Thursday, February 27, 2014

‘મિસ્કૉલ’ની તરફેણમાં : જે ‘મારતું’ તે પોષતું

કેટલાક લોકો માને છે કે ૧૮૫૭ના સંગ્રામ વખતે અંગ્રેજો પાસે સંદેશાવ્યવહારનાં સાધન હોવાથી તે જીતી ગયા. બાકી, આજની જેમ ત્યારે મોબાઇલ ફોન હોત તો ૧૮૫૭માં જ ભારતમાં અંગ્રેજીરાજનાં પાટિયાં પડી ગયાં હોત.

વાત માનવી ગમે એવી છે, પણ જનસમુદાયનો સીધો સંપર્ક ધરાવતા (જૂજ) અભ્યાસીઓ કબૂલશે કે એ તાર્કિક નથી. ધારો કે ૧૮૫૭માં મોબાઇલ ફોન હોત તો પણ અંગ્રેજો જ જીત્યા હોત. કારણ કે ભારતીય સંગ્રામકારો એકબીજાને મહત્ત્વના સંદેશા મોકલવા માટે ‘કૉલ’ નહીં, પણ ‘મિસ્કૉલ’ કરતા હોત - અને સામેથી જવાબ ન આવે એટલે ઘુંધવાતા-ફુંગરાતા અને તકદીરને દોષ દેતા, એકલા જ લડવા નીકળી પડતા હોત.

સામેથી જવાબ કેમ ન મળ્યો હોત, એનાં પણ બે કારણ કલ્પી શકાય : ૧) હું શું કરવા ફોન કરું? હું એના કરતાં ઊંચી જાતનો રાજા છું. મારું રાજ વધારે મોટું છે. એની ગરજ હશે તો ઊંધો પડીને કરશે મને ફોન. ૨) જે એક કૉલ પણ કરી શકતો નથી - ને મિસ્કૉલ મારે છે- એ અંગ્રેજોને શું હરાવી શકવાનો?

ટેલીફોનના શોધક એલેક્ઝાન્ડર બેલ હોય કે પછી મોબાઇલ ટેકનોલોજીના શોધકો- તે એવા ભ્રમમાં રહ્યા કે તેમણે માણસોને ફોન પર વાત કરતા કરીને ક્રાંતિ સર્જી. તેમની માન્યતા ખોટી ન હતી, પણ અઘૂરી હતી. ક્રાંતિના પહેલા જ પગથીયે, માણસ-માણસ વચ્ચે થતી વાતથી તે સંતુષ્ટ થઇ ગયા. તેમને એ વિચાર ન આવ્યો કે ફોનની જ મદદથી, પણ વાત કર્યા વિના પણ અસરકારક રીતે સંદેશાની આપ-લે થઇ શકે છે.

આજકાલ ઘણા લોકો એવું માને છે કે ‘મિસ્કૉલ’ મોબાઇલ યુગમાં થઇ, પરંતુ ‘બઘું પહેલાં ભારતમાં શોધાયું હતું’ એ થિયરીના વિરોધીઓે પણ કચવાતા મને સ્વીકારવું પડશે કે ‘મિસ્કૉલ’ ભારતની શોધ છે- અને એ પણ મોબાઇલ યુગ પહેલાંની. લેન્ડલાઇન યુગના અમદાવાદમાં લોકલ ફોન કરવાના રૂપિયા થતા હતા ત્યારે, (બીજે ક્યાં?) અમદાવાદમાં ઘણાં લોકોએ ‘રિંગસંહિતા’ બનાવી હતી. પરદેશી સંશોધકો બિચારા ‘મોર્સ કોડ’ બનાવીને અટકી ગયા, પણ ત્રણ-ચાર દાયકા જૂના અમદાવાદના કેટલાક સંશોધકોએ ટેલીફોનમાં સાંકેતિક પદ્ધતિ શોધી કાઢી. જેમ કે, રાત્રે મોડેથી છૂટા પડીને ઘરે પહોંચ્યા પછી ‘ઑલ ઇઝ વેલ’નો સંદેશો આપવો છે? તો રૂપિયા બગાડવાની જરૂર નથી. સામેવાળાના ફોન પર ત્રણ વાર રિંગ વાગી જાય એટલે ફોન કટ કરી નાખવાનો. એવી જ રીતે, સંસારી જીવોથી માંડીને પ્રેમીપંખીડાં સુધીના ઘણા લોકો પરસ્પર સુવિધા પ્રમાણે ‘રિંગ કોડ’ બનાવી કાઢતાં હતાં.

કંઇ પણ કહ્યા વિના, જે કહેવું છે તે કહી દેવાની એ વ્યવસ્થા આમ તો ‘ફૂલપ્રૂફ’ હતી, પણ પ્રેમીપંખીડાંના કિસ્સામાં, રજાના દિવસે વડીલોની હાજરીમાં ત્રણ રિંગ વાગીને ફોન બંધ થઇ જાય ત્યારે શંકાનાં વમળ પેદા થવાની સંભાવના રહેતી. (એ વખતે ‘કૉલર આઇડી’ યુવાપેઢીનો કૉલર પકડીને તેમની ઉલટતપાસ કરવાનું સાધન બની જતું હતું.)

મોબાઇલ ફોન આવ્યા પછી વાતચીતની જેમ ‘મિસ્કૉલ’ આપવાની- કે સામાન્ય રીતે વપરાતો શબ્દપ્રયોગ કરીએ તો, ‘મિસ્કૉલ મારવાની’- સુવિધા થઇ ગઇ. મોબાઇલ પરની વાતચીત હજુ આજુબાજુના લોકો સાંભળી શકે, પણ ડાબા હાથે ‘મિસ્કૉલ માર્યો હોય’ તો જમણા હાથને ખબર પણ ન પડે.

પાશ્ચાત્ય ઉપભોક્તાવાદી સંસ્કૃતિથી ગ્રસાયેલા લોકોએ મોબાઇલ ફોન પર આડેધડ વાતો કરવાનું શરૂ કરી દીઘું, જ્યારે પૂર્વના સંયમી લોકો પોતાની અસલિયત ખોઇ બેસવાને બદલે આસ્તિકતાના પ્રતીક જેવો ‘મિસ્કૉલ’ લઇ આવ્યા : રૂપિયાનો બગાડ કર્યા વિના કે મોબાઇલના આશ્રિત બન્યા વિના પણ ફોન પર વાત કરવી છે? તો સામેવાળાને ‘મિસ્કૉલ’ કરો. બે-ત્રણ રિંગ મારીને ફોન મૂકી દો. પછી જેવી હરિની ઇચ્છા. ભગવાનને મંજૂર હશે તો સામેવાળાને એ વળતો ફોન કરવાની સદ્‌બુદ્ધિ સૂઝાડશે.

પશ્ચિમના રંગે રંગાઇને પોતાને ‘સુધરેલા’ ગણતા ઘણા લોકો માને છે કે ‘મિસ્કૉલ’ અસભ્યતાની નિશાની છે. પરંતુ ગાંધીજીએ ક્યાંય એવું કહ્યું નથી કે ‘મોબાઇલ પર મિસ્કૉલ (કરવો) એ અઘૂરી કેળવણીની નિશાની છે.’ એનો અર્થ એ કે ગાંધીજી પણ મિસ્કૉલની તરફેણમાં હતા. ‘મિસ્કૉલ’ને અભદ્રતા કે અસભ્યતાની નિશાની ગણાવતી દલીલમાં પાયાનો દોષ છે. આ દલીલ એવું સૂચવે છે કે કોઇની સાથે વાત કરવી હોય તો ફોનના ખર્ચમાં કંજૂસી કર્યે ન ચાલે.‘જે પોષતું તે મારતું’ એવી પ્રચલિત કહેણીમાં ફેરફાર કરીને તે કહે છે,‘જેને (બિલ) પોસાતું તે (મિસ્કૉલ) ન મારતું)’. પરંતુ સવાલ પોસાણનો નથી.

તાજો ભૂતકાળ સાક્ષી છે કે આખાં યુરોપ-અમેરિકા પર મંદીનાં વાદળો ઘેરાયાં હતાં ત્યારે, આ પ્રકારની કંજૂસીના લીધે જ ભારત મહામંદીના ચક્રવ્યૂહમાંથી બચી ગયું હતું. આકરી મોંઘવારીમાં અને ક્રેડિટ કાર્ડના જમાનામાં લોકોની બચતો ઘટી રહી છે ત્યારે હનુમાનકાર્ય નહીં તો ખિસકોલીકાર્ય પેટે, લોકો કમ સે કમ આટલું તો કરી જ શકે છે કે સીધા ફોન લગાડવાને બદલે ‘મિસ્કૉલ’થી કામ ચલાવે. આ રીતે એ પોતે ખિસકોલી બનીને સામેવાળાને હનુમાન બનવાની તક આપે છે. આમ, બન્ને પક્ષોની નૈતિક ઉન્નતિ થાય છે, જે ‘મિસ્કૉલ’ની ક્રિયાને સત્યગ્રહના દરજ્જે મૂકી આપે છે. એટલે ‘મિસ્કૉલ’ ન પોસાય તો મારવાની નહીં, પણ ‘મારીને’ (કરકસરને) પોષવાની બાબત છે.

‘મિસ્કૉલ’ના આગ્રહીઓ માને છે કે કોઇનો નંબર હાથમાં આવે એટલે સીધો ફોન ઠઠાડી દેવાનું ઠીક ન કહેવાય. સામેવાળો ફોન ઉપાડી શકે એવી સ્થિતિમાં ન હોય (એટલે કે દારૂ પીને લુઢકી ગયા ન હોય, પણ વાહન ચલાવતા હોય કે મિટિંગમાં બેઠા હોય) ત્યારે ‘મિસ્કૉલ મારવાથી’ સારું પડે છે. એનો ફોન ન આવે તો તે ઉપર વર્ણવી છે એવી કોઇ સ્થિતિમાં હશે, એમ સમજી લેવું. સ કોનાથી અને કોને ‘મિસ્કૉલ’ કરી શકાય તેના નિયમો હોય તો હજુ સુધી જાણવા મળ્યા નથી, પણ ‘મિસ્કૉલ મારવો’ એવો શબ્દપ્રયોગ ઘ્યાનમાં રાખતાં, સમાજહિતમાં ‘પિસ્તોલ’ની જેમ ‘મિસ્કૉલ’ મારવાના નિયમો પણ હોવા જોઇએ, એવું લાગે છે. ઘણા લોકો ‘મિસ્કૉલબહાદુર’ હોય છે. તેમને વડાપ્રધાનનો ફોન નંબર મળી જાય તો તેમને પણ એ ‘મિસ્કૉલ’ કરે - એવી ખાતરી સાથે કે ભારતીય પરંપરા પ્રમાણે વળતો ફોન તો કોઇ નહીં જ કરે. ભૂલેચૂકે વળતો ફોન આવ્યો તો એ કહેેશે, ‘કંઇ નહીં. અમસ્તું જ. ઘણા વખતથી ડૉ.સિંઘ જોડે વાત થઇ ન હતી. ભાભીની પણ ખબર પૂછવાની હતી. એમને મારી યાદ આપજો અને કહેજો કે ગરબા-દાંડીયા-ખમણ-ઢોકળાં સિવાયનું, મિસ્કૉલ સંસ્કૃતિ ધરાવતું એક ગુજરાત પણ છે.

ગુજરાતના ચિંતકોએ હજુ ‘મિસ્કૉલ-ઘટના’ પર ઘ્યાન કેન્દ્રિત કર્યું લાગતું નથી. બાકી, તેમણે શોધી કાઢ્‌યું હોત કે હૃદયરોગ જેવા ગંભીર રોગનો પ્રત્યેક હુમલો દર્દી પર આવતો ઇશ્વરનો ‘મિસ્કૉલ’ છે. તેના દ્વારા ઇશ્વર દર્દીને યાદ કરાવે છે કે તું રોજેરોજ મને વળતા ‘કૉલ’ કરવા માંડ, જેથી હું તારો ઉદ્ધાર કરી શકું. 

Monday, February 24, 2014

ત્રીજો મોરચો : મજબૂરીનું નામ...

બિનકોંગ્રેસી, બિનભાજપી પક્ષો દ્વારા પ્રસ્તાવિત ત્રીજો મોરચો નહીં બને અથવા બનશે તો લાંબું ટકશે નહીં, એ કહેવા માટે ત્રિકાળજ્ઞાનની જરૂર નથી. માત્ર બે કાળની જાણકારી પૂરતી છે. ભૂતકાળના અનુભવો અને વર્તમાનની પ્રાથમિક સમજણના આધારે ત્રીજા મોરચાનું (ઘૂંધળું) ભવિષ્ય ભાખી શકાય.

અગાઉના પ્રયોગો જે કારણે નિષ્ફળ ગયા હતા, એ કારણ હજુ ખાસ બદલાયાં નથી : કોઇ પણ જાતની વિચારધારાકીય એકતાનો અભાવ, લધુતમ સામાન્ય કાર્યક્રમો (કોમન મિનિમમ પ્રોગ્રામ) અંગે એકમતીની ગેરહાજરી, સત્તાપ્રાપ્તિનું એકમાત્ર લક્ષ્ય...આ ઉપરાંત રાજ્યસ્તરના સ્થાનિક પક્ષોની મોટી સંખ્યા અને મજબૂતી જેવાં કેટલાંક નવાં કારણ પણ ખરાં. તેના લીધે આ જાતના મોરચાની સંભાવના મોટા ભાગના નાગરિકોમાં આશા કે ભરોસો જગાડી શકતી નથી.

