Thursday, August 03, 2017

નાગરિકી વિકલ્પના ઘડતરની તક

માંડ સિત્તેર વર્ષ જૂની ભારતીય લોકશાહીની શરૂઆત એક પક્ષના (કૉંગ્રેસના) વર્ચસ્વથી થઈ હતી. હવે ઇતિહાસનું ચક્ર પૂરું થઈ રહ્યું છે અને ભાજપનું વર્ચસ્વ સંપૂર્ણ બનવાના આરે છે. પંડિત નહેરુની આગેવાની હેઠળની કૉંગ્રેસ પાસે 'સ્વતંત્રતા સંગ્રામ લડનાર' તરીકેની મોટી મૂડી તથા પંડિત નહેરુ જેવા પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા પ્રતિભાશાળી નેતા હતા. વર્તમાન ભાજપ પાસે 'ભ્રષ્ટાચારવિરોધી જંગના લડવૈયા’ તરીકેની, આક્રમક પ્રયાસોથી ઊભી કરેલી અને પ્રાથમિક તપાસમાં જ ભાંગી પડે એવી છાપ છે. આઝાદી પછી કૉંગ્રેસ પાસે નહેરુ હતા,  હવે ભાજપ પાસે નરેન્દ્ર મોદી છે. નહેરુનો લોકમાનસ પર એવો પ્રભાવ હતો કે કૉંગ્રેસના પ્રતિક સાથે થાંભલો પણ ચૂંટણીમાં ઉભો રહે તો જીતી જાય (એવું કહેવાતું હતું). વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે હજુ એવું કહેવાતું નથી, પણ તેમણે ગુજરાતમાં અને કેન્દ્રમાં, ખાસ કરીને તેમના પક્ષના ઘણા નેતાઓને   થાંભલાના દરજ્જે લાવી મુક્યા છે.  ઘણા બધા નેતા પોતે પણ માનતા થઈ ગયા છે કે તે મોદીના પ્રતાપે ચૂંટણી જીતે છે.

સ્વસ્થ લોકશાહી માટે મજબૂત વિરોધ પક્ષ અનિવાર્ય છે--એવું નહેરુના સમયમાં કહેવાતું હતું ને અત્યારે પણ કહેવાય છે. લોકશાહીપ્રેમી નાગરિકોથી માંડીને ગાંધી પરિવારની ભક્તિ કરનારા અને પોતાની મોદીભક્તિને સુફિયાણી વાતો તળે સંતાડવાની નિષ્ફળ કોશિશ કરનારા સૌ કોઈ આવું કહી શકે છે.  પરંતુ આ ખ્યાલમાં વ્યવહારની રીતે અને સમજની રીતે કેટલીક મુશ્કેલી છે.

એક પક્ષ પાસે સત્તા હોય ત્યારે તેનો વિકલ્પ બીજા રાજકીય પક્ષમાં જ શોધવાનો થાય છે. નાગરિક સંગઠનો તે સ્થાન લઈ શકતાં નથી. કારણ કે, બન્ને ક્ષેત્રોમાં કામ કરવાની પદ્ધતિ, જરૂરિયાતો અને ભયસ્થાનો જુદાં છે. નાગરિક સંગઠનો કે નાગરિક અધિકારો માટે કામ કરતા બધા લોકો એટલે જ સહેલાઈથી રાજકારણમાં સફળ કારકિર્દી બનાવી શકતા નથી. નાગરિક અધિકારો માટે સંઘર્ષનું કામ કરનારાં સંગઠન જવા દો, કનુભાઈ કળસરિયા જેવા સેવાભાવી ડૉક્ટર પણ સ્થાનિક લોકો માટે સંઘર્ષમાં ઉતરે ત્યારે, રાજકારણમાં તેમની જગ્યા રહેતી નથી.  આ વ્યવહારુ મુશ્કેલી છે.

