Tuesday, August 29, 2017

અદાલતી સક્રિયતાઃ આનંદ અને ચિંતા

છેલ્લા સાત દિવસ અદાલતોના હતા. સર્વોચ્ચ અદાલતમાં પહેલાં ટ્રિપલ તલાકનો ચુકાદો, પછી અંગતતાના અધિકારનો ચુકાદો અને છેલ્લે પંજાબ-હરિયાણા હાઇકોર્ટનો સરકારને ઠપકો તથા વડાપ્રધાનને યાદ દેવડાવવું કે તે કોઈ પક્ષના નહીં, આખા દેશના વડાપ્રધાન છે.. આ ઘટનાક્રમ એક સાથે આનંદ અને ચિંતાની લાગણી જગાડે એવો છે.

સૌથી પહેલાં ટ્રિપલ તલાકની વાત. એક જ સમયે ત્રણ વાર ‘તલાક’ બોલીને પત્નીને તત્કાળ છૂટાછેડા આપવાની જોગવાઈ સામાન્ય વાતચીતમાં ‘ટ્રિપલ તલાક’ તરીકે ઓળખાય છે અને ભારતીય મુસ્લિમોમાં ‘ઇસ્લામી’ ગણાય છે. ભલભલા ઇસ્લામી દેશોમાં તે પણ અસ્તિત્ત્વ ધરાવતી નથી. આમ, સામાન્ય સમજથી બિનઇસ્લામી અને અન્યાયી જણાતી આ જોગવાઈને પોતાની મેળે દૂર ન કરવી એ રૂઢિચુસ્તોનું પહેલું પાપ અને તેને ધર્મના નામે વળગી રહીને, કોમવાદી તત્ત્વોને બળતણ પૂરું પાડવું એ બીજું પાપ.

મુસ્લિમોમાંથી ઘણા સમજતા હશે કે ટ્રિપલ તલાક જેવી અન્યાયી જોગવાઈ ધર્મનો હિસ્સો ન હોઈ શકે. પણ ધર્મમાં ઉદાર મતવાદીઓ કરતાં રૂઢિચુસ્તોનું જોર વધારે હોય છે--ભારતીય મુસ્લિમોમાં સવિશેષ. ટ્રિપલ તલાકના વિરોધથી રૂઢિચુસ્ત મુસ્લિમોને દુખે છે, એ જાણ્યા પછી હિંદુત્વના ખેલાડીઓ તેના વિરોધમાં એકદમ ઉત્સાહી થઈ જાય, એ સમજાય એવું છે. આ ઉત્સાહને તે ‘મુસ્લિમ મહિલાઓની સમાનતા’ માટેનો ગણાવે, એ પણ દેખીતું છે.  (‘મુસ્લિમ મહિલાઓની સમાનતા’નો તેમનો ઉત્સાહ કેટલો રાજકીય છે, એ સમજવા માટે છઠ્ઠી ઇન્દ્રિયની જરૂર નથી. પાંચ જ પૂરતી છે.)

 હિંદુત્વનાં સંગઠનો ટ્રિપલ તલાકનો વિરોધ કરે, એટલે રૂઢિચુસ્ત મુસ્લિમો તેને વધારે જોશથી વળગે. તેમને એટલું ન સમજાય કે તે સામેના પક્ષના કોમવાદી રાજકારણને મદદરૂપ બની રહ્યા છે. (આમ પણ, સામસામા છેડાના બે રૂઢિચુસ્તો એકબીજાના વિરોધીની સાથોસાથ એકબીજાના પૂરક પણ હોય છે) સર્વોચ્ચ અદાલતની બૅન્ચે તત્કાળ ટ્રિપલ તલાક રદબાતલ ઠરાવ્યા તે પછી પણ જમિયત ઉલેમા-એ-હિંદે જાહેર કર્યું કે તે આ ચુકાદા સાથે અસંમત છે અને તે ટ્રિપલ તલાકને રદ ગણશે નહીં. અદાલત જે સજા કરવી હોય તે કરે.

તેમનું આવું વલણ મુસ્લિમોને ફાયદો કરશે કે કોમવાદના રાજકારણને? ‘ભાજપે કાવતરું કરીને ટ્રિપલ તલાક નાબુદ કરાવ્યા અને એ હવે મુસ્લિમોની બીજી પણ સ્વતંત્રતા છીનવી લેશે’--એવો ખોફ કોમવાદીઓ સિવાય કોઈના ભલામાં નથી. કેસ મુસ્લિમ મહિલાઓ કરે, ચુકાદો અદાલત આપે ને ટ્રિપલ તલાક નાબુદીનો જશ (કે આરોપ) ભાજપને? ખુબીની વાત એ છે કે આ બાબતમાં રૂઢિચુસ્ત મુસ્લિમો અને હિંદુત્વવાળા એક નાવમાં સવાર છે.

આઝાદીનાં સિત્તેર વર્ષ પછી મુસ્લિમોએ નાગરિક તરીકે અધિકારો માગવાની શરૂઆત કરવી રહી. એ ખરું કે ભારતમાં વૈવિધ્ય સામેના અને નાગરિક ભૂમિકા સામેના પડકાર વધી રહ્યા છે. પણ તેનો મુકાબલો સામુદાયિક કે સાંપ્રદાયિક ઓળખોને ઓળંગીને નાગરિક તરીકે કરવાથી, ઉત્તમ રીતે લડાઈ લડી શકાય છે.નાગરિક તરીકેની ઓળખ માટે વ્યક્તિગત ધર્મ અને સમુહગત-ધાર્મિક રૂઢિચુસ્તતા વચ્ચે ભેદ પાડવો પડે. પર્સનલ લૉ બીજી વ્યક્તિને અન્યાયકર્તા ન હોય, ત્યાં સુધી જ તેને સાંસ્કૃતિક કે ધાર્મિક ગણી શકાય. કુરાન ને શરિયામાં કેવો મહાન બોધ આપેલો છે તેની વાત કરવાને બદલે, તેને યથાશક્તિ અમલમાં મુકવાની કોશિશ કરવી પડે.  પોતાના ધર્મની મહાનતાનો દાવો કરનારા સૌને આ વાત લાગુ પડે છે. ધર્મની મહાનતા કે તેની મુશ્કેલીઓ ધર્મગ્રંથોમાં શું લખ્યું છે તેના આધારે નહીં, અનુયાયીઓ ધર્મના નામે શું કરે છે તેની પરથી નક્કી થાય છે.

નોંધપાત્ર છે કે ટ્રિપલ તલાકને રદબાતલ કરતો ચુકાદો આપનારા ત્રણમાંથી બે ન્યાયાધીશોએ આ પ્રથા બિનઇસ્લામી હોવાનું કારણ મુખ્ય ગણાવ્યું. વાસ્તવમાં, જેમ રાજકારણ તેમ ધર્મકારણની બાબતમાં પણ બંધારણનું હાર્દ સર્વોપરી ગણાવું જોઈએ. પુરાણી ધાર્મિક જોગવાઈઓ આધુનિક સમયમાં બહુ તો માર્ગદર્શક હોઈ શકે. તેમને આખરી કે નિર્ણાયક ગણવામાં આવે તે ચિંતાજનક છે. કહેવાતી કે ખરેખરી ધાર્મિક જોગવાઈઓ સાથે વ્યક્તિના અધિકારનો સંઘર્ષ થાય, ત્યારે વ્યક્તિનો અધિકાર ચડિયાતો ગણાવો જોઈએ.

બીજી તરફ સર્વોચ્ચ અદાલતના નવ-નવ ન્યાયાધીશોની બૅન્ચે વ્યક્તિના અંગતતાના અધિકારને માન્ય રાખ્યો છે. કેટલાકે એવી દલીલ કરી છે કે આ ચુકાદો ‘શરતો લાગુ’વાળો છે.  એ પણ ખરું કે સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી જંગ જીતાઈ ગયો નથી. પણ તેનાથી ચુકાદાની મહત્તા જરાય ઓછી થતી નથી. અંગત પસંદગીના અને વૈચારિક બહુમતી (કે ઘેટાશાહી)થી અલગ પડવાના જંગમાં લડવા માટે મહત્ત્વનું હથિયાર અદાલતના આ ચુકાદાથી મળ્યું છે. તેને શી રીતે નજરઅંદાજ કરી શકાય? ખાણીપીણી અને જાતીય વલણોથી માંડીને બીજી ઘણી બાબતોમાં સર્વોચ્ચ અદાલતનો ચુકાદો વ્યક્તિસ્વતંત્રતાની લડતને નવી-મજબૂત કુમક પુરી પાડનારો બની રહેશે. સરકારપક્ષે સુનાવણી દરમિયાન અંગતતાના અધિકારની સામે અનેક રજૂઆતો કરી હતી અને તેની પર શક્ય એટલી કાતર ફેરવવાનું વલણ રાખ્યું હતું. હવે અદાલતી ચુકાદા પછી સરકારે ફેરવી તોળ્યું છે અને ‘અમે પણ આવું જ કહેવા માગતા હતા’ એવું રટણ ચાલુ કર્યું છે.