તેમ છતાં, ત્રીજો મોરચો રચવા માટે કોંગ્રેસ-ભાજપ-આમઆદમી પક્ષ સિવાયના અગિયાર પક્ષોની બેઠક થઇ, એવા સમાચારથી ભાજપ-કોંગ્રેસના પેટમાં ચોક્કસ ફાળ પડી હશે. તેમના નેતાઓ દ્વારા શરૂ થઇ ગયેલી ત્રીજા મોરચાની ટીકા એ વાતની સૂચક છે. તેમનો દેખાવ ભલે દેશહિતની-‘સ્થિરતા’ની ચિંતા કરવાનો હોય, પણ ખાસ કરીને ભાજપને, વાંધો એ પડે કે ત્રીજો મોરચો સત્તારોહણ માટેના તેમના સરવાળા બગાડી નાખશે. લોકસભા ચૂંટણીમાં ૨૭૨ બેઠકના આંકડા સુધી પહોંચવાના રસ્તે તેનાથી નવા અવરોધ ઊભા થશે. ધારો કે મોરચો ન રચાય તો પણ, આવાં તેવર બતાવનારા પક્ષો ચૂંટણી પછી ટેકો આપવામાં વધારે ભાવ ખાશે- મોટાં મોઢાં ફાડશે.

ત્રીજા મોરચાનાં તમામ અપલક્ષણો જાણીતાં અને મહદ્‌ અંશે સાચાં છે. દેશમાં તે સ્થિર સરકાર કે સુશાસન આપી શકતો નથી. તેમ છતાં વારે વારે તેની ચર્ચા શા માટે જોર પકડે છે? અને તેના સર્જન માટે અનુકૂળ સંજોગો પેદા કરવામાં ત્રીજા મોરચાની ટીકા કરનારા પક્ષો ખુદ કેટલા (મોટા પાયે) જવાબદાર છે, એ જોવું રહ્યું.

નિર્ણાયકતાની બીજી બાજુ

ત્રીજા મોરચાના અસલી જન્મદાતા છે કોંગ્રેસ અને ભાજપ. કોંગ્રેસ દાયકાઓ સુધી દેશ પર રાજ કરીને, સુશાસનની ઘણી તકો ગુમાવીને અળખામણી બની છે. તેની સ્વાતંત્ર્ય સંગ્રામની જૂની મૂડી આઝાદી પછી ઘણાં વર્ષ ચાલી. તેના જોરે કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતી રહી. ઇંદિરા ગાંધીએ જૂની-અસલ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું વિભાજન કરીને તેમાંથી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ (આઇ) બનાવી. ત્યારથી કોંગ્રેસની તાકાતનું ધોવાણ વઘ્યું. ત્યાર પછી થોડાં વર્ષોમાં તેના એકહથ્થુ, સ્પષ્ટ બહુમતી ધરાવતા શાસનનો યુગ પૂરો થયો.

ઇંદિરા ગાંધીની આગેવાની હેઠળની કોંગ્રેસ ‘ગરીબી હટાવો’ જેવા ફરેબી નારા તળે ભ્રષ્ટાચાર અને છૂપા કોમવાદને પોષતી રહી. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ઇંદિરા ગાંધીની નિર્ણાયક નેતાગીરીએ ભારતને વિજય અપાવ્યો (વાજપેયીએ તેમને ‘દુર્ગા’ તરીકે ઓળખાવ્યાં), પરંતુ ટૂંક સમયમાં જ તેમણે બતાવી આપ્યું કે અત્યારે બધા જેની પર બહુ મોહાઇ ગયા છે એવી ‘નિર્ણાયક નેતાગીરી’ કેવો દાટ વાળી શકે. પોતાનો સીધો સ્વાર્થ અને સ્થાપિત હિત સીધાં સંકળાયેલાં ન હોય, એવી બાબતોમાં ‘અસરકારક નેતૃત્વ’ આપવું એક વાત છે. તે આવકાર્ય હોવા છતાં પૂરતું નથી. એવી નિર્ણાયકતા ધરાવતો નેતા આર્થિક નીતિ, મજબૂત લોકશાહી અને સુશાસન જેવી દેશહિતની મહત્ત્વની બાબતોમાં ભારે નુકસાનકારક નીવડી શકે છે. નરેન્દ્ર મોદીની ‘નિર્ણાયક નેતાગીરી’ પર વારી જનારાએ નજીકના ઇતિહાસમાંથી ઇંદિરા ગાંધીની‘નિર્ણાયક નેતાગીરી’નો દાખલો અને તેમની નિર્ણાયકતાનાં માઠાં પરિણામ વિશે પણ વિચાર કરવા જેવો છે.

અનેક મર્યાદાઓ ધરાવતી, ઇંદિરા ગાંધીના મૃત્યુ પછી પરિવારભક્તિમાં સરી ગયેલી કોંગ્રેસ સામે બીજું મોડેલ ઊભું થયું ભાજપનું. તેની વાતમાં જતાં પહેલાં એટલું યાદ કરી લઇએ કે કોંગ્રેસ ઇંદિરા ગાંધીની હત્યા પછી જ પરિવારકેન્દ્રી બની. નેહરુ પોતાના ઉત્તરાધિકારી તરીકે ઇંદિરાને વડાપ્રધાન બનાવીને ગયા ન હતા. તેમના પછી લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા હતા, એટલો પ્રાથમિક ઇતિહાસ પણ ઘણા સગવડપૂર્વક ભૂલી જાય છે.

ભાજપે હિંદુઓને અન્યાય અને રાષ્ટ્રવાદી મક્કમતાની વાતો કરી, જે ઇંદિરા ગાંધીના ‘ગરીબી હટાવો’ કાર્યક્રમ જેટલી જ પોકળ અને રાજકીય લાભ ખાટવા માટેની હતી. તેમની માતૃસંસ્થા રાષ્ટ્રિય સ્વયંસેવક અને ભાજપ પહેલાંના રાજકીય પક્ષ જનસંઘની વિચારધારા ગાંધીહત્યારાઓ-કાવતરાંખોરો પ્રત્યે સહાનુભૂતિની હતી. સકટોકટી સામેના સંઘર્ષ પછી ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ અને ‘હિંદુહિતરક્ષણ’ના નામે ચાલતી એ વિચારધારાને ગાંધીહત્યાના કલંકમાંથી અનાયાસ મુક્તિ મળી. પરંતુ ૧૯૮૦ના દાયકાના અંતભાગમાં એ વિચારધારા બીજા સ્વરૂપે, પ્રગટપણે કોમવાદ તરીકે- મુસ્લિમો-ખ્રિસ્તીઓના વિરોધ તરીકે- મુખ્ય ધારાનું પરિબળ બનીને ઉભરી. બાબરી મસ્જિદ પરનો હલ્લો ને ગુજરાતની કોમી હિંસા તેનાં મોટાં પ્રતીક બની રહ્યાં. પરંતુ અડવાણી-મોદી સહિતના નેતાઓને એટલું સમજાયું કે ભારત જેવા વિશાળ દેશમાં સત્તા મેળવવા માટે હિંદુત્વનું મોટામાં મોટું મોજું પણ પૂરતું નથી. એટલે ભાજપે હિંદુત્વની ગંજી ઉપર ‘ઇન્ડિયા શાઇનિંગ’નો અને નરેન્દ્ર મોદીના ઉદય પછી વિકાસનો ડગલો ચડાવી દીધો. છતાં કમબખ્ત ગંજી ઘણી વાર ડગલાની બહાર ડોકાઇ જાય છે.

સરવાળે એવું બન્યું કે એકવીસમી સદીના પહેલા દાયકામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો ફરક ઘટતો ઘટતો શૂન્યવત્‌ બની ગયો. હવે કોંગ્રેસ ‘ગરીબી હટાવો’ને બદલે ‘આમઆદમી’ની વાત કરે છે અને ભાજપ વિકાસવાર્તા ચલાવે છે. તેમની વચ્ચેનો એકમાત્ર પ્રગટ તફાવત કોમવાદની બાબતે રહ્યો છે. કોંગ્રેસે કમ સે કમ ગુજરાતમાં  ‘સોફ્‌ટ હિંદુત્વ’ના રસ્તે ડગ માંડેલાં હોવા છતાં, ભાંગીતૂટી જેવી છે તેવી વિચારધારાને કારણે તે ભાજપની જેમ કોમવાદી-લધુમતીવિરોધી રૂખ અપનાવી શકે એમ નથી. ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર મોદીને (અડવાણી-વાજપેયીની માફક) લીલા સાફા બંધાવાનું તો ઠીક, પોતાના માથે બે ઘડી ‘મુલ્લા ટોપી’ મૂકીને ફોટો પડાવવાનું પણ મંજૂર નથી. ખોખલાં પ્રતીકનો મહિમા કરવાની વાત નથી, પણ  રહી રહીને  મુસ્લિમો માટે સમાન તકનો મુદ્દો છેડનારા મોદી હજુ કોંગ્રેસ સરકાર માટે ‘સલ્તનત’ અને રાહુલ ગાંધી માટે ‘શહઝાદા’ની ભાષામાં વાત કરે છે. (યાદ કરો ગંજી)

પગ તળે રેલો- કે ચૂંટણી- આવે ત્યારે કોંગ્રેસ હરીફરીને તેનો એકમાત્ર (અને આભાસી) તફાવત જેવો સેક્યુલરિઝમનો મુદ્દો આગળ કરે છે અને ‘બધાં સેક્યુલર બળો’ને એકઠાં થવાની હાકલ કરે છે. તેની સ્વાર્થી સમજણ એવી છે કે ભાજપનો વિરોધ કરનારાં અથવા કોંગ્રેસ સાથે બેસવા તૈયાર હોય એવાં સૌ ‘સેક્યુલર’ કહેવાય.

આમ, પરિવારવાદ કે વ્યક્તિવાદથી દૂર રહેતા નાગરિકો માટે કોંગ્રેસ અને ભાજપ બે જુદા વિકલ્પને બદલે, એક જ (ખોટા) સિક્કાની બે બાજુ બની રહે છે. આવી સ્થિતિ ત્રીજા મોરચાના જન્મ માટે એકદમ અનુકૂળ ન ગણાય?  

નવી સંભાવના

ત્રીજા મોરચાના અત્યાર સુધીના અનુભવ એટલા હતાશાપ્રેરક છે કે સ્થિર સરકાર જેવા પ્રાથમિક મુદ્દે જ તે નાપાસ થઇ જાય. પરંતુ છેલ્લા થોડા સમયથી જે રીતે કોઇ એક પક્ષને બદલે અનેકપક્ષી સરકારો રચાય છે અને તેમને પણ ‘કોએલિશન ધર્મ’ (સૌજન્યઃ મનમોહન સિંઘ) નિભાવવા પડે છે, ત્યારે સવાલ એ પણ થાય : સત્તાની આંતરિક ખેંચતાણને બાદ કરતાં ત્રીજા મોરચા અને પહેલા-બીજા (કોંગ્રેસી-ભાજપી) મોરચા વચ્ચે કેટલો તફાવત છે?

આર્થિક નીતિ, વિદેશ નીતિ, સંતુલિત વિકાસ, શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ જેવી અનેક મહત્ત્વની બાબતોમાં ત્રણે મોરચા ઓછે વત્તે અંશે એકસરખા રેઢિયાળ સાબીત થાય છે. કોઇની પાસે લાંબા ગાળાની નીતિ હોતી નથી. સ્થિરતા ચોક્કસ બહુ મોટું પરિબળ છે અને તેને નજરઅંદાજ કરી શકાય નહીં. સાથોસાથ, સાથીપક્ષો દ્વારા થતાં યુપીએ-એનડીએનાં છૂપાં કે પ્રગટ બ્લેકેમેલિંગ અને મોરચા સરકારોની મસમોટી મર્યાદા તરફ પણ શી રીતે આંખ આડા કાન કરી શકાય?

કોંગ્રેસ અને ભાજપની એકાકાર બની ગયેલી નીતિરીતિની સરખામણીમાં આમઆદમી પક્ષ ખરા અર્થમાં કંઇક જુદો અને નવો વિકલ્પ લઇને આવ્યો છે. નવા પક્ષ તરીકે આપે ઘણી નીતિવિષયક જાહેરાતો કરવાની બાકી છે. કોંગ્રેસ-ભાજપનાં સ્થાપિત હિતો તેમના ડગલે ને પગલે અવરોધ ઊભા કરી રહ્યાં છે, પરંતુ આમઆદમી પક્ષનાં અત્યાર લગીનાં પગલાં જોતાં એટલું સ્પષ્ટ થઇ જાય છે કે આ કોંગ્રેસ-ભાજપ અને તેમના જેવા જ બીજા અનેક પક્ષોની યાદીમાં થયેલો વઘુ એક પક્ષનો ઉમેરો નથી.

‘તમે જોજો તો ખરા. આ લોકો પણ નકામા જ નીકળવાના’- એવાં તળિયાઝાટક નિવેદનો કરવામાં કેટલાકને બહુ આનંદ આવે છે. આવું કહેનારા જો મોદીભક્ત કે ગાંધી પરિવારના વફાદાર ન હોય તો તેમની મનોસ્થિતિ ચિંતાને પાત્ર છે. કારણ કે એ લોકો ખરા અર્થમાં ‘ત્રીજા’- એટલે કે નવા અને જુદા- પરિબળને વાજબી તક પણ આપવા માગતા નથી. ભેળસેળ તેમને એટલી પચી ગઇ છે કે તે શુદ્ધની કલ્પના માત્રથી આકળવિકળ થઇ જાય છે. આમઆદમી પક્ષ પ્રત્યે અંધ ભક્તિભાવ રાખવાની વાત નથી. પરંતુ સાવચેતીપૂર્વકનો સદ્‌ભાવ પણ રાખવાની તૈયારી ન હોય અને તેની ટીકાની નાનામાં નાની તક ઊભી કરીને હરખાતા હોય એવા લોકો દર્શાવે છે કે નાગરિક તરીકે પોતાનું હિત જોવાની ક્ષમતા તે ખોઇ બેઠા છે.  
(published on 11-2-14)

Wednesday, February 19, 2014

ખીલતે હૈં ખીલ યહાં...

વસંત ૠતુ વિશે ઘણું સાહિત્ય કે સ્યુડો-સાહિત્ય સર્જાયું છે, પરંતુ જીવન-વસંતનાં છડીદાર જેવાં ખીલને તેમાં સ્થાન મળ્યું નથી. ચંદ્રમુખી પ્રેમિકાના ગાલના તલ પર ઓવારી જનારા શાયરમિજાજ આશિકો તેના ચહેરા પર ઉગેલા ખીલ વિશે ‘ભેદી મૌન’ સેવે છે.

