Monday, April 09, 2018

નીરુભાઈ દેસાઈ સન્માન સ્વીકાર પ્રવચનઃ 'જે છું તે આ જ છું'

ઉર્વીશ કોઠારી/Urvish Kothari
૧૯૯૫માં પત્રકારત્વ ક્ષેત્રે આવી ચડ્યા પછી ૨૦૦૧માં નક્કી કર્યું હતું કે હવે પત્રકારત્વમાં ફુલટાઇમ કામ નહીં કરું અને આજે માર્ચ ૨૦૧૮માં તમારી સામે ઉભો છું ત્યારે નક્કી કર્યું છે કે હવે મિડીયાની ઓફિસમાં જઈને કામ નહીં કરું. આ નિર્ણય તમારી સામે ઉભા રહીને, પ્રસંગના ઉત્સાહમાં લીધો નથી. એ સંપૂર્ણપણે બિનકેફી અવસ્થામાં, અગાઉ ઘેરથી નક્કી કરીને, ફેસબુક પર લખ્યા પછી તમારી આગળ જાહેર કરું છું. હવે લખીશ ખરો, વધારે લખીશ, પણ મિડીયાની ઓફિસમાં ગયા વિના.

મારું પત્રકારત્વ, જેના માટે મને આ સન્માન મળે છે, તે શાનાથી દોરવાયું છે અને તેમાંથી હું શું શીખ્યો તેની થોડી વાત કરવી છે. ૨૩ વર્ષની મારી કારકિર્દીમાં પત્રકાર તરીકે સૌથી વધુ સંતોષ એ વાતનો રહ્યો કે જ્યારે જે કહેવા જેવું હતું, તે મેં કહ્યું છે. અંગ્રેજીમાં જેને 'સ્ટેન્ડ અપ એન્ડ બી કાઉન્ટેડ' કહે છે, તે કરી શક્યો તેનો સંતોષ છે. મારા પત્રકારત્વ માટે મારા મનમાં એવો કોઈ ખ્યાલ નથી કે મેં સમાજસેવા કરી છે. એ મારા માટે વ્યવસાય હતો. મારું ઘર એનાથી ચાલ્યું છે. પણ એન્ટી-એસ્ટાબ્લિશમેન્ટ એ મારી મૂળ વૃત્તિ. અવિનાશ પારેખ અને કેતન સંઘવીના 'અભિયાન'માં તે સંસ્થાગત રીતે દૃઢ થઈ. ગુજરાતના રાજકારણના અને સાંસ્કૃતિક જીવનમાં, દાઢીવાળાં ને દાઢી વગરનાં સ્થાપિત હિતોની દાઢીમાં હાથ નાખ્યા વિના ૨૩ વર્ષ સુધી મારું ચાલી ગયું, છે.

સંસ્થા હોય એટલે એની મર્યાદા હોવાની—ભલે તે ગાંધીજીનો આશ્રમ કેમ ન હોય. તો મિડીયાની ઓફિસો તેમાંથી બાકાત શી રીતે રહે? પણ એક વાત હું બહુ પહેલાં સમજ્યો હતો કે સંસ્થાની મર્યાદા કદી મારી મર્યાદા બનવી ન જોઈએ અને સંસ્થાની મહત્તાને મેં કદી મારી મહત્તા તરીકે ઓઢી નથી.  હું જે છું, તે આ જ છું.

ટ્રેન સિવાય બીજા કશાની પાછળ દોડ્યો નથી--મહેમદાવાદથી અમદાવાદ અપડાઉન કરવાનું હોય એટલે ટ્રેન તો પકડવી પડે--પણ એ સિવાય રૂપિયા, હોદ્દો...એ કશાની પાછળ દોડ્યો નથી. એવું નથી કે હું સંતમહાત્મા છું. હું એકદમ નૉર્મલ માણસ છું. પણ મને એનું ખેંચાણ નથી... કે આપણી એક કૅબિન હોય ને આપણા હાથ નીચે આટલા માણસ કામ કરતા હોય. મને એ બધું છોકરાં ઘરઘર રમતાં હોય એવું લાગે છે. એ મારો વિષય છે. બધાને એવું લાગે તે જરૂરી નથી. હું જે છું અને જે નથી તેના વિશે જરાય ભ્રમમાં નથી. મને જે મળ્યું છે તે સહજ ક્રમમાં મળ્યું છે અને એનો સૌથી મોટો આનંદ છે.