સરકારનાં લક્ષણો પરથી વાત હરિયાણાના ગુરમીતની, જેણે ધર્મના નામે સમાંતર રજવાડું ચલાવ્યું. સવાલ ફક્ત ગુરમીતનો નથી. ગુજરાતના ઘણા લોકોને આસારામના ગુંડા પણ યાદ આવ્યા હશે. સારી યાદશક્તિ ધરાવનારાને એ પણ સાંભર્યું હશે કે સ્વાધ્યાય પરિવારનાં જયશ્રીદીદીની સામે પડેલા પંકજ ત્રિવેદીની હત્યા થઈ ગઈ હતી. આવા ગુના પાછળ રહેલી ગુંડાગીરી અને ધર્મને નામે ચાલતાં રજવાડાંની જાહોજલાલી શાસકોની મીઠી નજર વિના શક્ય બનતાં નથી. એકબીજાના ખોળામાં બેસવાની અશક્ય સિદ્ધિ આ કહેવાતા ગુરુઓ અને શાસકોએ સિદ્ધ કરેલી છે. આસારામનું રજવાડું ગુજરાતમાં હતું અને હજુ એ વિખેરાયું નથી. ગુજરાતમાં મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદી રહ્યા ત્યાં સુધી આસારામ પર ગંભીરમાં ગંભીર આરોપ થવા છતાં, તેમનું કશું થયું ન હતું. દીપેશ-અભિષેક હત્યાકેસમાં આસારામ સામે પહેલી વાર લોકોનો પ્રચંડ વિરોધ ઊભો થયો અને આ બાબતે ‘મૌનમોહન’ એવા મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સામે લોકોનો અસંતોષ જમા થવા લાગ્યો, એ જ અરસામાં અમદાવાદમાં બૉમ્બધડાકા થયા ને બધું ભૂલાઈ ગયું.

ગુરમીતો ને આસારામોને ‘હિંદુ’ ગણીને તેમના બચાવમાં ઉતરી પડવું, એ હિંદુ ધર્મનું ભારે અપમાન છે. આવા લોકોને પેદા કરવા માટે ફક્ત અંધશ્રદ્ધા કારણભૂત નથી. તેમનાં માફિયા સામ્રાજ્યો રાજકીય છત્રછાયા વિના આ હદે વિસ્તરી ને વકરી શકતાં નથી. આવા ગુંડાનું શું? એ તો એક જાય તો બીજા આવે. તેમના પાલનહાર એવા શાસકો અને આપણી અંધશ્રદ્ધા--એ અસલી ગુનેગારો છે. તેમને  સુધારવાનું કે સજા આપવાનું અને એવા બીજા પેદા ન થાય તે જોવાનું અદાલતોના નહીં, લોકોના હાથમાં છે.  

Thursday, August 24, 2017

વિભાજન, સ્ત્રીઓ પર અત્યાચાર અને 'લવ જેહાદ’

'લવ જેહાદ' શબ્દ જેટલી વાર કાને કે આંખે અથડાય છે, એટલી વાર 'મૂળસોતાં ઊખડેલાં' પુસ્તકની યાદ આવે છે.  ગયા સપ્તાહે એ પુસ્તક વિશેની થોડી વાત અહીં કરી હતી. લોહીયાળ-અમાનુષી રીતે ભારતના ભાગલા પડ્યા ત્યારે સ્ત્રીઓ પર મહત્તમ અત્યાચાર થયો. બન્ને બાજુએ મોટા પ્રમાણમાં સ્ત્રીઓનું અપહરણ કરવામાં આવ્યું. એવી સ્ત્રીઓને પાછી લાવવાની, માનવ ઇતિહાસમાં અનોખી અને કપરામાં કપરી કામગીરી મૃદુલા સારાભાઈની આગેવાની હેઠળ શરૂ થઈ.  એ કામ ઉપાડનારાં બહેનોમાંના એક એટલે નડિયાદમાં જન્મેલાં અને ગાંધી આશ્રમમાં ઉછરેલાં કમળાબહેન પટેલ/Kamla Patel. તેમણે 'મૂળસોતાં ઊખડેલાં’ શીર્ષક હેઠળ, મુખ્યત્વે પાકિસ્તાનમાં રહીને સ્ત્રીઓને પાછી આણવાની કામગીરીનું વર્ણન કર્યું. પણ તેને અને 'લવ જેહાદ'ને શો સંબંધ?

'મૂળસોતાં ઊખડેલાં’માં ભાગલા જેવા વિશિષ્ટ સમયખંડમાં, મુખ્યત્વે પંજાબના હિંદુ-શીખ અને મુસ્લિમો ભાન ભૂલીને ભયંકર હિંસા પર ઉતરી આવ્યા હતા, ત્યારની ઘટનાઓ આલેખાઈ છે. એવા અંતિમવાદી અને અકલ્પ્ય માહોલમાં પણ ભાગ પાડવા જ હોય તો 'હિંદુ અને મુસલમાન' કે 'શીખ અને મુસલમાન' એવા નહીં, પણ 'પુરુષ અને સ્ત્રી'--એવા જ પાડી શકાય એમ હતા. દરેકે દરેક કિસ્સો એક અલગ કથા હતો, જેને સમજવા માટે બીજા બનાવની ફુટપટ્ટી ઉપયોગમાં લઈ શકાતી ન હતી.  એટલે કે, સ્ત્રીઓ પર અત્યાચારના બધા બનાવોનું સામાન્યીકરણ કરી શકાતું ન હતું. તેનાથી અનેક ગણા સામાન્ય એવા અત્યારના માહોલમાં જ્યારે પણ હિંદુ છોકરી અને મુસ્લિમ છોકરાના સંબંધ કે લગ્નની વાત આવે ત્યારે ઝાઝી પડપૂછ કર્યા વિના, સીધું 'લવ જેહાદ'નું બૂમરાણ ચાલુ થઈ જાય છે. તેની માટે, યુવતીના ભવિષ્યની ચિંતાની કરતાં પણ વધારે બે બાબતો કારણભૂત હોય છેઃ છોકરીને સંપત્તિ અને છોકરીના લગ્નને કુટુંબની આબરૂનો સવાલ ગણવાની માનસિકતા તથા કોમવાદી લાગણીના જોરે ફૂલતુંફાલતું રાજકારણ.

તેની સરખામણીમાં કમળાબહેને, જરાય લાગણીજડ થયા વિના છતાં પૂરા સમભાવથી, એ સમયે તેમની સમક્ષ આવેલા અવનવા કિસ્સા મૂક્યા છે.  એક પ્રસંગમાં દિલ્હીના પિતા તેમની યુવાન પુત્રીની શોધમાં લાહોર આવ્યા હતા. તેમની પાસે માહિતી હતી કે લાહોરના એક જાણીતા ઘરમાં તેમની દીકરી હતી. પોલીસની મદદ લઈને છોકરીને પાછી લાવવા જતાં જરા પણ ગંધ આવી જાય તો એ છોકરીને એવી રીતે સંતાડી દેવામાં આવે કે પછી તેનો પત્તો જ ન લાગે. પણ છોકરીના પિતાના એક મિત્ર સ્થાનિક પોલીસ અફસર હતા. તેમની મદદને કારણે, સાંજ સુધીમાં પાકિસ્તાનની પોલીસ એ છોકરીને લઈ આવી અને કમળાબહેન પટેલની છાવણી પર મૂકી ગઈ.  સામાન્ય રીતે પાકિસ્તાની પોલીસનું વલણ સહકારભર્યું રહેતું નહીં. હકીકતમાં બન્ને પક્ષો સામેના લોકોનો વાંક કાઢીને પોતાની આડોડાઈ વાજબી ઠરાવતા અને 'જાઓ, પહેલે ઉનકા સાઈન લેકર આવો’ જેવી માનસિકતામાં રાચતા.

