Monday, October 02, 2017

ગાંધીજીના પહેલું 'જાણીતું છતાં અજાણ્યું'જીવનચરિત્ર

M.K.Gandhi with compatriot Hadji Ojer Ally (1853-1921)
કારણો જુદાં હતાં. છતાં એ હકીકત છે કે ગાંધીજી પરની પહેલી ફિલ્મ એક પરદેશી--અને એ પણ અંગ્રેજ—રિચાર્ડ એટેનબરોએ બનાવી, તેમ ગાંધીજીનું પહેલવહેલું જીવનચરિત્ર પણ જોસેફ ડોકે લખ્યું.  એ વખતે ગાંધીજીની ઉંમર હતી 40  વર્ષ.  (એ જ વર્ષના,1909ના અંત ભાગમાં, ગાંધીજીનું પહેલું અને કદાચ સૌથી મહત્ત્વનું પુસ્તક 'હિંદ સ્વરાજ' લખાયું. )

દક્ષિણ આફ્રિકામાં હિંદીઓના હકો માટે ઝઝૂમી રહેલા બેરિસ્ટર એમ. કે. ગાંધીની લડત અનોખી હતી. પોતાના દેશવાસીઓના હક માટે તે દુઃખ વેઠવા ને ભોગ આપવા તૈયાર હતા. ધર્મગુરુ રેવરન્ડ જોસેફ ડોક/ Joseph Doke પહેલી વાર 1 જાન્યુઆરી, 1908ના રોજ બેરિસ્ટર ગાંધીને તેમની જોહાનિસબર્ગની ઓફિસે મળવા ગયા અને મુલાકાતની શરૂઆતમાં જ પૂછ્યું, 'તમે તમારા ઉદ્દેશને ખાતર કેટલી હદે ફના થવા તૈયાર છો?’ ગાંધીનો જવાબ હતો, 'મારા માટે એ સંપૂર્ણપણે સમર્પણનો મામલો છે...હું કોઈ પણ સમયે મરવા માટે તૈયાર છું કે એ ઉદ્દેશ માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર છું. ‘ ('ગાંધી બીફોર ઇન્ડિયા', રામચંદ્ર ગુહા)

ન્યાય મેળવવાના રસ્તે મરી ફીટવાની ગાંધીની તૈયારીને કારણે ડોકને તે ઇસુ ખ્રિસ્તથી નજીક લાગ્યા.  બાઇબલના નવા કરાર ('ન્યૂ ટેસ્ટામેન્ટ') અને ખાસ કરીને ગિરિપ્રવચનો (ધ સર્મન ઓન ધ માઉન્ટ)ને કારણે પોતે 'પેસિવ રેઝિસ્ટન્સ'ની ખરાઈ અને તેના મૂલ્ય અંગે સભાન થયા, એવું ખુદ ગાંધીજીએ ડોકને કહ્યું હતું. પહેલી મુલાકાત પછી બન્ને વચ્ચેનો સ્નેહ વધતો રહ્યો.  દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી પર ઘાતકી હુમલો થયો ત્યારે તેમને હો્સ્પિટલે લઈ જવાને બદલે, જોસેફ ડોક તેમને પોતાના ઘરે લઈ ગયા. ત્યાં છોકરાનો કમરો ખાલી કરાવીને ગાંધીને રાખ્યા અને ભાવથી સેવા કરી.

