Wednesday, August 09, 2017

ભ્રષ્ટાચારવિરોધની ‘બ્લૂ વ્હેલ ગેમ’

બ્લૂ વ્હેલ ગેમ તરીકે ઓળખાતી એક રમત આજકાલ ચર્ચામાં છે.  આ રમતના પાપે ૧૦૦થી વધુ લોકોએ આપઘાત કર્યાના સમાચારથી માંડીને ખરેખર આવી કોઈ રમત છે કે કેમ, એ વિશે અનેક શંકાઓ છે.  તેની ચર્ચા આ લેખ પૂરતી બાજુ પર રાખીએ તો, રમતનો સાર એટલો જ છે કે જેની સાથે કશો સીધો સંબંધ કે પરિચય ન હોય, એવી કોઈ વ્યક્તિના ઇશારે માણસ પોતાની જાતને ઇજા પહોંચાડી શકે,  તેના આદેશને અનુસરીને પોતાનો જીવ લેવાની હદે જઈ શકે--અને તેમાં પોતાના અસ્તિત્વની કે મૃત્યુની સાર્થકતા માને.

સામાન્ય સમજ પ્રમાણે આ સ્વીકારવું અઘરું લાગે. પરંતુ આપણી આજુબાજુ એવું ઘણું ચાલી રહ્યું છે, જે સામાન્ય સમજમાં ઉતરે એમ નથી. મુંબઈના એક કિશોરની આત્મહત્યાને આ રમત સાથે સાંકળવામાં આવી છે. અલબત્ત, એ વિશે ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી. ખાતરી સાથે કહેવાય એવી વાત એ છે કે દેશના રાજકારણ અને જાહેર જીવનમાં બ્લુ વ્હેલ ગેમ જેવો માહોલ ખાસ્સા વખતથી ચાલી રહ્યો છે.  ઘણા લોકો હોંશે હોંશે પોતાની વિચારશક્તિ કોઈના ચરણે મૂકી શકે છે, ટૂંકા ગાળાની ‘કીક’ મેળવવા માટે કે કલ્પનાતરંગો સંતોષવા માટે લોકો પોતાના લાંબા ગાળાને હિતને નુકસાન પહોંચાડી શકે છે. જેની સાથે કશો સીધો સંબંધ ન હોય તેમના સીધા કે આડકતરા આદેશને ચાવી ભરેલા રમકડાની જેમ અનુસરી શકે છે. એટલું જ નહીં, તેમાં કશા ખચકાટનો નહીં,  ગૌરવનો અનુભવ કરે છે.  બ્લુ વ્હેલ ગેમની સરખામણીમાં આ રમત વધારે ખતરનાક અને વધારે વ્યાપક છે. છતાં તેના વિશે ચિંતા ઓછી ને જુદાં જુદાં છેતરામણાં લેબલ તળે તેનાં ઉજવણાં વધારે થાય છે.

આગળ જે ‘કીક’ કે ‘તરંગ’ની વાત કરી તેનું એક ઉદાહરણઃ ‘ભ્રષ્ટાચારનાબૂદીથી દેશનો ઉદ્ધાર’. યુપીએ સરકારની બીજી મુદતમાં એક પછી એક કૌભાંડ બહાર આવવા માંડ્યાં ત્યારે ભ્રષ્ટાચાર જાહેર જીવનનો કેન્દ્રીય મુદ્દો બન્યો. અન્ના હજારે-અરવિંદ કેજરીવાલના આંદોલને મહદ્ અંશે દેશના શહેરી મધ્યમ વર્ગના મોટા હિસ્સાને આંદોલિત કરી મૂક્યો.  દેશનું પહેલું ભ્રષ્ટાચારવિરોધી એવું ગુજરાતનું નવનિર્માણ જનઆંદોલન હોય કે પછી અન્ના હજારેવાળું, આખરે તે સત્તાધારી પક્ષ સામેનો અસંતોષ તીવ્ર બનાવવાનું કામ કરે છે. વિપક્ષો ‘ચતુર’ હોય તો તે આવા આંદોલનમાં હવા ફૂંકે અને બળતામાં ઘી પણ ઉમેરે. એ વખતે એવું જ લાગે, જાણે દેશમાં ભ્રષ્ટાચાર આ સરકારને જ કારણે છે અને એ જશે એટલે ભ્રષ્ટાચાર પણ જશે. વિપક્ષમાં જીભછૂટા ને તથ્યકંજૂસ નેતાઓ હોય ત્યારે વિદેશમાં ઠલવાયેલું કાળું નાણું સો દિવસમાં દેશમાં લાવવાની વાતો થાય અને દરેકના ખાતામાં રૂપિયા જમા કરાવવા જેવા ‘જુમલા’ પણ ઉચ્ચારાય.