ચહેરા પર ઉગેલાં ખીલ સીધી સડકની વચ્ચોવચ્ચ રાતોરાત ઉભા થઇ ગયેલા ધર્મસ્થાન જેવાં હોય છે. એ સૌને ખટકતાં હોવા છતાં તેમને બળપ્રયોગથી દૂર કરી શકાતાં નથી. એમ કરવાથી મામલો વણસી જવાની ધાસ્તી રહે છે. તેમની સાથે ધીરજથી અને કુનેહથી કામ લેવું પડે છે અને મોટે ભાગે તો તેમની હાજરીથી ટેવાઇ જવાનું રહે છે.

‘ખીલ કેમ ઉગે છે?’ - આ જિજ્ઞાસાથી પ્રેરાયેલો સવાલ પણ હોઇ શકે અને દીર્ઘ નિશ્વાસ સાથે કરાયેલો ઉદ્‌ગાર પણ. બીજી શક્યતા વધારે તાર્કિક છે. ખીલ જોનારા લોકોને ખીલની ઉત્પત્તિ અને તેનાં કારણોની પંચાત સૂઝે, પણ જેમને ખીલબાણ વાગ્યાં હોય તેમના ચિત્તમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા નહીં, વ્યાકુળતા પ્રગટવાની સંભાવના વધારે હોય છે. ‘હજુ કાલ સુધી ચહેરો કેવો બેદાગ, બે-ખીલ હતો. ગાલની માવજતનો પર મને ગર્વ હતો. અવનવાં ટ્યુબ અને ક્રીમથી ચહેરાને મેં સુંવાળો રાખ્યો હતો. પણ રે નસીબ, આ ખીલે બધો ખેલ બગાડી નાખ્યો. કહે છે કે અભિમાન તો રાજા રાવણનું પણ ટક્યું ન હતું. તો શું શ્રી રામ કરતાં પહેલાં ખીલે જુવાનીમાં રાવણનું ગર્વમર્દન કર્યું હશે?’

ખીલ થતાં પહેલાંનો ચહેરો દૂરથી દેખાતા ચંદ્ર જેવો હોય છે, પણ ખીલ થયા પછી તે ચંદ્રની વાસ્તવિક સપાટી જેવો થઇ જાય છે. તેમાં ખીલનો, ગાલનો કે ચંદ્રનો પણ કશો વાંક નથી. એ કુદરતી પ્રક્રિયા છે. મરણને હોંશભેર ભેટવાની કે તેનું સ્વાગત કરવાની વાતો હજુ વાંચવા મળી જાય છે, પણ ખીલને આવકારવામાં તો ક્રાંતિકારી વિચારકો પણ ખમચાય છે. ‘મૌત મહેબૂબા હૈ’ ટાઇપની શાયરી કરનારા ખીલને મહેબૂબા તો શું, ‘જસ્ટ ફ્રેન્ડ’ તરીકે પણ કલ્પી શકતા નથી.

જુવાનીમાં પહેલાં ચહેરા પર ખીલ ફુટે કે મનમાં શાયરી, એ નક્કી કરવું અઘરું છે. બન્નેનો પોતપોતાનો ત્રાસ હોય છે. (જોકે, ખીલનો ત્રાસ જેને થયાં હોય તેને જ વેઠવો પડે છે, એ મહત્ત્વનો ફરક ખરો.) ખીલ ક્યારે ઉગશે એનો કોઇ નક્કી સમય હોતો નથી. તેને ઉગવા માટે ચોક્કસ પ્રકારના વાતાવરણ કે માવજતની જરૂર પડતી નથી. ભીંત ફાડીને પીપળો ઉગે કે ઉજ્જડ જમીનમાં થોરીયો ઉગે એમ, ચહેરા પર ખીલ અચાનક, શબ્દાર્થમાં ફૂટી નીકળે છે.

ચહેરાધારી શરીરને પીડાની સાધારણ અનુભૂતિ થાય છે- ખાસ કરીને એ ભાગ દબાય ત્યારે. શું દુઃખ્યું એની જાતતપાસ કે સ્થળતપાસ માટે અરીસામાં જોતાં ખ્યાલ આવે છે કે આ કારસ્તાન ખીલનાં છે. તેનાથી ચહેરાનું દૃશ્ય હિલ સ્ટેશનો પર જોવા મળતી ‘વન ટ્રી હિલ’- એક જ વૃક્ષ ધરાવતી પહાડી- જેવું થઇ જાય છે. આખા ચહેરા પર એક ખીલ. કોઇના આકસ્મિક મૃત્યુના સમાચાર પછી આવે એવા લાગણીતરંગો ખીલગ્રસ્તના મનમાં જાગે છે : ‘હજુ ગઇ કાલે તો વાળ ઓળતી વખતે મેં અરીસામાં ચહેરો જોયો હતો. એ વખતે કંઇ ન હતું.’ કેમ જાણે, ખીલ ‘મારે તમારા ચહેરા પર શા માટે ન આવવું તેની દિન સાતમાં જાણ કરવી’ એવી નોટિસ આપીને ફૂટી નીકળવાનું હોય.

ફુલની જેમ ખીલ પણ પહેલેથી પૂર્ણ કળાએ ખીલતું નથી. તેની શરૂઆત નાની સાઇઝની લાલાશ પડતી ફોલ્લીથી થાય છે. સહેજસાજ ફૂલેલો ભાગ જોઇને આશાવાદી જીવો માને છે કે બે-ચાર કલાકમાં એ ફોલ્લી ઉપસી છે એવી જ રીતે અદૃશ્ય થઇ જશે. થોડા કલાક પછી તેની તપાસ રાખવાનું યાદ રહેતું નથી અને બીજા દિવસે તેની પર ઘ્યાન પડે ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે. સૂમસામ રસ્તા પર ઊભેલી એકલીઅટૂલી સ્ટ્રીટલાઇટ અને તેની પર જલતા મર્ક્યુરી લેમ્પની જેમ, આખા ચહેરા પર એકનું એક ખીલ ઝળકતું જોવા મળે છે.

ફોલ્લી અને ખીલ વચ્ચે તબીબી તફાવત જે હોય તે, પણ સામાન્ય સમજણ એવી છે કે ચહેરાની શોભામાં પંક્ચર પાડે એ ફોલ્લી ખીલ કહેવાય. સોફ્‌ટ બોર્ડ પર લગાડેલી ટચુકડી પિનની જેમ ચહેરા પર જડાઇ ગયેલું ખીલ જોઇને એક વાર તો પિનની પદ્ધતિથી જ ખીલને ઉખાડી નાખવાની ઇચ્છા થઇ આવે છે. પરંતુ એવાં ‘પોલીસપગલાં’ લેવાથી ખીલનો પ્રશ્ન હૈદરાબાદની જેમ ઉકલવાને બદલે કાશ્મીરની જેમ ગુંચવાશે, એવું લાગતાં એ વિકલ્પ પર ચોકડી મારવી પડે છે.

ઘણા લોકો તબીબોના પરિવારની બહુ ચિંતા સેવતાં હોય છે. તે વિચારે છે કે આપણે વારે ઘડીએ ડોક્ટર જોડે દોડી નહીં જઇએ તો ડોક્ટરનાં બાળબચ્ચાં મોંઘીદાટ સ્કૂલોમાં કેવી રીતે ભણી શકશે? અને ડોક્ટરો દર વર્ષે વિદેશપ્રવાસો શી રીતે કરી શકશે? એવા લોકો ખીલ થાય તો પણ ડોક્ટરની સલાહ લેવા દોડી જાય છે. ડોક્ટરો પોતપોતાની આવડત અને સામેવાળાના ઉચાટ પ્રમાણે સાત્ત્વિક સલાહસૂચનથી માંડીને ખીલને સુકવી નાખવાની ગોળીઓ આપે છે. ખીલ ગરમીનું પ્રતિક છે કે રક્તદોષનું કે પછી જુવાનીનું, એ પણ દર્દી જોઇને નક્કી કરવામાં આવે છે. આ રીતે દવા લેવાથી ખીલ મટે કે ન મટે, દર્દીના શરીરની ગરમી ઓછી થાય કે ન થાય, ડોક્ટરના ખિસ્સાની ગરમી વધે છે.

ખીલ ચહેરાના કયા ભાગ પર અને કેટલી માત્રામાં થાય છે એ પણ મહત્ત્વનો મુદ્દો છે. સામાન્ય રીતે ખીલ મેદાની પ્રદેશમાં- એટલે કે ગાલ પર - ઉગવાનું વધારે પસંદ કરે છે. વારે ઘડીએ ચહેરો સાફ કરવાની કે ચહેરા પર હાથ ફેરવવાની ટેવ ધરાવતા લોકોને એવાં ખીલ બહુ નડે છે. દાઢી કરતા યુવાનોને ખીલ થાય ત્યારે રેઝર તેમને એક્સપ્રેસ હાઇ વે પર ચાલતી ગાડીની જેમ નહીં, પણ અમદાવાદની સડકો પર ચાલતી રિક્ષાની અદાથી, ખીલના ટ્રાફિકની વચ્ચેથી રસ્તો કાઢતું ચલાવવું પડે છે. તેમ છતાં, રિક્ષાની જેમ રેઝર પણ એકાદ ખીલને અડી જાય તો તત્કાળ લોહી નીકળવા માંડે છે.

ખીલનો જન્મ કુદરતની પરપીડનવૃત્તિમાંથી થયો હોય એવું જ લાગે. પણ કેટલાંક ખીલ વધારે અવળચંડાં હોય છે. તે ગાલના સપાટ પ્રદેશ પર ઉગવાને બદલે કપાળમાં કે નાકના પહાડની ટોચ પર ફૂટી નીકળે છે. નાકની ટોચે ઉગેલાં ખીલ તો વળી થોડા સમય માટે નાકનું એવું અવિભાજ્ય અંગ બની જાય છે કે હપ્તે હપ્તે નવું નાક ઉગતું હોય એવો અહેસાસ થાય. નાકની ટોચે ઉગેલું ખીલ ચહેરાધારક માટે શબ્દાર્થમાં ‘નાકનો સવાલ’ બની જાય છે. ગાલ પર ઉગતાં ખીલને નાબૂદ કરવા માટે લગાડાતાં લેપ કે ટ્યુબ નાક પર લગાડવાં અઘરાં બની જાય છે. જૂઠું બોલે એટલી વાર તનાવના કારણે નાક લાંબું થાય એવી બાળકથાના પાત્ર પિનોકીઓની કથા યાદ આવે છે. પરંતુ ખીલમાં એ લાગુ પાડી શકાતી નથી. કારણ કે વિજ્ઞાનની શોધોની જેમ ખીલ પણ મૂલ્યનિરપેક્ષ હોય છે. એ માણસના દુર્ગુણ કે સદ્‌ગુણ જોઇને ઉગતું નથી.

ખીલ મનુષ્યો પ્રત્યે રાખે છે એટલો સમભાવ મોટા ભાગના મનુષ્યો ખીલ વિશે કેળવી શકતાં નથી. ખીલગ્રસ્તોથી માંડીને ખીલદૃષ્ટાઓ સહિતના સૌ કોઇ ખીલને અને ખીલગ્રસ્ત ચહેરાઓને નીચી નજરે જુએ છે. ખીલના ખાડાટેકરામાં અટવાઇ ગયેલી તેમની દૃષ્ટિ ઘણી વાર ખીલગ્રસ્ત ચહેરાની પાછળ રહેલા માણસ સુધી પહોંચી શકતી નથી. 

Tuesday, February 18, 2014

આપ-બળ કે આપ-ઘાત?

સાત કોઠા જેવાં સતત સંઘર્ષરત સાત સપ્તાહ વીતાવ્યા પછી આમઆદમી પક્ષની સરકાર પડી. ‘આપ’ દ્વારા પ્રસ્તાવિત જનલોકપાલ ખરડો દિલ્હી વિધાનસભામાં મૂકવા માટેનો જંગ હતો. ઉપરાજ્યપાલ નજીબ જંગે એવો ફેંસલો આપી દીધો હતો કે ખરડો ગેરબંધારણીય હોવાથી તેને વિધાનસભામાં મૂકી શકાય નહીં.

કેજરીવાલ અને પ્રશાંત ભૂષણ જેવા  ‘આપ’ નેતાઓને લાગતું હતું કે આ ખરડામાં ગેરબંધારણીય કહેવાય એવું કશું નથી અને ઉપરાજ્યપાલ કેવળ અડચણ ઊભી કરવા ખાતર લકીરના ફકીર બની રહ્યા છે. પ્રશાંત ભૂષણે જાણીતા કાનૂન-બંધારણવિદ્‌ સોલી સોરાબજીને ટાંકીને ખરડાને વાજબી ઠરાવ્યો. અંતે ખરડા પર નહીં, પણ પોતાની મંજૂરી વિના ખરડો રજૂ ન થઇ શકે એવા ઉપરાજ્યપાલના પત્રનો અમલ કરવો કે નહીં એ મુદ્દે મતદાન થયું. તેમાં કેજરીવાલ સરકારની તરફેણમાં ૨૭ અને વિરુદ્ધમાં ૪૨ મત પડ્યા. વેલેન્ટાઇન ડેના દિવસે બનેલા આ ઘટનાક્રમના દિવસે કોંગ્રેસી નેતા અરવિંદરસિંઘ લવલી અને ભાજપી નેતા હર્ષવર્ધન જે રીતે સહિયારા પોઝ આપતા હતા, એ જોઇને લાગે કે અસલી વેલેન્ટાઇન ડે તો ત્યાં જ ઉજવાઇ રહ્યો છે.