પહેલી મુલાકાતના માંડ એકાદ વર્ષમાં ડોકને ગાંધીનું જીવનચરિત્ર લખવાની તીવ્ર ઇચ્છા થઈ. નાણાં અને ખ્યાતિ જેવી દુન્યવી એષણાઓથી દૂર જઈ રહેલા ગાંધીને એ માટે રાજી કરવા સહેલા નહીં હોય. પણ દુનિયાના ખૂણે, દક્ષિણ આફ્રિકાના એક ઠેકાણે હિંદી-એશિયાઈ કોમના હકો માટે ચાલતી લડતની વાત બહાર પડવી જરૂરી હતી. ગાંધીનું અખબાર 'ઇન્ડિયન ઓપિનિયન’ એ જ કામ કરતું હતું, પણ તેનો વ્યાપ મુખ્યત્વે સ્થાનિક હતો. જોસેફ ડોકે 1909માં લખેલા પુસ્તક 'એમ. કે. ગાંધી--એન ઇન્ડિયન પેટ્રિઓટ ઇન સાઉથ આફ્રિકા’ (M.K.Gandhi--An Indian Patriot In South Africa) થી બ્રિટન સહિત બહારના દેશોમાં જાગ્રત લોકોને આ લડત વિશે જાણ થવા લાગી. પુસ્તકમાં ગાંધીજીના આરંભિક જીવન વિશે પ્રાથમિક વિગતો હતી, પણ ધાર્મિક જણ એવા ડોકનો મુખ્ય આશય ગાંધીજીની ધર્મભાવના અને હકની લડાઈ સાથે તેનો કેવો સુમેળ સધાયો છે, એ નોંધવાનો હતો. પુસ્તકની પ્રસ્તાવના મદ્રાસ પ્રાંતના ગવર્નર રહી ચૂકેલા બ્રિટનના હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય લોર્ડ એમ્પ્ટહીલે લખી. આરંભે જ તેમણે લખ્યું હતું કે એ લેખકને (ડોકને)  વ્યક્તિગત રીતે કદી મળ્યા નથી. પણ ડોક જે ધ્યેયની હિંમત અને સમર્પણભાવથી હિમાયત કરે છે, એના વિશે તેમની ભાવના સરખી છે.

ગાંધીજીનું પહેલું ચરિત્ર પ્રગટ કરવામાં તેમના પરમ મિત્ર અને સાથી ડો. પ્રાણજીવન મહેતાએ મદદ કરી હતી.  ડો. મહેતા દૃઢપણે માનતા હતા કે ભારતને આઝાદી અપાવવામાં તેમના મિત્ર ગાંધી મહત્ત્વની ભૂમિકા ભજવશે. બેરિસ્ટર ગાંધીને પણ બહુવિધ પ્રતિભાઓ ધરાવતા ડો.મહેતાનો આર્થિક ઉપરાંત માનસિક રીતે મોટો ટેકો હતો.

ગાંધીની1908 સુધીની જીવનકથા પ્રગટ તો થવાની હતી,  પણ પછી તેનું કરવાનું શું? ગાંધી એવા પ્રખ્યાત માણસ તો હતા નહીં કે એ પુસ્તક ચપોચપ વેચાઈ જાય. ઉલટું, અપવાદરૂપ સારા અંગ્રેજોને બાદ કરતાં, બીજામાં તે ઘણા અળખામણા હતા અને જે લોકો માટે તે લડતા હતા, તેમાંથી કેટલા પુસ્તક વાંચી શકે એ સવાલ. એ વખતે ગાંધીની પછીનાં વર્ષોમાં વધારે જાણીતી બનનારી (અને મોટા ભાગના ગાંધીવાદીઓમાં કદી ન આવેલી) ધ્યેયનિષ્ઠ વિવેકબુદ્ધિ પ્રગટ થઈ. વ્યક્તિગત પ્રચારથી દૂર રહેતા ગાંધીએ ભારતની મુલાકાતે ગયેલા તેમના સાથી-મિત્ર પોલાકને લંડનથી એક પત્રમાં લખ્યું, ‘મિ. ડોકનું પુસ્તક હજી પ્રગટ થયું નથી. એ ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં પ્રગટ થાય એવો સંભવ છે. હું કેટલાંક કારણોસર, જે આ અઠવાડિયે જણાવવાની જરૂર નથી, આખી આવૃત્તિ ખરીદી લેવાનું વિચારી રહ્યો છું અને તે બીજા કોઈ કારણ કરતાં મિ. ડોકને ખાતર જ. જો આ પ્રકાશન અંગે ફારસ જ થાય તો એ ઘણા જ હતાશ થઈ જશે, અને એવું થાય પણ ખરું. પ્રકાશકે એમાં પોતાનું દિલ રેડીને કામ કર્યું નથી અને એની ઘણી નકલો મફત વહેંચવી પડશે. એટલે મેં વિચાર્યું કે મારે મારી પોતાની અંગત લાગણીઓ બાજુએ મૂકીને એ કામ જાતે જ હાથ ધરવું જોઈએ. હું ધારું છું કે કંઈ ખોટ આવસે તો ડો. મહેતા તે ભરી આપવાની જવાબદારી લેશે. મેં આ બાબતમાં એમની સાથે પત્રવ્યવહાર કર્યો પણ છે. એટલે તમે આ પુસ્તક લઈ લે એવા કોઈ બુકસેલરની ભાળમાં રહેજો...જે બુકસેલરો ઉપર તમારો સંપૂર્ણ ભરોસો ન હોય તેમને પુસ્તક ઉધાર ન આપવાં.’ (પૃ.473, ગાંધીજીનો અક્ષરદેહ-9)