સમજની રીતે મુશ્કેલીની વાત કરીએ તો, સત્તાધારી પક્ષથી નારાજ સંગઠનો અને લોકો પાસે વિરોધ પક્ષનો સહારો લીધા વિના (મોટે ભાગે) બીજો આરો રહેતો નથી. મનેકમને, વિરોધમાં રહેલા પક્ષની બધી મર્યાદાઓ સ્વીકાર્યા પછી પણ, ‘સત્તાધીશોને પાઠ ભણાવવા પૂરતા’ તેમની સાથે હાથ મિલાવવા પડે છે. ઇંદિરા ગાંધીના ભ્રષ્ટાચાર અને તેમણે લાદેલી કટોકટીનો મુકાબલો કરતી વખતે આંદોલનના બિનરાજકીય નેતા જયપ્રકાશ નારાયણે સંઘ પરિવાર માટે રાજકીય સ્વીકૃતિનો દરવાજો ખોલ્યો. એ વખતે ઇંદિરા ગાંધીનું શાસન વધારે મોટું અનિષ્ટ લાગતું હતું. વધારે મોટા લાગતા અનિષ્ટને પછાડવા માટે એ વખતે નાના લાગતા અનિષ્ટની સાથે ઉભા રહેવું પડે, તેને આગળ કરવું પડે.  આમ કરવાની અસરો તરત જણાતી નથી. રાજકીય પક્ષો કે સંઘ પરિવાર જેવાં 'સાંસ્કૃતિક’ સંગઠનોનો પોતાનો એજેન્ડા હોય છે. તેમને નાગરિકભૂમિકા કે નાગરિકનિસબત સાથે પોતાના એજેન્ડાથી વધારે લેવાદેવા હોતી નથી.

પાછલાં વર્ષોમાં ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સામે નાગરિક ભૂમિકાએ લડીને તેમને હંફાવવાની કોઈ જગ્યા ન હતી. જાહેર જીવનની બિનરાજકીય વ્યક્તિઓના કેટલાક પ્રયાસ નિષ્ફળ ગયા. કારણ કે વિરોધ પક્ષ તરીકે કૉંગ્રેસને પણ એ મંજૂર ન હતું કે રાજકીય અખાડામાં ત્રીજો કોઈ ખેલાડી ઉતરે અને પોતે તેને ટેકો આપે. તે એવું જ ઇચ્છે કે 'ભાજપનો વિરોધ કરવો છે? તો અમારામાં જોડાઈ જાવ.’

રાજકારણમાં જોડાવું કોઈ રીતે અનિષ્ટ નથી, પણ હેતુની સ્પષ્ટતા પહેલેથી હોવી જોઈએ ને છેવટ સુધી રહેવી જોઈએ. તો ખરાબમાં ખરાબ ગણાતા પક્ષમાં રહીને પણ, પોતાના મતવિસ્તારના કે રાજ્યના લોકો માટે કંઈક કામ કરી શકાય છે. પરંતુ એવી સ્પષ્ટતા દુર્લભ છે. મોટે ભાગે તો, એક અનિષ્ટને હંફાવવા માટે બીજા અનિષ્ટની સાથે જોડાવાનો અર્થ થાયઃ'તમે અમારા પક્ષમાં આવી ગયા? ફાઇન. હવે તમારે હાઇકમાન્ડના આદેશ અને પક્ષની શિસ્તનું ધ્યાન રાખવું પડશે.’

સ્થાપિત રાજકીય પક્ષમાં એક માળખામાં રહીને મળતો સલામતીનો આભાસ અને આર્થિક તકો માણસને પોતાને હેતુ ભૂલાવી દે છે. પછી રાજકીય ખટપટો, પદ મેળવવાની આંતરિક ખેંચતાણ અને તેના માટેનાં સમીકરણ મુખ્ય બને છે. ટૂંકમાં, લોકશાહીની સ્વસ્થતા અને નાગરિકોના હિતના હેતુ માટે વિરોધ પક્ષને મજબૂત કરવા ગયેલા લોકો છેવટે એ જ સીસ્ટમના ભાગ બની જાય છે. કારણ કે લોકશાહીમાં, કમ સે કમ ભારતીય લોકશાહીમાં, રાજકીય પક્ષો વચ્ચેની છાવણીઓ અને લડાઈ ઘણુંખરું તકલાદી અને તકવાદી હોય છે. વાસ્તવિક ભાગ બે જ હોય છેઃ રાજકીય પક્ષો અને સામાન્ય નાગરિકો.

