Sunday, February 12, 2012

‘સાયબરસફર’ – અનોખા સામયિકને હૂંફાળો આવકાર


ગુજરાતી પત્રકારત્વ સાથે ઇન્ટરનેટનો પનારો પડ્યાને એક દાયકાથી ઉપર સમય વીતી ગયો. પરંતુ 1997માં ‘સિટિલાઇફ ન્યૂઝ’ના અપવાદને બાદ કરતાં, કોઇ ગુજરાતી અખબાર-સામયિકમાં ઇન્ટરનેટને લગતી ઠેકાણાસરની નિયમિત કોલમ આવી ન હતી. એ મહેણું મનીષ મહેતા સંપાદિત, ‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પુર્તિમાં આવતી હિમાંશુ કીકાણી/ Himanshu Kikaniની કોલમ ‘સાયબર સફર’થી ભાંગ્યું. જાન્યુઆરી, 2012માં એ કોલમને ચાર વર્ષ પૂરાં થયાં. તેને મળેલા પ્રચંડ આવકાર પછી હિમાંશુએ એ કોલમના વિસ્તાર જેવું માસિક ‘સાયબરસફર’ કાઢવાની હિંમત કરી છે. આ નામની વેબસાઇટ cybersafar.com તો ઘણા વખતથી ચાલે જ છે.

નગેન્દ્રવિજય અને હર્ષલ પુષ્કર્ણાનાં ‘સફારી’ સહિતનાં મહાભારત-કાર્યો નજર સામે રાખીને, તેમાંથી યથાશક્તિ પ્રેરણા મેળવીને, હિમાંશુએ ‘સાયબર સફર’/ Cybersafarની શરૂઆત કરી છે. તેનાં મુખ્ય ત્રણ ધ્યેય છેઃ 
1)અમુક જ સાઇટો પૂરતું મર્યાદિત ઇન્ટરનેટ સર્ફિંગ કરતી નવી પેઢીની સામે ઇન્ટરનેટના વિશાળ દરિયામાંથી બીજાં રત્નો કાઢીને મૂકવાં 
2) કમ્પ્યુટર સાથે બિલકુલ પનારો પાડ્યો ન હોય એવા વડીલોને સાવ શરૂઆતથી, તેમને સમજાય એવી સરળ ભાષામાં ઇન્ટરનેટની દુનિયા સુધી લઇ જવા અને તેમના માટે એ વિસ્મયજનક સૃષ્ટિ ખોલી આપવી. 
3) અંગ્રેજીના હાઉને કારણે ઇન્ટરનેટથી દૂર રહેતા નવી પેઢીના લોકો ઇન્ટરનેટનો પૂરો લાભ લઇ શકે એ માટે સજ્જતા કેળવવામાં મદદરૂપ થવું.

          ટૂંકમાં, ઇન્ટરનેટ ન વાપરતા, ઓછું વાપરતા કે ભરપૂર વાપરતા- સૌ કોઇને આ સામયિકમાંથી પોતપોતાના ખપનું મળી રહે એવું હિમાંશુનું ધ્યેય છે. હજુ પહેલો અંક આવ્યો છે. એટલે આ સમય દાવાનો નહીં, પણ જેટલું થાય તે કરી બતાવવાનો અને ફેંસલો વાચકો પર છોડવાનો છે. પરંતુ ‘સાયબરસફર’થી પરિચિત ન હોય એવા વાચકોને આગ્રહપૂર્વકની ભલામણ છે કે તે ગુણવત્તાની ખાતરી કરવા માટે પહેલાં cybersafar.com પર જાય અને બે-ચાર લેખ પર નજર ફેરવી જુએ. ત્યાર પછી તેમને મેગેઝીનનું લવાજમ ભરવાનું મન થવું જોઇએ. વાચનની કથળેલી ગુણવત્તા વિશે ફરિયાદ કરતી વખતે, સારી ગુણવત્તા ધરાવતું વાચન આવે તો તેને વધાવવાની પણ વાચકો તરીકે આપણી જવાબદારી છે.

          ‘સાયબરસફર’ માસિક સ્ટેન્ડ પર- છૂટક મળવાનું નથી. એ ફક્ત લવાજમથી ઉપલબ્ધ બનશે. 48 પાનાંના છૂટક અંકની કિંમત રૂ.20 અને વાર્ષિક લવાજમ છેઃ રૂ.220.  શરૂઆતમાં વાર્ષિક લવાજમ રૂ.200 રાખવામાં આવ્યું છે. સાથે ‘સાયબરસફર’ કોલમમાં પ્રકાશિત થયેલા લેખોનાં ચાર ઉપયોગી સંકલનો- હેન્ડીગાઇડ્સ (વિના મૂલ્યે, મર્યાદિત સમય સુધી) આપવામાં આવશે.

          લવાજમ મોકલવા માટેની વિગતઃ (અત્યારે ફક્ત ભારત માટે)
Cybersafar Edumedia
B-402, Kaivalyadham-1, Opp. Radio Mirchi Tower,Near Shyamal Cross Road, Satellite
Ahmedabad-380015

ફોનઃ 079-4006 1513  (m) 092272 51513
વધુ પૂછપરછ માટેઃ support@cybersafar.com

        
હિમાંશુ કીકાણી સાથેનો પરિચય 1997ની આસપાસ થયો. એ વખતે અમે બન્ને પત્રકારત્વમાં નવા હતા. હિમાંશુ ગુજરાતી ‘ઇન્ડિયા ટુડે’માં અને હું ‘અભિયાન’ છોડ્યા પછી ‘સંદેશ’માં. એ વખતથી જ હિમાંશુની ભાષા અને અભિવ્યક્તિ વખણાતાં હતાં. ‘ઇન્ડિયા ટુડે’ બંધ થયા પછી ‘સિટિલાઇફ ન્યૂઝ’માં નગેન્દ્રવિજયના તંત્રીપદે અને હર્ષલ પુષ્કર્ણાના સંપાદકપદે અમે સાથે મળ્યા. ત્યારે હિમાંશુ રેસ્ટોરાં-રીવ્યુની કોલમ લખતો હતો અને પત્રકારત્વને બદલે કોપીરાઇટિંગના ક્ષેત્રે આગળ વધી રહ્યો હતો. ‘સંદેશ’માં ફરી જોડાયા પછી મારે મંગળવારની ‘મહેફિલ’ પૂર્તિ  કરવાની થઇ, ત્યારે હિમાશું તેમાં ‘ટેક ઇટ ઇઝી’ નામે હાસ્યની કોલમ લખતો હતો. ત્યાર પહેલાં હર્ષલ, હિમાંશુ અને વડીલ પત્રકાર દિવ્યેશભાઇ ત્રિવેદી સાથે મળીને અમે ચારે જણે ‘વીસમી સદીની યાદગાર પચાસ ઘટનાઓ’ના અંક માટે લખ્યું હતું, જેના વિચારથી માડીને અમલીકરણ સુધીનું બધું જ હર્ષલનું હતું.
પછીનાં વર્ષોમાં હિમાંશુને સતત મળવાનું કે ઘણી વાર તો નિયમિત રીતે ફોન પર વાત કરવાનું પણ બનતું નથી. છતાં, જૂનો તંતુ એટલો મજબૂત છે કે તેમાં ઝોલ પડતો નથી કે રેસા છૂટા પડવા લાગતા નથી. એટલે જ હિમાંશુ નવું સામયિક લઇને આવે ત્યારે પોતાનું સામયિક શરૂ થતું હોય એટલો આનંદ થાય છે. સાથોસાથ, એટલી પણ ચોખવટ કે મારા મિત્રધર્મમાં ખોટી પ્રશંસા કરવાનું આવતું નથી. એટલે તેના લખાણની ગુણવત્તા વિશેની વાતો એકદમ ‘નરણા કોઠે’ લખાયેલી છે. સૌ કોઇ એનું લખાણ વાંચીને ખાતરી કરી શકે છે. 

Wednesday, February 08, 2012

ગાંધીયુગમાં મોબાઇલ ફોન હોત તો?

ગાંધીજી વિશે થતાં લખાણ-ચર્ચા-પુસ્તકો-સેમિનાર તેમના મૃત્યુના છ દાયકા પછી પણ ઘટ્યાં નથી. બીજું કંઇ ન સૂઝે તો ‘વર્તમાન સમયમાં ગાંધીવિચારની પ્રસ્તુતતા’ કે ‘એકવીસમી સદીમાં ગાંધી’ જેવી, હાથવગી છતાં આયોજકોને કંઇક નક્કર કર્યાનો સંતોષ આપતી- અપરાધભાવમાંથી ઉગારી લેતી કલ્પનાઓ ક્યાં નથી? કલ્પનાઓના જોરે ગાંધીજી પર માર્કેટિંગ ગુરુથી માંડીને કમ્યુનિકેશન ગુરુ જેવી અનેક ભૂમિકાઓનું આરોપણ પર કરવામાં આવે છે. ગાંધીજીએ કમ્પ્યુટરનો વિરોધ કર્યો હોત કે તેને અપનાવ્યું હોત, તેની ચર્ચા પણ ક્યારેક થાય છે. પરંતુ ગાંધીજીના સમયકાળમાં મોબાઇલ ફોન હોત તો? એ વિશે ખાસ કામ થયું હોય એવું લાગતું નથી. અટકળના એ પ્રદેશમાં થોડાં ડગલાં.
***

એક વાત તો નક્કી છે કે ગાંધીજીએ કોઇ કંપની સાથે સોદો પાડીને તેમના તમામ અંતેવાસીઓ અને સાથીદારોને સીયુજી સ્કીમ પ્રમાણે મોબાઇલ અપાવી દીધા હોત. અલબત્ત, દરેકે હેન્ડસેટથી માંડીને માસિક બિલની રકમ જાતે ચૂકવવાની રહેત. સાબરમતી આશ્રમ કે કોંગ્રેસમાંથી તેનો ખર્ચો પડાયો ન હોત.

‘મારો એસ.એમ.એસ. એ જ મારો સંદેશ’ એવા વિધાન સાથે તેમણે પોતાના સાથીદારોને મોબાઇલનો મહત્તમ ઉપયોગ એસ. એમ. એસ. માટે કરવા જણાવ્યું હોત અને કહ્યું હોત કે ‘ફોન પર વાત કરીને આપણાં કાન અને ગળાં બગાડવાનો આપણને અધિકાર નથી. કારણ કે એ આપણી નહીં, પણ દેશની મિલકત છે.’ મોબાઇલ કંપનીઓ દ્વારા અપાતી જથ્થાબંધ એસ.એમ.એસ.ની સ્કીમની શરૂઆત જ કદાચ ત્યારથી થઇ હોત. ગાંધીજીએ કંપનીઓને સૂચવ્યું હોત કે બિલના બદલામાં એટલી રકમનું કાંતેલું સૂતર જમા કરાવવાની વ્યવસ્થા કંપનીઓએ માન્ય રાખવી જોઇએ.

સ્વાભાવિક છે કે વિદેશી કંપનીઓમાં દેશભાવના નહીં હોવાને કારણે તેમણે આ પ્રસ્તાવ સ્વીકાર્યો ન હોત. જમનાલાલ બજાજ કે ઘનશ્યામદાસ બિરલા જેવા કોઇ સ્વદેશી ઉદ્યોગપતિએ મોબાઇલના વ્યવસાયમાં ઝંપલાવવાનો ઇરાદો જાહેર કરીને, તેને ગાંધીચીંઘ્યા માર્ગે ચલાવવાની જાહેરાત કરી હોત. બજારમાં આવનારી સ્વદેશી કંપનીઓના સંચાલકોને ઉદ્દેશીને ગાંધીજીએ કહ્યું હોત, ‘જાતે કાંતેલા સૂતરનું મૂલ્ય આંકવામાં તેમારો ગજ કદી ટૂંકો ન પડો.’

સત્યાગ્રહના ભાગરૂપે ઉત્સાહી યુવાનો જાનનું જોખમ વેઠીને મોબાઇલ કંપનીઓના ટાવર પર ત્રિરંગો ફરકાવવા જતા હોત અને બહેનો હેન્ડસેટનાં વિદેશી મોડેલ વેચતી દુકાનોની બહાર પિકેટિંગ કરતી હોત. કેટલાક ગાંધીવાદીઓએ સૂચવ્યું હોત કે દારૂબંધીની જેમ મોબાઇલબંધી પણ જાહેર કરવી જોઇએ. કારણ કે તેનાથી પ્રજાની નૈતિકતાનું અધઃપતન થાય છે. પરંતુ આ વાત સરદાર પટેલ જેવા કોઇકે ગાંધીજી સમક્ષ હસતાં હસતાં રજૂ કરી હોત અને ગાંધીજીએ તેને હસીને ઉડાડી દીધી હોત. એ અંગેનું પોતાનું એસ.એમ.એસ. દ્વારા જ અખબારોને મોકલવા તેમણે મહાદેવભાઇને કહ્યું હોત. સાથોસાથ, ‘ખાસ કામ વિના મોબાઇલ પર વાતચીત કરવી એ જંગલીપણાની નિશાની છે’ એવું કોઇ વાક્ય પણ તેમણે ઉમેરાવ્યું હોત.

મોબાઇલ ફોન પર રીંગટોન તરીકે ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ રાખવાની સાત્ત્વિક ફેશન ચાલી હોત. તેને અવિચારી ગણાવીને ગાંધીજીએ કહ્યું હોત કે રીંગટોન તરીકે એવાં ગીત રાખવાં જોઇએ, જે વાગે એટલે તેમને પહેલામાં પહેલી તકે બંધ કરવાની ઇચ્છા થાય. સરદારે એ માન બ્રિટનના ‘ગોડ સેવ ધ કિંગ’ને આપવાનું સૂચવ્યું હોત.

મોબાઇલનો સૌથી વઘુ કસ એસ.એમ.એસ.થી કાઢવાના આશયથી ગાંધીજીએ તે સુવિધાને બને એટલી સરળ બનાવવા ઝુંબેશ ઉપાડી હોત. ‘કોશિયો પણ ગુજરાતીમાં એસ.એમ.એસ. કરી શકવો જોઇએ’ એવું તેમનું ધોરણ માન્ય રાખીને મોબાઇલ કંપનીઓએ કી-બોર્ડ પર ગુજરાતી અક્ષર ધરાવતાં અને વોઇસ એક્ટિવેશન - બોલીને પણ નંબર લગાડી શકાય-મેસેજ કરી શકાય એવી સુવિધાવાળાં- મોડેલ મૂકવાં પડ્યાં હોત. વોઇસ એક્ટિવેશન સુવિધાનો એક ફાયદો એ થાત કે ચરખો કાંતતી વખતે પણ એસ.એમ.એસ. કરી શકાત. ભીની માટી વડે મોબાઇલ ફોનનું ચાર્જિંગ કરી શકાય કે કેમ, એ વિશે ગાંધીજીની દેખરેખ તળે આશ્રમમાં પ્રયોગો થતા હોત. ગાંધીજીના પ્રિય ત્રણે વાંદરાના હાથમાં એક-એક મોબાઇલ હોત, જે ‘ખરાબ એમ.એમ.એસ. જોવા નહીં, ફોન પર ફાવે તેમ બોલવું નહીં અને ગમે તેવું સાંભળવું નહીં’ એવો સંદેશો આપતા હોત.

સોમવારે મૌનના દિવસે ગાંધીજી પરબિડીયાંના કોરા ભાગની ચબરખીઓ પર લખવાને બદલે, મોબાઇલના સ્ક્રીન પર લખીને પોતાની વાત રજૂ કરતા હોત, પણ સામેનો માણસ એ જ રીતે મોબાઇલ સ્ક્રીન પર પોતાનો જવાબ લખવા બેસત ત્યારે ગાંધીજી તેમને યાદ કરાવત કે ‘મૌન મારે છે, તમારે નહીં.’ સંદેશા વ્યવહારમાં મોબાઇલ ફોનથી ગાંધીજી એટલા ટેવાઇ ગયા હોત કે નક્કી થયેલા સમયે સાથીદાર કે તેમનો સંદેશો ન આવે તો એ કહેત,‘નક્કી તે ગંભીર બિમારીમાં પટકાયા હશે અથવા તે એવી કોઇ જગ્યાએ હશે કે જ્યાં ટાવર પકડાતો ન હોય અથવા તેમના ફોનની બેટરી ઉતરી ગઇ હશે. બાકી આવું બને નહીં.’

નાણાં અને સમય બચાવીને અસરકારક સંદેશાસુવિધા પૂરી પાડતા મોબાઇલ માટે તેમણે કહ્યું હોત, ‘મારા જેવા લાખોનો ભલે ક્ષય થાય, પણ મોબાઇલની બેટરીનો કદી ક્ષય ન થજો.’ મોબાઇલના નિયમિત ચાર્જિંગ માટેની તેમની સમયપાબંદી દંતકથાનો વિષય બની હોત અને જે રૂમના પ્લગમાં તેમનો મોબાઇલ નિયમિત રીતે ચાર્જ કરવા મૂકાતો હોત તે જગ્યા ‘ચાર્જિંગમંદિર’ તરીકે ઓળખાતી હોત.