બે વસ્તુઓ મને બહુ કામ લાગી છેઃ સંતોષ અને સ્પષ્ટતા. એ મારામાં છે એ મને ખબર છે. બીજો બહુ મોટો સંતોષઃ મેં જે ન ઇચ્છ્યું, એ મારે કદી લખવું પડ્યું નથી.  અને આ સંતોષની ક્રેડિટ હું મારા તંત્રીઓને પણ આપવા માગું છું. 'ગુજરાત સમાચાર'માં આઠ વર્ષ શ્રેયાંસભાઈ સાથે કામ કર્યું,પછી 'દિવ્ય ભાસ્કર'ના મિત્રો સાથે કામ કર્યું. તેમણે કદી આવું કહ્યું નથી. પહેલાં ક્યારેક કોઈ લખાણ ન છપાય એવું બને. કોઈ પત્રકારે એવો ફાંકો રાખવાની જરૂર નથી કે આપણે લખીએ તે બધું જ છપાય. પણ એનું એક પ્રમાણ હોય છે. એ તમારે નક્કી કરવું પડે. સોમાંથી નેવુ-પંચાણું લખાણ છપાય તો બરાબર કહેવાય. સો ટકા લખાણ તો આપણું પોતાનું છાપું હોય તો પણ કદાચ ન છપાય. ટૂંકમાં, મને કોઈએ દબાણ કર્યું નથી. કદાચ મારા મોઢા પર લખેલું હશે કે દબાણ ન કરવું.

મારી સમજ માટે મને બીજું કોઈ વિશેષણ મળતું નથી. એટલે હું માનું છું કે મારી સમજ મહેમદાવાદી છે. એ કોઈ વાદમાં બેસતી નથી. હું એકેય વાદી નથી. હું મહેમદાવાદી છું. ડાબેરી-જમણેરી એવું બધું મને ન આવડે. હું એવો પંડિત નથી ને થવા પણ નથી માગતો. દુનિયામાં અડધો દાટ પંડિતોએ વાળ્યો છે. મારી એવી સાદી સમજ છે કે હું મહેમદાવાદમાં રહું અને ત્યાં દાયકાઓથી અમે એકબીજા સાથે શાંતિથી રહીએ. હિંદુમુસલમાન ને બીજા બધા.  બધાાના બે-ત્રણ પેઢીના સંબંધ. અહીં જ્ઞાતિના ભેદભાવની વાત નથી કરતો. એ તો આપણું રાષ્ટ્રીય દૂષણ છે. પણ સામાન્ય હિંદુમુસલમાનની વાત કરું તો, અમે શાંતિથી જોડે રહેવા માટે ટેવાયેલા. અમારી વચ્ચે પેઢીઓનો સંબંધ. એટલે મારી જે કંઈ અન્ડરસ્ટેન્ડિંગ અને મારું જે કંઈ સ્ટેન્ડિંગ છે એ મહેમદાવાદની જમીન પર ઉભા રહીને જોતા માણસનું છે. મહેમદાવાદ અથવા એવાં નાનાં ગામની જે વૈચારિક સંકુચિતતા હોય, એ બહુ બધા મિત્રોને કારણે નીકળી શકી છે-હજુ કાઢી રહ્યો છું. અને મૂળીયાં સતત મજબૂત થયાં છે.