પણ આ કિસ્સામાં પોલીસ છોકરીને મુકી ગઈ. કમળાબહેને છોકરીને શાંત પાડ્યા પછી તેની વાત જાણી. તે લાહોર કૉલેજમાં ભણતી હતી ત્યારે મુસ્લિમ જમીનદારના દીકરાના પ્રેમમાં પડી. બન્ને લગ્ન કરવાનો નિર્ણય લીધો, પણ એ દિશામાં કંઈ થાય તે પહેલાં હુલ્લડો થયાં. એટલે છોકરીને લાહોર છોડીને પરિવાર સાથે દિલ્હી જવું પડ્યું. પણ છૂટા પડ્યા પછી બન્નેને ચેન પડતું ન હતું. એટલે પત્રથી નક્કી કરીને તેમણે લગ્નનો ફેંસલો કર્યો. નક્કી થયેલા દિવસે છોકરો વિમાનમાં દિલ્હી આવ્યો અને લગ્ન કરીને છોકરીને લાહોર લઈ ગયો.
એ છોકરીના પિતા અને પુત્ર છોકરીને પાછી મેળવવા માટે લાહોર આવ્યા અને તેમની રજૂઆત પછી લાહોર પોલીસ સાંજે છોકરીને છાવણીમાં મુકી ગઈ. ત્યાર પછી છોકરાના પક્ષે એવી રજૂઆત કરી કે છોકરી સ્વેચ્છાએ પરણીને આવી છે. પણ તે પહેલાં છોકરીની સોંપણી તેના પિતા અને ભાઈનેે થઈ ચૂકી હતી. એ બનાવને કારણે કમળાબહેનને થોડું સાંભળવાનું પણ આવ્યું. પરંતુ ચારેક દિવસ પછી છોકરીનો જ તેમની પર ફોન આવ્યો. તેણે કહ્યું,’દિલ્હીમેં રહા ન ગયા. માતાપિતાકો ધોખા દેકર વાપસ આ ગઈ હું. અબ મરને તક યહાં રહુંગી.’

એવી બીજી એક પ્રેમકહાનીમાં મુસ્લિમ યુવતી અને તેના હિંદુ પ્રેમીને કારણે ઘણી ખેંચતાણ ચાલી. મુસ્લિમ યુવતીને ભારતમાંથી પાકિસ્તાન મોકલી આપવામાં આવી હતી, પણ હિંદુ પ્રેમી એ નિર્ણય સ્વીકારી લેવા તૈયાર ન હતો. લાંબી કડાકૂટ પછી છોકરાની જીદ સામે નમતું જોખીને કમળાબહેનની સાથે મૃદુલાબહેન પણ છોકરીના ઘરે ગયાં. પરંતુ તેમની હાજરીમાં છોકરીએ બીજો જ સૂર કાઢ્યો. તેણે મૃદુલાબહેન પર આળ નાખતાં કહ્યું,’અમ્મા, વહ બાલકટી ઔર હૈ વહ મુઝે યહાં આને પર રોક રહી થી...’ અને તેના પ્રેમીના તો ટુકડા કરીને કુતરાને ખવડાવી દેવાની વાત કરી. આ વાત તેના પ્રેમીને કહેવામાં આવી, પણ તે સ્વીકારી શક્યો નહીં અને 'દેવદાસ' બની ગયો.

સ્ત્રીઓની પુનઃપ્રાપ્તિનું કામ પોતાને અનુકૂળ હોય ત્યાં સુધી લોકોને ગમતું, પણ પોતાની નીચે રેલો આવે ત્યારે તે કરગરીને, કકળાટ મચાવીને કે ખિજાઈને પોતાનો કક્કો ખરો કરાવવાની કોશિશ કરતા. કેટલાક લોકો તો બેશરમ બનીને એવી માગણી કરતા કે 'તમારી પાસે બહુ સ્ત્રીઓ આવે છે. અમને તેમાંથી એકાદ સ્ત્રી તો આપો.’  સામે પક્ષે એવા પણ કિસ્સા હતા, જેમાં અપહૃત સ્ત્રી કમળાબહેન કે તેમના સાથીદારો સાથે પાછા ફરવા ઇન્કાર કરતી. તેમાં બીકનું કે ધાકધમકીનું તત્ત્વ તો સમજી શકાય, પણ કેટલીક સ્ત્રીઓ નવી જગ્યાએ ગોઠવાઈ ગઈ છું. હવે ફરી પાછું ક્યાં અનિશ્ચિતતામાં કૂદવું? આ માણસ મને સારું રાખે છે અને પાછી આવ્યા પછી મારા કુટુંબનું ઠેકાણું નહીં પડે- તેમાંથી કોઈ મને નહીં મળે અને મળ્યા પછી નહીં સ્વીકારે તો હું શું કરીશ?’ એવું કારણ પણ આપતી.

પુસ્તકમાં આપેલા આંકડા પ્રમાણે, પાકિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા જમ્મુ-કાશ્મીરમાંથી પુનઃપ્રાપ્ત કરાયેલાં સ્ત્રી-બાળકોની સંખ્યા 9,032 હતી, જ્યારે ભારતમાંથી પુનઃપ્રાપ્ત કરાયેલાં અને પાકિસ્તાનને સોંપાયેલાં મુસ્લિમ સ્ત્રી-બાળકોની સંખ્યા 20,728 હતી. આ આંકડો 1947થી 1955 સુધીનો હતો. ત્યાર પછી આ કામગીરી બંધ થઈ. એ દરમિયાન અમાનવીય વર્તણૂંકના કંપાવનારા કિસ્સાની વચ્ચે વચ્ચે માણસજાત પરનો ભરોસો સાવ ઉઠી ન જાય અને ટકી રહે એવા પણ કિસ્સા નોંધાયા છે. તે આ પુસ્તકને જુદી ઊંચાઈ આપે છે.

નોંધઃ મુંબઈનાં સંધ્યાબહેન મહેતાએ ધ્યાન દોર્યું કે મૂળસોતાં ઉખડેલાંનો અંગ્રેજી અનુવાદ ઉમા રાંદેરિયા/ Uma Randeriyaએ Torn From Roots કર્યો છે. એમેઝોન-ફ્લિપકાર્ટ પર તે ઉપલબ્ધ નથી. પણ આ લિન્ક પર તે બતાવે છે.
https://www.swb.co.in/store/book/torn-roots

Sunday, August 20, 2017

ભાગલાની દાનવતા વચ્ચે માનવતાની મહાગાથાઃ મૂળસોતાં ઊખડેલાં

ભારતની આઝાદીના સિક્કાની બીજી બાજુ છેઃ દેશના ભાગલા. સવાલ ફક્ત ભૌગોલિક ભાગલાનો હોત તો એ કારુણી કદાચ આટલી ઊંડી ન હોત, પણ ધર્મઆધારિત રાજકારણે કોમી હિંસાને ભડકાવી. તેના કારણે સરહદની બન્ને બાજુ ભયંકર હિંસા થઈ. માણસજાત પરથી અને ખાસ કરીને પુરુષજાત પરથી ભરોસો જ ઉઠી જાય એવા સેંકડો બનાવ બન્યા. ભવિષ્યની પ્રજાએ કોમી ઝેરના રાજકારણથી કેમ બચીને ચાલવું જોઈએ, તેના પૂરતા બોધપાઠ વિભાજન સમયની હિંસામાં પડેલા હતા.

ભાગલા વખતની કંપાવનારી કથાઓની વાત થાય ત્યારે યોગ્ય રીતે જ સઅાદત હસન મંટોની વાર્તાઓનો ઉલ્લેખ થાય છે, પરંતુ મંટોની વિભાજનકથાઓના પ્રેમીઓમાંથી કેટલા ગુજરાતી વાચકોએ કમળાબહેન પટેલનું નામ સાંભળ્યું હશે? અલબત્ત, તેમાં નામ ન સાંભળનારાનો કશો વાંક નથી. એટલું જ કે તે કમળાબહેનના ઉત્તમ પુસ્તકથી વંચિત રહી ગયા તેનો એક ગુજરાતી વાચક તરીકે અફસોસ થાય છે.  અહીં કમળાબહેન અને મંટો વચ્ચે લખાણના વિષય સિવાય બીજી કોઈ બાબતે સરખામણી કરવાનો ઇરાદો નથી. છતાં, માનવમનના અંધારા ઓરડા ખોલી આપતી અને સમભાવના અજવાળે તેનો પરિચય કરાવતી મંટોની કલમની માફક, કમળાબહેનનું લખાણ હચમચાવી મૂકે એવું છે--શૈલીની કે સાહિત્યિકતાની રીતે નહીં, પણ તેની સામગ્રી અને કમળાબહેનના પોતાના અનુભવોને લીધે.

ભાગલા વખતે હિંદુ-શીખો અને મુસ્લિમોમાંથી કોણે હિંસાની શરૂઆત કરી ને કોણે વધુ હિંસા કરી એવા હિસાબો કાઢવાનું વ્યર્થ છે. હકીકત એ હતી કે બન્ને પક્ષે ભાન ભૂલીને હિંસા આચરી અને તેનો સૌથી વધારે પ્રમાણમાં ભોગ બની સ્ત્રીઓ. પુરુષપ્રધાન વિચારસરણીમાં સ્ત્રીને સંપત્તિ ગણવામાં આવતી હોવાથી, પુરુષોને પાઠ ભણાવવા માટે પણ સ્ત્રીઓ પર અત્યાચાર કરવામાં આવે છે. ભાગલા વખતે તેમાં એક ઓર સ્તર ઉમેરાયું. બીજા ધર્મની સેંકડો સ્ત્રીઓને બળજબરીથી ઉપાડી જવાઈ. બાળકોનાં પણ અપહરણ થયાં. ચોતરફ અંધાધૂંધી મચી હોય અને સૌ પોતાનું સંભાળવામાં પડ્યાં હોય, ત્યારે અપહૃત સ્ત્રી-બાળકોની સમસ્યા કોણ હાથમાં લે? અને એ પણ દુશ્માનવટથી છૂટા પડેલા દેશ સાથે?