બહાર જતી વખતે અથવા મહાદેવભાઇ સાથે ન હોય ત્યારે ગાંધીજી કેડે ઘડિયાળને બદલે મોબાઇલ ફોન લટકાવેલો રાખતા હોત. જવાહરલાલ તેના માટે રેશમી ખાદીનું ફેન્સી કવર લાવ્યા હોત તો ગાંધીજીએ ‘મારા ફોન કરતાં તમારું લાવેલું કવર વધારે મોંધું છે. એ તમે મારા તરફથી ઇન્દુને આપી દેજો’ એવું કહીને પાછું વાળ્યું હોત. ભવિષ્યમાં ઇન્દુને ઇંદિરા ગાંધી તરીકે દેશમાં કટોકટી જાહેર કરતો એસ.એમ.એસ. કરવાનો થાત ત્યારે મેસેજ મોકલી દીધા પછી એ મોબાઇલ ગાંધીજીએ આપેલા કવરમાં મૂકી દેવાથી તેમના (ગાંધીજીના નહીં, ઇંદિરા ગાંધીના) જીવને જરા સારું લાગ્યું હોત.

ગાંધીજીનો મોબાઇલ મોટે ભાગે મહાદેવભાઇ પાસે રહેતો હોત. ‘મહાદેવભાઇ પાસે તેમનો અલગ મોબાઇલ હોવો જોઇએ’ એવી રજૂઆત કોઇએ ગાંધીજી પાસે કરી હોત તો એ કહી દેત,‘એને વળી મોબાઇલની શી જરૂર? હું જ એનો મોબાઇલ છું.’ પણ એ જ ગાંધીજીએ બ્રિટનની મુલાકાત વખતે સારા મોડેલનો- ઝડપથી એસએમએસ ટાઇપ થઇ શકે એવું કી પેડ ધરાવતો- મોબાઇલ મેળવીને મહાદેવભાઇને આપ્યો હોત. ગાંધીજીના મોબાઇલ ફોનમાં મેસેજ મોકલવા માટેની તૈયાર ટેમ્પ્લેટમાં ‘બાપુના આશીર્વાદ’, ‘તબિયતનું ઘ્યાન રાખજો’, ‘ઇશ્વર સુઝાડે તેમ કરવું’ જેવા શબ્દગુચ્છ મહાદેવભાઇએ કરી રાખ્યા હોત.

ગાંધીજીની લોકપ્રિયતા જોઇને મોબાઇલ ફોન કંપનીઓએ એવી ખાસ વ્યવસ્થા ગોઠવી હોત કે કોઇ માણસ પાસે ગાંધીજીનો મોબાઇલ ફોન નંબર ન હોય અને એ સ્ક્રીન પર મેસેજની જગ્યાએ ગાંધીજીનું નામ ટાઇપ કરીને ‘કોલ’નું બટન દબાવે, એટલે ગાંધીજીને ફોન લાગી જાય. તેને કારણે ગાંધીજી એટલા વ્યસ્ત રહેતા હોત કે કસ્તુરબાને તેમની સાથે વાત કરવી હોય તો એ પણ કોઇ આશ્રમવાસીના ફોન પરથી બાપુને કોલ કરતાં હોત. અલગ મોબાઇલ મેળવવા માટેનો પોતાનો કજિયો પૂરો ન થવાને કારણે હરિલાલ બળવાખોર બની ગયા હોત અને ફક્ત ગાંધીજીને દુભવવાના આશયથી કોઇની મોબાઇલ શોપમાં તે ભાગીદાર બની ગયા હોત અથવા કોઇ મોબાઇલ ફોન કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બનીને મોંઘાદાટ સ્માર્ટફોનની જાહેરખબરમાં દેખાતા હોત. એ જોઇને ગાંધીજીએ ‘મારી શરમે કે મારા નામે કોઇએ આ ફોન લેવા નહીં’ એવા મેસેજ બલ્કમાં કરાવ્યા હોત.

ગાંધીજીની હત્યા વખતે તેમની કમરે લટકતો મોબાઇલ ફોન ઐતિહાસિક બની ગયો હોત. તેને એકાદ મ્યુઝિયમમાં રખાયો હોત અને દરે થોડાં વર્ષે એવું કહેવાતું હોત કે ‘આ ફોન પાછળથી ખરીદેલો - બનાવટી- છે. અસલી ફોન તો ક્યારનો વેચાઇ ગયો.’

ગાંધીજી જે કંપનીનો ફોન વાપરતા હતા, એ કંપનીનો ફોન રાખીને - ફક્ત એટલા જ કારણથી- ઘણા લોકો પોતાની જાતને ગાંધીવાદી તરીકે ઓળખાવતા હોત અને ‘સામાન્ય લોકોએ બીજું કંઇ ન થાય તો છેવટે ‘વૈષ્ણવજન’નો રિંગટોન રાખીને ગાંધીના પગલે ચાલવું જોઇએ’, એવો ઉપદેશ ઠાવકા મોઢે આપતા હોત.

Tuesday, February 07, 2012

ડો.સુબ્રમણ્યન્‌ સ્વામી: કોયડા જેવો ઉકેલ

ડો. સુબ્રમણ્યન્‌ સ્વામી/ Subramanian Swamy અને પ્રશાંત ભૂષણની રજૂઆત પછી, સર્વોચ્ચ અદાલતે ૮ કંપનીઓને ૨૦૦૮માં ફાળવાયેલાં ૧૨૨ ટુ-જી લાયસન્સ રદ કરવાનો ચુકાદો આપ્યો. ડો.સ્વામીએ આ ચુકાદાને ‘બેસ્ટ પોસિબલ જજમેન્ટ’ ગણાવ્યો. ‘જનલોકપાલ’ખ્યાત- અન્નામંડળનાં સભ્ય કિરણ બેદીએ ટ્‌વીટર પર લખ્યું,‘અભિનંદન, ડો.સ્વામી. તમે આ દેશની નીયતી બદલી રહ્યા છો.’

યુપીએ સરકારનું નાક (જો રહ્યું હોય તો) કાપતો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો જ નહીં, ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડ બહાર લાવવાનું અને તેની પાછળ મચ્યા રહેવાનું મોટું શ્રેય ડો.સ્વામીને જાય છે. ૭૨ વર્ષની વયે તેમનો જુસ્સો અને લડાકુ વૃત્તિ દાદ માગી લે એવાં છે. તે ઇચ્છે એના વિશે સાડા બારી રાખ્યા વિના બોલી શકે છે. એ જુદી વાત છે કે કોના વિશે એવું ઇચ્છવું તે જાહેર હિત નહીં, પણ અંગત પસંદગીના આધારે નક્કી થાય છે અને એ સતત બદલાતું રહે છે.

ક્યારેક તે કરૂણાનિધિને પાડવા માટે જયલલિતાને મદદ કરી શકે છે, તો ક્યારેક જયલલિતાને પછાડવા માટે કરૂણાનિધિની સાથે બેસી શકે છે. વાજપેયી સરકારને ગબડાવવા માટે તે સોનિયા ગાંધી સાથે હાથ મિલાવી શકે છે અને હિંદુત્વની રાજકીય લોબી સાથે રહીને તે સોનિયા ગાંધી વિશે તે બેફામ આરોપો કરી શકે છે. સ્વામીને વર્ષોથી જાણતા લોકોને આ બઘું નવાઇભર્યું લાગતું નથી. એ જાણે છે કે સુબ્રમણ્યન્‌ સ્વામી આજ સુધી પોતાના સિવાય બીજા કોઇના થયા નથી અને થાય એવું લાગતું પણ નથી.

સ્વામી જેની સામે પડી જાય, તેના વિરોધીઓને તે મહાન લડવૈયા- દેશભક્ત- ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશકાર- હિંદુહિતરક્ષક અને એવું ઘણું બઘું લાગી શકે છે. પક્ષીય વફાદારી કે ખેંચાણ ન ધરાવતા લોકો માટે સ્વામી અનેક વિરોધાભાસી લક્ષણોનું પડીકું છે. તેમને ન્યાય માટે ઝઝૂમતા ‘હીરો’ ગણીને ખભે બેસાડી શકાય એમ નથી ને કુટિલ ખલનાયકમાં ખપાવીને હાંસિયાની બહાર કાઢી મૂકાય એમ નથી. તેમને ક્યારે ગંભીરતાથી લેવા અને ક્યારે ન લેવા એ કોયડો છે, પણ છેલ્લા થોડા સમયમાં તેમની રજૂઆતોને અદાલતમાંથી મળેલો ટેકો અને સ્પેક્ટ્રમ કૌભાંડ બહાર આણવાનું તેમનું ઝનૂન જોતાં તેમને અવગણી શકાય એમ પણ નથી.

‘વન મેન પાર્ટી’ : કાવતરાંકથાનો ભંડાર
સુબ્રમણ્યન્‌ સ્વામી વિશે પ્રાથમિક માહિતી મેળવવા માટે તેમની વેબસાઇટ જોઇએ, ત્યારે સૌથી પહેલાં જનતા પક્ષનું એક સમયે બહુ જાણીતું અને હવે વિસરાઇ ગયેલું ચિહ્ન- હળધારી ખેડૂત- નજરે પડે છે. તેના પરથી યાદ આવે કે કટોકટી પછીની ચૂંટણીમાં કોંગ્રેસને પછાડનાર જનતા પક્ષ ખંડિત થતો થતો છેવટે ડો.સ્વામીના ભાગમાં આવ્યો છે અને ‘વન મેન પાર્ટી’ તરીકે અસ્ત પામ્યો છે. (‘વન મેન આર્મી’ની જેમ, ‘વન મેન પાર્ટી’નો શબ્દપ્રયોગ ડો.સ્વામી માટે પણ થાય છે.)

વેબસાઇટ પર ચીસો પાડીને ઘ્યાન ખેંચતી બીજી હકીકત છેઃ ડો.સ્વામીનો સોનિયા ગાંધી પરિવાર અને કોંગ્રેસ માટેનો તેમનો હળાહળ દુર્ભાવ, જે ભાજપતરફી સહાનુભૂતિ ધરાવતા લોકોને બહુ ભાવે છે. ‘ડુ યુ નો યોર સોનિયા?’ (સોનિયા ગાંધીને તમે બરાબર ઓળખો છો?) એ મથાળા હેઠળ પોતાની વેબસાઇટ પર સ્વામીએ સોનિયા ગાંધી વિરુદ્ધ ગંભીર આરોપો કર્યા છે. તેમાં સોનિયા ગાંધીના રશિયાની જાસુસી સંસ્થા કેજીબી સાથેના સંબંધોથી માંડીને અનેક એવી વાતો છે, જેને માની લેવા માટે સામાન્ય બુદ્ધિ પૂરતી ન થાય. એ માટે ભાજપ જેવા કોઇ પક્ષની વિચારધારાનાં ચશ્માં પહેરવાં પડે કે કોન્સ્પીરસી થિયરી- કાવતરાંબાજી માટેનો ઊંડો રસ કેળવવો પડે.

સોનિયા ગાંધીને આઘુનિક રોબર્ટ ક્લાઇવ સાથે સરખાવનારા ડો.સ્વામીનો આરોપ છે કે બોફર્સ કૌભાંડથી માંડીને સ્પેક્ટ્રમ કૌભાંડ સુધીની રકમોનો મોટો હિસ્સો છેવટે સોનિયા ગાંધીને જ પહોંચ્યો છે. તેમના આરોપ વાંચીને સોનિયા ગાંધીના રાજકીય વિરોધીઓ કે ફેસબુક-ટ્‌વીટર પર કોંગ્રેસના વિરોધને દેશભક્તિનું પ્રમાણ ગણાવીને તાળીઓ ઉઘરાવનારાને મઝા પડે એ તો સમજી શકાય એવું છે. સાથોસાથ, બીજો નાનો વર્ગ પણ સ્વામીને ગંભીરતાથી લે છે- અથવા તેને ગંભીરતાથી લેવા જોઇએ એવું માને છે. એ વર્ગની દલીલ છે કે ‘સોનિયા ગાંધી વિશે ડો.સ્વામીએ કરેલા આરોપોમાં કશું તથ્ય ન હોય, તો સોનિયા તેમની સામે બદનક્ષીનો આરોપ શા માટે નથી કરતાં? મતલબ સાફ છેઃ ડો.સ્વામીના આરોપોમાં તથ્ય છે.’

આ દલીલ ક્ષણ-બે ક્ષણ સામેવાળાને વિચારતા કરી મૂકે એવી છે. છતાં, સહેજ વિચારતાં તેની પોકળતા છતી થઇ જાય છે. સોનિયા ગાંધી બદનક્ષીનો દાવો ન કરે એટલા માત્રથી તેમની પરના આરોપ શી રીતે વજૂદભર્યા માની શકાય? રાજકારણમાં દરેક વખત મૌનને સંમતિ તરીકે ખપાવી શકાતું નથી. ઘણી વાર તે આરોપ પ્રત્યે ઉપેક્ષા અને આરોપ કરનારને પ્રોત્સાહન નહીં આપવાની વૃત્તિ સૂચવતું હોય છે.

સોનિયા ગાંધી વિશેના આક્ષેપોનું બેફામપણું જોતાં, ડો.સ્વામીને ગંભીરતાથી લેવાનું ભાગ્યે જ મન થાય. પરંતુ આગળ જણાવ્યું તેમ, ડો.સ્વામીને સાવેસાવ હળવાશથી લઇ શકાય એમ નથી. તેમની વાતોમાં આડેધડ આરોપો અને વજૂદ ધરાવતા આરોપોનું અજાયબ અને છૂટું પાડી ન શકાય એવું મિશ્રણ જોવા મળે છે. તેમાં સ્વામીનું રાજકારણ, તેમનો તકવાદ અને સ્વાર્થ ભળતાં એ લગભગ ન ઉકેલી શકાય એવો કોયડો બની રહે છે.

તેજસ્વીતા અને તકવાદ
જાહેર ક્ષેત્રની કોઇ પણ વ્યક્તિ કરતાં ડો.સ્વામીને જુદાં જુદાં ખાનાંમાં ઓળખવાનું વધારે જરૂરી છે. ડો.સ્વામીનાં વિવિધ પાસાં ‘તહલકા’ (૩૧ ડિસેમ્બર, ૨૦૧૧)ની કવર સ્ટોરીમાં અશોક મલિકે ચીવટપૂર્વક આલેખ્યાં છે. એક તરફ એ તેજસ્વી વિદ્યાર્થી અને અભ્યાસી અઘ્યાપક તરીકે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવે છે અને તેમાં કશી અતિશયોક્તિ નથી. ચોવીસમા વર્ષે ગણિતમાં પીએચ.ડી. થયેલા, ગણિતશાસ્ત્રી પિતાના પુત્ર સ્વામી સિત્તેરના દાયકામાં ચીન વિશેના નામી અભ્યાસી તરીકે ખ્યાતિ પામ્યા. તેમનાં ગણિત અંગેનાં પેપરની ગુણવત્તાથી હાર્વર્ડ જેવી વિશ્વખ્યાત યુનિવર્સિટીએ તેમને ફેલોશીપ આપી હતી. ઉદારીકરણ અને અમેરિકા-ઇઝરાઇલ સાથે સારા સંબંધો રાખવાના આગ્રહી સ્વામીને ભારતમાં રાજકારણ સિવાયનાં ક્ષેત્રોમાં વ્યાપેલા રાજકારણનો કડવો સ્વાદ પણ પહેલેથી ચાખવા મળતો રહ્યો. એવા પ્રસંગોએ સ્વામીમાં રહેલી તેજસ્વીતાને સ્વકેન્દ્રી બનાવવામાં અને ‘આક્રમણ દ્વારા સ્વબચાવ’ તરફ વાળવામાં કેટલો ભાગ ભજવ્યો એ કહેવું અઘરું છે, પરંતુ તેમનામાં લડાકુ વૃત્તિને પહેલીથી કમી ન હતી.

દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને આઇ.આઇ.ટી. જેવી સંસ્થાઓમાં અઘ્યાપક તરીકે તેમને રાજકારણનો અને પોતાના રાજકીય વિચારોને કારણે થતા અન્યાયનો સામનો કરવો પડ્યો- વેઠવું પણ પડ્યું. સિત્તેરના દાયકામાં ૧૦ ટકા આર્થિક વિકાસ દરની વાત કરનાર સાંસદ સુબ્રમણ્યન્‌ સ્વામી માટે ઇંદિરા ગાંધીએ ‘સાન્ટાક્લોઝ વિથ અનરિઆલિસ્ટીક આઇડીયાઝ’ (શેખચલ્લી) જેવા શબ્દો વાપર્યા હતા. (પછીનાં વર્ષોએ બતાવી આપ્યું કે એ માન ખરેખર ઇંદિરા ગાંધીને પોતાને મળવું જોઇતું હતું.)

