ’નું 'ગુજરાતી' થાય છેઃ (ગુજરાત ભાજપને) ‘બચાવો નરેન્દ્રભાઈ’.

સ્વચ્છતાઝુંબેશ જેવાં નાટકોની રાજકારણમાં નવાઈ નથી હોતી. પણ ભાજપની મુશ્કેલી એ છે કે તેનાં નાટકોને બીજા લોકો રાષ્ટ્રસેવા કે રાષ્ટ્રવાદ ગણે એવો આગ્રહ તેના નેતાઓ રાખે છે. બીજા શબ્દોમાં કહીએ તો, તે નાટકને-તેની તૈયારી, આયોજન, સ્ક્રીપ્ટ, અભિનય, રજૂઆત જેવી બાબતોને બહુ ગંભીરતાથી લે છે અને દેખાડે છે એવું કે તેમણે એ મુદ્દાને બહુ ગંભીરતાથી લીધો છે. સ્વચ્છતા ઝુંબેશમાં પણ ઘણે અંશે આવું જ બન્યું છે.

Monday, October 02, 2017

ગાંધીજીના પહેલું 'જાણીતું છતાં અજાણ્યું'જીવનચરિત્ર

M.K.Gandhi with compatriot Hadji Ojer Ally (1853-1921)
કારણો જુદાં હતાં. છતાં એ હકીકત છે કે ગાંધીજી પરની પહેલી ફિલ્મ એક પરદેશી--અને એ પણ અંગ્રેજ—રિચાર્ડ એટેનબરોએ બનાવી, તેમ ગાંધીજીનું પહેલવહેલું જીવનચરિત્ર પણ જોસેફ ડોકે લખ્યું.  એ વખતે ગાંધીજીની ઉંમર હતી 40  વર્ષ.  (એ જ વર્ષના,1909ના અંત ભાગમાં, ગાંધીજીનું પહેલું અને કદાચ સૌથી મહત્ત્વનું પુસ્તક 'હિંદ સ્વરાજ' લખાયું. )

દક્ષિણ આફ્રિકામાં હિંદીઓના હકો માટે ઝઝૂમી રહેલા બેરિસ્ટર એમ. કે. ગાંધીની લડત અનોખી હતી. પોતાના દેશવાસીઓના હક માટે તે દુઃખ વેઠવા ને ભોગ આપવા તૈયાર હતા. ધર્મગુરુ રેવરન્ડ જોસેફ ડોક/ Joseph Doke પહેલી વાર 1 જાન્યુઆરી, 1908ના રોજ બેરિસ્ટર ગાંધીને તેમની જોહાનિસબર્ગની ઓફિસે મળવા ગયા અને મુલાકાતની શરૂઆતમાં જ પૂછ્યું, 'તમે તમારા ઉદ્દેશને ખાતર કેટલી હદે ફના થવા તૈયાર છો?’ ગાંધીનો જવાબ હતો, 'મારા માટે એ સંપૂર્ણપણે સમર્પણનો મામલો છે...હું કોઈ પણ સમયે મરવા માટે તૈયાર છું કે એ ઉદ્દેશ માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર છું. ‘ ('ગાંધી બીફોર ઇન્ડિયા', રામચંદ્ર ગુહા)

ન્યાય મેળવવાના રસ્તે મરી ફીટવાની ગાંધીની તૈયારીને કારણે ડોકને તે ઇસુ ખ્રિસ્તથી નજીક લાગ્યા.  બાઇબલના નવા કરાર ('ન્યૂ ટેસ્ટામેન્ટ') અને ખાસ કરીને ગિરિપ્રવચનો (ધ સર્મન ઓન ધ માઉન્ટ)ને કારણે પોતે 'પેસિવ રેઝિસ્ટન્સ'ની ખરાઈ અને તેના મૂલ્ય અંગે સભાન થયા, એવું ખુદ ગાંધીજીએ ડોકને કહ્યું હતું. પહેલી મુલાકાત પછી બન્ને વચ્ચેનો સ્નેહ વધતો રહ્યો.  દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી પર ઘાતકી હુમલો થયો ત્યારે તેમને હો્સ્પિટલે લઈ જવાને બદલે, જોસેફ ડોક તેમને પોતાના ઘરે લઈ ગયા. ત્યાં છોકરાનો કમરો ખાલી કરાવીને ગાંધીને રાખ્યા અને ભાવથી સેવા કરી.

