Wednesday, February 19, 2014

ખીલતે હૈં ખીલ યહાં...

વસંત ૠતુ વિશે ઘણું સાહિત્ય કે સ્યુડો-સાહિત્ય સર્જાયું છે, પરંતુ જીવન-વસંતનાં છડીદાર જેવાં ખીલને તેમાં સ્થાન મળ્યું નથી. ચંદ્રમુખી પ્રેમિકાના ગાલના તલ પર ઓવારી જનારા શાયરમિજાજ આશિકો તેના ચહેરા પર ઉગેલા ખીલ વિશે ‘ભેદી મૌન’ સેવે છે.

ચહેરા પર ઉગેલાં ખીલ સીધી સડકની વચ્ચોવચ્ચ રાતોરાત ઉભા થઇ ગયેલા ધર્મસ્થાન જેવાં હોય છે. એ સૌને ખટકતાં હોવા છતાં તેમને બળપ્રયોગથી દૂર કરી શકાતાં નથી. એમ કરવાથી મામલો વણસી જવાની ધાસ્તી રહે છે. તેમની સાથે ધીરજથી અને કુનેહથી કામ લેવું પડે છે અને મોટે ભાગે તો તેમની હાજરીથી ટેવાઇ જવાનું રહે છે.

‘ખીલ કેમ ઉગે છે?’ - આ જિજ્ઞાસાથી પ્રેરાયેલો સવાલ પણ હોઇ શકે અને દીર્ઘ નિશ્વાસ સાથે કરાયેલો ઉદ્‌ગાર પણ. બીજી શક્યતા વધારે તાર્કિક છે. ખીલ જોનારા લોકોને ખીલની ઉત્પત્તિ અને તેનાં કારણોની પંચાત સૂઝે, પણ જેમને ખીલબાણ વાગ્યાં હોય તેમના ચિત્તમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા નહીં, વ્યાકુળતા પ્રગટવાની સંભાવના વધારે હોય છે. ‘હજુ કાલ સુધી ચહેરો કેવો બેદાગ, બે-ખીલ હતો. ગાલની માવજતનો પર મને ગર્વ હતો. અવનવાં ટ્યુબ અને ક્રીમથી ચહેરાને મેં સુંવાળો રાખ્યો હતો. પણ રે નસીબ, આ ખીલે બધો ખેલ બગાડી નાખ્યો. કહે છે કે અભિમાન તો રાજા રાવણનું પણ ટક્યું ન હતું. તો શું શ્રી રામ કરતાં પહેલાં ખીલે જુવાનીમાં રાવણનું ગર્વમર્દન કર્યું હશે?’

ખીલ થતાં પહેલાંનો ચહેરો દૂરથી દેખાતા ચંદ્ર જેવો હોય છે, પણ ખીલ થયા પછી તે ચંદ્રની વાસ્તવિક સપાટી જેવો થઇ જાય છે. તેમાં ખીલનો, ગાલનો કે ચંદ્રનો પણ કશો વાંક નથી. એ કુદરતી પ્રક્રિયા છે. મરણને હોંશભેર ભેટવાની કે તેનું સ્વાગત કરવાની વાતો હજુ વાંચવા મળી જાય છે, પણ ખીલને આવકારવામાં તો ક્રાંતિકારી વિચારકો પણ ખમચાય છે. ‘મૌત મહેબૂબા હૈ’ ટાઇપની શાયરી કરનારા ખીલને મહેબૂબા તો શું, ‘જસ્ટ ફ્રેન્ડ’ તરીકે પણ કલ્પી શકતા નથી.

જુવાનીમાં પહેલાં ચહેરા પર ખીલ ફુટે કે મનમાં શાયરી, એ નક્કી કરવું અઘરું છે. બન્નેનો પોતપોતાનો ત્રાસ હોય છે. (જોકે, ખીલનો ત્રાસ જેને થયાં હોય તેને જ વેઠવો પડે છે, એ મહત્ત્વનો ફરક ખરો.) ખીલ ક્યારે ઉગશે એનો કોઇ નક્કી સમય હોતો નથી. તેને ઉગવા માટે ચોક્કસ પ્રકારના વાતાવરણ કે માવજતની જરૂર પડતી નથી. ભીંત ફાડીને પીપળો ઉગે કે ઉજ્જડ જમીનમાં થોરીયો ઉગે એમ, ચહેરા પર ખીલ અચાનક, શબ્દાર્થમાં ફૂટી નીકળે છે.