તેજસ્વી અને કેવળ જુદા વિચારોને કારણે અન્યાયનો ભોગ બનેલા સ્વામીનું બીજું પાસું રાજકીય છે. પક્ષીય વફાદારી જેવો શબ્દ તેમના શબ્દકોશમાં નથી. એનો અર્થ એવો પણ નથી કે પ્રજાહિતને કારણે તે પક્ષીય વફાદારીમાં બંધાઇ શકતા નથી. ભાજપના માતૃપક્ષ જનસંઘે પહેલી વાર તેમને ૧૯૭૪માં રાજ્યસભામાં મોકલ્યા ત્યારથી એ પક્ષ સાથે તેમના સંબંધોમાં ચડાવઉતાર થતા રહ્યા છે. ભાજપના ટોચના નેતા વાજપેયીને સ્વામી માટે જરાય ભાવ ન હતો. અશોક મલિકે નોંઘ્યા પ્રમાણે, કટોકટી પછી ઇંદિરા ગાંધીને હરાવીને જનતા પક્ષની સરકાર બની ત્યારે મોરારજી દેસાઇએ ડો.સ્વામીને રાજ્યકક્ષાના નાણાંમંત્રી બનાવવા સૂચવ્યું હતું, પણ વાજપેયીએ તેમનો પ્રસ્તાવ ઉડાડી દીધો. ડો.સ્વામી પોતાના વિરોધીનો વિરોધ કરતા હોય ત્યાં સુધી સૌને સારા લાગે છે, પણ તેમની સાથે બેસનારાને એટલું સમજાઇ જાય છે કે સ્વામીની બંદૂકને ધડો નથી. અત્યારે આપણી બાજુ રહીને ફૂટતી હોય તે ક્યારે આપણી સામે ફૂટવા માંડે, કહેવાય નહીં. એટલે રીઢા રાજકારણીઓ સ્વામીથી સલામત અંતર રાખે છે.

આ વાતનું સૌથી નમૂનેદાર ઉદાહરણ છેઃ સોનિયા ગાંધી સાથે ડો.સ્વામીના સંબંધ. એ પોતે રાજીવને પોતાના મિત્ર ગણાવે છે. બોફર્સ કટકીમાં સોનિયા ગાંધી ઉપરાંત વી.પી.સિંઘથી માંડીને બીજા ઘણા લોકો સંકળાયેલા હોવાનો તેમનો આરોપ છે. પરંતુ ૧૯૯૮માં ભાજપ સરકારને ટકી રહેવા માટે જયલલિતાના ટેકાની જરૂર હતી, ત્યારે જયલલિતાના પ્રતિનિધિ તરીકે ડો.સ્વામીએ વાજપેયી સાથેનો જૂનો હિસાબ ચૂકતે કરવાની તક ઊભી કરી લીધી. (સ્વામીને ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશકાર તરીકે ઓળખાવવા આતુર લોકોએ, સ્પેક્ટ્રમ કૌભાંડમાં તેમની ભૂમિકાનો એક પણ માર્ક ઘટાડ્યા વિના જાણવું જોઇએ કે એ જયલલિતાના પણ સાથીદાર હતા.)

જયલલિતાના ટેકાના બદલામાં ડો.સ્વામીએ વાજપેયી પાસે નાણાં મંત્રાલયની માગણી કરી. વાજપેયીએ માગણી કબૂલ રાખી કે નહીં એ વિશે મતાંતર છે, પણ ટેકો મળ્યો ને સરકાર બની ગઇ પછી સ્વામીને મંત્રીપદું ન મળ્યું. છંછેડાયેલા સ્વામીએ દિલ્હીની એક હોટેલમાં પાર્ટી રાખીને જયલલિતા અને સોનિયાને મેળવ્યાં. ત્યાર પછી વાજપેયીની સરકાર જયલલિતાના ટેકા વિના ગબડી પડી. સ્વામીનો એવો પણ દાવો છે કે સોનિયા ગાંધીએ બિનકોંગ્રેસી-બિનભાજપી સરકારને ટેકો આપવાનું વચન આપ્યું હતું. ટૂંકમાં, એ વખતે સ્વામીને સોનિયા સામે વાંધો ન હતો- અથવા તેમની શૈલીમાં કહીએ તો, સોનિયા સામે વાંધો ક્યારે પાડવો એ તેમના મનમાં નક્કી હતું.

ફરીથી ભાજપની સરકાર બની ત્યારે જયલલિતા-સોનિયા ગાંધીના પક્ષોએ ચૂંટણીજોડાણ કર્યું, પણ ડો.સ્વામીને તેમણે દૂર જ રાખ્યા. એટલે ૧૯૭૪ થી ૧૯૯૯ સુધી સાંસદ રહેલા સ્વામીને ચૂંટણીના રાજકારણથી છેટું પડી ગયું. ત્યાર પછી એ ચૂંટણી લડ્યા ખરા, પણ જીતી શક્યા નથી.

સ્પેક્ટ્રમ કૌભાંડના મુદ્દે લડત ઉપાડીને સ્વામી ફરી એક વાર પ્રકાશમાં આવી ગયા છે. હવે તેમણે સોનિયા ગાંધી અને પી.ચિદમ્બરમ્‌ સામે નિશાન તાક્યાં છે અને અંશતઃ સફળતા પણ મેળવી છે. ગુજરાતની કોંગ્રેસ જેવા ખોખલા કેન્દ્રના ભાજપને ડો.સ્વામીમાં મજબૂત સાથીનાં દર્શન થાય તો નવાઇ ન લાગવી જોઇએ. બાકી રહ્યા સામાન્ય નાગરિકો. તેમણે સ્વામીની લડતની આડપેદાશોથી જેટલું જનહિત સધાય તેનો આનંદ માણવો જોઇએ, પણ સ્વામીની લડતનાં મુખ્ય નિશાન અને તેની પાછળનાં કારણ નજરઅંદાજ કર્યા વિના.

Sunday, February 05, 2012

સૌથી સસ્તું ટેબ્લેટ કમ્પ્યુટર ‘આકાશ’: હિટ કે ફ્‌લોપ?

સસ્તી કિંમતમાં ટેકનોલોજીના પરચા આપતાં કમ્પ્યુટરની વાતો દોઢેક દાયકાથી સંભળાયા કરે છે. ભારત જેવા વિશાળ અને ગરીબોની બહુમતી ધરાવતા દેશમાં ઇન્ટરનેટ- કમ્પ્યુટરથી પરિવર્તન આણવું હોય, તો ઓછી કિંમત વિના છૂટકો પણ નથી. વીસ-પચીસ-પચાસ હજાર રૂપિયાનાં કમ્પ્યુટર કેટલા લોકોને પોસાય?

અલાયદાં અને સસ્તાં સીડી-ડીવીડી પ્લેયર આવી જતાં, ગીતસંગીત ને ફિલ્મો માટે કમ્પ્યુટરની મોહતાજી મટી ગઇ. તેના પરિણામે સીડી શાકભાજીની જેમ -અને તેના કરતાં સસ્તા ભાવે- લારીમાં વેચાવા લાગી. મોબાઇલ સસ્તા થયા છે, પણ તેનો ઉપયોગ મોટે ભાગે પ્રાથમિક મનોરંજન પૂરતો મર્યાદિત છે. નાના સ્ક્રીનને કારણે વધારે વાંચવા કે જોવાના કામોમાં તે ખાસ ખપમાં લાગતા નથી.

ફક્ત પોસાણ ધરાવતા વર્ગને કમ્પ્યુટર-ઇન્ટરનેટ ટેકનોલોજીના ફાયદા મળે અને બાકીનો મોટો વર્ગ તેનાથી વંચિત રહી જાય, એ પરિસ્થિતિ માટે ‘ડિજિટલ ડીવાઇડ’ (ડિજિટલ ભેદભાવ) જેવો શબ્દપ્રયોગ વપરાય છે. આ ભેદભાવની ખાઇ પૂરવા માટે વખતોવખત પ્રયાસ થતા રહે છે. એકાદ દાયકા પહેલાં થોડા ભારતીય સંશોધકોએ મળીને કમ્પ્યુટરની સરખામણીમાં સોંધું અને વાપરવામાં સરળ એવું ‘સિમ્પ્યુટર’-સિમ્પલ કમ્પ્યુટર- બનાવ્યું હતું. બે કંપનીઓએ લાયસન્સ મેળવીને વ્યાવસાયિક ધોરણે (આશરે રૂ.૧૨ હજારમાં) સિમ્પ્યુટરનું વ્યાવસાયિક ઉત્પાદન કર્યું હતું. પરંતુ તેને ખાસ સફળતા મળી નહીં.

ઓછા ખર્ચે કમ્પ્યુટરની સુવિધાઓ સામાન્ય માણસ સુધી પહોંચે એ માટે કેન્દ્ર સરકારે આઇ.આઇ.ટી.-જોધપુરને રૂ.૪૭.૭૨ કરોડ આપ્યા હતા. તેનું કામ હતું :સસ્તાં કમ્પ્યુટરનાં ૧ લાખ નંગ પ્રયોગાત્મક ધોરણે તૈયાર કરાવવાં અને તેમની કાર્યક્ષમતા ચકાસવી. એ સંતોષકારક જણાય તો લાખોની સંખ્યામાં તેમનું ઉત્પાદન કરાવીને વિદ્યાર્થીઓ માટે ઓછા ભાવે- રાહત દરે પૂરાં પાડી શકાય. આઇ.આઇ.ટી. (જોધપુર)નો કોન્ટ્રાક્ટ મેળવવાની સ્પર્ધામાં કેનડાની કંપની ‘ડેટાવિન્ડ’ મેદાન મારી ગઇ. તેના ભારતીય માલિક સુનીતસિંઘ તુલી/ Suneetsingh Tullyની ટીમે માનવ સંસાધન વિકાસ મંત્રાલયની માગ અને આઇ.આઇ.ટી. જોધપુરે ટેન્ડરમાં દર્શાવેલાં ધારાધોરણ મુજબનું ટેબ્લેટ કમ્પ્યુટર તૈયાર કરી દીઘું. પહેલાં તેનું નામ ‘સાક્ષાત’ વિચારાયું હતું, પણ તૈયાર થયા પછી તે ‘આકાશ’/ Aakash નામે ઓળખાયું. તેનું કંપનીએ આપેલું નામ હતું ‘યુબીસ્લેટ ૭’./ Ubislate 7 (ટેબ્લેટ અથવા સ્લેટ તરીકે ઓળખાતાં કમ્પ્યુટરમાં ‘ઇનપુટ’ માટે- એટલે કે કી બોર્ડને બદલે- ટચસ્ક્રીન કે સ્ટાયલસ વપરાય છે. ટેબ્લેટમાં અલગથી કી-બોર્ડ જોડી શકાય ખરું.)

ઓક્ટોબર ૫, ૨૦૧૧ના રોજ માનવ સંસાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલે ‘આકાશ’ ખુલ્લું મૂક્યું. તેની બજારકિંમત કંપનીએ રૂ.૨,૫૦૦ રાખી, પણ સરકાર તરફથી કોલેજોને તે લગભગ અડધી કિંમતે (રૂ.૧,૧૩૮માં) મળવાનું હતું. રૂ.૨,૫૦૦માં ઠેકાણાસરના મોબાઇલ ફોન પણ મળતા નથી, જ્યારે આ તો ટેબ્લેટ કમ્પ્યુટર કહેવાય- ભલે મર્યાદિત ક્ષમતાવાળું હોય. ગૂગલની પ્રમાણમાં જૂની ઓપરેટિંગ સીસ્ટમ એન્ડ્રોઇડ ૨.૨ ધરાવતા ‘આકાશ’માં સાત ઇંચનો રેઝીસ્ટીવ (એટલે કે બહુ નાજુક અને સંવેદનશીલ નહીં એવો) ટચ સ્ક્રીન,૨૫૬ એમબી રેમ, આશરે ત્રણેક કલાક ચાલે એટલી બેટરી, ડોક્યુમેન્ટ- સ્પ્રેડશીટ-પીડીએફ જેવાં વિદ્યાર્થીઓને ઉપયોગી ફોર્મેટની સુવિધા, ઇન્ટરનેટ માટે વાઇ-ફાઇની સુવિધા અને ૩૬૬ મેગાહર્ટ્‌ઝનું પ્રોસેસર, બે યુએસબી પોર્ટ અને મેમરી કાર્ડ માટેનો સ્લોટ.

આ બધી વિગતનો સરવાળો ને સાર એટલો કે બીજાં ટેબ્લેટ સાથે સરખાવતાં ‘આકાશ’ની સુવિધાઓ અને ક્ષમતા સાવ પ્રાથમિક અને નબળી લાગે, પરંતુ બન્ને વચ્ચે કિંમતનો મોટો અને મુખ્ય તફાવત હતો. એક પણ ટેબ્લેટ ભાવની રીતે ‘આકાશ’ની રૂ.૨,૫૦૦ની કિંમતની આસપાસ ફરકી શકે એવી ન હતી.

‘આકાશ’/Aakashનાં દસ હજાર મોડેલ પ્રયોગાત્મક ધોરણે ઉપલબ્ધ બનતાં બે પ્રકારના પ્રતિભાવ મળવા લાગ્યાઃ એક પ્રતિભાવ વિદ્યાર્થીઓ તરફથી હતો, જેમને કોલેજ તરફથી અખતરા માટે ‘આકાશ’ મળ્યું હતું. તેમને એ ક્રાંતિકારી નહીં તો પણ ઉપયોગી લાગ્યું હતું. ટેકનોલોજીના નિષ્ણાત અને રીઢા રીવ્યુકારો એટલા ઉદાર ન હતા. તેમણે ‘આકાશ’ની પાયાગત મર્યાદાઓ ચીંધીઃ રેઝીસ્ટીવ ટચસ્ક્રીન હોવાને કારણે તેની સાથે પ્રેમથી નહીં પણ જોરથી કામ લેવું પડે છે, બેટરીની આવરદા ઓછી છે, ચાર્જિંગમાં વઘુ સમય લાગે છે, સુવિધાઓ વધારી આપતી એપ્લીકેશન્સ- ‘એપ્સ’નો અભાવ છે, પ્રોસેસર ધીમું છે, ફક્ત વાઇ-ફાઇ નેટવર્ક દ્વારા જ ઇન્ટરનેટ જોડાણ શક્ય છે અને ભારતના ઘણા વિસ્તારમાં હજી વાઇ-ફાઇની સુવિધા નથી...

બન્ને પ્રકારના પ્રતિભાવ સાચા હતા. રૂ.૨,૫૦૦ની કિંમતમાં ‘એપલ’ના ‘આઇ-પેડ’ જેવું ટેબ્લેટ તો ન જ મળે. પરંતુ આટલી ઓછી કિંમતમાં ટેબ્લેટ કમ્પ્યુટરની મૂળભૂત સુવિધાઓ અને ઇન્ટરનેટ કનેક્શન મળતું હોય તો ખોટું નહીં. કારણ કે તેનો આશય પાયાની જરૂરિયાત સંતોષવાનો છે. ટેકનોલોજીના અભ્યાસીઓની અપેક્ષા સ્વાભાવિક રીતે ઊંચી હોય. પરંતુ માથાકૂટ ત્યારે થઇ, જ્યારે આઇ.આઇ.ટી. જયપુરે ‘આકાશ’ સામે અસંતોષ વ્યક્ત કર્યો.

‘આકાશ’ તૈયાર કરનાર ‘ડેટાવિન્ડ’/Datawind કંપનીના સુનીતસિંઘનો જવાબ એવો હતો કે આઇ.આઇ.ટી.ના ટેન્ડરમાં ચીંધેલાં તમામ ધારાધોરણ તેમની કંપનીએ સંતોષ્યાં છે. તેમણે એમ પણ કહ્યું કે ‘આકાશ માટેનાં અત્યારે નીચાં લાગતાં ધારાધોરણ નક્કી થયાં હતાં ૨૦૦૯માં, પણ તેને લગતાં (સરકારી) ટેન્ડર છેક ફેબ્રુઆરી, ૨૦૧૧માં બંધ થયાં.’ ટેકનોલોજીના વિશ્વમાં બે વર્ષનો સમયગાળો કેટલો મોટો કહેવાય અને એ ગાળામાં કેટલી ઉથલપાથલ થઇ શકે, એ સરકારી બાબુઓને તો ઠીક, આઇ.આઇ.ટી.ને પણ નહીં સમજાતું હોય?