મને કોઈ રાજકીય વિશ્લેષક કહે ત્યારે હસવું આવે છે...હું એ ઓળખાણને કદી અપનાવી શક્યો નથી.  કારણ કે મને કદી એવું લાગ્યું જ નથી કે હું રાજકારણનો માણસ છું.  હું એક દુઃખી નાગરિક છું અને મને લાગે છે કે એટલું પૂરતું છે. મને તો મારા લમણે કોણ લખાયું છે એમાં રસ છે. અને એ કેમ લખાયા છે એમાં રસ છે અને  એ કેવી રીતે બદલવા જોઈએ અને એમાં હું શું કરી શકું ને તમે શું કરી શકો, એમાં રસ છે. મને ઉમાશંકર જોષીનો  પ્રયોગ બહુ ગમે છેઃ પબ્લિક અફેર્સ. મને એ અભિવ્યક્તિ નહોતી મળતી, તે એમનામાંથી મળી. મને જે અડે છે તે પબ્લિક અફેર્સ છે. મને બહુ સ્પષ્ટ સમજાય છે કે આવું થાય અને આવું ન થાય. પછી આપણા જેટલા કે આપણાથી વધુ સજ્જ લોકો સાથે ઉઠીએબેસીએ ત્યારે આપણામાં અનેક સ્પષ્ટતાઓ થતી હોય છે અને મૂલ્યો દૃઢ થતાં હોય છે.

કોઈ પણ પત્રકારત્વના એવોર્ડમાં પરિવારનો હિસ્સો મોટો હોય છે. એ કરવા દે, ત્યારે જ સારું પત્રકારત્વ થઈ શકતું હોય છે. મારાં મમ્મી સ્મિતા કોઠારી, પત્ની સોનલ કોઠારીને એનો જશ જાય છે. મારે પૈસા પાછળ નહીં દોડવું એ મારી પ્રકૃતિ છે-એમની હોવી જરૂરી નથી. એ મને ધંધે લગાડે કે તું ગાડી લાવ, પછી મોટી ગાડી લાવ, પછી બીજી ગાડી લાવ, પછી બીજી મોટી લાવ...તો હું જિંદગીમાં કદી ઉંચો જ ન આવું. પણ મારો સંતોષ છે એ ફક્ત મારો નથી, અમારો બધાનો સહિયારો છે.

બીજું નામ છેઃ મારો ભાઈ બીરેન કોઠારી. મારું બધું જ છે--લખવાનું, વાંચવાનું, બહુ જ વ્યાપક અર્થમાં કહીએ તો સંસ્કાર—એ બધું જ એનું છે.  મારા ઘણા ગુરુજનો  છે. ઘણાને મારા ગુરુજનોની રેન્જ જોઈને ઘણાને નવાઈ લાગે છે. પણ એ તો દરેકની ક્ષમતાનો વિષય છે. એ બધા ગુરુઓ પાસેથી ઘણું પામ્યો છું. તેમનાં નામ આપું તો, રજનીકુમાર પંડ્યા. તેમની પાસેથી હું સાહિત્ય અને જીવનના ઘણા પાઠ શીખ્યો છું. વિનોદ ભટ્ટ, અશ્વિની ભટ્ટ, નગેન્દ્ર વિજય. પત્રકારત્વમાં આવ્યો ત્યારે મને બે જ વસ્તુ લખતાં આવડતી હતીઃ જૂના ફિલ્મસંગીત વિશે અને પ્રોફાઇલ (શબ્દચિત્રો). એમાંથી મને પત્રકારત્વના કેટકેટલા વિષયો કેવી રીતે લખાય તેનું પ્રત્યક્ષ જ્ઞાન નગેન્દ્રભાઈ પાસેથી મળ્યું. હર્ષલ પુષ્કર્ણા અને તેની પત્ની ફાલ્ગુની--હર્ષલ પાસેથી હું શીખ્યો છું, એ બંને મિત્રો છે અને મિત્રોથી પણ ઘણાં વધારે છે.  તારક મહેતા અને રતિલાલ બોરીસાગર પણ ગુરુજનો છે.

પબ્લિક અફેર્સવાળી વાત ૨૦૦૨માં શરૂ થઈ, તે પહેલાં હું માર્ટિનભાઈ મેકવાનના પરિચયમાં આવ્યો અને 'નવસર્જન' સાથે પત્રકાર તરીકે સંકળાયો. પછી ચંદુભાઈનો અને પ્રકાશભાઈનો પરિચય થયો. આ ત્રણ જણે જાહેર જીવનને લગતા મારા વિચારોના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે. આ બાબતમાં મારા વિચારોનાં ધરી, ધડો અને ધાર ઘણે અંશે આ ત્રણેને આભારી છે.

