Sunday, April 01, 2018

મહાનવલ 'રાગ દરબારી'નાં પચાસ વર્ષ

Raag Darbari

કોઈ ફોટો સદાબહાર હોઈ શકે, પણ એક્સ-રે સદાબહાર હોય? હિંદી વ્યંગ નવલકથા 'રાગ દરબારી'થી પરિચીત હોય એવા સૌ કોઈનો જવાબ હશેઃ હા, પાંચ-પાંચ દાયકા વીત્યા પછી પણ 'એક્સ-રે'  એટલો જ તરોતાજા લાગી શકે. શ્રીલાલ શુક્લલિખિત 'રાગ દરબારી' માટે જોકે 'આઝાદ ભારતનો એક્સ-રે'ને બદલે 'ભારતનું ડીએનએ'  જેવી ઓળખ વધારે યોગ્ય ગણાશે. કારણ કે 1968માં લખાયેલી એ નવલકથામાં પાને પાને નહીં, લીટીએ લીટીએ ઇન્ડિયા ધેટ ઇઝ ભારતની બારીક લાક્ષણિકતાઓ ગુંથાયેલી છે. એટલે જ, આ પુસ્તક વાંચનારે જેમાં ગમતાં વાક્યો નીચે લીટી દોરવાની કોશિશ કરવી નહીં. આખું પુસ્તક ચીતરાઈ જશે.

'રાગ દરબારી'માં વાત તો ઉત્તર પ્રદેશના એક કાલ્પનિક ગામ શિવપાલગંજની છે, પણ હકીકતમાં એ ભારતની લઘુઆવૃત્તિ-મિનિએચર છે. આ ગામડું આર. કે. નારાયણનાં લખાણોમાં નિર્દોષ ગ્રામ્યજીવન માટે વિખ્યાત બનેલા કાલ્પનિક માલગુડી જેવું નથી અને મુનશી પ્રેમચંદનાં લખાણોમાં અમર બનેલાં શોષણ-ગરીબી-દરિદ્રતા અને એ બધાની વચ્ચે પીસાતી માનવ સંવેદના ધબકાવતાં ગામડાં જેવું પણ નથી. તે હિંદી ફિલ્મોનું ભોળુંભાળું, દિલનું સાફ ગામડું પણ નથી. શિવપાલગંજ એ રીતે દિલ્હી-ગાંધીનગરની વધારે નજીક છે.

એક નવલકથા તરીકે 'રાગ દરબારી'ની મોટી ખૂબી એ છે કે તેનાં અઢળક પાત્રોમાં કોઈ નખશીખ હીરો નથી અને લગભગ બધા જ એક યા બીજી રીતે નકારાત્મક અંશ ધરાવે છે. (તેના પહેલા પાને સામાજિક ચેતવણી મુકાવી જોઈએઃ આ નવલકથા પોઝિટિવ થિંકિંગના નામે વાસ્તવિકતાથી આંખ આડા કાન કરવાની ટેવ ધરાવનાર લોકોના માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે.) મોટા કદનાં 330 પાનાંની આ નવલકથામાં એક પણ હીરોઇન નથી અને સ્ત્રીપાત્રો સમ ખાવા પૂરતાં જ છે. તે એક રીતે ત્યારના ગ્રામજીવનની વાસ્તવિકતા પણ સૂચવે છે.

કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયા પછી આ નવલકથાનો ઘણી ભારતીય ભાષાઓમાં   અનુવાદ થયો. ગુજરાતીમાં તેનો અનુવાદ હરિન્દ્ર દવેએ કર્યો હતો. દૂરદર્શનના સુવર્ણયુગમાં આ નવલકથા પરથી ૧૩ હપ્તાની એક શ્રેણી પણ બની હતી. પરંતુ 'રાગ દરબારી’ જેવું નામ અને તેના ટાઇટલમાં પંડિત ભીમસેન જોશીનો કંઠ હોવાને કારણે તેને શાસ્ત્રીય સંગીતની શ્રેણી સમજીને બંધ કરી દેનારા પણ હશે. બાકી, તેમાં ઓમ પુરી, મનોહરસિંઘ, દિનેશ શાકુલ જેવા મજબૂત કલાકારો હતા. (આ શ્રેણીનું રેકોર્ડિંગ ક્યાંયથી ઉપલબ્ધ બને એમ હોય તો તેની ભાળ આપવા વિનંતી.)