‘આકાશ’ ઉર્ફે ‘યુબીસ્લેટ ૭’ના પહેલા મોડેલ વિશેના પ્રતિભાવ પછી તેમાં કેટલાક જરૂરી ફેરફાર કરીને જાન્યુઆરી, ૨૦૧૨માં ‘યુબીસ્લેટ ૭ પ્લસ’ / Ubislate 7 plusમોડેલની જાહેરાત કરવામાં આવી. તેનું ઓનલાઇન બુકિંગ શરૂ થઇ ગયું અને અત્યાર સુધીમાં તેના ૬૦ લાખ ઓર્ડર નોંધાઇ ચૂક્યા છે. સુધારેલી આવૃત્તિમાં ફક્ત રૂ.૫૦૦ વધારે લઇને, રૂ.૨૯૯૯ની કિંમતમાં ઇન્ટરનેટ માટે વાઇ-ફાઇ ઉપરાંત જીપીઆરએસની સુવિધા, ૩-જી મોડેમ પણ વાપરી શકાય એવો વિકલ્પ, ૭૦૦ મેગાહર્ટ્‌ઝનું પ્રોસેસર, વધારે ચાલે એવી બેટરી, એન્ડ્રોઇડ ૨.૩ ઓપરેટિંગ સીસ્ટમ, (કંપનીના દાવા પ્રમાણે) દોઢેક લાખ એપ્સ, ટેબ્લેટને મોબાઇલ ફોન તરીકે વાપરી શકવાની જોગવાઇ...

સરકારના અને કંપનીના, બન્ને પક્ષે આ તો હજુ શરૂઆત છે. ૧ લાખ ટેબ્લેટના ઓર્ડર આપનાર માનવ સંસાધન મંત્રાલય માને છે કે ભવિષ્યમાં ૨૨ કરોડ ટેબ્લેટની જરૂર પડવાની છે. આ બજારમાં પગપેસારો કરવા માટે ‘ડેટાવિન્ડ’ સિવાયની કંપનીઓ પણ તલપાપડ છે. ‘આકાશ’ (પહેલા મોડેલ) પછી આઇ.આઇ.ટી. જોધપુરે ‘ડેટાવિન્ડ’ને નવેસરથી પોતાની અપેક્ષાઓની યાદી આપી હતી. કંપનીએ આ યાદીને ‘મિલિટરી સ્ટાઇલ’ (સૈન્યમાં વપરાશ માટે જરૂરી ગણાય એવી) ગણાવીને કહ્યું હતું કે એ પ્રકારનાં ટેબ્લેટ કમ્પ્યુટર એક લાખ રૂપિયાની આસપાસની કિંમત ધરાવે છે. અઢી હજાર રૂપિયાનાં ટેબ્લેટ પાસેથી એવી અપેક્ષા ન રાખી શકાય. બન્ને વચ્ચેના વિવાદમાં માનવ સંસાધન વિકાસ મંત્રાલયે દરમિયાનગીરી કરીને આઇ.આઇ.ટી.ને ‘મિલિટરી સ્ટાઇલ’ની માગણીઓ પાછી ખેંચી લેવા જણાવ્યું. હવે ‘ડેટાવિન્ડ’ના સુનીતસિંઘ ઇચ્છે છે કે સરકાર ટેબ્લેટના જથ્થાબંધ ઓર્ડર આપતી વખતે ‘મેઇડ ઇન ઇન્ડિયા’નો આગ્રહ રાખે. ‘આકાશ’નું બઘું કામ હૈદરાબાદની ફેક્ટરીમાં થયું છે. એ જ રીતે, કરોડોની સંખ્યામાં સસ્તાં ટેબ્લેટ કમ્પ્યુટર બનાવવાનાં થાય તો તેનો લાભ ચાઇનીઝ કે બીજી કંપનીઓ ખાટી ન જાય- અને ‘ડેટાવિન્ડ’નો હાથ ઉપર રહે- એવી સુનીતસિંઘની લાગણી છે. તેમના જણાવ્યા પ્રમાણે, આસામ સરકારે પોતાની જરૂરિયાત માટેનાં ટેબ્લેટ કમ્પ્યુટર માટે ‘મેઇડ ઇન ઇન્ડિયા’ની શરત અનિવાર્ય બનાવી છે.

‘આકાશ’ (યુબી સ્લેટ ૭) અને ‘યુબીસ્લેટ ૭ પ્લસ’- આ બન્ને હજુ વ્યાપક સ્તરે ઉપલબ્ધ બન્યાં નથી. તેમને મળેલા પ્રચંડ પ્રતિસાદથી ‘ડેટાવિન્ડ’ની ગ્રાહક પ્રતિસાદ વ્યવસ્થાઓ પણ ઘણે અંશે ખોરવાઇ ગઇ છે. છતાં થોડા મહિનામાં બઘું સમુંસૂતરું થઇ રહેશે એવી હૈયાધારણ કંપનીએ આપી છે. એક વાર ‘યુબીસ્લેટ ૭ પ્લસ’ મોટા પાયે વપરાતાં થાય ત્યાર પછી સૌ પોતપોતાની જરૂરિયાત મુજબ તેની સફળતા-નિષ્ફળતાની આંકણી કરી શકે. પણ ટેબ્લેટ કમ્પ્યુટરની કિંમત રૂ.૩ હજારના સ્તરે આણીને કંપનીએ પહેલો મોરચો સર કરી લીધો છે.

અત્યારના પ્રતિસાદ પછી એટલું નક્કી જણાય છે કે સિમ્પ્યુટર જેવી નિષ્ફળતા ‘યુબીસ્લેટ’ જેવા ટેબ્લેટ કમ્પ્યુટરના ભાગે નહીં આવે. તેની દશા ‘નેનો’ કાર જેવી નહીં થાય એવું પણ લાગે છે. કારણ કે કારની જેમ ટેબ્લેટ કમ્પ્યુટર મહદ્‌ અંશે સામાજિક મોભા સાથે સંકળાયેલી વસ્તુ નથી કે જેમાં સસ્તું વાપરવાની લોકોને શરમ આવે.

ત્રણ હજાર રૂપિયાની કિંમત જોઇને ટેબ્લેટ નોંધાવી દેવાની લાલચ થઇ આવે છે? તત્કાળ જરૂરિયાત ન હોય, તો એમાં થોડી રાહ જોવી ફાયદેમંદ નીવડી શકે છે. કારણ કે વચ્ચેના સમયગાળામાં ટેબ્લેટમાં કેમેરાથી માંડીને બીજી ઘણી સુવિધાઓ ઉમેરાય એવી સંભાવના છે- અને ‘તમે લઇ ગયા, અમે રહી ગયા’ જેવો પ્રશ્ન તેમાં થવાનો નથી. કારણ કે આ ટૂંકા ગાળા માટેની સરકારી યોજના નહીં, પણ ભારત જેવા દેશના ઓછી કિંમતના બજારને ઘ્યાનમાં રાખીને અમલમાં મૂકાયેલો વ્યાવસાયિક પ્રોજેક્ટ છે.

Thursday, February 02, 2012

યે કિસને જગાયા સવેરે સવેરે

મૂળ ઇચ્છા તો એવું મથાળું લખવાની હતી કે ‘યે કિસને ઉઠાડા સવેરે સવેરે’. ભાષાની દૃષ્ટિએ ‘ઉઠાડા’ શબ્દ ખોટો હોત, પણ ઘણા કવિઓનાં ઉદાહરણો પરથી આપણે જાણીએ છીએ કે કવિતામાં ભાષા કે વ્યાકરણનું મહત્ત્વ હોતું નથી. જે ચોટ, જે નૈસર્ગીકતા, જે બોલચાલની ભાષાની મહેક ‘ઉઠાડા’માં આવે છે તે‘જગાયા’માં નથી આવતી, એ તો હિંદી બોલી પાડતો કોઇ પણ ગુજરાતી કબૂલશે. પરંતુ કવિતા-એટલે કે ગઝલ-માં કારકિર્દી બનાવવાની મહેચ્છા નહીં હોવાથી એ પ્રયોગ પડતો મૂક્યો.

મહત્ત્વ શબ્દપ્રયોગનું નથી, પણ એ જેના માટે વપરાય છે તે ક્રિયાનું છે. પ્રેમ બારમાસી પ્રવૃત્તિ હોવા છતાં વસંત - અને હવે વેલેન્ટાઇન ડે- તેના માટેની ખાસ ૠતુ, ખાસ દિવસ ગણાય છે. એવી જ રીતે, ઉંઘવું એ બારમાસી કામ હોવા છતાં, શિયાળામાં ઉંઘવાની- ઉંઘી રહેવાની મઝા કંઇક જુદી છે. શિયાળાની રાત્રે પથારીના ગરમાટામાં રજાઇ ઓઢીને સૂઇ જવાની અનુભૂતિ અવર્ણનીય હોય, તો સવાર પડતાં સુધીમાં તે લગભગ અલૌકિકની કક્ષાએ પહોંચી જાય છે. પરદેશમાં જાણીતા ગાયકો તેમના ગળાનો, જાણીતી અભિનેત્રીઓ તેમના દેહનાં સૌંદર્યકેન્દ્રોનો અને જાણીતા ફૂટબોલખેલાડીઓ તેમના પગનો વીમો ઉતરાવતા હોય છે. એવી રીતે કોઇ નિદ્રાપ્રેમી કરોડપતિ શિયાળાની વહેલી સવારની ઉંઘનો અમુક કરોડ રૂપિયાનો વીમો ઉતરાવીને મૌલિક પરંપરા શરૂ કરી શકે છે. આમ કરવાથી બે ફાયદા થશેઃ શિયાળાની સવારની ઉંઘનો મહિમા વધશે અને આટલા કરોડ રૂપિયા વધારાના હોવા છતાં પોતાને ઉંઘ આવે છે, એવું કરોડપતિ બોલ્યા વિના જણાવી શકશે.

ભોગ અને ત્યાગ વચ્ચેના એક પગથીયાનું નામ છેઃ આસક્તિ. આખી રાત ઉંઘ ભોગવ્યા પછી સવારે તેનો ત્યાગ કરતાં પહેલાં, સૂતેલા માણસના મનમાં ઉંઘ માટે પ્રબળ આસક્તિનો ભાવ જાગે છે. ઉંઘ તજવા માટે વહેલી પરોઢનો સમયગાળો સૌથી કપરો છે. કારણ કે એ ગાળામાં આસક્તિનું ધોરણ મહત્તમ હોય છે. ભક્તિમાર્ગમાં વહેલા ઉઠવાનું મહત્ત્વ આ કારણથી તો નહીં હોય? (‘રાત રહે જાહરે પાછલી ખટઘડી, સાઘુપુરૂષે સુઇ ન રહેવું’)- એવી શ્રદ્ધાળુ આશંકા પણ જાગે છે.

જ્ઞાનીજનો કહી ગયા છે કે આસક્તિને કારણે માણસ છતી આંખે અંધ થઇ જાય છે. તેની આંખો બંધ થઇ જાય છે. વહેલી સવારે નિદ્રાવસ્થામાં જોકે આ વિધાનની સત્યાર્થતા ચકાસવાનો મોકો મળતો નથી. કારણ કે ત્યારે આંખો મંિચાયેલી જ હોય છે. એટલું ખરું કે મોટા ભાગના માણસો ઉંઘતી વખતે ઉંઘ સિવાયની બીજી બધી બાબતોમાં લોભલાલસા છોડીને સંતોષી થઇ જાય છે. એ વખતે તેમને ઉંઘ સિવાય બીજું કંઇ દેખાતું નથી. તેમની બધી લાલસાઓ કેવળ ઉંઘ પર કેન્દ્રિત થઇ જાય છે.

ચિંતનીયા પરિભાષામાં કહી શકાય કે ઉંઘ ફક્ત ઉંઘ ન બની રહેતાં, તે માણસોની લાલસાનો સરવાળો બની રહે છે. એટલે સામાન્ય લોકો જેને સીધોસાદો ઉંઘથી ઘેરાયેલો- ઉંઘગ્રસ્ત માણસ ધારે છે, એ ખરેખર ઉંઘની સાથોસાથ ઉંઘની ઘટ્ટ લાલસામાં પણ લપેટાયેલો હોય છે. આવા જણને જગાડવા માટે ભવ્ય પુરૂષાર્થની જરૂર પડે છે. વાસ્તવમાં ‘પુરૂષાર્થ’ શબ્દ જરા કઠે એવો છે. કારણ કે એ કામ મોટે ભાગે સ્ત્રી વર્ગના ભાગે આવે છે. આસક્તિમાં તરબોળ માણસને લાજશરમ હોતી નથી. ઉંઘની આસક્તિ પણ તેમાં અપવાદરૂપ નથી. તેમાં લપેટાયેલા માણસને જગાડવાનું કામ પ્રેમમાં માથાડૂબ કોઇ રસિયાને વૈરાગી બનાવવા જેટલું કપરું છે. આરંભે શૂરા કે ઝટ થાકી જનારા- હાર માની લેનારાનું તેમાં ચાલતું નથી.

જગાડનારના પ્રયાસોનો પહેલો ગીઅર સમયની જાહેરાતથી થાય છે. ‘છ વાગ્યા...હવે ઉઠવાનું નથી? છ વાગ્યા...છ તો ક્યારના વાગી ગયા. પછી તમે ને તમે બૂમો પાડશો...’ પરંતુ ઘણા ઉંઘરસિયા માટે આ બૂમો એપેટાઇઝર જેવી સાબીત થાય છે. તેનાથી ઉંઘ ઉડવાને બદલે તે ફરી એક વાર અસ્તવ્યસ્ત થયેલું ઓઢવાનું સંકોરીને, નવેસરથી ઉંઘવાનો પ્રયાસ કરે છે.

પહેલા ગીઅરની નિષ્ફળતા પછી જગાડનારના પ્રયાસ બીજા ગીઅરમાં આવે છે. આ ગીઅરમાં, ઉઠાડનાર પોતે અર્જુનમાં કર્તવ્યભાવના જાગ્રત કરનાર કૃષ્ણની ભૂમિકામાં આવે છે અને ‘હે પાર્થ, તારી ફરજ શું છે તે હું કહું છું. તું સાંભળ.’ પ્રકારે કહે છેઃ ‘ઉઠો. તમારે છગનભાઇને મળવાનું નથી? અથવા મગનભાઇ તમને મળવા આવવાના નથી?’ અથવા ‘આજે પણ પેલી બસ નહીં મળે તો પછી ઓફિસે લેટ પહોંચશો.’ વાંધો ત્યાં પડે છે કે જગાડનાર પોતાની જાતને કૃષ્ણ-સમકક્ષ ગણે, પણ ઉંઘનારને તે દુર્યોધન જેવા લાગે છે.

કામની વાત આવવાથી સૂતેલા માણસને કંઇક ખુલાસો કરવાની ફરજ પડે છે. તે ઉંઘરેટા અવાજે-આંખ ખોલ્યા વિના, ફક્ત છગનભાઇનું નામ સંભળાય એવી રીતે અસ્પષ્ટ ગણગણાટ કરે છે અને ફરી પડખું ફેરવીને સૂઇ જાય છે. જગાડનારને તેની શાંતિ અકળાવનારી લાગે છે. તે ચિડાય છેઃ ‘આ તે કંઇ રીત છે? એમનું કામ યાદ કરાવીએ તો પણ જાગે નહીં. આવું તે કંઇ ઉંઘવાનું હોતું હશે?’ આ પ્રકારનો ઠપકા વિશે ઘ્યાનથી- ઉંઘ ઉડ્યા પછી- વિચારતાં તેમાં બીજું પણ કંઇક સાંભળી શકાય. જેમ કે, ‘હું ક્યારની- કે ક્યારનો- જાગી છું અને એ કેમ ન ઉઠે? આપણે વહેલા ઉઠીને એમની સેવાઓ કરવી એવું લખી આપ્યું છે?મારું ચાલે તો હું અત્યારે જ લંબાવી દઉં. મને એના કરતાં વધારે ઉંઘ આવે છે, પણ એના જેવું કોણ થાય?’

ત્રીજા ગીઅરમાં જગાડનારનો અવાજ ઊંચો અને ભાષા વધારે જુસ્સાદાર થાય છે. ‘આ તો સાવ બહેરો છે બહેરો..એક નંબરનો ઊંઘણશી..કોઇ દહાડો પહેલી બૂમે જાગ્યો છે? ના ઉઠવું હોય તો મારે શું? કાલથી હું ઉઠાડવાની જ નથી.’ રાણીવાસમાં ગુલતાન પૃથ્વીરાજ ચૌહાણને પોકારતા-ઠપકો આપતા કવિ ચંદ જેવી આ ચેષ્ટા હોય છે, પણ જગાડનારના પક્ષે કવિ ચંદ જેટલી ધીરજ અને હિંમતનો અભાવ તથા સૂનારના પક્ષે પૃથ્વીરાજ જેટલી સ્વધર્મસભાનતા ન હોવાથી આ પ્રયાસ પણ વ્યર્થ જાય છે.