પહેલી મુલાકાતના માંડ એકાદ વર્ષમાં ડોકને ગાંધીનું જીવનચરિત્ર લખવાની તીવ્ર ઇચ્છા થઈ. નાણાં અને ખ્યાતિ જેવી દુન્યવી એષણાઓથી દૂર જઈ રહેલા ગાંધીને એ માટે રાજી કરવા સહેલા નહીં હોય. પણ દુનિયાના ખૂણે, દક્ષિણ આફ્રિકાના એક ઠેકાણે હિંદી-એશિયાઈ કોમના હકો માટે ચાલતી લડતની વાત બહાર પડવી જરૂરી હતી. ગાંધીનું અખબાર 'ઇન્ડિયન ઓપિનિયન’ એ જ કામ કરતું હતું, પણ તેનો વ્યાપ મુખ્યત્વે સ્થાનિક હતો. જોસેફ ડોકે 1909માં લખેલા પુસ્તક 'એમ. કે. ગાંધી--એન ઇન્ડિયન પેટ્રિઓટ ઇન સાઉથ આફ્રિકા’ (M.K.Gandhi--An Indian Patriot In South Africa) થી બ્રિટન સહિત બહારના દેશોમાં જાગ્રત લોકોને આ લડત વિશે જાણ થવા લાગી. પુસ્તકમાં ગાંધીજીના આરંભિક જીવન વિશે પ્રાથમિક વિગતો હતી, પણ ધાર્મિક જણ એવા ડોકનો મુખ્ય આશય ગાંધીજીની ધર્મભાવના અને હકની લડાઈ સાથે તેનો કેવો સુમેળ સધાયો છે, એ નોંધવાનો હતો. પુસ્તકની પ્રસ્તાવના મદ્રાસ પ્રાંતના ગવર્નર રહી ચૂકેલા બ્રિટનના હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય લોર્ડ એમ્પ્ટહીલે લખી. આરંભે જ તેમણે લખ્યું હતું કે એ લેખકને (ડોકને)  વ્યક્તિગત રીતે કદી મળ્યા નથી. પણ ડોક જે ધ્યેયની હિંમત અને સમર્પણભાવથી હિમાયત કરે છે, એના વિશે તેમની ભાવના સરખી છે.

ગાંધીજીનું પહેલું ચરિત્ર પ્રગટ કરવામાં તેમના પરમ મિત્ર અને સાથી ડો. પ્રાણજીવન મહેતાએ મદદ કરી હતી.  ડો. મહેતા દૃઢપણે માનતા હતા કે ભારતને આઝાદી અપાવવામાં તેમના મિત્ર ગાંધી મહત્ત્વની ભૂમિકા ભજવશે. બેરિસ્ટર ગાંધીને પણ બહુવિધ પ્રતિભાઓ ધરાવતા ડો.મહેતાનો આર્થિક ઉપરાંત માનસિક રીતે મોટો ટેકો હતો.

ગાંધીની1908 સુધીની જીવનકથા પ્રગટ તો થવાની હતી,  પણ પછી તેનું કરવાનું શું? ગાંધી એવા પ્રખ્યાત માણસ તો હતા નહીં કે એ પુસ્તક ચપોચપ વેચાઈ જાય. ઉલટું, અપવાદરૂપ સારા અંગ્રેજોને બાદ કરતાં, બીજામાં તે ઘણા અળખામણા હતા અને જે લોકો માટે તે લડતા હતા, તેમાંથી કેટલા પુસ્તક વાંચી શકે એ સવાલ. એ વખતે ગાંધીની પછીનાં વર્ષોમાં વધારે જાણીતી બનનારી (અને મોટા ભાગના ગાંધીવાદીઓમાં કદી ન આવેલી) ધ્યેયનિષ્ઠ વિવેકબુદ્ધિ પ્રગટ થઈ. વ્યક્તિગત પ્રચારથી દૂર રહેતા ગાંધીએ ભારતની મુલાકાતે ગયેલા તેમના સાથી-મિત્ર પોલાકને લંડનથી એક પત્રમાં લખ્યું, ‘મિ. ડોકનું પુસ્તક હજી પ્રગટ થયું નથી. એ ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં પ્રગટ થાય એવો સંભવ છે. હું કેટલાંક કારણોસર, જે આ અઠવાડિયે જણાવવાની જરૂર નથી, આખી આવૃત્તિ ખરીદી લેવાનું વિચારી રહ્યો છું અને તે બીજા કોઈ કારણ કરતાં મિ. ડોકને ખાતર જ. જો આ પ્રકાશન અંગે ફારસ જ થાય તો એ ઘણા જ હતાશ થઈ જશે, અને એવું થાય પણ ખરું. પ્રકાશકે એમાં પોતાનું દિલ રેડીને કામ કર્યું નથી અને એની ઘણી નકલો મફત વહેંચવી પડશે. એટલે મેં વિચાર્યું કે મારે મારી પોતાની અંગત લાગણીઓ બાજુએ મૂકીને એ કામ જાતે જ હાથ ધરવું જોઈએ. હું ધારું છું કે કંઈ ખોટ આવસે તો ડો. મહેતા તે ભરી આપવાની જવાબદારી લેશે. મેં આ બાબતમાં એમની સાથે પત્રવ્યવહાર કર્યો પણ છે. એટલે તમે આ પુસ્તક લઈ લે એવા કોઈ બુકસેલરની ભાળમાં રહેજો...જે બુકસેલરો ઉપર તમારો સંપૂર્ણ ભરોસો ન હોય તેમને પુસ્તક ઉધાર ન આપવાં.’ (પૃ.473, ગાંધીજીનો અક્ષરદેહ-9)