એ મહાકાર્ય મૃદુલા સારાભાઈએ ઉપાડ્યું. અંબાલાલ સારાભાઈનાં પુત્રી અને ડૉ. વિક્રમ સારાભાઈનાં બહેન મૃદુલા ગાંધીવાદી કાર્યકર્તા અને પંડિત જવાહરલાલ નહેરુના અત્યંત નિકટના વર્તુળમાં ગણાતાં. તેમની નિસબત અને પહેલથી ભારત અને પાકિસ્તાન વચ્ચે અપહૃત સ્ત્રી-બાળકો પાછા મેળવવા બાબતે સત્તાવાર કરાર થયા.
ગાંધીજી સાથે મૃદુલા સારાભાઈ/ Mridula Sarabhai with Gandhiji

આ કામગીરીમાં મૃદુલાબહેનને કેટલીક પ્રતિબદ્ધ બહેનોનો સાથ મળ્યો. તેમાંના એક એટલે નડિયાદમાં જન્મેલાં અને મૂળ સોજીત્રાનાં કમળાબહેન પટેલ. તેમણે મુખ્યત્વે પાકિસ્તાનમાં, એકંદરે અસહકારી અને વિરોધી વલણ ધરાવતી સરકારની સાથે પનારો પાડીને, સ્ત્રીબાળકોની પુનઃપ્રાપ્તિનું જે કામ કર્યું, તેના અનુભવો તેમણે 'મૂળસોતાં ઊખડેલાં’ શીર્ષક હેઠળ આલેખ્યા. ગુજરાતી વાચકોના કમભાગ્યે ઝવેરચંદ મેઘાણી આઝાદી પહેલાં અવસાન પામ્યા હતા. બાકી, તેમની કમળાબહેન સાથે મુલાકાત થઈ હોત અને કમળાબહેનના 'મૂળસોતાં ઊખડેલાં’ સહિતના અનુભવો મેઘાણી જેવા પ્રચંડ સર્જકને મળ્યા હોત તો આપણને 'માણસાઈના દીવા’ની કક્ષાનું, છતાં સાવ જુદા જ વિષયનું ગુજરાતી પુસ્તક મળ્યું હોત.

એ ભલે શક્ય ન બન્યું, પણ તેનાથી 'મૂળસોતાં ઊખડેલાં’નું મૂલ્ય જરાય ઓછું થતું નથી. તેમાં આલેખાયેલા સ્ત્રીઓ-બાળકોના પુનઃપ્રાપ્તિકાર્યમાં સ્ત્રીઓની ભૂમિકા મુખ્ય હતી, તે નોંધપાત્ર છે અને ગાંધીયુગમાં જાહેર જીવનમાં સ્ત્રીઓની સામેલગીરી સૂચવે છે. પાકિસ્તાનમાં સ્થિતિ અલગ હતી. કમળાબહેને લખ્યું હતું,'પાકિસ્તાન જોઈતા પ્રમાણમાં સ્ત્રી કાર્યકર્તાઓ મેળવવામાં સફળ રહ્યું નહીં. કોઈ પણ ક્ષેત્રે તેમ જ વહીવટી કામ કરી શકે એવી સ્ત્રી કાર્યકર્તાઓ પાકિસ્તાનમાં તે સમયે આંગળીને વેઢે ગણી શકાય એટલી જ હતી. પાક સ્ત્રી કાર્યકર્તાઓની જવાબદારીઓ નિભાવવાનો ભાર ઘણી વખત અમારા તંત્ર પર આવી પડતો. દેશ, ધર્મ, કોમ ઇત્યાદિના ભેદથી ઉપર જઈ અમારા તંત્રની બહેનોએ આ જવાબદારીઓ સફળતાથી પાર પાડી...’

પારકી (પાકિસ્તાનની) ભૂમિ પર, અપહરણ કરાયેલી સ્ત્રીઓને પાછી લાવવાની કામગીરી કેવી હતી, તેનાં વિગતવાર ઉદાહરણની વાત કરતાં પહેલાં, તેનો સાધારણ, ઉપરછલ્લો અંદાજ કમળાબહેનના શબ્દોમાં, ‘ઘર, કુટુંબથી દૂર છાવણીજીવનની કઠણાઈઓ વેઠતાં, પોલીસટુકડી સાથે સમય-કસમયે દૂરદૂરનાં ગામોમાં પુનઃપ્રાપ્તિ માટે જવાનું અને મોટે ભાગે 3-4 કિલોમીટર જેટલું અંતર પગે કાપવાનું. (વાહન ગામ સુધી ન લઈ જવાનો ઉદ્દેશ પોલીસ આવવાની ગંધ લાગતાવળગતાઓને જાય એટલે અપહૃત સ્ત્રીઓને આઘીપાછી કરાતી તે ટાળવાનો હતો.) અપહરણકર્તાને ત્યાં જઈ પોલીસ દમદાટી કરે પણ કાર્યકર્તા બહેનો તો ત્યાં હાજર સર્વની સાથે ભારોભાર સભ્યતા દાખવતી. સૌથી કઠિનતમ કાર્ય તો છળી ગયેલી અપહૃતાના સાંત્વન આપી, સમજાવી, મનાવી પોતાની સાથે આવવા તૈયાર કરવાનું રહેતું. અપહરણકર્તા અને તેમના મિત્રો તરફથી વખતોવખત જાન લેવાની ખુલ્લી ધમકીઓ કાર્યકર્તા બહેનોને મળતી. હર પળે તેમને જાનના જોખમના ભય નીચે જીવવાનું રહેતું.’

અને જેમનું અપહરણ થયું હોય એ સ્ત્રીઓની પીડાની શી વાત કરવી? ‘પોતાનાં સ્વજનો, પતિ, પિતા, ભાઈ વગેરેના હત્યારા સાથે ભયભર્યું જીવન એમણે ગુજારવાનું હતું. એટલું જ નહીં, પણ અપહરણકર્તા અને તેનાં કુટુંબીજનોનો ખુલ્લો તિરસ્કાર (વિધર્મી હોવાનો) નતમસ્તકે સહન કરી એ સૌની સેવામાં ખડે પગે રહેવું પડતું. એનું પોતાનું કહી શકાય એવું ત્યાં કોઈ જ ન હતું કે જેની પાસે તે પોતાનું દુઃખ ઠાલવી મન હલકું કરે. ધા નાખવા માટે કાયદો, કચેરી કે સરકાર એને માટે ન હતાં. કારાવાસમાંથી છૂટવાની આશાનું ઝાંખું કિરણ પણ તેની ક્ષિતિજમાં નજરે ન પડતું. પુનઃપ્રાપ્તિની યોજના શરૂ થઈ છે તે સાંભળીને આ કમભાગીઓને લાગેલું કે આ વળી તેમને ઓલામાંથી ચૂલામાં નાખવાને કોઈ તરકટ ઊભું કરવામાં આવ્યું હતું.’

અવિશ્વાસ ફક્ત પુનઃપ્રાપ્તિ યોજના માટે જ નહીં, પોતાનાં અસલી કુટુંબીજનો વિશે પણ રહેતો. સ્ત્રીઓને મોટી ચિંતા એ રહેતી કે એક વાર 'વિધર્મી પાસે ભ્રષ્ટ થયા પછી’ કુટુંબીજનો જ સ્વીકાર નહીં કરે તો પોતાનું શું થશે? તેના કારણે ઘણી સ્ત્રીઓ માંડ ગોઠવાયેલી નવી પરિસ્થિતિ છોડીને, પોતાનાં કુટુંબીજનો પાસે પાછા જવાનો ઇન્કાર કરતી હતી. ઘણી સ્ત્રીઓને રસ્તામાં બીજા કોઈના હાથે પડીને (પહેલી વાર કે કેટલાક સંજોગોમાં, વધુ એક વાર) વેચાઈ જવાનો પણ ડર લાગતો. ભારત પાછા ફર્યા પછી પોતાના કુટુંબ સાથે મેળમિલાપ થશે કે નહીં તેની અનિશ્ચિતતા રહેતી. ઘણી વાર કુટુંબના સભ્યો માટે વિવિધ છાવણીઓમાં તપાસ ચલાવવી પડતી.
આટલા ભયંકર સંજોગોની વચ્ચે અને પુરુષપ્રધાન માનસિકતાની શયતાની અભિવ્યક્તિ વચ્ચે માનવમનની ઋજુ અને અટપટી લાગણીઓ કેવી રીતે માર્ગ કાઢતી હતી, તેનાં થોડાં ઉદાહરણ બીજા ભાગમાં. 

Wednesday, August 16, 2017

ફેસબુક ફ્રેન્ડશીપઃ સોબત કરતાં 'ફ્રૅન્ડ'ની...