ચહેરાધારી શરીરને પીડાની સાધારણ અનુભૂતિ થાય છે- ખાસ કરીને એ ભાગ દબાય ત્યારે. શું દુઃખ્યું એની જાતતપાસ કે સ્થળતપાસ માટે અરીસામાં જોતાં ખ્યાલ આવે છે કે આ કારસ્તાન ખીલનાં છે. તેનાથી ચહેરાનું દૃશ્ય હિલ સ્ટેશનો પર જોવા મળતી ‘વન ટ્રી હિલ’- એક જ વૃક્ષ ધરાવતી પહાડી- જેવું થઇ જાય છે. આખા ચહેરા પર એક ખીલ. કોઇના આકસ્મિક મૃત્યુના સમાચાર પછી આવે એવા લાગણીતરંગો ખીલગ્રસ્તના મનમાં જાગે છે : ‘હજુ ગઇ કાલે તો વાળ ઓળતી વખતે મેં અરીસામાં ચહેરો જોયો હતો. એ વખતે કંઇ ન હતું.’ કેમ જાણે, ખીલ ‘મારે તમારા ચહેરા પર શા માટે ન આવવું તેની દિન સાતમાં જાણ કરવી’ એવી નોટિસ આપીને ફૂટી નીકળવાનું હોય.

ફુલની જેમ ખીલ પણ પહેલેથી પૂર્ણ કળાએ ખીલતું નથી. તેની શરૂઆત નાની સાઇઝની લાલાશ પડતી ફોલ્લીથી થાય છે. સહેજસાજ ફૂલેલો ભાગ જોઇને આશાવાદી જીવો માને છે કે બે-ચાર કલાકમાં એ ફોલ્લી ઉપસી છે એવી જ રીતે અદૃશ્ય થઇ જશે. થોડા કલાક પછી તેની તપાસ રાખવાનું યાદ રહેતું નથી અને બીજા દિવસે તેની પર ઘ્યાન પડે ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે. સૂમસામ રસ્તા પર ઊભેલી એકલીઅટૂલી સ્ટ્રીટલાઇટ અને તેની પર જલતા મર્ક્યુરી લેમ્પની જેમ, આખા ચહેરા પર એકનું એક ખીલ ઝળકતું જોવા મળે છે.

ફોલ્લી અને ખીલ વચ્ચે તબીબી તફાવત જે હોય તે, પણ સામાન્ય સમજણ એવી છે કે ચહેરાની શોભામાં પંક્ચર પાડે એ ફોલ્લી ખીલ કહેવાય. સોફ્‌ટ બોર્ડ પર લગાડેલી ટચુકડી પિનની જેમ ચહેરા પર જડાઇ ગયેલું ખીલ જોઇને એક વાર તો પિનની પદ્ધતિથી જ ખીલને ઉખાડી નાખવાની ઇચ્છા થઇ આવે છે. પરંતુ એવાં ‘પોલીસપગલાં’ લેવાથી ખીલનો પ્રશ્ન હૈદરાબાદની જેમ ઉકલવાને બદલે કાશ્મીરની જેમ ગુંચવાશે, એવું લાગતાં એ વિકલ્પ પર ચોકડી મારવી પડે છે.

ઘણા લોકો તબીબોના પરિવારની બહુ ચિંતા સેવતાં હોય છે. તે વિચારે છે કે આપણે વારે ઘડીએ ડોક્ટર જોડે દોડી નહીં જઇએ તો ડોક્ટરનાં બાળબચ્ચાં મોંઘીદાટ સ્કૂલોમાં કેવી રીતે ભણી શકશે? અને ડોક્ટરો દર વર્ષે વિદેશપ્રવાસો શી રીતે કરી શકશે? એવા લોકો ખીલ થાય તો પણ ડોક્ટરની સલાહ લેવા દોડી જાય છે. ડોક્ટરો પોતપોતાની આવડત અને સામેવાળાના ઉચાટ પ્રમાણે સાત્ત્વિક સલાહસૂચનથી માંડીને ખીલને સુકવી નાખવાની ગોળીઓ આપે છે. ખીલ ગરમીનું પ્રતિક છે કે રક્તદોષનું કે પછી જુવાનીનું, એ પણ દર્દી જોઇને નક્કી કરવામાં આવે છે. આ રીતે દવા લેવાથી ખીલ મટે કે ન મટે, દર્દીના શરીરની ગરમી ઓછી થાય કે ન થાય, ડોક્ટરના ખિસ્સાની ગરમી વધે છે.