ત્યાર પછી આવે છે છેલ્લો ગીઅર. તેમાં સૂતેલાને ઢંઢોળવા, બરડે વજનદાર હાથે ટપલા મારવા કે તેનું ઓઢવાનું ખેંચી લેવા જેવા બળપ્રયોગ થાય છે. એ વખતે જાગ્યા વિના છૂટકો રહેતો નથી. ભલું હોય તો ઉંઘમાંથી ઉઠીને ‘ઓહોહો...સાડા છ વાગી ગયા? મેં તને કહ્યું ન હતું કે ગમે તે થાય, પણ મને છ વાગ્યે જગાડી દેજે?’ એવો ઠપકો તે જગાડનારને આપવાનો પ્રયાસ કરે છે.

શિયાળાની સવારે દૈવી અનુભૂતિ કરાવતી ઉંઘ તજીને વહેલા શા માટે ઉઠવું જોઇએ? કોઇને વહેલી સવારે કડકડતા હોઠે ભજન ગાવામાં ને સેવાપૂજા કરવામાં, તો કોઇને ચાલવામાં કે કસરત કરવામાં ઉંઘનું બલિદાન સાર્થક લાગે છે. ગામડાંમાં દાતણ કરવાનો અને ઉલ ઉતારવાનો ભારે મહિમા હોય છે. એ ક્રિયાઓ વખતે થતા અવાજ એવા પ્રચંડ હોય છે કે વહેલા ઉઠવાની આળસ ધરાવતા લોકો માટે તે એલાર્મનું કામ કરે છે. અવાજ કરનારા પોતાના પરોપકારથી અજાણ હોવાને કારણે તે સાચા પુણ્યના હકદાર બને છે. બાકી, ખરું પૂછો તો શિયાળામાં વહેલા ઉઠીને કરવા જેવું કામ એક જ છેઃ ફરી ઓઢીને સૂઇ જવું.

Tuesday, January 31, 2012

રશદી-વિરોધનું બેશરમ ફારસ

‘ક્લાસિક’ પુસ્તકની રમૂજી વ્યાખ્યા છેઃ એવું પુસ્તક જેના વિશે બધાએ સાંભળ્યું હોય, બધાને ખબર હોય કે એ વાંચવું જોઇએ, પણ બહુ ઓછા લોકોએ તે વાંચ્યું હોય. વિવાદાસ્પદ પુસ્તકની વ્યાખ્યા પણ એ તરાહ પર કરી શકાયઃ એવું પુસ્તક જેના વિશે બધાએ સાંભળ્યું હોય, ભાગ્યે જ કોઇએ વાંચ્યું હોય, છતાં તેનો જોરશોરથી વિરોધ થતો હોય અને તેના લીધે લોકોને થતું હોય કે ‘આ પુસ્તક વાંચવું જોઇશે.’

સલમાન રશદીની નવલકથા ‘સેતાનિક વર્સીસ’ ૧૯૮૮માં બ્રિટનમાં પ્રકાશિત થઇ, ત્યારથી એ વિવાદાસ્પદ રહી છે. બ્લાસ્ફેમી- ધર્મ કે ધાર્મિક પાત્રોની નિંદાનો આરોપ, વિશ્વભરના દેશોમાં સૌપ્રથમ ભારત સરકાર દ્વારા તેની પર મુકાયેલો પ્રતિબંધ, ઇરાનના આયાતોલ્લા ખોમેનીએ આપેલો રશદીના મોતનો આદેશ, કડક સુરક્ષા હેઠળ રશદીનો અજ્ઞાતવાસ, ખોમેનીના અવસાન પછી ઇરાન સરકારે પાછું ખેંચેલું ફતવાનું સત્તાવાર સમર્થન- આ બધી વાતો સાહિત્યમાં જ નહીં, સમાચારમાં રસ ધરાવતા લોકો પણ ઓછેવત્તે અંશે જાણે છે.

જયપુર લિટરરી ફેસ્ટિવલ નિમિત્તે જાન્યુઆરી, ૨૦૧૨માં રશદીવિરોધની કથામાં સરકારી અને બિનસરકારી રાહે નવાં શરમજનક પ્રકરણ ઉમેરાયાં છે. તેની મુદ્દાસર વાત સાથે ભારતીય પ્રજાસત્તાકના વર્તમાનની કથા વળાંકો ને વક્રતા, વિચિત્રતા અને વિષમતા સાથે ઉઘડતી જશે.

સ્થળઃ જયપુર લિટરેચર ફેસ્ટિવલ એટલે કે સાહિત્ય સમારંભ ૨૦૦૬થી વર્ષથી યોજાય છે. તેમાં દેશવિદેશના લેખકો આવે તથા એકબીજા સાથે તથા વાચકો સાથે ખુલ્લાશથી હળેમળે- વિચારોનું આદાનપ્રદાન કરે એવો તેનો આશય છે. પ્રતિષ્ઠાની દૃષ્ટિએ તે એશિયાનો સૌથી નામી- સૌથી મોટો સાહિત્યિક મેળાવડો ગણાય છે. આ વર્ષે તેમાં નિમંત્રીત આશરે ૨૬૫ લેખકોમાંના એક હતાઃ બ્રિટનમાં વસતા, ભારતીય મૂળના અંગ્રેજી લેખક સલમાન રશદી.

વિવાદનું કેન્દ્રઃ રશદીની કેટલીક નવલકથાઓ ઇંદિરા ગાંધી, ઝુલ્ફીકારઅલી ભુત્તો જેવાં લોકો સાથે તોફાની સામ્ય ધરાવતાં પાત્રોને કારણે વિવાદાસ્પદ બની હતી, પરંતુ ‘સેતાનિક વર્સીસ’ વિવાદના મામલે બધી હદો વટાવી ગઇ. કારણ કે તેમાં મામલો વ્યક્તિની નહીં, પણ ધર્મની ટીકાનો- ‘ધાર્મિક લાગણી’ દુભાવાનો હતો. ખોમેનીએ જારી કરેલા મોતના ફતવા પછી ઘણા સમય સુધી રશદી પોતે કોઇ નવલકથાના પાત્ર જેવા રહસ્યાચ્છાદિત બની રહ્યા. દેશવિદેશમાં મુસ્લિમ નેતાઓ કે સંસ્થાના આગેવાનો કે ઝનૂની લોકો દ્વારા થતો વિરોધ ફક્ત ‘સેતાનિક વર્સીસ’ પૂરતો મર્યાદિત ન રહ્યો. ‘ઇસ્લામનું અપમાન કરનાર’, ખુદ મુસ્લિમ, એવા રશદીના તે વિરોધી થઇ ગયા. રશદી ૨૦૧૨ના જયપુર સાહિત્યિક સમારંભમાં આવવાના છે, એવા સમાચાર જાહેર થતાં તોફાનનાં વાદળાં ઘેરાવા લાગ્યાં.
‘સેતાનિક વર્સીસ’ લખ્યા પછી રશદી પહેલી વાર ભારત આવતા ન હતા. જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં બીજા વર્ષે (૨૦૦૭માં) તે હાજર રહ્યા હતા. ફેસ્ટિવલના એક આયોજક વિલિયમ ડેર્લિમ્પિલે યાદ કર્યું હતું કે એ વખતે રશદીની સાથે એક અંગરક્ષક સુદ્ધાં ન હતો. એ નિરાંતે સૌને મળ્યા હતા. લેખકો અને વાચકો સાથે વાતો કરી હતી. ત્યારે કોઇ ડખો થયો ન હતો. પરંતુ જાન્યુઆરી ૨૦૧૨ની વાત જુદી હતી. આ વર્ષે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવે છે, જેમાં મુસ્લિમ મતો અંકે કરવા માટે કોંગ્રેસ પ્રચંડ પ્રયાસ કરી રહી છે. મુસ્લિમહિતનું કોઇ નક્કર કામ કર્યા વિના તેમના મત અંકે કરવાની જૂની અને જાણીતી પદ્ધતિ મુસ્લિમોમાંથી કટ્ટરવાદી નેતાગીરી સામે ધૂંટણીયે પડવાની છે.

સરકાર અને સંસ્થાઓ દેવબંદ (ઉત્તર પ્રદેશ)ની મુસ્લિમ ધાર્મિક સંસ્થા દારૂલ ઉલુમે રશદીના ભારત આગમન સામે રણશીંગું ફૂંક્યું. ત્યાંથી શરૂ થયેલો વિરોધનો દાવાનળ જયપુર અને દિલ્હી સુધી પહોંચ્યો. ત્યાં સુધી રશદીનું જયપુર આવવાનું નક્કી હતું. હોટેલનો રૂમ બુક થઇ ગયો હતો. રાજસ્થાનની કોંગ્રેસી ગેહલોત સરકારે તેમને રક્ષણની બાંહેધરી આપી હતી. પછી ધીમે ધીમે સરકારના અસલી ઇરાદા પરનો નકાબ ઉતરવા લાગ્યો. ‘ગુપ્તચર બાતમી’ આગળ કરીને રાજસ્થાન સરકાર દ્વારા રશદીને એવો સંદેશો પહોંચાડવામાં આવ્યો કે ‘મુંબઇના એક ડોને તમારી હત્યા માટે સોપારી આપી છે.’

દેવબંદના વિરોધથી વાત વણસવા લાગી હતી. રશદી આવે તો પણ સલામતી-બંદોબસ્ત પાકો રાખવો પડે એમ હતો. તેનાથી આયોજનની સ્વાભાવિકતા અને અનૌપચારિકતા પર ગંભીર અસર પડે એમ હતી. મોતની ધમકીની વાત આવ્યા પછી રશદીને નવેસરથી વિચારવાની ફરજ પડી. એક બાજુ રક્ષણ આપવાની તત્પરતાનો ડોળ કરતી સરકાર એ જ શ્વાસમાં ‘મુંબઇના ગેંગસ્ટરે તમારી સોપારી આપી છે’ એવું કહે ત્યારે તેનો અર્થ શું થાય, તે રશદી જેવાને સમજાવવું પડે? તેમણે જયપુર આવવાનું માંડવાળ કર્યું. પછીથી તેમણે એવું પણ કહ્યું કે હું જયપુર ન આવું એ માટે ગુપ્તચર માહિતીના નામે મને ભડકાવવામાં આવ્યો હતો.

‘સેતાનિક વર્સીસ’ને બદલે આખેઆખા રશદીનો વિરોધ કરનારાની દાદાગીરી અને તેની ઉપર ચાર ચાસણી ચડે એવી સરકારની કુટિલતાથી મર્યાદિત વર્તુળોમાં ભારે અસંતોષ ફેલાયો.

વિરોધનો વિરોધઃ લાંબોપહોળો પથારો પાથરીને બેઠેલાં આયોજકોએ વાજબી વસવસો પ્રગટ કરીને બાકીના કાર્યક્રમ પર ઘ્યાન કેન્દ્રિત કર્યું, પરંતુ ફેસ્ટિવલના પહેલા જ દિવસે ધડાકો થયોઃ જાન્યુઆરી ૨૦ના રોજ ચાર જણ- લેખક હરિ કુંઝરુ, વિવેચક અમિતાવ કુમાર, કવિ જીત થાઇલ અને ફિલ્મકાર રુચિર જોશીએ રશદીના મુદ્દે પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે ‘સેતાનિક વર્સીસ’માંથી કેટલાક (બિનવિવાદાસ્પદ) અંશોનું જાહેરમાં પઠન કર્યું. ત્યાં ઉપસ્થિત બી.બી.સી.ના સંવાદદાતાએ નોંઘ્યા પ્રમાણે, લોકોએ બહુ રસથી અને શાંતિપૂર્વક એ સાંભળ્યું. કોઇની ઉશ્કેરણી ન થઇ ને કાયદો-વ્યવસ્થા જોખમાયાં નહીં. (ધક્કામુક્કી ને ધસી જવામાં) ‘રગ્બી ટીમની હરીફાઇ કરે એવાં’ટીવી પત્રકારો ત્યાર પછી પહોંચ્યા.

વિરોધવાચન કરતાં પહેલાં બ્રિટનસ્થિત હરિ કુંઝરુએ ટ્‌વીટર પર પોતાનો ઇરાદો જાહેર કરી દીધો હતો. ખરો કકળાટ શાંતિપૂર્વક પઠન થઇ ગયા પછી શરૂ થયો. ચારે સામે ફરિયાદો થઇ અને વકીલની સલાહ પ્રમાણે ધરપકડ ટાળવા માટે ચારે જણ જયપુરથી રવાના થઇ ગયા. તેમની સામે જયપુર અને અજમેરમાં કુલ અડધો ડઝન પોલીસ કેસ કરવામાં આવ્યા છે. કેસ કરનારમાં ભાજપના લધુમતી મોરચાનો પણ સમાવેશ થાય છે.

આયોજકોનો અભિગમઃ ‘સેતાનિક વર્સીસ’માંથી પઠન કરતાં આયોજકોની સ્થિતિ કફોડી થઇ. એક તરફ અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યનો અધિકાર અને બીજી તરફ આયોજનને પાર ઉતારવાનો તકાદો. આયોજકોમાંના એક વિલિયમ ડેર્લિમ્પિલે ખુલાસો કરતાં કહ્યુંઃ ‘એક જૂના કાયદા પ્રમાણે પ્રતિબંધિત પુસ્તકનું જાહેર પઠન કરવું એ પણ સજાપાત્ર ગુનો છે, તેની ચારે જણને ખબર નહીં હોય. પણ તેમણે એટલું સારું કર્યું કે ‘આ પઠન તેમણે પોતાની મુન્સફીથી કર્યું છે. સમારંભના આયોજકોને તેની સાથે કશી લેવાદેવા નથી’ એવું લેખિત નિવેદન તેમણે અમને કરી આપ્યું. તેનાથી પહેલા જ દિવસે આયોજન સમેટી લેવું ન પડ્યું અને સમારંભ ચાલુ રહી શક્યો.’

વિલિયમે ત્યારે એવું આશ્વાસન લીઘું અને આપ્યું હતું કે ‘અમે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની તરફેણ કરીએ છીએ. સલમાન રશદી સાથે અમે વિડીયો કોન્ફરન્સ કરીશું. જે થયું તેનો વિરોધ પણ કરીશું. છતાં વિરોધ કાયદાની હદમાં રહીને કરવો પડે.’ પરંતુ ખરો ખેલ ત્યારે થયો, જ્યારે રશદી સાથે વિડીયો વાર્તાલાપનો વિચાર પણ પડતો મૂકવો પડ્યો. ભારે દબાણ હેઠળ યજમાને જાહેર કર્યું કે સમારંભમાં હાજર સૌની સલામતીને ઘ્યાનમાં રાખતાં અને વ્યાપક હિતમાં રશદી સાથે વિડીયો વાર્તાલાપ રદ કરવામાં આવે છે.

દિગ્ગી પેલેસના માલિક એવા યજમાનને તેમના આંગણે તોફાન ન થાય એની ચિંતા અથવા સત્તાધીશોને નારાજ ન કરી શકવાનું રાજકીય દબાણ હોય, આયોજકોને વ્યવહારિયા રસ્તા કાઢીને સમારંભ હેમખેમ પૂરો કરવાની તાલાવેલી હોય, પણ વિરોધ કરનાર ચાર લેખકોનું શું? એ તો વિરોધ કરવા માટે જ ઊભા થયા હતા. દલીલ ખાતર માની લઇએ કે ‘સેતાનિક વર્સીસ’માંથી જાહેર પઠન કરવામાં કાયદાનો ભંગ થતો હોય તો પણ, એ પગલું તેમણે વ્યાપક લોકશાહી અધિકારો પર ભાર મૂકવા અને તેના હનન પ્રત્યે પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે ભર્યું હતું. થોડી વઘુ હિંમત કરીને તેમણે ધરપકડ વહોરી હોત તો? આયોજકોનું કદાચ ખરાબ દેખાત, પણ ચાર જણનું વિરોધ પ્રદર્શન સાર્થક બની રહેત. એટલું જ નહીં, તેમના જેલવાસને કારણે સરકારી સકંજા તળે થતી રૂંધામણનો મુદ્દો ગાજતો થયો હોત. દેશવિદેશના આટલા લેખકો હાજર હોય ત્યારે સેન્સરશીપના ભંગ બદલ ચાર લેખકોની ધરપકડ કરવાથી દંભી સરકારને નીચાજોણું થયું હોત અને દબાણ આયોજકોને બદલે સરકાર પર આવત.

કાનૂની અભિપ્રાય અને સારઃ કેટલાક પાયાદાર કાનૂની અભિપ્રાયોમાં એવું જણાવાયું છે કે ‘સેતાનિક વર્સીસ’નું ભારતમાં પ્રકાશન કરાયું ન હતું. એ ફક્ત બ્રિટનમાં પ્રકાશિત થઇ હતી. એટલે એ સમયે તેની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ટૂંકમાં, જે પ્રતિબંધ છે તે આયાત પરનો છે. ત્યાર પહેલાં ભારત આવી ગયેલી નકલ રાખવા કે વાંચવામાં કશો ગુનો બનતો નથી. ઇ.સ. (ઇન્ટરનેટ સન) પૂર્વેનો આ પ્રતિબંધ હવે બેમતલબ બની ગયો છે. કારણ કે ઇ-બુક તરીકે ‘સેતાનિક વર્સીસ’ સહેલાઇથી મેળવી શકાય છે. આ અભિપ્રાયને કલમોની આંટીધૂંટી વડે પડકારી શકાય એ જુદી વાત છે.