કમ્પ્યુટર-ઇન્ટરનેટ આવતાં પહેલાં 'વિન્ડોઝ'નો અર્થ બારી, 'માઉસ'નો અર્થ ઉંદર અને 'ફ્રૅન્ડ'નો અર્થ મિત્ર થતો હતો. પણ ફેસબુકના જમાનામાં 'ફ્રૅન્ડ' એટલે જેની રીકવેસ્ટ સ્વીકારીને કે જેને રીકવેસ્ટ મોકલીને સંપર્કમાં આવી શકાય તે. એક જૂની પંક્તિમાં 'તાળી-મિત્રો' અને 'શેરી-મિત્રો' જેવા પ્રકાર પાડવામાં આવ્યા છે. 'લંગોટિયા મિત્રો' જાણીતા છે. રજનીકુમાર પંડ્યા જેવા વાર્તાકારે 'ભાઈ'બંધી જેવો શબ્દપ્રયોગ પણ કર્યો હતો. આ બધામાં નવો ઉમેરાયેલો છતાં અત્યારે સૌથી ચલણી પ્રકાર છેઃ ફેસબુક ફ્રૅન્ડ.

સુભાષિત પ્રમાણે, સાચા મિત્ર લાખોમાં એક હોય. પરંતુ ફેસબુક-મિત્ર (વધુમાં વધુ) પાંચ હજાર હોઈ શકે છે. મોટા ભાગના લોકો આખી જિંદગીમાં પાંચ હજાર લોકોને સીધા મળી શકતા ન હોય કે તેમના આડકતરા સંપર્કમાં પણ આવી શકતા ન હોય, ત્યારે પાંચ હજાર મિત્રોની વાત જ અદ્ધરતાલ લાગે. પણ એ હકીકત છે. અલબત્ત, ફેસબુક પર 'ફ્રૅન્ડ' શબ્દની અર્થચ્છાયા વિશાળ હોય છેઃ તેમાં સરખા વિચાર કે સમાન વલણ ધરાવતા, જાણીતા અને વાસ્તવિક (ઑફલાઇન)  દુનિયાના મિત્રો-પરિચિતો ઉપરાંત તમારાં લખાણ, તસવીરો, વિડીયોમાં રસ ધરાવતા, સમરસિયા કે સમદુખિયા, સતત પોતાની હાજરી પુરાવતા કે કદી પોતાની હાજરી છતી ન કરતા, 'લાઇક'ના બદલામાં 'લાઇક'ના અને વખાણના બદલામાં વખાણના વાટકી વ્યવહારની અપેક્ષા રાખનારાથી માંડીને કચકચિયા અને મલિન કે દુષ્ટ હેતુ ધરાવતા લોકો પણ 'ફ્રૅન્ડ’ હોઈ શકે છે. અને એવા પણ ખરા, જેમનાં લખ્ખણથી છૂટકારો મેળવવા માટે આખરે તેમને ફક્ત 'અનફ્રૅન્ડ' જ નહીં, 'બ્લૉક' કરવા પડે. એટલે કે તેમને માત્ર વિદાય કરીને સંતોષ માનવાને બદલે, તેમના મોં પર બારણું બંધ કરવું પડે.

ફેસબુક પરની 'ફ્રૅન્ડ'દુનિયા કેટલી ફાની છે, તેની રમુજો ઘણાં વર્ષોથી ચાલે છેઃ ફેસબુક પર પાંચ હજાર ફ્રૅન્ડ હોવા છતાં, અસલી દુનિયામાં જરૂર પડે ત્યારે કાગડા ઉડતા હોય ને કોઈ ફ્રૅન્ડનો બચ્ચો દેખાય નહીં. આવી રમુજો હાસ્ય માટે ઉત્તમ હોવા છતાં, સહેજ ગંભીરતાથી વિચારતાં લાગે કે તે 'ફ્રૅન્ડ' શબ્દ વિશેની આરંભિક ગેરસમજમાંથી પેદા થયેલી છે. પાંચ હજાર છોડો, પાંચસો કે સો ફ્રૅન્ડને પણ અસલી 'મિત્ર’ ગણી લેનાર કે પછી 'લાઇક'ની સંખ્યાને પોતાની સિદ્ધિ માની લેનારને આવી રમુજો લાગુ પડે છે અને વાસ્તવમાં એવી સ્થિતિનો સામનો પણ કરવાનો આવી શકે છે. ‘એનું ફ્રૅન્ડલિસ્ટ મારા ફ્રૅન્ડલિસ્ટ કરતાં મોટું કેમ?’ એવી ('ઉસકી સાડી મેરી સાડીસે સફેદ કૈસે?’ પ્રકારની)  લાગણીથી બચી શકનારા જાણતા હશે કે ફેસબુક પર ફ્રેન્ડલિસ્ટની લંબાઈ કે સંખ્યા નહીં, તેની ગુણવત્તા મહત્ત્વની છે.  (અલબત્ત,  ફેસબુક પર 'ફ્રેન્ડ' બનાવનારા બધા મિત્રની શોધમાં જ હોય, તે  જરૂરી નથી.)

વાસ્તવિક જીવનના બધા 'ફ્રેન્ડ' એકસરખા ગાઢ નથી હોતા. ‘હર એક ફ્રૅન્ડ જરૂરી હોતા હૈ' જેવી જાહેરખબરોમાં મિત્રાચારીનો ગમે તેટલો મહિમા કરવામાં આવે, પણ તાળી-મિત્રો અને શેરી-મિત્રો ઉપરાંત મિત્ર, ખાસ મિત્ર, અંગત મિત્ર, ખાસમખાસ મિત્ર, ભાઇ (કે બહેન) જેવો મિત્ર જેવા અનેક પ્રકાર લોકો પોતપોતાની સમજ પ્રમાણે પાડતા હોય છે. (પુરુષ મિત્ર કે સ્ત્રી મિત્રનો મામલો વળી અલગ છે.) મિત્રાચારીની પ્રગાઢતા કે નિકટતાનાં પણ વર્તુળ હોય છે. ઘણા મિત્રો ચોક્કસ વર્તુળમાં સ્થાયી રહે છે, તો કેટલાકની દૂર-નજીકના વર્તુળમાં અવરજવર પણ થતી રહે છે. પ્રત્યક્ષ વ્યવહારમાં આટલા પ્રકાર હોય તો ફેસબુક જેવા પરોક્ષ માધ્યમના 'ફ્રૅન્ડ’માં કેમ નહીં?  પરોક્ષતા ફેસબુક ફ્રેન્ડશીપની વિશિષ્ટતા છે. પ્રત્યક્ષ પરિચયમાં મર્યાદિત સંજોગોમાં જ મળવાનું થતું હોવાથી, મોટે ભાગે 'ફ્રેન્ડ'નાં બે-ચાર પાસાં નજરે પડતાં રહે છે, પરંતુ ફેસબુક પર તેમનાં લખાણ પરથી તેમના મનમાં પડેલી અને સામાન્ય સંજોગોમાં લાંબા સમય સુધી જાણવા ન મળે એવી (સારી અને ખરાબ) લાગણી દિવસોમાં પ્રગટ થઈ જાય છે. એટલે 'ફ્રેન્ડ ફ્રેન્ડ ના રહા'  એ ફેસબુક પરનું કરુણ નહીં, સામાન્ય વ્યવહારનું ગીત છે.

ફેસબુકના માધ્યમથી થતા 'ફ્રૅન્ડ'ની મર્યાદાઓ વિશે ઘણું લખાયું-કહેવાયું છે અને તેમાં તથ્ય છે. ફેસબુક અને એકંદરે સોશ્યલ મિડીયા-ઇન્ટરનેટ સામે સામાજિક રીતે સૌથી મોટી ટીકા એ છે કે લોકોને એકબીજા સાથે જોડવાના નામે, તેણે વાસ્તવિક દુનિયામાં લોકોને એકબીજાથી દૂર કર્યા છે. આ ટીકા સાચી હોવા છતાં તે સંપૂર્ણ ચિત્ર રજૂ કરતી નથી. ફેસબુકના કારણે કેટલાય લોકોએ જૂના-ખોવાયેલા મિત્રો મેળવ્યા છે. (એ જુદી વાત છે કે ઘણા કિસ્સામાં ખોવાયેલા મિત્રો જડી આવે અને પહેલી ધારનો ઉમળકો ઠલવાઈ જાય, પછી શું કરવું એ બન્ને પક્ષોને સમજાતું નથી.) ફેસબુકનો ઉપયોગ ફાલતુ ફાંકાફોજદારીથી માંડીને સેલિબ્રિટીગીરી છાંટવા થાય છે, તો એ જ માધ્યમ પર એવા લોકો પણ મળી આવે છે, જેમને ફેસબુક ન હોત તો કદાચ જ મળવાનું થયું હોત. 'તેમના વિના જીવનમાં અધૂરપ લાગત' એવું તેમને (ફેસબુક થકી) મળ્યા પછી ચોક્કસ કહી શકાય. બસો-પાંચસો કે પાંચ હજારમાંથી એવો એક 'ફ્રૅન્ડ' પણ બને, તો એ ફેસબુકની ખરી ઉપલબ્ધિ છે.