નાગરિકો અને તેમના માટે કામ કરવાનો દાવો ધરાવતાં સંગઠનો પાસે 'આમઆદમી પક્ષ’ જેવા વિકલ્પ ઉભા કરવાની સંભાવના હતી, છે અને રહેવાની છે. પરંતુ નાગરિક આંદોલનમાંથી રાજકારણમાં આવેલાએ કઈ બાબતોનું ધ્યાન રાખવું- શું ન કરવું અને રાજકારણમાં પ્રવેશવા માટે નાગરિક આંદોલનનો રસ્તો લેનારા વિશે નાગરિકોએ શું ધ્યાન રાખવું, એ બન્ને બાબતો 'આપ’ના અનુભવમાંથી શીખવા મળે છે. બાકી, ગુજરાતમાં બન્યું તેમ નાગરિક સંગઠનો દોઢ દાયકાથી કૉંગ્રેસના ભરોસે બેસી રહે, તે કંઈક કરશે એવી આશા સેવે, તે કશું નથી કરતી એવો ધોખો કરે, છતાં દર વખતે વિશફુલ થિંકિંગમાં વહીને કૉંગ્રેસ ભણી મીંટ માંડે, તેનાથી બહુ નુકસાન થાય છે.

 ‘આપ’ના ઉદય પછી ગુજરાતમાં પણ નાગરિક સંગઠનો માટે લોકલક્ષી રાજકારણમાં સક્રિય થવાની તક ઊભી થશે, એવું લાગ્યું હતું. પરંતુ અરવિંદ કેજરીવાલ ભાજપને સૌથી મોટો ખતરો લાગ્યા. એટલે તેમની વિશ્વસનિયતા ખતમ કરી નાખવામાં આવી અને કેજરીવાલે પણ એ પ્રક્રિયામાં પોતાની પ્રકૃતિ વડે ઘણો સહકાર આપ્યો. હવે ગુજરાતમાં કૉંગ્રેસની ઔપચારિકતાને ખતમ કરવાનું ચાલી રહ્યુ છે. બળવો કરવા નહીં, બળવો રોકવા માટે ધારાસભ્યોનું ધણ બેંગલુરુ હાંકી જવું પડે એવી કૉંગ્રેસની હાલત છે. સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર જેવો ચાવીરૂપ હોદ્દો ધરાવતા અહમદ પટેલને હારથી બચવાનાં ફાંફાં છે. દાયકાઓથી ગુજરાતમાં સત્તાબહાર રહેલી કૉંગ્રેસના નેતાઓને પણ ઉપાડી જવાનો ભાજપનો ઉત્સાહ શક્તિ કરતાં નબળાઈ અને ધૂર્તતાનો વધારે પરિચય આપે છે.

રહી વાત કૉંગ્રેસની. તેના શતમુખ પતન માટે નર્મદને યાદ કરીને કહેવું પડે, 'નવ કરશો કોઈ શોક.’ ભાજપમાં ન જવા ઇચ્છતા કૉંગ્રેસીઓ માટે હવે ગાંધીપરિવારની વફાદારીને બદલે મતદારલક્ષી રાજકારણમાં જવાનો અને પોતાની વિશ્વસનિયતા ફરી અંકે (રીડીમ) કરવાનો મોકો છે. નાગરિક સંગઠનો-આંદોલનો માટે કૉંગ્રેસની જૂની-જૂઠી આશા છોડીને, પોતાના પ્રયાસોથી નાગરિકશક્તિ સંગઠીત કરવાનો સમય છે. એ લાંબું છતાં શરૂ કરી દેવા જેવું કામ છે. તેમાં બીજા પક્ષો પર આશા નહીં હોય ને માથે બીજા કોઈ પક્ષના રાજકીય પાપોનું પોટલું પણ નહીં હોય.

5 comments:

  1. Very accurate observation.

    ReplyDelete
  2. વાસ્તવિક ભાગ બે જ હોય છેઃ રાજકીય પક્ષો અને સામાન્ય નાગરિકો... u said it.

    ReplyDelete
  3. Hiren Joshi6:42:00 AM

    How come Hardik Patel factor is not mentioned in the political equation for Gujarat? Is he a civic society face or just a hoax for personal gain?

    ReplyDelete
    Replies
    1. He has constrained himself as a Patidar face right from the beginning.

      Delete
    2. He has constrained himself as a Patidar face right from the beginning.

      Delete