માઇલેજ ખાટવામાં મહારથી લેખક ચેતન ભગત સહિત કેટલાક લોકોએ રશદી પ્રત્યે આદર રાખીને પણ એવો મત પ્રગટ કર્યો કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે કોઇની લાગણી દુભાવી ન શકાય. આ મુદ્દે ચર્ચામાં ઉતરવાથી વાત આડા પાટે ફંટાય છે. કારણ કે જયપુરનો મૂળ વિવાદ ‘સેતાનિક વર્સીસ’ વિશેનો નહીં, તેના લેખકને આખેઆખો પ્રતિબંધિત કરવાનો છે. લેખક રૂબરૂ પણ નહીં ને તેની સાથે વિડીયો ચેટ પણ નહીં, એવા પ્રતિબંધથી જ કોઇની લાગણી સંતોષાતી હોય તો એ લાગણીની કિંમત કેટલી?

પ્રતિબંધોનો ગુજરાતને પણ સારો એવો અનુભવ છે. જસવંતસિંઘે લખેલા પુસ્તકમાં સરદારના ઉલ્લેખોને લઇને (વાંચ્યા વિના) મૂકાયેલો પ્રતિબંધ હોય કે ‘પરઝાનિયા’ સામેનો અઘોષિત પ્રતિબંધ- સરકારનો દંડો એકસરખી રીતે જ ચાલે છે. એ મુદ્દે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ અને ગજું ધરાવતા સાહિત્ય સમારંભો પણ ‘ધંધો પહેલો’ અથવા ‘કાર્યક્રમની સફળતા વધારે અગત્યની છે’ એવી નીતિ અપનાવશે, તો બે-ચાર નિવેદનો કે ઓનલાઇન પીટીશનથી સરકારો શરમાય કે સુધરે એવી અપેક્ષા રાખી શકાય નહીં.

Monday, January 30, 2012

‘મૂરખરાજ અને તેના બે ભાઇઓ’ : તોલ્સ્તોયની વાર્તા, ગાંધીજીનો અનુવાદઃ ૧૦૦ વર્ષ પછી

વિજ્ઞાનકથાઓ-સાયન્સ ફિક્શનમાં લખાયેલી કલ્પના વર્ષો પછી સાકાર થાય ત્યારે કેવો રોમાંચ થાય? ભવિષ્યના આગોતરા વિશ્વદર્શનની એવી લાગણી, જરા જુદી રીતે, તોલ્સ્તોયે લખેલી ‘ધ સ્ટોરી ઓફ ઇવાન ધ ફૂલ’/ The Story Of Ivan The Fool માં થઇ શકે છે. ઘડતરકાળમાંથી પસાર થઇ રહેલા ગાંધીજીને તે એટલી પસંદ-અનુકૂળ પડી કે તેમણે એનો ગુજરાતી અનુવાદ કર્યો. નામ આપ્યું:‘મૂરખરાજ અને તેના બે ભાઇઓ’. ‘ઇન્ડિયન ઓપિનિયન’ના ઓક્ટોબર ૭, ૧૯૧૧ના અંકમાં ગાંધીજીની પ્રસ્તાવના સાથે એ કથાનો પહેલો હપ્તો છપાયો અને છેલ્લો, તેરમો હપ્તો ૩૦ ડિસેમ્બર, ૧૯૧૧ના ‘ઓપિનિયન’માં.

ગાંધીજી ત્યારે દક્ષિણ આફ્રિકાના ફિનિક્સમાં ‘તોલ્સ્તોય આશ્રમ’ સ્થાપી ચૂક્યા હતા. તોલ્સ્તોય/ Leo Tolstoy જેના લેખક તરીકે જગમશહૂર બન્યા તે ‘વોર એન્ડ પીસ’ અને ‘અન્ના કેરેનીના’ જેવી નવલકથાઓ વાંચવાની ત્યારે ગાંધીજીની વૃત્તિ ન હતી. તેમને તોલ્સ્તોયના ધર્મચિંતન અને સમાજચિંતનમાં ઊંડો રસ પડ્યો. સવિનય કાનૂનભંગ, સત્યાગ્રહ, સર્વોદય અને શરીરશ્રમ-મહેનતનો રોટલો (બ્રેડલેબર) જેવા વિચારો અંગે તેમના મનમાં નવો ઉઘાડ થયો હતો. અમલના અખતરા ચાલુ હતા. ‘મૂરખરાજ’ એ જ દિશા ચીંધતી અને એ આદર્શોને ઉજાગર કરતી કથા હતી. તેના પહેલા પ્રકરણ સાથે આપેલી ‘પ્રસ્તાવના’માં ગાંધીજીએ ખુલાસો કર્યો હતો કે ‘અમે વાતનો શબ્દાર્થ તરજુમો નથી આપ્યો, છતાં તેનું રહસ્ય બરોબર સમજી શકાય તેવી રીતે આપણી ભાષામાં ઠીક લાગે તેવી રીતે લખાણ કરવા પ્રયત્ન કર્યો છે.’

તોલ્સ્તોયે આ કથા ઇ.સ.૧૮૮૫માં લખી ત્યારે વિશ્વયુદ્ધ થયાં ન હતાં. અમેરિકા સુપરપાવર બન્યું ન હતું. કોર્પોરેટ કલ્ચરનો અને ઉપભોક્તાવાદનો સકંજો ભીડાયો ન હતો. મોટા ભાગના દેશો માટે લોકશાહી બહુ દૂરની વાત હતી. પરંતુ તોલ્સ્તોયે સાહિત્યની દૃષ્ટિએ જોતાં જાડી-ઉપદેશાત્મક લાગે એવી આ વાર્તામાં કેટલાંક એવાં પ્રતીક-રૂપક-પ્રસંગ મૂક્યાં, જે સવા સદી પછી પણ લાગુ પાડી શકાય. બલ્કે, વાંચતી વખતે એવું લાગે કે ‘આવું બનવાનું છે એની તોલ્સ્તોયને શી રીતે ખબર પડી?’

વાતના કેન્દ્રમાં ત્રણ ભાઇઓ ને એક બહેન છેઃ ઇવાન ધ ફૂલ, સાઇમન ધ સોલ્જર, તારાસ ધ સ્ટાઉટ અને મૂંગી બહેન માર્થા. ગુજરાતી અનુવાદમાં ‘રશિયન નામઠામ વાંચતાં વાતનો રસ ઘટે એમ ધારી’ હિંદી નામ રાખવામાં આવ્યાંઃ મૂરખરાજ, સમશેરબહાદુર, ધન્વંતરિ અને બહેન મોંઘી. સમશેરબહાદુર રાજાઓની નોકરી કરતો યુદ્ધપ્રિય સિપાઇ, ધન્વંતરિ વેપારી અને મૂરખરાજ ખેતરમાં મહેનતમજૂરી કરીને વૃદ્ધ માતા-પિતા અને બહેનનું ઘ્યાન રાખનારો.
ચારે ભાઇબહેન વચ્ચે બાપીકી મિલકતના ભાગ પડ્યા ત્યારે બે ભાઇઓ બઘું લઇ ગયા ને મૂરખરાજના ભાગે એક ઘરડી ઘોડી સિવાય કંઇ ન આવ્યું. ત્યાંથી કથાની શરૂઆત થાય છે. બાઇબલની પરંપરા પ્રમાણે, કથામાં એક શેતાન અને તેના ત્રણ વેંતિયા-પૂંછડીયા ગુલામ વિલન છે. મિલકતની અસમાન વહેંચણી વખતે મૂરખરાજ વાંધો લેતો નથી, એટલે ત્રણે ભાઇઓ વચ્ચે ઝઘડો થતો નથી. તેનાથી દુઃખી થઇને સેતાન ત્રણે ગુલામોને એક-એક ભાઇ પાસે મોકલી આપે છેઃ તેમને અવળા રસ્તે દોરીને પાયમાલ કરવા.

બાકીના બે ભાઇઓમાં સેતાન સફળ થાય છે, પણ મૂરખરાજ કોઇ પણ સંજોગોમાં, ગમે તેટલું કઠણ કામ,હિંમત હાર્યા વિના કરવામાં માને છે. કોઇ પોતાનું કામ બગાડે તો પણ ચિઢાયા વગર, એ કામ આગળ વધારે છે- બમણી મહેનત કરે છે. એટલે દુનિયાદારીની રીતે એ ‘મૂરખ’ છે, પણ કાવતરાબાજ સેતાનના ગુલામો તેની ‘મૂર્ખામી’ સામે થાકીને હારી જાય છે.

ત્રણે ગુલામો મૂરખરાજને એક-એક વરદાન આપીને પોતાનો જીવ બચાવે છે. એક વરદાન છેઃ ‘તમે ચાહો તેમાંથી સિપાઇ પેદા કરી શકો.’ બીજું વરદાન છેઃ વૃક્ષનાં પાંદડાં હાથમાં ચોળતાં સોનું બની જશે.

મૂરખરાજને હડઘૂત કરતા બન્ને ભાઇઓ વરદાન વિશે જાણીને ફરી તેની પાસે આવે છે. સમશેરબહાદુર સિપાઇઓનું લશ્કર લઇને રાજ્ય જીતવા ને ધન્વંતરિ સોનું લઇને વેપાર કરવા ઉપડી જાય છે, પણ મૂરખરાજ ખેતરનું કામ-શ્રમનું જીવન-અંગમહેનત-બ્રેડલેબર ચાલુ રાખે છે. ત્રીજા વરદાનથી તે માંદાને સાજા કરવાની શક્તિ ધરાવે છે. તેનાથી રાજકુમારીને સાજી કરી દેતાં રાજા મૂરખને પોતાની કુંવરી સાથે પરણાવે છે. રાજાના મૃત્યુ પછી તે રાજા-મૂરખરાજ - બને છે, પણ ખેતીનું કામ ચાલુ રાખે છે. લોકો કહે છે ‘રાજાથી કામ ન થાય.’ ત્યારે મૂરખરાજ પૂછે છે,‘શું રાજા ખાય નહીં? અને જો ખાય તો કામ ન કરે?’ જે ખાય તે સૌ શરીરશ્રમનું કામ કરે એવી પ્રતીતિ ધરાવતા ગાંધીજીને મૂરખરાજ સાથે કેવી એકાત્મતા લાગી હશે એ ધારી શકાય.

સિપાઇઓના અને સોનાના જોરે સુખી થયેલા સમશેરબહાદુર -ધન્વંતરિ પાસે ખુદ સેતાન વેશ બદલીને પહોંચે છે. પહેલાં તે સમશેરબહાદુરનો સેનાપતિ બનીને તેને યુદ્ધના અને વઘુ સંહારક શસ્ત્રોના માર્ગે ચઢાવે છે. તેનું જોઇને બીજા રાજાઓ પણ વિનાશક શસ્ત્રોની હરીફાઇમાં ઉતરે છે. વિમાન શોધાયાં ન હતાં ત્યારે તોલ્સ્તોયે આ કથામાં ‘સેતાની કારનામા’ તરીકે શત્રુઓ પર દારૂગોળો વરસાવી શકે એવાં હવાઇ જહાજોની કલ્પના કરી હતી. વીસમી સદીની મહાસત્તાઓનું અને ‘પ્રગતિશીલ’ કહેવાતા દેશોનું આ પ્રમુખ લક્ષણ રહ્યું છેઃ જેની પાસે વિનાશકારી શસ્ત્રોનો ખજાનો મોટો, તેનો મોભો વધારે મોટો.

રૂપિયાના જોરે રાજ ચલાવતા ધન્વંતરિ પાસે સેતાન, મસમોટી મલ્ટીનેશનલ કંપનીના પ્રતિનિધિની યાદ અપાવે એવો વેપારી બનીને, પહોંચે છે. બજારભાવ કરતાં ઊંચા ભાવે એ બધો માલ ખરીદે. એટલે લોકો એને ત્યાં માલ વેચે ને રાજ્યમાં કર ભરે. રાજ્યમાં થતી આવકથી ધન્વંતરિ હરખાય અને વેપારીથી પોતાને કેટલો ફાયદો થાય છે તેની ગણતરીમાં રાચે. પણ વખત જતાં રાજ્યમાં કામ કરનારા બધા સેતાનના નોકર થઇ જાય છે. રાજ્યનો રાજા ભલે ધન્વંતરિ હોય, પણ અસલી રાજ સેતાનનું ચાલે છે. માણસ કે કે ચીજવસ્તુ જોઇતી હોય તો રાજાને પણ સેતાનની દયા પર નભવું પડે છે. (આ વાંચીને મોટી કંપનીઓ અને રાજનેતાઓ વચ્ચેના સંબંધો યાદ ન આવે તો જ નવાઇ.)

બે ભાઇઓ પાસે સફળ થયેલો સેતાન મૂરખરાજ પાસે ફાવતો નથી. મૂરખરાજનો સેનાપતિ બનીને તે લોકોને લશ્કરમાં ફરજિયાત ભરતી થવાનું કહે છે, પણ લોકો ઇન્કાર કરે છે. મૂરખરાજ સમક્ષ તે ફરિયાદ કરવા જાય છે ત્યારે મૂરખરાજ તેમને કહી દે છે કે ‘સેનાપતિનું બોલવું હું પોતે સમજતો નથી. એટલે તમારે સૈન્યમાં દાખલ ન થવું હોય તો ન થજો.’ સવિનય અવજ્ઞાનો- પોતાને અનૈતિક લાગે એવા આદેશની પૂરા આદર સાથે અવગણના કરવાનો- આ બોધપાઠ છે, જે એકાદ દાયકા પછી ગાંધીજી ભારતની પ્રજાને આપવાના છે.

સેતાન પાડોશી રાજાને ઉશ્કેરીને મૂરખરાજના રાજ્ય પર ચડાઇ કરાવે છે. સિપાઇઓ લૂંટફાટ કરે છે ત્યારે મૂરખરાજની પ્રજા સામે થવાને બદલે તેમને કહે છે, ‘તમારે અમારા દાણા અને ઢોરનો ખપ હોય તો ભલે લઇ જાવ. તમારા ગામમાં તેની તંગી હોય તો તમે અમારા ગામમાં આવીને જ વસો. એમ કરશો તો તમને દાણો સારી જવાની અને ઢોર હાંકી જવાની તકલીફ નહીં પડે.’ ભારતમાં થયેલા સત્યાગ્રહો અને ચળવળોમાં ગાંધીજીએ આ પ્રકારનું મનોબળ પ્રજામાં કેળવાય એવું ઇચ્છ્‌યું હતું. તેમને એવો વિશ્વાસ હતો કે એમ કરવાથી વહેલામોડા સામેના માણસનું હૃદયપરિવર્તન થયા વિના ન રહે.

‘મૂરખરાજ’ વાર્તામાં પોતે લડવા આવ્યા છે ને કોઇ લડનાર નથી તે જાણીને સિપાઇઓ નિરાશ થાય છે. રાજાના હુકમથી તે ઘર અને દાણા બાળવા જાય છે તો ખરા, પણ ‘જોઇએ તો લઇ જાવ. નકામું નુકસાન શા માટે કરો છો?’ એવી લોકોની દલીલ સામે તે પીગળી જાય છે અને રાજાની નોકરી છોડી દે છે. એ વાંચતી વખતે, સત્યાગ્રહ વખતે અંગ્રેજ સરકારની નોકરીમાંથી રાજીનામાં આપનારા તલાટી-મુખીઓ-બીજા હોદ્દેદારોની યાદ તાજી થાય છે.

ઘૂંધવાયેલો સેતાન મૂરખરાજની પ્રજાને ‘તમે ઢોરની માફક રહેતા જણાઓ છો. માણસને છાજે તેમ રહેતાં તમને બતાવું.’ એમ કહીને ઉપભોક્તાવાદના રવાડે ચડાવવા પ્રયાસ કરે છે. તેના માટે પોતે, ઉદાર શરતે લોન કે ક્રેડિટ કાર્ડ-ડેબિટ કાર્ડની જેમ, મહેનતાણામાં સોનામહોરોની લાલચ આપે છે. પણ મૂરખરાજના રાજ્યમાં નાણાંનું ચલણ નથી. લોકો એકબીજાની જરૂરિયાતની ચીજવસ્તુઓનું સાટું કરીને જીવન વીતાવે છે.