'રાગ દરબારી'ની ખરી ચોટ તેનાં ઘટનાપ્રસંગોમાં નહીં, આલેખન અને સંવાદોમાં છે. એટલે જ ટીવી શ્રેણી હોય કે ગુજરાતી સહિતના તેના અનુવાદ, પણ હિંદી વાંચી શકતા લોકોએ થોડી જહેમત લઈને આ કૃતિ હિંદીમાં જ વાંચવી જોઈએ. આવી મહાક્લાસિક કૃતિને મૂળ ભાષામાં વાંચવાનો આનંદ અને મૂળ ભાષામાં આપણે વાંચી શક્યા એનો સંતોષ અવર્ણનીય હોય છે. 'રાગ દરબારી'નું કથાવસ્તુ ટૂંકમાં આપી દેવાનો કોઈ આશય નથી. તેનું હાર્દ અને તેનો કેન્દ્રીય ધ્વનિ છેઃ ભારતનાં ગામડાં. ગાંધીજીની ગ્રામસ્વરાજની વિભાવના અને ડૉ. આંબેડકરની 'ગામડાં છોડો'ની હાકલ, એ બંનેમાંથી, પ્રચલિત છબીમાં ગામડાં ફુલગુલાબી ગણાતાં હતાં, પણ ડૉ.આંબેડકરે તેમને સંકુચિતતાનાં કેન્દ્રો ગણાવ્યાં હતાં. 'રાગ દરબારી'નું શિવપાલગંજ એવું જ છે. કાવાદાવા, ખટપટો, નાનામાં નાની બાબતોમાં બેઇમાની અને તેની શરમને બદલે ગૌરવ અનુભવતાં પાત્રો, ઉંડે સુધી ઉતરી ગયેલો જ્ઞાતિવાદ, સિદ્ધાંતો અને મૂલ્યોની બડી બડી વાતોની ઓથે રહેલી હળહળતી ધૂર્તતા, સગવડીયો અતીતરાગ...'રાગ દરબારી' વાંચતાં લાગે કે 'દુનિયા આટલી બધી ખરાબ છે?’ છતાં, એ વાંચીને નિરાશા નથી આવતી કે નકારાત્મકતા નથી ઉગતી. કારણ કે તે ઝેર ઓકતો દસ્તાવેજ નથી, પોતાના વ્યવસાયને વફાદાર એવા ડોક્ટરે કાઢેલો મેડિકલ રીપોર્ટ છે. 'રાગ દરબારી' પર ક્રૂર અને કેટલેક ઠેકાણે 'ક્રુડ' (crude-ભદ્દી અભિવ્યક્તિવાળી) હોવાનો આરોપ છે, પણ દર્દીને કૅન્સર છે એવું કહેનાર ડૉક્ટરને ક્રૂર કહી શકાય, તો જ 'રાગ દરબારી'ને ક્રૂર કહી શકાય—અને ચોખલિયા માપદંડથી ભદ્દાપણું માપનારા એ ભૂલી જાય છે કે તે લેખકના મનની પેદાશ નથી, વાસ્તવિકતા સામે ધરાયેલો આયનો છે.