મિત્રો મેળવવાની બાબતમાં હું બહુ સમૃદ્ધ છું. મને મારા દુઃખે દુઃખી અને મારા સુખે સુખી થાય એવા  અઢળક સારા મિત્રો મળ્યા છે. છેલ્લાં પચીસેક વર્ષથી દર વર્ષે ઓછામાં ઓછો એક સારો, આજીવન ટકી શકે એવો, મિત્ર મળે છે અને એ સિલસિલો હજુ ચાલુ છે. એ બધા પ્રિય મિત્રો છે. તેમનાં બધાનાં નામ લેવાનો સમય નથી. પણ પત્રકારત્વ સંદર્ભે બે મિત્રોને ખાસ યાદ કરું છું. એક છેઃ પ્રશાંત દયાળ. આ સન્માન પચાસ વર્ષથી નીચેના પત્રકારને આપવાનો નિયમ ન હોત, તો મેં પહેલા વર્ષના સન્માન માટે મારે બદલે પ્રશાંતનું નામ સૂચવ્યું હોત. જે નિર્ભીકતાથી, જીવનું જોખમ ખેડીને છતાં શહીદીના વાઘા પહેર્યા વિના તે પત્રકારત્વ કરી રહ્યો છે, તેની કોઈ જોડ નથી. અમારો બાવીસ-ત્રેવીસ વર્ષનો સાથ છે. એવી બીજી મિત્ર છે પૂર્વી ગજ્જર. બિનીત મોદી પત્રકારત્વથી પણ પહેલાંનો મિત્ર છે. જીવનના તમામ વળાંકે તેની હાજરી અને હૂંફ રહ્યાં છે.

હું ઘણુંબધું સારું કરી શક્યો તે મારામાં રહેલી ખીજને કારણે. મારાં ઘણાં કામની શરૂઆત ખીજમાંથી થાય છે. કોઈ બાબત જોઉં એટલે મને થાય કે આવું કેવી રીતે ચાલે? પહેલાં ફક્ત ખીજ ચઢતી હતી. પછી આવું ન ચાલે તો શું ચાલે, તેના વિકલ્પની દિશામાં જવાનું થયું. પત્રકારત્વનું શિક્ષણ કેવી રીતે અપાવું જોઈએ, એવો એક ખ્યાલ હતો. નડિયાદની મહિલા આર્ટ્સ કોલેજના આચાર્ય અને પરમ મિત્ર હસિત મહેતા સાથે એ વિશે અનેક વાર વાત થઈ હશે. છેવટે એ ખ્યાલ સાકાર કરવાની તક મળી અને બે વર્ષ પહેલાં નડિયાદમાં હસિત મહેતા, કેતન રૂપેરા, પારસ જ્હા અને પારુલ પટેલ સાથે પત્રકારત્વનો ગ્રેજ્યુએશન કોર્સ શરૂ થઈ શક્યો છે. એવી જ રીતે, આપણાં ગમતાં પ્રકાશન થઈ શકે એવી એક પ્રકાશનસંસ્થા હોવી જોઈએ, એવું ઘણા સમયથી લાગતું હતું. તેમાંથી દીપક સોલિયા, ધૈવત ત્રિવેદી અને કાર્તિક શાહ જેવા મિત્રોની સાથે 'સાર્થક પ્રકાશન' અસ્તિત્ત્વમાં આવ્યું. આ એપ્રિલમાં સાર્થકને પાંચ વર્ષ પૂરાં થશે. કાર્તિકભાઈના પ્રતાપે કારણે સાર્થક પ્રકાશન સારી રીતે ટકી શક્યું છે. તેનું છ માસિક સામયિક સાર્થક જલસો અમારું ગમતું મેગેઝીન કેવું હોય, તેના અમારા ખ્યાલનું સાકાર સ્વરૂપ છે.