વાંધા પર વાંધા

ગૃહમાં કોઇ પણ મુદ્દે મતદાન થાય અને તેમાં સરકારની હાર થાય તો તેના માટે ક્ષોભજનક સ્થિતિ ઊભી થાય. એક રીતે એવું પણ કહી શકાય કે સરકારે ગૃહનો વિશ્વાસ ગુમાવી દીધો છે. ત્યાર પછી બાંધછોડ કરવા ન ઇચ્છતા માણસ પાસે રાજીનામું આપવાનો વિકલ્પ બાકી રહે. કેજરીવાલે એમ જ કર્યું. એટલે કોંગ્રેસ અને ભાજપના ટીવીચતુરો ઠાવકા મોઢે ટીકા કરવા લાગ્યા કે આ ક્યાં જનલોકપાલ ખરડા પરનું મતદાન હતું? આ તો ખરડો રજૂ કરવો કે નહીં, એ વિશેનો મત લેવાનો હતો. કેજરીવાલે નકામું રાજીનામું આપી દીઘું.

ટીવી સ્ટુડિયોમાં થતી ચર્ચામાં ધડો જાળવવાનું મોટા ભાગના નેતાઓને અઘરું પડે છે. એક કોંગ્રેસી નેતાએ દાવો કર્યો કે કેજરીવાલની સરકારનાં સાત જ અઠવાડિયામાં દિલ્હીના લોકોને શીલા દીક્ષિત સરકારના સુશાસનની યાદ આવવા માંડી હતી. કેજરીવાલ અને ‘આપ’ પાસેથી નવેનવી નૈતિકતા શીખેલા ભાજપે ‘પૂરતી સભ્યસંખ્યા ન હોય તો અમારે સરકાર બનાવવી નથી’ એવું ચૂંટણી પછીનું વલણ પકડી રાખ્યું.

નાગરિકોને ઉઠાં ભણાવવાની કોંગ્રેસ-ભાજપની જૂની પરંપરા પ્રમાણે, ભાજપ માને છે કે તેમના વડાપ્રધાનપદના ઉમેદવારની નૈતિકતા અને દિલ્હી ભાજપની નૈતિકતા, એ બે અલગ બાબતો છે. ભાજપી નેતાઓ કેજરીવાલના ‘નાટક’ની ટીકા કરે છે. નાટકબાજી કોને કહેવાય એ જાણવા માટે તેમણે પોતાના પક્ષના વડાપ્રધાનપદના ઉમેદવાર ભણી ઘ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. આખા રાજ્યનું વાતાવરણ દુર્ભાવનાથી ડહોળ્યા પછી એકરાર કર્યા વિના કે માફી માગ્યા વિના કરાતા સદ્‌ભાવના ઉપવાસ, થ્રી-ડી અવતાર જેવા પ્રચારતુક્કા અને ‘ચાયપે ચર્ચા’ જેવાં કંઇક ખર્ચાળ નાટકો વડાપ્રધાનપદના ભાજપી ઉમેદવારના નામે બોલે છે. નૈતિકતાની એટલી જ લ્હાય લાગી હોય તો ભાજપે પહેલાં આ બધા ખેલના રૂપિયા ક્યાંથી આવે છે, એનો હિસાબ આપવો જોઇએ. પરંતુ કોંગ્રેસ-ભાજપ દ્વારા થતું નૈતિકતાનું અને બંધારણપ્રેમનું નાટક આંખ-કાન-મન ખુલ્લાં રાખીને જોનારા સૌને દેખાય એવું છે.

બે તર્કમાળા

કેજરીવાલે રાજીનામું આપીને માસ્ટરસ્ટ્રોક માર્યો છે કે કાચું કાપ્યું છે તેની ગરમાગરમ ચર્ચા ચાલે છે. કોંગ્રેસ-ભાજપ પ્રકારના, ચલતા પુર્જા જેવા રાજકારણીઓ આ વિશે શું માને છે એ ગૌણ બાબત છે. કારણ કે પહેલા દિવસથી તેમના પ્રયાસ કેજરીવાલને બીજા કોઇ પણ રાજકારણી જેવા- સ્ટંટબાજ, વાયદાબાજ, દેખાડાબાજ- સાબીત કરવાનો રહ્યો છે. બંધારણ અને કાયદાને પોતાના પક્ષે અત્યાર લગી કેટલું માન આપ્યું તેની ચર્ચા કર્યા વિના, કેજરીવાલની વાત આવે એટલે એ લોકો ન્યાયાધીશ અને બંધારણવિદ્‌ની ભૂમિકામાં આવી જાય છે.

જુદાપણાના દાવા કરતા કેજરીવાલની તપાસ વધારે કડકાઇથી થવી જોઇએ એ ખરું, પરંતુ એમ કરવાનો હક કોંગ્રેસ-ભાજપને કેટલો છે? રાજીનામાના મુદ્દે પણ કેજરીવાલે રાજકીય સ્ટંટ કર્યો અને પૂર્વઆયોજિત ચાલબાજી દ્વારા રાજકીય લાભ મેળવવા માટે શહીદી વહોરી લીધી, એવા આરોપ તેમની પર થયા છે. મતદારો કેજરીવાલના આ પગલાને કેવી રીતે જુએ છે તે મહત્ત્વનું છે. મતદારોનું બ્રેઇનવોશ કરવા માટે કોંગ્રેસ-ભાજપ પાસે હજુ ત્રણેક મહિના જેટલો સમય છે. સામે પક્ષે એ પણ યાદ રાખવાનું કે હવે આમઆદમી પક્ષ પાસે પણ સરકાર ચલાવવાની જવાબદારી નથી. એટલે તેમની પાસે પ્રતિઆક્રમણનો પૂરતો સમય છે. તેનો ઉપયોગ એ દિલ્હીમાં જ નહીં, દેશના બાકીના ભાગમાં પણ પોતાની તાકાત જમાવવા માટે કરી શકે છે.

કોંગ્રેસ-ભાજપ પ્રકારના રાજકારણના વિકલ્પ તરીકે ‘આપ’ના રાજકારણ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા લોકો પણ રાજીનામાના મુદ્દે બે જુદા મત ધરાવે છે. એક મત એવો છે કે લોકસભાની ચૂંટણી સુધી કેજરીવાલે ગમે તેમ કરીને સરકાર ટકાવી રાખવા જેવી હતી. એવું થાત તો તેમને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓ લડવા-જીતવા માટે રોકાઇ જવું ન પડત અને રાષ્ટ્રિય સ્તરે તેમનો દેખાવ વધારે સારો થઇ શકત. ત્યાં સુધી તેમણે સ્થિરતાપૂર્વક શાસન ચલાવ્યું હોત તો શાસકો તરીકેની તેમની વિશ્વસનીયતા પણ ઊભી થઇ હોત અને તેમની શાસનક્ષમતા તરફ આંગળી ચીંધનારાના હાથ હેઠા પડ્યા હોત. અત્યારે આપેલું રાજીનામું રાજકીય સ્ટંટમાં ખપશે, લોકસભાની ચૂંટણી વખતે તેમને વધારે પડતો સમય દિલ્હી જીતવામાં આપવો પડશે અને લોકો તેમને અસ્થિરતાના પર્યાય તરીકે જોશે તો દિલ્હી જીતવામાં પણ મુશ્કેલી પડી શકે છે.

બીજો તર્ક એવો છે કે કેજરીવાલે ફરી એક વાર કોંગ્રેસ-ભાજપને રાજકારણની રમતમાં ચીત કર્યાં છે. સૌથી પહેલાં તો તેમણે કોંગ્રેસનો સામેથી મળેલો ટેકો લઇનેે સરકાર બનાવી અને પોતે શાસનથી દૂર ભાગતા નથી, એ બતાવી આપ્યું. ત્યાર પછી તે શાસકની ભૂમિકામાં આવી જવાને બદલે આંદોલનકારીની ભૂમિકામાં જ રહ્યા અને વખત આવ્યે ફૂટપાથ પર રજાઇ ઓઢીને સૂઇ જતાં ખચકાયા નહીં. વીજળી અને પાણી અંગે તેમણે ચૂંટણીઢંઢેરામાં આપેલાં વચન પાળ્યાં. એ સિવાય પણ તેમના મંત્રીઓની (ક્યારેક અતિઉત્સાહને કારણે ટીકાપાત્ર બનેલી) સક્રિયતાને કારણે મતદારો પર સારી છાપ પડી. પરંતુ લોકસભાની ચૂંટણી સુધી ગમે તે ભોગે લધુમતી સરકાર ટકાવી રાખવાનું સલાહભરેલું ન હતું.

એક વાર વિધાનસભામાં મતદાનમાં હારની પરંપરા શરૂ થઇ જાય એટલે વિપક્ષોને ફાવતું જડી જાય. ત્યાર પછી દિવસો વીતે એમ સરકારની સ્થિતિ નબળી પડતી જાય અને સરવાળે ચૂંટણી આવે ત્યારે તેની ફરતેનું તેજવર્તુળ ઝંખવાઇ ચૂક્યું હોય. એને બદલે, દોઢ-પોણા બે મહિના શાસન કરીને, પોતે શાસન કરી શકે છે એવું બતાવીને, હવે પૂરા કદનું શાસન જોઇતું હોય તો સ્પષ્ટ બહુમતી આપો એવા સંદેશ સાથે, રાજીનામું આપી દેવાનું વધારે ફાયદાકારક નીવડે.

આ તર્ક અંતર્ગત એવું પણ વિચારાય છે કે જનલોકપાલ જેવા મુદ્દે સત્તા છોડ્યા પછી ચૂંટણી વખતે દિલ્હી જાળવી રાખવા માટે બહુ મહેનત નહીં કરવી પડે અને રાષ્ટ્રિય સ્તરે તેની સારી અસર પડશે- ચૂંટણીમાં ફાયદો થશે. કેજરીવાલ વડાપ્રધાનપદના ઉમેદવાર તો છે નહીં. એ સંજોગોમાં ચૂંટણી પછી દિલ્હીમાં પોતાની બહુમતી ધરાવતી સરકાર હોય તો હવે પછીની કેન્દ્ર સરકાર સામે તે બરાબર ટક્કર લઇ શકે અને રાષ્ટ્રિય સ્તરે પોતાની હાજરી મજબૂત કરી શકે. ‘પહેલી ચૂંટણી હારવા માટે, બીજી ચૂંટણી હરાવવા માટે અને ત્રીજી ચૂંટણી જીતવા માટે’ - આવી બહુજન સમાજ પક્ષના સ્થાપક કાંશીરામની રણનીતિ પ્રમાણે, બીજી ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને ખોખરાં કરીને ત્રીજી ચૂંટણી સુધીમાં તે મોટી ભૂમિકા માટે તૈયાર થઇ જાય.

બીજા પ્રકારની તર્કમાળા આશાવાદથી ભરપૂર છે. પરંતુ અત્યાર લગી એટલું પુરવાર થઇ ચૂક્યું છે કે કેજરીવાલ રાજકારણના કાચા ખેલાડી નથી. બલ્કે, રાજકીય શતરંજમાં તે ભલભલા જૂના જોગીઓને ભારે પડે એવા છે. એટલે તેમની ટુકડીનું ભવિષ્યદર્શન બીજા તર્ક પ્રમાણેનું હોય એ બનવાજોગ છે. સભવિષ્યની રાજકીય ઘટનાઓ કેવી રીતે આકાર લેશે એ કદી કહી શકાય નહીં, પણ એટલું નક્કી છે કે આમઆદમી પક્ષના પ્રતાપે ભાજપને (માનીતા ઉદ્યોગપતિઓ પાસેથી ખંખેરાતા ભંડોળ ઉપરાંત પણ) લોકો પાસેથી નાણાં ઉઘરાવવાનો આઇડીયા મળ્યો. પોતાનો ચૂંટણી ઢંઢેરો નક્કી કરતાં પહેલાં લોકોનાં સૂચન મંગાવવાનો ભાજપી વિચાર પણ અસલમાં ‘આપ’ પાસેથી લેવામાં આવ્યો હતો. ચૂંટણીઢંઢેરામાં લખાયેલા વચનની કશી કિંમત હોય એ ‘આપ’ના કારણે લોકોને યાદ આવ્યું. કાળાં નાણાં પાછાં લાવવાનાં આંબાઆંબલી બતાવતા મોદી સહિતના ભાજપી નેતાઓ અને બાબા રામદેવ પ્રકારના લોકો જેમનું નામ લેતાં ગભરાય એવા મુકેશ અંબાણીને આરોપીના કઠેડામાં ખડા કરવા જોઇએ, એવું કહેવાની તાકાત કેજરીવાલે બતાવી. એટલું જ નહીં, ગેસના ભાવના મુદ્દે ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રીઓ સામે એફ.આઇ.આર. દાખલ કરવા સુધીની હિંમત તેમણે કરી.

દેશના સામાન્ય નાગરિકો માટે એક રાજકીય પક્ષ તરીકે ‘આપ’ જીતે કે હારે એના કરતાં પણ વધારે અગત્યનું એ છે કે ‘આપ’ દ્વારા જે જાતના ખુલ્લાશભર્યા અને લોકસામેલગીરી-લોકહિતના રાજકારણની શરૂઆત થઇ છે, તે આગળ વધવી જોઇએ. એવું નહીં થાય તો તેમાં સૌથી મોટો દોષ મતદારોનો ગણાશે. 

Sunday, February 16, 2014

સાગર મુવિટોન, સાર્થક પ્રકાશન અને મલ્ટિસ્ટાર જલસો (૨)

કાર્યક્રમોમાં ઘણી વાર વાતાવરણ અને તેના તરંગો- વાઇબ્રેશન જેવું પણ કંઇક હોય છે. અમુક કાર્યક્રમોમાં પહેલેથી એવો માહોલ બંધાય જે થાય તે ઉત્તમ થાય અને ઉત્તમ રીતે ન થયું હોય તો પણ એ ઉત્તમ જ જણાઇ આવે. ‘સાગર મુવિટોન’ના કાર્યક્રમમાં પણ એવું જ થયું. 