આટલું વાંચ્યા પછી 'રાગ દરબારી' ભારેભરખમ, નકારાત્મક કે કરુણ હોવાની છાપ પડી હોય તો એ વેળાસર ખંખેરી નાખવા જેવી છે. કારણ કે વ્યંગના સટાકા બોલાવવામાં અને ખડખડાટ હસાવવામાં આ નવલકથા જેટલો ઊંચો સ્ટ્રાઇક રેટ ભાગ્યે જ બીજી કોઈ કૃતિનો હશે. 330 પાનાં સુધી દરેક પાને, દરકે ફકરામાં અને ઘણે ભાગે તો દરેક લીટીમાં વ્યંગનો આટલો દારૂગોળો ઠાંસવાનું કામ અશક્યવત્ લાગે એવું છે--અને તે પણ નવલકથાના સ્વરૂપમાં રહીને તો વિશેષ. ટ્વિટરયુગમાં રોજના એક લેખે 'રાગ દરબારી'નાં વન લાઇનર્સ કે અવતરણો કાઢવામાં આવે તો વર્ષો સુધી ચાલે--અને કમનસીબે પચાસ વર્ષ સુધી તો તે અપ્રસ્તુત પણ નથી બન્યાં અને હજુ નજીકના ભવિષ્યમાં અપ્રસ્તુત બની જાય એવાં લાગતાં પણ નથી.

જેમ કે, 'પુનર્જન્મના સિદ્ધાંતની શોધ ભારતની દીવાની અદાલતોમાં થઈ હશે' આવી એક જ વાત અદાલતી કાર્યવાહીના વિલંબનો આખો ચિતાર આપી દે છે. ગામની કો-ઑપરેટિવ સોસાયટીમાં ઉચાપત થાય છે ત્યારે એક પાત્ર કહે છે, 'સારું થયું. બાકી અત્યાર સુધી લોકો આપણી ઇમાનદારીને શંકાની નજરે જોતા હતા. હવે આપણે વટકે સાથ કહી શકીશું કે અમારી મંડળીમાં ઉચાપત થઈ અને અમે પ્રામાણિકતાથી તેનો સ્વીકાર પણ કર્યો.’ સાહિત્યમાં ખેડૂતોને દુઃખિયારા ચીતરવાનો રિવાજ છે અને તેમાં ઘણું તથ્ય પણ છે. છતાં 'રાગ દરબારી' કહે છે કે 'આપણા ખેડૂતોને પોતાની જમીન બહુ વહાલી હોય છે અને પોતાની જમીન કરતાં પણ પારકી જમીન વધારે વહાલી લાગે છે’, ત્યારે એક સાથે સેંકડો છબીઓ ધ્વસ્ત થઈ જાય છે અને આપણે નવેસરથી વિચારતા થઈ જઈએ છીએ. ગાંધીજીની હત્યાનાં વીસ જ વર્ષ પછી પ્રગટ થયેલી આ નવલકથા કહે છે, “ગાંધી, જૈસા કિ કુછ લોગોં કો આજ ભી યાદ હોગા, ભારતવર્ષ મેં હી પૈદા હુએ થે ઔર ઉનકે અસ્થિ-કલશ કે સાથ હી ઉનકે સિદ્ધાન્તોકોં સંગમ મેં બહા દેને કે બાદ યહ તય કિયા ગયા થા કિ ગાંધી કી યાદ મેં અબ સિર્ફ પક્કી ઇમારતેં બનાયી જાયેંગી ઔર ઉસી હલ્લે મેં શિવપાલગંજ મેં યહ ચબૂતરા બન ગયા થા.”

આવી એક ઉત્તમ અને ચિરંજીવ કૃતિ પ્રત્યે આંગળી ચીંધવા સાથે અને ધાર્મિક કથાઓમાં કહે છે તેમ, 'રાગ દરબારી' આ લખનારને ફળી એવી એ સૌને ફળો એવી આશા સાથે, આ કૉલમની સફર અહીં વિરામ પામે છે.  અલવિદા.

'રાગ દરબારી' અને તેના લેખક શ્રીલાલ શુક્લ સાથેની મુલાકાત અંગેની અન્ય પોસ્ટ
‘રાગ દરબારી’ના લેખક શ્રીલાલ શુક્લને જ્ઞાનપીઠ સન્માનઃ આનંદ અને સંભારણાં
‘રાગ દરબારી’ના સર્જક શ્રીલાલ શુક્લને અલવિદા

1 comment:

  1. ખુબ સરસ ઉર્વીશભાઇ

    ReplyDelete