‘ફેસબુક’ પર 'ફ્રૅન્ડ’સંખ્યા વિશે આંકડાકીય કે ક્ષુલ્લક બડાઈની વાતો કે 'ફ્રૅન્ડ' સાથે મળીને થતી પરસ્પર પીઠખંજવાળ પ્રવૃત્તિને કારણે તેની ઘણી ટીકા થતી રહે છે. પરંતુ 'ફેસબુક' પર અસભ્યતા, ક્ષુલ્લકતા, હલકાઈ, અવિવેક, બડાઈખોરી, આત્મશ્લાઘા વગેરેના ઉછાળા મારતા સમુદ્રમાં ઉષ્મા અને લાગણીથી છલકાતા, સજ્જ છતાં સજ્જન લોકો મિત્ર તરીકે મળી આવે છે, તેનો મહિમા થવો જોઈએ તેટલો થતો નથી. આ એવા 'ફ્રૅન્ડ’ હોય છે, જેમને મળીને લાગે કે અત્યાર સુધી આને મળ્યા વિના કેવી રીતે રહી શકાયું? અથવા દરિયાકિનારે પથરાયેલી રેતી જેટલા 'ફેસબુક ફ્રૅન્ડ'માંથી આ કેવું મોતી મળી આવ્યું. પહેલાં આવી દોસ્તીઓ ક્યારેક (મુખ્યત્વે) પ્રવાસ-મુસાફરી દરમિયાન કે પછી પત્રમૈત્રી (પૅનફ્રૅન્ડશીપ) થકી થતી હતી. એટલે કે, તે અમુક લોકો માટે જ શક્ય હતી. હવે તેની સંભાવનાઓ બધા માટે ખુલી અને વધી ગઈ છે.

ટૅકનોલોજીની કંપની તરીકે 'ફેસબુક'ની કેટલીક કાર્યપદ્ધતિથી માંડીને લોકોને થઈ જતા તેના વ્યસન  અને તેમાં આડેધડ થતા સમય-શક્તિના બગાડ વિશે વાંધા હોઈ શકે. તેની પર ખરા 'ફ્રેન્ડ’ને બદલે સામાન્ય પરિચિતમાં પણ ન ગણી શકાય એવા 'ફ્રેન્ડ' અનેક ગણા વધારે મળી શકે. તેની પર ઘણી વાર વેઠવા પડતા 'ફ્રેન્ડ'ને કારણે 'ફ્રેન્ડ' શબ્દનો અભાવ થઈ શકે.  છતાં, જેને આ માધ્યમથી એક પણ સાચો 'ફ્રેન્ડ’ મળ્યો હશે તે સંમત થશે કે ફેસબુક પર દરેક દિવસ 'ફ્રેન્ડશીપ ડે' હોઈ શકે છે.

Wednesday, August 09, 2017

ભ્રષ્ટાચારવિરોધની ‘બ્લૂ વ્હેલ ગેમ’

બ્લૂ વ્હેલ ગેમ તરીકે ઓળખાતી એક રમત આજકાલ ચર્ચામાં છે.  આ રમતના પાપે ૧૦૦થી વધુ લોકોએ આપઘાત કર્યાના સમાચારથી માંડીને ખરેખર આવી કોઈ રમત છે કે કેમ, એ વિશે અનેક શંકાઓ છે.  તેની ચર્ચા આ લેખ પૂરતી બાજુ પર રાખીએ તો, રમતનો સાર એટલો જ છે કે જેની સાથે કશો સીધો સંબંધ કે પરિચય ન હોય, એવી કોઈ વ્યક્તિના ઇશારે માણસ પોતાની જાતને ઇજા પહોંચાડી શકે,  તેના આદેશને અનુસરીને પોતાનો જીવ લેવાની હદે જઈ શકે--અને તેમાં પોતાના અસ્તિત્વની કે મૃત્યુની સાર્થકતા માને.

સામાન્ય સમજ પ્રમાણે આ સ્વીકારવું અઘરું લાગે. પરંતુ આપણી આજુબાજુ એવું ઘણું ચાલી રહ્યું છે, જે સામાન્ય સમજમાં ઉતરે એમ નથી. મુંબઈના એક કિશોરની આત્મહત્યાને આ રમત સાથે સાંકળવામાં આવી છે. અલબત્ત, એ વિશે ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી. ખાતરી સાથે કહેવાય એવી વાત એ છે કે દેશના રાજકારણ અને જાહેર જીવનમાં બ્લુ વ્હેલ ગેમ જેવો માહોલ ખાસ્સા વખતથી ચાલી રહ્યો છે.  ઘણા લોકો હોંશે હોંશે પોતાની વિચારશક્તિ કોઈના ચરણે મૂકી શકે છે, ટૂંકા ગાળાની ‘કીક’ મેળવવા માટે કે કલ્પનાતરંગો સંતોષવા માટે લોકો પોતાના લાંબા ગાળાને હિતને નુકસાન પહોંચાડી શકે છે. જેની સાથે કશો સીધો સંબંધ ન હોય તેમના સીધા કે આડકતરા આદેશને ચાવી ભરેલા રમકડાની જેમ અનુસરી શકે છે. એટલું જ નહીં, તેમાં કશા ખચકાટનો નહીં,  ગૌરવનો અનુભવ કરે છે.  બ્લુ વ્હેલ ગેમની સરખામણીમાં આ રમત વધારે ખતરનાક અને વધારે વ્યાપક છે. છતાં તેના વિશે ચિંતા ઓછી ને જુદાં જુદાં છેતરામણાં લેબલ તળે તેનાં ઉજવણાં વધારે થાય છે.

આગળ જે ‘કીક’ કે ‘તરંગ’ની વાત કરી તેનું એક ઉદાહરણઃ ‘ભ્રષ્ટાચારનાબૂદીથી દેશનો ઉદ્ધાર’. યુપીએ સરકારની બીજી મુદતમાં એક પછી એક કૌભાંડ બહાર આવવા માંડ્યાં ત્યારે ભ્રષ્ટાચાર જાહેર જીવનનો કેન્દ્રીય મુદ્દો બન્યો. અન્ના હજારે-અરવિંદ કેજરીવાલના આંદોલને મહદ્ અંશે દેશના શહેરી મધ્યમ વર્ગના મોટા હિસ્સાને આંદોલિત કરી મૂક્યો.  દેશનું પહેલું ભ્રષ્ટાચારવિરોધી એવું ગુજરાતનું નવનિર્માણ જનઆંદોલન હોય કે પછી અન્ના હજારેવાળું, આખરે તે સત્તાધારી પક્ષ સામેનો અસંતોષ તીવ્ર બનાવવાનું કામ કરે છે. વિપક્ષો ‘ચતુર’ હોય તો તે આવા આંદોલનમાં હવા ફૂંકે અને બળતામાં ઘી પણ ઉમેરે. એ વખતે એવું જ લાગે, જાણે દેશમાં ભ્રષ્ટાચાર આ સરકારને જ કારણે છે અને એ જશે એટલે ભ્રષ્ટાચાર પણ જશે. વિપક્ષમાં જીભછૂટા ને તથ્યકંજૂસ નેતાઓ હોય ત્યારે વિદેશમાં ઠલવાયેલું કાળું નાણું સો દિવસમાં દેશમાં લાવવાની વાતો થાય અને દરેકના ખાતામાં રૂપિયા જમા કરાવવા જેવા ‘જુમલા’ પણ ઉચ્ચારાય.

રાજકારણમાં ભ્રષ્ટાચારના આરોપની મુશ્કેલી એ છે કે તેમની ગંભીરતા કર્મ કરતાં વધારે કર્તાના આધારે નક્કી થાય છે. ઇંદિરા ગાંધીયુગમાં ભ્રષ્ટાચાર વ્યાપક રીતે શિષ્ટાચાર બની ગયો, ત્યાર પછી સરકારો અને વહીવટી તંત્રોને ભ્રષ્ટાચારમુક્ત કરવાનો નારો ‘ગરીબી હટાવો’ના નારા જેવો જ પોકળ બન્યો. ભારતમાં ભ્રષ્ટાચારની મુખ્ય બે ગતિ છેઃકાબૂમાં રહેલો, લોકહિતને સીધું નુકસાન ન કરતો, સામાન્ય લોકોને સીધી અસર ન કરતો ભ્રષ્ટાચાર અને તેના કરતાં સાવ અવળાં લક્ષણ ધરાવતો ભ્રષ્ટાચાર. એ સિવાયની, ‘ભ્રષ્ટાચારમુક્ત’ જેવી અવસ્થા ફક્ત કલ્પનામાં કે વ્યક્તિપૂજાના નશાની હાલતમાં જ શક્ય બને છે.