સાત વાગ્યાના કાર્યક્રમમાં આમીરખાન સવા સાતની આસપાસ આવી પહોંચ્યા ત્યારે આખું વાતાવરણ ‘ચાર્જ’થી છલકાતું હતું. વિઘુ વિનોદ ચોપરા, રાજકુમાર હીરાણી, અનિલ કપુર જેવી ફિલ્મી હસ્તીઓ મોજુદ હોવા છતાં વાતાવરણમાં સંયત ગ્લેમર કરતાં વધારે અનૌપચારિકતા અને આત્મીયતાનાં સ્પંદનો પ્રસરેલાં હતાં. કેમેરા અને ટીવી કેમેરાના ઝુંડને બાદ કરતાં એક નાનકડા, આત્મીય સમારંભનો અહેસાસ થતો હતો. પીવા કરતાં વધારે ફોટો પાડવાનું મન થાય એવા ભેદી રંગોનાં પીણાં ફરતાં હતાં. બીરેન અને સંચાલક યુનુસખાન કાર્યક્રમની રૂપરેખાને છેલ્લો ઘાટ આપી રહ્યા હતા. ચંદ્રશેખર વૈદ્ય ત્યાં જ હતા. દક્ષાબહેન-સુકેતુભાઇનાં પુત્રી રાધિકા દેસાઇ  પણ આવી જતાં હતાં. 
Yunus Khan, Biren Kothari, Urvish Kothari
મૂળ કાર્યક્રમ સાવ ટૂંકો હતોઃ યુનુસખાન દ્વારા પ્રારંભ- આમીરખાનનું સ્વાગત- સુકેતુભાઇનું પાંચ-સાત મિનીટનું વક્તવ્ય- બીરેનનું સાત-આઠ મિનીટનું વક્તવ્ય- પુસ્તકનું વિમોચન- આમીરખાનનું વક્તવ્ય અને વાર્તા પૂરી.  કાર્યક્રમના થોડા દિવસ પહેલાંથી યુનુસખાને બીરેનનો સંપર્ક કરીને ‘સાગર મુવિટોન’ વિશેની ઘણી રસપ્રદ જાણકારીઓ મેળવી હતી. કેટલીક તો બીરેને લખીને પણ આપી હતી, જેથી કાર્યક્રમમાં જરૂર મુજબ તેનો ઉપયોગ કરી શકાય. એવી એક ચીજ હતી ‘સાગર મુવિટોન’ની એક ફિલ્મની તસવીર, જેમાં બેઠેલા મુછ્‌છડ ભાઇ ‘મંગલ પાંડે’ના આમીરખાન જેવા જ લાગતા હતા. કમાલ એ હતી કે એ ભાઇનું નામ મહેબૂબખાન હતું, જે આગળ જતાં ભારતીય ફિલ્મઉદ્યોગના ટોચના નિર્દેશક બન્યા. 

Amir Khan Greets Sushilarani Patel
આમીરખાને આવીને, ‘સાગર’ની બે ફિલ્મોનાં નાયિકા, ‘ફિલ્મઇન્ડિયા’ખ્યાત બાબુરાવ પટેલનાં પત્ની સુશીલારાણી પટેલને મળીને સ્ટેજ પર ગોઠવાયા પછી ઝીણી નજરે બેકડ્રોપ જોયો. તેમાં સામાન્ય રીતે નીચે ખાલી રાખવામાં આવતી જગ્યામાં અપૂર્વ આશરે કેટલીક તસવીરો મૂકી હતી. આમીરખાને તેના વિશે બીરેનને પૂછપરછ કરી.

Biren showing old photos to Amir Khan..

..and explaining the details
 મહેબૂબખાનવાળી તસવીર જોઇને આમીરે બીરેનને કહ્યું, ‘આ તો મારી મંગલ પાંડેની હતી એવી જ છે.’ અને કાર્યક્રમના અંતભાગમાં સ્ટેજ પર આવેલા બીજા ફિલ્મી દોસ્તોને પણ એ તસવીર ‘બોલો, આ કોણ છે?’ના અંદાજમાં બતાવી. 

રાધિકા દેસાઇએ બુકે વડે આમીરખાનનું સ્વાગત કર્યું. ત્યાર પછી દક્ષાબહેને તેમને ‘સાગર’ની જૂની ફિલ્મ ‘કુળવઘુ’ની અસલ બુકલેટ એક ફોલ્ડરમાં આપી. એ ફોલ્ડરની ડિઝાઇન પણ અપૂર્વ આશરે તૈયાર કરી હતી. તેમાં એક તરફ જર્જરિત મૂળ બુકલેટ અને સામેની તરફ તેની કલર સ્કેનિંગ ધરાવતી પ્રિન્ટ હતી. આમીરખાને બહુ ઘ્યાનથી બુકલેટ જોઇ. 
Suketu Desai, Amir Khan, Daksha Desai
સુકેતુભાઇએ પોતાના ટૂંકા ઉદ્‌બોધનમાં સૌનો આભાર માન્યો અને કહ્યું કે ‘સાગર મુવિટોનને ભાગ્યે જ યાદ કરવામાં આવતું હતું. ફિલ્મોની શતાબ્દિ નિમિત્તે પણ તેનો ઉલ્લેખ ન થયો. અમારી પાસે એક રસ્તો ફરિયાદ કરતા બેસી રહેવાનો હતો અને બીજો આ કામ કરાવવાનો. અમે એવા કોઇ માણસને શોધતા હતા, જે આ કામને પૂરેપૂરો ન્યાય આપી શકે.’ બીરેનને આ કામ ઉત્તમ રીતે પાર પાડ્યું તેનો આનંદ વ્યક્ત કરીને તેમણે સાર્થક પ્રકાશન, અપૂર્વ આશર અને બીજા મિત્રોનો આભાર માન્યો.  

બીરેનના ટૂંકા પ્રવચનમાં કેન્દ્રસ્થાને બે મુદ્દા હતા. 

પહેલો મુદ્દો : આ કામ તેનું એકલાનું નથી, પણ ફિલ્મ ઇતિહાસ સાથે સંકળાયેલી આખી બિરાદરીના પ્રતાપે એ પાર પડ્યું છે. તેમાં ઉપસ્થિત સ્નેહીઓમાં ગુરુ નલિન શાહ, ‘બીતે હુએ દિન’ બ્લોગ ચલાવતા અભ્યાસી જાણકાર શિશિરકૃષ્ણ શર્મા, અરુણકુમાર દેશમુખ ઉપરાંત (‘આવાઝ દે કહાં હૈ’ ફેઇમ) ગાયક-અભિનેતા સુરેન્દ્રના પુત્ર જીતના નામોલ્લેખ વખતે તેમને માનપૂર્વક જગ્યાએથી ઉભા થવાની વિનંતી કરીને તેમના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવામાં આવી. ગેરહાજર લોકોમાં રજનીકુમાર પંડ્યા, હરીશ રઘુવંશી, હરમંદિરસિંઘ હમરાઝ, શ્રીલંકાના યુવાન ઇસુરુ, મુંબઇના નયન યાજ્ઞિક જેવા લોકોને ભાવપૂર્વક યાદ કરવામાં આવ્યા. હરીશભાઇની તત્પરતાનું ઉદાહરણ આપતાં બીરેને કહ્યું, ‘મને આ કામ મળશે એવું નક્કી પણ ન હતું ત્યારે હરીશભાઇએ ‘સાગર મુવીટોન’ની ફિલ્મોગ્રાફી તૈયાર કરી દીધી હતી.’
Biren Kothari, Suketu Desai, Amir Khan, Daksha Desai
બીજો મુદ્દો : કમિશન્ડ બાયોગ્રાફી (કોઇની વિનંતીથી વ્યાવસાયિક ધોરણે લખી અપાતું જીવનચરિત્ર) અને રીસર્ચ વર્ક (સ્વતંત્રપણે થતું સંશોધનાત્મક આલેખન) - આ બન્ને પ્રકારનાં કામ બીરેન કરે છે. બન્ને વચ્ચેનો તફાવત પણ તે બરાબર સમજે છે. આ કામ મળ્યું ત્યારે કમિશન્ડ બાયોગ્રાફી હતું, પણ એ પૂરું થયું ત્યારે સ્વતંત્ર રીસર્ચ જેવું મજબૂત અને નક્કર બન્યું છે. એ શક્ય બનાવવામાં દેસાઇ પરિવારનો મહત્ત્વનો ફાળો હોવાનું બીરેને જણાવ્યું. કારણ કે તેમણે ‘સારું હોય એ નહીં, પણ સાચું હોય એ’ લખવાની મોકળાશ આપી. કુટુંબમાં ઇતિહાસ તરીકે પ્રચલિત કેટલીક વાતો બીરેનના સંશોધન પછી જુદી નીકળી. તેનો પણ ખુલ્લાશપૂર્વક સ્વીકાર અને સમાવેશ કરવામાં આવ્યો. છેલ્લે બીરેને આમીરખાનને સંબોધીને આભાર માનતાં એટલું જ કહ્યું કે તમે આ પુસ્તક વાંચવામાં જેટલો પણ સમય આપશો, એ તમને વસૂલ લાગશે. 

બે વક્તવ્યોની વચ્ચે યુનુસખાને સાગર મુવિટોન વિશેની રસપ્રદ માહિતી પીરસવાનું ચાલુ રાખ્યું. બીરેને લખી આપેલી વિગતોમાંથી સાગર મુવિટોનના લોગોની વાત યુનુસખાને કાઢી અને (પુસ્તકનો પ્રોજેક્ટ શરૂ થયો તે પહેલાં વિઝિટિંગ કાર્ડ માટે) જૂના લોગોનું નવીનીકરણ કરી આપનાર આર્ટિસ્ટ ફરીદ શેખને પણ યાદ કર્યા. 'સાગર'નાં એક-બે ગીતો પણ તેમણે યોગ્ય સંદર્ભ સાથે સંભળાવ્યાં. 

'Saarthk' Team on the stage: (Standing L to R) Dipak Soliya, Dhaivat
Trivedi, Urvish Kothari, Apurva Ashar, Kartik Shah. extreme left
Chandrashekhar Vaidya with Biren, Suketu Desai, Amir Khan, Daksha Desai
'Saarthk' Team on the stage: (Standing L to R) Dipak Soliya, Dhaivat
Trivedi, Urvish Kothari, Apurva Ashar, Kartik Shah. extreme left:
Chandrashekhar Vaidya with Biren, Suketu Desai, Amir Khan, Daksha Desai
પુસ્તકના વિમોચનની ઘડી આવી એટલે ‘સાર્થક પ્રકાશન’ના દીપક સોલિયા, ઉર્વીશ કોઠારી, ધૈવત ત્રિવેદી, કાર્તિક શાહ અને અપૂર્વ આશરને મંચ પર નિમંત્રીત કરવામાં આવ્યા. ‘દીદીઝ કોર્પોરેશન’ તરફથી ચંદ્રશેખર વૈદ્ય પણ મંચ પર આવ્યા. સૌથી પહેલાં ‘સાર્થક’ વતી દીપકે ‘સાર્થક’નાં પાંચે પુસ્તકોનો સેટ આમીરખાનને શુભેચ્છાભેટ તરીકે આપ્યો. તેમાંથી બે પુસ્તકો ‘ગાતા રહે મેરા દિલ’ અને ‘ગુઝરા હુઆ જમાના’નો ખાસ નામોલ્લેખ કરવામાં આવ્યો. (એ વખતે બીરેને આમીરખાનને કહ્યું પણ કરું કે ‘ગુઝરા હુઆ જમાના’માં તેમના પિતાનો કે.કે.સાહેબે જે પ્રકરણમાં ઉલ્લેખ કર્યો છે, તેની પર ફ્‌લેપ મારવામાં આવ્યો છે. જેથી તેમને શોધવામાં મુશ્કેલી ન પડે.)  
Dipak Soliya presenting books of Saarthak Prakashan to Amir Khan
ત્યાર પછી યુનુસખાને પુસ્તકનિર્માણમાં અપૂર્વ એવા અપૂર્વ આશરની ઉત્તમ સૂઝને યથાયોગ્ય અંજલિ આપીને તેમને વિનંતી કરી. એટલે અપૂર્વ આશરે પોતાની એક કૃતિ પ્રિય કળાકાર આમીરખાનને ભેટ આપી.

Apurva Ashar presenting his creation to Amir Khan
ફ્‌લેશના ઝબાઝબ ઝબકારા વચ્ચે પુસ્તકનું વિમોચન થયું. સ્ટેજ નાનું હતું. એટલે અમે સૌ ‘સાર્થક’ના મિત્રો પાછળ જ ઊભા રહ્યા. પુસ્તક વિમોચન પછી સૌ બેઠા એટલે અમે સૌએ પાછળ ઊભા રહીને યાદગીરી માટે હાથમાં પુસ્તક સાથે ફોટો પડાવ્યો અને ઘણા સમયથી ચાલતું એક મિશન સરસ રીતે પૂરું થયાના સંતોષ સાથે પાછા નીચે આવ્યા. 

વિમોચન પછી આમીરખાનના વક્તવ્યની અને તેમના બોલાવ્યા સ્ટેજ પર આવેલા, તેમની વિનંતીને માન આપીને બબ્બે મિનીટ વાત કરનાર ફિલ્મી હસ્તીઓની વિગત લખી નથી. સુશીલારાણી પટેલે ટૂંકું વક્તવ્ય આપ્યું અને રવીન્દ્ર જૈને સાગર મુવીટોન તથા આમીરખાન વિશેની બબ્બે પંક્તિઓ લલકારી દીધી.અહીં મૂકેલી વિડીયોમાં તેમાંથી ઘણુંખરું આવી જાય છે (અને હજુ અમારી પાસે સત્તાવાર વિડીયો કે તસવીરો આવી નથી) આ બન્ને વિડીયો અચૂક જોશો.

દોઢ કલાકે સમારંભ માંડ પૂરો થયો. આમીરખાને બહાર નીકળતાં પત્રકારો સાથેના ઝુંડની વાતચીતમાં શું કહ્યું એ તો અમને પણ બીજા દિવસે આ જોયું ત્યારે જ ખબર પડી. એક મિનીટથી પણ ઓછા સમયમાં આમીરખાન શું કહે છે? જુઓ આ વિડીયો લિન્ક.