૨૦૦૨ પછી મારે જે કંઈ લખવાનું થયું, તે મને હેલિકોપ્ટરમાંથી બીજ વેરવા જેવું લાગ્યું હતુંઃ આપણે બીજ વેરીને આગળ વધી જવાનું. ક્યાં શું ઉગ્યું તેની આપણને ખબર ન પડે.  એક વાર અમેરિકાથી એક ભાઈનો ફોન આવ્યો. નામઃ કેતન પટેલ. ચરોતરના. વ્યવસાયે ડેન્ટિસ્ટ. થોડી દોસ્તી થયા પછી તેમણે કહ્યું કે ૨૦૦૨ પછી હું પણ અમુક રીતે વિચારતો થઈ ગયો હતો, પણ તમારા લેખ વાંચ્યા પછી ધીમે ધીમે મને સમજાયું કે એ રીતે વિચારવા જેવું છે. પછી મારો અભિપ્રાય બદલાયો. કેતનભાઈએ જે કહ્યું, એ કહેવામાં હિંમત જોઈએ. આવી હિંમતવાળા વધારે લોકોની જરૂર છે.

પત્રકારત્વમાં આવ્યો ત્યારે મારા ઘણા મિત્રો ૭૦ વર્ષની સરેરાશ વયના હતા. પાંચ વર્ષ પહેલાં પત્રકારત્વની માસ્ટર્સ ડિગ્રી માટે ભણવા ગયો, તેમાં મારાથી વીસબાવીસ વર્ષ નાનાં મિત્રો મળ્યાં. શૈલી ભટ્ટ, નિશા પરીખ, આરતી નાયર જેવાં મારાથી એક પેઢી નાનાં મિત્રોને કહી રાખ્યું છે કે અત્યારે તો મારું ઠેકાણે છે. પણ જ્યારે તમને લાગે કે ઠેકાણે નથી રહ્યું, ત્યારે મહેરબાની કરીને કહી દેજો. લખવાનું બંધ કરીશ અને બોલવાનું તો પહેલી તકે બંધ કરીશ. કારણ કે જાહેર જીવનમાં મોટી ઉંમરના ઘણા લોકોને જોઈએ છે. તે એક સમયે સરસ હોય છે. પણ પછી તે બોલ્યા જ કરે છે, બોલ્યા જ કરે છે, લખ્યા જ કરે છે, લખ્યા જ કરે છે. આમન્યાને કારણે કોઈ એમને કહેતું નથી, પણ એ જાય ત્યારે પોતાની આબરૂનો મોટો હિસ્સો પોતાના જ હાથે ભૂંસીને જાય છે. એમની આબરુ તો બહુ હશે, એટલે એમને પોસાતું હશે. મારી એટલી બધી નથી. એટલે મને એ ન પોસાય.

હવે છાપાંની ઓફિસમાં જવાનું નથી. પણ લખવાનું ચાલુ જ રહેશે. ફ્રીલાન્સ લેખન ઉપરાંત લખવાનાં ઘણાં કામ રાહ જુએ છે. ગાંધીજી વિશેનાં એક-બે લાંબાં કામ, જ્યોતીન્દ્ર દવેના જીવન અને અગ્રંથસ્થ સાહિત્ય વિશે દોઢેક દાયકાથી ચાલતું કામ અને એ બધાથી પહેલાં, આવતા મહિને પીએચ.ડી.નો મહાનિબંધ જમા કરાવી દેવાનો છે.  કામ કરવામાં હું બહુ ઉત્સાહી અને ઝડપી છું. ઘરનો મોરચો મજબૂત હોય—આર્થિક નહીં, માનસિક રીતે-તો દુનિયા જોડે પહોંચી વળાય છે. એટલે એની ચિંતા નથી.