મૂરખરાજને ઘેર સેતાન સહિત સૌ કોઇ માટે મફત ભોજનની વ્યવસ્થા છે, પણ બહેન મોંઘીનો નિયમ છેઃ જેના હાથ પર કોદાળીનાં આંટણ પડ્યાં હોય તેમને પહેલાં જમવાનું આપવાનું અને આંટણ ન હોય એવા આળસુઓને પછી. ત્યાં સેતાન એવી દલીલ કરે છે કે ‘અક્કલવાન માણસોએ મજૂરી કરવાની ન હોય.’ મૂરખરાજને તે કહે છે કે ‘હાથથી કામ કરવા કરતાં મગજથી કામ કરવું સો ગણું મુશ્કેલ છે. કેટલીક વાર મગજ ચીરાઇ જાય છે.’ મૂરખરાજ ભોળપણથી કહે છે, ‘સારું. હાથપગ થાકશે ત્યારે અમે મગજનો ઉપયોગ કરીશું. અમને મગજથી કામ કરતાં શીખવ.

મૂરખરાજ સેતાનને ગામના ઊંચા મિનારા પર મોકલે છે, જ્યાંથી તે પોતાની વાત સમજાવી શકે. સેતાનને લાગે છે કે તેને પોતાનો પ્રચાર કરવાની તક મળી. તે બુદ્ધિનો મહિમા કરતી ભાષણબાજી ચાલુ કરી, પણ લોકોને તેમાં રસ નથી. કારણ કે તેમાં કશું ‘કામ’ દેખાતું નથી. બૂમો પાડીને સેતાન થાકે છે. મિનારાની ટોચે ખાવા-પીવાની પણ વ્યવસ્થા નથી. કારણ કે ફક્ત મગજથી કામ કરી જાણતો સેતાન મગજના જોરે ખાવાનો બંદોબસ્ત કરી લેશે એવું માની લેવાય છે.આખરે સેતાન હારે છે ને નાસી જાય છે.

વાર્તાના અંતમાં તોલ્સ્તોય લખે છેઃ ‘ઇવાન હજુ જીવે છે. તેના રાજ્યમાં લોકો ઉમટે છે. તેના ભાઇઓ પણ આવ્યા છે. એમને તે જમાડે છે. જે લોકો ભોજન માગતા આવે એ સૌને ઇવાન આવકારીને કહે છે, અમારી પાસે બધાને થાય એટલું છે.’ અલબત્ત, એક નિયમ તેના રાજમાં અફર છેઃ જેના હાથમાં મહેનતને કારણે આંટણ પડ્યાં હોય એવા લોકોને ભોજનના ટેબલ પર બેસાડવામાં આવે છે અને જેમની હથેળી સુંવાળી હોય તેમને વધેલાઘટેલા ભોજનથી ચલાવી લેવું પડે છે.

ગાંધીજી પોતાની રીતે વાર્તાનો અંત કરતાં લખે છેઃ ‘મૂરખરાજના રાજ્યમાં તો ઘણા સારા માણસો એકઠા થવા લાગ્યા. તેના બંને ભાઇ તેને શરણ આવ્યા. તેઓ મૂરખાની સાદી પણ ભવ્ય રહેણીનું રહસ્ય સમજ્યા. તેઓએ પણ એવી સાદાઇ પકડી. તે સહુ નીતિધર્મ સાચવી, સત્યનું સેવન કરી, અંગમહેનત કરી, સુખેથી કાળ ગુજારવા લાગ્યા.’

પહેલી વાર ૧૯૬૪માં ‘નવજીવન’ દ્વારા પ્રકાશિત થયેલી આ બાળવાર્તા જેવી લાગતી પુસ્તિકા બે વર્ષ પહેલાં પુનઃમુદ્રિત થઇને ઉપલબ્ધ બની છે. તે વાંચવી-સમજવી એ પણ ગાંધીજીને યાદ કરવાની-તેમને અંજલિ આપવાની એક રીત છે.

Saturday, January 28, 2012

મારિઓ મિરાન્ડાની 'યાદેં'

પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જાહેર થતાં સન્માનોમા સદગત કાર્ટૂનિસ્ટ મારિઓ મિરાન્ડા/Mario Mirandaને પદ્મવિભૂષણ મળ્યો. મૃત વ્યક્તિને એવોર્ડ આપવાનો શો અર્થ છે એ મને સમજાતું નથી. એટલે જ, મારિઓ જેવા પ્રિય કલાકારનું સન્માન થવા છતાં, એ મરણોત્તર થયાથી તેનો ખાસ-થવો જોઇએ એટલો- આનંદ ન થયો. 

મારિઓના મૃત્યુ પછી તેમનું વૈવિધ્યપૂર્ણ કામ યાદ કરીને આ બ્લોગ પર તેમને વિગતવાર અંજલિ આપી હતી. એ વખતે તેમાં એક વાત બાકી રહી ગઇ હતીઃ સુનિલ દત્ત/Sunil Duttની એકપાત્રી ફિલ્મ 'યાદેં'/Yaadeinમાં મારિઓનું પ્રદાન. 'વાગલેકી દુનિયા' કે 'આર.કે.લક્ષ્મણકી દુનિયા'ના દાયકાઓ પહેલાં 1964માં સુનિલ દત્તે મારિઓનાં કાર્ટૂનના પિક્ચરાઇઝેશનનો નવતર પ્રયોગ કર્યો હતો. મારિઓનાં કાર્ટૂનને તેમણે સંગીત અને સંવાદો વડે જીવંત બનાવીને એક નવું જ પરિમાણ આપ્યું હતું.

 'યાદેં'ની સીડી લેખક-અધ્યાપક મિત્ર કાર્તિકેય ભટ્ટ પાસેથી મળતાં, મારિઓનાં કાર્ટૂનના સુનિલ દત્તે કરેલા પિક્ચરાઇઝેશનની કેટલીક તસવીરો અને નીચે તેની વિડીયો લિન્ક મૂકી છે. 'રસ ધરાવતી પાર્ટીઓ' તસવીરોની સાથે વિડીયો પણ ખાસ જુએ, તો કાર્ટૂનનો આ રીતે પણ ઉપયોગ થઇ શકે તેનો અંદાજ આવશે.

મારિઓ-ચિત્રીત પાત્રસૃષ્ટિ વચ્ચે 'યાદેં'નો એકમાત્ર અભિનેતા સુનિલ દત્ત

'યાદેં'ના ટાઇટલમાં આવતી મારિઓની ક્રેડિટ લાઇન










આ કાર્ટૂનો સાથે યથાયોગ્ય મસ્તીભર્યા સંવાદ પણ મૂકવામાં આવ્યા છે. જેમ કેઃ 'પેરીન ડાર્લિંગ, તારો ફેસ કાં છે? મને દેખતો નથી.' 'મરે રે રુસ્તમ. એમ સું કરેચ? તારી ડારીની નીચે તો છે.'






અને મારિઓના કાર્ટૂનના વિશિષ્ટ ઉપયોગની મઝા કરાવતી બે વિડીયો લિન્ક
video
video

Thursday, January 26, 2012

મહાનુભાવોનાં પૂતળાં વચ્ચે મોબાઇલ વાર્તાલાપ

ભારતવર્ષમાં માણસ કરતાં પૂતળાં વધારે પૂજાય છે. કારણ કે પૂતળાં ઉપદેશ આપતાં નથી, પૂતળાં સવાલ પૂછતાં નથી, પૂતળાં જવાબ માગતાં નથી, પૂતળાં સામે બોલતાં નથી, પૂતળાં બે આંખની શરમ ભરાવતાં નથી, પૂતળાં નાસીને ક્યાંય જઇ શકતાં નથી (સિવાય કે તેમને સરકારી રાહે ઉપાડીને બીજે ખસેડવામાં આવે), પૂતળાં ચાહે તો પણ છુપાઇ કે સંતાઇ શકતાં નથી (સિવાય કે ચૂંટણીપંચ ચૂંટણી ટાણે તેમની પર ઢાંકપિછોડો કરીને તેમને અદૃશ્ય બનાવી દે). ભાવુક લોકો કહે છે કે મહાપુરૂષો અને મહાસ્ત્રીઓનાં પૂતળાં આવનારી પેઢીને પ્રેરણા આપે છે. સચ્ચાઇ એ છે કે પૂતળાં સાથે કેવું વર્તન કરવું તેની પ્રેરણા આવનારી પેઢી મોટે ભાગે માણસો પાસેથી નહીં, પણ પક્ષીઓ પાસેથી ગ્રહણ કરે છે.

ટાઢ-તડકો-વરસાદ-ફૂલના, સુતરના અને જૂતાંના હારતોરા- જૂઠાં આદરમાન આ બઘું ચૂપચાપ અને સમાન ભાવે સહન કરતાં પૂતળાં ટેકનોલોજીની કોઇ તરકીબથી મોબાઇલ વાપરતાં થઇ જાય અને જીવંત મનુષ્યો સાથે ભલે નહીં, પણ એકમેક સાથે વાત કરી શકે-એકમેકની વાત સાંભળી શકે (કોન્ફરન્સિંગ કરી શકે) તો?
***

ગાંધીજીઃ (હાથમાં પકડેલી લાકડી નીચે મૂકતાં) હાશ..

સરદારઃ શું થયું બાપુ? ફોન પર કેમ હાશકારો નીકળી ગયો?

ગાંધીજીઃ વર્ષોથી મને લાકડી પકડાવીને ઊભો કરી દીધો છે. દરેક ગાંધીજયંતિએ મને ઇચ્છા થાય છે કે સુતરની આંટી લઇને આવનારા નેતાઓને લાકડીનો સ્વાદ ચખાડું પણ...

ડો.આંબેડકરઃ આ બાબતે હું તમારી સાથે સંમત છું, ગાંધીજી. હું તમારા જેવો શાંત નથી. મારી તિથી પર લોકો મને હાર ચડાવવા આવે ત્યારે દરેક વખતે હું આંગળી ચીંધી ચીંધીને કહું છે કે આ જ લોકોએ મારા ને તમારા સ્વપ્નને રોળી નાખ્યું છે. પણ મારા આંગળીચીંધામણને લોકો પૂતળાની મુદ્રા ગણી લે છે.

માયાવતીઃ ડાક્ટરસા’બ, તમારો અવાજ સાંભળીને હું એટલી બધી રાજી થઇ છું કે શું કરવું સૂઝતું નથી. મને લાગે છે કે હું હજાર-બે હજાર કરોડના ખર્ચે મારાં ને તમારાં ને માન્યવર કાંશીરામજીનાં બીજાં પાંચ-પચીસ પૂતળાં ઊભાં કરાવું.

રાણી લક્ષ્મીબાઇઃ (બેકગ્રાઉન્ડમાં ઘોડાની હણહણાટી સંભળાય છે) બે હાથે તલવાર ચલાવવી એક વાત છે. એ મને ફાવે, પણ એક હાથમાં ઘોડાની લગામ ને બીજા હાથમાં મોબાઇલ પકડવાનું બહુ ફાવતું નથી.

ભગતસિંઘ તો ઘોડાની નીચે ઉતરી જાવ.

લક્ષ્મીબાઇઃ પણ ઘોડાની નીચે ઉતરું તો પછી મને ઓળખે કોણ?

ભગતસિંઘ હા, એ વાત ખરી. મને પણ એ પ્રોબ્લેમ નડે છે. એટલે તો હું કદી હેટ કાઢતો નથી. લોકોને મન ભગતસિંઘ એટલે હેટ ને મૂછો. આપણે કોના માટે, શાના માટે મોતને ભેટ્યા એ જાણવાની કોને પરવા છે રાણીજી?

સાવરકરઃ એમ નિરાશ ન થશો. મેં ૧૮૫૭ના સંગ્રામ વિસે આખું પુસ્તક લખ્યું છે.

ઇન્દુલાલ યાજ્ઞિકઃ પણ એ પુસ્તક ‘વાંચે ગુજરાત’ની યાદીમાં હતું? જો ના, તો તમારું પુસ્તક એળે ગયું.

સાવરકરઃ એ તો મને ખ્યાલ જ ન આવ્યો. નહીંતર મને હારતોરા કરવા નેતાઓ આવ્યા ત્યારે મેં સહેજ ઇશારો કર્યો હોત તો પણ કામ થઇ જાત.

સરદારઃ સાવરકર, તમે ક્યાં કોંગ્રેસમાં છો? અત્યારના ગુજરાતમાં તો ફક્ત કોંગ્રેસીઓનાં કામ થાય છે. (ખડખડાટ હસે છે)

સાવરકરઃ (ઘૂંધવાઇને) આના કરતાં તો હું આંદામાનમાં સારો હતો. દેખવું નહીં ને દાઝવું પણ નહીં.

ગાંધીજીઃ આપણી વચ્ચે વિચારભેદ હોવા છતાં મારે કહેવું જોઇએ કે દેશને તમારા પૂતળાની જરૂર છે.

સાવરકરઃ (હજુ ખીજ ઉતરી ન હોય એવા અંદાજમાં) હા, પક્ષીઓ બિચારાં ક્યાં જાય? મારા માથે છે એવી સરસ મજાની ગોળાકાર ટોપી બીજે ક્યાં મળવાની?

સ્વામી વિવેકાનંદઃ માય ઇન્ડિયન બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ...

ગાંધીજીઃ ઓહો, આ તો સ્વામી વિવેકાનંદ. દરિદ્રનારાયણનો મહિમા કરનાર..

વિવેકાનંદઃ ગાંધી, એ વિવેકાનંદ બીજો કોઇ હશે. આ પૂતળાસ્વરૂપ વિવેકાનંદ તો દરિદ્રનારાયણના નહીં, નગદનારાયણના મહિમાનું પ્રતીક બની ગયો છે. જુઓને, મારી દોઢસોમી જન્મજયંતિ પણ કેટલી ધામઘૂમથી ઉજવાઇ રહી છે. સરકાર આ નિમિત્તે એટલાં બધાં નાણાં આપવાની છે કે સંસ્થાઓ એટલો ખર્ચ એક વર્ષમાં કરી શકે એમ નથી. એટલે મારા જન્મની દોઢશતાબ્દિ ચાર વર્ષ સુધી ઉજવાશે.

સરદારઃ ઉઠો, સફાળા જાગો અને બધા રૂપિયાનો ઘુમાડો ન થાય ત્યાં સુધી અવિરત મંડ્યા રહો. બરાબર ને જવાહર?

નેહરુઃ એમાં હું શું કહી શકું? મારી જન્મશતાબ્દિ વખતે મારા પોતરાએ પણ ગામ માથે લીઘું હતું. મારા પ્રેમીઓ ને અભ્યાસીઓ મારાથી ઉબાઇ જાય, એટલો મારો પ્રચાર કર્યો હતો.

જગજીવનરામઃ અને બાકી હતું તે તમારી દીકરીએ પૂરું કર્યું.

આંબેડકરઃ અરે વાહ, જગજીવનરામ. તમારો અવાજ સાંભળીને આનંદ થયો. તમને બોલતાં આવડે છે?

ઇંદિરા ગાંધીઃ એ તો હું પૂતળું બની ગઇ એટલે. બાકી મજાલ છે કોઇની હરફ સુદ્ધાં ઉચ્ચારે? હું જીવતી હતી ત્યારે આ બધાંને મેં જીવતેજીવ પૂતળાં બનાવી દીધાં હતાં. ખાતરી ન થતી હોય તો પૂછો મોરારજીભાઇને...પણ એક મિનીટ..મોરારજીભાઇનું પૂતળું જ નહીં હોય. જવા દો. એમાં પૂછવાની શી જરૂર છે? હું કટોકટી સિવાય જૂઠું બોલતી નથી અથવા જૂઠું બોલું ત્યારે કટોકટી આવે છે, પણ અત્યારે એવી કોઇ ચિંતા રાખવાની જરૂર નથી.

સયાજીરાવ ગાયકવાડઃ અમારે મઝા છે. આઝાદી આવી ગઇ તો પણ પૂરા રજવાડી પોશાકમાં પ્રજા સામે રહેવા મળે અને અમારા વારસદારો સંપત્તિ માટે કેવાં ઝઘડે છે એ જોવા પણ મળે.

સરદારઃ (હસતાં હસતાં) સારું થયું ને તમારાં રજવાડાં ભારતમાં ભેળવી દીધાં. નહીંતર તમારા વારસદારોની ઝઘડાઝઘડી અને ભાગબટાઇને કારણે ભારતમાં રજવાડાંની સંખ્યા સાડી પાંચસોથી વધીને સાડા પાંચ હજાર થઇ ગઇ હોત.

ઇંદિરા ગાંધીઃ હા અને મારે સાડા પાંચ હજાર રજવાડાંનાં સાલિયાણાં નાબૂદ કરવાં પડત. સાડા પાંચસોમાં આટલો કકળાટ થયો, તો એનાથી દસ ગણા વધારેમાં કેટલો કકળાટ થાય?

નેહરુઃ બેટા પ્રિયદર્શિની, તારા સવાલનો જવાબ મળી શકે એમ નથી. કારણ કે આપણા દેશમાં ગણિતશાસ્ત્રીઓનાં કે વિજ્ઞાનશાસ્ત્રીઓનાં પૂતળાં ઊભાં કરવાનો રિવાજ નથી.

રાજીવ ગાંધીઃ કદાચ લાલબહાદુર શાસ્ત્રીનું પૂતળું મળી જાય.