સમારંભ પછી મિત્રો-સ્નેહીઓ સાથે હળવામળવાનો અને ભોજનનો દૌર ચાલ્યો. રાત્રે સાડા અગિયાર વાગ્યે અમે ખાર જિમખાનાથી નીકળ્યા ત્યારે માંડ દસ મહિના જૂના ‘સાર્થક પ્રકાશન’ના સંચાલકો તરીકે અમે સૌ ‘હમણાં જે બની ગયું તે સાચું હતું કે સ્વપ્ન ?’ એવી રીતે વિચારતા હતા. એ વખતે અપાર આનંદ-સંતોષની સાથે થયેલો મુખ્ય અહેસાસ એ હતો કે છીછરા બન્યા વિના કે ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના, નક્કર કામ કરતા રહીએ તો પણ આ બઘું શક્ય બની શકે છે.

(photos : Binit Modi, Neesha Parikh, Urvish Kothari)

(હવે પછીના એક બ્લોગમાં કેટલીક તસવીરો મુકવાનો ખ્યાલ છે)

Thursday, February 13, 2014

સાગર મુવિટોનનું વિમોચન : સાર્થક પ્રકાશન સંબંધિત એક મલ્ટીસ્ટાર જલસો

Sagar Movietone Book Release by Aamir Khan (L to R ) Chandrashekhar
Vaidya, Biren Kothari, Suketu Desai, Daksha Desai (Pic: Binit Modi)

Sagar Movietone Book Release by Aamir Khan with Biren Kothari, Suketu
Desai, Daksha Desai & Saarthak  Prakashan Team (pic: Binit Modi)
આવું બને?

 • એક જ દિવસે, એક સાથે મુંબઇ જવાનું હોવા છતાં દસ ટિકીટોમાંથી છ ટિકીટ ૧૦ તારીખની અને ચાર ટિકીટ ૧૧ તારીખની થઇ હોય?
 • ગુજરાતી-અંગ્રેજી પુસ્તકના કાર્યક્રમમાં હિંદી ફિલ્મોના સુપરસ્ટાર આમીરખાન આવવાના હોય? અને તે વેળાસર આવી જાય?
 • અને તેમના આવતાં પહેલાં, ખરેખર તો સમારંભના સાંજના સાત વાગ્યાના સમય પહેલાં અનિલ કપુર આવીને પહેલી લાઇનમાં બેસી જાય?
Sushilarani Patel, Anil Kapoor, Daksha Desai
 • અને આમીરખાનના આવતાં પહેલાં વિઘુ વિનોદ ચોપરા, રાજકુમાર હીરાણી અને તેમના આવ્યાની થોડી વારમાં પ્રસૂન જોશી આવીને પહેલી લાઇનમાં, (અનિલ કપુર સાથે) ત્રણના સોફા પર ચાર જણ તરીકે, સાંકડમાંકડ આનંદપૂર્વક ગોઠવાઇ જાય?
Vidhu Vinod Chopra and Anil Kapoor : 2014, A Love Story

L to R : Rajkumar Hirani, Prasoon Joshi, Vidhu Vinod Chopra, Anil Kapoor,
Sushilarani Patel, Ravindra Jain
 • અને ‘ધૂમ-૩’ના નિર્દેશક વિક્ટર આવીને પાછળની હરોળમાં ક્યાંક બેસી ગયા છે એની જાણ છેલ્લે આમીરખાન ઉલ્લેખ કરે ત્યારે જ થાય?
 • અને આ બધાને યજમાને નહીં, પણ પોતાની જાતને સમારંભના એક યજમાન ગણતા આમીરખાને જ બોલાવ્યા હોય? આવું પણ બને?
 • કે આમીરખાને એક કલાકનો સમય આપ્યો હોય અને એ કશી જ ઉતાવળ વિના, નિરાંતે દોઢેક કલાક સુધી રોકાય? ઝીણી ઝીણી દરેક વાતમાં રસ લે? પરમ મિત્ર અપૂર્વ આશરે તૈયાર કરેલા બેકડ્રોપની ઝીણામાં ઝીણી વિગત જુએ? અને બીજાને પણ બતાવે?
 • આ બધા મહાનુભાવો હોવા છતાં સ્ટેજ પર ફક્ત ચાર જ ખુરશી હોય? જેમાં  ‘સાગર મુવીટોન’ના ચીમનલાલ દેસાઇનાં પૌત્રવઘુ દક્ષા દેસાઇ અને પૌત્ર સુકેતુ દેસાઇ ઉપરાંત આમીરખાન અને પુસ્તકના લેખક બીરેન કોઠારી આટલા જ લોકો બેઠા હોય?
 • અને વિમોચન સહિતનો કાર્યક્રમ પૂરો થઇ ગયા પછી, આમીરખાનના સૂચનથી તેમના સાથીદારો સ્ટેજ પર આવે અને ‘સાગર મુવીટોન’ના પુસ્તકનો અને આવું કામ થવું શા માટે બહુ જરૂરી છે, તેનો યથાયોગ્ય શબ્દોમાં છતાં બિનજરૂરી લંબાણ વિના મહિમા કરે?
 • ‘સાગર મુવીટોન’ની બે ફિલ્મોનાં હીરોઇન ૯૬ વર્ષનાં સુશીલારાણી પટેલ પણ સ્ટેજ પર આવે અને ભાવવિભોર થઇને લંબાણમાં સરી પડવાને બદલે, પ્રસંગને અનુરૂપ ટૂંકમાં મુદ્દાસર બોલે?
 • બધા ફિલ્મી સિતારાઓની હાજરી છતાં આખા પુસ્તક સાથે સંકળાયેલા હાજર-ગેરહાજર દરેકેદરેક લોકોને યથાયોગ્ય અને વાજબી માનસન્માન સાથે યાદ કરવામાં આવે?
 • સાવ નાનકડા, બસો-સવા બસોની બેઠકસંખ્યા ધરાવતા ખાર જિમખાના હોલમાં, એકદમ આત્મીય વાતાવરણમાં આટલી બધી ફિલ્મી હસ્તીઓ હાજર હોવા છતાં (કેમેરાનાં ઝુંડને બાદ કરતાં) વાતાવરણ છેવટ સુધી અનૌપચારિક રહે?સ- અને સૌથી અગત્યનું, આ બઘું એક જ દિવસે બને?

*** 

૧૧ ફેબ્રુઆરી, ૨૦૧૪નો દિવસ દસ મહિના જૂના ‘સાર્થક પ્રકાશન’ માટે એ રીતે યાદગાર બની રહ્યો. ‘સાર્થક’ દ્વારા દીદીઝ કોર્પોરેશનના સહયોગમાં પ્રકાશિત પુસ્તક ‘સાગર મુવીટોન’ના વિમોચનનો એ કાર્યક્રમ હતો. કાર્યક્રમનું આયોજન ‘સાગર મુવીટોન’ના ચીમનલાલ દેસાઇનાં પૌત્રવઘુ દક્ષા દેસાઇ અને પૌત્ર સુકેતુ દેસાઇએ કર્યું હતું. તેમના ભૂતપૂર્વ પાડોશી નાતે અને ફિલ્મ ઇતિહાસમાં રસ ધરાવનાર જણ તરીકે આમીરખાને પુસ્તકમાં પહેલેથી રસ લીધો હતો. પુસ્તકમાં તેમણે સરસ આવકાર લખી આપ્યો અને વિમોચનમાં હાજર રહેવાનું પણ હોંશભેર સ્વીકાર્યું હતું. પછી જાણવા મળ્યું કે તેમણે પોતાના બીજા થોડા મિત્રોને પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાનાં નોતરાં પાઠવી દીધાં હતાં. કારણ કે તેમને આ કાર્યક્રમ પોતીકો લાગતો હતો.

આ પોસ્ટના આરંભે જણાવેલા ટિકીટને લગતા ગોટાળાને કારણે થોડા મિત્રોને કાર લઇને મુંબઇ આવવું પડ્યું. પણ એ લોકો નવ કલાકમાં વેળાસર મુંબઇ પહોંચી ગયા. એટલે અમને હાશ થઇ. સાંજે વેળાસર અમે જિમખાના પહોંચી ગયા. કાર્યક્રમના આયોજન વિશે અમદાવાદથી જ બીરેન, દક્ષાબહેન, ચંદ્રશેખરભાઇ અને મુંબઇના સંચાલક યુનુસખાન સાથે મળીને અમે કાચી રૂપરેખા તૈયાર કરી દીધી હતી. તેમાં છેલ્લી ઘડીના નાના સુધારાઉમેરા સિવાય ખાસ કંઇ હતું નહીં. ખાર જિમખાના જેવું સ્થળ હોવાથી પુસ્તકોનાં ખોખાં ટેબલ નીચે ગોઠવી દેવાનાં હતાં. સામાન્ય સંજોગોમાં સાર્થક પ્રકાશનના કાર્યક્રમમાં અમે વિમોચન જેવી ઔપચારિકતા બહુ કડકાઇથી પાળતા નથી. એટલે પુસ્તકો પહેલેથી જ વેચાતાં હોય છે. આ કાર્યક્રમમાં વિમોચન બિલકુલ સત્તાવાર રીતે થવાનું હોવાથી વેચાણ પણ તેના પછી જ રાખ્યું હતું.

નાનકડું સ્ટેજ સજાવાઇ ગયું હતું. પાછળ અપૂર્વ આશરે બનાવેલો પ્રસંગને અનુરૂપ બેકડ્રોપ શોભતો હતો. તેની પર સાર્થક પ્રકાશનનું નામ વાંચીને માપસરનો આનંદ થતો હતો- અને સમય વીતે એમ એ આનંદમાં અનેક ગણો વધારો થતો રહેવાનો હતો. વિડીયો કેમેરા ગોઠવાઇ ગયા હતા. એટલે મીડિયાનો ધસારો રહેશે એવું જણાતું હતું. પણ તે કેટલી હદનો પ્રચંડ હશે એનો ત્યારે અંદાજ ન હતો. ૯૬ વર્ષનાં સુશીલારાણી પટેલ આવીને પહેલી હરોળમાં ગોઠવાઇ ગયાં હતાં. થોડી વારમાં ‘આવ્યા, આવ્યા’ થયું. જોયું તો અનિલ કપુર હતા.  કેમેરાની તડાપીટ બોલી. ફ્‌લેશના એટલા ઝબકારા થયા કે મોતી તો શું, આખેઆખી માળાઓ પરોવાઇ જાય.

અમારા માટે આ સરપ્રાઇઝ હતું. (પછી ખબર પડી કે આમીરખાને તેમને ફોન કર્યો હતો) ત્યાર પછી તો સુખદ સરપ્રાઇઝનો સિલસિલો શરૂ થઇ ગયો. વિઘુ વિનોદ ચોપરા આવ્યા અને અનિલ કપુરને ભેટીને ગોઠવાયા. ફરી ફોટોગ્રાફર્સ તરફથી ‘સર, સર’ની વિનંતીઓ ગાજી ઉઠી. એ શમે તે પહેલાં રાજકુમાર હીરાણી આવ્યા. કેમેરામેન-ફોટોગ્રાફરનાં ઝુંડમાં ઉત્તેજના, તક ઝડપી લેવાની તાલાવેલી અને તક ચૂકી ન જવાય તેની તત્પરતા ચરમ સીમાએ પહોંચ્યા. ત્યાં જ આવ્યા આમીરખાન. બહારથી જ મોટું ટોળું જમા થઇ ગયું હતું. એ આવ્યા. અંદર બધા મિત્રોને અને સુશીલારાણીને મળ્યા.
Amir Khan Greets Sushilarani Patel
ફોટોગ્રાફરોના ઝુંડને વિખેરવાનું અઘરું કામ પૂરું થયા પછી આમીરખાન સહિત સૌ સ્ટેજ પર ગોઠવાયા. એટલે પહેલું જ આમીરખાને સુકેતુભાઇની બાજુમાં બેઠેલા, પુસ્તકના લેખક બીરેનને  ઉષ્માભેર પૂછ્‌યું, ‘આર યુ મિસ્ટર કોઠારી?’ ઝીણી ઝીણી વિગતો અંગે બન્ને વચ્ચેની વાતચીતનો સિલસિલો આખા કાર્યક્રમ દરમિયાન ચાલુ રહેવાનો હતો.

(કાર્યક્રમની વઘુ વિગતો અને વઘુ તસવીરો બીજા ભાગમાં)

Tuesday, February 04, 2014

રાહુલ ગાંધી : પુખ્તતા અને રીઢાપણા વચ્ચેની પસંદગી

રાહુલ ગાંધીના રાજકારણપ્રવેશને ભલે દસ વર્ષ થઇ ગયાં હોય, પરંતુ આટલા લાંબા અને બિનઉપજાઉ સમય પછી બીજા કોઇ નેતાને ભાગ્યે જ મળે એવી તક તેમની પાસે હતી. અર્ણવ ગોસ્વામીને આપેલા ટીવી ઇન્ટરવ્યુમાં રાહુલ ગાંધી પોતાની દસ વર્ષ લાંબી એપ્રેન્ટિસશીપ, અવઢવ અને અસફળતા ભૂલાવીને, નવેસરથી શરૂઆત કરી શકે એમ હતા. જો તે સાચી દિશામાં થોડા ખોંખારા ખાય તો ઘણા લોકો તેમની દસ વર્ષની ‘દૂધપાક’ કારકિર્દી નજરઅંદાજ કરવા તૈયાર હતા.

પરંતુ રાહુલે એ તક લીધી નહીં. તેમનાં દાદી ઇન્દિરાએ લાદેલી કટોકટી વખતે ભલે રાહુલ દૂધપીતા બાળક હોય અને શીખ હત્યાકાંડ વખતે નિર્દોષ કિશોર. પણ અત્યારે તે પારિવારિક સત્તાની સાથે આ બન્ને કલંકોનો પણ વારસો ધરાવતા કોંગ્રેસી નેતા છે. બીજા પરંપરાગત કોંગ્રેસી નેતા પાસેથી તો કશી અપેક્ષા ન હોય, પણ જુદા હોવાનો દાવો કરતા રાહુલ આ બાબતે શું કહી શક્યા હોત? કેવી રીતે આ બન્ને કલંકોની રાખમાંથી તે પક્ષને ફિનિક્સની જેમ બેઠો કરી શક્યા હોત? અથવા કમ સે કમ પક્ષને અને રાજકારણને નવી દિશા ચીંધી શક્યા હોત?