નીરુભાઈ દેસાઈના નામ સાથે સંકળાયેલા આ સન્માનની શરૂઆત માટે મારી પર વિશ્વાસ મુકવા બદલ અને મારી પસંદગી કરવા બદલ આભાર.
(સ્વીકાર પ્રવચનનો સંપાદિત પાઠ, 'નિરીક્ષક'માંથી)
તા. ૨૫-૩-૨૦૧૮, અમદાવાદ 

Sunday, April 01, 2018

મહાનવલ 'રાગ દરબારી'નાં પચાસ વર્ષ

Raag Darbari

કોઈ ફોટો સદાબહાર હોઈ શકે, પણ એક્સ-રે સદાબહાર હોય? હિંદી વ્યંગ નવલકથા 'રાગ દરબારી'થી પરિચીત હોય એવા સૌ કોઈનો જવાબ હશેઃ હા, પાંચ-પાંચ દાયકા વીત્યા પછી પણ 'એક્સ-રે'  એટલો જ તરોતાજા લાગી શકે. શ્રીલાલ શુક્લલિખિત 'રાગ દરબારી' માટે જોકે 'આઝાદ ભારતનો એક્સ-રે'ને બદલે 'ભારતનું ડીએનએ'  જેવી ઓળખ વધારે યોગ્ય ગણાશે. કારણ કે 1968માં લખાયેલી એ નવલકથામાં પાને પાને નહીં, લીટીએ લીટીએ ઇન્ડિયા ધેટ ઇઝ ભારતની બારીક લાક્ષણિકતાઓ ગુંથાયેલી છે. એટલે જ, આ પુસ્તક વાંચનારે જેમાં ગમતાં વાક્યો નીચે લીટી દોરવાની કોશિશ કરવી નહીં. આખું પુસ્તક ચીતરાઈ જશે.

'રાગ દરબારી'માં વાત તો ઉત્તર પ્રદેશના એક કાલ્પનિક ગામ શિવપાલગંજની છે, પણ હકીકતમાં એ ભારતની લઘુઆવૃત્તિ-મિનિએચર છે. આ ગામડું આર. કે. નારાયણનાં લખાણોમાં નિર્દોષ ગ્રામ્યજીવન માટે વિખ્યાત બનેલા કાલ્પનિક માલગુડી જેવું નથી અને મુનશી પ્રેમચંદનાં લખાણોમાં અમર બનેલાં શોષણ-ગરીબી-દરિદ્રતા અને એ બધાની વચ્ચે પીસાતી માનવ સંવેદના ધબકાવતાં ગામડાં જેવું પણ નથી. તે હિંદી ફિલ્મોનું ભોળુંભાળું, દિલનું સાફ ગામડું પણ નથી. શિવપાલગંજ એ રીતે દિલ્હી-ગાંધીનગરની વધારે નજીક છે.

એક નવલકથા તરીકે 'રાગ દરબારી'ની મોટી ખૂબી એ છે કે તેનાં અઢળક પાત્રોમાં કોઈ નખશીખ હીરો નથી અને લગભગ બધા જ એક યા બીજી રીતે નકારાત્મક અંશ ધરાવે છે. (તેના પહેલા પાને સામાજિક ચેતવણી મુકાવી જોઈએઃ આ નવલકથા પોઝિટિવ થિંકિંગના નામે વાસ્તવિકતાથી આંખ આડા કાન કરવાની ટેવ ધરાવનાર લોકોના માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે.) મોટા કદનાં 330 પાનાંની આ નવલકથામાં એક પણ હીરોઇન નથી અને સ્ત્રીપાત્રો સમ ખાવા પૂરતાં જ છે. તે એક રીતે ત્યારના ગ્રામજીવનની વાસ્તવિકતા પણ સૂચવે છે.

કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયા પછી આ નવલકથાનો ઘણી ભારતીય ભાષાઓમાં   અનુવાદ થયો. ગુજરાતીમાં તેનો અનુવાદ હરિન્દ્ર દવેએ કર્યો હતો. દૂરદર્શનના સુવર્ણયુગમાં આ નવલકથા પરથી ૧૩ હપ્તાની એક શ્રેણી પણ બની હતી. પરંતુ 'રાગ દરબારી’ જેવું નામ અને તેના ટાઇટલમાં પંડિત ભીમસેન જોશીનો કંઠ હોવાને કારણે તેને શાસ્ત્રીય સંગીતની શ્રેણી સમજીને બંધ કરી દેનારા પણ હશે. બાકી, તેમાં ઓમ પુરી, મનોહરસિંઘ, દિનેશ શાકુલ જેવા મજબૂત કલાકારો હતા. (આ શ્રેણીનું રેકોર્ડિંગ ક્યાંયથી ઉપલબ્ધ બને એમ હોય તો તેની ભાળ આપવા વિનંતી.)