ખીલ ચહેરાના કયા ભાગ પર અને કેટલી માત્રામાં થાય છે એ પણ મહત્ત્વનો મુદ્દો છે. સામાન્ય રીતે ખીલ મેદાની પ્રદેશમાં- એટલે કે ગાલ પર - ઉગવાનું વધારે પસંદ કરે છે. વારે ઘડીએ ચહેરો સાફ કરવાની કે ચહેરા પર હાથ ફેરવવાની ટેવ ધરાવતા લોકોને એવાં ખીલ બહુ નડે છે. દાઢી કરતા યુવાનોને ખીલ થાય ત્યારે રેઝર તેમને એક્સપ્રેસ હાઇ વે પર ચાલતી ગાડીની જેમ નહીં, પણ અમદાવાદની સડકો પર ચાલતી રિક્ષાની અદાથી, ખીલના ટ્રાફિકની વચ્ચેથી રસ્તો કાઢતું ચલાવવું પડે છે. તેમ છતાં, રિક્ષાની જેમ રેઝર પણ એકાદ ખીલને અડી જાય તો તત્કાળ લોહી નીકળવા માંડે છે.

ખીલનો જન્મ કુદરતની પરપીડનવૃત્તિમાંથી થયો હોય એવું જ લાગે. પણ કેટલાંક ખીલ વધારે અવળચંડાં હોય છે. તે ગાલના સપાટ પ્રદેશ પર ઉગવાને બદલે કપાળમાં કે નાકના પહાડની ટોચ પર ફૂટી નીકળે છે. નાકની ટોચે ઉગેલાં ખીલ તો વળી થોડા સમય માટે નાકનું એવું અવિભાજ્ય અંગ બની જાય છે કે હપ્તે હપ્તે નવું નાક ઉગતું હોય એવો અહેસાસ થાય. નાકની ટોચે ઉગેલું ખીલ ચહેરાધારક માટે શબ્દાર્થમાં ‘નાકનો સવાલ’ બની જાય છે. ગાલ પર ઉગતાં ખીલને નાબૂદ કરવા માટે લગાડાતાં લેપ કે ટ્યુબ નાક પર લગાડવાં અઘરાં બની જાય છે. જૂઠું બોલે એટલી વાર તનાવના કારણે નાક લાંબું થાય એવી બાળકથાના પાત્ર પિનોકીઓની કથા યાદ આવે છે. પરંતુ ખીલમાં એ લાગુ પાડી શકાતી નથી. કારણ કે વિજ્ઞાનની શોધોની જેમ ખીલ પણ મૂલ્યનિરપેક્ષ હોય છે. એ માણસના દુર્ગુણ કે સદ્‌ગુણ જોઇને ઉગતું નથી.

ખીલ મનુષ્યો પ્રત્યે રાખે છે એટલો સમભાવ મોટા ભાગના મનુષ્યો ખીલ વિશે કેળવી શકતાં નથી. ખીલગ્રસ્તોથી માંડીને ખીલદૃષ્ટાઓ સહિતના સૌ કોઇ ખીલને અને ખીલગ્રસ્ત ચહેરાઓને નીચી નજરે જુએ છે. ખીલના ખાડાટેકરામાં અટવાઇ ગયેલી તેમની દૃષ્ટિ ઘણી વાર ખીલગ્રસ્ત ચહેરાની પાછળ રહેલા માણસ સુધી પહોંચી શકતી નથી. 

2 comments:

  1. હા હા હા હા! લેખ ભલે ખીલ વિશે છે પણ અસલમાં એ - જેને જોતાંવેંત વહાલ કરવાનું મન થઈ આવે એવા બાળકના સ્વચ્છ, ખીલવિહોણા ચહેરા જેવો - આનંદપ્રેરક લાગ્યો. તાજેતરના ખીલ-અનુભવ પછી તો ખાસ! :-)

    ReplyDelete
  2. This was Khil Bill Vol. 3. ;) Outstanding fun piece.

    ReplyDelete