Tuesday, January 24, 2012

એન.આર.આઇ.ને મતાધિકારઃ હક અને હદ

ભારતીય લોકશાહીની વર્તમાન વાસ્તવિકતામાં મત એવી જણસ છે જેની મળ્યા પછી કંિમત રહેતી નથી. કોઇ પણ જાતના ભેદભાવ વિના સૌને એકસરખો મતાધિકાર મળ્યા પછી નાગરિકો મતને બહુમૂલ્ય લાગતો નથી અને નેતાઓને ચૂંટણીમાં મત મળી ગયા પછી બીજાં પાંચ વર્ષ સુધી મતની કિંમત સાંભરતી નથી.

છેલ્લાં બે-પાંચ વર્ષમાં જન્મેલાં ઘણાં બાળકો જેમ મોબાઇલ કે ઇન્ટરનેટ વગરની દુનિયાની કલ્પના કરી શકતાં નથી, એવી જ રીતે ભારત જેવી લોકશાહીમાં સાર્વત્રિક મતાધિકાર ‘સમજ્યા હવે!’ બની ગયો છે. અંબાણીનો પણ એક મત હોય અને ઝૂંપડામાં રહેનારનો પણ એક મત હોય, એ વાતમાં રહેલું અસાધારણપણું હવે અહોભાવ કે નવાઇ પ્રેરતું નથી. તેનું એક કારણ એ છે કે ભારત જેવા ચૂંટણીશાહી વ્યવસ્થા ધરાવતા દેશમાં મત આપનાર તથા લેનાર વચ્ચે આપ-લે થઇ ગયા પછી ભાગ્યે જ કશો સંપર્ક રહે છે.

આ પરિસ્થિતિમાં એક વર્ગ એવો છે, જેને મન હજુ મતનું મૂલ્ય છે. કારણ કે તેમને એ ‘હક’ મળ્યો નથી. એ સમુહ છે: બિનનિવાસી ભારતીયો. એન.આર.આઇ. નોન રેસિડન્ટ ઇન્ડિયન્સ, જે ક્યારેક વ્યંગમાં નોન રિલાયેબલ ઇન્ડિયન્સ તરીકે પણ ઓળખાય છે.

સંબંધ વધારતા સુધારા
ભારતમાંથી વિદેશ ગયેલા લોકો કે તેમની પછીની પેઢીનો મૂળીયાં સાથેનો સંબંધ વધારે સહજતાથી જળવાઇ શકે, એ માટે વર્ષ ૨૦૦૬માં ‘ઓવરસીઝ સિટિઝનશીપ ઓફ ઇન્ડિયા’(ઓસીઆઇ)ની જોગવાઇ કરવામાં આવી. ‘ડ્યુઅલ સિટિઝનશીપ’ તરીકે જાણીતી આ યોજનામાં ‘પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન’ (પીઆઇઓ- પિતા કે માતા ભારતીય હોય એવા લોકો)ને વિદેશમાં વસતા ‘ભારતીય’ તરીકેનો દરજ્જો આપવામાં આવે છે. સંબંધિત વિભાગના મંત્રી વી.રવિએ આપેલા આંકડા પ્રમાણે અત્યાર સુધી અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિત ૯૦થી પણ વઘુ દેશોમાં વસતા દસેક લાખ ભારતીયોએ ‘ડ્યુઅલ સિટિઝનશીપ’ મેળવી છે. તેના મુખ્ય બે ફાયદા છેઃ આ કાર્ડ ધરાવતા બિનનિવાસી ભારતીયોને ભારત આવતી વખતે વીઝા લેવાની જરૂર પડતી નથી. તે ઇચ્છે ત્યારે ભારત આવી શકે છે અને ઇચ્છે એટલું રોકાઇ શકે છે. ભારતીય નાગરિક તરીકે તેમને પોતાના આગમન વિશે પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની પણ રહેતી નથી.

અલબત્ત, તેના માટે વપરાયેલો ‘સિટિઝનશીપ’(નાગરિકત્વ) શબ્દ છેતરામણો છે. કારણ કે ‘ડ્યુઅલ સિટિઝનશીપ’ ધરાવનારને ભારતમાં મતાધિકાર મળતો ન હતો. એ અંગે બિનનિવાસી ભારતીયોની માગણીને ઘ્યાનમાં રાખીને વર્ષ ૨૦૧૦માં ‘રીપ્રેઝન્ટેશન ઓફ પીપલ બિલ, ૨૦૧૦’માં એક સુધારો કરવામાં આવ્યો, જે સંસદમાં પસાર થઇને ફેબુ્રઆરી ૧૦, ૨૦૧૦થી અમલી બન્યો. એ સુધારા મુજબ વિદેશમાં વસતા ભારતીયોને ભારતમાં યોજાતી ચૂંટણીમાં મતનો અધિકાર આપવામાં આવ્યો. તેમાં બે મહત્ત્વની શરતો હતીઃ ૧) કામ, અભ્યાસ કે બીજા કોઇ કારણે વિદેશમાં રહેતા પરંતુ વિદેશના નાગરિક ન હોય એવા ભારતીયો જ ભારતમાં પોતાના મતવિસ્તારની મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકે. ૨) મત આપવા માટે તેમણે ચૂંટણીના દિવસે રૂબરૂ હાજર રહેવું પડે.

તેનો અર્થ એ થયો કે ‘ડ્યુઅલ સિટિઝનશીપ’ ધરાવતા એન.આર.આઇ. ભારતમાં મત આપી શકે નહીં. કારણ કે તે બીજા દેશનું નાગરિકત્વ મેળવી ચૂક્યા છે. પાકી સિટિઝનશીપ ન ધરાવતા બિનનિવાસી ભારતીયોમાંથી પણ ચૂંટણીના દિવસે ભારતમાં હાજર હોય એવા લોકો કેટલા હોવાના? એટલે કાગળ પર બિનનિવાસી ભારતીયોને મતાધિકાર મળ્યો હોવા છતાં, તે નહીં મળ્યા બરાબર બની રહ્યો. પરદેશમાં રહીને ભારતની મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવવા માટેની પ્રક્રિયા પણ અઘરી અને બાબુશાહીના અવરોધોથી ભરપૂર હોવાનું જણાયું. તેમાં છેવટે એટલી સરળતા કરી નાખવામાં આવી કે કોઇ પણ બિનનિવાસી ભારતીય પોતાના ભારતીય પાસપોર્ટની જાતે પ્રમાણિત કરેલી (સેલ્ફ અટેસ્ટેડ) નકલ રજૂ કરીને મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરાવી શકે. છતાં, મંત્રી વી.રવિના જણાવ્યા પ્રમાણે, આ યોજનાનો બહુ મોળો પ્રતિસાદ મળ્યો છે. બિનનિવાસી ભારતીયો ઇચ્છે છે કે મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેમને ભારત સુધી લાંબા ન થવું પડે અને વિદેશમાં રહીને જ મત આપી શકાય એવી વ્યવસ્થા સરકારે કરવી જોઇએ.

એન.આર.આઇ.મહિમા

‘ઊંટ મરે ત્યારે મારવાડ ભણી જુએ’ એવી કહેણી પ્રમાણે ઘણાખરા બિનનિવાસી ભારતીયો જીવનની આનંદ અને શોકની તમામ અવસ્થામાં પોતપોતાના ‘મારવાડ’ (દેશ) ભણી જુએ છે. આ લાગણી કાવ્યાત્મક રીતે વ્યક્ત કરતાં ‘સારે જહાંસે અચ્છા હિંદોસ્તાં હમારા’માં કવિ ઇકબાલે લખ્યું હતું, ‘ગુરબતમેં હો અગર હમ, રહેતા હૈ દિલ વતનમેં/ સમજો વહીં હમેં ભી, દિલ હો જહાં હમારા’. (તન ભલે વતનથી દૂર હોય, પણ મન તો વતનમાં જ છે)

બિનનિવાસી ભારતીયોનો સમુહ પહેલાં ‘અમે ભલે દૂર રહ્યા, પણ અમને તમારી સાથે જ ગણજો’ એ પ્રકારની લાગણી વ્યક્ત કરતો હતો. હવે તેમની લાગણી જ નહીં, માગણી પણ એવી રહે છે કે તેમને ભારતના નાગરિકો સમકક્ષ ગણવામાં આવે. સરકાર પાસેથી ઘરના (દેશના) માણસ જેવી બેરોકટોક પહોંચ અને મહેમાન જેવાં માન-પાન- સુવિધા-દરજ્જો મેળવવા માટે તે ઉત્સુક હોય છે.

કેન્દ્ર સરકાર પાસે અપેક્ષા રાખવામાં દેશના એક અબજ નાગરિકો ઓછા છે, તે એ દેશની બહાર રહેનારા ‘મૂળનિવાસી’ઓની માગણી પર ઘ્યાન આપે? પરંતુ વિદેશમાં રહેતા ભારતીયો ભારતમાં અઢળક ભંડોળ જમા કરાવે છે. એક અંદાજ પ્રમાણે, વર્ષ ૨૦૧૦માં વિદેશમાં વસતા ભારતીયોએ બઘું મળીને પંચાવન અબજ ડોલર જેટલી રકમ ભારત મોકલાવી હતી. તેમના અવાજને ભારત સરકાર સાવ અવગણી શકતી નથી.

એન.આર.આઇ.ના ભંડોળ ઉપરાંત તેમની અવરજવર અને તેમની સિદ્ધિઓનો પણ ભારત અને ભારતવાસીઓને ઘણો ખપ હોય છે. બિનનિવાસી ભારતીયો દેશમાં આવે ત્યારે તેમની અધધ ખરીદીભૂખને કારણે સ્થાનિક બજારો ઊંચકાય છે. પોતાના ગામ જતી વખતે સામાનના ખડકલા કરનારા ઉત્તર પ્રદેશ- બિહારના કામદારો પ્રત્યે તુચ્છકાર સેવનારા લોકો, સામાનથી લદાયેલાં પરદેશી એન.આર.આઇ. પ્રત્યે અહોભાવની નજરે જુએ છે. બિનનિવાસી ભારતીયો શિયાળામાં ‘દેશ’ની મુલાકાતે આવે ત્યારે તેમના મનમાં રૂપિયાને બદલે ડોલર (કે પાઉન્ડ)નું મીટર ફરતું હોય છે. ખરીદી કરવાની વાત આવે એટલે તે ‘સુપરમેન’ બની જાય છે. મોટા ભાગના સ્થાનિક લોકો જે કિંમત સાંભળીને બેભાન થઇ જાય એવી કિંમતોમાં તે કપડાંથી માંડીને અનેક ચીજોની ખરીદી કરે છે. આ સીઝનમાં કોઇ સ્થાનિક ગ્રાહક ભાવતાલ કરવા જાય ત્યારે ‘તમે રહેવા દો. આ તમારા માટે નથી. તમારે આ સીઝનમાં આવવું જ નહીં.’ એવું દુકાનદારો મોઢે કહી શકે છે.

બિનનિવાસી ભારતીયોની સિદ્ધિ વિશે ગૌરવ લેવાનું આવે ત્યારે પણ ભારતીયો લધુતાગ્રંથિના માર્યા શરમજનક પડાપડી કરે છે. કલ્પના ચાવલા કે સુનિતા વિલિયમ્સ જેવા વર્તમાનકાળના કિસ્સામાં અને નોબેલ પારિતોષિક વિજેતા હરગોવિંદ ખુરાના જેવા ભૂતકાળના કિસ્સામાં એ વૃત્તિ અનેક વાર દેખાઇ આવે છે.

વતનપ્રેમ અને વિકૃતિ

બહુમતી એન.આર.આઇ.માં દેશ છોડ્યા પછી દેશપ્રેમના ઉભરા પેદા થાય છે. વતનઝૂરાપો સ્વાભાવિક છે. માનવીય પણ છે. છતાં તેનો અતિરેક હાસ્યાસ્પદ બને છે. દેશ છોડીને વિદેશમાં વસેલા ભારતીયોના મોઢેથી અવિરત ભારતમહિમા સાંભળ્યા પછી ઘણી વાર એવો સવાલ થાય કે દેશમાં ખરેખર આટલું સારું હોય તો તેમને વિદેશ જવાની જરૂર કેમ પડી? દેશ છોડ્યા પછી દેશની કેટલીક બાબતોની કિંમત થાય એ સમજી શકાય એવું છે. છતાં વતન અને નવા વસવાટ વિશે વાત કરતી વખતે બહુ ઓછા લોકો સંતુલન જાળવી શકે છે.

મોટા ભાગના એન.આર.આઇ.ની સૌથી મોટી સમસ્યા એ હોય છે કે તેમણે જે સમયે ભારત છોડ્યું હોય, તે સમયગાળો તેની તમામ મર્યાદાઓ અને ખામીઓ સહિત તેમના મનમાં ફ્રીઝ થઇ જાય છે. ગયો હોય છે. એટલે, અમેરિકા કે બ્રિટન જેવા દેશોમાં વર્ષો બલ્કે દાયકાઓ ગાળ્યા પછી પણ એ સમાજમાંથી લેવા જેવાં મૂલ્યો તે લઇ શકતાં નથી અને ભારતની સમાજવ્યવસ્થા અને સંકુચિતતાનાં છોડવાં જેવાં ‘મૂલ્યો’ છોડી શકતાં નથી.

શિયાળામાં ગુજરાત કે ભારત ઉમટી પડતાં કેટલાં એન.આર.આઇ. પોતાની સાથે અંગ્રેજ-અમેરિકન સંસ્કૃતિની જાણેઅજાણે થયેલી વાનરનકલ સિવાયનાં, તેનાં હકારાત્મક મૂલ્યો લઇને આવે છે? ઘણી વાર તો એવું લાગે કે એ લોકો ‘ત્યાં’ રહીને એ દેશોના રીતરિવાજ પ્રમાણે બદલાયા હશે, તો પણ વતનમાં આવે ત્યારે પોતે કેવળ બહારથી જ (પહેરવેશ અને આર્થિક સ્થિતિમાં) બદલાયા છે - ભીતરથી એટલા જ ‘ભારતીય’ છે, એવું બતાવવામાં ગૌરવ સમજે છે. અહીં ‘ભારતીય’નો અર્થ છેઃ જ્ઞાતિવાદી, સંકુચિત મનોવૃત્તિ ધરાવતા, વૈચારિક રીતે પછાત, અંધશ્રદ્ધાળુ, ધાર્મિકતા-આઘ્યાત્મિકતાના નામે ગમે તેવા બાવાબાવીઓને ધંધાની ઉત્તમ તક પૂરી પાડનારાં અને છોગામાં આ બધાં લખ્ખણોને ‘ભારતીય સંસ્કૃતિ’નો પર્યાય ગણીને તેને છાતીએ ચાંપી રાખનારાં- પોતાનાં સંતાનોને પણ એ રસ્તે ધકેલવાનો પ્રયત્ન કરનારાં. છેલ્લા દાયકામાં તે ભારતની ‘પ્રગતિ’ જોઇને હરખાય છે, કારણ કે કેટલાક શહેરી ભારતીયોને જેમ ઘણાખરા બિનનિવાસી ભારતીયો વાસ્તવિક સમસ્યાઓ અંગે સુખપૂર્વક અજ્ઞાન સેવે છે.

સારા રસ્તા, શોપિંગ સેન્ટરોની અને હોટેલોની ઝાકઝમાળ, ઇન્ટરનેટ કનેક્શન, ડાયરેક્ટ ફ્‌લાઇટ જેવાં પરિબળોના આધારે તે ભારતની પ્રગતિનું માપ કાઢે છે. સમસ્યાઓની વાત આવે તો તેમાંના ઘણાની યાદી ભ્રષ્ટાચારથી શરૂ થાય છે ને ત્યાં જ અટકી જાય છે. જ્ઞાતિવાદ અંગે તેમની સાથે વાત કરવી અઘરી પડે છે. કારણ કે વિદેશમાં ગયા પછી ઘણી વાર તે હોય એના કરતાં પણ વધારે સંકુચિત બન્યા હોય છે. જમીનહક જેવા પ્રશ્નો અંગે તેમની જાણકારી અને એ મેળવવાની ઇચ્છા નહીંવત્‌ હોય છે. આવા બિનનિવાસીઓને તેમની માગણી પ્રમાણે, વિદેશમાં રહીને પોસ્ટથી કે ભારતીય એલચી કચેરીઓમાં મતનો અધિકાર આપવામાં આવે, તો એ ભારતીય મતદાતાઓને અન્યાય ગણાશે. દેશની સમસ્યાઓની સાચી સમજણ વિના અને કરવેરા સ્વરૂપમાં સમૃદ્ધ નાગરિક તરીકે પોતાનો હિસ્સો આપ્યા વિના, તેમને મળતો મતાધિકાર ચૂંટણીશાહી બનેલી ભારતની લોકશાહી માટે અવળી દિશામાં વઘુ એક પગલું બની રહેશે.