'રાગ દરબારી'ની ખરી ચોટ તેનાં ઘટનાપ્રસંગોમાં નહીં, આલેખન અને સંવાદોમાં છે. એટલે જ ટીવી શ્રેણી હોય કે ગુજરાતી સહિતના તેના અનુવાદ, પણ હિંદી વાંચી શકતા લોકોએ થોડી જહેમત લઈને આ કૃતિ હિંદીમાં જ વાંચવી જોઈએ. આવી મહાક્લાસિક કૃતિને મૂળ ભાષામાં વાંચવાનો આનંદ અને મૂળ ભાષામાં આપણે વાંચી શક્યા એનો સંતોષ અવર્ણનીય હોય છે. 'રાગ દરબારી'નું કથાવસ્તુ ટૂંકમાં આપી દેવાનો કોઈ આશય નથી. તેનું હાર્દ અને તેનો કેન્દ્રીય ધ્વનિ છેઃ ભારતનાં ગામડાં. ગાંધીજીની ગ્રામસ્વરાજની વિભાવના અને ડૉ. આંબેડકરની 'ગામડાં છોડો'ની હાકલ, એ બંનેમાંથી, પ્રચલિત છબીમાં ગામડાં ફુલગુલાબી ગણાતાં હતાં, પણ ડૉ.આંબેડકરે તેમને સંકુચિતતાનાં કેન્દ્રો ગણાવ્યાં હતાં. 'રાગ દરબારી'નું શિવપાલગંજ એવું જ છે. કાવાદાવા, ખટપટો, નાનામાં નાની બાબતોમાં બેઇમાની અને તેની શરમને બદલે ગૌરવ અનુભવતાં પાત્રો, ઉંડે સુધી ઉતરી ગયેલો જ્ઞાતિવાદ, સિદ્ધાંતો અને મૂલ્યોની બડી બડી વાતોની ઓથે રહેલી હળહળતી ધૂર્તતા, સગવડીયો અતીતરાગ...'રાગ દરબારી' વાંચતાં લાગે કે 'દુનિયા આટલી બધી ખરાબ છે?’ છતાં, એ વાંચીને નિરાશા નથી આવતી કે નકારાત્મકતા નથી ઉગતી. કારણ કે તે ઝેર ઓકતો દસ્તાવેજ નથી, પોતાના વ્યવસાયને વફાદાર એવા ડોક્ટરે કાઢેલો મેડિકલ રીપોર્ટ છે. 'રાગ દરબારી' પર ક્રૂર અને કેટલેક ઠેકાણે 'ક્રુડ' (crude-ભદ્દી અભિવ્યક્તિવાળી) હોવાનો આરોપ છે, પણ દર્દીને કૅન્સર છે એવું કહેનાર ડૉક્ટરને ક્રૂર કહી શકાય, તો જ 'રાગ દરબારી'ને ક્રૂર કહી શકાય—અને ચોખલિયા માપદંડથી ભદ્દાપણું માપનારા એ ભૂલી જાય છે કે તે લેખકના મનની પેદાશ નથી, વાસ્તવિકતા સામે ધરાયેલો આયનો છે.