પુસ્તક પ્રગટ થયા પછી ગુજરાતી લોકો સુધી તેની સામગ્રી પહોંચાડવા માટે ડો. પ્રાણજીવન મહેતાએ આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ કર્યો. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના 'ગુજરાતી'પ્રેસે 1912માં એ પુસ્તક પ્રગટ કર્યું. તેમાં મૂળ લખાણના અનુવાદનાં 121 પાનાં ઉપરાંત અનુવાદકર્તા તરફથી 80 પાનાંની, બે ભાગમાં લખાયેલી વિસ્તૃત નોંધ ઉમેરવામાં આવી હતી, જે ગાંધીજી અને તેમના હિંદ સ્વરાજમાં પ્રગટ થયેલા વિચારો વિશે ચર્ચા કરતી હતી. ('હિંદ સ્વરાજ'ના કેન્દ્રમાં 'અધિપતિ'ગાંધીજી અને 'વાચક'ડો. પ્રાણજીવન મહેતા વચ્ચે જુદા જુદા મુદ્દે થયેલી ચર્ચા અને એ વિશે ગાંધીજીની દૃઢ સમજ હતી.)

જે કારણથી ગાંધીજીએ ડોકના પુસ્તકને મંજૂરી આપવાનું જ નહીં, તેની જવાબદારી ઉપાડવાનું નક્કી કર્યું હતું, એ જ કારણથી તેમણે પોતાની જીવનકથાની એક નકલ ગુરુસમાન હસ્તી એવા રશિયન લેખક ટોલ્સ્ટોયને પણ મોકલી આપી. જેમના વિચારોનો પોતાની પર ભારે પ્રભાવ હોય, એવી વ્યક્તિને પોતાની જીવનકથા મોકલવી એ આમ તો ધૃષ્ટતા ગણાય. પરંતુ ગાંધીનો આશય સ્પષ્ટ હતોઃ એ પુસ્તક પોતાના મહિમામંડન માટે નહીં, ટોલ્સ્ટોય સહિતના કેટલાક વિચારકો જેની હિમાયત કરતા હતા, એવા અહિંસક પ્રતિકાર અને અસહકારના મહિમાનું હતું. ટોલ્સ્ટોયે પણ તેને એવી જ રીતે લીધું અને પુસ્તકની સામગ્રી વિશે આનંદની લાગણી પ્રગટ કરી.

ડો. પ્રાણજીવન મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અપ્રાપ્ય બન્યા પછી 1970માં બાલુભાઈ પારેખે આ પુસ્તકનો ફરી અનુવાદ કર્યો, જે નવજીવન દ્વારા પ્રકાશિત થયો. (તેમાં ઉમાશંકર જોષીએ આમુખ લખ્યું હતું) ભાષાકીય સજ્જતાની દૃષ્ટિએ બાલુભાઈનો અનુવાદ ચડિયાતો છે, પરંતુ પહેલો અનુવાદ ડો.પ્રાણજીવન મહેતાએ કરેલો હોવાથી તેનું આગવું મહત્ત્વ છે. ગાંધી હેરિટેજ પોર્ટલ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ એ પુસ્તક 39 વર્ષના ગાંધીની પ્રતિભાનું, જોસેફ ડોક જેવા લોકો પર તેમણે પાડેલા પ્રભાવનું અને પ્રાણજીવન મહેતા સાથેની તેમની દોસ્તીનું થોડું ભૂલાયેલું, છતાં વાસી ન થયેલું પ્રતીક છે.

નોંધઃ 'નવાજૂની'માં છપાયેલા ઉપરના ફોટોની ફોટાલાઇનમાં ગાંધીજી અને દાદા અબ્દુલ્લા--એવું લખ્યું હતું. ગાંધી આશ્રમનાં મિત્ર કિન્નરી ભટ્ટે ધ્યાન દોર્યું કે એ દાદા અબ્દુ્લ્લા નહીં, પણ દ. આફ્રિકાના બીજા સાથીદાર હતા. સરતચૂક બદલ દિલગીરી.