‘ધારો કે હું રાહુલ ગાંધી હોઉં તો’- એવી કોઇ બાળબોધી  નિબંધાત્મક કલ્પનાની આ વાત નથી, પરંતુ ઘણા નાગરિકો કોંગ્રેસ-ભાજપના રાજકારણથી ત્રાસ્યા છે. તેમાં સુખદ પરિવર્તન આવે એવું તે ઇચ્છે છે. આવા નાગરિકો સીસ્ટમને બદલવાની વાત કરતા રાહુલ ગાંધી પાસેથી કેવી અપેક્ષા રાખે, એ અસલ મુદ્દો છે. આ બાબત આદર્શ કે અવાસ્તવિક લાગે, તો એટલું યાદ રાખવું કે આમઆદમી પક્ષ મુખ્ય ધારાના રાજકારણમાં હરીફ તરીકે ઉભરી ચૂક્યો છે. ભલે હજુ તે અથડાતો-કૂટાતો-ખોડંગાતો લાગે, પણ કોંગ્રસ-ભાજપ તેને નજરઅંદાજ કરી શકે એમ નથી. (વઘુ માહિતી માટે મળો યા લખો : શીલા દીક્ષિત, ભૂતપૂર્વ મુખ્ય મંત્રી, નવી દિલ્હી)

આમઆદમી પક્ષ ‘સંતત્વના રાજકારણ’માં છે. આ પ્રકારના રાજકારણની અનેક મર્યાદાઓ છે. પોતે ઊભી કરેલી અપેક્ષાઓના અસહ્ય ભારથી તૂટી પડવું અને લોકોને (વિરોધીઓને) ૧૦૦માંથી ૭૦ ખૂબીઓને બદલે ૩૦ ખામીઓ ચગાવવાની કાયમી તક આપવી, એ પણ આ પ્રકારના રાજકારણની મર્યાદા છે. છતાં કોંગ્રેસ-ભાજપના રાજકારણની દુર્ગંધમાં ‘આપ’થી આવેલી એક પ્રકારની તાજી હવાનો અને કોંગ્રેસ-ભાજપ છાપ રાજકારણ સામે ઉભા થયેલા પડકારનો ઇન્કાર થઇ શકે નહીં. સરાહુલ સાવ સંતત્વના રાજકારણનું અપનાવી લે એવી અપેક્ષા નથી. પરંતુ એક નવોદિત (કે ‘અનુભવી નવોદિત’) તરીકે તે ચીલો ચાતરીને, અહીં જણાવ્યું છે એવું કશુંક કહી શક્યા હોત તો?

અપેક્ષિત અભિવ્યક્તિ

‘૧૯૭૫ની કટોકટી અને ૧૯૮૪ના હત્યાકાંડ સાથે મારે- રાહુલ ગાંધીને-  સીધો કોઇ સંબંધ નથી. મારી અને મારા પછીની યુવા પેઢીની મોટે ભાગે આવી જ સ્થિતિ હશે. એ વખત હું રાજકારણમાં પણ પ્રવેશ્યો ન હતો. છતાં કોંગ્રેસના વર્તમાન નેતા તરીકે, એક નવી શરૂઆતના ભાગરૂપે, ભૂતકાળની એ બન્ને ઘટનાઓ વિશે હું જરા ખુલીને વાત કરવા માગું છું. ચર્ચા કરવા માટે દેશની અનેક નીતિવિષયક બાબતોને બદલે બે લગભગ ભૂલાઇ ગયેલી કે રાજકીય હેતુ માટે જ યાદ કરાતી ઘટનાઓની શા માટે ચર્ચા કરવી જોઇએ? એવું કોઇને થાય. પણ મને લાગે છે કે આ બોજ હળવો થશે, તો તેની અસર બીજી ઘણી બાબતો પર પડશે. ખાસ કરીને અમારી વિશ્વસનીયતા અને ન્યાય માટેની પ્રતિબદ્ધતા દર્શાવવા માટે પણ મને એ જરૂરી લાગે છે.’

‘દાદીની હત્યાનો આઘાત મેં અંગત રીતે અનુભવ્યો છે ને તેમણે લાદેલી કટોકટી વખતે લોકશાહીની હત્યા થઇ હતી, તેનો આઘાત હું કલ્પી શકું છું. મહાન નેતાઓની ભૂલો પણ મહાન હોય છે, એવી કહેણી મને સાંભરે છે. સાથે એ પણ યાદ રાખવું જોઇએ કે કટોકટી પછીની ચૂંટણીમાં પોતે હારશે એ નક્કી હોવા છતાં, ઇંદિરા ગાંધીએ કટોકટીનો અંત આણીને ૧૯૭૭માં ચૂંટણી જાહેર કરી હતી. એ રીતે તેમણે પોતાની ભૂલ કબૂલી, ચૂંટણીમાં હાર સ્વરૂપે તેની શિક્ષા ભોગવી અને બતાવી આપ્યું કે બંધારણીય લોકશાહી વિના ભારતનો ઉદ્ધાર નથી.’

‘હવે વાત શીખવિરોધી હત્યાકાંડની. આજે એના વિશે વિચાર સુદ્ધાં કરતાં શરમ આવે છે. તેના માટે દેશના વડાપ્રધાન અને કોંગ્રેસી પ્રમુખ દિલગીરી વ્યક્ત કરી ચૂક્યાં છે. માફી પણ માગી ચૂક્યાં છે. છતાં, મારા પહેલા જાહેર ઇન્ટરવ્યુ થકી હું  શીખ સમુદાયની અંતઃકરણથી માફી માગું છું - ફક્ત કોંગ્રેસના હોદ્દેદાર તરીકે જ નહીં, ઇંદિરા ગાંધીના પૌત્ર તરીકે પણ. ૧૯૮૪ના હત્યાકાંડમાં ભોગ બનેલાઓને ન્યાય મળવામાં બહુ વિલંબ થયો છે. તેમાં સંડોવણીનો આરોપ ધરાવતા લોકો સાથે પૂરતી કડકાઇથી કામ લેવાયું નથી. કેટલાક હવે આ દુનિયામાં પણ નથી ને કેટલાક સામે કાયદેસર કામ ચાલી રહ્યું છે. જસ્ટિસ ડીલેઇડ ઇઝ જસ્ટિસ ડીનાઇડ, એવી ઉક્તિ હું પણ માનું છું.’

‘આ પ્રશ્ન રાજકીય ફાયદા-નુકસાનનો ન હોઇ શકે. હું એટલું જ કહેવા માગું છું કે આ દેશમાં ન્યાય સૌને મળવો જોઇએ અને શક્ય એટલો ઝડપથી મળવો જોઇએ. મને લાગે છે કે આ દેશની સીસ્ટમ બદલવાની શરૂઆત મારે મારા પક્ષથી કરવી જોઇએ. હું એટલી ખાતરી આપું છું કે  હત્યાકાંડનો ભોગ બનેલાને ન્યાય અપાવવામાં કોંગ્રેસ તરફથી કોઇ કસર નહીં રખાય અને ચાલી રહેલી ન્યાયપ્રક્રિયામાં તે જરૂર પડ્યે રાજકીય નુકસાન વહોરીને પણ સહકાર આપશે.’

૧૯૮૪ અને ૨૦૦૨સરાહુલ ગાંધીએ આ જાતની પહેલ કરી હોત તો ૧૯૮૪ની હિંસા અને ૨૦૦૨ની હિંસાને સામસામાં પલ્લામાં મૂકીને એકબીજાનાં પાપો સરભર કરવાના કોંગ્રેસી-ભાજપી રાજકારણનો અંત આવત અને ન્યાયી નાગરિક-કારણની દિશામાં દરવાજો ખુલ્યો હોત. પરંતુ તેમણે પણ ૧૯૮૪ની સાથે ૨૦૦૨ની સરખામણી કરીને પોતાના પક્ષને ગેરવાજબી રીતે બે આંગળ ઊંચો મૂકવાનો પ્રયાસ કર્યો. તેમની સઘળી નિર્દોષતાને આ બચાવે ખરડી નાખી.

૧૯૮૪ સાથે ૨૦૦૨ વચ્ચેનો ફરક સમજાવતાં તેમણે કહ્યું કે ‘૧૯૮૪માં સરકાર હુલ્લડબાજી અટકાવા બઘું જ કરી રહી હતી, જ્યારે ગુજરાતમાં સ્થિતિ સાવ અવળી હતી. સરકાર હુલ્લડબાજીને ફેલાવી રહી હતી. એટલે બન્ને વચ્ચે મોટો તફાવત છે.’સસામાન્ય યાદદાસ્ત અથવા થોડો અભ્યાસ ધરાવતી કોઇ પણ વ્યક્તિ સમજી શકશે કે રાહુલનું મૂલ્યાંકન કેટલું સગવડિયું અને ખોટું છે. તેમાં બહુચર્ચિત એવી નબળી અભિવ્યક્તિનો સવાલ નથી. (કોઇ નેતાનું કેવળ તેની અભિવ્યક્તિથી માપ કાઢવું, એ કોઇ કળાકારની અભિનયશક્તિ પરથી તેની રાજકીય આવડત નક્કી કરવા બરાબર ગણાય.) મોટો સવાલ રાહુલની સમજણ અથવા દાનત અથવા બન્નેના અભાવનો છે. ૧૯૮૪માં કોંગ્રેસી નેતાઓ ખુલ્લેઆમ હત્યાઓ કરાવતા ઘૂમી રહ્યા હતા. સરકારે ‘શક્ય એટલા બધા’ પ્રયાસ ન કર્યા હોત અને કેવળ જગદીશ ટાઇટલર, સજ્જનકુમાર, એચ.કે.એલ.ભગત જેવા કેટલાક કોંગ્રેસી નેતાઓેને ઘરે (ખરેખર તો જેલમાં) બેસાડી દીધા હોત તો શક્ય છે કે શીખવિરોધી હિંસા કાબૂમાં રહેત. અને હા, રાહુલ ગાંધીએ સમજવું- સ્વીકારવું પડે કે ૧૯૮૪માં જે થયું તે (દ્વિપક્ષી) હુલ્લડ નહીં, (એકપક્ષીય) શીખ હત્યાંકાડ હતો. જલિયાંવાલા બાગ પછી કદાચ પહેલી વાર આટલા નિર્દોષોને આટલી એકપક્ષીય અને ઘાતકી રીતે સત્તાધીશોની ટોળકીઓ દ્વારા મોતને ઘાટ ઉતારાયા હશે.

એ દૃષ્ટિએ ૧૯૮૪ અને ૨૦૦૨ની સરખામણી નાગરિક તરીકે હતાશા અને રોષ ઉપજાવનારી છે- જાણે કેન્સર અને એઇડ્‌સ ‘તારા કરતાં હું સારો’ની હરીફાઇ થતી હોય. બન્ને વચ્ચેનો અગત્યનો  તફાવત રાહુલ ગાંધી ન કહી શક્યા એ ખેદજનક - અને ન જાણતા હોય તો આઘાતજનક- છે : ૧૯૮૪ની શીખવિરોધી હિંસાનો વ્યાપ આંગળીના વેઢે ગણાય એટલા દિવસો પૂરતો સીમિત હતો, જ્યારે ૨૦૦૨ની કોમી હિંસા મહિનાઓ સુધી ચાલી. તેના પરિણામે સર્જાયેલી મુસ્લિમોની રાહતછાવણીઓ વર્ષો સુધી ચાલી અને ગુજરાત સરકારે કદી એ ઘા પર મલમ લગાડવાનો પ્રયાસ કર્યો નહીં. ઉલટું વખતોવખત મુખ્ય મંત્રી અને બીજા નેતાઓ આ ઘા પર નમક છાંટતા રહ્યા. ‘મુખ્ય મંત્રીએ ૨૦૦૨ની હિંસામાંથી પોતાની રાજકીય કારકિર્દી બનાવી લીધી’ એવું એક્ટિવ વોઇસ- કર્તરિ પ્રયોગમાં ન લખવું હોય તો પેસિવ વોઇસ-કર્મણિ પ્રયોગમાં કહેવું પડે કે ‘આ હિંસા અને ત્યાર પછી સતત ટકાવાયેલા વિષયુક્ત વાતાવરણને લીધે મુખ્ય મંત્રીની કારકિર્દીને મોટો ફાયદો થયો.’

નાગરિકો માટે દુઃખની વાત એ થઇ કે બન્ને હિંસાચારમાં સરકારો ન્યાય માટે પગલાં ભરવાને બદલે ન્યાયના રસ્તે શક્ય એટલી અડચણો ઊભી કરતી રહી. શીખવિરોધી કે મુસ્લિમવિરોધી ઝનૂનને ‘ક્ષણિક’ કે ‘થોડા સમય પૂરતું’ ગણીને, ‘જાગ્યા ત્યાંથી સવાર’ની નીતિ એકેય સરકાર ઝડપથી કે હૃદયપૂર્વક અપનાવી શકી નથી. એ દૃષ્ટિએ રાહુલ ગાંધીના ૧૯૮૪ અંગેના નિવેદનની સરખામણી નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલાં લખેલા ૨૦૦૨ વિશેના બ્લોગ સાથે કરી શકાય. એ બન્નેમાં કબૂલાતને બદલે દિલચોરીનો અને જવાબદારીમાંથી છટકવાનો ચોખ્ખો ભાવ દેખાય છે. રાહુલ ૧૯૮૪ સાથે વારસાઇનો સંબંધ ધરાવે છે, જ્યારે મુખ્ય મંત્રી તરીકે મોદી ૨૦૦૨ માટે નૈતિક રીતે સીધા જવાબદાર છે. છતાં, નિર્દોષોનાં મૃત્યુ માટે કોણ જવાબદાર હતું એની વાત ગુપચાવી દઇને, મગરનાં - કે માણસનાં પણ- આંસુ સારવાથી ડાઘ ધોવાઇ જતા નથી.