આટલું વાંચ્યા પછી 'રાગ દરબારી' ભારેભરખમ, નકારાત્મક કે કરુણ હોવાની છાપ પડી હોય તો એ વેળાસર ખંખેરી નાખવા જેવી છે. કારણ કે વ્યંગના સટાકા બોલાવવામાં અને ખડખડાટ હસાવવામાં આ નવલકથા જેટલો ઊંચો સ્ટ્રાઇક રેટ ભાગ્યે જ બીજી કોઈ કૃતિનો હશે. 330 પાનાં સુધી દરેક પાને, દરકે ફકરામાં અને ઘણે ભાગે તો દરેક લીટીમાં વ્યંગનો આટલો દારૂગોળો ઠાંસવાનું કામ અશક્યવત્ લાગે એવું છે--અને તે પણ નવલકથાના સ્વરૂપમાં રહીને તો વિશેષ. ટ્વિટરયુગમાં રોજના એક લેખે 'રાગ દરબારી'નાં વન લાઇનર્સ કે અવતરણો કાઢવામાં આવે તો વર્ષો સુધી ચાલે--અને કમનસીબે પચાસ વર્ષ સુધી તો તે અપ્રસ્તુત પણ નથી બન્યાં અને હજુ નજીકના ભવિષ્યમાં અપ્રસ્તુત બની જાય એવાં લાગતાં પણ નથી.

જેમ કે, 'પુનર્જન્મના સિદ્ધાંતની શોધ ભારતની દીવાની અદાલતોમાં થઈ હશે' આવી એક જ વાત અદાલતી કાર્યવાહીના વિલંબનો આખો ચિતાર આપી દે છે. ગામની કો-ઑપરેટિવ સોસાયટીમાં ઉચાપત થાય છે ત્યારે એક પાત્ર કહે છે, 'સારું થયું. બાકી અત્યાર સુધી લોકો આપણી ઇમાનદારીને શંકાની નજરે જોતા હતા. હવે આપણે વટકે સાથ કહી શકીશું કે અમારી મંડળીમાં ઉચાપત થઈ અને અમે પ્રામાણિકતાથી તેનો સ્વીકાર પણ કર્યો.’ સાહિત્યમાં ખેડૂતોને દુઃખિયારા ચીતરવાનો રિવાજ છે અને તેમાં ઘણું તથ્ય પણ છે. છતાં 'રાગ દરબારી' કહે છે કે 'આપણા ખેડૂતોને પોતાની જમીન બહુ વહાલી હોય છે અને પોતાની જમીન કરતાં પણ પારકી જમીન વધારે વહાલી લાગે છે’, ત્યારે એક સાથે સેંકડો છબીઓ ધ્વસ્ત થઈ જાય છે અને આપણે નવેસરથી વિચારતા થઈ જઈએ છીએ. ગાંધીજીની હત્યાનાં વીસ જ વર્ષ પછી પ્રગટ થયેલી આ નવલકથા કહે છે, “ગાંધી, જૈસા કિ કુછ લોગોં કો આજ ભી યાદ હોગા, ભારતવર્ષ મેં હી પૈદા હુએ થે ઔર ઉનકે અસ્થિ-કલશ કે સાથ હી ઉનકે સિદ્ધાન્તોકોં સંગમ મેં બહા દેને કે બાદ યહ તય કિયા ગયા થા કિ ગાંધી કી યાદ મેં અબ સિર્ફ પક્કી ઇમારતેં બનાયી જાયેંગી ઔર ઉસી હલ્લે મેં શિવપાલગંજ મેં યહ ચબૂતરા બન ગયા થા.”

આવી એક ઉત્તમ અને ચિરંજીવ કૃતિ પ્રત્યે આંગળી ચીંધવા સાથે અને ધાર્મિક કથાઓમાં કહે છે તેમ, 'રાગ દરબારી' આ લખનારને ફળી એવી એ સૌને ફળો એવી આશા સાથે, આ કૉલમની સફર અહીં વિરામ પામે છે.  અલવિદા.

'રાગ દરબારી' અને તેના લેખક શ્રીલાલ શુક્લ સાથેની મુલાકાત અંગેની અન્ય પોસ્ટ
‘રાગ દરબારી’ના લેખક શ્રીલાલ શુક્લને જ્ઞાનપીઠ સન્માનઃ આનંદ અને સંભારણાં
‘રાગ દરબારી’ના સર્જક શ્રીલાલ શુક્લને અલવિદા