નાગરિકોનું કામ ભ્રષ્ટાચારના ઉપર મુજબ બે ભાગ પાડવાનું છે, પણ રાજકીય પક્ષો રાજકીય વફાદારીના ચશ્મા પહેરાવીને નાગરિકોની દૃષ્ટિ ધૂંધળી કરે છે. પછી તેમને મન એક પક્ષનો ભ્રષ્ટાચાર અક્ષમ્ય બને છે અને બીજા પક્ષનો ભ્રષ્ટાચાર દેખાતો જ નથી. બ્લુ વ્હેલ ગેમના ‘શિકાર’ની જેમ જ, ઘણાની સમજ પર પડદો પડી જાય અને તેમને ફક્ત એટલું જ દેખાય, જેટલું તેમના મન પર કબજો જમાવનાર બતાવે.

એ વખતે તેમને પૂછવામાં આવે કે ભ્રષ્ટાચારવિરોધી લડવૈયા તરીકે મેદાને પડેલા નેતાઓના કે તેમની સરકારના ભ્રષ્ટ આચારોનું શું? તેમની સરકાર સામે ‘કૅગ’ના અહેવાલોમાં થતી કડક ટીકાઓનું અને તેની આડપેદાશ જેવા ગેરરીતિના આરોપોનું શું? તેમના નિકટના મંત્રીઓ પર થતા ભ્રષ્ટાચારના આરોપોનું શું? તો કોમ કે ધર્મ કે વિચારધારાના ઝનૂનથી પ્રેરિત એવી રાજકીય વફાદારી ધરાવનારાને આ સવાલો તુચ્છ લાગે છે.

ભ્રષ્ટાચારવિરોધની ‘બ્લુ વ્હેલ ગેમ’માં સામાન્ય સમજને નેવે મૂકવાનો આ પહેલો તબક્કો છે, જ્યારે ‘કેગ’ના અહેવાલને ટાંકીને કેન્દ્ર સરકારનો ઉગ્ર વિરોધ થાય છે, પણ એ જ સંસ્થાના રાજ્ય સરકાર વિશેના અહેવાલ લક્ષમાં પણ લેવાતા નથી--અને એમ કરવામાં ઘણાને કશો વિરોધાભાસ લાગતો નથી. રમતનો બીજો તબક્કો ભ્રષ્ટાચારના આરોપની ચાબુકના સટાકા બોલાવીને સત્તા હાંસલ કર્યા પછી શરૂ થાય. તેમાં ભ્રષ્ટાચારવિરોધનું ઉત્તેજક સંગીત ચાલુ રહે, પણ અગાઉ અપાયેલાં વચનોને અનુરૂપ ભ્રષ્ટાચાર સામેની નક્કર કાર્યવાહી જોવા ન મળે. સાથોસાથ, લોકોને જણાવવામાં આવે કે ‘રૂપિયા-બુપિયા કંઇ ન મળે. એ તો બધી કહેવાની વાત હતી. આટલું ન સમજ્યા?’ નવી સરકાર બન્યા પછી જે લોકો પહેલી તકે જેલમાં જશે એવું લાગતું હોય, એ લોકોને કંઈ ન થાય. ઉપરથી  ‘વ્યાપમં’ જેવાં, ભ્રષ્ટાચારના સિલસિલામાં કદાચ સૌથી ખૂની અને સૌથી વધુ લોકોનો ભોગ લેનારાં  કૌભાંડ ચાલ્યાં કરે ને એ જાહેર થાય તો બધું ભીનું સંકેલાઈ જાય.  પણ રમતનો પહેલો તબક્કો સફળતાપૂર્વક પાર કરીને ગેમમાં પ્રવેશી ચૂકેલા લોકોને તેનાથી ફરક ન પડે.  કેમ કે, આ રમતમાં આગળ જ વધવાનું હોય.

ત્રીજા તબક્કે રમત વધારે ગંભીર બને. ભ્રષ્ટાચારના વિરોધમાં અપેક્ષા મુજબ કશું થઈ રહ્યું નથી, એવી લાગણી અને તેનાથી થતું નુકસાન અટકાવવા માટે નોટબંધી જેવું આત્યંતિક પગલું લેવામાં આવે. તેમાં દેશના ચલણની 86 ટકા ચલણી નોટોને રદ કરી નાખવામાં આવે અને તેની પાછળના જાહેર આશયો છાશવારે બદલાતા રહે. રમતના આ તબક્કે લોકો વિના વાંકે હેરાનપરેશાન થાય, પણ તેમને કહેવામાં આવે કે એ ભ્રષ્ટાચારવિરોધનો જ હિસ્સો છે. એટલે ફરિયાદ કર્યા વિના ચૂપચાપ લાઇનમાં ઉભા રહો.

જાતને વિના વાંકે ઉઝરડા પાડવાના આ તબક્કે પણ લોકો ચૂપચાપ રમત ચાલુ રાખે, એ રમતની અને તેના આયોજકની ભવ્ય સફળતા ગણાય. રમતના ત્યાર પછીના તબક્કામાં, જેમને ભાંડીને ભ્રષ્ટાચારવિરોધની રમત શરૂ કરી હોય એ પક્ષના શક્ય એટલા નેતાઓને યેનકેનપ્રકારે પોતાના પક્ષમાં સમાવી લેવાની ઝુંબેશ ‘સ્વચ્છતાના અવતારો’ દ્વારા શરૂ થાય. ભ્રષ્ટાચારવિરોધી કાર્યવાહી ફક્ત રાજકીય વિરોધીઓને ઠેકાણે પાડવા પૂરતી સીમિત રહી જાય. છતાં ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશના દાવા એટલા જ જોરશોરથી ચાલુ રહે.

ઇન્ટરનેટની બ્લુ વ્હેલ ગેમ વિશેની ચિંતા કરતાં અનેક ગણી વધારે ભ્રષ્ટાચારવિરોધી બ્લુ વ્હેલ ગેમ અને તેનો શિકાર બનેલાની ચિંતા કરવા જેવી નથી લાગતી?

Thursday, August 03, 2017

નાગરિકી વિકલ્પના ઘડતરની તક

માંડ સિત્તેર વર્ષ જૂની ભારતીય લોકશાહીની શરૂઆત એક પક્ષના (કૉંગ્રેસના) વર્ચસ્વથી થઈ હતી. હવે ઇતિહાસનું ચક્ર પૂરું થઈ રહ્યું છે અને ભાજપનું વર્ચસ્વ સંપૂર્ણ બનવાના આરે છે. પંડિત નહેરુની આગેવાની હેઠળની કૉંગ્રેસ પાસે 'સ્વતંત્રતા સંગ્રામ લડનાર' તરીકેની મોટી મૂડી તથા પંડિત નહેરુ જેવા પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા પ્રતિભાશાળી નેતા હતા. વર્તમાન ભાજપ પાસે 'ભ્રષ્ટાચારવિરોધી જંગના લડવૈયા’ તરીકેની, આક્રમક પ્રયાસોથી ઊભી કરેલી અને પ્રાથમિક તપાસમાં જ ભાંગી પડે એવી છાપ છે. આઝાદી પછી કૉંગ્રેસ પાસે નહેરુ હતા,  હવે ભાજપ પાસે નરેન્દ્ર મોદી છે. નહેરુનો લોકમાનસ પર એવો પ્રભાવ હતો કે કૉંગ્રેસના પ્રતિક સાથે થાંભલો પણ ચૂંટણીમાં ઉભો રહે તો જીતી જાય (એવું કહેવાતું હતું). વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે હજુ એવું કહેવાતું નથી, પણ તેમણે ગુજરાતમાં અને કેન્દ્રમાં, ખાસ કરીને તેમના પક્ષના ઘણા નેતાઓને   થાંભલાના દરજ્જે લાવી મુક્યા છે.  ઘણા બધા નેતા પોતે પણ માનતા થઈ ગયા છે કે તે મોદીના પ્રતાપે ચૂંટણી જીતે છે.

સ્વસ્થ લોકશાહી માટે મજબૂત વિરોધ પક્ષ અનિવાર્ય છે--એવું નહેરુના સમયમાં કહેવાતું હતું ને અત્યારે પણ કહેવાય છે. લોકશાહીપ્રેમી નાગરિકોથી માંડીને ગાંધી પરિવારની ભક્તિ કરનારા અને પોતાની મોદીભક્તિને સુફિયાણી વાતો તળે સંતાડવાની નિષ્ફળ કોશિશ કરનારા સૌ કોઈ આવું કહી શકે છે.  પરંતુ આ ખ્યાલમાં વ્યવહારની રીતે અને સમજની રીતે કેટલીક મુશ્કેલી છે.