પુસ્તક પ્રગટ થયા પછી ગુજરાતી લોકો સુધી તેની સામગ્રી પહોંચાડવા માટે ડો. પ્રાણજીવન મહેતાએ આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ કર્યો. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના 'ગુજરાતી'પ્રેસે 1912માં એ પુસ્તક પ્રગટ કર્યું. તેમાં મૂળ લખાણના અનુવાદનાં 121 પાનાં ઉપરાંત અનુવાદકર્તા તરફથી 80 પાનાંની, બે ભાગમાં લખાયેલી વિસ્તૃત નોંધ ઉમેરવામાં આવી હતી, જે ગાંધીજી અને તેમના હિંદ સ્વરાજમાં પ્રગટ થયેલા વિચારો વિશે ચર્ચા કરતી હતી. ('હિંદ સ્વરાજ'ના કેન્દ્રમાં 'અધિપતિ'ગાંધીજી અને 'વાચક'ડો. પ્રાણજીવન મહેતા વચ્ચે જુદા જુદા મુદ્દે થયેલી ચર્ચા અને એ વિશે ગાંધીજીની દૃઢ સમજ હતી.)

જે કારણથી ગાંધીજીએ ડોકના પુસ્તકને મંજૂરી આપવાનું જ નહીં, તેની જવાબદારી ઉપાડવાનું નક્કી કર્યું હતું, એ જ કારણથી તેમણે પોતાની જીવનકથાની એક નકલ ગુરુસમાન હસ્તી એવા રશિયન લેખક ટોલ્સ્ટોયને પણ મોકલી આપી. જેમના વિચારોનો પોતાની પર ભારે પ્રભાવ હોય, એવી વ્યક્તિને પોતાની જીવનકથા મોકલવી એ આમ તો ધૃષ્ટતા ગણાય. પરંતુ ગાંધીનો આશય સ્પષ્ટ હતોઃ એ પુસ્તક પોતાના મહિમામંડન માટે નહીં, ટોલ્સ્ટોય સહિતના કેટલાક વિચારકો જેની હિમાયત કરતા હતા, એવા અહિંસક પ્રતિકાર અને અસહકારના મહિમાનું હતું. ટોલ્સ્ટોયે પણ તેને એવી જ રીતે લીધું અને પુસ્તકની સામગ્રી વિશે આનંદની લાગણી પ્રગટ કરી.

ડો. પ્રાણજીવન મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અપ્રાપ્ય બન્યા પછી 1970માં બાલુભાઈ પારેખે આ પુસ્તકનો ફરી અનુવાદ કર્યો, જે નવજીવન દ્વારા પ્રકાશિત થયો. (તેમાં ઉમાશંકર જોષીએ આમુખ લખ્યું હતું) ભાષાકીય સજ્જતાની દૃષ્ટિએ બાલુભાઈનો અનુવાદ ચડિયાતો છે, પરંતુ પહેલો અનુવાદ ડો.પ્રાણજીવન મહેતાએ કરેલો હોવાથી તેનું આગવું મહત્ત્વ છે. ગાંધી હેરિટેજ પોર્ટલ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ એ પુસ્તક 39 વર્ષના ગાંધીની પ્રતિભાનું, જોસેફ ડોક જેવા લોકો પર તેમણે પાડેલા પ્રભાવનું અને પ્રાણજીવન મહેતા સાથેની તેમની દોસ્તીનું થોડું ભૂલાયેલું, છતાં વાસી ન થયેલું પ્રતીક છે.

નોંધઃ 'નવાજૂની'માં છપાયેલા ઉપરના ફોટોની ફોટાલાઇનમાં ગાંધીજી અને દાદા અબ્દુલ્લા--એવું લખ્યું હતું. ગાંધી આશ્રમનાં મિત્ર કિન્નરી ભટ્ટે ધ્યાન દોર્યું કે એ દાદા અબ્દુ્લ્લા નહીં, પણ દ. આફ્રિકાના બીજા સાથીદાર હતા. સરતચૂક બદલ દિલગીરી. 

1 comment:

  1. phota ma rahela Bija sathidar nu nam ape apyu nahi

    ReplyDelete