રીઢા રાજકારણીઓ અત્યાર લગી આવું જ કરતા આવ્યા છે. પહેલા ટીવી ઇન્ટરવ્યુ પછી રાહુલે પણ એ યાદીમાં પેન્સીલથી પોતાનું નામ લખી દીઘું છે. 

Monday, February 03, 2014

ઓનલાઇન અફવાબાજી : ફુગ્ગાના જંગલમાં ટાંકણીઓની ઝરમર

‘કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના’ - એવી જૂની કહેણીમાં થોડો ફેરફાર કરીને ઇન્ટરનેટના જમાનામાં કહેવું પડે, ‘પોસ્ટ કરતા ભી દીવાના, શેર કરતા ભી દીવાના’.

થોડા વખત પહેલાં ચીનના પાટનગર બેજિંગનો એક ફોટો ફરતો થયો. તેમાં ઘુમ્મસછાયા શહેરની વચ્ચે મુકાયેલા એક વિરાટ એલઇડી સ્ક્રીન  પર સૂર્યોદય દેખાતો હતો. કૃત્રિમ સૂર્યોદયની આ તસવીર સાથેનું લખાણ એ મતલબનું હતું કે ‘બેજિંગમાં પ્રદૂષણ બહુ વધી ગયું છે. દિવસો સુધી સૂર્ય જોઇ શકાતો નથી. એટલે ચીનની સરકારે જાહેરમાં સ્ક્રીન મૂકીને લોકોને સૂર્યોદય બતાવવાની વ્યવસ્થા કરી છે. એ જોવા માટે લોકોનાં ટોળાં ઉમટી રહ્યાં છે.’

વાત સામાન્ય બુદ્ધિમાં ઉતરે એવી નથી, પણ ‘ચીનમાં કંઇ પણ શક્ય છે.’ એવું ધારીને ઇન્ટરનેટ પર આ તસવીર ‘ચીનની વાસ્તવિકતા’ તરીકે ફરતી થઇ ગઇ. ‘ફેસબુક’ કે ઓછી જાણીતી વેબસાઇટો તો ઠીક, ‘ટાઇમ’ અને ‘હફિંગ્ટન પોસ્ટ’ જેવી આંતરરાષ્ટ્રિય પ્રતિષ્ઠા ધરાવતી સાઇટોએ પણ સ્ક્રીન પર સૂર્યોદયના ‘સમાચાર’ ચમકાવ્યા.

વઘુ તપાસ પછી ઇન્ટરનેટના માઘ્યમ થકી જ જાહેર થયું કે એ સમાચાર ટાઢા પહોરનું ગપ્પું હતા અને મસાલેદાર સમાચારો માટે કુખ્યાત બ્રિટિશ ટેબ્લોઇડ ‘ધ ડેઇલી મેઇલે’ તે ચગાવ્યા હતા. ફોટો સાચો હતો, પણ હકીકત એ હતી કે ચીનમાં પ્રવાસનની જાહેરખબરો માટે જાહેર સ્થળોએ આવા સ્ક્રીન મુકાયા હતા. તેમાં ચાલતી જાહેરખબરમાં સૂર્યોદયનું દૃશ્ય ચાલતું હશે ત્યારનો આ ફોટો ફરતો થઇ ગયો.

આ બફાટથી એ પણ જણાયું કે પાશ્ચાત્ય પ્રસાર માઘ્યમો ચીન વિશે કંઇ પણ પ્રસિદ્ધ કરી શકે છે અને લોકો એ સાચું માની લેવા તૈયાર હોય છે. એમાં પણ હવામાનના પ્રદૂષણનો વિષય સૌથી લોકપ્રિય છે. ચીનમાં એ સમસ્યા ગંભીર છે એ સાચું, પણ તેને લગતું જે આવે તે ખરાઇ કર્યા વિના ચઢાવી દેવું - અને પછી પ્રામાણિકતાપૂર્વક કબૂલાત ન કરવી, માફી ન માગવી- એ સમસ્યા પણ ગંભીર ન કહેવાય? (તેને ઉતાવળીયા પત્રકારત્વનું પ્રદૂષણ કહી શકાય)

ફક્ત સ્ક્રીન-સૂર્યોદય જેવી હળવી બાબતોમાં આવી ‘ભૂલ’ થાય છે, એવું માની લેવું નહીં. આ જ અરસામાં, ઉત્તર કોરિયાના એક સમાચાર પણ ઇન્ટરનેટ પર અને અખબારોમાં ફરી વળ્યા હતા. તેમાં જણાવાયું હતું કે દેશના વડા કિમ જોંગે તેના કાકાને એવી રીતે મોતની સજા કરી કે તેમને નિર્વસ્ત્ર કરીને ૧૨૦ ભૂખ્યા શિકારી કુતરા છોડી મૂકવામાં આવ્યા. આ સમાચારમાં કેટલીક ક્રૂરતાપૂર્ણ વિગતો પણ  હતી. જેમ કે, ‘સજા’નો અમલ કિમ જોંગની હાજરીમાં થયો અને તેમણે આ દૃશ્યનો આનંદ લીધો.


થોડા સમય પછી આ સમાચાર પણ પાયા વગરના સાબીત થયા. હોંગકોંગના કોઇ અખબારે એ વહેતા કર્યા હતા. દક્ષિણ કોરિયા કે ચીનનાં પ્રસાર માઘ્યમો તો એને અડ્યાં નહીં, પણ બાકીના જગતમાં કૂતરાંએ કરેલા કાકાના કરુણ અંજામની કથા છવાઇ ગઇ. ચીનની જેમ ઉત્તર કોરિયા વિશે પણ સાચા સમાચાર મળવા અઘરા હોય છે અને ત્યાંના સરમુખત્યારો કંઇ પણ કરી શકે, એવી (અમુક અંશે સાચી) માન્યતા લોકો ધરાવે છે. પરંતુ સામાન્ય જનતા અને સમાચારની જવાબદારી ધરાવતા લોકો વચ્ચે ફરક ન હોવો જોઇએ?

‘બીજા લઇ લેશે અને આપણે રહી જઇશું તો?’ એવી સ્પર્ધાપ્રેરિત અસલામતી અને કશુંક જબરદસ્ત નવું શોધવાનો ઉત્સાહ ઘણી વાર ગોટાળાના રસ્તે દોરી જાય છે. વેબસાઇટ  પર આ ભયસ્થાન મોટા પ્રમાણમાં રહે છે. કારણ કે મસાલેદાર સમાચાર પહેલા રજૂ કરવાનો ફાયદો મોટો હોય છે અને એ ચૂકી જવાથી બીજી કોઇ સાઇટ એ તક લઇ જાય છે. એને બદલે, ખરાઇની ઝંઝટમાં પડ્યા વિના એક વાર ન્યૂઝ ચડાવી દેવા અને સચ્ચાઇ સામેથી દરવાજો ઠોકતી આવે, ત્યારે તેને પણ રજૂ કરવી, એવી નીતિ વેબસાઇટના સંચાલકો અપનાવી રહ્યા છે.

આ વર્ષના આરંભે અને ગયા વર્ષના અંતમાં ઇન્ટરનેટ પર અનેક ‘ધુપ્પલ’ મોટા પાયે ચાલી ગયાં. જેમ કે, એક બહેને પોતાની કાલ્પનિક ગરીબીની કથા હૃદયદ્રાવક રીતે લખી અને મદદની અપીલ કરી. તો તેમને ૬૦ હજાર ડોલર જેટલી મદદ ઇન્ટરનેટ થકી મળી.  એક ટીવી પ્રોડ્યુસરે ફક્ત ગમ્મત માટે એવી વાર્તા ઉપજાવી કાઢી કે વિમાની મુસાફરી વખતે તેમને એક સહયાત્રી સાથે તકરાર થઇ. આ તકરારમાં કરેલા ‘ટ્‌વીટ’ (ટિ્‌વટર પરનાં લખાણ) તેમણે ઇન્ટરનેટ પર મૂક્યાં, એટલે તે તત્કાળ હિટ થઇ ગયાં. આશરે ૫૬ લાખ લોકોએ ટિ્‌વટર પર ભજવાયેલું એ યુદ્ધ જોયું. જાણીતી વેબસાઇટ buzzfeed.com પર આ ટ્‌વીટ-યુદ્ધ મૂકાયું, તો તેને પણ ૧૫ લાખ લોકોએ જોયું. પછી પ્રોડ્યુસર મહાશયે જાહેર કર્યું કે ‘લડાઇ કેવી ને વાત કેવી? આ બધી તો મેં ઉપજાવી કાઢેલી કથા હતી. હું મારા ટ્‌વીટરના ફોલોઅર્સને કહેતો હતો ને એમાં સમાચારમાઘ્યમો ટપકી પડ્યાં.’

એકાદ ચટાકેદાર સ્ટોરીથી વેબસાઇટોના મુલાકાતીઓની સંખ્યામાં એકદમ ઉછાળો આવે. એટલે જાહેરખબરની આવક વધવાની ઉજળી શક્યતા રહે. સામે પક્ષે જોનારને સમય સિવાયનું કશું દેખીતું નુકસાન નથી. અણદેખીતું નુકસાન એ છે કે ગમે તેવી વસ્તુઓ વિના વિરોધે કે વગર વિચાર્યે માની લેવાની ટેવ દૃઢ બને છે. અંગ્રેજીમાં hoax તરીકે ઓળખાતી ફેંકાફેંક ઓળખી પાડવા માટે hoax-slayer.com જેવી સાઇટો ઘણા વખતથી ચાલે છે. પરંતુ સોશ્યલ નેટવર્કિંગની બોલબાલાના યુગમાં જૂઠાણાંનું પ્રમાણ વધી ગયું છે. ક્લિકભૂખી સમાચાર-સાઇટો  કોઇની મસ્તીને પણ ગંભીરતાથી સાઇટ પર રજૂ કરીને ક્લિક ઉઘરાવી જાય છે. સાચા અને ચેડાંગ્રસ્ત સમાચાર વચ્ચેનો ભેદ ઝડપથી ઉકેલવા માટે નવી સાઇટો અથવા ચાલુ સાઇટમાં નવા વિભાગ ઊભા કરવાનો રિવાજ વ્યાપક બની રહ્યો છે.theatlantic.com જેવી સાઇટ પરના સમાચાર અને gawker.com  પર શરૂ થયેલો વિભાગ AntiViral એનાં  ઉદાહરણ છે.

‘ઝેરનું મારણ ઝેર’ એ ન્યાયે ઇન્ટરનેટ થકી ફેલાયેલી અફવાને ઇન્ટરનેટ થકી રદીયો આપી શકાય છે. પરંતુ ખુલાસો થતાં સુધીમાં સાઇટ પર ટ્રાફિકની બરાબર ધડબડાટી બોલી ચૂકી હોય છે- અને સાઇટોને તેનો કશો અફસોસ પણ નથી હોતો. ‘અમારું કામ ઇન્ટરનેટ પર જે આવે છે તે રજૂ કરવાનું છે. અસલી દુનિયામાં એવું થયું હતું કે નહીં, એની ખરાઇ કરનારા જુદા હોય છે. તે અમારી જવાબદારી નથી.’ આવી માન્યતા ધરાવતો વર્ગ પણ પ્રસાર માઘ્યમોમાં છે.

કેટલાંક જૂઠાણાં કામચલાઉ હોય છે, તો કેટલાંક કાયમી. જેમ કે, ‘ગાંધીહત્યાની અંતિમ ક્ષણ’ અથવા ‘રાષ્ટ્રપિત્યાચા અંતિમ ક્ષણ’ એવું મથાળું ધરાવતું એક અખબારી કટિંગ પણ ઘણા વખતથી ઇન્ટરનેટ પર ફરે છે. તેમાં બંદૂકધારી ગોડસે અને ગાંધીજીની તસવીર નીચે લખવામાં આવ્યું છે કે મુંબઇની ગિરગામ ચોપાટીના એક દરજીની દુકાને આ દુર્લભ તસવીર ફ્રેમમાં સચવાયેલી હતી, જે આ અખબારે મહાપરાણે હાંસલ કરે છે. ગાંધીજીની હત્યા થઇ ત્યારે આ તસવીર કોઇ અંગ્રેજી અખબારમાં છપાઇ હોવાનું પણ તેમાં જણાવાયું છે.

નથુરામ ગોડસેનો ચહેરો અત્યંત જાણીતો હોવા છતાં, આ તસવીરમાં રહેલા સાવ જુદો ચહેરો ધરાવતા જણને લોકો નથુરામ ગોડસે માની બેસે છે. ગોડસે ગાંધી પર ગોળી ચલાવતા હોય ત્યારે આજુબાજુ ઉભેલા લોકો ટોળે વળીને જોઇ ન રહે, એટલો સાદો વિચાર પણ ‘કંઇક નવીન અને મસાલેદાર’ના ઉત્સાહમાં આવતો નથી. હકીકતમાં આ તસવીર સ્ટેન્લી વોલ્પર્ટના પુસ્તક ‘નાઇન અવર્સ ટુ રામ’ પરથી બનેલી ફિલ્મની છે, જેમાં ગાંધીહત્યા પહેલાંના નવ કલાકનો ઘટનાક્રમ આલેખવામાં આવ્યો હતો. ઇન્ટરનેટના જમાનામાં આ તસવીરને નવું જીવન મળ્યું છે. એ દર થોડા મહિને કે વર્ષે ચલણમાં આવતી અને નવા લોકોને ચકરાવે ચડાવતી રહે છે. (વધુ વિગતો માટે આ પોસ્ટ જુઓઃ http://urvishkothari-gujarati.blogspot.in/2011/06/blog-post_206.html )

ઇન્ટરનેટ-પ્રવાહોના અભ્યાસીઓને લાગે છે કે ૨૦૧૪નું વર્ષ, કમ સે કમ વેબસાઇટો માટે, ‘આ સમાચાર સાચા નથી’ એવાં મથાળાં ધરાવતા સમાચારનું વર્ષ બની રહેવાનું છે.