રાજકારણમાં ભ્રષ્ટાચારના આરોપની મુશ્કેલી એ છે કે તેમની ગંભીરતા કર્મ કરતાં વધારે કર્તાના આધારે નક્કી થાય છે. ઇંદિરા ગાંધીયુગમાં ભ્રષ્ટાચાર વ્યાપક રીતે શિષ્ટાચાર બની ગયો, ત્યાર પછી સરકારો અને વહીવટી તંત્રોને ભ્રષ્ટાચારમુક્ત કરવાનો નારો ‘ગરીબી હટાવો’ના નારા જેવો જ પોકળ બન્યો. ભારતમાં ભ્રષ્ટાચારની મુખ્ય બે ગતિ છેઃકાબૂમાં રહેલો, લોકહિતને સીધું નુકસાન ન કરતો, સામાન્ય લોકોને સીધી અસર ન કરતો ભ્રષ્ટાચાર અને તેના કરતાં સાવ અવળાં લક્ષણ ધરાવતો ભ્રષ્ટાચાર. એ સિવાયની, ‘ભ્રષ્ટાચારમુક્ત’ જેવી અવસ્થા ફક્ત કલ્પનામાં કે વ્યક્તિપૂજાના નશાની હાલતમાં જ શક્ય બને છે.

નાગરિકોનું કામ ભ્રષ્ટાચારના ઉપર મુજબ બે ભાગ પાડવાનું છે, પણ રાજકીય પક્ષો રાજકીય વફાદારીના ચશ્મા પહેરાવીને નાગરિકોની દૃષ્ટિ ધૂંધળી કરે છે. પછી તેમને મન એક પક્ષનો ભ્રષ્ટાચાર અક્ષમ્ય બને છે અને બીજા પક્ષનો ભ્રષ્ટાચાર દેખાતો જ નથી. બ્લુ વ્હેલ ગેમના ‘શિકાર’ની જેમ જ, ઘણાની સમજ પર પડદો પડી જાય અને તેમને ફક્ત એટલું જ દેખાય, જેટલું તેમના મન પર કબજો જમાવનાર બતાવે.

એ વખતે તેમને પૂછવામાં આવે કે ભ્રષ્ટાચારવિરોધી લડવૈયા તરીકે મેદાને પડેલા નેતાઓના કે તેમની સરકારના ભ્રષ્ટ આચારોનું શું? તેમની સરકાર સામે ‘કૅગ’ના અહેવાલોમાં થતી કડક ટીકાઓનું અને તેની આડપેદાશ જેવા ગેરરીતિના આરોપોનું શું? તેમના નિકટના મંત્રીઓ પર થતા ભ્રષ્ટાચારના આરોપોનું શું? તો કોમ કે ધર્મ કે વિચારધારાના ઝનૂનથી પ્રેરિત એવી રાજકીય વફાદારી ધરાવનારાને આ સવાલો તુચ્છ લાગે છે.

ભ્રષ્ટાચારવિરોધની ‘બ્લુ વ્હેલ ગેમ’માં સામાન્ય સમજને નેવે મૂકવાનો આ પહેલો તબક્કો છે, જ્યારે ‘કેગ’ના અહેવાલને ટાંકીને કેન્દ્ર સરકારનો ઉગ્ર વિરોધ થાય છે, પણ એ જ સંસ્થાના રાજ્ય સરકાર વિશેના અહેવાલ લક્ષમાં પણ લેવાતા નથી--અને એમ કરવામાં ઘણાને કશો વિરોધાભાસ લાગતો નથી. રમતનો બીજો તબક્કો ભ્રષ્ટાચારના આરોપની ચાબુકના સટાકા બોલાવીને સત્તા હાંસલ કર્યા પછી શરૂ થાય. તેમાં ભ્રષ્ટાચારવિરોધનું ઉત્તેજક સંગીત ચાલુ રહે, પણ અગાઉ અપાયેલાં વચનોને અનુરૂપ ભ્રષ્ટાચાર સામેની નક્કર કાર્યવાહી જોવા ન મળે. સાથોસાથ, લોકોને જણાવવામાં આવે કે ‘રૂપિયા-બુપિયા કંઇ ન મળે. એ તો બધી કહેવાની વાત હતી. આટલું ન સમજ્યા?’ નવી સરકાર બન્યા પછી જે લોકો પહેલી તકે જેલમાં જશે એવું લાગતું હોય, એ લોકોને કંઈ ન થાય. ઉપરથી  ‘વ્યાપમં’ જેવાં, ભ્રષ્ટાચારના સિલસિલામાં કદાચ સૌથી ખૂની અને સૌથી વધુ લોકોનો ભોગ લેનારાં  કૌભાંડ ચાલ્યાં કરે ને એ જાહેર થાય તો બધું ભીનું સંકેલાઈ જાય.  પણ રમતનો પહેલો તબક્કો સફળતાપૂર્વક પાર કરીને ગેમમાં પ્રવેશી ચૂકેલા લોકોને તેનાથી ફરક ન પડે.  કેમ કે, આ રમતમાં આગળ જ વધવાનું હોય.