એક પક્ષ પાસે સત્તા હોય ત્યારે તેનો વિકલ્પ બીજા રાજકીય પક્ષમાં જ શોધવાનો થાય છે. નાગરિક સંગઠનો તે સ્થાન લઈ શકતાં નથી. કારણ કે, બન્ને ક્ષેત્રોમાં કામ કરવાની પદ્ધતિ, જરૂરિયાતો અને ભયસ્થાનો જુદાં છે. નાગરિક સંગઠનો કે નાગરિક અધિકારો માટે કામ કરતા બધા લોકો એટલે જ સહેલાઈથી રાજકારણમાં સફળ કારકિર્દી બનાવી શકતા નથી. નાગરિક અધિકારો માટે સંઘર્ષનું કામ કરનારાં સંગઠન જવા દો, કનુભાઈ કળસરિયા જેવા સેવાભાવી ડૉક્ટર પણ સ્થાનિક લોકો માટે સંઘર્ષમાં ઉતરે ત્યારે, રાજકારણમાં તેમની જગ્યા રહેતી નથી.  આ વ્યવહારુ મુશ્કેલી છે.

સમજની રીતે મુશ્કેલીની વાત કરીએ તો, સત્તાધારી પક્ષથી નારાજ સંગઠનો અને લોકો પાસે વિરોધ પક્ષનો સહારો લીધા વિના (મોટે ભાગે) બીજો આરો રહેતો નથી. મનેકમને, વિરોધમાં રહેલા પક્ષની બધી મર્યાદાઓ સ્વીકાર્યા પછી પણ, ‘સત્તાધીશોને પાઠ ભણાવવા પૂરતા’ તેમની સાથે હાથ મિલાવવા પડે છે. ઇંદિરા ગાંધીના ભ્રષ્ટાચાર અને તેમણે લાદેલી કટોકટીનો મુકાબલો કરતી વખતે આંદોલનના બિનરાજકીય નેતા જયપ્રકાશ નારાયણે સંઘ પરિવાર માટે રાજકીય સ્વીકૃતિનો દરવાજો ખોલ્યો. એ વખતે ઇંદિરા ગાંધીનું શાસન વધારે મોટું અનિષ્ટ લાગતું હતું. વધારે મોટા લાગતા અનિષ્ટને પછાડવા માટે એ વખતે નાના લાગતા અનિષ્ટની સાથે ઉભા રહેવું પડે, તેને આગળ કરવું પડે.  આમ કરવાની અસરો તરત જણાતી નથી. રાજકીય પક્ષો કે સંઘ પરિવાર જેવાં 'સાંસ્કૃતિક’ સંગઠનોનો પોતાનો એજેન્ડા હોય છે. તેમને નાગરિકભૂમિકા કે નાગરિકનિસબત સાથે પોતાના એજેન્ડાથી વધારે લેવાદેવા હોતી નથી.

પાછલાં વર્ષોમાં ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સામે નાગરિક ભૂમિકાએ લડીને તેમને હંફાવવાની કોઈ જગ્યા ન હતી. જાહેર જીવનની બિનરાજકીય વ્યક્તિઓના કેટલાક પ્રયાસ નિષ્ફળ ગયા. કારણ કે વિરોધ પક્ષ તરીકે કૉંગ્રેસને પણ એ મંજૂર ન હતું કે રાજકીય અખાડામાં ત્રીજો કોઈ ખેલાડી ઉતરે અને પોતે તેને ટેકો આપે. તે એવું જ ઇચ્છે કે 'ભાજપનો વિરોધ કરવો છે? તો અમારામાં જોડાઈ જાવ.’

રાજકારણમાં જોડાવું કોઈ રીતે અનિષ્ટ નથી, પણ હેતુની સ્પષ્ટતા પહેલેથી હોવી જોઈએ ને છેવટ સુધી રહેવી જોઈએ. તો ખરાબમાં ખરાબ ગણાતા પક્ષમાં રહીને પણ, પોતાના મતવિસ્તારના કે રાજ્યના લોકો માટે કંઈક કામ કરી શકાય છે. પરંતુ એવી સ્પષ્ટતા દુર્લભ છે. મોટે ભાગે તો, એક અનિષ્ટને હંફાવવા માટે બીજા અનિષ્ટની સાથે જોડાવાનો અર્થ થાયઃ'તમે અમારા પક્ષમાં આવી ગયા? ફાઇન. હવે તમારે હાઇકમાન્ડના આદેશ અને પક્ષની શિસ્તનું ધ્યાન રાખવું પડશે.’

સ્થાપિત રાજકીય પક્ષમાં એક માળખામાં રહીને મળતો સલામતીનો આભાસ અને આર્થિક તકો માણસને પોતાને હેતુ ભૂલાવી દે છે. પછી રાજકીય ખટપટો, પદ મેળવવાની આંતરિક ખેંચતાણ અને તેના માટેનાં સમીકરણ મુખ્ય બને છે. ટૂંકમાં, લોકશાહીની સ્વસ્થતા અને નાગરિકોના હિતના હેતુ માટે વિરોધ પક્ષને મજબૂત કરવા ગયેલા લોકો છેવટે એ જ સીસ્ટમના ભાગ બની જાય છે. કારણ કે લોકશાહીમાં, કમ સે કમ ભારતીય લોકશાહીમાં, રાજકીય પક્ષો વચ્ચેની છાવણીઓ અને લડાઈ ઘણુંખરું તકલાદી અને તકવાદી હોય છે. વાસ્તવિક ભાગ બે જ હોય છેઃ રાજકીય પક્ષો અને સામાન્ય નાગરિકો.

નાગરિકો અને તેમના માટે કામ કરવાનો દાવો ધરાવતાં સંગઠનો પાસે 'આમઆદમી પક્ષ’ જેવા વિકલ્પ ઉભા કરવાની સંભાવના હતી, છે અને રહેવાની છે. પરંતુ નાગરિક આંદોલનમાંથી રાજકારણમાં આવેલાએ કઈ બાબતોનું ધ્યાન રાખવું- શું ન કરવું અને રાજકારણમાં પ્રવેશવા માટે નાગરિક આંદોલનનો રસ્તો લેનારા વિશે નાગરિકોએ શું ધ્યાન રાખવું, એ બન્ને બાબતો 'આપ’ના અનુભવમાંથી શીખવા મળે છે. બાકી, ગુજરાતમાં બન્યું તેમ નાગરિક સંગઠનો દોઢ દાયકાથી કૉંગ્રેસના ભરોસે બેસી રહે, તે કંઈક કરશે એવી આશા સેવે, તે કશું નથી કરતી એવો ધોખો કરે, છતાં દર વખતે વિશફુલ થિંકિંગમાં વહીને કૉંગ્રેસ ભણી મીંટ માંડે, તેનાથી બહુ નુકસાન થાય છે.

 ‘આપ’ના ઉદય પછી ગુજરાતમાં પણ નાગરિક સંગઠનો માટે લોકલક્ષી રાજકારણમાં સક્રિય થવાની તક ઊભી થશે, એવું લાગ્યું હતું. પરંતુ અરવિંદ કેજરીવાલ ભાજપને સૌથી મોટો ખતરો લાગ્યા. એટલે તેમની વિશ્વસનિયતા ખતમ કરી નાખવામાં આવી અને કેજરીવાલે પણ એ પ્રક્રિયામાં પોતાની પ્રકૃતિ વડે ઘણો સહકાર આપ્યો. હવે ગુજરાતમાં કૉંગ્રેસની ઔપચારિકતાને ખતમ કરવાનું ચાલી રહ્યુ છે. બળવો કરવા નહીં, બળવો રોકવા માટે ધારાસભ્યોનું ધણ બેંગલુરુ હાંકી જવું પડે એવી કૉંગ્રેસની હાલત છે. સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર જેવો ચાવીરૂપ હોદ્દો ધરાવતા અહમદ પટેલને હારથી બચવાનાં ફાંફાં છે. દાયકાઓથી ગુજરાતમાં સત્તાબહાર રહેલી કૉંગ્રેસના નેતાઓને પણ ઉપાડી જવાનો ભાજપનો ઉત્સાહ શક્તિ કરતાં નબળાઈ અને ધૂર્તતાનો વધારે પરિચય આપે છે.

રહી વાત કૉંગ્રેસની. તેના શતમુખ પતન માટે નર્મદને યાદ કરીને કહેવું પડે, 'નવ કરશો કોઈ શોક.’ ભાજપમાં ન જવા ઇચ્છતા કૉંગ્રેસીઓ માટે હવે ગાંધીપરિવારની વફાદારીને બદલે મતદારલક્ષી રાજકારણમાં જવાનો અને પોતાની વિશ્વસનિયતા ફરી અંકે (રીડીમ) કરવાનો મોકો છે. નાગરિક સંગઠનો-આંદોલનો માટે કૉંગ્રેસની જૂની-જૂઠી આશા છોડીને, પોતાના પ્રયાસોથી નાગરિકશક્તિ સંગઠીત કરવાનો સમય છે. એ લાંબું છતાં શરૂ કરી દેવા જેવું કામ છે. તેમાં બીજા પક્ષો પર આશા નહીં હોય ને માથે બીજા કોઈ પક્ષના રાજકીય પાપોનું પોટલું પણ નહીં હોય.