ત્રીજા તબક્કે રમત વધારે ગંભીર બને. ભ્રષ્ટાચારના વિરોધમાં અપેક્ષા મુજબ કશું થઈ રહ્યું નથી, એવી લાગણી અને તેનાથી થતું નુકસાન અટકાવવા માટે નોટબંધી જેવું આત્યંતિક પગલું લેવામાં આવે. તેમાં દેશના ચલણની 86 ટકા ચલણી નોટોને રદ કરી નાખવામાં આવે અને તેની પાછળના જાહેર આશયો છાશવારે બદલાતા રહે. રમતના આ તબક્કે લોકો વિના વાંકે હેરાનપરેશાન થાય, પણ તેમને કહેવામાં આવે કે એ ભ્રષ્ટાચારવિરોધનો જ હિસ્સો છે. એટલે ફરિયાદ કર્યા વિના ચૂપચાપ લાઇનમાં ઉભા રહો.

જાતને વિના વાંકે ઉઝરડા પાડવાના આ તબક્કે પણ લોકો ચૂપચાપ રમત ચાલુ રાખે, એ રમતની અને તેના આયોજકની ભવ્ય સફળતા ગણાય. રમતના ત્યાર પછીના તબક્કામાં, જેમને ભાંડીને ભ્રષ્ટાચારવિરોધની રમત શરૂ કરી હોય એ પક્ષના શક્ય એટલા નેતાઓને યેનકેનપ્રકારે પોતાના પક્ષમાં સમાવી લેવાની ઝુંબેશ ‘સ્વચ્છતાના અવતારો’ દ્વારા શરૂ થાય. ભ્રષ્ટાચારવિરોધી કાર્યવાહી ફક્ત રાજકીય વિરોધીઓને ઠેકાણે પાડવા પૂરતી સીમિત રહી જાય. છતાં ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશના દાવા એટલા જ જોરશોરથી ચાલુ રહે.

ઇન્ટરનેટની બ્લુ વ્હેલ ગેમ વિશેની ચિંતા કરતાં અનેક ગણી વધારે ભ્રષ્ટાચારવિરોધી બ્લુ વ્હેલ ગેમ અને તેનો શિકાર બનેલાની ચિંતા કરવા જેવી નથી લાગતી?

1 comment:

  1. ઉર્વીશ --ભાઈ, આઝાદી પછી ગુલામી માં થી નવા નવા સત્તારૂઢ નેતાઓ ને દેશ ને લૂંટવામાં મહાવરો થઇ ગયો અને ગુલામી થી માનસિક રીતે ટેવાયેલ પ્રજા નવા પ્રકાર ના રાજઓ ની ગુલામી થી ટેવાઈ ગઈ છે. કોંગ્રેસ ની સરકારો આમાં દોષી છે.
    આપણે કઇં પણ સરકારી કામ કરાવા માટે રૂપિયા આપીયે છીએ , ને બાબુઓ , મંત્રીઓ લે છે, તે રઘુકુળ રીત બની ગઈ છે. માટે યથા પ્રજા યથા શાશકો. we deserve this looters. જીતનાર /સત્તાપક્ષ ની બધી બદીઓ /બુરાઈયો મીડિયા ને પ્રજા એક સાથે જોતાજ બંધ થઇ ને માત્ર સફળતા ના ઉગતા સુરજ ને પૂજવા માંડે છે ,તે સાલું આ દેશ ની જનતા નું કડવું સત્ય છે. ગણ્યા ગાંઠ્યા લોકો ને મીડિયા અવાઝ ઉઠાવતા રહે છે (often a minuscule minority ).
    30 ટકા ગરીબી રેખા નીચે જીવતા , કૃષિ ક્ષેત્ર માં મજૂરી કરી ખાતા ,70 % ટકા ગામડાઓ માં રહેતા, અભણ માણસો -પ્રજાતંત્ર માં 500 રૂપિયા માં વોટ નો સોદો કરતા જોયા છે. સાલું 11 ટકા અતિ ધનાઢ્ય લોકો પાસે આપણા દેશ નું 80 ટકા ધન છે, માટે દેશ માં ભયાનક આર્થિક અસમાનતા છે. અભણ, નોકરી ધંધા વિના ની પ્રજા પાસે પ્રજાતંત્ર ના ઉચ્ચ મૂલ્યો ની અપેક્ષા કરવી થોડુંક વધારે પડતું છે.
    મારા તમારા જેવા થોડાક ભણેલ ને ચીંતન કરી સકતા લોકો ને આ લંપટ રાજ નેતાઓ ની નફ્ફટાઈ ને મિથ્યા પ્રચાર દેખાય છે, અફસોસ મેજોરીટી પ્રજા અક્ષરસઃ તેમની વાતો ને સત્ય માની લે છે. માટે ભ્રસ્ટાચાર ને ભ્રસ્ટાચારીઓ બંને આ દેશ માં લાંબા ગાળા થી છે ને રહેવાના છે। alas ! Nevertheless keep raising your voice a vet valuable voice you are -the 4'h pillar of democracy. Oh ! wonderful article by the way.

    ReplyDelete